સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

શ્રીજીમહારાજે માંગેલ વસ્તુ ન આપી તે વાતો

ગામ ઉમરેઠમાં શ્રીજીમહારાજ પધાર્યા હતા અને નંદુ ઠાકરને ત્યાં રસ રોટલીની રસોઈ કરી હતી ને સાથે પાંચસો પરમહંસ હતા. રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીજીમહારાજ થાળ જમ્યા. પછી સંતની પંક્તિ કરી અને મહારાજ સંતને રસ પીરસવા મંડ્યા. પછી મહારાજે કહ્યું જે, “નંદુભાઈ! આ રસમાં જો ખાંડ હોય તો મણા ન રહે.” ત્યારે નંદુભાઈ કહે કે, “મહારાજ! ખાંડ આપવાનો અહીંયા ધારો નહીં.” વળી મહારાજે બીજી વાર કહ્યું જે, “નંદુભાઈ! આ રસમાં જો ખાંડ હોય તો મણા ન રહે.” ત્યારે નંદુભાઈ કહે, “મહારાજ! રસમાં ખાંડ આપવાનો અમારે ધારો નહીં.” મહારાજે બે ચાર વખત ખાંડ આપવાનું કહ્યું અને તે બધો વખત નંદુભાઈએ ના પાડી. પછી સંત જમી રહ્યા કેડે નંદુભાઈ જમવા બેઠા અને જ્યાં રસ જમ્યા ત્યાં તો પોતાને બહુ જ ખાટો લાગ્યો. ત્યારે પોતે વિચાર કર્યો જે, “અરેરે! મહારાજે મને બે ચાર વખત કહ્યું ને મેં ના પાડી માટે આજથી ખાંડ, સાકર તથા ગોળ જીવનપર્યંત ખાવી નહીં.” એમ પછી પસ્તાવો થયો માટે સમય ગયા પછી પસ્તાવું તે શા કામનું? પહેલાંથી સમજે તે ડાહ્યો કહેવાય. ॥૨૪૧॥

શ્રીજીમહારાજ દાદાખાચરને પરણાવવા ભટવદર પધારતા હતા. તે વખતે ગાધકડાને પાદર મહારાજ નીસર્યા અને ત્યાંના સૌ હરિજન મહારાજને દર્શને આવ્યા તે ભેળા નાગજી કરીને બ્રાહ્મણ હતા. તે પણ દર્શને આવ્યા હતા અને મહારાજ ગામ સોંસરા નીસર્યા ત્યારે મહારાજે કહ્યું જે, “નાગજી મહારાજ! તમારું ઘર ક્યાં છે?” ત્યારે કહે, “મહારાજ! મારું ઘર આગળ છે.” વળી આઘા જઈને મહારાજે ફરી વાર પૂછ્યું જે, “તમારું ઘર કેટલેક છેટે છે?” ત્યારે નાગજી કહે, “મહારાજ! મારું ઘર પાછળ રહી ગયું.” પછી મહારાજ પરબારા રાજુલે પધાર્યા અને નાગજી મહારાજના મનમાં એમ જે, “હું મહારાજને મારે ઘેર પધરાવીશ તો મારે પાંચ રૂપિયાનો ખરચ થશે.” તેમ જાણીને મહારાજને પધરાવ્યા નહીં. પછી તેણે જ્યારે દેહ મેલ્યો ત્યારે શ્રીજીમહારાજ તેને તેડવા પધાર્યા અને મહારાજે કહ્યું જે, “નાગજી! તૈયાર થા.” નાગજી કહે, “મહારાજ! દીકરાને પરણાવવો છે અને વેવાઈ બહુ વસમો છે. માટે હમણાં મેલી જાઓ તો ઠીક.” પછી શ્રીજીમહારાજ પાછા ગયા ને સો વર્ષનાં ટીપણામાં કુંડલીયા કર્યા છે પણ વાસના ટળી નહીં. ॥૨૪૨॥

