text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૨૦. સ્વભાવ ટાળવાની વાતો

સ્વભાવ ટાળવો તે સર્વથી કઠણ છે. તે તો અતિ કલ્યાણનો ખપ હોય તથા દૃઢ શ્રદ્ધાવાળો હોય તથા અતિ શૂરવાર હોય તથા કોઈક કહેનાર હોય તથા પોતે પણ નિરંતર ખટકો રાખે તથા નિરંતર જાણપણામાં રહે તો આ કહ્યા એ ઉપાય કરતાં કરતાં જો અતિશય ખપવાળો હોય, તો સાત આઠ વર્ષે કરીને સ્વભાવને ટાળે, નહિ તો બે ત્રણ જન્મે કરીને ટળે. તે માટે જેને પોતાનો સ્વભાવ ટાળવો હોય તેને પ્રથમ તો મોટા સાધુ સંગાથે અતિશય હેત કરવું ને તે સાધુ નિરંતર કઠણ વચન કહેતા રહે તથા પોતે પણ નિરંતર તે સ્વભાવ ઉપર ખટકો રાખે તથા નિરંતર જાણપણામાં રહે તો ધીરે ધીરે સ્વભાવ ટળે, નહિ તો ટળે નહિ. તે ઉપર બિલાડીનું દૃષ્ટાંત286 દીધું. ॥૩૯૬॥

ભગવાનના ભક્તને વિષે કોઈ જાતનો દોષ કેમ રહી જાય છે? તો એ દોષ હોય તો મોટો, પણ તેને વિષે એને અલ્પપણું જણાય છે. તથા એ દોષને વિષે કોઈક જાતનો ગુણભાવ રહે છે તેણે કરીને એ દોષ રહે છે અને એ દોષને વિષે અલ્પપણું અને ગુણભાવ રહે છે તેના ચાર હેતુ છે: (૧) અજ્ઞાન, (૨) મોહ, (૩) પ્રમાદ, (૪) આળસ. એ ચાર દોષ જાય તો અલ્પપણું અને ગુણભાવ એ બે વાનાં જાય એમ સમજવું. ॥૩૯૭॥

વિષય છે તે બે પ્રકારના છે:

(૧) સ્થૂલ, (૨) સૂક્ષ્મ. બંનેનાં લક્ષણઃ

(૧) જેની ઉપર પોતાને અતિશય ભાવ ન હોય અને સહેજે ન જોઈતા હોય તે આવે તો તેની ઉપર પોતાને અતિ ભાવ પણ ન થાય અને અભાવ પણ ન થાય. એવા જે વિષય તેને સ્થૂલ કહેવાય. એ સ્થૂલ વિષયને ત્યાગ કરવા અતિશય કઠણ નથી.

(૨) જેની ઉપર પોતાના મનને અતિશય રુચિ હોય અને પોતાના મનને અતિશય ગમતા હોય તે વિષય ત્યાગ કરવા ઘણા કઠણ છે અને એમને ટાળ્યાનો તો એ મોટો ઉપાય છે જે સ્ત્રી, ધન, માન, સ્વાદ આદિક જે જે ઉપર પોતાના મનને રુચિ હોય તે વિષયને વિષે દોષ બુદ્ધિનો અતિશય વિચાર થવા લાગે ને મનગમતા વિષયનો ત્યાગ કરે અને દોષબુદ્ધિની ગ્રંથિ પાડે ત્યારે ટળે અને કેવળ ઉપરથી ત્યાગ કર્યો હોય અને વિષયનો જોગ ન હોય તો ત્યાગ રહે અને જ્યારે એવો જોગ થાય ત્યારે તેમાં બંધાય, પણ જો દોષબુદ્ધિની દૃઢતા કરી હોય તો જ્યારે એ વિષય સાંભરે તે ભેળે દોષબુદ્ધિની પણ સ્મૃતિ થઈ આવે માટે એ વિષયમાં જોડાય જ નહિ. અને એમાં એમ દોષદૃષ્ટિ કરવી જે એ સ્ત્રી, ધનાદિકને વિષે અનેક પ્રકારના દુઃખ, ક્લેશ, પ્રયાસ, શોક, મોહાદિક રહ્યા છે અને એમાં ત્રિકાળે સુખનો તો ગંધ પણ નથી અને પોતાને આત્મારૂપ માનીને ભગવાનનું ધ્યાન કરવું તથા કથા, કીર્તન, ગુણવર્ણન કરવાં તેમાં જ પરમ સુખ રહ્યું છે એ આદિક ભગવાનનું માહાત્મ્ય વિચારીને બીજા જેટલા માયિક સુખ, લોક, ભોગ, દેહ તેમાં દુઃખના સમૂહ નજરે આવે ત્યારે એ સૂક્ષ્મ વિષય તે ટળી જાય છે.॥ ૩૯૮॥

