text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૧૬. ત્યાગીને વર્તવાની રીતની વાતો

જે પુરુષમાં બે વાનાં હોય તેમાં એક તો જાણીને વીર્યપાત કરે તથા બીજું ધન રાખે એવો જે સાધુ પુરુષ તે સત્સંગમાંથી જરૂર પડી જાય. ॥૩૧૭॥

ત્યાગી થઈને ધન રાખે તે પુરુષને દિવસ દિવસ પ્રત્યે હજાર ગાયો માર્યાનું પાપ થાય એમ સનાતન જૂની શ્રુતિમાં કહ્યું છે. ॥૩૧૮॥

માની હોય તેને કોઈક વખાણે ત્યારે ફુલાઈ જાય અને પોતાને બરોબરિયા જે સાધુ હોય તેની કોઈ પૂજા કરે તથા વસ્ત્ર ઓઢાડે ઇત્યાદિક સન્માન કરે અને પોતાનું ન કરે ત્યારે તે લજામણીના ઝાડની પેઠે કરમાઈ જાય અને મુવા જેવો થઈ જાય. માટે વ્રત, તપ, ત્યાગ, જ્ઞાન, કથા, વાર્તા, ધ્યાન, ભક્તિ ઇત્યાદિક જે જે સાધન કરે છે તે માન વધે તે વાસ્તે કરે છે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે નહિ. તે માન ટાળવું સહુથી અતિ કઠણ છે. ॥૩૧૯॥

જગત તે શું તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તે જગત છે. તેમાં પણ માન, સ્ત્રી ને ધન એ ત્રણ તો વિશેષ જગત છે. માટે ત્યાગીને તો બાળકની પેઠે કોઈ માન કરે તથા અપમાન કરે તથા પૂજા કરે તથા ધૂળ નાખે એ બેયને વિષે સમભાવ રહે તો જગતમાં ન લેવાણો.248 અને હર્ષ-શોકને પામે તો જગતમાં લેવાણો તેમ જ ત્યાગીને ધન ને સ્ત્રી એ બે તો ન હોય પણ જો ભક્ત ભગવાનના મંદિરને વિષે ધૂળ નાખીને ખાડા પૂરે તથા પાણા ફેરવે તથા મંદિરમાં ગાર કરે તથા સંતની સેવા કરે અને કોઈક તો રજોગુણી મનુષ્યને સત્સંગ કરાવીને તેને ઉપદેશ કરીને બે, ત્રણ તથા ચાર હજાર રૂપિયા લાવે ત્યારે એ બેયની ઉપર સમભાવ રાખવો અને જો એમ ન કરે ને અધિક ન્યૂન ભાવે રહે તો જાણવું જે એ જગતમાં લેવાણો. ॥૩૨૦॥

