text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૧૩. અખંડ અનુસંધાનની વાતો

પંચ ઇંદ્રિયોએ કરીને જે જે ક્રિયા કરે તે કર્મયોગ કહેવાય ને ભગવાન સંબંધી જે જે ક્રિયા કરે તે ભક્તિયોગ કહેવાય ને આત્મામાં તથા પરમાત્મામાં મન અખંડ રહે ત્યારે સાંખ્યયોગ કહેવાય. ॥૧૭૪॥

ભગવાનનો અખંડ સંબંધ થયો તે કેમ જાણવો? ભગવાનનો સંબંધ તો તેને કહીએ જે તેમાં કાંઈ અંતરાય ન રહે અને ભગવાનને સર્વોપરી સમજે ને ભગવાન જે જે વચન કહે તેને સત્ય માને અને જ્યાં મૂકે ત્યાં રાજી થકો જાય પણ મૂંઝાય નહિ તથા તે કોઈ વિષયને વિષે બંધાય નહિ ને તે વિષયને વિષે રાગ પણ ન થાય ને નિરંતર દોષને દેખે એમ વર્તે ત્યારે જાણીએ જે તેને ભગવાનનો સંબંધ અખંડ થયો. ॥૧૭૫॥

તે ધ્યાન કર્યાની રીત કહીએ છીએ જે ભગવાનનો ભક્ત હોય તે દૃષ્ટિ આગળ મૂર્તિ ધારે ત્યારે પ્રથમ તો જેવી ભગવાનની મૂર્તિ છે તેવી જ દેખાય છે તે જોતે જોતે જ્યારે મૂર્તિને વિષે વૃત્તિ ઠેરાય છે તે જેમ સૂર્યની કિરણ જાળીએ થઈને ઘરમાં પડે છે ને સૂર્યની કિરણ તેને સૂર્યની એકતા દેખાય છે તેમ જે ભક્તને અખંડ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ બંધાય છે ત્યારે એને મૂર્તિ અગ્નિ સરખી રક્ત ભાસવા લાગે. પછી રાતામાંથી પ્રકાશ ઘણો પ્રગટીને સૂર્ય જેવી મૂર્તિ ભાસે, પછી ચંદ્રમા જેવું શીતળ ને મોટો તારો ખરે તેના જેવું ઉજ્જવળ તેજ તે સરખી અત્યંત ઉજળી પ્રકાશવાન મૂર્તિ ભાસે. પછી એવી મૂર્તિ જ્યારે હૃદયમાં પાછી ફરે છે ત્યારે આંખો ચક્રની પેઠે ફરફર ફરીને અંતર્દૃષ્ટિ થઈ જાય છે ત્યારે એ ભક્તના હૃદયમાં મૂર્તિ દેખાય છે. પછી તે મૂર્તિને જોતાં જોતાં તેના હૃદયમાં રુશનાઈ130 જેવો અવકાશ દેખાય છે ત્યારે પચાશ કરોડ યોજન પૃથ્વી ને લાખ યોજનનો મેરુ ને તે મેરુની ઉપર બ્રહ્મા, વિષ્ણુ ને શિવ તેનાં ધામ તથા સાડા બાર કરોડ યોજન ઊંચો જે લોકાલોક પર્વત ને માંહેલી કોર જે સાત સમુદ્ર તથા ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર તેની પુરીઓ તે સર્વે તથા પૃથ્વી ઉપર સ્થાવર જંગમ સર્વેને દેખે છે. જેમ બહાર સર્વ પદાર્થ ત્યાગ કરીને એક ભગવાનની મૂર્તિને વિષે વૃત્તિ જોડી હતી તેમ એ સમગ્ર ખોટું કરીને એક ભગવાનની મૂર્તિને જ દેખે છે. તે ભગવાનની મૂર્તિ કેવી છે તો જેમ કોઈના હાથમાં ચિંતામણિ હોય તે જ્યારે જે મનોરથ ધારે તે સર્વે સાચું થાય તેમ ભગવાનની મૂર્તિ સાથે જેની અખંડ વૃત્તિ જોડાણી છે તે તો ગોલોક, વૈકુંઠ તથા શ્વેતદ્વીપ તથા અક્ષરધામ તથા અનંતકોટિ મુક્ત તે સર્વેને દેખે છે ને એવો ભગવાનનો ભક્ત હોય તે જ્યારે ધારણા131 કરે છે ત્યારે પચાશ કોટિ યોજન જે પૃથ્વી, તેથી દશગણો આકાશ, તેથી દશગણો અહંકાર, તેથી દશગણું મહત્તત્ત્વ તેથી અનંતગણી પ્રકૃતિ, તેથી અનંતગણો પુરુષ ને તે પ્રકૃતિપુરુષથી અનંતગણું ભગવાનનું ધામ; તે ભગવાનના ધામમાં આંખના મટકાના લાખમા ભાગમાં જઈને આવે છે. તેને એમ જણાય છે જે એ ધામમાં હજાર વર્ષ રહી આવ્યો અથવા લાખ વર્ષ રહી આવ્યો અથવા બ્રહ્માના કલ્પ132 પર્યંત રહી આવ્યો તેવું જણાય છે ને તે અહીં તો મટકાનો લાખમો ભાગ થયો હોય એવી અલૌકિક વાત છે તે ભગવાનના ધ્યાનવાળા જાણે છે. એવી જાતની ધારણા થાય છે તેનું કારણ તે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી તે છે. માટે જેને ભગવાનમાં અખંડ વૃત્તિ રહેતી હોય અને તે સંસારમાં રહેતો હોય તેને પણ અલૌકિક દૃષ્ટિ થાય છે અને ભગવાનની મૂર્તિને વિષે જેની વૃત્તિ ન ચોંટતી હોય ને તે બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય ને દેહને સૂકવીને કાષ્ટ જેવો કરે તો પણ તેને અલૌકિક દૃષ્ટિ આવતી નથી અને જેની ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી હોય ને તે જો ભગવાનના ભક્તનું133 માહાત્મ્ય જાણતો હોય તો તેની અલૌકિક દૃષ્ટિ થાય છે ને તેને આત્માનું દર્શન થાય છે. માટે ભગવાનનું ધ્યાન કરતાં જે જે અંતરાય કરે તેનો શત્રુની પેઠે ત્યાગ કરવો અને કોઈક અધર્મને માર્ગે ચાલતો હોય તો તેનો પણ ત્યાગ કરવો પણ ભગવાનના ધ્યાનમાં અંતરાય પડવા દેવો નહિ. ॥૧૭૬॥