પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે

(સંપ્રદાયમાં આ પ્રકરણ ‘પત્રીના પ્રકરણ’ તરીકે પ્રસિદ્ધ છે.)

પૂર્વછાયો સ્વસ્તિ શ્રીભુજનગરમાં, રહ્યા રાજઅધિરાજ,
સરવે શુભ શોભા ત્યાં રહે, જિયાં આપે વિરાજો મહારાજ । ૧
સર્વે સદ્‌ગુણ મણિ તણી, ધરી રહ્યા તમે માળ,
ભક્તજનના મંડળમાં, બહુ શોભો છો દયાળ । ૨
જે જન આવે આશરે, તેને આપો છો અભયદાન,
કૃષ્ણ ભક્તિ પ્રકટ કરી, આ સમે તમે ભગવાન । ૩
સર્વે ગુરુના ગુરુ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ,
એવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજ । ૪
ચોપાઈ તમે સાક્ષાતકાર ઉદ્ધવ, પ્રકટ્યા જીવ તારવાને ભવ,
ધર્મ રક્ષા કરવાને કાજ, તમે જન્મ લીધો છે મહારાજ । ૫
અવધપુરી અજય વિપર, લીધો જન્મ સુમતિ ઉદર,
એવા ઉદ્ધવ તમે રામાનંદ, જિજ્ઞાસુ જીવના સુખકંદ । ૬
તેને પૃથ્વી સ્પર્શી નમસ્કાર, કરું છું હું હજારોહજાર,
એમ કરી લખું છું વિનતિ, તમે સાંભળજ્યો મહામતિ । ૭
નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ,
એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજ્યો અમારી । ૮
કોશળ દેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી,
પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રકટ મળે એહ અર્થે । ૯
એમ કરતાં આવ્યો લોજ આંઈ, રહ્યો છું તમારા સંત માંઈ,
કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરું આગ્રહ તે કહું મહારાજ । ૧૦
તપ કરું છું કઠણ તને, નથી મોળો હું પડતો મને,
ચારે માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તેહ । ૧૧
વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ,
વળી એ માસમાં કોઈ સમે, કરું કૃચ્છવ્રતને તે અમે । ૧૨
ત્યાર પછી માઘ માસમાંય, કરું પારાકકૃચ્છ કહેવાય,
ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું હું સઈ । ૧૩
કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ,
પંચવિષયથી મન ઉતારી, કરું છું તપ કઠણ ભારી । ૧૪
તેણે કરીને શરીર માંઈ, લોહી માંસ ગયું છે સુકાઈ,
પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખ્યું મેં ચિતવ્યું ચિત । ૧૫
કૃષ્ણદ્રશ્ન આશા સુધા વેલ, તેણે જાણે આ પ્રાણ રાખેલ,
નહિ તો અન્ન વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ । ૧૬
તેને રહેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાર્યું મન,
કળિ યુગે અન્ન સમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ । ૧૭
માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા,
વળી અષ્ટાંગ યોગથી ઘણું, ઉપન્યું છે જે ઐશ્વર્યપણું । ૧૮
તેણે કરી દેહક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ,
નથી પડતાં તે કઠણ કાંઈ, તે તો પ્રભુ તમારી કૃપાઈ । ૧૯
એવો કૃષ્ણભક્ત મને જાણી, મળજો મારે માથે મહેર આણી,
મારે માત તાત બંધુ લૈયે, સુહૃદ સ્વામી ગુરુ કૃષ્ણ કૈયે । ૨૦
તેહ કૃષ્ણ વિષે છે સનેહ, બંધાણા છે મન પ્રાણ દેહ,
તે વિના બીજે પ્રીત બંધાણી, તે તો શ્રીકૃષ્ણના ભક્ત જાણી । ૨૧
તે વિના પંચવિષય દેનાર, વા હોય સંબંધિ નરનાર,
તેને નો’ય જો કૃષ્ણમાં પ્રીત્ય, તો તજું તેને વૈરીની રીત્ય । ૨૨
