૧૭. ઇંદ્રિયો-અંતઃકરણ-ગુણ જીતવાની વાતો
જેને આત્મા તથા પરમાત્મા અખંડ દેખાય તેમણે પણ શબ્દાદિક વિષયમાં ન લોભાવું અને જે પુરુષની ઇંદ્રિયો શબ્દાદિક વિષયમાં આસક્ત હોય તે પુરુષ ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહિ. ॥૩૨૮॥
રસનાદિક સર્વે ઇંદ્રિયોને નિયમમાં રાખે અને રસે રહિત તથા માપે જુક્ત જમે કહેતાં બે ભાગ અન્ને કરીને પૂરે અને એક ભાગ જળે કરીને પૂરે અને એક ભાગ ખાલી રાખે એવી રીતે સર્વે ઇંદ્રિયોને નિયમમાં રાખે એવો પુરુષ હોય તે કામે કરીને ક્યારેય પણ પડે નહિ. ॥૩૨૯॥
ગુણની પ્રવૃત્તિ તો રજોગુણ, તમોગુણ ને સત્ત્વગુણે કરીને છે તે જ્યારે સત્ત્વગુણ વર્તે ત્યારે તો શમદમાદિક ધર્મ સર્ગ વર્તે ને રજોગુણ વર્તે ત્યારે અનેક પ્રકારના સંકલ્પ થાય ને તમોગુણ વર્તે ત્યારે તેમાં ચાર દોષ વર્તે, એક તો પ્રમાદ, બીજો મોહ, ત્રીજું આળસ, ચોથી નિદ્રા. હવે તેને જીતવાના ઉપાયઃ (૧) પ્રમાદ તો શુદ્ધ જ્ઞાન થાય તો ટળે. (૨) મોહ તો જ્યારે શુદ્ધ જ્ઞાન ને જાણપણું નિરંતર રહે તો ટળે. (૩) જ્યારે આળસ આવે ત્યારે ભગવાનનું માહાત્મ્ય જાણીને ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરે તો ટળે. (૪) જ્યારે નિદ્રા આવે ત્યારે ઊભા થાવું તથા કીર્તન ગાવવાં, કથા વાંચવી, તથા સાંભળવી એ આદિક ક્રિયા કરે ત્યારે નિદ્રા જિતાય એમ એ ચારે ઉપાયને સિદ્ધ કરે ત્યારે તમોગુણ જિતાય. અને મલિન સત્ત્વગુણે કરીને રજોગુણ જિતાય, અને શુદ્ધ સત્ત્વગુણે કરીને મલિન સત્ત્વગુણને જિતાય અને શુદ્ધ સત્ત્વગુણને તો ભગવાનની મૂર્તિનું ધ્યાન ને ઉપશમ તેણે કરીને જીતે ત્યારે સિદ્ધ થયો કહેવાય. ॥૩૩૦॥
યોગી એવો જે પુરુષ તેને કામ જે તે ભયાનક છે કહેતાં દાવાનળ અગ્નિની પેઠે બાળે છે. તે કામ તે શું? તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેની જે ઇચ્છા વર્તે તે કામ છે. તે જીતવો અતિ દુર્જય છે તે જો દેહને બળહીન કરે તો ઇંદ્રિયોમાં રાગ રહે ને દેહ તથા ઇંદ્રિયોને બળહીન કરે તો મનમાં રાગ રહે છે અને મનના સંકલ્પ બંધ કરે તો બુદ્ધિમાં રાગ રહે છે તે માટે કામ તો બદ્ધિ થકી પર એવો જે જીવ તે જીવ જે તે અનાદિ અજ્ઞાનરૂપ જે કારણ શરીર તેણે યુક્ત છે. તે માટે કામ તો બુદ્ધિ થકી પર એવો જે જીવ તેને વિષે છે. માટે કામ જીતવો અતિ દુર્જય છે. ॥૩૩૧॥