શ્રીજીમહારાજ દાદાખાચરને પરણાવીને પાછા વળ્યા. તે વખતે ગામ બાર પટોળીના કાળુભગતે મહારાજને કહ્યું જે, “મહારાજ! મારે જાન રોકવી છે.” અને જાન રોકવાને માટે તે કાળુભગતે ઘી ખાંડ ગોળ વગેરે તમામ સીધું તૈયાર કરી રાખ્યું હતું. પછી મહારાજે જાણ્યું જે, “કાળુભગત સાથે હશે તો આપણને જાવા નહીં દે.” પછી મહારાજે કાળુભગતને કહ્યું જે, “તમે અહીં રહીને બધો સરસામાન ઠેકાણે પડાવો.” પછી મહારાજે કાળુભગતને ભટવદર રાખ્યો અને પોતે જાન લઈને બારપટોળી આવ્યા. તે વખતે આખું ગામ મહારાજના દર્શને બહાર નીસર્યું હતું અને કાળુભગતનો ભાઈ લુંભો કરીને હતો. તેણે મહારાજને કહ્યું જે, “ભગતે કહ્યું છે જે, ‘જાન રોકવી છે.’” મહારાજ કહે, “અમારે રોકાવું નથી અને ગોળ હોય તો લાવો તો બળદને દેવો છે.” ત્યારે લુંભો કહે જે, “મહારાજ! આ ગામડીયા ગામમાં ગોળ ક્યાંથી હોય?” પછી મહારાજ કહે, “જય સચ્ચિદાનંદ.” એમ કહીને મહારાજ બોલ્યા જે, “આ જમપુરીનો મારગ છે કે બીજો સારો મારગ છે?” ત્યારે સૌ લોક બોલ્યા જે, “મહારાજ! હીંડોરડા ગામનો મારગ સારો છે.” પછી મહારાજ તે મારગે ચાલ્યા અને સૌ લોકો પાછા વળ્યા. તેટલામાં કાળુભગત ઘોડીએ સ્વાર થઈ એકદમ આવ્યા અને સૌને પૂછ્યું જે, “મહારાજ ક્યાં?” લુંભો કહે, “મહારાજ તો રહ્યા નહીં. પણ મહારાજે ગોળ માગ્યો તે મેં ના પાડી.” કાળુભગત કહે, “મર્ય મૂરખ, આખી જાન રોકવી હતી અને ગોળની ના પાડી.” પછી પોતાના નોકરને માથે ગોળનાં ત્રણ માટલાં ચડાવ્યાં અને પોતે એકદમ ઘોડી વેતી મેલીને મહારાજના રથ આડા જઈને ઊભા રહ્યા અને કહ્યું જે, “મહારાજ! જાઓ છો ક્યાં? મારે જાન રોકવી છે.” ભગતને મહારાજે કહ્યું જે, “જાન મેમાન હોય નહીં.” ભગત કહે, “મહારાજ! આ ગોળ આવ્યો.” મહારાજ કહે, “એ તો વાત ગઈ.” પછી કાળુભગતે ગોળ ખાંડ સાકર જીવનપર્યંત ખાધું નહીં. તેનું કારણ જે મહારાજે માગ્યું ને ન આપ્યું. ॥૨૪૩॥

મહારાજ ત્યાંથી ચાલતા ગામ હીંડોરડે પધાર્યા અને તે જ ગામમાં આત્માનંદ સ્વામીનો ચેલો લુંભો કરીને આયર હતો. અને તે અવસ્થાએ બહુ જ વૃદ્ધ થયો હતો ને મહારાજ જ્યારે ગામને પાદર પધાર્યા ત્યારે આખું ગામ દર્શને આવ્યું ત્યારે કોઈકે કહ્યું જે, “મહારાજ! આ ગામમાં આત્માનંદ સ્વામીનો ચેલો છે.” મહારાજ કહે, “તેને અહીંયાં બોલાવો.” પછી તેને ડોળીમાં બેસારીને મહારાજ પાસે લાવ્યા. તે ભગત મહારાજને પગે લાગ્યો ત્યારે મહારાજે કહ્યું જે, “ભગત! તમારું નામ શું?” ત્યારે ભગત કહે, “મારું નામ લુંભો.” મહારાજ કહે, “તમે કોના ચેલા?” ત્યારે ભગત કહે, “હું આત્માનંદનો ચેલો.” મહારાજ કહે, “આત્માનંદ સ્વામી કેવા હતા?” ત્યારે ભગત કહે, “તું જેવા હતા.” મહારાજ કહે, “તે કોનું ભજન કરાવતા?” ત્યારે ભગત કહે, “તારું ભજન કરાવતા.” મહારાજ કહે, “આત્માનંદ સ્વામી કેમ બોલતા?” ત્યારે ભગત કહે, “તારી પેઠે બોલતા.” પછી મહારાજે રાજી થઈને તેને વસ્ત્ર આપ્યાં ને ખોબો ભરીને રૂપિયા આપ્યા. ॥૨૪૪॥

