સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

શ્રીજીમહારાજે અભણ પાસે વેદ બોલાવ્યા તે વાતો

એક વખત શ્રીજીમહારાજ ગામ ઉમરેઠ પધાર્યા હતા અને ત્યાં સૌ ખેડાવાલ બ્રાહ્મણો મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું જે, “તમે ભગવાન કહેવાઓ છો. તે કોઈક પાસે વેદ બોલાવો તો ભગવાન ખરા. કેમ કે શંકરાચાર્થે પાડાની પુંઠે વેદ બોલાવ્યા હતા.” પછી મહારાજ કહે, “પાડાની પુંઠે વેદ બોલાય નહીં. અશુદ્ધ થઈ જાય પણ કોઈ નરપશુ જેવો માણસ હશે તેમની પાસે બોલાવ્યા હશે. માટે તમે કોઈ નિરક્ષર માણસ લાવો તો તેની પાસે બોલાવીએ.” પછી ગામમાંથી એક મુંગા માણસને લઈને ઉભો રાખ્યો. પછી મહારાજે તેના સામી દૃષ્ટિ કરી એટલે તે ચારે વેદ બોલ્યો. તે સાંભળી સૌ બ્રાહ્મણો આશ્ચર્ય પામીને મહારાજના આશ્રિત થયા. ॥૨૪૯॥

ગામ કારીયાણીમાં શ્રીજીમહારાજ મહારુદ્ર કરતા હતા અને ત્યાં ચુડાના હરિભટ્ટ તથા શંભુ શુક્લ આવ્યા. તેમાં શંભુ શુક્લનું વરુણ કર્યું અને હરિભટ્ટનું વરુણ ન કર્યું. ત્યારે મહારાજે કહ્યું જે, “દામોદર શુક્લ! આ હરિભટ્ટનું વરુણ કેમ ન કર્યું?” ત્યારે હરિભટ્ટ કહે, “મહારાજ! હું તો કાળા અક્ષરને કુવાડે મારૂં છું અને હું તો પારથેશ્વર કરી જાણું છું.” મહારાજ કહે, “તમે ચારે વેદ ભણ્યા છો ને?” એમ કહીને પછી હરિભટ્ટને કહ્યું જે, “બોલો સામવેદ.” પછી અનુક્રમે ચાર વેદના મંત્ર બોલ્યા. તે સાંભળી મહારાજે કહ્યું જે, “આવા ભણેલ બ્રાહ્મણ છે. તેનું વરુણ કેમ ન કર્યું? માટે વરુણ કરો.” પછી તેનું વરુણ કરીને હોમ કરવા ને મંત્ર જપવા બેસાર્યા. પછી તે યજ્ઞ પુરો થઈ રહ્યા પછી ઘેર ગયા ત્યારે પ્રથમ હતા તેવા નિરક્ષર થઈ રહ્યા અને ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા જાય ત્યારે સૌની આગળ વાતુ કરે જે, “સ્વામિનારાયણે મારી પાસે ચાર વેદ બોલાવ્યા હતા એવા પ્રતાપી ભગવાન છે.” ॥૨૫૦॥

ગામ બોટાદના અજોમહારાજ કરીને શ્રીમાળી બ્રાહ્મણ હતા. તે કારીયાણીએ શ્રીજીમહારાજના દર્શને ગયા. પછી મહારાજે શંભુ શુક્લને કહ્યું જે, “આ અજામહારાજનું વરુણ કરો.” ત્યારે અજોમહારાજ કહે જે, “મહારાજ! હું ભણ્યો નથી.” મહારાજ કહે, “તમે તો મહામંત્ર ભણ્યા છો ને?” અજોમહારાજ કહે, “હું મહામંત્ર પણ ભણ્યો નથી.” પછી મહારાજ લઘુશંકા કરવા પધાર્યા ત્યારે અજોમહારાજ પાછળ પાછળ ગયા અને કહ્યું જે, “મહારાજ! તમે કહો છો કે તું મહામંત્ર ભણ્યો છે?” ત્યારે મહારાજ કહે, “તું ભજન કેનું કરે છે?” ત્યારે તેણે કહ્યું જે, “તમારૂં.” મહારાજ કહે, “શું કરે છે?” ત્યારે તેણે કહ્યું જે, “સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! ભજન કરૂં છું.” ત્યારે મહારાજ કહે, “એથી કોઈ મોટો મહામંત્ર નથી માટે જ જપ કરવા બેસી જા.” પછી તેનું વરુણ કરાવીને મંત્રનો જાપ કરવા બેસાર્યા. ॥૨૫૧॥

