૧૫. ભગવાનના ભક્તે વર્તવાની રીતની વાતો
ભગવાનનું ધ્યાન કરે તે દેખાડ્યાને અર્થે કરે તથા ભક્તિ કરે તે પણ દેખાડ્યાને અર્થે કરે ને જ્ઞાન કરે તે પણ દેખાડ્યાને અર્થે કરે ને વૈરાગ્ય રાખે તે પણ દેખાડ્યાને અર્થે રાખે અને ધર્મ પાળે તે પણ દેખાડ્યાને અર્થે પાળે ને સેવા કરે તે પણ દેખાડ્યાને અર્થે કરે ને કથા વાર્તા જે જે ક્રિયા કરે છે તે લોક જાણે તથા પોતાની મોટપ વધે તેને અર્થે તથા માન વધ્યાને અર્થે તથા દેખાડ્યાને અર્થે ઉપરથી કરે તેને કનિષ્ઠ પુરુષ જાણવો. અને જે પુરુષ દેખાડ્યાને અર્થે ને ભગવાન પ્રસન્ન થાય તે બેયને અર્થે કરે તેને મધ્યમ પુરુષ જાણવો. અને જે ધર્મ પાળે, તપ કરે, ત્યાગ કરે, જ્ઞાન કરે, વૈરાગ્ય રાખે, ભક્તિ કરે, ભગવાનમાં હેત કરે, સેવા કરે, ધ્યાન કરે ને કથા, વાર્તા, કીર્તન જે જે કરે તે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે ને ભગવાનને અર્પણ કરે પણ લોક વખાણે તે સારુ ન કરે ને કોઈ માન આપે, અપમાન કરે, તથા તિરસ્કાર કરે તો પણ હર્ષ, શોકને ન પામે ને માન આપે તેમાં રાજી ન થાય ને તિરસ્કાર કરે તેમાં શોક ન કરે પણ રાજી રહે ને જે જે કરે તે ભગવાનને અર્પણ કરે એવો જે પુરુષ હોય તે ઉત્તમ પુરુષ જાણવો. તે સારુ જે જે કરવું તે ભગવાનને રાજી કર્યાને અર્થે કરવું પણ કોઈક વખાણે તે સારુ ન કરવું. ॥૨૨૬॥
પ્રકૃતિએ યુક્ત એવો જે પુરુષ તે જે કર્મયોગ કરે, તે કર્મયોગ તે શું? તો ભગવાનની શ્રવણ-કીર્તનાદિક જે ભગવાનને અર્થે ક્રિયા કરવી તે. અને ક્રિયા કરતાં જે સુખ-દુઃખ આવે તેનું સહન કરવું તે રૂપ જ્ઞાનયોગ, અને તે જ્ઞાન યોગે ભળ્યો એવો જે કર્મયોગ તેને પ્રકૃતિયુક્ત એવો જે પુરુષ તે જે તે કરે અને એવો જે કર્મયોગ તે તો જ્ઞાનયોગનો અધિકારી હોય તેને પણ કરવો, તો કર્મયોગના અધિકારીએ તો જરૂર કરવો ને જે આત્માને ને પરમાત્માને સાક્ષાત્કાર દેખતો હોય તે ન કરે તો બાધ નહિ અને તેને પણ કર્મયોગ તો કરવો જોઈએ. કેમ જે તે જો કર્મયોગને કરે તો તેને દેખીને બીજા પણ ભક્તિયોગમાં પ્રવર્તે ॥૨૨૭॥
જે નવ વાનાં રાખે તેને કલ્યાણના માર્ગમાં કોઈ રીતે વિઘ્ન ન આવે:
(૧) ભગવાનની દૃઢ ઉપાસના કરવી તે કોઈ રીતે ફરે નહિ.
(૨) જે જે ભગવાનના નિયમ છે તેમાં દૃઢપણે રહેવું પણ કોઈ નિયમનો ભંગ ન કરવો.
(૩) શુભ દેશ સેવવો પણ અશુભ દેશને ન સેવવો.
(૪) શુભ કાળ સેવવો પણ ભૂંડો કાળ ન સેવવો.
(૫) સત્પુરુષનો સંગ મન, કર્મ, વચને કરવો પણ તે સત્પુરુષનો સંગ કરતાં જો કોઈ સ્વભાવ આડો આવે તો તે સ્વભાવનો ત્યાગ કરવો પણ સત્પુરુષના સંગનો ત્યાગ ન કરવો.
(૬) પોતાની ઉત્તમ શ્રદ્ધા રાખવી પણ તેમાં પ્રમાદ ન રાખવો.
(૭) સાધુનો તથા બ્રહ્મચારીનો તથા પાળાનો તથા સત્સંગીનો ઇત્યાદિક કોઈ ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો.
(૮) દેહાભિમાનનો ત્યાગ કરવો.
(૯) કોઈ મંડળના તથા મંદિરના થઈને રહેવું પણ અધરિયા175 ન રહેવું.
આ નવ વાનાંમાં જો એક ન હોય તો તેના સત્સંગમાં જરૂર વિઘ્ન પડે. તે માટે પોતાનો સત્સંગ નિર્વિઘ્ન રાખવો હોય તેને આ નવ વાનાં અતિ દૃઢ કરીને રાખવાં. ॥૨૨૮॥
મનને વિષે સંકલ્પ વિકલ્પનો વેગ વર્તતો હોય ત્યારે આત્મા-અનાત્માનો જે વિચાર અને તે સંબંધી જે સંકલ્પ તે કરવા તથા ભગવાનના માહાત્મ્યના વિચાર સંબંધી સંકલ્પ કરવા અને જ્યારે મનમાં ઉદાસીપણું હોય ત્યારે તો ચાર પ્રકારના પ્રલયનો વિચાર કરીને વૈરાગ્ય સંબંધી સંકલ્પ કરીને પદાર્થની તુચ્છતા જાણવી. અને મનમાં આનંદ વર્તતો હોય ત્યારે ઉપશમ કરીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું અને મનમાં રાગ વર્તે ત્યારે ભગવાનનાં કીર્તન ગાવવાં. અને ઇંદ્રિયોની ક્રિયામાં મન વર્તે ત્યારે ભગવાનની ભક્તિ-સેવા કરવી. એવી રીતે એ પાંચે સમયને વિષે એ પાંચ વાનાં કરે તો તત્કાળ સિદ્ધ થાય. અને એમ ન કરે તો તત્કાળ સિદ્ધ ન થાય. ॥૨૨૯॥
એક વેગ રાખીએ તો સર્વે વેગ રહે એવો કયો વેગ છે? તો ભગવાનના માહાત્મ્ય જ્ઞાને સહિત જે ભગવાનને વિષે પ્રીતિનો વેગ તે નિરંતર રાખવો. અને એ વેગના વિરોધને કરવાવાળા જે બીજા સંકલ્પ તે ટાળવા કેમ જે વૈરાગ્ય, ધર્મ અને આત્મજ્ઞાનાદિક સંબંધી વિચાર કરવા ને તેણે કરીને પ્રથમના વેગને પુષ્ટ કરવો. ॥૨૩૦॥
ભક્તિ તે હેતને કહીએ. અને અનુવૃત્તિ તે ભગવાનના ગમતા પ્રમાણે કરવું તેને કહેવાય. અને ગમતા પ્રમાણે થોડું ભજન કરે તો ભગવાન બહુ માને અને ભગવાનના ગમતા પ્રમાણે ન કરે અને પોતાના મનગમતા પ્રમાણે કરે તો તેને થોડું માને. અને ભગવાનના ભક્તના ત્રણ પ્રકારના ભેદ છે:
(૧) નિષ્કામપણે ભગવાનના ગમતા પ્રમાણે જ કરે.
(૨) નિષ્કામપણે કરે પણ પોતાના મનગમતા પ્રમાણે કરે.
(૩) સકામપણે કરે અને પોતાના મનગમતા પ્રમાણે કરે. અને એ ભગવાનને સર્વે દેવ થકી સમર્થ જાણે. અને સર્વથી શ્રેષ્ઠ મોટા ભોગ આપવાને વિષે મહા સમર્થ માને માટે ભગવાનને ભજે, પછી તે ભોગને ભગવાનથી પામે અને ભજ્યા કરે. ॥૨૩૧॥
મુક્તાનંદ સ્વામીએ અંતકાળ સમે પોતાના સાધુને શિક્ષા કહી જે ધન, સ્ત્રીનો પ્રસંગ તે કોઈ રીતે ન કરવો તથા શહેરમાં ન જાવું તથા સત્સંગ મેલીને પરદેશમાં જાવું નહિ તથા ગોપાળાનંદ સ્વામી જેવા સાધુનો સંગ રાખવો. અને એનો વિશ્વાસ મન, કર્મ, વચને રાખવો. એવી રીતે પરમહંસને શિક્ષાનાં વચન કહ્યાં. ॥૨૩૨॥
કોઈ હરિભક્તનો અવગુણ આવે તેમાં આ ત્રણ વિચાર કરવા જે:
(૧) એનો મને અવગુણ આવે છે. તે એની ઉપર મારે ઈર્ષા છે તેણે કરીને આવે છે?
(૨) કે એ મારા સ્વભાવ ઉપર ટોકે છે તેણે કરીને મને અવગુણ આવે છે?
(૩) કે એ દોષ એમાં છે જ તેથી અવગુણ આવે છે?
એમ વિચારીને ઈર્ષા તથા ટોકવે કરીને176 જો અવગુણ આવતો હોય તો ન લેવો અને એ દોષ એમાં ખરેખરો હોય તો લેવો પણ આવી રીતે વિચાર્યા વિના કોઈનો અવગુણ ન લેવો. ॥૨૩૩॥
મહારાજ પધાર્યા પછી સાંપ્રત177 આટલું કાર્ય અવશ્ય વિચારીને કરવાનું છે તે કેવી રીતે તો મહારાજ બિરાજતા હતા ત્યારે આપણી વતે કોઈ અવળી ક્રિયા થઈ જાય ત્યારે મહારાજ કોઈ પ્રકરણ ફેરવે એટલે તે સર્વે મટી જાય અને પાછું સવળે માર્ગે ચલાય તથા મહારાજ ઠપકો દઈને આપણને સવળે માર્ગે ચલાવે. અને હમણાં તો સત્સંગનું કામકાજ આચાર્યની આજ્ઞાએ અથવા મોટા સાધુની આજ્ઞાએ કરવું પણ તેમાં પોતાને સ્ત્રી, ધનાદિક વિષયનો સંબંધ થઈ જાય અને વચનનું ઉલ્લંઘન થઈ જાય અને અંતે કોઈ પદાર્થમાં આસક્ત થઈ જવાય એવું વચન ન માનવું. એટલો તો પોતાને જાણે વિચાર કરવો. પણ તેમાં મોટેરાનો વિશ્વાસ ન રાખવો, કારણ કે મોટેરા તો પોતાના કામ કરાવવાના સ્વાર્થ પરાયણ હોય પણ આ જીવ આવો છે તે એને આનો સમાગમ થાય તો ઘટી જાય ને આનો સમાગમ થાય તો વૃદ્ધિ પામે એવી રીતે સર્વે પ્રકારે જીવનું પરલોકમાં હિત થાય એમ કરતાં આવડે એવા મોટેરા હોય કે ન હોય માટે આટલો પોતાને જ વિચાર કરવો. ॥૨૩૪॥
એક વાર પોતાના જીવને શુદ્ધ કરીને પછી ભક્તિ કરવી, બીજાને સત્સંગ કરાવવો તથા સત્સંગનો મમત્વ રાખવો ઇત્યાદિક જે જે કરવું તે સર્વે પછી કરવું. તે શુદ્ધ કેમ કરવો તો સ્ત્રી અને ધન એ બેમાં કોઈ રીતે જીવ ભળી જાય નહિ તેવો દૃઢ વિચાર કરવો તથા આત્મનિષ્ઠા અને વૈરાગ્યની રીત સારી પેઠે જાણવી તથા ભગવાનના સ્વરૂપને યથાર્થપણે જાણવું અને તેનું માહાત્મ્ય જાણીને ભક્તિ કરવાની રીત જાણવી. એટલાએ કરીને જીવ શુદ્ધ કરવો અને એમ શુદ્ધ ન કરે અને કદાચિત જો સ્ત્રી આદિકમાં આસક્ત થઈ જવાય તો તે ભગવાનને ગમે નહિ. જેમ અપવિત્ર થકો શ્રીહરિને અર્થે થાળ લઈ આવે તો તે શ્રીહરિને ગમે નહિ, તેમ તે ભક્તિ પણ ગમે નહિ. માટે એકલી ભક્તિમાં કાંઈક કહેવત છે અને જીવને શુદ્ધ કરીને થોડીક ભક્તિ કરી હોય તો જેટલી કરી હોય તેટલી જાય નહિ. ॥૨૩૫॥
પોતામાં કાંઈક દોષ હોય તે પોતામાં ને પોતામાં રાખે તે મોટેરાની ઉપર શ્રીહરિનો બહુ કુરાજીપો થાય નહિ અને તે દોષ બીજામાં પ્રવર્તાવે તો તે ઘણા જીવનું ભૂંડું થાય તેનું પાપ એને લાગે અને દોષનું ફળ તે એ મરીને મુક્ત થાય તો પણ એના બહુ ભૂંડાને કરે. ॥૨૩૬॥
હરિભક્તને આ ત્રણ વાર્તા અતિશય સિદ્ધ કરવી:
(૧) ભગવાનનું સ્વરૂપ યથાર્થ માહાત્મ્ય, જ્ઞાનપૂર્વક જાણીને તે શ્રીહરિજીમાં અને શ્રીહરિજીના ખરેખરા ભક્તમાં હેત કરવું અથવા તે શ્રીહરિજી અને હરિભક્ત ભેળા રહેવે, લીધે, દીધે, બોલાવે, ચલાવે સહેજે હેત કરવું.
