સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

શ્રીજીમહારાજે કોલ દીધા અને તેડવા આવ્યા તે વાતો

એક દરજી હતો. તેને શ્રીજીમહારાજે કહ્યું જે, “તું વર્તમાન ધારણ કર.” ત્યારે તે બોલ્યો જે, “મને કોલ દ્યો જે, મને તેડવા આવો, તો હું વર્તમાન ધારું.” પછી મહારાજ કહે કે, “ જા મારો કોલ છે.” પછી તે વર્તમાન ધારી સત્સંગી થયો અને તે વાસનિક બહુ હતો તેથી તેનાં આવરદાનાં દશ-બાર વરસ બાકી હતાં ત્યારથી મહારાજે અગાઉથી ચેતવણી આપી અને પછી જ્યારે મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા અને કહ્યું જે, “ભગત! તૈયાર થા. તને તેડવા આવ્યો છું.” ત્યારે ભક્ત કહે કે, “મહારાજ! હમણાં હું ઘરઘ્યો છું.” તે સાંભળી મહારાજ પાછા ચાલ્યા ગયા. પછી થોડા દિવસ થયા પછી ફરીવાર મહારાજ તેડવા આવ્યા અને કહ્યું જે, “ભક્ત! તૈયાર થા.” ત્યારે તે ભક્તે કહ્યું જે, “મહારાજ! દીકરો આવ્યો છે.” એમ કહીને તે ન ગયો. પછી જ્યારે મહારાજ ત્રીજી વખત તેડવા પધાર્યા ત્યારે ભક્તે કહ્યું જે, “મહારાજ! ગગો પેઢી સાચવે તેવો થશે ત્યારે આવીશ.” પછી મહારાજે જાણ્યું જે, “આ વાસનિક છે માટે નીકળશે નહીં અને મારો કોલ છે તે ખોટો પણ થાય નહીં.” પછી ત્રણેને મહારાજે ટુંટીયાનો રોગ પ્રેર્યો અને દરજીને દેહ મેલાવીને વિમાનમાં બેસાર્યો. ત્યારે દરજી કહે, “મહારાજ! મારો ગગો ક્યાં?” ત્યારે મહારાજ કહે કે, “દેખ્ય, આ તારો ગગો.” વળી દરજી કહે કે, “મહારાજ! ગગાની માં ક્યાં?” ત્યારે મહારાજ કહે કે, “આ ગગાની મા.” ત્યારે ગગાનો બાપ બારો નીકળ્યો; એવો જીવ વાસનિક છે. એમ ત્રણેને દેહ મેલાવી મહારાજ તેડી ગયા અને પોતાનો વર સત્ય કર્યો. ॥૨૫૪॥

ગામ જાંબુડામાં હીરો કરીને આયર હરિભક્ત હતો. તેને શ્રીજીમહારાજે વર્તમાન ધરાવ્યાં હતાં. પછી તેણે દેહ મેલ્યો ત્યારે મહારાજ તેડવા પધાર્યા અને સૌને કહ્યું જે, “મહારાજ! મને તેડવા આવ્યા છે ને તેમના ભેગો હું ધામમાં જાઉં છું.” પણ પોતાના છોકરામાં બહુ વાસના હતી અને વિમાનમાં બેઠો. પછી મહારાજે તેને પૂછ્યું જે, “હીરા! તારે કાંઈ વાસના છે?” ત્યારે હીરો કહે, “મહારાજ! ઝીણીયાને પરણાવવો છે.” તે સાંભળી મહારાજે તરત તેને વિમાનમાંથી હેઠે નાંખ્યો અને દેહ બાંધ્યું હતું તે સળવળ્યું એટલે તેને છોડી નાંખ્યું અને જાગ્રત થયો. પછી સૌએ પૂછ્યું કે, “મહારાજ તને તેડવા આવ્યા હતા ને?” ત્યારે હીરા ભગતે કહ્યું જે, “મારે ઝીણીયાને પરણાવવાની વાસના હતી તેથી મને મૂકીને ગયા.” પછી તે છોકરો વાઢમાં ખડ નીંદવા ગયો હતો. ત્યાં તેને વીંછી કરડ્યો તેથી તે મરણ પામ્યો અને હીરો ભગત પછવાડે ઘણા વરસ જીવ્યો અને બહુ હેરાન થયો. પછી વિહારીલાલજી મહારાજ ત્યાં પધાર્યા હતા. તેમની પ્રાર્થના કરીને કહ્યું જે, “તમે મહારાજને કહો એટલે મને તેડી જાય.” પછી વિહારીલાલજી મહારાજે કહ્યું જે, “જાઓ, તમને હવે શ્રીજીમહારાજ ધામમાં તેડી જશે.” પછી તેના અંત સમે શ્રીજીમહારાજ તેને તેડી ગયા. ॥૨૫૫॥