ઇંદ્રિયોની વૃત્તિને અંતર સન્મુખ રાખે ત્યારે તે વૃત્તિઓ સૂક્ષ્મભાવને પામીને એમાં યથાર્થ જ્ઞાન થાય, અને પછી શાસ્ત્રનો અર્થ પણ એને યથાર્થ સૂઝે અને વિષયની વાસના તે ધીરે ધીરે ટળતી જાય. માટે જ્ઞાન, વૈરાગ્યનો વિચાર રાખીને ઇંદ્રિયોની વૃત્તિને આત્મા સન્મુખ રાખવાનો અભ્યાસ રાખવો. અને તેમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને એમ ન કરે અને વૃત્તિઓને બાહેર જ પ્રવર્તવા દે તો તેમાં સ્થૂલભાવ આવી જાય, અને એ ગુણદોષ યથાર્થ સૂઝે નહિ. ॥૩૩૨॥
ચાર અંતઃકરણ જીતવાના ઉપાય કહીએ છીએ:
(૧) બુદ્ધિને એમ જીતવી જે બુદ્ધિને વિષે માયિક પદાર્થ માત્રના આકારના નિશ્ચય થાય છે તે સર્વે પદાર્થને વિષે ચાર પ્રકારના પ્રલયે કરીને નાશવંતપણાનો નિશ્ચય થાય અને પોતાનો આત્મા તથા ભગવાન અને ભગવાનનું ધામ અને તે ધામના મુક્ત એમના અવિનાશીપણાનો નિશ્ચય થાય એવી રીતે જ્યારે બુદ્ધિમાં એ બે પ્રકારના નિશ્ચયની દૃઢતા થાય ત્યારે બુદ્ધિ જીતાઈ જાણવી.
(૨) જે મન છે તે માયિક પદાર્થના સંકલ્પને કરે એવો મનનો સ્વભાવ છે તે મનને તે પદાર્થના સંકલ્પો ન કરવા દેવા અને તે સંકલ્પથી પાછું વાળીને અને તે સંકલ્પને મૂકી દઈને ભગવાનની મૂર્તિના સંકલ્પ કરવા તથા ભગવાનનાં લીલા ચરિત્રના સંકલ્પ કરવા એવી રીતે મન જિતાય.
(૩) જે ચિત્તને વિષે માયિક પદાર્થના આકાર તે ચિંતવને કરીને સ્ફુરી આવે છે તે ચિત્તનો આત્માકારપણે કરીને ઉપશમ થાય ત્યારે તે આકારની વિસ્મૃતિ થાય અને તે પછી એક ભગવાનના આકારનું ચિંતવન કરવું એવી રીતે ચિત્ત જિતાય.
(૪) અહંકાર છે તે વર્ણ, આશ્રમ, જાતિ, કુળ, રૂપ, ગુણ તેને વિષે અહંપણું ધરે છે અને પોતાને તેવા આકારે માને છે તે અહંપણાને મૂકીને આત્માને વિષે અહંપણું માનવું જે હું તો જાણપણે યુક્ત એવો જે આત્મા તે છું પણ વર્ણાશ્રમાદિક ધર્મવાળો જે તે હું નહિ. એવો નિરંતર અભ્યાસ કરવો ત્યારે અહંકાર જિતાય. ॥૩૩૩॥
ઇંદ્રિયો છે તે તો શાસ્ત્રમાં કહ્યા જે પોતપોતાના નિયમ તેણે કરીને જિતાય છે એમ જાણવું. તે નિયમ ક્યા તો શ્રવણે કરીને ભગવાનના યશ સાંભળવા તથા ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ કરવો અને નેત્રે કરીને ભગવાનનાં અને સંતનાં દર્શન કરવાં અને નાસિકાએ કરીને ભગવાનનાં અને સંતનાં પ્રસાદી એવાં પુષ્પ, ચંદન તેનો સુગંધ લેવો તથા વાણીએ કરીને ભગવાનનાં ચરિત્ર તથા યશ કહેવા તથા રસનાએ કરીને ભગવાનનો પ્રસાદ લેવો તથા હાથે કરીને ભગવાનની તથા સંતની તથા મંદિરની સેવા પરિચર્ચા કરવી તથા પગે કરીને ભગવાન સંબંધી સેવાને વિષે ચાલવું પણ આડાઅવળા ફરવું નહિ. એવી રીતે દશે ઇંદ્રિયોને નિયમમાં રાખે તો જિતાય છે એમ જાણવું. ॥૩૩૪॥
લોભ, કામ, રસાસ્વાદ એ આદિક જે પોતાને વિષે દોષ હોય તેને ઓળખીને મૂકી દે તો જ એ દોષ ટળે ને વાર્તાએ કરીને પ્રકૃતિ ફરે છે, પણ જેમ પાણી પીવરાવીએ ને તે બીજમાં જેવો ગુણ હોય તેવો ફળમાં ગુણ આવે છે. ॥૩૩૫॥
શ્રીહરિનો મહિમા એમ સમજવો જે જેની બીકે કરીને સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, ઇંદ્ર, સમુદ્ર ને કાળાદિક સર્વે થર થર કંપ્યા કરે છે, એવા શ્રીહરિના એ સંત છે એવો મહિમા અંતઃકરણમાં સદાય વર્ત્યા કરે તો માન ન આવે તથા જડભરત, નારદ, શુકાદિક સંતના માર્ગમાં રહ્યા છીએ એમ સમજે તો પણ માન ન આવે અને લોભ, કામાદિક સ્વાર્થને અર્થે પણ સર્વે મનુષ્ય માન મૂકી દે છે તો કલ્યાણને અર્થે માન મૂકવું તેમાં શું કહેવું? ॥૩૩૬॥
વિષયને અસત્ય જાણીએ છીએ પણ તેનું તુચ્છપણું કેમ થાતું નથી? ઉત્તર જે સાંભળીને કહી દેખાડે છે ને પછી ભૂલી જાય છે પણ તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસ કરીને સાક્ષાત્કાર કરતો નથી ને સાક્ષાત્કાર કરે તો વિષય તુચ્છ થઈ જાય. તે સાક્ષાત્કાર તો એમ થાય જે જો નિત્ય પ્રલયાદિકને વારંવાર શ્રદ્ધાએ સોતા મન દઈને કહે ને સાંભળે ને વિચારે તો થાય છે. ॥૩૩૭॥
લોયાના ૧૭મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મુક્તાનંદ સ્વામી જેવા જો પંચ વિષયની આસક્તિને ખોદવા માંડે તો જેને વિષયને વિષે આસક્તિ હોય તે તો માથું કાપવાને તૈયાર થાય. માટે અંતરશત્રુને ટાળ્યાનો ઉપાય શીખવો. ॥૩૩૮॥
ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવ એ ત્રણમાં નિશ્ચયની વાર્તા કરી. અને ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવ એ ત્રણમાં જ્ઞાનની વાર્તા કરી. અને ચાર પ્રકારની માયા જીત્યાની વાર્તા કરી. તેની વિગત જે જીવની, ઈશ્વરની, પ્રધાન-પુરુષની ને મૂળપુરુષની માયા જીતે તો આ બે શ્લોકમાં જેવા મુક્ત કહ્યા છે તેવા સમર્થ થાય છે. તેનાં નામ
देहेंद्रियासुहीनानां वेकुण्ठपुरवासिनाम्।
देह संबंध संबंद्धमेतदारव्यातुमर्हसि॥253
અને
त्वमकरणः स्वराडखिलकारकशक्तिधर।
स्तवबलिमुद्वहन्ति समदंत्यजयानिमिषाः॥
