શ્રીજીમહારાજ તથા સંતનો પક્ષ રાખ્યો તે વાતો
ગામ બોટાદના નરસિંહ જોશી કરીને બ્રાહ્મણ હતા. તે ભાવનગર ગયા હતા અને વજેસિંહજી દરબાર પાસે કચેરી ભરાઈને બેઠી હતી. તે વખતે ગામ તતાણાનો મુળુ કરીને ચારણ હતો. તે કચેરીમાં મહારાજનું વાંકુ બોલવા મંડ્યો જે, “સ્વામિનારાયણ આવા ને સ્વામિનારાયણ આવા.” તે વખતે નરસિંહ જોશી ઉભા થઈને કચેરીમાં બોલ્યા જે, “બોલમાં. બોલમાં. લેંડા! સ્વામિનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે.” એમ એક ને બે વખત જ્યાં લેંડો કહ્યો ત્યાં તો ચારણ હેઠો બેસી ગયો. પછી દરબાર બોલ્યા જે, “મુળુ! સ્વામિનારાયણ તો જોશી કહે છે તેવા ભગવાન છે અને સૂર્ય સામે ધૂળ નાંખીએ તો પોતાની આંખમાં પડે છે. માટે સ્વામિનારાયણનું વાંકું બોલવું તે ધુડ્ય ઉડાડીને પોતાને માથે નાંખવાની છે.” ॥૨૬૨॥
ગામ લાખણકામાં નાજા જોગીયા કરીને કાઠી હતા અને ત્યાં સાધુ ગયા હતા પછી તે ગામના કાઠીએ સાધુને મારીને તિરસ્કાર કરીને ગામ બહાર કાઢી મૂક્યા અને નાજા જોગીયા તથા રામ જોગીયા; એ બે ભાઈ ખેતીનું કામ કરવા સીમમાં ગયા હતા. તે દિવસના બાર વાગે ઘેર આવ્યા. પછી તેની માતુશ્રી ત્યાં રૂદન કરતાં હતાં. ત્યારે તેમણે પૂછ્યું જે, “માજી! શા સારુ રૂવો છો?” ડોશી કહે, “તમારા કરતા મારે પેટ પથરા પડ્યા હોત તો સારું. કેમ કે મારા સાધુને લાખે ગોવાળીએ મારીને ગામ બહાર કાઢ્યા અને મારા પેટના હો તો મારા સાધુનું વેર લઈને પછી રોટલા જમો.” પછી બન્ને ભાઈ હથીયાર બાંધીને ચોરે ગયા અને સાધુને મારનાર કાઠીને બરછીયે દીધો ને બન્ને ભાઈ ત્યાંથી ભાગ્યા અને પછવાડે વાર ચડી તે આવતાં આવતાં અડતાળા અને લાખણકા વચ્ચે જાળામાં સંતાઈ ગયા. ત્યાં વાર આવી ત્યારે બન્ને ભાઈ મોઢામાં ઉઘાડી તરવાર લઈને વાર સામા લડવા તૈયાર થયા એટલે વારના માણસોએ જાણ્યું જે, “આ બન્ને મરણીયા થયા છે. તે આપણને જરૂર મારશે.” એવું જાણીને વારના માણસો પાછા વળી ગયા અને એ બે ભાઈ અને તેમના માતુશ્રી; એ ત્રણે જણાં પછી ગઢપુર આવીને મહારાજની હજુરમાં સેવામાં રહ્યા. ॥૨૬૩॥
ગામ રેફડાનો મોળદાન રેકડીયો કરીને કાઠી હતો અને તે ભાવનગર વજેસિંહ દરબાર પાસે ગયો હતો. પછી દરબારે તેને કહ્યું જે, “મોળદાન! તું તો હવે ઘરડો થયો.” મોળદાન કહે, “ના, બાપુ! હું હજી ઘરડો નથી થયો. તમે કહો તો હું જુનાગઢના કમાડ ઉતારી આવું અને તમે કહો તો હું નગરનાં કમાડ ઉતારી આવું.” ત્યારે વજેસિંહ દરબારે તેને કહ્યું જે, “આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને તે આ કાઠીયાણીઓ ભેગા રહે છે. માટે તેને કાંઈક કર તો ખરો.” મોળદાન કહે, “બાપુ! એવું બોલશો નહીં કેમ કે તેઓ તો સાક્ષાત્ ભગવાન છે. બીજું કહો તો કરૂં પણ એ તો અગ્નિમાં હાથ ઘાલ્યા જેવું છે.” તેણે મહારાજનો એટલો પક્ષ રાખ્યો હતો. પછી એક વખત ગામ ચોટીલા પાસે સરવા કરીને ગામ છે ત્યાં લડાઈમાં ગયો અને તે લડાઈમાં પોતે મૃત્યુ પામ્યો. તે વખતે શ્રીજીમહારાજ હાથમાં ઠંડા જળનો ઘડો લઈને અને માથે છત્રી રાખીને મોળદાન પાસે ગયા ને મહારાજે મોળદાનને કહ્યું જે, “મોળદાન! લ્યો પાણી.” મોળદાન કહે કે, “સ્વામિનારાયણ! તમે કેવા?” મહારાજ કહે કે, “તે વજેસિંહ દરબાર પાસે મારો પક્ષ રાખ્યો હતો. તે સારુ તેડવા આવ્યો છું. તે માટે તૈયાર થઈ જા.” ॥૨૬૪॥