શ્રીજીમહારાજ મીણાપર માણકી ઘોડી લેવા સારુ પધાર્યા અને ત્યાં સુખા ત્રવાડી કરીને હરિભક્ત બ્રાહ્મણ હતા. પછી સુખા ત્રવાડીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! મારે ઘેર જમવા પધારો.” પછી મહારાજ તેને ઘેર જમવા પધાર્યા ત્યારે સુખા મહારાજે શ્રીજીમહારાજને પીત્તળની થાળીમાં પંચકણકીનો રોટલો પીરસ્યો અને ઉપર ચપટી મીઠું મેલ્યું. પછી મહારાજ જમીને બોલ્યા જે, “આ તો સુકા ત્રવાડી છે પણ સુખા નહીં.” એમ કહીને મહારાજ તેને ઘેરથી દરબારમાં પધાર્યા. ॥૨૪૫॥

ગામ નાગનેશના દાદો દયો તથા વસ્તો દયો; એ બે ભાઈ હતા. તે શ્રીજીમહારાજ છતાં વખતો વખત શ્રીજીમહારાજને દર્શને ગઢપુર આવતા. પછી મુળજી બ્રહ્મચારીને પુછે જે, “બ્રહ્મચારી! આજ કોઈનો થાળ છે?” ત્યારે બ્રહ્મચારી કહે જે, “વસ્તાભાઈ! આજ તો ફલાણા હરિભક્તનો થાળ છે.” એમ ઘણાક વરસ સુધી દર્શન કર્યા પણ શ્રીજીમહારાજનો કોઈ વખતે થાળ કર્યો નહીં. પછી શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા અને પોતાને પસ્તાવો થયો જે, “આપણે મહારાજને અર્થે થાળ કરી શક્યા નહીં.” પછી રઘુવીરજી મહારાજ ગામડામાં ફરવા પધારેલા અને ગામ રાણપુર મુકામ હતો. પછી ગઢપુરના કોઠારી ભક્તિવલ્લભદાસજીએ રઘુવીરજી મહારાજને કહ્યું જે, “તમારી આજ્ઞા હોય તો હું નાગનેશ જઈ આવું.” પછી રઘુવીરજી મહારાજની આજ્ઞા લઈને કોઠારી ગામ નાગનેશ ગયા અને ત્યાં સૌ હરિજનોને ભેળા કર્યા અને દાદા દયાને તથા વસ્તા દયાને કહ્યું જે, “તમારાથી શ્રીજીમહારાજની સેવા થઈ શકી નથી અને આ રઘુવીરજી મહારાજ છે તે શ્રીજીમહારાજના પુત્ર છે માટે તેમને રાજી કરો, તો શ્રીજીમહારાજ રાજી થાય.” તે સાંભળી બન્ને ભાઈએ હાથ જોડીને કોઠારીને કહ્યું જે, “જેમ તમે કહો તેમ કરીએ.” અને બન્ને ભાઈઓ પાસે દસ દસ હજાર રૂપિયાની મુડી હતી. પછી કોઠારીએ બન્ને ભાઈને કહ્યું જે, “ગઢપુરમાં શ્રીજીમહારાજની મૂર્તિ કરાવવી છે. તેનો ખરચ પાંચ હજાર રૂપિયા થયો છે તે આપો અને એક હજાર રૂપિયા રઘુવીરજી મહારાજ પાસે મેલો અને એક હજાર રૂપિયાનું અહીં મંદિર કરાવો અને હજાર રૂપિયાનું સદાવ્રત કરાવો એટલે અહીંયાં જે સંત આવે તેમને પ્રથમ તમારી રસોઈ અપાય.” અને એક એક હજાર રૂપિયા તેની દીકરીઓને અપાવ્યા અને આગલે દિવસે એકાદશી હતી પછી સૌ હરિજનોને કોઠારીએ કહ્યું જે, “તમે સૌ મળીને એકાદશીનું ફરાળ કરાવો.” એટલે તેમાં કંદોઈ હરિભક્તોએ કહ્યું જે, “અમારે પેંડા કરાવી આપવા.” અને કણબીએ કહ્યું જે, “અમારે દૂધ આપવું.” અને બ્રાહ્મણ હરિભક્ત હતા તેમણે કહ્યું જે, “અમારે સૌને ત્યાંથી દૂધ વિગેરે ભેગું કરી આપવું.” અને બારસને દિવસે દાદા દયા તથા વસ્તા દયાની રસોઈ કરવી એમ ઠરાવ કરીને કોઠારી પાછા રાણપુર આવ્યા અને નાગનેશથી ગાડાં લઈ સૌ હરિજન મહારાજને દર્શને આવ્યા. પછી રઘુવીરજી મહારાજ ગામ નાગનેશ પધાર્યા અને ત્યાં સંતને એકાદશીનાં ફરાળ કરાવ્યાં અને બારશને દિવસ મોતીયા લાડુની રસોઈ કરાવીને સંતને જમાડ્યા અને સાંજે રઘુવીરજી મહારાજને કોઠારીએ કહ્યું જે, “મહારાજ! સોનેરી વસ્ત્ર પહેરો અને હાથીએ બેસીને ગામમાં પધરામણીએ જવું છે.” પછી કોઠારીએ હરિજનોને ઘેર આગળથી જઈને બધી સગવડતા કરી આપી. પછી રઘુવીરજી મહારાજ હાથીએ બેસીને ગામ સોંસરા નીસર્યા અને જ્યાં દાદા દયાનું ઘર આવ્યું ત્યાં હાથીને બેસાર્યો અને નાનું એવું છાપરૂં હતું. તેમાં એક ખાટલા ઉપર ગોદડું પાથર્યું હતું. તે ઉપર રઘુવીરજી મહારાજને પધરાવ્યા અને એક હજાર રૂપિયાનો થાળ ભરીને રઘુવીરજી મહારાજને ભેટ કર્યો અને પાંચ હજાર રૂપિયા મહારાજની મૂર્તિ કરાવી તેમાં આપ્યા. અને એક હજાર રૂપિયા હરિકૃષ્ણ મહારાજના થાળ માટે આપ્યા. તે લઈને રઘુવીરજી મહારાજ બહુ જ રાજી થયા અને કોઠારીએ કહ્યું જે, “આ બે ભાઈથી શ્રીજીમહારાજને અર્થે થાળ થઈ શક્યો નથી અને તમો ભગવાનના પુત્ર છો તે તમે રાજી થાઓ તો શ્રીજીમહારાજ રાજી થાય.” પછી મહારાજની આરતી ઉતારી અને રઘુવીરજી મહારાજ તેને બથમાં ઘાલીને મળ્યા અને કહ્યું જે, “જાઓ હવે, તમારો અક્ષરધામમાં નિવાસ થઈ ગયો જાણવું.” અને સાથે જેટલાં માણસ હતાં તે સૌને વસ્ત્ર ઓઢાડ્યાં અને દાદા દયાને ને વસ્તા દયાને રાજી કર્યા. ॥૨૪૬॥

શ્રીજીમહારાજ સાથે અમરો ભગત હતા અને મહારાજ ગુજરાતમાં પધાર્યા હતા અને એક ગામમાં મહારાજ રાત રહ્યા હતા. પછી મહારાજે અમરા ભગતને કહ્યું જે, “ભગત! મને બહુ ભૂખ લાગી છે તે તમારી પાસે કાંઈ હોય તો બે પૈસાના દાળીયા મગાવીયે અને બ્રહ્મચારી ભેગા થશે ત્યારે તમને પાછું અપાવીશ.” ત્યારે ભગત બોલ્યા જે, “મહારાજ! મારી પાસે કાંઈ નથી.” પણ તે અમરા ભગત પાસે સાડા છ રૂપીયા હતા ને મહારાજે બે ચાર વખત કહ્યું પણ ભગતે ચોખી ના પાડેલી. પછી મહારાજ એક વાણીયાની દુકાનમાં ઉતર્યા હતા અને અમરા ભગત ત્યાં સમી સાંજમાં ઉંઘી ગયા અને મહારાજ જાગ્યા પછી રાતના બાર વાગે વાણીયો દુકાનમાંથી લઘુ શંકા કરવા બહાર નીસર્યો. તે વખતે અમરા ભગતની તરવાર મહારાજે બારસાખના થડમાં ઉભી કરીને મૂકી ને મહારાજ માથે વસ્ત્ર ઓઢીને સુઈ ગયા. પછી વાણીયો તરવાર લઈને દુકાનમાં ગયો અને તરવારે સાડા છ રૂપિયા બાંધ્યા હતા તે છોડી લઈને તરવાર કોઠીમાં નાંખીને પછી વાણીયો સુઈ ગયો. પછી ઘડીક થયું એટલે અમરો ભગત જાગ્યા અને બૂમ પાડીને કહ્યું જે, “મહારાજ! મહારાજ!” તે સાંભળીને મહારાજ તરત જાગ્યા ને કહ્યું જે, “મારી તરવાર નથી.” મહારાજ કહે, “અમને તો ઉંઘ આવી ગઈ.” ત્યારે ભગત કહે, “મહારાજ! મારી તરવાર કોઈક લઈ ગયું.” મહારાજ કહે, “તરવાર હતી કે બીજું કાંઈ હતું?” અમરો ભગત કહે, “મહારાજ! સાડા છ રૂપીયા રૂમાલે બાંધ્યા હતા.” ત્યારે મહારાજ કહે, “મર્ય મૂરખ, મારે બે પૈસાના દાળીયા જોતા હતા તે ન આપ્યા.” તે સાંભળી અમરો ભગત બહુ દીલગીર થઈ ગયો. પછી મહારાજે શેઠને કહ્યું જે, “મારી તરવાર લાવોને.” ત્યારે શેઠ કહે, “દુકાનમાં ઉતરવા દીધા ત્યારે માથે ચોરી નાંખો છો?” ત્યારે મહારાજ કહે, “કોઠીમાં તરવાર નાંખી છે તેમાંથી કાઢી દે અને સાડા છ રૂપિયા હડફામાં નાંખ્યા છે, તેમાંથી કાઢી આપ.” તે સાંભળી તે વાણીયે તરવાર તથા સાડા છ રૂપીયા આપ્યા. તે લઈને સવારે મહારાજ બીજે ગામ પધાર્યા પણ અમરે ભક્તે મહારાજને બે પૈસાના દાળીયા ન આપ્યા. એવો જીવ લોભી છે. ॥૨૪૭॥