(૨) પોતાના જીવને શોધવો178 કહેતાં કામ, લોભ, માન, ક્રોધ, દંભ, ઈર્ષા, મત્સર, સ્નેહાદિક જે આસુરી સંપત્તિરૂપ અધર્મનો સર્ગ તેણે કરીને તથા કોઈ માયિક ભાવે કરીને જીવ પરાભવ179 ન પામે અને દોષે રહિત થકો અને કેવળ સત્તાપણે રહ્યો થકો બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં રહે અને એવો બ્રહ્મરૂપ થાય ત્યારે શ્રીહરિજીને વરણીય180 થાય માટે આ તો અવશ્યપણે નિરંતર અનુસંધાન રાખીને અને સત્શાસ્ત્ર થકી જ્ઞાન, વૈરાગ્યનો વિચાર પામીને તથા સત્સંગ કરીને એ વાત દૃઢ કરવી.
(૩) કોઈ ઉપર દયા કરીને તેના જીવનું પરલોક સંબંધી હિત કરવું અને તેનો જીવ અન્ય વાસનાએ રહિત થઈને ભગવાનને પામે એવી દયા કરે તો એની ઉપર ભગવાનની પ્રસન્નતા થાય કેમ જે પોતાના ધામથી શ્રીહરિજી અહીંયાં આવે છે અને જીવની ઉપર દયાએ કરીને તેમના કલ્યાણ કરવાને માટે આવે છે. તે ભગવાનના સંકલ્પ ભેળી એની ક્રિયા ભળી માટે ભગવાન પ્રસન્ન થાય તથા હરિમંદિર શ્રીજીમહારાજે પોતે કરાવ્યાં છે તે બીજા જીવ ઉપર દયા કરીને તેના કલ્યાણને અર્થે કરાવ્યાં છે એમ ધારીને શ્રીહરિજીની પ્રસન્નતાને અર્થે મંદિરનો પક્ષ રાખીને તે સંબંધી કામકાજ કરવું. અને કોઈ જીવ ઉપર દયા કરીને કલ્યાણની વાત કરવી પણ તેના ગુણ દોષમાં પોતાના જીવને બાધ પામવા દેવો નહિ. વાત કરીને છેટે રહેવું પણ દયાએ કરીને તે ભેળું તેના ડોળમાં181 ભળવું નહિ. એ ત્રણ વાત સિદ્ધ કરવી. ॥૨૩૭॥
શ્રીજીમહારાજે પોતાની રુચિ લોયાના ૧૪મા વચનામૃતમાં પોતાને મુખવચને કરીને પોતે કહી છે તે રુચિને યથાર્થ જાણીને તે પ્રમાણે જ જે ભક્તે પોતાની રુચિ કરી હોય તેને જ શાસ્ત્રનો અર્થ યથાર્થ સમજાય છે અને જે એવો ન હોય તેને પોતાની રુચિ પ્રમાણે શાસ્ત્રનો અર્થ સમજાય છે. ॥૨૩૮॥
કોઈક ભક્ત થોડું કરે છે અને તેની ઉપર ભગવાન રાજી થાય છે અને કોઈક ભક્ત ઝાઝું કરે છે તેની ઉપર પણ ભગવાન રાજી નથી થાતા તેનું શું કારણ? જે ભક્ત થોડું કરે છે પણ તે ભગવાનની મરજી પ્રમાણે કરે છે માટે રાજી થાય છે અને ઝાઝું કરે છે પણ તે પોતાના મનગમતા પ્રમાણે કરે છે માટે તેની ઉપર ભગવાન રાજી થાતા નથી. ॥૨૩૯॥
ભગવાનના ભક્તને આ ત્રણ વાનાં નિરંતર કરવાનાં છે:
(૧) ભગવાન અને ભગવાનના ખરેખરા ભક્ત હોય તેની ઉપર એવું હેત કરવું જે એથી કોઈ અધિક ન રહે એવું નક્કી હેત કરવું.
(૨) કામ, લોભાદિક શત્રુ તથા દેહાભિમાન તેને ટાળી નાખીને ધર્મ, વૈરાગ્યે સહિત આત્મનિષ્ઠા ખચિત સિદ્ધ કરવી.
(૩) કોઈક જીવને એના મોક્ષની વાત ખરેખરી સમજાવવી એવી દયા રાખવી પણ તેમાં પોતાને કોઈ જાતનું બંધન ન થાય એવી કળા રાખવી એ ત્રણ વાર્તા તો ખટકો રાખીને નિરંતર કરવી. ॥૨૪૦॥
ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને ભગવાનને વિષે પ્રીતિ એ બેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસ182 તે કર્યા કરવો પણ એ નિષ્ઠા જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી સંતોષને પામવું નહિ. તે આત્મનિષ્ઠા કેવી સિદ્ધ કરવી તો એક આત્માને વિષે જ સુખપણાની ભાવના રહે અને તે આત્મા વિના બીજા માયિક આકાર માત્ર તેને વિષે કેવળ દુઃખ જ જણાયા કરે અને ચાર પ્રકારના પ્રલયમાં જે જે આકારનો વિનાશ થાય છે તેને વિષે કેવળ દુઃખની જ ભાવના જણાયા કરે. અને પ્રીતિ તો બે પ્રકારે સિદ્ધ કરવી જે:
कामार्ततस्कर नटव्यसनिद्विषंतः।
स्वस्वार्थसिद्धिमिव चेतसि नित्यमेव॥
नारायणं परमयैव मुदा स्मरंतं।
त्वां भक्तिधर्म तनयं शरणं प्रपद्ये॥183
એ શ્લોકમાં જેમ કહ્યું છે તેમ અંતઃકરણે કરીને પ્રીતિ સિદ્ધ કરવી તથા:
साध्वी चकोरशलभास्तिमिकालकंठ।
कोकानिजेष्टविषयेषु लग्नाः॥
मूर्त्तौ तथा भगवतोत्र मुदातिलग्नं।
त्वां भक्तिधर्म तनयं शरणं प्रपद्ये॥184
એમાં કહ્યું છે તેમ દેહે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી. એવી રીતે એ બે પ્રકારની નિષ્ઠાને શ્રવણ, મનન અને નિદિધ્યાસે કરીને સિદ્ધ કરવી. ॥૨૪૧॥
જીવ જે જે કરે છે તે એમ કરે છે જે માન, મોટપ ને વિખ્યાતિ કરવી તથા પોતાની મોટપ જણાવવી તેને અર્થે શાસ્ત્ર ભણે છે તથા સારા અક્ષર લખવા શીખે છે તથા સારી રસોઈ શીખવી તથા ગાવણું શીખવું તથા કીર્તન શીખવાં તથા વાતો શીખીને કોઈને ઉપદેશ કરવો, એ આદિક ક્રિયાને ભામે ચડી જાય185 છે પણ કોઈ એવે ભામે નથી ચડતો જે આ જીવનો મોક્ષ કરવો તેમાં અંતરાયરૂપ એવો જે દેહરૂપ જે રથ છે તેને ઇંદ્રિયોરૂપ ઘોડા જોડ્યા છે અને મનરૂપ રાસડી છે તેને બુદ્ધિરૂપ જે સારથી તે રથનો હાંકનારો છે અને રથી જે જીવ તે બુદ્ધિરૂપ સારથીને નિયમમાં કરીને મનરૂપી રાસડી વતે ઇંદ્રિયોરૂપ ઘોડાને કરીને દેહને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાવે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને અતિ દૃઢ કરીને મનના સંકલ્પને જીતીને અને અતિ ઉત્તમ ઉપશમને સિદ્ધ કરીને તે ઉપશમ ભગવાનનું ધ્યાન કરીને, વાસના જે અવ્યક્ત રાગ છે તેને ટાળી નાખીને ભગવાન અને ભગવાનના ભક્તને વિષે જેવી દેહને વિષે આત્મબુદ્ધિ વર્તે છે તેવી આત્મબુદ્ધિ કરીને મહારાજનું નિરંતર ધ્યાન કરવું અને તેમાં જે અંતરાય કરે તેનો ત્યાગ કરવો. આ વાતનો આગ્રહ કોઈ નથી કરતા અને આટલી વાત કરીએ છીએ પણ કોઈને ચટકી186 ચડતી નથી. ॥૨૪૨॥
એક શ્રીહરિજી તથા તેમના સંત તથા હરિભક્ત એ ત્રણે ઠેકાણે આઠ વાનાં ન જોઈએ. તેના નામઃ ૧. કપટ, ૨. માન, ૩. લોભ, ૪. છળ, ૫. ઈર્ષા, ૬. હાંસી, ૭. નિંદા, ૮. દ્રોહ. ॥૨૪૩॥
આ ચાર પ્રકારે હેત કરવું:
(૧) દેહમાંથી હેત તોડીને જીવમાં હેત કરવું.
(૨) સંબંધીમાંથી હેત તોડીને ભગવાનના એકાંતિક ભક્તમાં હેત કરવું.
(૩) આ લોકમાંથી પ્રીતિ તોડીને ભગવાનના ધામમાં પ્રીતિ કરવી.
