text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૨૩. પ્રકીર્ણ વાતો

જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને માહાત્મ્ય જ્ઞાન યુક્ત ભક્તિ એ ચાર ગુણવાળા જે ઉત્તમ પુરુષ, સાધુ તે એક પ્રકૃતિવાળા જ્યારે એકાંતમાં ભેળા થયા હોય ત્યારે અતિશય શ્રેષ્ઠ જે ભગવદ્ વાર્તા તથા તેના જે ગુણદોષ હોય તેને નામ નિર્દેશે કહી દેખાડી અને યથાર્થ વાર્તા થાય, કેમ જે એકાંતમાં જેમ હોય તેમ યથાર્થ કહેવાય કેમ જે કોઈને અવગુણ આવે એમ ન હોય અને તે શ્રેષ્ઠ પ્રકૃતિવાળા જ્યારે સભામાં વાર્તા કરે ત્યારે તે સભામાં ઘણી જાતના મનુષ્યો હોય તેમાંથી કોઈકને અવળી લાગે માટે યથાર્થ વાર્તા ન થાય અને મધ્યમ અને કનિષ્ઠ પુરુષ તે સભામાં તો શ્રેષ્ઠ વાર્તા કરે અને જ્યારે એક પ્રકૃતિવાળા ભેળા થઈને એકાંતમાં બેસે ત્યારે તો તે મધ્યમથી મધ્યમ અને કનિષ્ઠથી કનિષ્ઠ એવી વાર્તા કરે તેને જાણવી. ॥૫૧૭॥

જીવ માત્રને બે દુઃખ છે: એક આધિ અને બીજી વ્યાધિ, તેને જાણે. ને બીજાં ત્રણ દુઃખ છે: એક અન્નનું, બીજું વસ્ત્રનું ને ત્રીજું વચનનું, તેને જાણીને વાત કરે તો સૌ સુખી રહે. ॥૫૧૮॥

શ્રીજીમહારાજે સર્વે સંતને પૂછ્યું જે, “તમને ભૂત વળગે છે કે નથી વળગતું?” ત્યારે કોઈ ન બોલ્યા ત્યારે શ્રીજીમહારાજ પોતે બોલ્યા જે, “અમને ત્રણને ન વળગે તેમાં એક અમને, બીજા મુકતાનંદ સ્વામીને, ત્રીજા ગોપાળાનંદ સ્વામીને. એ સિવાયના બીજાને તો ક્રોધરૂપી ભૂત વળગે છે ને માનરૂપી ભૂત વળગે છે, સ્વાદરૂપી ભૂત વળગે છે, કામરૂપી ભૂત વળગે છે, ને લોભરૂપી ભૂત વળગે છે.” ॥૫૧૯॥

અને અવતાર માત્રની એ રીત છે જે સ્ત્રી-દ્રવ્યનો ત્યાગ કરાવવો ને ગરીબની રક્ષા કરાવવી ને વિદ્યા, વૈરાગ્ય, ભક્તિને બળે કરીને કોઈક ગરીબનો તિરસ્કાર કરતો હોય તો તેને દેખીને ખમી શકે નહિ એવો સહજ સ્વભાવ છે. ॥૫૨૦॥

શમ, દમ, ઉપરતિ,365 તિતિક્ષા,366 શ્રદ્ધા અને સમાધાન મળીને એક સાધન કહેવાય છે ને વૈરાગ્ય, વિવેક ને મુમુક્ષુતા એ ત્રણ મળીને સાધન ચતુષ્ટય કહેવાય છે. ॥૫૨૧॥

રામદાસ વૈધને મહારાજે કહ્યું જે, “બીક બહુ જણાય છે?” ત્યારે તેણે કહ્યું જે, “હા, મહારાજ.” તે વાર્તા કરી જે પરમેશ્વર તો સર્વના નિયંતા ને અંતર્યામી છે ને સર્વેના પ્રેરક છે ને સર્વના નાડીપ્રાણ એમના હાથમાં છે. એમ કહીને ચકલાંને સમાધિ કરાવી. ॥૫૨૨॥

મહાભારતને વિષે બ્રાહ્મણી ગીતા છે તેમાં અશ્વમેઘ યજ્ઞ કહ્યો છે તેની રીત એમ છે જે જીવરૂપ રાજા છે ને મનરૂપ ઘોડો છે ને ઇંદ્રિયોરૂપ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ આદિક દિશાઓ છે તે જીવ જે તે મનરૂપ ઘોડાને ઇંદ્રિયોરૂપ દિશાઓ પ્રત્યે મૂકે છે ને તે મનરૂપ ઘોડાનો જ્યારે કોઈ ઇંદ્રિયો પોતપોતાના વિષયને વિષે બાંધી શકે નહિ ત્યારે જાણીએ જે સર્વે દેશ જીતાણા. ત્યારે શ્રીહરિજી મહારાજ સંબંધી જપયજ્ઞ, તપયજ્ઞ ને યોગયજ્ઞાદિક સર્વે યજ્ઞ સંપૂર્ણ થયા કહેવાય. એવી રીતે ગોમેધાદિક367 સર્વે યજ્ઞની રીત જાણવી. ॥૫૨૩॥

