text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૨૨. જ્ઞાનની વાતો

જ્ઞાનની પક્વતા ન હોય તો પોતાને બંધન થાય તથા પોતાના આશ્રિતને બંધન થાય, તેની આગળ ખબર પડે ને જ્ઞાનની પક્વતા કાળે કરીને ધીરે ધીરે થાય છે. ॥૪૧૮॥

મુક્ત, મુમુક્ષુ, વિષયી અને પામર તેનાં લક્ષણને જાણવા.

(૧) પામરનું લક્ષણ તો એ છે જે પામર તે વિષયને મૂઢપણે ભોગવે પણ સાર, અસારને ન જાણે તથા પાપ, પુણ્યને ન જાણે તથા સત્ય, અસત્ય તથા ધર્મ, અધર્મ તથા ન્યાય, અન્યાયને ન જાણે તથા આમ કરીશ તો મારું સારું થાશે અને આમ કરીશ તો મારું ભૂંડું થાશે ઇત્યાદિક કોઈ જાતનો વિવેક ન હોય અને કેવળ વિષયને ભોગવ્યાને વિષે જ આસક્ત હોય એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે જાણવું જે આ પામર છે ને મૂઢ છે.

(૨) વિષયીને એમ જાણવો જે શાસ્ત્રમાં જેવી રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે તેવી રીતે લોકમાં વિહિત299 એવા પંચ વિષયને ભોગવે અને વળી એમ જાણે જે આમ શાસ્ત્ર પ્રમાણે વર્તશું તો પરલોકમાં સ્ત્રી આદિક વિષયને પામશું એવી રીતનાં લક્ષણ જણાય ત્યારે એમ જાણવું જે આ વિષયી છે.

(૩) મુમુક્ષુને એમ વર્તે જે ધર્મ પાળવો તથા જ્ઞાન શીખવું તથા વૈરાગ્ય શીખીને સંસાર થકી મુકાય અને પોતાના આત્માને તથા ભગવાનને પામવાની મનને વિષે ત્વરા વર્તે તથા આત્માને પામ્યાનાં સાધન કહ્યાં હોય તેને શીખે તથા ભગવાનને પામ્યાનાં જે સાધન છે તેને શીખીને પછી તે ભગવાનને પામીને પછી ભગવાનને રાજી કરવાની મનમાં તીવ્ર શ્રદ્ધા વર્ત્યા કરે તથા ભગવાનની એકાંતિક માહાત્મ્યે સહિત જે ભક્તિ તેને કર્યાનાં જે સાધન તેને શીખ્યાની તથા તે ભક્તિ પોતાને કર્યાની મનમાં તીવ્ર શ્રદ્ધા વર્ત્યા કરે; આવી રીતે તેને એમ જાણીએ જે આ મુમુક્ષુ છે.

(૪) અને મુક્ત એમ જાણવા કે જે પુરુષ પંચ વિષયને તથા દેહ-ઇંદ્રિયાદિકને તથા ત્રણ ગુણ તથા ત્રણ અવસ્થા, ત્રણ દેહ એ સર્વેની ક્રિયાને પોતે દબાવીને વર્તે પણ એ એકેને વિષે દબાય નહિ. અને એ એકેના પેચમાં ન આવે300 અને એ સર્વેને દબાવીને અતિ વિરક્તપણે વર્તે અને કોઈ દેહનો કુસંગ તથા સત્સંગનો કુસંગ તથા બહારનો કુસંગ એ સર્વેને દબાવીને પંડે વર્તે પણ તેને કોઈ દબાવી શકે નહિ તથા કોઈની મહોબતમાં લેવાય નહિ તથા કોઈના પેચમાં આવે નહિ. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે આ મુક્ત છે. ॥૪૧૯॥

ચાર પ્રકારનું ચૈતન્ય કહેવાય તેની વિગતિ એમ છે, ચાર પ્રકારનું જડ કહેવાય તેની પણ એમ વિગત છે.

(૧) પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ચૈતન્ય છે, પંચવિષય તે જડ છે.

(૨) અક્ષરધામ તે ચૈતન્ય છે, આ લોક તે જડ છે.

(૩) ભગવાનના અક્ષરધામમાં રહ્યા જે સેવક તે ચૈતન્ય છે, આ દેહનાં સંબંધી તે જડ છે.

(૪) જીવકોટિ, ઈશ્વરકોટિના જે જીવ તે ચૈતન્ય છે, ને દેહ તે જડ છે. અને તે વિના બીજું જડ કે ચૈતન્ય કહેવાય. ॥૪૨૦॥

ભગવત્ જ્ઞાન સંબંધી શાસ્ત્રે કરીને શ્રીહરિજીના માહાત્મ્યની વૃદ્ધિ થાય અને ભગવાનના ગુણ, સ્વભાવ, સ્વરૂપ, વિભૂતિ, સુખ, ઐશ્વર્ય તેને જાણીને જે પ્રીતિ થાય છે તે અચળ છે અને તે વિના કેવળ બોલાવે કે લીધે દીધે જે પ્રીતિ થાય, તેનો નિર્ધાર નહિ. કેમ જે વિષમ દેશકાળ આવે ત્યારે એ પ્રીતિ ટકે નહિ. અને પ્રથમની જે પ્રીતિ તે કોઈ પ્રકારે જાય નહિ. ॥૪૨૧॥

શ્રીહરિજીના ધ્યાન કરતાં પણ જ્ઞાન તે અધિક છે. તે જ્ઞાન તે શું જે ભગવાન જેમ છે તેમ યથાર્થ જાણવા, અને ભગવાનને અર્થે જે જે કરવાનું છે તેને જાણવું. તથા જીવ, ઈશ્વર, પ્રકૃતિપુરુષ, અક્ષર એમના સ્વરૂપને અને ધર્મ, વૈરાગ્યના સ્વરૂપને જાણવું. તથા ભગવાનના ભક્ત જેવા જેવા હોય જે આને તો સર્વથી ભગવાન જ અધિકપણે છે અને જે ભગવાનના ગમતા પ્રમાણે જ વર્તતો હોય તથા વર્તાવાનું હોય અને પોતાનું ગમતું કરવાનો સ્વભાવ ન હોય અને તે હોય તો તેને ટાળવાનો આગ્રહ હોય અને જેને ભગવાનમાં પણ પ્રીતિ હોય અને કાંઈક પોતાનું મનગમતું કરવાનું પણ હોય એવો હોય તેને પણ જાણવો, ઇત્યાદિક જ્ઞાન કહેવાય. એવું જ્ઞાન હોય તો એમાં સહેજે ભગવાનનું ધ્યાન થાશે. માટે તે સર્વ વાર્તાને જાણવી. અને તે જ વાર્તા મુખે કરીને કહેવી તે તો જેટલી યોગ્ય હોય તેટલી કહેવી અથવા ન કહેવી તેમાં પણ દેશકાળનો અનુસાર જાણવો અને જો એ સર્વ વાત ન જાણે તો ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત હોય તેને મધ્યમ અને કનિષ્ઠ જેવો જાણે અને એ ભક્ત વૃદ્ધિને ન પામે. કેમ જે એ ઓળખે નહિ માટે જેવા તેવાનો સંગ કરે પણ શ્રેષ્ઠનો સંગ ન કરે અને પોતે સારો હોય પણ ઊતરતાને સંગે ઊતરતો થઈ જાય છે. અને ઊતરતાને હેતે કરીને તેનો પક્ષ લઈને મોટાનો અભાવ લે અને તેની મહોબતમાં દબાઈ રહે એવી રીતે જાણવા ન જાણવામાં ગુણ અને દોષ છે. ॥૪૨૨॥

આ બે પ્રકારનું સત્ય જાણવું:

(૧) આ લોકમાં પોતાનું ને પારકું હિત થાય એવું સત્ય બોલવું તેને લૌકિક સત્ય કહીએ.

(૨) આ લોક, દેવલોક, બ્રહ્મલોક, અનંતકોટિ બ્રહ્માંડ, અનંતકોટિ પ્રધાનપુરુષ એ સર્વેને કાળ નાશ કરી નાખે છે અને પછી મૂળપ્રકૃતિ પણ પુરુષને વિષે લીન થઈ જાય છે અને પુરુષ પણ અક્ષરને વિષે લીન થઈ જાય છે. એવી રીતે એ સર્વેને નાશવંત જાણીને એ પ્રકૃતિના કાર્યને વિષે પ્રીતિ છે તે તોડીને ભગવાન સદાય અક્ષરધામને વિષે વિરાજમાન છે તથા તે ભગવાનના ધામને તથા ભગવાનના ભક્તને સત્ય જાણવા. આવી રીતે જાણવું તેને અલૌકિક સત્ય કહેવાય. ॥૪૨૩॥

શૌચ301 પણ ત્રણ પ્રકારનું છે:

(૧) દેહે કરીને પવિત્ર રહેવું.

(૨) અંતઃકરણમાં કામ-ક્રોધાદિકનો ઘાટ ન થવા દેવો, ને

(૩) જીવમાં અવ્યક્ત રાગ છે તેને ટાળવા ને તે જીવને વિષે અવ્યક્ત રાગ છે તે ટાળીને એક ભગવાન વિના બીજી કોઈ જાતની ઇચ્છા ન રહે ત્યારે એમ જાણવું જે જીવની શુદ્ધિ થઈ તે ત્રીજા પ્રકારનું શૌચ કહેવાય. ॥૪૨૪॥

દયા પણ બે પ્રકારની છે:

(૧) આ લોકમાં દેહે કરીને સુખિયો રહે એવી દયા કરે તે દયાએ કરીને તો એ જીવનું પરલોક બગડે ને એને બંધન થાય એ લૌકિક દયા કહેવાય.

(૨) દેહ તથા દેહ સંબંધી પદાર્થ ને દેહના સંબંધી તથા આ લોકથી આરંભીને પ્રકૃતિ પર્યંત ક્યાંય પણ પ્રીતિ ન રહેવા દે ને એ સર્વેને વિષેથી પ્રીતિ તોડાવીને એક ભગવાનને વિષે પ્રીતિ કરાવીને પછી ભગવાનના સ્વરૂપને વિષે જોડે તે એવી દયા તો ભગવાન તથા એકાંતિક મોટા સાધુને વિષે હોય. એવી રીતે દયામાં પણ ફેર છે. ॥૪૨૫॥

તપ બે પ્રકારનું છે. તેમાં એક તો એમ જે જુવાન અવસ્થા હોય તો વ્રત ઉપવાસાદિકે કરીને દેહને બળહીન કરી નાખવો અને શરીરમાં બળ ન હોય ત્યારે તો વિહીત ભોગનો સંકોચ કરવો302 તથા શીત, ઉષ્ણાદિકનું સહન કરવું તેને પણ તપ કહીએ અને બીજું ઇંદ્રિયો તથા અંતઃકરણ તથા મન એ સર્વેને એકાગ્ર કરીને ભગવાનને વિષે અખંડ વૃત્તિ રાખવી તેને પણ તપ કહીએ. તે એવા તપને અતિ ઉત્કૃષ્ટ કહેવાય. ॥૪૨૬॥

અહંમમત્વ પણ બે પ્રકારનો છે. દેહનો ને ભગવાનના મંદિર સંબંધી મમત્વ તથા એકાંતિક ધર્મ પાળવો તે સંબંધી મમત્વ કરવો. તેમાં દેહનો મમત્વ ભૂંડું કરે એવો છે. ભગવાન સંબંધી મમત્વ છે તે તો પોતાનો મોક્ષ કરે એવો છે. ॥૪૨૭॥

ધર્મ પણ બે પ્રકારનો છે:

(૧) લૌકિક જે વર્ણાશ્રમનો ધર્મ પાળવો તે વર્ણાશ્રમનો ધર્મ તો આ લોકમાં જશ વિખ્યાતિ થાય તથા પરલોકમાં વિષયને પમાડે.

(૨) એકાંતિક ધર્મ, તે ધર્મે કરીને તો ભગવાનના અક્ષરધામને પામે છે.

એવી રીતે ધર્મમાં બે પ્રકારના ભેદ છે. ॥૪૨૮॥

ભગવાનનું ધ્યાન કરવું તેના ત્રણ ભેદ છે: (૧) બાહ્ય લીલા ચિંતવન કરીને ભગવાનનું ધ્યાન કરે તે ધ્યાને કરીને સ્થૂલ દેહને ધક્કો લગાડે. (૨) મનન દ્વારે ભગવાનનું ધ્યાન કરે તે ધ્યાને કરીને સૂક્ષ્મ અને સ્થૂલ એ બેને ધક્કો લગાડે. (૩) ઇંદ્રિયો, અંતઃકરણ તથા માયિક ભાવે રહિત કેવળ સત્તારૂપ થઈને જીવને અક્ષરરૂપ માનીને હૃદયમાં ભગવાનને પ્રતિલોમ વૃત્તિએ સન્મુખ રહીને ધ્યાન કરે તો પછી એ ભક્તને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણનો ભાવ ટળી જાય છે ત્યારે કારણ શરીરે સહિત ત્રણ દેહનો નાશ થાય છે એ શ્રેષ્ઠ ધ્યાન છે. ॥૪૨૯॥

ભજનમાં પણ ત્રણ ભેદ છે: (૧) જિહ્‌વાએ કરીને ભજન કરે તે સ્થૂલને બાળે. (૨) કંઠને વિષે ભજન કરે તે સૂક્ષ્મ તથા સ્થૂલ દેહ એ બેને બાળે. (૩) જિહ્‌વા તથા કંઠને ન હલાવે ને હૃદયને વિષે જ્યાં શ્વાસ ઊઠે છે ત્યાં ભજન કરવું. તે ભજન કેવું છે તો કારણ શરીરે સહિત ત્રણ દેહનો નાશ કરે એવું છે. તે માટે બુદ્ધિવાન હોય તે આ વાતને વિચારીને જીવમાં ધ્યાન તથા ભજન કરે તો તત્કાળ થોડે કાળે કરીને કારણ શરીરનો નાશ થાય ને તે વિના કોટિ ઉપાય કરે તો પણ કારણ શરીર ન બળે. ॥૪૩૦॥

