text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૧૮. વિષય ખંડનની વાતો

વિષય છે તેના દોષને વારંવાર વિચાર્યા કરે અને તે વિષયનો ત્યાગ કરવો અને એવી વાર્તા કરવી તથા સાંભળવાનો અભ્યાસ રાખવો તો એ વિષય જીવમાં પેસી ન જાય અને એમ ન કરે તો જરૂર વિષય જીવમાં પેસી જાય. અને એના જીવને બાધ પમાડી દે એવા એ વિષય ભૂંડા છે એમ જાણવું. અને એમ વિચાર કરતાં કરતાં જ્યારે એને આમ ખચિત જણાઈ જાય જે સ્ત્રી, ધન, માન, સ્વાર્થ, કામ, ક્રોધ અને લોભાદિક જે જે આલોક પરલોક સંબંધી પંચવિષયનું માયિક સુખ છે તેને વિષે સહજ સ્વભાવે લાખો-ક્લેશ જણાયા કરે અને દોષ, દુઃખ અને ભય જણાયા કરે અને એમાં સુખ છે, એવો તો મનમાં સંકલ્પ ક્યારેય ન થાય. અને કેવળ આત્મારૂપ થઈને પરમાત્માનું ચિતવન કરવું તેમાં જ એક સુખ જણાય. એવી રીતે એ ભક્તનો સહજ સ્વભાવ થઈ જાય ત્યારે જાણીએ જે એ ભક્તને જે કરવાનું હતું તે સિદ્ધ થયું અને એ સંતનો જ્યારે એવો સ્વભાવ થઈ જાય ત્યારે કોઈક વિષય સુખ પામવાનું જતન કરે જ નહિ અને સહેજે મળે એવા અન્ન વસ્ત્રાદિકે કરીને એ દેહ નિર્વાહ કરે. ॥૩૫૪॥

જે બાળકપણામાંથી ત્યાગી થયો છે તેણે તો સ્ત્રી આદિક વિષય ભોગવ્યાં નથી, અને તેને જે તે વિષય ભોગની વાસના ઉદય થાય છે તે શાણે કરીને થાય છે તો બીજા તે વિષયને ભોગવતા હોય તેને દેખે, તે જાતની વાર્તા સાંભળે તેણે કરીને તેના મનમાં તે વિષયને વિષે સુખની ભાવના થઈ આવે છે. માટે તે વિષયનો ત્યાગ રાખે તો ઠીક ને વિષયનો જોગ કરે તો તેને મૂકી શકે નહિ. અને જે વિષયને અભાવે સહિત સેવતો હોય તે વિષયનો ત્યાગ કરે તો થોડા દિવસ સુધી તો તે વિષય સાંભરે પણ પછી તેની વિસ્મૃતિ થઈ જાય અને જ્ઞાન, વૈરાગ્ય અને શ્રીહરિજીના માહાત્મ્ય તેનો નિરંતર આગ્રહપૂર્વક દૃઢ અભ્યાસ કરીને તે વિષયને વિષે ક્લેશ, દુઃખ અને દોષની જ દૃઢ ભાવના થઈ જાય અને કોઈ કાળે એમાં સુખની ભાવના તો થાય જ નહિ અને એને અતિ તુચ્છતા જણાઈ જાય; જેમ કોઈ પદાર્થ હોય તેમાં માલ જેવો છે તેવો જાણ્યો પછી તેમાં એવો ભાવ થાય જે આ પદાર્થ તે આવું છે એની શી વારંવાર તથ્યા267 કરવી તથા જેમ પોતાના ભૂંડાનો કરનારો માણસ હોય અથવા શત્રુ હોય તેને દેખીએ અથવા તેની ભેળે રહીએ પણ તેના સ્વભાવની મનમાં ભાવના છે તેણે કરીને તેની ઉપર હેત થાય નહિ; તેમ વિષયનો અભાવ થયો હોય જે એ વિષય તો દુઃખરૂપ જ છે અને એમાં કાંઈક સુખની ભાવના રહી જાય છે તે એવા અભ્યાસની દૃઢતા વિના રહી જાય છે. માટે નિરંતર આગ્રહ રાખીને દૃઢ અભ્યાસ કરવો. ॥૩૫૫॥