ગામ રોજકામાં મસરૂ ગોળ કરીને રજપુત હતો અને જેરામ બ્રહ્મચારી સુરતથી શ્રીજીમહારાજનો પોશાક લઈને આવતા હતા અને પોતે ચાલ્યા આવતા હતા. ત્યાં બે કોળી બ્રહ્મચારીની પાછળ દોડ્યા. પછી જેરામ બ્રહ્મચારી આગળ અને બે કોળી પાછળ; એમ દોડતાં દોડતાં બ્રહ્મચારી તો રજપુત સાંતી હાંકતો હતો તેની પાસે ગયા. ત્યારે રજપુતે પૂછ્યું કે, “મહારાજ! કેમ દોડ્યા આવો છો?” ત્યારે બ્રહ્મચારી કહે, “ઓલ્યા બે માણસ મને લુંટવા આવે છે અને મારી પાસે સ્વામિનારાયણ ભગવાનનો પોશાક છે.” ત્યારે રજપુત કહે, “મહારાજ! આંહીયાં બેસો, બીશો નહીં.” પછી પોતા પાસે તરવાર હતી. તે ઉઘાડી કરીને તે કોળી સામો દોડ્યો અને કહ્યું જે, “આવી જાઓ, દીકરાઓ! હું જાતનો રજપુત છું.” પછી તે કોળી ભાગી ગયા અને બ્રહ્મચારીને સાંતી ઉપર બેસાડીને પોતાને ઘેર લાવ્યો અને રસોઈ કરાવી બ્રહ્મચારીને જમાડ્યા. બીજે દિવસ ગાડું કરીને બ્રહ્મચારીને ભીમનાથ સુધી મૂકી ગયો. પછી ગઢપુર આવીને બ્રહ્મચારીએ મહારાજને તે વાત કરી જે, “ગામ રોજકાના મશરુ ગોળે આવી રીતે મારી રક્ષા કરી.” મહારાજ કહે, “તે અહીંયાં દર્શને આવે ત્યારે મને સંભળાવજો.” પછી તે જ્યારે ગઢપુર આવ્યા ત્યારે બ્રહ્મચારીએ ઓળખાણ પાડી. પછી મહારાજે કહ્યું જે, “તેં બ્રહ્મચારીનો પક્ષ રાખ્યો. માટે જા તારું મુક્તાનંદ સ્વામીની સાથે કલ્યાણ.” એમ કહીને મહારાજ બહુ જ રાજી થયા. ॥૨૬૫॥
ગામ વેજળકામાં ભીમ પંડ્યો કરીને બ્રાહ્મણ હતા અને તે ગામમાં ચુડાનો અધિકારી વહીવટદાર આવ્યો હતો. તે વખતે સિદ્ધાનંદ સ્વામી ગામ નાગનેશમાં હતા. એટલે વહીવટદારના મનમાં એમ થયું જે, “સ્વામિનારાયણના સાધુને પંડ્યો આંહીંયાં તેડી લાવશે તો મારે ઉતારામાંથી નીકળવું પડશે.” એમ જાણી ગામના પટેલને બોલાવીને પોતે કહ્યું જે, “તું પંડ્યાને કહી આવ્ય જે, ‘સ્વામિનારાયણના સાધુ આંહીંયાં આવશે તો હું ગામને ઝાંપેથી પાછા વાળીશ.’” પંડ્યાને ખબર નહોતી જે, “સ્વામી નાગનેશમાં છે.” પછી તેમણે પોતાના પુત્રને કહ્યું જે, “નરભેરામ! ઉઠ્ય, ગાડાં જોડ્ય અને સ્વામીને આંહીં તેડી લાવ્ય. આપણને તો ખબર નહોતી પણ આ વહીવટદારે ખબર કરી માટે તું તથા સાથી બન્ને જણા જઈને સ્વામીને સવારમાં આંહીં તેડી લાવજો.” અને પટેલને કહ્યું જે, “જા, મેતાને જઈને તું કહેજે હજાર વિઘાં મારી જમીન છે ને હજાર વિઘાં દરબારી જમીન છે. માટે અરધો ઉતારો વાળીને સાફ કરાવજે અને અમને તો ખબર નહોતી પણ તે કહ્યું ત્યારે જાણ્યું.” અને કહેવું જે, “સ્વામિનારાયણના સાધુને ગામના ઝાંપામાંથી પાછા ન વાળ્ય તો તારા માવતરમાં ફેર અને જો હું તને લાકડીયે ન દઉં તો મારો બાપ ભાણજી પંડ્યો નહીં ને ન કહે તો તારા ચારે દીકરા મરે.” પછી પટેલે જઈને વાત કરી. ત્યારે વહીવટદારના મનમાં બીક લાગી જે, “આ બ્રાહ્મણ તો નક્કી લાકડીયે મારશે, માટે ઝટ ગાડું લાવ્ય અને ચુડા ભેળા થઈ જઈએ.” પછી વહીવટદાર