ત્રણ પ્રકારનું બ્રહ્મચર્ય કહીએ છીએઃ (૧) ત્રણે અવસ્થાની બાલ, જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રીઓને દેખે પણ મનમાં રાગ ન થાય ને સ્વપ્નમાં પણ વીર્યપાત ન થાય એવો જે હોય તેને ઉત્તમ બ્રહ્મચર્યવાળો પુરુષ કહેવાય. (૨) ત્રણે અવસ્થામાં ત્રણ પ્રકારની સ્ત્રીઓને દેખે પણ રાગ તથા ભોગબુદ્ધિ તો ક્યારેય પણ ન થાય પણ ક્યારેક રજોગુણને જોગે કરીને સ્વપ્નને વિષે યુવાન સ્ત્રીને દેખે તો કોઈ સમે મનમાં રાગ લગારેક થાય ને વીર્યપાત તો તેને ત્રણે અવસ્થામાં ન થાય એવો જે હોય તેને મધ્યમ બ્રહ્મચર્યવાળો પુરુષ કહીએ. (૩) જાગ્રતમાં તો એ ત્રણે પ્રકારની સ્ત્રીઓને દેખે પણ રાગ ન થાય પણ સ્વપ્નને વિષે એ ત્રણે પ્રકારની સ્ત્રીઓને દેખીને રાગ થાય ને કોઈક સમે વીર્યપાત પણ થાય. ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત્ત કરે તેને કનિષ્ઠ બ્રહ્મચર્યવાળો કહેવાય. એવી રીતે આ વાતને વિચારીને પોતાને ઉત્તમ બ્રહ્મચર્યમાં કાંઈક કસર હોય તો ધીરે ધીરે આગ્રહે કરીને ઉત્તમ બ્રહ્મચર્યવ્રત અતિ દૃઢ કરવું તો જ પુરુષોત્તમ ભગવાનની સેવામાં રહેવાય ને તેમાં કાંઈક કસર હોય તો સેવામાં ન રહેવાય ને ઉત્તમ બ્રહ્મચર્ય આવવું તે હઠયોગ વિના અતિ કઠણ છે તો પણ આ કહીએ છીએ એવો ઉપાય અતિ દૃઢ કરીને પાળે તો ધીરે ધીરે ઉત્તમ બ્રહ્મચર્ય દૃઢ થાય. તેનું સાધન આ પ્રમાણે કરવું: (૧) મનમાં અખંડ ભગવાનની સ્મૃતિ રાખવી ને મનમાં સ્ત્રીનો સંકલ્પ ન થાવા દેવો ને જો સ્ત્રીનો મનમાં સંકલ્પ ન થાય તો વીર્ય પાણી થઈને પરસેવા દ્વારે નીકળી જાય ને ધર્મામૃતમાં જે નિયમ કહ્યા છે તે દૃઢ પાળવા. (૨) ભગવાનનો મહિમા અતિ દૃઢ જાણવો. (૩) આત્મનિષ્ઠા અતિ પરિપક્વ કરવી. (૪) ઇંદ્રિયો અંતઃકરણને જીતીને પોતાને વશ કરીને તે થકી અતિ વિરક્ત303 વર્તવું. જેમ પટ્ટાનો રમનારો304 કોઈના લાગમાં નથી આવતો તેમ તે પણ ઇંદ્રિયો અંતઃકરણના પેચમાં ન આવે, આવી રીતની યોગનીતિને શીખે. (૫) દિવસે સૂવું નહિ, અને અર્ધી રાત ગયા પછી સૂવું, તે પણ હરણની પેઠે ફડકો305 રાખીને એક નિદ્રા આવે ને પછી જ્યારે જગાય ત્યાર પછી ફરીને સૂવું નહિ. (૬) બેસવું ત્યારે આસન વાળીને બેસવું તથા એક ઠેકાણે બેસવું, (૭) પ્રયોજન વિના જ્યાં ત્યાં ફરવું નહિ. (૮) રસના ઇંદ્રિયને જીતવી તેની વિક્તિ જે આહાર કરવો તે પણ ખાવું ત્યારે ત્રીજો ભાગ પાણીનો માગ રાખવો તે પણ એક વખત ખાવું તે કાચું કોરું કાંઈ ખાવું નહિ. મરચું, અતિ મીઠું, આદુ, ખટાશ તથા ઝાઝો આહાર, નિદ્રા તથા ગળ્યું, ચીકણું તથા રૂપ જોવું તથા શબ્દ તથા ગંધ તથા સ્પર્શ તથા રસ એ સર્વે કામની ઉત્પત્તિના કારણ છે તે માટે આ જે ઉપાય કહ્યા તેને દૃઢ કરીને રાખે ને એવી રીતે દૃઢ નિયમો પાળીને પછી મનને વશ કરવું ને મનને વશ કરીને અંતઃકરણને વશ કરવું. પછી એ સર્વનું નિષેધ કરીને કેવળ સત્તારૂપ થઈને જીવાત્માને વિષે ભગવાનની મૂર્તિને ધારે તો ઉત્તમ બ્રહ્મચર્ય સિદ્ધ થાય. ને જ્યારે ઉત્તમ બ્રહ્મચર્ય સિદ્ધ થાય ત્યારે ભગવાનની સેવામાં રહેવાય ને તેમાં કાંઈ કાચપ હોય તો પુરુષોત્તમની સેવામાં ન રહેવાય. તે માટે જે મુમુક્ષુ હોય તેણે આ વાતને વિચારીને પોતાને વિષે કાચપ હોય તે ટાળીને ઉત્તમ બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું. ॥૪૩૧॥

જેને પુરુષોત્તમ ભગવાન મળ્યા હોય તેને કોઈક સ્વભાવ ટાળવાને અર્થે જન્મ ધરવો પડે તો પણ એના જીવમાંથી તે જ્ઞાન જાય નહિ. ને કોઈક ઉપરથી ત્યાગી જેવો જણાય પણ અંતરમાં બળિયો ન હોય ને કોઈક ઉપરથી ન જણાય પણ અંતરમાં બહુ બળિયો હોય તે જેમ જેમ સત્પુરુષનો સંગ કરતો જાય તેમ તેમ વધતો જાય. ॥૪૩૨॥

આત્મજ્ઞાન તથા વૈરાગ્યાદિક સર્વે સાધન છે તે માહાત્મ્યે સહિત જે ભક્તિ તેને અર્થે છે. ને ત્યાગ તો તેનું નામ જે ઇંદ્રલોકને પામીને પણ બંધાય નહિ ને પાછો નીસરી આવે તેને કહીએ અને શુભ કર્મને અર્થે યત્ન કરે પણ ન બની આવે તો હર્ષ, શોક પામે નહિ. ॥૪૩૩॥

જડભરતને જ્ઞાન રહ્યું ને જય વિજયને કેમ ન રહ્યું? ઉત્તર: જે જય વિજયની મતિ શાપિત હતી ને જડભરતની નહોતી માટે તેને જ્ઞાન જન્માંતરને વિષે પણ રહ્યું. ॥૪૩૪॥

ધ્યાન કરનારા યોગીને કઈ અવસ્થા પ્રથમ લોપાય છે? ઉત્તર: જે જો સ્થૂલ દેહને વિષે શ્રીહરિજીનું ધ્યાન કરે તો પ્રથમ સ્થૂલ દેહનો નાશ થાય છે ને પછી સૂક્ષ્મ દેહ ને કારણ દેહનો નાશ થાય છે ને એવી રીતે સૂક્ષ્મ ને કારણનું સમજવું. ત્યાં દૃષ્ટાંત છે જે જેમ વૃક્ષનાં ડાળાં પાંદડાં વારંવાર કાપ્યા કરે તો મધ્યભાગ ને થડિયું હળવે હળવે સુકાઈ જાય છે ને વચમાંથી કાપી નાખે તો થડ ને ડાળાં સુકાઈ જાય છે ને મૂળમાંથી કાપી નાખે તો મધ્ય ભાગને ડાળાં સુકાઈ જાય છે તેમ અવસ્થાનું જાણવું. ॥૪૩૫॥

શ્રીહરિની કથા વાર્તાનું શ્રવણ કરીને તેનો મનન ને નિદિધ્યાસ કર્યાનો અભ્યાસ અતિશય રાખવો. ને ગમે તેવી મોટપને પામ્યા હોય તો પણ અધિક સમજ્યાની દૃષ્ટિ હોય તો તે કોઈ ઐશ્વર્યમાં બંધાય નહિ ને મોટાઈ બહુ આવે. ॥૪૩૬॥

વરુણદેવના પુત્રે વરુણને પૂછ્યું જે હે પિતાજી! બ્રહ્મ કહો ત્યારે તે બોલ્યા જે પૃથ્વી બ્રહ્મ. ત્યારે પુત્ર જે તે પૃથ્વીના અંતને પામીને ફરી પૂછતો હવો જે હે પિતાજી! બ્રહ્મ કહો. ત્યારે તે બોલ્યા જે જળ બ્રહ્મ. એવી રીતે આગળ આગળ તેના તેના અંતને પામીને પુત્ર જેમ જેમ પૂછતો ગયો તેમ તેમ પિતા પણ બ્રહ્મ કહેતા ગયા જે તેજ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિ ને મૂળપુરુષ સુધી બ્રહ્મ કહ્યા તો પણ ફરીને તેણે પૂછ્યું જે પિતાજી! બ્રહ્મ કહો. ત્યારે વરુણદેવે કહ્યું જે અતિ પ્રશ્ન પૂછીશ તો તારું માથું ઊડી જાશે. માટે પુરુષોત્તમ શ્રીહરિજી જ્યારે દયાએ કરીને મનુષ્યભાવનું ગ્રહણ કરે છે ત્યારે જ મુમુક્ષુને પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન તથા સર્વે રહસ્ય વાર્તા જાણ્યામાં આવે છે એ મર્મ પ્રશ્નોત્તરમાં છે. ॥૪૩૭॥

શ્રીહરિજી મહારાજ બોલ્યા જે આ સચ્ચિદાનંદ સ્વામી જેવા ભક્ત સારુ બ્રહ્માંડનો નાશ થઈ જાય તો પણ પરમેશ્વરને ખટકે નહિ. તે ઉપર દૃષ્ટાંત દઈને વાર્તા કરી જે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુન સાથે સુધન્વાને જીતવા ગયા હતા ને એ દિગ્વિજયમાં જીતાણો નહોતો ને યાદવ માંયલો પણ ન હતો અને એ સુધન્વા પણ હરિભક્ત બહુ ભારે હતો. પછી અર્જુનને ને સુધન્વાને પરસ્પર યુદ્ધ થવા લાગ્યું ત્યારે સુધન્વા કહે જે જે દિવસથી શ્રીકૃષ્ણ ભગવાન મને મળ્યા છે તે દિવસથી જો બીજા દેવ માત્રની પ્રતીતિ મારા અંતરમાં ન થઈ હોય તો આ બાણે કરીને અર્જુનનું મસ્તક પડી જાઓ. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન કહે જે મેં રામાવતાર ધરીને જે જે પુણ્ય કર્યું છે તેણે કરીને અર્જુનનું બાણ એના બાણને કાપી નાખો. ત્યારે ફરીને પાછું સુધન્વાએ કહ્યું જે જે દિવસથી શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા છે તે દિવસથી જો કોઈ મંત્ર, જંત્ર, કામણ, ટુમણ, જડી, બુટી, રિદ્ધિ, સિદ્ધિ આદિકની પ્રતીતિ લેશમાત્ર ન થઈ હોય તો આ બાણ અર્જુનનું મસ્તક કાપી નાખો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે મેં વારાહાદિક અવતાર ધરીને જે પુણ્ય કર્યાં છે તેણે કરીને અર્જુનનું બાણ એના બાણને કાપી નાખો. ત્યારે ફરીને સુધન્વાએ કહ્યું જે જે દિવસથી શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા છે તે દિવસથી જો સ્ત્રી માત્રને ભોગવવાનો સંકલ્પ ન થયો હોય તો મારાં બાણ અર્જુનના મસ્તકને કાપી નાખો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા જે મેં ગોપીઓ સંગાથે રાસક્રીડા કરીને એ ઊર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું હોય તો અર્જુનનું બાણ સુધન્વાનાં બાણને કાપીને એનું મસ્તક કાપી નાખો. ત્યારે તે બાણે તેમ જ કર્યું ને જ્યારે એ બાણ એનું મસ્તક ગંગાજીમાં પધરાવવા લઈ જતું હતું ત્યારે આકાશ માર્ગને વિષે ધડ રહિત જે એ મસ્તક તે કૃષ્ણ કૃષ્ણ કરતું જાતું હતું. એવું આશ્ચર્ય જોઈને શિવજીએ એ બાણની સ્તુતિ કરીને તે મસ્તકને માગી લીધું. એવો એ સુધન્વા હરિભક્ત હતો તો પણ અર્જુન જેવો ન થયો. એવી રીતે હરિભક્તને વિષે સરસ નરસપણું છે. ॥૪૩૮॥

શ્રીજીમહારાજે કહ્યું છે જે અનવધિકાતિશય, નિરવદ્ય, નિરંજન ને નિર્વિકારી એવું ભગવાનનું સ્વરૂપ જાણવાને અર્થે

मायामयाकृतितमोऽशुभ वासनानां।

कर्तुं निषेधमुरुधा भगवत्स्वरूपे॥

निर्बीज सांख्यमत योगगयुक्तिभाजं।

त्वां भक्ति धर्मतनयं शरणं प्रपद्ये॥306

એ શ્લોકના અર્થને સમજીને પોતાની બુદ્ધિ અતિશય શુદ્ધ કરવી અને જે ભાગવતી તનુ છે તે તો શુદ્ધ સત્ત્વમય છે ને જે સંકલ્પનો દેહ છે તે સ્થલ દેહની પેઠે પડ્યો રહે ને જે બ્રહ્મમય તનુ307 છે તે તો નિર્ગુણ છે ને ચૈતન્યનું બંધાય છે. ॥૪૩૯॥

આ દેહમાં ઉત્તમ રુચિ પક્વ કરે તો હવે જે દેહ આવશે એમાં ઐશ્વર્ય, સામર્થી, ને તેજ બહુ આવશે. તે ઉત્તમ રુચિની વિગત જે જીવથી લઈને પુરુષોત્તમ પર્યંત યથાર્થ સમજીને ઉત્તમ રુચિ રાખવી તે કેમ સમજવું? ઉત્તર: જે જીવ તો મલીન રજ, તમ ને સત્ત્વ ગુણ તેણે કરીને યુક્ત વર્તે છે ને કર્મવશ છે ને જે જે યોનિમાં જાય છે ત્યાં તેવો જ થઈ જાય છે ને ઈશ્વર છે તે તો શુદ્ધ સત્ત્વમય જે દૃઢ ગ્રંથિ તેણે યુક્ત વર્તે છે ને જે મૂળપુરુષ છે તે તો સત્ત્વગુણથી ક્યારેક જુદા વર્તે છે ને ક્યારેક મિશ્રિત ભાવે વર્તે છે પણ ચોખ્ખું જુદું વર્તાતું નથી ને જે માયા છે તે જડ ચૈતન્યમય છે ને જે અક્ષરધામના મુક્ત છે તે તો ગુણાતીત વર્તે છે. તે ગીતામાં કહ્યું છે જે

प्रजहाति यदा कामान् सर्वान् पार्थ! मनोगतान्।

आत्मन्येवात्मनातुष्टः स्थितप्रज्ञस्तदोच्यते॥308

અને જે પુરુષોત્તમ ભગવાન છે તે તો અક્ષરાદિક સર્વેના નિયંતા છે ને પ્રકાશક છે ને એ સર્વેને વિષે શક્તિએ કરીને અન્વયપણે રહ્યા છે ને પોતે તો પોતાના ધામને વિષે સ્વતંત્રપણે રહ્યા છે. ॥૪૪૦॥

શ્રીજીમહારાજે છે. પ્ર. ૨૧ના વચનામૃતમાં વાર્તા કરી છે જે પ્રવૃત્તિ ધર્મ ને નિવૃત્તિ ધર્મ છે તે ભગવાનના સંબંધે રહિત પણ છે ને ભગવાનના સંબંધે સહિત પણ છે. તેમાં જે ભગવાનને સંબંધે સહિત ધર્મ છે તે જ ભાગવત ધર્મ છે ને ભાગવત ધર્મ ને ભક્તિ એ બેય એક જ છે અને ભાગવત ધર્મની સ્થાપના કરવાને અર્થે શ્રીહરિજી મહારાજનું પૃથ્વીને વિષે જયકારી પ્રવર્તવાપણું છે તે ભાગવત ધર્મને શ્રીજીમહારાજે શિક્ષાપત્રી, વચનામૃત આદિક ગ્રંથને વિષે યથાર્થપણે કહ્યા છે તે પ્રમાણે વર્તવું. ॥૪૪૧॥

વ્યાસાદિક નિર્ગુણ અવતાર છે ને પરશુરામ તથા સંકર્ષણાદિક સગુણ અવતાર છે એમ રામાનુજ આચાર્યે શ્રીભાષ્યમાં કહ્યું છે. ॥૪૪૨॥

જ્ઞાન કેમ સમજવું? ઉત્તર: જે પુરુષોત્તમનું, અક્ષરનું, મૂળપુરુષનું, મૂળમાયાનું, પ્રધાનપુરુષનું, વૈરાજપુરુષનું ને જીવના સ્વરૂપને પૃથક્ પૃથક્ રીતે સમજે એનું નામ જ્ઞાન કહેવાય છે. તે શ્લોકમાં કહ્યું છે

क्षेत्राणां च क्षेत्रविदां प्रधानपुरुषस्य च मायायाः कालशक्तेश्चाक्षरस्य।

च परस्य पृथक् पृथग्लक्षणैर्यज्ज्ञानमुच्यते॥309 ॥૪૪૩॥

વાચકુટના પ્રશ્નની વિગત જે વાચકુટ તે શું? તો ઉપરથી અર્થ જણાતો હોય તેથી બીજી રીતનો અર્થ જેમાં રહ્યો હોય એવું વચન કહેવું તે વાચકુટ જાણવું. તે ઉપર વાત કરી જે ધર્મદેવ જે તે અધર્મસર્ગને310 દોરડામાં નાખીને તાણે છે ને કલંગીવાળા દેવ311 જે તે ચારે બાજુથી મારી મારીને અધર્મના લશ્કરને દોરીના ગાળાને વિષે બંધાવે છે ને નારાયણમુનિનાં ચક્ર ચારે બાજુથી બાળે છે તેને જોઈને ધર્મદેવ અતિ દયાળુ છે માટે એમને વળી દયા આવે છે એ વાચકુટ? ઉત્તર: જે ધર્મદેવને ઠેકાણે તો આચાર્યજી મહારાજ છે ને અધર્મના સર્ગને ઠેકાણે તો જે ધર્મને વિષે યથાર્થ નથી વર્તતા એવા ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગી છે ને કલંગીવાળાને ઠેકાણે તો શ્રીહરિજીના ભક્ત ધર્મમાં યથાર્થ વર્તે છે ને બહુ બુદ્ધિવાળા છે તે છે ને નારાયણમુનિનાં ચક્રને ઠેકાણે તો તેમનાં વચન જે શિક્ષાપત્રી, ધર્મામૃત, વચનામૃત ને નિષ્કામશદ્ધિ તે છે એ ચારે કોરેથી બાળે છે તે શું તો જે ધર્મને વિષે મોળા વર્તે છે તેને સત્શાસ્ત્રો, શ્રીજીમહારાજ તથા સર્વે સંતો ઠપકો દે છે એટલે તે નિરંતર બળ્યા કરે છે ને સુખિયો રહેતો નથી. ॥૪૪૪॥

પ્રકૃતિની ઇચ્છાએ કરીને પુરુષનું રૂપ છે ને પુરુષની ઇચ્છાએ કરીને પ્રકૃતિ રૂપવાન થઈ આવે છે પણ એ બેયનું મૂળ રૂપ કેવું છે? ઉત્તર: જે મૂળ રૂપ તો એ બેયનાં દિવ્ય છે. ત્યારે પૂછ્યું જે અક્ષરના મુક્ત જેવાં છે? ત્યારે કહ્યું કે ના, અક્ષરના મુક્તો જેવાં કે બદ્ધ જીવોના જેવાં નથી પણ એ શ્રીહરિજીની શક્તિઓ છે માટે દિવ્યરૂપ છે ને એમાં જે નાના પ્રકારના વિકાર જણાય છે તે તો શ્રીહરિજીની ઇચ્છાએ કરીને છે. ॥૪૪૫॥

શ્રીહરિજીની ક્રિયાશક્તિ, ઇચ્છાશક્તિ ને જ્ઞાનશક્તિ એમાં કઈ સરસ છે? ત્યારે સંતે કહ્યું જે જ્ઞાનશક્તિ સરસ છે. ત્યારે શ્રીજીએ કહ્યું જે જે સમયને વિષે જે શક્તિ કામ આવે તે શક્તિ સરસ છે. ॥૪૪૬॥

મોટા સંતને મંદવાડ કેમ નડે છે? ઉત્તર: જે એમને વિષે કોઈ જાતની ખોટ નથી પણ લગારેક દેહાભિમાન હોય તે મંદવાડે કરીને ટળી જાય તે સારુ શ્રીજીમહારાજ મંદવાડ આપે છે. ॥૪૪૭॥

બે સરખા હરિભક્ત હોય તેમાં એક તો પોતાનું જ કાર્ય કરે ને બીજો તો બહુ મનુષ્યને સમાસ કરે તેમાં કોણ સરસ છે? ઉત્તર: જે બહુ મનુષ્યને સમાસ કરે છે તે જ સરસ છે. ॥૪૪૮॥

વૈરાજપુરુષ તથા પ્રધાનપુરુષાદિક સર્વે શ્રીજીમહારાજના મહિમાને સમજે છે તો પણ માયા સાથે કેમ જોડાય છે? ઉત્તર: જે એ ઐશ્વર્યાર્થી ભક્ત છે તે સારુ જોડાય છે ને જ્ઞાની ભક્ત હોય તે તો જોડાય નહિ તે માટે જ્ઞાનીને જ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને શ્રેષ્ઠ કહ્યો છે ને તે ભક્ત જેમ શ્રીજીને ભજે છે તેમ જ શ્રીજી પણ તેને ભજે છે. ॥૪૪૯॥

ધર્મ બે પ્રકારના હોય ને જ્ઞાન વૈરાગ્ય પણ હોય તો પણ ભક્તિ વિના સંપૂર્ણ ભક્ત કહેવાય નહિ ને એ ચારે હોય તો પણ શ્રીજીમહારાજની કૃપા વિના સંપૂર્ણ ભક્ત થવાય નહિ. ॥૪૫૦॥

ધર્માદિકમાં જે ગુણ છે તેને પૃથક્ પૃથક્ કહે છે. તેમાં ધર્મમાં એ ગુણ છે જે ધર્મને વિષે દૃઢપણે વર્તતો હોય તેનો પાયો સત્સંગને વિષે અચલ થાય છે ને જ્ઞાનમાં એ ગુણ છે જે આત્મા અનાત્માના વિવેકને યથાર્થ સમજતો હોય તો માન અપમાને કરીને તથા સુખ દુઃખાદિકે કરીને દુખિયો થાય નહિ ને વૈરાગ્યમાં એ ગુણ છે જે ચાર પ્રકારના પ્રલયે કરીને શ્રીજીમહારાજ તથા તેના સંત વિના બીજે પ્રકૃતિપુરુષથી લઈને તૃણ પર્યંત ક્યાંય પ્રીતિ રહે નહિ ને મહિમામાં એ ગુણ છે જે પુરુષોત્તમનો મહિમા સારી પેઠે સમજાણો હોય તો અક્ષરથી લઈને વૈરાજપુરુષ પર્યંત કોઈની મોટપ મનમાં મનાય નહિ ને ભક્તિમાં એ ગુણ છે જે ભક્તિને તો મૂર્તિમાં ચોંટવાનો સ્વભાવ છે માટે સાકાર વિના નિરાકારને વિષે કોઈ શાસ્ત્રે કરીને તથા કોઈની વાર્તાએ કરીને પણ કોઈ કાળે પ્રતીતિ આવે જ નહિ. ॥૪૫૧॥

આત્યંતિક પ્રલયને અંતે શ્રીજીમહારાજ અક્ષરધામને વિષે જેવા અલૌકિક પાર્ષદ, ઐશ્વર્ય ને સામર્થીએ યુક્ત રહ્યા છે એમ યથાર્થ જાણવા તેને જ્ઞાન કહીએ ને એના એ ભાવે સોતા જ મનુષ્યરૂપ થયા છે પણ તેમાં જે કમાદિક સર્વે ભાવ દેખાય છે તે દિવ્ય છે એમ યથાર્થપણે સમજવું તેને વિજ્ઞાન કહીએ. ત્યાં ગોપીઓના તથા બળિ રાજાના દૃષ્ટાંતે312 કરીને બહુ વાર્તા કરી. ॥૪૫૨॥

ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન ને ધર્મ એમના હેતુ, સ્વરૂપ ને ફળ જે છે તેને પૃથક્ પૃથક્ કહો? ઉત્તર: જે ભક્તિનાં કારણ તો સત્શાસ્ત્રમાં ભક્તિ ઉપજ્યાનાં જે સાધન કહ્યાં હોય તે છે ને શ્રી હરિકૃષ્ણજી મહારાજને વિષે પ્રીતિ છે તે સ્વરૂપ છે ને શ્રીજીમહારાજ વશ થાય તે ફળ છે ને વૈરાગ્યનો હેતુ પદાર્થ માત્રને વિષે જે દોષદૃષ્ટિ છે તે છે ને વિષય માત્રને ત્યાગ કરવાની જે ઇચ્છા છે તે સ્વરૂપ છે ને તે વિષયનો ત્યાગ કર્યો હોય ને વળી તે વિષય મળે તો ભોગવ્યાને વિષે રાંકપણું થાય નહિ તેને ફળ કહ્યું છે ને શ્રીહરિજીનું ને આત્માનું જે જ્ઞાન છે તેને ઊપજ્યાનું કારણ તો સત્પુરુષનો ને સત્શાસ્ત્રનો જે સંગ તે છે ને એ બેયની જેમ છે તેમ સ્થિતિ પોતાની બુદ્ધિને વિષે નિરંતર રહ્યા કરે તેને સ્વરૂપ કહે છે ને શ્રીજીને વિષે જે માહાત્મ્યે સહિત પ્રીતિ છે તેને ફળ કહે છે ને ધર્મ ઊપજ્યાનું કારણ તો ધર્મશાસ્ત્રનું અતિ આદરપૂર્વક જે શ્રવણ કરવું તે છે ને જે નિયમ છે તે ધર્મનું સ્વરૂપ છે ને જ્ઞાન વૈરાગ્યાદિકને ધારી રહે ફળ છે. ॥૪૫૩॥

એક દિવસ એમ વાર્તા કરી જે ગુરુ થાવું કે શિષ્ય થાવું એ બેમાંથી એક શીખવું ને બીજે દિવસે સર્વેને પૂછ્યું કે મૂંઝવણ ટાળવાને અર્થે એક બે સંતને મન સોંપ્યું છે કે નથી સોંપ્યું? ત્યારે જેણે જેને જેને મન સોંપ્યું હતું તેણે તેણે તેમનાં નામ લઈને કહી દેખાડ્યાં. ॥૪૫૪॥

ત્રીજે દિવસે એમ વાર્તા કરી જે જેનો સત્સંગને વિષે અચળ પાયો હોય ને તે કોઈ વિઘ્ને કરીને પણ સત્સંગ મૂકી શકે નહિ તે કેવા લક્ષણે યુક્ત હોય? ઉત્તર: જે એક તો શ્રદ્ધા અતિશય હોય ને સ્વભાવ ટાળવાને વિષે આગ્રહ પણ ઘણો હોય ને સત્સંગની ભીષણ પણ સર્વે પ્રકારે ખમતો હોય ને કોઈ રીતે કચવાઈ જાય નહિ એવાનો અચળ પાયો જાણવો ને એવી જાતની સમજણ નક્કી કરવી એ જ કલ્યાણનું મૂળ સાધન છે. ॥૪૫૫॥

પુરુષોત્તમ ભગવાન, અક્ષર ને અક્ષરના મુક્ત, પુરુષ, કાળ, માયા, જીવ, ઈશ્વર, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, માહાત્મ્યે સહિત શ્રીજીની ભક્તિ, તથા વ્યવહાર એ સર્વેનું જ્ઞાન યથાર્થ જાણ્યું જોઈએ ને વ્યવહારનું જ્ઞાન ન જાણ્યું હોય તો પણ મૂંઝવણ આવે છે. તે ઉપર માવા ભક્તને દૃષ્ટાંતે313 કરીને વાર્તા બહુ કરી. ॥૪૫૬॥

સ્વામી બોલ્યા જે મને મહારાજે કહ્યું જે આકાર રહિત વર્તવું ત્યારે તેમાં શંકા કરી જે મૂર્તિ ભૂલી જવાશે તો? ત્યારે તે સાંભળીને મહારાજ બહુ દિલગીર થઈ ગયા ને નેત્રકમળ સજળ થઈ ગયાં ને એમ બોલ્યા જે, જેને રાજી કરવાને અર્થે પ્રયત્ન કરે છે તે મૂર્તિને કેમ ભૂલી જવાશે. એમ મહારાજ બોલ્યા તે દિવસથી મારા હૃદયને વિષે એ વચન અચળ ખૂંચી રહ્યું છે ને તેમ જ વર્તાય છે ને શ્રીજીમહારાજને એમ વર્તવું ગમે છે. માટે અનેક યુક્તિએ કરીને એ વાર્તા કરીએ છીએ ને એવી સ્થિતિવાળાને તો અન્ય સંકલ્પ થાય નહિ ને કદાચિત્ અસત્ દેશકાળાદિકને જોગે કરીને જો થાય તો જેમ બીજા દેહે કરીને પ્રાયશ્ચિત્ત કરીને સંતોષને પામે છે તેમ એ જ્ઞાની ન પામે. એ તો ઉપશમરૂપ પ્રાયશ્ચિત્તે કરીને જ સંતોષ પામે છે તે વાત यस्य ज्ञानमयं तपः314 એ શ્રુતિમાં કહી છે માટે સવાસનિક ને નિર્વાસનિક હરિભક્તના પ્રાયશ્ચિત્તને વિષે બહુ ફેર છે. ॥૪૫૭॥

જેને દસ, વીસ, પચાસ કે સો મનુષ્ય માનતા હોય તેને ગંડવા થાય છે. તેના ભેળા જે મનુષ્ય રહેતા હોય તે જો તે રોગને ઓળખે નહિ તો તેમને પણ ગંડવા315 થાય છે માટે જ્ઞાનાંશનું એવે ઠેકાણે જરૂર કામ પડે છે. ને જેને જ્ઞાન હોય તે તો એ રોગને ઓળખી રાખે ને તે મોટ્યપમાં લેવાય નહિ ને જે આવા મોટા સ્થાનકને વિષે રહેતા હોય તેને તો જ્ઞાનાંશની વાર્તા જરૂર સમજવી જોઈએ કેમ જે કોઈક કોઠાર જોગ હોય ને કોઈક તો ભંડાર જોગ હોય ને કોઈક તો મંદિરમાં પૂજા કરવાને વિષે જોગ હોય, એવા અનેક પ્રકારના મનુષ્યો હોય છે. તે સર્વેને ઓળખીને જેને જ્યાં જેમ ઘટે ત્યાં તેને તેમ પ્રવર્તાવ્યું જોઈએ કેમ જે કોઈક તો બેઠાળુ હોય તે વાતચીતે કરીને સમાસ કરતો હોય તે પણ જાણ્યું જોઈએ. માટે જ્ઞાનનું કામ તો બહુ પડે છે ને માણસ ભેળા કરવા એ તો કાંઈ કઠણ નથી પણ તેને રૂડી બુદ્ધિ આપીને હરિભક્ત કરવો એ કઠણ છે. એ તો જ્ઞાની ભક્તને જ આવડે છે ને તે ગંડવા તો માસ, બે માસ કે છ માસ રહે ને વર્ષ, બે વર્ષ ને દસ, વીસ વર્ષ પણ રહે ને કોઈકને તો આવરદા પર્યંત રહે છે તે તો લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન, ઇત્યાદિક સંબંધી હોય છે તેને જ્ઞાનવાન ઓળખે છે ને બીજાને તો ઓળખાય નહિ. તે ઉપર વિવેકસારની વાર્તા316 કરી દેખાડી ને આચાર્યની રુચિના લોયાના ૧૪ના વચનામૃતની પણ વાર્તા કરી દેખાડી. ॥૪૫૮॥

જે જ્ઞાની ભક્ત હોય તે અતિશય શ્રેષ્ઠ હોય ને તેનાં વચન પણ ધર્મ, જ્ઞાનાદિકે યુક્ત હોય તેથી બળવાન બહુ હોય માટે તેના વચનને વિશ્વાસપૂર્વક ત્વરાવાન થઈને મુમુક્ષુ જે શ્રવણ કરે તો તેને સત્ય અસત્યની વિક્તિ તથા બહુ બુદ્ધિવાન તથા અલ્પ બુદ્ધિવાન હરિભક્તની વિક્તિ જણાઈ આવે છે ને શ્રવણ, મનનાદિકે કરીને જ્યારે જ્ઞાનાંશ પક્વતાને પામે છે ત્યારે સર્વે વક્તાના વચનનું પ્રમાણ થઈ આવે છે. માટે ગમે તેવો પંડિત હોય ને ગમે તેવો ડાહ્યો હોય ને ગમે તેવો મોટેરો હોય ને ગમે તેવો વાચાળ હોય તે સર્વેની પરીક્ષા આવી જાય છે જે આ બહુ બુદ્ધિવાન ભક્ત છે ને આ નથી. માટે મુમુક્ષુને સંગ, સોબત, વાતચીત ઇત્યાદિક સર્વે ક્રિયા સત્પુરુષની જ ગમે છે ને એમના વચનને વિષે જે બળ છે તેને દૃષ્ટાંતે કરીને કહે છે ને શ્રીજીમહારાજની મરજી પ્રમાણે વર્તતા ધર્મવાળા ગરીબ એવા જે સપ્તર્ષિ તેના વચનનો ઉપરિચર વસુએ જો અનાદર કર્યો તો એ વિમાનમાંથી પૃથ્વી પર પડી ગયો ને વળી પાતાળમાં પણ પેસી ગયો ને ઇન્દ્રે જો એ સપ્તર્ષિનું અપમાન કર્યું તો ધાન્યને ને દાંતને હજારો વર્ષ સુધી વૈર રહ્યું એવું મહત્પુરુષના વચનમાં બળ છે. ને શ્રી રામચંદ્રજીએ પરશુરામને રાંક બ્રાહ્મણ કરી મૂક્યા એવું મોટાના સંકલ્પમાં પણ અપાર બળ રહ્યું છે. ॥૪૫૯॥