(૪) સર્વ પદાર્થમાંથી પ્રીતિ તોડીને ભગવાનની મૂર્તિમાં પ્રીતિ કરવી. ॥૨૪૪॥
આ જીવને વિપરીત ફળ થાય છે તે પણ જાણ્યું જોઈએ. તે વિપરીત ફળ તે શું? તો વિષયનો ત્યાગ કરવા આવ્યા ને વિષય વળગ્યા ને સંતમાં હેત કરવા આવ્યા ને કુહેત થયું. ને સર્વ જીવ માત્ર છે તે પોતપોતાની પ્રકૃતિને ભજે છે ને જે મુમુક્ષુ છે તે પોતાની પ્રકૃતિનો ત્યાગ કરીને ભગવાનની આજ્ઞામાં રહે છે. ને દેહના સુખમાં લેવાતા નથી અને જેને આ દેહે કરીને ભગવાનને રાજી કરવા હોય તેને કોઈના બરોબરિયા થાવું નહિ ને કોઈ સંગાથે પિતરાઈ દાવો બાંધવો નહિ ને પોતાના દોષને ટાળવા ને ધર્મ પાળવો તેમાં કોઈનો વાદ ન લેવો ને ભક્તિ કરવી તેમાં કોઈનો વાદ ન લેવો ને અનુવૃત્તિમાં રહેવું ને ગરીબ થાવું. ને જળ જંતુ તો સર્વે કહેવાય પણ માછલાંને તો જળ તે જ જીવ-પ્રાણ છે. ॥૨૪૫॥
આપણને શ્રીજીમહારાજ મંદિર અધૂરાં રહેશે તો ઠપકો નહિ દે ને હવેલી અધૂરી રહેશે તેનો નહિ દે ને રૂપિયાનો નહિ દે; આપણને તો જેટલો ધર્મ લોપાશે તેટલો ઠપકો દેશે. માટે ધર્મમાં ખબરદાર રહેવું તો ભગવાન રાજી થાશે. ॥૨૪૬॥
પાંચ વૃત્તિએ કરીને દેહની ક્રિયા કરે ને એક વૃત્તિ જો ભગવાનમાં રાખે તો બહુ સમાસ187 થાય. ॥૨૪૭॥
ઉપાસનાએ કરીને કલ્યાણ તો થાય છે પણ ત્રણ અંગની દૃઢતા વિના નિર્વાસનિક થઈને શ્રીહરિના એકાંતિક ભક્ત થવાતું નથી. એ ત્રણ અંગનાં નામ: આત્મનિષ્ઠા, દાસપણું ને પતિવ્રતાપણું. એ ત્રણ અંગને પક્વ કરે તો આત્યંતિક કલ્યાણ થાય છે. ને તૃષ્ણા રૂપી ટવી188 નાશ પામે છે. નહિ તો ગોરખરૂપ189 જે જીવ તેની તૃષ્ણા રૂપી જે ટવી તે કોઈ કાળે ભરાય નહિ. ॥૨૪૮॥
એક ભક્ત તો ત્રણ ગુણને વિષે ને અહંમમત્વને વિષે ને પંચ વિષયને વિષે આસક્તિએ રહિત વર્તે છે અને બીજો ભક્ત ડાહ્યો હોય તે એ વાર્તાને સમજે ને કહે પણ ખરો ને તે પ્રમાણે વર્તવું તો બહુ કઠણ છે માટે એ બે કેમ જણાય? ઉત્તર: જે જે ભક્ત વર્તે છે તેને મુમુક્ષુને સમજાવતાં આવડે છે ને બીજાને ન આવડે ને વર્તવું તે તો પેટ કટારી નાખ્યા જેવું કઠણ છે તથા ખડ્ગે કરીને માથું કાપ્યા જેવું પણ કઠણ છે. ॥૨૪૯॥
દેહને વિષે, પંચ વિષયને વિષે ને ભગવાનને વિષે જેવો અભિનિવેશ190 છે તેવો સંતને વિષે નથી ને સંત તો એના કરાવનારા છે. ત્યારે સ્વામી કહે જે શ્રીહરિજીને વિષે અભિનિવેશ નથી. તે મહારાજ સાથે વ્યવહાર પડે ત્યારે જણાય. તે કહ્યું છે જે “व्यवहारेण साधु”191 તે આની કોર તો એવો કોઈ નથી ને એની કોર હોય તો કોણ જાણે. એની કોર પણ કોઈ નથી ને શ્રીજીમહારાજના મહિમાનો ને આત્મનિષ્ઠાનો ઠરાવ નિત્ય પ્રલયાદિકે કરીને વારંવાર આગ્રહ રાખીને કર્યા કરે તો અભિનિવેશ થાય છે, તે હરિભક્તના દૃષ્ટાંતે કરીને આગ્રહની વાર્તા બહુ કરી તે અભિનિવેશ થયો કેમ જણાય? તો શ્રીજીમહારાજ તથા સત્પુરુષ હજારોના વ્યવહાર ધૂળમાં ભેળવી દે તો પણ રાજી ને રાજી રહેવાય ને લગારે પણ ભાવ ફરે નહિ ત્યારે દૃઢ અભિનિવેશ થયો કહેવાય અને રજોગુણ, તમોગુણ ને સત્વગુણને નિર્ગુણ વ્યવહાર સમજે તો અભિનિવેશ અતિ પક્વ થાય તે વાર્તા સાંભળે છે તો ખરા પણ વર્તન વિશે ઘટાડતાં આવડતું નથી. જેમ પ્રથમ શાસ્ત્ર ભણ્યા હોય છે તો પણ બીજે ઠેકાણે ઘટાડતાં આવડતું નથી તેમ છે. એમ વાર્તા વિસ્તારથી કરી. ॥૨૫૦॥
ટેવ પડ્યાની વાર્તા કરી જે માંદા તથા વૃદ્ધ સંતનાં આચરણને જોઈને જુવાન અવસ્થાવાળા હોય તે પણ ઝીણાં વસ્ત્ર તથા પથારી કરવી તથા ખાનપાનાદિકની ટેવ પાડે છે એ સારુ નથી. કેમ જે ટેવમાંથી તો સત્સંગથી બહાર જાતું રહેવાય છે માટે ટેવ માત્ર ન શીખવી એમ કહીને ઉંદરના દૃષ્ટાંતે192 કરીને સુખિયા રહ્યાની વાર્તા બહુ કરી ને પાટીદારના દૃષ્ટાંતે193 કરીને દુઃખિયા થવાની વાર્તા બહુ કરી. ॥૨૫૧॥
વક્તાપણું ને સમજુપણાનું માન તો બહુ હોય છે પણ જેમ સમજવું ઘટે તેમ સમજે નહિ તે કેમ હશે? ઉત્તર: જે તે તો આત્માના સ્વરૂપના શ્રવણ-મનનાદિકે કરીને માનને ઘટાડ્યા કરે તો જેમ સમજવું ઘટે તેમ સમજાય. ॥૨૫૨॥
જાણપણારૂપે વર્ત્યાનો ને ધર્મમાં દૃઢપણે રહ્યાનો ને શ્રીહરિજીનો મહિમા સમજ્યાનો અતિશય આગ્રહ રાખવો ને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને શ્રીજીમહારાજને ભજવા પણ ખરડેલપણે194 ન ભજવા. તે શ્રીજીમહારાજે આ શ્લોકમાં કહ્યું છે જે:
धर्मस्थितै रूपगतैर्बहता सहैक्य।
सेव्यो हरिः सितमहः स्थितदिव्यमूर्तिः॥
शब्दाधरागिभिरिति स्वमतं वदंतं।
त्वां भक्तिधर्म तनयं शरणं प्रपद्ये॥195
અને જે સત્તારૂપ થઈને ધ્યાન કરે છે તેને જ્ઞાન વૃદ્ધિ પામે છે ને જે દેહરૂપ થઈને ધ્યાન કરે છે તેને તો ઇંદ્રિયોનું જ્ઞાન વૃદ્ધિ પામે છે ને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ જેમ કઠણ છે તેમ ધર્માદિક સાધન પણ અતિ કઠણ છે. ॥૨૫૩॥
પ્રથમ સત્સંગમાં આવે ત્યારે દેહનું માન હોય પછી ભક્તિનું માન આવે છે ને પછી આત્મજ્ઞાનનું માન આવે છે ને તે પછી ઉપશમે કરીને એ સર્વેનું માન ટાળે છે ને જે અસત્ય સંકલ્પ થાય તો તેને “त्यजधर्मधर्मं च उभेसत्यानृतेत्यज”196 એ શ્લોકે કરીને સત્તારૂપ થઈને ટાળે ને નિયમ, વિચાર ને ઉપશમ તેણે કરીને સ્થૂલ આદિકના સંકલ્પને ટાળે ને જુવાન અવસ્થાવાળાને તો યુક્ત ભોજન કરવું ને નવધા ભક્તિ આળસ મેલીને કરવી ને ઉપશમનો અભ્યાસ પ્રમાદ મેલીને કર્યા કરવો ને સત્પુરુષનો સંગ રાખવો ને માંદાને ને વૃદ્ધને તો યુક્ત આહાર ને ઉપશમ સત્પુરુષનો સમાગમ કરવો. ॥૨૫૪॥
જુવાન, રોગી તથા વૃદ્ધને વર્ત્યાની વિગતનાં લક્ષણ કહે છે જે ચાર પ્રકારનાં ભોજન મનુષ્યો નિત્યે જમ્યા કરે તે તો પણ નવું જ રહે છે ને નિત્યે તેનું તે જ જમીએ છીએ તો પણ એમ થાય છે જે આજ તો રોટલી થઈ છે તેવી કોઈ દિવસ થઈ જ નથી ને શાક પણ આજના જેવું થયું જ નથી. તથા વસ્ત્રનું પણ એમ જ રહે છે એનું નામ ભેદ છે ને તેથી પંચવિષય સંબંધી ક્લેશ થાય છે ને તે વિષયની આસક્તિ ટળી જાય તો ક્લેશ માત્રની નિવૃત્તિ થઈ જાય છે. ॥૨૫૫॥
શ્રીહરિજીના માહાત્મ્યની વાર્તા ઘોડાના તબેલા તથા જાતવંત ઘોડાના દૃષ્ટાંતે197 કરીને બહુ કરી ને લોભ, કામ, રસાસ્વાદ ને માન એ આદિક જેવો સ્વભાવ પોતામાં હોય તેવો પરમેશ્વરને વિષે તથા મોટા સંતને વિષે પરઠે198 છે. માટે સ્વભાવ ટાળીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને વર્તે તો ન પરઠાય. ને પ્રિયવ્રતાદિક અવતાર કહેવાય ને નારદ સનકાદિક અવતાર કહેવાય. ॥૨૫૬॥
શ્રીહરિજી મહારાજને રાજી કરવાનો શો ઉપાય છે? ઉત્તર: જે ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે વર્તે તો રાજી થાય ને શ્રીજીમહારાજને ક્યાં પરોક્ષપણું છે? એ તો સદા પ્રત્યક્ષ જ છે ને ઉપાસ્ય, ઉપાસક ને સ્થાનકની શુદ્ધતાએ કરીને અતિ ઉત્તમ ભક્ત થવાય છે તેમાં ઉપાસ્યનું લક્ષણ જે “यो वेत्ति युगपत् सर्वं प्रत्यक्षेण सदा स्वतः”199 એમ જાણવું. ॥૨૫૭॥
ધારણા, ધ્યાન ને સમાધિ સવિકલ્પ તો હોય ને નિર્વિકલ્પ તો ઈશ્વરની ઇચ્છાએ કરીને થાય છે ને સવિકલ્પ સમાધિ કરવી ને સત્તારૂપે વર્તવું એ તો જીવના હાથમાં છે ને જો “अर्थं साध्यामि देहं पातयामि”200 એવી રીતે સાચો થઈને મંડે તો થાય. ॥૨૫૮॥
અમદાવાદમાં નટ રમાડ્યા ત્યારે મહારાજ કહે જે અમે તમાસાને અર્થે નથી રમાડતા. એ તો એમ દેખાડીએ છીએ જે પેટને અર્થે અતિશય પુરુષ પ્રયત્ન જેમ કરે છે તેમ ઈશ્વરને અર્થે કરે તો શું ન થાય? જે કરે તે સર્વે સાધન સિદ્ધ થાય છે જો જીવ એ જેવો સાચો થાય તો. ॥૨૫૯॥
વચનામૃતમાં નિર્ભય રહ્યાનું કહ્યું છે તેને કેમ સમજવું? ઉત્તર જે એક તો આત્મનિષ્ઠા પક્વ હોય ને શ્રીહરિજીનું માહાત્મ્ય સહિત યથાર્થ જ્ઞાન હોય તો શ્રીજીમહારાજ જેમ કહે તેમ પ્રતીતિ201 આવે ને માર્ગમાં સિંહ કે સર્પ મળ્યો હોય તથા ઓગણોતેરા જેવો કાળ પડ્યો હોય ને તેવા સમામાં મહારાજ કહે જે નિર્ભય રહેજે, કોઈ ફીકર કરીશ મા, એ વચનની જેને યથાર્થ પ્રતીતિ આવે તેને તો ભય લેશમાત્ર રહે નહિ પણ જીવને પ્રાકૃત પદાર્થની પ્રતીતિ તરત આવી જાય છે. જેમ સિંહની બીક લાગતી હોય અને ત્યાં બે કોરે બે શૂરા રક્ષા કરતા જતા હોય ને કાળ પડ્યો હોય તે સમે કોઈક હજાર બે હજાર રૂપિયા આપે તો જેવો નિર્ભય ને આનંદે યુક્ત થાય છે તેવો શ્રીહરિજીના વચનને વિષે નિર્ભય ને આનંદ યુક્ત થાતો નથી. તે સારુ સત્પુરુષનો સમાગમ કરીને કસર માત્ર ટાળીને સાધુ થાવું એથી કોઈ અધિક પ્રાપ્તિ નથી. ॥૨૬૦॥
ત્રણ પ્રકારના પ્રલયમાં કેમ વર્તે તો ન જોડાય? ઉત્તર: જે એક તો શ્રીહરિજી મહારાજનું ધ્યાન ને બીજું તેમના જન્મ કર્મનું દિવ્યપણું યથાર્થ જાણવું ને ત્રીજું આત્મસત્તારૂપે વર્તવું એ ત્રણનું અનુસંધાન નિરંતર રહ્યા કરે તો ન જોડાય. ॥૨૬૧॥
મુક્તાનંદ સ્વામીને મહારાજ ક્યારેય વઢીને પ્રસાદીનો થાળ કે વસ્ત્ર આપતા નહિ ને સહેજે તો રોજ પ્રસાદી આપતા ને વસ્ત્ર પણ ઘણીવાર આપતા ને બીજાને તો વઢે ત્યારે પ્રસાદી તથા વસ્ત્ર આપ્યા વિના રહે જ નહિ તે શું? તો મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ થાતી નહિ. તે કેમ સમજતા? ઉત્તર જે પોતાને ત્રણ ગુણ ને ત્રણ શરીર થકી જુદા સમજતા ને શ્રીજીમહારાજની મોટપ જે માહાત્મ્ય તે અતિશયપણે સમજતા ને તેમજ વર્તતા ને હિતકારી પણ અતિશય જાણતા તેણે કરીને મૂંઝવણ આવતી નહિ. ॥૨૬૨॥
શ્રીહરિજીને પુરુષોત્તમ સમજીએ છીએ તેનો ઠરાવ કરવો ને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ તેનો પણ ઠરાવ કરવો ને સત્પુરુષને ગુરુ જેવા માનવા તેનો પણ નિર્ધાર કરવો કેમ જે નિર્ધાર કર્યા વિના દેશકાળાદિકે કરીને એક સ્થિતિ રહેતી નથી ને શ્રીજીમહારાજના ભક્તની સેવા, ચાકરી, નમસ્કાર ને પૂજાદિક જે જે કરવું તેનો પણ ઠરાવ કરવો ને એમ કર્યા વિના તો શ્રીહરિજીને અર્થે યજ્ઞાદિક કરતા હોઈએ તે બીજા દેવને અર્થે ને મુક્તને અર્થે પણ થઈ જાય. તે સારુ દૃઢ ઠરાવ કરવો ને આ વાર્તાનો તલતુંબડીની202 પેઠે શ્રદ્ધા સોતા અતિશય શ્રવણ મનનાદિક કર્યા કરે તો સાક્ષાત્કાર થાય. ॥૨૬૩॥
સ્થાનક, દેહ, ઇંદ્રિયો ને અંતઃકરણ એમને વિષે જીવને પંચવિષય સંબંધી રાગ કહ્યા છે તે રાગને મુમુક્ષુએ ઓળખવા જે મારે રાગ કયે ઠેકાણે રહ્યા છે ને તે રાગને ટાળ્યાને સારુ આત્મસત્તારૂપે વર્તવું. તે વર્તવાની રીત જે ત્રણ ગુણ ને ત્રણ અવસ્થા છે તે થકી હું રહિત છું એમ વર્તવું ને ઇંદ્રિયોની ક્રિયા તે જાગ્રત અવસ્થાની છે ને મનની ક્રિયા જે સંકલ્પ વિકલ્પ તે સ્વપ્ન અવસ્થા સંબંધી છે ને લય તે સુષુપ્તિ અવસ્થા સંબંધી છે એમ જાણીને એ સર્વેથી રહિત સત્તારૂપે વર્તવું, તે આત્મસત્તારૂપે વર્તન કહેવાય. ॥૨૬૪॥
ચાર પ્રકારની અનુવૃત્તિએ કરીને અતિશય મોટા થવાય છે તેની વિગત જે પ્રથમ તો હરિભક્તની અનુવૃત્તિમાં વર્તે તો સત્સંગી થવાય ને પછી સંતની અનુવૃત્તિમાં વર્તે તો સાધુ થવાય ને પછી એકાંતિકની અનુવૃત્તિમાં વર્તે તો એકાંતિક થવાય ને પછી શ્રીજીમહારાજની અનુવૃત્તિમાં વર્તે તો ભગવદ્ભાવને પામે છે ને એમ ન વર્તે તો અસત્ દેશકાળાદિકે કરીને જો મોટા પુરુષને વિષે અસત્ બુદ્ધિ થઈ જાય તો આસુરભાવને પામી જાય છે. માટે જ્ઞાનાંશનો અભ્યાસ પ્રમાદ મૂકીને કરવો ને અતિશય બીક રાખીને વર્તવું પણ નિર્ભય થાવું નહિ. ॥૨૬૫॥
હરિમંદિર સંબંધી કામકાજ કરતો હોય તેનો ઓથ203 લઈને કાંઈક વધુ ઓછું વર્તાય તો શ્રીજીમહારાજ રક્ષા કરે કે ન કરે? કેમ જે આજ્ઞાએ કરીને કરે છે માટે. ઉત્તર: જે જો એ પુરુષપ્રયત્ને કરીને સાવધાન વર્તતો હોય ને અજાણમાં જો આડુંઅવળું થઈ જાય તો રક્ષા કરે ને જાણી જાણીને પ્રકૃતિ વધારે તો રક્ષા ન કરે ને તેનો દંડ ભોગવવો પડે. ॥૨૬૬॥
જીવાત્માને સત્પુરુષના સંગે કરીને ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ, પંચ પ્રાણ, પંચ ભૂત, પંચ વિષય, ચાર અંતઃકરણ, ઇંદ્રિયો તથા ચૌદ દેવતા એ સર્વે માયાનું ટોળું204 છે તે થકી અતિ વિલક્ષણ ને પૃથક્ જાણીને જીવસત્તાને અક્ષર સાથે મનન દ્વારાએ કરીને નિરંતર જોડ્યા કરે તો સંકલ્પ વિકલ્પ કાંઈ ટકી શકે નહિ ને સર્વે સમાઈ જાય. એવી રીતે બહુ વાર્તા કરી. ॥૨૬૭॥
ટિટોડીના દૃષ્ટાંતે205 કરીને પુરુષ પ્રયત્નની વાર્તા કરી જે જો ટિટોડી મંડી તો ગરુડે સહાય કરી. તેમ જીવ જો સાચો થઈને એકાંતિક થાવાને અર્થે સાધન શીખે તો શ્રીજી તથા તેમના સંત જરૂર સહાય કરે. ॥૨૬૮॥
ક્ષમા જે તે સમર્થ ને અસમર્થ એ સર્વેને રાખવી તે સમર્થને શોભા છે ને અસમર્થને સુખાકારી છે ને એણે કરીને નિર્માની વર્તમાન દૃઢપણે પાળવાનું કહ્યું. ॥૨૬૯॥
ભજન સ્મરણને જે કરતો હોય તેને ત્રણ અવસ્થા ને તેના ત્રણ ગુણને ઓળખવા કેમ જે દેહરૂપ થઈને જો ભજન સ્મરણ કરે તો તત્કાળ વાસનામય દેહ નાશ પામે નહિ. ॥૨૭૦॥
પરમેશ્વર વિના બીજો કોઈ આકાર મનમાં ધરાય જાય તો તેને ટાળ્યાની યુક્તિ શાસ્ત્રને વિષે સત્પુરુષે કહી હોય તે શીખવી. તે શું? તો ભગવાન વિના જો ક્યારેક બીજો આકાર મનમાં ધાર્યામાં આવ્યો હોય તો શ્રીજીમહારાજના ધ્યાને કરીને તથા સભા સહિત સંતના ધ્યાને કરીને ને જાણપણારૂપે રહીને એ આકાર માત્રને ટાળી નાખવો ને નિત્ય પ્રલયાદિકે કરીને નાશવંત ને અતિ તુચ્છ ને સ્વપ્ન તુલ્ય સર્વે આકૃતિઓને જાણવી. તે ઉપર કાખના મુવાળાનું મધ્યનું ૫૫મું ને પાંચ વાનાનું નિત્યે અનુસંધાન રાખવાનું છેલ્લાનું ૩૦મું, એ બે વચનામૃત વંચાવ્યાં. ॥૨૭૧॥
જેવા તેવા જીવને શ્રીજીમહારાજનો યોગ થઈ જાય છે ને મુમુક્ષુને થાતો નથી તેનું શું કારણ હશે? ઉત્તર જે શ્રીહરિજીને જે દેશને વિષે ધર્મનું સ્થાપન કરવું હોય તથા જે દેશને વિષે મુમુક્ષુ બહુ હોય તે દેશને વિષે હરિજીને વિચરવાનું થાય છે એટલે મુમુક્ષુના તથા બીજા સર્વેના પણ મોક્ષ સહેજે થઈ જાય છે ને કોઈક મુમુક્ષુ હોય તેનો તો દૂર દેશને વિષે જન્મ હોય તેથી તે રહી જાય છે. મુમુક્ષુને કોઈ દેશની વાસના તથા નાતજાતની પણ વાસના ન રાખવી ને પ્રકૃતિપુરુષથી લઈને સર્વે પદાર્થને નાશવંત ને કાખના મુવાળા જેવા ને અતિ તુચ્છ ને સ્વપ્ન તુલ્ય જાણવા ને શ્રીજીમહારાજ તથા તેમના મોટા સંત તથા જીવાત્મા એ ત્રણ વિના બીજે ક્યાંય પ્રીતિ ન રાખવી તેમ મહારાજની સેવા વિના શ્વેતદ્વીપાદિક ધામને વિષે પણ વાસના ન રાખવી ને શ્રીજીમહારાજ તો ગમે ત્યાં રાખીને પણ કસર માત્ર ટાળી નાખવાને સમર્થ છે માટે સત્તારૂપે રહીને તેમના એકાંતિક ભક્તનો સમાગમ અતિશય રાખવો ને તેને અર્થે શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, માન, અપમાન, હર્ષ, શોક એ સર્વનું સહન કરવું ને એને વિષે વૈરાગ્ય પામવો નહિ ને પંચવિષયને અર્થે જે ઉદ્યમ કરવો તેમાં વૈરાગ્ય પામવો ને આવી રૂડી ભગવદ્વાર્તા છે તે પણ કેટલાકને ગમતી હશે ને કેટલાકને ગમતી નહિ હોય. ॥૨૭૨॥
કેમ સમજે તો સદા સુખિયો રહે? ઉત્તર જે સદા સુખિયો તો તે રહે જે, જેને કોઈ પદાર્થ જોઈએ જ નહિ ને જેવાં તેવાં વસ્ત્ર ને જેવું તેવું અન્ન એ તો સહજે મળી રહે છે માટે સંતોષ રાખીને વર્તે તો સદાય સુખિયું રહેવાય છે ને વિશ્વાસ કરવા યોગ્ય તો ડોડિયા પુંજા ભક્ત જેવા સત્પુરુષ જ છે ને બીજે તો દુખિયા થાવાનું છે. ॥૨૭૩॥
લોભ, કામ ને માન એ આદિક દોષે કરીને શ્રીજીની આજ્ઞા લોપાય છે માટે કેમ સમજે તો ન લોપાય? ઉત્તર: જે
मद्भयाद्वातिवातोऽयं सूर्यस्तपतिमद्भयात्।
वर्षतींद्रोदहत्यग्निर्मृत्युश्चरति मद्भयात्॥ १॥206
यन्नामधेयश्रवणानुकीर्तनाद्यत्महनगाद्यत्स्मरणादपि कचित्।
श्वादोऽपि सद्यः सवनाय कल्पते कथं पुनस्ते भगवन्तु दर्शनाद्॥ २॥207
એ બે શ્લોકમાં જેમ ભગવાનનો મહિમા કહ્યો છે તેવી રીતે મહિમા સમજે તો આજ્ઞા લોપાય નહિ. ॥૨૭૪॥
જ્યારે નટવાની ડુગડુગી વાગે છે ત્યારે મનુષ્ય સર્વે ઘરમાંથી બાહેર નીસરી આવે છે એ તો દૃષ્ટાંત છે ને સિદ્ધાંત તો એમ જે જ્યારે પંચ વિષય સંબંધી ડુગડુગી વાગે છે ત્યારે આત્મા અનાત્માના વિચારને મૂકી દે છે, ને શ્રીજીને તથા તેમની કથા વાર્તાને મૂકી દઈને લોભરૂપે, કામરૂપે, રસાસ્વાદરૂપે, સ્નેહરૂપે, માનરૂપે ને દેહાભિમાનને યોગે કરીને અહંમમત્વરૂપે થઈ જવાય છે, ને સંકલ્પ વિકલ્પને યોગે કરીને પણ દેહરૂપે થઈ જવાય છે માટે સત્તારૂપે થઈને અતિ દૃઢાવ કરીને સ્થિર બુદ્ધિ રાખવી. ॥૨૭૫॥
આટલી વાર્તા કલ્યાણને અર્થ સમજવાની છે જે જીવ છે તે ઇન્દ્ર, બ્રહ્માદિક દેવને વિષે તથા મનુષ્ય, પશુ આદિક યોનિને વિષે અનેક વાર જન્મ મરણને પામ્યો છે તો પણ પોતે તો એવો ને એવો શુદ્ધ છે. જેમ આકાશ ચાર ભૂતના સંગે કરીને રંજ માત્ર પણ મેલો થતો નથી208 તેમ એ આત્મા શુદ્ધ છે ને પ્રકટ ભગવાનનો આશ્રય થયા પછી એ આત્માને અક્ષર સંગાથે મનન દ્વારાએ કરીને એકતા સમજીને શ્રીજીમહારાજનું ભજન કરવું ને પોતાને પ્રત્યક્ષ મળ્યા એવા જે શ્રીજીમહારાજ તેમને સર્વ અવતાર થકી વિલક્ષણ સમજવા ને એમનું જેવું બોલવું છે, ને એમની જેવી ચાલ છે, ને જેવું સુગંધીપણું છે, ને જેવી લાવણ્યતા છે, ને જેવી વાત્સલ્યતા છે, ને જેવી દયા છે, ને જેવું જ્ઞાન છે, ને જેવું તેજ છે, ને જેવું ઐશ્વર્ય છે, ને જેવું બળ છે, ને જેવું સ્વરૂપ છે, ને જેવી શક્તિ છે, ને જેવો સ્વભાવ છે, ને જેવો ગુણ છે, ને જેવી વિભૂતિ છે, ને જેવું સુંદરપણું છે, ને જેવું સુકુમારપણું છે, ને જેવું સુશીલાપણું છે, ને જેવું ઉદારપણું છે, ને જેવું ઉજ્જવળપણું છે. ઇત્યાદિક અનંત ગુણગણમંડન209 રૂપ તો એક જ શ્રીજીમહારાજ છે. એ જેવા બીજા કોઈ નથી. અક્ષરથી લઈને બ્રહ્માદિક પર્યંત એ સર્વે જે તે પુરુષોત્તમ શ્રીહરિજી મહારાજ તેમની ઉપાસના ને ભજન સ્મરણ કરે છે ને એવા એ શ્રીજીમહારાજ છે તેમની પ્રસન્નતાને અર્થે નવધા ભક્તિ અતિશય હેતે સહિત કરવી ને એ વાર્તા શ્રવણ મનનાદિકે કરીને અતિ કરવી. ॥૨૭૬॥
ત્યાગી તથા ગૃહસ્થ એ સર્વે સત્સંગ કરે છે તે ઉપરછલો કરે છે પણ જીવને વિષે પ્રવેશ કરાવતાં આવડતો નથી ને સત્પુરુષ પાસેથી એવી યુક્તિ પણ શીખતા નથી. ત્યારે કહેશો જે સત્સંગ ઉપરછલો કેમ જાણવો? તો ત્યાં કહીએ છીએ જે બાહેર દૃષ્ટિએ કરીને શ્રીજીમહારાજની નવધા ભક્તિ કરે છે પણ પોતાની હાણ-વૃદ્ધિનો210 તપાસ અંતરમાં કરતા નથી એને ઉપરછલો સત્સંગ જાણવો. તેની વિગત જે કોઈકને તો પ્રાકૃત ગ્રંથ તથા સંસ્કૃત ગ્રંથ ભણવાને વિષે તથા એ ગ્રંથને લખવાને વિષે લગ્ની છે ને કોઈકને તો ગાન વિદ્યાદિકને વિષે લગ્ની છે, ને કોઈક ગૃહસ્થને કથા, વાર્તા, કીર્તન સાંભળવાને વિષે લગ્ની છે ને કોઈકને તો ગૃહસ્થ હરિભક્ત સાથે ભાઈબંધાઈ રૂપ સુવાણને વિષે લગ્ની છે તથા કોઈકને ધર્મશાળા, ફૂલવાડી, કૂવા, વાવ્ય, તીર્થ કરાવ્યાને વિષે લગ્ની છે એ સર્વે ભક્તિ તો ખરી, પણ પોતાના મન ગમતી ઉપરછલી કહેવાય છે કહેતાં દેહરૂપ થઈને અહંમમત્વ સહિત કરાય છે. માટે એવી ભક્તિને વિષે પણ મોટાની આજ્ઞાએ કરીને જેમ ઘટે તેમ પ્રવર્તવું. ॥૨૭૭॥
મોક્ષાર્થીને કરવાનું તો આટલું જ છે કે જે સત્પુરુષને સંગે કરીને ધર્મ, જ્ઞાનાદિક જીવને વિષે પ્રવેશ કરાવીને સાધુતા શીખવી. તે સાધુતા તો તો શીખાય જો મનગમતા વિષયની પ્રાપ્તિએ કરીને મન ટાઢું ન થાય ને અપ્રાપ્તિએ કરીને મન ઊનું પણ ન થાય. એ વાર્તા શ્રીજીમહારાજે પ્ર. પ્ર. ૨૦માં વચનામૃતમાં કહી છે, જો જીવ દેહરૂપ થઈને રૂપ, કુરૂપ, બાળ, યૌવનાદિક અનંત પદાર્થ જુવે છે ને શ્રોત્ર, ત્વક્, રસના ને ઘ્રાણે કરીને પણ વિષય સુખને ભોગવે છે ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો પણ નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે ને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે ને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે ને એ જ સર્વે નીચમાં અતિશય નીચ છે જે અંતર સન્મુખ દૃષ્ટિએ કરીને પોતાના રૂપને જોતો નથી ને સત્સંગ જીવમાં પ્રવેશ કરાવતો નથી. ॥૨૭૮॥
વળી મળમૂત્રના ભર્યા થકી પૂજા ન કરવી ને નાહી-ધોઈને પૂજા કરવી એમ શ્રીજીમહારાજે અમદાવાદના બીજા વચનામૃતમાં કહ્યું છે. માટે આત્મસત્તારૂપે થઈને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન, ક્રોધ, ઈર્ષા, કપટ, હિંસા, મત્સર ઇત્યાદિક જે અધર્મ સર્ગ તેને કાઢીને ને ધર્મ સર્ગના જે જ્ઞાન, વૈરાગ્ય, શમ, દમાદિક સદ્ગુણ211 તેને જીવને વિશે પ્રવેશ કરાવવા ને વારંવાર તપાસ કર્યા કરવો જે મારે વિષે સાધુતાના ગુણ કેટલા આવ્યા છે ને કેટલા નથી આવ્યા ને શ્રીજીનો કેટલો વિશ્વાસ છે ને નૈષ્ઠિક ને અહિંસા ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા શ્રીજીનું માહાત્મ્યે સહિત જ્ઞાન ને સત્પુરુષનો મહિમા કેટલો આવ્યો છે ને કેટલો નથી આવ્યો એમ તપાસ કરીને પાકો પાયો કરવો કહેતાં અસુરભાવને અંતરમાંથી કાઢીને જીવને વિષે સત્સંગનો વેગ લગાડી દેવો એમ નિરંતર વિચાર કર્યા કરવો ને એમાં વૈરાગ્ય પામવો નહિ ને એવી રીતે તપાસ કર્યા કરવો ને એમ તપાસીને જો ન વર્તે ને પોતાના મનગમતી ભક્તિને વિષે પ્રવર્તે તો તેને કોઈક કારસો આવે તો સત્સંગને વિષે એનો પગ ટકે નહિ ને એમ કહે જે મારા ઉપર આણે કારસો કર્યો પણ પોતાની ભૂલ તો જુવે જ નહિ. ॥૨૭૯॥
સુતાર ખીમા ભક્તે શ્રીજીમહારાજની લીલાની બહુ વાર્તા કરી તેને સાંભળીને સ્વામી કહે જે મહારાજે તો સુખ દીધામાં કોઈ રીતે ખામી રાખી નથી પણ આપણે મહિમા સમજતા નથી ને કેવળ ખોટ જ ખાઈએ છીએ. ત્યારે તે ભક્તે કહ્યું જે મહિમા સમજે ત્યારે કેમ વર્તાય? ઉત્તર: જે કેવળ શ્રીજીમહારાજ સામું જ જોઈ રહેવાય. ત્યારે કોઈક સંતે કહ્યું જે જોવે કરીને બહુ સુખ જણાતું હશે? ત્યારે કહ્યું જે જોવામાં તો બહુ જ સુખ રહ્યું છે કેમ જે એ સુખની પ્રાપ્તિને અર્થે તો મોટા મોટા જે તે અહંમમત્વને મૂકી દે છે ને તેને મૂકવાનો ઉપાય તો કર્મયોગ, ભક્તિયોગ ને જ્ઞાનયોગ છે. તેની વાર્તા વિસ્તારીને કહી છે જે જ્ઞાનયોગ જેને હોય તેને એમ વર્તે છે.
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्न कर्मकृत्॥212 ॥૨૮૦॥
લોભ, કામાદિકની ઇચ્છા અલ્પ જેવી જણાય છે પણ મુંબઈ, કાશી ને અરબસ્તાન ઇત્યાદિક અનેક દેશને વિષે લઈ જાય છે ને તે દેશને વિષે અતિ દુઃખ ભોગવાવે છે પણ એ જીવ મૂર્ખ છે ને અજ્ઞાની છે ને સંસારમાં આસક્ત છે એટલે એને એ દુઃખ જણાતું નથી. લોભાદિકની વાસના તો અતિ મોટી છે માટે તેને ટાળવાને અર્થે સત્પુરુષના સંગે કરીને ધર્મ-જ્ઞાનાદિક ગુણને સિદ્ધ કરીને પાયો અતિ પાકો કરવો અને ધર્માદિકના અર્થે તો “देहं पातयामि अर्थं साधयामि”213 એવી રીત મંડે તો થાય. તે ઉપર હિરણ્યકશિપુના દૃષ્ટાંતે કરીને વાર્તા કરી જે હિરણ્યકશિપુએ ઊંધે માથે તપ કર્યું તે શરીરમાં વાંસડા સોંસરા નીસર્યા. તેમ સાચા શૂરવીર થઈને પુરુષપ્રયત્ન કરવો. ॥૨૮૧॥
સ્વામીએ એમ કહ્યું જે અમે તો એકલી સાકર જ ખાઈએ છીએ ને જો તેમાં ધૂડ્ય આવે તો તેને અલગ કરી નાખીએ છીએ. ત્યારે કહેશો જે એ તે શું કહ્યું? તો એમ કહ્યું જે આત્મસત્તારૂપ થઈને જાણપણારૂપ દરવાજે ઊભા રહ્યા થકા પુરુષોત્તમ મહારાજનાં દર્શન કરીએ છીએ ને તેમાં જે જે લોભ, કામાદિક પેસવા આવે તો તેનો નાશ કરી નાખીએ છીએ. એવી રીતે શ્રીજીમહારાજની ચાકરીમાં સાવધાન થકા રહ્યા છીએ. ॥૨૮૨॥
ઉત્તમ ને મધ્યમ એવા જે ભક્ત તેમનું વર્તન કેવું હોય? ઉત્તર: જે ઉત્તમ ભક્તને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને જે મધ્યમ ભક્ત છે તે તો જાગ્રતને વિષે સ્વપ્નની પેઠે વિષયને ભોગવે છે. ॥૨૮૩॥
શ્રીજીમહારાજને સંભારવા તે તો અલૌકિક ઐશ્વર્ય ને અલૌકિક મહિમા તે સોતા214 વારંવાર સંભારવા ને અતિ પ્રકાશમાન જોયા કરવા ને ત્રણ ગુણના તથા પંચવિષયના જે વેગ આવે તેને ટાળીને જાણપણારૂપે વર્તવું એ જ અક્ષરનો ભાવ કહેવાય છે ને આંટી, અભાવ ને ઉપશમ ત્રણે કરીને વૈરાગ્ય ઊપજે છે. તેમાં ઉપશમે કરીને જે વૈરાગ્ય ઊપજે છે તે શ્રેષ્ઠ છે ને બીજા બે તો મધ્યમ ને કનિષ્ઠ છે. ॥૨૮૪॥
જીવને એટલું જ કરવા યોગ્ય છે જે સર્વે ઇંદ્રિયોની વૃત્તિઓનું પિંડીકરણ કરવું કહેતાં પંચવિષયમાંથી પાછી વાળીને ભગવાનના સ્વરૂપને વિષે હોમવી. ॥૨૮૫॥
શ્રીજીમહારાજે કહ્યું જે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ, મનન ને નિદિધ્યાસે કરીને એનો જો સાક્ષાત્કાર કર્યો હોય તો તે જીવને બહુ સહાય કરે છે. ॥૨૮૬॥
સત્સંગમાં સર્વ પ્રકારે ભીષણને ખમે ને નવધા ભક્તિ કર્યાને વિષે ઝડપું ભરે215 ને પોતાનો ભક્તિભાવ દેખાડે તે અમને ગમે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. ॥૨૮૭॥
શિષ્ય, વાહનાદિકે કરીને તથા ભોજન, છાદનાદિકે216 કરીને જે આનંદ પામવું એ તો બાહરેલું સુખ છે ને નાશવંત ને નિરાનંદ217 છે. તે કહ્યું છે જે
योऽन्तः सुखोऽन्तरारामस्तथांतर्ज्योतिरेव यः।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्म भूतोऽधिगच्छति॥218