શ્રીહરિજીના સ્વરૂપને સર્વ સ્થાનકને વિષે પ્રકાશમાન જોવું. ને ક્યારેક વિજ્ઞાનદાસજીને શ્રીજીમહારાજે સમાધિમાં કહ્યું જે તમારે તો કુંઠિત વાસના છે ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે મારું પૂછો. ત્યારે તેણે પૂછ્યું ત્યારે શ્રીજીએ કહ્યું જે એમને તો નિર્મૂળ વાસના છે. પછી ફરીને પુછાવ્યું ત્યારે પણ એમ જ કહ્યું. ॥૫૨૪॥

ચાર પ્રકારના માંદાની વિગત જે એક તો દેહે કરીને માંદો ને બીજો મને કરીને માંદો ને ત્રીજો તો દેહે તથા મને કરીને માંદો ને ચોથો સાજો માંદો; એ ચાર પ્રકારે માંદાની વાર્તા કરી ને સોનાના વાટકાને ઠેકાણે દેહે માંદાની ને કાચના વાટકાને ઠેકાણે368 બીજા ત્રણ માંદા કેમ જે તેને જાળવવા પડે તેમાં જે દેહે કેવળ માંદો છે તે તો સાજા જેવો જ ગણાય ને બીજા ત્રણને તો મંદવાડ લાંબો ચાલે ખરો.369 ॥૫૨૫॥

કાળના માનની370 વાત કરી જે આ લોકને વિષે તો સૂર્યે કરીને કાળનું માન છે ને બ્રહ્મપુરને વિષે તો શ્રીજીમહારાજને શયને કરીને રાત્રિ કહેવાય છે. ॥૫૨૬॥

જીવ તો માયાને વિષે જ સદા વર્તે છે તે મલીન સત્ત્વ, રજ ને તમ તેણે યુક્ત છે ને ઇચ્છા સહિત છે ને શ્રીહરિજી મહારાજ તો પ્રથમ સત્યુગને વિષે જીવને સત્વગુણમય શરીરને આપે છે. તે પછી જીવ જેવાં જેવાં કર્મ કરતો જાય છે તેવા તેવા દેહને પામતો જાય છે ને સત્સંગે કરીને શ્રીજીમહારાજની મોટપ જેમ જાણતો જાય તેમ વિશ્વાસ પણ આવતો જાય છે ને તેમ તેમ શુદ્ધ ને પ્રકાશવાન પણ થતો જાય છે. ॥૫૨૭॥

ગુણાતીતાનંદ સ્વામીએ સ્વપ્નાની વાર્તા કરી જે શ્રીજીમહારાજે એકાંતિકમાં ભેદ દેખાડ્યો ને કહ્યું જે એવા તો આ સમયે એક જ ગોપાળાનંદ સ્વામી છે, બીજો કોઈ એ જેવો નથી. ॥૫૨૮॥

જે વિષયને વિષે આસક્ત છે તે તો ભૂત પ્રેતાદિકના અવતારને પામે છે ને જે હરિભક્તનો અવગુણ લે છે તે તો આસુર ભાવને પામે છે. ॥૫૨૯॥

મયારામ ભટ્ટજીને પૂછ્યું જે ઉદ્ધવજી કેમ વાર્તા કરતા? ત્યારે ભટ્ટજી બોલ્યા જે રામાનંદ સ્વામીએ એમ કહ્યું જે આપણા સત્સંગને વિષે ભાગવતાદિક શાસ્ત્રવિદ્યા ને વ્યાકરણાદિક શાસ્ત્રવિદ્યા તથા ગાનવિદ્યા ને વાજાં એ સર્વે નથી એમ વાર્તા કરતા. ત્યારે સંતે કહ્યું જે હમણાં તો એ સર્વેની પ્રવૃત્તિ જે તે સત્સંગને વિષે શ્રીજીમહારાજે અતિશય કરાવી છે ને ગાયક તથા પાઠક દ્વારાએ કરીને તથા મંદિર ને મૂર્તિ દ્વારાએ કરીને અનંત રજોગુણી ને તમોગુણી જીવોનાં કલ્યાણ પણ કર્યાં છે. ॥૫૩૦॥

વક્તાની અશુદ્ધતાએ કરીને શુદ્ધ શાસ્ત્ર પણ અશુદ્ધિપણાને પામી જાય છે. એવી રીતે શાસ્ત્રની શુદ્ધ અશુદ્ધપણાની વાર્તા કરી. ॥૫૩૧॥

એક હરિભક્તે પૂછ્યું જે જગત ખોટું કેમ જણાય? ત્યારે સ્વામી બોલ્યા જે જેમ બાળકો રમત કરે છે. તેમાં કેટલાક તો સૂર્ય ને કેટલાક તો ચંદ્ર થઈને આવે છે. ને વળી ધૂડ્યનાં વરકન્યા ને ધૂડ્યના કંસાર તે મૂત્રના ઘીમાં પલાળે છે. ને ધૂડ્યના મગ ચોખા કરે છે. એ સર્વે જેમ અસત્ય છે તેમ સંસાર વ્યવહાર પણ અસત્ય છે. પણ તેને બાળકની પેઠે સત્ય માન્યો છે માટે એ બાળક જ છે. એમ કહીને ભવાયાના રમતના દૃષ્ટાંતે371 કરીને વાર્તા કરી. ॥૫૩૨॥

વિજ્ઞાનદાસજીને અવસ્થા લોપતી નથી ને મુંઝાતા પણ નથી ને સદા સુખિયા રહેતાં આવડે છે. ને નિર્માનીપણું પણ બહુ છે ને શ્રીજીમહારાજનો ને સત્પુરુષનો વિશ્વાસ પણ અતિશય છે. ને ગુણાતીતાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી એ બેયને તો અવસ્થા લોપાય છે ને મૂંઝવણ પણ આવે છે. તે જો પુરુષ પ્રયત્ને કરીને અતિ આગ્રહ કરે તો એમને પણ મૂંઝવણ આવે નહિ. ને કોઈકને તો વાતચીત કરતા થકા સર્વે ક્રિયાને વિષે શ્રીજીમહારાજ દેહની પેઠે નિરંતર સાંભર્યા કરે છે ને પૃથ્વીની પેઠે આધારપણાનો વિશ્વાસ પણ સદા વર્તે છે. ॥૫૩૩॥

વક્તા જો મુમુક્ષુને ઓળખીને ભગવદ્ વાર્તા કરે તો સમાસ થાય છે કેમ જે કોઈકને તો ભક્તિનું અંગ હોય ને કોઈકને જ્ઞાનનું અંગ હોય ને કોઈકને વૈરાગ્યનું અંગ હોય ને કોઈકને સ્વરૂપનિષ્ઠાનું અંગ હોય ને કોઈકને મહિમાનું અંગ હોય એવી જાતનાં અનેક પ્રકારનાં અંગ મુમુક્ષુને હોય છે. તે માટે તે તે અંગનું સ્થાપન કરીને પછી જો જ્ઞાનાદિક અંગની વાર્તા હળવે રહીને સમજાવે તો સમજે ને બહુ સમાસ થાય. ॥૫૩૪॥

ઘરમાં રહેતા હોઈએ ત્યારે બહુ મહિમા જણાય છે ને ભેગા રહે નથી જણાતો તે કેમ હશે? ઉત્તર જે ત્યાગીને વેષે કરીને સરખા થાય ને વળી ભેગા રહેવે કરીને જેવું જેનું વર્તન હોય તે જણાઈ આવે છે માટે ભાર રહેતો નથી ને જે મોટા પુરુષ હોય તે તો શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામશદ્ધિ પ્રમાણે વર્તે છે ને બીજાને પણ એમ જ વર્તવાની વાર્તા કરે છે તેનો તો મહિમા બીજાને સહજે જ રહે છે ને જે સત્ અસત્‌ને ઓળખતો હોય તેને તો ગરબડિયાનો ભાર રહે નહિ. ॥૫૩૫॥

કેટલાક જ્ઞાનવાર્તા સમજે છે ને વર્તતા નથી ને કેટલાક તો સમજતા નથી ને દેહે કરીને વર્તે છે ને કેટલાકને વિષે એ બેય વાત છે ને કેટલાકને વિષે તો એ બેય નથી. ॥૫૩૬॥

શ્રીજીમહારાજે કહ્યું જે અમે તો જ્ઞાન-વૈરાગ્યાદિક જે અમારી સર્વે સંપત્તિ તે સર્વે સાધુને ને સત્સંગીને સોંપી છે ને અમે તો સર્વેનાં દુઃખ લીધાં છે માટે તમે સર્વે સુખે કરીને પ્રભુને ભજો એવા કર્યા છે. ॥૫૩૭॥