વિષયાસક્તિ તથા દેહાભિમાન તથા કામ, ક્રોધ, માનાદિક, દુષ્ટ સ્વભાવ તે કેના ટળે? તો જે ભક્ત જ્ઞાન, વૈરાગ્ય તથા ભગવત્ માહાત્મ્યાદિક સાધનને અભ્યાસે કરીને ધીરે ધીરે તે સ્વભાવને ટાળતો જાય અને થોડો થોડો ટાળવાનો આગ્રહ રાખે અને તે ઉપર નજર હોય તો તે સર્વે ધીરે ધીરે કાળે કરીને ટળી જાય, જેમ ઘટગામીની તિથિ287 છે તે ધીરે ધીરે ઘટતી ઘટતી ક્ષયને પામી જાય છે, તેમ તે દોષ મૂળમાંથી ઊખડી જાય. અને તે દોષ કેના ન ટળે? તો જે દોષને ઘટાડે તો નહિ અને મૂળગો વધારતો જાય અને તે દોષ જેમ જેમ વધે તેવાં સ્થાન, પદાર્થ અને સંગ તેનું સેવન કરતો જાય તેના તો તે દોષ વધતા જાય અને અંતે તે સત્સંગમાંથી વિમુખ પણ થાય; જેમ વૃદ્ધિગામીની તિથિ288 છે તે થોડી થોડી વધતી વધતી વધીને સાઠ ઘડીની થાય તેમ તે દોષ વધતા જાય છે. માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને તે દોષ વધે એવું આચરણ ન કરવું અને જેવી રીતે તે દોષ ઘટે એવી રીતના વિચારમાં રહેવું તથા તેવું આચરણ કરવું. ॥૩૯૯॥

જગતમાં મોટા મોટા માણસને તથા રાજાને સત્સંગ થાય તથા ઘણા માણસને સત્સંગ થાય અને મંદિરમાં અને આચાર્યના ઘરમાં ઘણી ઊપજ વધે તથા મોટી આબરૂ થાય પણ જો પોતાનો કોઈક સ્વભાવ વધી જાય અને સત્સંગમાંથી પાછું પડી જવાય તો તે સર્વે આપણા જીવના કલ્યાણને અર્થે શા પ્રયોજનમાં આવ્યાં? એણે કરીને પોતાનું કલ્યાણરૂપ કાર્ય સિદ્ધ ન થયું. જેમ કોઈક માંદો પડ્યો હોય, તેને સારાં સારાં ભોજન, દૂધ, સાકર, ઘી હોય તે શા કામમાં આવે? તેમાંથી લગાર પણ ખવાય નહિ. તેમ તે સર્વે તેના કામમાં આવે નહિ તે માટે પ્રથમ તો પોતાનો સત્સંગમાં અચળ પાયો થાય અને દેશકાળાદિક વિષમ થાય તો પણ કોઈ રીતે પાછું પડાય નહિ એવો પોતાનો જીવ સાધને કરીને સિદ્ધ કરવો અને પોતાનો કોઈ અયોગ્ય સ્વભાવ હોય તેની ઉપર દોષદૃષ્ટિ રાખીને તેને ટાળવાનો નિરંતર આગ્રહ રાખવો અને ઘણો ખટકો તો એનો રાખવો અને એ કરતાં કરતાં સત્સંગ કરાવવો અને સત્સંગનો મમત્વ રાખવો અને ઉત્કર્ષ પણ યથાશક્તિ કરવો; પણ સ્વભાવની ઉપર તો દોષદૃષ્ટિ રાખવી નહિ અને કેવળ સત્સંગ કરાવવા ઉપર તથા વધારવા ઉપર નજર રાખવી એ ઠીક નહિ. આટલી વાત એમ સમજે ત્યારે જાણીએ જે એને સત્સંગના નૉરની સમજણ આવી છે. ॥૪૦૦॥