જેમ થોડી બુદ્ધિવાળો પુરુષ હોય પણ જો તે વિદ્યા ભણ્યાનો અભ્યાસ અતિશય મન, કર્મ, વચને વેગે સહિત કરે તો તેને વિદ્યા આવડે અને જે ભણે તે આવડે અને બુદ્ધિવાન હોય પણ અભ્યાસ ન કરે તો કોઈ વિદ્યા ન આવડે; તેમ જો એ વિષયનો અભાવ કર્યાનો દૃઢ અભ્યાસ રાખે તો તેને જરૂર અભાવ થાય અને જે એવો અભ્યાસ નથી થાતો તે એને એનો સુધો ખપ જ નથી. જો ખપ થાય તો જરૂર અભ્યાસ કરે કેમ જે જગતમાં દેખાય છે જે જેને સ્ત્રી, ધન, રાજ્ય, માન, સ્વાદ તેનો ખપ છે તો તેનો અભ્યાસ કરીને તેને સિદ્ધ કરે છે અને તેમાં દૈહિક દુઃખ થાય છે તેને ગણતા નથી અને રાત દિવસ તેના જ મનસુબા કરે છે તેમ અભ્યાસ રાખવો. અને એવો અભ્યાસ તો નથી કર્યો અને જે સહજ સ્વભાવે સાત્વિકપણાની પ્રકૃતિ થકી અથવા થોડુંક શ્રીહરિજીનું માહાત્મ્ય જાણીને નિયમમાં રહીને જે વિષયના ત્યાગી જણાય છે તે જો વિષયનો ત્યાગ જ રાખે અને તેનો સંબંધ ન થવા દે તો તો એ પાર પડે અને જો વિષયનો સંબંધ એને વિષમ દેશ, કાળ, સંગે કરીને થઈ જાય તો તે વિષયને મૂકી શકે નહિ. કેમ જે આવો અભ્યાસ કરીને એણે વિષયની તુચ્છતા જાણી નથી અને જેણે અભ્યાસે કરીને વિષયની તુચ્છતા જાણી છે તે તો વિષયને ગ્રહણ કરે અને મૂકવા ઘટે ત્યારે મૂકી દે અને તેના ગ્રહણ ત્યાગને વિષે સ્વતંત્ર થાય પણ બંધાઈ રહે નહિ માટે એને એનો ભય નથી. ને જેણે આવો અભ્યાસ નથી કર્યો તેને ભય છે. માટે નિરંતર વિષયના દુઃખપણાની ભાવનાનો અભ્યાસ રાખવો. ॥૩૫૬॥