વહેલો ઉઠીને ચુડે ગયો અને સવારમાં સિદ્ધાનંદ સ્વામી આવ્યા. પછી પંડ્યે પટેલને કહેવરાવ્યું જે, “ઉતારો વળાવીને સાફ કરાવ્ય.” એટલે પટેલે પંડ્યાને કહ્યું જે, “ઉતારો તો નવરો જ છે.” કારણ કે વહીવટદાર તો વહેલો ઉઠીને ચુડા ચાલ્યો ગયો છે.” પછી સ્વામીને આઠ દિવસ સુધી રાખ્યા ને ગામ કરમડ મેલી આવ્યા અને પોતે ગામ ચુડા ગયા અને ત્યાં બાઈરાજને મળવા ગયા અને બાઈને વાત કરી જે, “વહીવટદાર આવ્યો હતો. તેણે સાધુનું આવી રીતે અપમાન કર્યું. પછી મેં તેને આવી રીતે કહ્યું હતું.” પછી બાઈ બોલ્યાં જે, “મારા પીટ્યાને લાકડીયે દેવો હતો ને?” પછી પંડ્યે બાઈને કહ્યું જે, “આપણા સાધુને ઉતરવા માટે મંદિર કરવું છે. તો કોઈ સારે ઠેકાણે જગ્યા અપાવો.” પછી તે બાઈએ તે વહીવટદારને બોલાવીને કહ્યું જે, “પંડ્યા કહે તેટલી જગ્યા આપજે અને મંદિર ચણવાનો ખરચ થાય તે રાજ તરફથી આપજે.” પછી તે ગામમાં મંદિર કરાવ્યું. ॥૨૬૬॥
ગામ નાગનેશમાં સાધુ ગયા હતા અને ગામના અમલદારો બધા કુસંગી હતા. પછી સાધુ જ્યારે નહાવા જાય ત્યારે તેમણે કોઈ નિર્લજ બાઈને શીખવાડેલ જે, “તારે સ્વામિનારાયણના સાધુની પાછળ દોડવું એટલે સાધુ જ્યારે નહાવા નીસરે ત્યારે તે બાઈ તેમની પાછળ દોડે. એટલે સાધુ આડા અવળા વીંખાઈ જાય.” તે તમાશો જોઈને મેતાઓ એક બીજા સામું જોઈ હસે અને સાધુની મશ્કરી કરે. પછી સાધુએ એક દિવસ તે ગામના મનોરદાસ કરીને વાણીયા હરિભગત હતા. તેમને વાત કરી જે, “એક બાઈ અમને હંમેશાં હેરાન કરે છે.” પછી તે વાણીયો આગળથી જાળામાં સંતાઈને બેઠો અને સાધુ જ્યારે નાહવા નીસર્યા ત્યારે તે બાઈ સંતની પાછળ દોડી. ત્યારે વાણીયે પોતાના પગમાંથી જોડો કાઢીને તે બાઈને ખૂબ મારી અને અમલદારોને કહ્યું જે, “હું વઢવાણ ફરીયાદ કરવા જાઉં છું જે આવી રીતે તમે અધર્મ કરો છો?” પછી અમલદારોએ પગે લાગીને વાણીયાને પાછો વાળ્યો. ॥૨૬૭॥
ગામ પાલીતાણામાં સાધુ ફરવા ગયા હતા અને ત્યાં ધોબીનો આરો છે ત્યાં નાહવા જતા. પછી ધોબીની સ્ત્રીઓ સાધુની પાછળ દોડે જે, “લાવો, સ્વામિનારાયણ, તમારા લૂગડાં ધોઈ દઈએ.” એટલે સાધુ છેટા ભાગે અને સૌ ધોબી દાંત કાઢે. એમ ઘણાક દિવસ સાધુને હેરાન કર્યા. પછી એક દિવસ સાધુએ ત્યાંના ત્રિકમજી રાજગર બ્રાહ્મણ હતા. તેને વાત કરી જે, “અમને આવી રીતે ધોબી લોકો તથા ધોબીની સ્ત્રીઓ પાછળ દોડીને ઉપવાસ પડાવે છે ને નિત્યે હેરાન કરે છે.” પછી ત્રિકમજી આગળથી ત્યાં જઈને ગુપ્તપણે બેઠા. ત્યારે જે વખતે સાધુ નાહવા નીસર્યા અને ધોબીની સ્ત્રીયો પાછળ દોડીયું. પછી ત્રિકમજી રાજગર ઉભા થઈને ધોબીને તથા તેમની સ્ત્રીયોને જોડે જોડે ખૂબ મારી અને પછી સાધુ સાથે મંદિરમાં આવ્યા અને ધોબી સૌ પ્રતાપસિંહ રાજા પાસે ગયા અને કહ્યું જે, “અમને ત્રિકમજીએ બહુ જ માર્યા. માટે અમે લૂગડાં ધોવા કાલે નહીં જઈયે.” પછી દરબાર કહે, “ત્રિકમજીને આંહીં બોલાવો.” તેમના મોટાભાઈ લખભા રાજાના કારભારી હતા. પછી ત્રિકમજી રાજગરને હજુર પાસે બોલાવી ગયા. ત્યારે દરબારે ત્રિકમજીને પૂછ્યું કે, “ધોબીને કેમ માર્યા?” ત્યારે ત્રિકમજી કહે, “માર્યા, કેમ માર્યા શું. મારા સાધુને ઉપવાસ પડાવે છે તે સારુ માર્યા.” દરબાર કહે, “તે તો ગાંડા છે લુગડું કાઢી નાંખશે.” ત્યારે ત્રિકમજી કહે, “હું પણ ગાંડો છું.” એમ કહી પોતાનું પહેરવાનું લુગડું કચેરી વચ્ચે કાઢીને એક કોરે મુકીને ધોબીને જોડે જોડે મારવા મંડ્યો અને કહ્યું જે, “આમ માર્યા.” પછી સૌ કહેવા લાગ્યા જે, “હવે ભલો થઈને તારૂં લુગડું પહેર.” પછી તેને રજા આપી એટલે ઘેર ગયો ને ધોબી સાધુને હેરાન કરતા મટ્યા. ॥૨૬૮॥
ગામ ધારીમાં વાણીયા બે ભાઈ હરિભગત હતા અને બીજા ગામના હરિભગત વાણીયે તે ગામનું માપું રાખ્યું હતું. પછી તેના માપના પૈસા પુરા ન થયા તેથી તેમને જેલમાં બેસાર્યા. પછી ગામના મહાજન તેમને છોડાવવા માટે ગયા. તેમાં એક સત્સંગી વાણીયો સાથે ગયો હતો. પછી પાંચસો રૂપિયાના જામીન થઈને વાણીયાને છોડાવ્યા. તે વખતે સત્સંગી વાણીયો હતો તે બોલ્યો જે, “હે સ્વામિનારાયણ! તમે પહોંચ્યા ખરા.” ત્યારે મહાજન સૌ બોલ્યા જે, “આ સત્સંગીના અમો જામીન નથી.” પછી એકને છોડાવીને સૌ ગામમાં આવ્યા અને પેલો સત્સંગી વાણીયો પણ ઘેર ગયો. ત્યારે તેના ભાઈયે પૂછ્યું જે, “કાં બેયને છોડાવ્યાને?” ત્યારે વાણીયો કહે કે, “સત્સંગી ઉઠતી વખતે આમ બોલ્યો જે, ‘હે સ્વામિનારાયણ તમે પહોંચ્યા ખરા,’ એવું સાંભળીને મહાજન તેના જામીન થયા નહીં.” પછી સત્સંગી વાણીયે તેને કહ્યું જે, “આપણે સત્સંગી બે ભાઈ છીયે તેમ તે આપણો ત્રીજો ભાઈ છે માટે તેના ભાગના અઢીસો રૂપિયા રોકડા લઈ જઈને છોડાવી આવ્ય.” પછી તે પ્રમાણે રૂપિયા આપીને છોડાવીને તેને ઘેર લાવ્યા ને તેને જમાડીને તેને ઘરે જવા દીધો. તે વાતની મહારાજને ખબર પડી તે સાંભળીને મહારાજ બહુ જ રાજી થયા. ॥૨૬૯॥
એક વખત મહારાજ જુનાગઢ પધાર્યા હતા અને સાથે કાઠીના સ્વારો પણ ઘણા હતા અને મહારાજને તે શહેરમાં પધારવું હતું. પછી જુનાગઢના નવાબસાહેબને અમલદાર નાગરોએ કહ્યું જે, “સ્વામિનારાયણ સાથે ઘણા જ શરબંધી કાઠી છે. તે શહેરમાં આવશે તો તોફાન કરશે ને તમારું રાજ્ય લઈ લેશે.” ત્યારે નવાબે કહ્યું જે, “મારું રાજ્ય લે તો સુખેથી લે પણ તેને શહેરમાં આવવા દ્યો.” પછી નવાબે કહેવરાવ્યું જે, “હું ખાણું ખાઉં છું. તે ખાઈ રહું ત્યારે મહારાજ પધારે.” પછી મહારાજ સોનેરી વસ્ત્ર પહેરીને માણકી ઘોડી ઉપર વિરાજમાન થયા અને સાથે કાઠીના સ્વારો પણ ઘણાક હતા. પછી જ્યાં રાજમહેલ પાસે આવ્યા ત્યારે કોઈક પ્રેમી ભક્તે ચીભડાની બે કાકડીયો મહારાજને આપી એટલે મહારાજ બન્ને હાથે ચીભડાં જમવા મંડ્યા અને તેનાં બી તો સોનેરી વસ્ત્રો ઉપર પડતાં હતાં અને નવાબ ખુરશી નાંખીને પોતાના મહેલની અગાશી ઉપર મહારાજનાં દર્શન કરવા બેઠો હતો. પછી અમલદારે નવાબને કહ્યું જે, “જુઓ, સાહેબ! ભગવાન હોય તો આટલો વિવેક હોય કે નહીં? જે આટલા માણસ વચ્ચે ચીભડાં ખાય છે.” તે સાંભળીને નવાબે કાજીને પૂછ્યું જે, “કાજી! ખુદા કેવા?” ત્યારે કાજી કહે, “ખુદા બેપરવાઈ છે. તેને કોની પરવા છે?” પછી નવાબે કહ્યું જે, “ખુદા વિના આટલા માણસમાં કોનું મોંઢું ફાટે એમ છે? માટે સ્વામિનારાયણ તો સાક્ષાત્ ખુદા છે.” એમ મહારાજનો પક્ષ રાખ્યો હતો. ॥૨૭૦॥