ગામ મેઘપુરમાં શ્રીજીમહારાજ પધાર્યા હતા અને લાડકીબાઈનો ભાઈ કરશનજી કરીને ભાટ હતો. તે મહારાજ પાસે બેઠો હતો. તે સમે એક ફકીર મહારાજ પાસે આવ્યો. તેને મહારાજે કહ્યું જે, “તમે કોણ છો?” ત્યારે ફકીર કહે, “હું ખલબલશા છું.” અને પછી તેણે મહારાજને કહ્યું જે, “તમે ભગવાન કહેવાઓ છો તે જો આ કરશનજી ભાટ પાસે કુરાન બોલાવો તો ભગવાન ખરા.” પછી મહારાજે કરશનની સામું જોઈને કહ્યું જે, “તમે કોણ છો?” ત્યારે કરશનજી કહે, “હું ખલબલશા છું.” મહારાજ કહે, “તું ખલબલશા હો તો કુરાન બોલ્ય.” અને મહારાજે ફકીરને કહ્યું જે, “તમારી કિતાબ હાથમાં લ્યો.” પછી ફકીરે કિતાબ હાથમાં લીધી અને કરશનજી કુરાન બોલવા લાગ્યો. તે સાંભળીને ફકીરે મહારાજને હાથ જોડ્યા જે, “હે, મહારાજ! તમે તો સાક્ષાત્ ખુદા છો ને આ તો ગભરુ છે તે ક્યા બોલતે હે.” એમ કહીને પગે લાગ્યો. ॥૨૫૨॥

એક વખત ગઢપુરમાં શ્રીજીમહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં બેઠા હતા અને ચારે વેદ મૂર્તિમાન બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા. પછી તે ચારે જણ ઘેલા નદીમાં સ્નાન કરીને જળના લોટા ગાળીને ભરી લાવ્યા અને શ્રીજીમહારાજની ષોડશોપચારે કરીને પૂજા કરી. પછી ચારે જણાને મહારાજે પૂછ્યું જે, “તમે ક્યાં રહો છો ને ક્યાં ગયા હતા?” ત્યારે તેમણે કહ્યું જે, “અમે કાશીએ ભણવા ગયા હતા.” પછી મહારાજ કહે, “હમણાં આંહી રોકાઓ.” ત્યારે તેમણે કહ્યું કે, “બહુ દિવસથી ઘર મેલ્યુ છે તે સારૂ જાશું.” પછી મહારાજે રજા આપી એટલે મહારાજને પગે લાગીને ચારે જણા ચાલ્યા ગયા. પછી મહારાજે સભામાં કહ્યું જે, “આ ચારે વેદ અમારી પૂજા કરવા સારૂ આવ્યા હતા અને આ સચ્ચિદાનંદ સ્વામી છે તે વેદમૂર્તિ છે.” ત્યારે કોઈએ કહ્યું જે ,”સચ્ચિદાનંદ સ્વામી તો કશુંએ ભણ્યા નથી અને કાળા અક્ષરને કુવાડે મારે તેવા છે.” પછી મહારાજ કહે, “સચ્ચિદાનંદ સ્વામી! વેદ બોલો.” ત્યારે કોઈ સાધુએ કહ્યું જે, “સ્વામી! વેદ બોલશે પણ પ્રમાણ કોણ કરશે?” ત્યારે મહારાજ કહે, “આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી એ બે જણ પ્રમાણ કરશે.” પછી શ્રીજીમહારાજે દૃષ્ટિ કરી એટલે સ્વામી ચારે વેદના મંત્ર અનુક્રમે બોલી ગયા. ॥૨૫૩॥