કેમ સમજે તો અસત્ દેશકાળાદિકે કરીને લેવાય નહિ? ઉત્તર: એક તો સ્થાનકને ઓળખે ને શ્રીજીમહારાજની મરજીને ઓળખે તથા સત્પુરુષને ઓળખે તો અસત્ દેશકાળાદિકે કરીને પણ લેવાય નહિ. ॥૫૩૮॥

આ ત્રણ ઠેકાણે દેહાભિમાન ઓળખાઈ આવે છે તેમાં (૧) ભોજન સમય, (૨) ભય જણાય ત્યારે, (૩) સ્ત્રીઓને પડખે નિસરે ત્યારે, એ ત્રણ ઠેકાણે દેહાભિમાન ઓળખાય છે. ॥૫૩૯॥

એક દિવસ જમ્યાની વાત નીસરી ત્યારે સ્વામીએ કહ્યું જે અમે સર્વે તપાસી જોયું ત્યારે એમ જણાયું જે રસે કરીને તો પ્રમાદ થયા વિના રહે નહિ. ॥૫૪૦॥

એક દિવસ મોટા સંતે કહ્યું જે શહેરના ને ગામડાના હરિભક્તની સમજણ કેવી છે તેને તમે ઓળખો છો? ત્યારે સંતે કહ્યું જે નથી ઓળખતા. તે ઉપર મોટા સંતે બ્રહ્માદિકનાં ને ઇન્દ્રાદિકનાં દૃષ્ટાંત દઈને બહુ વાર્તા કરી તેની વિગત જે બ્રહ્માદિકને ને ઇન્દ્રાદિકને વિષય વિના ન ચાલે તેમ પરમેશ્વર વિના પણ ન ચાલે. તેમાં એટલો ફેર છે જે બ્રહ્માદિક છે તે તો દેશકાળાદિકના વિષમપણાને વિષે પણ પરમેશ્વરને મૂકી શકે નહિ ને વિષયને તો મૂકી દે ને ઇન્દ્રાદિકને તો પરમેશ્વર જે તે દેશકાળાદિકની વિષમતાએ કરીને ગૌણ થઈ જાય પણ વિષયને મૂકી શકે નહિ. તેમાં બ્રહ્માદિક દેવને ઠેકાણે ગામડાના હરિભક્ત જાણવા ને ઇન્દ્રાદિક દેવને ઠેકાણે શહેરના હરિભક્ત જાણવા. ॥૫૪૧॥

એક દિવસ મોટા સંતે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ પ્રધાન છે જેમને એવા જે પુરુષ તેમની વાર્તા કરી દેખાડી જે, જે મોક્ષપરાયણ વર્તતા હોય તેમના મનમાં કોઈ પદાર્થની સ્પૃહા ન હોય તે ગમે તે સ્ત્રી-પુત્રાદિક નાશ પામી જાઓ કે લાખોની દોલત હોય તે જાતી રહો કે ગામ ગરાસ હોય તે પણ જાતાં રહો પણ એના અંતરમાં એ કાંઈ ખટકે નહિ ને મૂંઝવણ પણ થાય નહિ ને નરસિંહ મહેતાની પેઠે શ્રીહરિજીનું ભજન સુખેથી કર્યા કરે પણ અંતરમાં બીજાની પેઠે દુખિયો થાય નહિ. ॥૫૪૨॥

પૃથ્વી પર જે ચાલતા હોય તે તો પડે પણ જે આકાશ માર્ગે ગતિ કરતા હોય તે કેમ પડે છે? તેમાં આકાશને ઠેકાણે તો બ્રહ્મપુર જાણવું ને તેને વિષે ગતિ કરનારા જે સમાધિવાળા સર્વે હરિભક્ત તે જે તે બ્રહ્મપુરને વિષે તેજોમય શરીરવાળા દેખે છે તે કેમ સત્સંગમાંથી પડી જાય છે? ઉત્તર: જે એ વાર્તા તો એમ છે જે અતિ દૃઢ શ્રીજીમહારાજના ભક્ત ન હોય તે યોગભષ્ટ થાય છે પણ પડતા નથી. તે ભગવદ્ ગીતામાં કહ્યું છે જે

पार्थ! नैवेह नामुत्र, विनाशस्तस्य विधते।

नहि कल्याणकृत्कश्चिद् दुर्गतिं तात! गच्छति॥372

प्राप्य पुण्यकृतांक्लोकानुपित्वा शाश्वतीः समाः।

शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते॥373

ને વળી જ્યાં સુધી એકાંતિક ભક્ત ન થયો હોય ત્યાં સુધી તેને ઇંદ્રિયો-અંતઃકરણરૂપ જે માયા તે પીડે છે ને એકાંતિક ભક્તને તો માયા સહાય કરે છે જેમ ગુણ બુદ્ધિવાળા સત્સંગી હોય તેને કુસંગી ડગાવે છે ને જે નક્કી સત્સંગી છે તેની તો ખુશામત કરે છે એમ શ્રીજીમહારાજે લોયાના દશમા વચનામૃતમાં કહ્યું છે. ॥૫૪૩॥