એક વખત મહારાજ કારીયાણીમાં નદીને કાંઠે કોઠો છે. ત્યાં રાત્રીને વખતે મહારાજ પોઢ્યા હતા અને રાત્રીના બાર વાગ્યે ઉભા થઈને મહારાજ બથમાં ઘાલીને મળ્યા અને પોતાનું મુખારવિંદ અવળું કરી ગયા. તે વખતે સુરોખાચર જાગતા હતા. પછી સવારે સુરાખાચરે મહારાજને કહ્યું જે, “મહારાજ! તમે આજ અરધી રાતે ઉભા થઈને મળ્યા અને તમારૂં મુખારવિંદ અવળું કરી દીધું એ શું?” ત્યારે મહારાજ કહે, “સુરાખાચર! તે વખતે જુનાગઢના નવાબે દેહ મેલ્યો હતો. તેને અમે તેડવા ગયા હતા પણ તેને દારૂ પાયો હતો એટલે તેનું મોંઢું ગંધાણું. તે સારુ અમે અવળું જોઈ ગયા. કેમ કે તેણે અમારો પક્ષ રાખ્યો હતો. તેથી અમે તેને તેડવા ગયા હતા.” ॥૨૭૧॥
ગામ હાથસણીમાં સંત ગયા હતા અને તે ગામના બાવાએ સાધુને મારીને ગામ બહાર કાઢ્યા. પછી તે ગામનો ધણી સત્સંગી હતો. તેને ખબર પડી કે, “સ્વામિનારાયણના સાધુને બાવાએ માર્યા અને મારીને ગામ બહાર કાઢી મૂક્યા.” તે સાંભળીને તે ગામને ચોરે આવ્યો અને સૌને કહ્યું જે, “જેણે સ્વામિનારાયણના સાધુને કાઢ્યા હોય તેને મારે ઈનામ આપવું છે.” ત્યારે બાવો બોલ્યો જે, “બાપુ! મેં મારીને કાઢી મૂક્યા છે.” દરબાર કહે, “તું શું કાઢી શકે?” ત્યારે બાવો કહે, “હા, બાપુ! નક્કી કહું છું.” તે સાંભળી દરબારના હાથમાં ઘોડાનું ચોકડું હતું તે બાવાના બરડામાં માર્યું અને ધોલ મારીને કહ્યું જે, “તારા બાપનું ગામ છે કે મારું ગામ છે?” પછી ધોલ મારીને કહ્યું જે, “મારા ગામમાં જો તું રહીશ તો તારો નાશ કરી નાંખીશ.” પછી તે બાવો ગામ છોડીને જતો રહ્યો અને દરબાર સંતને ગામ બહાર નદીએથી ઘરે તેડી લાવ્યા અને રસોઈ કરાવીને બે દિવસ રાખીને સમાગમ કર્યો ને પછી સંતને રજા આપી હતી. એમ સાધુનો પક્ષ રાખ્યો. ॥૨૭૨॥
ગામ ભુજમાં શ્રીજીમહારાજ પધાર્યા હતા અને હીરજીભાઈ તથા સુંદરજીભાઈને ઘેર મહારાજ પણ હતા અને મહારાજને બેસવાને ઠેકાણે ગુમડું થયું હતું. તે મહારાજ મેડી ઉપર રહેતા અને હીરજીભાઈ માંદા હતા. તે વખતે તેમને જોવાને માટે ભૂજનો દીવાન જગજીવન મેતો આવેલો હતો. પછી જગજીવન ખુરશી ઉપર બેઠો. અને સુંદરજીભાઈને પૂછ્યું જે, “સ્વામિનારાયણ આંહીં છે?” ત્યારે સુંદરજીભાઈ કહે, “આંહીં તો નથી.” એમ કહ્યું એટલે મહારાજ મેડેથી દાદરે નીચે ઉતર્યા અને દાદરાના પગથીયા ઉપર બેઠા. તે જોઈ જગજીવન ક્રોધાયમાન થયો અને સુંદરજીભાઈને કહ્યું જે, “આંહીં છે ને તમે કેમ ના પાડો છો?” પછી જગજીવને મહારાજને કહ્યું જે, “તમે લક્ષ્મીજીના પતિ?” ત્યારે મહારાજ કહે, “હા.” ત્યારે કહે, “તમે રાધિકાજીના પતિ?” મહારાજ કહે, “હા.” તે સાંભળી જગજીવને સુંદરજીભાઈને કહ્યું જે, “હું ખરો હોઉં તો તારાં ઘર ખોરડાં લુંટાવી લઉં.” પછી મહારાજે સુંદરજીભાઈને કહ્યું કે, “કેમ, સુંદરજીભાઈ! ” ત્યારે સુંદરજીભાઈ કહે, “મહારાજ! હમણાં ક્યાંઈક આઘા પાછા થાઓ તો સારુ.” પછી મહારાજે ગંગારામ મલ્લને ખબર કરી. એટલે ગંગારામ મલ્લ મહારાજ પાસે આવ્યા ને તેમને મહારાજે કહ્યું જે, “જગજીવન મેતે આવી રીતે ઉપાધિ કરી છે