ભગવાનને સર્વ કર્તા થકા અકર્તા કેમ સમજવા? ઉત્તર: જે “रामो न गच्छति ब्र तिष्ठति”317 એમ અકર્તા શ્રીજીમહારાજ નથી. એ તો અક્ષરધામને વિષે જેવા અલૌકિક ઐશ્વર્ય, પાર્ષદ ને સામર્થી સોતા વિરાજે છે તેવા ને તેવા જ મનુષ્યભાવને વિષે પણ વર્તે છે. એવા થકા અક્ષરથી પર છે ને સર્વેના નિયંતા છે ને સર્વના પ્રકાશક છે ને સર્વના કર્તા છે એવા જે શ્રીજીમહારાજ તેમની જે સર્વે ક્રિયા છે તે જીવોના કલ્યાણને અર્થે છે ને જ્ઞાનાકાર છે. ને પોતાના સુખને અર્થે નથી માટે અકર્તા છે. વળી જેમ કોઈકે સો મનુષ્ય મારી નાખ્યાં હોય ને બીજા સોને મારવાને અર્થે સોમલખાર318 નંખાવીને લાડુનું જમણ કરાવતો હોય ત્યારે એ તે મારે છે કે જમાડે છે? એ તો મારે જ છે. ને વળી જેમ કોઈક કામ્ય યજ્ઞ319 કરે છે તેમાં દેવને આરાધે છે ત્યારે એ તે દેવને અર્થે કરે છે કે સ્વર્ગ સુખને અર્થે કરે છે? એ તો સ્વર્ગ સુખને અર્થે જ કરે છે. તેમ પરમેશ્વર જે તે ઊંચ, નીચ, યોગ્ય, અયોગ્ય, જે જે ક્રિયા કરે છે તે સર્વે જીવોના કલ્યાણને અર્થે જ કરે છે પણ પોતાના સ્વાર્થને અર્થે લેશમાત્ર કરતા નથી માટે સર્વે ક્રિયાને કર્તા થકા અકર્તા છે એમ અજ્ઞાની જીવ નથી સમજતા ને તે પોતા જેવા જાણીને લોભ, કમાદિક ભાવ ઈશ્વરને વિષે કલ્પે છે ને શાસ્ત્રને વિષે જીવોના કલ્યાણને અર્થે જે નિયમ કહ્યા છે તેને પણ ખોટા કલ્પે છે ને એ સત્પુરુષનો દ્વેષ કરે છે માટે અસુર ભાવને પામી જાય છે ને એના કલ્યાણને અર્થે પણ એ નિયમ થાતા નથી ને ઈશ્વરનાં ચરિત્ર તો સર્વે દિવ્ય છે ને જીવના કલ્યાણનો જ છે આગ્રહ જેમને વિષે એવા છે ને કોઈકનું પદાર્થ કોઈકને દઈ દે છે ને કોઈની વહુ દીકરી હોય તેને કોઈને દઈ દે છે ને કોઈની બહેન, સ્ત્રી હોય તેને કોઈને દઈ દે છે એવા અનંત પ્રકારનાં જે ચરિત્ર તેને દિવ્ય સમજે ને એમ જાણે જે એમનું કલ્યાણ એમ જ કર્યે થાતું હશે એમ પરમેશ્વરના ચરિત્રને વિષે અલૌકિકપણું સમજે ને એમ પણ જાણે જે મહારાજને તો કોઈ પદાર્થ જોઈતું નથી ને જે જે વસ્તુનું ગ્રહણ કરે છે તે તો જીવના કલ્યાણને અર્થે કેવળ દયાએ કરીને જ કરે છે. ને પોતે તો અન્ન, જળ વિના વાયુ ભક્ષણ કરીને રહેતા માટે સર્વ ક્રિયાઓને કર્તા થકા પણ અકર્તા છે ને એની સર્વ ક્રિયા કલ્યાણરૂપ જ છે ને દિવ્ય છે. ત્યાં બે શ્લોક છે,

जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः।

त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन!॥320

न मां कर्माणि लिंपन्ति न मे कर्मफले स्पृहा।

इति मां योऽभिजानाति कर्मभिर्न बध्यते॥321 ॥૪૬૦॥

જીવાત્માને મનન દ્વારાએ કરીને અક્ષરના સાધર્મ્યપણાને પમાડ્યો હોય ને સત્તારૂપે વર્તતો હોય ને જગતની સર્વે ક્રિયાને સ્વપ્નતુલ્ય ને નાશવંત ને કાખના મુવાળા જેવી અતિ તુચ્છ સમજતો હોય ને તેને શ્રીહરિજી કહે જે જગતના સર્વે વૈભવ અસત્ય છે ને અતિશય દુઃખરૂપ છે ને અસાર છે તો એ વચન યથાર્થપણે સત્ય મનાઈ જાય છે ને એવા જ્ઞાની ભક્ત તો જીવાત્માને પણ નિર્દોષ ને અકર્તા માને છે ને શ્રીહરિજીને પણ અલૌકિક ને અકર્તા સમ્યક્ પ્રકારે સમજીને જે ભજન સ્મરણ કરે છે. તેને પણ કર્મ વળગતું નથી કેમ જે જુઓને અર્જુન હતા તેમણે શ્રીકૃષ્ણનો યથાર્થ મહિમા જાણીને ને એમને વિષે અકર્તાપણાને સમજીને ને પોતાને આત્મસત્તારૂપ માનીને અકર્તાપણે વર્ત્યા તો કર્મ વળગ્યું જ નહિ ત્યાં શ્લોક છે જે: 

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः।

न कर्मफलसंयोगं, स्वभावस्तु प्रवर्त्तते॥322

यस्य नाहकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते।

हत्वापि स इमाल्लोकान् न हंति न निबध्यते॥323

नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित्।

पश्यन्श्रृण्वन्स्पृशञिजध्रन्नश्नन्गच्छन् स्वपन्श्वसन्॥

प्रलपन विसृजन् गृहृन्नुन्मिषन्निमिषन्नपि।

इद्रियाणींद्रियोर्थेषु, वर्तते इति धारयन्॥324

એવી રીતે જ્ઞાની હરિભક્તનું વર્તન કહ્યું ત્યારે પરમેશ્વરનું તો તે કરતાં પણ અતિશય અકર્તાપણે કરીને વર્તન સર્વે શ્રુતિ, સ્મૃતિને વિષે કહ્યું છે જે કર્તા, અકર્તા, અન્યથાકર્તા પરમેશ્વર જ છે. ॥૪૬૧॥

જીવને શાસ્ત્રને વિષે શુદ્ધ કહ્યા છે તેને વિષે કર્મ ને માયા કેમ સમજવી? ઉત્તર જે જીવ તો અનાદિના માયાત્મક જ છે ને કર્મ ને માયા તો ભિન્ન ન કહેવાય. તે કઈ માયા? તો જે જીવને વિષે પંચ વિષયની ઇચ્છારૂપે રહી છે ને વળી જેમ બીજને વિષે અંકુર છે તેમ અવ્યક્તપણે રહી છે. ને જે સ્ત્રીને આકારે માયા છે તે તો કર્મ થકી જુદી છે માટે કર્મ ને માયા જુદાં છે ને અનાદિથી ભેગાં પણ છે ને સત્શાસ્ત્રને વિષે જે જીવને શુદ્ધ કહ્યા છે તેવા તો મહત્પુરુષની સેવાએ કરીને થાય છે તે વાત પણ મુક્ત ભેદના સારંગપુરના ૧૭મા વચનામૃતને વિષે શ્રીજીમહારાજે કહી છે. ॥૪૬૨॥

જીવ, માયા ને પરમેશ્વર એ ત્રણે અનાદિ છે તેમના મધ્યે પુરુષોત્તમને વિષે સર્વ કારણપણું ને સર્વનું કર્તાપણું કેમ સમજવું? ઉત્તર: જે પુરુષોત્તમ તો માયાને સ્થૂલ-સૂક્ષ્મભાવને પમાડી દે છે ને જીવને જ્ઞાનશક્તિના વિકાસ-સંકોચે કરીને સ્થૂલ-સૂક્ષ્મભાવને પમાડી દે છે ને એને વિષે જે જે ક્રિયા કરવાનું સામર્થ્યપણું ને પ્રકાશપણું ઇત્યાદિક અનેક પ્રકારની સામર્થી રહી છે તે તો પુરુષોત્તમની આપેલ છે. માટે શ્રીહરિજીને વિષે સર્વનું કારણપણું, સર્વનું નિયંતાપણું ને સર્વનું કર્તાપણું કહેવાય છે. ॥૪૬૩॥

विद्याविद्ये मम तनू विद्धयुद्धव शरीरिणां।

बन्धमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते॥325

એ શ્લોકને વિષે વિદ્યા અવિદ્યા એ બેય શબ્દ કરીને બંધ ને મોક્ષ કહ્યા છે. તેમાં વિદ્યા તે શું? ને અવિદ્યા તે શું? ઉત્તર: જે વિદ્યા જે તે ધર્મ સર્ગને વિષે વર્તવું, જ્ઞાન શીખવું, વૈરાગ્ય શીખવો ને શ્રીજીમહારાજનો ને મોટા સંતનો મહિમા શીખવો ને નવ પ્રકારની ભક્તિ કરવા શીખવી ને શમદમાદિક સાધન શીખવાં ઇત્યાદિક સર્વે વિદ્યાશક્તિ કહેવાય છે. ને પંચ વિષયને વિષે રાગ રાખવો ને દેહાભિમાને સોતા વર્તવું ઇત્યાદિક સર્વેને અવિદ્યાશક્તિ કહેવાય છે. ને અજ્ઞાનીમાં જે અવિદ્યાશક્તિ રહી છે ને તેને વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા છે ને તે અવિદ્યા પણ અજ્ઞાની જીવ માત્રને વિષે ને ઐશ્વર્યાર્થીને વિષે રહી છે ને તે અજ્ઞાનીમાં જે વિદ્યા જણાય છે તે શું છે? તો જે યજ્ઞ, દાન, પુણ્ય, વેદાધ્યયન ને તીર્થ, વ્રતાદિક જે જે શુભ ક્રિયા કરે છે તે સર્વે ફળને પામવાની ઇચ્છાએ સહિત કરે છે. માટે એ વિદ્યા છે તે પણ અવિદ્યા જ છે ને જે ઐશ્વર્યાર્થી હરિભક્ત છે તેને વિષે જે વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા જ છે. માટે એ સકામ ભક્ત છે ને તે ઐશ્વર્યાર્થી તો સનકાદિકથી લઈને પ્રધાનપુરુષ પર્યંત કહેવાય છે. માટે જે ભક્તની ઇન્દ્રિયોની વૃત્તિયું આત્મા કે પરમાત્મા સન્મુખ વર્તે છે ને વિષયને વિષે દોષના ધ્યાને યુક્ત વર્તે છે તે ભક્ત જે તે વિદ્યાશક્તિએ યુક્ત કહેવાય છે ને જે ભક્તની ઇન્દ્રિયુંની વૃત્તિયું બાહેર વર્તે છે ને વિષયને વિષે ગુણના ધ્યાને યુક્ત વર્તે છે તે ભક્ત જે તે અવિદ્યા શક્તિએ યુક્ત કહેવાય છે. ને જે હરિભક્ત એમ નથી સમજતા ને નિશ્ચયનું કે મહિમાનું બળ લઈને સ્વભાવને ટાળતા નથી ને જે હરિભક્ત શ્રીજીમહારાજની ને સત્પુરુષની બીક રાખીને ને ભગવાનને અંતર્યામી જાણીને પ્રકૃતિને ટાળે છે ને જે નથી ટાળતા એ બેને સરવાળે બહુ ફેર પડે છે ને હમણાં તો સરખા જણાય છે. જેમ બે નાવ સમુદ્રમાં ચાલ્યાં જાતાં હોય તેમાં એકના સુકાનને ધ્રુમાંકડી326 સામી દૃષ્ટિ રાખીને લગાર લગાર મરડ્યા કરે ને એકના સુકાનને ન મરડે તો એ બંને નાવને આગળ જતાં સો બસો ગાઉનો ફેર પડી જાય છે. તેમ જે સ્વભાવને ટાળતો હોય ને જે ન ટાળતો હોય તેમાં પણ એમ ફેર પડે છે ને કેવળ વિદ્યા શક્તિએ યુક્ત તો શ્વેતદ્વીપના તથા બદ્રિકાશ્રમના મુક્ત વર્તે છે ને તે કર્તા, કર્મ ને ફળના સંગને વિષે આસક્તિએ રહિત વર્તે છે ને જો કદાચિત્ દેશ કાળાદિકના વિષમપણાએ કરીને એ મુક્તોને પણ પંચ વિષયને વિષે સન્મુખપણું ને એમને વિષે ગુણનું ધ્યાનપણું થઈ જાય તો તે વિદ્યાને વિષે પણ અવિદ્યા કહેવાય ને જે અક્ષરધામના મુક્ત છે તે તો ગુણાતીત વર્તે છે. માટે એ નિર્ગુણ કહેવાય છે ને જે આ વાર્તાને શ્રવણ, મનન ને નિદિધ્યાસ તેણે કરીને યથાર્થ સમજ્યો હોય ને તે જો થોડાક દિવસનો નવો હરિભક્ત હોય તો પણ તે સત્સંગ તથા કુસંગને ઓળખે છે ને તેમાં લેવાતો નથી. ॥૪૬૪॥

કેમ સમજે તો નિરાકારની વાર્તા શંકરાચાર્ય જેવા કરે તો પણ તેનો ગંધ અંતઃકરણને વિષે પેસે જ નહિ? ઉત્તર જે આમ સમજે તો એ વાતનો ગંધ પેસે જ નહિ. તે સમજવાની રીત્ય જે શ્રુતિ, સ્મૃતિ સર્વેને વિષે પરમેશ્વરને તથા પરમેશ્વરના જે ગોલોક, વૈકુંઠ ને બ્રહ્મપુરાદિક દિવ્યધામ તથા નંદ-સુનંદાદિક દિવ્ય પાર્ષદ તથા લક્ષ્મીજી ને રાધિકાજી એ આદિક દિવ્ય શક્તિઓ એ સર્વેને સાકાર જ કહ્યાં છે ને તે સાકારપણાના નિરૂપણ કરનારાં પણ હજારો શ્રુતિ તથા સ્મૃતિઓ છે તેનાં નામ જે नित्यो नित्यानां चेतनश्चेतनानां॥327 सऐक्षत॥328 सर्वेडनिमेषा जज्ञिरे विधुतःपुरुषात्॥329 यदा यदा हि धर्मस्य॥330 जन्म कर्म च मे दिव्यं॥331 न मे पार्थास्ति कर्तव्यं॥332 ઇત્યાદિક અનેક શ્રુતિ સ્મૃતિના વચને એ સર્વેના સાકારપણાનો દૃઢ ઠરાવ કર્યો હોય ને શુદ્ધ સંપ્રદાયે કરીને સત્પુરુષથી અધ્યાત્મજ્ઞાન શ્રવણ કર્યું હોય તો નિરાકારપણાની પ્રતીતિ સ્વપ્નમાં પણ થાય નહિ ને અસત્ સંપ્રદાયના અસત્ પુરુષ પાસેથી જ્ઞાન પામ્યો હોય તો તેને નિરાકારની પ્રતીતિ થાય છે. માટે સત્ અસત્‌ના વિવેકનું મુખ્ય કારણ તો સત્ અસત્ પુરુષ જ છે. ॥૪૬૫॥

ધર્માદિકની પક્વતાએ કરીને ભગવાનના દૃઢ ભક્તને માયિક વિષયની ઇચ્છા ટળી જાય છે તેણે કરીને એમને કચરો ને કંચન એ બે સરખાં જણાય છે કેમ જે એ બેનું પ્રયોજન એ જ્ઞાની ભક્તને રહેતું નથી માટે સરખાં જણાય છે ને જે સુખ દુઃખ છે તે તો જીવની સમજણમાં જ રહ્યાં છે કેમ જે આ વસ્તુ તો સુખદાયક છે ને આ વસ્તુ તો દુઃખદાયક છે એવી અંતરમાં જે દૃઢ સમજણની ગાંઠ પડી છે તેમાં સુખદુઃખ રહ્યાં છે ને જુઓને આ લોકમાં પુરુષ જે તે પોતાના પુત્રને પરણાવવા જાય છે ત્યાં પોતાને “મોચી ઘાંચીના રે સઈ સુતારના રે”333 એવી રીતે અનેક જાતની ગાળો દે છે પણ તે સાકર જેવી ગળી લાગે છે. ત્યારે સુખ દુઃખ તે સમજણમાં જ રહ્યાં છે તે માટે અંતરમાં સત્ અસત્‌નો વિવેક કરીને આ લોકનાં સુખ દુઃખને ખોટાં સમજે તો બાહેરથી તે ખોટાં થઈ જાય છે. ॥૪૬૬॥

નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે આસ્તિક કેને કહીએ? ઉત્તર: જે જેને શ્રી હરિકૃષ્ણજી મહારાજ તથા તેમના અવતાર તથા વેદાદિક સચ્છાસ્ત્ર તથા તેમનાં ધામ તથા તેમના એકાંતિક સાધુ એ સર્વેનો સત્યપણાનો જેને વિશ્વાસ હોય તેને આસ્તિક મતિવાળો ભક્ત કહીએ. ॥૪૬૭॥

અને જગત આદ્યે નહોતું ને અંતે પણ નહિ રહે ને મધ્યે ઝાંઝવાના જળની પેઠે જણાય છે તે કહ્યું છે જે न यदिदमग्र आस॥334

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत!।

अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥335 ॥૪૬૮॥

અહંવૃત્તિ તે શું? તે ઉપર વાર્તા કરી જે લીંબુ, વઘાર, પુસ્તક અને વસ્ત્રને દૃષ્ટાંતે કરીને કહ્યું જે જેમ લીંબુનો રસ લગારેક હોય છે તે જેમાં નાખે તે સર્વે વસ્તુમાં વ્યાપી જાય છે. તેમ જ વઘારને પણ જાણવું ને વસ્ત્ર અને પુસ્તકને જોઈને ત્રાગે ત્રાગે ને પાને પાને વૃત્તિ થઈ જાય છે. તેમ અહંવૃત્તિ પણ દેહને વિષે નખથી લઈને શિખા પર્યંત વ્યાપી રહે છે. ॥૪૬૯॥

આ ચાર વાનાં જીવનાં કલ્યાણનાં હેતુ છે. (૧) શ્રીજીમહારાજ, (૨) એમના એકાંતિક સાધુ, (૩) મંદિરમાં પધારાવેલી એવી જે ભગવાનની મૂર્તિઓ336 ને (૪) સત્શાસ્ત્ર, તેમાં પ્રથમના ને બીજા એ બે શ્રેષ્ઠ છે ને ત્રીજા તથા ચોથા તે એથી લગારેક ન્યૂન છે. ॥૪૭૦॥

શિખર ચઢીને મંદિર સંપૂર્ણ ક્યારે થાય? ઉત્તર: જે ધર્મ-જ્ઞાનાદિક ગુણને પુરુષ પ્રયત્ને કરીને જ્યારે અતિ પક્વ કરે ને તેણે કરીને વાસના નિર્મૂળ થઈ જાય ત્યારે શિખર ચઢે ને મંદિર પૂરું થયું કહેવાય ને તે વિના તો અધૂરું જ કહેવાય. ॥૪૭૧॥

અજ્ઞાન ને રાગ એ બે એક છે કે નહિ? ઉત્તર: જે અજ્ઞાન તો આત્મા અને પરમાત્માના વિવેક સોતી યથાર્થ સમજણ ન હોય તેને કહીએ ને રાગ તો પંચવિષયને વિષે જે પ્રીતિ છે તેને કહીએ પણ એ બે કાંઈ એક નથી એ બેમાં તો બહુ ભિન્નપણું છે. ॥૪૭૨॥

જીવ જે તે જેવો ધર્મ, અર્થ અને કામને અર્થે પુરુષ પ્રયત્ન કરે છે તેવો મોક્ષને અર્થે પુરુષ પ્રયત્ન કરતો નથી એનું જ નામ મોહ છે ને વળી પ્રત્યક્ષ ભગવાન તથા પ્રત્યક્ષ સંતને મેલીને બીજે ઠેકાણે અજ્ઞાની ને પામર જેવા જે જીવ તેમનો જે વિશ્વાસ કરવો એ પણ મોહ જ છે. ॥૪૭૩॥

અને મુક્ત બુદ્ધિ શીખવી ને તે તો સત્વગુણી હોય તેમનાથી શીખાય છે તેનું લક્ષણ જે

प्रवृतिं च निवृतिं कार्याकार्ये भयाभये।

बंधं मोक्षं च यावेत्ति बुद्धिः सा पार्थ! सात्त्विकी॥337 ॥૪૭૪॥

જે હરિભક્તને વિષે સાંખ્ય અને અષ્ટાંગયોગ એ બે હોય તેને કાંઈ વાંધો જ રહે નહિ. તે સાંખ્ય તે શું તો પંચ વિષયને વિષે [દોષ] બુદ્ધિ રાખવી ને તે બુદ્ધિ દિવસે દિવસે વૃદ્ધિ પામે તેને અર્થે વારંવાર પુરુષ પ્રયત્ન કરીને નિત્ય પ્રલયાદિકનો વિચાર કર્યા કરવો તે છે. અને યોગ તે શું તો પુરુષોત્તમ ભગવાનને પૂર્ણકામ સમજીને તેમની નવધા ભક્તિ કરવી ને તેમનો મહિમા સમજવો જે શ્રી હરિકૃષ્ણજી મહારાજ દયાએ કરીને જે જે પદાર્થને અંગીકાર કરે છે તે તો જીવના કલ્યાણના અર્થે જ કરે છે પણ પોતાના સ્વાર્થને અર્થે લેશમાત્ર કરતા નથી ને એ શ્રીજીમહારાજની સૂક્ષ્મતા આગળ અક્ષર તો અતિશય સ્થૂળ જણાય છે ને એ તો એમને રહ્યાનું પૃથ્વીરૂપ સ્થાનક છે. ॥૪૭૫॥

ઉપાસ્ય, ઉપાસક અને સ્થાનક એ ત્રણેના શુદ્ધપણાએ કરીને ઉપાસક જે તે ઉત્તમ ભક્ત થાય છે ને સનકાદિકને ઉપાસ્ય સ્વરૂપ સરસ નથી એટલે તે સરસ થાતા નથી ને પર્વતભાઈને રહેવાનું સ્થાનક સારું ન હતું માટે આગ્રહે કરીને સત્પુરુષને સહાય રાખીને જો ઉપાસ્ય સ્વરૂપને સમજવા મંડ્યા તો વૈરાજપુરુષથી લઈને પુરુષોત્તમ ભગવાન પર્યંત જેમ છે તેમ યથાર્થ સમજ્યા ખરા. તે ઉપર માછલાં જેમ અભ્યાસે કરીને જળમાં સામે પૂરે ચાલે છે તે દૃષ્ટાંતે338 કરીને પુરુષ પ્રયત્નની વાર્તા કરી. ॥૪૭૬॥

શુકજીને જો જ્ઞાનાંશની સમજણ હતી તો શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રને વિષે સંશય થયો નહિ ને પરીક્ષિત રાજાની જન્મોત્રીમાં એની મોટપ અતિશય કહી છે તો પણ એને જ્ઞાનાંશ વિના શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રને વિષે સંશય થયો છે. ને બ્રહ્માને પણ તેમની પેઠે જ થયું ને નારદને પણ સંશય થયો જે ભગવાન ઘરોઘર દીઠા. માટે એકાંતિકનો સંગ કરીને જ્ઞાનાંશની સમજણનું અતિ દૃઢપણું કરવું ને ઇંદ્રિયો, મન, બુદ્ધિ ને જીવ એમને વિષે ભગવાનનો નિશ્ચય થયા પછી સત્પુરુષના સંગે કરીને જીવ બહુ વૃદ્ધિને પામે છે. તે ઉપર વેલો જેમ ઝાડને યોગે કરીને વૃદ્ધિ પામે છે તે દૃષ્ટાંતે339 કરીને વાર્તા કરી. ॥૪૭૭॥

અધર્મ સર્ગના મોટેરા એવા જે લોભાદિક પાંચ દોષ છે તેને ધર્મ સર્ગના નિર્લોભાદિક જે પાંચ ગુણરૂપ ઉપાય કહ્યા છે તેણે કરીને જીતીને ભક્તિ કરવી એમ પાંચ અધ્યાયે કરીને કહ્યું છે ને છઠ્ઠા અધ્યાયને વિષે જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ કહી છે. તે માહાત્મ્ય એમ જાણવું જે ભગવાનનો દિવ્યભાવ ને મનુષ્યભાવ તે એક જ છે પણ રંચ માત્ર ફેર નથી. ॥૪૭૮॥

શ્રીહરિજીના ભક્તને હરિ ભજવામાં કોઈ અંતરાય છે કે નથી? ઉત્તર: જે અંતરાય તો છે; તેની વિગત જે મોટા ગૃહસ્થ છે તેમને તો ગામ ગરાસ અને વાહનાદિક તથા વ્યવહાર જે રાજ્યકાર્યાદિક તથા ખાનપાનાદિક સર્વે હરિભજનમાં અંતરાય કરનારા થાય છે ને ગરીબ હરિભક્તને પણ એ મોટા ગૃહસ્થ અંતરાય કરનારા થાય છે. ને ગરીબ જે ત્યાગી છે તેને તો બરોબરિયા જે ત્યાગી તથા મોટા મનુષ્ય એ અંતરાય કરનારા થાય છે. એ અંતરાય કેમ ન થાય? ઉત્તર: જે ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય ત્રણે અંગે સહિત, જે ભક્તિ તેણે યુક્ત એવા જે સત્પુરુષ તેમને ઓળખીને તેમની અનુવૃત્તિમાં રહીને જો એમનો સમાગમ કરે તો કોઈ અંતરાય ન થાય. ત્યારે કહેશો જે બીજાનો દ્રોહ ન થાય? એમ કોઈ કહે તો એમાં દ્રોહ શાનો થાય? ને એમ ન સમજે ને સર્વેને સરખા સમજે તેને તો પશુ જેવો મૂર્ખ જાણવો ને શાસ્ત્રમાં પણ કહ્યું છે જે સંત છે તે તો ત્રીસ તથા ચોસઠ લક્ષણે કરીને યુક્ત છે ને શ્રીજીએ પણ સત્સંગિજીવનને વિષે ધર્મરક્ષાના અધ્યાયમાં બે પ્રકારના સંત કહ્યા છે તેમાં અલ્પ બુદ્ધિવાળાનો સંગ પાપીની પેઠે દૂરથી ત્યાગ કરવાનું કહ્યું છે ને બહુ બુદ્ધિવાળા સંતના સંગે કરીને ત્રણ અંગે સહિત જે ભક્તિ છે તે વૃદ્ધિને પામે છે એમ કહ્યું છે. તે પછી મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી એમના પ્રસંગની વાર્તા નીસરી તથા પર્વતભાઈ તથા ડોડિયા પુંજા ભક્ત એમની વાર્તા વિસ્તારીને બહુ થઈ તેમાં પણ સચ્ચિદાનંદ સ્વામી દેહ મૂકીને બ્રહ્મપુરમાં ગયા ને ત્યાં ચોરની પેઠે છુપાઈ રહ્યા એવી રીતે વાર્તાનો340 પ્રસંગ બહુ નીસર્યો. ત્યારે સંતે કહ્યું જે એવામાં સ્વભાવ હોય કે નહિ? ઉત્તર જે મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી એ આદિક જે સંત તેમણે પુરુષ પ્રયત્ને કરીને પોતાના સ્વભાવને ટાળ્યા હોય તેવા સંતને વિષે ન હોય. ત્યારે તે સંતે કહ્યું જે એવાને વિષય તે બંધન કરે કે ન કરે? ઉત્તર: જે બહુ ઉપશમ રૂપ ઐશ્વર્યને પામ્યા હોય તે તો જીવના કલ્યાણને અર્થે વિષયનું ગ્રહણ કરે પણ તત્કાળ વિષયના બંધનને ટાળી નાખે ને જે અલ્પ ઉપશમ રૂપ સામર્થીને પામ્યો હોય તે તો શાસ્ત્રના રહસ્યને પોતાની મેળે સમજે ને બીજા તો એવાની પાસે શાસ્ત્રના રહસ્યને શીખે તો જાણે. ॥૪૭૯॥

તપે કરીને જીવનું અંતઃકરણ શુદ્ધ થાય છે ને શ્રીહરિજી પણ પ્રસન્ન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે પણ ભક્તિએ કરીને અંતઃકરણ શુદ્ધ થાય છે એમ શાસ્ત્રમાં કેમ કહેતા નથી? ઉત્તર: જે તપે કરીને વિષયની નિવૃત્તિ થઈ જાય છે ને અંતકરણ શુદ્ધ થાય છે. ને ભક્તિમાં તો સકામ ભક્તને વિષયનો સંબંધ રહે છે એટલે અંતઃકરણ શુદ્ધ થાતું નથી. માટે ભક્તિએ કરીને અંતઃકરણની શુદ્ધિ શાસ્ત્રમાં કહેતા નથી. ॥૪૮૦॥

ભક્તિ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, સ્વધર્મ અને વ્રતાદિક એમાં કોણ શ્રેષ્ઠ છે? ઉત્તર: જે નિષ્કામભાવે કરીને એ સાધનને કરે તો સર્વે શ્રેષ્ઠ છે. નહિ તો સર્વે સમાન છે. ॥૪૮૧॥

મુમુક્ષુને જેમ છે તેમ સમજતાં પોતાની મેળે સર્વેને આવડતું નથી ને કેટલાકને તો સમજાતું જ નથી ને કેટલાક સમજે છે તે પણ વિષયને મૂકી શકતા નથી કેમ જે જુઓને સાઠ હજાર વાલખિલ્ય ઋષિ છે તે સમજતા નથી ને બૃહસ્પતિ, ઇન્દ્ર ને દક્ષાદિક તે સર્વે સમજે છે. પણ તે વિષયને મૂકી શકતા નથી ને એમ સમજે છે જે આપણે તો એમ જ રહેવાય. એમ મનમાં આંટી પાડી છે. તેમ આ લોકના ભક્તને વિષે પણ એમ સમજણ છે. ત્યારે પૂછ્યું જે કેમ સમજવું? ઉત્તર: જે ધર્મ-જ્ઞાનાદિક સાધને કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી હરિકૃષ્ણજી મહારાજ તેમને અતિશય શુદ્ધ ને અતિ નિર્વિકાર ને સર્વ થકી પર ને સર્વના અંતર્યામી ને સર્વના પ્રેરક ને સર્વના સ્વામી ને સર્વના કર્તા ને સર્વના કર્મફળપ્રદાતા એવા સમજીને અનેક ગુણે કરીને યુક્ત એવા જે શ્રીજીમહારાજ તેમની અતિશય દૃઢ ઉપાસના કરવી. ॥૪૮૨॥

ઉત્તમ ભક્તને સુષુપ્તિની પેઠે વર્તે છે. એમ વચનામૃતનો પ્રસંગ નીસર્યો ત્યારે હરિભક્તે શંકા કરી જે સુષુપ્તિમાં તો અજ્ઞાન છે તે જ્ઞાની ભક્તને ન હોય માટે એનું કેમ સમજવું? ત્યારે મોટા સંતે કહ્યું જે જ્ઞાની ભક્તને જાગૃતને વિષે સુષુપ્તિની પેઠે તો વિષયને વિષે અભાવે યુક્ત વર્તવાપણું છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।

यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः॥341 ॥૪૮૩॥

શ્રીજીમહારાજને દેખે છે પણ પોતાના સ્વરૂપને જુદું દેખતો નથી એ કેમ હશે? ઉત્તર: જે એ તો સાધનકાળને વિષે જો જીવ, ઈશ્વર ને પરમેશ્વર એમના સ્વરૂપનો ભિન્ન ભિન્ન શ્રવણ, મનન ને નિદિધ્યાસ કર્યો હોય તો દૃઢ સ્થિતિમાં પણ જુદાં જણાય છે, નહિ તો ન જણાય. ॥૪૮૪॥

પરમેશ્વર તો પૂર્ણ કામ છે ને તેમને કાંઈક જોઈતું નથી ને ગ્રહણ કરે છે તેનું કેમ જાણવું? ઉત્તર: જે એ તો જીવના કલ્યાણને અર્થે પરમેશ્વરે અતિશય દયાએ કરીને મનુષ્યભાવનું ગ્રહણ કર્યું છે ને જો એ કોઈ પદાર્થને અંગીકાર ન કરે તો આપણું શ્રેય કેમ થાય? માટે પોતે એવો સંકલ્પ કર્યો છે જે અમને ભૂખ, તરસ, શીત, ઉષ્ણાદિક મનુષ્યની પેઠે થાઓ. તે વાત શ્રીજીએ પંચાળાના ચોથા વચનામૃતમાં કહી છે. ॥૪૮૫॥