માવે ભક્તે કહ્યું જે ત્યાગીને સ્ત્રી ને ધન એ બે નથી જણાતાં પણ દેહ ને સ્વભાવ એ બે તો જણાય. ત્યારે સ્વામીએ કહ્યું જે દેહમાં ધન રહ્યું છે અને સ્વભાવમાં સ્ત્રી રહી છે. તે કેમ છે તો ઉપરથી ત્યાગ કરીને બેઠો છે પણ જો દેશકાળે કરીને સ્ત્રીનો જોગ થાય ત્યારે તેને ભોગવવાની આસક્તિ થાય અને ભોગવે. તે માટે સ્ત્રી તે સ્વભાવમાં રહી છે. ને દેહમાં ધન તો એમ છે જે દેહમાં મંદવાડ થાય તથા કોઈક જાતનો સ્વભાવ પડે તથા વસ્ત્રાદિક પદાર્થ જોઈએ ત્યારે ધનમાં આસક્તિ થાય તે માટે ધન તે દેહમાં છે ને સ્વભાવમાં સ્ત્રી તો એમ રહી છે જે ચ્યવનઋષિ બીજાના દેહની નાડીયુંને બંધ કરે એવા સમર્થ હતા તો પણ સ્ત્રી પરણ્યા અને સૌભરી ઋષિએ પણ સાઠ હજાર વર્ષ તપ કર્યું હતું તો પણ સ્ત્રી પરણ્યા. માટે સ્ત્રી તો સ્વભાવમાં રહી છે. અને આપણે આંહીં સ્ત્રીનો સંકલ્પ થાય તો ઉપવાસ કરે ત્યારે દોષ ટળે અને જો દેહે કરીને સ્ત્રીનો સંગ થાય તો સત્સંગમાં રખાય નહિ, પણ સંકલ્પે કરીને સત્સંગમાંથી કઢાય નહિ અને બદ્રિકાશ્રમમાં સંકલ્પ થાય તો ત્યાંથી પાછો દેવલોકમાં મૂકે અને ત્યાં સ્ત્રી ભોગવીને પછી તે સ્ત્રીનો ત્યાગ કરીને સ્ત્રીનો પોતાના જીવમાંથી રાગ ટાળીને ત્યાં જાય ત્યારે રાખે અને શ્વેતદ્વીપમાં તો સ્ત્રીનો અવ્યક્ત રાગ લગારેક થાય ત્યારે ત્યાંથી બદ્રિકાશ્રમમાં કાઢી મૂકે. તે માટે બદ્રિકાશ્રમવાળાને શ્વેતદ્વીપવાળા જેવું થાવું છે અને શ્વેતદ્વીપવાળાને અક્ષરના મુક્ત જેવું થાવું છે અને શ્વેતદ્વીપમાં ભગવાન પાંચ વખત દર્શન દે છે ને ત્યાંથી અક્ષરધામમાં જાવું હોય તો જાય અને ત્યાં દર્શન કરીને પાછા શ્વેતદ્વીપમાં આવે પણ ત્યાં રહેવાય નહિ. અને શ્વેતદ્વીપવાળાને વૈરાટની મોટપ જોઈને તથા મહાવિષ્ણુની મોટપ જોઈને તેમાં મોહ ન થાય અને મહાપુરુષની મોટપને તથા તેના વિષયને જોઈને તથા પોતાને તે વિષય પ્રાપ્ત થાય ત્યારે દેશકાળે કરીને કોઈક સમે રાગ જેવું જણાય અને પછી તે સંકલ્પને ખોટો કરી નાખે અને અક્ષરના મુક્તને તો સૂઝે તેટલો સ્ત્રીનો પ્રસંગ થાય તથા કોઈક મહાપુરુષના જેવો અધિકાર આવે તથા દેશકાળ વિષમ થાય તો પણ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે અને તેમાં બંધાય નહિ અને તે વિષય એને કાંઈ બાધ ન કરે અને આજ્ઞા પ્રમાણે કરીને રહેવા દે. માટે જે અક્ષરભાવને પામ્યો હોય તેને સૂઝે તેટલો વિષયનો જોગ થાય તથા માન થાય ને પોતે સૂઝે તેટલી પ્રવૃત્તિમાં જોડાણો હોય તો પણ તેમાં બંધાય નહિ તથા તેમાં હર્ષ, શોક ન પામે. તે માટે જે સાધુ અક્ષરભાવને પામ્યો હોય તે પુરુષોત્તમની સેવાનો અધિકારી થયો ને ભગવાન જેમ પોતે કાળ, કર્મ ને માયાને આવરણે રહિત છે તેવો તેને પણ કરે છે અને અખંડ પોતાની સેવામાં રાખે છે. તે માટે એવા સાધુ થાવું તે સૌથી અતિ કઠણ છે અને જે એવો સાધુ થયો તેને અને ભગવાનને અંતરાય નથી રહેતો. તે જ્યારે સાધુની સભા થઈ ત્યારે સનકાદિકનું પ્રમાણ ન થયું કેમ જે તેને ક્રોધ થયો ત્યાં તો નરનારાયણ ઋષિનું પ્રમાણ થયું કેમ જે તેને ક્રોધ ન ઊપજ્યો તો કામ તો ક્યાંથી જ ઉપજે? તે ઉપર ઇન્દ્રનું દૃષ્ટાંત249 કહી દેખાડ્યું. તે માટે એવા સાધુ થાવું ને સ્વભાવ માત્રને ટાળીને જ્યારે શુદ્ધ અક્ષરભાવને પામે ત્યારે ભગવાનની સેવામાં રહેવાય ને જો આંહીં લગારેક વચન લોપ્યું હોય તો ત્યાં બહુ અપમાન થાય. તે ઉપર શાહુકારની શાહુકારીનું દૃષ્ટાંત250 દીધું. ॥૩૨૧॥

સંતને મનગમતું કરવામાં ભેદ છે. તે કઈ રીતે જે એક તો ભગવાનની આજ્ઞા પ્રમાણે ત્યાગ, વૈરાગ્ય રાખે તથા રૂડા સાધુનો સંગ રાખે તથા આત્મનિષ્ઠા અને ભગવાનનું માહાત્મ્ય અને પંચ વર્તમાનના નિયમ પ્રમાણે વર્તવું અને નવ પ્રકારે ભક્તિ કરવી ઇત્યાદિક ભગવાનની આજ્ઞા પ્રમાણે મનગમતું કરવું. અને બીજા કોઈ તેને મુકાવે તો મૂકે જ નહિ. એવું એ પણ મનગમતું કહેવાય. પણ એ મનગમતું ઠીક છે એમાં બાધ નથી અને એવા મનગમતાને મોટા સંત કોઈ રીતે મૂકે જ નહિ. અને એને કોઈક સ્વાર્થને અર્થે મુકાવે તો તેને સ્વાર્થી જાણીને મૂકે નહિ. અને તેને દુઃખ ન લાગે એવી કળા કરવી અને જેમ પોતાને દુઃખ ન થાય તેમ વર્તવું પણ એ મનગમતાને મૂકવું નહિ. અને બીજું ગમતું જે ભગવાનની આજ્ઞા પ્રમાણે તો અતિશય ન હોય અને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવું અને તેવાનો સંગ કરવો અને તેવે ઠેકાણે રહેવું તેવી ક્રિયા કરવી, ઇત્યાદિક મનગમતું તે ખોટું છે અને એ બેને સમાન જાણે છે તે મૂર્ખ છે. ॥૩૨૨॥

ક્રોધ પણ બે પ્રકારનો છે:

(૧) કોઈક બીજો પોતાને વિષયનો સંબંધ કરાવવા આવે તો તેની ઉપર ક્રોધ કરે તથા કોઈક અવળે માર્ગે ચાલતો હોય તો તેને સવળે માર્ગે ચલાવવાને અર્થે ક્રોધ કરીને તેને શિક્ષાનાં વચન કહે તથા કોઈક પોતાને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવા થકી કાંઈક નિષેધ કરે ત્યારે તેની ઉપર રીસ કરીને તેને કઠણ વચન કહે. ને એને વિષે ક્રોધ કરીને ન કહે તો તે માને નહિ અને તેની આગળ નરમ થઈ જાય અને આકરપ251 ન રાખે તો ત્યાગ, વૈરાગ્યાદિક પ્રમાણે વર્તાય નહિ અને કોઈની મહોબતમાં લેવાઈ જાય તો મૂળગો252 ઊતરતા સ્વભાવનો થઈ જાય તો તેમાં શો સાર છે?

(૨) પોતાને મનગમતા વિષય ન મળે તથા મનગમતું ખાન, પાન, વસ્ત્ર, શિષ્યાદિક ન મળે તેને અર્થે ક્રોધ કરે ત્યારે એ ક્રોધ તે ભૂંડો છે અને એ બે પ્રકારના ક્રોધને વિષે સમાનપણું જાણે છે તે વિવેકે રહિત છે અને મૂર્ખ છે. માટે વિભાગ સમજવાનો વિવેક શીખવો. ॥૩૨૩॥

સંબંધીમાં હેત ન રાખવું અને તેને બોલાવવો નહિ, રસના ઇંદ્રિયને જીતવી અને વસ્ત્ર ઝીણાં ન રાખવાં અને બરોબરિયાનો સંગ ન કરવો અને મનને સારું લાગે તે ન આપવું અને પોતાને કરવાનું શું છે તેનો તપાસ કરવો અને ટાઢ, તડકો, ભૂખ, તરસ, તેનું સહન કરવું, ખાવાની તૃષ્ણા ન રાખવી અને કોઈને કઠણ વચન ન બોલવું, સાધુનાં લક્ષણ વાર્તાવિવેકમાં તથા હરિગીતામાં કહ્યાં છે તેને શીખવાં, અધર્મથી છેટે રહેવું અને જેનો સંગ કરે ન્યૂનતા આવે તેનો સંગ ન રાખવો અને ઇંદ્રિયોને જીતવી અને અનુવૃત્તિ રાખવી અને અસત્ વાસના રાખવી નહિ. ॥૩૨૪॥

જે ત્યાગી હોય તેને વિષયમાં રુચિ ન રાખવી. રુચિ તો ધર્મમાં રાખવી ને જ્ઞાનમાં રાખવી ને તપમાં રાખવી ને વૈરાગ્યમાં રાખવી પણ પદાર્થને વાસ્તે યુક્તિ કળા કરવી નહિ. ॥૩૨૫॥

નિર્ગુણપણું ને સગુણપણું સંતમાં કેમ સમજવું? ઉત્તર: જે અક્ષરરૂપે જે સંત વર્તતા હોય તે વર્તન નિર્ગુણ કહેવાય, ને એમ ન હોય તે સગુણ વર્તન કહેવાય. ॥૩૨૬॥

સર્વે સંતને ધર્મામૃત પ્રમાણે વર્તવું એમ વાર્તા કરીને સ્વામી બોલ્યા જે ગૃહસ્થ હરિભક્તનો મહિમા સમજીને જો વિશ્વાસ કરીએ તો પોતા સરખા કરે જેમ શૃંગી ઋષિને કરી નાખ્યા તેમ. માટે આપણે એમનો અતિ વિશ્વાસ ન કરવો. ॥૩૨૭॥