સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

શ્રીજી મહારાજે જડ વસ્તુમાં ચૈતન્ય મૂક્યું તે વાતો

ગઢપુરમાં શ્રીજીમહારાજ વિરાજમાન હતા અને ધ્યાનાનંદ સ્વામી તથા સાંખ્યાનંદ સ્વામી; એ બે જણને મહારાજે કહ્યું જે, “તમે બોટાદ જાઓ.” પછી તે બંને જણે હાથ જોડીને મહારાજની પ્રાર્થના કરીને કહ્યું જે, “હે મહારાજ! અમે શી વાતો કરીએ?” પછી મહારાજ કહે કે, “મહાપુરુષો! જાઓ. તમારાં વર્તન વાતુ કરશે.” પછી બંને જણ બોટાદ ગયા અને હાલ જ્યાં મંદિર છે તે ઠેકાણે ઓરડી હતી. ત્યાં ધ્યાન કરીને બેઠા અને એક વખત ભિક્ષાવૃત્તિ કરીને પોતે ભોજન કરતા. એમ કરતાં કરતાં થોડાક દિવસ થયા એટલે ગામમાં ખબર થઈ જે, “આપણા ગામમાં કેવળીક આવ્યા છે અને ચોવીશે કલાક ધ્યાનમાં બેસી રહે છે.” પછી ગામના કેટલાક ઢુંઢીયા વાણીયા હતા. તે આવી આવીને સંતના ચરણમાં વંદના કરતા હતા જે, “તમે તો સાક્ષાત્ કેવળીક છો.” અને કેટલાક વર્તમાન ધરાવીને સત્સંગી થયા. ॥૨૩૭॥

એક સાધુનું મંડળ ફરવા ચાલ્યું. તેણે શ્રીજીમહારાજને દંડવત કરીને કહ્યું જે, “મહારાજ! અમે શી શી વાતો કરીએ?” તે વખતે મહારાજ જમીને અક્ષરઓરડીમાં વિરાજમાન હતા ને એક હાથમાં રૂમાલ હતો. પછી તે રૂમાલ સંતને આપ્યો અને મહારાજ બોલ્યા જે, “મહાપુરુષો! આ રૂમાલ વાતો કરશે જાવ.” પછી સંતે રૂમાલ લઈને સંકેલીને ડાબલીમાં રાખ્યો. પછી જે ગામમાં જાય ત્યાં પ્રથમ કીર્તન ભક્તિ કરે. ત્યાં પછી ગામનાં લોક ભેળાં થાય ત્યારે ડાબલામાંથી રૂમાલ કાઢીને સૌને દર્શન કરાવે જે, “જુઓ, ભાઈ! આ રૂમાલ અમને સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે માટે તેનાં દર્શન કરો.” દર્શન કરતાં વેંત સૌને સમાધી થઈ જાય અને સૌ અક્ષરધામમાં જાય અને સમાધીમાંથી જાગીને પછી સંતના ચરણમાં પડે અને કહે જે, “તમે ભગવાનના સંત છો માટે અમને વર્તમાન ધરાવો.” ॥૨૩૮॥

બીજા સાધુનું મંડળ ફરવા ચાલ્યું ત્યારે મહારાજને દંડવત કરી પગે લાગીને કહ્યું જે, “હે, મહારાજ! અમે શી વાતો કરીએ?” ત્યારે મહારાજ કહે, “મહાપુરુષો! લ્યો, આ હાર તે હાર વાતુ કરશે.” પછી સાધુએ તે હાર લઈને એક ડાબલીમાં નાંખ્યો ને ફરવા ગયા. જે ગામમાં જાય ત્યાં પ્રથમ કીર્તન ભક્તિ કરે એટલે ગામનાં સૌ લોક ભેળાં થાય. પછી સંત ડાબલીમાંથી હાર કાઢીને તેનાં સૌને દર્શન કરાવે જે, “જુઓ, અમને સ્વામિનારાયણ ભગવાને હાર આપ્યો છે. તેનાં સૌ દર્શન કરો.” પછી દર્શન માત્રમાં સૌને સમાધી થઈ જાય અને અક્ષરધામમાં જાય અને જાગીને સંતને પગે લાગે જે, “મહારાજ! તમે ભગવાનના સાધુ છો. માટે અમને વર્તમાન ધરાવો.” એમ હાર દ્વારે મહારાજે સમાધિયું કરાવી. ॥૨૩૯॥

વળી એક વખત બીજા સંતનું મંડળ ફરવા ચાલ્યું. તે મહારાજને દંડવત કરીને પગે લાગ્યા ને મહારાજને કહે કે, “અમે શી વાતો કરીએ?” ત્યારે મહારાજ કહે, “લ્યો, આ લાકડીનો કટકો. તે કટકો વાતુ કરશે.” તે લાકડીનું એક ઠેબું લાલ હતું અને બીજું ઠેબુ ધોળું હતું. તે લઈને સંત ફરવા ગયા અને તે જે ગામમાં જાય ત્યાં બધાં લોક ભેળાં થાય. તેની આગળ ભગવાનના મહિમાની વાતો કરે અને પછી તેમને લાકડીનું એક ઠેબું અડાડે એટલે સમાધી થઈ જાય અને બીજું ઠેબુ અડાડે ત્યારે જાગે. પછી તે ઉઠી ઉઠીને સંતને પગે લાગે ને કહે જે, “હે, મહારાજ! તમે ભગવાનના સંત છો. માટે અમને વર્તમાન ધરાવો ને તમારા આશ્રિત કરો.” એમ લાકડામાં ચમત્કાર મેલ્યો. ॥૨૪૦॥