text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૧૨. મોટા પુરુષનો મહિમા સમજવો અને સંગ રાખવાની વાતો

શ્રીજીમહારાજે પોતાની રુચિ કહી તે ઉપર સ્વામીએ વાત કરી જે ભક્તિસિદ્ધિમાં109 ઓગણપચાસ કહ્યા જે અધર્મના સર્ગ110 તેણે રહિત જે સંત હોય અને તેને વિષે કહ્યા જે ઓગણસાઠ ધર્મસર્ગ તેણે સહિત જે સંત હોય તથા ધર્મામૃતમાં કહ્યા જે ધર્મ તેને અતિશય દૃઢપણે પાળતો હોય તથા ભગવાનની ભક્તિએ યુક્ત હોય એવાનો સંગ આપણે કરવો પણ દોષયુક્ત હોય તેનો સંગ તો ક્યારેય ન કરવો. તે જો તેનો સંગ કરે તો તેના દોષ પોતામાં આવે. તે માટે વિચારીને સંગ કરવો અને ભગવાનને અર્થે કરવું તેને ભક્તિ કહીએ. ॥૧૩૩॥

એક તો ત્યાગી થઈને ત્યાગીનો ધર્મ દૃઢ પાળવો ને ગૃહસ્થને ગૃહસ્થનો ધર્મ દૃઢ પાળવો અને શ્વેત તેજને વિષે ભગવાન સદાય મૂર્તિમાન બિરાજમાન છે એમ જાણીને તે ભગવાનની ભક્તિ કરતો હોય ને પોતાને ને અક્ષરને એક કરીને માને ને ભગવાન વિના બીજે એક અણુ માત્ર પણ પ્રીતિ ન હોય એવી રીતનો પોતે થયો હોય તો પણ ભગવાનનું માહાત્મ્ય જાણવાને અર્થે એકાંતિક સાધુનો સમાગમ મન, કર્મ, વચને કરીને નિરંતર રાખવો. ॥૧૩૪॥

એકાંતિક ધર્મને વિષે વર્તાવવું તે તો પંડે ભગવાન હોય તો વર્તાવે તથા તે ભગવાનના એકાંતિક સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિએ યુક્ત હોય તથા ભગવાનની મરજીને જાણીને તે ભગવાનની મરજી પ્રમાણે વર્તતા હોય તથા પોતે ઐશ્વર્યે કરીને સર્વેને દાબે એવા સમર્થ હોય તે પણ એકાંતિક ધર્મને વિષે વર્તાવે. ॥૧૩૫॥

સત્પુરુષ ને સત્શાસ્ત્રના વચન વિના પોતાના મનને જાણે જીવ જે જે કરવાનું ધારે તેને દેહાભિમાન કહેવાય. અને તેને કોઈ ટાળવાનું કરે ત્યારે તેને બહુ દુઃખ થાય. ॥૧૩૬॥

ને મનુષ્યને કોઈક જાતનો અયોગ્ય સ્વભાવ હોય ને તેમાંથી તેના જીવનું ભૂંડું થાય એવું હોય, તેને ભગવાન કે સાધુ ટોકે ત્યારે તે સવળું ન લેવાય ને અવળું લેવાય અને તેની આંટી બંધાય એવો જે હોય તેના સત્સંગનો નિર્ધાર ન જાણવો. એ તો જ્યારે ત્યારે જરૂર વિમુખ જ થાય. અને જો કોઈ એને નભાવનારો હોય અને એના સ્વભાવ પ્રમાણે કોઈક વર્તવા દે તો માંડમાંડ સત્સંગમાં નભે અને એવો નભાવનારો ન હોય તો એ જરૂર સત્સંગમાંથી પડી જાય. માટે સ્વભાવને ટાળવા સારુ મોટા પુરુષ વચન કહે તેમને હિતકારી માનીને તે પ્રમાણે વર્તવું પણ આંટી ન બાંધવી. ॥૧૩૭॥

