સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

લોકની બુદ્ધિ તથા જાડ્યતા ઉપર રમુજની વાતો

એક શેઠ હતો તે બીજા શેઠને લાખો રૂપિયા ધીરતો હતો. એમ ઘણાક દિવસ એક બીજાને વહેવાર ચાલ્યો. પછી એક દિવસ શેઠને વિચાર થયો જે, “હું આ શામળશેઠને લાખો રૂપિયા ધીરૂં છું પણ તેનો ઓછાડ કેવો છે તેનો મારે તપાસ કરવો જોઈએ, નહીં તો કોઈ દિવસ મારા લાખો રૂપિયાને ટાઢા કરશે.” એમ વિચાર કરીને પોતાના દીકરાને બોલાવીને કહ્યું જે, “હું છ મહિનાની મુસાફરી કરવા માટે જાઉં છું.” પછી પોતે જે શેઠને રૂપિયા ધીરતો હતો તેને પણ માણસ મોકલીને અગાઉથી ખબર આપ્યા જે, “અમુક દિવસે શેઠ તમારે ત્યાં આવશે.” પછી પેલે શેઠે પોતાની જેટલી સાહેબી હતી તે તમામનો દેખાવ કર્યો અને શેઠ જ્યારે તેને ગામ ગયા ત્યારે વાજતે ગાજતે સામૈયું કર્યું અને પોતાને ઘરે તેડી ગયો. એક-બે દિવસ શેઠ રહ્યા અને કેટલાક પ્રકારની આગતા સ્વાગતા પણ કરી. તે જોઈને શેઠના મનમાં એમ થયું જે, “આપણું કાંઈ ખોટું થાય તેમ નથી.” પછી એક દિવસ પોતે જમીને હીંડોળા ખાટે હીંચકતા હતા. ત્યારે શેઠે કહ્યું જે, “તમારે જેટલા રૂપિયા જોઈએ તેટલા સુખેથી મંગાવી લેજો.” એમ જ્યાં વાત કરે છે તેટલામાં શેઠનો ગુમાસ્તો આવ્યો અને શેઠને કહ્યું જે, “શેઠ, આ ખોડા ઢોરનો ધર્માદો કયા ચોપડામાં જમા કરવો છે?” ત્યારે શેઠે કહ્યું જે, “આપણો ધર્માદાનો ચોપડો છે તેમાં નોંધો.” પછી પેલા શેઠે પૂછ્યું જે, “ધર્માદો તમારે ઘરે રહે છે?” શેઠ કહે, “હા, આખા શહેરનો ધર્માદો મારે ત્યાં રહે છે. ખોડા ઢોરનો, પારેવાનો, ગાયોનો, બાવાનો, અતીતનો, વિષ્ણુનો, શંકરનો, સર્વેનો ધર્માદો મારે ત્યાં રહે છે.” તે સાંભળીને શેઠે વિચાર કર્યો જે, “આને જ્યારે ધર્માદો ખવાશે ત્યારે આનો વહેવાર નક્કી તૂટી જાશે અને તે દિવસે મારા રૂપિયા પણ ટાઢા થશે.” પછી બીજે દિવસે જમીને બન્ને શેઠ હીંડોળા પર હીંચકતા હતા ત્યારે શેઠે કહ્યું જે, “શેઠ, જ્યારે તમારે હુંડી લખવી હોય ત્યારે અગાઉથી મને લખી જણાવજો.” તે સાંભળીને શેઠના મનમાં શંકા થઈ જે, “ગઈ કાલે મને આમ કહેતો હતો. આજ આમ બોલે છે તેનું કારણ શું?” પછી સોગંદ દઈને પૂછ્યું જે, “આમ તમે કહ્યું, તેનું કારણ શું?” શેઠ કહે, “વખતે હું ન હોઉં અને તમારી હુંડી પાછી ફરે તે ઠીક નહીં.” પછી શેઠે બહુ બહુ આગ્રહ કરીને પૂછ્યું જે, “મને નક્કી કહો.” પછી શેઠ કહે, “તમારે ઘેર ધર્માદો રહે છે જ્યારે તેનું વ્યાજ તમારાથી ખવાશે ત્યારે તમારે દીવાળું કાઢવાનો વખત આવશે.” પછી શેઠે પ્રતિજ્ઞા લીધી જે, “આજથી હવે મારે ધર્માદો ન રાખવો.” સાખી:

‘કાચો પારો ને બ્રહ્મરૂપ શિવનિર્માલ્ય જે ખાય,

ઈશ્વર કહે પાર્વતીને જડ મૂળથી જાય.’ ॥૧૦૪૦॥

એક શેઠ હતો તે નિરંતર પોતાના ઈષ્ટદેવનો ધર્માદો કાઢતો હતો. પછી એક દિવસ તે શેઠ કોઈ મોટા શહેરમાંથી પાંચ-દશ હજાર રૂપિયાનું કાપડ વિગેરે માલ વહાણમાં ભરીને આ કાંઠે લાવ્યો. અને તે નજીકના ગામમાં કોઈ પોતાની પીછાનવાળો કોઈક વાણિયો રહેતો હતો. શેઠે વિચાર કર્યો જે, “મારું ગામ અહીંથી પાંચ-દશ ગાઉ દૂર છે અને આ શેઠ મારા સ્નેહી છે માટે આ માલ તેને ત્યાં ભલે રહ્યો, કેમ કે તે મારો વિશ્વાસપાત્ર છે.” પછી તે વાણિયાને કહ્યું કે, “આ મારો માલ છે તે તું તારે ત્યાં પાચ દિવસ સાચવીને રાખજે.” વાણિયે રાજી થઈને કહ્યું જે, “બહુ સારૂં. તમારે જોઈએ ત્યારે સુખેથી લઈ જજો અને મારૂં ઘર છે તે તમારૂં જ ઘર છે.” શેઠ પણ કેટલીક દેખરેખમાં પોતાનો માલ સોંપી પોતાને ઘરે ગયો. અહીંયાં વાણિયાની મતિ બગડી તેથી તે શેઠનો માલ બીજે ઠેકાણે મૂકીને રાત્રે પોતાની દુકાનમાં અગ્નિ લગાડ્યો અને બૂમો પાડી રોવા લાગ્યો જે, “દોડો દોડો.” મારી દુકાનમાં અગ્નિ થયો ને એકદમ બુંગીયો ઢોલ સાંભળીને માણસો ભેગાં થઈ ગયાં અને દુકાનને ઓલવી નાંખી. વાણિયો બહુ કલ્પાંત કરવા મંડી ગયો જે, “મારૂં બળી ગયું તે તો ખેર પણ મારા શેઠનો વીશ હજાર રૂપિયાનો માલ બળી ગયો. તેને હું શું જવાબ આપીશ?” સૌ માણસો કહેવા લાગ્યા જે, “આ છાની વાત ક્યાં છે? અને અગ્નિ કોઈની મહોબત રાખે તેવું છે? માટે ભવિષ્યમાં જે થવાનું હતું તે થઈ રહ્યું, હવે કલ્પાંત કરવાથી કાંઈ પાછું આવે તેમ નથી અને અમે સૌ સાક્ષી છીએ.” પછી બીજે દિવસે તે વાણિયે માણસ મોકલીને તે વાણિયાને તેડાવ્યો. પછી તે શેઠે કાગળ વાંચીને પોતાના મનમાં નિશ્ચય કર્યો જે, “ગમે તેમ થાય પણ મારૂં બળે નહીં.” પછી તે શેઠ જ્યારે આ ગામે આવ્યો ત્યારે વાણિયો બહુ કલ્પાંત કરવા લાગ્યો. ત્યારે શેઠે કહ્યું જે, “શેઠ! શા માટે કલ્પાંત કરો છો. માલ બળ્યો તો મારો બળ્યો છે તેમાં તમારે શું?” વાણિયો કહે જે, “મારે ને તમારે ઘણો જુનો નાતો અને મારે માથે આ નામોશી આવી?” શેઠ કહે, “જેમ થયું તેમ થયું. હવે તે કાંઈ પાછું નહીં આવે.” તો પણ શેઠ તો અતિશય દિલગીરી કરવા લાગ્યા. પછી રોટલા જમી રહ્યા કેડે કાપડવાળા શેઠે કોરટમાં જઈને ફરીયાદી કરી જે, “સાહેબ! મારો માલ બળ્યો નથી!” કોરટવાળા અમલદાર કહે જે, “તેની દુકાન બધી બળી ગઈ છે. તે અમે સૌ જાણીયે છીએ.” વાણિયો કહે, “ગમે તેમ કરો પણ મારો માલ બળે નહીં, અને ત્રીજે ઠેકાણે હોવો જોઈએ.” તે સાંભળી ન્યાયાધીશે કહ્યું જે, “તેની શી પરીક્ષા થાય જે તમારો માલ બળ્યો નથી.” શેઠ કહે કે, “તેની પાઘડી અને મારી પાઘડીને વળ દઈ તેનો કાકડો કરાવો અને તેને તેલમાં પલાળીને સળગાવો અને તેમાંથી જો મારી પાઘડી રહે તો એમ જાણજ્યો જે મારો માલ છે બળ્યો નથી.” પછી સૌએ મળીને તેમ ઠરાવ કર્યો જે, “શેઠ કહે છે તે સત્ય છે.” પછી બેઉની પાઘડીયો ભેળી કરીને વળ દઈને કાકડો કરીને અગ્નિમાં સળગાવી તે વળે વળે પેલા વાણિયાની પાઘડી બળી ગઈ અને કાપડવાળા શેઠની પાઘડી અનામત રહી. તે જોઈને સૌને આશ્ચર્ય થયું જે, “આ શું?” શેઠે કહ્યું જે, “ભાઈઓ! સૌ સાંભળો! હું વૈષ્ણવ છું. એટલે રોજનો ધર્માદો સાંજે મારાં ઈષ્ટદેવને અર્પણ કરું છું. સાંજ પડે જે રકમ કમાઉ તેમાંથી દસમો ભાગ મારા ઈષ્ટદેવને અર્પણ કરું છું માટે મારું કોઈ રીતે કાંઈ બળે નહીં.” પછી ન્યાયાધીશે પોલીસ મોકલીને તે વાણિયા પાસેથી શેઠનો માલ સ્વાધીન કરાવ્યો અને તેને સજા કરી અને તેની ઘરવખરી બળી ગઈ તે તેને લાભ થયો અને બેઆબરૂ થયો માટે ધર્મ છે ત્યાં જ જય છે. માટે સૌએ સત્ય બોલવું અને સત્ય ક્રિયા કરવી અને પોતાના ઈષ્ટદેવની દશોંદ-વીશોંદ કાઢવી તો તેના ઉપર ભગવાન સહાયભૂત રહે છે પણ ઉપલે ડોળે ભગવાન રીઝે તેમ નથી. ॥૧૦૪૧॥

પંઢરપુરમાં એક મોટો નગરશેઠ હતો. તે બસો માણસનો સંઘ લઈને કાશીયે જાત્રા કરવા સારૂ ચાલ્યો ને તમામ માણસનો ખરચ પોતાને માથે રાખ્યો હતો. પછી જતાં જતાં જ્યાં કાશી દશ-બાર કોશ દૂર રહી એટલે એક ગામને પાદર પોતે મુકામ કરીને રહ્યો અને રાત્રીએ જ્યાં સૂતો હતો ત્યાં ગંગાજીએ આવીને તેને દર્શન દઈને કહ્યું જે, “તું બસો માણસનો સંઘ લઈને ભલે કાશીએ આવ્યો, પણ તીર્થયાત્રાનું ફળ તને નહિં મળે.” વાણિયે કહ્યું, “કાં માતાજી! કેમ નહિં મળે?” ગંગાજી કહે, “તારી ભેળો પુંડરીક નામે બ્રાહ્મણ છે અને તે બન્ને દંપતી પુરુષ પોતાના માતપિતાને બહુ જ સંતાપે છે માટે તેને રજા આપ્ય, તો તને યાત્રાનું ફળ મળશે.” પછી એમ કહીને ગંગાજી અદૃશ્ય થયાં. પછી સવારના પહોરમાં શેઠીયો નાહી ધોઈને તે દિવસે સૌ સંઘને પોતે સીધું આપવા બેઠો. નિરંતર તો પોતાના ગુમાસ્તા સીધું આપતા પણ આજ તો પેલા બ્રાહ્મણની પરીક્ષા કરવા માટે શેઠ પંડ્યે પોતે સીધું આપવા બેઠા. સીધું આપતા જાય અને સૌનાં નામ નોંધતા જાય એમ કરતાં કરતાં પુંડરીક બ્રાહ્મણ સીધું લેવા આવ્યો તેને શેઠે પૂછ્યું જે, “તમે કેટલા જણ છો?” ત્યારે બ્રાહ્મણે કહ્યું જે, “અમે સ્ત્રીપુરુષ બન્ને જણ છીયે.” શેઠે તેને સારી રીતે બે જણાનું સીધું આપ્યું અને કહ્યું, “જમીને તમે મારી પાસે આવજો.” પછી પુંડરીક જમીને શેઠ પાસે આવ્યો. શેઠે કહ્યું જે, “હું તમોને ઘરે પહોંચો ત્યાં સુધીનો ખરચ આપું અને તમે બન્ને જણા ઘરે પાછા જાઓ.” બ્રાહ્મણ કહે કે, “અમારો વાંક શો છે? તે પ્રથમ અમારો દોષ અમને સંભળાવો પછી અમે પાછા જઈએ.” શેઠ કહે કે, “આજ રાત્રે ગંગાજીએ મને દર્શન દઈને કહ્યું જે, “તારી સાથે પુંડરીક નામનો બ્રાહ્મણ છે તે મહાપાપી છે, કેમ કે તે બન્ને જણાં તેના માતાપિતાને બહુ દુઃખ આપે છે માટે તે જો આવશે તો તને યાત્રાનું ફળ નહીં મળે માટે તમે પાછા ઘરે જાઓ.” શેઠે પૂછ્યું જે, “તમારે માતાપિતા છે?” બ્રાહ્મણે કહ્યું, “હા, મારા માતાપિતા હૈયાત છે.” શેઠે કહ્યું, “જાઓ તમારાં માતાપિતાની ચાકરી કરો.” પછી તેઓ બન્ને જણા ઘરે આવીને માબાપની ચાકરી એવી કરવા લાગ્યાં કે, “જે વસ્તુ માબાપ માગે તે વસ્તુ હાજર કરે.” એમ કરતાં કરતાં કેટલાંક વરસ વીતી ગયાં પછી એક દિવસ તે બ્રાહ્મણ પોતાના પિતાને જળથી મર્દન કરાવીને સ્નાન કરાવતો હતો. તે વખતે ભગવાન તેની પરીક્ષા જોવા માટે બ્રાહ્મણને વેશે આવીને ઉભા રહ્યા. તે વખતે પુંડરીકે પોતાના પિતાને નવરાવતાં નવરાવતાં એક હાથે ઈંટનો ઘા કરીને નાંખ્યો. તે ઈંટ્ય સોનાની થઈ ગઈ, તે ઉપર પંઢરપુરમાં ભગવાન સોનાની ઈંટ્ય ઉપર ઉભા છે એમ માતાપિતાની સેવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. માટે સૌએ માતાપિતા તથા ભગવાનરુપ ગુરુનું અપમાન કરવું નહીં. કેમ કે, “તે પણ પોતાના ઈષ્ટદેવ છે ને તીર્થરૂપ છે.” ॥૧૦૪૨॥

એક બ્રાહ્મણ હતો. તે એક ગામમાં ભાગવતની કથા કરતો હતો પણ પોતે વ્યભિચારી બહુ હતો ને એક સ્ત્રી સાથે પોતાને ખરેખરો સંબંધ થઈ ગયેલ. બાઈ પણ નિરંતર કથા સાંભળવાને જતી હતી. બ્રાહ્મણ પણ પોતાના મુખસ્વાદથી કેટલીક રસિક વાતો પણ કથાના પ્રસંગમાં કહેતો જતો. ભોળા માણસો વિશ્વાસ લાવી સાંભળ્યા જ કરતાં હતાં. ભાગવતનો પંચમસ્કંધ જ્યારે વાંચવામાં આવ્યો અને તેનો છવીશમો અધ્યાય જ્યારે વાંચ્યો. તેમાં યમપુરીનું તમામ વર્ણન આવ્યું અને પારકી સ્ત્રીનો જે સંગ કરે છે તેને યમદુતો સીસું ઉનું કરી મુખમાં રેડે છે અને લોઢાની સ્ત્રી તપાવીને લાલચોળ કરાવીને તેની સાથે આલિંગન વિગેરે કેટલુંક કુકર્મ કર્યાના ફળનું કેટલુંક વર્ણન આવ્યું. તે સાંભળી પેલી બાઈના મનમાં એમ થયું જે, “વોય મારો પીટ્યો ભાગવતમાં આવી વાતો છે અને મારી સાથે આવા ભૂંડાં કામ કરવા આવે છે.” બાઈ સાંજ વખતે કથા સાંભળીને પોતાને ઘરે રાંધણું કરવા ગઈ. બ્રાહ્મણ પણ સાંજની કથા સમાપ્ત કરીને તે બાઈને ઘરે બેસવા ગયો. બાઈએ બ્રાહ્મણને કહ્યું જે, “મહારાજ! આવું પાપ છે અને તમે આવા ભુંડાં કામો કરો છો? તે સાંભળીને મને ઘણો ત્રાસ થયો છે.” બ્રાહ્મણ બોલ્યો જે, “તમે ક્યારે હતા?” બાઈ કહે કે, “હું સાંજ સુધી હતી અને પછી રાંધણું કરવા આવી.” પછી બ્રાહ્મણ કહે, “અરે પછી તમે નહોતા.” બ્રાહ્મણ કહે, “તે પછી બધાં લોક મળીને ભગવાન પાસે અરજી કરવાં ગયાં જે આવું પાપ છે ત્યારે તમારે સ્ત્રીઓ સરજાવાનું શું કામ હતું? પછી લોકની અરજી સાંભળીને ભગવાનને રીસ ચડી તેથી જમપુરીને ખોદીને સમુદ્રમાં નાંખી દીધી અને ત્યાં તો ખળા જેવું કરી મેલવું કાંઈ ન મળે.” બાઈ બિચારી ભોળી હતી તેથી જાણ્યું જે, “મહારાજ સત્ય કહે છે.” બ્રાહ્મણ જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી તે જ રસ્તે રસ્તે ચાલ્યો. માટે કથા સાંભળવી તે શુદ્ધ બ્રાહ્મણ સત્સંગી હોય તેના મુખ થકી સાંભળવી પણ વિમુખ જીવના મુખ થકી કથા કે વાર્તા સાંભળવી નહીં. નિરંતર રાત્રિયે નિત્ય નિયમ બોલીએ છીએ તેમાં આવે છે કે ‘વિમુખ જીવકે વદનસે કથા સુણી ન જાય॥’ કેમ કે પોતે જો વિમુખ હોય તે લોકમાં અવળું સમજાવ્યાનું કરે. ॥૧૦૪૩॥

એક બ્રાહ્મણ હતો તે પણ એક ગામમાં ભાગવતની કથા કરતો હતો. તે પણ ધર્મભ્રષ્ટ હતો અને નિરંતર પોતે કથા કરીને અધર્મ કરતો હતો અને વાતોએ કરીને કેટલાક વિશ્વાસુ માણસોને ભરમાવતો હતો. પણ પોતાના મનમાં એમ જાણતો જે, “હું વ્યભિચાર અને અધર્મ કરું છું તેનું ફળ મારે યમપુરીમાં નિશ્ચે ભોગવવું પડશે.” એમ પોતાના મનમાં સમજતો હતો પણ ઇંદ્રિયોનો વેગ બહુ જ બળવાન છે. તેથી તેને ઘસડીને તે ક્રિયા કરાવે છે કેમ કે ઇંદ્રિયો સાથે જ્યારે મન ભળે ત્યારે ગમે તેવો ડાહ્યો માણસ હોય તો પણ તેનું મન સ્થિર થઈ શકે નહીં. પછી તે બ્રાહ્મણ એક મહિના સુધી કથા કરીને જ્યારે પોતાને ઘરે જવા ચાલ્યો, ત્યારે સૌ ગામનાં લોકો ભટ્ટજીને વળાવવા સારૂ ગયા. ભટ્ટજીએ સૌને સોગંદ આપી બળાત્કારે પાછા વાળ્યા પણ પોતાની હેતવાળી જે બાઈ હતી તે પાછી વળે નહીં. પછી ભટ્ટે કહ્યું જે, “બાઈ! હવે તમે ઉભા રહો.” બાઈએ આંખ્યામાં આંસુ લાવીને ગળગળી વાણીથી કહ્યું જે, “મહારાજ! આપણે હવે ક્યારે ભેગા થઈશું?” બ્રાહ્મણ બોલ્યો જે, “જો ગીતા ને ભાગવત સત્ય હશે તો કુંભીપાકમાં ભેગાં થાશું થાશું ને થાશું, નહીં તો કાંઈ કહેતો નથી. માટે હવે ઘણી થઈ પાછાં વળો.” પછી બાઈ પોતાને ઘરે ગઈ અને બ્રાહ્મણ પોતાને રસ્તે પડ્યો. માટે જાણતો થકો જો પાપ કરે તો તેને બમણી સજા પડે માટે કોઈએ જાણી જોઈને પાપ કરવું નહીં. કેમ કે, તેનું ફળ તેને જરૂર ભોગવવું પડે છે. ॥૧૦૪૪॥

એક બ્રાહ્મણ હતો તે કોળીના ગામમાં કથા કરવા ગયો. અને ત્યાં નિરંતર રામાયણની કથા કરતો હતો. તે સાંભળવાને માટે આખું ગામ એકઠું મળતું અને તેમાં જ્યારે સીતાજીના હરણ થયાની વાત આવી ત્યારે સૌ લોકે એમ જાણ્યું કે, “સીતાજી મનુષ્ય મટીને હરણીયું થઈ ગયાં.” એમ ઘણાંક દિવસ કથા કરીને બ્રાહ્મણે સૌ લોકોને રાજી કર્યા. એ લોકોએ પણ બ્રાહ્મણને દક્ષિણા આપીને રાજી કર્યો. પછી પોતે પોતાને ઘરે જવાને તૈયાર થયો. તે વખતે આખા ગામના લોકો બ્રાહ્મણને વળાવવા માટે ગામને પાદર સુધી આવ્યાં. બ્રાહ્મણે સૌને સોગંદ દઈને ત્યાં ઉભાં રાખ્યાં. પછી એક જણ બોલ્યો જે, “મહારાજ! તમે કથા કરી તેમાં એમ આવ્યું જે સીતાનું હરણ થયું તે પાછી માણસ થઈ કે હરણી ને હરણી રહી?” ત્યારે બ્રાહ્મણ કહે, “હરણ એટલે શું? તો રાવણ તેને લઈ ગયો. તેનું નામ હરણ પણ સીતાજી કાંઈ હરણી થઈ ગઈ નથી.” ત્યારે વળી બીજો બોલ્યો જે, “બ્રાહ્મણ! તું ઉભો રહે ઉભો રહે. તેં કથા કરી તેમાં રામ રાક્ષસ કે રાવણ રાક્ષસ?” બ્રાહ્મણ પોતાના મનમાં વિચારીને બોલ્યો જે, “ભાઈ! રામ રાક્ષસ નહીં અને રાવણ પણ રાક્ષસ નહીં પણ તું ને હું બન્ને રાક્ષસ. મેં તારી આગળ કથા કરી તેમાં તું કાંઈ સમજ્યો નહીં.” પછી બ્રાહ્મણ સાખી બોલ્યા:

‘કીધું કાંઈ ને સમજ્યો કશું, આંખ્યનું કાજળ લઈને કપાળે ઘસ્યું’

કેમ કે અજ્ઞાની માણસ પાસે કથા કરવી તે આવું છે. ॥૧૦૪૫॥

એક બ્રાહ્મણ હતો તે કોઈ ગામમાં રામાયણની કથા વાંચતો હતો. તે કેવળ મુખસ્વાદથી જ વાતો કરતો હતો પણ તેને શાસ્ત્રનો બિલકુલ વિશ્વાસ નહોતો. અને કેટલાક લોકો રામાયણની કથા સાંભળવા હંમેશા એકઠા થાતાં. તેમાં એક દિવસ કોઈક પરગામની ભરવાડ્યો દૂધ વેચવા આવી હતી. તે બ્રાહ્મણની કથા સાંભળવા ત્યાં ઘડીક ઉભી રહી. તે વખતે રામચંદ્રજી જ્યારે સમુદ્રની પાજ બાંધીને લંકામાં પધાર્યા છે તે વાત આવી જે, “વાંદરાઓ રામનું નામ લઈ લઈને પથ્થરને પાણીમાં મેલે એટલે પથ્થર પાણી ઉપર સ્થિર થાય.” તે સાંભળી તે ભરવાડ્યોના મનમાં એમ થયું જે, “રામ નામે પથરા તર્યા તો આપણે શા માટે ન તરીચે? કેમ કે આપણે જવા-આવવાનો રસ્તો ઘણો જ કઠણ છે અને નિરંતર વહાણવાળાની વાટ જોવી પડે છે. માટે આપણે પણ રામનામથી પાણી ઉપર ચાલી જાશું.” તે ભરવાડ્યું ઘણી જ નિર્મળ મનવાળી હતી. તેથી પોતાના મનમાં રામનામનો વિશ્વાસ આવતો હતો તેથી ભરવાડ્યો નિરંતર સમુદ્રની ખાડી ઉપર ચાલીને નિરંતર દૂધ વેચીને પોતાને ઘરે જતી હતી. અને પછી એક દિવસે બ્રાહ્મણે તેને પૂછ્યું જે, “બાઈઓ, તમે શી રીતે જાઓ છો? કેમ કે તમારે વચ્ચે એક માઈલની ખાડી છે.” બાઈઓ કહે કે, “અમને તમારી કથામાંથી એવું હાથ આવ્યું છે જે પાણી ઉપર ચાલીને જઈએ છીએ ને આવીએ છીએ.” બ્રાહ્મણ કહે, “શું?” ભરવાડ્યું કહે, “તમે કથા વાંચતા હતા તેમાં એમ આવ્યું જે, ‘રામ નામે પથરા તર્યા તો અમે શા માટે ન તરીયે?’ તે માટે અમે રામ રામ કરતીયું ખાડી ઉપર ચાલીયે છીએ અને તે પ્રમાણે પાછી આવીયે છીએ.” બ્રાહ્મણે વિચાર કર્યો જે, “આને તો બે જ અક્ષર હાથ આવ્યા છે અને મારી પાસે તો આખું રામાયણનું પુસ્તક છે માટે મારે પણ વહાણનું શું કામ છે?” પછી બ્રાહ્મણ કથા કરીને ઘરે ચાલ્યો ત્યારે સૌ લોક વળાવવા માટે ગયા. બ્રાહ્મણે તે સૌને પાછા વાળ્યા પછી કેટલાક માણસે કહ્યું જે, “વહાણ વગર ખાડીમાં શી રીતે જઈ શકશો, મહારાજ?” બ્રાહ્મણ કહે, “મારી પાસે એક મંત્ર છે તો હું ચાલ્યો જઈશ.” પણ પોતાના મનમાં રામનામનો બિલકુલ વિશ્વાસ નહોતો. પછી માથે પુસ્તક લઈને ખાડીમાં જ્યાં ચાલવા જાય ત્યાં બે-ત્રણ ડગલા ચાલ્યો ત્યાં તો તે ખાડીમાં બુડીને મરી ગયો કેમ કે તેને રામનામનો બિલકુલ વિશ્વાસ નહોતો. માટે ભગવાનનો વિશ્વાસ હોય તો માણસો ભવસાગર તરી શકે છે, નહીં તો સંસારસાગર તરવો મહામુશ્કેલ છે. સાખી:

રામ રામ સબ કહત હે, દિલ સત્ય કહે ન કોય॥

(એક વાર દિલ સત્ય કહે, તો કોટી યજ્ઞ ફળ હોય॥

મથુરા શબ્દ અમુલ્ય હે, આદ્ય અંત જપ લે॥

સો જાકું મુખમે નહીં, તાકુ વચલો દે॥)

જેના મોઢામાં રામનામ એવો શબ્દ નથી તો તેના મોઢામાં તો થુંકવું માટે સૌએ રામનું ભજન કરવું. ॥૧૦૪૬॥

એક ગામમાં મહાભારતની કથા વંચાતી હતી. ત્યાં સાસુ-વહુ કથા સાંભળવા જતાં. તેમાં દ્રૌપદીજીના વિવાહના સ્વયંવરની વાત આવી જે, “દ્રૌપદીજીએ પાંચ પતિ કર્યા તો પણ સતી કહેવાણી.” તે વાત સાંભળીને વહુના મનમાં એમ થયું જે, “દ્રૌપદીજીએ પાંચ પતિ કર્યા તો પણ સતી કહેવાણા. માટે આપણે પણ પાંચ પતિ કરીએ ત્યાં સુધી (દ્રૌપદીજી જેવા) કહેવાઈએ.” પછી કથાને અંત્યે સાસુ ઉઠ્યાં ત્યારે સાસુએ કહ્યું જે, “વહુબા! કથામાં કાંઈ સમજ્યાં?” વહુ કહે, “હા, બાઈજી! પાંચ પતિ કરીયે ત્યાં સુધી તો દ્રૌપદીજી જેવાં સતી કહેવાઈએ. એથી જો વધારે પતિ કરીયે તો તેમનાથી પણ મોટાં વધારે સતી કહેવાઈયે.” માટે અજ્ઞાની માણસને કથા સાંભળવા લઈ જઈએ તો વહુના જેવું ઉલટું સમજીને પાપવૃત્તિમાં પડે. ॥૧૦૪૭॥

એક ગામમાં એક બ્રાહ્મણ કથા કરતો હતો. ત્યાં આખા ગામનાં માણસો કથા સાંભળવા જતા. તે ભેળો એક સુરદાસ પણ હમેશાં કથા સાંભળવાને આવતો હતો. સુરદાસને કાંઈ કથામાં બેસવાને માર્ગ નહીં મળવાથી એક અગોચર જેવો ખુણો હતો ત્યાં હમેશાં બેસતો. પછી સુરદાસને ગંદકીવાળી જગ્યામાં મચ્છર બહુ કરડતાં. પછી સુરદાસ વિચાર કરે જે, “કથા ક્યારે પુરી થાય? અને મારો છૂટકો થાય?” એમ કરતાં કરતાં સાંજે કથાની સમાપ્તિ થઈ ત્યારે કથા વાંચનાર ભટ્ટ બોલ્યો જે, “સુરદાસજી!” ત્યારે સુરદાસ બોલ્યો જે, “ભટ્ટજી મહારાજ!” ભટ્ટ કહે, “કથા ઉઠી.” સુરદાસ કહે, “પાપ છૂટી. મહારાજ મોકળા ફરશું.” તેમ જેને અંતઃકરણમાં સુખ-શાંતિ ન હોય તેને કથામાં રસ આવતો નથી. કેમ કે અંતરના દોષ મચ્છર ને ડાંસ જેવા છે તે સુખ આવવા દેતા નથી. ॥૧૦૪૮॥

એક ગામમાં ભાગવતની કથા થાતી હતી. પછી બે ભાઈબંધ હતા. તેઓમાં એક વક્તા સારો હતો. તેને નિરંતર કથાનો રસ એવો આવતો કે, “જાણે ત્યાં જ નિરંતર બેસી રહેવાનું મન થાય.” જ્ઞાનમાર્ગ પૂરો સમજતો હતો પછી તેના મનમાં એમ થયું જે, “આવો હરિરસ વંચાય છે માટે મારા ભાઈબંધને એક વખત કથા સાંભળવા તેડી લાવું તો તેને હરિરસ સારો લાગવાથી પછી પોતાની મેળે નિરંતર કથા સાંભળવા આવશે.” એમ વિચારીને પોતાના ભાઈબંધને કહ્યું જે, “આજ તો તું હરિરસ સાંભળવાને ચાલ્ય.” તેનો ભાઈબંધ બોલ્યો જે, “હરિરસ કેવો હશે?” જ્ઞાનીએ કહ્યું જે, “હરિરસ મીઠો અમૃત જેવો દૂધ જેવો હોય.” પછી તેને કથા સાંભળવા માટે લઈ ગયો એટલે તે તો એક થાંભલાને ઓઠીંગણ દઈને એક કોરે બેઠો. કથા સાંભળતા સાંભળતા નિંદ્રાવશ થઈ ગયો. તેવામાં એક મોટો કૂતરો આવીને ઉંચો પગ કરીને તેના મોઢામાં મૂતર્યો અને ઘડીક વાર થઈ રહી એટલે નિંદ્રામાંથી જાગ્યો અને થુથુ કરવા માંડ્યો. પછી કથા થઈ રહી એટલે તેને ભાઈબંધે પૂછ્યું જે, “કેમ, ભાઈ! હરિરસ કેવો મજાનો?” પેલો મૂરખ બોલ્યો જે, “તારો હરિરસ ખારો ધુંધવા જેવો.” પછી બીજે દિવસ કથા સાંભળવા તેને તેડી ગયો અને તે જ સ્થાનકે બેસાર્યો ત્યારે પણ તે નિંદ્રાવશ થઈ ગયો. પછી પેલો જ્ઞાની સાકરની ચપટી ભરીને તેના મોઢામાં નાંખી આવ્યો. પછી ઘડીક વાર થઈ અને કથાની સમાપ્તિ થઈ ત્યારે તે જાગ્યો અને તેના ભાઈબંધે પૂછ્યું જે, “કેમ, ભાઈ! હરિરસ કેવો લાગ્યો?” પછી પેલો મૂરખ બોલ્યો જે, “આજ તો હરીરસ બહુ ગળ્યો લાગ્યો.” તેમ જેને જ્ઞાન છે તેને હરિરસની ખબર પડે છે તે હરીરસ કયો? તો જે પરમાત્માની કથા સાંભળવામાં પોતાનું ચિત્ત લીન થઈ જાય ને અજ્ઞાની માણસને ઉપર પ્રમાણે હરિરસ લાગે. ॥૧૦૪૯॥

એક ગામમાં ભાગવતની કથા વંચાતી હતી. ત્યાં આખા ગામના માણસ કથા સાંભળવા આવતાં હતાં. બંધાણી કાઠી પણ હમેશાં સાંભળવા આવતો. બંધાણી આદમી અને વળી અફીણ ઉતરી ગયેલું તેથી બેઠાં બેઠાં ડોલાં ખાતો હતો. તે વખતે તેના ચાકરે આવીને તેને જગાડ્યો અને બોલ્યો જે, “બાપુ! બાપુ! ચાલો રોટલા જમવા.” કાઠી એકદમ ઝબકીને જાગ્યો ને બોલ્યો જે, “સાકર ગો કે નથી ગો?” ત્યારે સૌએ કહ્યું જે, “બાપુ! આ તો ભાગવત વંચાય છે.” ત્યારે કાઠીયે કહ્યું જે, “ટાઢો પહોર થાય ત્યારે રોંઢડીયે જાજે.” તેમ સાખી

‘હાથમાં માળા અને મનમાં મેળ, કહે અખો એ સરવે ફેળ.’

તેમ કથા-વારતા સાંભળે અને મન વિષયમાં ભમે તે કથા કાંઈ પાર કરે નહીં. ॥૧૦૫૦॥

એક કાઠી તે મરવા સૂતો હતો પછી તેને છોકરે આવીને કહ્યું જે, “બાપુ! બાપુ! તમને એક ગાયનું દાન હું આપું છું.” કાઠી મરતાં મરતાં એમ બોલ્યો જે, “તારા છોરડાં છાશ વગર રહે તે મને ન ગોઠે. હું તો આગળ નાગતંબુરનો નેહ આવે છે તેમાંથી એક ધોળું લઈશ.” તેમ આ જીવ પણ મરતાં મરતાં પણ ખાતર પાડે તેવો છે પણ એમ નથી જાણતો કે યમરાજા પાસે જઈને ઉભો રાખશે તે વખતે શરીરના બંધે બંધ છુટી જશે. માટે ધર્મ છે તે જ જીવને પરલોકમાં સહાયતારુપ છે. ॥૧૦૫૧॥

એક કાઠીને ઘરે ગાય મરવા સુતી. તે વખતે કાઠીએ વિચાર કર્યો જે, “આપણે આ ગાયનું દાન કરીએ.” પછી પોતાના ગોરનું ઘર પોતાના ઘરને અડીને હતું. તેથી ઓસરીમાં ઉભો રહીને ગોરને સાદ કર્યો એટલે ગોરે હોંકારો આપ્યો. કાઠીયે કહ્યું જે, “મારે આ ગાયનું દાન કરવું છે. માટે ઝટ અહીંયાં આવ્ય.” ત્યારે ગોર કહે, “બાપુ! હું રોટલા જમું છું.” કાઠી કહે, “તારી મા! મરૂ જાતીસે.” પછી કાઠીએ ગાયનું પુંછડું વંડી નીચે ખાળ હતી તે સોંસરુ કાઢ્યું અને બ્રાહ્મણને ગાય કૃષ્ણાર્પણ કરીને જ્યાં ગોર કાઠીને ઘરે આવ્યો. ત્યાં તો ગાય મરી ગયેલી દીઠી. પછી તેનું ઢરડામણ ઉલટું ગોરને આપવું પડ્યું. માટે અંતકાલીયા દાન કરે તે કાંઈ પરલોકમાં સહાય કરે નહીં. માટે કોઈએ કાઠીના જેવું દાન કરવું નહીં. ॥૧૦૫૨॥

એક કાઠીએ એક નિયમ લીધું જે, “મારે ઘઉંનું પદાર્થ ખાવું નહીં.” પછી થોડાક દિવસ થયા એટલે કોઈનું કારજ આવ્યું અને સાટાજલેબી વિગેરે પકવાન્ન પંગતમાં પીરસવા મંડ્યા. ત્યારે નિયમવાળો કાઠી બોલ્યો જે, “માત્રા! આ શું આવે છે?” માત્રો કહે, “બાપુ! આ સાટા અને જલેબી આવે છે.” કાઠી કહે, “તે શેનું થાય?” માત્રો કહે, “ઘઉંનું થાય.” કાઠી કહે, “ઘઉંની તો હું બાધા ભણતો છું.” એમ જ્યાં વાત કરે છે ત્યાં તો પીરસનારો માણસ નજીક આવ્યો ત્યારે કાઠી બોલ્યો જે, “આપણે તો ચોખાની બાધા બા.” એમ કહીને સાટા જલેબી ખાધાં. પછી બીજે દિવસે દૂધ ચોખા ને સાકર જમવાના હતા ત્યારે કાઠીએ પૂછ્યું જે, “માત્રા! આ શું છે? શું આવે છે?” માત્રો કહે, “બાપુ એ તો દૂધ ચોખા ને સાકર છે.” ત્યારે કાઠી બોલ્યો જે, “આપણે તો ઘઉંનો ને ઘઉંનો નિયમ. ગધીનો હોય તે નિયમ ફેરવે બા.” એમ કહીને તે દિવસ દૂધ ચોખા ને સાકર જમ્યો. માટે કોઈને કાઠીના જેવું નિયમ રાખવું નહીં અને નિયમ રાખવું તો ઠેઠ પાર ઉતારે તેવું રાખવું. ॥૧૦૫૩॥

એક ગામમાં કાઠીની નાતને જમવાની પંક્તિ થઈ હતી. પછી સૌને જમવાને માટે તાંસળીયો આવી પણ એક કાઠીને તાંસળી આવી નહીં અને પોતે જે જગ્યાએ જમવા બેઠો હતો તે જગ્યાએ પોતાની આગળ પથ્થરનો ખાંડણીયો અનાજ ખાંડવાનો હતો. તે પીરસનારો પોતાની પાસે પીરસવા આવ્યો, ત્યારે કાઠી બોલ્યો જે, “ભણે મોસે તે આ નિઘામાં આપ્ય (ખંડણીયામાં). પછી પીરસનારો ખાંડણીમાં પીરસીને ચાલ્યો ગયો. કાઠીએ જાણ્યું જે, “હું વાસણ માંગવા રહીશ તો ભૂખ્યો રહીશ.” માટે જે વખતે જે પાત્ર મળ્યું તેમાં સંતોષ રાખીને નિર્વાહ કરી લેવો. ॥૧૦૫૪॥

એક પેથો કરીને ભરવાડ હતો. તેનો બાપ મરી ગયો હતો. પછી તેના બાપનું શ્રાદ્ધ સરાવવા માટે તેની માએ કહ્યું જે, “ગોર સાથે નદીએ તારા બાપનું શ્રાદ્ધ સરાવવા જા.” ગોર કહે કે, “પેલો પેથીયો સરાવવા આવ્યો હતો. તે હું કહું છું તેમ કરતો નથી.” તેની માએ પછી તેને ખૂબ ઠપકો દઈને કહ્યું જે, “પીટ્યા! જા ગોર કહે તેમ કરજે.” પછી ગોર હાથમાં જગતો છાણાનો રોઢો લઈને નદીએ ગયા. પછી ગોરે કહ્યું જે, “પેથા પોતીઉં...” ત્યારે પેથો બોલ્યો જે, “પેથા! પોતીઉ...” એમ બે-ચાર વાર ગોરે કહ્યું, તો પણ પેથે તેને સામો જવાબ આપ્યો. પછી ગોરને રીસ ચડી એટલે પેથાને ધોલ મારી. પેથે જાણ્યું કે, “હવે મારા બાપનું સરાવણું ચાલ્યું.” પેથે ઉપાડીને ગોરને ધોલ મારી. ગોરને રીસ ચડી એટલે પેથાને નીચે પાડીને ઉપર ચડી બેઠો પછી પેથે ગોરને ધક્કો મારીને ગોરને હેઠા નાંખીને તેના ઉપર પોતે ચડી બેઠો. ગોરની નીચે બરાબર ઝગતો છાણાનો રોઢો આવ્યો. તેથી ગોર ઘણા ઉછાળા મારે પણ પેથો ગોર ઉપરથી હેઠો ઉતરે નહીં. પછી ગોરે કહ્યું જે, “રાખ્ય, પેથા! હવે તારા બાપનું સરાવણું થઈ રહ્યું.” ત્યારે પેથો ગોર ઉપરથી હેઠો ઉતર્યો અને ગોર માંડ માંડ ઘરે ગયો. તેમ મૂરખની સાથે કામ કરવું તેનું પરીણામ આવું આવે. ॥૧૦૫૫॥

એક ગામમાં અમે ફરવા ગયા હતા. ત્યાં કેટલાક માણસો કથા-વાર્તા સાંભળવા આવ્યા હતા. તેમાં એક જણાનું મોઢું દાઝી ગયેલું જોઈ મેં પૂછ્યું જે, “ભાઈ! તારે મોઢે શું થયું છે?” ત્યારે તેણે કહ્યું જે, “મહારાજ! હું હુતાશણીનું પરબ જોવા ગયો હતો. તે સૌ તો જોઈને ઘરે પાછા ચાલ્યા આવ્યા પણ હું તો રાફડીયા સાંભળવા રહ્યો હતો. તે વખતે કોઈકે મને મોઢા ઉપર જગતો રોઢો માર્યો છે. તેણે કરીને મોઢું દાઝી ગયું છે.” તેમ આ જીવ એવો અવળો છે કે જગતા રોઢા ખાવા હોય ત્યાં જવા તૈયાર થાય પણ પરમેશ્વરની વાર્તા સાંભળવી હોય ત્યાં આળસ તથા નિંદ્રા આવે. ॥૧૦૫૬॥

એક ગામમાં એક ગરાસીયો હતો. તે મૃત્યુને પામ્યો એટલે તેનો તમામ સામાન સજ્યામાં કલ્પીને ગોરને આપ્યો. ગોર પણ લોભને લીધે એટલા સામાનથી સંતોષ ન પામ્યો. ગોરના મનમાં અભિલાષા રહી જે, “જ્યાં સુધી સામાન સહિત ઘોડી નથી લીધી ત્યાં સુધી કાંઈ ન કર્યું. માટે ગમે તેમ યુક્તિ કરીને તેની ઘોડી સામાન સહિત લેવી.” પછી એક દિવસ તો ગોર ગરાસીયાના દીકરાને આશીર્વાદ આપીને તેની પાસે બેઠો અને સમાચાર કહ્યા જે, “આજ તો સ્વપ્નામાં મને બાપુ દેખાણા અને બાપુએ મને કહ્યું જે, ‘મને બધુંએ પહોંચ્યું પણ એક ઘોડી વિના મારે હરવા ફરવાની બહુ અડચણ પડે છે માટે તું જઈને કહે જે, “મને સામાન સહિત ઘોડી મોકલો.”’” પછી ગરાસીયાના દીકરે સવારના પહોરમાં ગોર પાસે વિધિ કરાવીને સામાન સહિત ઘોડી ગોરને આપી. તે જોઈ તેના પડોશમાં રહેનાર બીજા બ્રાહ્મણને ઈર્ષા આવી જે, “માળે આણે તો ઘોડી સુધા પણ લીધી.” કારણ કે બ્રાહ્મણની જાત સહજ સ્વભાવે અદેખી છે તેણે પણ એક યુક્તિ શોધી કાઢી. પછી એ બ્રાહ્મણ સવારમાં ઉઠી ગરાસીયાના દીકરા પાસે ગયો અને કહ્યું જે, “આજ તો મને બાપુ દેખાણા પણ તેમના પેટમાં દુઃખાવો બહુ જ થયો છે. તે બાપુએ મને કહ્યું જે મને બધું પહોંચ્યું અને ઘોડી પણ પહોંચી પણ પેટમાં દુખાવો બહુ જ રહે છે તે જો ગોરને કોશના ડામ દ્યો તો મારા પેટમાં દુખતું મટે.” પછી સવારમાં ગોરને બોલાવીને કોશના ડામ દીધા. કેમ કે જો ગોર ડામ ન ખાય તો ઉપલી વાત ખોટી પડે માટે બ્રાહ્મણની ઈર્ષ્યાએ કરીને ગોરને ડામ ખાવા પડ્યા. કેમ કે આ લોકમાં જે સુકૃત કરે છે અથવા દુષ્કૃત કરે છે તેનું ફળ પરલોકમાં ભોગવે છે. માટે દાન પુણ્ય કરવું તે તો સત્પાત્ર જોઈને કરવું. ॥૧૦૫૭॥

એક બ્રાહ્મણ એક ગામમાં રામાયણની કથા કરતો હતો ત્યાં ભરવાડ નિત્ય સાંભળવા આવતો. પણ ભરવાડ બિચારો જાડી બુદ્ધિવાળો હતો. તેથી પોતાના મનમાં એમ નિશ્ચય કર્યો જે, “આ બ્રાહ્મણ બિચારો માંદો છે અને રાડ્યો પાડે છે પણ આ બધા બેઠાં છે તે કોઈ રોગ ઓળખતા નથી. આ તો આપણા પટેલના પાડાને સાકરડો રોગ હતો તેવો રોગ છે. તે બ્રાહ્મણ બિચારો રાડ્યો પાડી પાડીને મરી જાશે અને હું પણ વૈદ છું તે એનો રોગ જાણું છું. માટે તેને જો દાતરડાના ડામ દીધા હોય તો તેનો રોગ મટી જાય.” પછી કથા થઈ રહી, ત્યારે ભરવાડે બ્રાહ્મણને કહ્યું જે, “મહારાજ! આજ સાંજે મારે ઘરે આવજો.” બ્રાહ્મણે જાણ્યું જે, “ભરવાડ બહુ જ ભાવીક છે તે આપણને ધાબળો બાબળો આપશે તે સુખેથી શિયાળામાં ઓઢવા થાશે.” પછી કથા કરીને સાંજે બ્રાહ્મણ ભરવાડને ઘરે ગયો. ભરવાડે બ્રાહ્મણને ખાટલો નાંખીને તે ઉપર ગોદડું પાથરીને તે ઉપર બેસાર્યો અને ઘરમાં જઈને બે દાતરડાં ચુલામાં મેલી આવ્યો અને પછી પોતાના ભાઈનું ઘર પડખે હતું, તેને સાદ કરીને બોલાવ્યો જે, “એ... વાહા… હે... આંહીં... આવ... આંહીં... થોડુંક પરમારથનું કામ છે.” બ્રાહ્મણે જાણ્યું જે, “એના ભાઈ પાસેથી પણ કાંઈક અપાવશે.” પછી ઘરમાં જઈને ઉના કરેલાં બે દાતરડાં લાવ્યો અને બે ભાઈયોએ થઈને બ્રાહ્મણને આડો પાડ્યો અને પછી જ્યારે ડામ દેવા મંડ્યા ત્યારે બ્રાહ્મણ ઉંકારા કરવા મંડ્યો. ત્યારે ભરવાડ બોલ્યો જે, “મહારાજ! પરમારથનું કામ છે.” અને તેના ભાઈને પણ કહેતો જાય જે, “ખબરદાર ખુબ તાણીને ઝાલજે.” પછી પાંચ છ ડામ દઈને બ્રાહ્મણને છોડી મેલ્યો. માટે મૂરખ માણસને સમજણ બહુ જ ઓછી હોય છે. તેથી તેને કશી પણ હિતની વાત કરવી નહીં અને લોભે કરીને જો તેમાં લલચાય તો ઉપરની વાત પ્રમાણે દુઃખી થાવું પડે છે. ॥૧૦૫૮॥

એક માણસ માંદો હશે તેને જોવા સારૂ વૈદને બોલાવ્યો. વૈદે જોઈને કહ્યું જે, “આને પેટમાં ગાંઠ્ય છે. માટે ડામ દીધા હોય તો ઠીક.” પછી તેને સુવારીને રાખના એંધાણ જ્યાં કરવા માંડ્યા ત્યાં તો રોગીષ્ટ માણસ બોલ્યો જે, “રામ... રામ...” ત્યારે વૈદ બોલ્યો જે, “આ તો રાખના છે અને રામના તો હજુ ભાઠીમાં છે.” તેમ આ દુનિયામાં જે પોતાના મન ધાર્યા પાપ કર્મ કરે છે અને શાસ્ત્ર પોકારીને કહે છે તોપણ માનતા નથી પણ પરલોકમાં જરૂર તેના કર્મ કરેલાંનું ફળ ભોગવવું પડે છે માટે સૌએ શુભ કામ કરવું. ॥૧૦૫૯॥

ઠવી ગામમાં એક વાઘો કરીને ભરવાડ હતો. તે નિરંતર દરબારમાં ભેંશો દોવાને આવતો. ભરવાડ લોકોને સહેજ એવી ટેવ હોય છે જે બારે માસ તેને ખંભે ધાબળો હોય કેમ કે, તેને આભૂષણરુપ માને છે. પછી એક દિવસ સવારમાં ભેંશો દોવાને માટે આવ્યો. ત્યારે દાન ખુમાણે પૂછ્યું જે, “વાઘા! આજ કેમ ધાબળો ઓઢ્યો નથી?” ત્યારે વાઘો કહે, “બાપુ! કાલે તેલીયા બાવા મળ્યા હતા, તેને ઓઢાડ્યો.” દરબાર કહે, “ઠીક કર્યું. આપણા ગામને સીમાડે વાઘરી પડ્યાં છે તે બધા ચોમાસાના જીવડા મારવા ન જઈ શકતા. તે હવે તારો ધાબળો ઓઢીને સુખેથી જીવ મારશે અને તેનું બધું પુણ્ય તારે આવશે.” વાધો કહે, “બાપુ! એવું હોય નહીં આ તો તેલીયો રાજા હતો.” દરબાર કહે, “તું ન માન્ય તો જા જોઈ આવ્ય.” પછી સવારમાં ખંભે લાકડી લઈને જ્યાં જાય ત્યાં તો જેને પોતે ધાબળો આપ્યો હતો, તે વાઘરી ધાબળો ઓઢીને જીવડાં મારીને ચાલ્યો આવતો હતો. ભરવાડે જઈને તેને એક ડાંગ હાથ ઉપર મારી કે તરત તેની કાખમાંથી બે ચાર મરેલાં જીવડાં નીચે પડ્યાં. પછી ભરવાડે ધાબળો ખેંચી લીધો અને ગામમાં આવીને દરબારને વાત કરી જે, “બાપુ! તમે કહેતા હતા તેમજ થયું.” માટે દાન કરવું તો સુપાત્રને કરવું પણ વેશ જોઈને ભરમાવું નહીં ॥૧૦૬૦॥

એક ગુરુ ને એક શિષ્ય હતા. પછી ગુરુએ શિષ્યને કહ્યું જે, “આ દીવો ઠારી નાંખ્ય.” શિષ્યે ઉત્તર આપ્યો જે, “આંખ્યો વીંચી જાઓ.” ગુરુએ કહ્યું જે, “જોઈએ વરસાદ કેવોક આવે છે?” શિષ્ય કહે, “બહારથી બિલાડી આવે છે. તેના ઉપર હાથ ફેરવી જુઓ. જો વરસાદ આવતો હશે તો ભીની હશે.” ગુરુએ કહ્યું કે, “ખડકી વાશી આવ્ય.” ત્યારે શિષ્ય કહે કે, “બે કામ મેં કર્યાં. હવે એક કામ તમે કરો.” તે કામ પંડ્યે પોતે ગયા વિના થાય તેમ નહોતું. માટે જેનો શિષ્ય અથવા દીકરો તે જો પ્રત્યુત્તર આપતો હોય તો તેને મળરૂપ કહ્યો છે. માટે પુત્ર તથા શિષ્યે માબાપ તથા ગુરુની આજ્ઞા તુરત માનીને તે કાર્ય કરવું તો જ તેમાં માણસાઈ કહેવાય. ॥૧૦૬૧॥

ગુરુ અને શિષ્ય એ બે જણા હતા. ને ગુરુ અવસ્થાવાન હતા. પછી ગુરુએ પોતાના શિષ્યને કહ્યું જે, “બાપ! શિષ્ય મારી કેડ્ય ઉપર પગ દેને.” શિષ્ય કહે જે, “ગુરુજી! તમારી કેડ્ય ઉપર શે દેવાય?” ત્યારે ગુરુએ કહ્યું કે, “મારી જીભ ઉપર પગ તેં દીધો અને કેડ્ય ઉપર પગ ન દે તો તારા ભોગ કેમ કે, ગુરુએ વચન કહ્યું અને તેની ના પાડી તે તેની જીભ ઉપર પગ મૂક્યો કહેવાય.” માટે માવતર ગમે તેવા ગરીબ સ્થિતિમાં હોય તો પણ તેની સેવા કરવી તે સારા પુત્રનો ધર્મ છે અને ગુરુ પણ સદ્ઉપદેશ કરીને સારો બોધ આપે છે અને અજ્ઞાનરૂપી અંધકારથી દૂર કરે છે. માટે ગુરુના ઉપકારનો બદલો વળે તેમ નથી. ગુરુની આજ્ઞા માન્ય કરવી તે શિષ્યનો ધર્મ છે. ॥૧૦૬૨॥

વસનદાસ અને કરશનદાસ બે બાવા હતા. તે બન્ને જણ પોતાની જગ્યામાં સુતા હતા અને અંધારી રાત્રી હતી. એટલે તેની જગ્યામાં ચોર પેઠા અને ચોર ચારે કોર ફાંફાં મારવા માંડ્યા. ત્યાં તો કરશનદાસ ઉપર હાથ ફેરવ્યો એટલે કરશનદાસ બોલ્યો જે, “વસનદાસ!” ત્યારે વસનદાસ બોલ્યો જે, “શું કહે છે, કરશનદાસ?” કરશનદાસ કહે, “મારા ઉપર કોઈક હાથ ફેરવે છે.” ત્યારે વસનદાસ બોલ્યો જે, “એને કહેજે મારા ઉપર પણ હાથ ફેરવે તો મચ્છર હઠે.” ચોરે હાથ ફેરવ્યો એટલે લંગોટી હાથમાં આવી. એટલે ચોરે જાણ્યું જે, “આપણે આખી રાત ડોઈ પણ આમાં કાંઈ દી વળ્યો નહીં.” એમ જાણીને ચાલ્યો ગયો. ॥૧૦૬૩॥

બે નાગા બાવા હતા. તે રસ્તે ચાલ્યા આવતા હતા અને માર્ગમાં એક સો સ્વાર મળ્યા. પછી બાવા બીજે ગામ આવીને વાત કરવા લાગ્યા જે, “અમે તો સો ઘોડા વચ્ચે કુલા કુટતા ચાલ્યા આવ્યા પણ અમારું કોઈએ નામ લીધું નહીં.” એ તો દૃષ્ટાંત છે પણ તેનો સિદ્ધાંત એ છે જે જેની પાસે ધર્મરૂપી દ્રવ્ય છે તેને લુંટવાનો ભય છે કેમ કે રખેને આ સંસારમાં કોઈ આપત્તિ આવે, એવી રીતે બીક રહે છે. જેમ ઉજળાં વસ્ત્ર પહેર્યા હોય તેને ડાઘ પડે તે સૌ પૂછે જે, “આ તમારે ક્યાં ડાઘ પડ્યો?” પણ ઘાંચીને કોઈ પૂછે નહીં જે તમારે આ ડાઘ ક્યાં પડ્યા? કેમ કે તેને તો નિરંતર ડાઘા પડે તેમાં રહેવાનું છે. તેમ જેને લાજ નથી તેને શું? સાખી:

‘લાજે લુગડ પહેરીયે, લાજે દીજે દાન,

લાજ વિનાના માનવી, તેના લાંબા લાંબા કાન.’ ॥૧૦૬૪॥

એક પુરુષ હશે. તેણે સોળ ઘર કર્યા તો પણ તેનો વહેવાર ઠેઠ સુધી પાર પડ્યો નહીં. પછી તેણે કોઈક પોતાના જેવી નિર્લજ બાઈ હશે તેને પોતાના ઘરમાં લાવીને બેસારી. તે માણસ એવો હતો કે, “જે સ્ત્રી ઘરમાં બેસારે તેને એક સાડલાભેર લાવતો અને તે જ્યારે જાય ત્યારે તેનો સાડલો ખેંચી લેતો.” પછી એક દિવસ પોતે રાજીપામાં આવીને બાઈને કહ્યું જે, “ઘુમોરે મારી ઘુમણી રાણી, આ સાડલે મેં સોળમી આણી.” ત્યારે બાઈ બોલી જે, “આવો રે મારા લાડકડા આવો આસોતું, મારે અઢારમું ઘરખી – પરણ્યા નહીં પહટ્યા નહીં માથે ઘાલ્યો નહીં મોડભાં ભરીને ભેળા થયા. આડોડે આડોડે.” જેમ ગધેડાનું મુખ કુતરે ચાટ્યું, તે બેમાંથી કોણ અભડાય? માટે આ દુનિયામાં કેટલાક માણસો આવી જાતનાં પણ હોય છે. પુરુષ કહે, “જોને મારા હાથ ઠંઠા.” ત્યારે બાઈ કહે, “જોવોને મારું નાક બુંઠું.” ॥૧૦૬૫॥

ખાંભડા ગામમાં એક કણબીની દીકરી હતી. તે બાલ્યાવસ્થામાં વિધવા થઈ હતી. પછી તેના બાપે તેને કહ્યું જે, “બાપ! દીકરી, તું કહે ત્યાં તને ઘરઘાવું?” બાઈ કહે, “બાપા! આ એંઢાણીયે મેં રામા શિલોડીયાનું પાણી ભર્યું છે. તે હવે બીજાનું પાણી નહીં ભરું. કેમ કે તેને તેવી લાજ હતી.” માટે આ દુનિયામાં કેટલાક સમજુ માણસો લાજવાળા હોય છે તે પોતાની એબ કોઈને દેખાડતા નથી. જેમ કોઈક કણબી હશે અને તેણે બાળપણથી જ કળશીયે જવા સારુ એક લોટકો રાખેલો. પછી ઘણાંક વરસ થયાં એટલે કોઈકે તે લોટકો ફોડી નાંખ્યો ત્યારે તે ભાભો રોવા લાગ્યો. ત્યારે કોઈકે પૂછ્યું જે, “ભાભા, શા સારુ રુવો છો?” ભાભે કહ્યું જે, “આ એક લોટકે મારી એબ દેખી હતી પણ હવે મારે બીજો લોટકો લેવો પડશે તેથી મારી એબ ઉઘાડી પડી જાશે.” એમ કેટલાક ધર્મવાળા માણસો એવા પણ આ દુનિયામાં હોય છે. ॥૧૦૬૬॥

એક કણબી ભાભો હશે તે મરવા સુતો. પછી સૌ કુટુંબનાં તથા ગામનાં માણસો ભેગાં થયાં. ભાભાને કહ્યું જે, “ભાભા! તમારા જીવને ગત્ય કરજો.” ભાભે કહ્યું, “શું ગત્ય કરું? ધુડ્ય? બે મોટાં દુઃખ લઈને જાઉં છું.” સૌ કહેવા લાગ્યાં જે, “ભાભા! તમારે ઘરે દીકરા દિકરાને ઘરે દીકરા છે અને દુઃખ શું છે?” ત્યારે ભાભો કહે, “આ હાથે કરીને ક્યારેય આરદ્રાના વાવણા કર્યાં નહીં. ટગાવી ટગાવીને મે થાય એક તો એ મોટું દુઃખ!” ત્યારે સૌએ કહ્યું જે, “બીજું મોટું ક્યું દુઃખ હતું?” ભાભો કહે, “ક્યારેય એક ઘોડીયે ખળું લેવાણું નહીં! ઘડીક હેઠે અને ઘડીક ઉપરય! પણ ક્યારેય-સ-વા-વાયો નહીં!” પછી દીકરાની ઘરવાળીયે આવીને કહ્યું જે, “ભાભા! હું તમારી વાંસે ધરો રહીશ!” ત્યારે ભાભો કહે, “મેં પડતાળીને કહાડી છે અને હજી ખેતરમાં ધરો રહી.” પણ વહુયે તો ધરો સાતમ રહેવાનું કહ્યું હતું. પછી ભાભો એમ ત્રીજું દુઃખ લઈને જમપુરીમાં સીધાવ્યા. માટે સૌ ડાહ્યા માણસોએ વિચારવું જે, આ દુનિયામાં સર્વેને ખોટું કરી મેલીને એક દિવસ નિકળવું પડશે પણ ગમે તેટલી સંપત્તિ હશે તે બધી અહીં ને અહીં રહેવાની છે માટે કોઈ પણ તે અજ્ઞાની ભાભાની પેઠે ત્રણ દુઃખ લઈને જશો નહીં. ॥૧૦૬૭॥

એક કણબી ભાભો હશે. તે અહોનિશ ગામને સીમાડે વાડી હતી ત્યાં જ નિવાસ કરીને રહેતો હતો અને બારે માસ તેને ત્યાં જ રહેવું ગમતું હતું. એમ કરતાં કરતાં પોતાની આખી જિંદગી ત્યાં જ ગાળી. પછી એક દિવસ કોઈક શેઠીયો પોતાની સાથે પચીસ-પચાસ માણસ લઈને દ્વારકાની જાત્રા કરતા જાતો હતો. પછી તેણે તે વાડીયે આવીને મુકામ કર્યો. કેમ કે વાડીયે ઝાડની છાયા અને કુવાનું શીતળ જળ જોઈને સૌને એમ થયું જે, “આજ રાતવાસો અહીંયા જ રહેવું.” પછી સૌએ તે વાડીયે મુકામ કર્યો ને વાડીયે ઝાડની છાયા તથા જળે મુસાફરીનો થાક ઉતર્યો અને ભાભે પણ તીર્થવાસી સૌની ખડપુલાથી સારી રીતે બરદાસ કરી. યાત્રાળુ સૌ રાત્રે વાળુ કરવા બેઠા. ત્યારે ભાભાને પણ મેશુબ તથા બુંદીના લાડુની થાળી ભરીને ખાવા આપી. ભાભે દેહ ધરીને કોઈ દિવસ એવો ખોરાક લીધેલો નહીં તેથી ખૂબ આનંદથી જમ્યો. કેમ કે તેના નશીબમાં તો કેવળ જુવાર માતાનો રોટલો અને મરચાંનું અથાણું હતું. પણ કોઈક દિવસ ગળ્યું ચીકણું કે સ્નિગ્ધ ભોજન જમવામાં આવેલું નહીં. કેમ કે આ દુનિયામાં કેટલાક માણસોને એવું જ જ્ઞાન હોય છે જે ઘી સાકર ખાઈયે તેનો એક મોઢાને સ્વાદ છે અને મરચાં વિગેરે તીખું તમતમું ખાઈએ તો બેયને ખબર પડે. કેમ કે ખાય ત્યારે મોઢું બળે અને જંગલ જાય ત્યારે પુંઠ્ય બળે એવી સમજણવાળા કેટલાક જાડા લોક પણ હોય છે. પછી ભાભાને તે યાત્રાવાળાએ કહ્યું જે, “ભાભા! તમે અમારી સાથે દ્વારકા યાત્રા કરવા આવશો? ચાલો અમે તમને ભાતું પોતું વિગેરે આપશું અને વળતી વખતે અહીંયાં પાછા તમને મૂકતા જશું.” ભાભાને વિચાર થયો જે, “આવો ખોરાક મળશે અને વળી દ્વારકા જોશું.” પછી સંઘ બધો સમી સાંજમાં ત્યાંથી ગાડાં જોડીને રસ્તે પડ્યો અને ભાભો પણ સંઘ ભેગો દ્વારકા ગયો. અહીંયાં ભાભાનો એક ભાઈબંધ પોતાના જેવો જ હતો તે નિરંતર બન્ને જણા સાથે રહેતા અને હુક્કા ગગડાવતા. પછી જે રાત્રે સંઘ ચાલ્યો તે રાત્રે ભાભાનો ભાઈબંધ ઝુંપડીમાં સુતો હશે તેવામાં હોક્કામાંથી દેવતા ઉડવાથી કડબની ઝુંપડીમાં એકદમ આગ લાગી અને તે ભાભાનો ભાઈબંધ બળી મુઓ. સવારે ભાભાના છોકરાએ આવીને ત્યાં તપાસ કર્યો ત્યાં તો ડોસાને મરેલો દીઠો. પછી ભાભાના દીકરાએ તેનો અગ્નિસંસ્કાર કર્યો અને બીજે દિવસે પોતાના તમામ સંબંધીને કાગળ લખી જણાવ્યું જે, “ભાભો અમુક દિવસે સ્વર્ગવાસી થયા છે. તો તેના ઉત્તર કારજ ઉપર સૌને આવવું.” છોકરે પણ વિચાર કર્યો જે, “આપણું બહોળું કુટુંબ છે અને આપણો ભાભો વૃદ્ધ હતા માટે તેનું ઉજળું ખરચ કરવું.” ભાભો પણ કોઈને કહ્યા વિના દ્વારકા ગયેલા હતા તેથી સૌને ભાભો સ્વર્ગવાસી થયા જેવું જ લાગ્યું. બરોબર ભાભાના બારમાને દિવસ કેટલાંક માણસો ખરચ ખાવા માટે ભરાણાં હતાં અને દ્વારકાનો સંઘ પણ તે જ દિવસે ભાભાને વાડીયે મેલીને ચાલતો થયો. ભાભે પણ વાડીયે આવીને જોયું ત્યાં તો પોતાનું છાપરું બળી ગયેલું દીઠું. ભાભે મનમાં વિચાર કર્યો જે, “હશે જે થયું તે ખરું હવે સવારે ઘરે જાશું.” તીર્થવાસીએ ભાભાને ખોરાક આપ્યો હતો તેથી વાળુની ચિંતા નહોતી, નહીતર દોડીને ઘરે જાય. પછી ભાભો વાડીયે એક કોરે જઈને બેઠો તેવામાં મેમાનનાં ગાડાં આવેલાં તેના બળદના માટે તેના સાથી ખડ લેવા આવ્યા હતા. તે આવેલા માણસો કડબના ભારા બાંધવા મંડ્યા. ત્યાં તો ભાભો બોલ્યા જે, “કોણ?” એ ભાભાનો સાદ ઓળખ્યો. તેથી તેઓ એકદમ ભાગ્યા અને ઘરે જઈને પટેલને વાત કરી જે, “ભાભો તો વાડીયે આવેલ છે અને ભાભાનું આહીં કારજ થાય છે.” પછી પટેલે હવાલદારને કહ્યું જે, “તું ઘોડેસ્વાર થઈને જા ને તપાસ કર, જે શું છે?” પછી હવાલદાર સ્વાર થઈને જાતે વાડીયે ગયો. ત્યાં તો ભાભો ઉભા થઈને બોલ્યા જે, “કોણ એ?” તે સાંભળી હવાલદારને ભય લાગ્યો એટલે તે એકદમ ઘોડીને ઘરભણી દબાવી મૂકી. ઘોડાની ડમચી છુટી ગઈ હતી તેથી હવાલદારના બરડામાં તડીંગ તડીંગ વાગતી હતી. હવાલદારે જાણ્યું જે, “ભાભો પછવાડેથી સરપટાં મારતાં આવે છે.” હવાલદારે જઈને પટેલને કહ્યું જે, “વાત સાચી છે અને ભાભો મને અહીંયાં સુધી સરપટાં મારતાં આવ્યા છે.” ભાભે વિચાર કર્યો જે, “મને ભાળીને સૌ ભાગે છે તેનું શું કારણ હશે? માટે પાણીયારીને કુવે જઈને બેસું.” પછી ભાભો પાણીયારીને કુવે આવીને બેઠા ત્યાં તો મેમાન માટે કેટલીક બાઈઓ ત્યાં કુવે પાણી ભરવા આવી હતી. ત્યાં તેણે ભાભાને જોઈને પૂછ્યું, “કોણ એ?” ભાભો બોલ્યો જે, “એ તો હું ભાભો.” તે સાંભળીને કેટલીક બાઈઓનાં બેડાં માથે ચડાવેલા હતાં તે ભય લાગવાથી પડીને ફૂટી ગયાં અને કેટલીક બાઈઓ ખાલી બેડાં પડ્યાં મૂકીને એકદમ ગામમાં નાસી ગઈ. અને ઘરે જઈને પટેલને વાત કરી જે, “ભાભો તો પાણીયારીને કુવે આવ્યા છે.” પટેલ કહે, “ભાભે તો બધે ઠેકાણે ફજેત કર્યા. માટે ચાલો મશાલો કરો અને ફાનસો કરો.” ત્યાં તો ભાભે વિચાર કર્યો જે, “હવે તો એક કોરે જઈને બેસું. કેમ કે મને જોઈને સૌ નાસે છે.” પછી ભાભો કુવેથી થોડેક છેટે જઈને બેઠો હતો. ત્યાં તો કેટલીક મશાલો અને ફાનસો લઈને કેટલાક માણસો આવ્યાં તેઓ છેટેથી ભાભાને જોઈને વાંસડાથી ઘોદા મારવા લાગ્યાં. ત્યારે ભાભો બોલ્યો કે, “મૂરખો! મને શા સારુ ઘોદો મારો છો?” પછી ભાભાનો દીકરો તેની પાસે ગયો અને ભાભાને ઓળખ્યો. છોકરે કહ્યું જે, “ભાભા! તમે ક્યાં ગયાં હતા?” ભાભો કહે કે, “હું તો સંઘ ભેળો દ્વારકાની જાત્રા કરવા ગયો હતો તે આજ આવ્યો છું.” છોકરો કહે, “તમારી ઝુંપડીમાં બળી મુવું તે કોણ હતું?” ભાભો કહે, “તે તો ઓલ્યા ગામનો કોળી મારો ભાઈબંધ હતો. તે નિત્ય મારી પાસે હોકો પીવા આવતો.” પછી ભાભાને ઘરે લઈ ગયા અને ભાભે દ્વારકાની બધી વાતચીત કરી. પછી પટેલે સૌને કહ્યું જે, “ભાઈઓ! મારા ભાભા દ્વારકાની યાત્રા કરી આવ્યા ને આ ભાભાની પછવાડે જગતીયું કર્યું છે!” માટે જો ક્રિયાને વશ થઈને પ્રભુને નહીં ભજે તો સગાં સંબંધી જીવતાં ભૂત કરશે! અને જીવતાં વાંસડાના ઘોદા મારશે. માટે સૌએ પોતાના મનમાં વિચારીને વાસનાનો ત્યાગ કરીને પ્રભુને શરણે થાવું. ॥૧૦૬૮॥