સત્સંગ સંબંધી તથા મંદિર સંબંધી જે જે ક્રિયા કરવી તથા ધ્યાન, જ્ઞાન અને વ્રતાદિક જે જે રૂડી ક્રિયા કરવી તે ભેળું દેહાભિમાન પણ વધતું જાય છે એવો જીવનો સ્વભાવ છે તે કેમ સમજે તો ન થાય? તો જેને શાસ્ત્રમાં બુદ્ધિ પૂગતી હોય તથા મોટા સાધુનો જેને વિશ્વાસ હોય તેને દેહાભિમાન ન આવે. ॥૪૦૧॥

વિદ્યા, બુદ્ધિ, કળા, ચાતુરી, ગાવવું એ આદિક જે જે વ્યવહારિક ગુણ છે તે કેને પોતાના કલ્યાણના અર્થે થાય છે? તો જેને કેવળ પોતાનું કલ્યાણ કરવું હોય અને પોતાના દોષ ટાળીને ભગવાનના એકાંતિક ભક્ત થાવું હોય એવો જેને સત્ આશય હોય તે તો એ પોતાના ગુણને સત્સંગના કામમાં વાવરે એટલે એને એ પોતાના ગુણ કલ્યાણને અર્થે થાય છે. અને જેને પંચ વિષયના સુખને દેહે કરીને અને મને કરીને પામવાની ઇચ્છા હોય એવા અસત્ આશયવાળાને એ ગુણ વિષય સુખ પામ્યાને અર્થે જ થાય છે અને પોતાના કલ્યાણને અર્થે થાતા નથી. ॥૪૦૨॥

દસ વીસ મનુષ્ય મળીને જેમ ગાયનો વાઘ કર્યો એ દૃષ્ટાંતે289 કરીને સ્વભાવના સત્યપણાની વાત કરી જે અતિ નિર્બળ ને કાયર ને ઈશ્વરના બળ તથા પરાક્રમને ન જાણતા એવા જે અજ્ઞાની મનુષ્ય તેમણે સ્વભાવનું બળ વખાણ્યું છે ને જે શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત છે તેની આગળ તો સ્વભાવ અતિ તુચ્છ ને રાંક છે. તે ઉપર રાજા પરીક્ષિતના દૃષ્ટાંતે કરીને કહ્યું જે જેમ રાજા પરીક્ષિતની આગળ જે તે અતિ તુચ્છ ને રાંક છે તે ભાગવતમાં કહ્યું છે જે

किं नु बालेषु शूरेण कलिना धीरभीरूणा।

अप्रमत्तः प्रमत्तेषु यो वृको नृषु वर्तते॥290 ॥૪૦૩॥

સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન કરતા નથી ને નિષ્ફકર291 રહે છે માટે તેને સ્વભાવ હશે કે નહિ હોય? ઉત્તર: જે સ્વભાવ તો છે પણ કોઈક તો આશ્રયનું બળ રાખે છે ને કેટલાકનો તો પ્રમાદ બહુ છે ને કેટલાકને તો સ્વભાવ ઓળખાતો જ નથી ને કેટલાક તો મહત્પુરુષના સંગે કરીને સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન પણ કરે છે અને માન, ક્રોધ ને ઈર્ષા એ કલ્યાણના માર્ગને વિષે વિરોધી છે ને એ દોષે કરીને સંકર્ષણ ને વૈરાજ પુરુષ જેવા મોટા થાય છે પણ એકાંતિક ભક્ત જેવા તો થાતા જ નથી ને સત્પુરુષના પ્રસંગે કરીને સાચો થઈને જો સ્વભાવને ટાળે તો અલ્પકાળમાં ટળી જાય. નહિ તો અંત સમે પણ ટળી જાય ને જો એમ નહિ કરે તો બદ્રિકાશ્રમને વિષે ને શ્વેતદ્વીપને વિષે જઈને પણ સ્વભાવને ટાળવા પડશે. ને એ બે સ્થાનકને વિષે કલ્પજીવી292 સર્વે છે માટે ત્યાં સુધી પુરષ પ્રયત્ન કરવો પડશે. ॥૪૦૪॥