ગામ બોટાદમાં એક સોનીને મહારાજે સમાધિ કરાવી હતી અને તે વીરજા નદીને કાંઠે ગયો. ત્યાં સોનાનો ઓટો જે બેઠક તે ભાળીને તે સોની તેમાંથી ઈંટો ખેંચવા મંડ્યો. તે અહીંયાં ખાટલામાં સૂતો સૂતો હુંકારા કરે પણ ઈંટ્ય નીસરે નહીં. બહુ બળ જ્યારે કર્યું ત્યારે તેનું લુગડું બગડી ગયું. પછી સમાધિમાંથી તે જાગ્યો ત્યારે સૌએ પૂછ્યું જે, “આ શું થયું?” ત્યારે તેણે કહ્યું જે,”સમાધીમાં હું હતો. ત્યાં સોનાની વેદીમાંથી હું ઈંટ્ય કાઢતો હતો. તે નીસરી નહીં તેથી બહુ બળ કરવાથી એમ થયું છે.” જીવને સમાધિમાં જાય તો પણ આ લોકની વાસના મટે નહીં. ॥૨૫૬॥

ગામ ડભાણમાં એક ડોશી સત્સંગી હતી. તેણે પોતાના તેર રૂપિયા ઘંટી નીચે દાટ્યા હતા. પછી તે માંદી થઈ ત્યારે શ્રીજીમહારાજ તેને તેડવા પધાર્યા ને ડોશીએ કહ્યું જે, “મહારાજ! મારી દીકરીને તેર રૂપિયા સોંપવા દ્યો. ત્યાર પછી આવીશ.” તે સાંભળી મહારાજ ચાલ્યા ગયા અને તે બાઈ ભૂતડી થઈ અને ઘરમાં રહી. રૂપિયા તેની દીકરીને પણ દેવાણા નહીં ને ધામમાં પણ જવાણું નહીં. ॥૨૫૭॥

ગામ ડાંગરવામાં અગરોજી તથા અમરોજી બે કાકો ભત્રીજો ગરાસીયા હતા. પછી અગરાજીને શ્રીજીમહારાજ અંત સમયે તેડવા પધાર્યા અને વિમાનમાં બેસારીને ચાલ્યા પણ પોતાને કૂવામાં તથા વાડીમાં વાસના હતી. તેથી પોતે વિમાનમાંથી ઊતરી ગયા અને પોતાની વાડીએ આવીને રહ્યા. પછી તેમના ભત્રીજા આંબા નીચે ખાટલો ઢાળીને સુતા હતા. તે વખતે અગરોજી સાદ કરવા લાગ્યા જે, “અમરા! એ અમરા!” તે સાંભળી અમરે વિચાર કર્યો જે, “મને કોઈ અમરો કહેતું નથી પણ મારા કાકાના જેવો સાદ છે. તે રખેને આંહીંયાં પાછા આવ્યા હોય?” પછી તેણે પૂછ્યું જે, “તમે કોણ છો?” ત્યારે તેણે કહ્યું કે, “હું તારો કાકો છું.” ત્યારે અમરો ભક્ત બોલ્યા જે, “તમે કહેતા હતા જે, મહારાજ તેડવા આવ્યા છે ને તેમની સંગાથે વિમાનમાં બેસીને હું ધામમાં જાઉં છું. એમ કહેતા હતા ને પાછા કેમ આવ્યા?” ત્યારે તેણે કહ્યું જે, “મારે વાડીમાં તથા કૂવામાં વાસના હતી. તેથી આંહીં રહ્યો છું.” પછી તેણે કહ્યું જે, “હવે શું કરવું?” પછી બન્ને જણે છ મહિના સુધી મહારાજની પ્રાર્થના કરી એટલે તેને ધામમાં તેડી ગયા. માટે કોઈ પદાર્થમાં વાસના રાખવી નહિ. ॥૨૫૮॥

ગામ રોજકામાં પુરુષોત્તમ ખાખદાસ કરીને બ્રાહ્મણ હતા. તે પૈસાપાત્ર હતા પણ પોતાના લગન થયેલ નહીં. તેથી પોતાને મનમાં સંસારની વાસના બહુ જ હતી.