શ્રીજીમહારાજના વચન પ્રમાણે જ જે સંતને પોતાના આત્માનું હિત કરતાં આવડે અને તે વચન પ્રમાણે રહીને મહારાજની પ્રસન્નતા કરવી તેનો ખટકો હોય અને તે વચન પ્રમાણે વર્તતો હોય અને સર્વે પ્રકારે બુદ્ધિ પહોંચતી હોય અને બીજાના જીવને પણ જાણતા હોય અને તેના જીવનું પરલોક સંબંધી હિત સર્વે પ્રકારે કરતાં આવડતું હોય એવા જે સંત પોતાને જણાય તેના વચનમાં વિશ્વાસ રાખીને તે કહે તે પ્રમાણે વર્તે તો પણ ઠીક છે અને એ વિના જે બીજો માર્ગ તે તો પડવાનો છે. ॥૧૩૮॥

દેશકાળાદિક આઠ છે તેમાં સર્વ કરતાં સંગનું બળ અતિ અધિક છે કેમ જે સત્પુરુષનો સંગ હોય તો દેશકાળાદિક સારા જ થાય છે અને અસત્પુરુષનો સંગ થાય તો દેશકાળાદિક અસત્ થાય છે. માટે જે પુરુષ રૂડા સત્પુરુષનો નિરંતર સંગ કરે તો એ સારો ને સારો જ રહે અને દેહાભિમાની એવા અસત્પુરુષનો સંગ કરે તો બગડી જાય છે. ત્યારે એક સંતે પૂછ્યું જે એ પુરુષને ક્યાં સુધી સત્સંગ કરવો? ઉત્તર: જે એ પુરુષને સત્સંગ કરતે કરતે એવો સ્વભાવ થઈ જાય જે સારું ખાવું, સારાં વસ્ત્ર, સારી પથારી, માન ઇત્યાદિક જે પંચવિષય સંબંધી સારાં પદાર્થનો જે યોગ તેનો સહજ સ્વભાવે અરુચિનો સ્વભાવ થઈ જાય. માટે એ સારાં પદાર્થનો યોગ થાય, તો પણ તેનો ત્યાગ કરવો ગમે, પણ તેનો ભોગ તો ગમે જ નહિ. અને જેવે તેવે અન્ન વસ્ત્રાદિકને ભોગે કરીને દેહનિર્વાહ કરે એવો સ્વભાવ થઈ જાય ત્યારે જાણીએ જે એ સત્સંગ કરીને પક્વ થયો. અને જ્યાં સુધી એવો નથી થયો ત્યાં સુધી તો એનો એને ભય છે અને તેને જો સત્સંગનો જોગ રહે તો એ સારો રહે અને સત્સંગ ન કરે અને પોતે પોતાને જાણે જે હું તો હવે સારો થઈ ગયો માટે મારે હવે શો ભય છે? એમ પ્રમાદ રાખે તો એનું ઠેકાણું ન રહે. અને જો એ પક્વ થયો હોય તો એ જ્યાં જાય ત્યાં એને એવું બળ હોય જે જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, ધર્મ, ભક્તિ તે સંબંધી વાત કરીને કેટલાક પુરુષનો પોતાના જેવો સ્વભાવ કરે પણ પોતે કોઈ વિષયને ચાળે ચડી જાય નહિ. આ વાર્તા નિશ્ચિત છે પણ એમાં સંશય નથી. ॥૧૩૯॥

ખરેખરા સાધુ હોય તેને કોઈ જાતનો સ્વાર્થ ન હોય અને પોતાથી જેની શ્રેષ્ઠ પ્રકૃતિ હોય તેની પાસે પોતાનો શિષ્ય જાય ત્યારે રાજી થાય કેમ જે તેને તો તેના જીવનું હિત કરવું હોય અને ઊતરતી પ્રકૃતિવાળા પાસે જાય તો કુરાજી થાય કેમ જે એનો જીવ બગડી જાશે એમ જાણે અને નિઃસ્વાર્થી સાધુ હોય તેને તો તેના જીવનું ભગવાનમાં હેત કરાવવાનું હોય અને સ્વાર્થી હોય તેને તો પોતાની ઉપર તેનું હેત કરાવવાનું હોય માટે સ્વાર્થી સાધુ હોય તેને તો ઇન્દ્ર બ્રહ્માદિક દેવ જેવો ભગવદ્‌ભક્ત જાણવો અને જે સ્વાર્થે રહિત હોય તેને નારદ, સનકાદિક, શુકદેવ અને જડભરતાદિક જેવો સાધુ જાણવો. ॥૧૪૦॥

જેને કોઈ પદાર્થની ઇચ્છા હોય નહિ તે શ્રીહરિજીનો એકાંતિક ભક્ત થયો તેને પણ શ્રીહરિજી ને તેમના ભક્તની સેવા તો કરવી કેમ જે એ તો સર્વેથી શ્રેષ્ઠ છે અને બીજાં સર્વે સાધન તો એને અર્થે છે. તથા એવાને પણ ભગવાનના ખરેખર ભક્તનો સંગ રાખવો. ॥૧૪૧॥

કમાદિક દોષ છે તે ભગવાન સાથે અંતરાય રાખે છે તેમ જ એ દોષ ન હોય તો પણ જો એને ભગવાનની મરજી પ્રમાણે વર્તતા એવા જે એકાંતિક ભક્ત તેનો સમાગમ ન હોય તો ભગવાન સાથે અંતરાય રહી જાય કેમ જે, જે એકાંતિક ન હોય તેને ભગવાનની મરજી પ્રમાણે વર્તવાની રીત યથાર્થ આવડતી ન હોય ત્યારે એના સંગના કરવાવાળાને તે રીત ક્યાંથી શીખવે? માટે એને ભગવાન સાથે અંતરાય રહી જાય છે. માટે જેને અંતરાય ન રાખવો હોય તેણે એકાંતિક ભક્ત સાથે હેત અને સંગ રાખવો. ॥૧૪૨॥

અંતઃકરણ ને આત્મા એ બેના વચ્ચે જે વિચાર રહે છે, તે વિચાર કોનો સમજવો? એ વિચાર છે તે અંતઃકરણનો પણ નથી અને જીવનો પણ નથી. એ વિચાર તો સત્શાસ્ત્ર અને સત્પુરુષનો છે. તે જ્યારે મુમુક્ષુ પ્રથમ સત્પુરુષના મુખ થકી સત્શાસ્ત્રમાંથી વિચારીને શીખે છે. અને તે વિચાર ઇંદ્રિયો ને અંતઃકરણમાં રહે છે, અને તે વિચાર દેહ ને દેહના સંબંધી ને માયિક પદાર્થ તે સર્વેને ખોટાં કરે છે. ॥૧૪૩॥

સત્પુરુષ જે દેવને પધરાવે છે ત્યારે તે દેવમાં દૈવત આવે છે. તથા શાસ્ત્ર ને સાધુપણું તથા તીર્થ તે એ સાધુનું કર્યું થાય છે. પણ એ ચારે કરીને સાધુ નથી થાતા. ॥૧૪૪॥

શ્રીજીમહારાજે કહ્યું જે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું તેવો તપ, દાન, તીર્થ, અષ્ટાંગયોગ તેણે કરીને નથી થાતો. એવો જે સત્સંગ તે તો મોટા સંતના સમાગમથી સમજાય છે. તે હેતુ માટે મન, કર્મ, વચને કરીને તેનો સંગ કરવો. ॥૧૪૫॥

જીવ માત્ર મોટેરા વતે સુખિયા ને મોટેરા વતે દુખિયા તે મોટેરાને વિષે ત્રણ વાનાં જોઈએઃ ધર્મ, ધીરજ ને જ્ઞાન, તો શોભે. ॥૧૪૬॥

મા બાપ થકી જે દેહ પમાય છે તે તો અજ્ઞાનમય છે ને ગુરુ થકી જે દેહ પમાય છે તે તો જ્ઞાનમય દેહ છે ને મોક્ષનો હેતુ છે ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિનો પમાડનારો છે. ॥૧૪૭॥

જેમ ઔષધ લઢી લઢીને અતિશય ઝીણું કર્યું હોય તે આંખમાં નાખે તો ખટકે નહિ તેમ સત્પુરુષના સંગે કરીને ધર્મજ્ઞાનાદિક શીખીને સત્સંગની સમજણ પક્વ કરી હોય તો દેશકાળાદિકે કરીને પણ મતિ ફરે નહિ. ॥૧૪૮॥

કસર માત્ર ટાળ્યાનો એવો એક જબરો ઉપાય કયો છે? ઉત્તર: જે મહત્પુરુષનો સર્વ પ્રકારે વિશ્વાસ રાખીને સમાગમ કરવો એ એક જ ઉપાય અતિશય બળવાન છે. તે ભાગવતમાં પણ કહ્યું છે જે

नैषामतिस्ताव दुरुक़मांध्रि स्पृशत्यनर्थापगमोयदर्थः।

महीयसां पादरजोभिषेकं निष्कंनानां न वृणीत यावत्॥111 ॥૧૪૯॥

શ્રીહરિ મહારાજની પ્રાપ્તિ થઈ એ તો બહુ મોટું કામ થયું છે, પણ લોભ, કામાદિક અંતરશત્રુ જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી શ્રીહરિને વિષે પણ દોષ પરઠે છે. માટે સત્પુરુષનો સમાગમ કરીને દેહાભિમાન રૂપ દોષ ટાળીને ને ધર્મજ્ઞાનાદિક ગુણને શીખીને એકાંતિક ભક્ત થાવું. ॥૧૫૦॥

શાસ્ત્રમાં એમ કહ્યું છે જે સત્પુરુષના સંગે કરીને જીવ સુખિયો થઈ જાય છે. માટે સત્પુરુષનાં લક્ષણોને શાસ્ત્રમાંથી સમજીને તેમની મોટપ વચનામૃત આદિક શાસ્ત્રમાંથી જાણીને ને વિચારીને ને તેમની અનુવૃત્તિમાં મન, કર્મ, વચને કરીને વર્તવું. તે કહ્યું છે જે, “उत्तमानेव सेवेत प्राप्तकाले तु मध्यवान्”112 એવી રીતે શ્રેષ્ઠ થાવાની ઇચ્છા રાખવી. ને શાસ્ત્રનો સિદ્ધાંત ને મહત્પુરુષનો સિદ્ધાંત એ બેને મેળવવા. જો એક સિદ્ધાંત થાય તો એ મહત્પુરુષનો વિશ્વાસપૂર્વક સંગ કરવો ને વેગવાન થાવું નહિ પણ શાંત થાવું કેમ જે વેગવાનને સત્શાસ્ત્ર સમજાતાં નથી. ॥૧૫૧॥

શ્રીહરિજીનું ભજન સ્મરણ કેમ કરવું? ઉત્તર: જે અક્ષર ને અક્ષરના મુક્ત છે તે તો અક્ષરરૂપ થઈને ભજન કરે છે ને શ્વેતદ્વીપના મુક્ત છે તે તો સત્તારૂપે રહીને કારણ શરીરના ભાવને જ ટાળતા થકા ભજન કરે છે ને બદ્રિકાશ્રમના મુક્ત તો સત્તારૂપ રહીને સ્થૂળ, સૂક્ષ્મના ભાવને ટાળતા થકા ભજન કરે છે ને આપણ સર્વે તો સ્થૂળભાવે વર્તતા થકા ભજન કરીએ છીએ તેમાં પણ કેટલાક તો અક્ષરભાવે વર્તે છે ને કેટલાક તો સત્તાભાવે વર્તે છે ને સર્વ કરતાં અનુવૃત્તિમાં રહેવું એ કઠણ જણાય છે કેમ જે બીજાના મનગમતા પ્રમાણે વર્તવું. માટે સ્વરૂપમાં રહેવા કરતાં પણ એ કઠણ છે. ॥૧૫૨॥

બુદ્ધિવાનને એકાંતિક ધર્મ સમજાય તો ખરો પણ પોતાનાં જે નાના પ્રકારનાં જે વિંબાં113 છે તેને મૂકી શકે નહિ ને સત્પુરુષની અનુવૃત્તિમાં પણ રહી શકે નહિ એ ખોટ બુદ્ધિવાનને વિષે જણાય છે ને મૂઢ ભક્તને વિષે શ્રદ્ધા તો હોય પણ સમજી શકે નહિ એ ખોટ છે. ॥૧૫૩॥

નારાયણ બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો જે એક તો મુમુક્ષુ જેવો જણાતો હોય પણ તેને મોટાનો યોગ થાતો નથી ને એક તો મોટાનો યોગ કર્યામાં બહુ બીવે છે એ બેયનું શું કારણ હશે? ઉત્તર: જે મુમુક્ષુને મોટાનો યોગ થાતો નથી તેને તો પૂર્વ જન્મને વિષે અથવા આ જન્મને વિષે મોટાની ક્રિયામાં અરુચિ એ જ કારણ જણાય છે અને જે મોટાનો યોગ કર્યામાં બીવે છે તે તો ધર્મમાં શિથિલ વર્તે છે માટે બીવે છે. ॥૧૫૪॥

