text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૧૧. ભગવાનના નિશ્ચયની વાતો

ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભક્ત ભગવાનને એમ સમજે છે જે ભગવાનને કોઈ દોષ અડતો નથી કેમ જે ભગવાન તો સર્વેના કારણ છે તે જે જે ક્રિયામાં પ્રવર્તે છે પણ તે વિના તો જીવ કાંઈ કરવાને કે ભોગવવાને સમર્થ નથી. માટે ઉત્તમ સવિકલ્પ નિશ્ચય એવો ભેદ પડ્યો, કેમ જે અંતર્યામીપણે સર્વે ક્રિયાને ભગવાન કરે છે એમ એ સમજે છે તેમાં આ બે દોષ આવે છે જે સર્વે જીવ પ્રાણીમાત્રને વિષે અંતર્યામીપણે તો મહાપુરુષ છે તે જેવા પુરુષોત્તમને જાણ્યા. ભગવાન જે તે સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા થકા સર્વે જીવ પ્રાણીમાત્રના જે વિષય છે તેને અંતર્યામીપણે રહ્યા થકા સર્વેના ભોગને ભોગવે છે પણ ભગવાન તો અતિ સમર્થ છે તેને કોઈ દોષ અડતો નથી પણ ભગવાનને એ વિષયને ભોગવ્યા વિના ચાલતું નથી એમ ભગવાનને જાણે, પણ એમ ન જાણે જે ભગવાન તો જે જે કાંઈ પદાર્થને ગ્રહણ કરે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે એમ ન જાણે. ॥૧૨૫॥

કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવાનને આકાશ જેવા સમજે છે. જેમ આકાશને ચાર ભૂતની ક્રિયા અડતી નથી તેમ ભગવાનને કોઈ દોષ અડતો નથી એમ સમજે પણ દેશકાળે કરીને કોઈ સમે વૈરાજપુરુષની તથા સંકર્ષણની મોટપ કે ઐશ્વર્યને જોઈને તથા શાસ્ત્રમાંથી સાંભળીને એને કોઈક સમે એવો ઘાટ થાય જે ભગવાન આગળ એ પણ છે તથા તેના વિષયમાં કોઈક સમે રાગ જેવું જણાય પછી તે સંકલ્પને ટાળીને ખોટો કરી નાખે ને વળી કોઈક સમે પાછો એવો ઘાટ થાય તે માટે કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય એવો ભેદ પડ્યો. ॥૧૨૬॥

મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવાનને બ્રહ્મરૂપ સમજે ને ભગવાન તો કોઈને પ્રવૃત્તિને વિષે જોડતા નથી અને વૈરાજપુરુષ તથા મહાવિષ્ણુ આદિક જે કોટાનકોટિ માયાને વિષે જોડાણા છે તે તો પોતાને રાગે કરીને જોડાણા છે પણ ભગવાન તો કોઈને માયાને વિષે તથા વિષયને વિષે જોડતા નથી એમ સમજે. માટે એને કોઈને વિષે ભાર ન આવે પણ મહાપુરુષની મોટપ જોઈને તથા સાંભળીને તથા તેના ઐશ્વર્ય જોઈને કોઈક સમે એવો સંકલ્પ થાય જે ભગવાનને પણ આવી વિભૂતિઓ છે તથા તેના વિષયને વિષે રાગ જેવું જણાય તથા તે વિષયમાં સારાપ્ય મનાય પછી વળી તે સંકલ્પને ખોટા કરીને એમ સમજે જે મહાપુરુષ તથા બીજા જે જે માયાને વિષે જોડાયા છે તથા નિવૃત્તિ ધર્મને વિષે જોડાયા છે તે પોતાને મોટપનો રાગ છે તે માટે જોડાયા છે પણ ભગવાન તો કોઈ ને કોઈ સંઘાથે તથા મોટપમાં તથા કોઈ વિષયમાં જોડતા નથી ને જે જોડાય છે તે પોતપોતાને રાગે કરીને જોડાય છે એમ સમજીને તે સંકલ્પને ખોટા કરી નાખે તે માટે એને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય એવો ભેદ પડ્યો. ॥૧૨૭॥

ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવાનને એમ સમજે જે મહારાજ તો કોઈને ક્યાંય જોડતા નથી; મહારાજ તો અક્ષરધામને વિષે પોતાના એકાંતિક જે ભક્ત તેને નિરંતર દર્શન આપે છે પણ પોતાને બીજા કોઈની પાસે કાંઈ કરાવવું નથી અને મહાપુરુષાદિક જે જે પ્રવૃત્તિ તથા નિવૃત્તિને વિષે જોડાયા છે તે તો પોતાને રાગે કરીને જોડાયા છે તેને અક્ષર દ્વારે કરીને જોડે છે પણ પોતે તો કોઈને પ્રવૃત્તિને વિષે જોડતા નથી. તે ઉપર મહારાજે વાત કરી હતી જે પ્રથમ સૃષ્ટિ કરવાનો સમય થયો ત્યારે ભગવાને અક્ષર સામું જોયું ત્યારે અક્ષરે અનંતકોટિ મુક્ત બેઠા હતા તે સામું જોયું, તેમાંથી જેને સત-આશય હતો એવો જે પુરુષ તે આગળ આવીને ઊભો રહ્યો ત્યારે અક્ષરે વૃત્તિએ કરીને તેને માયાને વિષે જોડ્યો ત્યારે માયા થકી અનંતકોટિ મહાવિષ્ણુ થયા. પછી એક એક મહાવિષ્ણુ થકી એક એક બ્રહ્માંડ ઉત્પન્ન થયું. એવી રીતે અનંતકોટિ બ્રહ્માંડ ઉત્પન્ન થતાં હવા. ત્યારે કેટલાકે એમ જાણ્યું જે એને રાગ હતો તે જોડાણો ને કેટલાકે તો એમ જાણ્યું જે એને રાગ પણ હતો અને મહારાજે આજ્ઞા કરી એટલે માયા સાથે જોડાણો અને કેટલાકે તો એમ જાણ્યું જે એને જોડાવું નહોતું પણ મહારાજે આજ્ઞા કરી તેથી માયા સાથે જોડાણો માટે એ બેય પાછળથી કહ્યા તેમણે એ કાચપ ટાળી જોઈએ એમ જે સમજે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ॥૧૨૮॥

નિર્વિકલ્પ નિશ્ચયવાળાને પંચવિષયને વિષે પણ અને ત્રણે અવસ્થામાં દેશકાળે પણ રાગ ન થાય તથા કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા, અસૂયા અને રસાસ્વાદ, અહંમમત્વ આદિક કોઈ અધર્મના સર્ગમાં લેવાય નહિ અને તે કોઈ દેશકાળે પણ એને વિષે ન લેવાય કેમ જે એ ભૂંડા દેશકાળાદિકને સેવે જ નહિ અને પંચવિષયમાં તથા કામાદિક અધર્મના સર્ગમાં જે લગારેક પણ લેવાય તો એમ જાણવું જે એને વિષે એટલું સવિકલ્પપણું છે. તે જેમ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, વિરાટ, પ્રધાનપુરુષ, મૂળપ્રકૃતિપુરુષ એ સર્વે સવિકલ્પ નિશ્ચયવાળા છે તો એ વિષયનો ત્યાગ કરવા જાય તો પણ વિષયમાં એક રસ થઈ જાય છે. પણ ઐશ્વર્યનો ત્યાગ કરીને સત્તારૂપ થઈને એ ઉપાધિનો ત્યાગ નથી થાતો. અને જો અક્ષરના મુક્ત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે તો એક પુરુષોત્તમ એવા જે શ્રીજીમહારાજ તેની મૂર્તિમાં જ સુખ પામે છે પણ તે મૂર્તિ વિના અક્ષરના સુખે તથા આત્માના સુખે કરીને પણ અકળાઈ જાય છે પણ તે મૂર્તિ વિના રહી શકતા નથી અને વળી એમ સમજે જે મહારાજને તો કોઈને નિવૃત્તિ ધર્મની તથા પ્રવૃત્તિ ધર્મની એ આદિક કોઈ ક્રિયા કોઈ પાસે કરાવવી નથી. એ તો જેને જે ક્રિયા કર્યાનો રાગ હોય તેને તે ક્રિયાને વિષે પ્રેરે છે પણ પોતાને તો એક પોતાની મૂર્તિનાં જ દર્શન કરાવવાં છે પણ બીજું કાંઈ કોઈ પાસે કરાવવું નથી અને જે મહાપુરુષાદિક ઐશ્વર્યમાં જોડાણા છે તે તો પોતાને એ ઐશ્વર્યને ભોગવવાની વાસના છે, માટે જોડાણા છે એમ જે સમજતો હોય તેને નિર્વિકલ્પ નિશ્ચયવાળો જાણવો. ॥૧૨૯॥

નિર્વિકલ્પ નિશ્ચય જેને હોય તે વિષયમાં ન લેવાય અને જેને સવિકલ્પ નિશ્ચય હોય તે તો વિષયનો ત્યાગ કરવા જાય તો પણ વિષયમાં એકરસ થઈ જાય અને નિર્વિકલ્પ નિશ્ચય જેને હોય તેને દેહ ને દેહ સંબંધી પદાર્થ અને દેહની શુશ્રુષાને કરનારો એટલાને વિષે પ્રીતિ ન થાય અને અતિશય બીતો રહે અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થામાં જ્યારે દેખે તો પણ શત્રુભાવ જ રહે અને તે વિષયમાં રાગ ન થાય. જેમ એક તો રેતી પલાળીને ઇંટો ચણી હોય અને એક તો ચૂનામાં ઇંટો ચણી હોય તેમ નિર્વિકલ્પ નિશ્ચય ને સવિકલ્પ નિશ્ચયની ક્રિયામાં ફેર છે. નિર્વિકલ્પ નિશ્ચયવાળાને વિષયમાં રાગ ન હોય. ॥૧૩૦॥