તેમાં કાઢશો દોષ જો તમે, તિયાં કહીએ છીએ સ્વામી અમે,
આગે ત્યાગ્યું એમ મોટે મોટે, તેને આવી નહિ કાંઈ ખોટે । ૨૩
જુવો વિભિષણે તજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત,
તજી વિદૂરે કુળની વિધિ, ૠષિપત્નીએ તજ્યાં સંબંધી । ૨૪
ગોપીએ તજ્યો પતિનો સંગ, તજ્યો પુત્ર વેનરાજા અંગ,
તજ્યો પ્રહ્‌લાદે પિતાને વળી, તેમ ગુરુ તજ્યો રાજા બળી । ૨૫
તેની અપકીર્તિ નવ્ય થઈ, સામું કીર્તિ શાસ્ત્ર માંહિ કઈ,
માટે એ રીત્ય અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યા પ્રહરિ । ૨૬
માટે કૃષ્ણભક્ત મને વા’લા, બીજા સર્વ લાગ્યા છે નમાલા,
જેને તમારા જનશું નેહ, તે જ પામ્યા છે મનુષ્ય દેહ । ૨૭
બીજા જીવ છે પશુ સમાન, જેને વિષય સંબંધી છે જ્ઞાન,
તેમાં ને પશુમાં ફેર નથી, એમ વિચારું છું હું મનથી । ૨૮
મનુષ્ય દેહને ઇચ્છે છે દેવ, તે પામી ન કરી હરિસેવ,
તે તો પશુ પૂછ શિંગ હીણ, મર હોય ગુણી પરવીણ । ૨૯
કુળ કીર્તિ રુડા ગુણ રૂપ, હોય ઐશ્વર્યે કરી અનૂપ,
તે તો જક્તમાં શોભે છે ઘણું, જેમ શોભે ફળ ઈન્દ્રામણું । ૩૦
સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણભક્તિ કરે જન જ્યારે,
કૃષ્ણભક્તિહીણ ગુણ હોય, વણ લુણે વ્યંજન સમ સોય । ૩૧
ભક્તિહીણ બ્રહ્મલોક જાય, તો પણ કાળ થકી ન મુકાય,
ભગવાનનું અંતરમાં સુખ, નથી પામતા હરિ વિમુખ । ૩૨
માટે કૃષ્ણની ભક્તિ છે મોટી, જેથી સુખી થયા કોટિ કોટિ,
શિવ બ્રહ્મા ઈન્દ્ર શુકાદેલિ, કરે ભક્તિ માનને મેલી । ૩૩
જેમ કરે છે બીજા સહુ જીવ, તેમ કરે છે બ્રહ્મા ને શિવ,
રાધા આદિ શક્તિઓ અપાર, કરે સેવા દાસી જેમ દ્વાર । ૩૪
અલ્પ જીવ કૃષ્ણભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે,
બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળચવિણો । ૩૫
એવું માહાત્મ્ય શ્રીકૃષ્ણતણું, સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું,
માટે મેલી આળસ હું અંગે, કરું છું ઉગ્ર તપ ઉમંગે । ૩૬
તે તો કૃષ્ણ પ્રસન્ન થાવા માટ, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ,
પામશે ચિત્ત નિરાંત ત્યારે, મળશે કૃષ્ણ પ્રકટ જ્યારે । ૩૭
માટે સંતવચને બંધાઈ, રહ્યો છું તમારા સાધુમાંઈ,
વળી જોઉં છું તમારી વાટ, અતિ વિરહમાં કરું છું ઉચાટ । ૩૮
કૃષ્ણકીર્તિ વિના પદગાન, શબ્દ લાગે ત્રિશૂળ સમાન,
નારી રુપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી । ૩૯
વળી સુગંધી પુષ્પની માળ, તે તો લાગે છે કંઠમાં વ્યાળ,
ચંદન કેસર ને કુંકુંમ, તે લેપન લાગે પંકસમ । ૪૦
કૃષ્ણ વિષે રહ્યું મારું મન, રહેવું પ્રાસાદે લાગે છે વન,
ઝીણાં ઘાટાં અંબર છે જેહ, થયાં સર્પસમ મને તેહ । ૪૧
નાનાં પ્રકારનાં જે ભોજન, તે લાગે છે ઝેર જેવાં અન્ન,
વળી જે જે વસ્તુ સુખકારી, તે સર્વે મને થઈ છે ખારી । ૪૨
કૃષ્ણદર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજ્યો સંદેશો વહેલો,
તમારું દર્શન જ્યારે થાશે, ત્યારે સર્વે દુઃખ મારાં જાશે । ૪૩
માટે કૃપા કરી દર્શન દેજ્યો, વિરહાબ્ધિમાં બુડ્યાં બાંયે ગ્રેજ્યો,
જેમ વર્તે છે પોતાને મન, એવાં લખ્યાં વર્ણીએ વચન । ૪૪

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading