text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૧૪. વિવેકી પુરુષનાં લક્ષણોની વાતો

સ્વામીએ વાત કરી જે દત્તાત્રેય કહે છે સાધ્ય દેવો! મારા ગુરુ થકી આ કરવા યોગ્ય સાંભળ્યું છે તે શું? તો ધૃતિ જે નાના પ્રકારના દુઃખે કરીને પણ વિકલ134 ન થાવું. દમ જે સર્વે ઇંદ્રિયોને જીતવી. ને સત્ય ધર્મની અનુવૃત્તિ135 રાખવી. ને હૃદયની જે અહંમમતાદિક સર્વે ગ્રંથિઓ136 તેને ટાળીને પ્રિય, અપ્રિય જે સુખ દુઃખ તેને આત્મસમતાને137 પમાડે કહેતાં પોતાને અને બીજાને સમાનપણે સુખ-દુઃખને જુવે એટલું જ કરવા યોગ્ય છે એમ ગુરુ થકી મેં સાંભળ્યું છે.

વળી પોતાને કોઈક કઠણ વચને કરીને તિરસ્કાર કરે તો તેને સામો તેવો તિરસ્કાર ન કરે ને તેનું સહન કરે કેમ જે સહન કરનારાનો જે ક્રોધ છે તે જ તે તિરસ્કારના કરનારાને બાળી નાંખે છે ને તેનું જે સુકૃત છે તેને સહન કરનારો જે પુરુષ તે પામે છે.

હે દેવો! જે પુરુષ પોતાના કલ્યાણને ઇચ્છે તે પુરુષ જે તે બીજા કોઈને કઠણ વચને કરીને તિરસ્કાર કરે એવો ન થાય તથા બીજા કોઈનું અપમાન કરે એવો ન થાય તથા પોતાના મિત્રનો દ્રોહી ન થાય તથા નીચ પુરુષની સેવાનો કરનારો ન થાય તથા અભિમાનવાળો ન થાય, હીન આચરણવાળો ન થાય તથા ક્રોધે યુક્ત વાણી ન બોલે અને ક્રોધે યુક્ત એવી જે રુખિ138 વાણી તે જે તે આ લોકને વિષે પુરુષના મર્મસ્થળનાં જે હાડકાં તથા હૃદય અને પ્રાણ એ સર્વને બાળી નાંખે છે તે કારણપણા માટે ધર્મવાળો પુરુષ જે તે બીજાને બાળે એવી જે રુખિ વાણી તેને નિત્ય વરજે.139

પારકા મર્મસ્થળનો પીડનારો અને રુખિ છે વાણી જેની એવો અને રુખિ વાણીરૂપી કાંટે કરીને મનુષ્યને પીડનારો પુરુષ અત્યંત શોભાએ રહિત જાણવો અને જનનો જે મૃત્યુ તેને મુખને વિષે બાંધીને વહેનારો છે એવો એને જાણવો કહેતાં કઠણ વચનરૂપ જે જનનું મૃત્યુ તેને મુખને વિષે તૈયાર લઈને ફરે છે.

અતિશય તીખાં અને અગ્નિ ને સૂર્ય સરખાં પ્રદિપ્ત એવાં જે વાણીરૂપ બાણ તેણે કરીને જો બીજો એને અતિશય વીંધે ને તે બાણે કરીને વીંધાણો છે તો પણ અતિશય વિવેકે યુક્ત એવો જે એ જ્ઞાની પુરુષ તે જે તે એમ જાણે જે આ તો મારાં સુકૃતને પોષણ કરે છે એમ સમજીને ક્ષમા કરે છે. ॥૧૭૭॥

જે પુરુષ સંતને સેવે, અસંતને સેવે, તપસ્વીને સેવે, ચોરને સેવે, તો તે સેવનારો પુરુષ જે તે તેમના વશને પામે છે. કહેતાં સંતને સેવે તો પોતે સંત થાય છે અને અસંતને સેવે તો પોતે અસંત થાય છે. અને તપસ્વીને સેવે તો પોતે તપસ્વી થાય છે ને ચોરને સેવે તો પોતે ચોર થાય છે, કેની પેઠે તો જેમ વસ્ત્રને જેવા રંગમાં રંગીએ તેવા રંગવાળું થાય છે. ॥૧૭૮॥

જે વિવેકી પુરુષ છે તે જે તે પોતા સાથે જો કોઈ અતિ વાદ કરે તો પોતે તે સાથે અતિ વાદ ન કરે ને બીજા પાસે કરાવે નહિ. અને વળી જે બીજે માર્યો થકો તેને પોતે મારે નહિ ને બીજા પાસે મરાવે પણ નહિ. અને પોતાને જે મારનારો તેના ભૂંડાને નથી ઇચ્છતો એવો જે પુરુષ તે આવે તેને દેવતા પણ ઇચ્છે છે કહેતાં તે દેવતાને પણ માનવા યોગ્ય થાય છે. ॥૧૭૯॥

જો રૂડું વચન બોલતાં ન આવડે તો ન બોલવું એ શ્રેષ્ઠ છે એમ મોટા કહે છે. અને ન બોલવા થકી પણ જે સત્ય વચન બોલવું તે શ્રેષ્ઠ છે અને તે સત્ય વચન પણ જો પ્રિય લાગે એવું બોલાય તો તે સત્ય વચનથી પણ શ્રેષ્ઠ છે અને તે પ્રિય વચન પણ ધર્મેયુક્ત બોલાય તો અતિશય શ્રેષ્ઠ છે. એવી રીતે વચન બોલવાના ચાર પ્રકાર છે તેને જાણવા. ॥૧૮૦॥

જે પુરુષ જેવા ભેળો બેસે છે ને જેવા પુરુષને સેવે છે અને પોતે જેવો થાવાને ઇચ્છે છે તેવો થાય છે. માટે સત્પુરુષ ભેળે બેસવું ને સત્પુરુષને સેવવા ને સત્પુરુષના જેવો પોતાનો સ્વભાવ કરવાને ઇચ્છવું પણ અસત્પુરુષનો પ્રસંગ તો કોઈ પ્રકારે કરવો નહિ. ॥૧૮૧॥

જે પુરુષ જે જે પદાર્થ થકી નિવૃત્તિને પામે છે તે તે પદાર્થ થકી એ મુકાઈ જાય છે અને જો સર્વે પદાર્થ થકી નિવૃત્તિને પામે છે તો તે અણુ માત્ર પણ દુઃખને નથી પામતો અને સર્વેથી નિવૃત્તિને પામ્યો હોય એવો જે પુરુષ તેને કોઈ જીતવાને ઇચ્છતો નથી અને એ પણ બીજાને જીતવાને ઇચ્છતો નથી. અને કોઈ સાથે વૈર કરતો નથી અને કોઈને મારતો નથી ને નિંદા ને સ્તુતિ તેને વિષે તુલ્ય છે સ્વભાવ જેનો એવો જે એ પુરુષ તે કોઈ પદાર્થ નાશ પામી જાય છે તેનો શોક કરતો નથી અને કોઈ પદાર્થને પામીને તેનો હરખ પણ નથી કરતો. ॥૧૮૨॥

શ્રીજીમહારાજ અને સાધુ તેડવા આવે ત્યારે કેના ભેગું જાવું? કેમ જે મહારાજ એમ કહે છે જે તમારે આ સાધુ સાથે હેત છે અને અમે આમ ફરીને આવીએ છીએ તે તમારી નજરમાં આવે તો અમારા ભેળા આવો કે તે સાધુ ભેળા જાઓ. ત્યારે કેના ભેગા જાવું? તે વાસ્તે મહારાજના જેવું હેત કોઈ મુક્તને વિષે ન રાખવું અને જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તેને તો એક ભગવાનને વિષે જ પ્રીતિ રાખવી પણ બીજા કોઈ મુક્તને વિષે ન રાખવી. અને જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે અતિ દૃઢ ન હોય તેણે તો કોઈક મોટા એકાંતિક સાધુ હોય તે સાથે હેત કરવું અને સત્સંગીની સભા બેઠી હોય ત્યારે તો પર્વતભાઈ જેવા પાસે બેસવું અને સત્સંગી સાધુની સભા બેઠી હોય ત્યારે તો ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી જેવા સંત પાસે બેસવું તથા હેત પણ મહારાજ સાથે રાખવું પણ બીજા કોઈને વિષે સંગ તથા હેત તે મહારાજના જેવું ન રાખવું અને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી એ બે બેઠા હોય તેમાં પણ જે સરસ હોય તેમની પાસે બેસવું એવી રીતે સત્સંગ કરવામાં વિવેક રાખવો પણ એ વાત ભૂલવી નહિ. ॥૧૮૩॥

મહારાજ આજ્ઞા કરે જે તમારી નજરમાં આવે ત્યાં અવતાર ધરીને જીવોનાં કલ્યાણ કરી આવો. ત્યારે એવે ઠેકાણે દેહ ધારવો જે ગરીબ બ્રાહ્મણ હોય ને માગીને પેટ ભરતો હોય ને કન્યા પણ ન મળતી હોય ને વેદનો ભણેલો ને ધર્મવાળો હોય તેને ઘેર દેહ ધરવો કે તરત ઘરનો ત્યાગ કરીને ત્યાગી થવાય અને જો ભારે ધનાઢ્ય ગૃહસ્થને ઘેર જન્મ ધરે તો નાનો હોય ત્યાંથી એવા માર્ગમાં ચડાવી દે જે માન, મોટપ, સ્ત્રી, ધન ને લોકની આબરૂ તથા પોતાના સંબંધી તેમાં સ્નેહ થાય. પછી તે મૂકીને નીકળાય નહિ. તે માટે દેહ ધરવો પડે તો એમ સમજી, વિચારી, તપાસ કરીને દેહ ધરવો એ વાત અવશ્ય સમજવાની છે. ॥૧૮૪॥

ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું જે દેશકાળાદિકે કરીને એક નિરધાર140 રહે એમ જણાતું નથી, માટે કેમ કરે તો મતિ ન ફરે? ત્યારે કહ્યું જે એ તો એક ભગવાનને વિષે જ મોટપ સમજે પણ બીજા કોઈનો ભાર આવે ને સત્સંગનો વધારો થાય તથા ઘટી જાય તો પણ એમ સમજે જે ભગવાન મળ્યા છે તે તો કાંઈ જતા રહે તેમ નથી તથા કોઈક લે એમ પણ નથી અને જો સત્સંગનો વધારો થાશે ને લોક બહુ માનશે તો સામો ભગવાનને ભજતાં અંતરાય થાશે અને રજોગુણી મનુષ્ય સત્સંગી થાશે ને બહુ માનશે તો સામા આપણને પણ રજોગુણી કરશે. માટે એમ ચોક્કસ સમજે જે ભગવાન કરતા હશે તે ઠીક જ કરતા હશે એમ સમજે તો કોઈ રીતે મતિ ન ફરે. ॥૧૮૫॥

જ્ઞાની અને વિશ્વાસી ભક્તનાં કેવાં લક્ષણ હોય? (૧) જ્ઞાની ભક્તને જ્ઞાનાંશની યથાર્થ દૃઢતા હોય તેમાં કોઈ જાતની કસર રહેતી નથી.

(૨) વિશ્વાસી ભક્તને ભગવાન અને ભગવાનના ખરેખરા એકાંતિક ભક્તનો દૃઢ વિશ્વાસ હોય તેણે કરીને જેમ એ કહે તેમ જ એ મન, કર્મ, વચને વર્તે તો તેમાં પણ કોઈ જાતની કસર ન રહે અને પ્રથમ જે જ્ઞાની કહ્યો તેનો સંગ કરે તો તેને પોતા જેવો કરે ને બીજો વિશ્વાસી ભક્ત છે તે તો પોતાના જીવાત્માનું જ રૂડું કરે પણ બીજાને સમજાવી શકે નહિ. એટલો એ બેમાં ભેદ છે. ॥૧૮૬॥

વળી પોતે એમ વાર્તા કરી જે એક તો એવો પુરુષ હોય જે પોતે પણ ભગવાનને સંભારે અને બીજા જે જે પોતાને આશરે આવે તે સર્વેને ભગવાન સંભરાવે અને બીજો તો એવો હોય જે પોતે પોતાની મેળે ભગવાનને સંભારે અને ત્રીજો તો બીજાની ઓથે રહીને ભગવાનને સંભારે પણ સ્વતંત્રપણે પોતે ન સંભારે અને ચોથો તો એ જે પોતે ભગવાનને ન સંભારે અને બીજો કોઈ ભગવાનને સંભારે તો ય ઠીક અને ન સંભારે તો ય ઠીક અને પાંચમો તે એવો હોય જે પોતે પણ ભગવાનને ન સંભારે અને બીજાને પણ ભગવાન ન સંભારવા દે, માટે આ પાંચ પ્રકારના પુરુષ ઓળખીને સોબત કરવી. ॥૧૮૭॥

જીવને મોક્ષને માર્ગે ચાલવું કઠણ છે. તેની વિગત જે સંસારમાંથી સત્સંગી થાવું હોય તો હજારો કારસા141 આવે અને સત્સંગ થાય તો પણ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે દશમો વીસમો ભાગ કાઢીને નક્કી ભક્ત થાવું કઠણ છે અને એને સાધુ થાવું હોય તો હજારો ક્લેશ થાય અને સાધુ થઈને એકાંતિક સાધુને ઓળખવા અને એમને સંગે રહેવું તેમાં હજારો રોકનારા મળે અને એ પણ થાય તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું ઘણું કઠણ છે. તે પણ થાય તો પણ ભગવાનની નિરંતર સ્મૃતિ રાખવી એ કઠણ છે અને એ કરતાં પણ ઇંદ્રિયો અંતઃકરણને જીતીને ભગવાનનું જીવમાં ભજન કરવું તે કઠણ છે અને તે કરતાં પણ ચાર પ્રકારના પ્રલયે કરીને પ્રકૃતિપુરુષ પર્યંત સર્વે નાશવંત જાણીને ઉપશમ કરીને પોતાના આત્માને અક્ષરબ્રહ્મ સાથે એક કરીને અને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન એ બેયે કરીને વાસના લિંગ દેહનો ભંગ કરવો, એ અતિ કઠણ છે અને તે સર્વે કરતાં પણ જાણીને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરીને તે મહારાજની મૂર્તિમાં અતિ પ્રેમલક્ષણા ભક્તિએ કરીને સ્નેહ કરવો અને અક્ષરના સુખમાં ન લેવાય અને મૂર્તિને સુખે કરીને ગુલતાન142 રહે એવા ભક્ત થાવું સર્વેથી અતિ કઠણ છે. એવો મુક્ત થયો ત્યારે તેને સાધન માત્રનો અંત આવ્યો અને તે ભક્તને ભગવાનની મૂર્તિનું કેવું સુખ આવે તો જેવું ભગવાનને પોતાનું સુખ આવે છે તેવું એ ભક્તને ભગવાનની મૂર્તિમાંથી સુખ આવે છે. ॥૧૮૮॥

જેવો રાજા હોય તેવી જ તેની સભા હોય. તેમ જેવું ગુરુમાં દૈવત હોય તેવું શિષ્યમાં દૈવત આવે છે ને પોતે પોતાનું તળ તપાસ્યું ન હોય ને જો પોતાનું અપમાન થાય અથવા સત્સંગનું અપમાન થાય અથવા જેને ભજતો હોય તે જ પાડવાનું કરે તો સત્સંગમાં ન રહે. માટે તળ143 તપાસીને સત્સંગ કરવો તો સત્સંગ ન ટળે. તે ઉપર અમદાવાદના બે ગરાસિયાનું દૃષ્ટાંત144 કહ્યું છે. ॥૧૮૯॥

શ્રીજીમહારાજ કહે જે સત્સંગ તો સર્વે કરે છે પણ સૌ આધારે કરીને સુખી રહે છે. કોઈ માન મોટાઈને આધારે સુખી રહે છે ને કોઈ સારા ખાધાને આધારે ને કોઈ સારાં વસ્ત્રને આધારે ને કોઈ ચેલાને આધારે સુખી રહે છે અને જે શ્રીહરિના દાસ છે તેને તો ભગવાનની મૂર્તિ તે જ આધાર છે. જેમ દુબળા વાણિયાને અજમે હાથ145 હોય તેમ તે તો ભગવાન વતે જ સુખી રહે છે. ॥૧૯૦॥

જેને વિષે પોતાનો સ્વાર્થ માન્યો હોય તેમાં લાખ દોષ હોય પણ તેને તેમાં એકે સૂઝે નહિ ને પોતાનો પણ દોષ સૂઝે નહિ. જુઓને ઉપરિચરવસુને146 ન સૂઝ્યો તેણે કરીને પડ્યો. ॥૧૯૧॥

મુમુક્ષુ હોય તે તો એમ જાણે જે આપણે તો આજ્ઞામાં રહેવા આવ્યા છીએ પણ કોઈને આજ્ઞામાં રાખવા નથી આવ્યા ને નિર્લોભી, નિષ્કામી, નિઃસ્વાદી, નિર્માની ને નિઃસ્નેહી થાવા આવ્યા છીએ પણ તેને વધારવા આવ્યા નથી. ॥૧૯૨॥

અને જે મુમુક્ષુ હોય તે તો નિત્યે પોતાના વર્તમાન તપાસી જુએ ને પોતાના શત્રુઓને તપાસે ને તે શત્રુને વશ ન વર્તે. ॥૧૯૩॥

શ્રીજીમહારાજે કહ્યું છે જે ત્રણ પ્રકારના વાયુ વાય છે તેમાં એક તો એવો વાય જે પાંદડાં ખરે ને એક તો ડાળાં ભાંગે ને એક તો ઝાડને મૂળમાંથી ઉખેડી નાખે તે તો દૃષ્ટાંત છે તેમ એક તો સંકલ્પ થાય ને ટળી જાય ને એક તો પંચવર્તમાનમાં ફેર પડે તેનું પ્રાયશ્ચિત્ત કરીને સત્સંગમાં રહે ને એક તો સત્સંગમાંથી જાતું રહેવાય. ॥૧૯૪॥

ઇંદ્રિયો, અંતઃકરણ, દેવતા ને જીવ એ સર્વે જે તે જેમ નેત્રમાં સૂર્યની આવ્યા ગયાની ગતિને જાણતા નથી તેમ અક્ષરાદિક સર્વે મુક્તો પુરુષોત્તમની ગતિને જાણતા નથી. જેમ ચંદ્રમા રાહુએ ગળ્યો થકો ઊગે છે ને આથમે છે તેમ હરિભક્ત પણ શ્રીહરિજીની કથાનું શ્રવણ મનનાદિક જે સર્વે ક્રિયા કરે છે તે દેહાભિમાનરૂપ રાહુએ ગળ્યા થકા કરે છે. માટે એ સર્વે ક્રિયાને વિવેકે કરીને કરવી. તે વિવેક અમદાવાદના બીજા વચનામૃતમાં કહ્યો છે જે નાહી ધોઈને પૂજા કરવી. ॥૧૯૫॥

ઉત્તમ મુમુક્ષુનું લક્ષણ એ છે જે સ્ત્રી, દ્રવ્ય, રસાસ્વાદ ને માન એનો ત્યાગ જ કર્યા કરે ને મોટા સંત સ્વભાવ મુકાવ્યાને અર્થે દુઃખ લગાડીને કહે તો પણ કોઈ રીતે મૂંઝાય નહિ. ॥૧૯૬॥

નિર્બળ તથા બળવાન કેમ જણાય? ઉત્તર જે ઇંદ્રિયો, મન, બુદ્ધિ ને જીવ એ ચારેને નિશ્ચયે કરીને શ્રીજીમહારાજના ભક્તરૂપે વર્તવું તે અનુક્રમે એક એકથી બળિયો કહેવાય છે. તેની વિગત જે કોઈક પરદેશમાં જાય છે ને ત્યાં જ વળગી રહે છે ને કોઈક ઘેર આવે છે ને કોઈક તો બુદ્ધિએ કરીને નિશ્ચય કરે ત્યાર પછી તે ક્રિયાને કરે છે તેમ કોઈક તો સત્તારૂપે વર્તે147 છે ને કોઈક તો નિત્ય પ્રલયાદિકે148 કરીને સર્વે પદાર્થને નાશવંત તુચ્છ ને અસાર જાણીને તથા વૈરાગ્યનું ગ્રહણ કરીને શ્રીહરિજીને વિષે દૃઢ પ્રીતિ કરે છે તે એક એકથી બળિયા છે. ॥૧૯૭॥

જેવો જેને અભ્યાસ કર્યામાં આગ્રહ છે તેવી તેને સિદ્ધિ વહેલી થાય છે અને રજોગુણી બુદ્ધિવાળો તો ઉત્થાન149 જ ક્રિયા કરવા માંડે છે ને તમોગુણી તો અંધ ધંધ150 જેવી ક્રિયા કરે છે ને સત્વગુણી તો વિચાર્યા વિના કરે જ નહિ. ॥૧૯૮॥

ઉત્તમ મુમુક્ષુનાં લક્ષણ એ છે જે સત્પુરુષને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે ને તેમના સમાગમને અર્થે સર્વે પ્રકારનું ભીષણ ખમે ને કોઈક ઉત્તમ વિષયને વિષે લોભાવવાનું કરે તો પણ ન લોભાય. ને ધર્મજ્ઞાનાદિક સાધન ને દેશકાળાદિકના વિષમપણાએ કરીને પણ મૂકે નહિ ને આત્મા અનાત્માનો વિચાર કર્યા કરે. ને સર્વે શાસ્ત્રનો એ જ સિદ્ધાંત છે જે સત્તારૂપ થઈને શ્રીહરિનું ધ્યાન કરવું ને એમ ને એમ અનેક જન્મ સુધી કર્યા કરે ત્યારે કારણ શરીર નાશ પામે છે. ॥૧૯૯॥

જ્ઞાની ને અજ્ઞાનીનું લક્ષણ સંક્ષેપે કરીને કહીએ છીએ જે જ્ઞાની ભક્ત પ્રવૃત્તિ માર્ગમાં શ્રીજીની આજ્ઞાએ કરીને પ્રવર્તતા હોય પણ શ્રીહરિજીની કથા, વાર્તા, કીર્તન, ભક્તિ તથા આત્મા અનાત્માનો વિવેક કર્યા વિના રહી શકે નહિ ને જે અજ્ઞાની ભક્ત હોય તે તો પ્રવૃત્તિમાર્ગમાં અતિશય જોડાઈ જાય ને ભજન સ્મરણ પણ યથાર્થ થાય નહિ. ॥૨૦૦॥

કોઈકને હેત હોય ને વિશ્વાસ ન હોય ને કોઈકને વિશ્વાસ હોય ને હેત ન હોય એમ વાર્તા કરી. ત્યારે કોઈકે પૂછ્યું જે એ બેની સમજણમાં શી ખોટ હશે? ઉત્તર જે વિશ્વાસીને એ ખોટ છે જે એને પંચવિષયને વિષે રાગ છે એટલે હેત થાતું નથી ને હેતવાળાને એ ખોટ છે જે સત્પુરુષની મોટપ એણે યથાર્થ જાણી નથી એટલે વિશ્વાસ આવતો નથી. ॥૨૦૧॥

એક હરિભક્ત તો સત્સંગ સંબંધી ભીષણ ખમી શકે છે ને એક નથી ખમી શકતો એ બેમાં શો ગુણદોષ હશે? ઉત્તર જે ભીષણ ખમતો નથી તેમાં તો એ દોષ છે જે એ શ્રીજીમહારાજનો ને મોટા સંતનો મહિમા સમજતો નથી ને શ્રદ્ધા પણ અલ્પ છે ને દેહાભિમાન પણ બહુ છે માટે સત્સંગ તેના જીવને વિષે પ્રવેશ કરતો નથી એટલે વૃદ્ધિ પણ પામતો નથી ને ભીષણ ખમી શકતો નથી. ॥૨૦૨॥

જે સત્સંગી ધર્મને વિષે દૃઢપણે વર્તતો હોય ને શ્રીહરિજીની મરજીને જાણતો હોય ને સત્પુરુષને ઓળખતો હોય તે પાકો સત્સંગી કહેવાય. ॥૨૦૩॥

મુમુક્ષુ હોય તેને એમ સમજવું જે હું પોતાને પાપે કરીને માંદો પડ્યો છું ને વળી દેહને અર્થે નાશવંત ને અતિ તુચ્છ એવા જે પંચ વિષય તે સારુ હરિભક્તનો તથા સંતનો અવગુણ લેવા રૂપ પાપ કરું છું તેને હું ક્યાં છૂટીશ? એમ સમજીને કોઈનો અવગુણ લેવો નહિ. ॥૨૦૪॥

બે પ્રકારની બુટ્ટીની વાર્તા કરી જે એક બુટ્ટી તો ત્રાંબાદિકને સોનું કરી આપે ને બીજી બુટ્ટી તો સોનાને રાખ કરી નાખે છે. તેમ બહુ બુદ્ધિવાન સંતના સમાગમે કરીને તો એકાંતિક ભક્ત થાય છે ને અલ્પ બુદ્ધિવાનના સંગે કરીને તો ડોળિયો થઈ જાય છે. માટે સારા નરસા થયાનું કારણ તો સત્સંગ અને કુસંગ છે તેને ઓળખીને સંગ કરવો. એ રીતે બહુ વાર્તા કરી. ॥૨૦૫॥

ત્રણ પ્રકારના બુદ્ધિવાનની વાર્તા કરી જે એકની બુદ્ધિ તો હજારોના બંધનને કાપી નાખે છે ને ખાનપાનાદિક સન્માનને વિષે બંધાય નહિ. ને બીજો ઘણાંને સમાસ કરે પણ પોતે જ સન્માનાદિકે કરીને બંધાઈ જાય છે. ને ત્રીજો તો પોતાનો સમાસ માંડમાંડ કરે. એવી રીતે સત્વ, રજ ને તમોગુણમય બુદ્ધિવાનના ભેદ કહ્યા. ॥૨૦૬॥

શ્રી હરિકૃષ્ણજીનો ભક્ત હોય ને રજોગુણને વિષે અતિ આસક્ત વર્તતો હોય તો અનિરુદ્ધ કે બ્રહ્મા જેવો થાય છે ને તમોગુણને વિષે અતિ આસક્ત મતિ હોય તો સંકર્ષણ કે શિવજી જેવો થાય છે ને સત્વગુણને વિષે અતિ દૃઢ આસક્ત મતિ હોય તે પ્રદ્યુમ્ન તથા વિષ્ણુ જેવો થાય છે ને જે એકાંતિકના સંગે કરી ભાગવત્ ભક્ત થાય છે તે તો નિર્ગુણ કહેવાય છે ને એ તો સર્વેને વિષે શ્રેષ્ઠ કહેવાય છે ને એને વિષે પણ નિર્બળ ને બળવાન હોય છે તેમાં જે અતિ બળિયા એકાંતિક ભક્ત હોય છે તે તો શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને પ્રદ્યુમ્નાદિકને માન આવ્યું હોય તો તેના માનને ઉતારીને રૂડી રીત્યે સ્થિત્યાદિક151 ને ધર્મજ્ઞાનાદિકે સોતા પ્રવર્તાવે ને નિર્લેપ થકી પાછા આવીને સેવાને વિષે પણ તત્પર રહે છે ને જે હરિભક્તને સત્વગુણ પ્રધાન વર્તતો હોય તેને મૂંઝવણ તો આવે પણ તે સત્સંગનું અવળું કરે નહિ ને બીજા બે તો અવળું કરે ને બીવે પણ નહિ. તે ઉપર ભીષ્મ, શંકર ને અક્રૂરને દૃષ્ટાંતે152 કરીને વાર્તા કરી. ॥૨૦૭॥

શ્રીજીમહારાજને ને તેમના મહિમાને ને તેમના ધામને ને તેમના અવતારને તથા સત્પુરુષને તથા તેમના મહિમાને જે યથાર્થપણે જાણતો હોય તે સત્સંગમાંથી કોઈ રીતે પડે નહિ ને સર્વે પ્રકારે ભીષણ પણ ખમે ને એવી જાતના સમજણવાળાના અંતરમાં ચીકાશ153 હોય છે ને તે જ્યાં જાય ત્યાં ભગવાનને મૂકી શકે નહિ. ॥૨૦૮॥

નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે પંચ વિષયને કેમ ભોગવવા? ઉત્તર: જે જેમ કોઈ વૈરી મનુષ્ય હોય ને તે પોતાને ઘેર મહેમાન (પરોણો) થયો હોય તો તેને સાકરનાં સીધાં આપવાં પડે છે પણ અભાવસોતાં આપે છે એમ વિષય ભોગવવાને વિષે દેહને પ્રવર્તાવવો. ॥૨૦૯॥

અન્ન ને વસ્ત્ર એ બે વિના ન ચાલે ને બીજા સર્વે વિના ચાલ્યું જાય છે માટે શ્રીજીમહારાજ પ્રસન્ન થાય તે સારુ ધર્મ જ્ઞાનાદિક ગુણને સિદ્ધ કરવાને અર્થે પુરુષપ્રયત્ન પ્રમાદ154 મેલીને કરવો, ને એ બે વાનાં તો સહજે જ મળી રહે છે તે સારુ દેહરૂપ થઈને શ્રીજીમહારાજને વિસારી દેવા નહિ. ॥૨૧૦॥

એક દિવસ મોટા સંતે કહ્યું જે ડોળિયા મનુષ્યનો સંગ કરવો નહિ, તેણે કરીને અંતર મલીન થઈ જાય છે ને પાછો તપાસીને અંતર શુદ્ધ કરે તો શુદ્ધ થાય છે પણ એવી રીતે કરતાં પણ મોટાને જ આવડે ને બીજાને તો શુદ્ધ અશુદ્ધની ખબર જ પડતી નથી. તે વળી જેમ વહાણને વિષે અલ્પ ભાર હોય તે જેમ સર સર ચાલ્યું જાતું હોય ને પછી તેને વિષે ઘણો ભાર ભરે તો તેમ ન ચાલે ને ધીરું પડી જાય છે. એ તો દૃષ્ટાંત છે તેમ ડોળિયા મનુષ્યના સંગે કરીને ઇંદ્રિયોને વિષે ને અંતઃકરણને વિષે રજ-તમના વેગ લાગે છે તે પાપરૂપ મેલ પેસે છે તેણે કરીને ભજન સ્મરણમાં મંદ પડી જાય છે ને જેમ પ્રથમ હેતે સોતું ભજન સ્મરણ થાતું હોય તેમ ન થાય તે સારુ તો દત્તાત્રેયાદિક ભગવાન હતા તો પણ બીક રાખીને વર્ત્યા. ॥૨૧૧॥

વળી મોટા સંતે અર્થારામ,155 ઇંદ્રિયારામ156 અને ગુણાધ્યાન157 ને દોષાધ્યાનની158 વાર્તા વિસ્તારીને કરી તેને સાંભળીને બીજા સંતે કહ્યું જે કેમ સમજીને દોષાધ્યાન કરે તો બાધ ન આવે ને કેમ કરે તો બાધ આવે ને ગુણાધ્યાન કેમ કરવું ને કેમ ન કરવું? ઉત્તર: જે જેને વિષે જે દોષ હોય તેને કોઈક પ્રસંગે કરીને કહેવાય તો તેનો દોષ નહિ ને અવગુણ લીધો પણ ન કહેવાય ને જેને વિષે એ દોષ ન હોય તેને વિષે તે પરઠે તો દોષ લીધો કહેવાય ને તેનું અતિશય ભૂંડું થાય ને કલ્યાણના માર્ગમાંથી પડી જવાય ને જેમ હોય તેમ કહે તેનો તો દોષ જણાતો નથી. ને જુઓને શ્રીજીમહારાજે પણ પ્રથમના ૩૬મા વચનામૃતમાં કહ્યું છે જે નારદ સનકાદિક જેવા જે સાધુ છે તે એને રાંક ને પાપી જાણે છે એ દોષાધ્યાન ન કહેવાય અને મુક્તાનંદ સ્વામી તથા શતાનંદજી જેવા મુનિ છે તે પણ એમ જાણતા હતા જે આ ભક્તને વિષે આટલા દોષ છે ને આ ભક્તને વિષે આ દોષ નથી ને વચનામૃતમાં શ્રીજીમહારાજે પણ કહ્યું છે જે અમે જોયા કરીએ છીએ જે આ ભક્તને આ વર્તમાનમાં આટલી કસર159 છે ને આ ભક્તને કસર નથી તે ઠીક છે એમ મોટા મોટામાં જોયા કરીએ છીએ. માટે એવી રીતે જે કહ્યું તે દોષાધ્યાન ન કહેવાય. ત્યારે હરજી ઠક્કરે કહ્યું જે એક ભક્ત તો મોટો હોય ને બીજો ભક્ત તો નાનો હોય ને તેમાં દોષ તો નક્કી હોય તે જણાય તો ખરો માટે એ દોષ લીધો કહેવાય કે નહિ? ઉત્તર: જે ન કહેવાય કેમ જે વિવેકવાન હોય તેને તો સાચું ખોટું જણાય ખરું એ કાંઈ દોષ લીધો ન કહેવાય. ॥૨૧૨॥

એક દિવસે મોટા સંતે કહ્યું જે દાસ, પ્રેમી ને જ્ઞાની એ ત્રણ પ્રકારના ભક્ત છે તેમને પરમેશ્વર જ્યારે પોતા સંબંધી ક્રિયામાં કે પોતાના ભક્ત સંબંધી ક્રિયામાં જોડે ત્યારે દાસ ને પ્રેમી એ બેય તો તે ક્રિયામાં જોડાઈ જાય કેમ જે એ બેયને તો ક્રિયા કર્યાનું ધ્યાન અવ્યક્તપણે160 રહ્યું જ હતું અને જ્ઞાની તો તેમાં ન જોડાય, એ તો ક્રિયા માત્રને ગૌણ કરીને શ્રીજીમહારાજને વિષે જ પ્રધાનપણે જોડાય છે માટે જેમ ઘટે તેટલી જ ક્રિયા કરીને રહેવા દે ને એકાંતિક તો ત્રણે કહેવાય ખરા. ॥૨૧૩॥

બે પ્રકારના મનુષ્ય છે તેમાં એકનાં દેહ, ઇંદ્રિયો ને અંતઃકરણ એ સર્વે અર્થ, ધર્મ ને કામ પર વર્તે છે ને અર્થાદિકને સારુ ઉદ્યમ કરે છે ને તે આત્માને જાણે છે ને સૂક્ષ્મ દેહને પણ જાણે છે ને તે અર્થાદિકને વિષે અનેક ભેદ રહ્યા છે તેની વિગત જે કોઈકને તો ઇંદ્રાદિકના અર્થ-કામાદિક જોઈએ છીએ ને કોઈકને તો બ્રહ્માદિકના ને કોઈકને તો બૃહસ્પત્યાદિકના161 ને કોઈકને તો વૈરાજપુરુષના ને કોઈકને પ્રધાનપુરુષના ને કોઈકને મૂળપુરુષના અર્થ-કામાદિક જોઈએ છીએ ને તે અર્થાદિક તો લોભ, કામ, સ્વાર્થ, સ્નેહ, માન, ક્રોધ, ઈર્ષ્યા, મદ, મત્સરાદિકે162 કરીને ભરેલ છે અને બીજાને દેહ, ઇંદ્રિયો ને અંતઃકરણ એ સર્વે મોક્ષ પર વર્તે છે ને તેનાં લક્ષણ જે પ્રકૃતિપુરુષ ને તેનાં સર્વે કાર્ય તેને અસત્ય ને અત્યંત અસાર ને નાશવંત ને તુચ્છ ને સ્વપ્નતુલ્ય એવાં જાણે ને જીવાત્માને બ્રહ્મ સાથે એકપણાને પમાડીને પરબ્રહ્મ પુરુષોત્તમને ભજે છે એ વાત ઉપર આ ત્રણ શ્લોક છે. તેનાં નામ જે

आत्मारामाश्च मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे।

कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थं भूत गुणो हरिः॥ १॥163

ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति।

समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्॥ २॥164

धर्मस्थितैरुपगतैर्बहतासहैक्यं, सेव्यो हरिः।

सितमहःस्थित दिव्य मूर्तिः॥

शब्दाद्यरागिभिरिति स्वमतं वदन्तम्।

त्वां भक्ति धर्म तनयं शरणं प्रपद्ये॥ ३॥165

આ ત્રણ શ્લોકમાં જેવી વાત કહી છે તેવી જાતની રુચિ અતિશય પક્વ કરી હોય તો કોઈ કાળે ને કોઈ વિઘ્ને કરીને પણ ભક્તિનો નાશ થાય નહિ. ત્યાં દૃષ્ટાંત છે જે જીવને જ્યારે અંત સમો આવે છે ત્યારે મૂર્છાવસ્થા થઈ જાય છે તે સમે કાંઈ ખબર રહેતી નથી ને પાછો જ્યાં દેહ ધરે છે ત્યાં પૂર્વની પેઠે રાગ-દ્વેષાદિકને લઈને ઊઠે છે તેમ જેને ધર્મ-જ્ઞાનાદિક સંબંધી અતિ પક્વ રુચિ થઈ હોય તો તે જ્યાં જાય ત્યાં એવી જ રુચિ લઈને ઊઠે છે. ॥૨૧૪॥

વિષયખંડનના વચનામૃતની166 વાત કરી તે સમજીને વિષય ભોગવે તો સુખિયો રહે, નહિ તો દુઃખિયો થાય. ત્યારે સંતે પૂછ્યું જે કેમ સમજીને વિષય ભોગવવા? ઉત્તર: જે ધર્મામૃત,167 શિક્ષાપત્રી અને નિષ્કામ શુદ્ધિ168 પ્રમાણે જે વર્તવું તેને સમજીને વિષય ભોગવ્યા કહેવાય. ॥૨૧૫॥

જીવ માત્ર બહુ ક્રિયા કરે છે પણ જે કરવાનું છે તે રહી જાય છે. જેમ લહિયા169 થાવું કે કવિ થાવું એ આદિક સાધન તો જીવ આળસને મેલીને કરે છે પણ એકાંતિક થયાનું સાધન તત્પર થઈને જીવ કરતો નથી ને જીવને પ્રાકૃત વસ્તુમાં જેવું હેત થાય છે તેવું હત ભગવાન કે ભગવાનના મોટા સાધુને વિષે હોય તો કોઈ વાતની કસર ન રહે ને બહુ મોટો થાય. ॥૨૧૬॥

સંત સભામાં એમ પ્રસંગ નીસર્યો જે સરળ સ્વભાવ સારો છે? ત્યારે મોટા સંત કહે જે સરળ સ્વભાવને વિષે એક દોષ છે જે સત્પુરુષના સંગે કરીને ધર્મ-જ્ઞાનાદિક ગુણે સહિત શ્રીજીમહારાજની ભક્તિ કરતો હોય ને તેને અલ્પ બુદ્ધિવાળા સાધુ મળે ને આડીઅવળી વાર્તા કરીને કોઈક બીજે માર્ગે ચડાવી દે તો પણ ચડી જાય માટે સર્વે ઠેકાણે સરળપણું નહિ ને જ્યાં રાખવું ઘટે ત્યાં સમજીને રાખે તો સરળપણું છે ને આંટી પણ જ્યાં રાખવી ઘટે ત્યાં રાખે તે ધર્માદિક પાળ્યાને વિષે તો સમજીને રાખે ને જ્યાં ન રાખવી ઘટે ત્યાં ન રાખે તો સમજુ કહેવાય, નહિ તો સ્વભાવવશ કહેવાય. ॥૨૧૭॥

ધીરજ વખત પર રહેતી નથી તે કેમ સમજે તો રહે? ઉત્તર: શ્રીજીમહારાજની ભક્તિ માહાત્મ્યે સહિત હોય ને આત્મનિષ્ઠાનો વિચાર અતિ પક્વ હોય તો ધીરજ રહે, ને તે આત્મનિષ્ઠાનો વિચાર કરનારા પણ ત્રણ પ્રકારના છે તેમાં એકને તો ક્રિયા કર્યા પહેલાં વિચાર રહે તે પ્રથમથી જ વિચારીને પછી ક્રિયા કરે ને બીજાને ક્રિયા કરતાં મધ્યે સાંભરે ને ત્રીજાને ક્રિયા કરી રહે ત્યારે સાંભરે. એ ત્રણે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ કહેવાય ને જેને સાંભરે જ નહિ તે તો અધમ કહેવાય, ને ઉત્તમ ધીરજવાળા તો મુક્તાનંદ સ્વામી હતા ને મુક્તાનંદ સ્વામીને કોઈક ભક્તજન કાંઈક વાત કહેવા આવે ત્યારે પ્રથમ તો તે સામું જોઈ રહેતા ને તપાસ કરતા પછી કહેવું ઘટે તો કહેતા, નહિ તો અંતરદૃષ્ટિ કરીને શ્રીહરિના ભજનમાં મંડ્યા રહેતા. એવી રીતનો બળિયો વિચાર હોય તો વખત ઉપર ધીરજ રહે. ને વળી પિંડ બ્રહ્માંડને સ્વપ્નતુલ્ય, અતિ અસાર ને કાખના મુવાળા જેવા170 સમજીને ને ત્રણ શરીર થકી પૃથક્ જાણપણારૂપે નિરંતર વર્ત્યા કરે તો વખત ઉપર ધીરજ રહે. તે ઉપર જડભરત અને અખંડાનંદ સ્વામી આદિકના દૃષ્ટાંતે171 કરીને વાર્તા કરી. ॥૨૧૮॥

એક દિવસ મનોહરદાસ ભગવાનની વાર્તા સાંભળવા બેઠા હતા તે વાર્તા શ્રવણ કરતે કરતે લક્ષ172 થઈ ગયો ત્યારે શાંતાનંદ સ્વામીએ કહ્યું જે આમને બહુ સુખ આવતું હશે? ત્યારે મોટા સંત કહે જે તમારે સમાધિ જોઈએ છીએ? ત્યારે તે સંતે કહ્યું જે મહારાજનું દર્શન થાય તો શ્રેષ્ઠ છે. ત્યારે સ્વામીએ કહ્યું જે ઇંદ્રિયોને વિષયમાંથી રેતી જેવી લુખી કરી નાંખે ને જીવસત્તાને અક્ષર સાથે એકપણાને પમાડીને પોતે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કર્યા કરે. એમ જે વર્તવું તેને તો સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ માનીએ છીએ. ॥૨૧૯॥

પુસ્તકને અર્થે ને ભગવાનના ચરણારવિંદને અર્થે જીવ બહુ દાખડો કરે છે એ સર્વે છે તો ખરું પણ મોટા પુરુષના સમાગમમાં રહીને ને ધન, સ્ત્રી આદિક પદાર્થોનો ત્યાગ કરીને શ્રીજીમહારાજની અનુવૃત્તિમાં રહીને પોતાનું ઉત્તમ કલ્યાણ કરવું એ શ્રેષ્ઠ સમજણ છે ને જે એવી બુદ્ધિનું ગ્રહણ નથી કરતા તેનાં પુસ્તક આદિક પડ્યાં રહે છે ને પોતે સત્સંગ થકી પડી જાય છે. ॥૨૨૦॥

અમદાવાદના બીજા વચનામૃતમાં સત્તારૂપ173 થઈને માનસી પૂજા આદિક સર્વે કરવાં એમ કહ્યું છે તે સત્તારૂપ કેમ થવાય? ઉત્તર: જે પંચવીશ સાધને યુક્ત જે વર્તતા હોય તે સત્તારૂપ કહેવાય એવી રીતે વાર્તા કરી. ॥૨૨૧॥

અને હરજી ઠક્કરે પૂછ્યું જે દેહ અને દેહ સંબંધી પદાર્થને વિષે જેવી જીવને પ્રીતિ છે તેવી ભગવાનને વિષે પ્રીતિ કેમ થાતી નથી? તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે જીવનો સહેજે જ એવો સ્વભાવ છે જે પોતાના સંબંધીને વિષે એને બહુ માલ જણાય છે ને તેને વિષે અતિશય સ્નેહ રહે છે. અને સત્સંગે કરીને ભગવાનને વિષે પ્રીતિ તો થઈ છે પણ ગૌણ છે. ને જે ત્યાગી છે તેને પણ દેહ તથા દેહ સંબંધી પદાર્થને વિષે વિશેષ પ્રીતિ છે તથા લખવું, ભણવું અને પુસ્તક તેને વિષે પણ વિશેષ પ્રીતિ છે. માટે તેવી ભગવાનને વિષે પ્રીતિ નથી થાતી. જેમ પચાસ સાઠ પ્રકારનાં ભોજન હોય તેમાં જલેબી અને મોતિયા જેવાં ઉત્તમ ભોજનને ઠેકાણે તો એણે દેહ તથા દેહ સંબંધી પદાર્થને કર્યા છે ને ડોડીની તથા સુવાની ભાજીને ઠેકાણે ભગવાનને કર્યા છે, માટે ભગવાનને વિષે પ્રીતિ નથી થાતી. માટે દેહ તથા દેહ સંબંધી પદાર્થનો નિષેધ કરીને તેમને ભાજીને ઠેકાણે ગણે ને ભગવાનને જલેબી મોતિયાને ઠેકાણે ગણે ત્યારે ભગવાનને વિષે પ્રીતિ થાય. તથા વળી જેમ કોડી ને પૈસો પણ ધન છે ને પારસમણિ તથા ચિંતામણિ તે પણ ધન છે તેમાં ચિંતામણિના જેવું હેત એ જીવને દેહ તથા દેહ સંબંધી પદાર્થને વિષે છે. ને ભગવાનને વિષે જે પ્રીતિ છે તે તો કોડી ને પૈસાના જેવી છે માટે ભગવાનને વિષે તેવી પ્રીતિ નથી થાતી. માટે જો દેહ તથા દેહ સંબંધી પદાર્થને અસત્ય જાણીને તેને કોડી તથા પૈસાને ઠેકાણે ગણે ને ભગવાનને ચિંતામણિને ઠેકાણે ગણે તો ભગવાનને વિષે એ જીવને પ્રીતિ થાય. અને દેહ તથા દેહ સંબંધી પદાર્થ તે તો અસત્ય છે તે કોઈ દિવસ સત્ય નથી. તેમ થઈ ગયાં જે પદાર્થ તે પણ સત્ય નથી અને જે છે તે પણ સત્ય નથી તથા આગળ થાશે તે પણ સત્ય નથી. ને એને વિષે કોઈ દિવસ માલ નથી. જેમ ઝાંઝવાનું જળ તે કોઈ દિવસ સત્ય નથી તથા જેમ ગધેડાની લાદનું સુખડું કરે તેમાં કોઈ દિવસ સુખ હોય નહિ, અને આ જીવ છે તે રાજાના જે દેહ સંબંધી તેને પામ્યો છે તથા ઇન્દ્રના સંબંધી ભોગને પામ્યો છે. તથા બ્રહ્માના દેહ સંબંધી જે ભોગ તેને પામ્યો છે. પણ તે બ્રહ્માદિકના જે દેહ તથા દેહ સંબંધી પદાર્થ તે કોઈ દિવસ સત્ય નથી. એ તો અનંતવાર થઈ ગયા ને અનંતવાર તે ભોગને ભોગવ્યા માટે તે કોઈ દિવસ સત્ય નથી તથા વિરાટનો દેહ ને તે દેહ સંબંધી જે પદાર્થ તે કોઈ દિવસ સત્ય નથી. એ તો અસત્ય છે કેમ જે તેને કાળ નાશ પમાડે છે. તથા પ્રધાનપુરુષના જે દેહ તથા તે દેહ સંબંધી પદાર્થ તે પણ સર્વે અસત્ય છે. કેમ જે તેને પણ કાળ નાશ પમાડે છે. અને આત્યંતિક પ્રલયને વિષે પ્રકૃતિપુરુષનો દેહ પણ નથી રહેતો ત્યારે બીજું તો ક્યાંથી રહે? એમ સર્વેને અસત્ય જાણીને પછી સદા સત્ય એવો જે આત્મા તથા પરમાત્મા તેને જ સદા સત્ય જાણીને પછી તે પરમાત્મા જે નારાયણ તેને વિષે સર્વે પ્રકારે પ્રીતિ કરવી ને સમજવું જે સર્વે જે અપરિમીત સુખ છે તે ભગવાનને વિષે રહ્યું છે. ને તે સુખને અનંત કોટિ મુક્ત નિરંતર ભોગવે છે. પણ તેનાથી તૃપ્ત નથી થાતા એવા સદા સુખમય ને સદા દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન તે આજ આ શ્રીજીમહારાજ રૂપે આપણા કલ્યાણને અર્થે દયા કરીને પ્રગટ્યા છે. એવી રીતે દેહગેહાદિકથી174 પ્રકૃતિપુરુષાદિક સુધી સર્વેને અસત્ય જાણીને એને વિષેથી પ્રીતિ તોડીને પછી મહારાજને વિષે પ્રીતિ કરે તો તે પ્રીતિ અતિ દૃઢ થાય પણ તે વિના બીજા કોટિ ઉપાય કરે તો પણ મહારાજને વિષે દૃઢ પ્રીતિ ન થાય. ॥૨૨૨॥