वर्षभुजोऽखिलक्षितिपतेरिव विश्वसृजो।
विद्धति यत्र ये त्वधिकृताभक्तश्चकिताः॥254
એ બે શ્લોકનો અર્થ તો સત્પુરુષ યથાર્થ જાણે છે. ॥૩૩૯॥
ઇંદ્રિયો અંતઃકરણની ક્રિયા થકી જો જીવની ક્રિયાને પૃથક્ સમજતાં આવડે તો સર્પની કાંચળીની પેઠે દેહાદિક ભાવ થકી જીવ જે તે અલ્પ કાળમાં જુદો પડી જાય છે ને તેને શ્રીહરિજી મહારાજની મરજી પણ જાણ્યામાં આવે છે, જેમ સાબરમતી નદીમાં સમુદ્રની વેળ255 આવે છે ત્યારે તે નદી ખારી થઈ જાય છે ને વેળ જ્યારે પાછી ઊતરે ત્યારે મીઠી રહે છે તેમ હરિભક્તને વિષે ધર્મ ને અધર્મ સર્ગ રહે છે તે જેમ તલને ફુલમાં વસાવીને ઘાણીમાં પીલે છે તે ફુલેલ256 જ થાય છે પણ તેલ થાતું નથી તેમ લોભ, કામાદિક અધર્મસર્ગને ધર્મામૃત પ્રમાણે વર્તીને જીતે તો શુદ્ધ એકાંતિક ભક્ત થાય છે. ॥૩૪૦॥
દામોદરનું પ્રશ્ન જે વાર્તા કરતાં બહુ ડાહ્યા જણાય છે ને ક્યારેક તો જાણીએ છીએ જે કોઈ સમજતા નથી એ કેમ હશે? ઉત્તર: જે એ પ્રકૃતિ જીત્યા નથી. માટે પ્રકૃતિને જીતવી અને પ્રકૃતિ જીત્યા હોય તેથી જેમ તેમ બોલાય નહિ ને જેણે પ્રકૃતિ જીતી હોય તે બીજાને બહુ સારી વાર્તા કરે પણ જ્યારે પોતા ઉપર એ વાત આવે ત્યારે કાંઈ ઠા રહે નહિ ને માની પ્રકૃતિને જોગે કરીને તો પોતા થકી ધર્માદિકે કરીને શ્રેષ્ઠ હોય તેની આગળ પણ નમ્રભાવે વર્તાય નહિ. ॥૩૪૧॥
વૈરાગ્યવાનને તો સહેજે નિયમ રહે છે ને મંદ વૈરાગ્યવાળાને તો નિયમ દૃઢપણે રાખવા ને ઇંદ્રિયોની જે વૃત્તિયું છે તે તો ઘોડા જેવી બળવાન છે તે જેમ ઘોડાને રોજ ફેરવ્યા કરે તો રહે ને યથાર્થ તો ચાબુક, અસ્વાર વશ કરે તેમ ધર્મમાં રહેવે કરીને ઇંદ્રિયો વશ થાય છે ને યથાર્થ તો ઉપશમે કરીને વશ થાય છે તે તો જાણે જે નવરા રહીએ તો શીખવાનો અભ્યાસ કરીએ પણ કાંઈ થાતું નથી, મૂળગી આળસ પેસે છે. માટે શ્રીહરિજીની નવધા ભક્તિ કરતાં કરતાં જે અભ્યાસ થાય છે તે જ ખરો છે. તે ઉપર પાણિયારીના ને અસ્વારના દૃષ્ટાંતે257 કરીને વાર્તા કરી. ॥૩૪૨॥
ચાર પ્રકારે નિષ્કામી રહેવાય છે તેની વિગત જે એક તો ધર્મામૃત પ્રમાણે વર્તવે કરીને, અષ્ટાંગ યોગે કરીને, સત્તારૂપે વર્તવે કરીને તથા લાજે કરીને પણ રહેવાય છે. ॥૩૪૩॥
દેહ ને દેહના સંબંધીને વિષે જીવને અતિશય હેત રહે છે ને આ મનોહરદાસને આપણે સર્વે રાંકની પેઠે તગડીને કાઢી મેલીએ છીએ પણ જો આપણો સંબંધી રાંક થઈને આવ્યો હોય તો તે ઉપર દયા આવી જાય ને કોઈક કાઢી મેલે ને અન્ન ન દે તો તે સંતનો પણ અવગુણ આવે. તે ઉપર પ્રાંતિજના ગોવિંદરામને દેહ ને દેહના સંબંધીમાં હેત હતું તેને દૃષ્ટાંતે258 કરીને બહુ વાર્તા કરી. ॥૩૪૪॥
