નિશ્ચય સંબંધી વાતો
ગામ કરિયાણામાં દાદાખાચર કરીને ગામધણી હતા અને તે શ્રીજીમહારાજના મળેલા હતા. પછી તે ગામમાં ગામ ખસનો બાવો કનહીરામ કરીને ગયો હતો. તે બાવો આખા ડાયરામાં કંઠી બાંધતો હતો. પછી દાદાખાચરને કંઠી બાંધવા મંડ્યો. ત્યારે દાદાખાચરે પોતાનો પગ લાંબો કર્યો. ત્યારે કનહીરામ કહે, “બાપુ! આમ કેમ?” ત્યારે દાદોખાચર કહે, “ડોકમાં તો સ્વામિનારાયણની કંઠી છે અને તારા જો ભાગ્ય હોય ને તારા જીવનું કલ્યાણ કરવું હોય તો મારા પગ સુધી તારી કંઠી ક્યાંથી? અને હું સ્વામિનારાયણનો મળેલો છું.” એમ કહીને પોતે કંઠી નાંખવા દીધી નહીં. ત્યારે બાવો કહે, “બાપુ! હું કનહીરામ.” ત્યારે દાદોખાચર કહે, “હું કારિયાણા ગામનો દાદોખાચર.” પછી બાવો ચાલ્યો ગયો પણ કંઠી પહેરી નહીં. ॥૨૮૧॥
ગામ ઝીંઝોડામાં હાથીયો માંઝરીયો કરીને કાઠી હતો. પછી તે ગામનાં લોક સૌ ગંગાજીયે જાવાને તૈયાર થયાં. ત્યારે કેટલાકે કહ્યું જે, “હાથીયા માંઝરીયા! ભાતો કરો ભાતો. આપણે સૌ ગંગાજી જાઈએ.” ત્યારે હાથીયો કહે, “હું તો હમણાં ગંગાજીએ જઈ આવ્યો.” ત્યારે કહે, “ક્યારે?” ત્યારે કહે, “હું હમણે ગઢપુર જઈને ડોળીયાને ને કાબરીયાને (બે બળદ) નવરાવી આવ્યો. તેમાં ડોળીયો તો ધામમાં ગયો ને કાબરીઓ તૈયાર થયો છે.” ત્યારે કોઈકે કહ્યું જે, “ઘેલામાં તો પાણી સુકાઈ જાય છે.” ત્યારે હાથીયો કહે જે, “ત્યાંની વેળું કાંઈ સુકાઈ જાય છે? ત્યાંનો કાંકરો લઈને માથે મેલીયે તો પણ કલ્યાણ થાય. એવો ગઢપુરમાં ઘેલા નદીનો મહિમા છે. જેમ ઢીંચણ સામો ઝીંઝવો ગામને પાદર ડોલતો હોય ને મૂરખ હોય તો વાંઢે ધોડે.” ॥૨૮૨॥
ગામ મોલડીમાં ઉગો ખુમાણ કરીને કાઠી હરિભગત હતો. અને ગઢપુરથી એક ચારણ ગયો. ત્યારે તે ચારણે તેને વાત કરી જે, “ઉગા ખુમાણ! સ્વામિનારાયણ તો પોતાના સત્સંગીઓને રુદ્રાક્ષનો એક-એક પારો ગળે બંધાવે છે.” ત્યારે ઉગો ખુમાણ કહે, “ગઢવા! રુદ્રાક્ષનો પારો તો સારો. પણ સ્વામિનારાયણ કહેશે કે સુકું ખાસડું લઈને શાહરીને ગળે બાંધો તો તે બાંધવું છે પણ સ્વામિનારાયણ તો ભગવાન છે બા.” પછી તે સાંભળીને ગઢવો ચાલતો થયો. ॥૨૮૩॥
ગામ મીતીયાળામાં રાવત મૈંતરો કરીને કાઠી હરિભક્ત હતો. તે ગામમાં એક બાવી રહેતી હતી. તે બાઈ કાશીએ ગઈ અને વરસદિવસે પાછી આવી. ત્યારે પોતાની સાથે આઠ બાવા લેતી આવી હતી. તે નવે જણે આવીને ચોરે પાણીની કાવડ્યું ઉતારી. તે વખતે તે ગામના બધા કાઠીઓ ચોરે બેઠા હતા. તે ઉઠી ઉઠીને માતાના પગમાં પડ્યા પણ રાવત મૈંતરો ઉઠ્યો નહીં. ત્યારે સૌ કાઠી કહેવા લાગ્યા જે, “રાવત મૈંતરા! માતાને પગે લાગો માતા આદાં માતા કાશીએ જઈએ આવ્યાં અને સાથે આઠ બાવા લાવ્યા.” રાવત મૈંતરો કહે, “તમે પગે લાગ્યા તે ઘણું કર્યું.” તો પણ કાઠીએ બહુ આગ્રહ કર્યો એટલે ચોરા પાસે એક ગધેડી ઊભી હતી. તેને રાવત મૈંતરો જઈને પગે લાગ્યો અને કહ્યું જે, “હે ગધેડીમા! આ સોળ સંઢી જો સૌનું કલ્યાણ કરે તો તું મારું કરજે.” તે જોઈ સૌ કાઠી બોલ્યા જે, “રાવત મૈંતરા! આ શું કર્યું? ત્યાં જઈ કેમ પગે લાગ્યા?” ત્યારે રાવત મૈંતરો કહે કે, “તારી મામાં ને મારી મામાં શો ફેર છે? તારી માને સોળ પતિ તો મારી માને એક પતિ. આ આઠ સાથે લાવી છે અને આઠ બીજા કર્યા હશે ને મારી માને તો ગધાડો એક જ પતિ.” તે સાંભળી કાઠી સૌ બોલતા બંધ થઈ ગયા. આનું નામ નિશ્ચય કહેવાય. ॥૨૮૪॥
ગામ સમઢીયાળામાં વીરો કરીને એક કણબી હરિભક્ત હતો. તે ગઢપુર મહારાજને દર્શને આવીને વર્તમાન ધારીને ઘરે ગયો. પછી થોડાક દિવસ થયા કેડે તેનાં ઘરનાં ખોરડાં બળી ગયાં અને પોતે સીમમાં ખેતીનું કામ કરવા ગયા હતા. અને સાંજે જ્યારે ઘેર આવ્યા ત્યારે ગામને ચોરે કાઠી બેઠા હતા. તે કહેવા લાગ્યા જે, “વીરા! તારે તો સત્સંગ ફળીભૂત થયો જે, તારાં ઘર ખોરડાં બળી ગયાં.” તે સાંભળીને વીરો પટેલ કહે કે, “અમારાં પંડ્યનાં પાપ તો સ્વામિનારાયણે મૂકાવ્યાં હતાં પણ અમે ચોરી ચોરીને ઘરમાં જે ભેળું કર્યું હતું તે જો ખાત તો તે પાછાં પાપ અમને વળગત. તે સીમમાં મોળ ઉભા છે અને નવો કાટ લાવીને ખોરડાં નવાં ચણાવશું અને નવા દાણાં ઘરમાં ભરશું. તે સ્વામિનારાયણે અમારાં પાપ તો મૂકાવ્યાં પણ અમારાં ખોરડાનાં પણ પાપ મૂકાવ્યાં. માટે સ્વામિનારાયણ તો ભગવાન છે.” ॥૨૮૫॥
એક વખત વીરો પટેલ સીમમાંથી ઘેર આવતા હતા અને કાઠી સૌ ચોરે બેઠા હતા. એટલે કાઠીઓએ વીરા ભગતની મશ્કરી કરી જે, “વીરા ભગત! આજ એક ગઢવો ગઢડેથી આવ્યો છે. તે સમાચાર લાવ્યો છે કે, સ્વામિનારાયણ તો ત્રણ બાઈડીઓ લઈને ભાગી ગયા છે.” ત્યારે વીરો પટેલ કહે જે, “ત્રણ જ?” ત્યારે કાઠી કહે કે, “કેટલીક લઈ જાય?” ત્યારે વીરો પટેલ કહે, “સોળ હજાર એકસો ને આઠ. એટલી લઈ જાય ત્યાં સુધી તો શ્રીકૃષ્ણ ભગવાન કહેવાય અને તેથી વધારે લઈ જાય તો તે થકી મોટા જાણવા.” તે સાંભળી કાઠી બોલ્યા જે, “વોય માળો વીરો કોઈ વાત સાચી માનતો નથી.” વીરો પટેલ કહે, “સાચી હોય તો માનું ને.” ॥૨૮૬॥
એક વખતે તે ગામમાં એક બાવો આવ્યો હતો અને ગામને ચોરે ઉંચા પગ બાંધીને ઉંધે માથે તપ કરતો હતો. તેને જોવા સારુ ગામના સૌ લોક ભેળાં થયાં હતાં. તે સમે વીરો ભગત ક્યાંઈકથી ત્યાં આવી ચડ્યા. ત્યારે કાઠીએ કહ્યું જે, “વીરા ભગત! આ બાવાને તમે કેવો મોટો જાણો છો?” વીરો ભગત કહે, “ભાઈ! બહુ મોટા.” કાઠી બોલ્યા જે, “ના, તમે જેવું જાણતા હો તેવું કહો.” વીરો ભગત કહે કે, “આ હેઠલો માળ છે તે હેઠે રાખ્યા જેવો છે અને ઉંધે માથે થયો એટલે હેઠેલો માળ ગળે આવ્યો. એવો મોટો. એટલે પુંઠ ને ગળું બેય સરખાં થયાં.” એવું કહીને પોતે ચાલ્યો ગયો પણ માથું નમ્યું નહીં. ॥૨૮૭॥
ગામ કુંડલામાં ચાંપો ખુમાણ કરીને કાઠી હરિભગત હતા અને તે શરીરે માંદા બહુ થયા હતા. પછી તેમના ભાઈ આલો ખુમાણ હતા. તેમને સૌએ કહ્યું જે, “ડાક્ટર બોલાવો ને ચાંપાભાઈની નાડી બતાવો.” ત્યારે ચાંપોભાઈ કહે, “મારે ડાક્ટરનું શું કામ છે? મારે તો સ્વામિનારાયણનું કામ છે.” તોપણ સૌ પરાણે પરાણે ડાક્ટરને લાવ્યા અને ખુરશી નાંખીને ત્યાં ચાંપાભાઈના ઢોલીયા પાસે બેસાર્યા. પછી આલો ખુમાણ બોલ્યા જે, “મોટાભાઈ! વૈદ આવ્યા છે. તે હાથ લાંબો કરો.” ત્યારે ચાંપોભાઈ કહે, “આ હાથ રઘુવીરજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામીના હાથમાં આપેલો છે. તે હાથ વૈદના હાથમાં હોય નહીં.” તે સાંભળી વૈદને રીસ ચડી તેથી તે જતાં જતાં ઓસરીની કોરેથી પગથીયું ચુકી ગયો ને એ ભોંયે પડી ગયો તેથી તેનું ઢીઢુ ભાંગી ગયું. તેથી ડોળી કરીને ઉપાડીને તેને ઘેર લઈ ગયા. ॥૨૮૮॥
ગામ વાંકીયામાં મોકોખાચર કરીને કાઠી હરિભક્ત હતા અને તેમને એવો નિયમ હતો જે, “પાંચસો માળા ફેરવાય ત્યારે નિયમ પુરું કહેવાય ને વચમાં બોલે તો આગળની ફેરવેલી માળા ખોટી થાય” એવો નિયમ હતો. પછી એક વખત તેઓ સાહેબ જોડે ઘોડે ચડીને સીમમાં ગયા હતા. ત્યાં રસ્તે જતાં એક જનાવર ઉડ્યું અને ઘોડી ભડકી તેથી પોતે ઘોડીયેથી પડી ગયા અને પગનો સાંધો ખડી ગયો. તે વખતે પોતે માળા ફેરવતા હતા. તે લાંકસાહેબ આવીને તેને બોલાવવા લાગ્યા, “મોકાખાચર! એ મોકાખાચર!” પણ મોકોખાચર કાંઈ જવાબ આપે નહીં. તેમની પચીસ માળા પુરી થઈ રહી, ત્યારે બોલ્યા જે, “મારો પગ ખડી ગયો છે. તે મારાથી ઘોડે બેસાશે નહીં.” લાંકસાહેબ કહે, “અત્યાર સુધી કેમ બોલ્યા નહીં?” ત્યારે મોકોખાચર કહે, “મારે પાંચસો માળા ફેરવ્યાનું નિયમ છે. તે પુરી થાય ત્યારે બોલાય અને જો બહુ દેશકાળ આવે તો પચીસ માળા પુરી થાય ત્યારે બોલાય. તે પ્રમાણે તેમને જવાબ આપ્યો.” તે સાંભળી તે ગામમાંથી ગાડું મંગાવીને તેમાં બેસાડીને ઘેર લઈ ગયા. ॥૨૮૯॥
ગામ શેલણા ભામોદરાના ઓઘડ ખુમાણ તથા વાજસુર ખુમાણ કરીને સત્સંગી કાઠી હતા. અને તેણે એમ સાંભળ્યું હતું કે, “ગઢડામાં એભલખાચરની દીકરીઓ દેવીનો અવતાર છે.” માટે આપણે તેમને દર્શને જવું. પછી ઓઘડ ખુમાણ તથા વાજસુર ખુમાણ તથા રામ ખુમાણ; એ ત્રણે જણા ગઢપુર આવ્યા અને દાદાખાચરના દરબારમાં ઉતર્યા. ત્યાં તેની બહુ આગતા સ્વાગતા કરી અને સારી રીતે પરોણાગત કરીને જમાડ્યા. પછી ત્રણે જણાએ દાદાખાચરને કહ્યું જે, “અમારે મોટીબાનાં તથા લાડુબાનાં દર્શન કરવાં છે.” દાદાખાચર કહે, “બહુ સારું. પણ તેઓ કોઈની સાથે બોલતાં નથી.” પછી વાસુદેવનારાયણને ઓરડે આવ્યા અને ત્રણ ચાકળા નાંખ્યા. તે ઉપર ત્રણે જણા બેઠા અને દાદાખાચર ઓરડાના ઉંબરામાં બેઠા. પછી ઓઘડ ખુમાણ બોલ્યા જે, “દાદા! બાને કહો જે, ઓઘડ ખુમાણ, તથા વાજસુર ખુમાણ નારાયણ કહે છે.” પછી મોટીબા ઓરડામાંથી બોલ્યાં જે, “દાદા! ભાઈને કહો કે, ‘જે સ્વામિનારાયણ.’” તે સાંભળી ત્રણેનાં સંકલ્પ બંધ થઈ ગયા. ત્યારે તેમના મનમાં એમ થયું જે આ તો સાક્ષાત્ લક્ષ્મીજી તથા રાધીકાજી જેવાં છે. પછી ત્રણે જણા ફળીમાં લીંબડા નીચે આવીને દંડવત કરીને પગે લાગ્યા અને બીજે દિવસે પોતાને ઘેર ગયા. પછી યોગાનંદ સ્વામીના સમાગમથી દૃઢ સત્સંગ થયો અને પછી ત્રણે જણા એક વખત ભાવનગર ગયા હતા. ત્યારે ત્યાંના રાજા વજેસિંહજી સાથે તેમને ઘણો સ્નેહ હતો. પછી વજેસિંહજી દરબારે તે વખતે દારૂના શીશા લાવીને પાવા મંડ્યા. ત્યારે તે ત્રણે જણે તરવારો ઉઘાડી કરીને આગળ મૂકી. ત્યારે દરબાર કહે, “આમ કેમ?” ત્યારે ત્રણે જણા બોલ્યા જે, “આ ત્રણેનાં માથાં હેઠાં પડે ત્યારે આ દારુ મોંઢામાં જાય કેમ કે અમે સત્સંગી થયા છીએ.” તે સાંભળી દરબારે આગ્રહ પડ્યો મેલ્યો, કેમ જે વજેસિંહ દરબારને સત્સંગનો ગુણ હતો. ॥૨૯૦॥