કાળકર્માદિકને વિષે જે કર્તાપણાનો વિશ્વાસ તે તો મોટા ઋષિઓને છે ને જે આધુનિક પંડિત છે તેમને તો નથી. એ તો નાસ્તિક જેવા જ છે ને જે શ્રીજીમહારાજના ભક્ત છે તે તો પુરુષોત્તમ ભગવાનને જ જગતના કર્તા જાણે છે ને બીજા કોઈને માનતા નથી. ॥૫૪૪॥

પરમેશ્વરને યથાર્થ સમજ્યાની જે વાર્તા છે તે જો હરિભક્તને ન સમજાવે ને છાની છાની રાખે તો તેને વિષે તમોગુણ વૃદ્ધિ પામે છે તે એ મોટો થાય તો પણ સંકર્ષણ જેવો થાય છે ને શ્રીહરિની સેવાને વિષે અખંડ રહી શકે નહિ કેમ જે એને તમોગુણ પ્રધાન છે માટે. ॥૫૪૫॥

ધર્મ, વૈરાગ્ય, ભક્તિ ને વિચાર એમાં શ્રેષ્ઠ તે ક્યો હશે? ત્યારે સર્વે સંતે વિચારને શ્રેષ્ઠ કહ્યો. ત્યારે મોટા સંતે કહ્યું જે અમને પણ એ જણાય છે તે જુઓને પરમેશ્વરની મોટપ જે એમને ભજી ભજીને તો શુક-નારદાદિક પણ ભગવાન કહેવાય છે એવા એ ભગવાન અનેક સામર્થીએ યુક્ત છે ને પૂર્ણકામ છે ને એમને કોઈ પદાર્થ માત્ર જોઈતું નથી એ તો કેવળ દયાએ કરીને જીવનાં કલ્યાણને અર્થે મનુષ્યભાવને ગ્રહણ કરે છે ને શ્રીજીમહારાજે ઉત્તમ મુમુક્ષુની શિક્ષાને અર્થે તથા સર્વે આવિર્ભાવની શિક્ષાને અર્થે પ્રથમ વનમાં રહીને અષ્ટાંગ યોગ સાધ્યો ને શરીરમાં રુધિર તો રહેવા દીધું જ નહિ ને અન્ન તો જમતા જ નહિ ને વાયુ ભક્ષણ કરીને રહેતા ને સ્ત્રીનો તો ગંધ જ ગમતો નહિ. એવી રીતે અતિ ત્યાગી એવા જે શ્રીજીમહારાજ તે જે તે આપણા કલ્યાણને અર્થે જમવા મંડ્યા ને વસ્ત્ર પણ પહેરવા ઓઢવા માંડ્યાં. પણ આપણ સર્વેથી જેમ ઘટે તેમ યથાર્થ સેવા થઈ નહિ. કેમ જે કોઈ સત્સંગીએ છ મહિના કે પાંચ વર્ષ પર્યંત રોજ રોજ થાળ કરીને કે કરાવીને શ્રીજીમહારાજને અતિશય પ્રીતિએ કરીને જમાડી શક્યા નહિ ને વસ્ત્રાભૂષણ પણ વર્ષો વર્ષ ભાવે સોતા અર્પણ કરી શક્યા નહિ એવી રીતે મહિમા સમજવામાં ઘણી કસર રહી જાય છે. ॥૫૪૬॥

શ્રીકૃષ્ણ ભગવાને અહિંસા ધર્મ પ્રવર્તાવ્યો નહિ ને એકલી મારકૂટ કેમ કરી? ઉત્તર જે શિશુપાળ ને જરાસંધાદિક જે આસુરી રાજા હતા તેમણે જ્યારે ભાગવત ધર્મ પૃથ્વી ઉપર પ્રવર્તવા ન દીધો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને વિચારીને અર્જુન-ભીમાદિક દ્વારાએ કરીને અધર્મરૂપી રાજાઓની સમાપ્તિ કરાવીને યુધિષ્ઠિર રાજા દ્વારાએ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપ જે સદ્ધર્મ તેને પ્રવર્તાવતા હવા. ॥૫૪૭॥