સંત જે તે સ્વભાવને ટાળવા સારુ લાગતાં વેણ દુઃખવીને કહે તો પણ હિતકારી જ માનવા ને સંત ભેળા જ ભળવું ને સ્વભાવ ભેળા તો ભળવું જ નહિ. ॥૧૫૫॥

સમૈયામાં જઈને સત્પુરુષની સોબત કરીને કમાણી કરવી ને તેને વધારવી તે કોઈક તો વધારે છે ને કોઈક તો ઘટાડી પણ દે છે ને કેટલાક તો બરોબર પણ રાખે છે. તે એ કમાણી શી? તો શ્રીહરિજીને વિષે માહાત્મ્યે યુક્ત ને ધર્માદિક અંગે સહિત જે ભક્તિ કરવી તે પણ મહત્પુરુષના સંગે કરીને શીખવી. ॥૧૫૬॥

વિદ્યાર્થીના અભ્યાસના દૃષ્ટાંતે114 કરીને વાર્તા કરી જે સદ્‌રુચિનો અભ્યાસ ને સત્પુરુષનો સંગ નિરંતર રાખે તો સદ્‌વાસના વૃદ્ધિ પામે છે. એ રીતે બહુ વાર્તા કરી. ॥૧૫૭॥

જીવને પંચ વિષય સંબંધી સુખ છે તે તો નવાં ને નવાં જ રહે છે ને પરમેશ્વરને વિષે ભક્તિ જે કરવી ને મહિમા શીખવો તથા ધર્મજ્ઞાનાદિક જે ગુણ શીખવા તે સર્વે જૂનાં થઈ જાય છે એનું કારણ છે જે એને શ્રીજીમહારાજનો ને એકાંતિક સાધુનો મહિમા સમજાણો નથી માટે શ્રદ્ધા અતિ મંદ રહે છે તે સારુ સત્પુરુષનો સંગ અતિ દૃઢ શ્રદ્ધા રાખીને કરવો. ॥૧૫૮॥

પાંચ પ્રકારના મનુષ્ય સંસારનો ત્યાગ કરે છે તેમાં (૧) નિર્ધન, (૨) આળસુ, (૩) ક્રોધી, (૪) વિચારવાન ને (૫) બાળક. તેમાં બાળકને તો જેવો સંગ મળે તેવો થાય છે ને અલ્પ બુદ્ધિવાન સંતનો સંગ મળે તો ડોળિયો115 થઈ જાય છે. જેમ બાળકને જેવી ગળથૂથી પાય તેવો બળિયો થાય છે તેમ ગળથૂથીને ઠેકાણે સંગ જાણવો ને વિદુરનીતિમાં કહ્યું છે જે

याद्रशैः सन्निविशते याद्रशांश्चोपसेवते।

याद्रगिच्छेच्च भवितुं ताद्रगू भवति पुरुषः॥116 ॥૧૫૯॥

સંત દ્વારાએ કરીને પણ અનેક જીવોનાં કલ્યાણ કર્યાં ને એકાંતિક ભક્તને વિષે શ્રીજીમહારાજની મરજી ને વાર્તા યથાર્થ રહી છે. તે ઉપર

कस्मै येन विभाषितोऽयमतुलो ज्ञानप्रदीप: पुरा।

तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तदूपिणा॥

योगिन्द्राय तदात्मनाथ भगवद्राताय कारुण्यतस्तच्छुद्धं।

विमलं विशोकममृतं सत्यं परं धी महि॥117

આ શ્લોકની બહુ વાર્તા કરી ને એવા શુદ્ધ ભક્તને વિષે જ શ્રીજીમહારાજ નિવાસ કરીને રહે છે તે વાત આ બે શ્લોકમાં છે. “न कामकर्मबीजानां यस्य चेतसि संभवः” તથા “वासुदेवैकनिजलयः”118 ને બીજો ભક્ત તો પોતાના સ્વભાવ ભેળો ભળી જાય છે, માટે સ્વભાવ પ્રમાણે વર્તે છે ને વાત પણ તે જ પ્રમાણે કરે છે. ત્યારે સંતે પ્રશ્ન પૂછ્યો જે આ ભક્ત તો સ્વભાવ પ્રમાણે વર્તે છે ને મરજી પ્રમાણે વર્તે છે તેમ કેમ જણાય? ઉત્તર: જે જેની બુદ્ધિ દેશકાળાદિકે કરીને ફરી જાય તેનું વર્તન તે સ્વભાવ પ્રમાણે છે એમ જાણવું ને જેની બુદ્ધિ દેશકાળાદિકે કરીને ન ફરે તેનું વર્તન મરજી પ્રમાણે છે એમ જાણવું ને જેણે રાત દિવસ અતિશય આગ્રહ રાખીને શ્રવણ મનનાદિકે કરીને બુદ્ધિને વિષે એકાંતિક ભક્તપણું ખચિત119 કર્યું હોય તેની બુદ્ધિ ફરે નહિ. ॥૧૬૦॥