માટે તમો અમને રાખશો?” તે સાંભળીને ગંગારામ મલ્લ કહે કે, “અમો એક-એક જણ સો સો જણને મારી નાંખીએ એવા છીએ. માટે સુખેથી અમારે ઘરે પધારો.” પછી મહારાજે જગજીવનને ઘેર કહેવરાવ્યું કે, “અમારે ગંગારામ મલ્લને ઘરે જાવું છે માટે સીગરામ મોકલજો.” પછી તે બાઈએ જગજીવનને બેસવાનો સીગરામ હતો તે મહારાજને બેસવા માટે મોકલાવ્યો. અને જગજીવનની હવેલી પાસે થઈને મહારાજે સીગરામ હંકાવ્યો. તે વખતે જગજીવન પોતાની અગાશી ઉપર બેઠો હતો અને સીગરામની આગળ એકસો મલ્લ હતા તે કીર્તન બોલતા બોલતા ચાલતા હતા. તે સાંભળીને જગજીવને પૂછ્યું જે, “આ કોણ જાય છે?” ત્યારે કોઈકે કહ્યું કે, “સ્વામિનારાયણ ગંગારામ મલ્લને ઘરે જાય છે.” ત્યારે જગજીવન બોલ્યો જે, “આ સીગરામ તો મારો છે તે કોણે મોકલ્યો?” પછી તેના માણસે કહ્યું જે, “તમારે ઘેરથી મોકલ્યો છે.” પછી જગજીવનના મનમાં એમ થયું જે, “આને આપણે જીતી શકશું નહીં.” અને સૌ મલ્લના હાથમાં ઉઘાડી તરવારો હતી. તે જોઈને જગજીવન પોતાના મનમાં સમજીને બેસી રહ્યો. ॥૨૭૩॥
એક વખત ગામ વસોમાં વીશ સાધુ ગયા હતા અને તે ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા જતા હતા. પછી કસીયાજીને ખબર પડી જે, “સ્વામિનારાયણના સાધુ ગામમાં આવ્યા છે. તે ગામ બગાડશે.” એમ જાણીને પોતે પોતાના નોકરોને બોલાવ્યા અને કહ્યું જે, “સ્વામિનારાયણના સાધુને ગામ બહાર કાઢી મૂકજો.” પછી પોલીસે સંતને કહ્યું જે, “મહારાજ! ભિક્ષા માગીને ઝટ ગામમાંથી બહાર નીસરી જજો.” પછી સંતે કહ્યું જે, “બીજા બાવા માગે છે અને અમારામાં શો દોષ છે તે અમને ના પાડો છો?” તે સાંભળીને પોલીસને દયા આવી જે, “આપણે આવા સંતને શા વાસ્તે દુઃખવવા પડે? માટે પગાર ટુટી જાય તો ભલે પણ આવા સાધુને આપણે દુઃખવવા નહીં.” એમ વિચાર કરીને બધા પોલીસ કસીયાજી પાસે ગયા અને કહ્યું જે, “તેરા પગાર જલ જાય, અતીત માગે, ફકીર માગે, બાવા માગે, અને સ્વામિનારાયણના સાધુએ શું બગાડ્યું છે? તે બીચારાને કાઢી મૂકવા!” કસીયાજી કહે, “જાઓ, જાઓ, ભલે માગે. તમે તમારી નોકરી ઉપર જાઓ.” પછી બીજે દિવસે સંત ભિક્ષાવૃત્તિ કરવા નીસર્યા અને તુળશીભાઈને ઘેર જઈને “નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ” એમ શબ્દ બોલ્યા. તે વખતે તુળશીભાઈ નાહીને પૂજામાં બેઠા હતા. તે પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો એટલે તુળશીભાઈ બોલ્યા જે, “આ નારાયણ હરે કોણે કહ્યું?” તે સાંભળી તેના ચાકરે કહ્યું જે, “બાપુ, કોઈક સાધુ છે.” પછી તુળશીભાઈ કહે, “તે સાધુને આંહીં બોલાવો.” પછી સંતને મેડી ઉપર બોલાવી ગયા અને તુળશીભાઈએ તેમને પૂછ્યું જે, “મહારાજ! તમે કોણ છો અને કેના સંત છો?” સંત કહે, “અમે સ્વામિનારાયણના સંત છીએ.” તે સાંભળી તુળશીભાઈના મનમાં ઘાટ સંકલ્પ થાતા હતા તે સમી ગયા. પછી સંતને પૂછ્યું જે, “તમે કેટલી મૂર્તિઓ છો?” ત્યારે સંતે કહ્યું જે, “અમે વીશ સંત છીએ.” પછી માણસ મોકલીને વીશે સંતને પોતાને ઘેર બોલાવ્યા અને બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવા માંડી અને સંત સૌ કીર્તન બોલવા મંડ્યા. કીર્તન સાંભળીને તુળશીભાઈના અંતઃકરણમાં અતિશય શાંતિ થઈ ગઈ. રસોઈનો ઠાકોરજીને થાળ ધરીને પછી જમીને સંત પાછા કીર્તન ભક્તિ કરવા મંડ્યા ને તુળશીભાઈ માળા લઈને બેઠા. તે વખતે કસીયાજીએ ખબર કઢાવી જે, “સ્વામિનારાયણના મુંડીયા ક્યાં છે?” પછી તપાસ કરનાર માણસે આવીને કહ્યું જે, “તુળશીભાઈની મેડી ઉપર કીર્તન બોલે છે.” પછી કસીયાજીએ પોતાના હજુરી માણસને મોકલીને કહેવરાવ્યું જે, “તુળશીભાઈને કહેવું જે, ‘એ મુંડીયાને રજા આપે.’” પછી માણસે આવીને કહ્યું જે, “બાપા! બાપા! કશીયાજી બાપુએ કહ્યું છે જે, મુંડીયાને રજા આપે.” તે સાંભળી તુળશીભાઈ બોલ્યા જે, “આ મુંડીયા તો માથા સાટે છે અને બાપાને જો પેટમાં દુઃખતું હોય તો તે આંહીંયાં આવે.” પછી તે માણસે જઈને સમાચાર કહ્યા જે, “તુળશી બાપે આવી રીતે સમાચાર કહ્યા છે.” તે સાંભળીને કસીયાજી બોલ્યા જે, “કોઈ કાંઈ પણ બોલશો નહીં કેમ કે એમાંથી ક્લેશ થાય ને ઉપાધિ વધે.” ॥૨૭૪॥
ગામ પંચાળાના ઝીણાભાઈ હતા. તેને કોઈક હરિભક્તે કહ્યું જે, “રામાનંદ સ્વામીનો સત્સંગી માંગરોળમાં વાંઝો કરીને છે તે માંદો છે અને તેની કોઈ ચાકરી કરનારૂં નથી.” પછી ઝીણાભાઈ ગાડું જોડાવીને તેમને તેડવા સારૂ માંગરોળ ગયા. પછી તેને તેડીને પંચાળે લાવ્યા અને ઝીણાભાઈએ પંડે તેની ચાકરી કરી અને સાજો કર્યો. પણ એક દિવસ ઝીણોભાઈ ક્યાંઈક બહાર ગયેલ અને તરસ બહુ લાગેલ એટલે તેણે ઝીણાભાઈની બેનને કહ્યું જે, “બા! મને પાણી આપોને. તરસ લાગી છે.” ત્યારે અદીબા બોલ્યાં જે, “મારા ભાઈ તો આવા ઘણાં માંદા માણસોને લઈને આવશે. હું પાણી પાવાને નવરી નથી.” પછી થોડીક વાર થઈ એટલે ઝીણાભાઈ ઘેર આવ્યા તેમણે પાણી પાયું. પછી તેણે ઝીણાભાઈને વાત કરી જે, “બા પાસે મેં પાણી માગ્યું. તેમણે મને આ પ્રમાણે જવાબ આપ્યો.” પછી તે હરિભગતની દીકરી બીજે ગામ હતી. તેને ઝીણાભાઈએ બોલાવીને તે હરિભક્તને વસ્ત્ર વિગેરે નવાં સીવડાવી આપીને તેની સાથે ઘરે મોકલ્યો અને પોતે સંબંધીને પૂછ્યા વિના ગઢપુર આવ્યા. પછી સંબંધી સૌ ઝીણાભાઈને તેડવા આવ્યા પણ ઝીણાભાઈ ઘરે જવાની ના કહેતા; તેથી શ્રીજીમહારાજે સમજાવીને તેમને ઘેર મોકલ્યા અને પોતાની બેન અદીબા સાથે છ માસ સુધી બોલ્યા નહીં. ॥૨૭૫॥
કોઈ એક ગામમાં મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી ગયા હતા અને ત્યાં એક બાવો તેની જગ્યામાં હતો. તે જગ્યામાં એ બન્ને સાધુને લઈ ગયો અને એક ઓરડામાં પુર્યા. બહારથી સાંકળ વાશી દીધી. પછી તે બાવો પોતાનો છરો લઈને ઘસવા લાગ્યો. તે સમે કોઈક ક્ષત્રીય વર્ણ ત્યાં નીકળ્યો. તેણે પૂછ્યું જે, “બાવાજી! શું કરો છો?” બાવે કહ્યું જે, “સ્વામિનારાયણના સાધુના નાક કાન કાપવાં છે.” તે સાંભળીને તે ક્ષત્રીયે તરત તે બાવાને માર મારીને ઓરડાનું કમાડ ઉઘાડીને સાધુને બહાર કાઢ્યા અને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહેતા હતા જે, “સ્વામી! આપણાં નાક કાન કાપશે ત્યારે આપણે લોકમાં શું મોઢું દેખાડશું?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “આ લોકમાં સંબંધીને માટે કેટલીક વાર નાક કાન કપાવ્યાં હશે પણ આ તો સ્વામિનારાયણને અર્થે છે.” એમ વાત કરતા હતા એટલામાં તે ક્ષત્રીયે સંતને ઓરડામાંથી બહાર કહાઢીને બન્ને સંતને બે ગાઉ સુધી મૂકી આવ્યો ને પગે લાગ્યો જે, “મારું કલ્યાણ કરજો.” ॥૨૭૬॥
