૧. પુરુષોત્તમપણાની વાતો
વ્યાસસૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર2 થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે પણ અક્ષરધામને કોઈ પામતા નથી અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળપુરુષ તથા પ્રધાનપુરુષ તથા વિરાટપુરુષ તથા3 બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજા ઇત્યાદિક અવતાર તથા ઐશ્વર્યાર્થી4 તે સર્વે પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે અને એ સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે ત્યારે એ જેને ઉપદેશ કરે ને જે સત્સંગી થાય તથા ત્યાગી થાય ત્યારે જો એને મહારાજની સાથે હેત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે પણ એ અવતારાદિક અહીંયાં જ સાધુ તથા સત્સંગી તથા બ્રહ્મચારીરૂપે પુરુષોત્તમના આશ્રિત થયા હોય અને પોતા સાથે જે જોડાણા હોય તો તેને તેઓ પોતાને ત્યાં લઈ જાય છે ને એ અવતારાદિક તે તો જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય છે. તે અહીંયાં આવે છે ત્યારે કાં તો એક દેહને ત્યાં મેલીને બીજે દેહે કરીને આવે છે અથવા બીજાને પોતાની ગાદી (સત્તા) સોંપીને આવે છે પછી અહીંયાં આવીને પુરુષોત્તમની ઉપાસના દૃઢ કરીને પોતાની ખોટને ટાળીને પછી પોતે જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય છે અને પછી પોતાની આવરદામાં જેટલાં વર્ષ બાકી રહ્યાં હોય તેને પૂરાં કરીને પછી ત્યાંથી અક્ષરધામમાં જાય છે પણ તે આવરદાને ભોગવ્યા વિના પાધરા અહીંથી અક્ષરધામમાં જવાય નહિ. તે માટે મુમુક્ષુ હોય તેને ભગવાનના જેવું હેત કોઈ મુક્ત કે સાધુને વિષે ન કરવું. અને જો તેવું હેત તેમને વિષે કરે તો તેને પણ પોતાને વિષે જોડે. માટે વિચારીને હેત કરવું. આ વાત અવશ્ય સમજવાની છે. ॥૧॥
ચોખ્ખી ઉપાસના કરવી તેમાં લોચો પોચો ન રાખવો અને જે ઉપાસનામાં ભેદ પડે છે તે પક્ષપાતે કરીને પડે છે કેમ જે પોતાનો પક્ષ રાખ્યા સારુ પોતાના જે સેવક હોય તેને કહે જે લક્ષ્મીનારાયણ છે તથા નરનારાયણ છે તે જ મહારાજ છે એમ સમજાવે ને પોતે તો જેમ સમજતા હોય તેમ સમજે. માટે આપણે તો કોઈ અવતારને વિષે મોટપ ન સમજવી અને શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી પોતે એક જ છે અને અવતાર માત્રના સ્વામી છે ને બીજા સર્વે અવતાર મહારાજના ભક્ત છે એમ સમજવું અને બીજાને એમ સમજાવવું. તે કેમ જાણીએ તો, એક વાર અમને મહારાજનાં ને શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન થયાં ત્યારે શ્રીકૃષ્ણ, મહારાજની સેવામાં દેખાણા તથા રામચંદ્રજીનાં તથા મહારાજનાં દર્શન થયાં ત્યારે પણ રામચંદ્રજી, મહારાજની સેવામાં દેખાણા ને નરનારાયણનાં તથા મહારાજનાં દર્શન થયાં ત્યારે પણ નરનારાયણ મહારાજની સેવામાં દેખાણા ને મહારાજે વ્યાપકાનંદ સ્વામીને પણ પોતાના સ્વરૂપને વિષે ચોવીસ અવતાર લીન કરી દેખાડ્યા અને પર્વતભાઈ પણ ચોવીસ અવતારને મહારાજની સ્તંતિ કરતા નિરંતર દેખતા અને વળી એક ભક્તને સમાધિ થઈ ત્યારે તેમણે એમ કહ્યું જે હું બ્રહ્મમહોલને દરવાજે ગયો ત્યારે માંહીથી મહારાજે કહ્યું જે નરનારાયણને કહીએ જે એને આંહી આવવા દ્યો. તથા એક વખત વિજ્ઞાનદાસજી અમારે દર્શને આવ્યા હતા. પછી તેણે કહ્યું જે મારે નરનારાયણનાં દર્શન કરવા જાવું છે, ત્યારે અમે કહ્યું જે સમાધિ કરીને મહારાજ પાસે જાઓ, ત્યારે તે સમાધિ કરીને અક્ષરધામમાં ગયા. તે સમે ત્યાં નરનારાયણ મહારાજનાં દર્શન કરવા આવ્યા હતા. પછી મહારાજે તેમને આજ્ઞા કરી જે તમે બદ્રિકાશ્રમમાં જાઓ ત્યારે નરનારાયણ ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાને સ્થાનકે ગયા. એવા એવા હજારોવાર ચમત્કાર મહારાજે જણાવ્યા છે તથા હમણાં પણ જણાય છે. તે આપણે બીજા અવતાર જેવા મહારાજને કેમ સમજીએ? માટે આપણે તો ચોખ્ખી ઉપાસના સમજવી જે બીજા અવતાર તથા અક્ષરના મુક્ત તથા અક્ષર અને પૂર્વે જે જે અવતાર થઈ ગયા છે તથા આગળ થાશે એ સર્વેના અવતારી શ્રીજીમહારાજ છે અને એ સર્વે અવતાર મહારાજના ભક્ત છે એમ સમજવું. અને એ સર્વેને નિયમમાં રાખનારા પોતે એક જ છે પણ એ વિના બીજો કોઈ નથી એ મોટા સંતનો સિદ્ધાંત છે. ॥૨॥
કળવું, કહેવું ને રહેવું. તે કળવું એટલે ભગવાનને કળવા તે કેવી રીતે તો મહારાજનો ચમત્કાર જોવો ને શ્રીકૃષ્ણની સામર્થી જોવી અને રામચંદ્રજીની સામર્થી જોવી અને ઋષભદેવની સામર્થી જોવી અને કપિલજી તથા દત્તાત્રેયની સામર્થી જોવી અને પછી પૂર્વાપર વિચારીને જુવે ત્યારે બીજા અવતાર કરતાં શ્રીકૃષ્ણ ભગવાનની સામર્થીમાં ફેર છે તે જ્યારે તપાસીને જુવે ત્યારે ખબર પડે; કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે ચોવીસ અવતારને પૃથક્ પૃથક્ દેખાડ્યા તે જોતાં એમ જણાય છે જે બીજા અવતારના અવતારી શ્રીકૃષ્ણ ભગવાન છે અને મહારાજની અને શ્રીકૃષ્ણની સામર્થી જોઈએ ત્યારે શ્રીકૃષ્ણના અવતારી શ્રીજીમહારાજ છે એમ પોતાની બુદ્ધિમાં તપાસ કરીને તે સર્વે અવતારના અવતારી શ્રીજીમહારાજ છે એમ જે જાણવું તેને કળવું કહીએ.
એવા જે શ્રીજીમહારાજ તેના જે એકાંતિક મોટા સાધુ હોય તેને ઓળખવા અને તે સાથે હેત કરવું તેને કહેવું કહીએ.
એવા જે જે મોટા સાધુ તેની અનુવૃત્તિ5 રાખવી તથા તેમની સેવા કરવી ને ભગવાનની આજ્ઞામાં ફેર ન પાડવો અને માથા સાટે સત્સંગનો પક્ષ રાખવો એ આદિક જે જે એકાંતિક સાધુ કહે તેમ કરવું તેને રહેવું કહીએ. ॥૩॥
“શાસ્ત્રમાં મહાપુરુષાદિકના અવતાર કહ્યા હોય તેને પણ અક્ષર પર પુરુષોત્તમ કહ્યા હોય એ કેમ સમજવું એ વાત સમજાતી નથી તે કહો?” ત્યારે કહ્યું જે, “એ વાત યથાર્થ સમજાય તેમ કહીએ તેને સાંભળો જે જ્યારે ‘અક્ષરનો અવતાર’ પૃથ્વી ઉપર થયો હોય, ત્યારે અક્ષરને પુરુષોત્તમ કહ્યા હોય. ને અક્ષર તે મહાપુરુષને સમજવા. તે જેમ જેમ ઉતરતા તે અક્ષરને સમજવા અને તેથી પર પુરુષોત્તમ સમજવા. તે ઇન્દ્ર જે તે અક્ષર ને બ્રહ્મા પુરુષોત્તમ; ને બ્રહ્મા જે તે અક્ષર ને વિરાટ પુરુષોત્તમ; ને વિરાટ અક્ષર ને પ્રધાનપુરુષ પુરુષોત્તમ; અને પ્રધાનપુરુષ અક્ષર ને તેથી પર મહાપુરુષ પુરુષોત્તમ ને મહાપુરુષ અક્ષર ને તેથી પર અક્ષરાતીત પુરુષોત્તમ જે છે તે આજ ‘શ્રીજીમહારાજ’ આપણને દયા કરીને મળ્યા. એમ અક્ષર અને પુરુષોત્તમ તે જ્યાં જેનું પ્રકરણ હોય ત્યાં તેને કહ્યા હોય. તે વાત સમજ્યા વિના મતિ ભરમાય છે. અને ઇન્દ્રનો પૃથ્વી ઉપર અવતાર થયો હોય અને તેને પુરુષોત્તમ કહ્યા હોય પણ પોતાનું ઐશ્વર્ય6 હોય તેટલું જ દેખાડે પણ તેથી અધિક ન દેખાડાય. તે ઇન્દ્રથી લઈને બ્રહ્મા, વૈરાટ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ ને અક્ષર પર્યંત તે સર્વે પોતપોતાનું સામર્થ્ય દેખાડે પણ તેથી અધિક ન દેખાડાય. અને પુરુષોત્તમ તો અક્ષર ને તેથી ઉતરતા ઇન્દ્ર આદિક સર્વેનું સામર્થ્ય લોક, ભોગ ને ઐશ્વર્ય તે પંડે દેખાડે તથા ભક્તદ્વારે તથા પોતાના સંબંધને પામ્યાં જે પદાર્થ તેનાં દર્શન તથા સ્પર્શથી પણ ભક્તને દેખાઈ આવે ત્યારે પુરુષોત્તમ સર્વે અવતારના અવતારી એ જ છે એમ જાણવું. ને આ વાત પડે પુરુષોત્તમ થકી તથા તેના એકાંતિક સાધુ થકી સમજાય છે. તે વિના શાસ્ત્ર ભણે, સાંભળે તો પણ સમજાય નહિ.” ॥૪॥
એ અક્ષરધામને ક્યારે પમાય તો જ્યારે પુરુષોત્તમ ભગવાન એવો સંકલ્પ ધારીને આંહીં પધારે જે મારી મૂર્તિનો સંબંધ થઈને જેને મારા સ્વરૂપનો નિશ્ચય થાય તે સર્વેને મારે અક્ષરધામમાં લાવવા છે. એવો સંકલ્પ ધારીને જ્યારે આંહીં પધારીને જેને પોતે લઈ જાય તેથી જ અક્ષરધામમાં જવાય છે. પણ બીજા અવતારથી અક્ષરધામમાં ન લઈ જવાય તો સાધને કરીને તો ક્યાંથી પામે? ॥૫॥