સાધર્મ્યપણું કેમ જાણવું? ઉત્તર: જે જેમ દાવાનળે વનનો એક દેશ બાળ્યો હોય તો પણ વન બાળ્યું કહેવાય તેમ ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાનને માર્ગે ચાલ્યો જે ભક્ત તે ભગવાન અને સત્પુરુષને સંગે કરીને નિર્ગુણપણાને પામ્યો કહેવાય છે. ને એ નિર્ગુણપણું જ ભગવાનનું સાધર્મ્યપણું છે ને આપણે સર્વે સાધર્મ્યપણાને પામ્યા છીએ તો જીવના કલ્યાણ કરીએ છીએ. તે સાધર્મ્યપણાને વિષે દૃષ્ટાંત છે. જેમ એક પર્વત તો સાકરનો જ હોય ને એક પર્વત તો પોણા ભાગનો સાકરનો હોય ને એક તો અર્ધો સાકરનો હોય ને એક તો પા ભાગનો સાકરનો હોય તે એક પર્વતનાં તો શિખર માથે સો કે પચાસ મણ સાકર પડી હોય ત્યાં જે જીવ જાય તે સર્વેનાં મુખ ગળ્યાં થાય તેમ સાધર્મ્યપણામાં ભેદ છે. ॥૫૪૮॥

ભગવાનના ભક્તને વ્યવહારના વિક્ષેપ બાધ કરે કે નહિ? ઉત્તર: જે જે સમર્થ હોય તે તો વિક્ષેપને અંતઃકરણમાં પ્રવેશ કરવા દે નહિ ને ઉપરથી તો ખરખરો બહુ કરે ને જે અસમર્થ હોય તેને તો એ વિક્ષેપ અંતઃકરણમાં પ્રવેશ કરી જાય છે. ॥૫૪૯॥

સર્વે જીવોનાં કર્મ તો એક નથી ને ઉત્પત્તિ તથા પ્રલય એક કાળે કેમ થાય છે? ઉત્તર: જે ઉત્પત્યાદિક તો વૈરાજ પુરુષને લઈને થાય છે જેમ કોઈક મોટા સાધુને જૂનાગઢ જાવું હોય ત્યારે તેમના મંડળના સાધુને ગમે કે ન ગમે તો પણ એમની સાથે જાવું પડે છે એમ વૈરાજપુરુષને ઉત્પત્તિ, પ્રલયની રીત છે. ॥૫૫૦॥

મહત્તત્ત્વાદિક ચોવીસ તત્ત્વ જે તે ભિન્ન ભિન્ન ઊપજે છે કે એક કાળે ઊપજે છે? ઉત્તર: જે એક જ કાળે ઊપજે છે જેમ બાળક ઉત્પન્ન થાય છે તેમ. ॥૫૫૧॥

સર્વે સંતને તથા હરિજનને ઉપાસના ને ભજન સ્મરણાદિક સર્વે ક્રિયા તે સરખી છે તો પણ એ બેય પ્રકારના ભક્તને પરસ્પર નાના મોટાપણું કેમ થઈ જાય છે? ઉત્તર જે જેમ ખેતરમાં ખેડુ બીજ વાવે છે તેમાં પણ નાના મોટા છોડવા થઈ જાય તે તો ખાતર કે ધરતીના ફેરથી થાય છે. તેમ ભગવાનના ભક્તને પણ સંગ, સાધન, શ્રદ્ધા ઉપાસના ને શ્રીજીમહારાજની જે શ્રવણાદિક નવ પ્રકારની ભક્તિ તેમાં જેટલો ફેર રહે છે તેટલી તે ભક્તમાં નાનપ મોટપ રહે છે. ॥૫૫૨॥

અહંવૃત્તિ જે તે સકામ ને નિષ્કામ ભક્તિએ કરીને અતિશય વૃદ્ધિ પામે છે તેમાં સકામ ભક્તિએ કરીને તો મનુષ્યથી લઈને પ્રકૃતિ પુરુષના જેવી મોટપને પામે છે ને નિષ્કામ ભક્તિએ કરીને જીવસત્તા જે તે અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને સત્સંગમાં આવતાં વેંત જ જાણે જે હું મોટો થાઉં એમ મોટપ આવે નહિ. તે તો જેમ જેમ સત્સંગને વિષે દૃઢ નિષ્ઠા થાતી જાય ને એકાંતિક સાધુ પાસેથી ધર્મજ્ઞાનાદિકને શીખીને તે સાધનને પક્વ કરે તો મોટપને પામે છે. ॥૫૫૩॥

શક્તિ, ઐશ્વર્ય ને વિભૂતિ ત્રણ એક જ છે કે ભિન્ન છે? ઉત્તર જે શક્તિ ને ઐશ્વર્ય તો એક જ છે ને વિભૂતિ તો જુદી છે. ॥૫૫૪॥