વિષયમાં દોષબુદ્ધિ તે ક્યારે દૃઢ થાય? તો જ્યારે ભગવાનના સુખમાં દૃષ્ટિ પૂગે ત્યારે થાય. જેમ કોઈક પુરુષ હોય તે કહે જે દિવસ ઊગ્યા પહેલાં જે આવે તેને બસેં રૂપિયા આપીશ ત્યારે તેને લેવાની કેવી ચાડ્ય268 થાય છે અને તેને કોઈક કહે જે તું આંહીં રહે તુંને પાંચ રૂપિયા આપીશ અને જલેબી જમાડીશ એમ કહે ત્યારે એને તેનો સાચો અભાવ આવે જે મને બસેં રૂપિયા મળે છે તેમાં અંતરાય કરે છે તે માટે એ જ મારો શત્રુ છે. તેમ જેને જણાય જે આ લોકના પંચ વિષય છે તે ભગવાનના ધામમાં જાતાં અંતરાય કરે એવા છે એમ જાણીને તે ઉપર અતિશય દોષબુદ્ધિ કરે. તે ઉપર ભારતમાં269 એક વાત છે જે વ્યાસજી ચાલ્યા જાતા હતા ત્યારે માર્ગમાં એક કીડો પડ્યો રહેલ. તે કીડો ગાડાં આવતાં હતાં તેને ભયે કરીને માર્ગમાંથી બહાર નીકળ્યો. ત્યારે વ્યાસજીએ પૂછ્યું જે અવળો કેમ ચાલ્યો? ત્યારે તે બોલ્યો જે ગાડાં આવે છે તે પીલાઈ મરું તે વાસ્તે બહાર નીસર્યો. ત્યારે વ્યાસજીએ કહ્યું જે મુવા, આંહીં શું સુખ છે, આગળ તો બહુ સુખ છે. પછી તે બોલ્યો જે મહારાજ, મને તો આ દેહમાં બહુ સુખ આવે છે. ત્યારે વ્યાસજીએ કહ્યું જે તું મારા સામું જે. એમ કહીને તેને દેહ મુકાવીને કોઈક રાજા હતો, તેની રાણીના ગર્ભમાં મૂક્યો અને પછી તે જન્મ્યો. એમ કરતે દશ વીશ વર્ષનો થયો ત્યારે તે મોટો થયો. પછી નાના પ્રકારનાં સુખ ભોગવીને મોજ કરે છે એવા સમામાં વળી વ્યાસજી બજારમાં થઈને નીસર્યા. ત્યારે તે રાજા ગોખ ઉપર બેઠો હતો તે વ્યાસજીને જોઈને બોલ્યો જે એમને મેં દીઠા છે. ત્યારે તેને વ્યાસજીએ પૂર્વની સ્મૃતિ કરાવીને કહ્યું જે ઓ સુખ કેવું હતું? ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ, એ તે શું સુખ હતું? આ તો બહુ સુખ છે. ત્યારે તે વ્યાસજીએ કહ્યું જે આથી આગળ બહુ સુખ છે. ત્યારે વળી તેને તે દેહ મુકાવીને કોઈક ચક્રવર્તી રાજાનો કામદાર હતો તે તેને ઘેર હજારો વહાણો ચાલે ને વાણોતર કમાણી કરે એવા શેઠને ઘેર જન્મ ધરાવ્યો. પછી વળી દશ, વીશ વર્ષ થયાં ત્યારે તે વ્યાસજી આવ્યા અને કહ્યું જે ઓ સુખ જેવું આ સુખ છે કે નહિ? ત્યારે તેણે કહ્યું જે આ તો બહુ સુખ છે. ત્યારે કહ્યું જે આ સુખથી આગળ બહુ સુખ છે. એમ કરીને તેને દેહ મુકાવી દીધો અને પછી ભારે વેદ, પુરાણ ભણે ભણાવે અને તે શાસ્ત્રના અર્થને જાણે અને હજારો રૂપિયાનું વર્ષાસન ચાલ્યું આવે એવા બ્રાહ્મણને ઘેર જન્મ ધરાવ્યો. પછી તો તે બીજબળી છે તે થોડે દિવસે કરીને વિદ્યામાત્રને ભણી ગયો અને શાસ્ત્રમાં આ પુણ્યે આવા સુખને પામે છે અને આ પાપે આવા દુઃખની પ્રાપ્તિ થાય છે એ સર્વે વાતની ગમ પડી. ત્યારે વળી તે વ્યાસજી આવ્યા ત્યારે તો તે વ્યાસજીને પગે લાગીને કહ્યું જે હે મહારાજ! તમે તો મારા ઉપર બહુ જ અનુગ્રહ કર્યો. ત્યારે તે વ્યાસજીએ કહ્યું જે ઓ સુખ કેવું હતું? ત્યારે તેણે કહ્યું જે એમાં શું સુખ હતું? હવે તો સર્વે વાતની ખબર પડી. ત્યારે વ્યાસજીએ તેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભક્તિનો ઉપદેશ કરીને કહ્યું જે ધ્યાન કર. પછી સમાધિ કરાવીને પછી ભગવાનનાં દર્શન કરાવ્યાં. તેને પછી દેહ મુકાવીને ગરીબ બ્રાહ્મણને ઘેર દેહ ધરાવીને પછી તેને ઉપદેશ કરીને તેને ઘરનો ત્યાગ કરાવીને પછી તેની વાસના ટાળી નંખાવી અને તેને ભગવાનના ધામમાં પહોંચાડ્યો. તેમ જીવને જેમ આગળ અધિક સુખ જણાય ત્યારે તે વિષયમાંથી પ્રીતિ મૂકે. તે માટે જે બુદ્ધિવાન હોય તેણે ભગવાનના સુખમાં દૃષ્ટિ પુગાડવી. તે એમ સમજવું જોઈએ જે વૈરાટના એક દિવસમાં બ્રહ્મા તો મરી જાય છે. તેથી આગળ જ્યારે પ્રધાનપુરુષના સુખનો વિચાર કરે ત્યારે તે વૈરાટનું સુખ તુચ્છ થઈ જાય છે કેમ જે તે પ્રધાનપુરુષના એક મટકામાં અનંત વૈરાટ થાય છે અને પડી જાય છે. અને તેની આગળ જ્યારે મહાપુરુષના સુખનો વિચાર કરે ત્યારે તે પ્રધાનપુરુષના સુખનું તુચ્છપણું થઈ જાય છે. કેમ જે મૂળ પ્રકૃતિને વિષે પ્રધાનપુરુષ તે કેમ છે તો જેમ નિમિત્ત પ્રલયને વિષે ધ્રુવના તારા સુધી જળ ભરાય છે પછી તેમાં જેમ અનંત બુદબુદા270 થાય છે અને મટી જાય છે તેમ મહામાયાને વિષે અનંત પ્રધાનપુરુષ થાય છે અને મટી જાય છે તેથી આગળ જ્યારે અક્ષરના સુખનો વિચાર કરે ત્યારે તે મહાપુરુષના સુખનું તુચ્છપણું થાય, કેમ જે જ્યારે અક્ષર તે મહાપુરુષ સામું જુએ છે ત્યારે તે મહાપુરુષ માયાને પ્રેરવા સમર્થ થાય છે. તેથી આગળ જ્યારે પુરુષોત્તમ ભગવાન જે શ્રીજીમહારાજ તેની મૂર્તિના સુખનો જ્યારે વિચાર કરે ત્યારે તે અક્ષરનું સુખ પણ તુચ્છ થઈ જાય, કેમ જે અક્ષર તે અનંતકોટી મુક્તને ધારવાને સમર્થ છે તે પણ પુરુષોત્તમ મહારાજ તેમની દૃષ્ટિવડે કરીને ધારવાને સમર્થ છે. એવા જે પુરુષોત્તમ તે આપણને પ્રકટ મલ્યા છે. તેમને મૂકીને જે બીજા સુખને ઇચ્છે છે તેને આવો મહિમા સમજાણો નથી અને એ મોટપને મેલીને માનને ઇચ્છે છે, સ્વાદને ઇચ્છે છે, સ્પર્શને ઇચ્છે છે, લોભને ઇચ્છે છે, તે ભગવાનના સુખને મૂકીને જે વિષય ભોગને ભોગવવાને ઇચ્છે છે તે મૂર્ખ છે અને તેને એ વાત સમજાણી નથી.॥ ૩૫૭॥