અને એક દિવસ સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ અતિ કરુણા કરીને વાત કરી જે આ દેહને વિષે તો કેવળ દુઃખ જ છે પણ સુખ નથી. ત્યારે કોઈ કહેશે જે સુખ તો થાય છે. તો એનું એમ છે જે દુઃખ અધિક થયું હોય તે મટે ત્યારે કહે જે સુખ થયું પણ એ તો સુખ નથી થયું, દુઃખ જેમ હતું તેમ જ રહ્યું છે, પણ જે અધિક દુઃખ હતું તે મટ્યું. વળી જેમ કોઈ પુરુષ ભૂખ્યો તરસ્યો હોય તે અન્ન ખાય તથા જળ પીવે ત્યારે કહે જે સુખ થયું પણ એમાં કાંઈ સુખ થયું નથી. એ તો એ વખતની ભૂખ ને તરસ ગઈ ને તેનું દુઃખ તો એમનું એમ છે. અને વળી કોઈક પુરુષ માંદો હોય તે સાજો થાય ત્યારે કહે જે હવે સુખ થયું. પણ એમાં શું સુખ થયું? દુઃખ તો એમનું એમ જ છે. એ તો અધિક દુઃખ થયું હતું તે મટ્યું છે. પણ સુખ તો ત્યારે થાય જે પંચવિષયની જીવમાં વાસના છે તેને ટાળીને કેવળ આત્મારૂપ થઈને પુરુષોત્તમનારાયણ એવા જે શ્રીજીમહારાજ તેમની જ્યારે માહાત્મ્યે સહિત નિષ્કામભાવે કરીને પ્રેમ લક્ષણા ભક્તિ કરે તથા તે ભગવાનને વિષે અતિશય હેત કરે. જેમ અતિશય કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત છે તથા અતિશય લોભીને ધનને વિષે જેવું હેત છે તેવું હેત મહારાજને વિષે કરવું. ને એવી રીતનો ભક્ત જ્યારે દેહનો ત્યાગ કરીને ભાગવતી દેહે કરીને અવતારી એવા જે પૂર્ણ પુરુષોત્તમ ભક્તિધર્મના પુત્ર શ્રી હરિકૃષ્ણજી મહારાજ તેમની સેવામાં રહે ત્યારે સુખ થાય, પણ તે વિના તો જેમ જેમ અધિક સંપત્તિને પામે છે તેમ તેમ અધિક દુઃખને પામે છે. તે ઇન્દ્રથી લઈને મહાપુરુષ પર્યંત જેમ જેમ અધિક ઐશ્વર્ય ને અધિક મોટપ્યને પામે છે તેમ તેમ અધિક દુઃખને પામે છે. પણ સુખ તો એક મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય નથી. ॥૨૨૩॥

અને વળી સ્વામીએ વાત કરી જે ગમે તેવો નિષ્કામી હોય પણ જો કામીનો જોગ કરે તો તે પણ કામી થાય. તથા ગમે તેવો નિર્લોભી હોય ને જો લોભીનો સંગ કરે તો તે પણ લોભી થઈ જાય. ઇત્યાદિક ભૂંડાને સંગે ભૂંડો થાય. તેમ જો સારાનો સંગ થાય તો સારો થાય, જેમ ગમે તેવો કામી હોય ને તે જો નિષ્કામી પુરુષનો સંગ કરે તો પોતે નિષ્કામી થાય. ઇત્યાદિક નિર્દોષ પુરુષનો સંગ કરે તો તે પણ નિર્દોષ થાય. માટે જે મુમુક્ષુ હોય ને પોતાના દોષને ટાળવાની ઇચ્છા હોય તેણે દોષવાળાથી તો જેમ સર્પ તથા વાઘ થકી બીને છેટે રહેવાય છે તેમ બીને છેટે રહેવું. અને સંગ તો કેનો કરવો? તો જે સર્વે પ્રકારે દોષે રહિત હોય ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત એકાંતિક ભક્તિએ યુક્ત હોય ને જગતની કોરે સુષુપ્તિ વર્તતી હોય ને ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો ને ભગવાનનો નિર્વિકલ્પપણે નિશ્ચય કરવો તથા ભગવાનની મૂર્તિને સંભારવી તેને વિષે નિરંતર જાગૃત વર્તતા હોય એવા સાધુનો ખાતાં, પીતાં, ચાલતાં એ આદિક સર્વે ક્રિયામાં સંગ કરવો તથા રાત્રીએ સૂવું ત્યારે પણ એવા પાસે સૂવું. ॥૨૨૪॥

અને જે શૂરવીર હોય તેને તો એમ વર્તે જે આપણે આ દેહને સુખ થાય છે કે દુઃખ થાય છે એ બેમાંથી કોઈ જાતના સંકલ્પ ન થાય. એને તો એવો એક જ સંકલ્પ હોય જે ગમે તેવું સુખ તથા દુઃખ થાય તો પણ આ દેહને મહારાજની આજ્ઞામાં વર્તાવીને દેહને નિયમમાં કરવો છે. પછી તે ભક્ત ઇંદ્રિયુંને વશ કરીને તથા ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યને અતિ દૃઢ કરીને તથા પંચવિષયના સંકલ્પને ટાળીને તથા સૂક્ષ્મદેહનો નાશ કરીને પછી વિષયમાં જે અવ્યક્ત રાગ હોય તેને ઉપશમ અને ભગવાનના ધ્યાન વડે ટાળીને પછી લિંગદેહના ભૂકા કરીને જીવને બ્રહ્મરૂપ કરીને પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ તેમની સેવામાં અક્ષરધામમાં જઈને રહે પણ કોઈ માન મોટપમાં બંધાય નહિ ને તેનો રોક્યો રોકાય નહિ. એવો જે ભક્ત હોય તેને એકાંતિક ભક્ત જાણવો. એમ શૂરવીરને ઓળખવો. ॥૨૨૫॥