જે સત્સંગી હોય તે રાજાના રાજ્યમાં રહેતો હોય તેને તે રાજાનું કહ્યું કરવું પડે તેમ જે બ્રહ્મા, સૂર્યાદિકને અનુસરે છે તે તેવા થાય છે ને જે પુરુષોત્તમ ભગવાન કે તેમના મોટા સાધુ તેમની અનુવૃત્તિમાં વર્તે છે તે તો અક્ષર જેવા થાય છે ને જેને કાંઈક આડુંઅવળું વર્તાણું હોય ને તે જો પોતાના ધર્મમાં ખબડદાર થઈને વર્તે તો પાછો શુદ્ધ થઈ જાય છે. ॥૫૫૫॥

મન તો સત્વગુણમાંથી થયું છે માટે તેમાં રજ, તમના વિકાર કેમ રહ્યા છે? ઉત્તર: જે મન તો વિષયનું પ્રકાશક છે. તેનું દીપકને દૃષ્ટાંતે374 કરીને કહ્યું જે મન જો વિકારવાન હોય તો નારદ, સનકાદિકનું મન વિકારવાન કેમ નથી? ॥૫૫૬॥

જે સ્થિતિવાન હોય ને તે ઠીક વર્તતા ન હોય ને જે સ્થિતિવાન ન હોય તે જેમ સંત કહે તેમ કરે છે. એ કેમ હશે? ઉત્તર જે સ્થિતિવાન નથી તેને સાધન છે ને જે સ્થિતિવાન છે તેને સાધન નથી. તે સંતદાસજીની વાર્તા બહુ કરી. ॥૫૫૭॥

અક્ષરબ્રહ્મ સર્વને વિષે વ્યાપકપણે કેમ રહ્યા છે? ઉત્તર: જે ઐશ્વર્યે કરીને સર્વેને વિષે રહ્યા છે જેમ સૂર્ય પ્રકાશે કરીને સર્વ જગતને વિષે રહ્યો છે તેમ. ॥૫૫૮॥

સંતે કહ્યું જે મહારાજ મળ્યા એટલે શાંતિ થઈ ગઈ. ત્યારે મોટા સંત કહે જે ઉત્તમ મુમુક્ષુને તો દર્શને કરીને જ શાંતિ થાય છે. ને માની અને લોભી એવા જે મુમુક્ષુ હોય તેને તો માન ને લોભ સોતા જો સત્સંગ રહે તો શાંતિ રહે, નહિ તો ઉદ્વેગ રહે. ॥૫૫૯॥

એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વાસનામય જે લિંગ શરીર નાશ પામ્યું કેમ જણાય?” ત્યારે મોટા સંતે કહ્યું જે, “ઉત્તમ પંચવિષય પ્રાપ્ત થયા હોય તેને મૂકી દે તો ફરી પાછા સાંભરે નહિ? તે જેમ જન્માંતરનાં વિષય સુખ નથી સાંભરતાં તેમ હમણાના વિષય પણ ન સાંભરે, ત્યારે લિંગ દેહનો નાશ થયો જાણવો.” ॥પ૬૦॥

અને ફળ, મૂળાદિકને વિષે તથા વગડાઉ સામા આદિકને વિષે તથા બાજરો, ઘઉં, આદિક કાચા દાણાને વિષે તથા લોટ, ઘી, ગોળ મિશ્રિત અન્ન એ સર્વેને વિષે એક એકથી અધિક ધુમાડો ને પ્રમાદ રહ્યો છે. ॥૫૭૧॥

અને જીવ સર્વે સરખા છે કે નાના મોટા છે? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે જીવ સર્વે જાણપણા રૂપે તો સરખા છે પણ જેમ જેમ શ્રીજીમહારાજનો મહિમા સમજતો જાય ને ધર્મ, જ્ઞાનાદિક સાધન અતિ દૃઢ થાતાં જાય તેમ તેમ તેજ, પ્રતાપ ને ઐશ્વર્યાદિક સર્વે એ ભક્તને પ્રાપ્ત થાતાં જાય છે, ને એ વાર્તા શ્રીજીમહારાજે સારંગપુરના ભક્તના ભેદના વચનામૃતમાં પણ કહી છે. ॥૫૬૨॥