પ્રથમ સંસાર અસત્ય જણાતો હતો ને શ્રીજીમહારાજને વિષે હેત પણ જણાતું હતું ને હવે એમ કેમ જણાતું નથી? ઉત્તર: જે પ્રથમ એ ભક્તની ઇંદ્રિયની વૃત્તિ વિષય સુખને વિષે પ્રવેશ નહોતી કરી ગઈ ને સત્સંગનો વેગ ઇંદ્રિયોને વિષે લાગ્યો હતો ને તે પછી ઉતરતાને યોગે કરીને જ્યારે વિષય સુખનો અનુભવ થયો ત્યારે સત્સંગથી મોળો પડી ગયો એ જ એનો ઉત્તર છે ને વિષય ભોગવીને ન બંધાય એવા તો એક નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ નથી. ॥૧૬૧॥

વિશ્વાસ કેમ થાય? ઉત્તર: જે શ્રીહરિજી મહારાજની આજ્ઞા જેને હોય જે તમે ધર્મને વિષે રહેજો ને બીજાને પણ રખાવજો. તે માટે પોતે ધર્મને વિષે યથાર્થપણે વર્તતા હોય ને બીજા બહુ મનુષ્યને પણ વર્તાવતા હોય એવી જાતના ઐશ્વર્યને જોઈને તેનો વિશ્વાસ કરવો ને એવાનો સંગ કરીને નિર્વાસનિક થાવું ને એવા સત્પુરુષને મન સોંપ્યા વિના તો બ્રહ્મા તથા વૈરાજ તથા સંકર્ષણ જેવાને પણ કસર રહી જાય છે ને એ સમર્થ તો બહુ છે પણ વાસના ટાળ્યા વિના સકામ ભક્ત કહેવાય છે. ॥૧૬૨॥

સત્પુરુષનો અવગુણ કેમ સમજે તો ન આવે? ઉત્તર: જે જેને એમના ઠરાવ સામી દૃષ્ટિ હોય તેને એમનો અવગુણ ન આવે. તે એમના ઠરાવની120 વિગત જે જે મહાપુરુષ હોય તેમનું વર્તન તો પરલોકને અર્થે હોય પણ દેહની આબરૂને અર્થે કે આ લોકના સુખને અર્થે ન હોય ને એમના સંગી હોય તેનું પણ પરલોકને વિષે સારું થાય એમ જ ઇચ્છે છે ને તેમ જ તેને વર્તાવે છે ને આ લોકનાં જે સુખ છે તે તો ચાર પ્રકારના પ્રલયે કરીને નાશ થઈ જાય એવાં છે ને દુઃખરૂપ ને સ્વપ્ન તુલ્ય છે. એવી રીતે અનંત યુક્તિએ કરીને વાર્તા કરા તે કહ્યું છે જે “स त एवास्य छिदंति, मनो व्यासंगमुक्तिभिः”121 ॥૧૬૩॥

સત્ત્વ, રજ અને તમ એ ત્રણે ગુણમાંથી જે ગુણ જીવને વિષે અજ્ઞાનકાળે સરસ વર્તતો હોય તે જ ગુણ સત્સંગને વિષે આવ્યા પછી પણ વૃદ્ધિને પામે છે તે સારુ સત્પુરુષને સેવીને પુરુષ પ્રયત્ને કરીને તે ગુણને કાઢે તો જ નિકળે નહિ તો નિકળે નહિ ને ધર્મ-જ્ઞાનાદિક જે ગુણ અજ્ઞાનકાળે જીવમાં મુખ્યપણે હોય છે તે જ સત્સંગમાં આવ્યા પછી વૃદ્ધિને પામે છે. માટે મોટા પુરુષને સેવીને જો એ ગુણને વધારે તો વૃદ્ધિને પામે છે. માટે સમાગમ કર્યાનું એ જ ફળ છે. ॥૧૬૪॥