તે વાસ્તે અંતર્દૃષ્ટિએ કરીને આત્માને વિષે રહ્યા એવા જે પરમાત્મા શ્રીહરિજી મહારાજ તેમને જોવા ને તેમના ધ્યાનના સુખે કરીને સુખિયા થાવું ને પંચ વિષયને વિષે જેવી પ્રીતિ ને જેવી તૃષ્ણા છે તેવી જ શ્રીજીમહારાજના મહિમાને વિષે તથા આત્મનિષ્ઠાને વિષે પ્રીતિ ને તૃષ્ણા રાખવી તે પંચવિષયમાંથી તો જરૂર ઉખેડવી ને માયાને વિષે તો એવું વિચિત્રપણું રહ્યું છે જે તેમાં દેવ મનુષ્યાદિક પણ સર્વે લોભાઈ રહ્યાં છે પણ અંતે જાતાં તો તે ગોડિયાની બાજી219 જેવું જ છે એમાં સંશય નથી. ॥૨૮૮॥
જીવ કલ્યાણના માર્ગમાં ચાલે છે તો ખરો પણ તેને ઠેસું બહુ વાગે છે, તેણે કરીને આડોઅવળો પડી જાય છે. જેમ આંધળો માર્ગ ભૂલીને કુમાર્ગે ચાલે છે ને તેને જેમ ઠેસું વાગે છે ને તે પડી જાય છે તેમ. વિચાર અને વિવેક વિના સત્ અસત્ સંગને ઓળખતો નથી માટે સત્પુરુષને ઓળખીને ને તેમનો સમાગમ કરીને પંચવિષય સંબંધી સંકલ્પ વિકલ્પરૂપ જે ઠેસું છે ને દેહાભિમાન સંબંધી જે ભારે ઠેસું છે ને પ્રાણને ક્ષુધા,220 પિપાસાદિક221 જે ઠેસું છે તે સર્વે સત્સંગને પ્રતાપે કરી કાઢી નાખીને અતિ શુદ્ધ થાવું. જેમ ખેડુ છે તે ખેતરને સમાર દઈને222 ચોખ્ખું કરે છે તેમ જીવને ચોખ્ખો કરવો ને ધર્મને વિષે અતિ દૃઢપણે વર્તવે કરીને સુખી થવાય છે ને કર્મને વિષે આસક્તિ રાખવે કરીને દેવતા થવાય છે ને વિષયમાં આસક્તિએ કરીને ભૂત, પ્રેત223 કે સ્થાવરાદિક224 થવાય છે ને સત્પુરુષના વિશ્વાસે કરીને તો બહુ મોટા થવાય છે. ॥૨૮૯॥
સત્સંગ સહેજે મળ્યો હોય તે પુરુષ પ્રયત્ન કર્યા વિના વૃદ્ધિ પામે કે નહિ? ઉત્તર: જે પોતાને જોયા કરે જે મારામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને શ્રીજીમહારાજની માહાત્મ્યે સહિત ભક્તિ એમાંથી કયા ગુણ આવ્યા છે ને કયા નથી આવ્યા ને આસ્તિકપણું કેટલું છે ને કેટલું નથી ને લોભ, કામાદિક જે દોષ તે કેટલા ઓછા થયા છે ને કેટલા નથી થયા એમ તપાસ અહોનિશ કર્યા કરે ને પુરુષપ્રયત્ન કરીને ધ્રો તથા બોરડીની પેઠે225 સત્સંગને વિષે નક્કી પાયો કરે તો સત્સંગ વૃદ્ધિ પામે, નહિ તો દેશ કાળાદિકની વિષમતાએ કરીને લાંપડાની પેઠે ઊડી226 જાય. ॥૨૯૦॥
ત્રણ શરીરની ભાવનાએ રહિત થકા શ્રીજીમહારાજનું ભજન કરવું. તે ત્રણ શરીરની ભાવનાની વિગત જે જોયા સંબંધી કે સાંભળવા સંબંધી એ આદિકની જે જે ઇચ્છા ઊપજે તે સ્થૂલ દેહની ભાવના કહેવાય. ને મનમાં સંકલ્પ વિકલ્પનો જે ઘાટ ઊપજે તે સૂક્ષ્મ દેહની ભાવના કહેવાય. ને એ ઘાટ જ્યારે લય થાવા માંડે ત્યારે તે કારણ શરીરની ભાવના કહેવાય. ॥૨૯૧॥
નિરાકાર થઈને ભગવાનને ભજવા તે નિરાકાર કેમ થાવું? ઉત્તર: જે માયિક આકાર માત્રને ટાળીને જાણપણારૂપે વર્તવું એ નિરાકાર સમજણનું લક્ષણ છે. તે આકાર બે પ્રકારના છે. એક બાહેરલા છે ને એક માંહેલા છે. તેમાં પણ બે પ્રકાર છે એક રાગે સહિત છે ને એક રાગે રહિત છે. ને તે રાગ પણ બે પ્રકારના છે એક વિષય સંબંધી છે ને એક શ્રીહરિ સંબંધી છે. તેમાં જે શ્રીહરિ સંબંધી રાગ છે તે તો ધર્મ-જ્ઞાનાદિક સાધને યુક્ત છે ને એવી જાતના રાગને તો અતિ દૃઢપણે કરીને રાખવો ને તે વચમાં બીજા આડાઅવળા ઘણા સંકલ્પ આવી જાય તેની તો ઉપેક્ષા જ રાખવી. જેમ વરતાલ જવાનો મુખ્ય સંકલ્પ હોય ને માર્ગમાં આડાઅવળા ઘણાંક પદાર્થ આવી જાય તે જેમ ગણતીમાં ન હોય તેમ, ને વળી જેમ નિશાનના (મધ્યના ૨૨ના) વચનામૃતમાં કહ્યું છે જે એક નિશાન લેવાનો જ મુખ્ય સંકલ્પ છે તેમ, ને હમણાં તો બીજા સંકલ્પનું બળ જણાય છે, ને મુખ્ય સંકલ્પનું બળ નથી જણાતું પણ અંતે જાતાં એ જ વૃદ્ધિ પામશે કેમ જે તે શ્રીહરિ સંબંધી છે. માટે તે ઉપર સાકરકોળાંના વેલા નાના ને તેનું ફળ મોટું તેનાં દૃષ્ટાંતે227 કરીને વાર્તા કરી. ॥૨૯૨॥
પ્રત્યક્ષ શ્રીહરિજી કે તેમના સંત મળ્યા એટલે કલ્યાણ થઈ રહ્યું પણ ત્રણ અંગે સહિત ભક્તિરૂપ સાધનને કર્યા વિના કારણ દેહની વાસના નાશ પામતી નથી ને શ્રીજીમહારાજ પણ પ્રસન્ન થાતા નથી ને તે સાધન તો એકાંતિક ભક્તના સંગે કરીને ને અતિ દૃઢ પુરુષપ્રયત્ને કરીને શીખે તો સિદ્ધ થાય છે એમ સમજ્યા વિના નિષ્કામ ભક્તિ થાતી નથી ને જે પોતાના મનને જાણે ભક્તિ કરે છે તે તો સકામ થઈ જાય છે. તે ભાગવત્ ધર્મમાં નવધા ભક્તિ સત્પુરુષો પાસેથી શીખ્યાનું કહ્યું છે ને ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે
मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते।
स गुणान्समतीत्यैतान् ब्रह्मभुयाय कल्पते॥228
માટે નિષ્કામપણે શ્રીજીમહારાજની પ્રસન્નતાને અર્થે ત્રણે અંગે સહિત ભક્તિ કરવી પણ બીજું ઇચ્છવું જ નહિ, એ એકાંતિક ભક્તની સમજણ છે. ને જે સકામ ભક્તિ છે તે તો દેહને અર્થે તથા કામ, લોભ, રસાસ્વાદ ને માન ઇત્યાદિકને અર્થે થઈ જાય છે તે સારુ સમજીને ભક્તિ આદિક સાધન કરવાં. એવી રીતે વાર્તા બહુ કરી છે પણ આ તો દિશ માત્ર લખી છે. ॥૨૯૩॥
એક સંતે પૂછ્યું જે સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દૃઢ વૈરાગ્યને પામ્યો હોય ને દૃઢ શ્રદ્ધાવાન હોય ને અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યને અતિશય દૃઢ પાળતો હોય ને અહિંસા ધર્મને વિષે દૃઢ પ્રીતિવાન હોય ને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મમરણની નિવૃત્તિ થઈ જાય છે એમ શ્રીજીમહારાજે સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે તે સાચું કહ્યું છે કે ફોસલાવવાને અર્થે કહ્યું છે? ત્યારે મોટા સંતે કહ્યું જે એ તો સાચું કહ્યું છે. ત્યારે સંતે કહ્યું જે એમ કેમ વર્તાતું નથી? ત્યારે મોટા સંત કહે જે એટલી ભૂલ છે અથવા પ્રમાદ છે. ત્યારે તે સંત કહે જે એ સાધનને કેમ શીખવાં? ત્યારે મોટા સંત કહે જે સત્પુરુષ પાસેથી નિત્યપ્રલયાદિકના વિચારે કરીને વૈરાગ્ય શીખવો ને સત્ અસત્ના વિચારે કરીને આત્મનિષ્ઠા શીખવી એમ વર્તવાને વિષે શ્રદ્ધા જે ત્વરા તે રાખવી. એવી રીતે બીજા સર્વે ગુણ સત્પુરુષ પાસેથી શીખવા. ત્યારે શાન્તાનંદ સ્વામીએ કહ્યું જે વૈરાગ્યાદિક ગુણની અવધિ છે કે નહિ? ઉત્તર: જે શ્રીજીમહારાજના ચરણકમળ વિના ક્યાંય પણ અણુમાત્ર પ્રીતિ ન રહે વૈરાગ્યનો અવધિ છે ને ઊર્ધ્વરેતા229 થવાય એ બ્રહ્મચર્યનો અવધિ230 છે ને શ્રીહરિજીની કથા વાર્તા આદિકને વિષે ત્વરા231 વર્તે એ શ્રદ્ધાનો અવધિ છે. ॥૨૯૪॥
વ્યવહારમાં રહીને શ્રીજીમહારાજ કેમ મુખ્ય રહે? ઉત્તર: જે જો શ્રીહરિજીનો મહિમા સમજીને વ્યવહાર કરે તો શ્રીજીમહારાજ મુખ્ય રહે. જેમ ચક્રવર્તી રાજા હોય તેના મહિમાને જાણીને તેના જે કામદાર હોય તે કામકાજ કર્યા કરે છે તેમ શ્રીહરિજીના મહિમાને સમજીને વ્યવહાર કરે તો પરમેશ્વર મુખ્ય રહે. ત્યારે શંકા કરી જે મહિમા સમજીને વ્યવહાર કરે તો વ્યવહાર મુખ્ય થયા વિના કેમ રહે? ત્યારે મોટા સંત કહે જે લ્યો, એનો ઉત્તર કરીએ એમ કહીને બોલ્યા જે પ્રથમથી જ નિત્યપ્રલયાદિકનો વિચાર કરીને ને પિંડ બ્રહ્માંડને અતિ અસાર જાણીને ને કાખના મુવાળા જેવો ને સ્વપ્ન તુલ્ય વ્યવહાર જાણીને ને સત્ અસત્ના વિવેકે કરીને વ્યવહારના રૂપને યથાર્થ અસત્ય સમજ્યો હોય તો વ્યવહાર મુખ્ય થાય નહિ, ને એમ ન સમજે તો પરમેશ્વર મુખ્ય થાય નહિ ને સંસાર મુખ્ય થઈ જાય છે. ॥૨૯૫॥
શાન્તાનંદ સ્વામીએ કહ્યું જે સત્સંગી ક્યારે થાય? ઉત્તર: જે જ્યારથી જેણે વર્તમાન ધાર્યાં ત્યારથી તે સત્સંગી તો થયો. ત્યાં દૃષ્ટાંત જેમ કુંભારે ચક્ર ઉપર માટીનો પિંડો ઘડો કરવાને અર્થે મૂક્યો ત્યારથી તેનું નામ ઘડો પડ્યું પણ એ ચક્રથી ઊતરશે ને તડકે સૂકવશે ને ઘડશે ને નિંભાડામાં બાળશે ને પછી પાણી ભરીને વાવરશે,232 તે એટલે ઠેકાણે જો નક્કી રહ્યો તો જાણીએ જે હવે આ નીવડ્યો233 ને નક્કી ઘડો થયો. તેમ ભગવાનના માહાત્મ્યપૂર્વક ત્રણ અંગે સહિત ભક્તિ કરતે કરતે આત્માને વિષે જ્યારે પરમાત્માનું દર્શન થાય ત્યારે સત્સંગી સંપૂર્ણ થયો જાણવો. તે એકાદશીના (મધ્યના ૮મા) વચનામૃતને વિષે કહ્યું છે જે યજ્ઞ કરતે કરતે જ્યારે હૃદયને વિષે પુરુષોત્તમ ભગવાન દર્શન આપે ત્યારે યજ્ઞ પૂરો થયો જાણવો. ત્યાં પર્યંત ઇંદ્રિયોની વૃત્તિને ભગવાનના સ્વરૂપને વિષે હોમ્યારૂપી યજ્ઞ તે નિરંતર કર્યા કરવો. ॥૨૯૬॥
સર્વે સંત શ્રીહરિજીની ભક્તિ કરે છે તેમાં કેટલાક જ્ઞાન શીખે છે ને કેટલાક તો વૈરાગ્ય શીખે છે ને કેટલાક ધર્મ તથા ભક્તિને શીખે છે પણ પરસ્પર ઈર્ષા શા સારુ કરે છે? ઉત્તર: જે શ્રીજીમહારાજ તથા તેમના અતિ વહાલા એવા જે એકાંતિક ભક્ત તે પાસેથી નવધા ભક્તિ તથા પ્રેમલક્ષણા ભક્તિને શીખીને તેનો મર્મ સમજીને નિષ્કામ ભાવે કરીને ભક્તિ કરે તો ઈર્ષા ન આવે ને એવી રીતે સત્પુરુષ પાસેથી તો શીખતા નથી ને પોતાની મેળે અહંમમત્વ સોતા કરે છે માટે પરસ્પર ઈર્ષા થાય છે. ॥૨૯૭॥
જ્ઞાની એવા જે મોક્ષાર્થી તે અર્થાદિકનો સંગ્રહ કરતા નથી ને જે કરે છે તે પણ એમ સમજીને કરે છે જે કલ્યાણરૂપ ધર્મમાં રહીને અર્થને ઉપજાવે છે ને તેનું ધર્મરૂપ જે અર્થ છે તેનું ફળ વિષય ભોગ જ છે એમ નથી સમજતા ને તે વિષય ભોગવે છે તે પણ ઇંદ્રિયુંને લડાવવી એ જ ફળ નથી જાણતા પણ દેહ રહે એટલું જ ફળ સમજે છે ને તે દેહ રાખ્યાનું ફળ પણ એટલું જ છે જે ત્રણ અંગે સહિત ભક્તિ કરીને શ્રીહરિજી મહારાજના એકાંતિક ભક્ત થાવું ને જે અજ્ઞાની છે તે તો એમ સમજે છે જે ધર્મનું ફળ ધન મળ્યું એ છે ને ધનનું ફળ વિષય ભોગવવા એ છે ને તેનું ફળ ઇંદ્રિયોને લડાવવી234 એ છે ને ફરી પણ એમને એમ કર્યા કરવું એવી રીતે અસત્ સમજણની શાસ્ત્રમાં ના પાડી છે. તે ઉપર નીચે પ્રમાણે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધમાં બે શ્લોક છે જે
धर्मस्य ह्यापवर्ग्यस्य नर्थोऽर्थायोपकल्पते।
नार्थस्य धर्मैकांतस्य कामो लाभाय हि स्मृतः॥
कामस्य नेंद्रियप्रीतिर्लाभो जीवेत यावता।
जीवस्य तत्वजिज्ञासा नार्थो यश्चेह कर्मभिः॥235
અને જે અર્થ પર વર્તે છે તે પણ ધર્મમાં રહીને અર્થનો સંગ્રહ કરે છ ને જે ધર્મ પર વર્તે છે તે પણ ધર્મ સોતા જ અર્થને ભેગા કરે છે પણ એ બેય જણા અર્થને મોક્ષના માર્ગને વિષે વાવરે છે માટે એ પણ ઠીક સમજે છે ને જે કામ પર વર્તે છે તે તો અર્થ, ધર્મ ને કામ પર કરે છે માટે એની સમજણ બરાબર નથી. ॥૨૯૮॥
એક દિવસ મોટા સંતે કહ્યું જે ઇંદ્રિયોમાં, અંતઃકરણમાં ને કારણ દેહમાં ભગવાનનું ધ્યાન આપણ સર્વે કરીએ છીએ તે જો સત્ અસત્નો વિચાર કરીને ને ત્રણ શરીરથી જુદા પડીને જીવમાં ધ્યાન કરીએ તો જીવ શુદ્ધ થાય. તે અમદાવાદના બીજા વચનામૃતમાં કહ્યું છે જે નાહીધોઈને પૂજા કરવી ને જેમ કોઈ શાહુકાર અન્નજળ દેવારૂપ સદાવ્રતની પેઢી કરી જાય છે તેમ શ્રીજીમહારાજ કલ્યાણરૂપ સદાવ્રતની પેઢી કરી ગયા છે ને ધર્મને વિષે દૃઢપણે વર્તતો હોય ને સત્પુરુષનો અતિ વિશ્વાસ હોય તો તેને ગમે તેવું કઠણ પ્રારબ્ધ હોય તો પણ તે ટળી જાય છે. ॥૨૯૯॥
એકાંતિક ભક્તની વૃત્તિમાં ભગવાન રહ્યા હોય એવાનું વર્તન કેવી જાતનું હોય? ઉત્તર: જે એવાની જે ક્રિયા તે આચાર્યજી મહારાજને અર્થે હોય કે મંદિરને અર્થે હોય પણ પોતાને અર્થે ન હોય ને એવા જે ગૃહસ્થ હરિભક્ત હોય તેને પણ
प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः।
स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतं॥236
એ શ્લોકમાં કહ્યું છે એવી રીતે સત્સંગને વિષે મમત્વ અને વર્તન હોય. ॥૩૦૦॥
અને “कर्मात्मकं येन शरीरबन्धः”237 એ શ્લોકની વાર્તા કરી જે જીવ જે તે પ્રથમ દેહાભિમાને યુક્ત થકો પંચ વિષય સંબંધી ક્રિયાને જેમ મમત્વે સહિત કરે છે ને તે પછી સત્સંગ કરીને જે જીવરૂપે પોતાને માનીને શ્રીજીમહારાજને અર્થે તેવો જ મમત્વ રાખીને નવધા ભક્તિ અતિશય કરે ને તેમના ભક્તની પણ મમત્વ રાખીને સેવા ચાકરી કરે ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે. તે પછી સત્તારૂપ થઈને વારંવાર ઉપશમ કરીને જલના ફુવારાની પેઠે અનેક પ્રકારે થઈ જે ઇંદ્રિયોની વૃત્તિઓ તેનું પિંડીકરણ238 વારંવાર કર્યા કરે ત્યારે એ જીવને અતિશય બંધનરૂપ જે કારણ શરીર તે નાશ થઈ જાય છે. તે ઉપર આ ત્રણ વચનામૃત વંચાવીને વાર્તા કરી તે ત્રણ વચનામૃતના નામ (૧) મધ્યનું ૫૦મું રહસ્યનું ને (૨) મધ્યનું ૪૫મું જે સાધુ, બ્રહ્મચારી, અયોધ્યાવાસી ગૃહસ્થ એ સર્વે તમે ખબડદાર રહેજો ને (૩) અમદાવાદનું બીજું જે નાહી ધોઈને પૂજા કરવી. ॥૩૦૧॥
નિષ્ઠાના સ્વરૂપને જાણ્યાનું લક્ષણ એ છે જે સમુદ્રમાં વહાણ ડૂબતું હોય તથા દેવ ઇચ્છાએ કરીને વગડામાં એકલા જ નોખા પડી ગયા હોઈએ ને વળી દેહ પણ અતિ માંદો હોય ને પોતાની મેળે ક્રિયા કરવા સમર્થ ન હોય તો પણ કાયર થવાય. ને શ્રીજીમહારાજના અંતર્યામીપણાનો જે વિશ્વાસ તે લેશ માત્ર પણ ગૌણ પડે નહિ તેની પક્વ નિષ્ઠા કહીએ તથા શ્રીહરિજી અથવા સત્પુરુષ તે કોઈક નાના સાધુના વચનમાં વર્તાવે તો પણ જેમ શ્રીજીમહારાજની સમીપે તથા મોટા સંતની સમીપે વર્તતો હોય તેમ જ વર્તે પણ લેશમાત્ર આડું અવળું કરે નહિ તેની પક્વનિષ્ઠા કહીએ અને એવી પક્વનિષ્ઠા કેમ થાય? ઉત્તર: જે એ બે પ્રકારની પક્વનિષ્ઠાના લક્ષણની વાર્તા કર્યામાં તથા સાંભળ્યામાં શ્રદ્ધા બહુ રાખે તથા મોટા પુરુષનો સંગ કરે તો પક્વનિષ્ઠા થાય છે. ॥૩૦૨॥
સત્તારૂપ થઈને માંહી રહીએ તો સુખ રહે છે ને બાહેર રહીએ તો દુઃખ થાય છે તે કેમ વર્તીએ તો દુઃખ ન થાય? ઉત્તર: જે જેમ માંહીં વર્તીએ છીએ ને સુખ રહે છે તેમ જ દેહમાં આવીએ ત્યારે તેમ જ વર્તીએ તો દુઃખ થાય નહિ. તે વર્ત્યાની રીત જે જેમ તેમ બોલી જવાય ને કોઈક કાંઈક કહે તો તેનું દુઃખ લગાડીએ નહિ ને ક્યાં આપણે વિદુર નીતિ ભણ્યા છીએ જે તે પ્રમાણે ન બોલાયું તો લાજ નહિ રહે એમ તો કાંઈ નથી માટે માંહી ને બાહેર જાણપણારૂપે વર્તીએ તો દુઃખ જ નથી. ॥૩૦૩॥
એક દિવસ સ્વામીએ વાત કરી જે પોતાને માન થાઓ કે અપમાન થાઓ કે રામપાત્ર લઈને ઘેર ઘેર માગી ખાઓ કે હાથીએ બેસો ને સુખ થાઓ કે દુઃખ થાઓ ને શરીર રોગી કે નિરોગી રહો પણ આવા પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ થઈ છે માટે અલમસ્ત થકા શ્રીજીમહારાજને ભજ્યા કરે પણ એ પુરુષ કોઈમાં લેવાય નહિ. તે એકાંતિક ભક્ત કહેવાય. ॥૩૦૪॥
ધર્મ, જ્ઞાનાદિકે કરીને બે સરખા હોય તેમાં એક તો શ્રીહરિજી મહારાજની અનુવૃત્તિને વિષે વર્તે છે ને એક નથી વર્તતો એ બેયમાં કોણ શ્રેષ્ઠ છે? ત્યારે સંતે કહ્યું જે અનુવૃત્તિમાં વર્તે છે તે શ્રેષ્ઠ છે તે જે યથાર્થ મહિમા સમજતો હોય તે જ અનુવૃત્તિમાં વર્તે છે. ॥૩૦૫॥
જીવ સદાય સુખી કેમ રહે? ઉત્તર: જે પોતાને કંઈ જોઈએ જ નહિ એમ જે વર્તે ને વળી કોઈક પદાર્થ સત્સંગને અર્થે જોઈતું હોય તો પણ તે પદાર્થ પોતા વતે કોઈ પાસે મગાય નહિ એવી રીતે જે વર્તે તે સદાય સુખી રહે છે. ॥૩૦૬॥
અને અખંડાનંદ સ્વામીની પેઠે મોટમના થાવું પણ વાતવાતમાં મૂંઝાવું નહિ. તે અખંડાનંદ સ્વામીને માથે નિષ્કામી વર્તમાન ચૂક્યાનો અપવાદ એક સાધુએ નાખ્યો ત્યારે તેમણે કહ્યું જે ખોટા ક્યું બોલતા હો પણ તેમના મનમાં શોક કે ઉદ્વેગ લગારે પણ થયો નહિ. એ મોટમનાનું239 લક્ષણ છે. એ શું કહ્યું? તો પંચવિષયની ઉપેક્ષા240 રાખ્યાની જુક્તિ241 કરી. ને ક્ષમા પણ સમર્થ અસમર્થ સર્વેને રાખવી. તે સમર્થને શોભારૂપ છે ને અસમર્થને સુખકારી છે. તેણે કરીને નિર્માની વર્તમાન દૃઢપણે પાળવાનું કહ્યું. ॥૩૦૭॥
અને અહંવૃત્તિની ઘણીક વાર્તા કરી જે આત્મસત્તા રૂપે વર્તતો હોય તો પણ અહંપણું રહે છે માટે અતિશય વિચાર કર્યાનો આગ્રહ કરે તો ટળે, એમ કહી પૃથ્વી આદિક જે અષ્ટ આવરણ છે તેને દેહને વિષે દેખાડીને વાર્તા કરી. ॥૩૦૮॥
અને જેને દત્તાત્રેયની પેઠે જ્યાં ત્યાંથી સિદ્ધાંત જ ગ્રહણ કરતાં આવડે છે તે ક્યાંય બંધાતા નથી. એવી રીતે કપાસનાં બે ક્ષેત્રને દૃષ્ટાંતે242 વાત કરી. ॥૩૦૯॥
અને બંધીવાળા મંડપને243 વિષે કીર્તન ગાયા ત્યારે તેમાં શબ્દ ભરાઈ રહ્યો તે જોઈને સ્વામીએ વાત કરી જે આ પ્રમાણે ઇંદ્રિયુંને વિષયમાં ન જાવા દીયે તો અંતઃકરણમાં જ્ઞાન ભરાઈ રહે. ॥૩૧૦॥