સ્વભાવ કેમ ટળે? ઉત્તર: જે જેમ વિષયને વિષે જીવને સહજ લગની છે ને વળી “साध्वीचकोरशलभास्तिमिकालकण्ठः कोका निजेष्टाविषयेषु यथैव लग्नाः”293 એ શ્લોકને વિષે જેમ પતિવ્રતા સ્ત્રી આદિક પાંચને પોતપોતાના વિષયમાં સહજ લગની કહી છે તેમ શ્રીહરિજી મહારાજની માહાત્મ્યે સહિત જે નવ પ્રકારની ભક્તિ તેને વિષે લગની જોઈએ ને વળી જેમ કાળમીંઢ પર્વત ખોદીને તેમાં નાના પ્રકારની રચના કરવી પડે તેમાં વાર બહુ લાગે. તેમ સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન કરવો પડે તેમાં ઉતાવળા થાવું નહિ. એવી રીતે પુરુષ પ્રયત્ને કરીને સહજ પ્રકૃતિ ટળે છે ને તે વિના તો ટળે નહિ ને સહજ પ્રકૃતિ ટાળ્યાની યુક્તિ શ્રીજીમહારાજે વચનામૃતમાં294 કહી છે. તેને શીખીને તે પ્રમાણે વર્ત્યાનો આગ્રહ રાખવો. ॥૪૦૫॥

માન કેમ ટળે? ઉત્તર: જે માન ટાળ્યાનો એ ઉપાય છે જે સર્વે વસ્તુને વિષે દોષ બુદ્ધિ રાખે તથા સર્વ ક્રિયાને કાખના મુવાળા જેવી જાણે તથા ઠાલા કૂવામાં295 જેમ પાણી સિંચે ને તેમાંથી કોઈ કાળે પાણી મળે જ નહિ એ વાર્તાને યથાર્થ સમજે તો માન ટળી જાય ને વળી શ્રીજીમહારાજને માન ગમતું નથી માટે પરમેશ્વરના ભક્તને માન ન રાખવું ને માન તો ક્રોધ, મત્સર, ઈર્ષા, દ્રોહ ને કપટ તેનો આધાર છે ને કલ્યાણના માર્ગમાંથી પાડનારું છે. માટે મુમુક્ષુએ શત્રુની પેઠે તેનો ત્યાગ કરવો. ॥૪૦૬॥

જયાનંદ સ્વામીએ કહ્યું જે ક્રોધ જ ન કરવો એવી આંટી જ્યારે પાડીએ ત્યારે ક્રોધ ન થાય. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, જે જીવ તો સત્સંગે કરીને બહુ સમર્થ થાય છે માટે લોભ, કામાદિક સંબંધી સંકલ્પ ન જ કરવો એવી આંટી જો દૃઢ પાડે તો તેને સંકલ્પ ન જ થાય; એ તો એવો બળિયો છે તે જેમ ધારે તેમ કરે જો સાચો થાય તો. ત્યારે તે સંતે કહ્યું જે સંત તો સર્વે સરખા જણાય છે. ત્યારે મોટા સંતે કહ્યું જે જે વિવેકી હોય તે જો મહાપુરુષનો સંગ કરે તો તેને સરસ નરસ જણાય છે. ત્યારે પૂછ્યું જે સાધને કરીને ને મહત્પુરુષના સંગે કરીને જેણે પંચ વર્તમાન દૃઢ કર્યા હોય તે સરસ કે જેને પંચ વર્તમાન દૃઢ હોય તે સરસ છે કેમ જે એવાં જે પંચ વર્તમાન છે તે તો અસત્ દેશકાળાદિકે કરીને પણ નાશ ન થાય ને જેને એવાં દૃઢ વર્તમાન નથી તેનો તો ધર્મ છિન્ન ભિન્ન થઈ જાય છે. ॥૪૦૭॥

હરિભક્તને વિષે જે બળવાન પ્રકૃતિ હોય તેને પણ સત્પુરુષના સંગે કરીને ટાળે તો ટળી જાય છે ને તે સહજ પ્રકૃતિ ટાળ્યાના વચનામૃતમાં શ્રીજીમહારાજે ત્રણ ઉપાય કહ્યા છે તેની વિગત જે વક્તા જે સત્પુરુષ તેને વિષે અતિશય હેત ને તેમના વચનને વિષે અતિશય વિશ્વાસ ને વઢીને કહે તો પણ તેને હિતકારી જ સમજે એ ત્રણ ઉપાય છે. તે ઉપર શ્લોક જે