લય, વિક્ષેપ, રસાસ્વાદ અને કષાય342 એ ચારને ટાળ્યાનો શો ઉપાય છે? (૧) લય તો ભગવાનની લીલાના ચિંતવને કરીને તથા સ્વામિનારાયણ નામના ભજને કરીને ટળે છે, (૨) વિક્ષેપ તો શ્રીજીમહારાજના માહાત્મ્યના વિચારે કરીને તથા આત્મા, અનાત્માના વિવેકે કરીને ટળે છે, (૩) રસાસ્વાદ તો નિયમને વિષે યથાર્થપણે વર્તવે કરીને ટળે છે, (૪) કષાય તો સત્તા રૂપ થઈને શ્રીજીમહારાજના ધ્યાને કરીને ટાળે તો ટળે છે. ॥૪૮૬॥

સત્સંગ કરે છે તેને દિવ્ય દેહ કેમ બંધાય છે? ઉત્તર: જે જેમ મૂર્તિનું બીબું મીણનું કરે છે તેમાં પાંચ પ્રકારના રસ રેડે છે તે રસની મૂર્તિ બંધાય છે ને મીણનું બીબું ગળી જાય છે ને તે ઉપર માટીનું ખોખું હોય તેને ભાંગી નાખે છે તેમ ધર્મ-જ્ઞાનાદિક સાધન જેમ જેમ પક્વતાને પામતાં જાય તેમ તેમ દિવ્ય દેહને વિષે પ્રકાશાદિક ઐશ્વર્ય આવતાં જાય ને ચાર સાધન જીવને વિષે સંપૂર્ણ પ્રાપ્ત થાય છે ત્યારે દિવ્ય દેહ સર્વ પ્રકારે સંપૂર્ણ થાય છે ને તે પછી માટીનાં ખોખાંને ઠેકાણે જે સ્થૂલ દેહ તે પડી જાય છે ને જેમ મૂર્તિને ઘસી ભૂંસીને દિવ્ય કરે છે તેમ એ એકાંતિક ભક્તને શ્રીહરિજી મહારાજ અતિ દયાએ કરીને ને ભીની દૃષ્ટિએ કરીને સર્વે કસર ટાળી નાખે છે ને દેહાભિમાન તો સ્થૂલ દેહને વિષે રહે છે ને માન તો સૂક્ષ્મ દેહને વિષે રહે છે. એ રીતે બે પ્રકારે માનના વિવેકની વાત કરી. ॥૪૮૭॥

ઉપાસ્ય, ઉપાસક ને સ્થાનક એ ત્રણની શુદ્ધતા કહો? ઉત્તર: જે પુરુષોત્તમ ભગવાનને તુલ્ય ઉપાસ્ય કોઈ નથી એ ઉપાસ્યની શુદ્ધતા કહેવાય ને જે અક્ષરના સાધર્મ્યપણે વર્તવું તે ઉપાસકની શુદ્ધતા કહેવાય ને સ્થાનકની શુદ્ધતા તો અક્ષરબ્રહ્મ જ છે એમ જાણવું. ॥૪૮૮॥

સ્થૂળ ને સૂક્ષ્મ દેહના ભાવ ટાળવાના સાધનને વિષે બદ્રિકાશ્રમના ઋષિ મંડ્યા છે ને કારણ શરીરના ભાવને ટાળવાના સાધનને વિષે શ્વેતદ્વીપના મુક્ત મંડ્યા છે. ॥૪૮૯॥

સ્વયં, અંશ, કળા ને વિભૂતિ એ ચારના ભેદને કેમ સમજવા? ઉત્તર: જે સગુણ, નિર્ગુણ એ બે પ્રકારના ભગવાનના અવતાર છે તેને મધ્યે સગુણ તો પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ ને સંકર્ષણ એ સ્વયં અવતાર છે ને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ તો અંશાવતાર છે. ને કશ્યપાદિક કળાવતાર છે. ને નિર્ગુણમાં તો શ્રીકૃષ્ણાદિક સ્વયં અવતાર ને દત્ત કપિલાદિક અંશાવતાર ને મચ્છ કચ્છાદિક કળાવતાર એમ છે ને વિભૂતિ તો ઇન્દ્રાદિકને જાણવી ને વિભૂતિ તો ભગવાનની છડી છે. ગીતામાં તો રાજાને પણ વિભૂતિ કહ્યા છે. માટે છડી તો સર્વેને માનવા જોગ છે ને રાજા પરીક્ષિતનું ઋષિએ સન્માન ન કર્યું તો કેટલી ઉપાધિ થઈ ને તે રાજાઓને વિષે નિરંતર જે સ્વાભાવિક ગુણ રહે છે તે તો પોતાના છે ને જે વિશેષ ઐશ્વર્ય જણાય છે તે પરમેશ્વરનું છે એમ જાણવું. ॥૪૯૦॥

અને અન્નમયકોશ,343 પ્રાણમયકોશ,344 મનોમયકોશ,345 વિજ્ઞાનમયકોશ346 ને આનંદમયકોશ347 એમની સ્થિતિ જુદી જુદી કહી છે. ॥૪૯૧॥

અને જીવ કિયે ઠેકાણે રહે છે? જો સુષુમ્ણા નાડીમાં348 રહે છે એમ કહીએ તો એ તો મુક્તની નાડી છે. તેનો ઉત્તર જે જીવની દૃષ્ટિ દૃશ્ય સામી રહે છે માટે બદ્ધ રહે છે તેને પતંગિયાને દૃષ્ટાંતે349 કરીને સ્વામીએ બહુ વાત કરી. ॥૪૯૨॥

અને પરમેશ્વરની આજ્ઞામાં બ્રહ્માદિક દેવ કેમ વર્તે છે? તો જેમ રાજાની આજ્ઞામાં તેના કારભારી વગેરે વર્તે છે તેમ. ॥૪૯૩॥

અને પૂછ્યું જે મહાપુરુષને રહ્યાનાં સ્થાનક શાનાં છે? ત્યારે કહ્યું જે પંચભૂતનાં છે. ત્યારે સ્વામી કહે તે સમે પંચભૂત ક્યાંથી હોય? જેમ મૂર્તિમાન અગ્નિદેવમાં જ્વાલા રહી છે તેમ પંચભૂત તો એમાં રહ્યાં છે. ॥૪૯૪॥

અને સર્વે વર્ણને વિષે ધર્મ કેમ રહ્યો છે? એ પ્રશ્નનો ઉત્તર જે કોઈકને વિષે તો અર્થને લઈને ધર્મ રહ્યો છે ને કોઈકને વિષે તો કામને લઈને ધર્મ રહ્યો છે ને કોઈને વિષે કપટે કરીને ધર્મ રહ્યો છે. ઇત્યાદિક ઘણે પ્રકારે કરીને રહ્યો છે. પણ કેવળ મોક્ષને અર્થે નથી જણાતો. ત્યારે કોઈકે પૂછ્યું જે ત્યાગીને હશે? ત્યારે સ્વામી કહે એમાં પણ નાત્યને લઈને તથા પ્રબંધે350 કરીને રહ્યો છે. ત્યારે ફરી પૂછ્યું જે તે મોક્ષને અર્થે કેમ થાય? ત્યારે સ્વામી કહે સત્પુરુષને ઓળખીને તેમનો સંગ, મન, કર્મ, વચને કરે ને તેમના હાથ તળે રહ્યો થકો વર્ત્યા કરે તો મોક્ષને અર્થે થાય છે. ને એમ ન વર્તે તો ધર્મ, અર્થ ને કામ પર થઈ જાય છે. એમ કહીને અર્જુનના શૂરવીરપણાની વાત સાથે બીજા પણ શૂરવીરોની351 વાત કરી. ॥૪૯૫॥

અને નિશ્ચયનું શું લક્ષણ છે? એ પ્રશ્નનો ઉત્તર બીજાએ કહ્યો જે ઓળખવું કે જ્ઞાન એને કહેતા હશે. ત્યારે એકે કહ્યું જે નિશ્ચયનું તો કાંઈ ઠેકાણું નથી કેમ જે પ્રથમ તો અતિશય જાણતો હોય ને પછી કાંઈએ રહે નહિ. ત્યારે સ્વામી બોલ્યા જે એવાને તો પ્રથમથી જ નહિ હોય ને કોઈકને લગાર ઇંદ્રિયુંમાં કે અંતઃકરણમાં હશે તે કાંઈક અસમર્થ ચરિત્ર જણાઈ આવે તેણે કરીને ટળી જાય છે. ॥૪૯૬॥

અને સ્વામીએ વાત કરી જે નામને તો સ્વરૂપ, ગુણ ને ચરિત્રનો સંબંધ રહે છે. ત્યારે કોઈએ પૂછ્યું જે ગુણ ને ચરિત્રમાં શો ફેર છે? ત્યારે સ્વામી કહે જે પુંડરીકાક્ષ,352 પુંડરીકવદન,353 નિષ્કલંક, ચંદનાર્ચિત આદિક સ્વરૂપનિર્ણય છે ને અતિ દયાળુ, અતિ કૃપાળુ, અતિ વત્સલ ઇત્યાદિક ગુણનિર્ણય છે. ને ચરિત્ર તો જે નાના પ્રકારની ક્રિયા કરવી તે છે. ॥૪૯૭॥

અને કર્મ, ભક્તિ ને જ્ઞાનના ભેદ છે તેની વિગત જે કર્મયોગ તે પોતાના વર્ણાશ્રમને અનુસારે ઉદ્યમ કરે ને તેમાંથી દશોંદ354 શ્રીજીમહારાજને અર્થે કાઢે તેને કહીએ, ને ત્યાગી થઈને નવધા ભક્તિ નિષ્કામપણે પ્રમાદ મૂકીને કર્યા કરે તેને ભક્તિયોગ કહીએ ને સત્તારૂપ થઈને ગુણને ટાળતા થકા કૈવલ્યપણે ભક્તિ કરે તેને જ્ઞાનયોગ કહીએ. ॥૪૯૮॥

અને શ્રીજીમહારાજમાં શક્તિ રહી છે તેને કેમ સમજવી? તો જે મનુષ્ય, પશુ આદિક સર્વે શ્રીજીની મૂર્તિ જોઈને તેને વિષે અતિશય તણાય છે ને પોતાની ક્રિયા કરવા સમર્થ થાતાં નથી અને જેની શક્તિ ભક્તમાં, કાળમાં, નામમાં તથા વચનમાં પણ રહી છે. એમ વિસ્તારે કરીને વાત બહુ કરી. ॥૪૯૯॥

અને પૂછ્યું જે ઋષભદેવાદિક તથા શુક જડભરતાદિક સર્વે ત્યાગી છે તેમાં કોણ શ્રેષ્ઠ છે? તેનો ઉત્તર જે ઋષભદેવાદિક તો અતિશય શ્રેષ્ઠ છે. ॥૫૦૦॥

અને પૂછ્યું જે પ્રેમી ભક્ત છે તે તો ઐશ્વર્યાર્થીમાં વળગી જાય છે ને જ્ઞાની છે તે તો બ્રહ્મ સુખમાં વળગી જાય છે માટે એ બેયને બાધ આવ્યો તે કેમ કરે તો ટળે? તેનો ઉત્તર જે એ બે જો શ્રીજીમહારાજનો મહિમા સમજે તો ટળે. તે ઉપર વજ્રની ખીલીનું વચનામૃત355 વંચાવ્યું. ને કહ્યું જે દિવ્યભાવ તથા મનુષ્યભાવ એ બેય તુલ્ય છે તેમાં રંચમાત્ર ફેર નથી. પણ જો જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને કરીને નિર્વાસનિક થવાય તો સર્વ પ્રકારે માહાત્મ્ય સમજાય છે. ॥૫૦૧॥

અને ધર્મ, જ્ઞાનાદિકની અવધિ જોઈ ત્યારે પ્રથમના ત્રણની તો અવધિ જાણ્યામાં આવી ને એક તો અગાધ રહ્યું. ॥૫૦૨॥

અને જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ તથા ઇચ્છાશક્તિનાં લક્ષણ કહ્યાં જે પરમેશ્વર શ્રીહરિજી મહારાજ તે જે તે પોતાની જે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિ તેને અનુસારે પ્રેરે છે. તે વ્યાસજીએ શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે:

बुद्धीन्द्रियमनःप्राणान् जनानामसृजत्प्रभुः।

मायार्थं च भावार्थं च ह्यात्मने कल्पनाय च॥356

અને નરનારાયણ ભગવાનનું તપ પણ એમ જ છે ને જ્ઞાનશક્તિ આદિક પણ એ પ્રમાણે છે. ॥૫૦૩॥

અને નિષ્ઠા ને મહિમા એક છે કે જુદાં છે? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે નિષ્ઠા તો એને કહીએ જે એક પુરુષોત્તમને વિષે જ સર્વનું અંતર્યામીપણું તથા સર્વનું કર્તાપણું તથા સર્વનું આધારપણું તથા સર્વનું પ્રેરકપણું રહેલું છે. એવી રીતે અંતઃકરણમાં નિરંતર વર્ત્યા કરે તેને કહીએ. ને મહિમા તો આવે ને જાય પણ ખરો પણ એવી વાર્તાનું શ્રવણ, મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો મહિમા નિરંતર રહે ને સાક્ષાત્કાર થાય. જેમ કોઈ શ્લોક કે કીર્તન મુખપાઠ કરેલ હોય તેને વરસ, છ મહિના સુધી ખટકો રાખીને વાર્તા કર્યામાં લાવ્યા કરે કે સંભાર્યા કરે તો પક્વ થાય. ॥૫૦૪॥

અને ॥ सत्त्वं यद्ब्रह्मदर्शनं॥ સત્ત્વગુણથી બ્રહ્મનું દર્શન થાય છે. એવી જે માયા તે દુઃખરૂપ કેમ કહેવાય છે? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે જેમ પૃથ્વીની ઘટાદિક એવા અનેક પ્રકારની રચના છે તથા કાચ આદિકને વિષે સ્વચ્છપણું છે તે સર્વે કર્તાની શિલ્પતાએ કરીને છે, તેમ શ્રીહરિજી મહારાજ અને તેમના સત્પુરુષના સંબંધે કરીને સત્ત્વગુણને વિષે બ્રહ્મ દર્શનપણું છે ને એમ ન હોય તો આરબ ને કોળી આદિકને વિષે સત્ત્વગુણ તો દેખાય છે તો પણ બ્રહ્મદર્શન તો કહેવાય નહિ. ને નિર્ગુણપણું તો એ બેયના સંગે કરીને આવે છે. ને તેને વિષે બીજો એક ભેદ છે જેમ આંહીથી વડતાલ તથા ધોલેરે કે જૂનાગઢ ગયા તો પણ ગયા કહેવાય ને હોય તો મારગમાં તેમ હરિભક્ત નિર્ગુણ કહેવાય. એમ દેવને દૃષ્ટાંતે357 કરીને બહુ વાર્તા કરી. ॥૫૦૫॥

અને હેત ને માહાત્મ્ય જેમ પ્રથમ હતા એમ ને એમ સદાય કેમ રહેતાં નથી? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે તે પ્રથમની પેઠે ન રહે પણ ગૂઢ થઈ જાય છે ને ગૂઢપણે રહીને અતિશય વૃદ્ધિને પામે છે. ॥૫૦૬॥

અને પુરુષોત્તમ ભગવાન, માયા અને જીવ એ ત્રણેય અનાદિ છે, એ વાત યથાર્થ છે. પણ માયા અને જીવ તો ભગવાન આગળ અતિ અસમર્થ ને પશુ જેવાં જણાય છે ને એને અનાદિપણું છે એટલું જ સરખાપણું છે પણ સર્વ ઐશ્વર્યે યુક્ત તો પુરુષોત્તમ ભગવાન એકલા જ છે. એમ સ્વામીએ મનુષ્ય અને પશુના દૃષ્ટાંતે358 બહુ વાત કરી. ॥૫૦૭॥

અને સ્વામીએ વાત કરી જે શ્રદ્ધામાં વૈરાગ્યાદિક આવી જાય છે. તે સાંભળીને સંતે આશંકા કરી જે ત્યારે તે જુદા શા સારુ કહ્યા? ત્યારે સ્વામી કહે શ્રદ્ધા તો બીજે પણ થાય છે, માટે સત્શાસ્ત્ર અને સત્પુરુષને સંગે કરીને જ્ઞાન, વૈરાગ્યાદિક ને શ્રવણ, મનનાદિકે કરીને શીખે તો સાચી શ્રદ્ધા ઊપજે છે ને તે શ્રદ્ધામાં જ્ઞાન, વૈરાગ્યાદિક રહ્યા છે. ॥૫૦૮॥