વાણિયાને બે હજારનાં લીટાં તાણેલા ચોપડા હોય તેમાંથી એક બદામ આવે નહિ. તેમ વિષયમાંથી એક પૈસાનો માલ નીસરતો નથી. ॥૩૫૮॥

કેટલાક મુમુક્ષુ છે તે તો સત્સંગે કરીને દિવસે દિવસે વિષયનો અભાવ કરે છે ને કેટલાક તો તેનો આદર કરે છે. ॥૩૫૯॥

સીધુ,271 પાણી ને ઈંધણાં272 એ ત્રણ જો સારાં હોય તો રાંધનારને દાખડો પડે નહિ તેમ સંગ, સ્થાન ને શ્રદ્ધા એ ત્રણ જો સારાં હોય તો મુમુક્ષુને વિષય જીત્યામાં દાખડો ન પડે, દિનદિન પ્રત્યે વૃદ્ધિને પામે, વેલો જેમ ઝાડને યોગે કરીને વધે છે તેમ અને જે પુરુષ વિષયનો પ્રસંગ રાખીને પોતાનું શ્રેય ઇચ્છે તે મૂર્ખ છે. ॥૩૬૦॥

જ્યાં સુધી પંચ વિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી રૂપિયા, દેહ તથા સેવક આદિકમાંથી પ્રીતિ ટળે નહિ. ॥૩૬૧॥

સ્ત્રી થકી કાળી નાગણીની પેઠે બીવું273 ને મિષ્ટ ભોજનથી દેહાભિમાની જનના સંગની પેઠે બીવું ને દુર્જનની સભામાં પ્રીતિએ રહિત રહેવું તથા પુરંજનીનો વિસ્તાર274 સંકેલવો. ॥૩૬૨॥