ગામ દામનગરમાં ગોવિંદ કરીને એક કણબી હતો. તેને સત્સંગ નહોતો પણ દેવશીભગત તથા જુઠો ભગત – એ બે જણા શ્રીજીમહારાજના મળેલા હરિભક્ત હતા. તેમની સાથે પોતાને સ્નેહ હતો. પછી તે ગોવિંદભક્તને બહુ મંદવાડ થયો અને તેને બે યમદૂત દેખાણા, તે જોઈને પોતાને બીક લાગી એટલે બૂમો પાડીને કહ્યું જે, “દોડ, દેવશી! મને માર્યો.” એમ જ્યાં કહ્યું ત્યાં તો યમદૂત બીઈને છેટે ભાગી ગયા અને ગોવિંદભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગ્યા. દેવશી ભગત પોતાની વાડીયે કોશ હાંકતા હતા તેને માણસ મોકલીને ઘરે તેડાવ્યા અને ગોવિંદભગતે કહ્યું જે, “તું ન આવ્યો હોત તો મને જમ લઈ જાત. માટે વર્તમાન ધરાવીને સત્સંગી કર.” અને આજ તેનું આખું કુટુંબ પણ સત્સંગી છે માટે એકાંતિક હરિભક્ત સાથે જો હેત હતું તો યમદૂત થકી મૂકાણા. ॥૧૦૬૯॥

ગામ દામનગરનો કણબી હતો. તે કાશીયે યાત્રા કરવા ગયો હતો. પછી ગંગાજીમાં નાહ્યો ત્યાં પોતાને ટાઢ ચડી અને જરા તાવ આવ્યો. પછી તેણે માનતા કરી જે, “જો હું હીમે કીમે ઘરે પહોંચીશ તો દામનગરીયા પીરને સવા માણાનો મળીંદો કરીશ. પછી દામનગરનું પાણી પીઈશ.” એવી માનતા કાશીમાં ગંગાજીનાં કાંઠા ઉપર બેસીને કરી. પછી તે ઘરે આવ્યો અને સૌ તેને સામૈયું કરીને ગામને પાદર લાવ્યા એટલે ત્યાં સૌ ઝાડવા નીચે બેઠા. તે વખતે ગોવિંદભગત કળશીયે જતા હતા. તેણે પૂછ્યું જે, “કેમ સૌ આંહીંયાં બેઠાં છો?” ત્યારે કાશીયેથી આવેલા માણસે ઉત્તર આપ્યો જે, “ભાભા! મેં કાશીમાં માનતા કરી છે જે, હું ઘરે સાજો સારો જઈશ, તો દામનગરીયા પીરને સવામાણાનો મળીંદો કરવાની માનતા કરી છે. તે પૂરી કર્યા પછી હું દામનગરનું પાણી પીઈશ. એમ બાધા લીધી છે.” પછી ગોવિંદ પટેલ બોલ્યા જે, “મૂરખ્યા! દામનગરીયો પીર તો આંહીંયાં ગામના ઝાંપામાં જ મુઓ છે અને કાશીયે જીવડા મારતાં મારતાં તારા બાપનું છોલાવા ગયો હતો? આ તો ઘાંચી વોરો મરી ગયો હતો તેને કોઈ દાટતું નહોતું. તેથી મેં પાંચ રૂપિયા આપીને દટાવ્યો છે અને તેની ઉપર ગામે દેરી કરાવી છે માટે છાનેમાનો ઘર ભેગો થઈ જા.” પછી સૌ લોક મળીને ઘર ભેગાં થઈ ગયા માટે પોતાને દેવની અગર તીર્થની આસ્થા હોય તો જ તીર્થ કરવા જવું પણ તીર્થે જઈને આવી માનતા કરે તેને તીર્થ ફળીભૂત થાય નહિ. ॥૧૦૭૦॥

ગામ હાથસણીનો કોળી કાશીયે ગયો હતો. ત્યાં જઈને માનતા કરી જે, “હું સાજો સારો ઘરે આવીશ ત્યારે નોંધણીયા પીરને પધરાવીશ.” પછી તે કાશીયેથી ઘરે આવ્યો અને નદીના કાંઠે પથ્થરનો ઓટો કરીને એક મોટા ગૃહસ્થના ઘરનો ખાંડણીયો ભાંગલ હશે તેને લાવીને તે ઓટા વચ્ચે બેસતો કર્યો. તે વખતે અમો નદીએ નહાવા જતા હતા. પછી તેને પૂછ્યું જે, “ભગત! આ શું કરો છો?” કોળીએ કહ્યું જે, “મહારાજ! હું કાશીયે ગયો હતો ત્યાં માનતા કરી છે જે જો હું સાજો સારો ઘરે જઈશ તો હું એક નોંધણીયો પીર પધરાવીશ.” માટે જેને આસ્થા નથી કે જેને તીર્થનો વિશ્વાસ નથી તો તીર્થને કાંઠે રહે તો પણ નકામું છે માટે વિશ્વાસ રાખીને તીર્થ કરજો તો જ ફળીભૂત થશે, નહીં તો માછલાં પાણીમાં રહે છે. ॥૧૦૭૧॥

ગામ વેળાવદરના કણબીના વીસ છોકરા દ્વારીકા ગયા હતા ત્યાં તેમણે માનતા કરી જે, “જો અમો હીમે ખીમે ઘરે પહોંચીશું તો પીઠડ માતાને એક એક નાળીયેર વધેરીશું! પછી તેઓ દ્વારકાથી ઘરે આવ્યા અને ગામને ઝાંપે આવીને સૌ બેઠા. પછી સૌના સગાં વહાલાં તેમને મળવા માટે આવ્યાં. અને ગામને ઝાંપે આવીને સૌ બેઠા અને ગામમાં લઈ જવાને સૌએ આગ્રહ કર્યો ત્યારે તીર્થવાસી બોલ્યા જે, “પીઠડમાતાને એક એક નાળીયેર વધેર્યા પછી ગામનું પાણી પીવાશે! ત્યાર પછી ગામમાં અવાશે.” તે વખતે રુડોભાઈ બળદીયા પાવા ગયા હતા. તેમણે પૂછ્યું જે, “છોકરાઓ! અહીં કેમ બેઠા છે?” પછી સૌએ વાત કહી દેખાડી. ત્યારે રુડો ભાભો બોલ્યા જે, “મૂરખ્યો! પીઠડમાતા તો ગામને ઝાંપે જ હતી. તે દ્વારકા તમારા બાપનું છોલાવા ગયા હતા? માટે સૌ જાઓ ગામમાં મંદિરમાં જઈ હનુમાનજી પાસે એક એક નાળીયેર વધેરજો.” પછી સૌને ગામમાં મોકલ્યા અને તેમણે મંદિરમાં જઈ હનુમાનજીની આગળ એક એક શ્રીફળ વધીર્યું. ॥૧૦૭૨॥

એક કોળી ભક્ત હતો, તે કાશીયે ગયો હતો. તેણે ગંગાજીમાં જઈને નિયમ લીધું જે, “મારે સાકરકોળું ખાવું નહીં.” પછી તે ઘરે આવીને કોઈનું ઘરવાળું લઈને જતો રહ્યો. પછી તેની શોધ કરવાને માટે કેટલાક કોળી વિગેરે વાંસે ફરતા હતા. પછી એક ગામમાં તે બે જણાં હાથમાં તંબુરા લઈને ભજન ગાતાં હતાં. ત્યાં પેલી બાઈનો પતિ તથા બીજા સંબંધીઓ ગોતતા ગોતતા જઈ પહોંચ્યા અને તેમણે તંબુરો તેના હાથમાંથી લઈને તે ગીગાભગતના વાંસામાં પાંચ-સાત તંબુરા માર્યા ને તંબુરો ભાંગી ગયો. માટે આવા માણસો કાશીયે જઈ આવે છે તે તો જેમ ગધાડાને ગંગાજીમાં નવરાવે તેવાં છે. ॥૧૦૭૩॥

એક કોળી અને વાણિયે મળીને વાઢ ભેળો વાવ્યો હતો. પછી ચીચોડો માંડ્યો ત્યારે ગોળનાં ભેલાં જામવા માંડ્યા નહીં. ત્યારે વાણિયો આકુળ વ્યાકુળ થવા માંડ્યો. અને કોળીને હિંસા કરવાનો સહેજે જ સ્વભાવ હોય છે. પછી કોળી ધુણીને બોલ્યો જે, “ગોળનાં ભેલા જમાવવા હોય તો અમારી માતાને એક પાડો ચડાવો તો ગોળનાં ભેલાં જામશે.” પછી સૌ કોળીએ વાણિયાને કહ્યું જે, “માતા પાડો માગે છે.” વાણિયે કહ્યું જે, “તેમાં હું કાંઈ ન જાણું અને માતા જે માગે તે આપો. અને ગોળનાં ભેલાં જામે તેમ કરો.” માટે કેટલાક મનુષ્ય પરબારી હિંસા કરાવે તેવાં પણ હોય પણ મિથ્યા બોલવાથી કેટલું પાપ છે તે ઉપર એક વાત છે જે:

એક શહેરમાં એક નગરશેઠે સદાવ્રત બંધાવ્યું હતું. અને ત્યાં કોઈ ધર્મશાળામાં પરદેશી બ્રાહ્મણ આવીને ઉતર્યો હતો. પછી તે બ્રાહ્મણ તે સદાવ્રત લેવા ગયો. શેઠે તેને પાકું સીધું અપાવ્યું. એટલે તે બ્રાહ્મણ થાળીમાં ઉઘાડું સીધું લઈને ચાલ્યો આવતો હતો. તે વખતે એક સમળી એક સર્પ લઈને ઊંચે ઉડતી હતી તે સર્પની લાળ તે બ્રાહ્મણના સીધામાં પડી. પછી બ્રાહ્મણ તો રસોઈ કરીને જમ્યો અને પછી સુઈ ગયો એટલે તે સર્પનું ઝેર ચડવાથી મૃત્યુ પામ્યો. પછી ધર્મશાળાના રખવાળે શેઠને જઈને ખબર કરી જે, “કોઈ પરદેશી બ્રાહ્મણ ધર્મશાળામાં મરી ગયો છે.” પછી શેઠે ચાર બ્રાહ્મણ મોકલીને તેનો અગ્નિસંસ્કાર કરાવ્યો. હવે યમપુરીમાં ધર્મરાજાના પાપ-પુણ્યના હિસાબી મહેતાજી ચિત્રગુપ્ત હાથમાં કલમ લઈને વિચાર કરે છે જે, “આ બ્રાહ્મણની હત્યા કોને માથે નાંખવી? કેમ કે શેઠે તો તેને ભાવથી સીધું આપ્યું અને સમળા પણ પક્ષી છે અને સર્પ પણ મરેલ છે.” એમ વિચાર કરે છે તેટલામાં અગ્નિસંસ્કાર કરવા ગયેલ. તેમાંથી એક જણ બોલી ઉઠ્યો જે, “આ શેઠને ક્યાં પૈસાની ખોટ્ય છે તે આ બ્રાહ્મણને માર્યો?” એમ જ્યાં બોલ્યો ત્યાં તો ચિત્રગુપ્ત બોલનારના માથે બ્રહ્મહત્યા ઠરાવી. કેમ કે કોઈને માથે જુઠું કલંક દેવું તે બ્રહ્મહત્યા જેવું પાપ છે, માટે બોલવું તે વિચારીને બોલવું. ॥૧૦૭૪॥

ગામ ભેરાઈ સમુદરને કાંઠે છે. ત્યાંના આયરોની પચીસ પચાસ ભેંસો ચોર લઈ ગયા હતા. તેને શોધવાને માટે ભેંશોના ધણી સૌ બહાર ગામ જવા નીસર્યા અને ત્યાં ત્રણ ગાઉને તરભટે એક મલાડ કરીને માતા છે તેની માનતા કરી જે, “હે મલાડ માતા...! જો અમારી ભેંશો હાથ આવશે તો અમો તમોને લોળીયો પાડો ચડાવશું.” અને જે ચોર ભેંશો ચોરી ગયેલ તેણે પણ એવી માનતા કરેલી જે, “હે મલાડ માતા..! અમે ભેંશો ચોરીને લાવ્યા છીએ અને તે જો અમને પચી જશે તો આ લોળીયા પાડાને તમને ચડાવશું.” અને લોળીયો પાડો પણ તે ભેંશોના ખાડુ ભેળો જ હતો. માટે કેટલાક માણસોને એવાં સંકટ આવે છે તે બેઈ કોરથી જેમ પાડાની માનતા કરી હતી તેવું થાય છે. પછી નહીં ઘરનો નહીં બારનો. ॥૧૦૭૫॥

એક ભરવાડ અને એક કોળી મળીને ઘઉંની વાડી ભેળી કરી હતી અને તે બન્ને જણા કુવો ખોદવા ગયા. પછી ભરવાડે કોળીને કહ્યું જે, “તું કુવો ખોદ્ય અને હું ગામમાં સુતારને ત્યાં જઈને ગરેડી કરાવી આવું.” એમ કહીને તે આઘેરોક ચાલ્યો. પછી આઘે જઈને સાદ કર્યો અને કહ્યું જે, “એ ઉકા... હે... ઉકા એ...” સામો જવાબ આપ્યો જે, “શું કહે છે?” વાહો ભરવાડ કહે, “હું ગરેડી કરાવવા જાઉં છું. તે આવ્યો કે ન આવ્યો પણ તું જો ઘઉંનું ખળું કરે તો ઢોરે કરજે.” ઉકો કહે, “એમ કેમ?” વાહો કહે, “મેહ આવે તો તણાય નહીં માટે હજુ કુવો ખોદ્યો નથી.” ત્યાં તો ખળું ઢોરે કરવા વિચાર કર્યો. માટે જો પ્રભુ નહીં ભજે તો ઢોરે ખળુ કર્યા જેવું થાશે. ॥૧૦૭૬॥

એક ગામમાં એક કાઠીયાણી હતી. તે કણબણો સાથે પરગામ કાણ્યે ગઈ હતી. પછી સૌ ઘરમાં ગુડો વળાવવાને બેઠાં અને કાઠીયાણીએ ત્યાં પીતળનો કળશીયો પડ્યો હતો, તે છાની રીતે બગલમાં મારી લીધો અને સૌ જ્યારે ગુડો વળાવી રહ્યા અને સૌએ ઘડીક મોઢેથી ખરખરો કર્યો અને પછી સૌ ઘરે આવ્યા અને કાઠીયાણીએ એમ જાણ્યું જે, “ગુડો વળાવવા જવું એમાં લાભ છે.” પછી કણબણોને કહ્યું જે, “પટલાણી! જ્યારે કાણ્યે જવું હોય ત્યારે મને બોલાવજો. હું સાથે આવીશ.” પછી કોઈક દિવસ બીજે ગામ કણબણોને કાણે જવું હતું. તેથી તેમણે કહ્યું જે, “ફુઈ! ચાલો કાણે જવું છે.” તે સાંભળીને ફુઈ પણ કણબણોની સાથે કાણે ચાલ્યાં અને સામે ગામ જઈને સૌ રોવા કકળવા મંડ્યા અને ત્યાં મરનાર માણસને ઘરે ગયાં ત્યાં ફુઈએ ચારે કોર નજર કરી પણ કાંઈ પદાર્થ નજરે ચડ્યું નહીં. એમ કરતાં એક કોઠીમાં ખાટલાનું વાણ નાંખેલ તેનું દોરડું કોઠીના સાંકણાથી બહાર દેખાતું હતું. તે ફુઈની નજરમાં આવ્યું અને પછી કોઠીના થડમાં જઈને બેઠી અને સૌ બાઈઓ રોતી છાની રહી ગઈ અને ફુઈ તો રોતાં જાય અને ખાટલાના વહાણનો ઢગલો ખોળામાં કરતાં જાય. તેનું કાંઈ સરું આવ્યું નહીં પછી રોતાં રોતાં બોલ્યાં જે, “કાલે જઈતી કાણ્ય કલ હું દો કોટું આદી, આજ મારે હસવું ને હાણ સરું ન આવે સીંદરા.” એમ કાઠીયાણીને સીંદરાનું સરુ આવ્યું નહીં. માટે પ્રભુ ભજ્યા વિના સંસારરુપી સીંદરાનું સરું આવે તેમ નથી. ત્યારે બીજી બાઈ બોલી જે, “ફુઈ! એવું દુઃખ હોય તો દાંતે કરીને કાપીએ. એમ સમશામાં બીજીએ સમજાવી એટલે ફુઈએ દાંતે કરીને દોરડું કાપી નાંખ્યું. માટે કેટલાક આવાં માણસો થાય છે જે કાણે જાય તો પણ ચોરી કરવી. ॥૧૦૭૭॥

એક ગામમાં કણબણો કાણ્યે ગઈ હતી અને પોતાના ગામની નજીકમાં તે ગામ હતું પણ પછી સૌ બાઈઓએ વિચાર કર્યો જે, “ગુડા વળાવતા આવશું અને વળતી વખતે ખડની ગાંસડીયું પણ લેતા આવશું.” એમ જાણીને સૌએ દાતરડા તથા પછેડા સાથે લીધા અને જ્યાં સામે ગામ ગયાં ત્યાં તો તેના સંબંધીના છોકરાં સામાં આવ્યાં. તેમને પછેડાની ગાંસડી બાંધી આપી અને દાતરડા પોતાની કેડ્યમાં ખોસ્યાં અને જો પછેડા સાથે દાતરડાં આપે તો સૌને એમ જણાય જે, “આ તો ખડ લેવા આવ્યાં છે આ કાંઈ ગુડો વળાવવા આવ્યા નથી.” પછી નાનું મરણ હતું તે તો સૌ છાજીયાં લેવા લાગ્યાં ત્યારે તે જોઈ એકા બીજી સમશામાં કહેવા લાગી જે, “હાથા ઢાંકો હાય હાય હાથા ઢાંકો હાય હોય.” એમ એક બીજી પરસ્પર બોલવા લાગી માટે ત્યાં સુધી હાથા ઉઘાડા ન થયા હોય ત્યાં સુધી સારું લાગે પણ હાથા ઉઘાડા થયા પછી સૌનો ભરમ ભાંગી જાય. હાથા એટલે ધર્મ નિયમ સારા ન પાળતો હોય ને ઉપર દેખાવ સારો પણ જ્યારે તેને દેશકાળ આવે ત્યારે ઉઘાડું થાય. ॥૧૦૭૮॥

ગુજરાતમાં મોટા અમીનો મરી જાય છે ત્યારે કુટવાને માટે લંઘીઓને બોલાવે છે. તે લંઘીઓ કેવું કુટે છે તે નીચે પ્રમાણે અને તેને તુવેરની દાળ આપીને કુટવા લઈ જાય છે. તેમાં કોઈએ એક મણ, બે મણ. વખત પ્રમાણે ઠરાવ કરીને કુટવા લઈ જાય છે તે કુટતાં કુટતાં એમ બોલે જે, “નહીં લઉં સલેલીયા નહીં લઉં દળેલીયા લેશું રાતી ગલોલીયો ઓશ... ઓશ...” એમ બોલતી જાય પણ છાતીયે હાથ પણ અડાડે નહીં. તેનું કહેવાનું હારદ એ છે કે અમે તુવેરદાળ સળેલી નહી લઈએ અને ભરડેલી પણ નહીં લઈએ અને રાતી ગલોલ જેવી લેશું.” માટે આ જગત આ લંઘીના જેવું સ્વારથીયું છે માટે સમજુ માણસને સંસારમાં આસક્તિ કરવી તે વિચારીને કરવી કેમ કે કોઈ કોઈનું સર્ગુ નથી. ॥૧૦૭૯॥

એક કણબીનો દીકરો માંદો હતો. તેને જોવાને તેનાં સંબંધીઓ તેને ઘરે આવતાં હતાં. અને તેને એક વૃદ્ધ ડોશી હતી. તેને સૌએ કહ્યું જે, “ડોશીમા! તારો ખાટલો ફળીમાં રાખો.” પછી છોકરાને જોઈને માણસો ડોશીમા પાસે આવ્યાં અને ડોશીને કહે કે, “જો તમે જાઓ તો ભાગ્યશાળી ગણાઓ અને છોકરો રહે તો સારૂં.” ડોશી કહે, “અરેરે! મને માગ્યાં મોત ક્યાંથી મળે?” ત્યાં કેટલીક બાઈઓ બોલી જે, “ડોશીમા! તમને જમનાં તેડાં ક્યાંથી હોય?” ડોશીયે પૂછ્યું જે, “જમ કેવા હોય?” ત્યારે બીજી બાઈ બોલી જે, “જમ તો પાડા જેવા હોય.” ત્યારે ડોશીના મનમાં ઠસાઈ ગયું જે, “જમ તો જરૂર પાડા જેવા હશે.” એમ કરતાં કરતાં છોકરાને મંદવાડ વધ્યો અને છોકરાનો ખાટલો ઓસરીમાંથી ઘરમાં લીધો. ઘરનાં માણસો સૌ છોકરાને વિંટીને રાતને વખતે બેઠાં હતાં. તેવામાં પટેલનો પાડો બાંધ્યો હતો તે છુટી ગયો અને ડોશીને ખાટલે માથું ઘસવા લાગ્યો. ડોશીએ માથેથી ઉપાડીને જોયું ત્યાં તો પાડો દેખાણો એટલે ડોશી માથે ગોદડું ઓઢી ગઈ અને બોલવા લાગી જે, “જમરાજ! હું તો સાજી છું ને માંદાનો ખાટલો તો ઘરમાં છે.” એમ કરતાં કરતાં પાડો બીજે કાંધે જ્યાં ખંજોળવા માંડ્યો, ત્યાં તો પાડાનું શીંગડું ડોશીના ખાટલાની પાંગત્યમાં ભરાણું. તેથી ડોશીનો ખાટલો ઊંચો થયો. ત્યારે ડોશી તાણીને બોલી જે, “જમરાજ! હું તો સાજી છું ને માંદાનો ખાટલો તો ઘરમાં છે.” એમ ઉતાવળી બોલવા લાગી એટલે સૌ ઘરમાંથી બહારય આવ્યાં અને ડોશીને પૂછ્યું જે, “ડોશીમાં! શું છે?” ડોશીમા કહે જે, “જમરાજ આવ્યા છે.” પછી સૌ કહે જે, “આ તો પટેલનો પાડો છે.” માટે સૌ ભાઈઓ વિચારીને જોજ્યો જે, ખરો વખત આવે ત્યારે માંદાનો ખાટલો ઘરમાં બતાવે એવાં છે. કેમ કે જીવને પોતાના દેહથી વધુ કશુંય પ્રિય નથી. ॥૧૦૮૦॥

એક માણસ હતો. તેની વૃદ્ધાવસ્થા થઈ ત્યારે તેની કોઈ ચાકરી કરતું નહોતું. તેને ચાર દીકરા હતા તો પણ પોતે ભૂખ્ય મરતો હતો. પછી તેને કોઈક મહાત્મા સંત મળ્યા તેણે કહ્યું જે, “ડોસા! તમારી પાસે કાંઈ મરણ મુડી છે?” ડોસો કહે જે, “મહારાજ! મારી પાસે મરણ મુડી શું હોય? ફક્ત પાંચ રૂપિયા છે.” સંત કહે જે, “લાવો તે મારી પાસે અને એક મોટો કચરાનો ભંભો લાવો.” પછી અધમણ રેતી માય તેવો ભંભો લાવ્યા. પછી સંતે તેમાં રેતી ભરાવીને તેના મોઢા ઉપર પાંચ રૂપિયા મેલ્યા અને તે ઉપર કોડીયું ઢાંક્યું. પછી છોકરાં તથા બૈરાં સૌ લાણી કરવા વગડે ગયા હતા અને દીકરાની વહુઓ ઘરે હતી. પછી ડોસે ચારે વહુઓને બોલાવીને કહ્યું જે, “બાપ દીકરા તમે સૌ આંહીં આવો ને આ ખડ હેઠે મારી મરણ મુડીનો ભંભો મૂક્યો છે તે લેવો છે.” તે સાંભળીને ચારે વહુઓ દોડીને ડોસા પાસે આવીયું અને ભાભો પણ બથમાં ભંભો ઘાલીને બેઠો હતો. પછી ભાભે કહ્યું જે, “ભા! એક ચલાખો લાવીને માંહે ભંભો મેલો અને મારા ખાટલા નીચે ખાડો ગાળીને તે ત્યાં ભંભો દાટો.” પછી ચારે દીકરાની વહુવો ભેળી થઈ એટલે ભાભાએ ભંભાના મોઢા ઉપરથી કોડીયું ઉંચુ કર્યું એટલે ચારે જણીઓની દૃષ્ટિએ રૂપિયા દેખાણા. તે જોઈ ચારે જણી બોલી જે, “ઓ... હો... હો... ભાભા પાસે તો અણગણ માયા છે.” પછી ચારે જણીઓએ ભંભો ઉપાડીને ઓસરીમાં ખાડો ખોદ્યો અને તેમાં જાળવીને ભંભો ગોઠવ્યો પછી ભાભો બોલ્યો જે, “ભા! આ જે માયા છે તે કાંઈ મારે સાથે લઈ જવી નથી! પણ મારી ચાકરી કરે તેને મારે આપવી છે અને તમને ચારે જણીયુંને સો સો રૂપિયાનાં કડલાં અને સો સો રૂપિયાની કાંબીયું એમ ચાર જણીયું ને બસો બસો રૂપિયા દેવા છે.” પછી સાંજ પડી એટલે ચારે છોકરા ખેતી કરીને ઘરે આવ્યા. ત્યારે મોટા છોકરાની વહુએ ચારે જણાને વાત કરી જે, “ભાભા પાસે તો અણગણ માયા છે અને અમો ચારે જણીઓએ માંડ માંડ મળીને ભંભો ઉપાડ્યો. એટલી બધી માયા છે અને ભંભા ઉપર કોડીયું હતું. તે ભાભે ઊંચું કર્યું તેમાં રૂપિયા મથોમથ ભરેલા છે. તે અમોએ નજરે જોયું. પછી મેં કહ્યું જે, ‘માયા ઉપર કોડીયું ઢંકાય નહીં. છાલીયું ઢંકાય.’ પછી મેં આપણું છાલીયું ઢાંકયું છે. અમને ચારે જણીયુંને સો સો રૂપિયાના કડલાં ને સો સો રૂપિયાની કાંબીઓ કરાવી દેવાનું કહ્યું છે.” પછી એ ચારે જણીઓ એકબીજાથી છાનાં કોઈ ભાભાને દૂધ પાઈ જાય, તો કોઈ સાકરનો શીરો આપી જાય એમ ખાતા ખાતા ભાભો રાભડીયા જેવો થઈ ગયો. પછી જ્યારે પોતાનો મૃત્યુકાળ પાસે આવ્યો ત્યારે ચારે દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું જે, “આ ચારે જણીઓએ મારી ચાકરી બહુ કરી છે. માટે એ ચારને બસો બસો રૂપિયા આપજો, ખરચનું તો હું કાંઈ કહેતો નથી, એ તો તમારી આબરુ પ્રમાણે કરજો.” એમ કહીને ડોસો તો સ્વર્ગવાસી થયા ત્યારે તેને રાતું લુગડું ઓઢાડીને શબને લઈ ગયા પછી ભાભાની પાછળ મોતૈયા જલેબીનું ઉજળું કારજ કર્યું અને મેમાન પરોણા જ્યારે પોતાને ઘરે ગયા ત્યારે જે વાણિયાના રૂપિયા ઉપાડ્યા હતા તે વાણિયે આવીને કહ્યું જે, “પટેલ! હવે ભાભાનું કારજ પણ વીતી ગયું અને મેમાન પરોણા પણ ઘરે ગયા માટે મારૂં નામુ સમજીને ચુકવી કરી આપો તો ઠીક.” પછી પટેલ કહે કે, “શેઠ! કાલે તમારો ચુકાવો કરી આપશું.” પછી રાત્રીયે ચારે ભાઈઓ તથા ચારે વહુઓ એમ બધા ભેળા થઈને જે ઠેકાણે ભંભો દાટ્યો હતો તે ઠેકાણેથી ખોદીને બહાર કાઢ્યો અને ચારે જણા માંડ માંડ ઉપાડીને ઘરમાં લઈ ગયા પછી ઘરમાં લઈ જઈને દાતરડે કરીને જ્યાં રૂપિયા કાઢવા મંડ્યા ત્યાં તો મોટી વહુ બોલી જે, “જે એમ રૂપિયા કઢાય? અને આઠસો રૂપિયા તો અમને ચાર જણીયુંને આપવાના છે.” ત્યારે પટેલ કહે, “લ્યો, એને ફોડીયે.” અને પટલાણી કહે, “ફોડો તો ખડખડાટ થાય. તો અડખે પડખેના સૌ સાંભળે. માટે લ્યો બે ગાદલાં પાથરીયે અને તે ઉપર ભંભો મેલીયે એટલે ખડખડાટ ઓછો થાય.” પછી ગાદલાં પાથરીને તે ઉપર ભંભો મેલ્યો. પછી કોશથી જ્યાં ધીમે રહીને ઠીબડી ઉતારી ત્યાં તો માંહેથી રેતીનો ઢગલો થયો. તે જોઈને ચારે ભાઈઓ ઉકળી ઉઠ્યા. અલ્યા આ તો કપટ, એમ એકબીજા લડવા મંડ્યા જે, “તારી ઓસરીમાં ખાટલો હતો, તું લઈ ગયો.” અને ચાર વહુઓ લડવા માંડી જે, “ઓલી કહે તું લઈ ગઈને ઓલી કહે તું લઈ ગઈ.” માટે આજની પ્રજા એવી છે કે કાંઈક ધુર્તપણું હોય તો જ સેવા કરે પણ માબાપનો મહિમા જાણીને વૃદ્ધપણામાં સેવા કરે તેવાં નથી. કેમ કે અત્યારનો જમાનો એવો છે કે પોતાના સાળાનો જેટલો વિશ્વાસ તેટલો સગા ભાઈનો પણ વિશ્વાસ નહીં. ॥૧૦૮૧॥

એક ગામમાં બે ભાઈ રહેતા હતા. તેને અરસપરસ અણબનાવ ઘણો જ થયો. તેથી એક ભાઈ કંટાળીને બીજે ગામ રહેવા ગયો અને તેને એક વૃદ્ધ ડોસો હતો. તેના ખાવા પીવાના વારા કર્યા હતા જે, “એક માસ સુધી તે ડોસો મોટાને ઘરે રોટલા ખાય અને એક માસ સુધી નાનાને ઘરે ખાય.” એમ કરતાં જ્યારે ડોસાનો મહિનો પુરો થઈ રહ્યો ત્યારે તેનો છોકરો ગાડા ઉપર રાડાં નાંખીને ડોસાને તે ઉપર બેસારીને તેના ભાઈને ઘર ઝાંપે જઈને ગાડું ઉલાળીને ડોસાને નીચે ઉતારીને પરબાર્યો ચાલ્યો ગયો. પછી છોકરાએ આવીને ડોસાને ખંખેરીને ઉભો કર્યો અને ફળીયામાં ખાટલો નાંખીને તે ઉપર બેસાર્યો. પછી તે બાઈ પાણી ભરવા ગઈ ત્યારે ગામમાં બૈરાં સૌ કહેવા લાગ્યા જે, “અરેરે! બળ્યા તમારા અબોલા જોને આ તમારો દેર આવ્યો તે ભાભાને ઝાંપે ગાડામાંથી ઉલાળીને નાંખી દઈને ચાલ્યો ગયો.” એમ બાઈને સૌ ઠપકો દેવા લાગ્યાં. એટલે તે બાઈ શરમાઈ ગઈ. પછી સાંજે તેનો ધણી ખેતરથી ઘરે આવ્યો ત્યારે તેની સ્ત્રી કહેવા લાગી જે, “મારે તો ગામમાં મોઢું દેખાડાય તેવું રહ્યું નથી.” કણબી કહે, “શું છે?” બાઈ કહે કે, “તમારો ભાઈ આવ્યા હતા. તે ભાભાને ઝાંપે ગાડું ઉલાળીને નાંખીને વયા ગયા.” કણબી કહે, “અરે, રાંડ! એમાં શું મુંઝાય છે? આપણે કાલ્ય મહિનો પુરો થશે તે જો હું ખરો હોઉં તો ગામને ઝાંપે ભાભાને નાંખી આવીશ. માટે એમાં શું મુંઝાસ.” માટે આજના છોકરાં બાપને બાપ કહે તેવાં નથી તે ઉપર એક વાત છે. ॥૧૦૮૨॥

કોઈક ગામમાં એક ખેડું હશે. પછી તે બાપ દીકરો ગાડું જોડીને પરગામ જતા હશે. ડોસો બીચારો ઘરથી જ રળ્યાનું રાસ! પણ કાંઈ સારાં કપડાં પહેરવા કે મોજ શોખ માણવી, તેની પોતાને બિલકુલ ખબર જ નહીં અને છોકરો તો લુગડાનો ઠાઠમાઠ આસપાસના પટેલીયાનો સોબતી હતો. ને રસ્તે જતાં પોતાના ભાઈબંધનું ગામ આવ્યું. ત્યારે ડોસાને કહ્યું જે, “તમે આ બધાં ગાડાં છુટ્યાં છે ત્યાં આપણું ગાડું છોડીને બળદીયાને ખડ ખવરાવો અને આ ગામમાં મારો ભાઈબંધ રહે છે તેને હું મળી આવું.” ભાભો ગાડું છોડીને પાદર બેઠો અને છોકરો ગામમાં ગયો. તે વખત પોતાના ભાઈબંધને ઘરે ઢગ્ય આવી હતી અને તેની જમવાની પંક્તિ ફળીયામાં બેઠી હતી. તે વખતે આ પટેલ પોતાના ભાઈબંધને રામરામ કરીને મળ્યો. પટેલ કહે કે, “મારે જવું છે.” તેનો ભાઈબંધ કહે કે, “જમ્યા વગર જાઓ તો મારા સોગંદ છે.” પછી ઘરધણીયે કહ્યું જે, “કોણ, કોણ છો?” પટેલ કહે કે, “ગાડે મારો સાથી છે.” ઘરધણી કહે, “નાતે કેવો છે?” પટેલ કહે કે, “કણબી છે.” પછી તેનો સાથી કણબી હતો, તેને બોલાવીને ઘરધણીયે જુવાર માતાનો એક રોટલો અને ઉપર બે મરચાં આપીને કહ્યું જે, “જા ગામને પાદર ગાડાં છુટ્યાં છે ત્યાં પટેલનો સાથી છે તેને રોટલો અને મરચાં આપી આવ્ય. ને સાથીને કહેજે જે, “પટેલને તો ત્યાં રોક્યા છે.” પછી તે તો હાથમાં રોટલો અને અને ઉપર બે મરચાં લઈને ઉપર એક મેલા લુગડાનો કટકો ઢાંકીને જ્યાં ગાડાં છુટ્યાં હતાં ત્યાં જઈને બુમ મારી જે, “ફલાણા ગામના પટેલનું ગાડું ક્યાં છે?” ત્યારે ડોસો ઉભો થઈને બોલ્યો જે, “આ રહ્યું! કેમ છે?” ત્યારે સાથી બોલ્યો જે, “અમારા પટેલને ત્યાં ઢગ્ય આવી છે એટલે પટેલને જમવાને માટે રોક્યા છે. અને પટેલે કહ્યું છે જે, ‘મારે ગાડે મારો સાથી છે માટે રોટલો પહોંચાડો.’” તે સાંભળી ડોસાના રુંવાડે રુવાડાં અવળાં થઈ ગયાં. અને બોલ્યો જે, “ભાઈ! હું વૃદ્ધ છું અને મોઢામાં દાંત નથી. તે છાશ હશે તો મારે ચોળીને ખવાશે. માટે ચાલ્ય હું તારી સાથે આવું.” પછી બીજા ગાડાવાળાને પોતાના ગાડાની ભલામણ કરીને તે ડોસો સાથે સાથે ગામમાં ગયો. તે વખતે બધી પંક્તિ જમવા બેઠી હતી અને એક બીજાને તાણ કરી કરીને સૌ જમાડતા હતા. તે વખતે ડોસો પંક્તિ વચ્ચે જઈને ઉભો ઉભો બોલ્યો જે, “અલ્યા! ગધાડીના. હું તે તારો સાથી છું કે હું તે તારી માનો સાંઢ છું બોલ્ય?” તે સાંભળીને આખી પંક્તિ સ્થિર થઈ ગઈ. માટે આજનાં છોકરાં તો પોતાના માવતરને સાથી કરે તેવાં છે. ॥૧૦૮૩॥

એક ખેડુ હતો. તેણે પોતાના છોકરાને કહેલ જે, “બાપ! દીકરા! તારો પગ ક્યાંઈક ઉંચો નીચે પડે તો મને કહેજે એટલે હું વેળાસર ચેતવણીમાં રહું.” પછી એક દિવસ છોકરો ખેતરથી કડબનો ભારો માથે ઉપાડીને ચાલ્યો આવતો હશે અને ખેતરને શેઢે એક ખાડો હશે તેમાં તેનો પગ પડ્યો. પછી તેણે ઘરે આવીને પોતાના બાપને કહોડ્યમાં લઈ જઈને કહ્યું જે, “દાદા! આજ મારો પગ ઉંચો નીચો પડ્યો!” પટેલે કહ્યું જે, “બોલીશ માં... મને કહ્યું તે કહ્યું પણ બીજે ક્યાંઈ વાત કરીશ માં.” પટેલે પોતાની ઘરવાળીને કહ્યું જે, “થોડાં ધીમાં ઢેબરાં કર.” પછી થોડાં ઘણાં ઢેબરાં કર્યા અને કાંઈક રોકડ તથા દાગીના હશે તે એક ડબામાં ભરીને બાંધી લીધા તે વિગેરે બીજો સામાન હશે તે ગાડામાં ભર્યો અને ઘરને બારણે તાળું વાસીને બસો બસો રૂપિયાના ગોઢલા હતા, તે ગાડે જોડીને સમી સાંજના ચાલી નીકળ્યા. પટેલના મનમાં એમ ભીતી હતી જે, “છોકરો કોઈકના ઘરમાં ગયો હશે તે વાતની જો રાજાને ખબર પડશે તો મને દંડશે.” એવા અભિપ્રાયથી પટેલ સમી સાંજનો ચાલી નીકળ્યો. પછી પાંચ સાત ગાઉ ગયા અને સવાર પડી ત્યાં એક નદી આવી ત્યાં વિશ્રાંતિ લેવા ગાડું છોડીને દાતણ પાણી કર્યા પછી છોકરાને એક કોરે લઈ જઈને તેના બાપે પૂછ્યું જે, “બાપ! દીકરા! તારો કોને ઘરે ઉંચો નીચો પગ પડ્યો?” છોકરો કહે કે, “ઘેર વળી ક્યાં, આપણા ખેતરને શેઢે ખાડો છેને ત્યાં અને મારે માથે કડબનો ભારો હતો તે વખતે તે ખાડામાં મારો પગ પડ્યો.” પટેલ કહે, “ઠીક કાંઈ બોલીશ નહીં.” પછી ત્યાં બળદને ખડ ખવરાવીને ત્રણે જણાંએ ત્યાં ઢેબરાં ખાધાં. પછી ગાડું જોડીને જ્યારે પાછાં વળ્યાં ત્યારે પટલાણીએ પૂછ્યું જે, “તમે સમી સાંજનું ગાડું જોડીને ક્યાં જતા હતા? વળી છોકરાને એક કોરે લઈ જઈને શું પૂછ્યું? અને વળી આંહીથી પાછા વળ્યા, તેમાં હું કાંઈ સમજી શકી નહીં.” તેથી પટેલ કહે, “આ છોકરો નાનો હતો ત્યારે મેં બાધા રાખી હતી જે ઓરીથી અછબડાથી શીળીથી જો છોકરો સાજો સારો રહેશે તો હું વીશ ગાઉનું ધફફડ કરીશ. તે આ ધફફડ માન્યું હતું તે માનતા પુરી કરી.” તેમ આ દુનિયામાં કેટલાક જીવો આવીને ધફફડ કર્યા જેવું કામ કરશે અને કેટલાક તો પોતાના જીવનું કલ્યાણ કરશે. છોકરાને પણ બિલકુલ વહેવાર સંબંધી ખબર નહોતી જે, “ધર્મ શું છે ને અધર્મ શું?” એમ તદ્દન અજાણ હતો. ॥૧૦૮૪॥

એક શેઠ હતો. તેણે હવેલી કરાવી. તે સાત વરસ પૂરા થયાં ત્યારે માંડ માંડ પૂરી થઈ. અને તેની થાંભલીની કુંભીઓમાં એવું નકશી કામ કરાવ્યું જે, એક એક કુંભી તૈયાર કરતાં ત્રણ ત્રણ મહિના લાગ્યા અને જ્યારે હવેલી પૂરી થઈ અને જે દિવસે વાસ્તુ લેવું હતું તે વખતે શેઠ મૃત્યુનો પામ્યો. શેઠની એવી વૃત્તિ હતી જે, “વચલી થાંભલીની કુંભીએ બેસીને મારે દાતણ કરવું.” પણ તે વાત તો કાંઈ સત્ય થઈ નહીં અને વાસના રહી ગઈ જે ઓહો કુંભીએ ન બેસાણું એમ કરતા કરતા મરી ગયો. તેથી કુતરીને પેટ જન્મ લેવો પડ્યો. પછી તે કુતરીના ગલબો મોટો થયો એટલે નિરંતર ઓસરીની કોર ઉપર ચડીને કુંભીને ઓઠીંગણ દઈને બેસતો અને ઓસરીની કોર પણ લાલ લાલ કરી મેલતો. પછી પોતાની દીકરાની વહુને રીસ ચડી જે, “મારો પીટ્યો નાનપણથી જ કુંભીનો કેડો મેલતો નથી અને ઓસરીની કોર પણ લાલ લાલ કરીને બગાડી મેલી.” એમ કહીને લુગડાં ધોયાનો ધોકો હતો તે કુતરાની કેડ ઉપર માર્યો. કુતરાને વાગ્યું તેથી વૌ વૌ કરતો વરસતા મેમાં બહાર શેરીમાં જઈને ઉભો રહ્યો. પણ કાંઈ વહુ જાણે છે જે, મારો સાસરો કુંભી સાચવવા આવ્યા છે. માટે જો વાસના રહેશે તો કુતરાના જેવો જન્મ લેવો પડશે અને વહુ ધોકા મારશે તે માટે સૌએ વિચારીને અસદ્ વાસનાનો ત્યાગ કરવો. ॥૧૦૮૫॥

એક બ્રાહ્મણ હતો. તેણે ટેલ નાંખીને બે હજાર રૂપિયા ભેગા કર્યા હતા. પછી તેણે એક શેઠની દુકાને અનામત રાખવા મૂક્યા અને એક ઘરડી ડોશીને સાક્ષી રાખી. પછી તે પરદેશમાં રળવા ગયો. પછી તે થોડા વરસે તે શહેરમાં પાછો આવ્યો ને આવીને શેઠને કહ્યું જે, “મારા રૂપિયા લાવો.” શેઠે એકદમ ધમકી મારીને કહ્યું જે, “રૂપિયા કેવા રૂપિયા? કોણ છો તું?” બ્રાહ્મણ બોલ્યો જે, “ઓલી ડોશી સાક્ષી છે તેને બોલાવું.” પછી બ્રાહ્મણ ડોશીને તેડીને વાણિયા પાસે લાવ્યો. તે ડોશીને ભાળીને વાણિયે ભ્રકુટી ચડાવીને ધમકી દેવા માંડી. પછી ડોશીએ કાન આડા હાથ દીધા જે, “ભા! હું જાણતી નથી.” અને વાણિયાને પેટ દીકરો નહોતો તેથી બ્રાહ્મણે વિચાર કર્યો જે, “મારા રૂપિયા ઓળવ્યા છે પણ તે રૂપીયા હું લઉં તો ખરો.” પછી કાશીયે જઈને કમળ પૂજા ખાધી અને શેઠને ઘરે દીકરો થયો. છોકરો બાર વરસનો થયો અને ઓલી ડોશી પણ મૃત્યુને પામી અને તે એક મોટા શેઠને ત્યાં જન્મી. પછી શેઠના દીકરાનાં લગ્ન તે દીકરી સાથે કર્યા અને લગ્ન કર્યા પછી છોકરો તુરત માંદો પડ્યો એટલે શેઠાણીએ માનતા કરી જે, “છોકરો જો સાજો થશે તો બે હજાર રૂપીયાનું બ્રાહ્મણને પુન્ય કરીશું.” એવો સંકલ્પ કર્યો ત્યાં જ છોકરો સાજો થયો અને મહીનો પંદર દીવસ સાજો રહ્યો અને વળી પાછો માંદો પડ્યો. પછી શેઠાણી શેઠને કહેવા લાગી જે, “તમે દાન કરો છો તે કચવાતા કચવાતા કરો છો. એટલે માણકો ક્યાંથી સાજો થાય?” પછી શેઠે કહ્યું જે, “હે પરમેશ્વર! આમાંથી છોકરો જો બેઠો થશે તો દશ હજાર રૂપીયાનું પુન્ય કરીશ.” પછી વળી તુરત જ છોકરાને આરામ આવ્યો અને મા...મા કરવા લાગ્યો. એમ કરતાં કરતાં બે ચાર વખત તેવી જ રીતે માંદો થયો. પછી છેલ્લી વારે માંદો થયો શેઠ તથા શેઠાણીએ સંકલ્પ કર્યો જે, “હે ભગવાન! આમાંથી છોકરો જો જીવતો રહેશે તો આ હવેલી બ્રાહ્મણને કૃષ્ણાર્પણ કરીને હાથે પગે નીકળીને બીજે રહેવા જઈશું.” પછી બ્રાહ્મણને બધું કૃષ્ણાર્પણ કરીને હાથે પગે નીકળીને બીજે ઘરે રહેવા ગયાં. પછી પાંચ સાત દિવસ સાજો રહીને વળી ફરીને માંદો થયો. ત્યારે શેઠ તથા શેઠાણી તેના ખાટલા પાસે જઈને બેઠા અને દિલગીરી કરવા મંડ્યા જે, “બાપ... દીકરા તને કેમ છે?” છોકરો બોલ્યો જે, “દીકરો દીકરો કોને કહે છ?” ત્યારે શેઠે કહ્યું જે, “તું કોણ?” ત્યારે છોકરો બોલ્યો જે, “હું ઓલ્યો રૂપિયાવાળો બ્રાહ્મણ! છોકરો બોકરો કાંઈ જાણીશ નહીં.” ત્યારે શેઠ બોલ્યો જે, “તું તો તે બ્રાહ્મણ પણ ઓલી દશ વરસની રાંડી એ કોણ?” ત્યારે છોકરો બોલ્યો જે, “કાન આડા હાથ દીધા હતા તે ડોશી.” માટે આ દુનિયામાં પુત્ર અથવા પુત્રીઓ લેણું લેવા અથવા દેણું દેવા આવે છે અને કેટલાક વૈરભાવે પણ આવે છે એટલે જીવે ત્યાં સુધી માવતરને દુઃખ જ દીધા કરે. ॥૧૦૮૬॥

એક શેઠ હતો. તેણે રમુજની ખાતર તેની સ્ત્રીને કહ્યું જે, “આજ તો મને એવું સ્વપ્નું આવ્યું જે જાણે હું મુંઝાણો કે કાંઈ કહ્યાની વાત નહીં.” શેઠાણી કહે, “એવું તે શું સ્વપ્નું આવ્યું તે મુંઝાઈ ગયા?” શેઠ કહે કે, “એ કહ્યા જેવું નથી.” શેઠાણીયે બહુ આગ્રહ કર્યો અને પોતાના દીકરાના સોગંદ આપ્યા જે, “કહો નહી તો આ છોકરાના સમ છે.” ત્યારે શેઠે કહ્યું જે, “જાણે હું રાંડ્યો!” ત્યારે શેઠાણી કહે કે, “ઘણી ખમા તમને. રાંડું ને હું, શા સારું તમે રાંડો!” તેમ આ દુનિયામાં સ્નેહ સૌને આવો છે તે મરવું સારું લાગે નહીં પણ મોત આવ્યે છુટકો નહીં એટલે પરાણે જાવું પડે. ॥૧૦૮૭॥

એક ઋષિમહારાજ હતા. તે અહોનિશ ભાગવત, ગીતા વિગેરે સત્શાસ્ત્રની પારાયણ કર્યા કરતા હતા. ઋષિની કથા કહેવાની કહેણી તથા તેનું વર્ણન જોઈને આસપાસના ઘણાંક માણસો કથા સાંભળવા આવતાં હતાં. અને તેમના આશ્રમની પાસે એક છોકરો તથા તેની મા રહેતાં હતાં. ઋષિને એવો નિયમ હતો જે, “કોઈ સ્ત્રી જાતિ તો પોતાના આશ્રમમાં આવી શકે જ નહીં. પુરુષમાત્ર કથા સાંભળવા આવી શકે.” તેનો એવો નિયમ હતો. ને છોકરો તથા તેની મા ઋષિની જગ્યાની આસપાસ બધે વાળી ચોળીને સાફ રાખતાં હતાં. પછી છોકરે ઋષિને કહ્યું જે, “ઋષિમહારાજ! મારી મા બહુ જ ભગવદિ છે અને તેને તમારી કથા સાંભળવાની બહુ જ પ્રીતિ છે માટે તમો આજ્ઞા કરો તો મારી મા એક કોરે એક ખૂણે બેસીને કથા સાંભળે.” ઋષિ કહે, “ગમે તેમ હોય પણ તારી મા મારા આશ્રમમાં નહીં.” પછી છોકરે ઋષિની બહુ બહુ પ્રાર્થના કરી એટલે ઋષિએ કહ્યું કે, “તારી મા તો નહીં પણ તારી માનું કપડું લાવીને હું જે પાટ ઉપર બેસીને કથા કરું છું તે પાટ્યને માથે વાંસડો છે તે ઉપર નાંખ્ય.” પછી છોકરે તે પ્રમાણે તેની માનું કાપડું લાવીને જે પાટ્ય ઉપર ઋષિ બેસીને કથા કરતા હતા તે વાંસડા ઉપર તે કાપડું ટીંગાડ્યું. એટલે સૌ લોક કથા સાંભળવાને માટે એકઠાં થયાં અને ઋષિને પ્રણામ કરીને સૌ કથા સાંભળવા બેઠા. ઋષિ હંમેશની માફક કથારુપી અમૃત વરસાવવા લાગ્યા. પણ કોઈનું ચિત્ત કથામાં લાગ્યું નહીં અને સૌ કપડાં સામું જોઈ જોઈને નવા નવા તર્ક કરવા લાગ્યા જે, “આવા મહાત્મા ઋષિ છે અને તેને ત્યાં આવું લુગડું ક્યાંથી આવ્યું હશે? આ તે રાતે ઋષિના આશ્રમમાં કોઈ આવતું હશે તે ભૂલી ગયું હશે કે ઋષિ ક્યાંય રાતમાં જતા હશે, તે ભૂલ્ય ભૂલ્યમાં સાથે લઈ આવ્યા હશે.” પછી ઋષિએ તાળી પાડીને કહ્યું જે, “ભાઈઓ! આજ કેમ સૌનાં વ્યગ્ર ચિત્ત છે.” શ્રોતા સૌ બોલ્યા જે, “મહારાજ! કાંઈ નહીં.” પછી ઋષિએ સોગંદ દઈને પૂછ્યું. પછી સૌએ કહ્યું જે, “મહારાજ! આ લૂગડું તમારે ત્યાં ક્યાંથી?” પછી ઋષિએ છોકરાને ઉભો કર્યો જે, “દેખ્ય આ વેંતનું લુગડું અહીંયા આવીને પડ્યું છે ત્યાં જ સૌનાં ચિત્ત જુદા જુદા પ્રકારનાં થઈ ગયાં પણ તારી મા મૂર્તિમાન આવીને બેસે તો શું થાય?” માટે જે ઠેકાણે જેનો પ્રવેશ ન હોય તે ઠેકાણે તેનો પ્રવેશ થાય તો માણસોનો તર્ક-વિતર્ક થાય જ. કેમ કે તે પદાર્થ જ એવું છે માટે છેટે રહે સુખ છે. ॥૧૦૮૮॥

એક ઋષિ હતા. તેમણે ભારે બગીચો કર્યો હતો. ઋષિ પોતાનો આશ્રમ શૂન્ય મેલીને બે-ચાર મહીના યાત્રાએ ગયા હતા. તેવામાં તે ગામના રાજાના કુંવરે તે ઋષિનું આશ્રમ પોતાના માણસો પાસે ભાંગી તોડી નંખાવ્યો. ઋષિ પણ પોતાની યાત્રા પૂરી કરીને પોતાના આશ્રમ તરફ આવતા હતા. તેવામાં તેમને પાસેના ગામના માણસોથી જાણવામાં આવ્યું જે, “તમારો આશ્રમ રાજાના કુંવરે ભાંગીને છિન્નભિન્ન કરી નાંખ્યો છે.” તે સાંભળી ઋષિને રુંવાડે રુંવાડે ક્રોધ ઉત્પન્ન થયો અને પોતાના મનમાં એમ થયું જે, “હું ખરો તો શ્રાપ દઈને તેને બાળી નાંખું.” તે વાતની રાજાને ખબર પડી જે, “ઋષિ ક્રોધના ભર્યા આવે છે તે શ્રાપ દઈને સૌને બાળી નાંખશે.” તેથી રાજાએ ઢંઢેરો પીટાવીને ગામના તમામ માણસોને ભેગા કર્યા અને કહ્યું જે, “આ ઋષિને કોઈ શાંત પાડે.” જેમ દાવાનળ સળગતો હોય તેમાં જઈને ઓલવવાની કોણ હિંમત કરે? તેવામાં એક ચાંડાળી હતી તે બોલી જે, “હું જઈને ઋષિને શાંત કરું.” પછી રાજાએ કહ્યું જે, “તું મોઢેથી માંગ્ય તે તને આપું.” પછી ચાંડાળી ઋષિ જે રસ્તેથી આવતા હતા તે રસ્તે સામી ચાલી. ઋષિને એવો ક્રોધ ચડ્યો હતો જે તેની આગળ રાસવા રાસવા ધુડ ઉડતી આવતી હતી. તે ચાંડાળી ગામને સીમાડે ઋષિને ભેગી થઈ. ત્યાં તો રસ્તામાં ઋષિના પગ ઝાલીને વળગી પડી. ઋષિ બૂમ પાડીને કહેવા લાગ્યા જે, “અરે, રંડી! તું કોણ છો?” ત્યારે ચાંડાળી બોલી જે, “હું તો તમારી ઘરવાળી છું. તે શેની મેલું? અને આટલા દહાડાથી ક્યાં ગામ હતા? ઘરે છોકરાં ભૂખ્યે મરી ગયાં! આજ સુધી ઘરે આવ્યા નહીં. આવું કરવું હતું ત્યારે મને લાવવાનો શો ખપ હતો?” ઋષિ તો તેના શબ્દને સાંભળીને શાંત શાંત થઈ ગયા અને પોતાના મનમાં એમ થયું જે, “ગામના લોક જાણશે તો મારી સૌ મશ્કરી કરશે જે, આવો ધર્મવાળો ઋષિ જણાય છે અને આ ક્યાંથી?” અને ઋષિને આખે શરીરે પરસેવો વળી ગયો હતો. પછી ચાંડાળી છેટે જઈને ઉભી રહીને બોલી જે, “મહારાજ! તમે બીશો નહીં. હું તમારી ઘરવાળી નથી પણ તમારામાં જે ક્રોધ આવ્યો હતો તેની ઘરવાળી છું. માટે હવે નહાઈ-ધોઈને શુદ્ધ થાઓ.” પછી ઋષિ નાહી-ધોઈને શુદ્ધ થઈને પોતાના આશ્રમ તરફ પધાર્યા. ત્યારે રાજાએ પ્રથમ તો ઋષિનું સામૈયું કરીને પોતાના મહેલમાં લઈ ગયો અને પછી ઋષિનો આશ્રમ સાફસુફ કરાવીને ઋષિને ત્યાં વાસ કરાવ્યો. માટે માણસના દેહમાં જ્યારે ક્રોધ આવે છે ત્યારે તેને કોઈ જાતનું ભાન રહેતું નથી. કેમ કે ક્રોધનું નામ જ વિરુપ છે. ॥૧૦૮૯॥

એક વાણિયો સંત પાસે બેસવા ગયો ત્યારે સંતે કહ્યું જે, “શેઠ! હવે જંજાલ થોડી થોડી ઘટાડતા જઈ તીર્થયાત્રા તથા સંત સમાગમ કરો, તો ઠીક.” વાણિયો કહે, “મહારાજ! મારે ઘરે પતિવ્રતા સ્ત્રી છે તે મારા વિજોગથી ભૂખ વેઠી તરફડી મરે.” ગુરુ કહે, “તમે પરીક્ષા કરો. મધ્યાહ્ને શબાસન કરો કે તુરંત જણાઈ આવશે.” પછી મધ્યાહ્ને ગુરુના શીખવ્યા મુજબ વાણિયે શબાસન કર્યું. એટલે વાણિયાની સ્ત્રીએ તપાસ કરતાં મરેલ શરીર માલૂમ પડતાં તે સ્ત્રીએ વિચાર કર્યો જે, “જાણે હું કુહડ જેવી આળસુ સ્ત્રી છું. ભૂખી છું. રસોઈ પણ કરી નથી, અત્યારે રોકકળ કરીશ તો મહાજન ભેગું થશે, ક્રિયા બધી થઈ રહેતાં મારે કોરો કડાક ઉપવાસ થશે. માટે લાવ્ય કાંઈક ટાઢું શીળું ખાઈ લઉં.” હાડલામાં જારનો ઠુમરો ટાઢો પડ્યો હતો તેમાં છાશ નાંખી ઉખેડીને પીઈ ગઈ. પછી વિચાર કર્યો જે, “વાણિયા પાસે કાંઈ જોખમ હોય તો તપાસ કરું.” પછી તપાસ કરતાં કાંઈ માલૂમ પડ્યું નહી. રુપાનું દાંતનું માળખું તેમાં સોનાની રેખો માલૂમ પડી, પછી પાણો લઈ તે કાઢવા લાગી એટલે વાણિયો બોલ્યો, “રાખ્ય, તારું પતિવ્રત પુરું થઈ રહ્યું.” પછી તે વાણિયો સંત મહાત્માને શરણે ગયો. ॥૧૦૯૦॥

એક ભરવાડને ત્યાં લગ્નમાં બ્રાહ્મણ ગોરપદું કરવા ગયો. ત્યાં ઘીના વાસણ ભરવાડને ત્યાં ભરેલાં ભાળ્યા એટલે બ્રાહ્મણ મંત્ર બોલીને તેની સ્ત્રીને સમસ્યા કરવા લાગ્યો: “ઘી ચોરો, ઘી ચોરો, સ્વાહા..” ત્યારે બ્રાહ્મણની સ્ત્રીએ બધી ભરવાડ્યો વિગેરે બાઈયોને ગીત ગવરાવ્યા જે:

‘ઘીવડલાં ચોર્યાની ઘણી ખાંત્ય રે, ઘીવડલાં શેમાં ચોરીયે કરી.’