બીજા અવતાર કરતાં ઋષભદેવજી બહુ ગમે7 છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે તેનો શો હેતુ છે? તો ઋષભદેવજી ભગવાન તો વાસુદેવ ભગવાન સંગાથે એકત્વપણાને પામ્યા હતા તો પણ બીજા ત્યાગીને શિક્ષાને અર્થે તે સિદ્ધિયુંને ન ગ્રહણ કરતા હવા. એવી રીતે અસંગીપણું8 છે તથા જે જીવ જેવો હોય તેને તેવી રીતે ધીરે રહીને સમજાવવું, એવી રીતે દયાળુ સ્વભાવ છે તે હેતુ માટે ગમે છે. અને કપિલદેવ તથા દત્તાત્રેય તો ત્યાગી છે તથા એમને વિષે અસંગીપણું છે એ માટે એથી ઉતરતા ગમે છે. અને એથી કોટીગણું શ્રીકૃષ્ણને વિષે હેત છે તેનું શું કારણ છે? તો એ શ્રીકૃષ્ણને વિષે જે જે ભાવે કરીને જોડાણા તે સર્વે જીવનો મોક્ષ કર્યો તે માટે એવી રીતે મહારાજે પોતાની રુચિ કહી તેમાંથી આપણે એમ સમજવું જે શ્રીકૃષ્ણ ભગવાને તો પોતાની મૂર્તિનો સંબંધ જેને થયો તે સ્નેહભાવ તથા ભયભાવ તથા દ્વેષભાવ ઇત્યાદિકે કરીને પોતાના સંબંધને પામ્યા તેનું કલ્યાણ કર્યું. જેમ પારસમણિને લોઢું અડે ત્યારે સોનું થાય તેમ આ કહ્યો જે અવતાર તેના ઉપયોગમાં આવે તેનું કલ્યાણ થાય. તથા વ્રજવાસીએ એમ કહ્યું જે તમે ભગવાન છો માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે એક વાર પોતાનું ધામ દેખાડ્યું અને શ્રીજીમહારાજે તો પોતાનું કીર્તન ગાયું તેનું તથા કોઈ સત્સંગીનો ગુણ લીધો તેનું તથા જે જે સંતના ઉપયોગમાં આવ્યા તે સર્વેનું મહારાજે કલ્યાણ કર્યું તો પોતાના સંબંધને પામ્યા તેના મોક્ષમાં શું કહેવું? તથા સાધુ દ્વારે, સત્સંગી દ્વારે, સોટી દ્વારે, લાકડી દ્વારે કરીને સમાધિ કરાવી તો પોતાને જોઈને સમાધિ થાય તેમાં શી મોટી વાત કહેવાય? એવી રીતે મહારાજની સામર્થી જોઈને વિચારીએ તો એ પૂર્વના અવતાર કરતાં લાખગણું હેત શ્રીજીમહારાજને વિષે કરવું જોઈએ તથા પોતાને દર્શને કરીને હજારું, લાખું, સત્સંગી તથા કુસંગી તે સર્વેને સમાધિ થઈ અને બ્રહ્મપુરાદિક9 ધામ દેખાડ્યાં તે તો જેમ ચિંતામણિ હોય તેને વિષે જે જે ચિંતવે તે તે મળે તેમ મહારાજનો જેને સંબંધ થયો તથા સત્સંગીનો સંબંધ જેને થયો તે સર્વેનું કલ્યાણ શ્રીજીમહારાજે કર્યું. તે એવું સામર્થ્યપણું તો પુરુષોત્તમ વિના બીજા અવતારમાં ન હોય અને શ્વેત તેજને વિષે ભગવાનની મૂર્તિ છે તે તેજમાં ભગવાનની મૂર્તિને જોઈને આનંદ પામવો પણ તે મૂર્તિ વિના અક્ષરનું તેજ દેખાય તો પણ તે ભગવાનની મૂર્તિ વિના તે તેજે કરીને શાંતિ પામવું નહિ, અતિ તપી જાવું. ॥૬॥
પૂર્વ અવતાર થયા છે તેનો મહારાજે પોતાને વિષે ભાવ દેખાડ્યો. તે વાત કરીએ જે પ્રથમ મહારાજ પ્રગટ થયા ત્યારે એવું પ્રકરણ ચલાવ્યું હતું જે ભજનમાં બેસે અને સંકલ્પ થાય તથા શરીર હાલે તો ઉઠાડી મૂકતા એ પોતાને વિષે શ્વેતદ્વીપપતિ વાસુદેવનો ભાવ દેખાડ્યો તથા વળી ખટરસના વર્તમાનનું10 નિયમ આપ્યું તથા પાશેર જ અન્ન એક વખત ખાવું તથા એક કૌપીન,11 એક હજુરીઓ12 રાખવો તથા એક ગોદડી રાખવી તથા એક એક જણને એક બીજાનો શબ્દ ન સંભળાય એમ રહેવું એ આદિક સાધુને મહા કઠણ કરાવ્યું એ પોતાને વિષે નરનારાયણનો ભાવ જણાવ્યો તથા ઓગણોતેરામાં13 મહારાજ હાથમાં તરવાર લઈ એમ બોલ્યા જે આ મારી તરવાર છે તે કુસંગીનું લોહી પીએ છે અને સત્સંગીની રક્ષા કરે છે તથા આ તરવારે મોટા મોટા લશ્કર તથા મોટી મોટી જમાતો તથા દૈત્ય સર્વેને કાપી નાખ્યા. તથા આ તરવારે મોટા મોટા પાડી નાખ્યા, તથા પોતે ઘોડા ઉપર બેઠા તથા ઘરેણાં પહેર્યાં તથા ભારે ભારે વસ્ત્ર પહેર્યાં તથા રંગે રમ્યા તથા નાના પ્રકારની લીલાઓ કરીને પોતાના એકાંતિક ભક્તને સુખ આપ્યું તે કૃષ્ણાવતારનો ભાવ પોતાને વિષે દેખાડ્યો. તથા વળી પોતે ધર્મની વ્યવસ્થા બાંધી તે પોતાને વિષે રામચંદ્રજીનો ભાવ જણાવ્યો. તથા પોતે જ્ઞાન, વૈરાગ્ય અને સાંખ્ય યોગ પ્રવર્તાવ્યો એ પોતાને વિષે દત્તાત્રેય તથા કપિલદેવજીનો ભાવ જણાવ્યો તથા પોતે પોતાના આશ્રિત જનને શિક્ષા કરી એ પોતાને વિષે ઋષભદેવ ભગવાનનો ભાવ જણાવ્યો. અને પોતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા મહાત્મ્યે સહિત જે એકાંતિક ભક્તિ કરવી તેની રીત દેખાડી તથા પ્રેમલક્ષણા ભક્તિની રીત દેખાડી અને જેમ ગંગાજી જે તે પર્વત તથા જે જે બીજાં કોઈ આડાં આવે છે, તેને તોડીને સમુદ્રને વિષે ભળે છે તેમ તે ભક્ત પણ ભગવાનના સ્વરૂપમાં જે જે પદાર્થ તથા પોતાના સંબંધી અંતરાય કરે તેનો ત્યાગ કરીને ભગવાનને વિષે હેતે કરીને જોડાયા. તથા સમાધિઓ કરાવીને જેવો તેવો હોય તેને પણ અષ્ટાવરણપાર જે અક્ષરધામ14 તે દેખાડ્યું તથા તે સમાધિને વિષે પોતાના અવતાર દેખાડીને પોતાને વિષે લીન કર્યા તથા ભક્તને વિષે લીન કરી દેખાડ્યા તથા પુષ્પ તથા સોટીને સ્પર્શે કરીને પોતાનાં ધામ દેખાડ્યાં, એ સર્વે પોતાના વિષે પુરુષોત્તમપણું દેખાડ્યું. એવી રીતે મહારાજે પૂર્વે જે જે અવતારે કરીને જે જે કાર્ય કર્યું છે તે પોતે સહજ લીલાએ કરીને કર્યું. આવી રીતે આ વાતને વિચારીને પછી એમ નિર્ધાર કરવો જે જ્યારે સર્વ અવતારનો ભાવ મહારાજે પોતાને વિષે દેખાડ્યો, તે માટે સર્વે અવતારના અવતારી તે આ પ્રગટ ભક્તિ-ધર્મના પુત્ર એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ છે અને બીજા અવતાર તો એમના આજ્ઞાકારી છે એમ મહારાજના સ્વરૂપને સમજવું. તે આ વાતને પણ જે બુદ્ધિવાળો હોય અને શુદ્ધ સંપ્રદાય થકી જ્ઞાનને પામ્યો હોય તે આ વાતને શુદ્ધ સંપ્રદાય થકી સમજે ત્યારે આ વાત સમજાય પણ તે વિના સમજાય નહિ તે માટે આ વાતને સમજી રાખવી. ॥૭॥
શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે જે એકાંતિક ન હોય તેનો સંકર્ષણાદિકમાં પ્રવેશ15 થાય છે તેનું કેમ સમજવું? ઉત્તર જે સંકર્ષણાદિક તો બીજે નથી. એ તો સત્સંગમાં સર્વે છે તે જ્યારે પુરુષોત્તમ પ્રકટ થાય છે ત્યારે મહાપુરુષ છે આદિ અને ઇન્દ્ર છે અંતે એવા જે સર્વે ઐશ્વર્યાર્થી તે સર્વે જ્યારે પુરુષોત્તમ અહીંયાં પધાર્યા હોય ત્યારે એ સર્વે પોતાના કલ્યાણને અર્થે દેહ ધરીને અહીં આવે છે તથા બીજા જે અવતાર એ સર્વે પુરુષોત્તમ ભેળા આવ્યા હોય ત્યારે જે એકાંતિક હોય તે તો પુરુષોત્તમની સાથે જ હેત કરે માટે એ જ્યારે દેહ મૂકે ત્યારે પુરુષોત્તમ એવા જે શ્રી હરિકૃષ્ણજી મહારાજ એમની સેવામાં અક્ષરધામમાં જઈને રહે, અને જે એકાંતિક સાથે જોડાણો હોય તેને પણ અક્ષરધામમાં લઈ જાય છે. અને પૂર્વે કહ્યા એવા એ ઐશ્વર્યાર્થી તે પણ સત્સંગમાં મોટા ગુરુ થયા હોય ત્યારે એ જેને મહારાજની વાત કરીને તથા સત્સંગની વાત કરીને જેને જેને સત્સંગ કરાવે ત્યારે જો તેને મહારાજને વિષે જ હેત થયું હોય, તો તો એ અક્ષરધામમાં જાય, અને પૂર્વે કહ્યા તેની સાથે હેત થયું હોય તો એ જ્યાંથી આવ્યા હોય ત્યાં લઈ જાય અને એકાંતિક સાથે હેત ન થવા દે તે વાત વિચારે તો ખબર પડે કેમ જે મહારાજ કહેતા જે જૂનેગઢ જાય તેને પાંચ વાર મળીએ16 તથા તેના અમે જમાન17 છીએ ત્યારે કોઈક જાવાનું કહે ત્યારે તેના ગુરુ હોય તે એમ કહે જે જો તું જઈશ તો પથરામાં અથડાઈ અથડાઈને મરી જઈશ. એમ કહીને તેને અળસાવી નાખતા તથા કોઈકને મહારાજની સેવામાં રહેવું હોય તો પણ તેને તેના ગુરુ અળસાવી નાખતા. ॥૮॥
એક હરિભક્તને મહારાજે કહ્યું જે, “અક્ષરધામમાં જઈ આવો.” પછી તે સમાધિ કરીને સર્વે ધામ જોઈને અક્ષરધામમાં ગયો. તેને મહારાજે પૂછ્યું જે, “ક્યા કયા ધામમાં જઈને આવ્યા?” ત્યારે તેણે કહ્યું જે “હે મહારાજ! આપણા કેટલાક સાધુ, બ્રહ્મચારી, પાળા, સત્સંગી તે બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં તથા વૈકુંઠમાં તથા ગોલોકમાં એ સર્વે ધામમાં તે સર્વેને મેં દીઠા તે અહીં કેમ ન આવ્યા?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “અમને તે તે ધામના પતિ જાણ્યા તે માટે ત્યાં રહ્યા છે અને આ સર્વે છે તેમણે તો અમને સર્વે અવતારના અવતારી જાણીને અને વળી સર્વે થકી પર જે બ્રહ્મમહોલ18 તેના પતિ અમને જાણ્યા છે તે માટે એમને અમે અક્ષર જેવા કર્યા છે અને પૂર્વે જે કહ્યા તેમણે તો અમને તે તે અવતાર જેવા જાણ્યા. તે માટે એમને તે તે અવતારના જેટલું ઐશ્વર્ય આપ્યું છે અને તે તે ધામના પતિ અમને જાણીને તે તે ધામમાં રહ્યા છે તે જો અમે પંડે જઈને કહીએ તો પણ ન માને, એમ કહે જે અમને તમે ભરમાવો છો. પણ અમે એમ તમારા સ્વરૂપમાંથી પડીએ એવા નથી એમ કહીને તે તે ધામમાં રહે છે,” તે વાર્તા એકાંતિક સાધુ વિના સમજાય નહિ. ॥૯॥
શ્રીજીમહારાજે વાત કરી જે અક્ષરાતીત19 એવા જે પુરુષોત્તમ ભગવાન તે અનંત અક્ષર મુક્તે સેવ્યા થકી પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે તેમણે સૃષ્ટિ સમે અક્ષર સામું જોયું ત્યારે અક્ષરમાંથી પુરુષ નીસર્યો. તે પુરુષ દ્વારે માયા સામું જોયું તેમાંથી અનંત પ્રધાન પુરુષાદિક થયા ને તે પુરુષ અનેકરૂપે કરીને તેમાં પ્રવેશ કરે છે ને અનંતરૂપે કરીને તે સર્વની રક્ષા કરે છે ને અનંત પાર્ષદ શક્તિઓ ને ઐશ્વર્ય તેણે સેવ્યો થકો પોતાના ધામને વિષે રહે છે ને બીજે સ્વરૂપે પુરુષોત્તમની સેવામાં પણ રહે છે. એ પ્રકારે એમને વિષે અનેક કળાઓ રહી છે તેનો મોટા મોટા કવિ પાર પામતા નથી ને આધુનિક સમજણવાળાની તો તેટલા સુધી જ ગતિ છે. ને એવા જે અનંત મૂળપુરુષ તે થકી પર જે અક્ષરપુરુષ તેમને એ સાક્ષાત્ પુરુષોત્તમની ઉપાસના છે કે તમારે છે પણ બીજાને નથી. એવી રીતે સર્વોપરી પ્રકટ પુરુષોત્તમની ઉપાસના સમજવી એ જ્ઞાનવાન એવા જે એકાંતિક ભક્ત તેમની સમજણ છે. ॥૧૦॥
શ્રીજીમહારાજે વાર્તા કરી જે સમગ્ર પૃથ્વી જેવડી ઝાલર હોય ને મેરુ પર્વત જેવડો ડંકો હોય ને વૈરાજપુરુષ જેવા અનંત વગાડનારા હોય ને તેનો જેવો શબ્દ થાય તેવો અક્ષરાતીત પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તેમના જમણા ચરણના અંગૂઠામાંથી પ્રણવ20 નીસરે છે તેનો ઘોષ21 થાય છે. તેના જે પરછંદા22 તે અક્ષરાદિક અનેક ધામમાં વ્યાપે છે તે જો બ્રહ્માંડોમાં આવે તો અનંત બ્રહ્માંડને ફોડી નાખે એવો જે પ્રણવનો શબ્દ તે પુરુષોત્તમના અંગૂઠામાં પાછો લીન થઈ જાય છે ને વળી ઉદયને પામે છે. એવા જે પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તે સમગ્ર બીજાં ધામોમાં રહી જે મૂર્તિઓ તથા સર્વ અવતાર તેના કારણ છે ને અનંત અક્ષરપુરુષના સ્વામી છે ને અપરિમિત,23 સર્વોપરી, નિરંકુશ, ઐશ્વર્યાદિકે કરીને સંપૂર્ણ છે. એવા જે પ્રકટ પુરુષોત્તમ તેમની જેમ તમારે ઉપાસના થઈ છે તેમ જેને ઉપાસના થાય તે જ પુરુષોત્તમને પામે ને બીજો પુરુષ તો કોટી સાધન કરે તો પણ ન પામે એવી જે રહસ્યવાર્તા છે તે જ્ઞાનવાન એવા જે એકાંતિક સંત તેને પ્રસંગે કરીને સમજાય છે. ને અક્ષરાદિક સર્વ થકી પર ને અદ્વિતીય મૂર્તિ એવા જે પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તેમને એ રીતે સર્વોપરી જાણવા એ સર્વ સત્પુરુષ ને સર્વ સત્શાસ્ત્ર તેમનો પરમ રહસ્ય અભિપ્રાય છે. ને પુરુષોત્તમને વિષે ને બીજા વિભૂતિ અવતારને24 વિષે કેમ ભેદ છે તો જેમ તીર ને તીરના નાખનારામાં ભેદ છે ને જેમ ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજામાં25 ભેદ છે ને જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદ છે તેમ પુરુષોત્તમમાં ને એ કહ્યા તે સર્વેમાં ભેદ છે. ॥૧૧॥
શ્રીજીમહારાજે સમાધિવાળા મૂળજી ભક્તને કહ્યું જે, “પુરુષોત્તમના બીજા અવતાર થયા ને થાશે ને બીજાં ધામોમાં જે સર્વે મૂર્તિઓ તે સમગ્ર રૂપને તમે જુવો.” ત્યારે તેમણે કહ્યું જે, “કેમ કરીને જોવું?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “બીજા સર્વે અવતાર તેમનું નામ લઈને એમ સંકલ્પ કરો જે એ સર્વેના કારણ હોય તો તેના પ્રતાપે કરીને મને સર્વે રૂપનાં દર્શન થાઓ.” ત્યારે ભક્તે સર્વે બીજા અવતારનાં નામ લઈને સંકલ્પ કર્યો પણ દર્શન થયું નહિ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “તે સર્વેના કારણ પ્રકટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ હોય તો મને સર્વેનું દર્શન થાઓ એમ સંકલ્પ કરો.” ત્યારે તે ભક્તે એમ સંકલ્પ કર્યો કે તત્કાળ સર્વે રૂપનાં દર્શન થયાં. એવી રીતે પોતાનો સર્વોપરી પ્રતાપ દેખાડીને પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય કરાવ્યો. ॥૧૨॥
અમદાવાદમાં શ્રી નરનારાયણદેવની પ્રતિષ્ઠા જ્યારે કરી તે સમે શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ છે તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણે કરી અને જે સાક્ષાત્ મૂર્તિમાન શ્રી નરનારાયણ બદ્રિકાશ્રમવાસી છે તથા શ્રી લક્ષ્મીનારાયણ આદિક સર્વે છે તે પ્રકટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા જે આ ભગવાન તેમની ઉપાસના કરે છે. એમ શ્રીજીમહારાજે મર્મે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી તેને જે એકાંતિક જ્ઞાનવાન ભક્ત હોય તે સમજે છે. ॥૧૩॥
દિવ ગામનો એક વાણિયો સંઘ કાઢીને દ્વારિકાની યાત્રા કરવા જતો હતો તેને લોજમાં શ્રી રામાનંદ સ્વામી મળ્યા. તેમણે કાંઈક ચમત્કાર દેખાડ્યો તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થયો. પછી ઘણેક દિવસે શ્રીજીમહારાજને દર્શને તે વાણિયો આવ્યો તેને શ્રીજીમહારાજે કહ્યું, “જે તમારે કાંઈ સંશય હોય તો આ નાના બાળક સમાધિવાળા છે તેને પ્રશ્ન પૂછો.” ત્યારે તેણે જે જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તર તે બાળકે કર્યા. તેમાં તે દ્વારા એ રામાનંદ સ્વામીના જેવો શ્રીજીમહારાજે ચમત્કાર જણાવ્યો; ત્યારે એ ભક્તે શ્રીજીમહારાજ પ્રત્યે કહ્યું જે, “હે મહારાજ! પ્રથમ હું રામાનંદ સ્વામીને ભગવાન જાણતો પણ તે રામાનંદ સ્વામીના જેવો મને આ બાળકને વિષે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાયો ત્યારે તમારા મોટા મોટા જે સાધુ ને સત્સંગી તેનો પ્રતાપ તો ઘણો હશે ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ જ અધિક હશે એમ હું જાણું છું. માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મુને જ્ઞાન થાય તેમ કૃપા કરીને કહો.” ત્યારે શ્રીજીમહારાજે તે પ્રત્યે કહ્યું જે, “અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવના દેહમાં પ્રવેશ કરીને તેના અંતરની વાર્તા જાણે એવા છે. માટે પૂર્વે થયા જે અવતાર તેના જેવું ઐશ્વર્ય તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગીમાં જણાય છે. અને અમે તો સર્વે અવતારના અવતારી સર્વોપરી પ્રકટ પુરુષોત્તમ નારાયણ છીએ.” તે વાર્તા સાંભળીને તે ભક્તને શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય થયો. પછી તે ભક્ત શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાની વાર્તા કરી તે સાંભળીને બીજા રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા જે જૂના હરિભક્ત હતા તેમના માન્યામાં ન આવી. ત્યારે શ્રીજીમહારાજ પાસે સર્વે મળીને આવ્યા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “ધ્યાનમાં બેસો ને જેમ છે તેમ એ વાત તમને જણાશે.” ત્યારે તે ધ્યાનમાં બેઠા તેમને શ્રીજીમહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિષે અનંત પાર્ષદ યુક્ત પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવ્યું ને રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર તે શ્રીજીમહારાજની સેવાને વિષે દીઠા ને સર્વે સ્તુતિ કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થયા એમ દીઠું. પછી તે ભક્તોને શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય થયો. પછી તે સર્વે ભક્તોએ સમાધિમાંથી નીસરીને કહ્યું જે, “હે મહારાજ! તમે સર્વોપરી પુરુષોત્તમ છો. માટે તમારા પુરુષોત્તમપણાના નિશ્ચયમાં સંશય ન થાય એવી કૃપા કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ પુરુષોત્તમ તો આ બ્રહ્માંડને વિષે ક્યારેય આવ્યા નથી ને આવશે પણ નહિ માટે આ તો સર્વોપરી મૂર્તિ છે માટે આ જે નિશ્ચય તે ફરવા દેવો નહિ.” ॥૧૪॥
શ્રીજીમહારાજે નાગડકાને વિષે પરમહંસ આગળ વાર્તા કરી જે પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થઈ ગયા ને આગળ બીજા થાશે તથા બીજાં ધામોને વિષે જે મૂર્તિઓ છે તે સર્વેના કારણ ને સર્વે થકી પર આ પ્રકટ પુરુષોત્તમ નારાયણ અમે છીએ તેમાં જો ખોટું કહેતા હોઈએ તો સર્વે પરમહંસના સમ છે. એવું જે પ્રકટ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન તેમાં જો ખામી રહી જાશે તો કોઈ રીતે વાંધો નહિ ભાંગે. અને જેમ વૈકુંઠવાસીને રહેવાનું વૈકુંઠ ધામ છે ને ગોલોકવાસીને રહેવાનું ગોલોક ધામ છે તેમ અમારે રહેવાનું અક્ષરધામ છે. તે અક્ષરાતીત પ્રકટ પુરુષોત્તમનો જેને નિશ્ચય થયો છે ને સર્વેના કારણ જે અક્ષરબ્રહ્મ તે રૂપ પોતાના આત્માને નથી માનતો તેને તો પ્રકટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય નથી ને જેને મહિમાએ સહિત પ્રકટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય થયો છે તે તો મૂળપુરુષથી પર અક્ષરરૂપ26 પોતાના આત્માને માનીને અક્ષર જેવા અનંત કોટી મુક્ત સેવ્યા જે અક્ષરાતીત પ્રકટ પુરુષોત્તમ તેમની ઉપાસના ભક્તિ કરતો થકો પોતાને પૂર્ણકામ માને છે તે આ વાર્તા યથાર્થ એકાંતિક ભગવાનના ભક્ત હોય તેને પ્રસંગે કરીને સમજાય છે, પોતાના બુદ્ધિબળે કરીને તથા શાસ્ત્રે કરીને પણ પોતાની મેળે સમજાતી નથી. ॥૧૫॥
વળી મહાપુરુષથી પર જે અક્ષરબ્રહ્મ તે કેવા છે તે કહીએ છીએ જે મહાપુરુષના રૂંવાડાના છિદ્રને વિષે એક એક થકી દશ દશ ગણાં અધિક જે અષ્ટ આવરણ તેણે વીંટાણાં એવાં અનેક કોટી વિરાટરૂપ જે બ્રહ્માંડ તે ઉડ્યા કરે છે અને તે કોટી બ્રહ્માંડના કારણ એવા જે અનેક કોટી મહાપુરુષ તે અક્ષરના રૂંવાડાના છિદ્રને વિષે રહ્યું જે તેજ તે તેજને વિષે અક્ષરની સામર્થીએ કરીને અનંત કોટી ઉપજે છે ને અનંત કોટી લીન થાય છે. એવું સનાતન અખંડ, નિર્ગુણ સચ્ચિદાનંદ, પરમપદ, અનંત જે અક્ષરબ્રહ્મ તેને વિષે કાળ, માયા ને પુરુષ તે લીન થાય છે એવું હરિકૃષ્ણ પુરુષોત્તમને રહેવાનું ધામ છે. ને તેને વિષે અસંખ્ય બ્રહ્મરૂપ મુક્ત છે તે જે તે અતિ હેતે કરીને એ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદની ઉપાસના કરે છે. તે હરિકૃષ્ણ પુરુષોત્તમનું સ્વરૂપ દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે સમગ્ર પૃથ્વી છે તેને મધ્યે પર્વત, વૃક્ષ, મનુષ્ય સર્વે સ્થાવર જંગમે સહિત બિલોરી કાચની ભૂમિ હોય ને તે ઉપર આકાશને વિષે રહ્યા જે તારા તેટલા સૂર્ય એક કાળે તપે એવી રીતની શોભાએ યુક્ત જે પ્રકાશ તે જે તે અક્ષરધામના જે મુક્ત તેના એક રોમના પ્રકાશમાં એ સમગ્ર પ્રકાશ લીન થઈ જાય ને એવા અનંત મુક્ત તેના સર્વ પ્રકાશને લીન કરી નાખે એવો પ્રકાશ અક્ષરબ્રહ્મના એક એક રોમને વિષે છે ને એવા જે અક્ષરબ્રહ્મ તે અનંત અક્ષરબ્રહ્મના પ્રકાશને લીન કરી નાખે એવો પ્રકાશ અનાદિ સનાતન દિવ્ય મૂર્તિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેના એક એક રોમમાં છે એવા જે સાક્ષાત્ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેનો મહિમાએ સહિત આશરો કરવો. જેમ બપૈયાને સ્વાંતના જળનો27 આશ્રય છે ને ચકોરને ચંદ્રમાનો છે તેવો આશ્રય કરવો એ અવશ્ય કરવાનું છે. ॥૧૬॥
અનંત દિવ્ય ચક્ષુએ કરીને ને અનંત પ્રકારની જ્ઞાનગોષ્ટિએ કરીને પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો મહિમા નિત્ય પ્રત્યે નવો નવો અનુભવીને સર્વ વાસના છેદીને એક પુરુષોત્તમમાં લોભાવું એ જ્ઞાનીનું લક્ષણ છે. ॥૧૭॥
અક્ષર વ્યતિરેકપણે28 કરીને તો હરિકૃષ્ણ પુરુષોત્તમ અને બ્રહ્મસ્વરૂપ થયેલા પુરુષોત્તમના અનંત કોટી મુક્તોને ધરી રહ્યા છે અને અન્વયપણે29 કરીને તો જગતની ઉત્પત્તિ અને સ્થિતિના કારણ એવા જે ઈશ્વરકોટી તેને તથા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એ બેયને વિષે જીવ, ઈશ્વરના દેહને તથા સુષુપ્તિના સાક્ષીપણે કરીને તો અનંત કોટી બ્રહ્માંડાભિમાની ઈશ્વરને30 અને અનેક કોટી પિંડાભિમાની જીવને31 ધરી રહ્યા છે. ને પોતે તો પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમની ઉપાસનાને વિષે તત્પર છે. ॥૧૮॥
અનંત એવું જે અક્ષરધામ અને અનંત કોટી અક્ષરરૂપ મુક્ત ને અક્ષરધામની અનંત દિવ્ય સમૃદ્ધિ ને અનંત વિભુતિયું ને અનંત માયા સબલિત બ્રહ્મ32 એ સર્વે પુરુષોત્તમનું શરીર છે એવા જે પ્રકટ હરિકૃષ્ણ પુરુષોત્તમ જે શ્રી સહજાનંદ સ્વામી તેમણે પોતાનું પુરુષોત્તમપણું કહ્યું કે, “જેવો હું પ્રકટ મૂર્તિમાન છું તેવો અક્ષરાદિક સર્વને વિષે અખંડ રહ્યો છું ને આ સભાને વિષે પ્રત્યક્ષ છું એમ હું અખંડ દેખું છું ને અક્ષરધામના મુક્ત સત્સંગમાં જે યોગ સમાધિવાળા મોટા સંત તે પણ દેખે છે.” એવી રીતે પોતાના એકાંતિક મોટા સાધુ બેઠા હતા ત્યાં શ્રીજીમહારાજે વાર્તા કરી. ॥૧૯॥
ભૂજનો એક જમાદાર સત્સંગી સમાધિવાળો હતો તેની વાત મહારાજે કરી જે, “આ જમાદાર છે તે સર્વે પેગંબર અમારી સ્તુતિ કરે છે એવા અમને અક્ષરધામને વિષે અખંડ દેખે છે અને જ્યાં જ્યાં પ્રકટ પુરુષોત્તમપણાની વાત આવે છે ત્યાં ત્યાં સર્વેની બુદ્ધિ ભ્રમી જાય છે પણ સર્વ ઠેકાણે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઈને બીજાને પુરુષોત્તમ કહ્યા છે. ॥૨૦॥
શ્રીજીમહારાજે વડતાલમાં સાત દિવસ સુધી પ્રકટ પુરુષોત્તમપણાની વાત કરીને પછી કહ્યું જે, “મારી વાતનું રહસ્ય તો આ સાધુ નિત્યાનંદ સ્વામી સમજે છે.” પછી સર્વ સંતોએ કહ્યું જે, “એ કેમ સમજે છે?” ત્યારે શ્રીજીમહારાજે એ સર્વેને આ પ્રશ્ન પૂછ્યો. પછી એ સર્વેએ ઉત્તર કર્યો ત્યારે એ સાધુએ કહ્યું જે, “તમે પુરુષોત્તમ કહ્યા તે તો મહાપુરુષ છે ને પુરુષોત્તમ તો અક્ષર થકી પર પ્રત્યક્ષ પ્રમાણ આ શ્રીજીમહારાજ છે. ॥૨૧॥
સત્સંગી જીવનમાં ઉપાસનાનો પ્રસંગ33 નીસર્યો ત્યારે આઠ દિવસ સુધી વાદવિવાદ થયો. પછી કોઈકે કહ્યું જે, “બીજા અવતાર જેવા મહારાજને કહો,” ત્યારે એ સાધુએ કહ્યું જે, “બીજા અવતાર જેવા મહારાજને કેમ કહેવાય? ને બીજા અવતારે પોતાને વિષે ક્યારે ચોવીસ અવતારને લીન કર્યા છે? અને મહારાજે તો પોતાને વિષે ચોવીસે અવતાર તથા ભૂમાપુરુષાદિક અનંત અનંતને લીન કરી દેખાડ્યા છે. તથા એ સર્વેને પોતાની પૂજા કરતાં દેખાડ્યા તથા પોતાના ભક્તદ્વારે એવાં ઘણાંય ઐશ્વર્ય જણાવ્યાં એ આદિ અનંત આશ્ચર્યકારી ચમત્કાર દેખાડ્યો એવા જે અક્ષરાતીત શ્રી સહજાનંદજી મહારાજ તે તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી છે તેમને બીજા અવતાર જેવા કેમ કહેવાય? અને તે અનંત જે મહા અદ્ભુત અદ્ભુત શ્રીજીમહારાજનાં ઐશ્વર્ય તે ખોટાં પડે?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “ઠીક કહે છે. ને ઠીક સમજે છે. ને જે ઉપાસક હોય તે તો આવા હોય ને તમે સર્વે અમારા ભેળા ફરી ગયા પણ અમે તો કેમ કહેતા હશું ને કેમ જાણતા હશું.” એમ કહીને એ સાધુને હાર આપ્યો ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે આ વાત મારી માની નહિ તો બીજાની તો માને જ કેમ? ॥૨૨॥
એક સાધુને શ્રીજીમહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થાતો. પછી તેને સમાધિમાં અક્ષરધામને વિષે અનંત અનંત મહા આશ્ચર્ય અને મુક્ત સહિત મહારાજે દર્શન દીધાં તો પણ પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો નહિ. પછી શ્રીજીમહારાજે એ સાધુને કહ્યું જે, “આ અનંત મુક્તોની પૂજા એકકાળાવચ્છિન્ન34 કરો ને પછી તમારે વિષે લીન કરો.” ત્યારે એ સાધુએ કહ્યું જે, “એમ કેમ થાય, મહારાજ?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “ચોવીસ અવતારનાં નોખાં નોખાં નામ લઈને સંકલ્પ કરો જે એ પુરુષોત્તમ હોય તો તેની સામર્થીએ કરીને એટલા રૂપે હું થાઉં.” પછી એ સર્વેનાં નામ લઈને કહ્યું પણ અનંત રૂપે ન થવાણું. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “અમારું શ્રી સહજાનંદ નામ લઈને સંકલ્પ કરો જે શ્રી સહજાનંદ સર્વ અવતારના અવતારી સર્વોત્કૃષ્ટ પુરુષોત્તમ હોય તો હું અનંતરૂપે થાઉં.” પછી શ્રીજીમહારાજનું નામ લીધું ત્યારે અનંતરૂપે થવાણું. પછી સર્વે મુક્તોની એકકાળાવચ્છિન્ન પૂજા કરી ને સર્વેને પોતાને વિષે એકકાળાવચ્છિન્ન લીન કર્યા. પછી સમાધિમાંથી આવ્યા ત્યારે વાત વિસ્તારીને કરી જે, “શ્રી સહજાનંદ સ્વામી સર્વે અવતારના અવતારી સર્વોત્તમ પુરુષોત્તમ છે.” ॥૨૩॥
મહામાયાને35 વિષે અનંત કોટી પ્રધાનપુરુષ ને અનંત કોટી વૈરાજપુરુષ લીન થાય છે અને પાછા ઉત્પન્ન થાય છે, અને કૈવલ્યાર્થી36 જે અનંત મુક્ત તે જેમ અક્ષરમાં લીન થાય છે ને પાછા ઉપજે છે અને જેમ ઐશ્વર્યાર્થી37 અનેક મહાપુરુષાદિકમાં લીન થાય છે અને પાછા ઉત્પન્ન થાય છે. તેમ અનેક કોટી સામાન્ય હેત માહાત્મ્યે યુક્ત જે મુક્ત તે તો અક્ષરના સુખને ભોગવે છે. તથા ભગવાનના સુખને પણ ભોગવે છે. ને અનંત કોટી ચિત્ર-વિચિત્ર મહા આશ્ચર્યરૂપ ને અત્યંત સ્નેહ માહાત્મ્યે યુક્ત જે એકાંતિક મુક્ત તે તો બ્રહ્મરૂપ થકા પ્રત્યક્ષ શ્રી સહજાનંદ પુરુષોત્તમ તેની ઉપાસના કરે છે. અને રાજા અને રાજાના ચાકરમાં ભેદ છે અને સૂર્ય અને પતંગિયામાં ભેદ છે ને જેમ ચંદ્રમા ને તારામાં ભેદ છે, તેમ પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઈને એ અક્ષરાદિકને ભગવાન, પુરુષોત્તમ, કારણ, અવતારી કહ્યા હોય તે તો આ દૃષ્ટાંત દીધાં તેમ જાણવું. અને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ પ્રકટ હરિકૃષ્ણ પુરુષોત્તમ છે એમ સર્વે મોટા સંતનો અને શ્રીજીમહારાજનો સિદ્ધાંત છે. ॥૨૪॥
દલુજીએ સંતદાસજીને પૂછ્યું જે, “શ્રીજીમહારાજ શું કરે છે? ને આ અવતાર શ્રીજીમહારાજનો કેવો જાણો છો?” ત્યારે સંતદાસજીએ કહ્યું જે, “આ અવતાર નહિ આ તો સર્વોપરી અવતારી છે તે સર્વોપરી કલ્યાણ જીવનું કરે છે, ને આવા તો કોઈ થયા નથી ને થાશે પણ નહિ એવા તો એ એક જ છે ને હું પણ સર્વ ધામો પ્રત્યે જાઉં છું ત્યારે સર્વે તે ધામના વાસી જ કહે છે જે શ્રી સહજાનંદ હરિકૃષ્ણ તો સર્વે અવતારના અવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ છે.” પછી દલુજી બોલ્યા જે, “આ તો અવતારી સર્વોત્કૃષ્ટ પૂર્ણ પુરુષોત્તમ છે એમ હું પણ જાણું છું.” ॥૨૫॥
એક હરિભક્તે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું જે, “આ શ્રીજીમહારાજનો અવતાર કેવો જાણવો?” ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું જે, “આ અવતાર નહિ, આ તો રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી પ્રકટ પુરુષોત્તમ છે. ને બીજા અવતારના જેવી કળાઓ38 તો પોતાના ભક્તમાં છે.” ॥૨૬॥
એક સાધુ કહે, “મારે તો બધુંય બ્રહ્માંડ દેખાય છે.” ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા જે, “તમારે તો એક બ્રહ્માંડ દેખાય છે, ને મારે તો અનંત આશ્ચર્ય ને અનંત કોટી બ્રહ્માંડ ને ગોલોકાદિક ધામ તે હસ્તામલ39 દેખાય છે એ તો રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી શ્રી સહજાનંદ પુરુષોત્તમ તેની મૂર્તિના ધ્યાનનો પ્રતાપ છે.” ॥૨૭॥
રામાનંદ સ્વામીએ પોતાની ધર્મધૂરંધરપણાની શ્રી સહજાનંદ સ્વામીને સોંપણી કરી ત્યારે કોઈને સંશય થયો જે મોટા સાધુ છે તેને સોંપણી કેમ ન કરી? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું, “નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ ને અક્ષરાદિક સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય, પૂજવા-સેવવા યોગ્ય છે ને અમે પણ એમના મૂક્યા આવ્યા છીએ અને આ તો અનેક જીવોનાં કલ્યાણ કરતા કરતા આવે છે ને આ તો સર્વોપરી રામકૃષ્ણાદિક અવતારના અવતારી છે તે હરિપ્રસાદ નામે વિપ્રને ઘેર પ્રકટ થયા છે માટે એ તો સર્વેને માનવા, ભજવા, પામવા યોગ્ય છે અને જેમ પૃથ્વીને વિષે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તે ચિત્ર વિચિત્ર અનંત અનંત પ્રકારના છે, તેમ સર્વે અવતાર ને સર્વે વિભૂતિ થકી ને સર્વે શક્તિ થકી ને અક્ષરના મુક્ત ને અક્ષરધામ એ સર્વે થકી અતિ સર્વોત્કૃષ્ટ અક્ષરાતીત સર્વ સુખમય ને સર્વ આનંદમય ને સર્વ સુંદરતાનું ને સર્વ લાવણ્યતાનું ને સર્વે સુખનું ભાજન40 છે એવા જે શ્રી સહજાનંદ પુરુષોત્તમ તે સર્વોપાસ્ય રાજાધિરાજ ને સર્વે અવતારના અવતારી છે.” ॥૨૮॥
શ્રીજીમહારાજે વાત કરી જે, “સર્વે જીવ, ઈશ્વર, વિભૂતિઓ, ધામ, શક્તિઓ, ઐશ્વર્ય ને મુક્ત એ સર્વેનું સ્વરૂપ, સ્વભાવ એમને સહજ સ્વભાવે અખંડ અમે જાણીએ, દેખીએ છીએ ને એ સર્વે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ કોઈ દેખવા, જાણવા સમર્થ નથી ને હું પણ પ્રકટ પ્રમાણ સર્વ અવતારનો અવતારી ને તમારો સર્વેનો ઉપાસ્ય, ગુરુ, ઇષ્ટદેવ ને અક્ષર પર એવો જે હું તે પણ મારી મૂર્તિના મહિમાનો અંત નથી પામતો ને એ સર્વે જે કહ્યા તે સર્વેની સામર્થી મારી મૂર્તિના એક રોમના કોટી કોટીમા ભાગની બરોબર નથી આવતી એવી અનવધિકાતિશય41 ને મહા આશ્ચર્યમય આ મૂર્તિ છે એમાં કિંચિત માત્ર સંશય નથી એમ મારો સિદ્ધાંત છે.” ॥૨૯॥
શ્રીજીમહારાજ ગુજરાતમાં હતા પછી અસુરે આવીને સંતને કષ્ટ દીધું ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મારા પરમહંસોની સર્વે મોટા મોટા દેવ તથા અક્ષરાદિક મુક્ત ને સર્વ અવતાર તે પ્રાર્થના કરે છે ને દર્શનને ઇચ્છે છે ને એક કીડી જેવા જીવને પણ દુભે નહિ એવા જે સંત તેને દુષ્ટ દુઃખ દીધું.” પછી એમ કહીને ઉત્તર મુખે ઉદાસી થઈને બેઠા. તેટલાકમાં બ્રહ્માદિક દેવોએ જાણ્યું જે આજ તો સર્વે બ્રહ્માંડનો નાશ થાશે. એટલામાં મહાકાળ, સંકર્ષણ, શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યા જે, “હે મહારાજ! તમે જે આજ્ઞા કરો તે અમે કરીએ ને અમે તમારા સેવક છીએ તે તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે? તેનો ક્ષણ માત્રમાં નાશ કરીએ.” પછી દિવ્ય ચક્ષુવાળા સંત રામદાસભાઈ હતા. તેમણે કહ્યું જે, “હે સ્વામીન્! આજે તમે આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છો ને સાધુનું તો કોઈ માન, અપમાન કરે તે સહન કરવું તે સંતનો ધર્મ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે આપણું કર્યું થાય છે. જુઓને સર્વે અવતાર અમારે વિષે લીન થાય છે ને આ સર્વ સભાને અમે અક્ષરધામને વિષે દેખીએ છીએ અને જે આપણી વાત માને છે તેનું કલ્યાણ થાય છે અને જે નથી માનતા તેનું નથી થતું. અને અમારા શરીરમાં કાંઈ કસર જેવું થયું ત્યારે જગતમાં અનેક જીવોનો નાશ થઈ ગયો ને જ્યારે આપણે ખટરસ ને વસ્ત્ર ત્યાગ કર્યાં ને તાટ પહેર્યાં ત્યારે જગતમાં અન્ન વસ્ત્ર મળ્યું નહિ ને હેરાન થઈ ગયા. માટે સર્વે આપણું જ કર્યું થાય છે, બીજા કોઈનું કર્યું થાતું નથી ને તમારા શરીરમાંથી કોટી કોટી સૂર્યના પ્રકાશથી અધિક પ્રકાશ નીકળે છે એવા સામર્થ્યે યુક્ત તમે છો એમ હું દેખું છું.” પછી તે સંત બોલ્યા જે, “હે મહારાજ! તમે તો સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ છો. માટે તમે દેખો તેમાં શું કહેવું? તમે તો દિવ્ય એવા જે ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પાર્ષદ ને શક્તિઓ તેણે યુક્ત એવા અનાદિ નિત્ય સિદ્ધ, સર્વોત્કૃષ્ટ, પરિપૂર્ણ ને અનવધિકાતિશય કલ્યાણકારી ગુણે યુક્ત થકા એકાંતિક ભક્તને સુખ દેવાને અર્થે કૃપા કરીને હરિપ્રસાદને ઘેર પ્રગટ થયા છો. અને તમારી ઉપાસના થકી અમે પણ પરાવર42 અને હસ્તામળ દેખીએ છીએ ને ધર્મ, જ્ઞાન આદિક અનંતગુણે યુક્ત થયા છીએ. માટે કોઈ માન અપમાન કરે તેનો ભાર ગણતા નથી ને તમારી મરજી ને રાજીપો જેમ હશે તેમ કરશું અને અમારે આ લોક પરલોકમાં તમારા વિના બીજું કાંઈ વહાલું નથી અને તમે તો અમારા જીવનપ્રાણ છો અને તમને પ્રસન્ન કરવાને તો અનંત જન્મ ધરીને માયિક સુખ ને ભૂંડા સ્વભાવ તેનો ત્યાગ કરી દઈએ.” ॥૩૦॥
કોટી સૂર્યના તેજથી કોટી ગણું તેજ તે વૈકુંઠના મુક્તમાં છે અને તેથી કોટીગણું તેજ તે ગોલોકના મુક્તમાં છે અને તેથી અનંત કોટીગણું તેજ તે અક્ષરધામના મુક્તના રોમને વિષે છે ને તે સર્વે મુક્તોનું તેજ તે અક્ષરધામના એક દેશને વિષે સમાઈ જાય છે એવો અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વે ભેળો કરીએ તો સર્વે અવતારના અવતારી જે શ્રી હરિકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમના એક રોમના કોટીમા ભાગની પાશંગના43 બરોબર નથી આવતો એવા પુરુષોત્તમ છે. તે દિવ્ય તેજ, ઐશ્વર્ય, પ્રતાપ, બલ, કીર્તિ, સ્વરાટ,44 સત્યસંકલ્પ એવા અનેક દિવ્યગુણે યુક્ત એ મૂર્તિ છે ને અનવધિકાતિશય અનેક નિરંકુશ દિવ્ય એવાં ઐશ્વર્ય તેણે યુક્ત થકા ને શ્રી ધર્મદેવ ને ભક્તિ થકી છે જન્મ જેમનો એવા જે શ્રી સ્વામિનારાયણ તે જ અક્ષરાતીત સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છે. તેમાંથી સર્વ અવતાર પ્રકટ થાય છે ને પાછા તેમને વિષે લીન થાય છે તે જેમ તારા ચંદ્રમાને વિષે લીન થાય છે અને જેમ ચંદ્રમા સૂર્યને વિષે લીન થાય છે તેમ લીનતા છે, પણ જેમ જળમાં જળ મળે છે ને અગ્નિમાં અગ્નિ મળે છે તેમ નથી. અવતાર ને અવતારીમાં તો ઘણો ભેદ છે એમ જાણવું. તે માટે દિવસે દિવસે શ્રદ્ધા, જ્ઞાન, માહાત્મ્ય, વિશ્વાસ, પ્રીતિ, આશ્રય અને અનુવૃત્તિ તે અધિક અધિક સમજાય તેવો શાંતપણે ઉપાય કરવો ને તેવા સંગ ને તેવાં શાસ્ત્રોનો જોગ રાખવો એ સર્વે મોટા સંતોનો ને શ્રીજીમહારાજનો પરમ રહસ્ય અભિપ્રાય છે. ॥૩૧॥
એવા જે પ્રત્યક્ષ શ્રી સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક45 તેમની મૂર્તિના બે ચરણારવિંદથી લઈને મસ્તક પર્યંત સર્વે અંગને પૃથક્ પૃથક્ ધારીને એકાંત સ્થળને વિષે બેસીને ઇંદ્રિયો, મન, પ્રાણ, તેમનો પ્રત્યાહાર46 કરીને પૂર્વાપર રાત્રિને47 વિષે અતિ દૃઢ મતિએ કરીને અતિ દૃઢ ચિત્તે કરીને અતિશય સ્થિર થઈને યોગી તેણે શ્રીહરિજીનું ધ્યાન કરવું અને સાધ્વી, ચકોર, શલભ,48 મચ્છ, ચકવા, ચકવી ને બપૈયા49 એ જેમ પોતાના વિષયમાં નિમગ્ન છે તેમ યોગી જે તે શ્રીહરિની મૂર્તિમાં અતિશય આનંદિત થકો નિમગ્ન રહે ને જેમ સમુદ્ર મંથન કરવાને સમયે દેવ દાનવ મનમાં દૃઢ વિશ્વાસ રાખીને મંડ્યા હતા તેમ યોગી તેણે મનમાં દૃઢ વિશ્વાસ રાખીને ભગવાનની મૂર્તિને ધારવાનો નિત્યે નવો નવો અધ્યાસ50 રાખવો ને રસાસ્વાદ, નિદ્રા, હિંસા ને વિક્ષેપ એ ધ્યાનના વિરોધી છે માટે એનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહિ તો ન થાય. અને જાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું માન તેનો ત્યાગ કરીને સમગ્ર સાધુ સત્સંગી તેના દાસાનુદાસ થઈને રહે છે તેને જ શ્રીહરિજીનું ધ્યાન થાય છે. ॥૩૨॥
શ્રીહરિનું સમગ્રપણે માહાત્મ્ય જાણ્યા વિના બીજાં કોટી સાધન કરે પણ સર્વ ક્રિયાને વિષે અખંડ નામ રટણ ને મૂર્તિની સ્મૃતિ રહે નહિ. અને સ્વસ્તિક આસને કરીને નાસિકાગ્ર વૃત્તિ રાખીને દેહને સમ રાખીને પછી નેત્રને મીંચીને પ્રતિલોમ51 વૃત્તિએ અંતરમાં મૂર્તિને સન્મુખ રહીને ધ્યાન કરવું અને યુક્ત છે આહારવિહાર52 આદિક જેને એવો થકો, શુદ્ધ જીવરૂપ થઈને અતિશય રોમાંચિતે કરીને અતિશય ગદ્ગદ કંઠે કરીને અતિશય હર્ષાયમાન થકો, અને અતિશય ત્વરાએ કરીને અતિશય દાન્ત53 થકો, ને અતિશય શાંત થકો ને અતિશય સમાહિત54 થકો પ્રત્યક્ષ મૂર્તિ જે શ્રીહરિજી તેમના સ્વરૂપનો અતિશય મહિમા સમજે જે અનંત અપાર ધામરૂપ જે અક્ષરબ્રહ્મ તેનું સમગ્ર સુખ ભેળું કરીએ તો શ્રીહરિજીના એક રોમના સુખની બરોબર ન આવે. એવો દૃઢ જ્ઞાની છે તેને જ શ્રીહરિજીનું ધ્યાન થાય છે. ॥૩૩॥
આ લોક ને પરલોકને વિષે દુર્લભમાં દુર્લભ શું? તો શ્રીહરિજીના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશ્રય, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય એ જ દુર્લભમાં દુર્લભ છે ને સારમાં સાર છે. ॥૩૪॥
અને સત્શાસ્ત્રનો ને ધર્મનો અધિકારી હોય અને સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય તેને મધ્યે ભગવાનને અર્થે પ્રયત્નને કરતો હોય ને તે મધ્ય ભગવાનને જાણીને યત્ન કરતો હોય એવા હજારો હજાર ભેગા કરીએ તો તે મધ્યે કોઈક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય તે અંતે રહિત છે તો પણ તેને તત્ત્વે કરીને યથાર્થ પોતાના જ્ઞાનની વિશાળતાને અનુસારે કોઈક જાણે છે પણ જેમ છે તેમ તો અંતને નથી પામતો, ને ભગવાન પોતે પણ પોતાના મહિમાના અંતને નથી પામતા તો બીજા તો પામે જ કેમ? એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમણે અનેક કોટી બ્રહ્માંડનાં ને બ્રહ્મપુરાદિક ધામનાં જે સમગ્ર ઐશ્વર્ય તે પોતાની મૂર્તિને આધીન છે તે સમાધિએ કરીને દેખાડીને તથા સહુ સહુના ઇષ્ટદેવરૂપે પોતે પોતાનું દર્શન દઈને અનંત જીવને પોતાનો સર્વોપરી મહિમાએ સહિત નિશ્ચય કરાવ્યો. એવી રીતે સર્વોપરી ને સ્વરાટ થકી પોતે વર્તે છે એમ પ્રત્યક્ષ મૂર્તિ જે શ્રીહરિજી તેમનો મહિમા સમજે છે તેને જ શ્રીહરિજીનું ધ્યાન થાય છે. દેહ અને દેહ સંબંધી પદાર્થ તેને કાકવિષ્ટા55 તુલ્ય જાણે ને કોઈના ગુણદોષમાં ન ભળે ને નિંદા સ્તુતિનો ત્યાગ કરે અને નેત્ર, શ્રોત્ર અને વાણી તેને જીતે અને ઠેકડી, મશ્કરી, આળસ, પ્રમાદ તેને ટાળે અને યથાર્થ નિર્બીજ56 સાંખ્ય ને નિર્બીજ યોગને જાણે અને સબીજ57 સાંખ્ય58 ને સબીજ યોગ59 તેને શુદ્ધ સંપ્રદાયે કરીને એકાંતિક સંત થકી જે સમજે છે તેને મૂર્તિનું ધ્યાન થાય છે. ॥૩૫॥
પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો અવતાર જીવના કલ્યાણને અર્થે દયાએ કરીને પૃથ્વી ઉપર થાય છે ત્યારે તેમનું સામર્થ્ય, વાર્તા તથા ભક્ત ઇત્યાદિક સર્વે તે બીજા જે આવિર્ભાવ60 તે થકી વિલક્ષણ61 હોય છે તે ઉત્તમ મુમુક્ષુના જાણવામાં આવે છે. ॥૩૬॥
સર્વે સમાન છે એમ કહે છે તેની વિગત જે જેમ ચિંતામણિ આગળ પારસમણિ આદિક સર્વે સમાન છે ને પારસમણિ આગળ હીરા, ઝવેરાત, મોતી આદિક સર્વે સમાન છે તેમ પુરુષોત્તમ ભગવાન આગળ સર્વે અક્ષરાદિક સમાન છે ને તે અક્ષર ને તેમાં રહ્યા જે મુક્તો તેની આગળ મૂળપુરુષાદિક ને તેની આગળ પ્રધાનપુરુષાદિક ને તેની આગળ વૈરાજપુરુષાદિક ને તેની આગળ બ્રહ્માદિક એમ એકને આગળ બીજા સર્વે સમાન છે. ॥૩૭॥
સનકાદિક જે તે ત્યાગી છે ને નિષ્કામાદિક ધર્મને62 વિષે અતિ કુશળ છે તો પણ વૈરાજ ભેગા કેમ લયને પામે છે ને ફરી પાછા કેમ ઉપજે છે? ઉત્તર જે એમને વૈરાજપુરુષની63 ઉપાસના છે તેણે કરીને વારંવાર જન્મ મૃત્યુને પામે છે ને મુમુક્ષુના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે દત્ત, કપિલજી તે શ્રેષ્ઠ જણાય છે ને એથી ઋષભદેવજી શ્રેષ્ઠ જણાય છે ને તે કરતાં રામચંદ્રજી શ્રેષ્ઠ જણાય છે ને તે કરતાં શ્રીકૃષ્ણ ભગવાન તો અતિશય શ્રેષ્ઠ છે ને અતિ સમર્થ છે ને એ સંગાથે જે ભાવે કરીને જે જોડાય છે તેનું કલ્યાણ થઈ જાય છે. તે કહ્યું છે જે “कामाद्भयात्स्नेहाद्वापि”64 એ રીતે ભાગવતના શ્લોકમાં વાત કહી છે ને આજ તો આશ્રય માત્રે કરીને કલ્યાણ થઈ જાય છે એવી અલૌકિક વાત છે પણ એટલે કરીને પૂર્ણ થાવું ને ધર્મજ્ઞાનાદિક પુરુષ પ્રયત્ને કરીને શીખીને શ્રીજીના એકાંતિક ભક્ત થાવું ને સત્સંગ કર્યાનું એ જ ફળ છે. ॥૩૮॥
શ્રીજીમહારાજનો મહિમા એમ સમજવો જે જેમ નવસો નવાણું નદીઓનું પૂર ભેળું વહેતું હોય તો લાખ મણના પાષાણાદિક તણાઈ જાય પણ કાંઈ ટકી શકે નહિ. તેમ પુરુષોત્તમની મોટપ સર્વે કરતાં અધિક જાણવી. તે મોટપ એમ જાણવી જે બ્રહ્માદિક સર્વે દેવ થકી તથા કાળ માયાદિક સર્વે થકી તથા અક્ષરના સાધર્મ્યપણાને65 પામ્યા જે અનંત કોટી મુક્ત તથા અક્ષર સર્વે થકી મહારાજ પર વર્તે છે ને સર્વેના પ્રેરક, પ્રવર્તક ને નિયંતા છે ને જ્ઞાન, ઐશ્વર્ય ને સેવ્ય છે ને સર્વેના સ્વામી છે ને ભજનીય છે. એવી રીતે શ્રીજીમહારાજનો મહિમા યથાર્થપણે સમજવો. ॥૩૯॥
વ્યાપકાનંદ સ્વામીને શ્રીજીમહારાજને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય થાતો નહોતો. પછી શ્રીજીમહારાજે એમને સમાધિ કરાવીને અક્ષરધામને વિષે અનંતકોટી મુક્ત સોતું પોતાનું દર્શન કરાવ્યું તો પણ નિશ્ચય થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “આ સર્વે મુક્તોનાં રૂપને ધરી ધરીને અમારી પૂજા આરતી કરો.” ત્યારે તે કહે જે, “કેમ ધારું?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “રામાનંદ સ્વામી જો પુરુષોત્તમ ભગવાન હોય તો મુને સર્વે મુક્તોનાં રૂપને ધરતાં આવડો એમ સંકલ્પ કરો.” ત્યારે તેમણે તેમ સંકલ્પ કર્યો તો પણ ન ધરાણું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ચોવીસ અવતાર જો પુરુષોત્તમ ભગવાન હોય તો એમનાં રૂપને ધરતાં આવડો એમ કહો.” ત્યારે તેમણે તેમ કહ્યું તો પણ ન ધરાણું. ત્યારે ફરીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો આ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન હોય તો મુને સર્વે મુક્તોનાં રૂપને ધરતાં આવડો એમ કહો.” ત્યારે તેમણે તેમ કહ્યું ત્યારે તેમને સર્વે મુક્તોનાં રૂપને ધરતાં આવડ્યું. પછી એમને પુરુષોત્તમપણાનો નિશ્ચય શ્રીજીમહારાજને વિષે યથાર્થ થયો. ॥૪૦॥
એક દિવસ શ્રીજીમહારાજે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું જે, “તમે ઇન્દ્રલોકમાં જાઓ.” ત્યારે તેમણે કહ્યું જે, “જઈ આવ્યો.” ત્યારે ફરીને આજ્ઞા કરી જે, “બ્રહ્માના કમળના નાળનો પાર લઈ આવો.” ત્યારે તે કહે જે, “પાર લઈ આવ્યો.” ત્યારે વળી આજ્ઞા કરી જે, “ગોલોક, વૈકુંઠ ને બ્રહ્મધામને વિષે જાઓ.” ત્યારે તે કહે જે, “જઈ આવ્યો.” ત્યારે વળી આજ્ઞા કરી જે, “ભૂમાપુરુષ66 પાસે જાઓ.” ત્યારે તે કહે જે, “ત્યાં તો હજાર માથાનો દૈત્ય માર્ગ રોકીને રહ્યો છે તે કેમ જવાય?” ત્યારે શ્રીજીએ કહ્યું જે, “તમે પણ તેવા રૂપને ધરીને તેને જીતીને જાઓ.” ત્યારે તેણે તેમ કર્યું ને ફરી તેણે કહ્યું જે, “બીજો દશ હજાર માથાનો દૈત્ય આગળ માર્ગમાં છે તે કેમ જવાય?” ત્યારે શ્રીજીમહારાજ કહે, “તમે પણ તેથી મોટું રૂપ ધરીને ને તેને જીતીને જાઓ.” પછી તે તેમ કરીને ભૂમાપુરુષ પાસે ગયા. ત્યારે ભૂમાપુરુષે કહ્યું જે, “પુરુષોત્તમનો પ્રગટપણે પૃથ્વીને વિષે અવતાર થયો?” ત્યારે સંત કહે, “હા, થયો.” એ વાર્તા સાંભળીને ભૂમાપુરુષ જે તે અતિશય ગદ્ગદ કંઠ થઈને રાજી રાજી થઈ જાતા હવા. ને તે સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશય સુગંધીમાન ને અતિ સરસ પુષ્પ ચંદનાદિકે કરીને અતિશય ભારે પૂજા કરતા હવા. ને અતિશય આનંદે સોતા શ્રીજીમહારાજના સમાચાર પૂછીને બોલ્યા જે, “મને જ્યારે આ સ્થાનકને વિષે મહારાજે મોકલ્યો હતો ત્યારે કહ્યું હતું જે, ‘અમો બ્રહ્માંડને વિષે પધારશું ત્યારે તમારી પાસે સંતને મોકલશું,’ તે વચન આજ સત્ય કર્યું.” એવી રીતે પરસ્પર બે જણે મહારાજની વાર્તા સારી પેઠે કરી. પછી તે સંતે એ લોકના ચાર ભૂજાવાળા મુક્તોને શ્રીહરિજીની વાર્તા કરીને એમને પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવીને બ્રહ્મપુરને વિષે મોકલી દીધા. ને પછી શ્રીજી પાસે આવીને પોતાનું વૃત્તાંત જેમ થયું તેમ કહ્યું. તે વાત સાંભળીને શ્રીજીમહારાજે વિચાર કર્યો જે જ્યારે બાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાન માત્રને છોડી મૂકે છે તેમ અમારે પણ અનેક જીવોનાં કલ્યાણ કરવાં છે. એમ વિચારીને પોતે સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી જે, “સર્વે નરકઠુંડના જીવ માત્રને ચતુર્ભુજરૂપ ધરાવીને ભૂમાપુરુષના લોકમાં મોકલો.” ત્યારે તે સંતે તેમ કર્યું. એવી રીતે શ્રીજીમહારાજે પોતાનું પુરુષોત્તમપણું અતિશય પ્રગટ કર્યું છે. ॥૪૧॥
પરોક્ષ અવતારના ભક્તમાં ને પ્રત્યક્ષ અવતારના ભક્તમાં કેટલો ફેર છે? પરોક્ષ અવતારના ભક્ત તો રૂપા જેવા છે. ને બ્રહ્માદિક ને ઇંદ્રાદિક દેવના ભક્ત તો પિત્તળ ને કાંસા જેવા છે ને મદ્ય માંસના ખાનારા. જે તમોગુણી દેવ છે તેના ભક્ત તો કથીર અને લોઢા જેવા છે ને પ્રત્યક્ષ પુરુષોત્તમના જે એકાંતિક ભક્ત છે તે તો કુંદન ને જાંબુનદ67 સુવર્ણ તે જેવા છે અને તેમાં તો ભારે ચમત્કાર રહ્યો છે. તેની વિગત જે જોડિયા ગામમાં વિશ્રામ સુતારે લાખો કીડીઓનું કીડિયારું જોયું ત્યારે તેને દયા આવી ને એમ બોલ્યા જે, “આ બિચારા જીવોનું કેમ કલ્યાણ થાશે?” એટલામાં તો કરોડો વિમાન આવ્યાં તેમાં બેસીને એ સર્વે કીડીઓના જીવ ચતુર્ભુજ રૂપ ધારીને દેવલોકમાં ગયા. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનના ભક્તનો તો એવો મોટો મહિમા છે. ॥૪૨॥