પંચ વિષય છે તે જીવને મુક્ત થવા દેતા નથી ને બદ્ધ ને બદ્ધ રાખે છે. માટે તેમને જીત્યા વિના મુક્ત થવાય નહિ. ॥૩૬૩॥

મુક્તબુદ્ધિ શીખવી. જે બુદ્ધિએ કરીને પંચ વિષયને વિષે કોઈ રીતે બંધાવાય નહિ તેને મુક્તબુદ્ધિ કહીએ. ॥૩૬૪॥

પંચ વિષયને વિષે દોષ દેખાડીને દુઃખરૂપપણાની તથા અસત્યપણાની વાર્તા કરવી તે પણ સત્પુરુષની સાખ્ય લાવીને કરવી. ॥૩૬૫॥

સ્વામીએ ચૈતન્યાનંદ સ્વામીને અતિશય દયાએ કરીને એમ વાર્તા કરી જે અણુ માત્ર પણ પ્રીતિ માયિક વિષયને વિષે રાખશો મા, એ પ્રીતિ તો કલ્યાણના માર્ગને વિષે અતિશય વિઘ્ન કરનારી છે. ॥૩૬૬॥

પંચ વિષયની રુચિ અંતઃકરણમાં જ્યાં સુધી વર્તે છે ત્યાં પર્યંત શ્રીજીમહારાજ કે ધર્મ-જ્ઞાનાદિક ગુણ તે અંતઃકરણમાં નિવાસ કરીને રહે નહિ. જેમ જે કૂવામાં મોટી શિલા નીસરે તેમાં કોશ બે કોશનું જળ થાય નહિ. ॥૩૬૭॥

આ સર્વે ગરીબ જેવા જણાય છે પણ એક એક બ્રહ્માંડની ક્રિયા કરે એટલી એટલી પ્રવૃત્તિ એ સર્વેને વિષે રહી છે ને જેને પંચ વિષયની વાસના જો લગાર રહી હોય તો જ્યારે તેને સ્વતંત્રપણું આવે ત્યારે સર્વે બ્રહ્માંડના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને ભોગવે તો ય પણ પૂર્ણ થવાય નહિ. માટે, ધર્મ જ્ઞાનાદિક ગુણને વિષે પક્વ રુચિ કરે તો જ્યારે એને સ્વતંત્રપણું આવે ત્યારે દત્તાત્રેય કે કપિલજી કે શુકજી કે રામાનુજાચાર્ય જેવા થાય. માટે પુરુષ પ્રયત્ને કરીને મહિમાપૂર્વક ત્રણ અંગે સહિત ભક્તિ કરવી ને એને વિષે અતિ દૃઢ રુચિ રાખવી એ જ સત્સંગ કર્યાનું ફળ છે. ॥૩૬૮॥

અને દોલતરામે પૂછ્યું જે, મુક્ત છે તેણે તો માયાને જડ ને દુઃખરૂપ જાણી છે તેને વિષે વળી રાગ કેમ થાય છે? ત્યારે સ્વામીએ કહ્યું જે એ જે મુક્ત છે તેને પ્રથમ સાધનકાળમાં જ માયિક વિષયને વિષે લગારેક રાગ રહ્યો હોય તે રાગે કરીને પાછો એને વિષયમાં રાગ થાય છે. તે માટે મુક્ત હોય તેમણે પણ વિષય થકી તો છેટે રહેવું પણ તેનો વિશ્વાસ કરીને તેને ભોગવવા નહિ. અને જ્યારે સાંખ્યયોગને દૃઢ કરીને પછી ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયને પામ્યો હોય તેને વિષયમાં રાગ ન થાય કેમ જે એ તો વિષયને સેવે જ નહિ. ॥૩૬૯॥