બ્રાહ્મણ ફરી સમસ્યા મંત્ર બોલવા મંડ્યો: “કોઠી ઉપર્ય કોરી ગાગર સ્વાહા…” ભરવાડના છોકરાં જાગ્યાં ને બોલ્યાં જે, “ગોર શું કહે છે?” ભરવાડ કહે, “એ તો મંત્ર જપે છે. સુઈ જાઓ છાનાંમાનાં.” ગોરની સ્ત્રીએ પાછાં ગીત ગવરાવ્યા જે:

કોરી તે ગાગર્ય ઘીવડલાં પીઈ જાય રે, ઘીવડલાં શેમાં ચોરીયે રે।

ઘીવડલાં ચોર્યાની ઘણી ખાંત્ય રે, ઘીવડલાં શેમાં ચોરીયે કરી॥

ત્યારે બ્રાહ્મણે સમસ્યા મંત્ર કહ્યો જે: “જે આવે તે તારા બાપનું, જે આવે તે તારા બાપનું સ્વાહા, સ્વાહા...” ગોરાણી કહ્યા મુજબ ઉપાડી ગઈ. આવી ખળતાઈ વધી પડી છે માટે ભોળાં લોકને સમજાવીને ધન ઠગી જાય. ॥૧૦૯૧॥

એક વાણિયો હતો. તે બહુ જ લોભી હતો પણ લોકલાજે ફક્ત કથાવાર્તામાં આવતો. તે કથાની પૂર્ણાહુતિ વખતે વાણિયે ફક્ત સવા આનો કથા ઉપર મૂક્યો. વ્યાસજીએ વાણિયાના બહુ જ વખાણ કરીને ઘડીક બેસવા કહ્યું. શ્રોતા સૌ વિસર્જન થયા પછી વ્યાસજીએ તે વાણિયાને કહ્યું જે, “શેઠીયા! આજથી ત્રીજે દિવસે તારૂં મોત છે. માટે ચેતવું હોય તો ચેતાજે.” વાણિયે પંચાવન કરોડ્ય રૂપિયા ભેળા કર્યા હતા. છપ્પન કરોડ પુરા થાય તો છપ્પન ઉપર દેવના ભેર વાગે તેના વળખા મારતો બહુ શોકાતુર થઈ ગયો. પણ હવે ત્રણ દિનમાં એક કરોડ રૂપિયા આવે ને છપ્પન કરોડ પૂરા થાય ને પછી મરી જવાના શોકમાં ગળગળો થઈ ગયો. ઝાડો પેશાબ છુટી ગયાં. વ્યાધિ ને ત્રિદોષ શરુ થઈ ગયા. હવે પેલા ગુરુ તે વાણિયાને જોવા પધારતાં બોલ્યા જે, “શેઠીયા! એક સ્વર્ગલોકમાં શીવવાની સોય મળતી નથી માટે આ લ્યો લઈ જાઓ.” વાણિયો કહે કે, “મારું શરીર બાળી મૂકશે ત્યારે હું કેમ કરીને સોય લઈ જઉં?” ગુરુ કહે, “તારા પંચાવન કરોડની ગાંસડી ભેળી સોય એક લઈ જજે.” વાણિયાને ગુરુના શબ્દ હાડે હાડ લાગી ગયા જે, “આમાંથી પ્રભુ બચાવે તો ઠીક.” પછી તે વાણિયો સાજો થયો ‘તાજી તીક્ષ્ણ ધાર... અડતામાં અળગું કરે, લેશ ન રહે સંસાર... વજ્જર લાગ્યાં કોઈ વીરના.’ પંચાવન કરોડ ધર્માદામાં વાપરી નાંખ્યા. ઈંદ્રનું ઈંદ્રાસન ડોલવા માંડ્યું. ભગવાન પાસે ફરીયાદે ઈંદ્ર આવતાં ભગવાન તથા અર્જુન ત્યાં પધારી વાણિયાને ત્યાં બ્રહ્મભોજનમાંથી વધેલ લાડુ જમ્યા ને વાણિયાને ઔષધિ આપતાં વાણિયામાં હુશીયારી આવતાં આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થયો. ને સંત સમાગમ કરી બ્રહ્મધામને પામ્યો. આવું સંત સમાગમનું ફળ છે. માટે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે જે, “નિત્ય સાધુનો સમાગમ કરવો.” ॥૧૦૯૨॥

આ દુનિયામાં સોબત હંમેશાં સારી રાખવી. જ્યારે ઉજળે લુગડે મરીયે ત્યારે શાબાશી કહેવાય. એક મહાત્મા હતા. તેની પાસે એક બાઈએ આવીને પૂછ્યું જે, “બાવાજી! તમારી દાઢી ધોળી કે મારા વાછરડાનું પૂછડું ધોળું?” બાવાજી કહે, “પછી કહીશ.” બાવાજીએ તો મંદવાડ ગ્રહણ કર્યો. સાધ્ય બેસાધ્ય થવા માંડતા બાઈએ પૂછ્યું જે, “બાવાજી! હવે તમે છેલ્લે વખતે મને ‘તમારી દાઢી ધોળી કે વાછડાનું પૂછડું ધોળું?’ આનો જવાબ દેતા જાઓ.” બાવા કહે, “પછી કહીશ.” થોડાક સમયે બાવાજી તો વૈકુંઠવાસી થતા વાજતે ગાજતે પાલખીમાં પધરાવી અગ્નિસંસ્કાર કરવા લઈ જતાં પાલખી બાઈએ અટકાવી હઠ લઈ કહ્યું જે, “બાવાજી! હવે જવાબ દેતા જાઓ.” બાવાએ હાથમાં માળા હતી તે બાઈને આપીને કહ્યું જે, “બેટા! હવે હું ઉજળે લુગડે જાઉં છું.” માટે છેલ્લા શ્વાસ સુધી કોઈ જાતનું માથે વિઘ્ન આવવા દેવું નહીં તે ખરા ગુરૂના લક્ષણ છે તે દાઢી ઉજળી કહેવાય. ॥૧૦૯૩॥

એક ઋષિના આશ્રમમાં એક કુતરો રહેતો હતો. તે ઋષિની એઠ્ય ખાય ને ઋષિની પર્ણકુટીની ચોકી કરતો હતો. તેવામાં એક દીપડો આવ્યો. તેથી તે બીનો ને ઋષિની પાટ નીચે પેશી ગયો. ઋષિએ જાણ્યું જે, “આ દીપડાથી બીનો છે.” માટે કુતરાને કહ્યું જે, “જા, બચ્ચા દીપડા હો જા.” જો એમ કરતાં કેસરી સિંહ આવ્યો. તેનાથી બીઈને વળી કુતરો ઋષિના આશ્રમમાં પેશી ગયો. ઋષિએ કહ્યું જે, “જા, બચ્ચા કેસરી સિંહ હો જા.” એમ કરતાં મોટો સર્ભ્ર (શરભ) આવ્યો. તેથી સિંહ બીઈને ઋષિની પાટ નીચે પેશી ગયો. પછી ઋષિએ તેને સર્ભ્ર બનાવી દીધો. એટલે તે તો નિર્ભયપણે વનમાં જે મળે તેનો આહાર કરવા માંડ્યો અને પશુ પક્ષી સર્વનું માંસ ભક્ષણ કરવા લાગ્યો. પછી, એક દિવસ તેણે વિચાર કર્યો જે, “બધાયનું માંસ ભક્ષણ કર્યું પણ ઋષિનું માંસ નથી ખાધું. તો તેમનું માંસ કેવું હશે?” એમ મનમાં વિચાર કરીને જ્યાં ઋષિના આશ્રમમાં આવ્યો, ત્યાં ઋષિએ તેના મનની વૃત્તિ જાણીને શ્રાપ આપ્યો જે, “જા બચ્ચા કુતા હો જા.” પછી કુતરો થઈને ભહ ભહ ભહ એમ ભસવા લાગ્યો. માટે મોટા કૃપા કરે તો તે જીવ જીરવી શકે નહીં અને પાછો શ્વાનયોનીને પામ્યો. ॥૧૦૯૪॥

એક ઋષિના આશ્રમમાં ઉંદરડો રહેતો હતો. તે આશ્રમમાં કોઈક પુરાતની આગળ પૈસાવાળો થઈ ગયેલ હશે તેણે સોનામહોરનો લોટકો દાટેલ. તે ઉપર ઉંદરડે માળો કર્યો હતો અને રાત્રે કૂદી કૂદીને ઋષિની કોપીન તથા અલફીયું ફાડી નાંખતો હતો. ઋષિયે તેને માટે ઘણા ઘણા ઉપાય કર્યા પણ તેનું નિવારણ થયું નહીં. પછી ઋષિયે તેના દરનો તપાસ કરતાં જે ઠેકાણે તેનું દર હતું ત્યાં ખોદીને જોયું એટલે સોનામહોરનો લોટકો મળ્યો. તે કાઢી લઈને તેમાં મૃત્તિકા ભરી તેની ઉપર તેનો માળો હતો તેમ ગોઠવી દીધો અને દર છાંદીને તેનું હતું એવું કરી દીધું. પછી રાત્રી પડી ત્યારે ઉંદરડો ભોંય ઉપર માંડ માંડ ચાલવા મંડ્યો પણ ઠેકડા મારવાનું જોર રહ્યું નહીં. માટે દ્રવ્યનું જોર એવું છે જે, “જીવ પ્રાણીમાત્રને તેનો કેફ ચડે છે જેમ સો રૂપિયે સવાશેર દારૂનો કેફ ચડે છે.” ॥૧૦૯૫॥

એક શહેરમાં એંશી વરસનો ડોસો અને ડોસી રહેતાં હતાં. તે બન્ને જણાં પોતાના ઘરની ઓસરી ઉપર બેસીને હાંસી-મશ્કરી કરતાં અને એક બીજાને મર્મ શબ્દ બોલતા. અને તેની નજીકમાં રાજાને રહેવાનો બંગલો હતો. રાજા ગોખમાં બેઠો બેઠો વિચાર કરે છે જે, “આ એંશી એંશી વરસનાં ડોસો અને ડોશી કેવા વિનોદ કરે છે? માટે જાઓ તે બન્ને જણાંને મારી પાસે બોલાવી લાવો.” પછી રાજાના માણસોએ જઈને તેમને કહ્યું જે, “તમને રાજા બોલાવે છે.” પછી ડોસે જારની મુઠી ભરી લીધી. અને ડોસીએ રાખની મુઠી ભરી લીધી અને બન્ને જણાં રાજા પાસે જઈ ઉભાં રહ્યાં. રાજાએ કહ્યું જે, “તમે બે જણાં વિનોદ કેમ કરતાં હતાં?” તે સાંભળી ડોસાએ જારની મુઠી બતાવી અને કહ્યું જે, “સાહેબ! મને મુઠી જાર મળે ત્યાં સુધી મને કામ વાસના ટળે તેમ નથી.” ડોસીએ રાખની મુઠી ભરી હતી તે બતાવીને કહ્યું જે, “હું રાખ થાઉં ત્યાં સુધી મારો કામ બળે તેમ નથી.” માટે વાસના છે તે આવી બળવાન છે. ॥૧૦૯૬॥

મદાપરીને ખાળે માણસો વહાણમાં બેસવા ગયા હતા. તેમાં હોડીયામાં ત્રીસ માણસો બેસી શકે તેવું વહાણ હતું પણ ત્યાં કોઈ સ્વરૂપવાન બાઈ વહાણમાં બેસવા આવી હતી એટલે તેમાં આસક્ત થઈને સાઠ માણસો વહાણમાં બેઠા. ત્યારે ખલાસી બોલ્યો જે, “ભાઈઓ! આ તો ત્રીસ માણસ બેસી શકે તેવું વહાણ છે?” (પણ કામવાસનાએ કરીને સાઠ માણસો બેઠાં) પછી દરીયામાં એક ગાઉ વહાણ જ્યાં ગયું ત્યાં તો એક કોરે વજન વધારે થયું તેથી વહાણ સમુદ્રમાં ડુબી ગયું. એમ સાઠ પુરુષ ને પેલી એક સ્ત્રી – એ બધાંય યમપુરીમાં ગયા. માટે વાસના છે તે અપમૃત્યુને કરાવે છે. માટે આપણે જોઈએ છીએ જે, કેટલાકનાં માથાં કાપે છે. ॥૧૦૯૭॥

એક કારીગર હશે તેણે જરીની લોબડી વણી. તેમાં વણતાં વણતાં ત્રણ મણ તો સાકર ખાઈ ગયો. કારણ કે, પોતાની બોલી મીઠી થાય તેટલા સારુ. પછી તે લોબડી લઈને બાદશાહને ભેટ કરવા ગયો. ત્યારે બાદશાહે લોબડી જોઈને કહ્યું જે, “આને લાખ રૂપિયા આપો.” ત્યારે લવે કહ્યું જે, “સાહેબ! એક વાર તેને પુછો તો ખરા જે આ શા કામમાં આવે?” પછી તે વણનારને બાદશાહે પૂછ્યું જે, “તું આ લોબડી લાવ્યો તે શા કામમાં આવે?” ત્યારે વણકર બોલ્યો જે, “સાહેબ! તમે જ્યારે મરો ત્યારે તમારી કબર ઉપર ઢાંકવા માટે કામ આવે તે પણ થાય કે ન થાય તે તમારા તકદીર. મેં તો માપ વિના કરી છે.” તે સાંભળીને બાદશાહે કહ્યું જે, “જાઓ સાળાને તોપને ભડાકે ઉડાડો.” માટે બોલી છે તે બંધાવે ને બોલી છે તે છોડાવે. સાખી:

‘સબ ધનકો ધન બચન હે, બચન રત્નકી ખાન,

તુલસી ત્રણ્ય લોકકી સંપત્તિ, રહી બચન બીચમાંહી.’ ॥૧૦૯૮॥

એક વખત લવાનો ભાઈ બાદશાહ પાસે બેઠો હતો. બાદશાહે જાણ્યું જે, “લવાનો ભાઈ લવાના જેવો ચતુર હશે.” અને ચોમાસાની ઋતુ હતી એટલે ચકલાં ચકચક કરતાં અને ધૂળ ઉડાડતાં હતાં. તે જોઈને બાદશાહે પૂછ્યું જે, “લવાભાઈ! આ ચકલાં શું કહે છે?” ત્યારે તે બોલ્યો જે, “સાહેબ! તે કહે છે જે, તમારું રાજ્ય ધૂળધાણી થઈ જાશે.” તે સાંભળી બાદશાહે હુકમ કર્યો જે, “જાવ, સાલાને આને જેલમાં પુરી દ્યો.” તેથી તેને જેલમાં પુરી દીધો અને સખત મજુરી કરવાનો હુકમ કરી દીધો. ॥૧૦૯૯॥

પછી બીજે દિવસ બાદશાહ પાસે લવો બેઠો હતો અને ચકલાં પણ ચકમક કરતાં હતાં અને ધૂળ ઉડાડતા તે જોઈને બાદશાહે પૂછ્યું જે, “લવા! આ ચકલાં શું કહે છે?” લવો કહે, “સાહેબ! ચકલાં એમ કહે છે જે, ‘હવે ચોમાસું આવ્યું અને ખેડુત સૌ અનાજ પૃથ્વીમાં વાવેતર કરવા નાંખશે માટે, ખાવિંદ, અમે શું ખાશું?’ એમ કહીને તમારા કદમની રજ માથે ચડાવે છે.” તે સાંભળી બાદશાહે કહ્યું જે, “લવા માંગ્ય.” લવો કહે, “મારા ભાઈને કાલે જેલમાં પુર્યો છે તેને બહાર કાઢો અને અનાજના કોઠારીને હુકમ કરો જે જ્યાં સુધી દિવાળી આવે ત્યાં સુધી તમામ પક્ષીઓને અનાજ નાંખવું.” ॥૧૧૦૦॥

એક દિવસ બાદશાહે લવાને પૂછ્યું જે, “લવા! તારે ને મારે કેવું હેત?” લવો કહે, “સાહેબ! પ્રાણ માગો તો પ્રાણ આપું એવું તમારી સાથે હેત છે.” પછી બાદશાહે કહ્યું જે, “તારી ને મારી દાઢી સાથે સળગતી હોય તો પહેલી કેની બુઝાવ?” લવો કહે, “સાહેબ! મારી દાઢીના બે મસરકા મારીને પછી સારો દિવસ તમારી બુઝાવું.” તેમ પોતાની દાઢીને બે મસરકા મારે તે સારો ગણાય. જેમ સુવાંગ વાઢ હોય અને તેમાંથી કોસ જોડીને સોળ સયારું કળથીનું ખેતર હોય તેમાં કોસ જોડે તે કેવો ડાહ્યો? માટે પોતાના જીવનું સાર્થક ન કરે અને સંબંધીઓનું જ પોષણ કરવામાં વખત ગાળે તે કળશીના ખેતરમાં કોસ જોડ્યા જેવું છે. ॥૧૧૦૧॥

એક દિવસ બાદશાહે કહ્યું જે, “હું દાદરે ચડું અને મને ગાળ દેવી નહીં અને મને દાંત કઢાવવા. ને જો દાંત ન કઢાવ્ય તો ઘાણીયે ઘાલીને તેલ કાઢું.” પછી બાદશાહે એકદમ જ્યાં દાદરે ચડવા માંડ્યું, ત્યાં લવાએ પાછળથી હોકોટો મારીને કહ્યું જે, “ગયો ને મારા દીકરાનો.” તે સાંભળી બાદશાહને હસવું આવ્યું પછી લવાને કહ્યું જે, “મને તેં દીકરો કહ્યો!” લવો કહે, “ના, સાહેબ! તમે જ્યારે મને ઘાણીયે ઘાલીને તેલ કાઢો ત્યારે તો હું મારા દીકરાનો જ ગયો હતો ને!” એમ કહીને શબ્દ પાછો વાળી લીધો. ॥૧૧૦૨॥

બાદશાહે એક બિલાડી પાળી હતી. તેના માથા ઉપર દિવાનું કોડીયું મૂકીને બાદશાહ હંમેશાં કુરાન વાંચતા. પછી એક દિવસ બાદશાહે લવાને કહ્યું, “લવા! સંગ બડા કે સ્વભાવ?” લવો કહે કે, “સ્વભાવ બડા.” બાદશાહ કહે, “નહીં. સંગ બડા. જો આ બિલાડીને મારો સંગ થયો છે તો માથા ઉપર દીવો મૂકીને કેવી બેઠી છે?” તો પણ લવે કહ્યું જે, “સાહેબ! સ્વભાવ બડા.” પછી એક દિવસ લવો રાત્રીયે બે-ત્રણ ઉંદરડીના બચ્ચાં ઝાલીને લાવ્યો અને જ્યારે બાદશાહ કુરાન વાંચતા હતા ત્યારે લવે ધીમે રહીને એક બચ્ચું બહાર કાઢ્યું. તે જોઈને બિલાડીએ કાન ઉંચા કર્યા અને ઘડીક થયું એટલે બીજું બચ્ચું કાઢ્યું. તેને જોઈને બિલાડી રુંવાડે રુંવાડે ચલાયમાન થઈ અને જેવું ત્રીજું બચ્ચું કાઢ્યું, ત્યાં તો ઠેકડો મારીને કોડીયું કુરાન ઉપર નાંખીને ઉંદરડાને પકડ્યું. તે જોઈ લવે કહ્યું કે, “કાં, સાહેબ! સંગ બડા કે સ્વભાવ?” પછી બાદશાહ બોલ્યો નહીં. માટે કારણ શરીરમાં સ્વભાવ હોય તે ટળે નહીં. ॥૧૧૦૩॥

બાદશાહે લવાને કહ્યું જે, “વરસાદનું જાણતો હોય તેને મારી પાસે લાવ્ય.” પછી લવો જેટલા જ્યોતિષ જાણતા હતાં તેને લાવીને બાદશાહની આગળ ખડાં કર્યાં. બાદશાહ સામું જોઈને નીચું ઘાલી ગયો અને લવાને પૂછ્યું જે, “આ કોણ?” લવે કહ્યું જે, “સાહેબ! આ મેને જાણનારા.” બાદશાહ કહે, “આવા હોય?” લવો કહે, “પરમેશ્વરના ઘરની વાત તો એક પરમેશ્વર જ જાણે છે પણ બીજું કોઈ જાણી શકતું નથી. કેમ કે પંચાગમાં લખે છે તેમાં પણ લખે છે જે ‘ઈશ્વરો ગતિ’ એમ તેને પણ લખવું પડે છે માટે પરમેશ્વરના સાક્ષાત્પણાને પામ્યો હોય તે જ પરમેશ્વરની મરજી જાણી શકે.” ॥૧૧૦૪॥

એક વખત બાદશાહે લવાને કહ્યું, “આ ચાર વાના લાવ્ય. એક તો છે ને છે, એક નથી ને નથી, એક છે ને નથી, એક નથી ને છે, એ ચાર વાના મને લાવી આપ.” પછી લવો શહેરમાં જઈને ચારે કોર તપાસ કરતો કરતો ત્યાં એક મોટો શેઠ કરોડોપતિ હશે તેને ઘરે ગયો. અહોનિશ અગ્નિહોત્ર પણ ચાલી રહ્યો હતો અને વેદીયા બ્રાહ્મણ પણ અગ્નિમાં ઘી હોમીને સ્વાહા! સ્વાહા! એવા શબ્દ કરી રહ્યા હતા ને બ્રહ્મભોજન થતાં હતાં. તેને ઘોડા-ગાડીમાં બેસારીને સાથે લીધો. વળી એક બીજો શેઠ કરોડપતિ હશે તેણે જન્મ ધરીને કોઈ બ્રાહ્મણ તથા અતિથિને પૈસાભાર અન્ન આપેલ નહીં, એવો કંજુસ હતો. તેને પણ સાથે લીધો અને રસ્તે જતાં એક મહાત્મા તપશ્ચર્યા કરતા હતા તેમને પણ સાથે લીધા અને આગળ જતાં એક કઠીયારો લાકડાનો ભારો લઈને ઉભો હતો તેને લઈને આગળ કર્યો. એ ચાર જણાને બાદશાહ આગળ રજુ કર્યા. બાદશાહે કહ્યું જે, “લવા! આ કોણ?” લવાએ કહ્યું જે, “આ છે છે ને છે. આ શેઠે પૂર્વે બહુ પુણ્યદાન કરેલ છે તે પ્રતાપે કરીને અત્યારે તેની કરોડો રૂપિયાની આબરૂ છે અને અત્યારે તેને ઘરે પણ બ્રાહ્મણો અગ્નિહોત્ર કરે છે અને ઘરને આંગણે ધર્મની ધજા બાંધી છે અને રાત દિવસ દીયતામ્! દીયતામ્! એવા શબ્દ થઈ રહ્યા છે. માટે તેને આજ છે અને આગલા જન્મમાં છે.” બાદશાહે કહ્યું જે, “આ ખરો!” પછી કંજુસ શેઠને દેખાડ્યો અને કહ્યું જે, “આ છે ને નથી કેમ કે તેણે પૂર્વે દાન પુણ્ય કર્યું છે તો આ જન્મે મળ્યું છે અને આ જન્મે કરતો નથી તેથી આગળ મળશે નહીં.” તે સાંભળીને બાદશાહે કહ્યું જે, “અચ્છા.” પછી યોગીને ઉભા રાખીને લવે કહ્યું જે, “સાહેબ, આ નથી ને છે. આની પાસે અત્યારે તુળસીની માળા અને ગોપીચન્દન – એ બે વાનાં છે, પણ જો પરમાત્માનું ભજન કરે છે તો અંતે પરમાત્માના ધામની પ્રાપ્તિ થશે.” પછી લવે કઠીયારાને ઉભો રાખ્યો. ત્યારે બાદશાહે કહ્યું, “આ કોણ?” લવે કહ્યું જે, “સાહેબ! આને નથી નથી ને નથી. આણે પૂર્વે કાંઈ દાન પુણ્ય કરેલ નથી તો આજ ભારા બાંધવા દોરડું અને પહેરવા વસ્ત્ર પણ નથી અને હજી કાંઈ કરતો પણ નથી તો આગળ પણ કાંઈ નહીં મળે, માટે નથી નથી ને નથી.” તે જાણીને બાદશાહ બહુ રાજી થયો. માટે, ભાઈયો! પરમેશ્વર મનુષ્યને ત્રણ દેહનું જ્ઞાન આપે છે પણ જીવ સમજી શકતો નથી. ॥૧૧૦૫॥

એક કઠિયારો હતો. તે નિરંતર લાકડાનો ભારો લઈને રાજાના મહેલ સામે બેસતો. તેના ભુંડા હવાલ જોઈને રાજાના મનમાં એમ થાય જે, “આ શે પુણ્યે જીવતો હશે?” અને તે કઠીયારો વનમાંથી ચંદનનાં લાકડાં લાવતો હતો.પછી તેણે કોઈને પૂછ્યું જે, “આ ચંદનનો ભારો મારે શા કામમાં આવે?” ત્યારે તેણે કહ્યું જે, “આ રાજા મરે ત્યારે તેને બાળવાના કામમાં આવે.” કઠિયારો નિરંતર વિચાર કરે જે, “આ રાજા ક્યારે મરે? અને ક્યારે મારાં લાકડાં ખપે?” એમ એક-બીજા પોતાનાં મનમાં સંકલ્પ કરીને મરવાનું ધારે છે. એમ વિચાર કરતાં કરતાં તે રાજાના માથામાં દુઃખાવો બહુ થવા માંડ્યો અને ઘણાં ઔષધ કર્યાં પણ તે દુઃખાવો મટ્યો નહીં. પછી વૈદે કહ્યું જે, “બાવના ચંદનનું જો તમે દાતણ કરો તો તમારા માથાનું દરદ જાય.” પછી તપાસ કરતાં કરતાં તે જ કઠિયારો હાથ આવ્યો, અને પૂછ્યું જે, “તું વગડામાં લાકડા લેવા જાય છે ત્યાં બાવના ચંદન છે?” ત્યારે તેણે કહ્યું જે, “હા.” પછી તે માણસે કહ્યું જે, “અમારા રાજાનું માથું દુઃખે છે માટે તારે હંમેશા મળિયાગર ચંદનનું એક દાતણ લઈને આવવું.” પછી તે કઠીયારે બીજે દિવસે વહેલો ઉઠીને ચંદનનું દાતણ લઈને તુરત રાજાના હાથમાં આપ્યું. રાજાએ દાતણ કર્યું ને તુરત માથાનો દુઃખાવો મંદ પડી ગયો. એટલે રાજાએ તુરત તેને વીસ રૂપિયા ઈનામમાં આપ્યા. પછી રાજાએ કહ્યું જે, “તારે હંમેશા એક દાતણ લાવીને મને હાથોહાથ આપવું.” પછી નિરંતર કઠીયારો દાતણ લાવીને રાજાને આપતો અને રાજાએ તે કઠીયારાની રોજી નિરંતર ચાલુ કરી આપી અને રાજાનો માથાનો દુઃખાવો મટી ગયો અને શાંતિ શાંતિ થઈ ગઈ. પછી કઠીયારો પ્રભુ આગળ નિરંતર પ્રાર્થના કરે જે, “હે ભગવાન! મારા રાજાને સો વરસના કરજો.” અને રાજા પણ નિરંતર સવારમાં દાતણ કરીને પ્રભુ પાસે પ્રાર્થના કરે જે, “હે પ્રભુ! આ કઠીયારાની સો વરસની આવરદા કરજો. જો તે નહીં હોય તો મને દાતણ કોણ લાવી આપશે?” એમ એક બીજાનું હિત ઇચ્છવા લાગ્યા. ॥૧૧૦૬॥

ચાર યુગ હતા. તે ભગવાન પાસે ગયા. તેમાં કલિયુગનો ભગવાને બહુ જ સત્કાર કર્યો. તે જોઈ ત્રણે યુગના મનમાં આશ્ચર્ય થયું જે, “આ મહા અધમ કહેવાય અને તેનો ભગવાને બહુ જ સત્કાર કર્યો તે શું?” પછી કલિયુગ બોલ્યો જે, “મારામાં ત્રણ વાનાં છે. ૧ – દયા, ૨ – દાન, ને ૩ – દમ; એ ત્રણ વાનાં છે. કેમ કે, એકગણું દાન કરે તેને સહસ્રગણું પુણ્ય મળે છે અને ઇંદ્રિઓનું દમન કરે એટલે વ્રત-ઉપવાસ કરે અને દયા એટલે કેટલાક માણસો એક બીજા જીવ ઉપર દયા કરવાવાળા હોય છે.” ॥૧૧૦૭॥

પછી કલિયુગ બોલ્યો જે, “મારામાં એવો એક ગુણ છે જે જેવું તમારા મનમાં તેવું મારા મનમાં હોય.” તેની પરીક્ષા જોવા માટે એ ચારે ભાઈ એક વડના વૃક્ષ નીચે બેઠા. તેની પાસે એક વાવ હતી. ત્યાં ચાર ચોર રાજાનો ખજાનો ફાડીને દ્રવ્ય લઈને આવ્યા હતા. તે ચારે જણાએ વિચાર કર્યો જે, “આપણે દસ-પંદર ગાઉ દૂર આવ્યા છીએ અને આપણી પાસે દ્રવ્ય ઘણું છે અને પાણી પીવાને માટે વાવ સારી છે અને વડનો છાંયો પણ સારો છે માટે આંહીંયાં વિશ્રાંતિ લઈએ અને કાંઈક ખોરાક ખાઈએ.” એમ વિચાર કરીને એ ચારે જણા તે વડના વૃક્ષ તળે બેઠા. પછી બે જણાને ગામમાં સુખડું લેવા મોકલ્યા. પછી જનારા બન્ને જણાએ વિચાર કર્યો જે, “તે બે જણાંને માટે ઝેર નાંખીને લાડવા કરાવવા અને આપણા માટે જુદા સાર લાડવા કરાવવા.” અહીંયાં જે બેઠા હતા તેણે પણ એવો વિચાર કર્યો જે, “તે બે જણા ભાતું લઈને આવે તેને પાણી ભરવા વાવમાં મોકલવા અને પાછળથી તેમને ગોળીયો મારીને મારી નાંખવા એટલે બધું દ્રવ્ય આપણને રહેશે.” ખોરાક લેવા જાનારે વિચાર કર્યો જે, “તેમના માટે જે લાડુ બનાવવા તેમાં ઘી, સાકર વિશેષ નાંખવું અને તે ખાશે એટલે મરી જાશે અને દ્રવ્ય બધું આપણે બન્નેને રહેશે.” તેમણે પણ આવો વિચાર કર્યો. પછી ખોરાક લઈને તે બે જણા આવ્યા. તેમને પેલા બે જણાએ કહ્યું જે, “તમે ખોરાક આંહીં મેલીને ઉભે પગે વાવમાંથી પાણી ભરી આવો.” પછી બન્ને જણાઓ વાવમાં પાણી ભરવા ગયા તેવામાં જ પાછળથી બંદુકની ગોળીએ કરીને તેમને મારી નાંખ્યા. પછી તે બન્ને જણા ખાવા બેઠા અને ભાતું જુવે તો અરધાક લાડવામાં ઘી સાકર વધારે માલુમ પડ્યું. પછી બન્ને જણાએ વિચાર કર્યો જે, “જુવોને, માળા કેવા લુચ્ચા છે? પોતાના સારુ વધારે ઘી નાંખીને લાડવા કરાવ્યા છે. માટે લાવો આપણે પ્રથમ તે ખાઈએ.” પછી બન્ને જણાએ તે લાડવા ખાધા કે તુરત મૃત્યુ પામ્યા. તે જોઈ ત્રણે યુગ આશ્ચર્ય પામ્યા. ॥૧૧૦૮॥

એક શહેરને પાદર નદીમાં ચારે યુગ જઈને બેઠા હતા. ત્યાં એક વિધવા ડોશી હશે તેનો છોકરો મરી ગયો અને તે ડોશીએ એક શેઠીયાને ત્યાં પોતાના રૂપિયા થાપણ મુકેલા. તે રૂપિયા લેવા માટે થોડીક મુદત વિત્યા પછી તે ડોશી તે શેઠીયાને ત્યાં ગઈ. ડોશીયે કહ્યું જે, “શેઠ! મેં તમારે ત્યાં થાપણ મૂકી છે તો તે રૂપિયા પાછા લાવો.” શેઠે કહ્યું જે, “જા, રાંડ! તારા રૂપિયા કેવા? ખોટું બોલે છે?” ડોશી કહે કે, “જો હું ખોટું બોલતી હઉં તો મારો દીકરો ફાટી મરે.” તે સોગન ખાધા તેટલામાં ડોશીનો એકનો એક દીકરો હતો તે મરી ગયો. તે છોકરાને અગ્નિસંસ્કાર કરવા જ્યાં લઈ ગયા ત્યાં ડોશી એકલી ઉભી ઉભી નદીમાં કલ્પાંત કરતી હતી. તે સ્થળે કળીયુગ બ્રાહ્મણનું સ્વરુપ ધરીને ગયો અને ડોશીને પૂછ્યું જે, “ડોશી! કેમ રુવો છો?” ડોશી કહે, “ભાઈ! આ ગામમાં શેઠીયાને ઘરે મેં પાંચસો રૂપિયાની થાપણ મેલી હતી અને મેં સાચા સોગન ખાધા. એટલે મારો દીકરો મરી ગયો.” ત્યારે કળીયુગ બોલ્યો જે, “અત્યારે તો મારું રાજ્ય છે માટે જ તું જઈને શેઠને કહે જે, ‘મારા હજાર રૂપીયા તારે ત્યાં છે તે આપ નહીં તો હું ફરીયાદ કરું છું.’” પછી ડોશીયે શેઠને જઈને કહ્યું, એટલે પછી શેઠને બીક લાગી જે, “આ તો રાંડ લાજ લેશે.” એમ જાણીને તેના પાંચસો રૂપિયા આપી દીધા અને છોકરો સ્મશાનમાં લઈ ગયા હતા ત્યાંથી બેઠો થયો. માટે કળીયુગમાં ગમે તેવા નીચ કર્મ કરતો હોય તો પણ બહુ જ વાચાળ હોય અને બહુ ખટપટીયો હોય અને એક બીજાને માથે ખોટી ખોટી આપત્તિઓ આપતો હોય તે જ સંપ્રદાયમાં અને સંસારમાં હુશીયાર ગણાય. ॥૧૧૦૯॥

એક ડોશી હતી તે પાંચસો રૂપિયાનું ઘરેણું લઈને ચાલી જતી હતી. તેને રસ્તે જતાં એક ઉંટવાળો મળ્યો. તેને ડોશીયે કહ્યું જે, “ભાઈ! મારી પાસે બોજો છે તે તમે ઊંટ ઉપર લેશો તો હું ધીમે ધીમે ચાલીને તમારી ભેળી થઈ જઈશ.” ઊંટવાળે કહ્યું જે, “ડોશીમા! તમે ચાલ્યે અમને પહોંચો નહીં. માટે તમારો ભાર તમારી પાસે ભલે રહ્યો.” આગળ જતાં ઊંટવાળે વિચાર કર્યો જે, “ડોશીનું પોટકું લીધું હોત તો બસો-ચારસોનો માલ મળત અને એ લઈને આપણે ચાલતા થાત.” ડોશીએ પણ વિચાર કર્યો જે, “પોટકું આપ્યું હોત તો મારી બધી કમાણી જાત. માટે હવે કહે તો પણ દેવું નથી.” એટલામાં ઊંટવાળો બેસીને વાટ જોતો હતો. તેના ભેગી ડોશી થઈ ઊંટવાળો કહે જે, “ડોશીમા! લાવો તમારો ભાર ઉપાડવા અમો લઈએ.” ત્યારે ડોશી કહે કે, “ના, ના, મને ના પાડી ગયો છે.” ઊંટવાળો કહે કે, “કોણ ના પાડી ગયું છે?” ડોશી કહે, “તમને જે કહી ગયું તે મને ના પાડી ગયુ છે જે માગે તો પણ પોટકું આપીશ નહીં.” ॥૧૧૧૦॥

એક દિવસ કાઠીને છોકરે કહ્યું જે, “બાપુ! બાપુ! અમારે તુળસીશ્યામ જવું છે, તે ભાતો કરી દ્યો.” તે સાંભળી ડોસો બોલ્યો જે, “અરેરે! અમે તુળસીશ્યામ જતા પણ ક્યારેય ભાતો કર્યો નથી. ત્યાં જઈયે અને ડુસા સુતા હોય તેને ઓશીકેથી ખડીયો ખેંચી લઈયે એ આપણો ભાતો બા, પણ આજનાં છોકરાં તો બહુ મોળાં થયાં.” ॥૧૧૧૧॥

ગામ વસ્તડીના અમરચંદ શેઠ તથા કમીયાળાના મોડભાઈ – બન્ને જણ ભેળા થયા અને એક બીજાના કુટુંબના સમાચાર પૂછ્યા. મોડભાઈએ કહ્યું જે, “શેઠ! બાળ ગોપાળ સૌ ખુશી છે ને? તમારે દીકરા કેટલા?” અમરચંદ શેઠ કહે, “મારે ત્રણ દીકરા.” મોડભાઈ કહે, “તેઓ મજામાં છે?” શેઠ કહે, “બે પાછા થયા છે ને એક માંદો થયો છે.” તે સાંભળી મોડભાઈ ખરખરો કરવા લાગ્યા જે, “અરર! બહુ ખોટું થયું.” ત્યારે અમરચંદ શેઠ બોલ્યા જે, “પાછા થયા એટલે શું? બે છોકરાને પરણાવ્યા તે નોખા થાય છે. તે મને કળશીયો પાણી પાય તેમ નથી અને નાના છોકરાનું સગપણ કર્યું છે એટલે તે માંદો છે કેમ કે તેને પરણાવું એટલી વાર છે.” તેમ સંસારમાં જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સગાસંબંધી સૌ હેત રાખે. ॥૧૧૧૨॥

ગામ લાઠીદડમાં માધો મેરાઈ હતા. ત્યાં રઘુવીરજી મહારાજ પધાર્યા હતા. પછી સૌ હરિજન આચાર્યજી મહારાજને ગામ બહાર વળાવવા આવ્યા. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું જે, “માધા મેરાઈ! હવે કલ્યાણ અર્થે કરો. ખૂબ રળ્યા ખપ્યા છો.” ત્યારે ભક્તિવલ્લભદાસજી કોઠારી ગઢડાવાળા સાથે હતા તેમણે મરમ કર્યો જે, “મહારાજ! આટલા દિવસ રામજી અર્થે કર્યું અને હવે કલ્યાણ અર્થે મંડ્યા છે. કેમ કે રામજી અને કલ્યાણ એ બે માધા મેરાઈના દીકરા છે.” રામજી ભેળા રહેતા ત્યારે તો મંદિરમાં આવીને દીવો દીવેટ કરતા અને હવે કલ્યાણ ભેળા રહે છે તે રાતના દશ વાગ્યા સુધી શિવણું શિવે છે અને સાધુ નિત્ય નિયમ કરીને સૂઈ જાય છે ત્યારે દર્શને આવે છે. તે સાંભળી રઘુવીરજી મહારાજ હસવા લાગયા. ॥૧૧૧૩॥

ગામ પીપરલાના પલેવાળ ગોદાવરીની જાત્રા કરવા ગયા હતા અને ત્યાં બન્ને જણાને મરકીનો રોગ થયો અને તે બન્ને જણા હરિભક્ત હતા. તેમાં એક જણે તો ‘સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!’ એમ ભજન કરતાં કરતાં દેહ મેલ્યો અને એક તો એમ બોલ્યા કરતો જે, “છોકરાઓ! મને મારી વાડીયે રાણીયા વડ હેઠે લઈ જાઓ ઓ... હો... રાણીયો વડ છેટે રહ્યો!” એમ કલ્પાંત કરતાં કરતાં ગોદાવરીને કાંઠે દેહ મેલ્યો. તે ભૂત થઈને પોતાની વાડીયે રાણીયો વડ છે તેમાં જઈને રહ્યો. માટે તીર્થે ગયો તો પણ મન તો રાણીયા વડે રહ્યું. ॥૧૧૧૪॥

એક બાવો હતો. તેને તુંબડામાં બહુ હેત હતું. તે તુંબડાનું નામ ગંગાજળીયો પાડેલું અને તે સાધુ બહુ જ માંદા થયા અને મૃત્યુ સમો થયો. પછી તેના સેવકો પાસે બેઠા બેઠા ભજન કરવા લાગ્યા ત્યારે તે સાધુ પુરુષ બોલ્યો જે, “અહો! મારો ગંગાજળીયો ક્યાં?” એમ ગંગાજળીયાનું સ્મરણ કરતાં કરતાં દેહ મેલ્યો અને ભૂત થઈને તુંબડામાં રહ્યો. ॥૧૧૧૫॥

વરતાલમાં એક રેવનદાસ કરીને ભક્ત હતો. તેણે ઘણા વરસ સુધી પરોળીયાનું કામ કરેલું. પછી તેને મંદવાડ થયો એટલે સાધુ સંત તેને જોવા ગયા અને કહે જે, “રેવનદાસ! જય સ્વામિનારાયણ.” ત્યારે રેવનદાસ કહે, “કોણ એ ગોમતીબા કે?” વળી બીજો કહે જે, “ભગત! જય સ્વામિનારાયણ.” ત્યારે વળી કહે જે, “ગંગાબા કે?” એમ ક્રિયામાં અભિનિવેશ થઈ ગયેલો, તેમાં ને તેમાં દેહ મેલ્યો. માટે દરેક ક્રિયામાં ભગવાન પ્રધાન રાખવા. ॥૧૧૧૬॥

એક જણની સ્ત્રી મરી ગઈ પછી તેનો સાડલો લઈને ગામમાં ફરે જે જુઓ આ મારી ઘરવાળીનો સાડલો, એમ ઘરે ઘરે દેખાડતો ફરે અને ગાંડો થઈ ગયો. માટે કોઈ સાથે રાંડતું નથી માટે કાં તો પહેલાં મરે બાઈ ને કાં તો મરે ભાઈ. તે પ્રથમથી જ નિર્ધાર કરી રાખવો જે બેમાંથી એક પ્રથમ રાંડશું. ॥૧૧૧૭॥

સ.ગુ. બ્ર. અક્ષરાનંદ સ્વામી પાસે વાત કરી. કોઈક ગામમાં બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રીને સર્પ કરડ્યો એટલે તે મૃત્યુને પામી તેને અગ્નિસંસ્કાર કરી આવ્યા. પછી તે બ્રાહ્મણ સવારમાં તેને રાખને ઢગલે બેઠો અને માથે પછેડી ઓઢીને રોવા લાગ્યો. એમ બે-ચાર દિવસ સુધી રાખને ઢગલે જઈને રોયા કરતો. પછી તેના બાપે મારી પાસે આવી વાત કરીને કહ્યું જે, “છોકરો રાખના ઢગલા પાસે જઈને રોયા કરે છે.” ત્યારે મેં કહ્યું જે, “રાખની ગાંસડી બાંધીને કુવામાં નાંખી દ્યો.” તેમ કરવાથી તે સ્થાનકે જતો આળસી ગયો. ॥૧૧૧૮॥

એક વાણિયો હતો અને તેને લિંબડી પરણાવ્યો હતો. પછી તે બાઈને તેને પીયર તેડી ગયા અને ત્યાં રોગ થવાથી તે મરી ગઈ. પછી તેનો મેલો આવ્યો અને સૌએ સ્નાન કાઢ્યું. પછી જેની સ્ત્રી હતી તે વાણિયાના મનમાં એમ થયા કરે જે, “આ તો ખોટી વાત છે.” પછી અમો તેને ગામ ગયા અને અમો તેને ઘરે રસોઈ કરવા ગયા ત્યારે તેણે કહ્યું જે, “સ્વામી! કાગળે સ્નાન કર્યાં છે પણ ખરી વાત મને જણાતી નથી.” ત્યારે મેં કહ્યું જે, “રેલવેનું સાધન છે માટે ગાડીયે બેસીને પંડે જઈને ખાત્રી કરી આવો.” અને તે બાઈને માથે નાંખવાના તેલનું કચોળું હતું તે અમને બતાવ્યું કે, “જુઓ આ તેનું કચકડાનું કચોળું છે.” તે અમે લઈને આઢમાં નાંખીને બાળી નાંખવા માંડ્યું. ત્યારે કહે જે, “ના ના. તેમ કરશો તો મારો જીવ નીકળી જાશે. કેમ કે, આને જ્યારે હું ભાળું છું ત્યારે તે મને સાંભરે છે. ॥૧૧૧૯॥

એક ગામમાં અમે ફરવા ગયા હતા. પછી હરિજનોએ રાત્રીયે રસોઈ કરવાનો બહુ આગ્રહ કર્યો. તેમાં એક જણે વિશેષ આગ્રહ કરીને આવતે દિવસે પોતાને ત્યાં રસોઈ કરવાનો ઠરાવ કર્યો અને રાત્રે દશ-અગ્યાર સુધી કથા વારતા સાંભળ્યા કરી અને ઘરે જઈને સાથી પાસે ગાડું જોડાવીને ગામ પાળીયાદના દરબારી બીડમાં જઈને ખડનો ભર ભર્યો. પછી દરબારી પોલીસ આવ્યો. તે ગાડું, બળદ અને સાથી તથા ભાભો એ બધાયને પાળીયાદ ભેગા કર્યા. પછી અમે તો સવારમાં ન્હાઈ ધોઈ પૂજા પાઠ કરીને સિધાની વાટ જોઈને બેઠા હતા. ત્યાં તો તે ગામનો પટેલ કેશવ કરીને હતો તે આવ્યો. તેણે કહ્યું જે, “સ્વામી! ઠાકોરજીના થાળને માટે કેમ છે?” ત્યારે મેં કહ્યું જે, “પરમો ભાભો રાત્રે કહી ગયા છે તે લાવશે.” ત્યારે પટેલ બોલ્યા જે, “ભાભો તો ગાડું, બળદ તથા સાથી સાથે કોરટમાં પહોંચી ગયા છે.” પછી કેશવ પટેલ સીધું લાવ્યા તેની રસોઈ કરી ઠાકોરજીને જમાડ્યા. સાખી:

‘દિવસે દિવસે ઠાક દુવારો ને રાત્યે રાત્યે ખાતરિયો.’ ॥૧૧૨૦॥

એક કણબી હરિભક્ત હતો તેને વાડીયે બળદીયાને છાયા માટે માંડવો કરવો હતો અને ઉપર વાઢની પતરી નાંખવી હતી. પછી કોઈ હરિભક્તનો વાઢ ફરતો હતો ત્યાં રાત્રીયે ગાડું લઈને ગયા અને વાઢવાળાને કહ્યું જે, “મારે માંડવા ઉપર છાંયો કરવા સારુ પતરી જોઈએ છીએ.” પછી વાઢવાળાએ કહ્યું જે, “ભાભા! તમારે જોઈએ તેટલી તમારી મેળે લઈ જાઓ.” કેમ કે પતરી લેવા જનાર હરિભક્ત હતો અને વાઢવાળો પણ હરિભક્ત હતો. પછી સાથીને ગાડા ઉપર રાખ્યો અને ભાભો બથે બથે પતરી નાંખવા લાગ્યો. તેને પડખે એક કુંડીની શેરડીનો ઢગલો કર્યો હતો. તે શેરડી પણ ગાડામાં ભરી દીધી. પછી ગાડું જોડીને પોતાની વાડીયે ગયો અને ચીંચોડો ફરતો હતો એટલે તેણે શેરડીનો ઢગલો કર્યો હતો. તેની કુંડી ભરવાનો વારો આવ્યો. પછી જ્યાં શેરડી લેવા જાય છે ત્યાં તો કાંઈ મળે નહીં. પછી એક-બીજાને પૂછતાં ખબર પડી જે, “ફલાણો ભાભો અહીંયાં પતરી ભરવા આવ્યા હતા. માટે ત્યાં તપાસ કરો.” પછી બે-ત્રણ જણા તે ભાભાની વાડીમાં ગયા અને ભાભો પણ ગાડું છોડીને નિરાંતે સુતા હતા. ત્યાં જઈને વાઢવાળાએ કહ્યું જે, “ભાભા! એ ભાભા! તમે પતરી ભરી ત્યાં એક કુંડી ભરાય એટલી શેરડીનો ઢગલો હતો. તે ત્યાં નથી.” ત્યારે ભાભો કહે કે, “સાથીને પૂછી જુઓ મને ખબર નથી.” સાથી પણ સુતો સુતો જાગતો હતો. તે સાંભળીને બોલ્યો જે, “ભાભા! એમાં મારો શો વાંક છે? તમે બથે બથે આપી ને મેં ગાડામાં નાંખી છે.” પછી વાઢવાળે કહ્યું જે, “તમે હરિભક્ત છો ને અમે પણ હરિભક્ત છીએ. માટે ગાડું લઈને વાઢે આવીને ઠલવી જાઓ.” પછી ગાડું લઈને વાઢે શેરડી નાંખી આવ્યા. માટે કોઈક પણ આપણો વિશ્વાસ કરે તો વિશ્વાસ પ્રમાણે કામ કરવું, તો તેમાં પોતાની આબરુ રહે. ॥૧૧૨૧॥

એક જણ હતો. તે દરબારી બાવળ હશે તેમાંથી ગાડામાં ભરાવવાના આઠ વાઠોલીયા કાપ્યાં. તેની મહેતાજીને ખબર પડી એટલે એક એક વાઠોલીયાંના પાંચ પાંચ રૂપિયા દંડ કર્યો અને તેના ચાલીશ રૂપિયા આપ્યા. પછી તેને દરબારમાંથી ઉઠવા દીધો. માટે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, “કાષ્ઠ પુષ્પ ફળ ફુલ વિગેરે તે તેના ધણીને પૂછ્યા વિના લેવા નહીં.” ॥૧૧૨૨॥

એક જણ હતો તેણે દરબારી બીડમાંથી બાર પુળા ખડનાં લીધાં. પછી સિપાઈ આવીને તેને તે ખડના ભારા સાથે દરબારમાં લઈ ગયો. પછી મહંતે તેનો દંડ કર્યો જે, “એક એક પુળે પાંચ પાંચ રૂપિયા દંડના ભરવા.” તેથી સાઠ રૂપિયા દંડના આપ્યા. પછી તેને ઘેર જવા દીધો. માટે જીવને હરામ ચસકો પડે છે તે દંડ ભરે, માર ખાય, તો પણ તે ક્રિયા કર્યા વિના રહેવાય નહીં પણ સાઠ રૂપિયાનું ઘાસ લીધું હોત તો કેટલું બધું આવત? એક તો પરમેશ્વરની આજ્ઞા લોપી અને લોકમાં અપકીર્તિ થઈ. ॥૧૧૨૩॥

એક ગામમાં દુદો કરીને મેરાઈ હતો. તે પરગામ સીવવાને માટે ગયો હતો. પછી સાંજ વખતે ઘરે આવતો હતો એટલે રસ્તામાં દરબારી બીડમાં લીલો ઝીંઝવો ભાળ્યો. તેથી તેના મનમાં એમ થયું જે, “લેને, બકરી સારુ ફાંટ ભરતો જાઉં.” પણ પોતા પાસે દાતરડાનું સાધન નહોતું તેથી પોતાના ખીસામાંથી કાતર કાઢીને ખડ કાપવા મંડ્યો. કેમ કે દરજીની કાતર સહેજ લાંબી હોય છે તેથી તે પણ દાતરડાનું કામ કરી શકે ખરી! પછી પોતાનો સામાન હેઠો મેલીને કાતરે કાતરે કરીને ખડ કાપવા મંડ્યો અને બોલતો જાય જે, “વાહ દુદીયા! વાહ વાહ દુદીયા વાહ. તારી કાતર વાહ.” એમ બોલતો જાય ને ખડ કાપતો જાય. એટલામાં દરબારી માણસ આવ્યો. તેણે બે પરોણા ઉભા મેરના વાંસામાં માર્યા. ત્યારે દરજી બોલ્યો જે, “એ તો હું બકરી સારું લઉં છું.” રખવાળ કહે કે, “આંહીં દરબારી બીડમાંથી?” પછી લુગડાં ખંખેરીને દુદોભાઈ ઘરે આવ્યો અને બે પરોણા ખાધા તે લાભના લીધા, માટે પારકી વસ્તુ પૂછ્યા વિના લેવાથી આવું પરિણામ આવે. ॥૧૧૨૪॥

વળા ગામમાં અજો કરીને કણબી હતો તેને કાંઈક ઉતાવળું કામ હશે તેથી ગામ ફરતી દરબારે કાંટાની વાડ કરી હતી તેનું એક ખાણીયું કાપીને તે બહાર નીસર્યો. પછી તેને દરબારી માણસોએ પકડીને કોરટમાં લઈ ગયા ત્યારે ન્યાયાધીશે આજ્ઞા કરી જે, “આને લઈ જાવ. પાંચ ફટકો મારો.” તે સાંભળીને પટેલ બોલ્યો જે, “હે સ્વામિનારાયણ!” ત્યારે ન્યાયાધીશ કહે, “તું સ્વામિનારાયણનો છો?” પટેલ કહે, “હા, સાહેબ?” ત્યારે ન્યાયાધીશ કહે કે, “સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખી ગયા છે કે ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં એ આજ્ઞા તે કેમ તોડી?” ત્યારે તેણે કહ્યું જે, “સાહેબ! મારાથી ભૂલ થઈ.” પછી ન્યાયાધીશે કહ્યું જે, “જા તારો ગુન્હો દરબાર માફ કરે છે.” ॥૧૧૨૫॥

એક ગામમાં એક જણ હતો. તેની ઘરવાળીને તેની સાસુ સાથે અણબનાવ હતો. કણબી પણ સ્ત્રીવશ હતો. પછી તેની સ્ત્રીએ કહ્યું જે, “આ રાંડને મારી નખાય તો મને સુખ થાય.” પછી સ્ત્રીના કહેવે કરીને તેની મા વૃદ્ધ હતી તેને કહોડ્યમાં લઈ જઈને સાળા બનેવીએ ઠેકાણે પાડી. પછી ખડની ગાંસડીમાં તેને બાંધીને ગાડા ઉપર નાંખીને રાત્રે એ ગામથી બે-ત્રણ ગાઉં છેટે જઈને એક નાનું નહેરું હશે તેમાં દાટી આવ્યો. તે વખતમાં તેને ઘરે કપાસ લોઢવાના ચરખા ફરતા હતા તેમાંથી એક જણે છાની ખબર રાખી જે, “આણે આવી રીતે ડોશીનું કામ કરેલ છે.” પછી ચરખો ફેરવનારો તે માણસ ગાડાંની પછવાડે પછવાડે અંધારે ગયો હતો. તેણે બધું નજરે જોયું હતું. પછી ડોશીને દાટીને ઘરે આવ્યા પછી તે ડોશીને ઉતાવળથી જેવી તેવી રીતે દાટેલી તેથી જાનવરોએ તેની લાશને બહાર કાઢી. ગામમાં અને દરબારમાં તે વાત ફેલાણી અને ખબર પડી ગઈ તેથી દરબારે તેને બોલાવીને કહ્યું જે, “તારી મા ક્યાં છે?” ત્યારે તેણે કહ્યું જે, “મારી મા ગામ ગયેલ છે.” પછી દરબારે તે શબ તેને દેખાડ્યું, અને કહ્યું જે, “આ કોણ છે?” પછી તેણે કહ્યું જે, “આ તો મારી મા છે.” પછી દરબારે તેને ગાંઠીયાની અને પેંડાની ઝોળી ભરાવીને ડોકમાં મૂકી અને ડોશીના શબની ગાંસડી બાંધીને તેને માથે મૂકાવી અને ગામમાં ફરવાનું કહ્યું. આગળ ઢોલ વાગે અને ચૌટો આવે ત્યાં લાશની ગાંસડી હેઠી મેલાવીને તેને દરબારી માણસો કહે જે, “તારી મા તને ગાંઠીયા અને પેંડા ખવરાવે છે તે જો ન ખાય તો તેને ફટકા મારે.” માટે સ્ત્રીને વશ થઈને કોઈએ અયોગ્ય આચરણ કરવું નહીં અને જો કરે તો પાપ છાનું રહે નહીં. ॥૧૧૨૬॥

અને તે માણસ જ્યારે ઘરડો થયો ત્યારે છોકરાને પૂછ્યા વિના ભાલમાં ખડ લેવાને જતો હતો અને સાથે બસો રૂપિયા લીધા હતા અને આગળ ઘેલડી નદી હતી ત્યાં કેટલાક છોકરાં ઢોર ચારતાં હતાં અને ભાભો જ્યારે લુગડાં ઉતારીને ઘેલડી નદી ઉતરવા તૈયાર થયો, ત્યારે છોકરાઓએ કહ્યું જે, “ભાભા! આવતી વેળ્ય છે અને પાણી બહુ છે.” ભાભો કહે, “તમે આજ કાલ્યના છોકરા શું સમજો? અહીંયાં ચાલીને મેં સીતેર વરસ કાઢ્યાં છે!” છોકરાં કહે, “બહુ સારુ, પડો.” પછી પોતાનાં પહેરવાનાં લુગડાં ઉતારીને તેમાં બસો રૂપિયા મૂકીને પોતીયા ભર ઉતરવા મંડ્યો અને ઘેલડી નદીમાં જ્યાં બે-ચાર ડગલા ચાલ્યો ત્યાં આગળ એક મોટો ફોડો આવ્યો. તેમાં ભાભો રબ લઈને ઉતરી પડ્યો. અને તે ગોત્યો પણ જડ્યો નહીં અને તેના લુગડાની પોટલી તરતી તરતી બે-ત્રણ ગાઉ નીસરી. પછી તેના છોકરાએ તેના દિવસ ગણીને ખરચ કર્યું. સાખી:

‘જવું ઇચ્છે અવરનું, તેવું આપનું થાય,

ન માનો તો કરી જુવો, જેથી તે જણાય’ ॥૧૧૨૭॥

એક ગામમાં એક કણબી હતો તેને પત્યનો રોગ થયો હતો. પછી તેના સંબંધીઓએ વિચાર કર્યો જે, “આ ડોસાને કાંઈક ઠેકાણે પાડ્યો હોય તો ઠીક.” પછી તેને છોકરે કહ્યું જે, “ભાભા! ભાવનગર વૈદ્ય છે. ત્યાં તમને ઓસડ કરવા તેડી જઈએ.” ડોસો કહે, “બહુ સારુ.” પછી ગાડામાં ખડ નાંખીને તે ઉપર ગોદડા બે ગાભા નાંખીને ડોસાને ગાડામાં બેસાડ્યો અને ભાવનગરની ખાડીમાં લઈ ગયા. જ્યારે સડકેથી ગાડું હેઠું ઉતર્યું ત્યારે ડોસો બોલ્યો જે, “ભા! આમ ક્યાં લઈ જાઓ છો?” છોકરો કહે કે, “દાદા! વૈદ ખાળે ઉતર્યો છે.” પછી ત્યાં ખારા પાણીનો કીચડ આવ્યો ત્યાં ગાડું ઉલાળીને ડોસાને હેઠે ઉતાર્યો ને હેઠે નાંખી દીધો. ડોસો કહે, “ક્યાં વૈદ?” છોકરો કહે, “આ વૈદ.” પછી પાવડે કરીને ગારામાં ખાડો કરીને ડોસા ઉપર ગોદડાના બે ગાભા નાંખ્યા. ત્યારે ડોસો બોલ્યો જે, “ભલા થઈને મને જીવતો મેલો અને હું તમને મોઢું દેખાડીશ નહીં અને આપણું ઘોડાનું ઠાણીયું છે ત્યાં મેં ત્રીશ હજાર રૂપિયા દાટ્યા છે અને મને જીવતો મેલો.” છોકરા કહે, “દાદા! રામ રામ કરો.” પછી ડોસાને દાટીને ઘરે આવ્યા માટે આ દુનીયા તો કેવળ સ્વાર્થી છે. જ્યાં સુધી શરીર નિરોગી હોય ત્યાં સુધી સૌ સ્નેહ રાખે, પણ જ્યારે રોગ થાય ત્યારે ડોસાના જેવી દશા થાય. ॥૧૧૨૮॥

એક ડોસો હતો. તેને ચાર દીકરા હતા. પછી જ્યારે દીકરાને જુદા કર્યા, તે સૌની મેળે સૌનો વ્યવહાર ચલાવતા પણ ડોસો વહેલો ઉઠીને છોકરાના બૈરાંને ગાળો દેતો જે, “ઉઠી, રાંડો! તમારાં વહાલાં સગાં મરે, હજી શું સુતીયું છો?” અને કેટલાક અપશબ્દ પણ વાપરતો. પછી છોકરાની ઘરવાળીયે માનતા કરી જે, “આ પીટ્યો ડોસો જો મરે તો હનુમાનજીને બે બે નાળીયેર વધેરશું અને ઘીના દીવા કરીશું.” પછી સાથી ભાલમાં ખડ ભરવા ગયા તેની સાથે ડોસો ગયો. વળતી વખતે ડોસો ખડના ભરોટા ઉપર બેઠો અને સડકે ચાલતા ઢાળ આવ્યો એટલે સાથીયે ગાડાં દોડાવ્યાં. સૌની પાછળ ગાડાં ઉપર ભાભો બેઠો હતો. તે ભરોટાં ઉપરથી પડી ગયો અને હાથ પગ ભાંગ્યા અને સાથી જાણતા હતા જે, “ભાભો પડી ગયો છે.” તોય પણ ગાડાં હાંકીને ઘરે ચાલ્યા આવ્યા. પછી ભાભાનાં છોકરાંએ સાથીને પૂછ્યું જે, “ભાભો ક્યાં ગયા?” સાથી બોલ્યા જે, “અમને ખબર નથી.” પછી ખબર પડી તેથી ભાભાને ગાડું જોડીને તેડવા ગયા ને ભાભાને તેડીને ઘરે આવ્યા. પછી તે વ્યાધિમાં ડોસો મરી ગયો. માટે જો બોલી સારી હોય તો સૌને સ્નેહ રહે અને ચાકરી પણ કરે, નહીં તો આ સાખી વાળું થાય:

દાદો દેખે દુઃખ ઉપજે, ને સંભારે સુખ જાય,

જે શેરીયે દાદો વિચરે, તે શેરી ઉજ્જડ થાય.

માટે કડવા બોલાં ન થાવું પણ મીઠા બોલા થાવું. ॥૧૧૨૯॥

દેવકા ગામમાં એક આયર હશે તે નિરંતર પોતાના દીકરાની ઘરવાળીયુંને ગાળો દેતો જે, “ઉઠો, ઉઠો, રાંડો! બાવળા કુતરાની વવું.” એમ હમેશાં ગાળું દેતો. માટે જે જેનું કામ હોય તે તેને ખટકો હોય પણ જીવને સ્વભાવ પડ્યો હોય તે રહી શકે નહીં અને ન માને ત્યારે દુઃખીયો થાય. ॥૧૧૩૦॥

એક ખેડું હતો તેને એક જ દીકરો હતો. તે પોતાના દીકરાને કહે જે, “બાપ! વશરામ! બળદિયાને નિરણ કરને.” ત્યારે છોકરો બોલે જે, “ડોસાજી! પડ્યા રહો પડ્યા.” પછી તેણે મારી પાસે વિનંતી કરી જે, “સ્વામી! આ મારો છોકરો મને ડોસાજી કહે છે.” પછી તે ડોસો મરણ પામ્યો અને છોકરાનો છોકરો થયો. તેને જ્યારે કામ બતાવે ત્યારે તેનો છોકરો જવાબ આપે જે, “ટણપાજી! પડ્યા રહો! એ તો જેમ થતું હશે તેમ થશે.” પછી તેણે પણ મારી પાસે આવીને ફરીયાદ કરી જે, “સ્વામી આ મારો છોકરો મને ટણપોજી કહે છે.” ત્યારે મેં કહ્યું જે, “તું તારા ડોસાને શું કહેતો?” ત્યારે કહે, “હું ડોસાજી.” ત્યારે મેં કહ્યું જે, “તે તને ટણપોજી કહે તો.” લોકમાં કહેવત છે જે ‘વાળ્યાં હોય તેના વાળજો અને ઠાર્યાં હોય તેનાં ઠારજો.’ માટે માવતર તથા ગુરુની અનુવૃત્તિમાં રહે તો જ બેય લોકમાં શ્રેય થાય. ॥૧૧૩૧॥

ગામ સમઢીયાળાના આયર તુળશીશ્યામ જાત્રા કરવા ગયા હતા. પછી ત્યાંના મહંતને તથા સૌ બાવાને બધા આયર પગે લાગવા ગયા. પછી પગે લાગીને સૌ બાવા પાસે બેઠા. બાવો કશુંએ ભણેલ-ગણેલ નહીં અને જે આવે તેને અફીણના કસુંબા પાય અને હોકા પાય પણ શાસ્ત્રનું કશુંએ જ્ઞાન નહીં. પછી બાવે કહ્યું જે, “તમારે મને પૂછવું હોય તો કાંઈ પૂછો.” ત્યારે હરિભક્ત કહે, “અમે શું તમને પૂછીયે!” અને આ તો બધાય સંતના સમાગમથી સત્યાસત્ય જાણનારા હતા. તેથી તેમણે બાવાજીને કહ્યું જે, “મહારાજજી! તમે તો અમારા ગુરુ હૈ અને અમે તો છોટા ખર હૈ.” ત્યારે હરિભક્તોએ કહ્યું જે, “મહારાજજી! તમે તો મોટા ખર જેવા છો.” ત્યારે બાવોજી બોલ્યા જે, “મોટા ખર તો અમારા ગુરૂ હૈ અને હમ તોખર હૈ.” ત્યારે હરિભક્તોએ કહ્યું જે, “મહારાજજી છોટા ખર તોય તમે!” માટે શાસ્ત્રનું શ્રવણ તથા સંતના સમાગમ વિના મનુષ્યનો ધર્મ આવતો નથી. ॥૧૧૩૨॥

આંબા ગામમાં લાખો સાવલીયો કરીને એક કણબી રહેતો હતો. તે જળઝીલણીના સમૈયામાં ગઢડે દર્શને આવ્યો હતો, અને ત્રીજે માળ સૌ હરિજનો સાથે રાત્રે તે સુતો હતો. પછી રાત્રીમાં તેને સ્વપ્નું આવ્યું જે, “મારી પાદરની વાડીમાં ગધેડાં પડ્યાં છે અને બાજરો વિગેરે ખાય છે.” એમ જાણીને ઊંઘમાંથી એકદમ બેઠો થઈને રાડો પાડવા મંડ્યો જે, “હે... હે... મારે સાળે ભગવાનીયે ગધેડા રેઢાં મૂક્યાં છે તે મારી બધી વાડી ખાઈ ગયાં.” એમ જાણીને તાણીને બૂમો પાડવા લાગ્યો. એટલે તે સમૈયાનાં માણસો જાગી ગયાં અને પૂછ્યું જે, “શું છે, લાખા? શું છે?” લાખે કહ્યું જે, “મેં જાણ્યું જે ગધેડાં વાડીમાં પડ્યાં છે.” માટે તીર્થે જાય તો પણ ખેતીવાડી અને ગધેડાં પણ સાથે લેતો જાય માટે તીર્થે જવું ત્યારે સંસારની ઉપાધિ ઘરે મેલીને જવું. ॥૧૧૩૩॥

એક ગામમાં બે શેરીમાં બે કુતરા રહેતા હતા. તેમાં સ્ત્રી-પુરૂષને અણબનાવ બહુ રહેતો. તેથી જ્યારે બેઉ જણા ક્લેશ કરે ત્યારે પુરૂષ કહે જે, “રાંડ! તને કાળીયા કુતરાને પરણાવું.” એમ નિરંતર કજીયામાં ગાળો દીધા કરે અને તે વાત કુતરો હમેશાં સાંભળતો એટલે કુતરાના મનમાં એમ થયું જે, “મારે પરણેતર આની સાથે થશે.” એમ જાણી ત્યાંને ત્યાં નિરંતર બેસી રહે. પણ ખાવાનું બિલકુલ મળે નહીં તેથી સાવ સુકાઈ ગયો. પછી એક દિવસ બીજી શેરીનો કુતરો આવ્યો ને એને મળ્યો તેણે કહ્યું જે, “આંહીં ખાવાનું મળતું નથી.” “ત્યારે ચાલને મારી સાથે ખૂબ ખાવાનું મળે છે અને મજા છે.” પછી તેણે કહ્યું જે, “તારે ત્યાં પરણેતર છે? મારે અહીંયાં પરણેતર છે.” પહેલે કુતરે પૂછ્યું જે, “શું?” ત્યારે આણે કહ્યું જે, “આ બે સ્ત્રી-પુરુષ વઢે છે ત્યારે પુરુષ કહે છે જે, ‘તને કાળીયા કુતરા સાથે પરણાવું,’” માટે વાસના છે તે આવી છે. ॥૧૧૩૪॥

એક ગામમાં સ્ત્રી-પુરુષ લડતાં હતાં તે પુરુષે કહ્યું જે, “રાંડ! તું પાંશરી ચાલતી નથી તે તને બ્રાહ્મણને દઉં?” તે વખતે બ્રાહ્મણ તેને ત્યાં ભિક્ષા માગવાને ગયો હતો. તેણે લાંબો હાથ કરીને કહ્યું જે, “લાવો હું લઈ જાઉં.” ત્યારે પેલો પુરુષ બોલ્યો જે, “મૂરખ! એ તો કહેવાનું હોય પણ દેવાનું હોય?” માટે કેટલાક તો વાટ જોઈને ઉભા હોય. ॥૧૧૩૫॥

એક રાજા હતો તે મરવા તૈયાર થયો. પછી તેનો જીવ જાય નહીં ત્યારે તેના કુંવરે કહ્યું જે, “બાપુ! તમારો જીવ કેમ જતો નથી?” રાજા કહે કે, “બાર દીકરા! મેં આ રાજ્યનું સુખ ભોગવ્યું છે ને હું મરીને બાવળો ભૂંડ થઈશ એટલે મને ત્યાં કેમ ગોઠશે? એમ જાણીને મારો જીવ જતો નથી. માટે તું મને મારી નાખજે.” કુંવર કહે, “શી ખાતરી થાય? કે તમે આવ્યા છો?” રાજા કહે, “મારા ચાર પગ ધોળા થાશે અને કપાળમાં ધોળું ટીલું થાશે, એવો હું ભુંડ થાઈશ.” પછી તે રાજા મરીને બાવળો ભૂંડ થયો. અંતે યા મતિઃ સા ગતિઃ અને કેટલીક ભુંડણીયોના ટોળામાં પોતે એકલો જ રહે. તેને કેટલાંક બચ્ચાં પણ થયાં. પછી એક દિવસ તે કુંવર સવારી લઈને નીકળ્યો. તેણે ભુંડનું ટોળું ભાળ્યું તેથી તેને સ્મૃતિ આવી જે, “મારે બાપે કહ્યું હતું જે હું મરીને મોટો બાવળો ભુંડ થઈશ.” પછી સવારીને ત્યાં રાખીને હાથમાં ખડગ લઈને ત્યાં મારવા જાય છે, ત્યાં તો ભુંડને વાચા ઉપજી જે, “માં... મને મારીશ માં.” રાજા કહે, “કાં?” ભુંડ કહે કે, “તું જ્યારે નહોતો ત્યારે મેં પાણા એટલા દેવ કર્યા ત્યારે માંડ માંડ તું એક કુંવર અવતરેલો હતો અને આ તો વગર માનતાએ જોને આટલા બધાં છે અને હજી બે-ત્રણ ગર્ભણીયું છે તેને પણ દશ વીશ પચીશ બચ્ચાં થાશે.” માટે એ કરતાં અહીંયાં મારે વધારે સુખ છે કેમ કે જીવ જે જે યોનિમાં જાય તે તે યોનીમાં બંધન પામે છે. ॥૧૧૩૬॥

એક ગામને પાદર નારદજી નીકળ્યા ત્યાં ભુંડનું ટોળું ફરતું હતું. પછી નારદજીએ કહ્યું જે, “ઓ સુવરી! સ્વર્ગમાં આવવું છે?” સુવરી બોલી જે, “સ્વર્ગમાં શું છે?” નારદજી બોલ્યા જે, “સ્વર્ગમાં ભારે ભારે વિમાન બેસવાના અને હિરા માણેક જડેલા એવા ભારે ભારે મહોલ રહેવાના અને સાચાં મોતીના તોરણ બાંધેલા અને ભારે ભારે બાગ-બગીચાઓ તેમાં નાના પ્રકારના પુષ્પની સુગંધ બહેકી રહી છે અને સોનાનાં આરાવાળાં મોટાં મોટાં જળાશયો છે અને તેમાં નિરંતર રહેવાનું છે.” તે સાંભળી સુવરી બોલી જે, “ત્યાં પાયખાના છે?” નારદજી કહે જે, “અરે! રાંડ! ત્યાં પાયખાનાં હોય?” ત્યારે સુવરી બોલી જે, “ત્યારે તો મારે ત્યાં આવવું નથી. કેમ કે પાયખાના વિના તો આ મારો બધો પરિવાર નાશ થઈ જાય અને તારે તો મારું સત્યાનાશ કાઢવું છે કે શું?” કેમ કે જેને જે વાતની ખબર નથી તેને તે વાતનો મહિમા હોય નહીં. ॥૧૧૩૭॥

એક જન્માંધ હતો તે રોટલા જમવા બેઠો પછી તેને કહ્યું જે, “ભાઈ! દૂધ લઈશ?” ત્યારે તેણે કહ્યું જે, “દૂધ કેવું હોય?” ત્યારે બીજે કહ્યું જે, “ધોળું બગલાની પાંખ જેવું હોય?” ત્યારે આંધળે કહ્યું જે, “બગલો કેવો હોય?” પછી ઓલ્યે વાંકો હાથ કરીને તે ઉપર આંધળાનો હાથ ફેરવાવ્યો. તે જોઈને આંધળો બોલ્યો જે, “આવું વાંકું ચુંકું તો મારે ગળે ન ઉતરે.” પણ દૂધ કાંઈ વાંકું ચુંકું નહોતું પણ તેને અનુભવ નહોતો એટલે બિચારો શું જાણે? ॥૧૧૩૮॥

બે ફકીર હતા. તે એક ઓડવો ગાળીને નિરંતર નિમાજ પઢતા હતા પણ બે જણા વચ્ચે પહેરવાનું એક જ લુગડું હતું તેથી પેલો નિમાજ પઢીને નીસરે અને લુગડું આપે ત્યારે બીજો નિમાજ પઢવા જાય. તેવામાં ત્યાં નારદજી નીકળ્યા. તેને સાદ કરીને કહ્યું જે, “એ એબીશા નારદજી! ક્યાં જાઓ છો?” નારદજી કહે, “હું ભગવાન પાસે જાઉં છું.” ત્યારે તેણે કહ્યું જે, “અમારો સંદેશો લઈ જશો? ખુદાને કહેજો જે, ‘ઓલ્યા બે ફકીર છે તે બે વચ્ચે એક જ લુગડું છે. તેને બીજું લુગડું મોકલે. તો બન્ને જણાં પહેરીયે ને સાથે નિમાજ પઢીયે.’” પછી નારદજી જ્યાં આઘા ગયા ત્યાં એક બીજો ફકીર મળ્યો તેણે કહ્યું જે, “મહારાજ! ક્યાં જાઓ છો?” નારદજી કહે, “હું ખુદા પાસે જાઉં છું.” ત્યારે તેણે કહ્યું જે, “ખુદાને કહેજો જે, ‘સવામણ મળીંદો તો તમે મેલો છો પણ તેથી મારૂં થાતું નથી. માટે જો બીજો સવામણ મળીંદો મોકલો તો ઠીક.’” નારદજી ભગવાન પાસે ગયા અને ત્યાં કેટલાંક કૌતુક જોવામાં આવ્યા. તેથી બન્ને ફકીરના સંદેશા કહેવાનું નારદજી ભૂલી ગયા અને જ્યાં પેલા ફકીરની નજીક વળતે ફેર નીકળ્યા ત્યારે તેણે કહ્યું જે, “કાં? ખુદાએ શું કહ્યું?” નારદજી કહે કે, “હું તો ત્યાં ગયો ત્યાં તો કેટલાક કૌતુક જોવામાં આવ્યાં તેથી તમારો સંદેશો કહેવાનું ભુલી ગયો. ત્યારે ફકીરે પૂછ્યું જે, “ત્યાં શું જોવામાં આવ્યું?” નારદજી કહે કે સોયના નાકામાંથી હજારો હાથી ચાલ્યા જાય અને ચાલ્યા આવે પણ કોઈ હાથી સામ સામે ભટકાય નહીં.” તે સાંભળી ફકીર બોલ્યો જે, “આવાં શાં ગલંદા મારો છો?” એમ જ્યાં કહ્યું ત્યાં પવન બહુ થયો તેમાં તેનું પહેરવાનું એક લુગડું હતું તે પણ ઉડી ગયું અને બન્ને જણા નગ્ન થઈ રહ્યાં. પછી જ્યાં આઘા ગયા ત્યાં બીજો ફકીર બોલ્યો જે, “કાં નારદજી ખુદાએ શું કહ્યું?” નારદજીએ ઉપર પ્રમાણે વાત કહી સંભળાવી તે સાંભળી ફકીર બોલ્યા, “એમાં તે શું આશ્ચર્ય? સોયના નાકામાં તો હાથી ચાલ્યા જાય ને ચાલ્યા આવે તો પણ ભટકાય નહીં પણ મોટા મોટા પર્વતે પર્વતો ચાલ્યા જાય ને ચાલ્યા આવે તોય પણ ભટકાય નહીં માટે ખુદા કરે તે શું ન થાય? ખુદા ચાય સો કરે!” પછી સવામણ મળીંદો હતો અને બીજો સવામણ મળીંદો આવવા લાગ્યો માટે જો ભગવાન ઉપર વિશ્વાસ હોય તો ગમે તેવું કાર્ય હોય તે આપણાથી ન થાય તેવું હોય તો પણ તે ભગવાનનાં વિશ્વાસ ઉપર રાખીને કરીએ તો બની શકે છે. માટે જે કામ કરવું તેમાં પરમેશ્વરને પહેલાં સંભારવા, માટે ભગવાનનો વિશ્વાસ જોઈએ. ॥૧૧૩૯॥