લોભ કામાદિક જે અંતર શત્રુ છે તેને આત્મસત્તારૂપ થઈને ટાળે તો શ્રીજીમહારાજનું ભજન સ્મરણ સુખે થાય ને તે શત્રુને ટાળવાને અર્થે મોટા પુરુષની અનુવૃત્તિ વિષે વર્તવું. ॥૧૬૫॥

રજોગુણી બુદ્ધિ જે તે મોક્ષ માર્ગને વિષે ચાલી શકે નહિ ત્યાં તો સત્પુરુષની આપેલ બુદ્ધિ પુગે છે. તે કઈ બુદ્ધિ તો મહત્પરુષનાં વચનને વિષે જે વિશ્વાસરૂપ બુદ્ધિ તે પૂગે છે. ॥૧૬૬॥

અને ધર્મજ્ઞાનાદિક ગુણને વિષે જ્યાં સુધી રુચિ નથી ત્યાં સુધી પાકો સત્સંગી ન કહેવાય માટે સત્પુરુષને સંગે કરીને એ ગુણને વિષે પક્વ રુચિ કરવી. ॥૧૬૭॥

મોટા પુરુષનું શું લક્ષણ છે? ઉત્તર: જે પોતે અક્ષરરૂપે વર્તે ને મુમુક્ષુને પણ અક્ષરરૂપ સ્થિતિ કરી આપે ને સત્ અસત્‌ના વિવેકનો ઉપદેશ કરીને શ્રીજીમહારાજનો ને સત્પુરુષનો સંગ મુમુક્ષુને અતિ આસક્તિએ સહિત કરાવે તે મોટા પુરુષનું લક્ષણ છે. તે ઉપર અફીણિયાઓના ને જાર સ્ત્રીના દૃષ્ટાંતે122 કરીને વાર્તા કરી છે. ॥૧૬૮॥

મોટા સંતે નિર્ગુણ સગુણની વાર્તા કરી જે આચાર્યજી મહારાજ ને સંત એ જે તે કલ્યાણરૂપ દિગ્વિજય કરવાને અર્થે બ્રહ્માંડમાં વિચરે છે તેમની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ જ છે કેમ કે જે તે ક્રિયાને જે જે જીવ દેખે, સાંભળે ને ચિંતવન કરે ને વળી જે એમના કોઈક ઉપયોગમાં આવે તે સર્વેનું કલ્યાણ થઈ જાય છે માટે એ નિર્ગુણ છે ને સગુણપણું તો જે અહંમમત્વરૂપ માયા પરસ્પર હરિજનમાં રહી છે તે છે. માટે એકાંતિક સાધુના સંગે કરીને એ માયાને ટાળીને એકાંતિક થાવું એ જ સત્સંગ કર્યાનું ફળ છે. ॥૧૬૯॥

મોટા પુરુષની જે ક્રિયા છે તે જીવના કળ્યામાં આવે નહિ કેમ જે, એ તો નિઃસ્વાદી થકા સ્વાદને કરતા હોય ને નિર્લોભી થકા લોભને કરતા હોય ઇત્યાદિક સર્વે ક્રિયા અલૌકિક હોય છે માટે જીવના કળ્યામાં ન આવે. જેમ સૂર્યની પ્રકાશરૂપ જે શક્તિ છે તે નેત્રમાં આવે છે તેને ઇંદ્રિયો, દેવતા ને જીવ કોઈ કળી શકતા નથી ને વળી જેમ વૈરાજપુરુષના ગોલકની123 જે શક્તિ છે તે દેવ મનુષ્યાદિકના ઇંદ્રિયાદિકને પ્રકાશ કરે છે તેને પણ કોઈ કળી શકતા નથી ને વળી જેમ પુરુષોત્તમ ભગવાનની જે શક્તિ છે તે તો અક્ષર ને મૂળપુરુષાદિક સર્વેને પ્રકાશ કરે છે પણ તેને કોઈ જાણી શકતા નથી. ને વળી જેમ શૂરવીર પુરુષ હોય છે તે બરછી કે તીર નાખે છે તેમાં હાથની શક્તિ જાય છે પણ હાથમાં જેટલી શક્તિ છે તેટલી તેમાં જાતી નથી પણ લેશમાત્ર જાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની જે શક્તિ છે તે તો બ્રહ્મ, માયા ને કાલાદિકને વિષે લેશમાત્ર જ આવી છે ને પોતાને વિષે તો અપાર રહી છે એવો મહિમા દૃઢપણે સમજીને ભજન સ્મરણ કરવું. જ્ઞાની ભક્ત જે તે પુરુષપ્રયત્ને કરીને સ્વભાવને ટાળે છે માટે એ શ્રીજીમહારાજને ગમે છે. ॥૧૭૦॥