અને શબ્દ, રૂપ, રસ ને ગંધ એ જે પંચ વિષય છે તેનો પણ જીવમાંથી અભાવ કરવો. એ એમ વિચાર કરવો જે શબ્દ છે તેને સાંભળી સાંભળીને મરી ગયા તો પણ તૃપ્તિ તો થઈ નથી. ને તે શબ્દમાં હજારો ક્લેશ રહ્યા છે ને જેટલાં દુઃખ થાય છે તેટલાં શબ્દમાં રહ્યાં છે. અને ભગવાન સંબંધી જે શબ્દ છે તેમાં એક કાળે પંચ વિષયનાં સુખ પ્રાપ્ત થાય છે પણ તે સુખમાં અંતરાય કરે એવો એ શબ્દ છે. તેમ જ સ્પર્શ છે તેમાં પણ હજારો દુઃખ રહ્યાં છે, તેમાં જે કેટલાંકનાં માથાં પડે છે તથા ગામગરાસ લૂંટાઈ જાય છે એવાં દુઃખ થાય છે તે સ્ત્રીયાદિકના સ્પર્શમાંથી થાય છે, એવા લાખું દોષ સ્પર્શમાં રહ્યા છે. અને જે ભગવાનનો સ્પર્શ છે તેમાં એકકાળે પંચ વિષયનું સુખ આવે છે. ને તેમાં અંતરાય કરનારો સ્ત્રી આદિકનો સ્પર્શ છે. તેમ જ રૂપને જોઈ જોઈને મરી ગયા તો પણ તૃપ્તિ પણ નથી થાતી ને તેમાં સુખ પણ જણાતું નથી. ને એ રૂપ થકી પર જે ભગવાનનું રૂપ છે તેમાં એકકાળાવચ્છિન્ન પંચ વિષયનું સુખ આવે છે. પણ તેમાં અંતરાય પણ આ રૂપ છે. તેમ જે રસ છે તેને પણ ભોગવી ભોગવીને મરી ગયા તો પણ હજી જિહ્‌વા તો તૃપ્ત ન થઈ. ને એ રસ કેવો છે? તો એ રસ ખાઈને પુષ્ટ થાશું તો સત્સંગમાં નહિ રહેવાય. ને પછી જીવશં ત્યાં સુધી ક્લેશને પામશું. ને દેહને મૂકીને જમનો માર ખાતાં ખાતાં અંત નહિ આવે. એ આદિક કરોડ્યું દોષ રસમાં રહ્યા છે. એવો એ રસ છે ને જે ભગવાનનો રસ છે તેમાં તો એક કાળે પંચ વિષયનું સુખ પમાય છે. એવું એ ભગવાન સંબંધી સુખ છે. ને તેમાં આ જે રસ છે તે અંતરાય કરનારો છે. તેમ જે ગંધ છે તેમાંથી પણ જીવના પ્રાણ જાય છે એ આદિક અનંત દોષ એમાં રહ્યા છે, એવો એ ગંધ છે અને જે ભગવાન સંબંધી ગંધ છે તેમાં તો એકકાળે પંચ વિષયનું સુખ આવે છે. પણ તેમાં અંતરાય કરનારો આ ગંધ છે. એવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષય છે. તેથી જ્યારે અતિશય પૂર્વે કહી જે દોષબુદ્ધિ તેણે કરીને જીવમાંથી રાગ ટાળીને તેનો અતિશય અભાવ આવે તે જ્યારે એ વિષય સાંભરે ત્યારે ઊલટી થઈ જાય, ત્યારે જાણવું જે તે વિષયને વિષે દોષબુદ્ધિ થઈ. તેમ જ જે ક્રોધ, ઈર્ષા, મત્સર, અસૂયા, દંભ, કપટ, માન, રાગ અને દ્વેષ એ આદિક જે અધર્મનો સર્ગ છે, તેને વિષે પણ અતિશય દોષ જાણે. જે એ દોષ છે ને મારા જીવને બંધન કરે એવા છે. એમ જાણીને તેની પૂર્વે કહી જે દોષબુદ્ધિ તેવી દોષબુદ્ધિ જીવમાં ઉતારે ને તે દોષનું કોઈ નામ લે ત્યારે તેનાં રોમ ઊભાં થાય ને અતિશય ગ્લાનિ પામી જાય ને જેમ એકનો એક દીકરો મરે ને તેનો શોક તેનાં માબાપને થાય છે તેમ તે દોષ સાંભળીને શોક થાય ત્યારે જાણવું જે તેને દોષબુદ્ધિ થઈ. ॥૩૭૦॥