એક ચકલી હતી તે મેરુના શિખર ઉપર જઈને બેઠી અને ત્યાં તેણે એવો વિચાર કર્યો જે, “ભગવાન અહીં મને પાણી પાય તો મારે પીવું, નહીં તો ન પીવું.” પછી ભગવાને એવી માયા રચી જે તેના પેટ સુધી પાણી દેખાયું. ચકલી કહે, “હું વાંકી ન વળું મારી ચાંચ બુડે ત્યાં સુધી પાણી જોઈએ.” તે ઉપરથી ભગવાને તેની ચાંચે બુડે ત્યાં સુધી પાણી કર્યું અને ભગવાને મેરુ પર્વતના શિખર ઉપર ચકલીને પાણી પાયું. માટે જો તેને ટેક હતી તો ભગવાને તેની પ્રતિજ્ઞા રાખી માટે આપણે પણ જો સાચી રીતે ટેક હોય તો ભગવાન તે ટેકને ફળીભૂત કરે. ॥૧૧૪૦॥

એક વખત રાધિકાજીએ ભગવાનને કહ્યું જે, “તમે વિશ્વંભર છો?” ત્યારે ભગવાન કહે, “હા.” રાધિકાજી કહે, “અત્યારે કોઈ ભૂખ્યું નહીં હોય ને?” ભગવાન કહે, “ના, અત્યારે કોઈ જીવપ્રાણીમાત્ર ભૂખ્યું નથી.” એમ કહીને રાધિકાજીએ એક ડાબલીમાં કીડી પુરેલી. તે ડાબલીમાં પોતાના કપાળમાંથી ચોખાનો દાણો પડી ગયેલો તેની પોતાને ખબર રહી નહીં અને કીડી પણ ડાબલીમાં બેઠી બેઠી ચોખાનો દાણો ખાતી હતી. પછી ડાબલી લાવીને ભગવાનને દેખાડી. ડાબલી ઉઘાડીને ભગવાનને કહ્યું કે, “જુઓ, આ કીડી ભૂખી છે.” ત્યાં તો કીડી ચોખાનો દાણો ખાતી હતી. ભગવાને કહ્યું કે, “જુઓ, ક્યાં ભૂખી છે?” માટે ભગવાનમાં એવી અપાર શક્તિ છે જે કીડીના પગમાં નેપુર વાગે તેબી સાહેબ સુનતા હે! માટે ભગવાનથી કોઈ વાત અજાણી નથી. ॥૧૧૪૧॥

ગરૂડજીયે એક પોપટ પાળ્યો હતો. તેને પાંજરામાં રાખીને પોતાની પાસે રાખતા હતા. તેવામાં ધર્મરાજા તેમના આશ્રમમાં થઈને નીસર્યા. પછી પોપટને જોઈને ધર્મરાજાને હસવું આવ્યું જે, “વિધાતા પણ ખોટું લખે છે. કેમ કે આજ દિવસના બાર વાગ્યે આ પોપટનું મૃત્યુ મેરુ પર્વતના શિખર ઉપર થવાનું છે.” પછી ગરૂડજીને શંકા ઉત્પન્ન થઈ જે, “ધર્મરાજા મારા પોપટ સામું જોઈને હસ્યા. માટે તેમાં કાંઈક કપટ છે?” એમ જાણીને પોપટને મેરુ પર્વતના શિખર ઉપર મૂકી આવ્યા અને પછી ધર્મરાજાની પાસે યમપુરીમાં ગયા. ધર્મે ઘણો ગરુડજીનો આદર સત્કાર કર્યો અને તેમને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ગરુડજી બોલ્યા જે, “તમે મારા પોપટ સામું જોઈને કેમ હસ્યા હતા?” પછી ધર્મે કહ્યું જે, “વિધાતા પણ ખોટું લખે છે. કેમ કે, આજ રોજ દિવસના બાર વાગે તે પોપટનું મૃત્યુ મેરુ પર્વતના શિખર ઉપર છે અને તે પોપટ તો તમારી પાસે પાંજરામાં છે.” ગરુડજી કહે, “હું તે પોપટને મેરુ પર્વતના શિખર ઉપર મૂકીને આંહીં આવ્યો છું?” ત્યારે ધર્મરાજા કહે કે, “તે તો ત્યાં મરી ગયો.” માટે ભાવી છે તે બળવાન છે, કેમ કે જ્યાં જેનું ભવિષ્ય હોય ત્યાં તેને ખેંચીને લઈ જાય છે. ॥૧૧૪૨॥

પછી ગરુડજીએ પૂછ્યું જે, “મારું મૃત્યુ ક્યારે છે?” ત્યારે ધર્મે કહ્યું જે, “હું અત્યારે જમવા બેઠો છું. તો તમો તે બાબતનું આ ચોપડામાં જુઓ.” ગરૂડજીએ જોતાં જોતાં હાથ આવ્યું કે, “જે દિવસ ગરૂડજી આ ચોપડો જુએ તે દિવસે તેમનું મૃત્યુ થશે” એટલે ગરૂડજીનું પણ ત્યાં જ મૃત્યુ થયું. ॥૧૧૪૩॥

ઈંદ્ર રાજા હતા તેને વિચાર થયો જે, “આ ત્રિલોકની તમામ પ્રજા મને કર ભરે છે અને ઋષિઓ કર ભરતા નથી. માટે મારે ઋષિઓને માથે કર ઠરાવવો?” એમ વિચાર કરીને પોતે વિમાનમાં બેસીને ઈંદ્રાણીને સાથે લઈને મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા. આવતાં આવતાં કોઈક મોટું શહેર હશે. ત્યાં એક નદી હતી ત્યાં શબ બળતું હતું. ત્યાં એક ચાંડાળી ઉભી હતી. તે બળતણ વીણવાને માટે નીસરી હતી. તેણે એક કુતરાનું માંસ લીધું અને માણસના માથાની ખોપરી લીધી અને તેમાં દારુનું આંધણ મેલીને તેને સુકું ખાસડું ઢાંક્યું. તેને જોઈને ઈંદ્રે પૂછ્યું જે, “હે, બાઈ! તું કોણ છે?” ચાંડાળી બોલી જે, “હું ચાંડાળી છું અને આ ચિતાનો અગ્નિ છે અને આ માણસના માથાની ખોપરી છે તેમાં દારૂનું આંધણ મેલીને તેમાં કુતરાનું માંસ રાંધું છું.” ત્યારે ઈંદ્ર રાજાએ કહ્યું જે, “આને અભડાવે એવું બીજું કયું છે? જે તેની ઉપર સુંકું ખાસડું ઢાંક્યું છે.” તે સાંભળીને ચાંડાળી બોલી જે, “આને અભડાવે એવા આ પૃથ્વી ઉપર્ય ઘણા છે. એક તો ગાયની આજીવિકા તોડે અને બ્રાહ્મણની આજીવિકા તોડે અને દેવની આજીવિકા તોડે, તેના પગની જો રજ અડે, તો આ મારા છોકરાને ખાધા જેવું રહે નહીં.” તે સાંભળીને ઈંદ્ર રાજા સ્વર્ગમાં ગયા અને ત્યાં જઈને વિચાર કર્યો જે, “હું જ્યારે ઋષિનો કર લેવા જાઉં છું.” તેવો સંકલ્પ હતો તે પછી માંડી વાળ્યો અને કેટલાક ખેડુ છે તે ગૌચર ખેડે છે તે અને પરંપરાથી બ્રાહ્મણોની આજીવિકા ચાલી આવતી હોય તે તોડે છે તથા પોતાના બાપ દાદાએ દેવની આજીવિકા બાંધી હોય તે પણ તોડી નાંખે છે. માટે તેમણે વિચારવું જોઈએ જે આવા પાપ છે. ॥૧૧૪૪॥

એક કણબી હતો તેના માવતર નાનપણમાં મરી ગયાં હતાં. તેથી પોતે સમજણો થયો ત્યારથી સાથી રહેવા માંડ્યો અને બાર મહીનાનો પગાર આવે તેના દર વરસે ભવાયા રમાડીને દાન કરતો. પછી તે ઘરડો થયો ત્યારે આંધળો થયો અને તે ગામમાં અમે ફરવા ગયા હતા. પછી તેણે પૂછ્યું જે, “મહારાજ! હું શે પાપે કરીને આંધળો થયો હઈશ? કેમ કે હું નાનો હતો ત્યારથી સાથી રહી રહીને પેદા કરેલા પૈસામાંથી ભવાયા રમાડ્યા કર્યા છે. પણ એક પૈસો ગાંઠ્યો રાખ્યો નથી. આવું તો મેં પુણ્ય કર્યું છે! માટે હું શે પાપે આંધળો થયો હઈશ?” કેટલાક માણસો આને પણ પુણ્ય માને છે જે મેં પુણ્ય કર્યું. આમ માને છે પણ એક બ્રાહ્મણ મારવો અને ભવાયા રમાડવા; એ બરોબર પાપ છે પણ તે એમ નથી જાણતો જે, મેં આખી જીંદગી પાપ જ કર્યું છે! જેને પુણ્ય પાપની ખબર નથી તેને શું? ॥૧૧૪૫॥

એક ગામમાં એક પટેલે ભવાયા રમાડ્યા. પછી તેની દીકરી તથા દીકરાની વહુઓ વિગેરે સૌ જોવા ગયા. કેમ કે જીવને વિષયમાં રાગ છે. અને વળી વિષય મળ્યા પછી તે સૌએ આખી રાત ભવાયા જોયા અને બીજે દિવસે દીકરીયું તથા વહુઓ સૌ ખેતર ખડ લેવા ગયાં. પછી તેમાં મોટા મહોલ હશે તેમાં જઈને પોતાના સાડલા કેડ્યે બાંધ્યા અને પોતાના માથાના કેશ કેટલીકે છુટા મેલ્યા અને ખેતર વચ્ચે ભવાઈ આદરી ને થૈ થૈ કાર કર્યા. તેની સરત તે ખેતરના રખવાળે રાખી અને સાંજે આવીને પટેલને વાત કરી જે, “ભાભા! આજ રાતના તમે ભવાયા તો રમાડ્યા હતા પણ આજ ખેતરમાં તમારી દીકરી તથા વહુઓ મળીને સૌ ભવાઈ કરતાં હતાં.” પછી પટેલે નીમ લીધું જે, “આજથી ભવાયા રમાડે તેના બાપને માથે પસતાળ.” કેમ કે આ તો ઘરમાં જ ભવાઈ પેઠી. માટે જીવને ઉતરતું શીખતા વાર લાગતી નથી અને કથાવાર્તા સાંભળવા જાય તો ઉંઘ આવે. ॥૧૧૪૬॥

ઈંગોરાળા ગામમાં વહીવટદાર આવ્યા હશે અને ત્યાં ભવાયાનું પેડું પણ રમવા આવેલું તેણે ખોડા પટેલને કહ્યું જે, “ભાભા! અમને રમત આપો.” ભાભો કહે, “હું તો સત્સંગી છું તે તમને રમત આપું નહીં.” પછી વહીવટદારે કહ્યું જે, “જા આજ રાતની રમત અમે આપીયે છીયે.” પછી રાત્રે ભૂંગળા વાગ્યા અને ઢોલકાં વાગ્યાં એટલે ખોડા પટેલનો દીકરો ભવાન કરીને હતો તેની દશ-બાર વરસની અવસ્થા હતી. તેણે કહ્યું જે, “દાદા મારે ભવાયા જોવા જવું છે.” ભાભો કહે, “બોલ્યમાં, મૂરખ! આપણે હરિભક્ત છીએ તે ભવાયા જોવા જવાય નહીં!” તો પણ બાળહઠ લીધી એટલે ભાભે કહ્યું જે, “જો આ પટારામાં નવાં લુગડાં છે તે પહેરીને જા કેમ કે જુના પહેરીને જઈશ એટલે તને કોણ ઓળખશે?” પછી પટારો ઉઘાડીને છોકરાને માંહી ઉતાર્યો અને પટરાનું ઢાંકણું ઉપરથી દઈ દીધું એટલે છોકરો બાંગુ દેવા માંડ્યો જે, “દાદા! ઉઘાડો ઉઘાડો.” પણ પટેલ પટારો ઉઘાડે નહીં. આ રગજગ બધી વહીવટદાર ઓસરીમાં બેઠા બેઠા સાંભળતા હતા. પછી વહીવટદારે કહ્યું જે, “પટેલ! છોકરો એક જ છે તે મરી જાશે માટે પટારો ઉઘાડો.” પટેલ કહે, “મરે તો ઘોળ્યો મરે, પણ અમારાં હરિભક્તનાં છોકરાં ભવાયા જોવા જાય?” પછી વહીવટદારે કહ્યું જે, “આજથી હવે જે ભવાયા જોવે તેના બાપને માથે પસતાળ છે અને હવે ભલો થઈને છોકરાને પટારામાંથી બહાર કાઢ્ય.” પછી છોકરાને પટારામાંથી બહાર કાઢ્યો અને ભવાયાની રમત બંધ રખાવી ને તેમને રજા અપાવી. ॥૧૧૪૭॥

એક ગામમાં ભવાયા રમતા હતા ત્યાં ટેલીયો બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણ ભવાયા જોવાનો શોખીન હતો પણ તેને બેસવાની જગ્યા મળી નહીં. પછી જે જગ્યાએ ભવાયા રમતા હતા ત્યાં લીંબડાનું એક ઝાડ હતું. તે ઉપર ચડીને પોતાના લુગડાની ઝોળી વાળીને તેમાં જોવા સારુ બેઠો અને પછી જ્યારે ભવાયાનો વેશ આવે ત્યારે બ્રાહ્મણ દાંત કાઢે અને ઝોળીમાં ઊંચો નીચો થાય. એમ કરતાં કરતાં રાતના ચાર વાગ્યે લુગડાની ઝોળીની ગાંઠ્યો છૂટી ગઈ, તેથી ભવાયાના પટ વચ્ચે પડ્યો અને ત્યાં ને ત્યાં મરી ગયો. પણ આ વેશ સારો કે આ વેશ નરસો એમ કહેવાને જીવતો રહ્યો નહીં. ॥૧૧૪૮॥

બોટાદ ગામમાં ભવાયા રમતા હતા અને એક કોળીનાં વખાણ કર્યાં હશે. તેણે પોતાના પહેરેલાં લુગડાં ચોરણા સહિત ભવાયાને આપી દીધા. પછી ભવાયો બોલ્યો જે, “આ કોણ દાનેશ્વરીનો દીકરો છે? જે માયે જણ્યો હોય તેવો ઉભો છે.” પછી તે કોળી પોતાના ઘર ભણી દોડ્યો આવતો હતો અને હું પણ રાત્રીના ચાર વાગ્યે પ્રસાદીની વાવ્ય છે ત્યાં નહાવા જતો હતો. એટલે રાંગળી શેરીમાં બીક લાગે છે. ત્યાં ભેળો થયો એટલે મેં કહ્યું જે, “કોણ એ...?” ત્યારે તેણે કહ્યું જે, “એ તો હું તીટલો.” ત્યારે મેં કહ્યું જે, “અલ્યા, આમ કેમ ઉઘાડો?” ત્યારે તેણે કહ્યું જે, “ભવાયા રમે છે તેને મારાં બધાંય લુગડાનું દાન કરી દીધું.” ત્યારે મેં કહ્યું જે, “મર્ય, મૂરખ! પેર્યાનું તો રાખવું તું ને.” એમ કેટલાક નાગા થઈને ચંદરવા બાંધે છે. ॥૧૧૪૯॥

એક ગામમાં ભવાયા રમતા હતાં ત્યાં એક બ્રાહ્મણ ભવાયા જોવા ગયો હતો. ભવાયે બ્રાહ્મણના બહુ વખાણ કર્યા જે, “ભલે, પંડ્યા! ભલે?” એટલે તેણે લુગડાનો આખો તાકો લઈને ભવાયાને આપ્યો અને ઘરે છોકરાને પહેરવા માટે કેડીયું નહોતું. મારી પાસે આવ્યો ત્યારે મેં કહ્યું જે, “મૂરખ! ચાર હાથ ફાડી લેવુંતું ને, છોકરાને કેડીયું થાત.” ત્યારે તે કહે, “છોકરો તો નાગો સારો.” માટે કેટલાક આવા પણ દાનેશ્વરી હોય છે જે, “ઘરના છોકરાં ઘંટી ચાટે અને પાડોશીને આટો॥ સાખી:

પોતાના પુંછલે પડે। પરના કરે કલ્યાણ॥

પરગંધીલો કેવડો। ભડલી વાળો ભાણ॥

માટે પહેલું પોતાના બાળકોનું પોષણ કરતાં શીખવું. ॥૧૧૫૦॥

એક ગામમાં ભવાયા રમતા હતા ત્યાં બહુ મોટો ચોક છે. પછી એક ભાભો મંદિરમાંથી ઉઠીને ઘરે જતો હતો તેને વિચાર થયો જે, “લે ને એક બે વેશ જોતો જાઉં જે, કેવાક રમે છે?” પછી એક ઉંચા પરશાળવાળી દુકાન હશે તેના ખૂણામાં છાની રીતે જઈને બેઠો અને ત્યાં અરધી રાત થઈ. ત્યાં એક મોટો સર્પ નીકળ્યો અને સૌ લોક નાશ ભાગ કરવા લાગ્યા. તેમાં ભાભો કેટલાકની નજરે ચડ્યો ત્યારે સૌ કહેવા લાગ્યા જે, “ભાભા! તમે કેવા?” ભાભો કહે, “હું આંહીંયાં બેઠો હતો અને ડેડું આવ્યું તે બેસી રહ્યો.” માટે કેટલાક વૃદ્ધ થાય પણ રાગ રહી જાય છે. ॥૧૧૫૧॥

એક ગામમાં ગરાસીયાની બે પાટીયું હતી. તેમાં એક ગરાસીયાની પાટીમાં બીલાડો મરી ગયો હતો અને તે પાટીવાળો ઢેઢ ક્યાંઈક પરગામ ગયેલો હશે તેથી બીલાડીને કોઈ ઢરડનાર નહોતું અને ચોક વચ્ચે મરી ગયેલો હતો તેથી ચોક બધો ગંધાઈ ગયો હતો. પછી ગરાસીયે બીજી પાટીવાળા ઢેઢને બોલાવ્યો અને કહ્યું જે, “આ બીલાડો ગંધાઈ ઉઠ્યો છે તેને તું બાહર નાંખી આવ્ય.” ઢેઢ બોલ્યો જે, “ના, બાપુ! હું નહીં નાંખી આવું. તમારી પાટીવાળો આવે તો મને મારે અને તકરાર થાય.” દરબાર કહે, “જા ને હું કહું છું ને!” પછી તેના કહેવા ઉપરથી બીલાડાને ગામ બહાર નાંખી આવ્યો અને સાંજ થઈ એટલે બીજી પાટીવાળો ઢેઢ પરગામથી ઘરે આવ્યો તેને કોઈકે કહ્યું જે, “તારી પાટીમાંથી મરેલો બીલાડો ઢરડીને ટાભલો નાંખી આવ્યો.” પછી તેણે જઈને ફરીયાદી કરી જે, “મારી પાટીમાંથી ટાભલો મરેલ બીલાડો ઢરડે જ કેમ?” અને તેનું કામ ચલાવ્યું. માટે સંસાર-વહેવાર છે તે મરેલ બીલાડા જેવો છે તેને કોઈક આગેવાન થઈને ઢરડતો હોય તો ઢરડવા દેવું પણ તેમાં દુઃખ માનવું નહીં. ॥૧૧૫૨॥

બે ભાઈ હતા. તેને એક વાઢના ઓરડાનો વાંધો પડ્યો હતો તેથી કોરટમાં કામ ચાલ્યું. એક પાવલાના ઓરડા સારુ બે બે હજાર રૂપિયા વકીલ ખાઈ ગયા. માટે આ પણ એક જાતનું અજ્ઞાન છે. વિચારી તો જુઓ બબે હજારનાં મોટા મકાન થઈ રહે પણ જો તે પૈસા ઘરમાં રહ્યા હોત તો સુખેથી છોકરાનો નિર્વાહ ચાલત. ॥૧૧૫૩॥

એક સાધુનું મંડળ ફરવા જતું હતું. પછી આગળ જતાં બે મારગ નોખા પડ્યા ત્યારે એક જણ કહે, “આ મારગે જાઈએ.” ને એક જણ કહે, “આ મારગે જાઈએ.” પછી સૌ પાછા મંદિરમાં આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, “કેમ પાછા આવ્યા!” ત્યારે બેય જણ બોલ્યા જે, “આ કહે જે આ મારગે જાઈએ ને મેં કહ્યું જે આ મારગે જાઈએ.” સ્વામી કહે, “મરો, મૂરખઓ! જે મારગે ગયા હોત તે મારગે ગામ આવત.” માટે જીવને ધાર્યું મૂકવું તે મુવા બરાબર છે. ॥૧૧૫૪॥

એક ગામમાં સાધુ ફરવા ગયા હતા. પછી કઢી હલાવવી હતી તેમાં ચાટવો નાંખવો. તેમાં એક કહે, “આ ઠેબેથી હલાવીયે.” અને એક કહે કે, “આ ઠેબેથી હલાવીએ.” એમ કરતાં કરતાં બોલાચાલી થઈ અને બન્ને જણ ચાટવે ચાટવે વઢી પડ્યા. માટે મૂરખ આગળ નમીને ચાલે તે સુખીયો થાય. ॥૧૧૫૫॥

આટકોટ ગામમાં સુતાર હતો તે બેઠો બેઠો ઘડતો હતો. પછી તેણે પોતાની સ્ત્રીને ક્રોધે કરીને લાકડાનો ડંડીકો માર્યો. એ તે બાઈને વસમો વાગ્યો. તેથી બાઈને પણ ક્રોધ ચડ્યો. તેણે વીંધણાનો ઘા કર્યો તે સુતારના ગળામાં વાગ્યો. પછી તે સુતાર પાણી પીયે તો ગળાની બહાર ધાર થાય. પછી ડોક્ટરને બોલાવીને ગળે પટ્ટી મરાવી એક માસ સુધી દવાખાનામાં રાખ્યો અને તેની સ્ત્રીને તેના બાપે રજા આપી એટલે તે તેને પીયર ગઈ. પછી સુતારને માથે પાણી નાંખી ઘરે લાવ્યા. ઘરે આવીને ચારે કોર તપાસ કરવા મંડ્યો પણ પોતાના ઘરનું મનુષ્ય ભાળ્યું નહીં. ત્યારે તેણે તેના બાપને પૂછ્યું જે, “બાપ! મારા ઘરનું માણસ કેમ જણાતું નથી?” તેનો બાપ કહે, “તેને તો મેં તરત રજા આપી છે તે તેને પીયર ગઈ છે.” છોકરો કહે, “શા માટે રજા આપી? વાંક તો મારો હતો. મેં જ્યારે ડંડીકાનો ઘા કર્યો ત્યારે તેણે વિંધણાનો ઘા કર્યો હતો. માટે તેને માણસ મોકલીને બોલાવી લાવો.” માટે આ દુનિયામાં સંબંધીમાં એવું હેત છે કે ગળું કાપે તોય પણ તેનો અભાવ આવે નહીં. માટે તેવું હેત જો ભગવાન તથા સંત સાથે થાય તો મોક્ષમાં વાંધો આવે નહી. ॥૧૧૫૬॥

એક અમલદાર હતો. તેણે બીજા ગામના પટેલ ઉપર પત્ર લખીને શેરડીના ત્રીસ સાંઠા મંગાવ્યા ને માણસ કાગળ લઈને બીજે ગામ પટેલ પાસે ગયો. પટેલે લખ્યા પ્રમાણે ત્રીસ સાંઠાનો ભારો બાંધીને તે માણસ સાથે અમલદારને મોકલાવ્યો અને સાથે એક કાગળ લખીને પણ આપ્યો. પછી તે શેરડીનો ભારો લઈ જનાર માણસે પટેલને પૂછ્યું જે, “હું શું કહું?” પટેલ કહે, “તારે શું કામ છે? એ તો કાગળ કહેશે.” પછી માથે ભારો લઈને ચાલતો થયો અને બે ગાઉ ગયો એટલે તેને ભૂખ લાગી તેથી વિચાર કર્યો જે, “માથે શેરડીનો ભારો છે ને ભૂખ્યા જવું તે ઠીક નહીં. અને પટેલે કહ્યું છે જે કાગળ કહેશે.” પછી એક વોંકળામાં શેરડીનો ભારો હેઠો મેલીને કાગળને પહોળો કરીને તેને પૂછવા લાગ્યો જે, “લે બોલ્ય. હું આમાંથી પાંચ સાંઠા ખાઉં કે નહીં.” એમ બે-ચાર વાર બોલ્યો, પણ કાગળ કાંઈ બોલ્યો નહીં. પછી વિચાર કર્યો જે, “પટેલ તો ખોટો, કેમ કે કાગળ કાંઈ બોલતો નથી.” પછી કાગળને એમને એમ પહોળો રાખીને શેરડી ખાવા લાગ્યો. પોતાના મનમાં એમ જે, કાગળ ના પાડશે તો આળસી જઈશ. પછી પાંચ સાંઠા ખાઈને ભારો બાંધીને ચાલતો થયો અને કાગળને પણ ગાંઠ્યે બાંધી લીધો. પછી સામે ગામ જઈ અમલદારને શેરડીનો ભારો આપ્યો અને કાગળ આપ્યો અને પછી અમલદારે કાગળ વાંચીને કહ્યું જે, “ગણો કેટલા સાંઠા છે?” પછી ગણ્યા. ત્યાં તો ત્રીસ સાંઠા લખેલા. તેમાં પચીસ સાંઠા નીકળ્યા. અમલદારે કહ્યું જે, “ઓછા કેમ છે?” તે માણસ બોલ્યો જે, “કોણ કહે છે?” ત્યારે અમલદારે કહ્યું જે, “કાગળ કહે છે.” પેલો માણસ બોલ્યો જે, “ઓલ્યા વોંકળામાં કેમ બોલ્યો નહીં? અને અહીં બોલ્યો.” માટે કાગળ તો વખતે બોલશે. એટલે ગીતા ભાગવત છે તેમાં કહ્યું છે તે પ્રમાણે ધર્મ નિયમ નહીં પાળે તો જમપુરીમાં જાશે, ત્યારે કાગળ બોલશે. ॥૧૧૫૭॥

એક કણબી હતો. તેણે ચાર દીકરીયુંનાં લગ્ન કર્યાં હતાં. તેના વિવાહ વોરવા માટે ગાડું જોડીને સાબદો થયો ત્યારે કેટલાક તેના સંબંધીઓ કહેવા લાગ્યા જે, “મારી બે કન્યાનું લાવજો અને બીજો કહે મારી પાંચ કન્યાનું લાવજો.” એમ વીશ જણાના સંદેશા ગાંઠે બાંધ્યા અને ભાવનગર જેવું શહેર હશે, ત્યાં જઈને તે વીશે જણાના વિવાહનો સામાન લઈને ગાડું ભર્યું પણ પોતાની ચાર કન્યાઓનો સામાન લેવાનું ભૂલી ગયો. પછી ગાડું લઈને ઘરે આવ્યો. ત્યારે ગાડું છોડતો ગયો અને સૌનો સામાન આપતો ગયો. પછી તેની ઘરવાળી બોલી જે, “બીજાને આપો છો પણ આપણો સામાન ઉતારોને.” ત્યારે કણબી બોલ્યો જે, “અલ્યા! એ તો હું ભૂલી ગયો.” બાઈ કહે, “મર્ય, પીટ્યા! બીજાનું લાવ્યો અને પોતાનો જ સામાન લાવવાનું ભૂલી ગયો.” તેમ આ જીવ બીજાનું કરવા જાય છે અને પોતાના જીવનું કરવું છે તે ભૂલી જાય છે. ॥૧૧૫૮॥

એક કણબી હતો. તેના ઘરમાં તેની ઘરવાળીનું ઉપજણ હતું અને તેનો બાપ મરી ગયો પણ તેનું ખરચ કરવા દેતી નહીં. પછી જ્યારે છોડીયોનો વિવાહ આવ્યો ત્યારે તે કણબી અટકીને બેઠો જે, “આજ હું સાંતીએ નહીં જાઉં. કેમ કે મારા બાપનું ખરચ કરવા દીધું નથી.” બાઈ કહે જે, “છોડીયુંના વિવાહ થાય છે તે ભેળા તારા બાપનું કારજ કરીશું પણ સાંતી લઈને ખેતરમાં જાને.” પછી જ્યારે માયરુ કરીને ચોરીયે ચડ્યા ત્યારે એક કોરે બાર પાણીના ઘડા ભરીને મૂક્યા. પછી પટલાણી બોલ્યાં જે, “જો આ ફેરા ફરે છે તે તો છોડીયોના વિવાહ અને આ કોરા ઘડા પાણીના ભરીને મૂક્યા છે તે તારા બાપનો ઘડહો.” તેમ આ દુનિયામાં એક કોર ચોરીને એક કોર ઘડહો હોય, એમ બન્ને સાથે જ ચાલે છે. કેમ કે કુટુંબમાં સંપ હોય તો ચોરી અને કુસંપ હોય તો ઘડહો. ॥૧૧૫૯॥

એક ગામમાં સાધુ ફરવા ગયા હતા. પછી તે ગામનો પટેલ હશે તે હરિભક્ત હતો. તેણે પોતાના છોકરાને સાધુ પાસે બેસાર્યા. પછી તે ગામનો મોટો પટેલ હશે તેણે ઠપકો આપ્યો જે, “અત્યારે વાવણી વખત છે અને દાડીયા કરીને વાવેતર કરાવે છે અને સાધુ પાસે છોકરા બેસારે છે. માટે તું આવો કેવો?” હરિભક્તે કહ્યું કે, “પટેલ! જો છોકરા સાધુ પાસે બેસે તો તેમની જ્ઞાનવાર્તાથી સુધરે અને ચોરી છીનાળી ન કરે.” પછી મોલ મોટા થયા અને પટેલનો દીકરો કોઈ બાઈ માણસ સાથે ધર્મભ્રષ્ટ થયો. તેની રાજાને ખબર પડી એટલે તેનો પાંચસો રૂપિયા દંડ કર્યો. પછી શિયાળાની રાત્રી હતી તેવા વખતમાં બન્ને જણાં તાપતા હતા ત્યારે હરિભક્તે કહ્યું જે, “પટેલ! પાંચ મણ દાણા વધારે કે પાંચસો રૂપિયા વધારે? કેમ કે મારા છોકરા જો સાધુ પાસે બેઠા તો ચોરી છીનાળી કરવા શીખ્યા નહીં અને તમારા છોકરાએ ઘા માર્યો તેથી પાંચસો રૂપિયા દંડ ભરવો પડ્યો.” પછી પટેલ કાંઈ બોલ્યો નહીં. માટે સંતના સમાગમથી જીવને જ્ઞાન આવે છે. ॥૧૧૬૦॥

બે જણા એક ગામમાં રહેતા હતા. તેમાં એક હરિભક્ત હતો અને એક કુસંગી હતો. તે બેયની ઘરવાળીયું મરી ગઈ. પછી હરિભક્ત તો મનમાં સમજી રહ્યો જે, “કાં તો હું પહેલો જાત ને કાં તો તે પહેલી જાત. પણ કાંઈ બન્ને સાથે જાત નહીં. માટે પ્રભુએ જે કર્યું હશે તે ઠીક જ કર્યું હશે.” એમ સમજીને બેસી રહ્યો. અને કુસંગીએ તો રોઈ રોઈને અને કુટી કુટીને છાતી પકવી દીધી. પછી એક દિવસ ધુમાડીયે બન્ને જણા તાપતા હતા. ત્યારે કુસંગીએ સત્સંગીને ઠપકો આપ્યો જે, “ભલા માણસ! માણસ જેવું માણસ મરી ગયું અને ઘરે તાળું દેવાણું અને તું કાંઈ રોયો નહીં, કકળ્યો નહીં તે તારી આવી કઠણ છાતી કેવી?” ત્યારે સત્સંગી બોલ્યો જે, “જો, ભાઈ! તું રોયો કકળ્યો ને ખાધું નહીં અને છાતી કુટી તે તારે ઘરે જો પાણી ભરતી હોય તો લેને હું દાડીયા કરીને કુટાવું!” પછી કુસંગી બોલ્યા વિના બેસી રહ્યો. ॥૧૧૬૧॥

વાગડ ગામમાં ભીખોભાઈ કરીને એક શેઠ હતા તે સદ્‌ગૃહસ્થ હતા. અને જ્યારે જમવા બેઠા ત્યારે દીકરાની વહુએ થાળી પીરશી. તે રસોઈને બે-ત્રણ કલાક વીતી ગયેલી એટલે ઠંડી થઈ ગયેલી. પછી શેઠે કહ્યું જે, “વહુ ભા! હું વૃદ્ધ છું અને મારે દાંત નથી માટે ઉનું ઉનું રાખો તો ઠીક.” વહુએ જવાબ આપ્યો જે, “ઉનું ઉનું ખાવું હોય તો બીજી કરોને!” તે સાભળીને શેઠને ચટકી લાગી એટલે વીશ હજાર રૂપિયા મહુવામાં મોકલીને પોતાનો સંબંધ કરાવ્યો તે વાતની અદ્‌ભુતાનંદ સ્વામીને ખબર પડી જે, “તમારો શિષ્ય કુવે પડવા ચાલ્યો.” એકદમ વડતાલથી વાગડ આવ્યા. પછી સ્વામીએ શેઠને બહુ બહુ સમજાવ્યા ત્યારે તેમણે કહ્યું જે, “વીશ હજાર રૂપિયા મહુવામાં મોકલ્યા છે અને ત્યાં મારો સંબંધ કર્યો છે.” સ્વામીએ વાતચીત કરીને તેને પરણાવવાનો સંકલ્પ અળસાવ્યો અને તેને બે નોકર રાખી આપ્યા. એક બ્રાહ્મણ રસોયો રાખ્યો. તે શેઠ જ્યારે જમવા બેસે ત્યારે ઉનાં ઉનાં દાળ ભાત રોટલી કરી આપવી તથા તેને જે ખાધાનો સંકલ્પ થાય તે તેને તુરત કરી આપે એવો ઠરાવ કર્યો. અને બીજો માણસ હતો તે નવરાવે ધોવરાવે અને ચાકરી કરે પણ વીશ હજાર રૂપિયા મોકલ્યા તે શી રીતે આવે? પછી તેને માટે ગઢડાના કોઠારી ભીમજીભાઈની સાધના કરી એટલે તેમણે મહુવાના હરિભક્તો દ્વારા રૂપિયા પાછા લેવાનું કર્યું પણ કન્યાના બાપે રૂપિયા ચૌદ હજાર પાછા આપ્યા અને છ હજાર રૂપિયા તો વાગદાનમાં રાખ્યા. પછી તે ચૌદ હજાર રૂપિયા ધર્માદામાં વાપર્યા ને ગઢડા, જુનાગઢ, ધોલેરા, વડતાલ – એ ચારે મંદિરમાં ચાંદીના કમાડ કરાવ્યાં. માટે સંસારમાં કોઈ માણસ શબ્દ કહે તે વિચારતા શીખવું. સાખી:

‘શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યાં રાજ,

જેણે શબ્દ વિચારીયાં, તેનાં સરીયાં કાજ.’

માટે શબ્દવેધી થાતાં શીખવું. ॥૧૧૬૨॥

એક ડોશી હતી તે કથા સાંભળવા ગઈ. તે કથામાં એમ આવ્યું જે, “જોગીનું પતર પૂરે તો દેવનાં વિમાન આવે.” પછી ડોશી કથા સાંભળીને ઘરે આવીને જોગીની વાટ જોવા લાગી. તેવામાં એક મુંડો જોગી થયો હતો. તે તેને ઘરે આવીને ઉભો રહ્યો ત્યારે ડોશીયે કહ્યું જે, “જોગીરાજ! આવો આવો.” એમ કહીને જોગીને પોતાને ઘરે તેડી જઈને જોગીને ત્રણ દિવસનો ખાટો બોળો હશે, તેનું પતર ભરી દીધું. અને તેને જોગીયે ચાખ્યો ત્યાં તો તાળવે સડાકો આવ્યો. ડોશીએ ફળીમાં ઉભી રહીને ઉંચું જોયું એટલે જોગી બોલ્યો જે, “ડોશી! શું જુઓ છો?” ત્યારે ડોશી કહે, “આજ કથામાં આવ્યું તે જોગીનું પતર પુરે તો વિમાન આવે!” ત્યારે જોગી બોલ્યો જે, “તારું પુન્ય જોતાં અને મારો જોગ જોતાં તો ઉપર્યથી પથરા પડશે તો તારૂં માથું ફૂટી જાશે. તેં મને ત્રણ દિવસનો ખાટો બોળો આપ્યો અને હું છું જાતનો મુંડો, માટે ઝટ ઘરમાં પેસી જા, નીકર પથરા પડશે તો માથું ફુટી જાશે!” માટે કેટલાકને દાન લેનાર પાત્ર આવાં મળે છે. “જેવો તારો બોળો એવો મારો રોળો.” ॥૧૧૬૩॥

સાખી:

ઉગે ત્યાં બોવે નહીં, બોલે ત્યાં જળ જાય।

તુલસી વાકા પતિતકા, માલ મસ્કરા ખાય॥

તે ઉપર એક વાત છે જે - એક ગામમાં વેશ્યા હશે. તે મુંબઈ જેવા શહેરમાં ગઈ હતી. ત્યાં પાંચ-દસ વરસ રહી, પાંચ-પચીસ હજાર રૂપિયા કમાઈને ઘરે આવી. પછી ઘરે આવીને વિચાર કર્યો જે, “મારે આ પૈસાનો શું ઉપયોગ કરવો?” પછી ભડવાને બોલાવીને પૂછ્યું જે, “મારે દાન પુણ્ય કરવું છે તે શી રીતે કરવું?” ભડવાએ કહ્યું જે, “નાત્ય ત્યાં ગત્ય માટે નાત્મ મેળો કરો.” વેશ્યાઓ અને ભડવાઓને તેડાવ્યા અને નાત્ય મેળો કર્યો. તેવામાં તે ગામને પાદર દત્તાત્રેય સ્વામી નીકળ્યા અને ગામને પાદર વૃક્ષ હશે તે નીચે ઉભા રહીને પૂછ્યું જે, “આ નાનું એવું ગામ છે અને માણસ માતા નથી.” પછી કોઈક કહે જે, “મહારાજ! અહીંયાં તો એક વેશ્યાએ નાત્ય મેળો કર્યો છે. તે વેશ્યાનું અને વેશ્યાઓના ભડવાઓને તેડાવ્યા છે ને ભેગા કર્યા છે.” ને સાંજનો વખત હતો તેથી દત્તાત્રેય સ્વામીના મનમાં એમ થયું જે, “લેને, હું પણ રોંઢો કરતો જાઉં.” પછી જ્યાં તેનું રસોડું હતું ત્યાં ગયા અને જે ઠેકાણે દાળ ભાત ધોઈને પાણી જવાનો એક ખાડો કર્યો હતો ત્યાં જઈને ઉભા રહ્યા અને આસપાસ જોયું એટલે એક નાનો પથરો નજરે પડ્યો. પછી તે પથરો લાવીને તે હોજને કાંઠે ગોઠવ્યો અને પોતાની અળફી ઉતારીને તે કાદવમાં બોળી અને પથરા ઉપર નાંખીને ઝીકું નાંખવા લાગ્યા. તે વખતે વેશ્યા પોતાની હવેલીના ગોખમાં બેઠી હતી ત્યાંથી વેશ્યાએ બૂમ મારી જે, “એ... બાવલીયા... ગારે ગારો ધોમાં! ઉજળું નહીં થાય!” એમ ચાર-પાંચ વાર કહ્યું પણ ગુરુ દત્તાત્રેયે સામું જોયું નહીં. પછી બાઈ હેઠે આવીને કહેવા લાગી જે, “બાવલીયા! પાણી ભેળો થા પાણી ભેળો. ગારે ગારો નહીં ધોવાય, તેથી ઉજળું નહીં થાય!” દત્તાત્રેય સ્વામી કહે જે, “ત્યારે તેં ક્યાં સત્પુરુષને ભેગા કર્યા છે? તે જો તારું ઉજળું થાશે તો મારું ઉજળું થાશે. તે ઢીંચણ સામી ધરો કરીને મહી ગધાડા મળ્યા છે!” તે સાંભળીને વેશ્યાના મનમાં એમ થયું જે, “આ કોઈ મહાત્મા પુરૂષ છે.” પછી બોલાવેલ વેશ્યાઓ તથા ભડવાને કાઢી મેલ્યા અને ગુરૂ દત્તાત્રેયના ઉપદેશથી તેને વૈરાગ્ય થયો. માટે સત્પુરૂષ મળે તો જ વૈરાગ્ય થાય. ॥૧૧૬૪॥

કેટલાક ભાંડ હતા. તે સાધુ થયા હતા પછી તે કોઈક મોટું શહેર હશે ત્યાં ગયા ને વેશ્યાને રહેવાનો વાસ હશે ત્યાં તે વેશ્યાએ જાણ્યું જે, “આ કોઈ મોટા સાધુ છે તેને આપણે જમાડીએ તો આપણને પુણ્ય થાય.” એમ જાણીને આઠ-નવ દિવસ રાખીને કેળાં, ઘી, ખાંડ વગેરેથી ખૂબ જમાડ્યા અને હમેશાં તેઓ નર્મદાજી નદીમાં નહાઈ આવે. પછી તે ભાંડ જ્યારે ચાલ્યા, ત્યારે વેશ્યાઓ બોલી જે, “મહારાજ! અમારું કલ્યાણ કરજો.” સાખી:

‘નવ દહાડા નરમદામાં નહાયા, ખાધી કેલા ને ખાંડ,

તમે જાતની વેશ્યાઓ, અને અમે જાતના ભાંડ.

માટે સાધુમાં તો કેટલાક તો આવા ભાંડ જેવા થાય છે. ॥૧૧૬૫॥

એક ગામમાં ગરાસીયા રહેતા હતા. તે ગામ ભાંગવાને બસો માણસે આવીને સીમાડે પડાવ નાંખ્યો. પછી ત્યાંથી બે સ્વાર આવ્યા અને સૌ ગરાસીયાઓને ભેળા કર્યા જે, “અમને દશ હજાર રૂપિયા આપો અને જો નહીં આપો તો અમે તમારું ગામ ભાંગીશું.” તે સાંભળી સૌ ગરાસીયા ભેળા થઈને પંચાત કરી જે, “અમારે ને તમારે સારા સારી રહે તેમ કરો.” પછી પંચાત કરતા કરતા પાંચ હજાર રૂપિયા આપવા અને ગામ ન ભાંગવું એવો ઠરાવ કર્યો. પછી એક ગરાસીયાનો દીકરો તે પંચાતમાં હતો અને તે મોડેથી ઘરે આવ્યો એટલે તેના બાપે પૂછ્યું જે, “બાપ! અગરસિંહ! આજ મોડો કેમ આવ્યો?” ત્યારે તેણે કહ્યું જે, “બાપુ! આપણા ગામ ઉપર ધાડ્ય આવી છે. તે દશ હજાર રૂપિયા માંગે છે.” ત્યારે તેણે કહ્યું જે, “પછી શું કર્યું પછી?” છોકરો કહે કે, “પાંચ હજાર રૂપિયાનું આપવાનું નકકી કર્યું છે અને ગામ ન ભાંગવું અને ત્યાંથી બે સવાર આવ્યા છે.” મેઘરાજજી કહે, “સવાર છે કે ગયા?” ત્યારે છોકરે કહ્યું જે, “બાપુ તેમને કસુંબો પાવા રોક્યા છે અને તે રોટલા ખાઈને જશે.” અને તે વખતે મેઘરાજજી દરબારને તાવ આવતો હતો અને તે બોલ્યા જે, “અલ્યા! હું બેઠા પાલ્ય ભરવી છે? હું શું મરી ગયો છું?” એમ કહીને એકદમ માથે ફેંટો બાંધીને ચોરે ગયો અને જઈને પૂછ્યું જે, “કોણ આવ્યું છે?” ત્યારે ગામના અશક્ત ગરાસીયા બોલ્યા જે, “બાપુ! આ બેઠા એ બે જણા આવ્યા છે.” મેઘરાજજીની અવસ્થા વૃદ્ધ હતી. તેથી આંખ્યો આડા હાથ રાખીને તેમને જોયા અને કહ્યું જે, “હા.” એ જ્યાં હા કહી તે ભેળો તે બન્ને જણાના મોઢા ઉપર એક એક તમાચો માર્યો. એટલે તે બન્નેના મોઢા સુજી આવ્યા અને કહ્યું જે, “રાંડ્યનો આવજો. હું ત્યાં સીમાડે આવીને બેઠો છું!” ઓલ્યા બે જણા તો કસુંબો પીવા પણ રહ્યા નહીં અને સવાર થઈને ચાલતા થયા. પછી ત્યાં જઈને વાત કરી જે, “બધે તો હા પાડી પણ મેઘરાજજી કરીને એક વૃદ્ધ છે તેમણે અમોને એક એક તમાચો માર્યો. તે જુઓ અમારાં મોઢાં સુજી ગયા છે.” તે સાંભળીને સૌ બોલ્યા જે, “આપણને આ ગામમાં નહીં ફાવે.” મેઘરાજજી પણ ઘરે જઈ બખતર પહેરી ઢાલ તરવાર અને બરછી લઈને સામો ચાલ્યો અને તેની સ્ત્રી હતી તે પણ કેડે સાડલો બાંધીને હાથમાં સાંબેલું લીધું અને ગામ વચ્ચે બન્ને જણા નીકળ્યાં. ત્યારે ચોરે બેઠેલા ગરાસીયા સૌ બોલ્યા જે, “રૂપાળીબા! તમે ઓઝલનાં માણસ તમે આ શું કર્યું?” બાઈ કહે, “પુરુષ તો આ એક જ છે અને તમે તો બધાય રંડવા અને ભડવા છો, માટે લાજ કેની કાઢું? અને ખરો પુરુષ તો આ એક જ સીમાડે મરવા ચાલ્યો.” પછી ધાડવાળા સૌ ગામ તરીને બીજે ત્રીજે ગામ ચાલ્યા ગયા. માટે શૂરવીરપણું રાખે તે પુરુષ કહેવાય માટે સૌને ઇંન્દ્રિયો-અંતઃકરણ વશ કરવા ઉપર શૂરવીરપણું રાખવું. ॥૧૧૬૬॥

એક ગામમાં એક ગરાસીયો હતો તેને બે છોકરાં હતાં. તેમાં નાના છોરાને તેની મા ઘોડીયામાં સુવારીને નહાવા ગઈ હતી. છોકરો ભૂખ્યો થવાથી રોવા લાગ્યો. પછી તેની દાસી કોળણ હતી. તેણે લઈને ધવરાવ્યો એટલામાં તે ગરાસણી નહાઈને આવી. ત્યારે દાસીએ કહ્યું જે, “બા! તમે નહાવા ગયાં હતાં અને કુંવર રોવા મંડ્યા હતા. તે મેં ધવરાવ્યા છે.” ગરાસણી કહે, “મર, રાંડ! તેં કાં ધવરાવ્યો?” પછી બાઈએ તે છોકરાના બે ટાંગા ઝાલીને ઉંધે માથે કરીને ખૂબ હિંચોળી તેને વમન કરાવી નાંખ્યું. પછી જ્યારે તે કુંવર મોટા થયા અને તેના ગામ ઉપર ધાડ્ય આવી ત્યારે તેના બાપે કહ્યું જે, “બાપ! ગામ ઉપર ધાડ્ય આવી છે. તે ચાલો લડવાને માટે અને ધાડ્ય પાછી હઠાવી મેલીયે.” પછી છોકરાને લઈને તેનો બાપ સામો લડવા ગયો. પછી મોટા છોકરાને આજ્ઞા કરી એટલે તે પ્રથમ લડવા ગયો. તે લડતાં લડતાં ધાડ્યને પાછી હઠાવીને પોતે પણ મૃત્યુ પામ્યો. પછી તેનું ધડ લડ્યું. તે એક ગાઉ સુધી ધડને પાછી હઠાવીને પછી તરવારને વાડે કરીને પોતે પછી પૃથ્વી ઉપર સુતો. ત્યારે તેનો બાપ બોલ્યો જે, “ખરો ખરો દારીનો.” પછી નાના છોકરાને કહ્યું જે, “હવે, તારો વારો.” નાનો પણ લડતાં લડતાં કેટલાકનો પરાજય કરીને અને કેટલાકને મરણને શરણ કરીને મોકલ્યા. અને પોતે પણ છેલ્લી બાકી મરાણો અને તેનું ધડ ઘડીક વાર ઝુંઝયું અને પછી જ્યાં તરવાર વાડે કરવા જાય ત્યાં તો અરધી મ્યાનમાં અને અરધી બહાર રહી ને પોતે ધબ લઈને ભોંયે પડ્યો તે જોઈ ગરાસીયો બોલ્યો જે, “ઓય દારીનો અથરો થયો અથરો. મોટો છોકરો મારા પેટનો અને નાનો છોકરો મારા પેટનો નહીં.” એમ જાણીને ઘરે આવીને હાથમાં તરવાર લઈને બાયડીને મારવા દોડ્યો અને બોલ્યો જે, “મોટો છોકરો તો મારા પેટનો હતો અને નાનો છોકરો તો મારાં પેટનો નહીં. માટે તારામાં કાંઈ બગાડ થયો છે?” તે સાંભળીને ગરાસણી બોલી જે, “એક વખત કુંવર જ્યારે નાનો હતો ત્યારે હું નહાવા ગઈ હતી. તે રોતો હશે તે કોળણ દાસીએ ધવરાવેલો હશે. તેની મને જ્યારે ખબર પડી, ત્યારે મેં તેને ઉંધે માથે કરીને હિંચોળીને તેના પેટમાંથી ધાવણનો ફોદ ફોદો કાઢી નાંખ્યો હતો. પણ કોઈક ફોદો રહી ગયો હશે તે અત્યારે નડ્યો. માટે કુસંગરૂપી ફોદો જેમાં રહી જાય, તેને અંતઃકાળે નડે છે. ॥૧૧૬૭॥

એક ગામમાં એક મોટો શેઠ હશે તે યાત્રા કરવાને માટે પોતાના નોકર ચાકરને તથા પોતાના કુટુંબના કેટલાક માણસોને સાથે લઈને ગયો હતો અને આગળ ચાલતાં અરણ્યમાં એક મોટું જળાશય આવ્યું ત્યાં પોતે મુકામ નાંખ્યો. અને પોતાની સાથે જેટલાં માણસ હતાં તેને સૌને જુદી જુદી ક્રિયા કરવાને બતાવી. ને તે વડમાં એક મોટો ભૂત રહેતો હતો અને તે ભૂતની પાસે ઘણુંક દ્રવ્ય હતું. ભૂત પણ બેઠો બેઠો જુએ છે. જેવી જેને શેઠે આજ્ઞા કરી તેવી જ સૌ આજ્ઞા માથે ચડાવીને સોંપેલું કામ તુરત કરવાને માટે ચાલી નીકળ્યા. ભૂતના મનમાં એમ થયું જે, “વોય માળાનો સંપ...” પછી સૌ જમી કારવીને સુઈ ગયાં અને એક ઢોલીયા ઉપર શેઠ સુતા હતા અને સૌ ઉંઘી ગયા હતા. ને શેઠ સુતા સુતા જાગે છે તેવામાં તે ભૂત આવીને તેની છાતી ઉપર ચડી બેઠો. ત્યારે શેઠ હસ્યો, ત્યારે ભૂત બોલ્યો જે, “કેમ હસ્યો?” શેઠ બોલ્યો જે, “અમે છીયે સંપીલા. તે તને મારીને તારું દ્રવ્ય લઈ જશું.” પછી ભૂત કહે, “ભલા થઈને મને મારશો નહીં. અને લ્યો આ મારું દ્રવ્ય છે તે તમને આપું પણ મને મારશો નહીં.” પછી તે દ્રવ્યને લઈને પોતે તેનાં ગાડા ભરી આપ્યાં. તે લઈને શેઠ ઘરે આવ્યા. પછી સામો કોઈ બીજો શેઠ રહેતો હશે તેની સ્ત્રીને આ શેઠની સ્ત્રીએ આ બધી ઉપરની હકીકતની વાત કરી. ॥૧૧૬૮॥

પછી તે શેઠાણીએ પોતાના પતિને આ બધી વાત કરી જે, આ પ્રમાણે કરીને શેઠ દ્રવ્ય લઈ આવ્યો છે. પછી આ શેઠે પણ દશ-વીશ માણસોને લઈને તે જગ્યાએ પડાવ નાંખ્યો અને સૌને બોલાવીને આજ્ઞા કરી જે, “અમુક અમુક કામ કરી આવો.” છોકરાઓએ તથા નોકરોએ જવાબ આપ્યો જે, “અમારે તમારી શી ગરજ છે? તમારી મેળે થાય તેટલું કરો. તમે અમારું શું રાખો છો ને અમારે તમારી શી ગરજ છે!” પેલો ભૂત બેઠો બેઠો બધી હકીકત જુએ છે. પછી જે તે પ્રકારે રસોઈ કરાવી અને સૌ ક્લેશ કરતાં કરતાં જમી રહ્યાં. પછી પેલા શેઠની પેઠે આ શેઠ પણ વડની નીચે પલંગ ઉપર સુતો. પછી ભૂત આવીને તેની છાતી ઉપર ચડી બેઠો. ત્યારે શેઠ બોલ્યો જે, “અમે છીએ સંપીલા તે તને મારીને તમારું દ્રવ્ય લઈ જાશું.” તે સાંભળી ભૂતે ઢીંચણ ભર થઈને શેઠના બે ગાલ ઉપર બે તમાચા માર્યા અને કહ્યું જે, “ભાળ્યો તારો સંપ!” પછી શેઠનું મોઢું પણ સુજી ગયુ અને સૌ વીલે મોઢે પાછા ઘરે આવ્યા. માટે માંહે કાંઈ હોય નહીં અને કોઈકનો વાદ લે તો આ શેઠની પેઠે તમાચા ખાવા પડે. સાખી:

‘આનંદ કે પરમાનંદને, સંપત ભલી કે સંપ

તડ દેખી પથરમાં, જડ ઘાલી દે લંપ.’

માટે પથર એવો કઠણ છે પણ તેમાં જરા તરડ પડી હોય તો તેમાં લાંપડું જડ ઘાલે છે. સાખી:

‘કરવત કુહાડા ને કુટીલ નર, અણબી ચડે બીચડા કાક

સુયા સુહાગા ને સુગર નર, બીચડે ફીર મીલાત્.’ ॥૧૧૬૯॥

એક ગામમાં રાજાનો બગીચો હતો. ત્યાં ગુજરાતમાંથી સાઠ્ય વાંદરાનું ટોળુ આવ્યું ને તેણે રાજાના બાગને ધુળધાણી કરી નાંખ્યો. અને તે ગામમાં એક રાજાની દાસી અને રાજાનો ઘેટો તે બન્નેને કુસંપ હતો. તે જ્યારે દાસી ત્યાં નીસરે ત્યારે ઘેટાના માથામાં ટોપલો મારતી જાય કાં તો લાકડીનો ડંડીકો મારતી જાય એવી તે સહેજે ટેવ પડી ગઈ હતી. ઘેટો પણ દાસીને કોઈ વખત ખબર ન હોય ત્યારે ઓચિંતાનો આવીને તેને માથું મારીને પાડી નાંખતો. એમ બન્નેને પરસ્પર વૈર હતું. પછી વાંદરાઓએ કહ્યું જે, “તપાસ કરો જે આ ગામમાં કોઈને કુસંપ ન હોય તો આ ગામમાં રહીયે.” પછી તપાસ કરતાં કરતાં દાસી અને ઘેટાને કુસંપ જણાણો. પછી વાંદરાએ જઈને વાત કરી જે, “આખા ગામમાં સંપ છે પણ એક દાસીને અને એક રાજાના ઘેટાનો કુસંપ છે.” ત્યારે વૃદ્ધ વાંદરાએ કહ્યું જે, “આપણે અહીંયાં રહેવું નથી.” ત્યારે જુવાનીયા બોલ્યા જે, “તમારે જાવું હોય તો જાઓ અમારે તો આ સુંદર બગીચો અને જળાશય છે તે મેલવાં નથી.” તેથી વૃદ્ધ વાંદરા તો બીજે ગામ ચાલ્યા ગયાં અને જુવાનીયા બધાય ત્યાં જ રહ્યા. પછી એક દિવસ રાજાની ઘોડશાળ પાસે દસ-બાર ગાડા ખડના આવીને છુટ્યાં હતાં. ત્યાં દાસી છાણનો ટોપલો લઈને નાંખવા ગઈ એટલે ગાડાવાળા બોલ્યા જે, “બાઈ! અમારે હોકા ભરવા છે તે દેવતા લાવી આપ્યા તો એક એક પૈસો આપીયે.” પછી બાઈ કહે, “બહુ સારૂં. હું દેવતા લઈ આવું.” તે વખતે કોઈક લુવારે ગાડાનાં પાટા ચડાવ્યા હશે. તેમાંથી એક મોટી સગડી દેવતાની ભરીને માથે લઈને દોડી જતી હશે અને ઘેટો પણ એક કોર ઊભો હતો તે દોડીને બાઈને માથું માર્યું એટલે બાઈ પડી ગઈ અને દેવતા ચારે કોર ઉડ્યો. તે ખડનાં ગાડાં સળગ્યાં અને પાસે દરબારની ઘોડશાળ સળગી અને કેટલાંક ઘોડાં દાઝી ગયાં અને કેટલાક મરી ગયાં અને કેટલાક નીસર્યાં. અને પછી રાજાએ ડોક્ટરને બોલાવીને કહ્યું જે, “આ દાઝેલા ઘોડાં જલદી સાજાં થાય તેમ કરો.” પછી ડોક્ટરે કહ્યું જે, “એનો ઈલમ તો ગુજરાતમાં મળે અહીંયાં ન મળે!” રાજા કહે, “શું જોઈએ?” ડોક્ટર કહે, “વાંદરાનો મલમ જોઈએ. મલમ ચોપડીયે તો રોઠાં વળી જાય.” તે સાંભળીને કેટલાક બોલી ઊઠ્યા જે, “આપણી વાડીમાં એક મહીના થયા કેટલાક વાંદરા આવ્યાં છે. તેમણે વાડી બધી ભાંગી નાંખી છે.” પછી રાજાએ હુકમ કર્યો જે, “જાઓ એ બધાંય વાંદરાને બંદુકે મારીને અહીં લાવો.” પછી રાજાના માણસો જઈને તમામ વાંદરાને મારી નાંખ્યા અને તેનો મલમ કરાવ્યો ને ઘોડાને ચોપડ્યો. માટે જો કુસંપ હતો અને ત્યાં રહ્યા તો તેનો મલમ થયો. માટે કુસંપે કરીને ગોળાના પાણી સુકાય. ॥૧૧૭૦॥

એક રાજા હતો તેને એક મૂરખજી કરીને ભાઈબંધ હતો. તે જ્યારે રાજા પાસે આવે ત્યારે રાજા કહે, “આવો, મૂરખજી!” એમ કરતાં કરતાં રાજાને કોઈકે સોનાની સોટી ભેટ કરી હતી. તે સોટી લઈને જ્યારે રાજાએ મૂરખજીને આપી ત્યારે મૂરખજી કહે કે, “સાહેબ! આને શું કરું?” રાજા કહે, “તારા જેવો મૂરખ હોય તેને આપજે.” પછી રાજા માંદો થયો અને સૌ જોવા ગયા. પણ મૂરખજી જોવા ગયો નહીં. પછી સૌએ કહ્યું જે, “દરબારસાહેબ! માંદા છે તે તમે જોવા કેમ ગયા નહીં?” પછી મૂરખજીએ કહ્યું જે, “જવાય છે.” પછી જ્યારે રાજાને આખર વખત થઈ ત્યારે રાજાને મૂરખજી જોવા ગયા ત્યારે રાજા બોલ્યા જે, “મૂરખજી! અમે તો ચાલ્યા.” ત્યારે મૂરખજી કહે, “ક્યાં?” ત્યારે રાજા કહે, “તે તો કાંઈ ખબર નથી.” ત્યારે મૂરખજી કહે, “તમે રાજ્યમાં જ્યારે ફરવા નીસરતા ત્યારે અગાઉથી ખબર આપતા જે, આ ગામે ફલાણે દિવસે જવું છે અને ત્યાં આટલા દિવસ મુકામ કરવાનો છે એમ દરેક ગામે અગાઉથી ખબર આપતા માટે આનો કાંઈક ઠરાવ કર્યો હશેના?” એમ કહીને કહ્યું જે, “આ લ્યો, સોટી લેતા જાઓ.” ત્યારે રાજા બોલ્યો જે, “આ મારું દેહ પડ્યું રહેશે તો સોટી શી રીતે લઈ જાઉં?” ત્યારે મૂરખ કહે, “તમે કહ્યું હતું જે તારા જેવો મૂરખ હોય તેને જ સોટી આપજે. માટે મારા જેવો મૂરખ તો તું જ છો! ને આટલું રાજ્ય મળ્યું અને કોઈ પુણ્યદાન કરી શક્યો નહીં. માટે તારા જેવો કોઈ મૂરખ નહીં.” પછી રાજાને ઘણો પશ્ચાત્તાપ થયો પણ શું કરે? હાથમાં કાંઈ રહ્યું નહીં માટે હાથે એ સાથે. ॥૧૧૭૧॥

એક રાજા હતો. તે જ્યારે મરવા સુતો ત્યારે પોતાના અમલદારને બોલાવીને કહ્યું જે, “મને જ્યારે કાઢો ત્યારે મારા હાથ ટટળતા મેલજો. તેનું કારણ જે, ‘હું ખાલી હાથે આવ્યો છું અને ખાલી હાથે જાઉં છું અને આવ્યો ત્યારે પાંચ શેર માંસનો લોચો લઈને આવ્યો હતો.’” એમ સૌને સૂચના આપી. માટે સૌને વિચારવાનું છે જે સત્પાત્રને દાન પુણ્ય કર્યું હશે તો સાથે આવશે. નહીંતર પછી પરલોકમાં હાથ ઘસી પસ્તાવું પડશે, માટે ડાહ્યા માણસોએ પરલોકનું ભાતું અવશ્ય કરવું. ॥૧૧૭૨॥

એક વાણિયો હતો. તે બહુ કંજુસ હતો પણ તેના ઘરનું મનુષ્ય બહુ વિવેકી હતું. તેથી પોતાના આંગણે જે કોઈ મે’માન આવે તેને ઘટીત સત્કાર કરીને ખાધા પીધા વિના જવા દે નહીં. કેમ કે બાઈ જાણતી હતી જે, આપણે જ્યાંરે પરગામ જાશું ત્યારે ભાતું જોશે. એમ જાણીને તે પરદેશી આવે તેને વાણિયાથી છાની રીતે પણ બરદાશ રાખતી. પછી એક દિવસ વાણિયાને ગામ જવું પડ્યું તેથી તેણે ઘરવાળીને કહ્યું જે, “મને ભાતું કરી આપ.” બાઈ કહે કે, “ભાતું તો આગળ મોકલ્યું છે માટે જાઓ.” પછી વાણિયો ગામ ગયો એટલે જ્યાં જાય ત્યાં તો સૌ આદરસત્કાર કરે. માટે સૌએ આગલા ભાતાની ટેવણી રાખવી. ॥૧૧૭૩॥

એક વાણીયો હતો તે બહુ જ કંજુસ હતો. તે ગામતરે જવાને નીકળ્યો અને બે-ત્રણ ગાઉ ગયો એટલે પોતાને વિચાર થયો જે, “ઘરવાળી ક્યાંક દીવો આંગળીયે સંકોરશે તો દીવેલ આંગળીયે ચોંટશે, માટે લેને કહી આવું જે, દીવો સંકોરય તો સળીયે કરીને સંકોરજે.” પછી જ્યારે પાછો વળ્યો ત્યાં જ પોતાના જોડા પોતાની બગલમાં મારી લીધા અને પછી ઘરે આવ્યો. અને ઘરવાળીએ કહ્યું જે, “કેમ પાછા આવ્યા?” વાણિયો કહે કે, “તને કહેવા આવ્યો છું જે, દીવો સંકોરાય તો સળીયે સંકોરજે.” બાઈ કહે, “તમે પાછા આવ્યા તે તમારા જોડા ઘસાણા હશે ના?” વાણિયો કહે, “એ તો હું બગલમાં મારીને આવ્યો છું!” માટે કેટલાક માણસો આવા લોભી હોય છે. ॥૧૧૭૪॥

એક વાણિયાના ઘરમાં હમેંશા ચોર આવતો. તેથી વાણિયાએ જાણ્યું જે, “યુક્તિ કરીને આને પકડવો.” પછી કોઈ વાદી ગામમાં આવ્યો હશે. તેની પાસેથી એક ઠાકરીયો વીંછી લીધો અને તેને એક ડાબલીમાં પૂર્યો અને પોતાની સ્ત્રી સાથે સંકેત કરીને મેલ્યો જે, “હું પુછું ત્યારે આ પ્રમાણે તારે બોલવું.” પછી તે વીંછીને ગોળા ઢાંકણામાં મેલ્યો ને જ્યારે ચોર આવ્યો ત્યારે વાણિયો બોલ્યો જે, “સાંભળે છે કે?” શેઠાણી કહે, “શું છે? પડ્યા રહોને! તમને તો અત્યારે પણ સુખ નથી.” વાણિયો કે, “ઓલ્યો બસો રૂપિયાનો સોનાનો વેઢ ક્યાં મૂક્યો છે?” શેઠાણી કહે, “ગોળા ઢાંકણામાં ડબલો મેલ્યો છે.” શેઠ કહે, “મર્ય, રાંડ! ત્યાં મેલાય?” ચોર પણ ઊભો ઊભો સાંભળ્યા કરતો હતો. ચોરે વિચાર્યું જે, “બીજે હવે ક્યાંઈ ભટકવું નહીં, એ ડાબલો જ લઈ લેવો.” પછી ધીમે રહીને તે ડાબલો ગોળા ઢાંકણામાંથી બહાર કાઢ્યો. ચોરે વિચાર કર્યો જે, “વેઢ એકલો જ લઈ જાઉં અને ડાબલો અહીં મેલી જાઉં.” પછી જ્યાં ડાબલો ઉઘાડીને હાથ માંહે ઘાલ્યો ત્યાં તો વીછીએ આંકડો માર્યો એટલે ચોરે ચીતકારો કરવા માંડ્યો. ત્યારે વાણિયો બોલ્યો જે, “વેઢ સાંકડો પડ્યો, ભા? સવારે સોની પાસે જઈને પખતો કરાવીશું.” એટલામાં તો ચોરને વીંછીનું ઝેર ચડ્યું એટલે ત્યાં ને ત્યાં મરી ગયો. એમ કેટલાક આવા હોય છે તે વગર હથિયારે આગલાનું મૃત્યુ કરે. ॥૧૧૭૫॥

એક વાણિયો હતો તેના ઘરમાં ચોર પેઠો. વાણિયા બહુ પહોંચેલી જાત હોય છે! પછી વાણિયો બહુ રાજી થયો અને નાચવા માંડ્યો અને પટારો ઉઘાડીને શેઠ તથા શેઠાણીએ ભારે ભારે લુગડાં પહેરાવ્યા અને ચોર પણ પોતાના મનમાં બહુ રાજી થયો જે, “આ ઠીક થયું.” પછી સવારમાં પોતાની સાથે લઈ જઈને પોતાની દુકાને ગાદી તકીયા ઉપર બેસાર્યો અને શેઠે જઈને કોરટમાં ફરીયાદ કરી જે, “મારે ઘર ફાડીને દીકરો આવ્યો છે. મેં ચોરને પકડ્યો છે.” તેથી ફોજદારે તુરત આવીને પાંચ મોડીયે બાંધીને તુરત કોરટમાં લઈ ગયો. ન્યાયાધીશે કહ્યું જે, “શેઠ! આનો શું દંડ કરવો?” શેઠ કહે, “એનો બીજો દંડ કાંઈ નહીં સાહેબ, એને આંગળી વઢ કરો.” પછી તે પ્રમાણે તેને ફાંસીયે દેવા માટે લઈ ગયા ત્યારે ચોર બોલવા મંડ્યો જે, “બાપા ............ સં. સં.” ત્યારે શેઠ બોલ્યો, “.....સાં..... કરકે સું કર..... ચડી ઉતર ભા ચડી ઉતર ભા ચડી ઉતર.” એમ કેટલાક વાણિયા આવા પહોંચેલ હોય છે. ॥૧૧૭૬॥

