text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૨૭. પ્રતિલોમવૃત્તિએ ધ્યાન કરવાની રીતનો પત્ર

 

લિખાવિતં સ્વામી શ્રી સહજાનંદજી સમસ્ત મુમુક્ષુ બાઈભાઈ સર્વે અમારા નારાયણ વાંચશો. જત તમે સર્વે નારાયણ દેવ જે પ્રત્યક્ષ ભગવાન તેનું ધ્યાન કરો છો તથા અન્વય વ્યતિરેકપણે કરીને તેના સ્વરૂપનો વિચાર કરો છો તથા તેનું નામસ્મરણ કરો છો તથા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો વિચાર કરો છો એટલે કરવે કરીને પણ સમગ્રપણે કરીને કૃતાર્થપણું મનાતું નથી અને મનમાં સંતોષ-શાંતિ પણ નથી થાતી અને તૃષ્ણા રહે છે તેનું શું કારણ છે? તો જે પ્રથમ ભગવાન આ જગતને સરજીને તે જગત પ્રત્યે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરતા હવા અને પોતાનું સ્વરૂપ તથા જગતનું સ્વરૂપ તેને જાણ્યાને અર્થે વેદને સર્જતા હવાતે વેદ, પુરાણ, સ્મૃતિ તેને વિષે જીવોની શાંતિને અર્થે એમ કહ્યું છે જે જેમ પરાધીનપણે સ્વપ્નને અવલંબને કરીને તથા સુષુપ્તિને અવલંબને કરીને અને મૂર્છાને અવલંબને કરીને આ જીવ દેહનાં વિવર પ્રત્યે પ્રવેશ કરે છે. અને તે દેહના અવકાશને વિષે અજ્ઞાનમય સુખદુઃખને પ્રાપ્ત થાય છે તેમ જ્યારે સ્વાધીનપણે કરીને આ જીવ ભગવાનની મૂર્તિના ધ્યાનને અવલંબને કરીને હૃદય પ્રત્યે પ્રવેશ કરે તથા સ્મરણાદિક જે નવ પ્રકારે ભક્તિનાં અંગ તેના અવલંબને કરીને દેહના હૃદયાકાશ પ્રત્યે પ્રવેશ કરે તથા પુરક, કુંભક, રેચક આદિક જે અષ્ટાંગયોગ તેના અવલંબને કરીને પ્રવેશ કરે તથા અન્વય વ્યતિરેકપણે કરીને વ્યષ્ટિ સમષ્ટિને વિષે રહ્યું જે પુરુષોત્તમનું સ્વરૂપ તેના વિચારના અવલંબને કરીને દેહના અવકાશ પ્રત્યે પ્રવેશ કરે તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયને વિષે કહ્યું જે જીવનું સ્વરૂપ તેના વિચારને અવલંબને કરીને હૃદયાકાશ પ્રત્યે પ્રવેશ કરે. એવી રીતે ભક્તિ તથા વિચારને અવલંબને કરીને દેહને માંહી અવકાશ પ્રત્યે સ્વાધીનપણે પ્રવેશ કરે, ત્યારે એ જીવના સ્વરૂપને દેખે ને સંશય નિવૃત્તિ પામે ને પુરુષોત્તમનું સ્વરૂપ જેવું પ્રત્યક્ષ છે તેવું દેખે અને બ્રહ્મમોહોલ, વૈકુંઠાદિક જે ધામ તેને પણ દેખે, અને મૂળાધારાદિક જે ચક્ર તેને વિષે રહ્યા જે દેવતા તેને દેખે અને પોતાના જીવને વિષે રહ્યા જે દૃષ્ટા તેને દેખે. એવી રીતે જ્યારે દેખે ત્યારે કોઈક ઈશ્વર સાથે એકપણાને પામીને શાંતિ-સંતોષને પામે અને કોઈક સ્વામી-સેવકપણે રહીને સંતોષને પામે. એવી રીતે પૂર્વે નારાયણ દેવે એવો નિયમ બાંધ્યો છે જે આ દેહના વિવર પ્રત્યે પ્રતિલોમપણે કરીને જ્યારે પ્રવેશ કરે ત્યારે જ શાંતિને પામે, પણ વેદાંતશાસ્ત્ર તથા ભક્તિશાસ્ત્ર તેને શ્રવણે કરીને અથવા તેને કહેવે કરીને પણ શાંતિ ન પામે અને તીવ્ર વૈરાગ્યે કરીને પણ તેવી શાંતિને ન પામે અને અલ્પ વૈરાગ્યનું બળ હોય, અલ્પ ભક્તિનું બળ હોય, અલ્પ આત્મજ્ઞાનનું બળ હોય પણ જો પ્રતિલોમપણે દેહને વિષે હૃદયરૂપી ગુફાને વિષે પ્રવેશ કરે ત્યારે જ શાંતિને પામે એવી રીતે સર્વે શાસ્ત્રને વિષે મોટા સાધુ કહી ગયા છે તે વાત સત્ય છે અને અમે પણ એવી રીતે જ શાંતિને દીઠી છે. એ વચનને જે અમારા હો તે સાચું માનજો.