પછી સૌ સંબંધીએ મળી તેનું સગપણ જુનાસાવરમાં કર્યું અને લગ્ન કર્યા. અગાઉ તેને શરીરે મંદવાડ બહુ થયો અને તેની અવસ્થા પુરતી હતી. તેથી તેણે પૈસા પણ પુરતા ભરી દીધા હતા. પછી પોતાને મંદવાડમાં લવાંન થયું જે, “ઓહો! રૂપિયાએ ગયા ને ફેરા પણ ફરવા ન પામ્યો.” તેમ ખાટલામાં આળોટતાં આળોટતાં બોલ્યા કરે. પછી ત્યાં શિવશંકર કરીને ભટ્ટ હતા. તેમણે વિચાર કર્યો જે, “આ સારા સત્સંગી છે. તેને અત્યારે આ લવાંન થયું તે ઠીક નહીં. માટે તેનો કાંઈક ઉપાય કરું તો ઠીક.” પછી તે સાબદા થઈ ખંભે ખડીયો લઈ પુરુષોત્તમ પાસે ગયા ને બોલ્યા જે, “પુરુષોત્તમભાઈ! જે સ્વામિનારાયણ.” ત્યારે તેણે કહ્યું જે, “શિવશંકર! ક્યાંથી આવો છો?” ત્યારે તે કહે કે, “હું કાઠીયાવાડમાંથી આવું છું.” ત્યારે પુરુષોત્તમ કહે, “ત્યાંના કાંઈ ખબર છે?” શિવશંકર કહે કે, “તેટલા માટે જ હું પરબારો તમારી પાસે આવ્યો છું પણ તમને નીચા ઉતારે તો કહું.” પછી તેને નીચા ઉતાર્યા અને કહ્યું જે, “પુરુષોત્તમભાઈ! ઓલ્યું કર્યું હતું તે મરી ગયું.” ત્યારે પુરુષોત્તમ કહે, “હેં!” તે ભેળા તેના પણ પ્રાણ નીસરી ગયાં. ॥૨૫૯॥

ગામ સાણંદમાં એક પાટીદાર હતો. તે સત્સંગી હતો પછી તેને શરીરે બહુ મંદવાડ થયો અને બરાબર તમાકુ કાપવાનો સમો હતો. પછી તે ડોસાએ કહ્યું જે, “હમણાં તમાકુ કાપશો નહીં. કાચી છે.” પણ ડોસાને દિવસે દિવસે મંદવાડ વધતો ગયો. તેથી છોકરાઓએ જાણ્યું જે, “ડોસાને મંદવાડ વધતો જાય છે. તે મરી જશે તો તમાકુ કપાશે નહીં. માટે હમણાં કાપી લઈએ તો ઠીક.” પછી છોકરા તમાકુ કાપીને સાંજે ઘેર આવ્યા અને ડોસે પૂછ્યું જે, “છોકરાઓ! આજ ક્યાં ગયા હતા?” ત્યારે કહે, “બાપા! તમાકુ કાપવા ગયા હતા.” ત્યારે ડોસો કહે કે, “અરરર! કાચી તમાકુ કાપી. તે ભાવ ઓછો આવશે.” એમ પશ્ચાતાપ કરીને દેહ મેલી ગયો અને મરીને ભૂત થયો. ॥૨૬૦॥

એક ગામમાં જીવોશેઠ કરીને એક વાણીયો સત્સંગી હતો. તેના શરીરે મંદવાડ બહુ થયો. પછી તેને સંતના દર્શન થવા મંડ્યા ત્યારે તેણે પોતાની ઘરવાળીને બોલાવી જે, “આંહીં આવ્ય.” ત્યારે ઘરવાળીએ આવીને કહ્યું જે, “તમારે શું કહેવું છે? જે કહેવું હોય તે કહો.” ત્યારે જીવોશેઠ કહે કે, “આ દાંતના બલીયાં છે તે કાઢી નાખ્ય અને લાકડાના પહેર. કેમ કે હું મરીશ ત્યારે ભાંગવા પડશે અને દાંતના હશે તો દીકરીને દેવા થશે. માટે લાકડાનાં પહેર. અને મહારાજ મને તેડવા પધારશે.” પછી શ્રીજીમહારાજ પધાર્યા અને વિમાનમાં બેસારી ધામમાં તેડી ગયા. એમ આ જીવને દેહ મેલે ત્યાં સુધી ઘરનુ મમત્વ મટે તેમ નથી. માટે નિર્વાસનિક થાવું. ॥૨૬૧॥