વળી રતના ભક્તની વાર્તા કરી જે એના ભાણેજે પ્રત્યક્ષ પુરુષોત્તમના સંતને બે રોટલા આપ્યા હતા તેની પ્રાપ્તિની વાર્તા કરીને કહ્યું જે, “પ્રત્યક્ષ પુરુષોત્તમના ભક્ત છે તે તો સંતને રોટલાનો લોટ દે છે ને આ ભક્ત તો સદાવ્રત આપે છે તો પણ એ કરતાં તે રોટલાનો લોટ અધિક થાય છે.” ॥૪૩॥
મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થાતો નહોતો ત્યારે રામાનંદ સ્વામીએ આવીને કહ્યું જે શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન છે ને અમે પણ એમના જ દાસ છીએ એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમના ભક્તની અતિશય મોટપ છે ને લગારેક એમના સંબંધે કરીને અતિશય મોટું કામ થઈ જાય છે. ॥૪૪॥
શ્રીજીમહારાજના ભક્ત ને બીજા અવતારના ભક્ત તેમાં કેટલો ફેર છે? ઉત્તર જે, શ્રીજીમહારાજના ભક્ત જેવા તેવા ઐશ્વર્યાર્થી હોય તે જેવા તો બીજા અવતારના એકાંતિક ભક્ત પણ ન થાય ને આજ સત્સંગને વિષે તો ઋષભદેવ, દત્ત ને કપિલદેવ જેવા સંત વર્તે છે માટે આજની મોટપની શી વાર્તા કહીએ? આ સમે તો શ્રીજીમહારાજ અઢળક ઢળ્યા છે. ॥૪૫॥
કોઈક હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ! હેત રાખજો.” તે ઉપર વાર્તા કરી જે, “દેવલોકને વિષે બહુ સુખ છે ને તેથી બૃહસ્પતિ આદિકના લોકને વિષે બહુ સુખ છે ને તેથી પ્રધાન પુરુષના લોકને વિષે બહુ સુખ છે ને તેથી મૂળપુરુષના લોકને વિષે બહુ સુખ છે. એવી રીતે તે સર્વેના લોકને વિષે અધિક સુખ છે ને એ સર્વ કરતાં અક્ષરધામને વિષે અતિશય અધિક સુખ છે ને એ થકી પણ શ્રીજીમહારાજની મૂર્તિને વિષે તો અતિશય અધિક સુખ રહ્યું છે. પણ એ સર્વે સુખના આપનાર શ્રીજીમહારાજ છે એવી રીતે મોટપ સમજે તો સહેજે જ હેત રહે છે ને એમ સમજણ વિના જે હેત છે તે તો પ્રાકૃત68 છે ને સુવાણ્ય69 છે તે અંતે રહે નહિ.” ॥૪૬॥
પુરુષોત્તમ ભગવાનનું સ્વરૂપ ને એમના સ્વભાવ, ગુણ ને વિભૂતિ જે છે તે જે તે સર્વ અવતાર કરતાં વિલક્ષણ છે. ॥૪૭॥
શ્રીજીમહારાજે કહ્યું જે, “પુરુષ પ્રયત્ન કરે તો આત્મા જણાય છે ને તેને વિષે પરમાત્મા પણ જણાઈ આવે છે.” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “તમારી કૃપા હોય તો જણાય.” તે પછી શ્રીજીમહારાજ કહે જે, “જુઓને આ બ્રહ્માંડ છે તે પણ અક્ષરને વિષે અણુ જેટલું જણાય છે માટે બ્રહ્માંડ તો અક્ષરની ગણતીમાં જ નથી ને એવાં અનંત કોટી બ્રહ્માંડ જેના એક એક રોમના છિદ્રને વિષે ઊડતાં ફરે છે એવું મહત્પણું અક્ષરનું છે ને હું તો એ થકી પર છું માટે મારી આગળ તો એ બ્રહ્માંડ અને બ્રહ્માંડને વિષે રહ્યા જે જીવ તે શી ગણતીમાં છે? કાંઈ ગણતીમાં નથી એવો હું અતિશય મોટો છું. તે તમારી પાસે વાત કરું છું. ને ભાઈબંધાઈ કરું છું ને દરરોજ દર્શન દઉં છું ને જમાડું છું ને નામ લઈને બોલાવું છું ઇત્યાદિક અનેક પ્રકારે તમારા સાથે પ્રીતિ કરું છું ને ઓળખાણ કરું છું ને કાંઈક આડુંઅવળું થાતું હશે તેનું પણ સંબંધીની પેઠે સહન કરું છું એવી રીતે તમારા સાથે વર્તું છું તો પણ તમે કહો છો જે કૃપા કરો તે હવે કેટલી કૃપા કરું?” ॥૪૮॥
એક દિવસે મોટા સંતે કહ્યું જે માયા પર દિવ્ય ધામને વિષે એક મોટો ઓરડો છે ને તેને ચારે પાસે નાની નાની ઓરડીઓ છે. તેમાં મોટા ઓરડામાં તો પુરુષોત્તમ ભગવાન રહે છે ને એમની દૃઢ ઉપાસનાએ કરીને જે નક્કી હરિભક્ત થયા હોય ને ભગવાનનાં મનુષ્ય ચરિત્રને વિષે કોઈ દિવસ મોહ ન પામ્યા હોય એવા જે ભક્ત હોય તે તો હજારો જીવના કલ્યાણ કરે એવા સમર્થ હોય છે ને જે નાની નાની ઓરડીઓ છે તેમાં તો સર્વ અવતાર રહે છે ને જે એમના ભક્ત છે તે તો પોતાનાં કલ્યાણ કરે છે ને બીજાનાં તો માંડમાંડ કરે એવા છે માટે પુરુષોત્તમના ભક્ત તો બહુ શ્રેષ્ઠ છે. ॥૪૯॥
એક દિવસ મોટા સંતે ઉપાસનાની વાર્તા કરી જે આપણે જેમ શ્રીજીમહારાજને પુરુષોત્તમ ભગવાન કહીએ છીએ તેમ જ રામચંદ્રજી આદિકના ઉપાસક છે તે પણ પોતપોતાના ઇષ્ટદેવને પુરુષોત્તમ કહે છે એમ જ આપણે કહીએ છીએ કે બીજી રીત છે એમ પોતાનું મન શંકા કરે અથવા કોઈક પ્રતિપક્ષી પૂછે ત્યારે જો દૃઢ ઠરાવ ન કર્યો હોય તો પોતાને શંકા થાય ને ઉત્તર પણ નિઃશંકપણે યથાર્થ થાય નહિ. માટે પુરુષોત્તમપણાનો દૃઢ ઠરાવ કરવો. ત્યારે સંતે આશંકા કરી જે કેમ સમજે તો નિઃશંકપણે પુરુષોત્તમપણાનો દૃઢ ઠરાવ થાય? ઉત્તર જે, જ્યારે શ્રીજીમહારાજ પ્રગટ થયા ત્યારે જે જે અવતારના ઉપાસક શ્રીજીમહારાજને દર્શને આવતા તે સર્વેને શ્રીજીમહારાજ ભજનમાં બેસાડીને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરાવતા. એવી રીતે ચોવીસે અવતારનાં દર્શન કરાવતા તથા મુસલમાનને અલ્લાનાં તથા શ્રાવકને તીર્થંકરનાં દર્શન કરાવતા હવા. એમ જે જે મતના આવે તેને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરાવીને તે સર્વેને પોતાનો આશ્રય કરાવી દેતા હવા. તથા વ્યાપકાનંદ સ્વામીને પોતાને વિષે ચોવીસે અવતાર લીન કરાવીને પોતાને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવી દીધો એ વાતમાં પણ મર્મ છે તથા પર્વતભાઈ હરિભક્તે એમ સંકલ્પ કર્યો જે પરમેશ્વરના અવતાર કેવા હશે? ત્યારે તે ભક્તને આગળ આવીને ચોવીસે અવતાર દર્શન આપતા હવા અને બ્રહ્મપુરને વિષે પોતાનાં દર્શન જેવા તેવા જીવને સહજે જ કરાવતા હવા. એવી જાતની અનેક પ્રકારની સામર્થીની વાર્તા સત્સંગમાંથી સમજીને શ્રીજીમહારાજને વિષે પુરુષોત્તમપણાની ઉપાસના નિઃશંકપણે અતિ દૃઢ કરવી ને જે સ્વયં પુરુષોત્તમ ભગવાન છે તે તો આ ફેરે જ આવ્યા છે એ વાર્તા પરમ સત્ય છે ને વળી પરમેશ્વરની મરજીને જાણે એવા જે પરમ ભગવદ્ ભક્ત તેમણે પણ એ વાર્તા કહી છે. ॥૫૦॥
એક સમયે વાર્તાનો પ્રસંગ નિસર્યો જે સર્વે પોતાની મેળે ઠરાવ કરી લે છે પણ શુદ્ધ પરંપરાએ કરીને નક્કી કરતાં નથી. ત્યારે સંતે કહ્યું જે શુદ્ધ પરંપરા કેમ સમજવી? ઉત્તર જે, પુરુષોત્તમ ભગવાન કે તેમના એકાંતિક ભક્ત તેમની પાસેથી શ્રી હરિકૃષ્ણજી મહારાજના જે અવતાર છે તેમની રીતને સમજે તથા એકાંતિકની સમજણને સમજે તથા બ્રહ્મપુર ને ગોલોકાદિક ધામના મહિમાને સમજે તથા તે ધામના પાર્ષદોનો તથા મૃત્યુલોકના સંત તથા પાર્ષદોનો તથા આ લોકના તીર્થોનો તથા ધામોનો મહિમા સમજે તે શુદ્ધ પરંપરા કહીએ. એમ સમજ્યા વિના તો કેટલાક આત્માનંદ સ્વામીને તથા રામાનંદ સ્વામીને તથા નરનારાયણાદિકને પણ પુરુષોત્તમ સમજે છે. માટે એ કહી એવી જે શુદ્ધ પરંપરાની રીત તેણે કરીને પુરુષોત્તમ સમજવા. ॥૫૧॥
એક દિવસ મોટા સંતે વાત કરી જે પુરુષોત્તમ ભગવાન જે તે અક્ષર, મૂળપુરુષ, પ્રધાનપુરુષ ને વિરાટદિક એ સર્વેના નિયંતા રૂપે કેમ રહ્યા છે? તો જે જેમ શ્રીજીમહારાજની આજ્ઞા આચાર્યજી મહારાજ ઉપર છે ને તેમની આજ્ઞા મોટા સાધુ ઉપર છે ને તેમની આજ્ઞા મંડળના સાધુ ઉપર છે એવી રીતે રહ્યા છે ને એમાં જે તારતમ્યપણું70 છે તેને શ્રીજીમહારાજ જાણે છે અથવા તો જેના ઉપર એમની પ્રસન્નતા હોય તે જાણે છે પણ તે વિના બીજો કોટી ઉપાયે કરીને પણ જાણી શકે નહિ. ॥૫૨॥
એક દિવસ મોટા સંતે આ કીર્તન ગવરાવ્યું જે, “એક વાત સુણો વ્રજવાસી પુરુષોત્તમ બોલ્યા પ્રીતે” એ ઉપર વિસ્તારીને પોતે વાર્તા કરી જે આકાશને ઠેકાણે તો અક્ષર છે ને અંધકારને ઠેકાણે માયા છે ને વાદળાંને ઠેકાણે મહા વિરાટ છે ને પક્ષીને ઠેકાણે ક્ષુદ્રવિરાટ છે ને વીજળીને ઠેકાણે અક્ષરના મુક્ત છે ને પોતે તો આકાશને વિષે જેમ શબ્દ છે તેની પેઠે અક્ષરમાં રહ્યા છે અને “मायापरैंत्यमिमुखं च विलज्जमाना”71 એ શ્લોકમાં કહ્યું છે એમ પુરુષોત્તમ ભગવાન આગળ માયા ઊભી રહેતી નથી ને મહાપુરુષાદિકને તો પાસે રહે છે તે વૈરાજપુરુષના ને પ્રધાનપુરુષના ને મૂળપુરુષના ને અક્ષરના જે ભક્ત છે તે તો પરતંત્ર છે ને પુરુષોત્તમના જે ભક્ત છે તે તો સ્વતંત્ર છે ને તે જેવો તેવો હોય તો પણ ઇન્દ્ર, બ્રહ્મા, વૈરાજપુરુષ કે પ્રધાનપુરુષ જેવો થાય છે ને જેને ઉપાસના અતિશય દૃઢ હોય તો તે મૂળ પુરુષ જેવો પણ થાય ને સત્પુરુષના સંગે કરીને ધર્મ જ્ઞાનાદિકને અતિ પક્વ કરે તો અક્ષર જેવા એકાંતિક ભક્ત પણ થાય છે તે વાર્તા સોનાના તથા અંગ્રેજના મહેતાના દૃષ્ટાંતે કરીને કરી તેમાં એમ જાણવું જે પુરુષોત્તમના જે એકાંતિક ભક્ત છે તે સોનાની પેઠે પૂર્વે કહ્યા તેમ શ્રેષ્ઠ છે તથા અંગ્રેજના મહેતાની પેઠે શ્રેષ્ઠ છે.72 ॥૫૩॥
પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને કેમ સમજવું? ઉત્તર જે જેવી રામકૃષ્ણાદિક ભગવાનની મૂર્તિઓ છે તેવી જ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ હોય પણ સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને વિભૂતિ આદિકે કરીને તથા ઐશ્વર્ય, પ્રકાશ ને શક્તિ આદિક કરીને એ અવતારને વિષે ને શ્રીજીમહારાજને વિષે અત્યંત વિલક્ષણપણું છે. ॥૫૪॥
એક સંતે પૂછ્યું જે, “શ્રીજીમહારાજ ને બીજા અવતાર સર્વે સરખા છે? કે કાંઈ ભિન્ન ભાવ છે?” ત્યારે મોટા સંતે કહ્યું જે, “સર્વે સરખા છે.” ત્યારે તે સંત કહે જે, “સામર્થીમાં ન્યૂનાધિકપણું કેમ છે?” ત્યારે મોટા સંત કહે જે, “એ તો જ્યાં જેટલી સામર્થી જણાવવી ઘટે ત્યાં તેટલી જણાવે.” ત્યારે વળી તે સંત કહે જે, “વ્યાસજી ને પરશુરામ તો આવતા મન્વંતરને73 વિષે સપ્તર્ષિ થાશે એમનું કેમ?” અને શ્રીજીમહારાજ જ્યારે પ્રથમ પ્રગટ થયા ત્યારે જે જે અવતારના ઉપાસક પોતાને દર્શને આવતા તેને તેને તે તે મૂર્તિઓનાં દર્શન કરાવી દેતા ને વ્યાપકાનંદ સ્વામીને વિષે ચોવીસે અવતાર લીન કરાવી દીધા, ને પર્વતભાઈ જ્યારે ખેતર ખેડવા જાય ત્યારે ત્યાં પોતાના હળને આગળ સર્વે અવતાર જાણે ચાલતા હોય એમ પર્વતભાઈને ભગવાનના અવતારનાં દર્શન થાતાં. માટે એ સર્વે આવિર્ભાવ તો પુરુષોત્તમ ભગવાનને આગળ ન્યૂન જણાય છે.” એ વાત સાંભળીને સર્વે દિગ્મૂઢ જેવા થઈ ગયા ને તે પછી મોટા સંત કહે જે, “શ્રીજીમહારાજને મુખે તો ઘણીકવાર એવી વાત શ્રવણ કર્યામાં આવી છે પણ સમજણમાં આવવી કઠણ છે ને શાસ્ત્રમાં પણ હોય તે પણ અતિ મોટા સત્પુરુષ પાસેથી સમજાય છે. ॥૫૫॥
અને આજ તો અક્ષરના મુક્ત પણ કથાવાર્તા સાંભળવા આવે છે. તે એવો અહીંયા શો વિશેષ છે? એમ શંકા કરીને તેનો ઉત્તર પણ સ્વામીએ પોતે જ કર્યો જે પ્રથમના કરતાં આજ ઐશ્વર્યનું વિશેષપણું બહુ જણાય છે. ને રામાનુજાદિકે પુરુષોત્તમ નિરૂપણ કર્યું છે પણ તે જાણ્યે શીખીને કર્યું હોય ને શું એમ જણાય છે. ને શ્રીજીમહારાજના કરાવેલ ગ્રંથ ને બીજા કવિના કરેલા ગ્રંથ જોઈએ છીએ તે જાણ્યે શીખીને કરેલા હોય ને શું એમ જણાય છે, જે
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः।
તથા
पुरुषेणात्मभूतेन वीर्यमाधत्त वीर्यवान्।74
એવાં કાવ્ય છે. ને ઐશ્વર્ય પણ વર્તમાન કાળમાં બહુ વિલક્ષણ છે તે કેટલાંક કહી દેખાડીએ? સર્વે શાસ્ત્રનું સિદ્ધાંત જોયું પણ પુરુષોત્તમ શ્રીહરિજી મહારાજ જેવા તો કોઈ કાળે કોઈ પણ થઈ શકે જ નહિ. ॥૫૬॥
અને જીવ પરોક્ષ ભજન-સ્મરણ તો બહુ કરે છે પણ જેમ પ્રત્યક્ષના ભજનાદિકે કરીને કલ્યાણ થાય છે તેમ કેમ થાતું નથી? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે જ્યારે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે તો પોતાને જીવનાં કલ્યાણ કરવાનો સંકલ્પ હોય તેથી જે જીવને પોતાનું દર્શન થાય તેણે કરીને જ તેનું કલ્યાણ થાય, એમ અનેક જીવનો મોક્ષ થાય છે. અને અવતાર-અવતારીના સંકલ્પમાં પણ ન્યૂનાધિકપણું અતિશય છે. તે અવતારી તો સંકલ્પ કરે તે માત્રમાં જ તે ક્રિયા સિદ્ધ થાય છે ને અવતાર તો સંકલ્પ કરીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે તે સિદ્ધ થાય છે. ॥૫૭॥
અને સ્વામીએ વાત કરી જે एकोऽहं बहु स्याम्75 એ શ્રુતિનો અર્થ શ્રીજીમહારાજે કર્યો છે જે એક એવા જે પુરુષોત્તમ ભગવાન તે અંતર્યામીપણે કરીને અક્ષરબ્રહ્મ તથા પ્રકૃતિપુરુષ આદિકને વિષે તારતમ્યપણે કરીને રહ્યા છે. તે કાષ્ટમાં રહેલ અગ્નિને76 દૃષ્ટાંતે કરીને કહ્યું છે ને તે તેમ જ છે કેમ જે અંતર્યામી સ્વરૂપ જે પ્રકાશ તે રૂપે કરીને પુરુષોત્તમ ભગવાન સર્વેને વિષે રહ્યા છે એમ પુરુષોત્તમ ભગવાનનું વ્યાપકપણું સમજવું. ॥૫૮॥
અને સ્વામીએ વાત કરી જે એક દિવસ અમે ત્રણ કે ચાર સંત બેઠા હતા તે સમયે શ્રીજીએ વાત કરી જે સર્વે આવિર્ભાવ છે તે તો પુરુષોત્તમ નારાયણના અંશ અને કળા અવતાર કહેવાય છે માટે સેવકપણે વર્તે છે. ને ભગવાનના ધામમાં અનંત પ્રકારની વાર્તા સમજવાની છે, ને જેને દર્શને મોટા મોટા પણ તણાઈને આવે તે અવતારી કહેવાય. ત્યારે કોઈ કહેશે જે એવા અવતારી આવ્યા ને પૃથ્વી ઉપરથી સર્વે કુસંગને કેમ ટાળી ન નાખ્યો? તો એ વાતનું એમ છે જે આ સમયે ભગવાન અહિંસા ધર્મ પરાયણ વર્તે છે માટે સહેજે ટળે એટલો ટાળે છે પણ બહુ આગ્રહ કરતા નથી. ॥૫૯॥
શ્રી પુરુષોત્તમ ભગવાન જ્યારે દયા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી મુક્તે સહિત પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તે સર્વે મનુષ્ય દેહે હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખવા જે આ પુરુષોત્તમ છે ને આ મુક્ત છે? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે જેમ ગોપીચંદન77 અને ખડીમાં78 ભેદ છે તથા જેમ શિંગડિયો વછનાગ79 અને મલિયાગરમાં80 ભેદ છે તથા જેમ કપૂર અને કસ્તુરીમાં ભેદ છે. તે મલિયાગર ચંદન લગારેક શરીરે ચરચે ત્યારે તત્કાળ ટાઢક થાય તેવી બીજે ચંદને ન થાય, ને કસ્તુરી જો લગારેક સુંઘે તો તત્કાળ શરીરમાં ગરમી થાય તેવી કપૂરે ન થાય. તેમ મુક્તમાં ને પુરુષોત્તમમાં ભેદ છે, તે ભક્તમાં જે બુદ્ધિવાળો હોય તે જાણે જે આ મુક્ત છે ને આ પુરુષોત્તમ છે. ને હવે તેને જાણવાની રીત કહીએ છીએ જે પુરુષોત્તમ અહીં પધાર્યા હોય ત્યારે તે મનુષ્ય જેવા જણાય પણ સહેજે જ એવો પોતાની મૂર્તિમાં ચમત્કાર હોય જે પોતાને દર્શને કરીને, સ્પર્શે કરીને તથા દૃષ્ટિએ કરીને હજારો જીવને તત્કાળ માયા થકી મુકાવીને બ્રહ્મમોહોલમાં પહોંચાડે તથા સર્વે અવતાર પોતાની મૂર્તિને વિષે લીન થાય પણ પોતાની મૂર્તિ કોઈ અવતારને વિષે લીન ન થાય. તથા પોતાની મૂર્તિને વિષે સહેજે મનુષ્યના મનની વૃત્તિઓ તણાઈ જાય તથા પોતે આવી રીતે સાધુને વર્તાવ્યા તથા સાધુ, સત્સંગી, સાંખ્યયોગી તથા કર્મયોગીના ધર્મ કહ્યા તે ધર્મામૃત, શિક્ષાપત્રી અને નિષ્કામશદ્ધિમાં તથા સત્સંગિજીવનમાં લખ્યા છે. તથા તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનના માહાત્મ્ય જ્ઞાને સહિત જે ભક્તિ તેને ઉપજ્યાના હેતુ પણ લખ્યા છે: તે સર્વેને પૂર્વાપર વિચારે તથા તેમના રચાવેલા ગ્રંથ છે તેને જ્યારે વિચારે ત્યારે જે બુદ્ધિવાળો હોય તેને એમ જણાય જે આવી રીતનો જે ધર્મ તથા શાસ્ત્ર તેમાં બીજા અવતાર કરતાં કરોડ ગણો ફેર છે. અને તે વાતને વિચારીને એમ જણાય જે સર્વે અવતારના અવતારી મહારાજ છે. એમ જે બુદ્ધિવાળો હોય તે અવતાર-અવતારીને કળે તથા તે અવતારી જે પુરુષોત્તમ અને બીજા અવતાર તેમાં જેમ પારસમણિ81 અને ચિંતામણિમાં82 ફેર છે તેમ ફેર છે. તે અવતારમાં એટલું બળ હોય જે પોતાની મૂર્તિના સંબંધને પામે તેનું કલ્યાણ કરે અને તે સામર્થ્ય તો મોટા મોટા અવતારમાં જ હોય ને જે સાધારણ અવતાર હોય તે તો પોતે જેમ કહે તેમ કરે તેનું જ કલ્યાણ કરી શકે. ને પુરુષોત્તમ જ્યારે અહીં પધાર્યા હોય ત્યારે તો જે પોતાના સંબંધને પામ્યા હોય તે સર્વેનો મોક્ષ કરે તથા પોતાના સાધુ દ્વારે ને સત્સંગી દ્વારે પણ બીજા અવતારના જેવું કલ્યાણ કરે ને તે ભક્ત જ્યારે દેહ મેલે ત્યારે બીજા અવતારના જે મળેલા હોય તેમાં પણ જે એકાંતિક હોય તે જેવો તો તે પણ થાય ને જે પુરુષોત્તમના ખરેખરા ભક્ત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિએ યુક્ત હોય તે તો લિંગ દેહ સહિત ત્રણ દેહનો83 ત્યાગ કરીને અક્ષરના સાધર્મ્યપણાને પામીને અખંડ ભગવાનની સેવામાં રહે છે. ॥૬૦॥
અને વળી પોતે એમ વાત કરી જે જે કશ્યપ તથા મરીચિ આદિક પ્રજાપતિ છે તે જ્યારે બ્રહ્માનું ધ્યાન કરે ત્યારે તે પ્રજાને સર્જવાને અર્થે સમર્થ થાય છે. ને બ્રહ્મા છે તે જ્યારે વૈરાટનું ધ્યાન કરે છે ત્યારે સૃષ્ટિ કરવાને સમર્થ થાય છે, ને વૈરાટ છે તે જ્યારે પ્રધાનપુરુષનું ધ્યાન કરે છે ત્યારે બ્રહ્માંડ રચવાને સમર્થ થાય છે, અને તે પ્રધાનપુરુષ છે તે જ્યારે મહાપુરુષનું ધ્યાન કરે છે ત્યારે તે અનંત કોટિ બ્રહ્માંડને સર્જવાને સમર્થ થાય છે, અને તે મહાપુરુષ છે તે જ્યારે પુરુષોત્તમનું ધ્યાન કરે છે ત્યારે તે પ્રકૃતિ દ્વારા અનંત કોટિ પ્રધાનપુરુષને ઉત્પન્ન કરીને તેને વિષે અંતર્યામીપણે કરીને રહ્યો થકો તે એક એક પ્રધાનપુરુષ દ્વારા અનંત કોટિ બ્રહ્માંડને બનાવવાને સમર્થ થાય છે. માટે જેટલો જીવ અને વૈરાટ પુરુષમાં ભેદ છે, તેટલો વૈરાટ અને પ્રધાનપુરુષમાં ભેદ છે અને જેટલો વૈરાટ અને પ્રધાનપુરુષમાં ભેદ છે, તેટલો પ્રધાનપુરુષ અને મહાપુરુષમાં ભેદ છે, ને તેથી અનંતગણો મહાપુરુષ અને અક્ષરમાં ભેદ છે ને જેટલો મહાપુરુષ ને અક્ષરમાં ભેદ છે તેથી અનંતગણો ભેદ અક્ષર અને પુરુષોત્તમ જે મહારાજ તેમાં છે એમ જાણવું. ॥૬૧॥