ગામ વીકળીયાનો પટેલ અરજણ કરીને કણબી હરિભગત હતો અને તેને સાધુએ વર્તમાન ધરાવ્યાં હતાં. તે સાધુ કાળને યોગે કરીને સત્સંગમાંથી બહાર નીકળી બંડીયા ખાતામાં ભળ્યા હતા. પછી તે બેય સાધુ ગામ વીકળીયે આવ્યા. તે વખતે પટેલ અરજણ ખળામાં દાણાનો પગર સમો કરતા હતા. તેને પહેલાંથી ખબર થઈ હતી કે, “મને વર્તમાન ધરાવનાર સંત બંડીયામાં ભળી ગયા છે.” પછી તે બે સાધુને છેટેથી ભાળીને પોતે હાથમાં ખપાળી લીધી ને બોલ્યો જે, “આંહીં જો આવ્યા તો માથું ભાંગી નાંખીશ.” ત્યારે સાધુ બોલ્યા જે, “અમારે તમને એક વાત કહેવી છે અને ભગવાન પ્રગટ થયા છે.” ત્યારે ભગત કહે, “અમારા સ્વામિનારાયણ ભગવાન કહી ગયા છે કે, પોતે વર્તમાન ધરાવનારો આવીને કહે જે, ‘સ્વામિનારાયણ ભગવાન નથી, તો તેને કહેવું જે, તારું માથું ફર્યું છે.’ પણ સ્વામિનારાયણ તો ભગવાન છે.” એમ કહીને તેને કાઢી મેલ્યા. ॥૨૯૧॥
ગામ ચમારડીમાં દેવો કોશીયો કરીને કણબી હરિભક્ત હતો. અને પ્રથમ તે માધવગરનો ચેલો હતો. પછી માધવગરને ખબર પડી જે, “દેવો સ્વામિનારાયણનો ભગત થયો છે.” માટે તેની કંઠી તોડાવીએ. પછી માધવગરનો શિષ્ય સચ્ચિદાનંદ કરી સાધુ હતો. તેને કહ્યું જે, “તું દેવાની કંઠી તોડાવ્ય.” પછી તેણે ચમારડી આવીને દેવાને ઘરે ઉતારો કર્યો અને દેવાને વાતો કરવા લાગ્યો. એમ રાતના બાર વાગ્યા ત્યારે સચ્ચિદાનંદ બોલ્યો જે, “દેવા! હવે કંઠી તોડ્ય.” ત્યારે દેવો કહે, “સ્વામિનારાયણ ભગવાન અને રઘુવીરજી મહારાજ મારા ગુરુ.” પછી રાતના ચાર વાગ્યા સુધી વાતો કરીને બીજી વાર કહ્યું જે, “દેવા! કંઠી તોડ્ય.” ત્યારે પણ દેવા ભગતે કહ્યું જે, “સ્વામિનારાયણ ભગવાન અને રઘુવીરજી મહારાજ મારા ગુરુ.” એવું સાંભળીને ઉદાસ થઈને સચ્ચિદાનંદ ચાલ્યો ગયો. પણ દેવા ભક્તે કંઠી ન તોડી તેનું નામ સત્સંગ કહેવાય. ॥૨૯૨॥
ગામ મુળધરાઈમાં કાનજી તથા સુંદરજી કરીને બે ભાઈ વાણીયા હતા અને તે પ્રથમ રાજ્યકાર્ય કરતા હતા પણ પોતાને સત્સંગ નહોતો. પછી તે બંને ભાઈ ગઢપુર આવ્યા અને રઘુવીરજી મહારાજ તથા સદ્ગુરુ સિદ્ધાનંદ સ્વામી તથા સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની વાતો સાંભળીને તેઓ થોડાક દિવસ ગઢપુરમાં રહીને ઘેર જવાને તૈયાર થયા અને તેમને જવાને થોડીક વાર હતી તે વખતે કોઠારી ભક્તિવલ્લભદાસજીને દર્શને ગયા. પછી કોઠારીએ તેમને પોતાને આસને બેસારીને વ્યવહારિક વાત કરી જે, “તમે રઘુવીરજી મહારાજને હાથે વર્તમાન ધરાવ્યાં એ બહુ સારું કર્યું પણ અમૃત જેવું ભોજન જમ્યા હોઈએ ને એક માંખીનો ટાંગો આવ્યો હોય તો છઠ્ઠીનું ધાવણ નીકળી જાય. માટે તમે સત્સંગરુપી અમૃતનું પાન કર્યું છે તે હવે માંખીઓથી જાળવજો.” પછી તેઓ રોટલા જમીને સાબદા થઈને ઘરે ગયા. તે વખતે ગામ પછેગામના પ્રશ્નોરાઓને ખબર પડી જે, “કાનજીભાઈ તથા સુંદરજીભાઈ ગઢડે જઈને સત્સંગી થઈને ઘેર આવ્યા છે. તો આપણે તેની કંઠી તોડાવી નાંખીએ તો ઠીક.” પછી વીશ પ્રશ્નોરા પછેગામથી સવારમાં મુળધરાઈ આવ્યા. તે વખતે તે કાનજીભાઈ તથા સુંદરજીભાઈ બન્ને જણા પોતાની દુકાને બેઠા બેઠા દાંતણ કરતા હતા અને વીશે પ્રશ્નોરા તેમની દુકાને આવીને ઉભા રહ્યા. તે જોઈ કાનજીશેઠ બોલ્યા જે, “ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી. આપણે ગઢપુર જઈને તીરથ કરી આવ્યા અને આપણે ઘેર વીશ બ્રહ્મદેવ પધાર્યા. માટે આપણા પુણ્યનો પાર નહિ.” અને પોતાના માણસને કહ્યું જે, “વખારે જઈને જગા વળાવી સાફ કરીને પાણી ભરાવીને પંદર શેર ઘી વિગેરે સીધાનો સામાન તૈયાર કરાવો અને શુદ્ધ પાણી ભરાવો.” તે સાંભળી પ્રશ્નોરા બોલ્યા જે, “કાનજીશેઠ! શું બોલો છો? એ તો આ કંઠીઓ ડોકમાંથી તૂટીને જ્યારે બજારમાં હેઠી પડશે ત્યારે રોટલા જમીશું.” કાનજી શેઠ કહે, “એમ થાય? અમે શું ભુંડું કર્યું છે?” બ્રાહ્મણ કહે, “તમે ભુઠું કર્યું એવું તો કોઈ કરે નહીં.” કાનજીશેઠ કહે, “વાતો તો ઘણી સાંભળી હતી પણ ચાલતી વખતે કોઠારી ભક્તિવલ્લભદાસજીએ જે વાત કરી છે જે, અમૃત જેવું ભોજન જમ્યા હોઈએ અને તેમાં માંખીનો ટાંગો એક આવે તો ઝેરરૂપ થાય. માટે આ લોકો માંખીના ટાંગારૂપ છે.” પછી તેનો ચાકર જાફરીઓ કરીને મુસલમાન હતો, તેને કહ્યું જે, “ક્યાં ગયો જાફરીયો? જા, આ પ્રશ્નોરાને પછેગામનો મારગ બતાવી આવ્ય અને કંઠી તો માથા સાટે છે તે કંઠીઓ તુટે તેમ નથી.” પછી તે વીશે જણા હાથ ખંખેરીને ચાલ્યા ગયા પણ તેમણે કંઠી તોડી નહીં ને ખરેખરા સત્સંગી થયા ને દેવની સેવા ગઢપુરમાં સારી કરી. ॥૨૯૩॥
ગામ ખોપાળામાં જેઠો માણીયો કરીને હરિભગત હતો અને તે ચોરે ડાયરામાં બેઠો હતો. ત્યાં એક મોટો સર્પ નીકળ્યો. તે જોઈને સૌ માણસો ઉઠી ઉઠીને ભાગી ગયા. ત્યારે જેઠો ભગત બોલ્યા જે, “શા માટે ભાગો છો? કરડવું કાંઈ તેના હાથમાં નથી. કરડવું તો સ્વામિનારાયણના હાથમાં છે.” એમ કહીને પોતે બેસી રહ્યો. પછી સર્પ તેના ખંભા ઉપરથી પગ ઉપર ચડ્યો. તે વખતે જેઠો ભગત ઉઘાડે શરીરે બેઠો હતો. એટલે સર્પ તેની ડુંટીમાં બે ત્રણ માથાં મારીને ચાલ્યો ગયો પણ જેઠા ભગતે પગ પણ ઊંચો કર્યો નહીં. તે જોઈને સૌ લોક જેઠા ભગતને પગે લાગ્યા ને વખાણ કર્યાં જે, “તું સ્વામિનારાયણનો ભક્ત ખરો.” ॥૨૯૪॥
એક વખત સાધુ ગઢપુરથી ખોપાળે ફરવા ગયા હતા અને જેઠો માણીયો ઘેર પોતાની ઘરવાળીને કહેતો ગયો જે, “સાધુને માટે બોઘરણું ભરીને દૂધ મોકલજે.” પણ ઘરવાળી બહુ લોભી હતી. તેથી છાશનું બોઘરણું ભરીને મોકલ્યું. પછી જેઠો માણીયો સીમમાંથી બપોરે પરબારા મંદિરમાં આવ્યા અને સાધુને પગે લાગીને બેઠા. પછી જેઠા ભગતે સાધુને પૂછ્યું જે, “સ્વામી! આપણે ઘરેથી કાંઈ આવ્યું હતું?” સાધુ કહે, “હા, જાડી રેડ જેવી છાશનું બોઘરણું ભરીને આવ્યું હતું. તેની કઢી કરીને ઠાકોરજીને જમાડ્યા અને અમે પણ જમ્યા.” તે સાંભળી જેઠો ભગત ઘેર ગયા અને ઘેરથી બે પાડીયું છોડીને પોતે ચાલ્યા. તે ગઢપુરને માર્ગે ભેંશો ચરતી હતી. તેને પણ લઈને પછી ત્યાંથી ગઢડે આવીને મંદિરમાં બાંધી ગયા અને પાછા ખોપાળે જઈને મંદિરમાં સાધુ પાસે જઈને બેઠા. પછી સાંજ વખત થઈ તો પણ ભેંશો ઘેર આવી નહીં ત્યારે તેની ઘરવાળી મંદિરની ખડકીએ આવીને બૂમ પાડવા માંડી અને ભગવાન સોનીને બોલાવ્યા જે, “તારા કાકાને કહે જે, ભેંશો ઘરે આવી નથી અને પાડીયુંને ક્યાં મેલી આવ્યા છો?” ભગવાન સોનીએ જેઠા ભગતને પૂછ્યું જે, “મારી કાકી પુછે છે જે, પાડીયો ક્યાં મેલી આવ્યા? અને ભેંશો પણ આવી નથી.” તે સાંભળીને જેઠા ભગતે કહ્યું જે, “જા જઈને કહે જે, જેની હતી તેને આપી આવ્યો. હું ખેતર હતો ત્યાં ગોપીનાથજી મહારાજ આવીને કહી ગયા જે, મેં તને ભેંશો આપી છે તે જ્યારે સાધુ આવે ત્યારે સાધુ દૂધ ખાય અને જ્યારે સાધુ ન હોય ત્યારે તારાં છોકરાં દૂધ ખાય. માટે જા જઈને કહે જે, ગોપીનાથજીએ મંગાવી લીધી અને બોઘરણું લઈને સવારે છાશ માંગવા તૈયાર થાજે નીકર છોકરાં છાશ વગરનાં રહેશે. ગોકળ ગાબાણીને ત્યાં દુઝાણું છે ત્યાંથી છાશ લાવજે.” એમ કહેવરાવી દીધું પણ પોતે બહાર નિસર્યા નહીં. ॥૨૯૫॥
એક વખત સદ્ગુરુ આનંદાનંદ સ્વામી ખોપાળે પધાર્યા હતા અને ઉનાળાનો વખત હતો. પછી સ્વામીએ જેઠા ભગતને કહ્યું જે, “જેઠા! ઉનાળો છે ને ઉકળાટ બહુ થાય છે માટે ક્યાંકથી પવન આવે એવું થાય તો ઠીક.” ત્યારે જેઠો ભગત કહે, “સ્વામી! તમે નાહવા પધારો એટલે પવન આવે એમ કરું.” પછી સ્વામી નાહવા પધીર્યા અને જેઠા ભગતે મંદિરની પછીત પછવાડે બાંકું પાડ્યું. પછી સ્વામી સ્નાન કરીને આવ્યા અને જોયું ત્યારે જેઠા ભગતને પૂછ્યું જે, “ભગત! આ શું કર્યું?” ભગત કહે કે, “સ્વામી! બાંકું પાડ્યું ને તમે કહેતા હતા જે પવન આવે તેવું કરો. માટે તમો રહો ત્યાં સુધી રાખશું અને પછી પુરી દેશું.” એવા શૂરવીર હતા. ॥૨૯૬॥