અને ચૈતન્યાનંદ સ્વામી કહે કે એક દિવસ સ્વામીએ મારી આગળ એમ વાત કરી જે પોતાનો જેવો સ્વભાવ હોય તેવો સર્વનો કરવા ઇચ્છીએ તો તે કેમ થાય? કારણ કે શરીરનાં બીબાં જુદાં જુદાં છે માટે ન થાય. ને તમોગુણ ને રજોગુણના જે મલિન સંકલ્પ છે તે તો શમદમાદિક કરીને તથા શ્રીજીમહારાજના ગુણ ચરિત્રના કીર્તને કરીને ટળે છે. ને વિષયની ઉત્પત્તિ તો વિષયમાંથી ને દેહાભિમાનમાંથી છે અને સૂક્ષ્મભાવ તથા સ્થૂળભાવને ઓળખવા. તે સૂક્ષ્મભાવ શું જે મુક્તાનંદ સ્વામી જેવા સંત તે અનેક જીવનાં કલ્યાણ કરવાને અર્થે સર્વેના સરખા વર્તે છે ને પોતાને વિષે તો વૈરાગ્યાદિકનું બળ અપાર રહ્યું છે તો પણ એમ વર્તે એ સૂક્ષ્મભાવ કહેવાય ને સ્થૂળભાવ તો એ જે પોતાના અંતઃકરણમાં તો બળ અલ્પ હોય ને બાહેર બહુ જણાવે એ સ્થૂળભાવ કહેવાય. ॥૫૦૯॥

અને એક દિવસ સ્વામીએ શુદ્ધ સંપ્રદાયના જ્ઞાનની વાત કહી જે જ્યારે પુરુષોત્તમ ભગવાન આ પૃથ્વીને વિષે પધાર્યા હોય ત્યારે તેમાં સહેજે જ એવો ચમત્કાર હોય જે પૂર્વના અવતારને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરી દેખાડે તથા તેને પોતાના સ્વરૂપને વિષે લીન કરી દેખાડે. ત્યારે એ વાર્તાને જોઈને તથા સાંભળીને એમ સમજવું જે એ ભગવાનના સ્વરૂપને કાળ, કર્મ તથા માયા પણ પરાભવ કરવાને સમર્થ થાય તેમ નથી તો મનુષ્ય તો ક્યાંથી જ એમને પરાભવ કરે? કેમ જે એ ભગવાન તો કોઈના માર્યા મરે એવા નથી. એવી રીતે ભગવાનના સ્વરૂપને સમજવું. ત્યારે કોઈકને એમ શંકા થાય જે એ ભગવાન તો માર્યા મરે એવા નથી ત્યારે ભીષ્મપિતાએ શ્રીકૃષ્ણ ભગવાનને બાણ માર્યાં એમાં એમને શો બાધ છે? કેમ જે ક્ષત્રિયનો એમ ધર્મ છે જે સંગ્રામમાં જે સામો આવે તેની સન્મુખ ઊભા રહેવું ને મારવું તે ક્ષત્રિયનો એમ ધર્મ રાખ્યા સારુ એમણે ભગવાનને બાણ માર્યાં કેમ જે ભગવાન તો કોઈના માર્યા મરે એવા નથી એમ એની સમજણ હતી. પણ એ શુદ્ધ સંપ્રદાયના જ્ઞાનમાં કસર કહેવાય. માટે જે શુદ્ધ સંપ્રદાય થકી જ્ઞાનને પામ્યો હોય તે ભીષ્મની પેઠે ભગવાનને ન સમજે ને એ ભગવાન તો જેવા અક્ષરમાં છે તેવા જ પ્રગટ મનુષ્યના જેવી મૂર્તિ ધરીને વિચરતા હોય તેને સમજે પણ એમાં ને આમાં ફેર ન સમજે ને એમ સમજે જે એ અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન એવો શુભ સંકલ્પ ધારીને આ લોકને વિષે પધાર્યા હોય જે મારે અસંખ્યાત જીવનો ઉદ્ધાર કરવો છે, ત્યારે તે પ્રગટ ભગવાનની મૂર્તિનો સંબંધ જે જે જીવને જે પ્રકારે થાય તે સર્વે જીવનો મોક્ષ થાય. તથા તે ભગવાનના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત એકાંતિક મોક્ષ તથા પ્રેમલક્ષણા ભક્તિ તેમણે યુક્ત જે એકાંતિક ભક્ત હોય તેમને પોતાની મૂર્તિ સંબંધી સુખ આપવું એવો સંકલ્પ ધારીને પધાર્યા હોય ત્યારે પોતે એમ વર્તે જે જેમ મનુષ્યને વિષે પક્ષપાત તથા પારકું પોતાનું તથા જે જે મનુષ્યના સ્વભાવ તેને ગ્રહણ કરીને ભગવાન પણ વર્તે ત્યારે તે જીવોનો મોક્ષ પણ થાય ને પોતાના એકાંતિક જે ભક્ત હોય તેને પોતાની મૂર્તિનું સુખ પણ ત્યારે આવે તે વાસ્તે ભગવાનને વિષે મનુષ્યના જેવી સર્વે રીત હોય ત્યારે જે એ ભગવાનને વિષે અવળો સંકલ્પ કરે તેને એવું પાપ લાગે જે એનો જીવ પણ નાશ થઈ જાય. શા માટે? તો એ ભગવાન એક નિમિષમાત્ર આ લોકમાં જો અધિક રહે તો અસંખ્યાત જીવોનો મોક્ષ થાય પણ આ લોકમાં આવે ત્યારે ભગવાન પણ મનુષ્યની રીતે વર્તતા હોય તે અંતર્ધાન થઈ જાય. વાસ્તે જેમ કોઈ રાજા આગળ દસ વીસ નટે રમત કરી હતી તે માંહોમાંહીં કપાઈને મરી ગયા ને પછી ચાળીશ ગાઉ ઉપર નીસર્યા. તે દૃષ્ટાંતે કરીને જાણવા. તે માટે જ્યારે ભગવાન અંતર્ધાન થઈ જાય ત્યારે એક તો અગણિત જીવોનો મોક્ષ થાતો તે ન થાય ને એકાંતિક ભક્તને ભગવાનનો વિયોગ પણ થાય ને તે અવળો સંકલ્પ કરનારો જે જીવ તે નરકમાં જાય ને તેને એવું પાપ લાગે જે તે પાપની ગણતી કરવાને શેષજી પર્યંત કોઈ સમર્થ ન થાય. માટે જેમ અતિ અધિક જે મહાપાપ વગેરે પાપનો નિર્ણય તથા પ્રાયશ્ચિત્ત નથી તેમ જ ભગવાનને વિષે અવળો સંકલ્પ કરનારનું પણ જાણવું. ॥૫૧૦॥

અને એક દિવસ સ્વામી સંત હરિભક્ત ઉપર અતિ કૃપા કરી બોલ્યા જે બે પ્રકારનું જે જ્ઞાન છે તેનાં લક્ષણ તથા તેને ઊપજવાનો જે ઉપાય તે આજ કહીએ છીએ. તે બે પ્રકારનું જ્ઞાન કિયું? તો એક તો એવું જ્ઞાન હોય જે તેમાં વિષયનો અવ્યક્ત રાગ રહે ને તે રાગ નિર્મૂળ ન થાય માટે તે જ્ઞાન વિષયાસક્તિએ સહિત કહેવાય, ને બીજું જ્ઞાન તો એવું જે તેમાં વિષયનો અવ્યક્ત રાગ લગારેય પણ ન રહે. માટે તે વિષયાસક્તિએ રહિત કહેવાય. હવે તે જ્ઞાન શું? તો જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને યથાર્થ જાણવું તે તથા સ્થાવર, જંગમ જે જીવના ભેદ તે જાણવા તથા મનુષ્ય, દેવ, દૈત્ય તથા મરિચી આદિક પ્રજાપતિ તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તથા વૈરાટપુરુષ, પ્રધાનપુરુષ અને મૂળ પ્રકૃતિપુરુષ એ સર્વેના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જાણવા તથા તેમની ઉત્પત્તિ જે રીતે થાય છે તે જાણવી, તથા તેમની સ્થિતિ જાણવી, તથા કાળે કરીને એ સર્વેનો નાશ થાય છે તે જાણવું. તથા પ્રથમ જે પ્રકારે પુરુષોત્તમ ભગવાને અક્ષર દ્વારાએ પુરુષને પ્રેર્યો કે માયા સાથે જોડાણો ને તે થકી પ્રધાનપુરુષ અનંત થયા ને તે એક પ્રધાનપુરુષ થકી અનંત કોટિ વૈરાટ થયા તે વાત પણ જાણવી, તથા અક્ષરધામ અને તેમાં અનંતકોટિ મુક્ત સેવ્યા એવા પુરુષોત્તમ નારાયણ જે શ્રી હરિકૃષ્ણજી મહારાજ તે સદાય બિરાજમાન છે તેમને જાણવા. આવી રીતે એ સર્વેના સ્વરૂપને જાણવું તેને જ્ઞાન કહીએ. અને તે જ્ઞાન તથા વૈરાગ્યને પરસ્પર એમ છે જે જ્ઞાન વિના વૈરાગ્ય ન ઊપજે ને વૈરાગ્ય વિના જ્ઞાન સિદ્ધ ન થાય તે માટે પ્રથમ તો સ્થાવર જંગમથી આરંભીને પુરુષ પર્યંત એ સર્વેનાં સ્વરૂપને યથાર્થ જેમ છે તેમ જાણીને પછી એમને ચાર પ્રકારના પ્રલયે કરીને નાશવંત જાણવાં ને એ સર્વેને વિષેથી મનને ઉદાસ કરીને તે સર્વેથી પર ચિદાકાશને359 વિષે સદા બિરાજમાન ને કિશોરમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન તેમના સ્વરૂપમાં વૃત્તિને ઠેરાવવી.

હવે તે વૈરાગ્યને સંક્ષેપે કરીને કહીએ છીએ જે પ્રથમ તો નિત્યપ્રલયને જાણવો, જે વીર્યમાંથી આ દેહ બંધાય છે ને પછી તે ગર્ભ વૃદ્ધિને પામે છે ને પછી જન્મે છે, પૌગંડાવસ્થાને360 પામે છે, જુવાન થાય છે, વૃદ્ધાવસ્થાને પામે છે ને મરી જાય છે. તથા સવારે ખાધું હોય તે સાંજે ક્ષુધા લાગે છે તથા સાંજે ખાઈને સવારે ભૂખ્યો થાય છે. તથા પશુપક્ષી એ સર્વે ઊપજે છે ને તેનો નાશ થાય છે. તથા વૃક્ષે ફળફૂલ આવે છે ને વળી નાશ થાય છે તથા કોઈકનું કોઈ બાળે છે તથા કોઈક લઈ જાય છે તથા કોઈક ભાઈને તથા દીકરાને તથા બાપને મારી નાંખે છે એ સર્વે નિત્યપ્રલયનું દુઃખ જાણવું.

અને નૈમિત્તિક પ્રલય તો એને કહીએ જે જ્યારે ચૌદ મનુ એકોતેર એકોતેર ચોકડીનું રાજ્ય કરીને મરી જાય છે ત્યારે વૈરાટપુરુષની રાત પડી જાય છે. તે જ્યારે ચૌદમો મનુ થઈ રહે ત્યારે સો વરસ સુધી તો કાળ પડે છે ત્યારે મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ એ સર્વેનો નાશ થઈ જાય છે તથા નદીયુંનાં જળ પણ સુકાઈ જાય છે. ત્યારે પૃથ્વીમાત્ર કાળા ઠીકરા જેવી રહે છે. ને ત્યાર પછી એકસો વરસ સુધી તો બાર સૂર્ય છે તે સોળ સોળ કળાનો પ્રકાશ લઈને ઊગે છે ને પૃથ્વીને બાળીને છાણાની રાખ જેવી કરે છે ને તે પછી શેષનાગના મુખમાંથી અગ્નિ નીકળે છે. તે અગ્નિ દસ લોકને બાળીને રાખ કરે છે. ને તે પછી સો વરસ સુધી હસ્તીની સૂંઢ જેવી છે ધારા જેની એવા જે પ્રલયકાળના તેર મેઘ તે વરસે છે, તેથી ધ્રુવના તારા સુધી જળ ભરાઈ જાય છે. ત્યારે દશ લોકમાં રહ્યા જે ઇન્દ્ર, ચન્દ્ર, વરુણ, યમ, શિવજી, પ્રજાપતિ એ સર્વેના દેહ નાશ થઈ જાય છે ને એમના જે જીવ છે તે બ્રહ્માને વિષે લીન થાય છે, ને બ્રહ્માનો દેહ નાશ થાય છે ત્યારે તે બ્રહ્માનો જે જીવ તે વૈરાટપુરુષની નાભિમાં લીન થઈ જાય છે તેને નૈમિત્તિક પ્રલય કહીએ.

અને એવા ત્રીસ દિવસનો વૈરાટનો મહિનો ને એવા બાર મહિનાનું એક વરસ ને એવા પચાસ વરસનું એક પરાર્ધ361 કહેવાય. એવાં દ્વિપરાર્ધનું વૈરાટનું આયુષ્ય છે. તે જ્યારે સો વરસ પૂરાં થાય છે ત્યારે પ્રથમ કહ્યું છે તેમ સો વરસ સુધી અનાવૃષ્ટિ થાય છે ને પછી સો વરસ સુધી બાર સૂર્ય તપે છે ને તે પછી સંકર્ષણના મુખમાંથી મહાઅગ્નિ પ્રગટે છે તે ચૌદેય લોકને બાળીને છાણાની રાખ જેવા કરે છે ને તે પછી પ્રલયકાળના જે મેઘ છે તે સો વરસ સુધી વરસે છે ત્યારે ચૌદેય લોકમાં જળ ભરાઈ જાય છે. ને ત્યારે જે પૃથ્વી અડાયા છાણાની રાખ જેવી હતી તે ઓગળીને ગંધે સહિત જળને વિષે લીન થાય છે, ને તે પછી જળ રસને વિષે લીન થાય છે, ને રસ તેજને વિષે લીન થાય છે, ને તેજ રૂપને વિષે લીન થાય છે, ને રૂપ વાયુને વિષે લીન થાય છે, ને વાયુ સ્પર્ષને વિષે લીન થાય છે, ને સ્પર્શ આકાશને વિષે લીન થાય છે, ને આકાશ શબ્દને વિષે લીન થાય છે, ને શબ્દ તામસાહંકારને વિષે લીન થાય છે, ને તામસાહંકાર રાજસાહંકારને વિષે લીન થાય છે, ને રાજસાહંકાર સાત્ત્વિકાહંકારને વિષે લીન થાય છે, ને સાત્ત્વિકાહંકાર મહત્તત્ત્વમાં લીન થાય છે, ને અનંત જે મહત્તત્ત્વ તે પ્રધાન જે પ્રકૃતિ તેને વિષે લીન થાય છે, ને તે પ્રધાન જે પ્રકૃતિ તે પુરુષને વિષે લીન થાય છે, ને પુરુષ તે મૂળ પ્રકૃતિને વિષે લીન થાય છે, એને પ્રાકૃતપ્રલય કહીએ. અને એ પ્રાકૃતપ્રલયે કરીને જેનો નિષેધ કર્યો હોય તેમાંથી જે જ્ઞાન પ્રગટે તેણે કરીને જીવમાંથી અવ્યક્ત વિષયનો રાગ ન ટળે. માટે એ જ્ઞાન વિષયાસક્તિએ સહિત કહેવાય તે માટે પૂર્વે જે જે મોટા આચાર્ય થયા છે તેને જ્ઞાન શાસ્ત્રમાં પ્રાકૃતપ્રલય સુધી જણાય છે, પણ તેથી અધિક નથી જણાતું તથા તેઓ મહાપુરુષને જ પુરુષોત્તમ જાણે છે.

અને આત્યંતિક પ્રલય તો એને કહીએ જે અનંત કોટિ જે પ્રધાન ને પુરુષ તે સર્વે મહામાયાને વિષે લીન થાય છે, ને મહામાયા તે મહાપુરુષને વિષે લીન થાય છે, અને મહાપુરુષ પણ એ દેહનો ત્યાગ કરીને પછી ભાગવતી તનુએ કરીને પુરુષોત્તમ ભગવાનની સેવામાં રહે છે, તેને આત્યંતિક પ્રલય કહીએ.