સત્યયુગ તથા ત્રેતાયુગ તથા દ્વાપરયુગને વિષે ભગવાન પોતાના ભક્તની રક્ષાને અર્થે સુદર્શન ચક્રને મોકલતા અને તે ચક્રે કરીને ભક્તની રક્ષા કરતા અને કળિયુગને વિષે તે ચક્ર મૂકીને કેમ ભક્તની રક્ષા કરતા નથી? શું કળિયુગના ભક્ત ભગવાનને વહાલા નથી? અને હળાહળ કળિને વિષે ભગવાનનું ભજન કરે તેની તો ભગવાને વિશેષ રક્ષા કરવી જોઈએ. માટે કળિને વિષે ભક્તની રક્ષાને અર્થે સુદર્શન ચક્રને કેમ મોકલતા નથી? શું કળિયુગમાં ભગવાનની વિષમ દૃષ્ટિ થઈ જે બીજા યુગમાં ભક્તની રક્ષા કરી ને કળિયુગમાં ભક્તની રક્ષા નથી કરતા? ઉત્તર કર્યો જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જ સુદર્શન ચક્ર છે ને તે ચક્રને વિષે દશ હજાર સૂર્યનો પ્રકાશ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે તો જુઓને, જ્ઞાનને વિષે પણ એટલો પ્રકાશ છે કેમ જે જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધારું છે તે ચંદ્રમા તથા સૂર્ય તથા પ્રલયકાળનું મહાતેજ તે કોઈ જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધારાને ટાળવા સમર્થ નથી. તે અંધારાને જ્ઞાન ટાળી નાખે છે. તે જુઓ દશ હજાર સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ છે અને સુદર્શન ચક્ર સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગને વિષે ભગવાનના ભક્તની રક્ષા કરતું ને આ જ કળિયુગને વિષે તેનું તેજ રક્ષા કરે છે. ત્યારે કહેશો જે કઈ રીતે રક્ષા કરે છે તે કહીએ છીએઃ જ્યારે પ્રભુનો ભક્ત હોય તેના હૃદયમાં કામ, ક્રોધાદિક ભૂંડા ઘાટ બંધાય છે ત્યારે તે ભક્તને એવો વિચાર થાય જે મને ભગવાન મળ્યા તે હું એવો લાભ મૂકીને ભગવાનના વચનને લોપીને કુમાર્ગે કેમ ચાલુ એવો ભગવાનના નિશ્ચય યુક્ત વિચાર થાય છે ત્યારે ભૂંડા ઘાટ ટળી જાય છે. માટે ભક્તજનના શત્રુ તથા રાક્ષસ તો કામક્રોધાદિક છે તે થકી રક્ષા પણ જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર તે કરે છે. માટે કળિયુગને વિષે જો ભગવાન સુદર્શન ચક્ર મોકલીને અંબરીષ રાજાની પેઠે રક્ષા ન કરતા હોય તો એથી સત્સંગના વર્તમાન પણ પળે નહિ ને પ્રભુનું ભજન પણ થાય નહિ કેમ જે કામક્રોધાદિક તો એવા બળિયા છે તે શિવ-બ્રહ્માદિકની લાજ લીધી છે તો જીવનો શો ભાર? માટે ભગવાન પોતાના ભક્તની જ્ઞાનરૂપી સુદર્શન ચક્રે કરીને સર્વે કાળને વિષે રક્ષા કરતા આવે છે ને આજ પણ જ્ઞાનરૂપી સુદર્શન ચક્રે કરીને પોતાના ભક્તની રક્ષા કરે છે. માટે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તે જ સુદર્શન ચક્ર છે. ॥૧૩૧॥

ઇંદ્રિયોને વિષે ને અંતઃકરણને વિષે ને જીવને વિષે ભગવાનનો નિશ્ચય હોય તેની પ્રાપ્તિ કહો? ઉત્તર: જે જેને ઇંદ્રિયોને વિષે ભગવાનનો નિશ્ચય હોય તે તો દેહ મૂક્યા પછી ઇન્દ્ર જેવો થાય ને જેને અંતઃકરણને વિષે નિશ્ચય હોય તે તો દેહ મૂક્યા પછી બ્રહ્માદિક ત્રણ દેવ જેવો થાય ને જેને જીવને વિષે નિશ્ચય હોય તે તો દેહ મૂક્યા પછી અક્ષરના મુક્ત જેવો થાય છે. ॥૧૩૨॥