ગામ કારીયાણીમાં જોઈતોખાચર કરીને વસ્તાખાચરના દીકરા હતા અને પોતે શ્રીજીમહારાજનાં દર્શન જે જે સ્થળે કરેલ તે સર્વ સ્થળે સવારમાં ઉઠીને જઈને પ્રાર્થના કરતા. અને દિવસના બાર વાગે ત્યારે પોતે રોટલા જમતા ને નવરા થાતા એવા સત્સંગી પોતે હતા. પછી તે ગામમાં એક વખત ભવાયા રમવા આવ્યા હતા. પછી સૌ તરગાળા દરબાર પાસે આવ્યા. એટલે દરબારને કહ્યું જે, “બાપુ! તમે રમત જોવા પધારો તો અમારે શીખ સારી થાય.” ત્યારે દરબાર કહે, “હું તો સત્સંગી છું તે કોઈ દિવસ જોવા જતો નથી ને જોવાય નહીં.” તો પણ ભવાયા જોરાવરીએ ખાટલો ઉપાડીને લઈ ગયા અને દરબાર બે ઘડી બેસીને તુરત ઘરે આવતા રહ્યા. તે ખબર ત્યાં સાધુ રહેતા હતા તેમના જાણવામાં આવી જે, “આજ રાતે જોઈતોખાચર ભવાયા જોવા ગયા હતા.” પછી તે સવારે મંદિરમાં દર્શને આવ્યા ત્યારે હરિસેવાદાસ કરીને સાધુ હતા. તેમણે જોઈતાખાચરને ડોકે ઝાલીને મંદિર બહાર કાઢ્યા જે, “તમે સત્સંગી થઈને ભવાયા કેમ જોયા?” પછી જોઈતાખાચરે પોતાના પગમાંથી મોજડી કાઢી ને મોંઢામાં લીધી અને સાધુને કહ્યું જે, “બા! હું તો તમારો કુતરો છું પણ મારાથી મંદિર આવ્યા સિવાય અનાજ લેવાશે નહીં.” પછી તે સાધુ ઘણા શરમાઈ ગયા અને મંદિરના અધિકારીએ તે સાધુની બદલી કરાવી નાંખી. ॥૨૯૭॥
ગામ કઠલાલમાં શ્રીજીમહારાજ પધાર્યા હતા. ત્યાં લક્ષ્મીબા કરીને બ્રાહ્મણ હતાં. તે સત્સંગી બહુ સારાં હતાં પણ ગામમાં કોઈ સત્સંગી નહોતું અને શ્રીજીમહારાજ ગામ કઠલાલ પધાર્યા. પછી તે બાઈ પાણીનું બોઘરણું ભરીને મહારાજ પાસે ગયાં અને મહારાજને કહ્યું જે, “મહારાજ! આ પાણીમાં ચરણારવિંદ બોળી દ્યો. મારે એ પાણીને કુવામાં નાંખવું છે. મારું પીટ્યું ગામ બધું કુસંગી છે તે સત્સંગી થાય.” પછી મહારાજે ચરણારવિંદ બોળી આપ્યું તે જળ લઈને બાઈએ કુવામાં નાંખ્યું તેથી આખું ગામ સત્સંગી થયું. એવું સત્સંગનું બળ બાઈને હતું. ॥૨૯૮॥
ગામ ગાધકડામાં ગોવિંદ કરીને એક દરજી હરિભક્ત હતો. પછી સૌ વાતુ કરે જે, “કલ્યાણ કેમ થાય?” ત્યારે ગોવિંદ મેરાઈ કહે, “મારું સીવેલું લુગડું જે પહેરશે અને મારા ગોળાનું પાણી જે પીશે તેનું કલ્યાણ થાશે. માટે કલ્યાણ કલ્યાણ શું કરો છો?” એવો પોતાને સ્વામિનારાયણનો નિશ્ચય હતો. ॥૨૯૯॥
ગામ ધાણલામાં મુળી ડોશી કરીને કુંભાર હરિભગત હતી. તેને અંત સમો થયો એટલે શ્રીજીમહારાજ તેને તેડવા પધાર્યા. ત્યારે બાઈએ સૌને કહ્યું જે, “મને મહારાજ તેડવા આવ્યા છે ને તેમની સાથે હું ધામમાં જાઉં છું.” તે વખતે તેમનો પતિ ભગોભગત હાથ જોડીને બોલ્યો જે, “તું તો ધામમાં ચાલી પણ મને કાંઈ કહેને.” બાઈ કહે, “તમને શું કહેવું છે? મારું ભરેલું પાણી અને મારા ઘડેલા રોટલા જેણે ખાધા હશે તેનું કલ્યાણ થાશે અને તમે તો મારા પતિ છો તે તમારા કલ્યાણમાં શું વાંધો છે?” તે બાઈને આવું નિશ્ચયનું બળ હતું. ॥૩૦૦॥
ગામ જેતપુરમાં રામબાઈ કરીને બ્રાહ્મણી હતાં. તે પોતે મહાભક્તરાજ હતાં અને પૂર્વના સંસ્કારી બહુ હતાં અને પોતે સાસરે ગયાં એટલે સાસરાના પક્ષનાં બધાં કુસંગી હતાં. તેથી બાઈને સત્સંગ મેલાવવાને માટે ઘણો દુરાગ્રહ કર્યો પણ બાઈએ સત્સંગ મૂક્યો નહીં અને રાત્રીયે સુવે ત્યારે તેનો પતિ તેની છાતી ઉપર ખાટલાનો પાયો મૂકીને ઉપર સુતો. પછી તે બાઈ દુઃખથી બહુ કંટાળી ગયાં અને ઉપવાસ કરવા મંડ્યાં. તે વારે શ્રીજીમહારાજે તેને દર્શન દઈને કહ્યું જે, “તું કાંઈ ચિંતા રાખીશ. નહીં.” પછી ચોમાસાનો વખત હતો અને ભાદર નદીનું પુર બે કાંઠામાં હતું. પછી બાઈ લુગડાં ધોવાનું મિશ લઈ માથે લુગડાંની પોટલી મેલીને નદીએ આવ્યાં અને શ્રીજીમહારાજ બ્રાહ્મણને વેશે કરીને તે બાઈને તેડવા આવ્યા હતા. પછી તે બાઈ લુગડાંની પોટલી સોતાં ભાદર નદીમાં પડીને સામે કાંઠે ગયાં પણ એકે વસ્ત્ર પલળ્યું નહીં અને ગઢપુર આવીને સાંખ્યયોગી થઈને રહ્યાં. એવાં ખપવાળાં હતાં. ॥૩૦૧॥
ગામ ઝીંઝાવદરમાં રામબાઈ કરીને સથવારાં બાઈ હરિભગત હતાં અને તે અલૈયાખાચર ભેગાં રહેતાં. પછી તે બાઈનો લગ્નસમય થયો ત્યારે સર્વેએ કહ્યું જે, “રામબાઈનાં લગ્ન કરવાં છે.” ત્યારે રામબાઈ કહે, “મારે લગ્ન કરવાં નથી.” ત્યારે અલૈયોખાચર કહે, “એમ થાય નહીં, લગ્ન કરવાં જોઈએ.” રામબાઈ કહે કે, “તમે કેમ લગ્ન કર્યા નથી? અને મને કહો છો.” અલૈયાખાચર કહે, “આપણે મહારાજને કાગળ લખીએ અને મહારાજ કહે તેમ કરીએ.” પછી કાગળ લખીને ગઢપુર માણસ મોકલ્યું. ત્યારે મહારાજે કહેવરાવ્યું જે, “પરણીને પ્રભુ ભજવા.” ત્યારે અલૈયાખાચરે કહ્યું જે, “રામબાઈ! પરણીને પ્રભુ ભજવા એવો મહારાજનો કાગળ છે.” પછી તેનું લગ્ન ગામ ખસમાં કર્યું અને ત્યાંથી જાન ઝીંઝાવદર આવી. પછી ફેરા કરતી વખતે સૌએ વરને હાથગરણું કર્યું. ત્યારે રામબાઈએ પોતાના કાનમાંથી અંકોટા કાઢ્યા અને હાથમાંથી બલોયાં કાઢ્યાં અને પોતાના પતિ આગળ મેલ્યાં અને સૌ સાંભળતાં બોલ્યાં જે, “લ્યો, ભાઈ! આ હું તમને હાથગરણું કરું છું.” સૌ કહેવા લાગ્યાં જે, “રામબાઈ! આ શું કર્યું?” ત્યારે રામબાઈ કહે જે, “એ મારો ભાઈ છે અને હું તેની બેન છું.” પછી જાન ઘરે ગઈ અને રામબાઈએ પ્રભુ ભજ્યા ને સો વરસનાં થઈને ગામ ચાડામાં દેહ મેલ્યો. ॥૩૦૨॥
ગામ નાગનેશમાં અમરતભાઈ કરીને એક બ્રાહ્મણી હતાં અને તેમના સાસરામાં કુસંગ બહુ હતો. પછી તે બાઈને બહુ દુઃખ આપતાં. પછી શ્રીજીમહારાજ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને રાતના બાર વાગે તે બાઈ પાસે આવ્યા અને ઘરનાં કોઈ માણસ ન જાણે તેમ શ્રીજીમહારાજ આગળ અને બાઈ શ્વેત વસ્ત્ર પહેરીને પાછળ ચાલી અને ગામને દરવાજે આવ્યાં. ત્યારે દરવાજાના કમાડની બારી એની મેળે ઉઘડી ગઈ ને તે દરવાણીએ દીઠું અને પાછી બારી તેની મેળે પ્રથમ હતી તેવી રીતે વસાઈ ગઈ. પછી તેમનાં સાસરીયાં તે બાઈને ગોતવા નીકળ્યાં અને દરવાજે આવીને દરવાણીને પૂછ્યું જે, “આંહીથી કોઈ બાઈ નીકળી છે?” ત્યારે દરવાણી કહે, “શ્વેત વસ્ત્ર પહેરીને એક પુરુષ હતો અને તેની પાછળ એક બાઈ હતી. તે બન્ને જણ બારીએથી નીકળી ગયાં ને બારી એની મેળે ઉઘડી ગઈ અને વળી એની મેળે વસાઈ ગઈ તે મેં નજરે ભાળ્યું.” પછી સૌ ઘરે ગયાં અને બાઈએ સ્વામિનારાયણનું ભજન કર્યું. ॥૩૦૩॥
એક વખત શ્રીજીમહારાજ પછમ પધાર્યા હતા અને ત્યાં કમીયાળા વચ્ચે તથા પછમ વચ્ચે તલાવડી છે ત્યાં મહારાજ સભા કરીને વિરાજમાન હતા. તે વખતે કમીયાળાથી મોડભાઈ તથા તેમનાં માતુશ્રી તથા તેમની બેન જીજીબા દર્શને આવ્યાં હતાં. પછી તે મહારાજને પગે લાગીને સભામાં બેઠાં. પછી મહારાજે વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી! તમારી રામબાઈએ ઘર મેલ્યું, ત્યારે આલ્યાં જીજીબા જેવડાં હતા?” ત્યારે સ્વામી કહે, “મારી રામબાઈએ ઘર મેલ્યું ત્યારે નવ વરસની ઉંમર હતી.” તે સાંભળી જીજીબા બોલ્યાં જે, “મા મા! સંસાર હરામ છે.” તે સાંભળી તેની મા કહે કે, “એવું બોલ્ય માં.” ત્યારે જીજીબા કહે કે, “જોવો, મહારાજે મારા સામી આંગળી કરીને વાત કરી.” પછી તેણે જીવન પર્યંત બ્રહ્મચર્યવ્રત પાળીને સાંખ્યયોગી રહીને પ્રભુ ભજિયા પણ સંસાર કર્યો નહીં. ॥૩૦૪॥
ગામ ઉદેપુરમાં રાજાની રાણી ઝમકુબાઈ કરીને હતાં અને તેઓ બાળપણથી સત્સંગી હતાં. પછી તેમનાં પતિ રાણાએ સત્સંગ મેલાવવાને માટે ઘણો જ આગ્રહ કર્યો તથા અભક્ષ વસ્તુ ખવરાવવાને માટે નિરંતર તે દુઃખ દેતો હતો. પછી બાઈનાં મનમાં એમ થયું જે, “આનાં કરતાં દેહ પાડવો તે સારુ.” તેથી તેણે રાત્રે ત્રીજે માળથી પોતાનું શરીર પડતું મેલ્યું. શ્રીજીમહારાજે તેમને અધરથી ઝીલી લીધાં. પછી મહારાજ તે વખતે બ્રાહ્મણનું સ્વરુપ ધારણ કરીને આગળ ચાલ્યા અને બાઈ પાછળ ચાલ્યાં તે વખતે ગઢના દરવાજા એની મેળે ઉઘડી ગયા. પછી બાઈ રસ્તે જતાં હતાં ત્યાં વણઝારાની પોઠ ચાલી જતી હતી તે આગળ જતાં એક મરેલ ઉંટના હાડકાનું ખોખું પડ્યું હતું. તેમાં બાઈ સંતાઈ ગયાં અને મહેલમાં તપાસ કરતાં બાઈ ક્યાંઈ માલમ પડ્યાં નહીં એટલે રાણી ક્યાં ગયાં તેમની શોધ કરવા ચારે કોરે સ્વારો દોડાવ્યા આવ્યા પણ ક્યાંઈ પતો મળ્યો નહીં. પછી ત્રીજે દિવસે તે ખોખાંમાંથી નીકળીને ચાલી નીકળ્યાં અને રસ્તે જતા એક મોટી નદી આવી. તેમાં શ્રીજીમહારાજ બ્રાહ્મણનું સ્વરુપ ધારણ કરીને આવ્યા અને બાઈને કહ્યું જે, “તમે ઘણાં દિવસનાં થાકેલાં છો અને અપવિત્ર જગ્યામાં રહ્યાં છો માટે આ નદીમાં સ્નાન કરો અને શુદ્ધ થાઓ.” પછી બાઈ તે નદીમાં લુગડાં ધોઈને સ્નાન કરીને બેઠાં. ત્યારે મહારાજ કહે, “તમારે ચાર ઉપવાસ થયા છે તો આ લ્યો મારી પાસે ચોખ્ખી સુખડી છે તે જમો.” પછી જમીને પાણી પીધું ત્યારે મહારાજ બોલ્યા જે, “તમારે ત્રણ ચાર રાતનો ઉજાગરો છે માટે સુઈ જાઓ. તમારાં લૂગડાં હું સાચવું છું.” પછી બાઈને ઊંઘ આવી ગઈ અને શ્રીજીમહારાજે બાઈને કારીયાણીના ઝાંપામાં વડ છે ત્યાં લાવીને મેલ્યાં. પછી મહારાજે બાઈને કહ્યું જે, “બાઈ! આ ગામમાં સ્વામિનારાયણ છે, ત્યાં તમે જાઓ.” પછી બાઈ વસ્તાખાચરના દરબારમાં ગયાં અને ત્યાં મહારાજનાં દર્શન કર્યાં. પછી મહારાજે તેમને ગઢડે મોકલ્યાં. ત્યાં બાઈ દરબારમાં નિરંતર વાળતાં અને શ્રીજીમહારાજ સારુ ઘેલામાંથી નિરંતર પાણી ભરી લાવતાં. પછી એક વખતે મહારાજે મોટીબાને કહ્યું જે, “મોટીબા! આ દરબાર નિત્યે કોણ વાળે છે?” ત્યારે મોટીબા કહે કે, “કોઈક ગુજરાતી બાઈ છે, તે વાળે છે.” ત્યારે મહારાજ કહે, “ગુજરાતી બાઈ નથી. એ તો ઉદેપુરના રાણાનાં રાણી છે અને તેની પાછળ તો હજી ગોતવાને માટે વોરંટ ફરે છે.” પછી તે વખતે ભૂજથી લાધીબાઈ મહારાજને દર્શને આવ્યાં હતાં. તેમને મહારાજે કહ્યું જે, “લાધીબાઈ! આમને તમારી સાથે ભૂજ તેડી જાઓ અને તેમનું નામ માતાજી કહેજો.” પછી તેમને ભૂજ તેડી ગયાં અને બન્ને જણાં એક ઓરડીમાં બેસીને ધ્યાન કરતાં અને શ્રીજીમહારાજ હમેશાં તેમને દર્શન આપતા અને પછી તે બન્ને એક દિવસે સાથે દેહ મેલીને એક ચેહમાં બળ્યાં ને અક્ષરધામમાં ગયાં. એવી રીતે મહારાજે તેમની પ્રતિજ્ઞા રાખી. ॥૩૦૫॥
ગામ કુંડળમાં રાઈબાઈ કરીને કાઠી હતાં અને તેમને મામૈયો પટગર કરીને દીકરો હતો અને શ્રીજીમહારાજે ભાદરેથી પત્ર લખ્યો હતો જે, “સૌ હરિજનો ભગવાં વસ્ત્ર પહેરીને કાશીની જાત્રાએ જાજો.” તે પ્રમાણે તે સંત ભેગા મામૈયો પટગર પણ હતા. તે સૌ મળીને જેતલપુર ગયા અને ત્યાં રામદાસભાઈને મળ્યા પછી રામદાસભાઈએ આગ્રહ કરીને કહ્યું જે, “તમે સૌ મળીને પાછા ભુજ જાઓ.” પછી ભૂજને રસ્તે જતાં મામૈયા પટગર પાછા વળીને ઘેર આવ્યા અને ગામને પાદર આવીને કોઈક માણસ પાસે કહેવરાવ્યું જે, “રાઈને કહો જે મામૈયો આવ્યો છે.” પછી તે માણસે જઈને રાઈબાઈને કહ્યું જે, “મામૈયો ગામને પાદર આવેલ છે.” ત્યારે રાઈબાઈ કહે જે, “પૂછી આવ જે, મહારાજની રજા લઈને આવ્યો છે કે રજા વગર આવ્યો છે? જો રજા લઈને આવ્યો હોય તો આવ્ય અને રજા વગર આવ્યો હોય તો તારું મારે કામ નથી.” ત્યારે મામૈયે કહ્યું જે, “રજા વગર આવ્યો છું.” પછી તે માણસે જઈને તે પ્રમાણે રાઈબાઈને સમાચાર આપ્યા ત્યારે રાઈબાઈએ તેમના બીજા પુત્ર હાથિયાને કહ્યું જે, “તું બાંધ્ય ઢાલ તરવાર અને હું લઉં સાંબેલું પીટ્યો આવશે તો દરબાર બગાડશે.” પછી મામૈયો ભાગીને તુરખા ગામમાં છ મહીના રહ્યો અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કુંડળ રાઈબાઈને સમજાવવા મોકલ્યા. તેથી સમજ્યાં તે પછી મામૈયાને કુંડળ આવવા દીધો. ॥૩૦૬॥
ગામ કારીયાણીમાં વસ્તાખાચરના ઘરનાં સીતાબાઈ કરીને હતાં. તે એક વખત ચોમાસામાં વરસાદની હેલી બહુ થઈ હતી. તે સમે શ્રીજીમહારાજ ગામ સારંગપુરમાં ગયા હતા. અને કારીયાણીમાં સીતાબાઈ ઢોલીયો પાથરીને કીનખાબનો ઓછાડ ઓછાડીને બહુ જ દિલગીર થયાં. ત્યારે વસ્તો ખાચર બોલ્યા જે, “તમે શા માટે દિલગીર થાઓ છો?” ત્યારે સીતાબાઈ બોલ્યા જે, “આવા અનરાધાર વરસાદમાં મહારાજ ક્યાં કોકના કુબામાં સંકોડાઈને બેઠા હશે?” ત્યારે વસ્તોખાચર કહે કે, “જેનાં ભાગ્યમાં હશે તેને ઘેર હશે.” તે વખતે શ્રીજીમહારાજ સારંગપુરમાં વાળુ કરવા ઉઠ્યા હતા ને મહારાજ બોલ્યા જે, “જય સચ્ચિદાનંદ. અમારે અત્યારે કારીયાણી જાવું છે.” ત્યારે જીવાખાચર વગેરે સૌ કહેવા લાગ્યા જે, “મહારાજ! આવો વરસાદ પડે છે ને અંધારી રાત છે. આગળ બે ત્રણ નદીઓ છે માટે શી રીતે જવાશે?” મહારાજ કહે, “ગમે તેમ હોય પણ અમારે અત્યારે કારીયાણી જાવું છે.” પછી મહારાજ ચાલ્યા તેમની પાછળ માતરો ધાધલ ચાલ્યા અને ગામને ઝાંપે ગયા ત્યાં તો કેડ કેડ સામું પાણી હતું. પછી મહારાજ કહે કે, “માત્રા! તું મને નહીં પહોંચ્ય. મારો એક પગ સારંગપુરના ઝાંપામાં ને એક પગ કારીયાણીના ઝાંપામાં.” તે સાંભળી માતરો ધાધલ પાછા વળ્યા અને શ્રીજીમહારાજે કારીયાણીમાં જઈ અકસ્માત દર્શન આપ્યાં. તે જાણે તેજનો ગોળો આવ્યો હોય ને શું? તેવા જણાણા. તે જોઈ વસ્તાખાચર તથા સીતાબાઈ ઉભાં થઈને પગે લાગ્યાં અને મહારાજને કહે કે, “અહો! અહો! મહારાજ! આવા વરસાદમાં કોરે લુગડે ક્યાંથી પધાર્યા?” ત્યારે મહારાજ કહે, “તમે હમણાં કહેતાં નહોતાં જે, આવા હેલાના મહારાજ ક્યાં હશે? જે હું તમારે ઘેર નથી રહેતો?” એમ કહીને મહારાજે કહ્યું જે, “લાવો મને ભૂખ લાગી છે.” પછી સીતાબાઈ રસોઈ કરવા મંડ્યા. ત્યારે મહારાજ કહે, “મારે બપોરના રોટલા જોઈએ.” પછી કોઠલામાંથી રોટલો લાવીને મહારાજને દૂધ અને રોટલો જમાડ્યા. એમ પ્રેમીને વશ ભગવાન છે. ॥૩૦૭॥
એક વખત મહારાજ વરતાલ પધારતા હતા અને રસ્તામાં સૌએ ભાતાં ખાધાં હતાં અને મહારાજ જમ્યા નહીં અને મહારાજ સાથે મોટીબા તથા લાડુબા વિગેરે પાર્ષદ સૌ હતાં. પછી મોટીબાએ વિચાર કર્યો જે, “આપણે સૌ જમ્યાં પણ મહારાજ જમ્યા નથી માટે મહારાજને માટે ભાત રાંધું.” પછી પોતે કચરાનો ઘડો ફોડીને તેની ઠીબ કરીને તેમાં રેતી ભરીને તેમાં છાણાં ખડકી આઢ કરીને તેના ઉપર ભાત કર્યો અને માથે સઘડી લઈને ગાડાંની પાછળ પાછળ અણવાણે પગે ચાલ્યાં આવતાં હતાં. પછી ગામ વરસડાને પાદર આવ્યા ને મહારાજ ગાડાં ભેળાં થયા. પછી મહારાજે કહ્યું જે, “લાડુબા! મને ભૂખ લાગી છે.” લાડુબા કહે, “મોટીબા ગાડા ઉપરથી હેઠા ઉતરી ગયાં છે માટે તેમને આવવા દ્યો.” એમ વાત કરે છે ત્યાં મોટીબા આવ્યા ને મહારાજે કહ્યું જે, “મને ભૂખ લાગી છે.” ત્યારે મોટીબા કહે કે, “મહારાજ! તૈયાર છે લ્યો.” પછી ચોખા ઘી ને સાકર મહારાજને જમાડ્યા, તે ઠેકાણે ઓટો કર્યો છે. ॥૩૦૮॥
ગામ જેતલપુરના ગંગામા કરીને નાગર બ્રાહ્મણ હતાં અને તે આત્માનંદ સ્વામીના ભગત હતાં અને શ્રીજીમહારાજને જ્યારે નારાયણ કહેવરાવે ત્યારે કહે જે, “મારા ભત્રીજાને નારાયણ કહેજો. તેનું કારણ કે હું આત્માનંદ સ્વામીની ચેલી અને મહારાજ રામાનંદ સ્વામીના ચેલા. તેથી મારા ભત્રીજા થાય.” પછી એક દિવસ રામાનંદ સ્વામીએ આવીને દર્શન દઈને ગંગામાને કહ્યું જે, “તું ભત્રીજા ભત્રીજા! કેને કહે છે? આ તો સાક્ષાત્ સર્વ અવતારી છે અને હું તો ઉદ્ધવનો અવતાર છું. માટે ભત્રીજા ભત્રીજા કરીશ નહીં.” એમ રામાનંદ સ્વામી કહીને અંતર્ધ્યાન થઈ ગયા અને પછી ઘડીક થયું ત્યાં તો સમાચાર આવ્યા જે, “શ્રીજીમહારાજ પધારે છે.” પછી સામૈયું લઈને સૌ મહારાજની સામા ગયા અને પછી ગામમાં પધાર્યા અને શ્રીજીમહારાજની સારૂ ગંગામાએ થાળ કર્યો. પછી ગંગામાએ મહારાજને પ્રાર્થના કરીને કહ્યું કે, “મહારાજ! થાળ જમવા પધારો.” પછી મહારાજ કહે, “એમ કહો તો ઉઠું, કે ઉઠ્ય બાપ દીકરા તો ઉઠું, નહીં તો નહીં ઉઠું.” ગંગામા કહે કે, “ઉગમણો સૂર્ય ઉગે છે તે આથમણો ઉગે તો પણ એમ ન કહું. હમણાં જ રામાનંદ સ્વામીએ આવીને મને ઠપકો આપેલ છે.” પછી શ્રીજીમહારાજને થાળ જમાડ્યો અને પૂજા કરી આરતી કરી અને મહારાજને પગે લાગીને થયેલ અપરાધની માફી માંગી. ॥૩૦૯॥
જેતલપુરનાં કોટમાં મહારાજ સભા કરીને વિરાજમાન હતા અને ત્યાં ગામડીની એક બાઈ આવી. તેણે મહારાજને છેટેથી વિનંતી કરી જે, “મહારાજ! ગંગામાને કહો કે, મને વર્તમાન ધરાવે.” મહારાજ કહે, “અમે એમ વર્તમાન ન ધરાવીએ. પરણ્યા એ પતિ ને બીજા ભાઈ બાપ કહે તો વર્તમાન ધરાવીએ.” ત્યારે બાઈ કહે, “હું પરણી તે પતિ બીજા ભાઈ બાપ.” મહારાજ કહે, “એમ કહેનારાં ઘણાં મળે પણ પરણ્યા પતિને જો ભાઈ બાપ કહે તો વર્તમાન ધરાવીએ.” ત્યારે બાઈ કહે, “પરણી છું તે પતિ મારો ભાઈ બાપ.” મહારાજ કહે, “તેમ કહેનારાં પણ ઘણાં મળે પણ ધોળાં વસ્ત્ર પહેરે તો વર્તમાન ધરાવીએ.” બાઈ કહે, “લાવો, ધોળાં વસ્ત્ર પહેરું.” મહારાજ કહે, “માથું મુંડાવે તો વર્તમાન ધરાવીએ.” બાઈ કહે, “બોલાવો વાળંદને માથું મુંડાવું.” આટલાં વાનાં તે બાઈએ કબૂલ કર્યાં. તે વખતે ગામ અમદાવાદના નથુભટ્ટ શ્રીજીમહારાજના ઢોલીયા પાસે બેઠા હતા. તેમને મહારાજે કહ્યું જે, “નથુભટ્ટ! અમારા જુનાં સત્સંગી સારાં કે નવાં?” મહારાજ કહે, “એ બાઈને જેટલું અમે કહ્યું તેટલું તે કરવાની હા પાડી અને તમારી ઘરવાળી મરી ગઈ છે તેથી તમે પંદર દિવસથી ખાધું નથી.” પછી નથુભટ્ટ હાથ જોડીને મહારાજને પગે લાગીને બોલ્યા જે, “મહારાજ! મારી ભૂલ ઓળખાવી.” અને તે બાઈને ગંગામા પાસે વર્તમાન ધરાવ્યાં પછી તે સત્સંગી થઈ. ॥૩૧૦॥
ગામ લાઠીદડમાં શામબાઈ કરીને કડવા કણબી બાઈ હતાં અને તેમના પિતાશ્રી ગુજરી ગયા હતા. પછી તેમના ભાઈએ આખી નાત જમવા માટે તેડાવી હતી અને તે વીસામણના ભગત હતા. તેથી પાળીયાદથી તેણે વીસામણ ભગતને પણ તેડાવ્યો હતો. ત્યારે શામબાઈ કહે કે, “તે તારા ગુરુને તેડાવ્યા તો હું મારા ગુરુને તેડાવીશ.” પછી શામબાઈ ગઢપુરથી શ્રીજીમહારાજને લાઠીદડ તેડાવ્યા ને મહારાજ માણકી ઘોડીયે ચડીને પધાર્યા ને પરબારા તેને ઘેર પધાર્યા. પછી મહારાજ ઘોડીયેથી હેઠો ઉતરીને સુખડીની વખાર ભરી હતી ત્યાં પધાર્યા. ત્યાં મહારાજે સુખડીનું દડબું હાથમાં લઈને બોલ્યા જે, “ખાણાં એ જાડાં ને પહેરણાં એ જાડાં.” પછી એક ચણા જેટલી સુખડી લઈને પોતાના મોઢામાં મેલી અને બીજી ઢગલામાં પાછી નાંખી. પછી બીજે દિવસ સવારમાં ઉગમણે ઝાંપે ખીજડા નીચે ગાડા ઉપર મોટું તપેલું પાણીનું ભરાવીને મહારાજ વિરાજમાન થયા. તે વખતે આખી ઝાલાવાડના કણબી ખરચે આવેલા હતા. તે સૌ મહારાજ પાસે આવીને કહેવા લાગ્યા જે, “મહારાજ! અમને વર્તમાન ધરાવો.” પછી મહારાજ ગાડા ઉપર ઉભા થઈને હાથમાં તાંસળી ભરીને પાણી ઉડાડવા મંડ્યા અને મહારાજે કહ્યું જે, “આ જળનો છાંટો જેને ઉડે તે સૌને વર્તમાન જાણજો.” ॥૩૧૧॥
એક દિવસ શ્રીજીમહારાજ ગામ લાઠીદડ પધાર્યા હતા અને શામબાઈની ભત્રીજી ફુલીબા કરીને હતી. તે નિત્ય શામબાઈને કહેતા હતા જે, “ફઈબા! મહારાજ આવે તો મારે થાળ કરીને જમાડવા છે.” પછી તેણે શામબાઈને કહ્યું જે, “આજ હું સીધું લાવું.” પછી રાત્રીયે તે બાઈ પોતાને ઘેર ગઈ. ત્યારે તેની માએ કહ્યું જે, “અત્યારે કેમ ઘેર આવી?” ફુલીબા કહે કે, “મા! મારો ઓઢવાનો પછેડો ભૂલી ગઈ છું. તે લેવા આવી છું.” પછી ફુલીબાઈએ અંધારે કોઠલામાંથી ઘી, ગોળ લીધાં અને માટલીમાંથી લોટ લીધો. તેનો ખડખડાટ સાંભળીને તેની મા બોલી જે, “શું ખખડાવે છે?” ત્યારે ફુલીબા કહે, “મા! પછેડો હાથ આવતો નથી.” પછી તે બાઈ ઘી ગોળ ને લોટ લઈને શામબાઈ પાસે આવ્યાં. પછી ફુલીબાઈ પુડલા ઉતારતાં જાય ત્યારે શામબાઈ બોલ્યાં જે, “ઉઠ્ય, ઉઠ્ય, તને ક્યાં આવડે છે? કાચા પુડલા મહારાજને ખવરાવે છે તે મહારાજને પેટમાં દુખશે.” પછી શામબાઈએ આખો પુડલો ઉતારીને મહારાજના ભાણામાં મૂક્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, “શામબાઈ! ઓલ્યા કટકા જેવા મીઠા લાગતા હતા તેવા આ મીઠા નથી લાગતા.” પછી જળપાન કરાવ્યું અને શ્રીજીમહારાજ રાત્રે પોઢી ગયા. ॥૩૧૨॥
ગામ રતનપુરમાં જસમત કરીને એક કણબી હરિભગત હતો અને તે નવા સત્સંગી થયા હતા પણ પોતાને પૂર્વનો સંસ્કાર જબરો હતો. તેથી એકાંતિકપણાને પામ્યા હતા. પછી એક દિવસ તે સુતા હતા અને તેમના દીકરાને તાવ આવતો હતો. તે વખતે શ્રીજીમહારાજ માણકી ઘોડીયે ચડીને આવ્યા અને જસમત પટેલને મહારાજે જગાડ્યા અને કહ્યું જે, “શું સુતો છે? તારા દીકરાને તેડવા માટે હું આવ્યો છું.” ત્યારે જસમત પટેલ કહે, “મારાં ધન્ય ભાગ્ય અને ધન્ય ઘડી, હું કણબી વરણ તે ભગવાન મારે ઘેર ક્યાંથી? માટે સુખેથી મારા દીકરાને તેડી જાઓ.” ત્યારે મહારાજ કહે, “આજથી પંદરમે દિવસ તારા બીજા દીકરાને પણ તેડી જાશું.” એમ કહીને મહારાજ તે દીકરાને તેડીને પધાર્યા અને પટેલે સૌને કહ્યું જે, “કોઈ રોશો નહીં કેમ કે મારો દીકરો ભગવાનના ધામમાં ગયો છે.” પછી તેને અગ્નિસંસ્કાર કરીને આવ્યા. ત્યારે પોતે સાકર મંગાવીને વહેંચી અને પંદર દિવસ થયા ત્યારે તેવી રીતે બીજા દીકરાને પણ તેડી ગયા તોય પણ મનમાં જરાય શંકા થઈ નહીં. માટે ભગવાનનો મહિમા જાણે તેને સંશય ન થાય. ॥૩૧૩॥
ગામ કુંડળમાં રાઈબાઈ હતાં. તે શ્રીજીમહારાજ જ્યારે ઘેરથી નીકળ્યા અને વનમાં સાત વરસ ફર્યા અને જે જે લીલા કરી તે રાઈબાઈ દેખતાં. પછી એક દિવસ શ્રીજીમહારાજે સૌ કાઠીઓને કહ્યું જે, “તમે બધે ગામ ધાડાં પાડો પણ આસોદર ગામમાં જાશો નહીં કેમ કે તે આત્માનંદ સ્વામીનું ગામ છે. ત્યાં તમે જાશો તો જીતશો નહીં.” પછી એક દિવસ કાઠીઓ ભેગા થઈને આસોદર ગામ ભાંગવા ગયા. તેમાં કુંડળનો હાથીયો પટગર હતો તે મરાણો અને શ્રીજીમહારાજે રાઈબાઈને દર્શન આપ્યાં જે, “હાથીયો મરાણો છે અને ઘોડી કાલે સવારે અહીં આવશે ને હું તેને ધામમાં તેડી ગયો છું.” પછી બીજે દિવસે સવારમાં ગામ આસોદરથી ઘોડી કુંડળ આવી. તે વખતે રાઈબાઈએ ઉઠીને ઘોડીના ભામણાં લીધાં અને ઘોડીને કહ્યું જે, “ભલે પંખાળી ભલ્યે. તું મારા હાથીયાને અક્ષરધામમાં મેલીને આવી.” પછી ગામ નસીતપરમાં તેમના ભાઈ માંચોખાચર કરીને હતા તે કાણે આવ્યા. પછી રાઈબાઈ તેમને ડેલે જઈને ઊભાં જે, “ભાઈ! શા માટે રુવો છો? હાથીયો તો ભગવાનના ધામમાં ગયો છે.” એમ કહીને તેને છાનાં રાખ્યા. ॥૩૧૪॥
ગામ સુંદરીયાણામાં કમરબાઈ કરીને વાણીયણ બાઈ હતી અને તેનો દીકરો પીતાંબર કરીને હતો. તે દેહ મેલી ગયો હતો. પછી તે બાઈ નિરંતર રોયા કરતી અને બોલે જે, “મારો પીતાંબર રે... હે મારો પીતાંબર...” એમ નિરંતર કલ્પાંત કરતી. પછી એક દિવસ શ્રીજીમહારાજ તે પીતાંબરને તેડીને પધાર્યા અને કમરબાઈને કહ્યું જે, “કમર... શું પીતાંબર પીતાંબર કરી રહી છે? પીતાંબરને તો હું તેડી ગયો છું. લે દેખ આ તારો પીતાંબર.” તેને જોઈને બાઈ બહુ રાજી થઈ અને મહારાજને કહ્યું જે, “મહારાજ! હવે હું નહીં રોઉં.” પછી સવારમાં તેના મોટા દીકરાની વહુએ કહ્યું જે, “ઉઠો, બાઈજી! મોઢું વાળીએ.” ત્યારે બાઈજી કહે કે, “તું મોઢું વાળ્ય. મારો દીકરો તો ભગવાનના ધામમાં ગયો છે. તે મોંઢું વાળવું નથી.” ॥૩૧૫॥
ગામ કારીયાણીમાં પુરીબાઈ કરીને કડવા કણબી હતાં. તેનો દીકરો મુળજી કરીને હતો અને ગામ કેરીયામાં ભગુ પટેલના બાપનું ખરચ હતું. તે સૌ ગાડાં જોડાવીને કેરીયે આવતાં હતાં. તે રસ્તે આવતાં એક નદી પાડલીયો કરીને આવે છે. તેમાં સૌએ બળદીયાને પાણી પાયું અને મુળજીનું ગાડું સૌની પાછળ રહી ગયું. પછી મુળજી જ્યાં ગાડું જોડવા જાય છે એટલામાં બળદીયે ઝોંટ મારી તેથી મુળજી પડી ગયો અને ડોકમાં રાશ આવી ગઈ હતી તેથી ઢરડાઈ દેહ મેલી ગયો. તેને શ્રીજીમહારાજ અક્ષરધામમાં તેડી ગયા પણ પુરી ડોશી નિરંતર રોયા કરતી જે, “મારો મુળજી રે મારો મુળજી રે...” એમ કલ્પાંત કરતી. પછી શ્રીજીમહારાજ મુળજીને સાથે લઈને હાથીયે બેસારીને કારીયાણીએ પધાર્યા અને પુરી ડોશીને કહ્યું જે, “પુરી... શું મુળજી મુળજી કરી રહી છે? લે ને, આ તારો મુળજી. તેં તો એક ફૂલ અને વેઢ્ય, એ બે જ પહેરાવ્યાં હતાં અને જો અમે તેને સુંડલી એક ઘરેણાં પહેરાવ્યાં છે અને રુપમાં કામદેવ જેવો થઈ રહ્યો છે.” પછી મુળજી કહે, “મા! હું તો મહારાજના ધામમાં ગયો છું. હવે રોઈશ મા.” પછી તે બાઈ રાજી થઈને મહારાજને પગે લાગી તેટલામાં મહારાજ અદૃશ્ય થઈ ગયા. ॥૩૧૬॥
ગામ વડોદરામાં શામબાઈ કરીને એક હરિભગત હતાં. તે નિરંતર શ્રીજીમહારાજનું ધ્યાન કરતાં અને શ્રીજીમહારાજ તેને જમવા માટે પ્રસાદીની થાળી આપતા તો પણ તે બાઈને એક દિવસ મનમાં એમ થયું જે, “મને એક મહીનાનું ભેગું સીધું આપે તો સારૂં.” પછી મહારાજે એક મહીનાનું સીધું આપ્યું. પછી બાઈએ સંકલ્પ કર્યો જે, “જીવનપર્યંતનું આપે તો સારું કે જેથી નિરાંતે ધ્યાન કર્યા કરું.” પછી મહારાજે સયાજીરાવને દર્શન આપ્યાં જે, અમુક ઠેકાણે એક બાઈ મારું ધ્યાન કરે છે તેને જીવનપર્યંત અન્ન અને વસ્ત્ર પુરાં પાડજો. પછી સયાજીરાવે માણસ મોકલીને ખબર કઢાવી અને તેને જીવનતપર્યંત અન્ન વસ્ત્રનું ચાલતું ધોરણ બાંધી આપ્યું. ॥૩૧૭॥
ગામ ડાંગરવામાં શ્રીજીમહારાજ પધાર્યા હતા અને ત્યાં જતન ફઈ કરીને એક કણબી બાઈ ભક્ત હતાં અને ગામ વડેહવાના પટેલ ગોવિંદ હતા. તે પણ મહારાજને તેડવા માટે આવ્યા હતા અને સાથે પરમહંસ હતા. પછી મહારાજ કહે, “અમને જે દહીં દૂધમાં તાણી કાઢે તેને ઘેર જઈયે.” ત્યારે જતન બાઈ કહે, “મહારાજ! તમારા સાધુને હું દહીં દૂધમાં તાણી કાઢું.” મહારાજ કહે કે, “જો ખુટે તો તારા હેકારા કરાવું.” ત્યારે જતનબાઈ કહે કે, “જો વધે તો હું તમારા હેકારા કરાવું.” પછી જતન ફઈએ ફરતે ગામડેથી દૂધ ભેગું કરાવ્યું અને તેની મોટી કચરાની ગોળીયો ભરીને મેળવ્યું અને સવારમાં ફરતા ગામનું તથા ગામનું દૂધ ભેગું કરાવ્યું અને પછી રસોઈ કરાવીને સંતની પંક્તી કરાવી. પછી મહારાજ પંક્તીમાં દહીં દૂધ ફેરવવા મંડ્યા. તે ક્યાંઈ ધાર ખેંચે નહીં. તે જોઈ જતન ફઈ બોલ્યાં જે, “મહારાજ! ઢોળવા સારું ભેગું કર્યું નથી પણ સાધુને જમાડવા ભેગું કર્યું છે. તમે જાણો કે ઢોળીને બગાડું ને ખુટાડું.” પછી મહારાજ દહીંનું દોણું લેવા પધાર્યા. ત્યારે જતન ફઈએ દોણાનો કાંઠો ઝાલી રાખ્યો અને મહારાજને કહ્યું જે, “ઢોળવા નહીં દઉં.” એમ બન્ને જણ ખેંચતાણ કરતાં દોણું ફુટી ગયું. તે જતન ફઈના હાથમાં એક કાંઠો રહ્યો અને મહારાજ બીજું દોણું લઈને પીરસવા મંડ્યા. અને જતન ફઈએ બીજી ચાર ગોળીયું દહીં તથા દૂધની મહારાજથી છાની રાખી હતી. પછી મહારાજ કહે, “જતન! હવે જો તારા હેકારા કરાવું કે?”
જતન ફઈ કહે, “જુઓ, આ ચાર ગોળીયો ભરેલી છે.” પછી મહારાજ કહે, “જતન! કાંઈ વર માગ.” પછી જતન ફઈ કહે, “મહારાજ! મારે ઘરે જે મરે તેનું કલ્યાણ થાય.” મહારાજ કહે, “તારે ઘેર પશુ મરે તેનું પણ કલ્યાણ થાશે. ને આજથી તારે ઘરેથી દહીં દૂધ નહીં ખૂટે.” એમ કહી મહારાજ રાજી થયા. ॥૩૧૮॥
એક વખત શ્રીજીમહારાજ ડાંગરવે પધાર્યા હતા અને જતન ફઈએ થાળ કર્યો હતો. તે મહારાજ જમવા બેઠા હતા અને મહારાજને પીરસીને બહાર જતનબાઈ હાથ ધોવા આવ્યાં. તે વખતે જતન ફઈના બાપ બોલ્યા જે, “બાપ! દીકરી! જતન! મહારાજ જો જાતા હોય તો જાવા દેજે. હવે બોઈ એટલું રહ્યું છે.” પછી જતન ફઈ બહારથી ઘરમાં ગયાં. તેને મહારાજે પૂછ્યું કે, “તમારો બાપ શું કહે છે?” જતન ફઈ કહે, “મહારાજ! મારો બાપ કહે છે જે, મહારાજ જતા હોય તો જવા દઈશ નહીં.” પછી મહારાજ થાળ જમીને બહાર પધાર્યા અને ગોવિંદ પટેલને મહારાજે પૂછ્યું જે, “પટેલ! શું કહેતા હતા?” પટેલ કહે, “મહારાજ! જતનને હું કહેતો હતો જે મહારાજ જતા હોય તો રોકીશ નહીં. હવે બોઈ તેટલું રહ્યું છે.” પછી મહારાજ કહે, “ચાલો, તમારા કોઠીયારાના ઓરડામાં જોઈએ કેટલાંક દાણા છે?” પછી મહારાજ ને ગોવિંદ પટેલ અને જતન ફઈ એ ત્રણે જણાં ત્યાં ગયાં. તેમાં સાત કોઠીયો મોટી ખાલી પડી હતી. તે સાતેને મહારાજે સોટી અડાડી અને મહારાજે કહ્યું જે, “આ ભરી છે. આ ભરી છે.” એમ સોટી અડાડીને કહ્યું. પછી જ્યાં જુવે ત્યાં તો સાતે કોઠીયો ડાંગરની ભરેલી હતી. ॥૩૧૯॥
એક વખત મહારાજ ડાંગરવે પધાર્યા હતા અને જતન ફઈને ઘેર મહારાજ ઉતર્યા હતા અને જતન ફઈએ મહારાજને પગે લાગીને થાળ કર્યો ને મહારાજને જમાડ્યા. પછી મહારાજને ઢોલીયા ઉપર વિરાજમાન કર્યા. પછી જતન ફઈ મહારાજને પગે લાગીને બોલ્યાં જે, “મહારાજ! મારો ધોરી મરી ગયો. મારો ધર્મદાસ મરી ગયો.” એમ બે ચારનાં નામ લઈ દિલગીર થઈ ગયાં. ત્યારે મહારાજ કહે, “જતન! ... મારા ફલાણા સાધુ મરી ગયા. મારા ફલાણા સાધુ મરી ગયા.” એમ મહારાજે કહ્યું. ત્યારે જતનબા કહે, “મારાને તો તમે લઈ ગયા છો પણ તમારા સાધુને હું ક્યાં લઈ ગઈ છું. તે તમે મારી સાથે રડવા બેઠા.” મહારાજ કહે, “તારાનો ખરખરો ને મારાનો તો ખરખરો નહીં ને?” એમ કહીને જતન ફઈનો શોક મહારાજે ટાળ્યો. ॥૩૨૦॥
એક વખત મહારાજ ડાંગરવે પધાર્યા હતા અને જતન ફઈને ઘેર ઉતર્યા હતા. અને જતન ફઈ કડદો કરતાં હતાં અને ઢોરને છોડવાની વખત થઈ હતી. પછી મહારાજ કહે, “જતન! ઢોરને છોડવાની વખત થઈ છે.” જતન ફઈ કહે કે, “મહારાજ! હું કડદો (ધાન) હલાવું છું.” મહારાજ કહે, “લાવ્ય, તારો કડદો, હું હલાવું અને તું ઢોરને છોડ્ય.” પછી મહારાજ કડદો હલાવવા બેઠા અને જતન ફઈ ઢોરાં પાદરા મેલવા ગયાં પછી જતન ફઈ ઘેર આવ્યાં તેને મહારાજ કહે, “જતન! જોને કડદો મળ્યો કે નહી?” જતન ફઈ કહે, “મહારાજ! કડદો ચડ્યો કે ન ચડ્યો પણ મારું કામ તો થઈ ગયું. કેમ કે જે જમશે તેનું કલ્યાણ થાશે.” એમ કહીને સૌ જમવા બેઠા અને મહારાજે પ્રસાદી સૌને આપી. ॥૩૨૧॥
એક વખત અયોધ્યાપ્રસાદજી મહારાજ ડાંગરવે પધાર્યા હતા. પછી આચાર્ય મહારાજે જતન ફઈને કહ્યું કે, “આ દોણું મહારાજની પ્રસાદીનું છે તે મને આપો તો હું સોનામાં મઢાવીને શૈય્યામાં પધરાવું.” જતન ફઈ કહે કે, “મહારાજ! એ દોણાનું તો મારે ધ્યાન થાય છે બીજું કાંઈક માંગો તે આપું પણ તે વાત કરશો નહીં.” ॥૩૨૨॥
ગામ લાંઘણોજમાં શ્રીજીમહારાજ પધાર્યા હતા અને અમૃતબાઈ કણબી સત્સંગી હતાં. તેને ઘેર મહારાજ પધાર્યા હતા. પછી અમૃતબાઈએ મહારાજને જમવાને માટે બહુ જ આગ્રહ કર્યો પણ મહારાજ કહે, “અમારે જમવા રોકાવું નથી.” પછી શ્રીજીમહારાજ રાતે અમૃતબાઈની વાડીયે આંબા નીચે જઈને રાત રહ્યા. તેની અમૃતબાઈને ખબર પડી ત્યારે વહેલો થાળ કરીને ચાર વાગે મહારાજ પાસે ગયાં. અને છેટેથી બુમ પાડી જે, “એ મારા આંબા નીચે કોણ ઉતર્યું છે?” પછી મહારાજ કહે, “એ તો અમે છીએ.” અમૃતબાઈ કહે, “અમે કોણ વળી?” ત્યારે ડુંગરજી કહે, “એ તો મહારાજ છે.” પછી અમૃતબાઈ ત્યાં ગયાં તેને મહારાજે પૂછ્યું જે, “અમૃત! અત્યારે ક્યાં જાય છે?” અમૃત કહે, “મહારાજ! મારા સાથીને ભાત દેવા જાઉં છું.” મહારાજ કહે, “દેખાડ, તારું ભાત કેવું છે?” પછી ટોપલો હેઠો મેલીને માંહીથી સેવ કાઢી અને દૂધ કાઢ્યું અને સાકરની તાંસળી ભરીને લાવ્યાં હતાં અને ઘીનો લોટો વગેરે કાઢ્યાં. ત્યારે મહારાજ કહે કે, “અમૃત! તારો સાથી આવું ખાય છે?” અમૃતબાઈ કહે, “મારો સાથી બહુ સ્વાદીયો છે. તેને સારું સારું ખાવાનું જોઈએ.” મહારાજ કહે, “તારા સાથી તો અમે છીએ માટે લાવ્ય, અમને પીરશ.” પછી મહારાજ જમવા બેઠા અને અમૃતબાઈએ મહારાજને સેવ પીરસી અને પછી ઘી પીરસ્યું અને સાકરને બદલે લોટની તાંસળી ભરી ગયાં હતાં. તેમાંથી બે દોથા લોટના નાંખ્યા. તેને ચોળીને મહારાજ બે ગ્રાસ જમ્યા પછી મહારાજ કહે, “અમૃત! દૂધ પણ ભેળું નાંખ્યા.” પછી મહારાજ કહે, “હવે રાખ્ય.” ત્યારે ડુંગરજી બોલ્યા જે, “મહારાજ! નાંખવા દ્યોને પછવાડે હું છું ને?” પછી વળી એક દોથો લોટ નાંખ્યો. પછી મહારાજે થોડું જમીને થાળી ડુંગરજી ભણી હડસેલી મેલીને કહ્યું જે, “ડુંગરજી! લે પ્રસાદી.” ડુંગરજી કહે, “બહુ સારુ, મહારાજ! લાવો.” પછી ડુંગરજી જમવા બેઠા. તે બકારીયું ખાવા મંડ્યા. એ બોલ્યા જે, “મહારાજ! આ તો ભાવતું નથી અને કહો તો ભોંમાં ભંડારૂં.” મહારાજ કહે “નો ખા તો તારે માથે થપેડુ.” અમૃત બાઈ કહે, “આ શું?” સેવ સાકર ને દૂધ છે તેમાં ડુંગરજીભાઈ બાકરીયું ખાય છે? પછી જ્યાં જુએ ત્યાં તો તાંસળીમાં બાજરાનો લોટ ભરેલો દીઠો. તે જોઈ અમૃતબાઈ બોલી જે, “અરર! મહારાજ! હું તો સાકરને બદલે લોટ લાવી છું.” પછી મહારાજે ડુંગરજીને કહ્યું જે, “ખા, ડુંગરજી! ખા, થાળ જમતાં બહુ સારું લાગ્યું હતું કેમ?” મહારાજ કહે, “નો ખા તો તારે માથે થપેડું.” પછી ડુંગરજી જમવું પડ્યું મુકીને પાણી પીઈને મહારાજ સાથે બીજે ગામ ગયા. ॥૩૨૩॥
ગામ સેંજળમાં માણસીયો ખુમાણ કરીને કાઠી હતા. તેને યોગાનંદ સ્વામીનો સમાગમ થયો અને પછી સત્સંગી થયા અને ઘરે લાલજી રાખ્યા પછી લાલજીને થાળ કરવા સારુ એક બ્રાહ્મણને રાખ્યો હતો. તે થાળ લાલજીને ધરાય ત્યાર પછી ઘરના માણસથી જમાય. એવું તેમને નિયમ હતું અને પોતે જમવા બેસે ત્યારે અંજવાળે જઈને પોતાની થાળીમાં જુએ જે તેમાં કસ્તર બસ્તર હોય તો નાંખી દે અને રસોઈ કરનાર બ્રાહ્મણને ઠપકો દે. પછી પોતે એકાંતિક સત્સંગી થયા. ॥૩૨૪॥
ગામ લીંબડીમાં સગરામ કરીને વાઘરી હરિભગત હતો અને તે વરસો વરસ એક કૂતરો પાળીને લીંબડીના દરબારને આપતો. પછી તેને પૂર્વના કોઈ સારા સંસ્કારને યોગે કરીને સત્સંગ થયો અને તેને એવું સમજાવ્યું જે, તું રાજાને કુતરો આપે છે તે કુતરો જે પાપ કરે તે તને લાગે. પછી તે સત્સંગી થયો. પછી કુતરો દેવા ન ગયો ત્યારે રાજાએ તેને લીંબડીયે તેડાવ્યો અને પોતાના સિંહાસન પાસે ઉભો રાખ્યો ને પૂછ્યું જે, “સગરામ! કુતરો કેમ ન લાવ્યો?” ત્યારે સગરામ કહે કે, “બાપુ! હું હવે સ્વામિનારાયણનો થયો.” તે સાંભળી દરબાર કહે, “તેં સ્વામિનારાયણમાં શો પરચો ભાળ્યો?” ત્યારે સગરામ કહે, “બીજું તો કાંઈ નહીં પણ તમારા સિંહાસન પાસે આવીને ઉભો રાખ્યો એ જ મોટો પરચો મેં ભાળ્યો. આટલા વરસ સુધી મેં તમને કુતરા આપ્યા પણ કોઈ વખત મેં આપનું મોઢું દીઠું નહોતું અને અત્યારે મને સમીપમાં બોલાવી લીધો.” એ સાંભળી દરબાર કહે, “તારો સત્સંગ ખરો.” ને રાજા રાજી થયો. ॥૩૨૫॥
ગામ વરતાલમાં જોબન પગી હતા અને પોતાની દીકરીઓને તેડીને ગઢપુર આવતા હતા. પછી ભીમનાથની નદીમાં પાણી પીતા હતા. ત્યાં તેને કોઈ કુસંગીએ પૂછ્યું જે, “ક્યાં જાઓ છો?” ત્યારે જોબન પગી કહે, “ગઢડે સ્વામિનારાયણને દર્શને જાઉં છું.” ત્યારે કુસંગી કહે, “સ્વામિનારાયણ તો વરતાલના જોબન પગીની બે દીકરીઓને લઈને ભાગી ગયા છે. તેની વાંસે વોરંટ નીકળ્યું છે.” જોબન પગી કહે, “હૈયું ફોડ્યમાં. મારું નામ જોબનપગી ને હું વરતાલનો રહેવાસી છું અને આ સાથે છે તે બે મારી દીકરીઓ છે.” પછી તે કુસંગી ચાલ્યો ગયો અને જોબન પગીએ ગઢપુર આવી મહારાજનાં દર્શન કર્યાં. ॥૩૨૬॥
એક વખત ગઢડે બંધીયાના કણબી ગોળ વેચવા આવ્યા હતા અને તેઓ દરબારમાં મહારાજને દર્શને આવ્યા. પછી મહારાજે પૂછ્યું જે, “ક્યાં રહેવું, પટેલીઓ?” પટેલ કહે, “મહારાજ! અમારે બંધીયે રહેવું.” મહારાજ કહે, “ડોસોભાઈ સુખી છે ને?” કણબી કહે, “હા.” પછી મહારાજ કહે, “ડોસોભાઈ તો કથનમાત્ર વહેવારમાં રહ્યા છે.” ત્યારે કણબી કહે, “મહારાજ! અમે તો વ્યવહારમાં ગળા સુધી ખુંત્યા છીએ અને ડોસાભાઈ તો ચોટલી સુધી ખુંત્યા છે.” મહારાજ કહે કે, “ડોસોભાઈ તો અમારી આજ્ઞાએ કરીને સંસારમાં કથનમાત્ર રહ્યા છે.” તો પણ પટેલીયાએ માન્યું નહીં. પછી મહારાજ કહે, “ડોસાભાઈ સાધુ થાય તો તમે સત્સંગી થાશો?” પછી મહારાજે પત્ર લખીને ભગુજીને બંધીયે મોકલ્યા અને પત્રમાં લખ્યું જે, “આ પત્ર વાંચીને તુરત ચાલી નીકળજો.” તે વખતે ડોસાભાઈએ ગામનું (માપું) રાખ્યું હતું. તે વાઢે ગોળ જોખવા ગયા હતા. પછી ભગુજી ઊંટ ઉપર બેસીને બંધીયે ગયા અને ઘેર પૂછ્યું જે, “ડોસાભાઈ ક્યાં છે?” ઘરનાં માણસોએ કહ્યું જે, “વાઢમાં ગોળ તોલવા ગયા છે.” પછી ભગુજી ઊંટ ઉપર બેસી વાઢે ગયા ને ભગુજીને દેખીને ડોસોભાઈ સામા આવ્યા અને કાગળ વાંચ્યો. પછી વાઢના ધણીને ડોસોભાઈ કહે, “હવે જય સ્વામિનારાયણ છે. મારાથી હવે ત્યાં નહીં અવાય.” ત્યારે વાઢનો ધણી કહે, “ધારણ કેટલી થઈ?”ડોસાભાઈ કહે, “અઠાવીશ.” એમ કહીને ચાલી નીકળ્યા અને ભગુજી સાથે ગઢપુર આવ્યા અને મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજે પટેલીયાને કહ્યું જે, “આ ડોસાભાઈ સાધુ થાય છે. તમે સત્સંગી થાશો?” પટેલીયા કહે, “ના, મહારાજ! અમારાથી સત્સંગી થવાય નહીં.” ॥૩૨૭॥