દેહ ને દેહના સંબંધીમાં એવું દૃઢ હેત છે તે કેમ ટળે? ઉત્તર: જે વૈરાગ્ય સોતું આત્મજ્ઞાન નથી ને માહાત્મ્યે સહિત શ્રીજીમહારાજનું જ્ઞાન નથી માટે નાત જાતને વિષે તથા દેહ ને દેહના સંબંધીને વિષે આસક્તિ છે ને તે સમુદ્રની પેઠે અંતરમાં ભરી છે ને સત્સંગ તો સમુદ્રની લહેરની પેઠે છે. માટે અંતઃકરણને વિષે શ્રીજીમહારાજનો મહિમા ધારવો ને તેની મરજી પ્રમાણે વર્તવું ને અતિશય દયાળુપણું, અતિશય વાત્સલ્યપણું, અનવધિકાતિશય જ્ઞાન, બળ, ઐશ્વર્ય, શક્તિ, તેજ એ આદિક અસંખ્યાત કલ્યાણકારી ગુણ તથા નિરવદ્ય,259 નિરંજન,260 નિર્વિકારપણું, અનવધિકાતિશય સૌકુમાર્ય,261 લાવણ્ય262-યૌવનાદિ અનંત ગુણ એ સર્વે ગુણનું નિધિ એવું જે ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને વિભૂતિ સર્વેને અંતઃકરણને વિષે નિરંતર ધારવાં ને મોટા પુરુષની મરજી પ્રમાણે વર્તવાપણું ને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના વિભાગપણાની263 સમજણ એ સર્વે જીવને વિષે અવ્યક્તપણે નામરૂપની પેઠે ખૂંતી રહ્યાં હોય તો જ્યારે સંભારે ત્યારે તદ્રુપ થઈ જવાય ને એવું જે વર્તતું હોય તો દેહ ને દેહના સંબંધીને વિષે સ્નેહરૂપ સમુદ્ર નાશ થઈ જાય છે ને શ્રીજીને વિષે પ્રીતિરૂપ સમુદ્ર વૃદ્ધિને પામે છે. ॥૩૪૫॥
તમોગુણ કેમ ટળે? ઉત્તર: જે લાજ રાખે તો ટળે. તેની વિગત જે પોતા થકી જે મોટેરા હોય તેની તથા ભાઈ, બાપ, કાકા આદિકની તથા સાધુસંતની તથા મોટેરા સત્સંગીની એ સર્વેની લાજ રાખવી ને સાંખ્ય વિચારે કરીને તો કોઈકને જ તમોગુણ ટળતો હશે ને ઘણાકને તો લાજે કરીને તમોગુણ ટળે છે ને વ્યવહારમાં પણ ક્ષત્રિય આદિક વર્ણમાં પણ એમ જ દેખાય છે. ॥૩૪૬॥
અયોગ્ય સંકલ્પ ટાળવાનો શો ઉપાય છે? ઉત્તર: જે શ્રીજીમહારાજનો મહિમા તથા આત્મનિષ્ઠા તથા વૈરાગ્ય તેનો વારંવાર અતિશય વિચાર કરવો ને તેનો અંતરમાં વેગ લગાડી દેવો. એટલા ઉપાયે કરીને એ અયોગ્ય સંકલ્પ ટળે. ॥૩૪૭॥
ઉત્તમ વિષય છે તે અતિ કનિષ્ઠ કેમ થઈ જાય? ઉત્તર: જે (૧) શ્રીજીમહારાજનો મહિમા અતિશય સમજે ને (૨) આત્મનિષ્ઠા પણ અતિશય દૃઢ કરે તો જે ઉત્તમ વિષય હોય તે પણ ભગવાનના ભક્તને અતિશય કનિષ્ઠ થઈ જાય છે. ॥૩૪૮॥