દેહ તો નર્કરૂપ છે તેને પૂજા સેવાદિક કરીને શું ફળ થાય? ઉત્તર: જે એમ તો મુમુક્ષુને પોતાના દેહને સમજવો ને જે સત્પુરુષનો દેહ છે તે તો નિર્ગુણ છે. જુઓને સચ્ચિદાનંદ સ્વામીના શરીરને બેડી, ભીંત ને તાળાંસોતાં124 કમાડ એ કોઈ આડાં આવ્યાં જ નહિ ને સ્વામી સંતદાસજીને પણ હિમાળો125 રોકી શક્યો નહિ ને વિજ્ઞાનદાસજીને પણ તાળાંસોતાં કમાડ ને ભીંત તે આડાં આવ્યાં જ નહિ ને તે આકાશમાર્ગે ઊડીને ગોલોકમાં વિરજ્યા નદીને126 વિષે જળપાન કરીને પાછા જ્યાં હતા ત્યાં આવ્યા. માટે એ સર્વે બ્રહ્મરૂપ હતા તો આવરણ કોઈ આડું ન આવ્યું. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે “गुणापाये ब्रह्मशरीरमेति”127 એવી રીત્ય જે ભજન સ્મરણે કરીને તથા ધર્માદિક સાધનની પક્વતાએ કરીને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તે તો નિર્ગુણ છે ને છેલ્લા પ્રકરણના ૩૫મા વચનામૃતમાં પણ શ્રીજીમહારાજે કહ્યું છે જે છ લક્ષણે યુક્ત જે ભક્ત છે તેને પૂજને કરીને પરમેશ્વર પૂજાય છે ને તેનો દ્રોહ કરે તો શ્રીહરિજીનો દ્રોહ થાય છે.

साक्षात्संबंधतो यस्य कर्त्ता श्रद्धा च कर्म च।

ज्ञानं स्थानं च द्रव्यादि गुणवच्चापि निर्गुणम्॥128

એમ કહી ધર્માદિક ચાર સાધનોની તથા સંત અસંતની અતિશય વાર્તા કરી. ॥૧૭૧॥

નર ને માદા નામે બે પ્રકારના જીવ અસુરમાં ને દેવમાં રહ્યા છે તે નર જો અસુર હોય તો અનેક જીવને અસુર કરે છે ને તે જો દેવ હોય તો હજારો જીવને દેવ કરે છે ને નર વિના એકલી માદાને ફળ લાગે નહિ તેમ એકાંતિક ભક્તના સંગ વિના એકાંતિક થવાય નહિ. તે ઉપર પોપૈયાના વૃક્ષના દૃષ્ટાંતે129 કરીને વાત કરી. ॥૧૭૨॥

દેહને વિષે જીવને જેવી આત્મબુદ્ધિ ને પૂજ્યબુદ્ધિ છે તેવી જો મહાપુરુષને વિષે આત્મબુદ્ધિ ને પૂજ્યબુદ્ધિ આદરે સહિત રાખે તો જ્ઞાનાદિક સદ્‌ગુણ જીવને વિષે આવે છે. એમાં કાંઈ સંશય નથી. ને જીવ તો પોતાની મેળે બહુ કરે છે પણ તે લેખે આવતું નથી ને જો મોટા પુરુષની મરજી પ્રમાણે વર્તે તો અલ્પ કરે પણ બહુ થાય, જેમ રસે યુક્ત અન્ન અલ્પ જમે પણ તૃપ્ત થાય છે ને ભાજી બશેર જમે તથા છાસ બે પતર પીવે તો પણ તેને સંતોષ ન થાય. ॥૧૭૩॥