અને હરજી ઠક્કરે પૂછ્યું જે માયાવી પુરુષની માયામાં ન લેવાય એવો પુરુષ હોય તેને કેમ ઓળખવો? ત્યારે સ્વામીએ કહ્યું જે પૂર્વે કહ્યો એવો જે જ્ઞાની હોય તે માયાવી પુરુષની માયામાં ન લેવાય ને બીજો તો ગમે તેવો હોય તો પણ માયાવી પુરુષની માયામાં લેવાય જાય. તે માયાવી પુરુષનું થોડાકમાં લક્ષણ કહીએ છીએ જે પોતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે ન કરતો હોય પણ બીજા મુમુક્ષુને ધર્માદિક દેખાડીને તેનો ઉપદેશ કરે, પછી સારા સાધુ સાથે જોડાણો હોય તે સાધુનો અવગુણ ઘાલીને તેને પોતાની પાસે રાખે ને પછી ભક્તિનો ઉપદેશ કરીને તેમાં દોષ દેખાડીને તે ભક્તિ થકી પાડે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યનો ઉપદેશ કરીને પછી તેમાં દોષ દેખાડીને તે ધર્માદિક થકી પાડી નાખે છે. તથા ભગવાનનું માહાત્મ્ય કહી દેખાડીને પછી તેમાં દોષ દેખાડીને તે માહાત્મ્ય થકી પાડી નાખે છે. તથા ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અને પ્રતાપ પોતે કહીને પછી તેમાં દોષ દેખાડીને તેને ભગવાનના નિશ્ચય તથા પ્રતાપ થકી પાડી નાખે છે. એવી રીતે એ કહ્યાં એથી અનંતગણાં ને કપટ જેને વિષે છે એવો જે માયાવી પુરુષ તેની માયાનું તો અનંતપણું છે તે માટે એની માયામાં તો પૂર્વે કહ્યો જે જ્ઞાની તે ન લેવાય તથા તે સાથે જોડાણો હોય તેને પણ એની માયામાં ન લેવાવા અને બીજો તો ગમે તેવો હોય તો પણ માયાવી પુરુષની માયામાં લેવાયા વિના રહે નહિ. માટે આ વાત તે અવશ્ય સમજવાની છે. ॥૫૬૩॥

અને સુપર્ણાનંદ સ્વામીએ પૂછ્યું જે બદ્ધ મુક્ત (જીવન્મુક્ત) તથા શુદ્ધ મુક્ત (વિદેહ મુક્ત) તેને વિષયમાં રાગ છે તે કેમ છે ને તે બેને પ્રકૃતિ છે તે કેમ છે? ત્યારે તેમણે કહ્યું જે જીવન્યુક્ત હોય તેને વિષયમાં રાગ પણ થાય, ને પ્રકૃતિ-સ્વભાવ પણ હોય ને જે વિદેહ મુક્ત તે તો શુદ્ધ મુક્તભાવને પામ્યા હોય તેને તો કોઈ સ્વભાવ તથા પ્રકૃતિ તે ન હોય ને જે કાંઈ પ્રકૃતિ-સ્વભાવ જણાય છે તે તો જીવના કલ્યાણને અર્થે જણાય છે. ત્યારે સ્વામીએ કહ્યું જે એ ઠીક કહ્યું એનો એ જ ઉત્તર છે, અને તે બેમાં જે સ્વભાવ-પ્રકૃતિ છે તે હમણાં તો ન જણાય કેમ જે મોટાનો જે કાયદો હોય તે કાયદા પ્રમાણે સર્વેને વર્ત્યું જોઈએ પણ આડુંઅવળું ન વર્તાય, જુઓને પ્રથમ આપણે એમ આજ્ઞા હતી જે અઢી હાથનો એક હજુરિયો રાખવો પણ એથી અધિક ન રખાય તથા એક કોપીન ને ગોદડી રાખવી તથા ખટ રસનાં વર્તમાન હતાં એ આદિક જે જે આજ્ઞા હતી તે પ્રમાણે સૌ વર્તતા પણ અધિક ન્યૂન કોઈનાથી વર્તાતું. તેમ અક્ષરધામમાં પણ એક પુરુષોત્તમ ભગવાન પોતે એક જ તે સર્વે મુક્તના નિયંતા છે તે માટે એ મુક્તમાં એકસરખી પ્રકૃતિ જણાય છે પણ જો સ્વતંત્રપણે આંહીં આવ્યા હોય ત્યારે જેની જેવી પ્રકૃતિ હોય તે જણાય કેમ જે પોતાની સ્મૃતિને અનુસારે જીવનો મોક્ષ કરે. તે ઉપર કહ્યું જે શ્રી રામચંદ્રજીએ અને શ્રીકૃષ્ણ ભગવાને જે કલ્યાણનો રસ્તો બાંધ્યો છે તે તપાસીને જુઓ ને મહારાજે જીવના કલ્યાણને અર્થે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત જે ભક્તિ તેનું સ્થાપન કર્યું છે તે જુઓ, કેમ જે મહારાજે જે ધર્મ બાંધ્યો છે તેમાં કોઈ કાળે અધર્મ પેસવાનો માર્ગ જ નથી. તે માટે ગમે તેવો મુક્ત હોય ને જો તે સ્ત્રી, ધન તથા માન એ ત્રણનો અતિ સંગ કરે તો તેનો ઠા ન રહે તો બીજાની તો વાત શી? ॥૫૬૪॥