निर्मानत्वम संगत्वमहिंसा ममतत्यजिः।

आत्मनिष्ठा तस्यैव संति भक्तेरलंक्रियाः॥296 ॥૪૦૮॥

માની પ્રકૃતિ હોય ને માન મળતું હોય તેનું માન કેમ ટળે? ઉત્તર: જે વૈરાજપુરુષની તથા પ્રધાનપુરુષની તથા મૂળપુરુષની સામર્થીને જુએ ને તપાસ કરે જે એમના જેવી સામર્થી કેટલી છે જેનું હું માન રાખું છું, એમ વિચાર કરે તો માન ટળી જાય ને વળી મોટા મોટા શ્રીહરિજી મહારાજના સાધુ જે શતાનંદમુનિ ને સ્વરૂપાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા હરિભક્ત પર્વતભાઈ એમના જેવી સામર્થી મારામાં કેટલી છે જે હું માન રાખું એમ વિચારે તો માન રહે નહિ. ॥૪૦૯॥

શ્રીજીમહારાજના મહિમાની તથા જીવના સ્વરૂપની વાર્તા સમજે છે તો પણ સ્વભાવ ટળતો નથી તેનું કેમ હશે? ઉત્તર: જે એ તો શ્રીહરિના મહિમાનું તથા જીવના સ્વરૂપનું વારંવાર શ્રવણ-મનનાદિકે કરીને સ્વભાવને ઘટાડ્યા કરે છે તો ટળે, નહિ તો ન ટળે. એ ઉપર બે વચનામૃત વંચાવ્યાં તેનાં નામ (૧) મધ્યનું ૩૭મું સહજ પ્રકૃતિ ટાળ્યાનું ને (૨) મધ્યનું ૧૫મું શત્રુભાવનું. ॥૪૧૦॥

એક દિવસ મોટા સંતે કહ્યું જે જેટલા પદાર્થ બાહેર રહ્યાં છે તેટલાં જ જીવમાં રહ્યાં છે ને જીવની અહંવૃત્તિ બળવાન છે કેમ જે અતિશય સરસ ભગવાનની વાર્તા સંતની સભામાં થાતી હોય ને અહંવૃત્તિ જો બીજે ઠેકાણે જાય તો તરત ચાલીને ઊઠી નીકળે ને એ અહંવૃત્તિ બહુ વિસ્તારવાન જણાય છે. જુઓને સાહેબ લોક ઘોડાને ને સ્વારને તોળીને દોડાવે297 છે ને તેને ફરીને તોળે તો જે આગળ નીસર્યો હોય તેમાં ચાર પાંચ શેર વધુ ભાર થાય છે. ત્યારે પૂછ્યું જે અહંવૃત્તિ કેમ ટળે? ઉત્તર: જે શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામ શુદ્ધિ ત્રણ ગ્રંથ પ્રમાણે નિયમમાં પ્રમાદ મૂકીને દેહને વર્તાવે ને સત્પુરુષના સંગે કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત શ્રીજીની ભક્તિને શીખે ને તેમ જ વર્તે તો અહંવૃત્તિ ટળે ને એ અહંવૃત્તિ જન્મ મરણનું કારણ છે. ॥૪૧૧॥

સ્વાદ, માન, ક્રોધ ને ઈર્ષા એ આદિક દોષને ટાળવાનાં સાધન કર્યા કરે ને તેને વિષે દોષ દૃષ્ટિ રાખે તો ધીરે ધીરે એ દોષ નિવૃત્તિ પામી જાય છે એમ સ્વભાવ ટાળ્યાની રીત છે. ॥૪૧૨॥

અને સંતે પૂછ્યું જે માન કેમ ટળે? ત્યારે સ્વામીએ કહ્યું જે પોતાને સત્તારૂપ સમજે ને પોતે ભગવાન કે સત્પુરુષ આગળ તો અતિશય હળવો વર્તે અને પોતાને વિષે જે કાંઈક ગુણ હોય તે તો જેમ કોઈકનાં વસ્ત્ર આભૂષણ માગી લાવીને પહેર્યા હોય તેમ મોટા પુરુષના કે ભગવાનના છે એમ સમજે તો માન ટળે. ॥૪૧૩॥