અને આવી રીતે ચાર પ્રકારના પ્રલયે કરીને એ સર્વેને નાશવંત જાણીને પછી અખંડ, અનાદિ, સત્ય પરિમાણે રહિત ને અપરિમિત ઐશ્વર્યે સહિત જે અક્ષરધામ તેને વિષે સદા દિવ્યમૂર્તિ એવા પુરુષોત્તમનારાયણ તે અપરિમિત અક્ષર મુક્તે સેવ્યા થકા સદા બિરાજમાન છે ને તે પુરુષોત્તમ ભગવાન તથા અક્ષર મુક્ત તે સદા મૂર્તિમાન થકા બિરાજે છે પણ તેમના આકાર કોઈ દિવસ ટળે એવા નથી, એમ સમજે પણ એ સમજણ કોઈ દેશે કરીને કે કાળે કરીને કોઈ દિવસ ફરે નહિ અને ભગવાનને નિરાકાર માને નહિ ને સદા દિવ્ય સાકાર જ સમજે અને એવા જે એ પુરુષોત્તમ ભગવાન તે દયા કરીને આપણા કલ્યાણને અર્થે આંહીં પધાર્યા છે તેને સર્વે અવતારના અવતારી જાણીને પછી એ પુરુષોત્તમના સ્વરૂપને એમ સમજવું જે જ્યાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે એમ જાણવું. તે માટે પૂર્વે કહ્યું તેમ સર્વેનો નિષેધ કરીને પછી એમ જાણવું જે અક્ષરને વિષે જે પુરુષોત્તમ છે તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીહરિજી મહારાજ છે ને અક્ષર સોતા જ આંહીં પ્રગટ બિરાજે છે, આવી રીતનું જે જ્ઞાન તેને આત્યંતિક જ્ઞાન કહીએ. અને આવો જે જ્ઞાની તેનું ઐશ્વર્ય ભગવાનની પેઠે સ્વતંત્ર હોય ને એવા જ્ઞાની તો બહુ દુર્લભ છે, તે સાધારણ લાખ મનુષ્ય હોય તેમાંથી પોતપોતાના આશ્રમ પ્રમાણે વર્તે એવો એક નીકળે ને એવા લાખ મનુષ્ય હોય તેમાંથી યથાર્થ શાસ્ત્ર પ્રમાણે ધર્મ પાળે એવો એક નીકળે ને એવા લાખ ભેળા કરીએ ત્યારે સત્સંગ કરે એવો એક નીકળે ને એવા હજાર સત્સંગી ભેળા કરીએ ત્યારે નક્કી સત્સંગી એક નીકળે ને એવા હજાર સત્સંગી ભેળા કરીએ ત્યારે સાધુ થાય એવો એક નીકળે ને એવા હજાર સાધુ ભેળા કરીએ ત્યારે ધર્મામૃત પ્રમાણે યથાર્થ વર્તે એવો તો એક નીકળે ને એવા હજાર ભેળા કરીએ ત્યારે ભગવાનને સંભારે એવો એક નીકળે ને એવા હજાર ભેળા કરીએ ત્યારે પૂર્વ કહ્યું જે જ્ઞાન તેણે સહિત પ્રેમલક્ષણા ભક્તિ કરે એવો એક નીકળે. તે માટે એવું જે જ્ઞાન પામવું તે મહા કઠણ છે. ॥૫૧૧॥

પછી દોલતરામે ફરી પૂછ્યું જે જ્ઞાતા ને જ્ઞાન તે કેમ સમજવું? ત્યારે સ્વામીએ કહ્યું જે જેમ દૂધનું પાત્ર હોય તેમાંથી કટોરામાં લઈને હાથે કરીને પીવે છે ત્યારે દૂધનું સુખ જીભને આવે છે પણ હાથ તથા પાત્રને નથી આવતું. તેમ જે જીવ છે તે પોતાની જ્ઞાનમય શક્તિ વડે કરીને જાણે છે ત્યારે તે જ્ઞાન જીવને થયું પણ નેત્રાદિક ઇંદ્રિયોને તથા તેના દેવતા અને ગોલકને થતું નથી. તથા શ્રોત્રાદિક જે ઇંદ્રિયો તથા અંતઃકરણ તથા એમનાં ગોલક તથા એમના દેવતા તથા એમના વિષય એ સર્વેને પોતે જ્ઞાતા રૂપ જે જીવ તે પોતાની જ્ઞાનરૂપ જે શક્તિ તે વડે કરીને નોખાં નોખાં સમજે છે. જેમ સૂર્ય છે તે પોતે તેજોમય છે ને પોતાની તેજરૂપ જે શક્તિ તેણે કરીને બ્રહ્માંડમાં પ્રકાશ કરે છે ને પોતે તો સદાય મૂર્તિમાન પોતાના લોકમાં છે. તેમ જે જીવ છે તે પણ પોતે સદાય હૃદયમાં રહ્યો છે ને ત્યાં જ રહ્યો થકો પોતાની જ્ઞાનરૂપ શક્તિએ કરીને નખશિખાપર્યંત સર્વે ઇંદ્રિયુંને તથા અંતઃકરણને એકકાળે જાણે છે. ને જો એમ ન કહીએ તો બ્રહ્મજ્ઞાનીની પેઠે સમજાય તે માટે આ કહ્યું તેમ જ્ઞાતા અને જ્ઞાનના સ્વરૂપને જાણવું. ॥૫૧૨॥

અને જે બ્રહ્મ છે તેની તો એમ વિક્તિ છે જે પુરુષોત્તમને પણ બ્રહ્મ કહે છે ને પુરુષોત્તમ પણ કહે છે. અને જે સ્થાનકરૂપ અક્ષર છે તેને પણ બ્રહ્મ કહે છે ને અક્ષરધામ પણ કહે છે. અને મહાપુરુષને બ્રહ્મ કહે છે ને વળી તેને અક્ષર પણ કહે છે. માટે જ્યાં જેનું પ્રકરણ હોય ત્યાં તેને બ્રહ્મ જાણવા. જો મહાપુરુષનો પ્રસંગ હોય તો મહાપુરુષને બ્રહ્મ જાણવા અને અક્ષરનો પ્રસંગ હોય તો અક્ષરને બ્રહ્મ જાણવા. ને જો પુરુષોત્તમનો પ્રસંગ હોય તો પુરુષોત્તમને બ્રહ્મ જાણવા. પણ તે શબ્દછળને જોઈને મુઝાવું નહિ. ॥૫૧૩॥

અને ગણેશનું ચક્ર છે ત્યાં પ્રધાનપણે પૃથ્વી તત્ત્વ વર્તે છે, ને બ્રહ્માને સ્થાનકે વિશેષપણે કરીને જળ તત્ત્વ વર્તે છે, ને વિષ્ણુને સ્થાનકે વિશેષપણે તેજ તત્ત્વ વર્તે છે, ને કંઠસ્થાને તથા ભ્રકુટિ સ્થાને વિશેષપણે આકાશ તત્ત્વ વર્તે છે, ને બ્રહ્મરંધ્રને મધ્યે જે સહસ્રદળનું કમળ તે સ્થાનકે વિશેષપણે જ્યોતિસ્વરૂપ ચિદાકાશ વર્તે છે. ને બીજાં સ્થાનકોને વિષે ચિદાકાશ સામાન્યપણે દેખાય છે. ॥૫૧૪॥

અને ચિદાકાશ તે શું છે? તો કુટસ્થરૂપે362 મુક્તને રહ્યાના સ્થાનકરૂપ છે. ને જેમ બદ્ધજીવને રહ્યાનો ભૌતિક આકાશ તે હૃદયાકાશરૂપે સર્વે જીવોને ધરી રહ્યો છે, તેમ પરમેશ્વર નિર્મિત જે ચિદાકાશ તે સર્વે મુક્તોને ધરી રહ્યો છે, તેને ચિદાકાશ કહીએ ને તે સારુ જ્યોતિસ્વરૂપે જે મુક્તો તેને ચિદાકાશ ભૂમિ છે. ॥૫૧૫॥

બીજું પુરુષોત્તમ પરમાત્મા જે પરબ્રહ્મ તેનાં બે સ્વરૂપ છે: એક નિર્ગુણ ને બીજું સગુણ. તેમાં જે નિર્ગુણ સ્વરૂપ તે ગોલોકથી પર જે શૂન્ય તેથી પર છે ને બીજું ગોલોકમાં રહ્યા એવા પરમાત્મા જે શ્રીકૃષ્ણ તે ભગવાનનું સગુણ સ્વરૂપ છે. અને ગુણે સહિત એવું જે ભગવાનનું સ્થૂળ શરીર તેમાંથી ભગવાનની જોગમાયાને અંશે કરીને બ્રહ્માદિક સર્વે દેવ થયા છે. અને ગુણ તે શું? જે ચૈતન્યદેશ, પોતાનાં ઐશ્વર્ય અને યોગબળ તે થકી ઊપજ્યા એવા જે મહાવિષ્ણુ તે. અને સર્વેની જે ઉત્પત્તિ તે ભગવાનના એ ગુણ થકી છે ને પોતે જે ગુણી તે તો અચ્યુત છે તે ચ્યવે નહિ. જે ચ્યવવાનો સ્વભાવ તો ગુણી એવા જે પરમાત્મા તેને આશરે રહેલ જે ગુણ તેનો છે ને તે અંશઅંશીભાવે કરીને ચ્યવે છે ને વિસ્તારને પામે છે. અને ગુણી જે પરમાનંદ તે તો સરખા ને એક જ છે પણ બીજો કોઈ તે જેવો થાવાને સમર્થ થાતો નથી તે ગુણરૂપે તો થાય છે; અને મહાવિષ્ણુ જે અંશી તે વિરાટના અંતર્યામી છે ને તે વિરાટને વિષે બ્રહ્માંડ રહ્યું છે જેમ પાંચ ભૌતિક જે દેહ તેને વિષે રહ્યો જે જીવ તે બુદ્ધિને વિષે વિશેષપણે કરીને રહ્યો છે તે જીવનો વિશેષ અંશ છે ને અંતઃકરણ, દેવતા, ઇંદ્રિયું, પ્રાણ, પંચભૂત ને પંચ તન્માત્રા તે જીવના સામાન્ય છે, ને પંચભૂતના દેહને વિષે જે કરમિયાં તથા જૂ, લીખ, માંકડ, રહ્યાં છે તે સ્થૂળભાવે રહ્યાં છે માટે તે જીવના સ્થૂળ અંશ છે, તે પ્રમાણે મહાવિષ્ણુ વિરાટના દેહમાં રહ્યા છે તે સ્થૂળભાવે રહ્યા છે, તે વિરાટ મહાવિષ્ણુનું બીજું રૂપ છે ને ઈંડનું363 ક્ષેત્રજ્ઞ છે. એવી રીતે ચૈતન્ય સ્વરૂપ જે મહાવિષ્ણુ તે માયાના ભાગ જે જડ અંશ તેણે કરીને સ્થૂળપણે અનેક પ્રકારે પ્રવર્ત્યા છે. ને પુરુષોત્તમ તો એક જ છે, તેને વિષે અંશઅંશીભાવ નથી. ને એવા જે એ શ્રીકૃષ્ણ પરમાત્મા પુરુષોત્તમ અચ્યુત તેને જે અંશઅંશી ભાવે કરીને સમજે છે તેને જૈન મતવાળા જાણવા ને દુષ્ટ જાણવા. અને એથી ઝાઝું ઝીણું કોઈ સમજવા જાશે તેને માયાનું આવરણ થાશે. અને એવા જે એ ભગવાન શ્રીકૃષ્ણ તેનું જે ધામ તે તેજોમય છે ને જેમ મહાપ્રલયને વિષે ઈંડનો નાશ થયા પછી એકલું જળ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી, ભગવાનનું ધામરૂપ જે સ્થાનક તે તેજોમય છે. ને તે ધામને વિષે પોતાની દૃષ્ટિ પ્રતિલોમપણે રહે છે. ત્યારે ગોલોકને વિષે રહ્યા જે મુક્ત તે સર્વે તે ધામને વિષે જાય છે. પછી ગોલોકને વિષે વસ્તી રહેતી નથી ને એકલો ઉજ્જડ રહે છે ને નિરંજન રહે છે. અને બ્રહ્માંડનો પણ પ્રલય થાય છે ત્યારે સર્વે જે જીવ તે એકલી તમરૂપ એવી જે માયા જેને અવ્યાકૃત કહીએ તેને વિષે રહે છે. અને જે મુક્ત તે તો તેજોમય જે ભગવાનનું ધામ તેને વિષે નિર્ગુણરૂપે રહે છે, અને એ ધામને વિષે જે રહ્યું તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. અને જ્યારે ભગવાન ગોલોક સામી અનુલોમ દૃષ્ટિ કરે છે ત્યારે તમ જે માયા તે સમી થાય છે ત્યારે તે ભગવાનનું સગુણ સ્વરૂપ કહેવાય. કેમ જે? અનુલોમ દૃષ્ટિ તે ભગવાનની સગુણ સ્થિતિ ને પ્રતિલોમ દૃષ્ટિ તે નિર્ગુણ સ્થિતિ છે, અને ભગવાન જે પ્રતિલોમ દૃષ્ટિ કરે છે તે પોતાના જે ભક્ત તેને શુદ્ધ સત્ત્વગુણમય જે દેહ ગોલોકને વિષે છે તેની નિવૃત્તિને અર્થે અને સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિને અર્થે છે. ને ભગવાનને તો સગુણ નિર્ગુણપણું નથી પણ તે સગુણ નિર્ગુણપણું તો ભક્તને છે, તે પરમાત્મા શ્રીકૃષ્ણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ તેનું ધામ જે ગોલોકથી પર સચ્ચિદાનંદ ચિદાકાશ તેને વિષે રહેવું તે ભક્તનું નિર્ગુણરૂપ છે ને ભૌતિક આકાશને વિષે રહેવું તે સગુણ સ્વરૂપ છે. અને ભગવાન નારાયણ તે સગુણરૂપે કાળ આદિક શક્તિને ગ્રહણ કરીને રહ્યા છે તે તો બ્રહ્માંડને ઉપજાવવું, નાશ કરવો ને સ્થિતિ કરવી તેને અર્થે છે એમ જાણવું. અને પૃથ્વીને વિષે ભગવાનના અવતાર તો એકલા જીવના કલ્યાણને અર્થે જ થાય છે. અને એવા જે એ ભગવાન તેને સાક્ષાત્કાર ભજે તેની વિક્તિ જે ભગવાનને ખાતા પીતા આદિક ક્રિયા કરતા દેખે ત્યારે એમ જાણે જે ભગવાનનાં જે કર્મ તે તો જે ભગવાનને ભજે તેનાં કર્મ ટાળ્યાને અર્થે છે ને ભગવાન તો કૈવલ્ય છે, નિર્ગુણ છે ને ચેષ્ટાએ રહિત છે ને એમની જે સર્વે ક્રિયા તે તો જીવના કલ્યાણને અર્થે છે. એવા ભગવાનને જાણીને ભજે ને દેહને ખોટો જાણે ને એમ જાણે જે હું તો દેહ નથી, હું તો આત્મા છું, બ્રહ્મ છું, સાક્ષી છું, દૃષ્ટા છું ને અરૂપ છું. ને એમ સમજનારો જે ભક્ત તે તો ગોલોકથી પર જે ચિદાકાશ તેને વિષે જે અખંડ રાસ તેને પામે છે. અને એવો જે એ ઉત્તમ ભક્ત તેણે વૈરાટનો અંતર્યામી, દૃષ્ટા, સાક્ષી અને તુરિયાતીત364 જે વિશ્વાભિમાની તેની સાથે ઇંદ્રિયું અંતઃકરણે યુક્ત ત્રણ અવસ્થાએ યુક્ત અને ત્રણ શરીરે યુક્ત એવો જે ક્ષેત્રજ્ઞ જીવ તેને એક કરીને ધારવો. અને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ તથા વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ સર્વેનો જે સાક્ષી તેને પોતાનું સ્વરૂપ માનવું અને પરમાત્મા તો પુરુષને બ્રહ્માંડ સાથે જોડે છે ને માયા સાથે જોડે છે ને જે માયા સાથે જોડાણો ને માયાને વિષે વ્યાપીને રહ્યો એવો જે એક રસ ચિદ્‌ઘન તે બ્રહ્મ છે. ને તેને માયા સાથે એકરસપણાને જેણે પમાડ્યો તે પરબ્રહ્મ છે. અને પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્માનો જેને સત્સંગ થયો હોય તેણે પોતાનું રૂપ બ્રહ્મ માનવું જે હું બ્રહ્મ છું. અને શ્રીમદ્‌ભાગવતમાં પણ એ વાર્તા છે જે પુરુષોત્તમ ભગવાનનો જે દાસ તેનું રૂપ બ્રહ્મ છે, માટે તેણે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી એ જ દાસપણું છે. ॥૫૧૬॥