બામણગામમાં નારુજી કરીને ગરાસીયા હતા. તે શ્રીજીમહારાજ સાથે ગામોગામ ફરતા હતા પણ શ્રીજીમહારાજને પોતાને ઘેર કોઈ દિવસ પધરાવ્યા નહીં. પછી તેણે દેહ મેલ્યો ત્યારે શ્રીજીમહારાજ વિમાન લઈને તેને તેડવા સારૂ પધાર્યા અને સૌની આગળ નારુજી બોલ્યા જે, “શ્રીજીમહારાજ તેડવા પધાર્યા છે. તેમની સાથે હું ધામમાં જાઉં છું.” પછી શ્રીજીમહારાજ તેમને ધામમાં તેડી ગયા અને ત્યાં સંતની તથા પાર્ષદની પંક્તિ કરી અને ઝીણાભાઈ ને દાદાખાચર વચ્ચે નારુજીને બેસાર્યા. પછી મહારાજે નારુજીનું ભાણું ટાળીને બીજાને પીરસ્યું અને હરે કર્યા. પછી નારુજી બોલ્યા જે, “મહારાજ! મારા ભાણામાં પિરસ્યું નથી.” મહારાજ કહે જે, “તપાસ કર જે, તેં ઘેર કોઈ દિવસ સંતની પંક્તિ કરી છે?” અને નારુજીને ક્ષુધા પણ બરાબર લાગેલી હતી. પછી મહારાજને કહ્યું જે, “મને ઝટ દેહમાં મેલો.” આંહીયાં તેનું શબ બાંધતા હતા તેટલામાં નારુજીનું શરીર સચેત થયું. પછી શબને છોડી નાંખ્યું અને ઘેર લઈ ગયા અને બીજે દિવસે બેય આચાર્યને તેડાવવા કાગળ લખીને માણસ મોકલ્યું એટલે અયોધ્યાપ્રસાદજી મહારાજ એકસો માણસો સાથે લઈને બામણગામ પધાર્યા અને રઘુવીરજી મહારાજ પણ પધાર્યા. ત્યાં આઠ દિવસ સુધી રાખ્યા અને પછી છેલ્લે દિવસે પૂજા કરી આરતી ઉતારીને સંતને વસ્ત્ર ઓઢાડીને પોતે હાથ જોડીને વિનંતી કરી કે, “મહારાજ! મને અક્ષરધામમાં લઈ ગયા હતા અને ત્યાં મને આવી રીતે દેખાડ્યું.” પછી અયોધ્યાપ્રસાદજી મહારાજને તથા રઘુવીરજી મહારાજને વિનતી કરી કે, “તમે ભગવાનના પુત્ર છો. તે મારી ઉપર રાજી થાઓ એટલે મહારાજ મને અક્ષરધામમાં તેડી જાય.” પછી આચાર્ય મહારાજ તેને બથમાં ઘાલીને મળ્યા ને કહ્યું જે, “હવે તમને શ્રીજીમહારાજ સુખેથી અક્ષરધામમાં તેડી જશે.” પછી થોડા દિવસ કેડે તેણે દેહ મેલ્યો ત્યારે શ્રીજીમહારાજ તેમને ધામમાં તેડી ગયા. ॥૨૪૮॥