ત્રણ ગુણનો વેગ તથા વિષયનો વેગ તે કેમ ટળે? ઉત્તર જે શ્રીજીમહારાજના મહિમાને સારી પેઠે સમજીને જાણપણારૂપ થઈને ધીરે ધીરે ટાળે તો એ બેયનો વેગ ટળી જાય. તે ઉપર હનુમાનજીને દૃષ્ટાંતે264 કરીને વાત કરી જે લંકા જોઈને વિચાર કર્યો ત્યારે કોઈ રૂપાદિકનો મનમાં ક્ષોભ ન થયો. એ રીતે પૂર્વે કહ્યું તેનો વેગ સમાવવો. ॥૩૪૯॥
વિષયમાંથી પ્રીતિ કેમ ટળે? ઉત્તર જે ચાર પ્રકારના પ્રલયની વાર્તાને સારી પેઠે સમજે તથા દેહાદિકને વિષે વૈરબુદ્ધિ સદા રાખ્યા કરે તથા શ્રીજીમહારાજનો મહિમા સમજે આટલા ઉપાયે કરીને વિષયમાંથી પ્રીતિ જાય છે. ॥૩૫૦॥
વિષય જિતાય ત્યારે શ્રીજીમહારાજનું ધ્યાન થાય કે ધ્યાન થાય ત્યારે વિષય જિતાય? ઉત્તર: જે વિષય જિતાય ત્યારે જ ધ્યાન થાય છે ને તે વિના તો કોઈક ધ્યાન કરે છે ને કોઈક પુરુષોત્તમનું નિરૂપણ કરે છે ને કોઈક વૈરાગ્યનું નિરૂપણ કરે છે ને કોઈક જ્ઞાનનું નિરૂપણ265 કરે છે ને કોઈક ભક્તિનું નિરૂપણ કરે છે, પણ સર્વે અહંવૃત્તિએ સોતા કરે છે. એમ કહીને સ્વામીએ અહંવૃત્તિની વાર્તા કીડીથી લઈને પુરુષોત્તમ ભગવાન પર્યંત વર્ણન કરી દેખાડી.266 તે અહંવૃત્તિ બે પ્રકારની છે. એક નિર્ગુણ છે ને એક સગુણ છે. તેમાં પણ કેટલીક સવળી છે ને કેટલીક અવળી છે ને જીવને યથાર્થ તો મહારાજ ઓળખતા ને જીવ જેવો શુદ્ધ કે અશુદ્ધ હોય તેવો ગંધ પોતાને જણાઈ આવતો ને સત્પુરુષ પણ ઓળખે ખરા. ॥૩૫૧॥
શાસ્ત્રમાં વિષય જીત્યાનું કહ્યું છે તે કેમ જિતાતા નથી? ઉત્તર જે જ્ઞાન-વૈરાગ્યાદિક સાધને યુક્ત એવો જે એકાંતિક ભક્ત છે તે મંડે તો વિષયને ટાળી નાખે પણ દેહની સ્થિતિ એવી ને એવી જ રહે નહિ તેણે કરીને વાતચીતને સુવાણ રહે નહિ ને કાં તો દેહ પડી જાય. ને બીજાને તો વિષય જીત્યાનો એક ઉપાય છે જે એ વિષયના તાલ જ્યારે આવે ત્યારે એ તાલને ભાંગી નાખ્યા કરે તે એમને એમ સુરત રાખીને કર્યા કરે તો અલ્પકાળમાં રાગ ઓછા થઈ જાય છે. ત્યાં દૃષ્ટાંત, જેમ વૃક્ષને એકવાર કાપી નાખે તો કાંટા બહુ બળિયા નિસરે પણ એમને એમ દશ વિશ વાર કાપે તો ન નિસરે અથવા નિસરે તો લગારેક નિસરે એમ પંચ વિષયના તાલ ભાંગ્યા કરે તો વિષય જિતાય છે. ॥૩૫૨॥
વિષયને ભોગવવા ન દઈએ તો મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે ને જો વિષયને ભોગવવા દઈએ તો જીવનું ભૂંડું થાય છે માટે આહાર વિહાર જુક્ત રાખવો એ ઠીક છે. ॥૩૫૩॥