ગામ વિસનગરમાં શોભારામ કરીને નાગર હતો. તે જેટલા સત્સંગી હોય તેને તડકે બેસારતો અને પોતાની બેન ઉદયકુંવર કરીને હતી તે સત્સંગી હતી. તે પણ સત્સંગી સાથે તડકે બેસતી અને તેનો દીકરો બે વરસનો બળદેવ કરીને હતો, તેને પણ સાથે તડકે બેસારતી અને શોભારામ ન્યાયાધીશની જગ્યા ઉપર હતો. તેથી સૌ સત્સંગીને હેરાન કરતો. પછી પોતાની બેનને દેખીને કહે જે, “બેન! તું શા વાસ્તે બેઠી છે?” ત્યારે ઉદયકુંવર બોલ્યાં જે, “જા ,જા ,પીટ્યા! તું ક્યાં મારો ભાઈ છો? મારા ભાઈ તો બધા આ તડકે બેઠા છે.” પછી તે સૌને ઉઠાડી મેલતો. એમ જ્યારે જ્યારે ઉપાધિ કરે ત્યારે ત્યારે ઉદયકુંવર પોતાના દીકરાને સાથે લઈને સત્સંગીની સાથે રહેતાં. એમ તેણે સત્સંગીનો પક્ષ રાખ્યો હતો. ॥૨૭૭॥
ગઢપુરમાં હરજી ઠકરની માતુશ્રી જાનબાઈ કરીને હતાં. તે પોતે મહારાજ સારૂ પીથલપર ગામનો ત્યાગ કરીને આવ્યાં હતાં. પછી એક દિવસ મહારાજને નહાવા માટે ઉનામણું જોતું હતું. ત્યારે તેમણે મોટી ત્રાંબાની દેગડી પાણી ઉનું કરવા માટે આપી. તે જોઈ તેમનો દીકરો ધનજી હતો તે બોલ્યો જે, “મા! નાનું ઉનામણું આપીએ નહીં? આવડું મોટું આપ્યું.” તે સાંભળી જાનબાઈ બોલ્યાં જે, “તું મહારાજની સેવામાં આડો ફરે છે. માટે આજથી મારે તારું મોઢું જોવું નથી.” પછી ધનજી ઠક્કર ગઢપુરનો ત્યાગ કરીને તળાજે રહેવા ગયો અને તેમણે ત્યાંજ દેહ મેલ્યો પણ પોતાના સગા દીકરાને બોલાવ્યો નહીં. ॥૨૭૮॥
ગામ ગુંદાળીના બે કાઠી હરિભગત હતા અને તે ગામમાં સાધુ ગયા હતા. પછી ગામધણીએ સાધુને મારીને ગામ બહાર કાઢી મૂક્યા અને તે બે ભાઈ ખેતીનું કામ કરવા ગયા હતા. તે જ્યારે ઘરે આવ્યા ત્યારે તેની માતુશ્રી રોવા લાગી જે, “તમે મારા પેટના નહીં. મારા પેટના હો તો મારા સાધુનું વેર લીધા પછી રોટલા ખાઓ. કેમ કે ગામધણીએ મારા સાધુને મારીને કાઢી મેલ્યા છે.” પછી બન્ને જણા હથિયાર બાંધીને ચોરે ગયા અને તે ગામધણીને ત્યાં બરછીયે માર્યો અને પોતે ભાગ્યા. તે પણ આગળ જતા મરાણાં. માટે ખરા ભક્ત હોય તેને આ દેહની ગણતી જ ન હોય. ॥૨૭૯॥
ગઢપુરમાં ગામ ચુડાનો હરશંકર કરીને બ્રાહ્મણ આવ્યો હતો, તે પાખંડી હતો. તે સ્વામિનારાયણનો વેશ ધારણ કરીને સૌને ઉપદેશ કરતો હતો. તે ગઢપુરમાં આવ્યો અને તેના કેટલાક સેવક ગઢપુરમાં હતા. તેને કહ્યું જે, “આપણે ગોપીનાથજી મહારાજના દર્શને જવું છે.” પછી અમરાખાચરને તે વાતની ખબર પડી એટલે તે ઢાલ તરવાર બાંધીને દરવાજે બેઠા અને કોઈક પાસે કહેવરાવ્યું જે, “તું મંદિરમાં દર્શને આવ્ય અને તારા જો કટકા કરી નાંખું નહીં તો મારો બાપ દાદોખાચર નહીં.” એમ કોઈક સાથે કહેવરાવ્યું અને જો આ ગામમાં રહ્યો તોપણ તારું મોત સમજજે એવું સાંભળીને તે રાત રહીને તે ગામમાંથી ભાગી ગયો અને તેના સેવક હતા તે પણ છાના માના બેસી રહ્યા. ॥૨૮૦॥