૧૯. વાસના ટાળવાની વાતો
અક્ષરધામમાં સ્ત્રી, પુરુષ એવો ભેદ નથી કેમ જે સ્ત્રીના દેહમાં યોનિ આદિક ચિહ્ને રહિત સ્ત્રીનો દેહ છે. અને પુરુષના દેહમાં શિષ્નુ આદિક ચિહ્ને રહિત અક્ષરધામમાં પુરુષનો દેહ છે. અને એ અક્ષરધામને વિષે યોનિ, શિષ્નુ ને ગુદા એ ત્રણ અંગે રહિત દેહ છે અને બીજા ધામમાં ચાર ચરણારવિંદની ઉપાસના છે. તે માટે પુરુષ પણ મુક્ત હોય ને તેને જો સ્ત્રીની ઇચ્છા હોય તો તે અક્ષરધામને સ્વપ્નમાં પણ ન દેખે તો બીજો તો ક્યાંથી દેખે? અને સ્ત્રી પણ મુક્ત હોય તેને પુરુષને વિષે ભોગબુદ્ધિ રહી હોય તો તે પણ અક્ષરધામને સ્વપ્નમાં પણ ન દેખે તો બીજો તો ક્યાંથી પામે? તે માટે આપણે પણ જો સ્ત્રી તથા ધનની વાસના રહી હોય તો અક્ષરધામને ન પમાય. તે માટે સ્ત્રી ને ધન એ બેનો રાગ દેહ થકી પર ઇંદ્રિયો ને ઇંદ્રિયો થકી પર મન ને મન થકી પર બુદ્ધિ ને બુદ્ધિ થકી પર જે કારણ શરીરે સહિત જીવ છે તે જીવમાં સ્ત્રી ને ધનનો રાગ છે તે વારંવાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તેના ડંક275 લગાડીને સ્ત્રી, ધનનાં મૂળ ઉખાડી નાખવાં અને વારંવાર દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ તેનો નિષેધ કરીને આત્મસત્તારૂપ થઈને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે તો ધીરે ધીરે સ્ત્રી, ધનનો રાગ છે તે નાશ પામે અને તે રાગ જ્યારે ટાળે છે ત્યારે અક્ષરધામમાં રહેવાય છે. અને તેનાં મૂળ ઉખાડીને સત્તારૂપ થયો હોય તો પણ ગાફલપણું ન રાખે તથા ઊતરતાનો સંગ તથા પંચ વિષય તથા વિષમ દેશકાળ તથા સૂક્ષ્મ વસ્ત્ર તથા છોકરા સંગાથે ભાઈબંધાઈ તેમનાથી તો હરણની પેઠે બીતો રહે અને સંગ તો પોતાથી ઉત્કૃષ્ટ અંગવાળો હોય તેનો જ કરવો. આ વાત જેવા તેવા આગળ ન કરવી. ॥૩૭૧॥
ભગવાનને વિષે અતિશય હેત કરવું. હેત કરતાં કાંઈક વિકાર થાય તો એનો એમ વિચાર કરવો જે મારે વિકાર ઇંદ્રિયોમાં થયો તે રાગે કરીને થયો કે સહેજે થયો અને તે સહેજે રાગ થયો તે કેમ જાણીએ તો પૂર્વે જે જે વિષય ભોગવ્યા હોય તેની સ્મૃતિ થાય પણ ભોગબુદ્ધિ ન થાય ત્યારે એમ જાણવું જે અમથા એ વિષય સ્ફુરી આવ્યા છે પણ મારે તો એનો રાગ નથી અને તે વિષયના સંકલ્પરૂપ સ્મૃતિ થાય છે તે ક્યારે ટળે તો જ્યારે ભગવાને ગીતામાં જ્ઞાનીને ક્રિયાયોગ કહ્યો છે તેવી રીતે ક્રિયાયોગ કરે તો એ વિષયમાં સ્મૃતિરૂપ રાગ છે તે ટળે ને તે રાગ ટળ્યા વિના જ્ઞાનીને પણ વિષયને વિષે સહજ સ્મૃતિરૂપ રાગ રહે અને જેને વિષયને વિષે ભોગબુદ્ધિ થાય ત્યારે એમ જાણવું જે મારે વિષયને વિષે રાગ છે. તે કેમ ટાળવો? તો એમ વિચાર કરવો જે સ્ત્રી આદિક વિષયને વિષે દોષ રહ્યા છે તે વિચારીને તેનાં દોષને મોટા સંત પાસેથી શીખે ને પછી તે દોષની સેર્ય276 ઇંદ્રિયોમાં ઊતરે અને પછી અંતઃકરણમાં ઊતરે પછી, અંતઃકરણ થકી પર જે બુદ્ધિ તેમાં ઊતરે પછી, તેથી પર જે જીવ તે જીવમાં ઊતરે, એમ લોમ, પ્રતિલોમ દૃષ્ટિ કરીને ટાળ્યાનો અભ્યાસ નિરંતર રાખે તો ધીરે ધીરે તે રાગ ટળે; તે પણ તીવ્ર શ્રદ્ધા રાખીને કર્યા કરે ત્યારે રાગ નિવૃત્તિ પામે, નહિ તો ન પામે. ॥૩૭૨॥
વાસના અક્ષરધામમાં ટળે કે બીજે ટળાવે છે? તે કહો, ત્યારે કહ્યું જે શ્રીજીમહારાજના સ્વરૂપનો નિશ્ચય હોય અને શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે તો રહેતા હોય પણ જો જીવમાં રાગ રહ્યો હોય તો જ્યારે દેહ મૂકે ત્યારે તેને મહારાજ અક્ષરધામમાં લઈ જાય. અને પછી પોતાનો અવતાર કોઈક બ્રહ્માંડમાં થયો હોય ત્યાં મહારાજ તેને દેહ ધરાવે. અને પછી તે સંસાર મૂકીને જ્યાં ભગવાન હોય ત્યાં જાય. પછી તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરીને પછી સાધન કરે અને થોડેક કાળે તે વાસનાને ટાળી નાખે કેમ જે પૂર્વનું બીજબળ હોય માટે. ॥૩૭૩॥
મહારાજે વાત કરી હતી જે આ વિરાટ પુરુષ છે તે જ્યારે કોઈક સમે પુરુષોત્તમનો અવતાર પૃથ્વી ઉપર હતો ત્યારે તે વિરાટ પુરૂષોત્તમના ભક્ત હતા તે એને એટલો સંકલ્પ રહ્યો હતો જે આ બ્રહ્માંડનું કામ કેમ થાતું હશે? એવો સંકલ્પ લગીર કર્યો હતો તો પણ કેટલાક કાળ ત્યાં277 રહ્યા અને પછી જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે મહારાજને તેણે કહ્યું જે, “હે મહારાજ! જો તમે કહો તો આ બ્રહ્માંડમાં સમાસ છે તે હું જાઉં.” ત્યારે મહારાજે આજ્ઞા આપી તેથી વિરાટ થયા છે. માટે વાસના લિંગદેહનો નાશ થયા વિના અક્ષરધામમાં ન રહેવાય એ તો પોતાની મેળે જ માર્ગ દઈ જવાય. ॥૩૭૪॥
જેને વાસના હોય તેને અક્ષરધામમાં લઈ જાય છે. પણ જો તે વાસના ભોગવ્યા વિના તેને લઈ જાય તો તેણે ત્યાં ન રહેવાય. તે માટે જ્યારે અહીં દેહ મૂકે છે ત્યારે મહારાજ દર્શન દે છે, પછી તે મૂર્તિની કેડે ચાલ્યો જાય છે. પછી જેને અપ્સરાઉં તથા બીજા પંચ વિષયની ઇચ્છા હોય તો તે દેવલોકમાં રહે, અને જેને અમૃતપાનની ઇચ્છા હોય તો તે ચંદ્રલોકમાં રહે અને જેને ધનમાં રાગ હોય તેને કુબેરનો દેહ આપે અને જેને કામભોગની ઇચ્છા હોય તેને ઇલાવૃત્ત ખંડમાં મેલે અને જેને બહુરૂપની ઇચ્છા હોય તેને કામદેવ કરે અને જેને પ્રજાની ઇચ્છા હોય તેને બ્રહ્મા કરે છે. અને જેને બ્રહ્માંડને જોયાની ઇચ્છા હોય તેને વિરાટ કરે છે અને જેને બ્રહ્માંડ કર્યાની ઇચ્છા હોય તેને પ્રધાનપુરુષ કરે છે અને જેને સર્વે નિયંતાપણું તથા સર્વે જીવનું અંતર્યામીપણું તથા અનંત કોટિ પ્રધાનપુરુષ ઉપજાવવા તથા એ સર્વેને નિયમમાં રાખવા અને નાના પ્રકારના વિષયભોગને ભોગવવા એ આદિકની જેને ઇચ્છા હોય તેને મહાપુરુષ કરે છે. અને જેને પ્રકટ ભગવાનની આજ્ઞા લોપીને ધર્મની ઇચ્છા હોય તેને વૈકુંઠલોકમાં મૂકે છે અને જેને સર્વે ઇંદ્રિયોને જીતીને તપ કરવાની ઇચ્છા હોય તેને બદ્રિકાશ્રમમાં મૂકે છે અને જેને નિરન્નમુક્ત થાવાની ઇચ્છા હોય તેને શ્વેતદ્વીપમાં મૂકે છે અને જે પ્રકટ ભગવાનની આજ્ઞા લોપીને નાના પ્રકારનાં વસ્ત્ર તથા ઘરેણાં વતે ભગવાનને થાળ ધરવા તથા નાના પ્રકારના હાર કરીને ભગવાનને ચડાવવા ઇત્યાદિક પદાર્થ વતે કરીને ભક્તિ કર્યાની ઇચ્છા હોય તેને ગોલોકમાં મૂકે છે અને જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યયુક્ત ભક્તિ અતિ દૃઢ કરીને સર્વે ઇંદ્રિયોને નિયમમાં કરીને પછી સૂક્ષ્મ દેહનો નાશ કરીને પછી આત્યંતિક પ્રલયનાં ઉપશમને સિદ્ધ કરીને પછી તે ઉપશમ મહારાજની મૂર્તિનું ધ્યાન તેણે કરીને કારણભાવને ટાળી નાખ્યો હોય અને મહારાજની સેવાની જ એક ઇચ્છા હોય તેને પોતાની સેવામાં રાખે છે. ॥૩૭૫॥
પૂર્વે કહી જે દોષદૃષ્ટિ અને માહાત્મ્ય એ બેને જ્યારે સિદ્ધ કરે ત્યારે મનમાં વિષયના સંકલ્પ થાય છે તે બંધ થાય છે. અને જ્યારે સંકલ્પ બંધ થાય ત્યારે સૂક્ષ્મ દેહનો નાશ થાય. અને જ્યારે સૂક્ષ્મ દેહનો નાશ થાય તો પણ લિંગદેહ ન ગળે. અને લિંગદેહ કેવું છે તો મન થકી પર જે બુદ્ધિ અને બુદ્ધિ થકી પર જે કારણ શરીરે યુક્ત અજ્ઞાનમય એવો અનાદિ જીવ છે. તે જીવમાંથી અવ્યક્ત પંચ વિષયનો રાગ ઊઠે છે અને પછી તેનો સૂક્ષ્મદેહમાં સંકલ્પ થાય છે. તે પંચ વિષયનો રાગ જેમાંથી ઊઠે છે તેને લિંગદેહ કહીએ. તે લિંગદેહ તો ટળવું બહુ કઠણ છે. તે લિંગદેહ ક્યારે ટળે તો જ્યારે નિત્ય પ્રલયે કરીને આ લોકનો નિષેધ કરે અને પ્રાકૃત પ્રલયે કરીને અનંત કોટિ બ્રહ્માંડનો નિષેધ કરે અને પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન કરવું અને આત્યંતિક પ્રલયને વિષે પ્રકૃતિને પુરુષને વિષે લીન કરવી અને મહાપુરુષને અક્ષરને વિષે લીન કરવો એમ આત્યંતિક પ્રલયનું ઉપશમ કરીને પછી તે અક્ષર છે તે અક્ષરને જ પોતાનું સ્વરૂપ માનવું અને અક્ષરરૂપ એવો જે પોતાનો જીવ તે જીવમાં જ્યારે પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ તેની મૂર્તિનું નિરંતર ધ્યાન કરે ત્યારે વાસના લિંગદેહનો ભંગ થાય. તે વિના બીજા કોટિ ઉપાય કરે તો ય લિંગદેહનો ભંગ ન થાય. ॥૩૭૬॥
સવાસનિક સાથે હેત કરે તો પોતે જે લોકમાં જાય ત્યાં તેને લઈ જાય અને એમ કહે જે આપણે હમણે મોજું278 કરીને ધીરે ધીરે જાશે. અને નિર્વાસનિક સાથે હેત હોય તો ક્યાંય ન બંધાવા દે અને ધક્કે મારીને અક્ષરધામમાં લઈ જાય. ॥૩૭૭॥
જેવો જીવને બીજો આદર છે તેવો જો ભગવાન ભજ્યાનો આદર હોય ને વિષયને ટાળવાનો આદર હોય તો વિષયનો શો ભાર છે? વિષયનું સુખ તો લાંપડાના તાપ279 જેવું છે માટે વિષયને માર્ગે ચાલવું નહિ એ સિદ્ધાંત વાત છે. ॥૩૭૮॥
વાર્તાઓ સાંભળીને આવો વિચાર રાત્રિ દિવસ કરીએ છીએ ને વાસના નથી ટળતી તેનું શું કારણ છે? પછી તેનો ઉત્તર કર્યો જે વિષયના અભાવનો વિચાર કરે છે તે દેહમાં તથા ઇંદ્રિયોમાં કરે છે પણ તે વિષયના દોષનો વિચાર જીવમાં કરવો જે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ પ્રકારના દોષ છે તેને પૃથક પૃથક્પણે વિચારતાં વિચારતાં દેહમાં દોષ ઉતારવા. પછી તે દોષ ઇંદ્રિયોમાં ઉતારવા પછી તે દોષને ઇંદ્રિયો થકી પર જે મન તે મનમાં દોષને ઉતારવા. પછી મન થકી પર જે બુદ્ધિ તે બુદ્ધિમાં એ દોષને ઉતારવા પછી બુદ્ધિ થકી પર જે જીવ તે જીવમાં એ દોષના ડંકને280 વારંવાર લગાડવા તે જ્યારે જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિને વિષે નિરંતર દોષ જાણપણામાં રહે તેવી જ રીત્યે પંચ વિષયના દોષને જીવમાં ઉતારે, ત્યારે જે રાગ રહ્યા છે તે ધીરે ધીરે ટળે ને તે દોષ જીવમાં ઉતાર્યા વિના કોટિ સાધને જીવમાંથી એ રાગ ટળે નહિ; તેવી જ રીતે ભગવાનનો નિશ્ચય કરવો તે પણ શ્રીજીમહારાજ પ્રથમ આવ્યા ત્યારે સ્ત્રીનો ગંધ આવે તો ઊલટી થઈ જાતી ને પંચવિષયનો ગંધ ન ગમતો ને પછી જીવના કલ્યાણને અર્થે જે જે ખાનપાન વસ્ત્ર તથા ઘરેણાં ઇત્યાદિક જે જે સેવા કરી તેને અંગીકાર કરી ને જ્યારે પાછા સ્વધામ જાવાના થયા ત્યારે પૂર્વે કહ્યું તેવી રીતે વિષયનો અભાવ કરીને સ્વધામમાં પધાર્યા ને વચમાં જે જે સેવા અંગીકાર કરી તે તો આપણા કલ્યાણને અર્થે કરી તથા ધ્યાન, ધારણા તથા પરચા દીધા તથા અંતકાળે જન જન પ્રત્યે તેડવા આવે છે તથા મંદિર કર્યાં તથા યજ્ઞ કર્યા તથા શ્રીજીમહારાજે સર્વે અવતારનો ભાવ પોતાને વિષે જણાવ્યો એમ સમજીને જીવમાં નિશ્ચય કરે તો નિશ્ચય ન ટળે. ॥૩૭૯॥
વિશલ્યકરણીના છેલ્લા વચનામૃતમાં281 અહંમમત્વ ટાળ્યાની વાર્તા આવી ત્યારે તે કેમ ટળે? ઉત્તર: જે જેમ દેહને વિષે આત્મબુદ્ધિ છે ને અતિશય હેત છે તેમ શ્રીહરિજીને વિષે તથા મોટા સંતને વિષે થાય તો ટળે માટે આત્મ વિચારનો તથા શ્રીજીમહારાજના મહિમાના વિચારનો વેગ જીવને વિષે અતિ બળવાન લગાડી દેવો. જેમ મંદવાડ હાડમાં પેસી જાય છે ને જેમ વૈરીનો વેગ પેસી જાય છે તેવી રીતનો વેગ જીવમાં લગાડી દેવો. ॥૩૮૦॥
લિંગ શરીર કેમ નાશ પામે? ઉત્તર: જે સત્તારૂપ થઈને પ્રતિલોમપણે શ્રીજીમહારાજનું ધ્યાન કર્યા કરે તો કાળે કરીને લિંગ શરીર નાશ પામી જાય છે. ॥૩૮૧॥
વિશલ્યકરણીના છેલ્લા વચનામૃતની વાર્તા કરતા હતા ત્યારે પૂછ્યું જે અહંમમત્વ કેમ ટળે? ઉત્તર: જે દેહને વિષે જેવી આત્મબુદ્ધિ છે ને અસાધારણ હેત છે તેમ જ શ્રીહરિજી મહારાજને વિષે ને સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ ને અસાધારણ હેત થાય તો અહંમમત્વ ટળી જાય. ॥૩૮૨॥
સત્સંગમાં તો અન્ન, વસ્ત્ર યથાયોગ્ય મળે છે તો પણ મૂંઝવણ રહે છે તેનું શું કારણ છે? ઉત્તર: જે મૂંઝવણ તો પંચવિષયની આસક્તિએ કરીને રહે છે ને તે વિષયનાં બીબાં તો અનેક પ્રકારનાં છે તેને વિષે મૂંઝવણ માત્ર રહી છે. માટે પંચ વિષયની આસક્તિ ટાળીને સંત થાવું ને તે સંતનાં લક્ષણ મુક્તાનંદ સ્વામીએ “સંતજન સોય સદા મોય ભાવે” એ
धर्मस्त्याज्यो न कैश्चित् स्वनिगमविहितो वासुदेवे च भक्ति
र्दिव्याकारे विधेया सितघनमहसि ब्रह्मणैक्यं निजस्य।
निश्चित्यैवान्यवस्तुन्यणुमपि च रतिं सम्परित्यज्य सन्त
स्तनमाहात्म्याय सेव्या इति वदति निजान् धार्मिको नीलकंठः॥282
ચાર કીર્તનમાં કહ્યાં છે તેવા સંત થવાની દૃઢ રૂચિ કરવી. ત્યારે સંતે કહ્યું જે એ ચાર કીર્તનનો જે ભાવ હોય તે કહો. ત્યારે એ શ્લોકને વિષે એ ચાર કીર્તનનું રહસ્ય છે તેને કહીએ છીએઃ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત શ્રીજીમહારાજની ભક્તિ કરવી ને તેનું માહાત્મ્ય જાણવાને અર્થે સાચા સંતને સેવવા એ ચાર કીર્તનનું રહસ્ય છે. ને જે વિષયને વિષે આસક્તિ છે તેને કોઢ જેવી જાણવી ને ધર્મજ્ઞાનાદિકને વિષે જે આસક્તિ ઊપજે તેને તો પુત્રાદિકની પ્રાપ્તિ જેટલો આનંદ પામવો. ॥૩૮૩॥
જેને શ્રીજીમહારાજને રાજી કરવા હોય તેને એમ વર્તવું જે પંચ વિષયના સુખને અતિ દુઃખદાયક જાણીને તથા દેહાભિમાનની આસક્તિ ટાળીને નિર્વાસનિક થાવું ને ગાયન વિદ્યા તથા શાસ્ત્ર વિદ્યા આદિક ગુણે કરીને પોતાને વિષે ગુણવાનપણું ન માનવું. તે ઉપર “મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી, તજો સાધનનો ઉર આમળો283 વ્રજવાસીજી” એ કીર્તનની વાર્તા બહુ કરી. ॥૩૮૪॥
જ્ઞાન તથા વૈરાગ્ય વિના સૂક્ષ્મ ને કારણ શરીર ટળે નહિ ને એકલી ભક્તિએ કરીને તો ટળે પણ ખરા ને ટળે પણ નહિ. ॥૩૮૫॥
જીવ માત્રને અતિશય બંધનકારી કયું પદાર્થ છે? ઉત્તર: જે કોઈકે તો સ્નેહનું કહ્યું ને કોઈકે તો માનનું કહ્યું ને કોઈકે તો સ્ત્રી-દ્રવ્યાદિકના બંધનનું કહ્યું. એવી રીતે ઘણે પ્રકારે કરીને કહ્યું ને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે અતિશય બંધનકારી તો દેહાભિમાન જણાય છે ને શ્રીહરિજીએ પણ વચનામૃતમાં કહ્યું છે જે દેહાભિમાનને વિષે સર્વે દોષ રહ્યા છે. ત્યાં દૃષ્ટાંત છે જેમ મોટું ફળિયું હોય ને તેમાં વચ્ચે મોટો ખાડો હોય ને તે વળી તરણે કરીને ઢંકાણો હોય તેમાં જેમ સર્વે આવી આવીને પડે છે તેમ દેહાભિમાનરૂપ ખાડો છે તે પંચ વિષયરૂપ તરણે કરીને ઢંકાણો છે ને તેને વિષે લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન આદિક સર્વે દોષ આવી આવીને પડે છે. માટે સત્ અસત્ના વિવેકે કરીને દેહાભિમાનરૂપ ખાડાને કાઢવાને અર્થે નિરંતર સદ્વિચાર કર્યા કરવો ને દેહને વૃક્ષરૂપે કરીને પણ કહ્યો છે. તેમાંથી મનરૂપી અંકુર થાય છે ને અહંમમત્વ રૂપી મોટાં મોટાં બે ડાળાં થાય છે ને દશ ઇંદ્રિયોરૂપ નાનાં ડાળખાં થાય છે ને સંકલ્પ વિકલ્પરૂપી અતિ નાની ડાળખીઓ થાય છે ને તેણે કરીને જીવ જે કર્મ કરે છે તે રૂપ પાંદડાં થાય છે ને જેમ પત્રે કરીને વૃક્ષ વધે છે તેમ કર્મે કરીને અનંત દેહ આવે છે. ॥૩૮૬॥
સંસારમાં રહીને વિષય કેમ જિતાય? ઉત્તર: જે નિયમ રાખે તો જિતાય છે. તેની વિગત જે જેમ જૈનના મતવાળા છે તે આવી રીતે નિયમ રાખે છે જે મારે આ વર્ષમાં દશ શેર રતાળું ખાવાં છે, તેમ સત્સંગીને પણ આ વર્ષમાં ને આ મહિનામાં મારે આવી રીતે વર્તવું છે એવી રીતે નિયમ રાખવાં. એમ વર્તવાથી વિષય જિતાય છે. ને વિષય સુખને વિષે તો કેવળ દુઃખ જ રહ્યું છે કેમ જે મોટા મોટા જે રાજા છે તેમને ખાવા પીવાને વિષે ને સૂવાને વિષે સ્ત્રી પુત્રાદિકનો વિશ્વાસ આવે જ નહિ અને દીકરો હોય તે બાપને માર્યાનો લાગ જોતો હોય ને બાપ પણ પુત્રને માર્યાનો લાગ જોતો હોય ને મા દીકરાને વિષે ને ધણી ધણિયાણીને વિષે પણ એમ જ છે. માટે સંસારનાં સુખ આવાં છે તો પણ જીવ વિષયને વિષે અતિ આસક્ત છે માટે એ મૂર્ખ છે તે સારુ નાશવંત ને સ્વપ્નતુલ્ય ને અતિશય તુચ્છ જે વિષય સુખ તેને અર્થે અનેક પ્રકારનાં દુઃખને સહન કરે છે તે માટે જો સત્પુરુષના સંગે કરીને શુદ્ધ આત્મસત્તારૂપ રહીને શ્રીજીમહારાજનું ભજન કરે તો સંસારમાં સુખિયો રહે ને વિષય પણ જિતાય. ॥૩૮૭॥
ઇંદ્રિયોની વૃત્તિને વિષય થકી પાછી વાળવી. તેની વિગત જે જાણપણારૂપે રહીને શબ્દાદિક વિષય સન્મુખ જાતી એવી જે ઇંદ્રિયોની વૃત્તિ તેને આત્માને વિષે કે પરમાત્માને વિષે હોમ્યા કરે તો વાસના માત્ર નાશ થઈ જાય છે. ॥૩૮૮॥
આત્મા દેહથી જુદો છે તો પણ એક કેમ જણાય છે? ઉત્તર: જે ધન ને પુરુષ જુદાં છે ને સ્ત્રી ને પુરુષ જુદાં છે તો પણ જે અતિ લોભી ને અતિ કામી છે તે તો એ બેને નાશે કરીને નાશ થઈ જાય છે માટે જુદાં નથી. તે એક રાજા હતો તે છ મહિના સુધી સમાધિ કરતો પણ ત્યાં રહ્યો થકો રાજ્ય, સ્ત્રી, ધનને સંભાર્યા કરતો. પછી જ્યારે તેને સંતદાસજી સાધુ મળ્યા ત્યારે જુદાં પાડ્યાં. માટે એકાંતિક ભક્તના સંગે કરીને જો અભ્યાસ કરે તો આત્મા ને દેહ તે જુદા જણાય છે માટે સર્વે કાળને વિષે ત્રણ શરીર થકી પોતાને પૃથક્ વર્તવું. ॥૩૮૯॥
શાન્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે ચાંદ્રાયણ ને ધારણા-પારણાદિક જે વ્રત તેને આવરદા પર્યંત કર્યા કરે તો વાસના ટળે કે નહિ? ઉત્તર: જે એમ કર્યાથી ઉપરથી ટળ્યા જેવું જણાય પણ કારણ શરીરમાંથી ન ટળે. જુઓને સૌભરી ઋષિને ને ચ્યવન ઋષિને ઉપરથી તો જણાતું ન હતું પણ કારણ શરીરમાં વાસના હતી તો પરણવું પડ્યું. માટે વિષયને વિષે દોષબુદ્ધિ થયા વિના વાસના ટળે નહિ. ને જેમ અમારે વિષે તમારે હેત છે પણ જો દોષ આવે તો અમારો સંગ ગમે નહિ તેમ નિત્યપ્રલયાદિકનો વિચાર કરીને માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ સમજીને આત્મસત્તારૂપ થઈને શ્રીજીમહારાજનું ધ્યાન કરીને વાસના ટાળે ત્યારે ટળે છે. તે ઉપર શૂરવીર પુરુષ હોય તેને દેહ, લોક ભોગાદિકને વિષે વૃત્તિ નથી રહેતી ને રણમાં ટુક ટુક ઊડી જાય284 છે ને સતી પણ બળી જાય છે તેમ છે. ॥૩૯૦॥
પંચ વિષયમાં અરુચિ કેમ થાય? ઉત્તર: જે એ વિષય સંબંધી ઉદ્યમને વિષે અતિશય દુઃખને વારંવાર જોયા કરે તો અરુચિ થાય ને જો વિષય સહેજે મળે તો પણ એને ભોગવવે કરીને શ્રીજીમહારાજની અપ્રસન્નતા થાય છે એમાં લેશમાત્ર સંશય નથી એમ મનમાં યથાર્થ દૃઢ નિશ્ચય કરે તો અરુચિ થાય. ॥૩૯૧॥
નિર્વાસનિક ભક્ત અમને ગમે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે માટે એમ કેમ થવાય? ઉત્તર: જે બે પ્રકારના ભક્ત છે તેમાં એક તો સવાસનિક છે ને બીજો નિર્વાસનિક છે ને એ બેયનું કલ્યાણ તો શ્રીજીમહારાજ કરે છે પણ સનકાદિક જેવા નિર્વાસનિક ભક્ત ઉપર જેવો શ્રીજીમહારાજનો રાજીપો જણાય છે તેવો બ્રહ્માદિક જેવા સવાસનિક ભક્ત ઉપર રાજીપો જણાતો નથી એ વાત મોક્ષધર્મમાં કહી છે જે ભગવાન બ્રહ્માદિકની પૂજા પગે કરીને ગ્રહણ કરે છે ને એકાંતિક ભક્તની પૂજા તો મસ્તકે કરીને ગ્રહણ કરે છે ને બ્રહ્માદિકની તો બ્રહ્માંડમાં બહુ મોટપ જણાય છે ને સનકાદિક તો ગરીબ જેવા જણાય છે પણ એ બહુ મોટા છે ને એવાને સંગે કરીને નિર્વાસનિક થવાય છે. ॥૩૯૨॥
સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે વાસના બહુ બળવાન છે તે કેમ જિતાય? ઉત્તર જે સત્પુરુષના સમાગમે કરીને ધર્માદિક ચાર સાધનને પક્વ કરે તો વાસના જિતાય ને શુદ્ધ ભક્ત થાય છે. ॥૩૯૩॥
પંચ વિષયની અરુચિ કેમ થાય? ઉત્તર: જે સર્વે માયિક વસ્તુને વિષે દોષાધ્યાન નિરંતર કર્યા કરે તો વિષયને વિષે અરૂચિ થાય. ॥૩૯૪॥
અને વળી એમ વિચાર કરવો જે ઇન્દ્ર એકોતેર ચોકડી285 રાજ્ય કરે છે, તે આગળ સુખ, દેહ ને આયુષ્ય તે મચ્છરનાં જેટલાં પણ નથી. અને તે ઇન્દ્ર પણ બ્રહ્માના એક દિવસમાં ચૌદ પડી જાય છે માટે તે ઇન્દ્ર પણ તેની આગળ મચ્છર જેવો પણ નથી. અને તે વિરાટ પણ પ્રધાનપુરુષની આગળ જેમ અસંખ્ય મચ્છર થાય ને મરી જાય તેમ અસંખ્યાત થાય છે ને મરી જાય છે. માટે તે સુખ પણ શું છે? તેમ તે પ્રધાનપુરુષ પણ મહાપુરુષની આગળ શા લેખામાં છે? જેમ મહાજળમાં અસંખ્ય પરપોટા થાય ને મટી જાય તેમ તે મહામાયાને વિષે અસંખ્યાત થાય છે, ને નાશ પામે છે. અને તે પ્રકૃતિપુરુષને પણ જે પુરુષોત્તમ ભગવાન છે તે અનંતવાર અક્ષરમાં લીન કરે છે ને કાઢે છે માટે એ સુખ પણ નાશવંત છે તે માટે સર્વે જે સુખ તે પુરુષોત્તમની મૂર્તિમાં રહ્યું છે. અને તે સુખ કેવું છે? તો જે સુખને અક્ષર ભોગવે છે. તથા અનંતકોટિ મુક્ત ભોગવે છે. તથા તે પુરુષોત્તમને ભજીને નવા અનંત મુક્ત અક્ષરધામમાં જાય છે તથા બીજા પણ અનંત તે પુરુષોત્તમને ભજીને જાશે તે ભોગવે છે. એવા જે એ અક્ષરધામના પતિ પુરુષોત્તમ શ્રીજીમહારાજ તે આજ આપણને મળ્યા છે ને તેની જે સુખમય મૂર્તિ તેમાં સુખ માત્ર રહ્યાં છે તે મૂર્તિને મેલીને આ લોકના વિષયમાં શું પ્રીતિ કરીએ? એવી રીતે જે માહાત્મ્ય અને પૂર્વે કહ્યું જે આત્મજ્ઞાન એ બેને જો સિદ્ધ કરે તો વિષયમાંથી પ્રીતિ ટાળીને થોડાક દિવસમાં હમણાં આ દેહ છતાં જ નિર્વાસનિક થાય છે ને તે વિના તો વાસના ટળવી ઘણી કઠણ છે. અને તે આત્મજ્ઞાન તથા માહાત્મ્ય તે ક્યારે સિદ્ધ થાય? તો જ્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત પ્રેમલક્ષણા ભક્તિ તેણે યુક્ત ને મહારાજની અનુવૃત્તિ પ્રમાણે વર્તતા એવા જે સાધુ હોય તેની પાસે જ્યારે નિષ્કપટપણે શીખે ત્યારે સિદ્ધ થાય પણ તે વિના સિદ્ધ ન થાય. ને તે માહાત્મ્ય તથા આત્મજ્ઞાન સિદ્ધ ન થાય ત્યાં સુધી વાસના પણ ન ટળે. ॥૩૯૫॥