એક વાણિયાના ઘરમાં ચોર પેઠા. પછી વાણિયે તથા વાણિયણે વિચાર કર્યો જે, “આપણે તેને આજ ઝાલવો.” પછી દીવો કરીને એક ડાલું ઉંધું વાળ્યું અને તે ઉપર ગોદડું નાંખ્યું એટલે પ્રકાશ દેખાય નહીં. પછી જ્યારે ચોર આવ્યો ત્યારે તે સ્ત્રી-પુરુષ બન્ને વાતો કરવા લાગ્યા જે, શેઠ કહે, “તને ખબર છે? હું જ્યારે ચોરી કરવા જતો ત્યારે જે લુગડું મેલું તે અંધારું ખાઈ જાય.” ચોર કહે, “માળાં વાણિયાં કેવી વાતો કરે છે? લેને હું મારું લુગડું મેલી જોઉં શું થાય છે? અંધારું ખાઈ જાય છે?” પછી પોતાનું માથું બાંધવાનું લુગડું મેલ્યું. તે વાણિયે ધીરે રહીને તાણી લીધું. પછી અંગરખું ઉતારીને મેલ્યું. તે પણ તાંણી લીધું. પછી પહેર્યાનું હતું તે મેલ્યું એટલે શેઠે ધીમે રહીને તેનાં ત્રણે લૂગડાં લઈ લીધાં. એટલે ચોર નાગો થઈને ઉભો રહ્યો. પછી શેઠાણી બોલ્યાં જે, “તમારાં બધાંય લુગડાં અંધારું ખાઈ ગયું ત્યારે તમે કેવા શોભતા?” પછી શેઠે ડાલું ઉચું કરીને દીવો બતાવ્યો અને શેઠ બોલ્યા જે, “આ ભમરાળો ઉભો તેવા શોભતા.” પછી ચોરને પકડી લીધો અને ફોજદારને સ્વાધીન કર્યો. ॥૧૧૭૭॥

એક ગામમાં કોળીને અને કાઠીને વેર હતું. પછી કોળી વાણિયાની દુકાને બેઠો હતો અને કાઠીએ આવીને કોળીને ઠારય કર્યો. એટલે ફોજદારે આવીને તમામ સાક્ષીઓનાં નામ લખાવ્યાં. વાણિયાને કહે, “તારૂં નામ લખાવ.” વાણિયો કહે, “હું નામ નહીં લખાવું અને કોરટમાં જેમ છે તેમ કહીશ. કેમ કે મારી દુકાને બધી ધાધલ થઈ છે તે હું જાણું છું.” કાઠીયે જાણ્યું જે, “જો વાણિયો સાક્ષી પુરશે તો માર્યા જઈશું.” પછી કાઠીએ રાત્રે આવીને શેઠને કહ્યું જે, “શેઠ! ઉગાર્યે વેરો છે.” શેઠ કહે, “પાંચસો રૂપિયા હોય તો આ ઘડીએ બચી જાઓ!” કાઠી કહે, “રૂપિયા નથી દાગીના છે.” વાણિયો કહે, “દાગીના લાવ્ય.” પછી કાઠી દાગીના લાવ્યો. તે દાગીના પટારામાં મેલીને વાણિયો બોલ્યો જે, “ફીકર રાખશો માં. કોળીનો શો ભાર છે? તમે તમારે સો મણ રુઉની તલાઈમાં સૂઈ રહો.” કાઠી ગયા પછી કોળી મોડેથી આવ્યા ને કહે કે, “શેઠ! જેમ છે તેમ કહેવું પડશે અને તમારી દુકાને મરણ થયું છે.” શેઠ કહે, “જેમ છે તેમ હું કોરટમાં કહીશ જે, કાઠીએ કોળીને મારી નાંખ્યો. પણ જો કાંઈ હોય તો સાક્ષી પૂરું.” કોળી કહે, “બીજું તો કાંઈ નથી પણ હમણાં પાંચ કળશી ઘઉં વાડીના નવા આવ્યા છે.” વાણિયો કહે, “આંહીં ઘઉં નાંખી જાઓ.” પછી તે કોળી પાંચ કળશી ઘઉં રાત્રે વાણિયાની દુકાનમાં નાંખી આવ્યા. પછી શેઠ કહે, “જાવ, સુખેથી મજા કરો.” અને જ્યારે કોરટમાં જુબાની લેવા મંડ્યા ત્યારે જે જે સાક્ષીઓ હતા તે સર્વેએ જાણ્યા પ્રમાણે જુબાની આપી. પછી વાણિયાનું નામ બોલ્યા જે, “રામચંદ્ર શેઠ!” ત્યારે તે બોલ્યો જે, “હાજર...” કહીને ન્યાયાધીશ પાસે જઈને ઉભો રહ્યો. ન્યાયાધીશે પૂછ્યું કે, “શું ધંધો કરો છો?” વાણિયો કહે, “સાહેબ! સટર...પટર...!” ન્યાયાધીશ કહે, “તમારી દુકાને આ શું થયું?” વાણિયો કહે, “મારી દુકાને જે થયું તે જેમ છે તેમ કહીશ!” પછી વાણિયો બોલ્યો જે, “આમથી કાઠી આવ્યા કબકબ્યા અને કોળી આવ્યા ખદખદ્યા અને એક બીજાની જ્યાં ખેંચાણી ત્યાં મારી આંખ્ય વિંચાણી!” એમ કહીને કોરટ વચ્ચે લાંબો થઈને સૂઈ ગયો. પણ એકેના તરફથી સાક્ષી પુરી નહીં. માટે વાણિયા જેવી કોઈ પહોંચેલી જાત નહીં! વાણિયા કેવા હોય છે તો તેની સાખી:

‘શાહા ધીરે સાર્દુળ ધીરે, ધીરે મણઝર કાળા,

પણ એક ન ધીરે, વણીક પુત્ર બાવા.’ ॥૧૧૭૮॥

એક વાણિયો હતો તેને એક છોકરો હતો. પછી તેને વેશ્યાને ત્યાં જઈ મેલી આવ્યો અને વાણિયે કહ્યું જે, “બા... આ છોકરાને પાવરધો કરો.” વેશ્યા કહે, “બહુ સારુ, મેલી જા.” પછી અંધારી રાત હતી અને વરસાદ પણ ઝરમર ઝરમર વરસતો હતો. પછી વેશ્યાએ કહ્યું જે, “આ લે રૂપિયો અને આ ગ્લાસ લઈને જા અત્તર લઈ આવ.” છોકરો કહે, “મા! હું વાણિયાનો દીકરો છું તે અંધારે બીઉના?” વેશ્યા કહે, “એમ જાણજે જે, બે સિપાઈ આગળ છે અને બે સિપાઈ પાછળ છે અને વચ્ચે હું ચાલ્યો જાઉં છું. એમ ચિંતવન કરતો કરતો જા.” છોકરો ખડકીએ જઈને પ્યાલામાં મુતર્યો અને લાવીને પ્યાલો વેશ્યા પાસે મેલ્યો. વેશ્યાએ નાકે સુંઘીને જોયું અને બોલી જે, “પીટ્યા! આ તો મૂતર છે.” છોકરો કહે, “તમે એમ જાણીને માથે નાંખો જે આ સુગંધીમાન કેવડાનું અત્તર છે! એમ જાણીને તેને માથામાં નાંખોને!” ત્યારે વેશ્યા કહે, “એમ તે નખાતું હશે?” ત્યારે છોકરો કહે, “તમે કહેતાં હતાં જે, ‘બે સિપાઈ આગળ છે અને બે સિપાઈ પાછળ છે?’” પછી સવારે વાણિયો ખબર કાઢવા આવ્યો ત્યારે વેશ્યાએ કહ્યું જે, “તારા છોકરાને લઈ જા, તારો છોકરો તો પાવરધો જ છે!” એમ કેટલાક તો જન્મથી જ પાવરધા હોય. ॥૧૧૭૯॥

એક વખત સતીએ શંકરને કહ્યું જે, “તમે બધાયને આપ્યું પણ વાણિયાને કાંઈ આપ્યું નહીં.” ત્યારે શંકર કહે, “વાણિયાને મેં આપ્યું છે એવું તો કોઈને આપ્યું નથી.” તો પણ સતીના માન્યામાં આવ્યું નહીં. પછી શંકરે કહ્યું જે, “આ એક શેર તલ દાણા છે તે વાણિયાની દુકાનેથી કાળા તલ બદલાવીને ધોળા લઈ આવો.” પછી સતી કાળા તલ લઈને વાણિયાની દુકાને ગયાં અને વાણીયાને કહ્યું જે, “આ કાળા તલ રાખીને ધોળા આપો.” વાણિયો કહે, “કાળા તો સોંઘા છે અને ધોળા મોંઘા છે માટે પોણો શેર આવશે.” એમ જ્યાં ચાર વખત ફર્યા ત્યાં તો ખાલી થઈને શંકર પાસે આવ્યા. પછી શંકરે કહ્યું જે, “કાં મેં વાણિયાને કેવું આપ્યું છે?” ત્યારે સતી કહે, “મહારાજ! તમે વાણિયાને બહુ આપ્યું છે.” એમ વાણિયો એક મણાનો કળશી કઢારો કરે. ॥૧૧૮૦॥

એક વાણિયો હતો તે બહુ જ ગરીબ સ્થિતિનો હતો. પછી સતીએ શંકરને કહ્યું જે, “મહારાજ! આને કાંઈક આપો.” ત્યારે શંકર કહે, “એ વાણિયાને આપ્યા જેવું નથી.” પછી સતીએ બહુ જ આગ્રહ કર્યો તેથી શંકરે કહ્યું જે, “જા, ભાઈ. તારે લાખ રૂપિયા થાશે.” શંકરના કહેવા પ્રમાણે તે થોડાક દિવસમાં લાખ રૂપિયાનો આસામી થયો. ત્યારે વાણિયે વિચાર કર્યો જે, “આપણે એક સદાવ્રત કરાવવું.” પછી સતીએ કહ્યું જે, “મહારાજ! ઓલ્યા વાણિયાનું શું થયું હશે?” ત્યારે શંકર કહે, “ચાલો, આપણે જોવા જઈએ.” પછી શંકર તથા સતી – બન્ને વૃદ્ધ ડોસા તથા ડોશી બનીને જે ઠેકાણે સદાવ્રત અપાતું હતું તે ઠેકાણે જઈને ઉભાં રહ્યાં અને રકઝક કરવા મંડ્યા. ત્યારે વાણિયો હવેલીના ગોખમાં બેઠો બેઠો બોલ્યો જે, “બાવલીયા! શું રકઝક કરો છો? લેવું હોય તો લે નોકર રહેવા દે. હું કાંઈ તારા સારું સદાવ્રત આપતો નથી. હું તો આ મારા મોટા લાંબા નાકને આપું છું!” પછી શંકર બોલ્યા જે, “સાંભળ, આ તો એના લાંબા નાકને આપે છે! એ તો આપણા માટે નથી આપતો.” પછી થોડાક દિવસમાં તે મૃત્યુ પામ્યો અને સિંહલદ્વીપમાં હાથી થયો. પછી જન્મ્યો ત્યાંથી આખે શરીરે ખસ નીકળી તેથી જ્યાં વૃક્ષ હોય ત્યાં શરીર તથા સુંઢ ઘસ્યા કરે. એમ કરતાં કરતાં એક ઝાડવાનું લાકડું બેલાખડું હશે તેમાં સુંઢ ઘાલીને ઘસવા લાગ્યો. એટલે સુંઢ્ય સુણી ગઈ અને બેલાખડામાંથી બહાર નીકળી નહીં તેથી મોઢું અધર રાખીને ઉભો રહ્યો. ત્યારે શંકરે કહ્યું જે, “હે સતી! પેલા લાંબા નાકવાળાને તમારે જોવો છે?” ત્યારે સતી કહે, “ક્યાં છે?” પછી શંકરે સતીને તેડી જઈને દેખાડ્યો જે, “જુઓ! પેલો ટીંગાય તે લાંબા નાકવાળો.” માટે દાન પુણ્ય કરવું તે કીર્તિ સારુ કરે તો આવું થાય. ॥૧૧૮૧॥

એક વાણીયો હતો તે ખોરી જારનું સદાવ્રત આપતો. તેને ચાર દીકરા હતા. તેના નાના દીકરાને એક મોટા શેઠની દીકરી વેરે વરાવેલો હતો અને પછી તે બાઈને પોતાના ઘરે તેડી આવ્યા. પણ તે બહુ હોશીયાર માણસ હતી. તેથી ઘરની સર્વેની રીત ભાત જોઈ અને ખોરી જારનું સદાવ્રત અપાતું તે પણ જોયું. પછી બાઈએ રસોયાને કહ્યું જે, “આજ ખોરી જારનો લોટ લાવીને રોટલો કરજે અને મારા સસરા જ્યારે જમવા આવે ત્યારે તેમની થાળીમાં પીરસજે ને પૂછે તો કહેજે જે, ‘નાની વહુને પૂછી જુઓ.’” પછી શેઠ જ્યારે જમવા બેઠા ત્યારે રસોયે ખોરી જારનો રોટલો થાળીમાં પીરસ્યો. એટલે શેઠે જોઈને પૂછ્યું જે, “આ શું છે?” રસોયે કહ્યું જે, “નાની વહુને પૂછી જુઓ.” પછી શેઠે કહ્યું જે, “વહુ! આ શું છે?” ત્યારે નાની વહુ બોલ્યાં જે, “મારા સસરાને કહો જે, ‘તમો જે સદાવ્રત આપો છો તે જુવારનો રોટલો છે. જો આજથી ખોરી જાર ખાવાનો અભ્યાસ હશે તો આગળ જતાં કઠણ નહીં પડે અને આખરે તમારે તે જ ખાવાનો છે.’” તે સાંભળીને શેઠ બોલ્યા જે, “વહુ ભા! બહુ બોલકાં જણાઓ છો?” ત્યારે વહુ બોલ્યાં જે, “આજ તો તમે ખોરી જારનું સદાવ્રત આપો છો તો આગળ તે જ મળશે.” પછી શેઠ પોતાના મનમાં સમજી ગયો અને ત્યારથી સારૂં અનાજ લાવીને સદાવ્રત આપવા લાગ્યો. કેમ કે, “જેવું દાન કરે તેવું આગળ પામે.” ॥૧૧૮૨॥

ખેડુ જ્યારે વાવેતર કરવા જાય છે ત્યારે ડાબા હાથમાં અનાજની મુઠી ભરે છે અને જમણા હાથમાં એક આરવાળો પરોણો લે છે. તે જ્યારે અનાજ પાકે છે અને લણવા જાય છે ત્યારે જે હાથે કરીને વાવ્યું હોય તે હાથમાં હજાર દાણાનું કણસલું આવે અને જે હાથમાં એક આરવાળો પરોણો હતો તે હાથમાં હજાર કાંકરાવાળું દાંતરડું આવે છે. માટે એકગણું દાન અને સહસ્રગણું પુન્ય. જો એક હાથમાં આરવાળો પરોણો હતો તો તે હાથમાં હજાર કાંકરાવાળું દાંતરડું આવ્યું અને જે હાથે વાવ્યું હતું, તો તે હાથમાં હજાર દાણાવાળું કણસલું આવ્યું. માટે જેવું વાવે તેવું લણે. ॥૧૧૮૩॥

એક બ્રાહ્મણ હતો. તે રસ્તે ચાલ્યો આવતો હતો. તેને સામા ચોર મળ્યા અને પોતા પાસે સોનામહોર હતી. તે ચોરની બીકે તે સોનામહોર બ્રાહ્મણ ગળી ગયો. બ્રાહ્મણે જાણ્યું જે, “જ્યારે કળશીયે જઈશ ત્યારે તે નીકળશે તે ધોઈને લઈ જઈશ.” પછી પોતે એક ધર્મશાળામાં રાત્રે જઈને સુતો ત્યાં જ મૃત્યુને પામ્યો.” પછી મહાજને બ્રાહ્મણોને બોલાવીને અગ્નિસંસ્કાર કરાવ્યો અને સોના મહોર ગળી હતી તેનું એક મોટું ઢીમ સ્મશાનમાં થઈ ગયું હતું.” પછી એક દિવસ રાજા ઘોડે ચડીને ચાલ્યો જતો હતો તેને છેટેથી સોનાનો ઢાળીયો નજરે પડ્યો. રાજાએ ઘોડેથી હેઠો ઉતરીને તે સોનાનું ઢીમ લઈ લીધું અને વિચાર્યું જે, “આવું સોનું મારા રાજ્યમાં નથી.” પછી પોતાની માનીતી રાણી હતી, તેને તે સોનાનું ઢીમ આપ્યું. રાણીએ વિચાર્યું જે, “રાજા છે તે ક્ષણિક વિચારવાળો છે, માટે તેને જો મારી નાંખ્યો હોય તો સોનું આપણે રહે.” પછી રાણીએ કહેવરાવ્યું જે, “આજ થાળ જમવા આંહી પધારજો.” પછી રાજા જ્યારે ખાવા બેઠો ત્યારે પોતાનું માણસ સાથે હશે તેને પહેલો કોળીયો આપ્યો એટલે તે મરી ગયો. પછી રાજા કોરડો લઈને ઉભો થયો ને રાણીને કહે, “બોલ્ય, આ શું છે?” ત્યારે તે રાણી બોલી જે, “મારો વાંક નથી. તમે મને સોનું આપ્યું છે ત્યારથી મારી મતિ ફરી છે.” પછી રાજાએ કહ્યું જે, “લાવ્ય એ સોનું.” પછી રાણી પાસેથી સોનું લઈને બહાર એક જગ્યામાં બાવો રહેતો હતો તેને આપ્યું. બાવે પણ વિચાર કર્યો જે, “રાજા છે તે રાવળાં માવળાં કહેવાય. માટે તેને ટુંકો કર્યો હોય તો સોનું આપણી પાસે રહે.” પછી બાવે રાજાને કહ્યું જે, “સાહેબ! કાલે આપણે ત્યાં કસુંબા છે.” તે કસુંબા ત્યાં પીવા ગયા ને રાજાએ પોતાના માણસને પ્રથમ અંજળી આપી એટલે તે માણસ તુરત મરી ગયો. પછી રાજા તરવાર ઉઘાડીને જ્યાં બાવાને મારવા જાય છે ત્યાં બાવો બોલ્યો જે, “એમાં મારો વાંક નથી. તમે જ્યારથી સોનું મને આપ્યું છે ત્યારથી મારી મતિ ફરી છે.” પછી રાજાએ તે સોનું બાવા પાસેથી લઈને વિચાર કર્યો જે, “આ સોનું જેને હું આપું છું તે મારું મૃત્યુ ઉભુ કરે છે. માટે લાવ્યને કુવામાં નાંખું.” પછી એક બાર કોશીયો કુવો હશે તેમાં તે નાંખ્યું. પછી સવારે ખેડુ કોસ લઈને કુવે આવ્યા ત્યાં તો કુવો કોઠી જેવો પડેલ અને સોનું માંહે ચળક્યા કરે. ખેડુ સૌ રાજા પાસે આવ્યા અને કહ્યું જે, “બાપુ! બાર કોશીયા કુવામાં એક છાંટો પાણી નથી અને માંહે કાંઈક જગમગે છે.” પછી રાજા ઘોડે ચડીને ત્યાં ગયો અને એક માણસને માંહે ઉતારીને માંહેથી તે સોનાને બહાર કઢાવ્યું. ત્યાં તો કુવો પાણીથી ભરાઈ ગયો. પછી સોનાને અરણ્યમાં લઈ જઈને એક મોટો ખાડો ગાળીને તેમાં દાટ્યું. માટે બ્રાહ્મણનું દ્રવ્ય છે તે જ્યાં જાય ત્યાં જડમૂળમાંથી કાઢે એવું છે. ॥૧૧૮૪॥

એક ગામમાં એક પટેલ હશે તેણે ચાર વાનાં રાખ્યાં હતાં. એક ખહુરીયો ઉંટ, એક હરેડી ભેંશ, એક ઘોડું અને એક ઘરડો બળદીયો. એ ચાર વાનાં રાખેલાં હતાં. પછી કોઈએ કહ્યું જે, “પટેલ! આમાં તમારી શી શોભા છે?” પટેલ કહે, “કોઈક દેશી પરદેશી આવે અને તે પુછી જુએ જે, ‘આ ગામમાં વંડીઓને કેમ ક્યાં છાજાં નથી?’ ત્યારે સૌ કહે જે, ‘પટેલને ઊંટ છે તેણે પાડી નાંખ્યાં છે.’ તે ત્યારે પરદેશી માણસ જાણે જે, ગામમાં પટેલ જબરો દેખાય છે.” ત્યારે કહ્યું, “જે આ હરેડી ભેંશ રાખ્યાનું શું કારણ છે?” પટેલ કહે, “હું ચોરે બેઠો હોઉં અને કોઈક આવીને કહે જે, ‘પટેલ, તમારી ભેંશ મારા ખેતરમાં પડી હતી.’ ત્યારે હું કહું જે, ‘બહુ સારુ, હું દોવા તને કહીશ.’ ત્યારે પરદેશી માણસ જાણે જે, પટેલને દશ વીશ ભેંશો હશે તેમાંથી એક ભેંશ કોકના ખેતરમાં પડી હશે.” ત્યારે કહે, “આ ઘોડામાં શી શોભા છે?” “આખો દિવસ હણહણતું હોય તો જાણે જે, ‘પટેલને પાંચ-દશ ઘોડાં હશે તો હણહણ્યા જ કરે છે.’” ત્યારે કહે જે, “આ પુંછલેલ બળદીયો રાખ્યો છે તેનું શું સમજવું?” પટેલ કહે, “એ અમારી શોભા છે. હું ચોરે બેઠો હોઉં અને સાથી આવીને કહે જે, ‘પટેલ, બળદીયાને ઉભો કરવો છે.’ ત્યારે દેશી પરદેશી જાણે જે, પટેલને દશ-વીશ બળદીયા હશે તેમાંથી એક પુંછલેલ હશે.” માટે કેટલાક માણસો આવામાં પોતાની શોભા માને છે. ॥૧૧૮૫॥

જીવના સ્વભાવ એવા છે જે ઉંટ ઊંચું જોઈને ચાલે છે તે કાંઈ વિમાનની વાટ જુએ છે? તેને ઉંચું જોઈને ચાલવું એવો જ સ્વભાવ છે. હાથી ધીરે ધીરે ચાલે છે તે શું કાંઈ ભોં ભારે મરે છે? પણ ધીરે ધીરે ચાલવાનો સ્વભાવ છે. બિલાડી નેવે ને નેવે ફરે છે તે શું નોતરા દેવા ફરે છે? ઊંદરડાં ગોતવા અને ઠેકાણે પાડવા તે તેનો સ્વભાવ છે. કુતરો ઊંચો પગ લઈને મુતરે છે તે શું કાંઈ કેશરીયો વાઘો પલળે છે? પણ જ્યાં લોકોનાં દોણાં તપવાને તડકે મૂક્યાં હોય ને જ્યાં ખાટલો પડ્યો હોય ત્યાં જ મુતરે છે માટે એવો સ્વભાવ છે તે જ્યાં એવું જ હોય ત્યાં જ મુતરે. સાખી:

‘કાળપ મૂકે કેશ, મન કાળપ મૂકે નહીં,

વિપરીત થાતા વેશ, વણ જોબન વલખાં કરે.’ ॥૧૧૮૬॥

એક સુતારને ઘરે તેના ભાઈબંધ આવ્યા હતા. ત્યારે સુતારે તેની ઘરવાળીને કહ્યું જે, “તું ડાંગર કાઢીને ખાંડીને ચોખા કાઢ્ય અને હું બજારે જઈને ઘી સાકર વિગેરે લઈ આવું.” અને મે’માનને ફળીયામાં ખાટલો ઢાળીને બેસાર્યા અને પોતે બજારમાં ઘી સાકર લેવા ગયો. બાઈ બે-ચાર સાંબેલા ભેગા કરીને ડાંગર ખાંડવા બેઠી. ડાંગર ખાંડતી જાય અને રોતી જાય. ત્યારે મે’માને પૂછ્યું જે, “બાઈ! શા માટે રુવો છો?” બાઈ કહે કે, “મને મારો પીટ્યો કહેતો ગયો છે જે બે-ચાર સાંબેલાં ભેગાં કરજે અને ચોરેથી હું બે-ચાર જણાને લાવું છું તે મારો રોયો એવો ભૂંડો છે તે જે મે’માન આવે તેને સાંબેલે સાંબેલે મારે છે.” ત્યારે મે’માન બોલ્યા જે, “બાઈ! અમને કાંઈક રસ્તો બતાવ.” બાઈ કહે, “તમે જો બજાર તરફ જાશો તો પીટ્યો તમને સામો મળશે. માટે વાડામાં છીંડી છે, ત્યાં થઈને નીકળી જાઓ અને તે એવો છે જે સીમાડા સુધી સાંબેલા લઈને પાછળ આવશે, માટે મારાથી તે દેખ્યું જાતું નથી.” બાઈના કહેવાથી મે’માન સૌ છીંડીયે થઈને રસ્તે પડ્યા તેટલામાં સુતાર બજારમાંથી ઘી ને સાકર લઈને ઘરે આવ્યો. બાઈને પૂછ્યું જે, “મે’માન ક્યાં ગયા?” બાઈ કહે, “તેણે સાંબેલાં માગ્યાં તે મેં આપ્યાં નહીં તેથી રીસાઈને ચાલ્યા ગયા.” સુતાર કહે, “મર, રાંડ! સાંબેલાની ક્યાં ખોટ્ય હતી? ઘણે દહાડે મારા ભાઈબંધ આવ્યા ત્યારે રાંડ તેં સાંબેલાની ના પાડી.” બાઈ કહે, “આ પડ્યાં જાઓને વાંસે.” એટલે સુતારે ગામમાંથી બે-ચાર જુવાનીયા બોલાવી લાવીને તેમના હાથમાં સાંબેલાં ઉંચાં કરીને બુમો પાડતા જાય જે, “લેતા જાઓ. લેતા જાઓ.” મે’માન કહે, “બાઈ બિચારી સારી તે આપણને ચેતવ્યા અને આ તો સાંબેલા લઈને પાછળ આવે છે.” મે’માને પાછું વળીને જોયું એટલે સાંબેલા ઉંચા કરીને પાછળ દોડ્યા આવતા હતા તે દેખાયા. એટલે મે’માન પણ મૂઠીયું વાળીને એકદમ દોડવા લાગ્યા. તેમ આ સંસારને વિષે કેટલાક મતપંથવાળાએ જીવોને સાંબેલા આપ્યાં છે. જે સત્ય વાત છે તે કહેવા જઈએ તો પણ મનાય નહીં. ॥૧૧૮૭॥

એક ગામમાં એંશી આંધળા ગયા હતા તેને કોઈક ધર્મવાળાએ એક એક તપેલી અને એક એક ધાબળી આપેલી. પછી તે એંશી જણા ત્યાંથી બીજે ગામ જવા નીકળ્યા. એટલે રસ્તામાં કેટલાક ચોર લોકો ભેગા થયા. તેને ભેળા કરીને કહ્યું કે, “ભાઈઓ! તમે બધાય આંધળા છો અને આગળ જતાં બીક લાગે છે માટે તમારી ધાબળીયું તથા તપેલીયું લઈ જાશે માટે લાવો, અમે તમારી તપેલીઓની તથા ધાબળીયોની ગાંસડી બાંધીને અમે તમારા સાથે ચાલીએ અને તમને પાણાની ખોયો વળાવીયે. એટલે જે ચોર આવે તેને પાણા મારજો.” ચોર લોકો તો તપેલીની તથા ધાબળીયોની ગાંસડીયો લઈને ચાલતા થયા. અને આંધળાને આડે રસ્તે ચડાવી મૂક્યા. પછી કોઈ ધર્મવાળો આવીને કહે જે, “અરે! આંધળાઓ! આમ ઉવાટે ક્યાં જાઓ છો? મારગ આણી તરફ રહ્યો.” તે સાંભળી ને બધાય આંધળા તેમના તરફ પાણાના ઘા કરે અને બોલે જે, “જો, તપેલીઓ લેવા આવ્યા છે.” એમ કહીને એંશીયે જણા પાણાના ઘા કરે એટલે કોઈ માણસ પાસે આવી શકે નહીં. તેમ આંધળાને ઠેકાણે અજ્ઞાનીઓ છે તેને સત્પુરુષ સમજાવે જે, “ભાઈઓ, આ રસ્તે ચાલશો તો તમને જમપુરીનો ભય છે માટે તમે ધર્મને રસ્તે ચાલો તો સ્વર્ગાદિક સુખ અને મોક્ષરૂપી સુખ મળે.” તેમ મતપંથવાળાએ જીવને અવળા સમજાવીને પાણાની ગોળીયો વળાવી છે. માટે સદ્‌ગુરૂ ગમે તેમ સમજાવે પણ માને નહીં અને કહે જે અમારૂં છે તે જ સત્ય છે. ॥૧૧૮૮॥

એક બ્રાહ્મણ હતો તે કાસીદે ગયો હતો. તેને જજમાને દુકાનેથી બશેરક ઉના દાળીયા બંધાવ્યા હતા. અને જે ગામ જવું હતું તેની નજીક એક પાણીનું તળાવ હતું. તે આવ્યું તેને કાંઠે ઝાડવા નીચે બેસીને દાળીયા ને ગોળ ખાઈ ગયો અને પાણી પીતો ગયો. પછી સામે ગામ જ્યારે ગયો ત્યારે ઘરધણીએ પૂછ્યું જે, “મહારાજ! રસોઈ કરશો કે જમવા આવશો?” ઘરધણી કહે, “ગામમાં સાત વાનાંની સુખડીની ચોરાસી છે અને અમારે સૌને ત્યાં જ જમવા જવાનું છે.” બ્રાહ્મણે વિચાર કર્યો જે, “હાથે રસોઈ કરવા કરતાં તૈયાર ભોજન મળે તે બહુ સારું.” બ્રાહ્મણ કહે, “હું ચોરાશીમાં જમવા આવીશ.” બ્રાહ્મણે દાળીયા બહુ ખાધેલા, તેથી વારે વારે પાણી પીધા કરે અને બ્રાહ્મણ જાણે જે, “રાતનાં દશ વાગતાં વોરુ હુંકોરું થાશે એટલે ત્યાં સુધીમાં દાળીયા પચી જાશે.” અને સમી સાંજમાં જમવાને માટે તેડવા આવ્યા. એટલે સૌ જમવા માટે ગયા અને ઘરધણીએ મે’માન માટે પડીયો પત્રાવળાં લઈ લીધાં. અને સાતે વાનાંના પકવાન શાક દાળ વિગેરે પીરસાઈ ગયું ત્યારે સૌ જમવા બેઠા. અને બ્રાહ્મણ જ્યાં મોઢામાં કોળીયો મેલવા જાય ત્યાં મોંઢામાં બકારી આવે ત્યારે ઘરધણીએ કહ્યું જે, “જમોને, મહારાજ!” બ્રાહ્મણ કહે, “ભાઈ! દાળીયે ઘર ઘાલ્યું છે!” તેમ પંચવિષયે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તતું હોય તેને ગમે તેવો સદ્-ઉપદેશ કરે તો પણ તેના હૃદયમાં પેસે નહીં. ॥૧૧૮૯॥

એક વખત શ્રીકૃષ્ણ ભગવાન સુદામાજીને ઘરે મે’માન થયા હતા. પછી સુદામાજીના ઘરનાં રસોઈ કરતાં હતાં. ત્યારે સુદામાજીએ પૂછ્યું જે, “રસોઈને કેટલી વાર છે? અમે નહાઈ આવીયે.” પછી ઘરવાળીએ કહ્યું જે, “પાશેર લોટની રોટલી થઈ ગઈ છે અને પાશેરની બાકી છે.” પછી ભગવાન તથા સુદામાજી સમુદ્ર ઉપર નહાવા પધાર્યા. પછી સુદામાજીએ કહ્યું જે, “મહારાજ! તમારી અકળ કળા મને બતાવો.” પછી ભગવાને કહ્યું જે, “ભાઈ! મારી અકળ કળા જોવા જેવી નથી.” તો પણ સુદામાજીએ કહ્યું. તેણે બહુ જ આગ્રહ કર્યો. પછી ભગવાન કહે, “તમે પહેલા નહાવા પડો જોઈએ! તમે કેટલી ઘડી પાણીમાં રહો છો? હું ગણું છું.” પછી સુદામાજી જ્યાં નહાવા પડ્યા, ત્યાં તો કોઈક મોટો બેટ હશે તેને કાંઠે જઈને નીસર્યા. સુદામાજીએ જઈને પૂછ્યું જે, “ભાઈ! આ કયું ગામ?” ત્યારે સૌએ કહ્યું જે, “આ સમુદ્રની વચ્ચેનો એક મોટો બેટ છે.” ત્યારે સુદામાજીએ પૂછ્યું જે, “અહીંથી સુદામાપુરી કેટલે રહી?” એટલે એક શેઠે કહ્યું જે, “કાલે મારાં વહાણ અહીંથી ગયાં છે તે વીસ વરસે અહીંથી પહોંચશે અને વીસ વરસે ત્યાંથી પાછાં આવશે એટલી સુદામાપુરી દૂર છે.” સુદામાજી કહે, “મને ચાળીશ વરસ થયાં છે અને હજુ ચાળીશ વરસે તે વહાણ પાછાં આવશે. માટે હવે તો અહીંયાં જ રહું.” પછી એક શેઠે સુદામાજીને રાખીને પોતાની દીકરી પરણાવી અને તેમને પાંચ-સાત છોકરાં થયાં. પછી તે શહેરમાં એવો રીવાજ હતો જે, “પહેલી સ્ત્રી મરે તો પુરુષને સાથે બાળે અને પુરુષ જો પહેલો મરે તો તેની સ્ત્રીને સાથે બાળે. એમ કરતાં કરતાં કોઈક સ્ત્રી મરી ગઈ અને અગ્નિસંસ્કાર કરાવવા સારુ સૌ લોક સ્મશાનમાં ગયા હતા. તેની સાથે સુદામાજી પણ ભેળા ગયા. પછી જ્યારે તેની ચિતા ખડકી ત્યારે તેના પુરુષને તે સ્ત્રીની ચિતા ભેળો ખડક્યો. તે જોઈ સુદામાજી બોલ્યા જે, “આ શું?” સૌએ કહ્યું જે, “આ શહેરમાં આવી રીત છે.” એમ કરતાં કરતાં કેટલીક મુદતે સુદામાજીની ઘરવાળી મરી ગઈ. પછી સુદામાજીએ જાણ્યું જે, “ભૂંડું થયું. મને પણ ભેળો બાળશે.” પછી પોતે એક કોઠીમાં સંતાઈ ગયા. પછી તેને ખોળીને બહાર કાઢ્યા અને બાઈની સાથે સ્મશાનમાં લઈ ગયા. સુદામાજી ત્રાય ત્રાય થઈ ગયા અને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. પછી સુદામાજી કહે, “લ્યો, હું નદીમાં નહાઈ આવું પછી આવું.” જ્યાં નદીમાં નહાવા પડ્યા ત્યાં તો સુદામાજી સુદામાપુરીને પાદર નીકળ્યા અને ભગવાનને સમુદ્રને કાંઠે બેઠેલા જોયા. પછી ભગવાને તાળી પાડીને કહ્યું જે, “એક બે ને સાડા ત્રણ.” ભગવાન કહે, “સુદામાજી! તમે તો પાણીમાં કાંઈ ન રહ્યા.” પછી સુદામાજીએ કહ્યું જે, “મહારાજ! તમારી અકળ કળા કોઈને બતાવશો નહીં.” એમ કહીને પછી બન્ને જણા ઘરે આવ્યા અને ઘરે આવીને પૂછ્યું જે, “રસોઈને શી વાર છે?” બાઈ કહે, “તમો ગયા પછી નવટાંક લોટની રોટલી કરી છે અને હવે નવટાંક લોટની રહી છે.” માટે ભગવાનની અકળ કળા છે તેને કોઈ જાણી શકતું નથી. ॥૧૧૯૦॥

નારદજી હતા. તેમને એવો વિચાર થયો જે, “હું કેવો બ્રહ્મચર્ય પાળનારો છું? અને ભગવાન છે પણ ઘરમાં બંધાઈ ગયા છે.” એવો પોતાને ગર્વ આવ્યો હતો. પછી પોતે દ્વારકામાં ગયા. ભગવાન કહે, “નારદજી! રસોઈને થોડી વાર છે. માટે ચાલો આપણે નહાવા જઈએ.” પછી ગોમતીજીમાં ભગવાન તથા નારદજી નહાવા ગયા અને નારદજી ગોમતીજીમાં નહાવા પડ્યા. તે જાણે કોઈક શહેરમાં ભીલડી થયા અને તેનો પતિ કોઈક મોટો ભીલ થયો અને તેને અડતાળીસ છોકરાં થયાં અને એક છોકરૂં પેટમાં રહ્યું. પછી નહાઈને જ્યારે બહાર નીસર્યા એટલે ભગવાન કહે, “ચાલો, રસોઈ ઠરી જશે.” પણ નારદજી પોતાની વાત કાંઈ કરે નહીં. અડતાળીસ છોકરાં દ્વારકાના ઝાંપે આવીને ખડાં થયાં. પછી નારદજીએ ભગવાનને કહ્યું જે, “મહારાજ! મને પેટમાં બહુ દુઃખે છે.” ભગવાન કહે, “જાઓ, જંગલ જઈ આવો. હું અહીંયાં બેસું છું.” પછી નાદરજી જ્યાં જંગલ જવા ગયા ત્યાં તો પેટમાંથી પુંઠ્ય દ્વારે છોકરો જન્મ્યો. તે પણ દોડીને અડતાળીશ ઉભાં હતા તે ભેળો ઉભો રહ્યો. પેલાં સૌ કહેવા લાગ્યાં જે, “આંહીં નહીં. આંહીં નહીં. અમે સૌ નારદજીનાં છીએ અને તું કોનો છે?” છોકરો કહે, “હું પણ નારદજીનો છું.” એમ જ્યાં એક બીજા બોલાચાલી કરે છે ત્યાં તો ભગવાન અને નારદજી ત્યાં પધાર્યા. ભગવાન કહે, “નારદજી! આ બધાં કોણ છે?” નારદજી નીચું જોઈને શરમાઈ ગયા. પછી છોકરાંને ભગવાને કહ્યું જે, “તમે કોનાં છોકરાં છો?” છોકરાં કહે, “અમે નારદજીનાં છોકરાં છીએ.” ભગવાન કહે, “નારદજી! આ શું કહે છે?” પછી નારદજી નીચું જોઈને કાંઈ બોલ્યા નહીં અને ભગવાનને કહ્યું જે, “મહારાજ! હવે માફ કરો.” પછી ભગવાને બધાં અડતાળીશે છોકરાંને નોખાં નોખાં વહેંચી આપ્યાં પણ મળમાસરુપી છોકરાંને કોઈએ પેસવા દીધો નહિ. પછી મળમાસે ભગવાનને કહ્યું જે, “હું મરીશ. હું મરીશ.” પછી ભગવાને કહ્યું જે, “મારે નામે તારૂં નામ પુરુષોત્તમ માસ.” પછી એમ ઓગણપચાશને ભગવાને ઠેકાણે પાડ્યાં અને ભગવાન તથા નારદજી દ્વારકામાં પધાર્યા. ॥૧૧૯૧॥

એક બ્રાહ્મણ હતો. તે દરજીની કંકોતરીયે ગયો હતો. દરજીએ કાતર દીઠ બબે પૈસા આપ્યા તેથી શીખના તેને બત્રીશ પૈસા થયા. પછી તે લઈને પોતાને ગામ આવવા ચાલ્યો આવતો હતો. અને સાંજના ચાર વાગ્યાનો વખત થયો હતો. ત્યાં એક વાવ્ય રસ્તામાં આવી, ત્યાં પાણી પીવાને માટે તેમાં ઉતર્યો. પાણી પીઈને વાવને કાંઠે વૃક્ષ હશે ત્યાં વિશ્રાંતિ લેવા બેઠો. એટલે વાવમાંથી માયા બોલી જે, “તારા ગામના ફલાણા શેઠને કહે જે, હું તેની માયા છું ને વાવ્યમાં મુંજાઉં છું. માટે મને આંહીંથી લઈ જાય.” બ્રાહ્મણ તે સાંભળીને ઘણો જ રાજી થયો જે, “બત્રીસ પૈસા તો આવ્યા છે અને વળી શેઠને વધામણી દઈશ તે મારું દાળદર જશે.” બ્રાહ્મણે ગામમાં આવીને બારોબાર શેઠની દુકાને આવીને કહ્યું જે, “અમુક વાવ્યમાં તમારી માયા છે તે મુંઝાય છે તેને તમે લઈ આવો.” વાણીયો કહે, “જાવ, પૂછી આવ, દૈવી છો કે આસુરી? એ દૈવી હોય તો હું લેવા આવું અને આસુરી હોય તો મારે જોઈતી નથી.” બ્રાહ્મણ ખંભે ખડીયો લઈને એકદમ પાછો વાવે આવ્યો અને કહ્યું જે, “શેઠે પૂછ્યું છે જે, તમે દૈવી છો કે આસુરી?” માયા બોલી જે, “હું તો આસુરી છું.” ત્યારે બ્રાહ્મણ કહે, “શેઠે ના પાડી છે.” ત્યારે માયા બોલી જે, “તારે જોઈએ છીએ?” બ્રાહ્મણ કહે, “હા.” પછી માયા બહાર આવી ને સોનાનું મોટું ઢીમ થઈને પડ્યું. બ્રાહ્મણે વિચાર કર્યો જે, “બાથમાં ઘાલીને તેને વડના છાંયે લઈ જાઉં. પછી અંધારું થાશે ત્યારે ઘરે લઈ જઈશું.” પછી ઉપર લુગડું ઢાંકીને જ્યાં ઉપાડવા જાય ત્યાં તેના બેય હાથ સોના સાથે ચોંટી ગયા અને બ્રાહ્મણ ઘણો છૂટવાને લથડ બથડ કરે પણ હાથ છૂટે નહીં. પછી બ્રાહ્મણ બોલ્યો જે, “મેલ રે મેલ ભલી થઈને મેલ્ય માયા.” પણ વાવમાંથી બોલી જે, “તારી પાસે કાંઈ છે?” ત્યારે બ્રાહ્મણ બોલ્યો જે, “કાસીદું કર્યું તેના બત્રીસ પૈસા આવ્યા છે.” ત્યારે માયા બોલી જે, “તે મેલ્ય.” બ્રાહ્મણ કહે, “મારા હાથ ચોંટ્યા છે તે શી રીતે પૈસા લાવીને મેલું?” પછી એક હાથ ઉખેડ્યો એટલે પૂજા છોડીને ગૌમુખીમાંથી પૈસા હતા તેટલા મેલ્યા એટલે તે પૈસા તેની સાથે ચોંટી ગયા. પણ બીજો હાથ ઉખડે નહીં પછી બ્રાહ્મણ બોલ્યો જે, “હવે બીજો હાથ મેલ્ય રે મેલ્ય.” માયા કહે, “હવે કાંઈ છે?” બ્રાહ્મણ કહે, “ગોપીચંદનનો પાસો છે.” પછી તે મેલ્યો. તે પણ સોનાની સાથે ચોંટી ગયો. તેથી બ્રાહ્મણના રુંવાડે રુંવાડાં કંપતાં હતાં. પછી જ્યાં બીજો હાથ છૂટો થયો ત્યાં એકદમ મૂઠીયો વાળીને વેતાં મેલ્યાં તે ગામ ભેળો થઈ ગયો. તે વખતે શેઠ પોતાની દુકાને ફાનસ કરીને બેઠા હતા તેણે કહ્યું જે, “દેવ! ઉભા રહો. ઉભા રહો.” દેવ કહે, “ઘરે જઈને આવું.” પછી લુગડાં એક કોર મેલીને નહાઈ ધોઈને પછી શેઠ પાસે ગયો. પછી શેઠે કહ્યું કે, “કેમ થયું?” બ્રાહ્મણ કહે, “કાશીદાના બત્રીશ પૈસા ગયા અને ટીલું કર્યાનો ગોપીચંદનનો પાસો હતો તે પણ ગયો.” માટે ત્યારથી કહેવાણું કે ગાંઠ્યનું ગોપીચંદન પણ ગયું. ॥૧૧૯૨॥

અને ચોર હતા. તે એક ગામમાં સાધુ પાસે બેસવા ગયા. સાધુનો ધર્મ છે કે ગમે તેવો પોતાની પાસે બેસવા આવે તેની પાસે ધર્મ સંબંધી વાતો કરે. પછી તેમણે વાતો કરીને કહ્યું જે, “તમે કાંઈક નીયમ લ્યો.” ચોર કહે, “મહારાજ! અમારે ચોરીનો ધંધો તે અમારે નિયમ પળે નહીં.” પછી તેમાં એક ખળ હતો તેણે કહ્યું, “જાઓ, મહારાજ! મારે ગાડું ન ખાવું.” એમ સાધુની મશ્કરી કરીને નિયમ લીધું. સાધુ બીચારા બહુ જ ભોળા હતા તેથી હા કહી. પછી ચોર ચોરી કરવા ગયા અને કોઈક રાજાનો ખજીનો ફાડીને ઘણુંક દ્રવ્ય લાવ્યા. પછી એક મોટું અરણ્ય હશે ત્યાં આવ્યા અને ત્યાં માતાનું સ્થાન હશે તેમાં કોઈકે માનતા કરેલી તેથી ખાંડનાં રમકડાં તથા ખાંડનું એક ગાડું માતાને પાસે આવી મૂકેલાં. ચોરોએ વિચાર કર્યો જે, “પરમેશ્વરે દ્રવ્ય પુષ્કળ આપ્યું છે અને ખોરાક પણ આપ્યો.” પાસે કુવો હશે તેમાંથી પાણી ભરીને બેઠા અને સૌએ ત્યાં ખોરાકનો ભાગ પાડ્યો. ત્યાં તો જેણે નિયમ લીધું હતું તેને જ ગાડું ભાગમાં આવ્યું એટલે તેણે કહ્યું જે, “આપણે ગાડું ખાધાનું નિયમ છે માટે આપણે ખાવું નથી.” પછી સૌએ સંપ કર્યો જે, “આને બીજું કાંઈ આપવું નહીં અને તેનું નિયમ મૂકાવવું.” પછી સૌએ પોતપોતાનો ભાગ ખાધો અને ઘણાક દિવસથી રમકડાં વિગેરે પડેલાં. તેના ઉપર સર્પ ઘરલ નાંખી ગયેલો. જેથી તે ખાતાં વેંત સૌ મૃત્યુને પામ્યા અને જેણે ગાડું ન ખાધું તે જીવ્યો અને બધું દ્રવ્ય પોતાને રહ્યું. માટે જો મશ્કરીમાં પણ સંતને વચને નિયમ રાખ્યું હતું તે બચી ગયો. ॥૧૧૯૩॥

એક વાણિયો હતો તે સંત પાસે બેસવા આવ્યો. પછી સંતે કહ્યું જે, “શેઠ! કાંઈક નિયમ લ્યો.” શેઠ કહે, “મહારાજ! મારાથી શું નિયમ રહે? પણ જાઓ મારે નિત્ય એક મુંડી જોઈને ખાવું.” પછી પોતાના ઘરને પડખે એક વાળંદનું ઘર હતું એટલે સવારમાં જે કોઈ હજામત કરાવી જાય તેનું માથું જોઈને વાણિયો ખાય. એમ કરતાં કરતાં એક દિવસ કોઈક કુંભાર વહેલું વતું કરાવીને ધુડ્ય ખોદવાને માટે ગયો હતો. વાણિયે સવારમાં ઉઠીને વાળંદને પૂછ્યું જે, “કરશન! આજ કોઈ હજામત કરાવી ગયું?” વાળંદ કહે, “આજ પાંચો કુંભાર હજામત કરાવી ગયો છે.” શેઠે કુંભારને ઘરે જઈને પૂછ્યું જે, “કુંભાર ક્યાં છે?” ત્યારે ઘરને માણસે કહ્યું જે, “એ તો ધુડ્ય ખોદવા ગયા છે.” કુંભાર જ્યાં ધુડ્ય ખોદે છે ત્યાં કોઈક જુનો ટીંબો હશે તેમાંથી રૂપિયાની તાંબડી હાથ આવી. વાણિયો ઠહર... પહર... ઠહર... પહર... કરતો જ્યાં કુંભાર ધુડ્ય ખોદે તે નજીક ગયો. ત્યાં તો કુંભાર ઉઘાડે માથે ઉભો થયો. ત્યારે વાણિયો બોલ્યો જે, “દીઠી... દીઠી...” કુંભાર જાણે આણે તાંબડી દીઠી. ત્યારે કુંભાર બોલ્યો જે, “આવો, આવો, શેઠ! આમાં તમારો અરધો ભાગ છે.” શેઠ સાંભળીને તુરત કુંભાર પાસે ગયો અને કુંભારે અરધો અરધ રૂપિયા તાંબડીમાંથી શેઠને આપ્યા. એ માટે જો સંતને વચને કરીને નિયમ લઈને ટેક રાખી તો આટલો લાભ થયો. ॥૧૧૯૪॥

એક ચોર હતો. તે નિરંતર કંદોઈની દુકાન ફાડીને મગદલ લાવતો અને તે ખાઈને છોકરાં પણ બહુ ખુશી થતાં. અને જ્યારે અજવાળીયું હોય ત્યારે છોકરાં કહે જે, “બાપા! મગદળ.” ચોર કહે જે, “ભા! અંધારીયું આવવા દે પછી વાત.” એમ કરતાં કરતાં એક દિવસ કોઈક રજપુતનું ઘર ફાડ્યું. રજપુત ત્યાં આવી પહોંચ્યો. તેણે ચોરને બરડામાં ઝટકો માર્યો તેથી ચોર ત્યાંથી એકદમ નાશીને દોડાદોડ પોતાને ઘરે આવ્યો. તે વખત છોકરાં વાટ જોઈને બેઠાં હતાં. તે ચોરને જોઈને બોલ્યા જે, “બાપા! મગદળ.” ચોર કહે, “રાંડ્યના મગદળ મગદળ શું કરો છો! જુઓને, આ ભગદળ.” માટે પંચવિષયરુપી મગદળનો જે હેવાયો છે પણ કોઈક જો એવો મળ્યો તો ચોરની પેઠે થશે. અને બહુ વિષયના હેવાયા હોય, તેને કોઈક દહાડે આવી દશા થાય છે. ॥૧૧૯૫॥

એક ગામમાં એક કોળી ભગત હતો. તેને ઘરે તેનો ગુરુ આવ્યો. તે ગુરુની સાથે તેના ત્રીસ ચેલા હતા. બાવાને ભાળીને કોળીના મનમાં ત્રાસ થયો જે, “અરેરે! મારે ખાવાનું નથી અને આ ત્રીસ જણાને શું ખવરાવીશ?” એમ વિચાર કરતો ભાવે કભાવે તે ગુરુના પગમાં જઈને પડ્યો. ગુરુએ બધા સમાચાર પુછ્યા ત્યારે કોળી કહે, “મહારાજ! હું તો ગરીબ માણસ છું અને દાડી-દપાડી કરીને નિર્વાહ ચલાવું છું.” ગુરુ કહે, “ગમે તેમ કર પણ દશ વરસે અમે તારે ઘરે આવ્યા છીએ માટે છુટકો નથી.” કોળી ભક્તે જાણ્યું જે, “હસ્તાએ પરોણો અને રોતાએ પરોણો.” પછી કોળીએ પોતાના ગુરુને કહ્યું જે, “મહારાજ! વાળુને માટે કાંઈક તૈયારી કરાવું?” ગુરૂએ કહ્યું જે, “આજ સૌ પાકી રસોઈ જમીને આવ્યા છીયે. માટે કોઈને જમવાની ઇચ્છા નથી પણ સવારની તૈયારી કરાવજો.” પછી સૌ રાત્રે ખાટલા ઢાળીને સુઈ ગયા. અને કોળી ભગતને ઉંઘ આવે નહીં તેથી ઉઠીને ફળીમાં આંટા મારવા માંડ્યો. એટલામાં પોતાના ઘરે આવેલા બાવાના જોડા જોઈને કોળીયે વિચાર કર્યો જે, “આ કામ કર્યા જેવું છે.” પછી તે બધાના જોડાની ગાંસડી બાંધીને નજીકમાં એક મોટું ગામ હશે ત્યાં જઈ મોચીને જગાડીને કહ્યું જે, “આ ત્રીશ જોડ્ય જોડા રાખ્ય અને તેની કિંમત થાય તેટલી આપ્ય.” મોચીએ ગરજ વરતીને કહ્યું જે, “આ એક એક જોડ્યનો દોઢ દોઢ રૂપિયો આવશે.” પછી તેની કિંમત લઈને તેનું ઘી, ગોળ, લોટ, દાળ, ભાત વિગેરે લઈને દિવસ ઉગ્યા મોર્ય લાવ્યો અને બાવાજી સવારમાં ઉઠીને સૌ દાતણ-પાણી કરીને રસોઈના કામમાં લાગી પડ્યા. પછી શિરો, પુરી, ભજીયા વિગેરે તૈયાર કરીને બપોરે સૌ પંક્તિ કરીને જમવા બેઠા. તે વખતે ગુરુ બોલ્યા જે, “ભલે, ચેલા ભલે, તેં તાણી તુસીને અમારી મે’માનગતી સારી કરી.” તે વખતે કોળી ભગતે હાથ જોડીને કહ્યું જે, “મહારાજ! આમાં મારું કાંઈ નથી. આ તો તમારા ચરણનો પ્રતાપ છે.” એમ ગુરુ જેમ શિષ્યનાં વખાણ કરે ત્યારે તે સેવક પણ તેવો જ ઉત્તર આપે જે, “હે, મહારાજ! આમાં મારું કાંઈ નથી. તમારા ચરણનો પ્રતાપ છે.” પછી ગુરુએ જમતાં જમતાં શિષ્યોને આજ્ઞા કરી જે, “આજ સાંજે સામે ગામ જઈને રાત રહેવું છે પણ અહીંયાં રાત રહેવું નથી કેમ કે આણે આપણી બહુ જ ચાકરી કરી છે.” પછી જમી રહ્યા ત્યારે સેવકે ગુરુને ચાદર ઓઢાડી. પછી હોકા તથા સાફી વિગેરે પીઈને સૌ રાજી થયા અને સેવકને આશિષ આપી. સેવક તો મનમાં ઘણો જ નારાજ થતો જે, “આ પાપ અહીંથી ક્યારે ઝટ જાય?” સેવકે ભાવે કભાવે ગુરુને પગે પાંચ રૂપિયા મેલ્યા. પછી સાંજ વખતે ગુરુએ સૌને કહ્યું જે, “આપણે ચાલવાની તૈયારી કરો.” એટલે સૌ સાબદા થઈને જ્યારે ચાલવાની તૈયારી કરી ત્યારે પોતાના પહેરવાના ઉપાન(જોડા)ની શોધ કરવા મંડ્યા. ત્યારે કોળી ભગતને પૂછ્યું જે, “અમારા ઉપાન ક્યાં ગયાં?” ભગતે કહ્યું જે, “મેં તો તમને જમતી વખતે કહ્યું છે કે તમારા ચરણનો પ્રતાપ છે.” પછી બાવા બહુ જ રકઝક કરવા મંડ્યા ત્યારે કોળી હાથમાં લાકડી લઈને બાવાની સામો થયો જે, “હું જાતનો કોળી છું. અહીંથી વેળાસર રસ્તે પડો નહીં તો આ લાકડીયે તમારો બરડો હળવો કરીશ.” પછી સૌ બાવા ઉઘાડે પગે ચાલી નીસર્યા અને એકબીજા બાવા બોલવા મંડ્યા જે, “ઓલ્યા ગામવાળે આપણને જોડા સીવડાવી દીધા ને આણે તો આપણા જોડા વેચીને આપણને ખવરાવ્યું.” માટે સંસારમાં આવા ગુરુ પણ છે તે ચેલા પણ તેને તેવા જ મળે છે. માટે સત્પુરુષ મળે તો જ પરલોકનો રસ્તો બતાવે. ॥૧૧૯૬॥

બે મિત્ર હતા. તે પરદેશમાં રળવાને ગયા હતા. પછી બે, ચાર, પાંચ વરસ સુધી રળીને સારી પેઠે પૈસા કમાણા અને ઘરે આવવાની બન્ને જણે તૈયારી કરી. તેઓ રસ્તે આવતાં એક મોટું જળાશય હશે ત્યાં આવીને એક મોટા વડ નીચે ઉતર્યા. પછી બન્ને જણા ભાતું ખાઈને વડ નીચે સુતા હતા, તેવામાં એક મોટો સર્પ દોડ્યો આવતો હતો. તે એક જણ જાગતો હતો. તે જોઈને તેણે સર્પને પૂછ્યું જે, “તારે શું છે?” સર્પ કહે, “આ સુતો તે મારો પૂર્વનો વેરી છે માટે મારે તેના હડીયાનું લોહી પીવું છે.” પછી પેલે માણસે કહ્યું જે, “હું તને તેના હડીયાનું લોહી આપું તું એટલે છેટે રહે.” પછી તેણે વડના પાંદડાનો પડીયો કરીને તેની છાતી ઉપર બેસીને છરીયે કરીને ગળાની ચામડી કાપી. તે વખતે સુતેલા માણસે આંખ ઉઘાડીને જોયું તો પોતાના મિત્રને ભાળ્યો એટલે તે આંખ વિંચી ગયો. પછી પડીયામાં રૂધિરમાં પાંચ છાંટા નાંખીને સર્પની પાસે મેલ્યો. સર્પ તે રુધીર પીઈને ચાલતો થયો. પછી પેલે માણસે પટી તેને ગળે બાંધી દીધી અને બન્ને જણા જાગીને પછી રસ્તે પડ્યા. પણ જેનું ગળું કાપ્યું છે તે ધણી આને કાંઈ પૂછતો નથી તેથી પોતાના મિત્રે કહ્યું જે, “ભાઈ! તું મને કેમ કાંઈ પૂછતો નથી?” ત્યારે તે બોલ્યો જે, “તે કર્યું હશે તે મારા હિતને અર્થે કર્યું હશે. કેમ કે તું મારું અહિત કરે નહીં.” પછી તેણે બધી હકીકત કહી દેખાડી, માટે મિત્ર કયો સાચો? જે પોતાના મિત્રનું હિત ઇચ્છે તે જ ખરો મિત્ર કહેવાય પણ જેમ વિષનો ઘડો હોય અને તેને મોઢે અમૃત હોય તેવા મિત્રનો કદી પણ વિશ્વાસ કરવો નહીં. કેમ કે મોઢેથી જ કેવળ મીઠું બોલીને આગલા માણસને રાજી કરે પણ પાછળથી તો તેનું નિકંદન કાઢી નાંખે એવા મિત્રનો તો સદા ત્યાગ કરવો. ॥૧૧૯૭॥

એક રાજાનો કુંવર હશે તેણે નાનપણમાં અણગળ પાણી પીધું હશે તેથી તેના પેટમાં ચરમીયાનો જમાવ થયો. અને તેમાં એક ચરમ પેટમાં વૃદ્ધિ પામીને મોટો સર્પ જેવડો થયો અને તે કુંવરને જેટલું ખવરાવે તેટલું સર્પ ઉદરમાં રહીને ખાય એટલે કુંવરના શરીરે રુધીર ચડે નહીં. પછી તેને ઘણાક ડાક્ટરો તથા વૈદને બોલાવ્યા પણ કોઈ દવા લાગુ પડે નહીં. પછી રાજાએ દીવાનને કહ્યું જે, “આને મુસાફરી કરવા માટે ક્યાંક લઈ જવો. કેમ કે પાણી બદલો કરવાથી શરીરમાં શક્તિ આવશે.” પછી ચાલતાં ચાલતાં એક અરણ્યમાં એક મોટું જળાશય આવ્યું. ત્યાં પડાવ નાંખીને મુકામ કર્યો. પછી ત્યાં સૌ ખાઈ-પીઈને દિવસે સૂતા હતા. તે વખતે રાજાનો કુંવર ભરનિદ્રામાં હતો તેથી ઉદરનો સર્પ હતો તે બહાર નીકળીને સરોવરની ઠંડી હવા લેતો. તે વખતે ત્યાં સર્પનો એક મોટો રાફડો હતો. તેમાંથી એક મોટો સર્પ નીકળીને તે પણ ઠંડી હવા લેતો. પછી રાફડાનો સર્પ બોલ્યો જે, “તું રાજાના પેટમાં રહીને દૂધ ચોખા ને સાકર જમે છે પણ જો કોઈક ઇલમી મળશે તો ઝેરકોચલા છાશમાં લઢીને પાશે તો તારા મકોડે મકોડા તુટી જાશે.” ત્યારે ઉદરના સર્પે કહ્યું જે, “તને જો કોઈ ઇલમી મળશે તો તેલ ઉનું કરીને તારા રાફડામાં રેડશે એટલે તું મરી જઈશ અને તારી માયા છે તે કોઈક લઈ જાશે.” તે વખતે દિવાન સુતો સુતો જાગતો હતો. તેણે બેઉ સર્પના શબ્દ સાંભળીને વિચાર કર્યો જે, “આ પણ ઠીક થયું.” પછી પોતાના ચાકરને જગાડીને ગામમાંથી ઝેર કોચલા મંગાવીને છાશમાં લઢીને રાજાના કુંવરને પાયા એટલે સર્પ ઉદરમાં હતો તેના મકોડે મકોડા તુટી ગયા અને કુંવરને રેચ લાગ્યો તેથી તે સાજો થયો અને પછી અરધો મણ તેલ ઉનું કરીને સર્પના રાફડામાં રેડ્યું એટલે રાફડાનો સર્પ પણ મરી ગયો અને પછી તેમાં દ્રવ્ય હતું તે કાઢી લીધું. માટે એક બીજાના મર્મ છેદન વચનથી એક બીજાનું મૃત્યુ થાય છે અને ત્રીજો જણ ફાવે છે. ॥૧૧૯૮॥

એક વિદ્વાન બ્રાહ્મણ હતો પણ ઘરની સ્થિતિ દુર્બળ હતી. તેથી પોતે વિચાર કર્યો જે, “હું અરણ્યમાં ક્યાંક જઈને શંકરનું દેવાલય હોય ત્યાં જઈને ભાગવતની પારાયણ કરૂં.” પછી તે બ્રાહ્મણ એક મોટા અરણ્યમાં ગયો અને ત્યાં શંકરનું એક મોટું પુરાતની દેવાલય દીઠું. ત્યાં જઈને કથાનો પ્રારંભ કર્યો. પણ અરણ્યમાં કોઈ મનુષ્ય માત્ર નહીં તેટલામાં ઘડીક કથા વાંચી ત્યાં મોટો પુરાતની મણીધર નાગ રહેતો હતો તે બ્રાહ્મણ પાસે આવીને કથા સાંભળવા બેઠો હતો. બ્રાહ્મણે સાંજે કથાની સમાપ્તિ કરી ત્યારે તે નાગે સોનામહોર તેના પુસ્તક ઉપર મૂકી. તે જોઈ બ્રાહ્મણ બહુ રાજી થયો. એમ નિરંતર બ્રાહ્મણ કથા કરે અને તે સર્પ નિત્ય એક સોનામહોર આપે. એમ કરતાં કરતાં બ્રાહ્મણને કાંઈક કામ પ્રસંગ આવ્યો તેથી પોતે પાંચ-સાત દિવસને માટે ગામતરે ગયો. તેથી તેણે પોતાના છોકરાને કહ્યું જે, “અમુક જગ્યાએ શંકરનું દેવાલય છે. ત્યાં જઈને ભાગવતની કથા કરજે અને ત્યાં એક સર્પ છે તે નિત્ય કથા સાંભળવા આવે છે અને તે કથાની સમાપ્તિને અંતે નિત્ય એક સોનામહોર મેલે છે.” તે સાંભળીને બ્રાહ્મણનો છોકરો ત્યાં પુસ્તક છોડીને જ્યાં મંગલાચરણ કરવા મંડ્યો, ત્યાં સર્પે પોતાના રાફડામાંથી આવીને જોયું ત્યાં તો બીજા બ્રાહ્મણને દેખ્યો એટલે સર્પે વિચાર કર્યો જે, “આ તો કોઈક બીજો બ્રાહ્મણ છે. પણ ચાલ્યને મારે તો કથા સાંભળવી છે ને!ઠ એમ જાણીને બ્રાહ્મણની પાસે જઈને બેઠો અને બ્રાહ્મણને છોકરે જાણ્યું જે, “આ સર્પના મોઢામાં સોનામહોરું ભરી છે માટે એક એક આપે છે તે કરતાં તેને ઠામ કરૂં એટલે બધી સોનામહોરૂં તરત મળે.” એમ જાણીને પોતાની પાસે એક ધોકો લઈને બેઠો. પછી તે કથા જ્યારે થઈ રહી ત્યારે સર્પે એક સોનામહોર તેના પુસ્તક ઉપર મૂકી. જ્યાં સર્પ સોનામહોર મૂકીને પાછો ફર્યો. ત્યાં બ્રાહ્મણે નાગની મણી ઉપર ધોકો માર્યો એટલે મણી ભાંગી ગયો અને નાગને ક્રોધ થયો. તે બ્રાહ્મણને કરડ્યો એટલે તો બ્રાહ્મણનો છોકરો મરી ગયો અને પુસ્તક હતું તે વાયરે કરીને ઉડી ગયું ને પાનાં ચારે કોર વિંખાઈ ગયાં. પછી પેલો બ્રાહ્મણ ગામથી ઘરે આવ્યો અને પોતાની ઘરવાળીને પૂછ્યું જે, ઠછોકરો કેમ નથી? ઘરે આવ્યો નથી કે શું?ઠ બાઈ કહે, “તે તો કથા કરવા ગયો છે તે આવ્યો જ નથી.” પછી તે બ્રાહ્મણ કથા કરવાના સ્થળે ગયો અને જોયું તો પોતાનો દીકરો મૃત્યુને પામેલો અને પુસ્તકનાં પાનાં ચારે કોર વાયરાથી ઊડી ગયા હતા. પછી તે ભેળાં કરીને બ્રાહ્મણ કથા કરવા સારુ બેઠો. તે વખતે સર્પે પોતાના રાફડામાંથી બહાર નીસરીને જોયું તો પેલા બ્રાહ્મણને જોયો એટલે સર્પ બોલ્યો જે, શ્લોક:

“મણિભંગ મહાકષ્ટં પુત્રહાનિ તથૈવ ચ, ભિન્ને ચિત્તે કુતઃ પ્રીતિઃ વ્યાસપુસ્તકવૈષ્ટિયમ્”

સર્પ બોલ્યો જે, “હે બ્રાહ્મણ! તું જ્યારે મને ભાળીશ ત્યારે તને તારો પુત્ર સાંભરશે ને હું તને જ્યારે ભાળીશ ત્યારે મને મારો મણી સાંભરશે. માટે, હે બ્રાહ્મણ! વ્યાસ પુસ્તક બાંધીને ઘરે ચાલ્યો જા. કેમ કે તારૂં ને મારૂં ચિત્ત હવે ભિન્નપણાને પામી ગયું છે.” માટે નોખા મત પડ્યા પછી ભેગાં થવાં બહુ કઠણ છે. ॥૧૧૯૯॥

એક ઋષિના આશ્રમમાં ઉંદરડી રહેતી હતી. તેથી ઋષિએ તેને સોળ વરસની સ્ત્રી (કન્યા) બનાવી દીધી. પછી ઋષિએ વિચાર કર્યો જે, “મારે આ કન્યાને મોટામાં મોટા દેવ હોય તેને આપવી. પછી ઋષિએ પોતાના મંત્રના બળેથી સૂર્યનારાયણને પોતાની પાસે બોલાવ્યા. સૂર્યનારાયણે આવીને કહ્યું જે, “મને શા માટે બોલાવ્યો.” ઋષિ કહે, “તમને મોટા જાણીને આ કન્યા દેવી છે.” સૂર્ય કહે, “મારાથી મોટા વાદળાં છે તે મને પણ ઢાંકી દે છે.” પછી ઋષિએ વાદળાંને બોલાવ્યાં. વાદળાં કહે, “અમને શા માટે બોલાવ્યાં?” ઋષિ કહે, “તમને મોટા જાણીને આ કન્યા દેવી છે.” ત્યારે વાદળાં કહે, “અમારાથી મોટા વાયુદેવ છે તે અમને પણ વિંખી નાંખે છે.” પછી ઋષિએ મંત્રના બળથી વાયુદેવને બોલાવ્યા. વાયુદેવે આવીને કહ્યું કે, “મને શા માટે બોલાવ્યો?” ઋષિ કહે, “તમને મોટા જાણીને આ કન્યા દેવી છે.” ત્યારે વાયુદેવ કહે, “મારાથી મોટા પર્વત છે તે અમારાથી ઉડાડ્યા ઉડે તેવા નથી.” પછી પર્વતને બોલાવ્યા, તેમણે આવીને ઉપર પ્રમાણે કહ્યું. ને ઋષિયે પણ જવાબ તેવી જ રીતે આપ્યો. ત્યારે પર્વત કહે, “અમારાથી મોટા ઉંદરડા છે કે અમારામાં મોટાં મોટાં ભોંણ પાડે છે. માટે મોટા જાણીને કન્યા દેવી હોય તો તે ઉંદરને આપો.” કન્યા પણ આ બધાયને જોઈને સંકોચ પામતી હતી અને જ્યારે ઉંદરડા આવ્યા ત્યારે રાજી થઈ. અને ઉંદરડી થઈને ઉંદરડા પાછળ દોડી ગઈ. માટે કર્મની રેખા છે તે બળવાન છે ત્યાં શ્લોક છે જે:

‘સૂર્ય ભર્તાર મિચ્છતિ પરજન્યં પવનં ગિરિ,

મૂષકે મૂષકી પ્રાપ્તી કર્મરેખા બલીયસી.’ ॥૧૨૦૦॥

એક શહેરમાં એક વિદ્વાન બ્રાહ્મણ જ્યોતિષનો ભણેલો હતો અને તે શહેરમાં એક નગરશેઠને ઘરે પુત્રનો જન્મ થયો. પછી તેના જન્માક્ષર કરવા સારુ બ્રાહ્મણને તેડવા માટે ગાડી મોકલી હતી. તે ગાડીમાં બેસીને જોશી મહારાજ જાય છે, તેવામાં વિધાત્રી સામી મળી અને બ્રાહ્મણે પૂછ્યું જે, “તું કોણ છો?” તેણે કહ્યું જે, “હું વિધાત્રી છું.” પંડિતજીએ કહ્યું જે, “તું ક્યાં ગઈ હતી?” વિધાત્રી કહે જે, “હું શેઠને ત્યાં પુત્રનો જન્મ થયો તેના લેખ લખવા ગઈ હતી.” પંડિતજી કહે કે, “બોલ્યમાં ત્યાં તો હું જન્માક્ષર લેવા જાઉં છું.” ત્યારે વિધાત્રીએ કહ્યું જે, “જો હું તેના જન્માક્ષર લઈને આવું છું.” બ્રાહ્મણે કહ્યું જે, “મારા નસીબમાં શું છે? તે તું કહે.” પછી વિધાત્રી બોલી જે, “તારા નસીબમાં અમુક શહેરમાં જેઠો મોચી છે. તેની દીકરી ગોમતી છે તેના વેરે તારાં લગ્ન થશે.” પંડિતે વિચાર કર્યો જે, “હું ખરો હોઉં તો તેના લેખ ખોટા કરી આપું.” પછી તે શેઠના ઘરે જઈને છોકરાના જન્માક્ષર લીધા પછી તેના વિધાતાએ કહ્યા હતા, તેવા જ તેના જન્માક્ષર આવ્યા. ॥૧૨૦૧॥

પછી પંડિત પોતાના ઘરે ગયો. પછી પોતાના મનમાં વિચાર કર્યો જે, “રખેને મારે પણ મોચીની દીકરી સાથે સંબંધ થાય નહીં.” પછી પોતાના માતાપિતાને કહ્યું જે, “મારે કાશીની યાત્રા કરવા સારુ જવું છે.” પછી પોતે એકલો જ યાત્રા કરવા નિમિત્તે ઘરેથી ચાલી નીકળ્યો. તે ચાલતા ચાલતા તે શહેરમાં ગયો અને શહેરમાં પૂછતાં પૂછતાં તે મોચીને ઘરે ગયો. મોચીએ આદર-સત્કાર કરીને ખાટલો નાંખી દઈને બેસાર્યો. મોચીએ કહ્યું જે, “મહારાજ! કેવા બ્રાહ્મણ છો?” બ્રાહ્મણ કહે, “હું મોચી ગોર છું અને કાશીયે યાત્રા કરવા માટે જાઉં છું.” ત્યારે મોચીએ કહ્યું જે, “રસોઈ કરવી હોય તો સીધું આપું.” પંડિતજી કહે, “હું તો એક જ વખત જમું છું. માટે સવારમાં વાત.” પછી રાત્રીએ સૌ એકઠા મળીને વાતચીત કરવા લાગ્યાં ત્યારે પંડિતજી બોલ્યા જે, “અમારી કોર્ય કન્યાદાન દેવું તેનો અમુક ઠરાવ કરેલ છે.” ત્યારે મોચી બોલ્યા જે, “અમારી ગોમતી નામે દીકરી છે તે કુંવારી છે અને તેને કોઈ સારે ઠેકાણે સંબંધ કરવો છે.” પંડિતજીના મનમાં વિચાર થયો જે, “વિધાતાએ જે વાત કરી હતી તે મળતી આવે છે ખરી પણ જો હું ખરો હોઉં તો આ કન્યાનો નાશ કરું.” પછી સવારે પોતે સ્નાન કરવાને માટે ચાલ્યો ત્યારે મોચીને કહ્યું જે, “મારે કુંવારી કન્યા હોય તેનું પાણી કામ આવશે.” પછી મોચીએ કહ્યું જે, “આ મારી દીકરી ગોમતી છે, તેને સાથે બેડું લઈને તેડી જાઓ.” પછી મોચીએ તેની દીકરીને કહ્યું જે, “જા બાપ પાણીનું બેડું ભરી આવ્યા.” અને ચોમાસાનો વખત હતો તેથી નદીમાં પાણી ભરપુર આવ્યું હતું. પછી પંડિતજી પોતે તથા તે કન્યા એ બન્ને સાથે નદીએ ગયાં. પંડિતજીએ કહ્યું જે, “આગળ ચાલ્ય. આંહીં પાણી સારું નથી.” એમ કહીને ચાલતાં ચાલતાં ગામથી ઘણેક દૂર ગયાં. હવે નદીમાં પાણી બે કાંઠામાં ચાલ્યું જતું હતું. પંડિતજીની મતિ પણ બગડી હતી જે, “બાઈનો નાશ કરવો છે.” પછી બાઈ જ્યાં પાણીનું બેડું ભરવા નદીમાં ઉતરી તે વખતે પંડિતજીએ બાઈને સાથળમાં છરી મારીને નદીમાં નાંખી દીધી. તેથી બાઈ નદીમાં તણાતી તણાતી વહી ગઈ. પંડિતજી પણ બારોબાર રસ્તે પડ્યા અને પોતાને ઘરે ગયા. પછી તે બાઈ તણાતી તણાતી દશ-વીશ ગાઉ નીકળી ત્યાં એક ઋષિ નદીને કાંઠે સંધ્યા કરતા હતા. બાઈ જેવી પાણીમાં પડી તેવું જ એક લાકડું હાથમાં આવી ગયું હતું. તેને વળગી રહેવાથી તે જીવતી રહી હતી. ઋષિ સંધ્યા કરે છે તેવામાં તે કન્યા ઋષિની પાસે જઈને ઉભી રહી. ઋષિએ પૂછ્યું જે, “બાઈ! તું કોણ છો? અને કેવી જ્ઞાતિ છો?” બાઈની અવસ્થા દસ-બાર વર્ષની હતી. તેથી વિચાર કર્યો જે, “હું મારી જ્ઞાતિનું નામ કહીશ તો કોઈ ધડો કરશે નહીં.” તેથી બાઈએ કહ્યું જે, “હું જાણતી નથી.” તે સાંભળીને ઋષિ તેના આશ્રમમાં તે બાઈને લઈ ગયા અને ઋષિપત્નીને કહ્યું જે, “આપણે કાંઈ સંતાન નથી તો ગંગાજીએ આપણને કન્યા આપી. માટે આનું નામ ગંગા પાડીએ.” અને પંડિતજીએ સાથળમાં જે છરી મારી હતી, તે બે ત્રણ દિવસ પાણીમાં રહેવાથી ઘા રૂઝાઈ ગયો હતો. તે પછી ઋષિએ ને ઋષિપત્નીએ વિચાર કર્યો જે, “આ કન્યાને કોઈક વિદ્વાન બ્રાહ્મણ હોય તેને આપવી.” પછી બન્ને દંપતિ તથા કન્યાને સાથે લઈ તે જે શહેરમાં પંડિતજી રહેતા હતા તે જ શહેરમાં અને તે જ પંડીતજીના ઘરે આવ્યા. તે બ્રાહ્મણે ઋષિનો સારો સત્કાર કર્યો અને આવ્યાનું કારણ પૂછ્યું તો ઋષિએ કહ્યું જે, “આ મારી કન્યા છે અને તમારું ઘર બહુ જ પ્રસિદ્ધ છે અને તમારો પુત્ર બહુ જ વિદ્વાન છે. માટે તેની સાથે કન્યા પરણાવવી છે.” બ્રાહ્મણ તે સાંભળી બહુ રાજી થયો. અને શુભ મુહરત જોઈને ઋષિએ કન્યાદાન આપ્યું. પછી ઋષિએ પોતાની પુત્રીને સતીના ધર્મ બધા કહી સંભળાવ્યા અને પછી ઋષિ તથા ઋષિપત્ની પોતાના આશ્રમમાં પાછા ગયા. ॥૧૨૦૨॥

પછી પંડિતજી પોતાની સ્ત્રી સાથે રહીને વ્યવહાર ચલાવવા લાગ્યા. અને થોડાક વરસ થયાં એટલામાં પંડિતજીને એક-બે પુત્ર પણ થઈ ગયા. બાઈ તો જાણતી હતી જે મને છરી મારી નદીમાં નાંખી દઈને ચાલ્યા ગયા હતા તે જ આ પંડિત છે. પણ પંડિતજીના મનમાં એમ હતું જે, “એ તો નાશ થઈ ગઈ છે અને આ તો ઋષિની પુત્રી છે.” પછી છોકરાં બાલ્યાવસ્થામાં બાળકો સાથે રમવા લાગ્યા. ત્યારે એક બીજાને બોલાવીને કહે છે, “લાવ... લાવ... વિંગડો લાવ.” ત્યારે બીજો કહે, ‘લાવ્ય રાંપી લાવ્ય. ખરપડી લાવ્ય કાળખુટ.” એવા શબ્દો બોલવા લાગ્યા. તેવામાં એક વિદ્વાન બ્રાહ્મણ નાહીને ચાલ્યો આવતો હતો. તેણે તે બાળકોના શબ્દ સાંભળીને વિચાર કર્યો જે, “આવો વિદ્વાન પંડિત બ્રાહ્મણ છે અને તેના છોકરાઓ મોચીના છોકરાઓ જેવા શબ્દ બોલે છે. તે આ શું બોલે છે?” પછી એક દિવસ તે પંડિતજી તે ગંગાજીને કાંઠે તે વિદ્વાન બ્રાહ્મણ ભેગા થયા. ત્યાં બ્રાહ્મણોએ કહ્યું જે, “તમારાં ને અમારાં છોકરાં ભેગાં બાલક્રીડા કરે છે તેમાં તમારાં છોકરાઓ મોચીના છોકરાઓ બોલે તેવું બોલે છે તે શું?” પંડિતજી સાંભળીને મનમાં ઝાંખા પડી ગયા. પછી ઘરે આવીને બાઈને કહ્યું જે, “રંડી! છોકરાઓને રેઢાં મૂકે છે કે શું? અને મોચીના છોકરાં બોલે તેવું શું બોલે છે?” બાઈ કહે, “તમે મને નથી ઓળખતા? તમે મને પાણીમાં નાંખી દીધી હતી તે હું જેઠા મોચીની દીકરી!” પંડિતજી કહે, “તને તો મેં છરી મારી હતી.” બાઈએ સાથળ ઉઘાડો કરીને છરીનો કાપ દેખાડ્યો. પછી પંડિતજી પોતાના મનમાં સમજી ગયા અને જાણ્યું જે, ભાવિ છે તે બળવાન છે કેમ કે ગમે તેમ હોય પણ તેવો યોગ મેળવી આપે. ॥૧૨૦૩॥

એક દિવસ લંકામાં બ્રહ્મા પધાર્યા હતા અને રાવણે બ્રહ્માનો આદર સત્કાર કરીને સિંહાસન ઉપર બેસાડ્યા. તે વખતે બ્રહ્માની સ્તુતિ કરીને રાવણે પૂછ્યું જે, “મહારાજ! આ મારી પદારથ નામની દીકરી છે તેનો પતિ કોણ થાશે?” બ્રહ્માએ વિચાર કરીને કહ્યું જે, “તારા ઘોડાનો ઠાણીયો જે હુનારથીયો છે તે તેનો પતિ થશે.” રાવણે કહ્યું જે, “હું દશ માથાવાળો રાવણ અને મારી દીકરીનો પતિ ઘોડાનો ઠાણીયો થાય? માટે હું જો ખરો હોઉં તો તમારા લેખ ખોટા કરું.” પછી બ્રહ્મા બોલ્યા જે, “મારા લેખ કદી ખોટા થાય નહીં.” રાવણ કહે, “મારે તો ખોટા કરવા.” પછી બ્રહ્મા તો સત્ય લોકમાં ગયા અને રાવણે એક ચિઠ્ઠી લખીને હુનારથીયાને આપીને કહ્યું જે, “આ ચિઠ્ઠીને યમપુરીમાં ધર્મરાજાને આપી આવ.” પછી હુનારથીયો ચિઠ્ઠીને લઈને જ્યાં આગળ જાય છે ત્યાં એક શહેરમાં રાત રહ્યો ત્યાં બ્રહ્મરાક્ષસ મળ્યો. તેણે કહ્યું જે, “તું ક્યાં જાય છે?” હુનારથીયે કહ્યું જે, “હું ધર્મરાજા પાસે જાઉં છું.” ત્યારે કહે, “મારો સંદેશો લેતો જા જે, મારી મુક્તિ ક્યારે થાશે?” આગળ ચાલતાં એક પ્રેત મળ્યો. તેણે કહ્યું જે, “મારો સંદેશો લઈ જા જે, મારી ગતિ ક્યારે થશે?” આગળ ચાલતાં સમુદ્રને કાંઠે ગયો ત્યાં એક મોટો મગરમચ્છ મળ્યો. ત્યારે તેણે કહ્યું, “ક્યાં તારે જવું છે?” હુનારથીયે કહ્યું જે, “મારે ધર્મરાજા પાસે જવું છે.” મગર કહે, “મારો સંદેશો લેતો જા તો હું તને સમુદ્રની પાર ઉતારું.” પછી તેણે પોતાની પીઠ ઉપર બેસારીને પેલી પાર ઉતાર્યો અને મગરે કહ્યું જે, “તું ધર્મને કહેજે જે, ‘ઓલ્યા મગરને પેટ પીડનો રોગ છે તે ક્યારે મટશે?’” પછી યમપુરીમાં જઈને ધર્મને રાવણની ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચીને ધર્મરાજા બહુ રાજી થયા અને કેટલીક પહેરામણી હુનારથીયાને આપી. પછી ચાલતી વખતે હુનારથીએ કહ્યું જે, “મહારાજ! આ મગરમચ્છ છે તેને પેટ પીડનો રોગ છે તે શેણે મટે?” ધર્મરાજાએ કહ્યું જે, “પૂર્વે તે બહુ વિદ્વાન હશે પણ તેણે કોઈને વિદ્યાદાન આપ્યું નથી. તે પાપે પીડાય છે અને જો તે કોઈને વિદ્યાદાન આપે તો તેનો રોગ મટે.” વળી પૂછ્યું જે, “ઓલ્યો બ્રહ્મરાક્ષસ છે તેની શી રીતે ગતિ થાય?” ધર્મરાજા કહે કે, “તેણે કન્યાવિક્રય બહુ જ કર્યા છે. તેથી તે પાપે બ્રહ્મરાક્ષસ થયો છે. માટે તેને એક કન્યા છે તેનું જો દાન કરે તો તેની મુક્તિ થાય.” પછી ત્રણેના સંદેશા લઈ પ્રથમ મગર પાસે આવ્યો. જેવી રીતે ધર્મરાજાએ કહ્યું હતું તેવી રીતે કહ્યું. પછી મગરે પોતાની જેટલી વિદ્યા હતી તે બધી હુનારથીયાને શિખવી. ત્યાંથી તે પ્રેત પાસે આવ્યો. તેનો સંદેશો જેવી રીતે ધર્મરાજાએ કહ્યો તેવી રીતે કીધું. તે સાંભળીને પોતા પાસે જેટલું દ્રવ્ય હતું તેટલું બધું હુનારથીયાને આપ્યું, તેથી તેની મુક્તિ થઈ. આગળ ચાલતાં બ્રહ્મરાક્ષસ પાસે આવ્યો. ત્યારે તેણે પૂછ્યું જે, “શું સમાચાર લાવ્યો?” ત્યારે તેણે કીધું, “તું તારી દીકરીનું દાન કરે તો મુક્તિ થાય.” પછી બ્રહ્મરાક્ષસે પોતાની દીકરી હુનારથીયાને આપી. હુનારથીયો જે વખતે ધર્મરાજા પાસેથી નીકળ્યો તે વખતે ધર્મે કેટલાંક વાહન (દેવતાઈ) તથા ભારે ભારે સોનેરી લીંબુ તથા પાલ તથા રાવટીયો વિગેરે રાવણને ભેટ આપવા સારુ મોકલી હતી. હુનારથીયો કન્યા પામ્યો, દ્રવ્ય પામ્યો તથા વિદ્યા પામ્યો. અને જે વખત લંકાને પાદર આવ્યો તે વખતે દેશાંતરોના રાજા સ્વયંવર વખતે પડાવ નાંખીને લંકાને પાદર પડ્યા હતા. તેવામાં હુનારથીયો સૌની વચ્ચે તે સાહેબી સાથે, વચ્ચે પડાવ નાંખીને રહ્યો. તેની બધી દેવતાઈ સામગ્રી જોઈને બધા રાજાનાં મન ઢીલાં પડી ગયાં જે, “આ કયા દેશનો રાજા છે? કેમ કે આની આગળ આપણી સાહેબી કશા હિસાબમાં નથી.” પછી સવારમાં જ રાવણ સૌ રાજાની તપાસ કરવા નીકળ્યો. તે જોતાં જ હુનારથીયાની સાહેબી તથા રુપ-રંગ જોઈને પોતાના મનમાં એમ થયું જે, “મારે કન્યા તો આને જ આપવી.” પછી રાવણે તે કન્યા હુનારથીયાને આપી અને પોતાના જમાઈને પોતાના ઘરે રાખ્યો. પછી થોડા દિવસ ગયા બાદ બ્રહ્મા રાવણને ત્યાં પધાર્યા. પછી રાવણે બ્રહ્માને કહ્યું જે, “કાં, મહારાજ! તમારા લેખ ખોટા કરી નાંખ્યા કે નહીં?” બ્રહ્મા કહે, “મારા લેખ કોઈ દિવસ ખોટા થાય નહીં.” ત્યારે રાવણ કહે, “ક્યાં હુનારથીયો? એ તો ક્યાંઈ મરી ગયો.” પછી બ્રહ્માએ કહ્યું જે, “આને પૂછી તો જો કે આ કોણ છે?” ત્યારે તેણે કહ્યું જે, “હું હુનારથીયો તે તમારો ચાકર.” પછી રાવણને ઘણો ક્રોધ ઉત્પન્ન થયો, પણ શું કરે? માટે જે વાત બનવાની હોય તે અવશ્ય બને છે. ॥૧૨૦૪॥

બે હંસ હતા તે માનસરોવરથી ઉડ્યા. અને એક મોટું જળાશય હશે ત્યાં તેની પાળ ઉપર મોટો વડ હતો તે ઉપર આવીને નિવાસ કર્યો, પણ વડની નીચે વાઘનો વાસ હતો તેથી ચારે કોર દુર્ગંધ આવે. હંસે વિચાર કર્યો જે, “જળાશય સારું છે અને છાયા પણ સારી છે પણ આ વાઘને જો ધીમે ધીમે સમજાવીયે તો આપણને રહેવાનું સુખ આવે.” પછી વાઘ જ્યારે વડ નીચે બેસે ત્યારે બન્ને હંસ બોલે જે, “તમો તો પશુમાત્રના રાજા કહેવાઓ. માટે સર્વે તમારી પ્રજા કહેવાય. જેમ પુત્રની રક્ષા કરો છો તેમ સર્વ પ્રાણીમાત્રની રક્ષા કરવી જોઈએ. પણ તમારે આહાર કરવો હોય તો પોતાને જોઈએ તેટલી જ હિંસા કરવી.” એમ ઘણાક દિવસ ઉપદેશ કરતાં તે વાઘ પોતાને જોઈએ તેટલી જ હિંસા કરે પણ વધારે હિંસા કરે નહીં. પછી હંસે જાણ્યું જે, “આટલો તો નિયમમાં આવ્યો. પછી હંસે વાઘને કહ્યું જે, “ઘાસ ખાઈને પોતાના દેહનો નિર્વાહ થઈ શકે.” એમ ઘણાક દિવસ ઉપદેશ કરતાં વાઘના મનમાં એમ થયું જે, “અહીંયાં આપણે પાપ કરીએ છીયે તેનું ફળ પરલોકમાં ભોગવવું પડશે. માટે ઘાસ ખાઈને રહેવાય તો ઠીક.” એમ વાઘને ધીમે ધીમે હિંસા કરતો અટકાવ્યો અને તે કોઈ જીવ પ્રાણીમાત્રની હિંસા કરે નહીં ને તેનો ત્રાસ રહ્યો નહીં. પછી હંસે વાઘને કહ્યું જે, “તમને એક ગુરુ કરી દઈએ.” પછી નજીકમાં એક ગામ હતું, ત્યાં બન્ને હંસ ગયા. ત્યાં જઈને ત્યાં કોઈક બ્રાહ્મણ હશે તેને મળ્યા. તેને કહ્યું જે, “મહારાજ! અમારી સાથે ચાલો. તમને એક શિષ્ય સોંપવો છે.” બ્રાહ્મણ હંસની સાથે તેને સ્થાનકે ગયો. આગળથી હંસે વાઘને સમજાવ્યો જે, “આ બ્રાહ્મણ આવે છે તે તમારો ગુરુ છે. તમે ગુરૂ તરીકે માનજો અને તમને ઉપદેશ કરે ત્યારે દક્ષિણા પણ આપજો.” પછી જ્યાં નજીક આવ્યો ત્યાં વાઘ આળસ મરડીને બેઠો થયો એટલે બ્રાહ્મણના મનમાં ત્રાસ ઉત્પન્ન થયો. ત્યારે હંસે કહ્યું જે, “મહારાજ! બીશો નહીં અને અમારી સાથે ચાલો.” પછી બ્રાહ્મણને ભાળીને વાઘ પગે લાગ્યો અને તેની પાંચ પ્રદક્ષિણા ફર્યો અને તેના પગની રજ લઈને માથે ચડાવી. પછી વાઘે કેટલાક રાજાઓની હિંસા કરેલી તેના દાગીના લાવીને બ્રાહ્મણને અર્પણ કર્યા. બ્રાહ્મણ દક્ષિણા લઈને ચાલતો થયો. હંસે કહ્યું જે, “મહારાજ! તમારે વરસ દહાડે આવીને આ વાઘને ઉપદેશ કરી જવો અને તે પોતાની શ્રદ્ધા પ્રમાણે તમને દક્ષિણા આપશે.” પછી બ્રાહ્મણ પોતે ઘરે ગયો અને થોડા દિવસ હંસ ત્યાં રહીને પાછા ચાલ્યા ગયા. વાઘ તો જેટલું પોતાને જોઈએ તેટલો ઘાસનો ખોરાક ખાઈને સુઈ રહેતો. પછી કાગડા તથા સમળીયો તથા શિયાળીયાં વિગેરે જાનવરોએ ભેગાં થઈને વિચાર કર્યો જે, “આ વાઘ જેવું જાનવર ઘાસ ખાય છે તે શું? માટે તેનો તપાસ આપણે કરવો.” પછી સૌ મળીને વાઘને કહેવા લાગ્યા જે, “તમે તો પશુ પક્ષીના રાજા કહેવાઓ છો અને તમારી પાછળ તો અમારા જેવા હજારોનો નિર્વાહ થાય. માટે તમે ઘાસ ખાઓ છો તે બહુ જ ખોટું કહેવાય.” એમ વારે વારે કેટલીક વખત તેવા શબ્દો કહેવા લાગ્યા તેથી તે વાઘ પ્રથમ હિંસા કરતો તેથી બમણી હિંસા કરવા લાગ્યો. એમ કરતાં પેલો બ્રાહ્મણ એક દિવસ વાઘને ઉપદેશ કરવા આવ્યો. પછી તે બ્રાહ્મણને ભાળીને તે વાઘ આળસ મરડીને બેઠો થયો અને બ્રાહ્મણની સામો જઈને પગે લાગ્યો અને અને પાંચ પ્રદક્ષિણા પણ ફર્યો અને તેના પગની રજ લઈને માથે ચડાવી. પછી શિયાળીયાં વિગેરે બોલ્યાં જે, “આ કોણ છે?” ત્યારે વાઘે કહ્યું જે, “આ મારો ગુરુ છે.” ત્યારે શિયાળીયાં બોલ્યાં જે, “પાંચ આંટા ફર્યો તથા તેની આગળ આળોટ્યો. વળી ધૂળ લઈને માથે ચડાવી; એ તમે શું કર્યું?” વાઘ કહે, “એ મારો ગુરૂ છે. તેના પગની રજ માથે ચડાવીયે તો પવિત્ર થઈએ.” ત્યારે શિયાળીયાં બોલ્યા જે, “રજ માથે ચડાવવાથી પવિત્ર થવાતું હોય તો આખાને આખા ગળી જઈએ તો કેવા પવિત્ર થઈએ?” પછી વાઘ બ્રાહ્મણને થાપ મારીને મારી નાંખીને ખાઈ ગયો. ત્યારે શિયાળીયાં વગેરેને શાંતિ થઈ. માટે હંસ જેવા જો સત્પુરૂષ મળ્યા તો પાપ કરતાં અટકાવ્યો ને શિયાળીયાં વિગેરે જેવા અસત્પુરૂષ મળ્યા તો પાપનો વધારો કર્યો માટે હંમેશા સત્પુરૂષનો સંગ કરવો. ॥૧૨૦૫॥

એક બાવો હશે તે વગડામાં ત્રણ ગાઉને તરભોટે રહેતો અને ત્યાં એક વડ વાવ્યો હતો. પછી ત્યાં વનમાં ફરતાં ફરતાં મહારાજ પધાર્યા હતા. પછી મહારાજે બાવાને પૂછ્યું જે, “બાવાજી, અહીંથી ગામ કેટલેક દૂર છે?” બાવોજી કહે, “મહારાજ! તીન કોસ દૂર છે.” મહારાજ કહે, “ત્યાં ગામમાં રહો તો?” બાવોજી કહે, “મેરે બેટે, બડ બોયા હે તીનકું છોડકે જા નહીં સકતા.” માટે જીવ એવો બદ્ધ છે કે વૃક્ષમાં પણ બંધાઈ જાય છે. ॥૧૨૦૬॥

એક બાવો હતો તે નિરંતર પોતાના શિષ્યોને કહેતો જે, “હું જ્યારે મરીશ ત્યારે દેવનાં નગારાં વાગશે, માટે તમે સૌ ધ્યાન રાખજો.” પછી તે બાવાનું ભવિષ્ય થયું ત્યારે તેનો જીવ બોરમાં પેશી ગયો. પછી તેને અગ્નિસંસ્કાર કરીને આવ્યા ત્યારે તેના શિષ્યે કહ્યું જે, “આપણા ગુરુ કહેતા હતા કે હું જ્યારે મરીશ ત્યારે દેવનાં નગારાં વાગશે માટે તે તો કાંઈ વાગ્યાં નહીં.” અને આપણા ગુરુ તો કોઈ દિવસ મિથ્યા બોલે તેવા નહોતા.” પછી એક દિવસ તેનો શિષ્ય તો બોરડી નીચે ખાટલો ઢાળીને સુતો હતો. તેવામાં તેની દૃષ્ટીએ એક મોટું પાકેલું બોર નજરે પડ્યું. પછી બાવે તે બોરને નીચું પાડીને સુધાર્યું. એટલે તેમાંથી એક મોટી ઈયળ નીકળી અને ત્યાં હેઠી પડી ત્યાં તો તરફડીને મરી ગઈ. તે વખતે દેવનાં નગારાં વાગવા લાગ્યાં. ત્યારે શિષ્યોએ જાણ્યું જે, “હવે આપણા ગુરુ સ્વર્ગલોકમાં સિધાવ્યા.” માટે આ જીવ તો બોરમાં બંધાઈ જાય તેવો છે. ॥૧૨૦૭॥

ગીંગાને ને ભમરાને ભાઈબંધાઈ થઈ. પછી ભમરે ગીંગાને કહ્યું જે, “આજ તો મારા બગીચામાં ચાલ્ય. તને લઈ જાઉં.” ગીંગો કહે કે, “તારો બગીચો મારા જેવો છે?” ભમરો કહે, “મર્ય, મૂરખ! તમારા જેવો તે હોય? મારા બગીચામાં ગુલાબ, મોગરો, જાઈ, જુઈ વિગેરે કેવાં સુગંધીમાન પુષ્પ છે.” પછી ભમરો ગીંગાને સાથે તેડી ગયો પણ ગીંગો પોતાના નાકમાં વિષ્ટાની ગોળીયો લેતો ગયેલો. તેથી બીલકુલ તેને પુષ્પમાં સુગંધ આવતી નહોતી. પછી ભમરે પૂછ્યું, “કેમ, ભાઈ! કેવી સુગંધ છે?” ગીંગો કહે, “મારા જેવી છે.” પછી ભમરાએ પાસે એક સરોવર હતું, તેમાં લઈ જઈને ખૂબ નવરાવ્યો અને સારી પેઠે નાક છીકાવ્યું, પછી મોગરાના પુષ્પ ઉપર લઈ જઈને બેસાડ્યો. ત્યારે તેને સુગંધ સારી લાગી. તેથી ગીંગો બોલ્યો જે, “ભાઈ! તારા બગીચાની સુગંધ તો સારી છે.” તેમ આ જીવને સત્પુરુષ ઉપદેશ કરે છે પણ જીવ વિષયરુપી ગોળીઓનો ત્યાગ કરતા નથી અને જ્યારે તેને ખરેખરા સત્પુરુષ મળે અને તેના વિકાર ટળી જાય ત્યારે તેને સંત જે કહે તે વાત ગળે ઉતરી જાય છે. ॥૧૨૦૮॥

એક રાજાનું લશ્કર ચાલ્યું જતું હતું. ત્યાં રસ્તામાં એક સુરદાસ બેઠો હતો. તે સૌની આગળ રસ્તે રાજાનાં ગોલાં નીસર્યા. તેણે સુરદાસને કહ્યું જે, “એ આંધળા! આ મારગ ક્યાં જશે?” પછી કારભારી નીકળ્યા તેણે પૂછ્યું જે, “સુરદાસ! આ મારગ ક્યાં જશે?” પછી રાજાની સ્વારી નીકળી તેણે પૂછ્યું જે, “સુરરાજ! આ મારગ ક્યાં જશે?” ત્યારે સુરદાસ બોલ્યો જે, “આગળ ગોલાં ચાલ્યાં જાય છે. તેની પછી કારભારી ચાલ્યા જાય છે અને સૌની પાછળ રાજા જાય છે.” ત્યારે રાજાએ પૂછ્યું જે, “બાવાજી! શી રીતે તમે જાણ્યું?” ત્યારે સુરદાસ બોલ્યો જે, “તે સૌની બોલી ઉપરથી મેં જાણ્યું છે.” માટે માણસની પરીક્ષા વચન ઉપરથી થાય છે. ॥૧૨૦૯॥

ગામ કથીવદરનો લાખોભાઈ કરીને આયર હતો. મેં તેને પૂછ્યું જે, “લાખાભાઈ! કોઈ ગુરૂ કર્યા ગુરૂ?” લાખોભાઈ કહે, “હા, આ ડુંગરામાં ભડકણદાસ બાવો રહે છે તેને ગુરૂ કર્યા છે.” પણ જરા ચાલ્ય કડવા તો છે તે શું કે બહાર ચલ્લા છે. પછી તેને મેં વાતો કરીને સત્સંગી કર્યો કેમ કે જેનું નામ ભડકણદાસ હોય તે શું સુધારે? ॥૧૨૧૦॥

એક વખત પાંડવો વનમાં ગયા હતા. ત્યાં પાંચે ભાઈ તરસ્યા બહુ જ થયા. પછી ધર્મે નકુળને પાણી લેવા મોકલ્યો. તે સમે એક મોટું સરોવર હતું. ત્યાં ગયા અને જ્યાં પાણી લેવા ગયા, ત્યાં સરોવરના ધણીયે કહ્યું જે, “આ ઘોડો ફેરવી આવીને પછી પાણી પી.” નકુળ ઘોડેસ્વાર થયો એટલે ઘોડો આકાશ મારગે ઉડ્યો અને પૂર્વ દિશામાં ગયો. ત્યાં એક ગાય વીયાણી હતી તે વાછડીને તે ગાય ધાવતી હતી. તે જોઈને નકુળને બહુ આશ્ચર્ય થયું જે, “વાછડી ગાયને ધાવે પણ ગાય વાછડીને ધાવે છે તે શું છે?” પછી તે ઘોડો પાછો ફર્યો ને સરોવરને કાંઠે આવ્યો પછી નકુળને પૂછ્યું જે, “તેં શું જોયું?” નકુળે બધી વાત કરી. ત્યારે તેણે કહ્યું જે, “તેનો ઉત્તર કર્ય.” નકુળ કહે, “મને આવડે નહીં.” ત્યારે તેણે કહ્યું જે, “આંહી બેસ.” પછી તેને વાર લાગી જાણીને ધર્મે સહદેવને મોકલ્યા. સહદેવ આવ્યા પછી તેને કહ્યું જે, “આ ઘોડો ફેરવી આવ્યા પછી પાણી પી.” પછી સહદેવ ઘોડા ઉપર સ્વાર થયા એટલે ઘોડો આકાશ માર્ગે ઉડ્યો જે પશ્ચિમ દિશામાં ગયો ત્યાં સહદેવે એવું જોયું કે, “નાના પાણા મોટા પાણા સાથે ઘડોઘડ ભટકાય.” તે જોઈ સહદેવને આશ્ચર્ય થયું જે, “આ શું?” પછી ઘોડો પાછો સરોવરને કાંઠે આવ્યો. ત્યારે સરોવરના ધણીયે પૂછ્યું, “તેં શું જોયું?” સહદેવ કહે, “મોટા મોટા પાણા સાથે નાના પણા અથડાતા હતા તે જોયું.” ત્યારે તેણે કહ્યું જે, “તેનો ઉત્તર કર્ય.” સહદેવ કહે, “તેનો ઉત્તર મને આવડે નહીં.” ત્યારે કહ્યું જે, “આંહી બેસ.” પછી તેને આવતાં વાર લાગી જાણીને ધર્મે અર્જુનને મોકલ્યા. અર્જુન સરોવરમાં પાણી પીવા લાગ્યો તે વખતે કહ્યું જે, “આ ઘોડો ફેરવી આવીને પછી પાણી પીઓ.” પછી અર્જુન ઘોડે સ્વાર થઈને ઉત્તર દિશામાં ગયા. ત્યાં એક મોટા પર્વત ઉપર હંસ બેઠા બેઠા કાગડાની સ્તુતિ કરે, તે જોઈ અર્જુનના મનમાં એમ થયું જે, “કાગડાની હંસ સ્તુતિ કરે છે તે શું?” પછી ઘોડા સાથે પોતે સરોવરમાં આવ્યા અને અર્જુનને પૂછ્યું, “તે શું જોયું?” ત્યારે અર્જુને કહ્યું જે, “હંસ કાગડાની સ્તુતિ કરતા હતા, તે મેં જોયું.” પછી ઘોડા સાથે પોતે આશ્રમમાં આવ્યા અને અર્જુનને પૂછ્યું, “તે શું જોયું?” ત્યારે અર્જુને કહ્યું જે, “હંસ કાગડાની સ્તુતિ કરતા હતા તે મેં જોયું.” ત્યારે તેણે કહ્યું જે, “તેનો ઉત્તર કર્ય.” ત્યારે તેણે કહ્યું જે, “તેનો ઉત્તર મને આવડે નહીં.” ત્યારે તેણે કહ્યું જે, “આંહી, બેસો.” તેમને આવતાં વાર થઈ એટલે ધર્મે ભીમને મોકલ્યા. તેમણે આવીને તે સરોવરમાં પાણી પીવા માંડ્યું ત્યારે કહ્યું જે, “આ ઘોડી ફેરવી આવીને પાણી પીવો.” પછી ભીમ ઘોડે સ્વાર થયા. એટલે ઘોડો દક્ષિણ દિશામાં ગયો. ત્યાં ગામને પાદર કુવા ઉપર બાઈયો પાણી ભરતી હતી. તે એક ઘડે કરીને ચાર ઘડા ભર્યા અને ચાર ઘડે એક ઘડો ભરાણો નહીં. તે જોઈ ભીમના મનમાં આશ્ચર્ય થયું જે, “એક ઘડો ભરાણો નહીં એ શું?” પછી ઘોડો પાછો ફેરવી તે સરોવર આવ્યો. પછી ભીમને પૂછ્યું, “તે શું જોયું?” ભીમે બધી વાત કરી. ત્યારે તેણે કહ્યું, “આનો ઉત્તર કર્ય.” પણ ભીમને આવડ્યો નહીં. ॥૧૨૧૧॥

પછી ચારે ભાઈયોને આવતાં વાર લાગી તે જાણી ધર્મ ત્યાં ગયા. પછી ધીર્મે તે દેવને પૂછ્યું જે, “તે મારા ભાઈયોને કેમ બેસાર્યા છે?” પછી તે દેવ બોલ્યા જે, “તમારા ભાઈયોને પ્રશ્નના ઉત્તર આવડ્યા નહીં તેથી બેસાર્યા છે.” ત્યારે તે વખતે ધર્મે નકુળને પૂછ્યું, “તે શું જોયું?” નકુળ કહે, “ગાય વિયાણી ને તે ગાય વાછડીને ધાવતી હતી.” ધર્મે કહ્યું જે, “ભાઈ! હવે કલિયુગ આવશે. તે દીકરીને પૈસે બાપ હશે તે પરણશે. એ ગાય વાછડીને ધાવી કહેવાય.”

પછી સહદેવને પૂછ્યું, “તે શું જોયું?” સહદેવ કહે, “નાના પાણા મોટા પાણા સાથે અથડાતા હતા.” ધર્મે કહ્યું, “હવે કલિયુગ આવશે ને દીકરો હશે તે પોતાના બાપને ન કહેવાના કઠોર વચન કહીને સંતાપશે. એ નાના પાણા મોટા પાણા સાથે અથડાણા કહેવાય.” ॥૧૨૧૩॥

અર્જુનને કહ્યું, “તે શું જોયું.” અર્જુન કહે, “હંસ કાગડાની સ્તુતિ કરતા હતા.” ધર્મે કહ્યું, “હવે કલિયુગ આવશે ત્યારે બ્રાહ્મણ ઉત્તમ વર્ણ હશે, તે નીચ વર્ણની સ્તુતિ કરશે અને તેની સેવા ચાકરી કરશે. તે હંસે કાગડાની સ્તુતિ કરી કહેવાય.” ॥૧૨૧૪॥

પછી ભીમને પૂછ્યું, “તે શું જોયું?” ભીમે કહ્યું જે, “એક ગામને પાદર એક બાઈ કુવામાંથી પાણી ભરતી હતી તે એક ઘડે કરીને ચાર ઘડા ભર્યા, પણ ચાર ઘડે કરીને એક ઘડો ભરાણો નહીં.” પછી ધર્મે કહ્યું જે, “હવે કલિયુગ આવ્યો. તે એક પુરુષને ચાર દીકરા હશે અને તે ચારેને પરણાવશે અને ડોસો જ્યારે ઘરડો થશે ત્યારે તેના ચારે દીકરા તેના ડોસાને ખાવા માટે વારા કરશે કેમ કે એક પુરુષે ચારેનું પોષણ કર્યું પણ ચારથી ડોસાનું ભરણ પોષણ થાતું નથી.” એ વિગેરે ઉત્તર સાંભળીને તે દેવ રાજી થયા. અને પછી પાંચે ભાઈઓ પાણી પીઈને પોતપોતાને રસ્તે ચાલતા થયા. ॥૧૨૧૫॥

એક વણઝારો હતો. તેની સાથે એકસો પોઠીયા હતા. તેમાં નવાણું પોઠીયા રાત્રીએ થાકેલા હતા તેથી બેસી ગયા, પણ એક લુલીયું ત્રણ ટાંગીયું પોઠીયું હતુ તે બેસે નહીં. પછી વણઝારે પોતાના ચાકરોને હુકમ કરેલો જે, “ખબરદાર, જો કોઈ પોઠીયું આમાંથી આઘું-પાછું જાશે, તો તમારો પગાર કાપી લઈશ.” પછી નવાણું પોઠીયા તો બેસી ગયા પણ લુલીયું ત્રણ ટાંગીયું પોઠીયું બેસે નહીં. તેથી સૌ નોકરોએ ભેગા થઈને વિચાર કર્યો જે, “આ લુલીયું ત્રણ ટાંગીયું પોઠીયું છે તે ઠીંગતું ઠીંગતું ક્યાંક જતું રહેશે તો આપણો પગાર કાપી લેશે. માટે આપણે સૌ મળીને તેને હેઠું પાડીને બેસારી દઈયે અને પછી આપણે સૌ સુઈ જઈયે.” પછી ત્રણ પગે ઝાલીને જ્યાં નીચું પાડ્યું ત્યાં તેનો ધબકારો લાગ્યો એટલે નવાણું પોઠીયાં બેઠાં હતાં તે ઉભા થઈ ગયાં. હવે એ નવાણું પોઠીયા ક્યારે બેસે અને તેને સૂવાનો વખત મળે. એ તો દૃષ્ટાંત છે પણ તેનો સિદ્ધાંત એ છે જે સર્વે ઇન્દ્રિયો શાંતિ પામે છે પણ એક મન છે તે લુલીયા પોઠીયા જેવું છે. તેને જે શાંત પમાડે તો સુખેથી પ્રભુ ભજાય અને જો તે મન નિયમમાં ન હોય તો બધી ઇન્દ્રિયો ચંચળ થઈ જાય. ॥૧૨૧૬॥

એક મોટું શહેર હશે ત્યાં મોટી મોટી રૂની મીલો હશે. ત્યાં કેટલીક ગામની બાઈયો છાણા વિણવા ગઈ હતી. તેમાં એક બાઈ હશે તેને એમ થયું જે, “આ રૂના ઢગલા છે તે ક્યારે પિંજશે અને ક્યારે કાંતશે.” એમ મનમાં સંકલ્પ કરીને બોલવા લાગી જે, “કબ પિંજેગા” “કબ કાંતેગા” “કબ વણેગા” અધધધધ એમ બોલતાં બોલતાં ચિત્ત ભ્રમ થઈ ગયું એમ અહોનીશ તે જ શબ્દ બોલ્યા કરે. પછી તેના દીકરાઓએ કેટલાક વૈદ તથા ડોક્ટરોને બોલાવ્યા પણ કોઈ કારી ફાવી નહીં અને ડોશી તો તે જ શબ્દ બોલ્યા કરે. પછી કોઈ અનુભવી માણસ મળ્યો. તેણે ડોશીના બોલ ઉપરથી જાણ્યું જે, “ડોશીયે ક્યાંક રૂના ઢગલા દીઠા છે તેથી ડોશીને આમ થયું છે.” પછી તેણે ડોશીને એક ઘરમાં પુરીને કહ્યું જે, “ડોશીમા! તે ઢગલામાં આગ્ય લાગી તે બધું બળી ગયું.” તે સાંભળીને ડોશી બોલી જે, “હેં શું? બધું બળીને ખાખ થઈ ગયું.” તે સાંભળી ડોશીનું ચિત્ત ઠેકાણે આવી ગયું. તેમ સાંખ્ય વિચાર શિખવે ત્યારે જ તેનું ચિત્ત ઠેકાણે આવે. ॥૧૨૧૭॥

ખેતો ને ભીમો કચ્છી – બે ભાઈ ગઢપુરમાં રહેતા હતા. તે દીવો ઓલવીને રાત્રે દળવા બેઠો ને ઘંટી ફેરવતા જાય પણ ઘંટીમાં બિલકુલ બાજરો નાંખે નહીં. બાજરો પોતાના મોઢામાં નાંખતા જાય ને ઘંટી ફેરવતા જાય. ખેતો જાણે જે, “ભીમો ઘંટીમાં બાજરો ઓરતો હશે.” ને ભીમો જાણે જે, “ખેતો ઘંટીમાં બાજરો ઓરતો હશે.” કારણ અંધારે ભળાય નહીં ને ઘંટી તો બન્ને બાળ બ્રહ્મચારી જોરથી ખાલી ઘંટી ઘમઘમાવ્યે ગયા. ને બાજરો મોઢામાં ઓરતા ગયા એટલે બાજરો ખલાસ થતાં સુંડલીમાં હાથ ઘસાણા એટલે બાજરો દળાઈ રહ્યો. એમ ધારી બન્ને ભાઈયે ઘંટી બંધ રાખી ને ખેતો બોલ્યો જે, “ભીમા! તું પાણી ભરી આવ્ય ને હું લોટ ઉઘરાવીને દેવતા કરું તે રોટલા કરીયે.” ભીમો બોલ્યો, “અલ્યા, ખેતા! મેં તો બધો બાજરો મારા મોઢામાં ઓર્યો છે. ઘટીમાં કાંઈ ઓર્યું નથી.” ત્યારે ખેતો બોલ્યો, “ભીમા! મેં પણ તારી પેઠે જ કર્યું છે.” તે નાહક ઘંટીના પડ ફેરવ્યા ને તે કાચો બાજરો ખાધેલો પચી ગયો ને ભૂખ્યા નરા લવા થઈ ગયા. તેમ આ જીવ આ રત્ન ચિંતામણી મનુષ્યજન્મ રાત્રીદિવસારુપી ઘંટીના પડમાં પરમાત્માનું ભજન કર્યા સિવાય કેવળ નાશવંત દેહ તથા નાશવંત સગા સંબંધીના ભરણ-પોષણમાં અધર્મે ચાલી જિંદગી નકામી ગુમાવી લખ ચોરાશીને પામે છે. ॥૧૨૧૮॥

પરમેશ્વરે તો આપણને દયા કરીને આ જીવાત્માનું મોટે ઘરે સગપણ કર્યું એટલે ભરતખંડમાં સત્સંગના મધ્યમાં મનુષ્યના જન્મમાં સગપણ કર્યું પણ બૈરાંના ગીત પેઠે થયું જે મોટાં મોટાં ઘર જોઈ અમે ફલાણી બા પરણાવ્યા:

‘જાણ્યો તો સોનાનો ને નીકળ્યો પીતળનો,

જાણ્યો તો લાખનો ને નીકળ્યો કાખનો,

જાણ્યો તો હજારને ને નીકળ્યો બજારનો.’

આ પ્રમાણે પરમાત્માની દયાનો પાર નથી. જીવની અવળાઈનો સાર નથી. ॥૧૨૧૯॥

કઠણ વચન કહું છું રે કડવા ક્રાંકચ્ય રુપ,

દરદીને ઔષધ દઉં છું રે સુખ થાવા અનુપ,

ખરે મને જે જન ખવશે રે આવું જે ઔષધ,

જીરણ રોગ તેનો જાવશે રે સુખી થાશે સદાય.

માટે સત્પુરુષો તો ભગવાન ભજવા સત્ય, શૌચ, તપ અને દયા – એ ચાર ધર્મના પગ રોપવા પૂરો પ્રયાસ કરે છે પણ માયાથી અવરાયેલ જીવને અવળું જ પડે છે. ॥૧૨૨૦॥

હંમેશાં જગતને ને ભક્તને વૈર છે:

જગતડાં કહે છે રે ભગતડાં ભૂંડા છે પણ ભગતડાંના રે મૂળ અતિ ઉંડા છે,

જગતડાં કહે છે રે ભગતડાં કાળાં છે પણ ભગતડાં રે પ્રભુજીને વાલાં છે,

જગતડાં કહે છે રે ભગતડાં પાજી છે પણ ભગતડાં ઉપર રે પ્રભુજી રાજી છે,

જગતડાં કહે છે રે ભગતડાં દીંગા છે પણ ભગતડાં રે પ્રભુજી રે ત્યાં મોંઘાં છે. ॥૧૨૨૧॥

અને કોઈક ગામમાં એક ખેડુ દિવસ બધો ખેતી કરીને સાંજે ઘરે આવ્યો. તે દિવસે તેની સ્ત્રીને વિચાર થયો જે, “લાવ્યને આજ તો સેવ કરું!” પછી બાઈએ સેવ રાંધીને તેની થાળી ભરીને તેના પતિ આગળ મેલી. આ તો દિવસ બધાનો ભૂખ્યો હતો તેથી આખી સેવની ભરેલી થાળી લુસલુસ ખાઈ ગયો. અને બાઈ કાંઈક કામ પ્રસંગે બહાર ગયેલી પછી તે કણબી વાળુ કરીને બહાર નીસર્યો. ત્યારે તેની સ્ત્રીએ પૂછ્યું જે, “કાં આજ ઠીક પડ્યું ના?” ત્યારે કણબી કહે, “એમાં ઠીક શું પડવું તું? નિત્ય ધાન ખાઉં છું તેમ આજ પણ ધાન ખાધું!” બાઈ કહે જે, “આજ ધાન ક્યાં હતું? આજ તો સેવ રાંધી હતી!” ખેડુ કહે કે, “મર્ય, રાંડ! મને વહેલું કહેવું હતું ને! નીકર ઠીક કરીને ખાત તો ખરો!” જોને થાળી ભરીને સેવ ખાઈ ગયો તો પણ ગળ્યું છે કે ખારું છે કે મીઠું છે તેની કાંઈ ખબર પડી નહીં! એવો આ જીવને સંસારનો વેગ લાગ્યો છે. ॥૧૨૨૨॥

બે ભાઈબંધ હતા. તે પરગામ જઈને કોઈકને ઘરે મેમાન થયા પછી તે ઘરધણી બાઈએ સેવ રાંધી અને રાત્રે તે બે જણા જમવા બેઠા. અને બાઈ એક તાંસમાં સેવ ભરીને પીરસવા આવી એટલે તે સેવ એકનાં ભાણામાં લપશી પડી. ત્યારે તે બોલ્યો જે, “બસ બસ હવે આપણે તો નહીં જોઈએ.” પછી બાઈ રસોડામાં જઈને વિચાર કરવા લાગી કે, “બીજા પરોણાને મારે શું આપવું?” ત્યારે પડખે બેઠેલો માણસ કાંઈક વિવેકી હતો એટલે તેણે બાઈને કહ્યું જે, “બા, મારે સેવની બાધા છે! માટે ઘરમાં જે હોય તે લાવો.” ત્યારે સેવવાળો બોલ્યો જે, “હે, ભાઈ! તારે કયે દિવસની બાધા છે?” ત્યારે તેણે કહ્યું જે, “હું જ્યારથી તારી સાથે ચાલ્યો ત્યારથી મેં બાધા લીધી છે જે મારે સેવ ન ખાવી!” એમ કહીને તેણે સમાધાન કર્યું. માટે જ્યાં મેમાન પરોણા થાવું ત્યાં ખાવા-પીવામાં તથા બોલવા-ચાલવામાં ઘણોક વિવેક રાખવો જોઈએ. ॥૧૨૨૩॥

એક બ્રાહ્મણ હતો. તે પોતાના સગાવહાલાંને ત્યાં મેમાન થયો હશે. પછી તે ઘરધણીએ તેના માટે ચુરમાના આઠ લાડુ કરાવ્યા. પછી તેને જમવા માટે બોલાવ્યો. પછી બ્રાહ્મણ નહાઈ-ધોઈને વિષ્ણુને જમાડવા બેઠો. ત્યારે તે ઘરધણી બાઈએ તેના છોકરાને કહ્યું જે, “આવો તમે મેમાન ભેળા જમી લ્યો.” ત્યારે બ્રાહ્મણ કહે કે, “છોકરાને શા માટે બોલાવો છો?” બાઈ કહે, “તમારા ભેગા જમવા માટે!” બ્રાહ્મણ કહે, “લાડવા તો આ છે એ જ કે બીજા છે?” ત્યારે બાઈ કહે, “તેટલા છે.” ત્યારે બ્રાહ્મણ કહે કે, “બે તો મને પીરસશો બે લાડુ તમે તાણ્ય કરીને દેશો અને બે લાડુ ઠાકોરજીની પ્રસાદીના અને બે લાડુ હું માગીને લઈશ! માટે છોકરાને ખવરાવા હોય તો ખવરાવો!” પછી છોકરાઓને બાઈએ ના પાડી જે, “તમે પાછળથી જમવા આવજો.” માટે વિવેક હોય તો ફરી કોઈ જમવાનું કહે નિકર ફરી કોઈ જમવા બોલાવે નહીં. ॥૧રર૪॥

એક બ્રાહ્મણ કોઈકને ત્યાં મેમાન થયો હશે. પછી તેણે પોતાના ખડીયામાંથી નાની નાની ચીંથરીયું કાઢવા માંડી. પછી ધણીયે જાણ્યું જે, “મહારાજ ખડીયામાંથી કાંઈક ઘી-સાકર કાઢે છે. તે આપણે લાડુ કરીને જમાડીયે.” એમ કરતાં કરતાં બ્રાહ્મણે દશ વીશ ચીંથરીયો કાઢી. તેમાંથી એક ખસખસની ચીંથરી છોડીને તે ઘરધણીને આપી અને કહ્યું જે, “લ્યો આમાં જે ઉપયોગ આવે તે કરો!” ઘરધણી સમજી ગયો કે, “આ તો લાડવા ઉપર ચોપડાય બીજે કામ આવે નહીં.” પછી નહી શ્રદ્ધાયે લાડવા કરવા પડ્યા.॥૧૨૨૫॥

એક બ્રાહ્મણ સંન્યાસી થયો હતો. તે ઘણાક વરસ સુધી કાશી ક્ષેત્રમાં નિવાસ કરીને રહ્યો. પછી પોતાના મનમાં સંસારની વાસના ઉત્પન્ન થઈ તેથી જાણ્યું જે, “ચાલને મરતાં જીવતાં એક વખત ઘરવાળી તથા છોકરાનાં મોઢાં તો જોઈ આવું!” પછી તે ચાલતાં ચાલતાં પોતાના ગામને પાદર તળાવને કાંઠે વડના વૃક્ષ નીચે દેરો નાંખીને બેઠો. તેવા સમામાં તેની સ્ત્રી તળાવે પાણી ભરવા આવી હતી તેણે નિરીક્ષણ કરીને તે સંન્યાસી બાવાને જોયો એટલે બાઈને માલુમ પડ્યું જે, “આ તો મારા સ્વામીનાથ છે!” અને સંન્યાસીને પણ બાઈને જોઈને નક્કી થયું જે, “આ તો મારી સ્ત્રી જણાય છે!” પણ એક બીજાનાં નેણાંનો મેળાપ થયો પણ લોકલજ્જાથી વાત થઈ શકી નહીં, કેમ કે નોખા પડ્યે બહુ જ વરસ થયેલ પણ વાસનાએ સંયોગ મેળવી દીધો. તેથી બાઈએ ઘરે જઈને પોતાના છોકરાને કહ્યું જે, “તળાવને કાંઠે સંન્યાસી બાવો ઉતર્યો છે તેને આપણે ઘરે જમવાનું કહી આવ્ય!” અને સંન્યાસી બાવો તો વાટ જોઈને બેઠા હતા જે કોઈક બોલાવા આવે તો ઘરે જાવું. પછી છોકરે કહ્યું જે, “મહારાજ! તમારે મારે ઘરે જમવા આવવાનું મારી માએ આમંત્રણ કર્યું છે!” ત્યાં તો સંન્યાસી બાવો તે સાંભળીને તરત તે છોકરાની સાથે તેને ઘરે પધાર્યા અને ત્યાં જઈને ખીલીયે ખડીયો ભરાવીને ચાકળો નાંખી દીધો તે ઉપર બેઠા. બાઈના ઘરની બહુ જ દુર્બળ સ્થિતિ હતી. તેથી મા દીકરો ઘરમાં વાતચીત કરવા લાગ્યાં જે, “સંન્યાસી બાવો પધાર્યા છે પણ તેમને શું જમાડશું?” તે સંન્યાસીએ બહાર બેઠાં બેઠાં બધી વાત સાંભળીને છોકરાને ઘરમાંથી બહાર બોલાવ્યો. પછી પોતાનો ખડીયો ખીલીએથી હેઠો ઉતારીને માંહેથી ઘીની કુડલી કાઢી તથા સાકર કાઢી તથા રવાનો અને મેંદાનો લોટ તથા ઉત્તમ પ્રકારના ચોખા અને તુવેરદાળ તથા નાના પ્રકારનાં મસાલા વિગેરે તમામ ચીજો કાઢીને છોકરાને કહ્યું જે, “આ તારી માને આપ્ય અને આપણા ત્રણે જણા માટે રસોઈ કરો.” પછી રસોઈ કરીને સંન્યાસી મહારાજને જમવા બેસાર્યા. ત્યારે બાઈએ હાથ જોડ્યા જે, “મહારાજ, જેનો ત્યાગ કરવાનો છે તે તો તમે બધું જ રાખો છો અને મારો શો વાંક છે તે તમે મારો એકનો જ ત્યાગ રાખો છો?” પછી સંન્યાસી મહારાજ કહે કે, “ત્યારે તો લ્યો આ રહ્યા!” એમ કહીને પોતાના ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને ઘરે રહ્યો માટે વાસના એવી છે. ॥૧૨૨૬॥

એક બ્રાહ્મણ સંન્યાસી થયો હતો. તેણે કોઈક ગામને પાદર જઈને કહ્યું જે, “આ ગામમાં કોઈ બ્રાહ્મણ છે?” ત્યારે કોઈએ કહ્યું જે, “આ ગામમાં બ્રાહ્મણનું એક ઘર છે.” પછી સંન્યાસીએ તેને ઘરે જઈને કોપીન સુકવી, એટલે બ્રાહ્મણીએ રસોઈ કરીને સંન્યાસી મહારાજને જમવા બેસાર્યા અને જ્યારે અરધુ જમી રહ્યા ત્યારે બ્રાહ્મણીયે હાથ જોડ્યા જે, “મહારાજ! હું છું બ્રાહ્મણી! અને આ છોકરાનો બાપ મુસલમાન છે! તેનો આ છોકરો થયેલો છે તે માટે તેને જનોઈ દઉં કે સુન્નત કરાવીએ?” તે સાંભળી સંન્યાસી વિચારમાં પડ્યો જે, “તું તો છોકરાને ગમે તો જનોઈ દે અને ગમે તો સુન્નત કરાવ્ય પણ પહેલું મારું કર્ય. મારું જે મેં તારા ઘરનું ખાધું એટલે હું મરું ત્યારે મને બાળે કે દાટે?” માટે અજાણ્યાને ત્યાં જ્યારે જાવું ત્યારે ખરી ખાત્રી કરીને પછી તેને ત્યાં ઉતારો કરવો. પહેલો ખર પાણી પીઈને પૂછે ઘર તે પણ ખર, બીજો ખર લગ્ન કરીને જોવે વર તે પણ ખર, ત્રીજો ખર જેઠ મહિને ઉખાળે ઘર તે પણ ખર. ॥૧૨૨૭॥

એક સંન્યાસી હતો તે કોઈક બાઈ હશે તેને ત્યાં આઠ દિવસે અને દશ દિવસે કોપીન સુકવે અને બાઈ જ્યારે સંન્યાસી આવે ત્યારે સારી કઢી ને રોટલી બનાવીને સંન્યાસીને જમાડતી. પછી સંન્યાસી જ્યારે જમવા બેસે ત્યારે બાઈનાં વખાણ કરે જે, “અહો, માઈ! તેરી કાંઈ કઢી. અહો, માઈ. તેરી કાંઈ કઢી!” એમ નિરંતર જ્યારે જ્યારે જમે ત્યારે કઢીનાં વખાણ કર્યા કરે. પછી બાઈએ જાણ્યું જે, “સંન્યાસી કઢીમાં બંધાઈ ગયો છે માટે તેને મારે ઘરે આવતો અળસાવી દઉં તો ઠીક!” પછી એક દિવસ તે બાઈએ પોતાની દીકરી સાથે સંકેત કર્યો જે, “સંન્યાસી જ્યારે જમવા આવે ત્યારે તું મને પુછવા આવજે જે, ‘મા...મા... ગણપતીયો ઝાડે ફર્યો છે. ઠીબડી ક્યાં મેલી છે?’ એમ પૂછજે.” પછી સંન્યાસી જ્યારે જમવા બેઠો ત્યારે તે દીકરી તેની માને પૂછવા લાગી જે, “મા...મા... મારો ભાઈ ઝાડે ફર્યો છે તે ઠીબડી ક્યાં મૂકી છે? ખોરડા ઉપર તો નથી?” તે સાંભળી બાઈ બોલી જે, “બોલ્યમાં બોલ્યમાં, મૂરખી! આજ કાંઈ બીજું હાથ આવ્યું નહીં તેથી તે ઠીબડીમાં સંન્યાસી સારુ કઢી કાઢી છે!” સાંભળીને સંન્યાસી બકારીઉં ખાવા લાગ્યો અને બહુ જ ઉલટી થઈ! અને પછી તેને ઘરે આવતો છાંડી ગયો. માટે બંધન પામવામાં પણ આવાં દુઃખ છે. ॥૧૧૨૮॥

એક મુંડો સંન્યાસી થયો હતો તે કોઈક ગામમાં ગયો. તે ગામમાં એક દરજી બ્રાહ્મણ થયો હતો. તેને ઘરે જઈને ઉતારો કર્યો. તે દરજીયે વેચાણ મોચણ લાવીને ઘરમાં બેસારી હતી. તેને એક દીકરો થયો તે ચમારની દીકરીને લાવ્યો. પછી સાસુ વહુ ઘરમાં વાતો કરવા લાગ્યાં જે, “બાઈજી! તમે રસોઈ કરો!” ત્યારે બાઈજી કહે, “વહુભા! તમે રસોઈ કરો.” ત્યારે સાસુ બોલ્યાં જે, “હું તો મોચણ છું! તે સંન્યાસી મહારાજ અભડાય!” ત્યારે વહુ બોલી જે, “હું તો ચમાર છું!” તે સાંભળીને સંન્યાસી બોલ્યો જે, “હું તો જાતનો મુંડો છું! માટે તમે ગમે તે રસોઈ કરો!” ત્યારે દરજી બોલ્યો જે, “ચમાર મોચણ ને મુંડો તેથી દરજી શે ભૂંડો?” માટે લ્યો હું રસોઈ કરું. ॥૧૨૨૯॥

એક નફટગર કરીને અતીત બાવો હતો. તે પોતાના શિષ્યને પોતાનો ઠાકોરદ્વારો સોંપીને તીર્થયાત્રા કરવા ગયો હતો. નફટગરે પણ હરદ્વાર જેવા તીર્થમાં જઈ ઘણાંક વરસ સુધી નિવાસ કરીને રહ્યો. આંહીંયાં કોગળીયાના રોગથી તેનો ચેલો મૃત્યુ પામ્યો. તેણે પોતાના ચેલાને ગાદીયે બેસાર્યો હતો તે પણ ગાદી ઉપર થોડા વરસ રહીને તે રોગથી મરણ પામ્યો હતો. તેવામાં નફટગરને વિચાર થયો જે, “મારી જગ્યાની ખબર કાઢી આવું. કેમ કે લાખ રૂપિયાની ઈસ્કામત સોંપીને હું આવ્યો છું તેની અત્યારે કેવીક સ્થિતિ છે?” પછી ચાલતાં ચાલતાં ઘણેક દિવસે તે પોતાને ગામ દિવસ અસ્ત પામવા વખતે પહોંચ્યો. તે વખતે જગ્યાનો દરવાજો બંધ કર્યો હતો અને રાત્રી પણ અંધારી હતી. તે વખતે નફટગરે જગ્યાને દરવાજે ઉભા રહીને બૂમ પાડી જે, “દરવાજા ખોલો.” ત્યારે તે જગ્યાનો મહંત બોલ્યો જે, “અત્યારે કોણ છે?” ત્યારે નફટગર બોલ્યો જે, “એ તો હું નફટગર આ જગ્યાનો મહંત છું!” તે સાંભળી માંહેથી મહંત હતો તે બોલ્યો જે, “આ જગ્યાનો મહંત તો હું છું. તું કેવો!” એમ કહીને પોતાના માણસો પાસે ધક્કા મારીને નફટગરને બહાર કાઢ્યો. પછી તે નફટગર બહાર એક ઓટલો હતો, તે ઉપર રાત વાસો સુઈ રહ્યો. પછી સવાર થઈ એટલે ગામના કેટલાક લોક બહાર નીસર્યા અને તેમાં જુનાં વૃદ્ધ માણસો હશે તેણે નફટગરને ઓળખ્યો. તેમણે પૂછ્યું જે, “નફટગર, તમે કેવા?” પછી નફટગર બોલ્યો જે, “હું તો આટલા વર્ષ હરદ્વારમાં નિવાસ કરીને રહ્યો હતો. ત્યાંથી આંહીંયાં આજ રાત્રે આવ્યો એટલે મને ધક્કા મારીને જગ્યામાંથી બહાર કાઢી મૂક્યો.” પછી નફટગર એક સાખી બોલ્યો જે:

નફટ નફટકી ઝાંટમે ભયી ઝાંટ એક ઓર,

તુલસી આ સંસારમેં નહીં નફટકી ઠોર.

પછી ગામના સૌ લોક મળીને નફટગરને જગ્યામાં લઈ ગયા અને નવા મહંતને ઓળખાણ પડાવી. ॥૧૨૩૦॥

એક કણબીએ બ્રાહ્મણ જમાડ્યા. તે બ્રાહ્મણ જમી રહ્યા, પછી પટેલને બોલાવ્યા અને પોતાની સન્મુખ તેને બેસાર્યો અને અંતરવાસ પાઘડીનો છેડો નંખાવ્યો. પછી બ્રાહ્મણ બોલ્યો જે, “આચમન્ પ્રાણાયામ્યમ્.” તે સાંભળીને પટેલ બ્રાહ્મણ સામો તાક્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો જે, “લ્યો, પટેલ! પાણી.” ત્યારે પટેલ બોલ્યો જે, “સબળ જાણ્યું દેવ?” ત્યારે બ્રાહ્મણ બોલ્યો જે, “તમે જમાડો. ત્યારે અમે હાથ જોડ્યમાં નો જાણીએ.” ત્યારે પટેલ કહે, “આકાશમાં ગ્રહણ કળો ત્યારે આ ન કળો? માટે આજ તો પાણી નથી લીધું! લ્યો વાડામાં જઈને લઈ આવું!” એમ કહીને ગોળામાંથી પાણીનો કળશીયો ભરીને વાડામાં જઈને પુંઠ્ય પખાળી આવ્યો. સાખી:

‘કીધું કાંઈ ને સમજ્યા કશું, આંખ્યનું કાજળ લઈને કપાળે ઘસ્યું.’