અને માનસી પૂજાને વિષે તથા સ્થૂળ દેહે કરીને પૂજા કરીએ તેને વિષે રસના આદિક ઇંદ્રિયુંની વૃત્તિ કેમ કરવી? ત્યારે તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે પરમેશ્વરની મૂર્તિને આગળ ધારવી પછી તેને જીહ્વાદિક દ્વારાએ કરીને અંતરમાં ઉતારવી પછી સત્તારૂપ થઈને તે સામું જોઈ રહેવું એમ ને એમ કર્યા કરે તો રાગ ઓછા થઈ જાય છે. ને જે સંકલ્પ વિકલ્પ કર્યાની વૃત્તિ છે તે વાસનાલિંગ શરીર કહેવાય છે ને જે અવ્યક્તપણે રહ્યું છે તે કારણ શરીર છે ને જ્યારે અતિ રાગ થઈ જાય છે ત્યારે તે સ્થૂળ થઈ આવે છે. જુઓને નેત્રની આગળ સર્વે સંકલ્પની ગાંઠ્યું રહી છે જે આ ઝાડની પંક્તિ છે ને આ મનુષ્યની પંક્તિ છે તે નેત્ર વીંચીને જુઓ તો પણ જણાઈ આવે. અને સ્પર્શના સંકલ્પ થાય ત્યારે તે વૃત્તિને મસ્તકને વિષે રાખે તો તે સંકલ્પ ટળી જાય છે. તેમ જ શબ્દની વૃત્તિને નેત્રમાં રાખે તો શ્રોત્રવૃત્તિ ઓછી થઈ જાય છે. એ યોગકળા છે. અને સૌભરી ઋષિને યોગકળા એકલી જ આવડતી હતી, પણ જ્ઞાનકળા આવડતી નહોતી તેથી યોગબળે કરીને જ સર્વે ક્રિયા કરી, અને ભમર જેમ કમળને વિષે સ્નેહે સોતો ચોંટી રહે છે તેમ ભગવાનના સ્વરૂપને વિષે પ્રીતિએ સોતા જોડાઈ જાવું. અને કપિલજીએ દેવહુતી પ્રત્યે વાર્તા કરી જે મહિમાએ સહિત ભક્તિ ને ભક્તિએ સોતુ જ્ઞાન ને જ્ઞાને સોતો વૈરાગ્ય, ઇત્યાદિકની પક્વતાએ કરીને મોહ ટળી જાય છે. અને એ જ્ઞાનાદિકનું શ્રવણ, મનન ને નિદિધ્યાસ બહુ કરે ત્યારે સાક્ષાત્કાર થાય છે પણ એ ઉતાવળે થાતું નથી. એમ ને એમ વૈરાગ્યે સહિત કર્યા કરે તો સિદ્ધ થાય છે. એમ કહીને સ્વામીએ હરજી ઠક્કર સામું જોઈને કહ્યું જે તમને આંક મેળવતાં જેમ કઠણ પડતા નથી તેમ ધર્મ, જ્ઞાનાદિક અભ્યાસે કરીને સરળ થઈ જાય છે. ॥૩૧૧॥
અને સ્વામીએ વાત કરી જે પ્રથમ જેને કંઈક આડુંઅવળું વર્તાણું હોય તે જો ફરી પોતાના ધર્મમાં ખબડદાર થઈને વર્તે તો પાછો શુદ્ધ થઈ જાય છે. ॥૩૧૨॥
અને સંતે પૂછ્યું જે પોતામાં જે દોષ હોય તેને ટાળ્યાની જુક્તિ જાણતો હોય તો પણ તે દોષ તેમના તેમ રહે છે તે તેનો ત્યાગ કરીને સવળે માર્ગે વર્તાતું નથી તેનો શો હેતુ છે? એક તો એ ને બીજું મોટા સંતને યથાર્થ જાણતો હોય પણ કોઈકની વાત સાંભળીને સામો તેનો અવગુણ લે છે તે એને જાણ્યામાં ફેર છે કે નિશ્ચયમાં ફેર છે? ત્યારે સ્વામીએ તેનો ઉત્તર કર્યો જે નિશ્ચયમાં કિંચિત્ ફેર હોય ને બહુધા તો એમ જણાય છે જે એની બુદ્ધિમાં સ્થિરતા નથી તેથી એની બુદ્ધિમાં કાર્ય અકાર્યનો વિવેક નથી રહેતો ને જ્યારે જાણપણામાં કાર્ય અકાર્યનો વિવેક ન રહે ત્યારે ન કરવાની ક્રિયા કરે ને કરવાની ન કરે અને તે બુદ્ધિ સ્થિર ક્યારે થાય? તો જ્યારે રજ, તમને ટાળીને શુદ્ધ સત્વગુણને વધારે ત્યારે થાય ને તે સત્વગુણની વૃદ્ધિ ક્યારે થાય? તો જ્યારે રજોગુણી ને તમોગુણી આહારનો ત્યાગ કરીને સત્વગુણની વૃદ્ધિ કરે એવો આહાર કરે. તેની વિક્તિ244 જે જેમ ધર્મામૃતમાં આહારને નિયમે કરીને રસનાને જીતવાની જુક્તિ કહી છે તેમ રસનાને જીતવી તથા ગુણ વિભાગમાં સાત્વિક પુરુષને સત્વગુણી આહાર કહ્યો છે તેમ આહાર કરે તથા સાત્વિક શાસ્ત્રને ભણે તથા સાંભળે તથા સાત્વિક પુરુષનો સંગ કરે ને નાનાં છોકરાંથી તો જેમ સ્ત્રીથી બીએ છે તેમ બીએ ને વળી કાર્યાકાર્યનો એમ વિવેક શીખે જે આ ક્રિયા કરીશ તો કાર્ય થાશે ને આ ક્રિયા કરીશ તો અકાર્ય થાશે. એવી રીતે જે જે ક્રિયા કરે તે વિચારીને કરે તથા ભય અભયને જાણે જે આ ક્રિયા કરીશ તો ભય થાશે ને આ ક્રિયા કરીશ તો અભય થાશે. માટે તે વિચારીને કરે તથા બંધ મોક્ષને જાણે જે આવી રીતે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્રિયા કરીશ તો બંધન થાશે ને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીશ તો મારો મોક્ષ થાશે. એવી રીતે કાર્યાકાર્ય, બંધ મોક્ષ તથા ભય અભયનો જે વિવેક તેના નિરંતર જાણપણામાં રહે ત્યારે જે જે ક્રિયા કરે તે વિચારીને થાય. ને આ કહ્યું એટલાં વાનાં રાખે તો સત્વગુણ વૃદ્ધિને પામે, ને જ્યારે રજ, તમને ટાળીને નિરંતર સત્વ વર્તે ત્યારે સ્થિર બુદ્ધિ થાય ને જ્યારે એવી સ્થિર બુદ્ધિ રહેવા માંડે ત્યારે શું કરવું? તો શ્રીજીમહારાજે કહ્યું છે તેમ જેને કામ, ક્રોધાદિક ભૂત ન વળગતાં હોય ને જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિએ જુક્ત મોટા સંત હોય તેને સંગે રહીને એ જેમ ઇંદ્રિયુંને જીતવાની જુક્તિ બતાવે તેમ ઇંદ્રિયું અંતઃકરણને જીતીને પછી ભગવાનની મૂર્તિને વિષે તેલધારાવચ્છિન વૃત્તિ245 રાખવાનાં જે સાધન તેને શીખવાં ને તેમ કરવામાં જે પદાર્થ અંતરાય કરે તેનો ત્યાગ કરીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી. ॥૩૧૩॥
અને સ્વામી કહે જે આ વાત પણ અતિ સમજવાની છે જે ભગવાન તથા એકાંતિક સાધુ એ બેયના સામાવડિયા246 ન થાવું. કેમ જે સામાવડિયાના પક્ષમાં ભળે તો જરૂર ભગવાનનો તથા એકાંતિક ભક્તનો દ્રોહ થાય માટે સૂઝે એવું વિઘ્ન હોય તો પણ તેને તોડીને ભગવાનના ને એકાંતિકના પક્ષમાં ભળવું, ને સામાવડિયાનો પક્ષ મૂકી દેવો પણ તેના પક્ષમાં ન ભળવું. ॥૩૧૪॥
અને વળી પુરુષોત્તમ ભગવાને આચાર્યજી મહારાજને આજ પોતાના દત્તપુત્ર કરીને સર્વે સાધુ તથા સત્સંગીના ગુરુ કરીને પોતાની ગાદી ઉપર બેસાડ્યા છે, તેમાં તથા લક્ષ્મીનારાયણ આદિક જે મૂર્તિયું પોતે પધરાવી છે તેમાં પણ પોતાના અવતાર જેટલું દૈવત પોતે મૂક્યું છે. માટે તે આચાર્ય તથા પોતાની પધરાવેલી જે મૂર્તિયું તેને અવતારી જે પુરુષોત્તમ ભગવાન તેના અવતાર જેવા જાણવા ને જેમ અવતારને અર્થે કરે તેને પોતે અંગીકાર કરે છે તેમ જ આચાર્યજીને અર્થે તથા પોતાની પધરાવેલી જે મૂર્તિયું તેમને અર્થે જે સેવા કરે તે પોતે અંગીકાર કરે છે તેમ જ તેમને અર્થે કોઈક સેવા કરતા હોય તેને અવળી વાત કહીને ભાંગી નાખે તથા એમ કહે જે આચાર્યને ને લક્ષ્મીનારાયણને ક્યાં ખોટ્ય છે માટે કાંઈ ધર્માદાનું હોય તથા નામનું હોય તે સંતને અર્થે ખરચો. કેમ જે સંતને અર્થે જે જે કરે છે તે તત્કાળ ઊગી નીસરે છે એમ અવળો ઉપદેશ કરીને પોતાની શૂશ્રુષાને અર્થે બીજાને મોળા પાડે છે. તથા કોઈક સારું મનુષ્ય હોય ને તે દેવની તથા આચાર્યની સેવા કરતો હોય તેને પોતાની સેવા કરાવ્યાને અર્થે અવગુણ ઘાલીને તેમની સેવામાંથી પાછા પાડીને પોતાની સેવા કરાવે તો તેને પંચ મહાપાપ જેવું પાપ થાય છે માટે આ કહ્યું એમ સમજે તો જ શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન પામ્યા કહેવાય. નહિ તો અશુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન કહેવાય ને આ વાત તો કેવી છે તો જેમ હીરો હોય ને તેને જતન કરીને રાખે તેમ આ વાતને હીરાની પેઠે નિત્યે નવી ને નવી રાખજો પણ ગાફલપણે કરીને ભૂલશો મા, જરૂર ભૂલશો મા કેમ જે આ વાતને જે ન સમજે તેને મોક્ષના માર્ગમાં બહુ ફેર પડે છે. ॥૩૧૫॥
અને સ. ગુ. સ્વામીશ્રી ગોપાળાનંદ સ્વામીએ વાત કરી જે આ જીવને અવશ્ય કાર્ય કરવાનું છે તે વિચારવું જે આ જીવને પંચવિષયને વિષે ખૂંતીને રહી247 જે પંચવિષયની અવ્યક્ત વાસના તેને પ્રકૃતિપુરુષ પર્યંત દેહગેહાદિક સર્વ અસત્ય છે. એવા વિચારે કરીને ધીરે ધીરે ટાળવી ને જીવને રાગે રહિત કરવો ને સત્તારૂપ કરવો ને પછી ભગવાનમાં પ્રીતિ કરવી. ને તે વિના દેહની ક્રિયા જે ભણવું તથા લખવું તથા બીજી જે જે ક્રિયા કરવી તે તો કેમ છે? તો જેમ કોઈક અતિ મોટું કામ સિદ્ધ કરવું હોય ત્યારે તે કામ કરતાં હોઈએ તેમાં સહેજે બીજાં કામ આવે તે કરવાં પડે તેમ દેહક્રિયા તો છે ને અવશ્ય કરવું તો પોતે જે ધાર્યું હોય તે છે. માટે જીવને શુદ્ધ કરીને પછી ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરવી એ અવશ્ય કરવાનું છે ને બીજું જે છે તે તો દેહના નિર્વાહને અર્થે છે. પણ અવશ્ય કરવાનું નથી અને વળી કોઈક જાણે જે બહુ કરીને ભગવાનને રાજી કરું પણ તે ભગવાન તો બહુ કર્યે પણ રાજી થાતા નથી તથા ન કર્યે પણ રાજી થાતા નથી. માટે જે જે કરવું તે સમજીને કરવું. તેની વિક્તિ જે એક તો પોતાને વિષે ખૂંતીને રહી જે પંચવિષયની વાસના તેને જીવમાંથી ટાળીને મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. તેની વિક્તિ જે ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. અને તે ગ્રંથ પ્રમાણે વર્તીને મંદિરની તથા દેવની તથા આચાર્ય મહારાજની સેવા કરવી. એ આદિક જે જે કરવું તે પૂર્વે કહ્યા જે ત્રણ ગ્રંથ તે પ્રમાણે વર્તે તે થકે જેટલી સેવા થાય તેટલી કરવી. પણ તે ધર્મનો ત્યાગ કરીને સેવા ન કરવી. એમ સમજીને જે થોડું જ કરે તો પણ ભગવાન બહુ માને ને તે વિના તો ઝાઝું કરે તો પણ તેમાં ભગવાન પ્રસન્ન ન થાય. ॥૩૧૬॥