૨૮. શ્રી પુરુષોત્તમ નારાયણ અવતારી જે સ્વયંમૂર્તિ તેનાં અસાધારણ લક્ષણ
(૧) પૂર્વે થયા જે સર્વે અવતાર તેમને પોતાના સ્વરૂપને વિષે દેખાડે.
(૨) વૈકુંઠાદિક ધામને વિષે રહી જે દિવ્ય મૂર્તિઓ અને તે મૂર્તિઓમાં રહ્યાં જે દિવ્ય ઐશ્વર્ય તે સર્વેને પોતાની મૂર્તિને વિષે બહુ મનુષ્યને દેખાડે.
(૩) જેવા તેવા જીવ હોય તેમને પણ સમાધિએ કરીને પોતાની મૂર્તિને વિષે ચિત્તનો નિરોધ અષ્ટાંગયોગ સિદ્ધ કર્યા વિના કરાવે.
(૪) બીજા અવતાર ધારીને જેવું જીવનું કલ્યાણ કર્યું તથા ચિત્તનો નિરોધ કર્યો તેવું પોતાના ભક્ત દ્વારે સામર્થ્ય જણાવે.
(૫) અપાર તેજોમય એવું જે અક્ષરધામ તેના મધ્યને વિષે રહ્યું જે દિવ્ય સિંહાસન તેની ઉપર સદા બિરાજમાન ને ચારે કોરે અનંતકોટિ મુક્ત મંડળની સભાએ વીંટાણા એવા જે દિવ્ય મૂર્તિ પોતે તેનું દર્શન જેવા તેવા જીવને સહેજે કરાવે.
(૬) પૂર્વે શાસ્ત્રને વિષે કહ્યા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા યોગ, સાંખ્ય અને વેદાંતાદિક શાસ્ત્રના મત તેમના સ્વરૂપનું પ્રતિપાદન જ્યારે પોતે કરે તથા તેમના પ્રતિપાદનનાં શાસ્ત્ર કરે ત્યારે પૂર્વેનાં શાસ્ત્ર થકી તેમાં બહુ જ ચમત્કાર આવે ને સહેજે સર્વના સમજ્યામાં આવે ને તે વાર્તા શાસ્ત્રમાં જેની બુદ્ધિ પુગતી હોય તેને યથાર્થ જાણ્યામાં આવે.
(૭) પોતાના દર્શન માત્રે કરીને જ અનેક જીવના મનની વૃત્તિઓ સહેજે પોતાની મૂર્તિમાં તણાઈ જાય.
(૮) જે કોઈ જીવે પોતાનો આશ્રય માત્ર કર્યો હોય તેણે કરીને પણ તેનું મોટું કલ્યાણ થાય ને તે જીવને અંત સમય થાય ત્યારે પોતે પોતાના પાર્ષદ સહિત રથ, વિમાન લઈને તેડવા આવે.
(૯) અને પોતાની આજ્ઞાએ કરીને અનેક સ્ત્રી-પુરુષ તે પોતપોતાના ધર્મને માર્ગે ચાલે તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને માર્ગે ચાલે એવી રીતનો પોતાના વચનમાં પ્રતાપ હોય.
(૧૦) પોતાના સંબંધને પામ્યું જે વસ્ત્ર-પુષ્પાદિક વસ્તુ તેને દર્શન માત્રે કરીને તથા તેના સ્પર્શ માત્રે કરીને તત્કાળ જીવને અંતરદૃષ્ટિ થઈ જાય ને તે પછી બ્રહ્મપુર આદિક ધામ તથા તે ધામનાં દિવ્ય ઐશ્વર્ય તે દેખાઈ આવે.
(૧૧) જેના સ્વરૂપ સંબંધી વાર્તાને કોઈ પરદેશમાં જઈને કરે તેને સાંભળીને મનુષ્યને અલૌકિકપણું જણાઈ આવે.
(૧૨) જીવાત્મા, વિરાટપુરુષ ઈશ્વર, પ્રધાનપુરુષ, મૂળ પ્રકૃતિપુરુષ, અક્ષરધામના મુક્ત અને અક્ષરધામના નિવાસી જે પોતે પુરુષોત્તમ તે સર્વેનું નિરુપણ ભેદે સહિત ને ઐશ્વર્ય સહિત નોખું નોખું સ્પષ્ટપણે પોતે કરી દેખાડે તથા ઐશ્વર્ય સહિત તેમનાં સ્વરૂપ બીજાને દેખાડે તથા આવી રીતના જ્ઞાનને પોતા થકી પામીને પોતાના ભક્ત પણ કહી દેખાડે એવી રીતની પ્રવૃત્તિ હોય.
(૧૩) પોતાના અવતાર તે પોતાની મૂર્તિને વિષે લીન થાય પણ પોતાની મૂર્તિ કોઈ અવતારને વિષે લીન ન થાય એવી ક્રિયા સમાધિને વિષે કોઈક કોઈકને દેખાય.
એવા દિવ્ય મૂર્તિ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેની શ્રવણાદિક જે નવ પ્રકારની ભક્તિ તે સર્વે પાપને વિનાશ કરવાવાળી છે.