પાણીનું આચમન લેવાનું કહ્યું ને પુંઠ્ય ધોઈ આવ્યો એવો જીવ છે. ॥૧૨૩૧॥

એક ખેડુ હતો તે ખેતીનું કામ કરતો. તેને બે-ચાર નાનાં નાનાં છોકરાં હતાં એટલે તેની સ્ત્રીને ભાત લઈ જવામાં કોઈક વખત વહેલું-મોડું થઈ જતું એટલે ખેડુત તેને વખતો વખત પજવ્યા કરે જે, “રાંડ! તું વખતસર ભાત લાવતી નથી.” બાઈ કહે, “મારે નાનાં છોકરાં છે તેને સાચવવાં, વળી દુઝાણાં ઢોર દોવાં, માટે હું શી રીતે પરવારીને આવું? અને પાણી ભરું, વાશીદું વાળું ત્યાર પછી રોટલા કરું ને?” એમ બાઈએ ઉત્તર આપ્યો ત્યારે ખેડુએ કહ્યું જે, “દાડીયા લઈને આજ તું ખેતર જા અને હું જોઈએ દસ વાગે ભાત લાવું છું કે નહીં?” બાઈ કહે, “હા, આજ તમે ઘરે રહો અને હું ખેતર જાઉં.” પછી તે બાઈ દોડીયાં લઈને ખેતર ગઈ અને ખેડુ વહેલો ઉઠીને જ્યાં રોટલા કરવા મંડ્યા ત્યાં એક છોકરું રોવા માંડ્યું જે, “આતા! મારે ખાવું છે.” એને રોટલાનો કડકો આપ્યો. ત્યાં બીજું છોકરું જાગીને બોલ્યું જે, “આત! મારે ઝાડે ફરવા જવું છે!” તેને જ્યાં તે ક્રિયા કરાવવા જાય ત્યાં પહેરેલી પોતડી ઘડીયે ઘડીયે છુટી જાય. પછી પોતે ખડકીનું કમાડ વાસીને પોતડી કાઢીને ખીલીયે મૂકી અને પછી બધી ક્રિયા કરવા મંડ્યો. કણબીને તો એક જ નિશ્ચય હતો જે, “દસ વાગે ભાત મારે ખેતર લઈને જવું.” પછી ઉતાવળમાં ને ઉતાવળમાં એક સુંડલામાં રોટલા ભર્યા અને એક તપેલામાં શાક ભર્યું અને એક ફાળીયું ખંભે નાંખ્યું અને એક ફાળીયું માથે બાંધ્યું અને માથે શાકનું તપેલું મૂક્યું અને તે ઉપર રોટલાનો સુંડલો મૂકીને ગામને પછવાડે છીડું હશે, ત્યાંથી નીકળીને ખેતર ગયો એટલે રસ્તામાં જે કોઈ માણસ મળે તે અવળું જોઈને ઉભું રહે! ત્યારે પટેલના મનમાં વિચાર થાય જે, “હું કોઈ દિવસ બહાર નીસર્યો નથી. તેથી બાઈ માણસો મારો મલાજો રાખે છે!” પછી તે જ્યાં ખેતર ગયો ત્યાં તો તેના ઘરના માણસે છેટેથી ભાળ્યો એટલે જાણ્યું જે, “આ તો મારો રોયો આવ્યો નાગો!” એમ કહીને તે તેના સામી આવી અને કહ્યું જે, “આ શું આ?” પટેલ બોલ્યો જે, “હેઠે શાક અને ઉપર રોટલા!” બાઈ કહે, “હેઠું ઉતારો હેઠું!” જ્યાં વાંકો વળીને હેઠું મેલવા જાય ત્યાં તો પોતાને સ્મૃતિ આવી જે, “હાય! હાય! હું તો નાગો છું ને!” ત્યાં તો પોતાનાં અંગ દૃષ્ટીએ પડ્યાં અને બાઈને મારવા માટે દોડ્યો! અને કહ્યું જે, “રાંડ! હવે હું ગામમાં મોઢું શું દેખાડીશ?” પછી બાઈ બોલી જે, “નથી દેખાડવાનું તે તો દેખાડ્યું! અને મોઢાનો શું વાંક છે?” એમ જે જેની ક્રિયા હોય તે તેથી જ થાય; એમાં ઉતાવળા થાય તો આમ થાય ને સૌ હસે. ॥૧૨૩૨॥

ભાંભણ ગામમાં લાલદાસ કરીને એક બાવો હતો. તેનો ગુરુ ફક્કડ હતો અને લાલદાસે સંસાર કર્યો હતો એટલે સાત-આઠ છોકરાં થયાં હતાં પણ કોપીન વાળે નહીં. પછી તે લાલદાસની ઘરવાળી જ્યારે પાણી ભરવા જાય ત્યારે ગામનાં બૈરાં સૌ ઠપકો આપે જે, “તું તારા ધણીને કહે જે કોપીન તો વાળે.” પછી તે બાઈએ લાલદાસને કહ્યું જે, “તમે કોપીન વાળો.” ત્યારે લાલદાસ બોલ્યો જે, “બોલ્યમાં બોલ્યમાં, રંડી! હું મેરા ગુરુકા ધર્મ છોડીશ?” બાઈ કહે કે, “તારો ગુરુ તો ફક્કડ હતો! ને તારે તો સાત-આઠ છોકરાં થયાં છે! અને તારે તો લાલદાસનું લંગર કહેવાય છે!” પછી તે બાવલાને ગામના માણસે પરાણે મારીને કોપીન વસાવી. એમ ગુરુની પરંપરા જાણ્યા વિના ગુરુનો વાદ લ્યે તો મૂરખ કહેવાય! ॥૧૨૩૩॥

એક કણબી હતો. તે ખેતી કરતો. તેને મહાત્મા સંત મળ્યા તેણે કહ્યું જે, “ભગત! તમે ભજન કરો ભજન!” પટેલ કહે કે, “હું શેનું ભજન કરૂં?” સંત કહે કે, “સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરો.” પટેલ કહે કે, “મને એ નામ તો આવડે નહીં!” ત્યારે સંતે કહ્યું કે, “ગોપાળ ગોપાળ એવું ભજન કરો.” પછી તે એક દિવસ લઘુશંકા કરવા બેઠો એટલે ગોપાળનું નામ ભૂલી ગયો! પછી તે વિચારમાં પડ્યો જે મને સાધુ શીખવી ગયા તે શું? પછી સંભારતાં સંભારતાં તેને યાદ આવ્યું જે ચોફાળ. પછી તે ચોફાળ ચોફાળ એમ ભજન કરતો જાય અને ખેતરમાં સાંઠીયો ખોદતો જાય. પછી ભગવાને લક્ષ્મીજીને કહ્યું જે, “મારાં સહસ્ર નામ છે પણ મારે ભગતે મારૂં એક નવું નામ પાડ્યું છે!” લક્ષ્મીજી કહે કે, “ચાલો મને દેખાડો.” પછી ભગવાન તથા લક્ષ્મીજી બન્ને જણાં ગયાં ને ભગવાન એક મોટો ખાડો હતો તેમાં બેઠા ને લક્ષ્મીજી તે કણબીની પાસે પૂછવા ગયાં અને પૂછ્યું જે, “તું કોણ છો?” ત્યારે તેણે કહ્યું જે, “કણબી છું. તારે શું કામ છે!” લક્ષ્મીજી કહે કે, “તું કોનું ભજન કરે છે?” કણબી કહે કે, “તારા ધણીનું!” લક્ષ્મીજી કહે કે, “ક્યાં છે મારો ધણી?” કણબી કહે કે, “એ ઓલ્યા ખાડામાં બેઠો!” એમ નિષ્કપટપણે ભજન કરતો હતો તો ભગવાન સાક્ષાત્ મળ્યા. ॥૧૨૩૪॥

એક કણબીનો ડોસો હતો તે મરવા સુતો. પછી તેને છોકરે કહ્યું જે, “બાપા! રામ કહો રામ.” ત્યારે ડોસો બોલ્યો જે, “ભા! તું કહે તું.” પછી છોકરે રામપાતર લાવીને ડોસાને બતાવ્યું અને કહ્યું જે, “બાપા! આ શું છે?” ડોસો કહે કે, “એ તો શકોરું!” પણ રામપાતર કહ્યું નહીં. કેમ કે રામે તો તેનો બાપ માર્યો હશે ને જો રામપાતર કહે તો રામનું નામ આવે! પછી છોકરે કહ્યું કે, “બાપા! આપણા ખેતરમાં કોળ્યાં હતાં તે શું?” ડોસો કહે કે, “એ તો કાળ પુંછાં હતાં.” પણ હરણીયાં કહ્યાં નહીં! એટલે જો હરણીયાં કહે તો તેમાં હરિનું નામ આવે. માટે જેને આસુરી બુદ્ધિ છે તેને સવળું સુઝે નહીં. ॥૧૨૩૫॥

ગુજરાતના એક કણબીનો ડોસો મરવા સુતો. પછી છોકરે વિચાર કર્યો જે, “આપણા ડોસાએ આંબાને પાણી પાઈ પાઈને મોટા કર્યા છે માટે સારો આંબો દેવને અગર બ્રાહ્મણને આપીએ.” પછી છોકરે કહ્યું જે, “બાપા! તમો વાંસે એક આંબો લક્ષ્મીનારાયણ દેવને આપીશું.” ત્યારે ડોસો બોલ્યો જે, “નારાયણ!” એમ કહ્યું એટલામાં ભગવાન તેડવા આવ્યા. નારણ એટલું બોલ્યામાં આટલું પુન્ય થયું તો જાણીને સ્વામિનારાયણનું નામ લે તેના પુન્યનો તો પાર જ નહીં. જેમ અજામેળે છોકરાના સ્નેહથી યમદૂતથી ભય પામીને બોલ્યો જે, “ધાયે નારણીયા.” એટલું જ્યાં બોલ્યો ત્યાં તો વૈકુંઠનાથના પાર્ષદ આવીને ઉભા રહ્યા ને યમદૂતથી મૂકાવ્યો અને ગુનકાનેરાં એટલો શબ્દ થયો તેટલામાં વિમાન આવ્યાં. માટે અજાણે નામ લે તો પણ સુખને પામે તો મહીમા જાણીને ભજન કરશે તેની વાત શી કરવી? ॥૧૨૩૬॥

ભીંગરાડ ગામમાં એક કણબી માંદો થયો. ત્યાં ગામ નાના રાજકોટના હરિભક્ત તેને જોવા સારૂ ગયા. પછી હરિભક્તે જઈને કહ્યું જે, “પટેલ! જે સ્વામિનારાયણ...” પટેલ બોલ્યા જે, “નાકામેળ થયો કે નહીં?” હરિભક્ત કહે કે, “પટેલ! સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો.” વળી પટેલ બોલ્યા જે, “નાકામેળ થયો કે નહીં?” એમ બોલતાં બોલતાં તેનો જીવ નીકળી ગયો પણ નારાયણ નામ લીધું નહીં. ॥૧૨૩૭॥

ગામ ખુંટવડામાં પીતાંબર કરીને વાણિયો હતો. તેણે મરચાંનો વેપાર કર્યો. મરચામાં ખોટ્ય જાય તેવું હતું. પછી તે માંદો થયો. ત્યાં કોઠારી ભક્તિવલ્લભદાસજી તેને જોવા સારૂ ગયા અને કહ્યું જે, “પીતાંબર શેઠ! જે સ્વામિનારાયણ!” શેઠ બોલ્યા જે, “આવો આવો સાથમાં આના બે આના ઓછા હોય તો હોય!” કોઠારી કહે, “સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો!” શેઠ કહે કે, “બે આના સારુ શીદને પાછા જાઓ છો? હાથો ઠોકતા જાઓને!” પછી સંત મંદિરમાં આવ્યા અને તે દેહ મેલી ગયો. એવો જીવને મિથ્યા અભિનિવેશ થાય છે. ॥૧૨૩૮॥

ખુંટવડા ગામમાં અમારૂં મંડળ ફરવા ગયું હતું અને ગામમાં હરિજનને ઘરે રસોઈ કરીને જમીને ચાલ્યા આવતા હતા ને પાછળ કુતરાં ભસતાં હતાં. પછી એક બ્રહ્મચારીએ પાછું વળી જોયું એટલે દુકાનમાંથી વેપારી શેઠીયા બોલ્યા જે, “મહારાજ! એ કુતરૂં તમને નથી ભસતું!” ત્યારે મેં કહ્યું જે, “કોણ જાણે કુતરાં ભસામણો વેશ હોય તો!” ત્યારે શેઠ બોલ્યો જે, “તમે તો સ્વામિનારાયણના બ્રહ્મચારી છો તે ન ભસે. એ તો આ બાવો બેઠો બેઠો છરી ઘસે છે તેને ભસે છે! કેમ કે તેનો વેશ શ્વાન ભર્સે તેવો છે.” ॥૧૨૩૯॥

ગામ માઢીયામાં અમારૂં મંડળ ફરવા ગયું હતું. ત્યાં ભરવાડના ફળીયામાં થઈને નહાવા જવાનો રસ્તો હતો. ભરવાડે સાવજીયો કુતરો પાળ્યો હતો. પછી ભરવાડે કહ્યું જે, “મહારાજ! આજ આંહીંથી નીકળ્યા તે ભલે પણ આ કુતરો બહુ કરડકણો છે! તે જાળવીને ચાલજો.” એટલે મેં કહ્યું જે, “અમે તો સ્વામિનારાયણના બ્રહ્મચારી છીએ. તે અમને બોલશે નહીં.” પછી પંદરેક દિવસ ત્યાં રહ્યા. અને તે જ રસ્તેથી નહાવા જતા પણ તે કુતરો બિલકુલ સામું જુવે નહીં! અને પછી તે ગામમાં દૂધરેજના બાવા આવ્યા. તે પણ તે જ રસ્તે થઈને ચાલ્યા. ત્યારે ગોકળી બોલ્યો જે, “મહારાજ! આંહીંથી ચાલો છો પણ કુતરો બહુ કરડકણો છે!” બાવા બોલ્યા જે, “સ્વામિનારાયણના સાધુ કેમ ચાલતા? તે અમે પણ ચાલશું. અમે સાધુ છીયે ને!” એમ કહી ને જ્યાં ફળી સોંસરા થઈને જરાક આઘેરા ગયા ત્યાં તો કુતરો પાછળથી દોડ્યો! ને એક બાવાની ડોકે વળગ્યો! ત્યારે બાવો રાડ્ય પાડીને હેઠો પડી ગયો! પછી ભરવાડ બોલ્યો જે, “વાય કુતરા વાય. તું પણ સાધુને ઓળખતો દેખાય છે! જે આ ભગવાનના અને આ જગતના સાધુ.” માટે ખરા સાધુ તો સ્વામિનારાયણના. ॥૧૨૪૦॥

એક બ્રાહ્મણ હતો. તેણે એક બાઈને ઘરે રસોઈ કરી હતી. ત્યાં રસોઈ તૈયાર કરીને બ્રાહ્મણે તે બાઈને કહ્યું જે, “તમે શરત રાખો તો હું કામ પ્રસંગ કરી આવું.” પછી બ્રાહ્મણ જ્યાં લઘુશંકા કરવા ગયો ત્યાં તો કુતરો આવીને રસોડા સોંસરો નીકળી ગયો. બાઈએ ઘણું હાડ્ય હાડ્ય કર્યું પણ કુતરે તેનું ગણકાર્યું નહીં. પછી બ્રાહ્મણ જ્યારે લઘુશંકા કરીને આવ્યો ત્યારે ડોશીએ કહ્યું જે, “મહારાજ! તમે કામ પ્રસંગ કરવા ગયા અને કુતરો તમારા પાક સોંસરો થઈને ચાલ્યો ગયો. તે તમારી રસોઈ અભડાણી!” બ્રાહ્મણ કહે, “એ કુતરાને મને દેખાડો.” પછી બાઈ તે કુતરાને તું તું કરીને બોલાવી લાવી. તે કુતરાને ગળે પાટી બાંધી હતી. પછી બ્રાહ્મણ બોલ્યો જે, “આ તો ભટુરીયો કુતરો!” પછી બ્રાહ્મણ સાખી બોલ્યો જે:

ભટુરીયો કુતરો ને ગળે જામશાહી પાટી,

અન્નદેવ તો અભડાય નહીં છાશ નાંખી દીયો ખાટી.

એમ કહીને છાશનો લોટો ઢોળી નાંખ્યો અને લાડવા, દાળ, ભાત, શાક પોતે ટટકાવી ગયો. ॥૧૨૪૧॥

ઘેલાશાના બરવાળામાં એક વાણીયો માંદો હતો. પછી તેને મરવા વખત થઈ ત્યારે તે બોલવા મંડ્યો જે, “બાપ, વેલશી! બરવાળાનો અવેજ વળ્યો?” ત્યારે તેનો જવાબ આપ્યો કે, “હા, કાકા! હા, વળ્યો!” એમ કરતો કરતો દેહ મેલી ગયો. ॥૧૨૪૨॥

ગામ મેથાણનો કણબી પોતાના ભત્રીજાની જાનમાં ગયો હતો. પછી સૌ લોક ગાણાં ગાય. તેમાં બીજાનાં નામ લઈને ગાય પણ ફટાણાં ગાવામાં વરના કાકાનું કોઈએ નામ લીધું નહીં. તેથી તેને રીસ ચડી. તેથી ઘરે આવતો રહ્યો. પછી સૌએ તેને પૂછ્યું જે, “તમો જાન મોર્ય ઘરે કેમ આવ્યા?” ત્યારે તેણે કહ્યું, “શું રહેવું ધુડ્ય જે હું વરનો કાકો અને ફટાણામાં મારું નામ જ લીધું નહીં. તેથી મારે ત્યાં રહેવાનું કામ શું?” એમ જીવને આ સંસારની અસદ્ વાસનાની કેટલી બધી પ્રીતિ છે? ॥૧૨૪૩॥

એક ખેડુ હતો. તેના ઘરનું માણસ બહુ વસમું હતું. તેને એવો વિચાર જે, “મારા ધણીને મારી નાંખીને પછી મારે બીજાનું ઘર માંડવું.” પછી એક દિવસ તેણે તેના ધણીને કહ્યું જે, “આજ તો હું તમારી સાથે ખેતર આવીશ.” તેથી બન્ને જણાં સાથે ખેતર ગયાં. ત્યારે કણબીએ કહ્યું જે, “આ કુવામાંથી તું પાણી ભરી આવ્યા.” ત્યારે બાઈ બોલી જે, “મને સીમના કુવાનું પાણી ભરતાં ન આવડે. માટે ચાલો આપણે બન્ને જણાં જઈએ.” પછી સ્ત્રી-પુરુષ બન્ને પાણી ભરવા કુવે ગયાં. તે પુરુષ જ્યાં કુવાના કાંઠા ઉપર પાણી સીંચવા મંડ્યો ત્યાં સ્ત્રીએ પાછળથી ધક્કો મારીને કુવામાં નાંખ્યો અને ઉપરથી બે-ચાર પાણાં પણ પડતા મેલ્યા. પછી તે બાઈ ઘરે જતી રહી. અને તે કણબીને કુવામાં ઝાડનું એક મૂળ હાથમાં આવ્યું હતું તે ઝાલીને કુવાના ભેડા ઉપર ઉભો રહેલો. તે વખતે ત્યાં એક ભરવાડ બકરા પાવા સારુ આવ્યો. તેણે ભરવાડને કહ્યું જે, “એ, બીજલા...! મને કુવામાંથી કાઢ્યને!”ત્યારે ભરવાડ કહે કે, “પટેલ! તમે કુવામાં શાથી પડી ગયા?” પટેલ કહે કે, “હું પાણી ભરવા આવ્યો હતો તે લપસી પડ્યો.” પછી બે-ત્રણ જણે થઈને તેને કુવામાંથી બહાર કાઢ્યો અને સાંજે ઘરે ગયો. ત્યાં તો બાઈના મનમાં એમ થયું જે પીટ્યો આ તો જીવતો રહ્યો! પછી બાઈએ વાળુ કરાવ્યું અને કણબીએ બાઈને કહ્યું જે, “શરીરે જરા વાગ્યું છે તે લાવ્યને હળદર ભરીયે.” પછી સારી પેઠે શેક કર્યો પણ પટેલ પોતાના મોઢામાંથી બોલ્યો નહીં જે, “રાંડ! તેં મને કુવામાં શા માટે નાંખ્યો?” અને તે સંબંધી કાંઈ પણ વાતચીત કરી નહીં. પછી બાઈએ જાણ્યું જે, “બીજે જઈશ તો આવો ધણી મળશે નહીં. જોને મેં કુવામાં નાંખી દીધો તો પણ કાંઈ બોલે છે?” માટે આ ઘરમાં જ પડ્યું રહેવું ઉત્તમ છે! પછી કાળે કરીને તેને એક છોકરો થયો અને છોકરાનાં લગ્ન કર્યાં અને છોકરાની ઘરવાળી જ્યારે પટેલને પગે લાગવા ગઈ, ત્યારે પટેલ બોલ્યો જે, “બાપ! દીકરા! હું તો તમને બીજું કાંઈ નથી કહેતો, પણ બહુ બોલ્યામાં માલ નહીં.” એમ કરતાં બીજી વખત આણું વળીને આવીને પગે લાગવા ગઈ. તે વખતે પણ ભાભે શીખામણ દીધી. ત્યારે વહુને રીસ ચડી ને કહેવરાવ્યું જે, “ભાભાને કહો, જે ઓલ્યે વખતે પગે લાગવા ગઈ ત્યારે ભાભે કહ્યું જે, ‘બહુ બોલ્યામાં માલ નહીં,’ અને આ ફેરે પણ તેમ જ કીધું છે. તો હું શું બોલી?” પટેલ કહે, “તમારી સાસુ ગામ ગયાં છે તે તમને વાત કરુ છું.” ત્યારે વહુ કહે કે, “કહો.” પછી પટેલ કહે કે, “તમારી સાસુ છે તેણે મને કુવામાં નાંખી દીધો હતો અને તેને બીજું ઘર માંડવું હતું. પણ જો હું ન બોલ્યો તો દીકરો થયો અને તમે વહુ ઘરે આવ્યાં.” વહુએ કહ્યું જે, “એવું હતું ત્યારે મને વાત કરવી હતી ના?” પટેલ કહે, “આ મેં તમને વાત કરી પણ તમે તમારી સાસુને વાત કરશો નહીં.” વહુ કહે, “હું તે હવે વાત કરું?” પછી એક દિવસ એ સાસુ વહુ બન્ને જણાંને સામા સામી બોલાચાલી થઈ. ત્યારે વહુ બોલી જે, “રાખ્ય ને રાંડ! બહુ ચોખી શું થાય છે? મારા સસરાને કુવામાં નાંખી દઈને બીજે ઘર માંડવા જતી હતી તે તું ને?” પછી તે સાંભળીને સાસુને રીસ ચડી તે કુવે જઈને પડી ને મરી ગઈ. પછી તેને બાળીને ઘરે આવ્યા ને બીજે દિવસે તેના દીકરાની ઘરવાળીને પૂછ્યું, “વહુ ભા! તમે તમારી બાઈજીને કાંઈ કહ્યું હતું?” વહુ કહે, “હા, તમે જે વાત કહી હતી તે કહીતી, બીજું કાંઈ નથી કહ્યું.” ॥૧૨૪૪॥

એક ખેડુ હતો તેની ઘરવાળીને ને તેની સાસુને – એ બન્નેને અણબનાવ હતો. તેનું કારણ કે છોકરાના સાસરા પક્ષના જ્યારે આવે ત્યારે છોકરાની મા બહુ જ કચવાયા કરતી. પછી વહુએ વિચાર કર્યો જે, “આ રાંડનું સાલ ઘરમાંથી જાય, તો હું સુખેથી મારી મા, મારી બહેન વિગેરે આવે છે તેને ખવરાવું, પીવરાવું ને મજા કરું! પણ આ રાંડ શે મરે?” એમ કરતાં કરતાં પટેલ પંદરેક દિવસને ગામતરે ગયો અને તેની ઘરવાળીએ ખેતરપાળની માનતા કરી જે, “હે ખેતરપાળ! મારા ગોવિંદાનો જો તાવ ઉતરી જાય તો મારી બાઈજીને તમને ચડાવીશ.” એવી માનતા કરી. પછી પટેલ ગામમાંથી ઘરે આવ્યો અને રાતે વાળુ કરવા બેઠો. ત્યારે સમાચાર પૂછ્યા જે, “સૌ સુખી છે ને?” પટલાણી કહે, “હા, સુખી તો છીએ પણ ગોવિંદાને બહુ તાવ આવતો હતો. તેથી મેં એક માનતા કરી છે તે તમારાથી નહીં થાય!” પટેલ કહે કે, “એવી શી માનતા કરી છે તે ન થાય?” પટલાણી કહે, “તમને કહેવાય તેવી નથી!” પટેલ કહે કે, “કહેતો ખરી! જો થાશે તો કરશું!” પટલાણી બોલ્યાં જે, “ગોવિંદાને બહુ તાવ આવ્યો હતો અને ભોંય લીધો હતો! પછી મેં ખેતરપાળની માનતા કરી જે, ‘જો મારો ગોવિંદો આમાંથી બેઠો થાય તો હે ખેતરપાળ! મારી સાસુને તમને ચડાવશું!’ તે માનતા કરી કે તરત જેમ દિવામાં દીવેલ પુરે એમ તરત ગોવિંદો બેઠો થયો અને મા મા કહેવા લાગ્યો.” પટેલ કહે કે, “અરે, રાંડ! એવી માનતા શું કરી?” પટલાણી કહે કે, “તારે ભળાવું ખેતરપાળને!” ત્યારે પટેલ બોલ્યા જે, “તેં કર્યું તે ઠીક પણ આપણે જો એકલા જાશું તો મારી માને ભીતિને ભ્રાંતી પડશે! માટે બ્રાહ્મણને મોકલીને તારી મા અને તારી બહેન વિગેરેને બોલાવ્ય એટલે આપણે સૌ નવાં લુગડાં પહેરીને સાથે જવાય.” પછી બ્રાહ્મણને મોકલીને તેના પીયેરથી બધાને બોલાવ્યાં અને વાડામાં લઈ જઈને તેની માને વાત કરી જે, “મેં આવી રીતે માનતા કરી છે.” ડોશી કહે, “ઠીક કર્યું. ટાઢે પાણીયે ખસ જાશે. જ્યારે આવીયે ત્યારે કાળું મોઢું કરે છે.” પછી સૌ નવાં લુગડાં પહેરીને તૈયાર થયાં અને સવા માણું લાપશીનો લોટ પણ સાથે લીધો. પછી સૌને ગાડામાં બેસાર્યા અને ઘરધણીયે ખડના ભારામાં એક તરવાર બાંધી લીધી. પછી ગામને સીમાડે ખેતરપાળનું સ્થાનક હતું ત્યાં પહોંચ્યાં. પછી ઘરધણીયે તેના ઘરના મનુષ્યને કહ્યું જે, “તારી મા અને મારી માને ખેતરપાળ પાસે પગે લાગવા મેલ્ય! અને હું ત્યાં તરવાર લઈને બેસું છું!” પછી વહુએ કહ્યું જે, “મા! તું અને મારી સાસુ – એ બન્ને પહેલાં ખેતરપાળને પગે લાગી આવો અને ગોવિંદાને માંગી લ્યો જે, હે ખેતરપાળ! મારા ગોવિંદાને ગાડયે લુઈને નાંખી દેજો.” પછી બન્ને વેવાણો હાથના આંકડા ભીડીને ખેતરપાળ પાસે ગઈ અને પાછળ ગાણાં ગાવા લાગી જે, “બાઈજી ચડ્યાં ખેતરપાળને સૌ જુવોને લોકો બાઈજી ચડ્યાં ખેતરપાળને.” એમ ગાણાં ગાતા હતાં અને છોકરાના બાપે ધુધકારી મારી ને તેની સાસુનું ગળું તરવારે કરીને કાપી નાંખ્યું! પછી તે પટેલ બોલ્યો જે, “પાછું વાળી જોને કે બાઈજી તારી કે મારી? મને તો તોરમાં ખબર રહી નથી!” પછી જ્યાં જુવે ત્યાં તો બાઈની માને મારી નાંખી. પછી બાઈ બોલી જે, “હાય હાય, મારા પીટ્યા, આ શું કર્યું?” પટેલ કહે જે, “બોલીશમાં ‘બાઈજી ચડાવવાં હતા ને’ કાં તો તારી બાઈજીને કાં તો મારી બાઈજીને. તે આ તો મારી બાઈજીને ચડાવ્યાં તેમાં શું બગડી ગયું?” ॥૧૨૪૫॥

એક પટેલ હતો. તેને ચાર દીકરા હતા અને ઘરમાં પટલાણીનું બહુ જ ચલણ હતું. એમ કરતાં કરતાં પટેલ દેહ મેલી ગયો પણ પટલાણી તો પોતાના પહેલાના રીવાજ પ્રમાણે ઘરનો તમામ કબજો પોતાના હાથમાં રાખતી અને ચારે દીકરાની વહુઓ તેનાથી કંટાળીને ક્લેશ બહુ કર્યા કરતી. પછી મોટે દીકરે કહ્યું જે, “મા... હવે તમે ઘરનો વહેવાર પડ્યો મેલો અને આ એક લોટની સુંડલી ભરી આપીએ અને આ થાંભળીએ એક ચાકળો નાંખી આપીએ. તે બેઠાં બેઠાં જે લોટીયાં ચપટીયાં આવે તેને લોટ આપો અને નવરાં હો ત્યારે માળા ફેરવવી, એમ કરો તો ઘરમાંથી ક્લેશ મટી જાય!” પછી ડોશીયે ઘણાંક દિવસ તે પ્રમાણે કામ કર્યું અને દીકરાની વહુઓ પણ છાશ સિવાય દૂધ કોઈ દિવસ આપતી નહીં. પછી એક દિવસ મોટા દીકરાની વહુને કાંઈક કામ પ્રસંગ આવ્યો તેથી તેણે ડોશીમાને કહ્યું જે, “બાઈજી! આજ ભેંશ દોઈ દેશો?” ડોશી કહે કે, “કહો તો ભેંશ દોઈ આપું! કહો તો છાશ કરો છો ત્યારે માંખણની ગોળી સાચવવા બેસું?” પછી ડોશીને બોગરણું આપ્યું તે લઈને ભેંશ દોવા ગયાં. પછી ડોશીએ ભેંશ દોહતો વિચાર કર્યો જે, “હું દોહીને બોઘરણું આપું એટલી વાર છે! મને તો છાશ આપશે!” એમ જાણીને એક શેડ્ય બોઘરણામાં નાંખવા મંડી ને એક પોતાના મોઢામાં નાંખવા મંડી! તેથી આશરે બશેરક દૂધ ઓછું થયું! તે જોઈ દીકરાની વહુએ વિચાર કર્યો જે, “આજ દૂધ ઓછું નીકળ્યું તે ભેંશે હાથ ઓળખ્યો હશે! પણ હશે કાલે વાત!” પછી બીજે દિવસે મોટા દીકરાની વહુએ કહ્યું જે, “બાઈજી! ભેંશ દોઈ દ્યો.” બાઈજી ભેંશા દોવા ગયાં! પછી ચારે દીકરાની વહુ છાનીમાની ઓથ્યે ઉભી રહીને જોવા લાગી એટલે બાઈજીએ પ્રથમની પેઠે ભેંશા દોવા માંડી. જે એક શેડ્ય બોઘરણામાં ને એક શેડ્ય પોતાના મોઢામાં! એમ ભેંશ દોવી શરૂ કરી ત્યારે વહુવો બોલી જે, “બાઈજી! આ શું કરો છો? એક શેડ્ય મોઢામાં! અને એક શેડ્ય બોઘરણામાં?” બાઈજી કહે કે, “હું તો તમારો સાસરો મરી ગયા પછી બેભાન થઈ ગઈ છું! તે કોણ જાણે બોઘરણામાં શેડ્ય જાય છે કે કોણ જાણે મોઢામાં શેડ્ય જાય છે?” એમ મનુષનો અધિકાર ગયા પછી સર્વ જીવ પ્રાણીમાત્ર બેભાન જેવાં થઈ જાય છે! પણ જો તેને જ્ઞાની ગુરુ મળે તો સારી સ્થિતિમાં રાખે નિકર દુઃખીયો થાય. ॥૧૨૪૬॥

એક ખેડુ હશે. તે ખેતી કરવા વગડામાં ગયેલો. અને તેની ઘરવાળીને ઘરમાં ચીભડાનું શાક કરવું હતું. તે ચુલે પાટીયામાં વઘાર મેલ્યો, પણ દાતરડું હાથ આવે નહીં. પછી મોઢે મોઢે ચીભડાનાં બટકાં કરીને શાક વઘાર્યું અને તેનું ભાત લઈને ખેતર ગઈ ત્યારે તેના ધણીએ પૂછ્યું જે, “કેમ આજ મોટા ફોડવાનું શાક કર્યું છે?” ત્યારે બાઈ બોલી જે, “વઘાર ચુલે મેલ્યો હતો ને દાતરડું હાથ ન આવ્યું તેથી વછડક શાક કર્યું છે!” એમ સત્સંગમાં ન હોય તો આચાર-વિચારની ખબર ન પડે અને વછડક શાક કરીને ખવરાવે. ॥૧૨૪૭॥

એક ખેડુ હતો. તે અવસ્થા થવાથી વૃદ્ધ થયેલો પણ તેના દીકરાની ઘરવાળી તેને ખાધ્યે પીધ્યે સાચવે નહીં. ડોસો પણ તેનાથી ઘણોક કંટાળી ગયેલો જે, “ક્યારેક જો રેઢું ઘર મળે તો ખૂબ પેટ ભરીને ખાઉં! રાંડ કોઈ દિવસ રોટલામાં શાકનો વઘાર તો આપતી નથી.” પછી એક દિવસ દીકરાની વહુએ કહ્યું જે, “ભાભા! હું ખેતર ભાત આપવા જાઉં છું તે તમે છોકરાને હીંચોળો! અને ઘરની ખબર રાખજો.” પછી બાઈ ખેતર ભાત આપવા ગઈ. ત્યારે ડોસો પછવાડેથી ઘર ઉઘાડીને રોટલો મૂકવાનો કોઠો હશે, તેમાં હાથ ઘાલ્યો એટલે તેમાં બાઈએ માથે નાંખવા માટે પાકું તેલ પાડીને વાટ્યકો ભરીને મૂકેલો તે જોતાં જોતાં ડોસાને હાથ આવ્યો. પછી ડોસે વાટકાને બહાર કાઢીને વિચાર કર્યો જે, “રાંડ કોઈ દિવસ શાકનો વઘાર તો આપતી જ નથી અને જોને પોતાના સારુ કેવો આ વઘારનો વાટકો ભરીને મેલ્યો છે? આજ તો ખરો લાગ આવ્યો છે! તે રોટલો ચોળીને ખાઈ જાઉં.” પછી તે તેલના વાટકામાં આખો રોટલો ચોળીને ખાઈ ગયો. પછી સાંજે વહુ ભાત આપીને ઘરે આવ્યાં અને માથે નાંખવા સારુ પાકું તેલ મૂક્યું હતું તે ગોતવા માંડ્યું પણ જડ્યું નહીં તેથી ભાભાને પૂછ્યું જે, “ભાભા! આ કોઠલામાં ધુપેલ તેલનો વાટકો ભર્યો હતો તે ભાળ્યો?” ત્યારે ભાભો કહે, “હા, તેલ હશે કાં કે? એ તો શાકનો વઘાર હતો તે બંદો તેમાં આખો રોટલો ચોળીને ખાઈ ગયો.” એવી જીવની જાડ્યતા છે જે આ તેલ છે કે ઘી છે. ॥૧૨૪૮॥

એક ખેડુ પોતાને ખેતર ખેતી કરવા ગયેલો અને તેની ઘરવાળી તેના સારુ ભાત લઈને ચાલી. તે વખતે તેને એક મહીના દિવસની વાછડી હશે તેણે મળ કર્યો. તે તેણે ટોપલામાં લઈ લીધો અને ટોપલામાં ભાતનો રોટલો મેલ્યો. પછી ખેતર ભાત લઈને ગઈ. તે વખતે કણબી ઘઉંનું પાણી વાળતો હતો. તેથી બાઈએ કહ્યું જે, “આ ટોપલામાં ભાત છે તે તમે ખાઓ. ત્યાં સુધી હું પાણી વાળું.” પછી બાઈ પાણી વાળવા મંડી અને પટેલ રોટલો ખાવા બેઠા અને હાથમાં રોટલો લીધો અને ટોપલીમાં વાછડાનો પોદળ દીઠો તે જોઈ પટેલ બોલ્યો જે, “ઓય, રાંડ! આજ તો ઘણે દહાડે બડઘલીની ભાજી કરીને લાવી છે!” એમ કહીને રોટલાના બટકાં ઉપર ચડાવીને મોઢામાં મેલ્યું એટલે મોળું લાગ્યું. પછી પોતાના મનમાં બોલ્યો જે, “રાંડે ઘણે દહાડે ભાજી કરી પણ મીઠું નાંખવું ભૂલી ગઈ છે.” એમ કહેતાં કહેતાં આખો રોટલો અને વાછડીનું છાણ બધું ખાઈ ગયો. પછી પાણી પીઈને તેની ઘરવાળી પાસે જઈને ઠપકો દેવા લાગ્યો જે, “રાંડ! ઘણે દહાડે બડઘલીની ભાજી કરી અને તેમાં મીઠું નાંખવા ભૂલી ગઈ?” બાઈ કહે કે, “ક્યાં ભાજી હતી?” પટેલ કહે, “ટોપલામાં નીચે રોટલા હેઠે હતીને?” બાઈ કહે, “એ તો વાછડીનો પોદળ હતો. તે હું પાદર આવીને નાંખી દેતાં ભૂલી ગઈ હતી.” પટેલ કહે, “એ તો હું રોટલા સાથે ખાઈ ગયો.” અને જે થયું તે થયું એમ કહીને પોતાના મનમાં સમજી રહ્યો. આ જીવને આવી જાડ્યતા છે. ॥૧૨૪૯॥

એક કણબી હરિભક્ત હતો. તેણે પોતાની સ્ત્રીને કહ્યું જે, “મારે મંદિર જાવું છે તે જો વાળુ તૈયાર હોય તો લાવ્ય. વાળુ કરતો જાઉં તો ઠીક!” બાઈ કહે કે, “કઢી કરી છે ઉભરો આવ્યો છે અને ઘડીક બેસો તો બીજો ઉભરો આવે! એટલે તમને વાળુ કરવા બેસારું!” તે સાંભળીને પટેલને રીસ ચડી જે, “અરરરર! ક્યારેય રાંડે હા તો પાડી જ નહીં!” એમ કહીને કઢીનો પાટીયો પોતાને લુગડે ઝાલીને બાઈના માથામાં ફોડ્યો. અને બાઈ દાઝીને મૃત્યુને પામી! અને પછી પોતે પોતાના બે દીકરા લઈને સાધુ થયા. માટે ક્રોધ કરવો તો તેનું પરિણામ તપાસીને કરવો જે આમાંથી શું પરિણામ આવશે. ॥૧૨૫૦॥

એક માણસ હતો. તે સંત પાસે બેસવા ગયો. સંતનો સ્વભાવ એવો છે કે, “સંસારનો નિષેધ કરીને તેને ખોટો કરી દેખાડે ને સગા સંબંધીને પણ ખોટાં છે એમ સમજાવે.” પછી તે માણસે કહ્યું જે, “મહારાજ! તમે કહો છો તે સત્ય છે! પણ મારા ઘરનાં માણસને મારી સાથે એવો સ્નેહ છે કે મને જમાડ્યા વિના જમે નહીં! પાણી પાયા વિના પોતે પાણી પણ પીવે નહીં! અને ખરેખરી પતિવ્રતા છે!” પછી સંતે કહ્યું જે, “ભાઈ! તારે તેની પરીક્ષા કરવી હોય તો તું ઘરના ઉમરામાં જઈને આંખ્યો ચડાવી જા અને મોઢે ફીણ લાવી દે! પછી તું તમાસો જોજે!” પછી તે માણસ સંધ્યા વખતે ઘરે જઈને ઘરના ઉમરા વચ્ચે ફંદ કરીને લાંબો થઈને સુતો અને મોઢામાં ફીણ ફહ ફહ કરતાં ચાલ્યાં જવા લાગ્યાં. તે જોઈને બાઈ તેની પાસે આવીને જોવા લાગી જે, “અચાનક આ શું થઈ ગયું?” પછી બાઈએ વિચાર કર્યો જે, “હું મરણપોક પાડીશ તો ભૂખી રહીશ! માટે લેને દહીંને ધાન ખાઈ લઉં! અને પછી મરણપોક પાડું!” પછી બાઈએ કોઠો ઉઘાડીને દહીંનું ગોરસ કાઢીને સારી પેઠે દહીં ને ધાન ખાધું અને ઘઉંના લોટમાં ઘી ગોળ નાંખીને કુલેરના મોટા મોટા લાડવા કર્યા અને તેની માટલી ભરીને કોઠલામાં મેલી. પછી બાઈએ વિચાર કર્યો જે, “જો હું દિવસે ખાઈશ તો માણસ કહેશે જે રાંડને ઘઘરસકો કે શોક નથી માટે તેર દિવસ સુધી અંધારે અંધારે ખાઈ લેશું!” પછી આ બધી હકીકત તેનો ધણી પડ્યો પડ્યો જોઈ રહ્યો હતો! પછી તે બાઈએ આવીને પોતાના પતિનું માથું પોતાના ખોળામાં મેલ્યું અને બોલી જે સાખી:

‘સ્વર્ગ મટામટ ચાલીયાં કાંઈક કેતડા જાઓજી’

ત્યારે પેલો માણસ બોલ્યો જે, “દહીં ફદાફદ મારીયાં અને હવે કોઠલામાં હોય તે ખાઓજી.” પછી તે બાઈ ઘણું જ શરમાઈ ગઈ! અને તે પુરુષના મનમાં એમ થયું જે, “સંત કહે છે તેવો જ સંસાર તો કેવળ સ્વાર્થની જ બાજી છે.” એમ સમજીને પોતે પોતાની મેળે વૈરાગ્યનો વેશ લઈ કુટુંબનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો. ॥૧૨૫૧॥

એક ગરાસીયો હશે તે સંત પાસે બેસવા ગયો. તેને સંતે સંસારના નિષેધની વાતો કરીને સંસારનું અસારપણું કહી દેખાડ્યું અને માતા પિતા તથા સ્ત્રી છોકરાંઓ સ્વાર્થી છે એમ કેટલાક શબ્દ કહ્યા પણ તે વાત તેને ગળે ઊતરી નહીં અને છેવટ જતાં તેણે કહ્યું જે, “મહારાજ! મારા ઘરનું મનુષ્ય તો ખરેખરું પતિવ્રતા છે તે જો હું દેહ મેલું તો તે પોતાનો દેહ રાખે નહીં એવી છે.” પછી સંતે કહ્યું જે, “આજ તું જઈને તેની પરીક્ષા લે.” પછી તે ઘરે જઈને ઈંધ મુંધ થઈને પડ્યો. અને મોઢામાં ફીણ પણ આવી ગયાં. તે દિવસે તેણે જારનો ઠુંમરો રાંધ્યો હતો. પછી બાઈએ જ્યાં આવીને જોયું ત્યાં તો પોતાનો પતિ મૃત્યુ પામેલો માલુમ પડ્યો અને વિચાર કર્યો જે, “આને કાઈક ચોઘડીયું ફરી ગયું છે! અને આજ જુવારનો ઠુંમરો રાંધ્યો છે તે લેને હું ખાઈ લઉં! પછી મરણપોક પાડું!” પછી બાઈ ઠુમરો ને દહીં ખુબ ખાઈને ધણી પાસે આવી! અને વિચાર કર્યો જે, “આના મોઢામાં દાંતમાં સોનાની રેખું છે તે લેને કાઢી લઉં.” એમ જાણીને પાશેરનો એક પાણો હાથમાં લઈને પોતાના પતિનું મોઢું પહોળું કરીને દાંત પાડવા માંડી. ત્યાં તો તે પુરુષ બોલ્યો જે સાખી:

‘સકળ વંતીનાર તને સત ચડ્યું અપાર તું દહીંને ઠુમરો જાર્ય પણ મારા જીવતાં દાંત કાં પાડ્ય’

તે સાંભળી તે બાઈ ઘણી જ લજવાઈ ગઈ! અને તે પુરુષને પછી નક્કી થયું જે, “સંતે કહ્યું છે તે વાત ખરી છે!” એમ જાણીને પોતે કુટુંબનો ત્યાગ કરીને સંસાર છોડીને વૈરાગ્ય લઈને ચાલી નીકળ્યા. ॥૧૨૫૨॥

એક ગામમાં એક સાધુ હતો. તે વાડીયે નહાવા ગયો હતો. અને તેને એવો નિયમ હતો જે, “ભીને લુગડે પાંચ માળા ફેરવવી.” પછી તે નહાઈ રહ્યો ત્યારે તેની માળા ઉતારે પડી રહેલી તેથી તેણે કોશીયાને કહ્યું જે, “ભાઈ! મારે ઉતારે હું માળા ભૂલી ગયો છું તે લાવી દેને!” કોશીયો કહે કે, “એવો નિયમવાળો હોય તો હારે લાવવી હતી ને શા માટે ભૂલી ગયો?” પછી તેણે ઘઉંની વાડીયુંમાંથી બે ડુંડીયું લઈને તેમાંથી એકસોને આઠ દાણા કાઢ્યા અને તેની માળા કરીને પાંચ માળા ફેરવી અને પાંચ દાણા વધ્યા હશે તે પોતાના મોઢામાં નાંખ્યા. પછી તે મરી ગયો ત્યારે તે કણબીના ઘરનો વાછડો થયો. પછી તે વાછડો મહિના પંદર દિવસનો થયો અને પટલાણીને એક વખત વાડીયે ભાત આપવા જવું હતું તેથી પોતાની હેતવાળી બાઈ હશે તેને બોલાવીને કહ્યું જે, “આ મારા વાછડાને ખડ નીરજે અને પાણી પાજે કારણ મારે ભાતનું મોડું થયું છે.” પછી તે બાઈ વાછડાને જ્યારે પાણી પાવા ગઈ એટલે ઓસરીમાં તલનો મોટો ઢગલો ભાળ્યો તેથી તેમાં તે બાઈનું મન લોભાણું. પછી તે વાછડાને પાણી પાઈને તથા ખડ નીરીને તલનો ટોપલો ભરવા લાગી એટલે વાછડો બોલ્યો જે, “માં....!” પછી વળી બાઈએ ફરી વાછડાને ખડ નીર્યું અને પાણી પાયું અને તલનો ટોપલો ભરીને જ્યાં ચાલી ત્યાં તો વાછડો તોડાવીને આડો ફર્યો અને ઉભો રહ્યો ને એમ બોલ્યો જે, “રાંડ! અભાગણી! સાંભળ્ય મેં આને પુછ્યા વિના તેના ઘઉંના પાંચ દાણા ખાધા છે. તેથી હું તેના ઘરનો વાછડો થયો છું. તેથી તેની વાડીના બે પાંણ પાઈશ ત્યારે મારો છૂટકો થાશે. અને તું તો આ તલનો ટોપલો ભરીને ચાલી, તે તારી શી દશા થાશે?” પછી બાઈ તલનો ટોપલો પાછો મૂકીને પોતાને ઘરે ગઈ અને સાંજે પટલાણી ઘરે આવ્યાં ત્યારે તેની આગળ પછવાડેથી બનેલી બધી વાત કહી જે, “તલનો ઢગલો ભાળીને મારું મન લોભાણું હતું પણ આ તમારો વાછડો તોડાવીને આડો ફરીને એમ બોલ્યો જે, ‘મેં એને પુછ્યા વિના તેના પાંચ ઘઉંના દાણા ખાધા છે તે બે વાડીના પીત પાઈશ ત્યારે મારો છૂટકો થાશે.’” પછી સાંજે પટેલ ઘરે આવ્યા ત્યારે પટલાણીએ વાત કરી જે, “આ વાછડો તો આપણો કોઈક દેણીયાત આવ્યો છે. માટે બ્રાહ્મણને બોલાવીને તેનો છૂટકો થાય તેમ કરો.” પછી પટેલે સવારમાં બ્રાહ્મણને બોલાવ્યો અને વેદવિધિથી તેનું જે માગણું હતું તે કૃષ્ણાર્પણ કરાવ્યું એટલે વાછડો ઊભો હતો તે ધબ લઈને પડી ગયો અને દેહ ત્યાગ કરીને પરલોકમાં ગયો. ॥૧૨૫૩॥

એક મહાત્મા સંત હતા. તે રસ્તામાં ચાલ્યા જતા હતા. ત્યાં ચાર ખેડુ ખેતીનું કામ કરતા હતા અને સાથે તેનો બાપ પણ કોદાળી લઈને ખેતરમાંથી જાળાં ખોદી કાઢતો. પછી બપોરે સાંતી છોડીને સૌ રોટલા જમવા બેઠા અને સંત રામ ઉપદેશ કરવા લાગ્યા અને આ જગતનું મિથ્યાપણું જણાવવા લાગ્યા. તે સાંભળી ડોસો બોલ્યો જે, “મહારાજ! તમારે આહીંયાં કાંઈ લાંબી ટુંકી વાત કરવી નહીં! અને મારા છોકરા ખોટી થાય છે.” એમ કહીને ડોસે સંતને કહ્યું જે, “મહારાજ! આહીંથી ચાલવા માંડો.” તો પણ સંતે કેટલીક જ્ઞાન ને ઉપદેશની વાતો કરી પણ ડોસે તો તે છોકરાને સાંતી જોડાવીને ઉદ્યમે વળગાડ્યા. ત્યાં તો એક કુંભાર રસ્તેથી આવી ચડ્યો અને સાધુની વાત સાંભળીને તેને વૈરાગ્યની ચટકી લાગી અને તેણે કહ્યું જે, “મહારાજ! કણબીનાં છોકરાં ભલે ન આવે પણ હું ઘરે જઈને આ ગધાડીને ખોલકો ને લુગડું મેલી આવું અને તરત તમારી સાથે આવીશ.” કુંભાર ઘરે જવા માટે રસ્તે પડ્યો અને કણબી સૌ ખેતીનું કામ કરવા લાગ્યા. તે વખતે મહાત્મા ઊઠીને એક બાવળીયાનું ઝાડ હતું, તેને બાથ લઈને બૂમ પાડવા લાગ્યો જે, “ધોડો, ધોડો, મને બાવળીયે ઝાલી રાખ્યો છે!” તે સાંભળીને ચારે ખેડુ તથા તેનો ડોસો એ પાંચે દોડ્યા આવ્યા અને મહાત્માના હાથ બાવળીયેથી છૂટા કર્યા. પછી કણબી બોલ્યા જે, “મહારાજ! તમને ક્યાં બાવળીયે ઝાલ્યા હતા કે તમે બાવળીયાને ઝાલ્યો હતો?” તે સાંભળીને સંત બોલ્યા જે, “તમને ક્યાં વહેવારે ઝાલી રાખ્યા છે? તમે વહેવારને વળગી રહ્યા છો! હું જેમ આ બાવળીયાથી છુટો પડ્યો તેમ તમે વહેવારથી છુટા પડો તો પડાય!” એમ કહી એ મહાત્મા તો ત્યાંથી ચાલી નીકળ્યા. ॥૧૨૫૪॥

અને કુંભાર ત્યાંથી ઘરે ગયો અને ઘરવાળીને કહ્યું જે, “ઝટ કર્ય. મને રોટલો દે. મારે ઘરમાં રહેવું નથી! સંસાર હરામ કરવો છે!” ઘરવાળી કહે, “પીટ્યા! કહે તો ખરો, શી ઉતાવળ છે?” કુંભાર કહે કે, “મારે સંસારમાં રહેવું નથી અને સાધુ થઈને ચાલ્યા જવું છે!” કુંભારણ કહે, “ભલે ઘોળ્યો જા! લે, આ રોટલો.” કુંભાર ઝોળીમાં રોટલો લઈને પોતાની ખડકી બહાર નીસર્યો. ત્યાં પોતાને વિચાર થયો જે, “હું તો જાઈશ અને ગધાડીનો ખોલકો નાનો છે અને ઘરવાળી તો કામમાં રોકાશે અને ખોલકો કોઈકના ખેતરમાં પડશે તો એને ત્યાં કોઈક મારશે તો મરી જાશે માટે લાવ્યને સાથે લેતો જાઉં!” પછી ઘરે આવ્યો ત્યારે તેની ઘરવાળી બોલી જે, “કેમ પાછા આવ્યા?” કુંભાર કહે કે, “ખોલકો નાનો છે. તે તારાથી સચવાશે નહીં માટે લાવ્ય હું સાથે લેતો જાઉં.” કુંભારને કહે, “આ રહ્યો લેતો જાને, પીટ્યા!” પછી તે કુંભાર ખોલકો લઈને ગામને ઝાંપે ગયો. અને ગામને પાદર જતાં ગામનો કોઈક મોટો પટેલ હશે, તેણે પોતાની કડબની મોટી ગંજી ઉખાળેલી તેનો કુચાનો મોટો ઢગલો ભાળ્યો. તે જોઈને તેના મનમાં એમ થયું જે, “રાંડ! ઘરમાં ને ઘરમાં બેસી રહેશે અને આ બે નિભાડા પકવાય તેટલો કુચો પડ્યો છે તે બીજા કુંભાર લઈ જાશે માટે લેને ઘરે કહી આવું.” વળી ખોલકો દોરીને ઝાંપેથી ઘરે આવ્યો. ત્યારે કુંભારણ બોલી જે, “કેમ પાછા ઘરે આવ્યા?” કુંભાર બોલ્યો જે, “તને કહેવા આવ્યો છું જે, ‘પટેલે ગંજી ઉખેળી છે તેનો બે નીભાડા પકવાય તેટલો કુચો પડ્યો છે માટે તે તું લેવા જાજે.’” કુંભારણ કહે, “મર્ય, પીટ્યા! ખોલકા સારુ પાછો આવ્યો. કુચા સારુ પાછો આવ્યો. માટે ઘરે જ મર્ય!” પછી તે ઘરે જ રહ્યો. તેમ આ જીવ તુચ્છ વિષયમાં બંધાઈને પ્રભુ ભજવાનું ભૂલી જાય અને પોતાના મોક્ષનું સાધન બગાડે. ॥૧૨૫૫॥

એક કુંભાર હતો. તેની સ્ત્રી સાથે તેને ઘરમાં કજીયો થયો. પછી તે રીસાઈને ચાલી નીકળ્યો. તે ગામને પાદર ગયો પણ કોઈ પાછો વાળવા ન આવ્યું! પછી ગામને પાદર તેનાં ગધાડાં ચરતાં હતાં. તેમાં એક ધોળી ગધાડી હતી તેની ડોકમાં ફાળીયું નાંખીને તેને દોરીને ઘરે આવ્યો અને ફળીયા વચ્ચે ગધાડીને ઉભી રાખીને પોતાની સ્ત્રી પ્રત્યે બોલ્યો જે, “રાંડ! જો ને જેટલો આ ધોળીને મારો ખપ છે તેટલો તારે ખપ છે? જોને મને પાદરથી પાછો ઢરડીને અહીં લાવી.” માટે ક્લેશથી રીસાવું તો કુંભારના જેવું કરવું નહીં પછી તો અઠે દ્વારકા કરવું. ॥૧૨૫૬॥

એક કુંભાર હતો. તેને દીકરો નહોતો. પછી તેણે પોતાની ગધાડીના ખોલકાનું નામ મોતીયો પાડ્યું હતું અને તે કુંભાર નિરંતર નિશાળના માસ્તરનું પાણી ભરવા જતો અને માસ્તરના નિશાળિયા કેટલાક ઠોઠ હતા. તેને પોતે રીસ ચડાવીને કહેતો જે, “અરર! ફલાણા ગામનાં છોકરાં ગધાડા જેવાં હતાં તે મેં માણસ જેવાં કર્યા! અને આ તો ગધાડાં જેવાં રહ્યાં.” એમ નિરંતર છોકરાઓને કહેતો. તે સાંભળીને કુંભારના મનમાં એમ થયું જે, “માસ્તર મારા મોતીયાને ભણાવે તો હું નિશાળે લાવું. માટે લેને હું માસ્તરને પૂછી જોઉં!” પછી માસ્તરને કહ્યું જે, “માસ્તર! મારા મોતીયાને તમે ભણાવશો?” માસ્તર કહે, “હા, લાવ્યને ભણાવીશ.” માસ્તર જાણે જે, “છોકરાનું નામ મોતીયો હશે!” પછી માસ્તરે કહ્યું જે, “છોકરાને ઈકોતરી બોલવા મોકલું!” કુંભાર કહે, “એમાં હું કાંઈ સમજું નહીં! તમે કહો તેમ કરીને લાવું!” માસ્તર કહે, “કપાળમાં કંકુનો ચાંદલો કરજે અને હાથમાં એક નાળીયેર આપજે.” પછી કુંભારે ખોળકાના કપાળમાં એક કંકુનો ચાંદલો કર્યો ને એક ગરણામાં નાળીયેર બાંધીને ખોલકાની ડોકમાં બાંધ્યું અને દોરીને નિશાળે લાવ્યો અને નિશાળને બારણે ઉભો રહીને બોલ્યો જે, “માસ્તર! માસ્તર! આ મારા મોતીયાને ક્યાં બાંધું?” માસ્તરે બહાર આવીને જોયું ત્યાં તો ખોલકો દીઠો. માસ્તરે જાણ્યું જે, “કુંભારે માળે મારી મશ્કરી કરી!” માસ્તરે કહ્યું જે, “બાંધ્ય આ થાંભલીયે!” કુંભાર કહે કે, “હું ક્યારે આવું?” માસ્તર કહે કે, “છ મહિને આવજે! અને જો છ મહિના મોર્ય આવ્યો તો આ હંગલો કરીને તારી સાથે ચાલી નીકળશે અને ભણતરે કાચો રેશે માટે છ મહિના મોર્ય ડોકાઈશ નહીં અને છ મહિના પછી આવીશ તો ડીફા જેવો થઈને કોરટમા લખવા બેસી જશે.” પછી માસ્તરે કોઈકને બોલાવીને કહ્યું જે, “આને બે-ચાર ગાઉ જઈને મેલી આવ્ય.” પછી તે માણસ ખોલકાને બે-ચાર ગાઉ દૂર મેલી આવ્યો. ખોલકો તો બીચારો વગડામાં રઝળી રઝળીને મરણ પામ્યો. કુંભાર ઘરે જઈને હમેશાં ગેરુના ચાંદલા કરવા લાગ્યો. ત્રીસ ચાંદલા થાય ત્યારે એક મહિનો થાય એમ કરતાં છ મહિના ઉપર પાંચ દસ દિવસ થઈ ગયા. પછી કુંભારે નિશાળે જઈને માસ્તરને કહ્યું જે, “માસ્તર! મારો મોતીયો ક્યાં?” માસ્તર કહે કે, “મર્ય, મૂરખા! છ મહિના ઉપર દસ દિવસ થઈ ગયા માટે તે તો ડીફા જેવો થઈને કોરટમાં લખવા બેસી ગયો છે.” કુંભાર પછી માસ્તરને કહેવા લાગ્યો જે, “મેં તો તમને માણસ કરવા સોંપ્યો હતો કે કોરટમાં મોકલવા સોંપ્યો હતો?” માસ્તર કહે કે, “એ રહ્યો કોરટમાં જો જાને!” કુંભાર કહે, “હું શી રીતે ઓળખું?” માસ્તર કહે, “તું એને કાંઈ આપતો?” કુંભાર કહે, “હા, નાનો હતો ત્યારે મઠ આપતો.” માસ્તર કહે કે, “હાથમા મોરી લઈને અને મઠનું ગુંજું ભરીને કોરટમાં જા અને ઓથ્યે ઉભો રહીને ગુંજાને થપાટું મારજે એટલે મઠનો હેવાયો હશે તો તરત તારી પાસે આવશે.” પછી કુંભાર તે માસ્તરના કહેવા પ્રમાણે મઠનું ગુંજું ભરીને અને હાથમાં મોરી લઈને કોરટમાં ગયો. દિવસનો એક વાગ્યો હતો એટલે સૌ રોટલા જમવા ગયા હતા અને એક કારકુન કાન ઉપર કલમ ચડાવીને ઓસરીમા આંટા મારતો હતો. પછી કુંભાર ત્યાં કોરટમાં વંડીની ઓથે જઈને ઉભો રહ્યો અને હાથે કરીને ગુંજું ખખડાવીને તે દોતીયાને બોલાવ્યો. દોતીયે જાણ્યું જે, “કુંભારનું ગધાડું કોઈકના ખેતરમાં પડ્યું હશે તેટલા માટે તે આંહીયાં આવેલ હશે અને તે ગધાડાને ડબામાં પુરેલું હશે માટે એક ચિઠ્ઠી લખી આપું અને પાણ પાયલું લઈ લઉં એમ ધારી કુંભાર પાસે ધીરે ધીરે લંપાતો લંપાતો આવ્યો. તેથી કુંભારે જાણ્યું જે, આજ મારો મોતીયો અને દોતીયો નજીક આવીને બોલ્યો જે, “કેમ છે પાંચીયા?” એમ જ્યાં કહ્યું ત્યાં તો કુંભારે પોતાના હાથમાં મોરી હતી તે દોતીયાની ડોકમાં નાંખી અને બાવડે ઝાલીને પોતાની આગળ કર્યો. તે શોર બકોર સાંભળીને સૌ લોક ભેગાં થઈ ગયાં અને અરસપરસ એક બીજાને પૂછવા લાગ્યાં જે, “એલ્યા, આ શું? છે શું?” કુંભાર કહે કે, “આ મારો માતીયો! મઠનો હેવાયો!” સૌ કહેવા લાગ્યાં જે, “તારો મોતીયો હોય નહીં. આ તો ફલાણાનો દીકરો છે.” કુંભાર કહે, “ના, એ નાનો હતો ત્યારે હું એને મઠ ખવરાવતો. તે મઠનો હેવાયો છે તે મઠ દેખાડ્યા એટલે તરત દોડ્યો આવ્યો.” એ તો દૃષ્ટાંત પણ એનું સિદ્ધાંત એ છે જે, “જગતના જીવ પંચવિષયના હેવાયા છે તે લાજ ખુવે, આબરૂ ખુવે ને દંડ ભરે તો પણ તે મારગે ચાલ્યા વિના રહે નહીં. માટે અવળા સ્વભાવનો ત્યાગ કરીને સત્ મારગે ચાલવું.” ॥૧૨૫૭॥

એક કુંભારને દીકરો નહોતો. પછી તેણે ગધાડાના ખોલકાનું નામ રોડોજી પાડ્યું હતું. પછી તે ખોલકો કોઈકના ખેતરમાં મોલ ખાવા ગયો હશે તેથી ખેડુએ ગોફણમાં ઘાલીને પથ્થરનો ઘા કર્યો. તે વાગવાથી મૃત્યુ પામ્યો. પછી બે-ચાર દિવસ થયા એટલે કુંભારે તેના સુંવાળા ઉતાર્યા. અને કુંભાર નિત્ય અમલદારનું પાણી ભરવા દરબારી ઉતારામાં જતો હતો. તેણે મુછો મુંડાવેલી જોઈ અમલદારે પૂછ્યું જે, “જેરામા! કેમ મુછો મુંડાવી?” જેરામે કહ્યું જે, “સાહેબ! રોડોજી પડ્યા.” અમલદારે જાણ્યું જે, “રોડોજી કોઈક મોટો રાજાનો માનીતો માણસ હશે તેથી કુંભારે મુંડાવ્યું છે તો આપણે પણ મુંડાવવું જોઈએ.” એમ જાણીને તેણે અને તમામ અમલદારોને મુછો મુંડાવી. તે વાતની ગામના પટેલને ખબર પડી એટલે પટેલે પણ મુછો મુંડાવી અને પટેલની પાછળ બીજા દસ વીસ માણસોએ રોડાજીનું સુંવાળું ઉતરાવ્યું. પછી સૌએ મળીને વિચાર કર્યો જે, “આપણે સૌએ મળીને રાજદરબારમાં રોડાજીનો ખરખરો કરવા માટે જઈએ.” પછી પચીસ-પચાસ મનુષ્ય ભેળું થઈને જ્યાં પોતાનો રાજદરબાર હતો ત્યાં હજુર પાસે ખરખરે ગયા અને દરબાર પાસે બેસીને અમલદાર, મહાજન અને ગામના માણસો ખરખરો કરીને દિલગીરી કરવા લાગ્યા અને કહ્યું જે, “સાહેબ, રોડોજી બહુ સારા હતા. બહુ બુદ્ધિશાળી હતા. અમારે સૌને પૂછવાનું ઠેકાણું હતું.” વિગેરે ઘણાક દિલગીરી ભરેલા શબ્દો કહ્યા તે સાંભળીને દરબાર બોલ્યા જે, “રોડોજી કોણ?” પછી અમલદારે પટેલ સામું જોયું અને પટેલે કુંભાર સામું જોયું અને કુંભારને પૂછ્યું જે, “જેરામા! રોડોજી કોણ?” જેરામો કહે, “સાહેબ! મારે દીકરો નહોતો અને મારી ગધાડીને ખોલકો હતો તેનું નામ મેં રોડોજી પાડ્યું હતું. તે મરી ગયો.” તે સાંભળીને સૌ ઘણાં શરમાઈ ગયા. તેમ આ જગત આંધળી ભીંત જેવું છે તે જેમ ગાડર એક ખાડામાં ઉતરે તો બધાંય તેની પાછળ ચાલ્યા કરે. તેમ નહીં કરતાં વિવેકી પુરુષોએ વિચાર કરીને ક્રિયા કરવી અને ખરી વાતનો તપાસ કરીને તે પ્રમાણે વર્તવું. ॥૧૨૫૮॥

એક ભરવાડ એક ગામમાં રહેતો હતો. તેને ઘરે તેનાં છોકરાનાં લગ્ન લઈને બ્રાહ્મણ આવ્યો. પછી તેણે પોતાના ભત્રીજાને સાદ કરીને બોલાવ્યો જે, “એ... વાહા હે સીંધોર લાવ્ય, સીંધોર.” ત્યારે તે વાહો બોલ્યો જે, “કાકા! સીંધોરને શું કરવો છે?” ત્યારે તેણે કહ્યું જે, “આ બ્રાહ્મણ લગ્ન લઈને આવ્યો છે માટે લગ્ન વધાવવું છે.” ત્યારે તેનો ભત્રીજો બોલ્યો જે, “કાકા! સીંધોર ન જોઈએ! એ તો કંકુ જોઈએ કંકુ!” ત્યારે તે ભરવાડ બોલ્યો જે, “કંકુ તો તારી કાકીનું નામ છે તે મારાથી કેમ બોલાય?” એમ કહીને પોતે કંકુનું નામ તો લીધું પણ પોતાના જાણવામાં આવ્યું નહીં. ॥૧૨૫૯॥

એક ગામમાં આલો કરીને ભરવાડ રહેતો હતો. તેને બધું ગામ આલોભાઈ કહીને બોલાવતું. પછી તે એક દિવસ બકરા દોવા બેઠો. ત્યારે તેની ઘરવાળીએ આવીને કહ્યું જે, “આલીયો બોકડો, આલીયો બોઘરણું.” તે સાંભળીને તે ભરવાડ બોલ્યો જે, “રાંડ! અભાગણી! આખું ગામ મને આલોભાઈ આલોભાઈ કહે છે અને તું આલીયો આલીયો કહે છે. માટે ખબડદાર! ક્યારેય પણ મને આલાભાઈ વગર બોલાવ્યો છે તો તારી વાત છે? માટે જ્યારે મને બોલાવ્ય ત્યારે મને આલોભાઈ કહીને બોલાવજે!” ભરવાડ જાતની આવી જાડી બુદ્ધિ છે. તે પોતાની ઘરવાળીને પણ ભાઈ કહીને બોલાવવાની ફરજ પાડી. ॥૧૨૬૦॥

શ્રીજીમહારાજ વડતાલથી ગઢપુર પધારતા હતા અને ભેગા કાઠીના સ્વાર પણ હતા. અને રસ્તામાં એક ભરવાડ બકરાં ચારતો હતો. પછી મહારાજની સાથે જોધો ભરવાડ હતો અને મહારાજે પેલા ભરવાડને કહ્યું જે, “અમારે વછેરાને દૂધ પાવા સારુ બે-ચાર બકરીઓ વેચાતી લેવી છે.” ત્યારે ભરવાડ કહે, “હા, મહારાજ! તમારે જોઈએ તેવી ગોતી આપું.” પછી મહારાજે જોધા ભરવાડને કહ્યું જે, “જા, આમાંથી ચાર સારામાં સારી બકરીયું ગોતી લાવ્ય.” પછી જોધો ઘોડેથી હેઠો ઉતરીને બકરાંના ટોળામાં ગયો અને સારામાં સારી ચાર બકરીઓ ગોતીને બહાર લાવ્યો. તે જોઈ બકરાનો ધણી ભરવાડ બોલ્યો જે, “મહારાજ! સોનાની મુઠવાળી તરવારવાળો અને ઉજળાં લુગડાં પહેર્યાં છે પણ તે અમારી નાતનો જણાય છે! કેમ કે અમારી નાત વિના આવું ડહાપણ હોય નહીં!” મહારાજ કહે, “તમારી નાત્યમાં બહુ ડહાપણ હોય?” ભરવાડ કહે, “હા, મહારાજ! સો નાગર ભેગા કરો પણ તેમાં અમારા જેવું ડહાપણ નહીં!” મહારાજ કહે કે, “જુઓને પોતાની જાતિનું કેવું અભિમાન છે?” ॥૧૨૬૧॥

એક ભરવાડે પોતાના દીકરાની જાન જોડી પણ તેની ઘરવાળી ઘરકામમાંથી પરવારી નહોતી અને જાન પાદર જઈને ઉભી રહી. ત્યારે બાઈનો પતિ બોલ્યો જે, “એ... ઘરમાં શું ફાંદા ફુદી કરે છે? વર તો મહાણે પોગ્યો મહાણે!” એમ કહીને પોતાની ઘરવાળીને બોલાવી લીધી. ॥૧૨૬૨॥

મુળો કરીને એક ભરવાડ હતો, તેનાં લગ્ન કર્યાં હતાં. પછી તેની જાન તેના સસરાને ગામ ગઈ અને જ્યારે ચોરીએ ચડવું હતું ત્યારે ગોરે કહ્યું જે, “મુળો ક્યાં ગયો મુળો? ચોરીએ ચડાવવો છે.” મુળો જાણે જે, “ગોર ચડાવશે તેના કરતાં હું મારે હાથે જ ચડું ને!” એમ જાણીને ચોરીના છોડવા ઝાલીને જ્યાં ચડવા જાય ત્યાં ચોરીના છોડનાં માટીનાં વાસણ ભાંગીને હેઠાં પડે. એમ ચારે છોડવાનાં વાસણ ભાંગીને માંડવા ઉપર ચડીને અધર જઈને બેઠો. પછી ગોરે બૂમ પાડી જે, “મુળો ક્યાં ગયો મુળો? ચોરીએ ચડાવવો છે.” મુળો કહે, “આ બંદો ઉંચો સડીને બેઠો. હું તો મારી ઝોકમાં વડલો છે ત્યાં સડી જાઉં છું તો વળી મને બીજો કોણ ચોરીએ સડાવશે?” એવા ડાહ્યા હતાં તો પણ ભાગવતમાં તેનાં નામ લખાઈ ગયાં અને શ્રીકૃષ્ણ ભગવાનને મન, કર્મ અને વચને કરીને રાજી કર્યા. ॥૧૨૬૩॥

એક ગામમાં એક બાવો ચારણના નેહમાં રહેતો હતો અને ચારણના વિવાહ બહુ જ ચાલ્યા. પછી બાવાને પણ વિચાર થયો જે, “આપણે પણ વિવાહ કર્યો હોય તો ઠીક.” પછી બાવે ચારણોને વાત કરી જે, “તમારા સૌના વિવાહ થયા અને મારા નહીં?” ચારણ કહે, “બહુ સારુ. તમને ફુલેકે ચડાવીએ ને વિવાહ કરીએ.” પછી બાવાજીને સારાં લુગડાં પહેરાવ્યાં અને એક પાડા ઉપર બેસાર્યો અને બાવાના બે પગ સામસામા પાડાના પેટ સાથે બાંધી દીધા. પછી એક બીજો પાડો જેની સાથે આ પાડાનું વેર હતું તેને આ પાડાની પાછળ કર્યો. તે બાવાનો પાડો આગળ અને બીજો પાડો પાછળ એમ દોડતાં દોડતાં બાવો ખસીને પાડાનાં ચાર પગ વચ્ચે આવી ગયો અને પગમાં અથડાવા લાગ્યો અને ચારણ્યો બાવાની પાછળ ગીત ગાવા લાગી જે:

એક છે ને બીજી થાશે બાવલીયો કેંગાં જાશે,

નવા નવલી થાશે બાવલીયો કેંગાં જાશે.