અને આળસ, પ્રમાદ, મોહ, ઈર્ષા, દંભ ને કપટ એટલા જે એ દોષ તેનાં લક્ષણ તથા તેમને જીતવાના પ્રયત્નો કહીએ છીએ જે જેને સારું નરસું કાંઈ કરવું નહિ એવું વર્તે તેને આળસ કહીએ. ને જેને ન કરવાનું કરવું ને કરવાનું ન કરવું એવું વર્તે તેને પ્રમાદ કહીએ. ને જેને બીજું હોય ને બીજું જણાય એમ વર્તતું હોય તેને મોહ કહીએ. ને એ ત્રણેય દોષ એક એકમાં મળી જાય એવા છે, તે ત્રણ દોષ તો ત્યારે ટળે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેણે યુક્ત હોય ને એ દોષ જેવા છે તેવા તેને જાણતા હોય તથા તેને ટાળ્યાના ઉપાયને પણ યથાર્થ જાણતા હોય એવા જે મોટા સંત હોય તેને એમ કહેવું જે એ પૂર્વે કહ્યા એવા જે દોષ તે મારામાં આવે ત્યારે તમારે મુને ટોકવો. પછી તે મોટા સંત સ્વભાવ ઉપર ખટકો રાખીને નિરંતર ટોકે ત્યારે તેને ખમે ત્યારે ધીરે ધીરે કાળે કરીને એ સ્વભાવ ટળે પણ તે વિના ન ટળે. અને ઈર્ષાને એમ ઓળખવી જે પોતાના બરોબરિયાની ઉત્કૃષ્ટતા જણાય ત્યારે તેના ઉપર ઈર્ષા આવે ત્યારે તેનો એમ વિચાર કરવો જે મારે એના ઉપર ઈર્ષા આવી તે એનામાં દોષ છે ને આવી, કે નથી ને આવી? પછી એનો નિર્ધાર કરીને એવો વિચાર કરવો જે એનામાં દોષ નથી ને મુને એનો અવગુણ આવ્યો માટે મારો ઈર્ષાવાળો સ્વભાવ છે. પછી તે ઈર્ષાને એમ ટાળવી જે એનામાં જે ગુણ હોય તેને વિચારવા જે આવી રીતે તેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા માહાત્મ્યે સહિત ભક્તિ તથા દેશકાળે ન ડગે એવો ભગવાનનો નિશ્ચય છે તથા સત્સંગને વિષે આત્મબુદ્ધિ દૃઢ છે. તથા દેશકાળે કરીને સત્સંગમાંથી એનો પગ મોળો પડે એવો નથી ઇત્યાદિક જે એનામાં મોટા મોટા ગુણ પ્રર્વત પ્રાય છે ને મારામાં એ ગુણ છે ખરા પણ દેશકાળે કરીને એનો ઠા રહે એમ જણાતું નથી ને મુને એમના ઉપર ઈર્ષા આવે છે એ મારામાં અતિ ભૂંડો દોષ છે ને મારું પરલોકમાં અતિ ભૂંડું કરે એવો છે એમ જાણીને પછી તેના ગુણને વિચારીને તેનો વારંવાર ગુણ લેવો. ને જો તેને મોઢે દીન વચન બોલીને પ્રાર્થના થાય તો તેને પગે લાગીને તેની આગળ પ્રાર્થના કરીને કહેવું જે મને ઈર્ષાયે કરીને તમારો અવગુણ આવ્યો છે માટે મારો અપરાધ ક્ષમા કરજો ને એને મોઢે ન કહેવાય તો મનમાં તેની પ્રાર્થના વારંવાર કરવી ને પછી ભગવાનની પ્રાર્થના કરવી જે હે મહારાજ! મારામાં ઈર્ષા રહી છે તેને તમે ટાળો એમ વારંવાર ભગવાનની પ્રાર્થના કરવી ને એમ વિચાર કરવો જે એ ઈર્ષા જો મારામાં રહેશે તો તેણે કરીને મારે પરલોકને વિષે પ્રાપ્તિમાં બહુ ફેર રહેશે. ને ભગવાન મારા ઉપર રાજી નહિ થાય. એમ મનમાં નિરંતર ખટકો રહે ને તે ઈર્ષા ન ટળે ત્યાં સુધી મનમાં પશ્ચાત્તાપ કર્યા કરે તો ધીરે ધીરે ઈર્ષા ટળે ને દંભને એમ ઓળખીને ટાળવો જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા ત્યાગ તથા ધ્યાન તથા ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવું તથા માહાત્મ્ય કહેવું એ આદિક જે જે કરે તે લોકને દેખાડ્યાને અર્થે ઉપરથી રાખે પણ કોઈ ન દેખે ત્યારે નજરમાં આવે તેમ કરે એવું જ્યારે જણાય ત્યારે એમ જાણવું જે મારામાં દંભ છે, પછી તેને એમ ટાળવો જે હું જે જે સાધન કરું છું તે ઉપરથી દંભે કરીને લોકને દેખાડ્યાને અર્થે કરું છું તે મારામાં અતિ મોટો દોષ છે. એમ જાણીને પછી એમ વિચાર કરવો જે આ લોકની જે મોટપ તે કેટલાક દિવસ રહેશે? એ તો નહિ જ રહે, ને ભગવાન મારા હૃદયમાં રહ્યા થકા મારામાં જે ગુણ તથા અવગુણ તેને નિરંતર જોઈ રહ્યા છે તે માટે મારામાં જો લગારેક પણ દંભ રહેશે તો તેથી મારું પરલોકમાં બહુ જ ભૂંડું થાશે. એમ જાણીને નિરંતર મનમાં ખટકો રાખે ને તેને ટાળ્યાના ઉપાયમાં શૂરવીરની પેઠે તત્પર રહે ને જે નિરદંભી મોટા એકાંતિક સાધુ હોય તેની નિર્દંભપણે અનુવૃત્તિએ સહિત મન, કર્મ, વચને કરીને સેવા કરે ત્યારે ટળે. અને જે કપટી હોય તે તો ઉપરથી દેખાડ્યાને અર્થે ધર્માદિકને પાળે ને કોઈ ન દેખે તો ન પાળે એવો જે હોય તેને કપટી જાણવો. તે કપટને ટાળવા સારુ એમ વિચાર કરવો જે મારામાં કપટ છે માટે એ કપટે કરીને મારો જીવ આસરી થઈ જાશે. એમ વિચારીને પછી તેને ટાળ્યાને અર્થે મનમાં નિરંતર અનુતાપ298 રહ્યા કરે ને તે કપટ ન ટળે ત્યાં સુધી જેમ જળ વિના મચ્છ તરફડે તેમ તેને રાત્રિ દિવસ નિદ્રા ન આવે તથા શીત, ઉષ્ણ, ભૂખ, તરસની પણ ખબર ન રહે. પછી જે મોટા એકાંતિક સંત હોય તેને એ કહે જે હે મહારાજ! મારામાં આ દોષ છે તે ટળે એવો ઉપાય મને દયા કરીને બતાવો ને એ દોષ મારામાંથી ટળે ત્યાં સુધી દયા કરીને મને કઠણ વચનના ડંખ મારીને મારો એ દોષ ટાળી નાખો. એમ કરે તો ધીરે ધીરે એ દોષ કાળે કરીને ટળી જાય. ॥૪૧૪॥

