text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૨૫. સત્સંગી હરિભક્ત હોય તેની આગળ વાત કરવાની રીત

શિક્ષાપત્રીમાં કહ્યાં જે પરસ્ત્રીનો ત્યાગ તથા ચોરી ન કરવી તથા મદ્યમાંસનો ત્યાગ કરવો એ આદિક જે પંચ વર્તમાનના મોટા મોટા નિયમ તેની દૃઢતા થાય તેવી વાર્તા કરવી. ॥૧॥

શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે તેવી રીતે જે ભગવાનના દિવ્યભાવનું અને મનુષ્યભાવનું વર્ણન કરીને ભગવાનના નિશ્ચયની વાર્તા કરવી. ॥૨॥

શ્રીજીમહારાજે સ્થાપન કર્યાં જે દેવમંદિર તથા આચાર્ય તેને દર્શને જાવું તથા ઉત્સવ સમૈયા ઉપર જાવું તેમાં શ્રદ્ધા ઉપજે એવી વાર્તા કરવી. ॥૩॥

પોતાના ગામમાં જે હરિભક્તો હોય તેમણે સાયંકાળે ભેળા થઈને પરસ્પર ભગવદ્ વાર્તા કરવી અને સાંભળવી એવી રીતની વાર્તા કરવી. ॥૪॥

પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠાવાળા જે સાધુ તેનાં લક્ષણની વાર્તા કરવી તથા પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠાએ રહિત જે અસાધુ તેનાં લક્ષણની વાર્તા સત્શાસ્ત્રની સાખ્ય લાવીને કરવી. ॥૫॥

દેશકાળાદિકને ઉપદ્રવે કરીને સુખદુઃખ આવી પડે તથા હાણ વૃદ્ધિ થાય તેણે કરીને સત્સંગમાંથી મોળા ન પડે એવી રીતે હિંમતની વાર્તા કરવી. ॥૬॥

હવે પ્રથમ સત્સંગી થવા આવે તેની આગળ પુણ્ય-પાપની વાર્તા કરવી તથા તે પુણ્યે કરીને થયું જે મોક્ષરૂપ સુખ અને પાપે કરીને થયું જે યમપુરી નરક-ચોરાશીરૂપ દુઃખ તેની વાર્તા કરવી. ॥૭॥

અને જે સાધુને સંગે કરીને જીવનું કલ્યાણ થાય તેવા સાધુના લક્ષણની વાર્તા કરવી. ॥૮॥