જોયા જેવી થાશે બાવલીયો કેંગાં જાશે!

એમ ગાણાં ગાવા લાગી અને બાવો પાડાના પગ વચ્ચે અથડાઈ અથડાઈને મરી ગયો એમ અસદ્ વાસના છે તે અપમૃત્યુ કરાવે એવી છે પણ જીવ ત્યાગ કરી શકે નહીં. ॥૧૨૬૪॥

એક ગામમાં બાવો રહેતો હતો અને તે ગામમાં લોકોનાં ઘણા જ વિવાહ થયા હતા. પછી બાવાના મનમાં એમ થયું જે, “આપણે પણ ઘર કર્યું હોય તો સારુ.” એમ સંકલ્પ-વિકલ્પ કરતાં રાત્રીએ ગામને પાદર આવીને એક મોટી વાવના મતવાલા ઉપર સુતો. ત્યાં બાવાને રાત્રીમાં સ્વપ્નું આવ્યું જે, “જાણે મારા લગ્ન થયાં અને તેને દીકરો આવ્યો અને તે છોકરો જાણે પડખામાં સુતો છે તે જાણે જરા ભીંસણમાં આવ્યો એટલે રોવા લાગ્યો.” પછી બાવે કહ્યું જે, “બચ્ચા! રો માં.” એમ કહીને બાવો જ્યાં ખસવા જાય ત્યાં તો અંધારી રાતમાં ધબ દઈને તે વાવમાં પડી ગયો અને કોઈક જાળું હાથમાં આવ્યું તેને ઝાલીને ત્યાં આખી રાત બેસી રહ્યો. પછી સવારે કોસ લઈને કોસીયા આવ્યા પછી બાવે બૂમ પાડીને કહ્યું જે, “બાબુ! મને કુવામાંથી કાઢો.” કોસીયા કહે કે, “ખરાબદાસ! તું આ કુવામાં ક્યાંથી પડ્યો?” બાવો કહે કે, “મને બહાર કાઢો તો હું પછી કહું.” પછી કોસમાં બેસારીને બાવાને બહાર કાઢ્યો. પછી બાવે ચોરે જઈને વાત કરી જે, “બાબુ! કોઈ વિવાહ મહાલશો નહી, વિવાહ તો બહુત દુઃખ દે.” કેમ કે આ જીવને સ્વપ્નસૃષ્ટિ પણ દુઃખ કરે છે. જેમ બાવાને સ્વપ્નસૃષ્ટિ થઈ તો કુવામાં પડવું પડ્યું. ॥૧૨૬૫॥

એક માણસ મધનો ઘડો ભરીને વેચવા સારુ જતો હતો અને તેની મજુરીના બે આના કરેલા. પછી રસ્તે ચાલતાં વિચાર કરતો જાય જે, “બે આના આવશે તેની બે બકરીઓ લેશું અને તેનો વિસ્તાર થાશે તે વેચીને ભેંશ લેશું! અને ભેંશ વેચીને બે બીબીયું કરીશું! એમાં એક માનીતી! અને એક અણમાનીતી! તે હું જ્યારે ડાયરામાં બેઠોં હઈશ ત્યારે માનીતીનો છોકરો આવશે ત્યારે કહેશે જે, ‘બાપુ! ચલો જમવા!’ ત્યારે હું કહીશ જે, ‘ચલો, ભા, ચલો!’ અને અણમાનીતીનો બોલાવવા આવશે અને તે જ્યારે કહેશે જે, ‘બાપુ, ચલો રોટલા જમવા!’ ત્યારે હું કહીશ કે, ‘હત તેરી હું.’” એમ કહીને જ્યાં પગની પાટુ નાંખવા ગયો તે ચાલતાં ચાલતાં પગમાં ઠેસ આવી. તે મધનો ઘડો માથેથી પડીને ફુટી ગયો. ત્યારે મધનો ધણી બોલ્યો જે, “અલ્યા, મૂર્ખ! તેં મારો મધનો ઘડો ફોડી નાંખ્યો?” ત્યારે મુલ્લાં બોલ્યો જે, “તારો તો ઘડો ભાગ્યો પણ મારું તો આખું ઘર ભાંગી ગયું!” એમ જીવને મનમાં અનેક તુરંગ થાય છે! તે ઘડીકમાં જગત સૃજાવે અને ઘડીકમાં નાશ પમાડે. કેમ કે જેમ મધનો ઘડો ફુટી ગયો તેમ આ ઘડા રુપ દેહ છે તે એક દિવસ નાશ થવાનો જ છે. ॥૧૨૬૬॥

એક મીયાં હતા. તેણે એંશી વરસ સુધી નોકરી કરી અને તેને બે બીબીયો હતી. તેનું તે ભરણ-પોષણ કરતો હતો. પછી તેને પેન્શન મળ્યું એટલે ઘરે બેઠાં બેઠાં પોતાનો નિર્વાહ ચલાવતો અને તેને પાંચ-છ છોકરાં પણ હતાં. પછી એક દિવસ ચોમાસાની રાત્રીએ મીયાં સુતા સુતા હુક્કો પીતા હતા. ને તે મીયાંજીએ પોતાની દાઢી વધારીને મોટી કરી હતી. તે સુતા સુતા ઉંઘનું ઝોલું આવ્યું એટલે હોકાની ચલમ ઉડીને મીયાંની દાઢી ઉપર પડી. તેથી અગ્નિના જોરથી દાઢી એકદમ સળગવા લાગી ત્યારે મીયાં બોલ્યો જે, “દોડો બીબીજી દોડો બીબીજી દાઢી લાગી.” બીબીજીએ પણ તરત વાટ્ય ને કોડીયું લઈને દાઢીને અડાડ્યું. મીયાં બોલ્યો જે, “અરે, રાંડ! દાઢી ઓલવ્ય.” બીબી કહે કે, “હું દીવો કરી લઉં. અંધારામાં હું દેવતા લેવા ક્યાં જાઉં? માટે તમારી દાઢીથી દીવો સળગાવી લઉં અને પછી જોઉં જે કેટલી દાઢી દાઝી ને કેટલી રહી! તેને પછી ઓલવું.” તેમ સંબંધી પણ અંત વખતે આવીને રોવા કકળવા માંડે અને સગાં સંબંધી બોલે જે, “અમને ઓળખો છો? અમે કદના બાન?” એવા એવા શબ્દ બોલીને જીવને વાસનામય કરી નાંખી, ભગવાન ભૂલાડે છે પણ મરનાર માણસ એમ ન જાણે કે હું અંધારી રાતનો જે ઠેકાણે જાતાં બીતો હતો તે ઠેકાણે આ બધાય મને એકલો મૂકીને ચાલ્યા આવશે અને આને તો ઘરે અનાજની કોઠીયું ભરીયું છે ને કહે છે જે અમારી શી ગતિ થાશે? માટે આ દેહે કરીને તો પુન્યદાન કરવાં, ધર્મ નિયમ પાળવા, તીર્થ વ્રત કરવાં તે જ સાથે આવવાનું છે! અને બાકી બીજી તો સૌ સ્વાર્થની બાજી છે. ॥૧૨૬૭॥

એક બ્રાહ્મણ હતો. તે રાતે ગાય દોવરાવવા માટે ગાયનો કાન ઝાલીને ઉભો હતો અને તેની ઘરવાળી ગાય દોવા બેઠી હતી. તે વખતે ગામમાં કોઈક ઠેકાણે અગ્નિ થયો હશે તે બહુ શોર બકોર થયો અને લોકો બહુ જ બૂમો પાડવા લાગ્યા. તે સાંભળીને તે બ્રાહ્મણે ગાયનો કાન મૂકી દઈને બે કાનમાં આંગળીઓ ઘાલીને બૂમ પાડી. તે ભેળી ગાય ભડકી ને ગાયે પાટુ મારી તે બાઈના હાથમાં બલોયાં હતાં તે ભાંગી ગયાં. પછી બાઈ બોલી જે, “પીટ્યા! હું રંડાણી.” બ્રાહ્મણ કહે, “તું તો રંડાણી પણ બૂમે બૂમ તો સંધાણી.” તેમ આ સંસારમાં બૂમે બૂમ સાંધે તેવું છે પણ સત્ય અસત્ય કોઈ જોતું નથી. ॥૧૨૬૮॥

એક બ્રાહ્મણને દુજણી ગાય હતી પણ જ્યારે દોવા બેસે ત્યારે પાટુ મારે. એટલે દોવાનું વાસણ ફુટી જાય અને પાટુ દોનાર માણસની છાતીમાં વાગે. પછી બ્રાહ્મણે વિચાર કર્યો જે, “આ ગાયને વેચી હોય તો સારું.” પછી તે વેચવાને માટે પરગામ ગયો. પછી ગામને ચોરે ગાયને લઈને જ્યાં બેઠો હતો ત્યાં કોઈક ગાયનું ઘરાક આવ્યું. તેણે પૂછ્યું જે, “મહારાજ! ગાયને વેચવી છે?” ત્યારે કહે, “હા!” ઘરાકે પૂછ્યું જે, “દૂધ કેટલું કાઢે છે?” બ્રાહ્મણ કહે, “સવારે દોણ અને સાંજેય દોણ.” લેનાર ધણી કહે, “માંખણે કેવીક છે?” બ્રાહ્મણ આગળ એક પથર પડ્યો હતો તે સામી આંગળી કરીને કહ્યું જે, “દેખ લે પથરા.” લેનાર કહે કે, “રાંગડીના ગુણ કેવાક છે?” બ્રાહ્મણ કહે, “રાંગડીના ગુણ તો મારી છાતી જાણે છે કેમ કે જ્યારે દોવા બેસે ત્યારે છાતીમાં પાટુ મારતી!” એમ બ્રાહ્મણે તો સમશાએ બધુંય સમજાવ્યું પણ લેનાર ધણી સમજ્યો નહીં. ॥૧૨૬૯॥

એક રાજા હતો. તે સૂર્યનું ગ્રહણ થયું તે વખતે હાથીનું દાન લેવાને માટે તેણે બ્રાહ્મણોને ભેળા કર્યા. તે વખતે એક બ્રાહ્મણ આવીને રાજા પાસે ઉભો રહ્યો અને તેણે જ્યાં લાંબા હાથ કર્યા તે વખતે તેની સ્ત્રીએ ના પાડી જે, “આ હાથીનું દાન લેવું રહેવા દે.” તો પણ તે દાન બ્રાહ્મણે જોરાવરીથી લીધું પછી તે મૃત્યુને પામ્યો. ત્યાર પછી તે ઊંટ થયો અને માથે સોળ મણનો ભાર ઉપાડતો. તે વખતે ઊંટ બરાડવા માંડ્યો તે સમે તેની સ્ત્રી સામી ઉભી હતી તે બોલી. જે સાખી:

મત કરગર હે કરલીયા ભા૨ ભર્યો પંથ દૂર

તું લેહંતો ને હું વારતી રાહુ ગળંતે સૂર્ય.

તેમ અધમ દાન લેવાથી પણ જીવની અધોગતિ થાય છે. માટે લોભે કરીને કોઈનું દાન લેવું નહીં. ॥૧૨૭૦॥

અને ભાવનગરમાં તખ્તસિંહજી મહારાજ બેઠા હતા. ત્યાં એક બ્રાહ્મણ જઈને ઉભો રહ્યો. પછી દરબાર બહુ જ રાજી થયા અને બ્રાહ્મણને કહ્યું જે, “માગો, મહારાજ! જે માગો તે આપું.” બ્રાહ્મણ કહે, “દઈ શકશો?” પડખે મનુષ્યો બેઠાં હતાં તેમણે કહ્યું જે, “તાખ્તસિંહજી દરબાર જેવા મહારાજ રાજી થયા અને આવું શું બોલે છે? માટે તારે જે માગવું હોય તે માગ્ય!” પછી બ્રાહ્મણ બોલ્યો જે, “મારા પગમાં જોડા નથી તે આપો.” પછી પાસે બેઠેલા મનુષ્ય બે રૂપિયા ઉડાડી મૂક્યા. જ્યારે રાજા રાજી થાય તો કોદર્યા માગે એવો જીવ છે તેમ ભગવાન રાજી થાય તો વિષય માગે એવો જીવ છે. ॥૧૨૭૧॥

એક રાજા હતો તે વનમાં ગયો હતો. પછી તેને તરસ બહુ લાગી. પછી તેણે ચારે કોર આસપાસ જોયું ત્યાં તો એક ખેડુ સાંઠીયું ખોદતો હતો તે તરફ પોતાની દૃષ્ટિ પડી અને પોતાને તરસ બહુ જ લાગેલી. પછી તેણે ચારે કોર્ય આસપાસ જોયું તે ખેડુને જોઈને વિચાર કર્યો જે, “ઓલ્યો માણસ જો મને પાણી પાય, તો મારે તેને એક ગામ આપવું.” એમ ધારીને એકદમ ઘોડાને મારી મેલ્યો અને તે ખેડુ પાસે ગયો. ખેડુએ પણ વિચાર કર્યો જે, “ઓલ્યો ઘોડાવાળો દોડ્યો આવે છે તેને મારે પાણી પાવું નથી.” અને જો જોરાવરીથી પીશે તો છેલ્લી બાકી ઘડો ફોડી નાંખું, પણ તેને મારે પાણી પાવું નથી.” પછી રાજાએ કહ્યું જે, “ભાઈ! મને તરસ બહુ લાગી છે, માટે મને પાણી પા.” ખેડુએ કહ્યું કે, “મારે તને પાણી પાવું નથી.” રાજાને તરસ બહુ લાગી હતી તેથી તેણે ના પાડવાથી બળાત્કારે પાણીનો ઘડો પોતાને હાથે લીધો. તે ભેળો ખેડુએ કોદાળી મારીને ઘડો ફોડી નાંખ્યો. પછી રાજા તો એકદમ ઘોડો દોડાવી મૂકી પોતાના દરબાર ભેગો થઈ ગયો અને ઠંડું પાણી પીઈને પોતે પોતાની રાજગાદી ઉપર બેઠો. તે વખતે પોતાને વિચાર થયો જે, “ઓહો મારું લોક! તેણે પણ પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો જે, મારે રાજાને પાણી નથી પાવું અને છેલ્લી બાકી ઘડો ફોડી નાંખ્યો. માટે હુ તો રાજા છું તે મારો સંકલ્પ મિથ્યા કેમ થાય? માટે તેને ગામ દેવાનો મેં સંકલ્પ કર્યો છે તે ગામ આપવું ને નો આપું તો મારો સંકલ્પ મિથ્યા થાય.” પછી તે કણબીને સ્વાર મોકલીને કચેરીમાં બોલાવ્યો. કણબી રાજાને જોઈને થરથર ધ્રુજવા લાગ્યો. પછી રાજાએ કહ્યું જે, “તેં તારો સંકલ્પ સિદ્ધ કરીને પણ મને પાણી ન પાયું.” ત્યારે કણબી કહે કે, “સાહેબ! મેં તમને ઓળખ્યા નહોતા.” ત્યારે રાજા કહે, “મેં સંકલ્પ કર્યો છે તે મારે તને ગામ આપવું.” પછી તે કણબીને રાજાએ એક ગામ આપ્યું ને કહ્યું જે, “નિરંતર તારે કચેરીમાં બેસવા આવવું.” પછી જ્યારે અરસ પરસ વાતુ નીકળે તેમાં કોઈકે પૂછ્યું જે, “તમે રાજાનું શું કામ કર્યું તે તમને ગામ બક્ષીસ આપ્યું.” ત્યારે કોઈકે કહ્યું જે, “અમારા બાપદાદાએ રાજાને અરથે માથાં આપેલાં છે. તે બદલ ગરાસ મળેલો છે.” અને જ્યારે પટેલને ગામ મળવાનું પૂછે ત્યારે પટેલ નીચું જોઈને ભોંય ખોતરવા મંડે, તેનું કારણ જે તેના ઉપર તો રાજાની કેવળ પ્રસન્નતા જ થઈ પણ કાંઈ સત્કાર્ય કરેલું નહીં; તેમ શ્રીજીમહારાજનો એવો સંકલ્પ છે જે, એક વખત તો સૌને ધામમાં લઈ જવા, એવું પોતાનું બિરુદ છે માટે જો આંહીંયાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે સિદ્ધ કર્યા હશે અને શુદ્ધ ઉપાસના કરી હશે ને આજ્ઞા પાળી હશે તો તો ભગવાન હસીને અક્ષરધામરૂપી મોજ આપશે અને નહીં તો પછી પટેલની પેઠે નીચું જોઈને બેસી રહેવું પડશે. સાખી:

‘અણીયાળી આંખડલી સૌ કોઈ આંજે, આંજ્યા આંજ્યામાં વેરો,

જ્યાં લગી પીયુડો હસીને ન બોલાવે, ત્યાં સુધી આભૂષણ સરવે ડેરો.’

જેમ સીતાજીને વસ્ત્ર આભૂષણ પહેરાવીને વિભિષણ લાવ્યા હતા પણ રામચંદ્રજીએ સામું જોયું નહીં, તેમ આ લોકમાં ગમે તેવો ડોળ કરીયે તો પણ તે નકામો છે. ॥૧૨૭૨॥

ધોલેરામાં એક વાણિયો ઘરે કહેતો ગયેલ જે, “મારા સારુ મુળાની કચુંબર કરજો,” એમ કહીને તે દુકાને ગયો. પછી બધી રસોઈ તૈયાર કરી પણ મુળાનુ કચુંબર કરવી ભૂલી ગયેલ. વાણિયો બપોરે જ્યારે દુકાનેથી ઘરે આવ્યો ત્યારે લુગડાં ઉતારીને જમવા બેઠો. ત્યાં તો કચુંબર પોતાની નજરે ચડી નહીં. વાણીયો કહે, “મેં કહ્યું હતું અને મુળાની કચુંબર કેમ કરી નથી?” એમ કહીને પોતે રીસમાં ને રીસમાં એકદમ ઉઠીને માથે ફાળીયું વીંટીને બજારમાં મૂળા લેવા માટે ગયો અને બે પૈસાના મુળા લઈને ગાંઠ્યે બાંધીને જ્યાં ચાલ્યો, ત્યાં તો બજારમાં આવતાં પોતાનું પહેરવાનું ધોતીયું પગમાં ભરાણું તેથી પડી ગયો ને મૃત્યુ પામ્યો ને મુળા ગાંઠ્યે બાંધ્યા રહ્યા. સાખી:

‘માનવ જાણે મેં કરું, કરતલ બીજા કોઈ,

આરંભ્યા અમથા રહે, તો હરિ કરે સો હોય.’

એમ ધાર્યું તો એક ભગવાનનું જ થાય પણ જીવનનું ધાર્યું થાય નહીં. ॥૧૨૭૩॥

એક વાણિયાને ઘરે સેવ રાંધી હતી. પછી પોતે બપોરે ઘરે જમવા ગયો. પછી સેવમાં ગોળ નાંખવા માટે દુકાને ગયો ને દુકાનનું બારણું વાસતી વખતે પોતાનાં લુગડાંનો છેડો કમાડમાં ભરાઈ રહ્યો. તે વખતે ગામમાં મરકીનો રોગ ચાલતો હતો તેથી વાણિયાના મનમાં ભીતિ લાગી જે મારું લુગડું મરકીએ ઝાલ્યું છે. એમ જાણીને ભયનો માર્યો બોલવા લાગ્યો જે, “મરકીમા! મેલોને.” એમ બે-ચાર વખત બોલીને બીક લાગી તે ત્યાંને ત્યાં મૃત્યુને પામ્યો અને સેવ ચુલે રહી ને ગોળ ગાંઠ્ય રહ્યો ને મૃત્યુ અચાનક થયું, માટે કાંઈ નિર્ધાર નથી. ॥૧૨૭૪॥

એક વાણિયો કાપડનો વેપાર કરતો હતો તે નિરંતરનો અભિનિવેશ બહુ જ હતો. તેથી પોતાને રાતમાં સ્વપ્નું આવ્યું જે, જાણે ઘરાક આવ્યું છે અને તે પાછું જાય છે માટે તેને દુકાનેથી પાછું જવા ન દેવું. એમ ધારીને સ્વપ્નામાં બેઠો થઈને બોલ્યો જે, “સાડા પાંચ તો સાડા પાંચ પણ ઘરાક પાછું જાય તે મને ન ગોઠે.” એમ ધારીને પોતાનો ઓઢવાનો ચોફાળ હતો તેના ઉભા બે લીરા કરી નાંખ્યા. પછી જાગૃત થયો ત્યારે શુધ આવી જે, આ તો મારો ઓઢવાનો ચોફાળ મેં ફાડ્યો. પછી સવારે દરજીને ત્યાં જઈને ચોફાળને ખીલાવવો પડ્યો. એમ જેવો વહેવાર સંબંધી અભિનિવેશ છે તેવો પ્રભુ સંબંધી રાખવો. ॥૧૨૭પા

એક ગામમાં તેજપાલશા કરીને વાણિયો હતો અને તે જૈન મતનો હતો. અને તેને મંદવાડ થયો એટલે ગોરજી તેને જોવા માટે ગયા ને તેજપાલશાને ગોરજીએ કહ્યું જે, “તેજપાલશા! શિયળવ્રત રાખજો!” તેજપાલશા કહે, “લીલવણીની અગડ.” ગોરજીએ ફરી કહ્યું જે, “શિયળવ્રત રાખજો, તેજપાલશા! હું તો શીયળવ્રત કહું છું.” તેજપાલશા કહે કે, “મારે માંખણની અગડ.” પણ એંશી વરસની ઉંમરે પણ શીયળવ્રતની હા કહી નહીં. માટે શિયળવ્રત છે તે જ મનુષ્યને આભૂષણરૂપ છે. પછી ગોરજીએ નિયમ લીધું જે, “મારે સાવજે ચડ્યાની આખડી! મારે આભે અડવાની આખડી! મારે કોશનું દાતણ કરવાની આખડી!” એવાં એવાં તે ગોરજીએ કેટલાંક નિયમ લીધાં, કેમ કે તે બધી અસંભવિત છે માટે સંભવિત હોય તે પ્રમાણે બોલે તો શોભે. ॥૧૨૭૬॥

એક શહેરમાં કોઈ મોટો શેઠ હશે તેને ત્યાં એક ગોરજી રહેતો હતો. તે ગોરજી મૃત્યુને પામ્યો. એટલે તેનાં તમામ લુગડાં વિગેરે બાંધી રાખ્યાં હતાં એમ કરતાં કરતાં દુકાળ વરસ આવ્યું ને શેઠીયાનું બધું કુટુંબ મૃત્યુને શરણ થયું અને પોતે એક જીવતો રહ્યો ત્યારે પોતાના મનમાં વિચાર થયો જે, “આપણે તો ગોરજીનો વેશ લઈને કોઈક શેઠને ત્યાં રહીયે.” પછી તે ગોરજીનો વેશ લઈને બીજે ગામ કોઈક શેઠીયાને ત્યાં રહ્યો અને તેણે ક્યારેય આ દેહે કરીને પરમેશ્વરનું નામ લીધેલું નહીં. પછી તે મૃત્યુ પામીને યમલોકમાં ગયો. પછી ધર્મરાજાએ વિચાર કર્યો જે, “આ મહાનિર્દય છે માટે તેને યમદૂતનું સ્વરૂપ ધારણ કરાવું.” પછી તેને ધર્મરાજાએ યમદૂત કર્યો. પછી એક સમે પોતે પ્રથમ જે ગામ રહેતો તે ગામને પાદર લાખે વણજારે પોઠીયા લાવીને પડાવ નાંખ્યો હતો અને ત્યાં લાખા વણજારાનું મૃત્યુ દિવસના નવ વાગ્યે હતું તેથી ધર્મરાજાએ તેને આજ્ઞા કરી જે, “તમે બે જણા તેને લેવા જાઓ.” પછી બે જમ તેને લેવા માટે આવ્યા. તે વખતે પેલો શેઠ જંગલ જવાને માટે આવ્યો હતો ત્યારે જમના મનમાં એમ થયું જે, “આનું મેં હરામનું ખાધું છે અને કાંઈ ઈશ્વર સ્મરણ કર્યું નથી તેથી હું યમની યોનિને પામ્યો છું. માટે શેઠને હું ચેતાવું એટલે તે ઈશ્વર ભજન કરે.” પછી પ્રથમ યમ ગોરજીનું સ્વરૂપ ધારણ કરીને તે શેઠ જ્યારે કળશીયે જઈને ઉઠ્યા ત્યારે તેના સન્મુખ જઈને ઉભો રહ્યો. તેને ભાળીને શેઠને ઘણો જ ત્રાસ ઉત્પન્ન થયો ને બોલ્યો જે, “વોય વોય, બાપલીયા!” ત્યારે ગોરજી બોલ્યો જે, “શેઠ! બીશો નહીં. હું તો તમને ચેતાવવાને આવ્યો છું.” પછી વાણિયાને કાંઈક ધીરજ આવી. ગોરજીએ કહ્યું કે, “મેં તમારું અનીતિનું ખાધું અને કાંઈ ઈશ્વર સ્મરણ કર્યું નહીં તેથી હું યમદૂત થયો છું.” ત્યારે શેઠે કહ્યું જે, “મને શી ખબર પડે?” ગોરજી કહે જે, “આજ નવ વાગે લાખા વણઝારાનું મૃત્યુ થવાનું છે. તેને અમે તેડવા માટે બે જણા આવ્યા છીએ.” અને શેઠને કહ્યું જે, “જો બીજો જમ પેલો બેઠો.” શેઠને ત્યાં આંગળીની નિશાની કરીને બતાવ્યો. ત્યાં તો શેઠની નજર તે ભણી ગઈ અને શેઠને ઘણો જ ત્રાસ ઉત્પન્ન થયો. પછી તે ગોરજી તે જમ પાસે ગયો અને જમે માથે હાથ મેલ્યો એટલે મહામદોન્મત્ત મોટો સાંઢ થઈને પોઠીયાને માથાં મારી મારીને પાડી નાંખવા મંડ્યો. તે જોઈ લાખે વણઝારે પોતાના નોકરોને કહ્યું જે, “જાઓ તે સાંઢનું ખડગે કરીને માથું કાપી નાંખો સાલાનું.” પછી સૌ ચાકરો તે હુકમ સાંભળી ઉઘાડી તરવારો લઈ સાંઢ સામા દોડ્યા. પણ તેની પાસે જવાની કોઈની હિંમત ચાલે નહીં કેમ કે સૌને મરવાની બીક લાગે. પછી લાખો વણઝારો એકદમ બોલ્યો જે, “મારો પગાર તમે ખાઈ બગાડ્યો.” એમ કહીને પોતે ક્રોધાવેશ થઈને હાથમાં ઉઘાડી તરવાર લઈને એકદમ પોતાના ઢોલીયા ઉપરથી બેઠો થઈ ઉભો થઈને તે સાંઢ સામો દોડ્યો. શેઠ પણ ઉભા ઉભા બધી હકીકત જોયા કરે છે. ઘરે શેઠાણી પણ રસોઈ તૈયાર કરીને શેઠની રાહ જોઈને બેઠાં છે જે, “હજી શેઠ કેમ ઘરે આવ્યા નહીં? ક્યાં ગયા? શું થયું?” એમ સંકલ્પ-વિકલ્પ કરે છે અને ગુમાસ્તાને ચારે કોર દોડાવી મુક્યા જે, “શેઠ ક્યાં છે? બોલાવી લાવો. રસોઈ ઠરી જાય છે.” હવે લાખો વણઝારો જ્યાં સાંઢની નજીક ગયો, ત્યાં તો સાંઢે સામી હડી કાઢીને લાખા વણઝારાની છાતીમાં શિંગડું માર્યું ને ચક્કર ચક્કર ફેરવીને ઉડાડી મૂક્યો અને એના જીવને લઈને યમદૂત બન્ને ચાલી નીસર્યા. શેઠ આ બધું જોઈને ભયને લીધે પોતાનાં બધાં વસ્ત્ર પરસેવાથી પલળી ગયાં. પછી શેઠ ઘરે ગયો અને શેઠાણી કહેવા લાગ્યાં જે, “અત્યાર સુધી ક્યાં રોકાઈ રહ્યા હતા? રસોઈ બધી ઠરી ગઈને!” શેઠ કહે, “કાંઈ નહીં. મને એક વખત નહાઈ લેવા દે. પછી તને વાત કરૂં.” પછી નહાઈને જમીને બધી વાત કરી. પછી લાલજી રાખીને જીવંત પર્યંત શેઠે તથા શેઠાણીએ સેવા કરી. ॥૧૨૭૭॥

લોકમાં કહેવત છે કે “જેના કુળમાં ઉંદરડી મારે તે માણસ મારે.” એક શેઠ પોતાની હવેલીને ત્રીજે માળે સુતા હતા અને સવારે જ્યાં ત્યાંથી ઉતરવા જાય ત્યાં તો દાદરે મોટો સર્પ ફેણ ઉંચી કરીને બેઠેલો. તે જોઈને શેઠે બૂમ પાડીને કહ્યું, “દાદરા ઉપર મોટો સર્પ છે!” તે સાંભળીને સૌ લોક તેને ઝાલવાને માટે ભેગાં થયાં હતાં. તેવામાં એક પોતાની નજીકમાં બીજો શેઠ રહેતો હતો તેની દશ-બાર વરસની દીકરી હતી તે પણ તે વખતે જોવા સારુ આવી હતી. તે સર્પને ઝાલવાની કોઈની હિંમત ચાલે નહીં. કેમ કે દાદરા ઉપર રહ્યો રહ્યો ફુંફાડા મારતો હતો. તેથી સૌ ડરીને છેટે ઉભા રહ્યા. તેવામાં પેલા શેઠની દીકરી ફળીમાં લુગડાં ધોવાનો ધોકો પડ્યો હતો તે લઈને એકદમ દોડી અને દાદરા પાસે જઈને ધોકાનો ઘા કર્યો. તે પગથીયાની ધાર અને ધોકો એ બે વચ્ચે સર્પ આવ્યો તેથી તેના બે કટકા થઈને સર્પ નીચે પડ્યો. તે જોઈને સૌ લોક આશ્ચર્ય પામ્યાં જે, “નાની વયની બાળકીએ બહુ મોટું કામ કર્યું.” પછી શેઠ નીચે ઉતર્યા અને નહાઈ-ધોઈને જ્યારે જમવા બેઠા ત્યારે શેઠાણી બોલ્યાં જે, “આપણે આપણો દીકરો માણેકચંદ છે તેનો સંબંધ શેઠની દીકરી સાથે કરવો છે કેમ કે જેમ તમારી રક્ષા કરી તેમ જ આપણા દીકરાની પણ રક્ષા કરે. અને તે દીકરી ન હોત તો અત્યારે મારે રંડાપણ આવત. માટે આપણા દીકરાનું સગપણ તેની સાથે કર્યા પછી હું ખાઈશ.” શેઠ કહે કે, “બોલમાં, રાંડ! જેવા સર્પના હાલ તેવા જ તારા દીકરાના હાલ જાણજે.” શેઠાણીએ તો બહુ જ સ્ત્રી હઠ લીધી! અને અનશનવ્રત લઈને બેઠી. પછી શેઠે પોતાની અરૂચી, છતાં તેની સ્ત્રીના કહેવાથી તે શેઠની દીકરી સાથે પોતાના દીકરાનો સંબંધ કર્યો. પછી લગ્ન કર્યાં અને દીકરો પણ બરાબર ઉંમર લાયક થયો એટલે પોતે બે-ચાર નોકરો લઈ પરદેશમાં રળવા માટે ગયો અને ત્યાંથી ઘણુંક દ્રવ્ય લઈને એક ગુમાસ્તાને કેટલુંક દ્રવ્ય તથા કેટલુંક નવીન કાપડ આપીને દેશમાં મોકલ્યો. તે ગુમાસ્તો જે વખતે પોતાને ગામ આવ્યો. તે વખતે શેઠ અને શેઠાણી બન્ને કાંઈક દશ-પંદર દિવસને ગામતરે પરગામ ગયાં હતાં. ગુમાસ્તે ઘરે આવીને શેઠાણીને પૂછ્યું જે, “શેઠ ક્યાં ગયા છે?” શેઠાણી બોલી જે, “મારી સાસુ અને મારો સસરો બન્ને પંદર દિવસને ગામતરે ગયાં છે.” પછી શેઠાણીયે કહ્યું જે, “કાકા! શેઠ ત્યાં ખુશીમાં છે?” ગુમાસ્તે કહ્યું જે, “ત્યાં શેઠ ખુશી મજામાં છે ને ઘણું દ્રવ્ય કમાણા છે અને આ દ્રવ્ય અને કેટલુંક કાપડ આંહીંયાં ઘરે મોકલવા માટે મને મોકલ્યો છે.” પચીશ-પચાશ હજારનો માલ જોઈને બાઈના મનમાં એમ થયું જે, “આ ગુમાસ્તાને ઠેકાણે પાડ્યો હોય તો આ બધો માલ મારા બાપને ઘરે રહે.” એમ ધારીને શેઠાણી બોલ્યાં જે, “નંદલાલ કાકા! તમે રોટલા જમીને અહીંયાં બેસવા માટે આવજો.” ગુમાસ્તો રોટલા જમીને શેઠને ઘરે ગયો અને બેંગી છોડીને તેમાંથી નવી નવી જાતનું કાપડ શેઠાણીને બતાવ્યું. તેમાંથી એક રૂમાલ સરી પડ્યો. તે સરીને પટારા નીચે ગયો તેની બેમાંથી એકે જણાને ખબર રહી નહીં. પછી રાત્રે તે શેઠાણીએ ગુમાસ્તાને વાળુ કરવા માટે બોલાવ્યો અને કાંઈ વાળુમાં ઝેર આપ્યું તેથી ગુમાસ્તો રાતમાં મરણને શરણ થઈ ગયો હતો. શેઠાણીએ રાતમાં છાનાં માણસો બોલાવી ને કોઈ ન જાણે તેમ એક જગ્યાએ ખાડો ગળાવીને દાટી દીધો અને જેટલું દ્રવ્ય તથા કાપડ હતું તે પોતાના પિતાને ત્યાં મોકલી દીધું. શેઠ પણ બે-ચાર દિવસ થયા એટલે બંને જણાં ઘરે આવ્યાં. મહીનો પંદર દિવસ થયા એટલે શેઠનો દીકરો પણ પરદેશથી ઘરે આવ્યો અને ગામને પાદર જઈ સામૈયું કરી સત્કાર કર્યો. અને ત્યાં બેઠક કરીને ગામના અમલદારો તથા શેઠીયા વર્ગ વિગેરે મળીને ત્યાં સૌને સાકરનાં પાણી પાયાં ને રાજી કર્યા. તમામ માણસો શેઠની નજરે થયા અને સલામ ભરી પણ પોતે મોકલેલ ગુમાસ્તો નજરે પડ્યો નહીં. તેથી પોતાના મનમાં વહેમ પેઠો જે, “નક્કી ગુમાસ્તો બધું લઈને ક્યાંઈ જતો રહ્યો.” પછી સામૈયું કરીને ઘરે લાવ્યા અને છોકરે તેના બાપને પૂછ્યું જે, “બાપા! મેં નંદલાલ ગુમાસ્તાને પચાશ હજાર રૂપિયાનો માલ લઈને મોકલ્યો હતો તે કેમ દેખાતો નથી?” શેઠ કહે કે, “આંહી તો કોઈ આવ્યું નથી! ગમે ત્યાં ચાલ્યો ગયો હોય.” શેઠે અને છોકરે જાણ્યું જે, “બનવાનું હતું અને તેના નસીબનું હશે તે લઈ ગયો.” પછી એક દિવસ પોતે જમીને પાન ખાવાને માટે પટારા ઉપર રકાબી હશે અને તેમાં સુડી વિગેરે હશે તે લેવા સારુ જ્યાં ગયો ત્યાં સુડી પટારા નીચે પડી ગઈ. એટલે તે વાંકો વળીને જ્યાં સુડી લેવા ગયો ત્યાં તો પેલો રુમાલ પડી ગયેલો તે જોવામાં આવ્યો. તે જોઈને શેઠે તેની સ્ત્રીને કહ્યું જે, “આ રુમાલ મારો મોકલેલો છે માટે તે માણસ અહીંયાં આવેલો હોવો જોઈએ.” પછી બાઈના મનમાં એમ થયું જે, “આ પીટ્યો નક્કી મારા બાપનું ઘર જપત કરાવશે માટે આને પણ મારી નાંખ્યો હોય તો ઠીક.” એમ ધારી રાત્રે ત્રીજે માળ બન્ને જણાં રહેતાં હતાં ત્યાં એક છરી લઈને સુતી અને પછવાડેની બારીએ દેખાવ કરવા સારુ એક મોટો દોર બાંધ્યો અને ગળુ દાબીને, છરીથી તેનો કંઠ કાપી નાંખ્યો અને પછી બૂમ પાડી જે, “દોડો ચોર આવ્યા ચોર આવ્યા,” એમ બૂમો સાંભળીને માણસો ભેળાં થઈ ગયાં તે સાંભળી શેઠ બોલ્યા જે, “રાંડ! લે આ તારા છોકરાને પણ રાંડે મારી નાંખ્યો.” શેઠ જ્યાં ઉપર જઈને જુએ ત્યાં તો પોતાનો છોકરો મૃત્યુ પામેલો દીઠો. પછી શેઠે પોતાના મનમાં ધીરજ રાખી ને બોલ્યો જે, “હું ખરો હોઉં તો આ રાંડને છોકરા ભેગી બાળુ!” બાઈએ જાણ્યું જે, “મને પણ જીવતી રહેવા દેશે નહીં, માટે મારે સતી થાવું. પછી બાઈએ કહ્યું જે, “હું પતિવ્રતા છું તે મારે પતિની પાછળ સતી થાવું છે.” પછી શેઠે જાણ્યું જે, “આને મારે મારવી હતી તેના કરતાં એની મેળે મરે તો ઘોળી જાય.” બાઈએ પોતાના કપડાની બે બાંયુમાં દારૂ ભરી લીધો અને દિવાસળીનું બાકસ પણ સાથે લીધું. અને માથે ચુંદડી ઓઢીને તે ઉપર મોડીયો મેલ્યો અને કોરા પાણીનો ઘડો માથે મેલીને જય અંબે જય અંબે કરતી તે ચાલી નીસરી. આગળ પોતાના પતિની ઠાઠડી અને પાછળ તે બાઈ ચાલી. જ્યાં તેને અગ્નિ સંસ્કાર કરવો હતો ત્યાં ફરતી કાંટાની ગંજીઓ નંખાવી હતી. જ્યારે શેઠની ચિતા ખડકી ત્યારે બાઈ પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈને બેઠી અને સૌને બહાર ખસેડી મેલ્યા પછી પોતા પાસે દારૂ હતો તે ચિતાને ફરતો ચારે કોર વેરી નાંખ્યો. બાઈએ કહ્યું, “જે મારા સાસરાને મારી પાસે મોકલો મારે એક વાત કહેવી છે.” સાસરો પણ લોભી અને હૈયાનો ભોળો તેથી જાણ્યું, “તે લાવ્યને જાઉં. દ્રવ્ય આગળ પાછળ મૂક્યું હશે તો તે બતાવશે.” પછી શેઠે જઈને જ્યાં કાન ધર્યો ત્યાં તો બાઈએ શેઠનું મસ્તક બગલમાં લઈ ધસીને દિવાસળીનું બાકસ તૈયાર હતું તે સળગાવીને ઘા કર્યો. એટલે ચિતાની ચારે કોરે અગ્નિ પ્રદીપ્ત થયો અને તે વખતે કેટલાક ઢોલ નગારાં વગાડતાં હતાં. પછી શેઠ પણ તે બન્ને ભેળા સ્વર્ગમાં સિધાવ્યા! એમ “જેના કુળમાં ઉંદરડી મારે તેના કુળમાં માણસ મારે” માટે સ્ત્રી જાતીનો પણ કોઈએ વિશ્વાસ કરવો નહીં. ॥૧૨૭૮॥

“બાંધી મુઠ્ઠી લાખની” તે ઉપર એક વાણિયાની વાત. એક ગામમાં એક ગરીબ વાણિયો હશે તેની સ્ત્રીને કંઈક ગામમાં નગરશેઠ હશે તેની સાથે સ્નેહ થયેલ. આ વાણિયો બીચારો જાતે બહુ જ ગરીબ હતો અને તેનાં ઘરનું માણસ બહુ જ દુષ્ટ આચરણવાળું હતું. પછી એક દિવસ કાગડો ઝાલીને તેના ધણીને કહ્યું જે, “આ લે આ કાગડો લઈને જા. તેના જે લાખ રૂપિયા આપે તેને તું આપજે અને પછી ઘરે આવજે.” એમ કહીને તે કાગડાને બાઈએ પાંજરામાં પુરીને વાણિયાને આપ્યો. તે લઈને વાણિયો તો ફરતો ફરતો એક દિવસ એક મોટું શહેર હશે તેને પાદર નદીને કાંઠે ઉદાસ થઈને બેઠો હતો. ત્યાં કોઈક વેશ્યા પાણી ભરવા માટે આવી, તેણે વાણિયાને ઉદાસ જોઈને પૂછ્યું જે, “ભાઈ! તું ક્યાં રહે છે?” વાણિયો કહે કે, “બહેન! રહું છું તો અમુક ગામ પણ મારી ઘરવાળીએ આ કાગડો વેચવાને માટે મને મોકલ્યો છે અને કહ્યું છે જે લાખ રૂપિયા આપે તેને આપજે.” વેશ્યાએ જાણ્યું જે, “આ વાણિયાની સ્ત્રી નક્કી વ્યભિચારણી હશે તેથી તેને કાગડો વેચવા માટે મોકલ્યો છે.” પછી તે વાણિયાને પોતાને ઘરે લઈ ગઈ અને કોઈકને ત્યાં વાણિયાને વાળુ કરાવ્યું અને તે કાગડાને પાંજરું ઉઘાડીને ઉડાડી મૂક્યો. ગાડું ભાડે કરીને તે વાણિયો તથા વેશ્યા બન્ને જણાં પોતાનાં ઘર તરફ ચાલ્યાં. રસ્તે જતાં બાઈયે વાણિયાને શીખવેલ જે, “તને તારી ઘરવાળી પૂછે જે, ‘આ કોણ છે?’ ત્યારે તારે કહેવું જે, ‘મારી નાની બહેન છે તે મારાં લગ્ન થયાં મોર તેને સાસરે ગઈ હતી, તેને આજ ઘણાં વરસ થયાં એટલે હું તેડતો આવ્યો છું,’ એમ તું તારી બાઈડીને ઉત્તર આપજે.” ચાલતાં ચાલતાં રાત્રીના નવ-દશ વાગે પોતાને ઘરે પહોંચ્યાં તે વખતે પેલો નગરશેઠનો દીકરો પણ તે ઘરમાં હતો. પછી વેશ્યા તથા વાણિયો, બન્ને જણાં ગાડેથી ઉતરીને જ્યાં એકદમ પોતાનાં ઘરમાં પેસવા જાય ત્યાં બાઈએ ઘર વાસી દઈને તે શેઠના છોકરાને પટારામાં સંતાડી દીધો. તે સુરત બહારથી વેશ્યાએ રાખી હતી જે, “વાણિયણે શેઠના છોકરાને પટારામાં ઘાલ્યો છે.” પછી શેઠાણીએ કમાડ ઉઘાડ્યું અને બાઈને દીઠી એટલે શેઠાણીએ પોતાના પતીને પૂછ્યું જે, “આ કોણ છે?” વાણિયો કહે કે, “એ તો મારી બહેન છે અને મારાં લગ્ન થયાં મોર તે પોતાને સાસરે ગઈ હતી માટે હું મળવા તેને લાવ્યો છું.” પછી વેશ્યા તરત પટારા ઉપર જઈને બેઠી. શેઠાણીએ બન્ને સારુ વાળુ ઠારીને કહ્યું જે, “વાળુ કરવા સારુ હેઠાં આવો.” બાઈ કહે કે, “હું નાની હતી ત્યારે આ પટારા ઉપર બેસીને વાળુ કરતી.” એમ કહીને પટારા ઉપર બેસીને તેણે વાળુ કર્યું. બાઈએ ખાટલો પાથરીને બોલાવ્યાં કે, “બહેન! આ ખાટલા ઉપર સુવા માટે નીચે આવો.” બાઈ કહે કે, “હું નાની હતી તે દિવસે આ પટારા ઉપર જ સૂતી હતી. તેથી હું પટારા ઉપર સુઈશ.” પછી રાત્રીએ પેલા વાણિયાને વેશ્યાએ કહ્યું જે, “મારે ઘરે હથવાર ભેંશ છે. માટે આ ગાડા સાથે હું સવારમાં જઈશ અને આ પટારો તું મને પહેરામણીમાં આપ્ય.” પછી વાણિયે કહ્યું જે, “બહુ સારુ બહેન. એ પટારો તમે લઈ જાઓ.” પ્રથમ રસ્તે આવતાં વેશ્યાએ વાણિયાને કહેલ જે, “તારા ઘરમાં કાંઈ છે?” ત્યારે વાણિયે કહેલ જે, “હા, એક પટારો છે.” વેશ્યા કહે કે, “હું જ્યારે ત્યાંથી ચાલું ત્યારે મુને હાથઘરણામાં આપજે.” એમ પ્રથમથી જ સંકેત કરી રાખ્યો હતો. પછી શેઠાણી વહેલી ઉઠીને એકદમ પેલા નગરશેઠને ઘરે ગઈ અને તેને કહ્યું જે, “તમારા દીકરાને મેં પટારામાં સંતાડ્યો છે તેને વાણિયા સાથે જે બાઈ આવી છે તે પટારો લઈ જાય છે.” તે સાંભળીને શેઠ આકુળ-વ્યાકુળ થઈ ગયો અને પોતાનો મોટો મુનીમ હશે તેને બોલાવીને કહ્યું કે, “જા, આને ઘરે પટારો છે તેની કિંમત એ બાઈ જેટલી માગે તેટલી આપી એ પટારો આપણે ઘરે લાવો.” પછી શેઠના ગુમાસ્તે આવીને તે બાઈને કહ્યું જે, “આ પટારાને તમે પરદેશમાં ક્યાં લઈ જશો? અને તેને બદલે તમે કહો તેટલા પૈસા તમને આપીએ.” બાઈ કહે, “આ તો મારા બાપનું નામ લહેણું છે તે હું નહીં આપું.” ગુમાસ્તો કહે કે, “બાઈ! એક હજાર રૂપિયા લ્યો. પણ પટારો જોઈએ.” બાઈ કહે કે, “એક હજાર તો શું? પણ દસ હજાર કહે તો પણ પટારો નહીં આપું.” ગુમાસ્તે કહ્યું જે, “દસ હજાર રૂપિયા લ્યો. પણ પટારો અમારે જોઈએ.” વેશ્યા કહે કે, “પચાસ હજાર આપ્ય તો પણ હું પટારો નહીં આપું.” એમ ગુમાસ્તો ચડતાં ચડતાં પચાસ હજાર સુધી ચડ્યો પણ વેશ્યા હા પાડે નહીં. પછી ગુમાસ્તે શેઠને જઈને કહ્યું કે, “પચાસ હજાર સુધી પણ તે બાઈ આપતી નથી.” શેઠને એ એક જ દીકરો હતો. ઘરમાં કરોડો રૂપિયાની સંપત્તિ હતી તેથી શેઠે ગુમાસ્તાને કહ્યું જે, “પચાસ હજાર શું એક લાખ રૂપિયા માગે તો આપો.” વેશ્યાએ માણસોને બોલાવીને પટારો ગાડા ઉપર ચડાવરાવ્યો. શેઠના દીકરાએ પણ પટારામાં લઘુ અને ઝાડો બન્ને થઈ ગયેલાં અને પટારો જ્યાં ગાડા ઉપર ચડાવરાવ્યો ત્યાં તો શેઠના માણસો આવીને તાણમતાણ કરવા લાગ્યા અને લાખ રૂપિયાની કિંમતે ગયા. તો પણ વેશ્યાએ હા પાડી નહીં. પછી શેઠે કહ્યું જે, “સવા લાખ રૂપિયા આપો, પણ પટારો ઝટ અહીંયાં લાવો.” પછી સવા લાખ રૂપિયા આપીને પટારો શેઠને ઘરે લઈ ગયા. વેશ્યાએ કહ્યું જે, “મારે શેઠની મહોબત પહોંચે છે તેથી પટારો આપું છું. નહીંતર મારા બાપનું નામ રાખવા ખાતર, પટારો મારે ઘરે લઈ જવો હતો.” પછી એક લાખ રૂપિયા વેશ્યાએ કાગડાવાળા વાણિયાને આપ્યા. અને પચીસ હજાર રૂપિયા પોતે લઈને પોતાને ઘરે ચાલી ગઈ અને વાણિયાને કહેતી ગઈ કે, “આ રાંડને તારા ઘરમાંથી કાઢી મેલજે અને તું બીજું ઘર કરજે!” શેઠે પણ તે પટારો ઉઘડાવીને છોકરાને પટારામાંથી બહાર કઢાવ્યો. શેઠનો દીકરો પણ સમજી ગયો જે, “હવે તે રસ્તે ન જવું ને કોઈ દિવસ આવું કામ હવે કરવું નહીં.” સાખી:

તુલસી સો નર ચતુર હે, રામચરન મેં લીન;

પર મન પરધન હરનકુ, વેશ્યા બહોત પ્રવીણ. ॥૧૨૭૯॥

એક બ્રાહ્મણ હતો. તે કાશીએ બાર વરસ સુધી ભણીને ઘરે આવ્યો. આવતાં આવતાં રસ્તામાં કોઈ શહેરને પાદર નદીને કાંઠે આવીને બેઠો હતો. બ્રાહ્મણે વિચાર કર્યો જે, “આપણે અજાણ ગામમાં કોઈને ઘરે ક્યાં ઉતરશું.” તે સમે કોઈક વેશ્યા પાણી ભરવા માટે આવી હતી. તેણે બ્રાહ્મણને પૂછ્યું જે, “મહારાજ! ક્યાંથી આવો છો?” બ્રાહ્મણ કહે કે, “બહેન! હું બાર વરસ થયા કાશીએ ભણવા ગયો હતો, તે હવે ઘરે જાઉં છું. પણ હું અજાણ્યો છું તેથી કાંઈ ઉતરવાનું સાધન નથી.” વેશ્યા કહે કે, “ચાલ્ય, મારે ઘરે.” વેશ્યા પોતાને ઘરે બ્રાહ્મણને લઈ જઈને એક ગાય બાંધ્યાની ઓરડી હશે તેમાં ઉતારો આપ્યો. કેમ કે “ગૌશાળા મલેચ્છ મંદિરે” પછી વેશ્યાએ બ્રાહ્મણને પૂછ્યું જે, “મહારાજ! તમે શું શું ભણ્યા છો?” બ્રાહ્મણ કહે કે, “બહેન! હું તો ચૌદ પ્રકારની વિદ્યા ભણ્યો છું!” ત્યારે વેશ્યા કહે કે, “પાપનો બાપ ભણ્યો છે?” બ્રાહ્મણ કહે કે, “ના, તે હું ભણ્યો નથી.” વેશ્યા કહે કે, “ફરી ભણવા જા.” પછી બાઈએ ગામમાંથી પાકું સીધું મંગાવી આપીને રસોઈ કરાવી. રસોઈ તૈયાર થઈ એટલે બ્રાહ્મણ પાસે એક ચોખી થાળી પૂરાવીને ગાયના ખીલા પાસે મૂકાવી. પછી બાઈએ ખડકીની સાંકળ વાસીને બ્રાહ્મણને કહ્યું જે, “મહારાજ! મારો દીકરો માંદો હતો. તે મેં એક માનતા રાખી છે જે, મારે હાથે કરીને એક પવિત્ર બ્રાહ્મણને જમાડવો અને ત્યાર પછી મારાથી ઘી ગોળ ખવાય એવી બાધા રાખી છે.” તે સાંભળી બ્રાહ્મણ કહે કે, “તમારા હાથનું મારાથી શે ખવાય? હું અભડાઉં ના?” વેશ્યાએ પચીશ રૂપિયાની થોકડી મેલી. બ્રાહ્મણ કહે કે, “ના, ના.” વેશ્યા કહે કે, “પચાશ રૂપિયા લે. પણ મારી બાધા છૂટે ને!” બ્રાહ્મણ કહે કે, “તમે કોઈકને કહી દ્યો.” પછી વેશ્યાએ પચાશ રૂપિયા મેલ્યા તોય બ્રાહ્મણ ડગમગાટ કરવા મંડ્યો. વેશ્યા કહે, “સો રૂપિયા લે. પણ મારે હાથે કરીને બ્રાહ્મણ જમાડવો છે.” પછી રૂપિયા જોઈને બ્રાહ્મણની વૃત્તિ ચલાયમાન થઈને વેશ્યાને કહ્યું જે, “તમે કોઈને વાત કરશો નહીં.” વેશ્યા કહે કે, “મારી બાધા છુટે ને હું કોઈને વાત કરું?” પછી બ્રાહ્મણ કહે, “ઠીક. ત્યારે લ્યો.” પછી વેશ્યા બ્રાહ્મણ સન્મુખ બેસીને હાથમાં કોળીયો લઈને બ્રાહ્મણના મોઢામાં મેલવા ગઈ અને બ્રાહ્મણે જ્યાં મોઢું ફાડ્યું એટલે વેશ્યાએ બ્રાહ્મણના મોઢા ઉપર ઠોટ મારી અને કહ્યું જે, “પીટ્યા! સો રૂપિયા સારૂ બ્રાહ્મણની દેહ વટલાવવા તૈયાર થયો?” આનું નામ “પાપનો બાપ તે લોભ” કેમ કે લોભે કરીને માણસો સ્વજનનો ત્યાગ કરે છે, લોભે કરીને કેટલાક માણસો વટલાઈ જાય છે. પછી વેશ્યાએ કહ્યું જે, “જા, ફરી નહાઈને બીજું અબોટીયું પહેરીને છેટે થાળી પીરસીને મૂકી છે તે જમી લે.” ॥૧૨૮૦॥

એક બ્રાહ્મણ હતો તે વાણિયાની દુકાને રૂપિયા મેલવા ગયો હતો. બ્રાહ્મણે ટેલ નાંખી નાંખીને બે હજાર રુપીયા ભેગા કર્યા હતા અને બ્રાહ્મણને વિચાર થયો જે, “આ વાણિયાની દુકાને બે હજાર રૂપિયા મૂકીને પછી ટેલ્ય નાંખવા જાઉં.” જે વખતે બ્રાહ્મણ શેઠની દુકાને રૂપીયા આપવા સારુ ગયો હતો તે વખતે તે ગામનો બાવો તે શેઠની દુકાને ઘી લેવા આવ્યો હતો. બાવો ઘી લઈને એકદમ પોતાને ઘરે ગયો અને વાસણમાં પાશેર ઘી લઈને પાછો શેઠની દુકાને આવ્યો અને શેઠને કહ્યું જે, “શેઠ! એ શેઠ! આ લ્યો તમારું પાશેર ઘી વધારે આવ્યું છે તે મારે ન ખપે.” બ્રાહ્મણે જાણ્યું જે, “આવો ધર્મવાળો બાવો છે તેને ત્યાં હું મારા રૂપિયા મેલું તો ઠીક. કેમ કે જોને પાશેર ઘી ભૂલમાં વધારે આવ્યું તે લઈને તુરત પાછું આપવા આવ્યો!” પછી રુપીયાની ફાંટ ભરીને તે બ્રાહ્મણ તે બાવાની જગ્યામાં ગયો. બ્રાહ્મણે બાવાને કહ્યું “બાવાજી! મારે પરદેશમાં રળવા જવું છે તો મારા બે હજાર રૂપિયા તમારે ત્યાં થાપણ તરીકે રાખશો?” બાવો કહે કે, “ઉભા રહો. હું મારા ગુરુને પૂછી જોઉં.” પછી બાવે પોતાના ગુરુને પૂછ્યું કે, “ગુરુજી! આ બ્રાહ્મણ બે હજાર રૂપિયા આપણે ત્યાં અનામત મૂકવા લાવ્યો છે તે રાખું?” ગુરુજી મહા ઠગ હતા તે કહે કે, “તારે પચાવવાની સત્તા હોય તો રાખ્ય.” પછી બાવે કહ્યું જે, “મહારાજ! આ ભટ્ટીમાં નાંખો.” પછી બ્રાહ્મણે તે રૂપિયાચેતન ભટ્ટીમાં નાંખ્યા અને તે બ્રાહ્મણ પરદેશમાં ટેલ નાંખવા માટે ગયો. બાવે રૂપિયા પચાવવાને માટે પોતાની જગ્યામાં ફેરફાર કર્યો અને પોતાની એક આંખ્ય ફોડી કાણો થયો. પછી થોડાક વરસ થયાં એટલે તે બ્રાહ્મણ રળીને તે શહેરમાં આવ્યો ત્યાં તો બાવાની જગ્યામાં ફેરફાર જણાયો ને બાવો પણ એક આંખે કાણો થયેલો દીઠો. પછી બ્રાહ્મણે કહ્યું જે, “બાવાજી! મને મારા રૂપિયા આપો તે લઈને મારે ઘરે હવે જવું છે.” બાવે એકદમ ભ્રકુટી ચડાવીને કહ્યું કે, “તું કોણ છો? રૂપીયા કેવા?” તેમ કહી બ્રાહ્મણને ધક્કો મારી જગ્યામાંથી બહાર કાઢ્યો અને કહ્યું કે, “તું કેવો? હું કેવો? રૂપિયા કેવા?” એમ તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. પછી તે બ્રાહ્મણ ગામને પાદર જઈને નદીને કાંઠે ઉદાસ થઈને બેઠો હતો. તે વખતે એક વેશ્યા પાણી ભરવા આવી હતી તેણે પૂછ્યું જે, “કેમ, મહારાજ! ઉદાસ થઈને બેઠા છો?” તેથી બ્રાહ્મણે પોતાની બધી હકીકત કહી સંભળાવી. વેશ્યા કહે હું, “ત્યાં બાવાને ઘરે જાઉં છું ને તું પણ ઘડીક રહીને ત્યાં આવજે.” પછી વેશ્યા દશ હજારના દાગીના લઈને બાવાને ઘરે ગઈ અને બાવાજીને કહ્યું જે, “બાવાજી! મારો દીકરો ઘણા વરસ થયાં પરદેશ ગયો છે તેના કાંઈ સમાચાર નથી માટે મારે તેનો તપાસ કરવા પરદેશમાં જવું છે માટે મારા આ દસ હજાર રૂપિયાના દાગીના છે તે તમો રાખો ને જો હું જીવતી રહીશ ને આવીશ તો મારા! નીકર તમારે રહ્યા!” એમ કહીને લુગડું પાથરી દાગીના બધા ગણવા માંડી અને ઘરે પોતાની દીકરીને કહેતી આવેલી જે, “તું બે ઘડી રહીને બાવાની જગ્યામાં આવજે ને આવીને મને એમ કહેજે જે, ‘મા મા! ગણપત બેટા ઘરસે આયા.’” ને પેલો બ્રાહ્મણ પણ બાવા પાસે તે વખતે આવીને ઉભો રહ્યો ને બાવાજીને કહ્યું જે, “બાવાજી! મારા બે હજાર રૂપીયા આપોને મારે દેશમા જવું છે.” તે સાંભળી બાવાજીએ તેને તુરત બે હજાર રૂપીયા ગણી આપ્યા. તેનું કારણ જે જો હું બ્રાહ્મણના રૂપિયા નહીં આપું તો આ દસ હજારના દાગીના મારા હાથમાંથી જશે એમ જાણીને તરત તે બ્રાહ્મણને રૂપિયા આપી દીધા. એટલે બ્રાહ્મણ રૂપિયાની ફાંટ ભરીને ત્યાં જ ઉભો છે. તેવામાં તે વેશ્યાની દીકરી આવી ને તે બોલી જે, “મા, મા, ગણપત બેટા ઘર સે આયા.” તે સાંભળીને વેશ્યાએ તમામ દાગીના ભેળા કરીને ઈસ્કોતરામાં નાંખીને તાળું દીધું ને બાવાના ચોકમાં નાચવા મંડી ને બોલી જે, “ગણપત બેટા ઘેરસું આયા, ગણપત બેટા ઘેરસું આયા.” તે ભેળો બ્રાહ્મણ પણ નાચવા મંડ્યો તે ભેળો કાણીયો બાવો પણ નાચવા ને કુદવા મંડ્યો. તે જોઈને તેનો ગુરુ બોલ્યો જે, “તું શા માટે નાચે છે? કેમ કે બ્રાહ્મણને તો ગયું ધન મળ્યું ને વેશ્યાનો દીકરો ઘરે આવ્યો પણ તારે શો લાભ છે જે તું ભેળો નાચવા મંડ્યો?” તે સાંભળી કાણીયો બાવો બોલ્યો જે, સાખી:

‘થોડા મિલકર બહોતકું ધાયા, એક આંખ્યકા નુકશાન આયા.

એવા શા આધીકા પાયા, કે તું ભેળા નાચ નચાયા.’

એમ તેના ગુરુએ પછવાડેનું વચન સંભળાવ્યું. ॥૧૨૮૧॥

એક ઋષિ હતા તે કોઈક ગામને પાદર ઉતર્યા હતા. ત્યાં કોઈ મનુષ્ય જઈને કહ્યું જે, “મહારાજ! મારે ઘરે જમવા પધારો.” ત્યારે ઋષિ બોલ્યા જે, ‘હરિ ઇચ્છા.” પછી એકો લાવી તેમાં બેસારીને ઘરે તેડી ગયા. પછી બ્રાહ્મણે કહ્યું જે, “મહારાજ! એકેથી હેઠા ઉતરો.” ઋષિ કહે, “હરિ ઇચ્છા.” પછી હેઠો ઉતારીને પાટલો નાંખીને તે ઉપર નહાવા બેસાર્યો અને પાસે ત્રાંબાકુંડી જળની ભરીને મૂકી. પછી બ્રાહ્મણે કહ્યું જે, “મહારાજ! સ્નાન કરો.” ત્યારે ઋષિ બોલ્યા જે, ‘હરિ ઇચ્છા.” પછી અબોટીયું પહેરાવીને પાટલા ઉપર બેસાર્યા અને આગળ પકવાનની થાળી પીરસીને મૂકી. ત્યારે બ્રાહ્મણે કહ્યું જે, “જમો, મહારાજ!” ત્યારે ઋષિ બોલ્યા જે, “હરિ ઇચ્છા.” બ્રાહ્મણ કહે, “હવે શું તારૂં કપાળ હરિ ઇચ્છા? મારાથી બન્યું તેટલું મેં કર્યું અને હવે ગળે ઉતારવું તે તમારું કામ છે.” તેમ આ જીવને અમુલ્ય મનુષ્ય દેહ આવ્યો અને સરવે અંગે સાજાં તાજાં રાખ્યાં પણ સંત કહેશે જે ભાઈઓ પ્રભુ ભજજો, ત્યારે કહેશે જે “પ્રભુ ભજાવે તો ભજીયે” માટે હવે કાંઈ પ્રભુનો વાંક નથી. ॥૧૨૮૨॥

એક મોટો નગર શેઠ હશે તે જમવા બેઠા પછી તેને જમતાં જમતાં પરસેવો વળ્યો ત્યારે શેઠાણી બોલ્યા જે, “શેઠ! કેમ પરસેવો વળે છે?” શેઠ કહે, “રોટલી તોડવીને મોઢામાં મેલવી ને દાળનો સબડકો શાકનો કોળીયો લેવો વળી અથાણું લેવું ને ખાવું આટલો બધો દાખડો કરું તે પરસેવો ન વળે?” પછી શેઠાણીએ બીજે દિવસે શિરો કર્યો જે, “શેઠને જમતાં જમતાં દાખડો ન પડે તેટલા માટે બનાવ્યો.” પછી બીજે દિવસે શેઠ જમવા બેઠા તો પણ પરસેવો વળવા લાગ્યો ત્યારે શેઠાણી બોલ્યા જે, “શેઠ મહારાજ! શિરો જમતાં પરસેવો કેમ વળ્યો?” ત્યારે શેઠ કહે, “ગળે કોણ ઉતારે તારો બાપ?” તેમ આ જીવને બધુંય સારુ લાગે પણ પ્રભુ ભજવાનું કહે ત્યારે પરસેવો વળે. ॥૧૨૮૩॥

હળવદ ગામમાં એક મોચી મરી ગયો. પછી તેની સ્ત્રીએ વિચાર કર્યો જે, “મારે સતી થાવું છે.” પછી પોતાના પતીની પાછળ સતી થવા માટે નીસરી. પછી માથે ચુંદડી ઓઢીને ઉપર્ય મોડીઓ મેલ્યો ને પાણીનો કોરો ઘડો ભરીને જય અંબે જય અંબે કરતી ચાલી ને જ્યાં અગ્નિસંસ્કાર કરવા ગયા તે ઠેકાણે તલાવ હશે. તે અગ્નિને જોઈને તે તલાવના સાહ્યમાં પેસી ગઈ. પછી સૌ અગ્નિસંસ્કાર કરીને ચાલતા થયા ત્યારે જમના મોચણ બોલી જે, “ફલાણાભાઈ, મારું લુગડું ઓઢવાનું દેજો.” તે સાંભળીને સૌ જોવા લાગ્યા જે, “આ તો રાંડ બળી નથી.” પછી તે એક લુગડા ભેર નાસીને પોતાના ઘરમાં પેસી ગઈ. પછી ત્યાંથી ઝાલીને સ્મશાનમાં લાવ્યા અને માથામાં લોઢાનો ગજ નાંખીને બાળી દીધી. તેમ આ જીવને સંત પરાણે પ્રભુને માર્ગે ચલાવે છે પણ વખત આવ્યે આડો અવળો થઈ જાય છે. પછી સંત સમજાવીને સદ્‌માર્ગે ચલાવે છે. ॥૧૨૮૪॥

એક ગામમાં એક કોળી હશે તે મર્યો. પછી તેની સ્ત્રી સતી થવાને માટે માથે પાણીનો ઘડો ભરીને લઈને ચાલી. પછી ગામને ઝાંપે જ્યાં નાળીયેર ફોડવાને માટે શબને હેઠું ઉતાર્યું ત્યાંથી તે બાઈ પાછી વળી ત્યારે સૌ કહેવા લાગ્યા જે, “કેમ પાછી વળી?” ત્યારે તે બાઈ બોલી જે, “તમારી એકવીશ પેઢી સુધી તપાસી જુઓ કોઈ ઝાંપા સુધી આવેલું છે? અને હું તો ઝાંપા સુધી આવી એટલી સારી ના.” માટે જે વેષ લેવો તે બરાબર ભજવવો નહીં તો વેષ લેવો નહિ. પેલી મોચણની જેમ, પરાણે બાળી તેવું થાય. ॥૧૨૮૫॥

બે ભાઈબંધ હતા તે મુંબઈ ગયા હતા. તેમાં એક તો ત્યાં વેપારી લાઈનમાં ચડી ગયો અને બીજો તો ભાડભુંજામાં રહ્યો તે રાતને દિવસ ચુલામાં બળતણ નાંખ્યા કરે. પછી થોડાક દિવસ થયા બાદ બન્ને જણે વિચાર કર્યો જે , “ચાલો હવે દેશમાં જઈએ.” પછી બન્ને જણા દેશમાં આવ્યા એટલે સૌ લોક તેમને મળવા આવ્યા અને પૂછ્યું જે, “મુંબઈ કેવી?” ત્યારે વેપારી લાઈનવાળો બોલ્યો જે, “મુંબઈ તો દેવલોક જેવી છે.” અને ભાડભુંજામાં હતો તે એમ બોલ્યો જે, “મુંબઈમાં તો નરા ભાડભુંજા રહે છે.” તેમ જેણે ભગવાનનો મહિમા જાણ્યો નથી તથા સંતનો મહિમા પણ જાણ્યો નથી તેને તો ભાડભુંજા મળ્યા જેવું છે. ॥૧૨૮૬॥

દેવકા ગામનો વહોરો હશે તે મહુવાથી માલ લેવા માટે ગયો પછી બે ગાડા માલના ભરીને દિવસ આથમ્યે મહુવાથી ચાલ્યો. ત્યારે સૌએ કહ્યું જે, “વ્હોરાજી! આગળ બિકાળુ છે માટે સવારે જાઓ તો ઠીક.” વ્હોરો કહે, “હું કોકને લુંટું એવો છું.” પછી રસ્તો આવતાં ચોર મળ્યા અને વ્હોરાને મારીને માલ લઈ ગયા. ત્યારે વ્હોરો બોલ્યો જે, “માલ ભલે લઈ ગયા પણ ભરતીયું મારા ગજવામાં છે ને. માટે શા ભાવે વેચશો?” ચોર બોલ્યા જે, “દીકરા ખોટ તે તારે છે કે અમારે? અમારે તો જે ભાવે વેચવો હશે તે ભાવે વેચશું.” તેમ આવરદા ચાલી જાશે અને માલ લુંટાવા માંડ્યો, શું જે આંખે સુઝે નહીં, કાને સંભળાય નહીં, પગે ચલાય નહીં, શરીર થરથર ધ્રુજ્યા કરે, પેટમાં અનાજ પચે નહી. તે માલ લુંટાણો જાણવો; માટે આગળથી ચેતવું પછી પાછળથી પસ્તાવું પડે નહીં. ॥૧૨૮૭॥