અને અક્ષરાનંદ સ્વામીએ પૂછ્યું જે જીવમાં કામાદિક સ્વભાવ છે તે અનાદિ છે કે સંગે કરીને પણ આવે છે? ત્યારે સ્વામીએ કહ્યું જે એ સ્વભાવ કેટલાકને તો અનાદિના હોય છે ને કેટલાકને તો સંગે કરીને પણ આવે છે. તેમાં જે પૂર્વનો સ્વભાવ હોય તે તો બાળપણમાંથી જ જણાય છે. તે કેમ? તો જેમ બે નાનાં છોકરાં હોય તેમાં એકને તો નાનો હોય ત્યારથી તેમાં ક્રોધ, લોભ, માન, સ્વાદ, સ્નેહ, કામ, મત્સર, દંભ ઇત્યાદિક દોષ હોય ત્યારે જાણવું જે એ દોષ એનામાં પૂર્વના છે. ને એક નાનો હોય ત્યારે સાધુ સ્વભાવનો હોય ને પૂર્વે કહ્યા જે દોષ તે તેમાં હોય નહિ. ત્યારે એમ જાણવું જે એનામાં પૂર્વના ભૂંડા સ્વભાવ નથી. અને ભૂંડો હોય તેને જો સારો સંગ મળે તો તે સારો થાય છે ને સારો હોય તેને જો ભૂંડો સંગ મળે તો તે ભૂંડો થાય છે. ॥૪૧૫॥