એક વખત પેટલાદના કસીયાજીએ જોબન પગીને બોલાવ્યા ને કહ્યું જે, “સ્વામિનારાયણ ગધાડાની ગાય કરે છે તે સાચું?” ત્યારે જોબન પગી કહે, “હા, હું ગધાડા જેવો, તે સ્વામિનારાયણે મને એક માળા આપી છે, તેથી સ્વામિનારાયણનું ભજન કરું છું. નિકર ધોળે દહાડે પેટલાદના કમાડ ઉતારી જાઉં તો પણ તમારાથી મારું નામ લેવાતું નહીં અને મારા શરીરમાં રૂંવાડાં છે તેટલા તીરના ઘા છે પણ સ્વામિનારાયણે મને વર્તમાન ધરાવ્યાં છે ત્યારથી હવે કોઈની સળી પણ લેતો નથી. તે મને ગાય જેવો કરી દીધો.” તે સાંભળીને કસીયાજી બોલ્યા જે, “તું ખરો સત્સંગી થયો, જોબન.” ॥૩૨૮॥
ગામ બંધીયામાં ડોસોભાઈ કરીને એક વાણીયા હતા અને તે રામાનંદ સ્વામીના સત્સંગી હતા. પછી શ્રીજીમહારાજ ત્યાં પધાર્યા હતા અને ડોસાભાઈની માને કહ્યું જે, “મને એક દીકરો આપ.” ડોશી કહે, “મારે આ ચાર દીકરા છે. તેમાંથી તમે કહો તેને હું સેવામાં આપું.” મહારાજ કહે, “આ તારા ડોસાને આપ્ય.” પછી ડોશીએ ડોસાભાઈને મહારાજની સેવામાં મેલ્યા અને રાતના બાર વાગ્યા ત્યારે મહારાજ કે, “ઉઠ્ય, તેં રામાનંદ સ્વામીની આજ્ઞા લોપી છે. તે કાશીએ જઈને આવ તો રાખું.” પછી ડોસોભાઈ સવારમાં ઉઠીને કાશીને રસ્તે ચાલતા થયા. તે વાતની તેની માને ખબર પડી જે, “ડોસાને મહારાજે કાશીએ મોકલ્યો.” પછી ડોશી પચાસ રૂપિયા લઈને મહારાજ પાસે આવ્યાં અને મહારાજને કહ્યું જે, “વાણીયાનો દીકરો છે. તે રસ્તામાં શું ખાશે?” પછી મહારાજ કહે, “તારે કંઈ દેવું છે?” ત્યારે ડોશી કહે, “પચાસ રૂપિયા લાવી છું, તે આપવા છે.” પછી મહારાજે મુળુજીને બોલાવ્યા અને કહ્યું જે, “આ રૂપિયા ડોસાને આપી આવો અને કહેજો કે, ‘તું ચાલતો થા,’ અને તમે ત્યાં ઉભા રહેજો.” પછી મુળુજી ઘોડે ચડીને ગામને સીમાડે ભેગા થયા. પછી મુળુજીને ભાળીને ડોસોભાઈ ઉભા રહ્યા. મુળુજી કહે, “લે, આ પચાસ રૂપિયા તારી માએ મોકલ્યા છે.” ત્યારે ડોસોભાઈ કહે, “મારી માએ મોકલ્યા હોય તો નથી લેવા.” ત્યારે મુળુજી કહે, “મહારાજે આપ્યા છે.” ત્યારે ડોસોભાઈ કહે કે, “મહારાજે કાંઈ કહ્યું છે?” ત્યારે મુળુજી કહે કે, “હા, તું ચાલતો થા અને મને કહ્યું છે કે, તું ઉભો રહેજે.” પછી ડોસોભાઈ ચાલતા થયા અને મુળુજી ઘોડાની સરક ઝાલીને ઉભા રહ્યા. પછી સાંજ પડી પણ મુળુજી આવ્યા નહીં ત્યારે મહારાજ કહે, “મુળુભાઈ કેટલેક ગયા હશે? તે હજી સુધી આવ્યા નહીં?” પછી સીમમાંથી માણસો આવ્યાં. તેણે મહારાજને કહ્યું જે, “મુળુજી તો ગામને સીમાડે ઘોડાની સરક ઝાલીને ઉભા છે.” મહારાજ કહે, “જાઓ, મુળુજીને બોલાવી લાવો.” પછી માણસ જઈને બોલાવી લાવ્યા ત્યારે કહે, “મુળુજી! ક્યાં સુધી ઉભા રહેત?” મુળુજી કહે, “મહારાજ! તમે કહેત ત્યાં સુધી ઉભો રહેત.” અને ડોસોભાઈ જેતલપુરમાં રામદાસ ભાઈને મળ્યા પછી રામદાસભાઈ કહે, “પાછા વળો. તમારે કાશીની જાત્રા પુરી થઈ રહી.” ને પછી મહારાજ પાસે આવ્યા. ॥૩૨૯॥
ગામ બંધીયામાં બોદો કમાનગર કરીને હરિભગત હતા અને તે રામાનંદ સ્વામીના સત્સંગી હતા. પછી શ્રીજીમહારાજ ત્યાં પધાર્યા અને સભા કરીને વિરાજમાન હતા. તે સભામાં બોદા કમાનગર બેઠા હતા. તેને મહારાજે કહ્યું જે, “ઉઠ્ય, તેં રામાનંદ સ્વામીની આજ્ઞા લોપી છે. તેથી તું વિમુખ છે.” પછી બોદો કમાનગર કહે કે, “મહારાજ! મને કેમે કરીને રાખો.” ત્યારે મહારાજ કહે, “હા, તું ડોશીના લુગડાં પહેર અને કેડે હોકો બાંધ્ય અને આખા ગામની પ્રદક્ષિણા કરી આવ્ય.” પછી તે તે પ્રમાણે ડોશીનાં લુગડાં પહેરીને અને કેડે હોકો બાંધીને ગામ ફરતો આંટો મારીને મહારાજ પાસે આવ્યા અને મહારાજને પગે લાગ્યા અને કહ્યું જે, “મહારાજ! આમ કેમ કરો છો?” ત્યારે મહારાજ કહે, “હું તારી પરીક્ષા જોઉં છું જે તું કેટલાકમાં છે.” ॥૩૩૦॥
ગામ લંગાળામાં દાનભગત કરીને આયર ભગત હતા. તે ઘરનાં બન્ને માણસ સાંખ્યયોગ પાળતાં હતાં. પછી તેની ઘરવાળીને સર્પ કરડ્યો. ત્યારે સર્વેએ કહ્યું જે, “સર્પને ઉતરાવીએ.” ત્યારે બાઈ કહે, “મારે ઉતરાવવો નથી.” પછી સ્વામિનારાયણનું ભજન કરવા લાગ્યાં એટલે સર્પ એની મેળે ઉતરી ગયો. ॥૩૩૧॥
ભેંશજાળમાં ચાંદાબા કરીને ગરાસીયા હરિભગત હતાં અને તેઓ પરપુરુષ સામું જોતાં નહીં. એક વખત તેઓ ઓસરીની કોરે બેઠાં હતાં. ત્યાંથી ચકરી આવી તે પડી ગયાં ને હાથ ખડી ગયો. પછી સૌએ કહ્યું જે, “હાથ ચડાવનારાને તેડી આવો.” ત્યારે ચાંદાબા કહે, “જો મને પરપુરુષ અડે તો મારો દેહ પડી જાય.” પછી રાત્રીના બાર વાગે શ્રીજીમહારાજ દિવ્યસ્વરુપે પધાર્યા અને ચાંદાબાનો હાથ ઝાલીને મહારાજે ચડાવી દીધો અને ચાંદાબા બોલ્યા જે, “નહીં, મહારાજ!” મહારાજ કહે, “નહીં શું? હાથ દુઃખે ને?” એમ કહી હાથ ચડાવીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી સવારે સૌ જોવા આવ્યાં ત્યાં તો હાથ જેવો હાથ દીઠો અને ચાંદાબાએ સૌને કહ્યું જે, “શ્રીજીમહારાજે રાત્રે આવીને મારો હાથ ચડાવી દીધો.” ॥૩૩૨॥
એક વખત મહારાજ ભેંશજાળ પધાર્યા હતા અને ગરાસીયા બાઈઓને ઓઝલ હતી તેથી મહારાજને કહેવરાવ્યું જે, “મહારાજ! અમારે તમારાં દર્શન શી રીતે થાય?” ત્યારે મહારાજે કહેવરાવ્યું જે, “રાત્રે સૌ સુઈ જાય ત્યારે આવજો.” પછી રાત્રીના બાર વાગે બાઈઓ સૌ જે ઘરમાં મહારાજ ઉતર્યા હતા તેની પછીતે ફાંકું પાડીને સૌ અંદર પેઠાં અને મુળજી બ્રહ્મચારી તથા નાજા જોગીયા વગેરે સૌ મહારાજ પાસે સુતા હતા. તેને મહારાજે એવી ઉંઘ મેલી જે, “કોઈ જાગ્યા નહીં.” પછી સૌ દર્શન કરીને ચાલ્યાં તે વખતે ચાંદાબાએ કહ્યું જે, “મહારાજ! અમને કંઈક પ્રસાદીની વસ્તુ આપો.” પછી મહારાજે ચોરસાનું ગોદડું ઓઢ્યું હતું તે તેને આપ્યું અને તેઓ સૌ ગયા. પછી મહારાજ બોલ્યા જે, “અમારું ગોદડું ચોર લઈ ગયા. ગોદડું ચોર લઈ ગયા અને અમને મારી નાંખે તો પણ આ જાગે નહીં.” તે સાંભળીને મુળજી બ્રહ્મચારી જાગીને બોલ્યા જે, “કોઈને તમે આપી દીધું હશે અને દાનેશ્વરીના દીકરા થયા હશો. એ ગોદડું કોઈકનું હું માગી લાવ્યો છું તેને શું જવાબ દઈશ?” ॥૩૩૩॥
ગામ ગાંફમાં વસ્તો રાવળ કરીને સારા સત્સંગી હતા અને શ્રીજીમહારાજે સૌને કહેલ જે, “મને નારદજી જેવો કે શુકજી જેવો કહેવો પણ એથી મોટો કહેવો નહીં.” પછી એક વખત ગાંફના રાજા ભાગવતની કથા કરાવતા હતા અને સત્સંગી ને કુસંગી સાંભળવા જતા હતા અને વસ્તો રાવળ પણ કથા સાંભળવા સૌની પહેલા જઈ આગળ બેસતા હતા. પછી પોતાને છીંક આવે ત્યારે સ્વામિનારાયણનું નામ લે અને બગાસુ આવે ત્યારે પણ સ્વામિનારાયણનું નામ લે. પછી એક દિવસ દરબારે સૌ સત્સંગીને કહ્યું જે, “વસ્તો રાવળ ભાગવતની કથા સાંભળે છે અને છીંક આવે કે બગાસું આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે છે. માટે તમે સૌ પુછો જે, રામચંદ્રજી થયા તેમણે સમુદ્ર ઉપર પાળ બાંધી અને રાવણ આદિક રાક્ષસને માર્યા અને શ્રીકૃષ્ણ ભગવાન થઈ ગયા તેમણે કંસાદિક રાક્ષસને માર્યા અને શ્રી ગોવર્ધન પર્વત તોળ્યો તેણે કરીને ભગવાન કહેવાય છે પણ આ સ્વામિનારાયણે એવું શું ચરિત્ર કર્યું છે જે, ભગવાન કહો છો?” ત્યારે વસ્તો રાવળ કહે, “તમને ખબર નહીં રામે તથા કૃષ્ણે જે જે ચરિત્ર કર્યાં તે સ્વામિનારાયણે આજ્ઞા કરી તેટલું જ કર્યું છે પણ તેથી વિશેષ કર્યું નથી.” ત્યારે મનુભા દરબાર બોલ્યા જે, “લ્યો, જુઓ. રાવળજીએ તો સૌના કારણ સ્વામિનારાયણને કહ્યા.” પછી સર્વે હરિભક્તે રાવળજીને કહ્યું જે, “મહારાજે ના પાડી છે. તે તમે કેમ સર્વોપરી કહ્યા?” ત્યારે વસ્તો રાવળ કહે જે, “હું તો મહારાજને જેવા જાણું છું તેવા કહીશ.” ત્યારે હરિભક્ત કહે, “તમે વિમુખ છો માટે મંદિર આવશો નહીં.” વસ્તો રાવળ કે, “મારે મંદિર આવ્યા વગર રહેવાશે નહીં.” પછી થોડાક દિવસ થયા. તે વારે શ્રીજીમહારાજ વરતાલ પધારતા હતા. તે ગાંફને પાદર આવ્યા અને સૌ હરિજન મહારાજની પાસે જઈને પગે લાગ્યા અને વસ્તો રાવળ છેટે ઉભા રહીને પગે લાગ્યા. ત્યારે મહારાજ કહે, “રાવળજી! ઓરા આવોને.” ત્યારે હરિભક્તો કહે જે, “મહારાજ! અમે તેમને વિમુખ કર્યા છે.” મહારાજ કહે કે, “વર્તમાનમાંથી કાંઈ ચુક્યા કે શું?” ત્યારે હરિભક્તો કહે, “ના, મહારાજ! તે વર્તમાનમાંથી તો કાંઈ ચૂક્યા નથી પણ આમ બોલ્યા.” મહારાજ કહે, “શું બોલ્યા?” પછી ઉપરની વાત કહી સંભળાવી. પછી મહારાજ માણકી ઘોડીયેથી હેઠા ઉતર્યા અને વસ્તા રાવળને પાસે બોલાવ્યા અને મહારાજે મળીને તેનો વાસો થાબડ્યો ને બોલ્યા જે, “કહેજે, કહેજે, કહેજે જા. એ મને સર્વોપરી જાણે છે તે સર્વોપરી જ કહે અને તમે એવો જાણતા નથી.” પછી સૌ હરિજન બોલ્યા જે, “મહારાજને સર્વોપરી જાણવાથી જ તેઓ રાજી થાય છે.” ॥૩૩૪॥
ગામ નાવલીમાં કસીયાજી કરીને પાટીદાર હતા અને તેને એવો નિયમ હતો જે, “પોતાને ઘેર જે કોઈ મેમાન થાય તેને પાંચ વાર સ્વામિનારાયણ કહેવરાવ્યા પછી અન્ન જળ આપતા.” આ વાતની ગામ પેટલાદના કસીયાજીને ખબર પડી જે, “નાવલીના કસીયાજીને આવી ટેક છે માટે આપણે તેની ટેક મુકાવવી.” પછી તે નાવલી આવીને કસીયાજીને ઘેર ઉતર્યા ત્યારે કસીયાજીએ સૌને કહેલ જે, “પાંચ વાર સ્વામિનારાયણ કહ્યા વિના કોઈ જળનો લોટો લાવશો નહીં.” પછી તેમને ઢોલીયો ઢાળીને ઉપર બેસાર્યા અને વાત કરવા લાગ્યા જે, “અમુક ઠેકાણે જગ્યાનો તકરાર છે.” કસીયાજી કહે, “તેને પડખે કોણ છે સ્વામિનારાયણ?” ને એમ પાંચ વાર સ્વામિનારાયણનું નામ લીધું ત્યારે નાવલીના કસીયાજી બોલ્યા જે, “છોકરીઓ! પાણીનો લોટો લાવો.” તે સાંભળીને પેટલાદના કસીયાજી બોલ્યા જે, “અલ્યા તેં મારી ટેક ત્રોડાવી.” ત્યારે નાવલીના કસીયાજી કહે, “બાપુ! તમારી તો ખોટી ટેક છે અને મારી તો સાચી છે તે પરમેશ્વર સત્ય જ રાખશે.” ॥૩૩૫॥
ગામ માંગરોળમાં આણંદજી સુતાર હતા. તેને મહારાજે કહ્યું જે, “આણંદજી! ગળામાં લાકડાના ટાચકાની માળા નાંખીને આખા ગામમાં ફરી આવ્ય તો સત્સંગમાં રાખું.” પછી ગળામાં ટાચકાની માળા પહેરીને આખા ગામમાં ફરી આવ્યા ને પછી મહારાજને પગે લાગીને બોલ્યા જે, “મહારાજ! આમ કેમ કરો છો?’ મહારાજ કહે, “તારી દૃઢતા જોઉં છું જે તું કેટલાકમાં છો?” એમ ભક્તની દૃઢતા જોતા હતા. ॥૩૩૬॥
એક વખત શ્રીજીમહારાજ કચ્છમાં પધારતા હતા અને સાથે મુક્તાનંદ સ્વામી આદિક સંત હતા અને સુરાખાચર આદિક પાર્ષદ હતા. પછી મહારાજે રસ્તે જતાં જતાં વાત કરી જે, “મોર્યે પરોક્ષ ભગત થઈ ગયા તેમણે આવી રીતે પરીક્ષા આપી જે, મોરધ્વજે કરવત મેલાવ્યું, હરિશ્ચંદ્ર રાજા શ્વપચને ઘેર વેચાણા અને ચેળૈયો ખાણીયામાં ખંડાયો; એમ આજ એવા કોઈ મારા હરિભગત પરીક્ષા આપે એવા હશે?” તે સાંભળી ગામ દદુકાના ગોડજી ગરાસીયા બોલ્યા જે, “મહારાજ! લાવો, હું પરીક્ષા આપું.” મહારાજ કહે ક્યારેક વાત, એમ કરતાં થોડેક ચાલ્યાં. ત્યાં ઉજડ ગામ આવ્યું. ત્યાં મહારાજ બોલ્યા જે, “ક્યાં ગયા ગોડજી? બેસ આ કુબામાં અને ક્યાં ગયા ભગુજી? ફરતા કાંટા વીંટીને આને સળગાવો.” પછી ગોડજી ઘોડેથી હેઠે ઉતરીને કુબામાં પેઠા અને ભગુજી કાંટા વીંટીને ચકમક પાડતા હતા. એટલામાં મુક્તાનંદ સ્વામીની ગાડી પાછળ હતી તે મહારાજ ભેગા થયા. સ્વામી કહે, “મહારાજ! કેમ ખોટી થયા?” મહારાજ કહે, “ગોડજીને કુબામાં ઘાલ્યો છે, તે કુબો સળગાવવો છે.” ગોડજી કહે, “સળગાવો સળગાવો શું કરો છો? બહારથી અગ્નિ મેલો નહિંતર લાવો તો હું માંહીથી અગ્નિ મેલું.” ત્યારે સ્વામી બોલ્યા જે, “ગોડજીભાઈ! બહાર નીસરો. તમારી પરીક્ષા પુરી થઈ ચુકી.” પછી કુબામાંથી બહાર કાઢ્યા. ॥૩૩૭॥
ગામ મેનપરમાં દેવજી ભગત હતા અને કૃપાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ફરવા ગયા હતા. પછી દેવજી ભગત સ્વામી પાસે વાતુ સાંભળવા બેઠા અને રાતના દશ વાગ્યા એટલે સ્વામી બોલ્યા જે, “હવે ઘેર જાઓ.” ત્યારે ભગત કહે જે, “સ્વામી! તમે થાક્યા પાક્યા સુઈ જાઓ અને હું ઘરે જાઉં.” સ્વામી કહે, “ઘરે જઈને શું કરશો?” ભગત કહે, “વાળુની થાળી ઢાંકીને મેલી હશે અને ઘરનાં સૌ સુઈ ગયાં હશે. તે હું ઘરે જઈ દીવો કરીને જોઈશ અને પછી વાળુ કરીને વાડીયે જાઈશ. ત્યાં જઈને પાંચસોં માળા નિયમની ફેરવીશ અને પછી ઉંઘને કહીશ જે, આવ્યા. તે આવશે તો ઠીક. નહીં તો પછી સવાર સુધી માળા ફેરવીશ.” પછી કૃપાનંદ સ્વામી બોલ્યા જે, “સાંભળો, ગુણાતીતાનંદ સ્વામી! આ ભક્તની શ્રદ્ધા કેવી છે?” ॥૩૩૮॥
એક વખત દેવજી ભગતનો દીકરો દેહ મેલી ગયો અને તેને ખરખરે સૌ લોક આવવા મંડ્યાં. પછી પોતે પોતાની વાડીયે જઈને બેઠા અને ઘરવાળીને ઘીનો ઘડો ભરીને ગઢપુર મોકલ્યાં. બાઈ ગઢપુર આવીને લિંબડા નીચે જઈને મહારાજને પગે લાગ્યાં. ત્યારે મહારાજ બોલ્યા જે, “ભગત સુખી છે?” બાઈ કહે, “મહારાજ! ભગત તો સુખી હતા અને હવે વધારે સુખીયા કર્યા.” મહારાજ કહે, “એમ કેમ?” ત્યારે બાઈ કહે, “એક દીકરો તમે દીધો હતો તેની ઉપાધિ હતી. તેને તમે ધામમાં તેડી ગયા.” પછી તે વખતે મહારાજ થાળ જમતા હતા ને ઘીનો ઘડો લઈને મહારાજની પાસે મેલ્યો જે, તેમાંથી મહારાજ ઘી પોતાને હાથે જમવા લાગ્યા. પછી મહારાજ બોલ્યા જે, “તમે સૌ માથા મુંડાવીને બેઠી છો અને દાદાખાચરની એક વેંત જેવડી દીકરી મરી ગઈ. જેની વાંસે ઘણા રોયા કરો છો અને મને દૂધ પાવું પણ ભૂલી ગયાં.” એમ મોટીબા તથા લાડુબાને સંભળાવ્યું અને આને એક દીકરો હતો તે ધામમાં ગયો તો પણ શોક ન પાળ્યો અને અમને જમવા સારુ ઘીનો ઘડો લાવ્યાં છે અને ભક્ત વાડીએ જઈને બેઠો. ॥૩૩૯॥
ગામ લંગાલામાં માંડણ કરીને હરિભગત હતો અને તે ગામમાં સાધુ ફરવા ગયા હતા. પછી તેને બીજે ગામ જવું હતું એટલે માંડણ ભગત ગાડું જોડીને તેને મેલવા માટે ગયો અને આગળ રસ્તે ખડનાં ગાડાં જતાં હતાં ને ખડના બે પુળા તેમાંથી પડેલા. તે સાધુએ ઉતરીને લઈને ગાડામાં નાંખ્યા ત્યારે માંડણ ભગત બોલ્યા જે, “સ્વામી! આને શું કરશો?” સાધુ કહે, “આપણે કાળુ ભાર નદીમાં નહાશું ત્યારે બળદીયાને ખવરાવવા કામ આવશે.” માંડણ ભગત કહે, “સ્વામી! ખડ ગાડીમાંથી નાંખી દ્યો પછી હું ગાડું હાંકીશ અને જુઓ આ ગુંજામાં પૈસા લાવ્યો છું. તે ગામમાંથી ખડ લાવીને મારા બળદીયાને ખવરાવીશ અને મને આનંદ બ્રહ્મચારીએ વર્તમાન ધરાવ્યાં છે. તે દિવસથી મેં કોઈની ખડની સળી પણ લીધી નથી.” પછી સાધુએ ખડ નીચે નાંખી દીધું ત્યારે ગાડું હાંક્યું. ॥૩૪૦॥
એક વખત માંડણ ભગત પોતે ગાડું જોડીને પોતાને ખેતર જતા હતા અને ગાડા ઉપર તેની સ્ત્રી બેઠી હતી. તે રસ્તામાં કોઈનું સુતરનું નાડું પડ્યું હતું. પછી બાઈયે હેઠે ઉતરીને તે નાડું લીધું. તે જોઈ માંડણ ભગત બોલ્યા જે, “તે શું લીધું?” બાઈ કહે, “કાંઈ નહીં.” ભગત કહે, “સાચું બોલ નહિંતર પાટુએ મારીને હેઠે નાંખુ છું.” બાઈ કહે, “એક નાડું પડ્યું હતું તે લીધું.” ભગત કહે, “નાંખી દે નહિંતર તારા હાથનું અન્ન જળ હરામ છે.” પછી નાડું નાંખી દીધા પછી ગાડું હાંકીને ખેતર ગયા. ॥૩૪૧॥
ગામ પીપરલામાં કાનો ભગત કરીને પલેવાળ બ્રાહ્મણ હતા અને તે ખેતર ગયા હતા. પછી તેની સ્ત્રી બપોરે ભાત લઈને ખેતર જતી હતી અને તેની સાથે તેનો એક નાનો છોકરો હતો તેણે વેન કર્યું જે, “મા! મને એક સાંઠો ભાંગી દે.” પછી બાઈએ કોઈકના ખેતરમાંથી જારનું એક રાડું ભાંગીને છોકરાને આપ્યું. પછી ખેતર ગઈ ત્યાં કાના ભગતે પૂછ્યું જે, “તું પણે વાંકી કેમ વળી હતી?” બાઈ કહે કે, “વાલીએ સાંઠાનું વેન કર્યું હતું તેથી જારનું એક રાડું ભાંગીને આપ્યું હતું.” ભગત કહે જે, “વાલીયો કહેશે કે, તું કુવામાં પડ્ય તો તું કેમ પડતી નથી? માટે તારા હાથનું ખાય તે હરામ ખાય અને એક ઉપવાસ કર તો તારા હાથનું ખાઉં.” અને તે દિવસે ભગતે તેના હાથનું ખાધું નહીં અને બીજે દિવસે ઉપવાસ કર્યો ત્યાર પછી ખાધું. ॥૩૪૨॥
એક દિવસ કાનો ભગત મંદિર ગયા હતા અને ત્યાં કોઈ હરિભગત મગની ફળીયું લાવ્યો હતો. પછી મંદિરમાં વહેંચતા વધી, પછી તે કાના ભગતને આપી. તે લઈને ભગત ઘેર ગયા ત્યારે તેની ઘરવાળી બોલી જે, “આપણા ખેતરમાં મગફળી નથી. ત્યારે તમે આ કેનું ખાતર પાડીને લાવ્યા?” તે સાંભળી કાનો ભગત એકદમ મંદિર જઈ તે મગનીફળીવાળાને તેડીને ઘરે આવ્યા ને બોલ્યા જે, “આ તારી કાકી કહે છે જે તેં કેનું ખાતર પાડ્યું?” પછી તે હરિભગત બોલ્યો જે, “કાકી! એ તો હું મારે ખેતરથી લાવ્યો છું.” ત્યારે બાઈ કહે, “ઠીક.” ॥૩૪૩॥
એક કણબી ગોપાળ કરીને હતો અને તેની સ્ત્રી કુસંગી હતી. પછી તે ખેતીનું કામ કરવા ગયો હતો. ત્યાં તે બાઈ બપોરે ભાત લઈને ગઈ ત્યારે ગોપાળ ભગતે કહ્યું જે, “તું સ્વામિનારાયણ કહે તો રોટલો ખાઉં.” બાઈ કહે, “હું કાંઈ કહેતી નથી.” તેથી ભગતે પોતાના પગમાંથી જોડો કાઢીને બાઈના માથામાં મારવા લાગ્યો અને કહ્યું જે, “કહે સ્વામિનારાયણ.” એમ કહી પાંચ સાત ખાસડાં માર્યાં. ત્યારે બાઈ કહે, “સ્વામિનારાયણ.” એમ પાંચ સાત વખત કહ્યું ત્યારે ભગત ખાસડાં મારતો રહી ગયો. પછી તે બાઈની બુદ્ધિ સારી થવાથી વર્તમાન ધારીને સત્સંગી થઈને પુન્યમે પુન્યમે ગઢડે આવતી. ॥૩૪૪॥
ગામ લોયામાં ઘેલો ભગત કરીને કોળી હતા. તે અગણોતેરા કાળમાં વસવા માટે બન્ને સ્ત્રીપુરુષ ઘરેથી ચાલ્યાં. તે ચાલતાં ચાલતાં સુરત ગયાં. ત્યાં અશ્વિનીકુમારને આરે સડક ઉપર કોઈકનો (સોનાનો) તોડો પડ્યો હતો. તે જોઈ ઘેલા ભગતે તેના ઉપર ધૂળ વાળી અને તેની સ્ત્રી પાછળ ચાલી આવતી હતી, તે ભેળી થઈ ત્યારે પૂછ્યું જે, “તમે ત્યાં શું કામ ઉભા રહ્યા હતા?” ભગત કહે, “ત્યાં સોનાનો તોડો પડ્યો હતો. તેમાં તારું મન લોભાય નહિ તેટલા સારુ ધૂળ વાળી.” બાઈ કહે, “તમારો પગ વિષ્ટાવાળો થયો ને? પડી ચીજ સામું આપણાથી જોવાય જ કેમ? માટે તમારો પગ ધોઈ નાંખો.” તેટલી વારમાં કોઈ સ્વાર આવ્યો અને પૂછ્યું જે, “આટલામાં રસ્તામાં કાંઈ પડ્યું છે?” ભગત કહે, “હા, એક સોનાનો તોડો પડ્યો છે તેના ઉપર મેં ધૂળ વાળી છે.” ત્યારે સ્વાર કહે, “ચાલો, મને દેખાડો.” પછી તેને તે તોડો દેખાડ્યો અને પછી તેને શેઠને ઘેર તેડી ગયો ને વાત કરી. ત્યારે શેઠ કહે, “તમે કેવાં છો અને ક્યાં રહો છો?” પછી ભગત કહે, “અમે કાઠીયાવાડમાં રહીયે છીએ અને કોળી છીએ અને સ્વામિનારાયણના સત્સંગી છીએ અને ત્યાં દુકાળ પડ્યો છે તેથી વસવા સારુ અહીંયાં આવ્યાં છીએ.” પછી તે બન્ને જણને શેઠે પોતાને ઘેર રાખ્યાં અને દુકાળ ઉતર્યો ત્યારે તેને અન્ન વસ્ત્રાદિક સારી રીતે દઈ ઘરે મોકલ્યાં. ॥૩૪૫॥