text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૨૯. શ્રીહરિજીએ ભગવાનના સ્વરૂપની ઉપાસના સિદ્ધ કરવા લખાવેલો પત્ર

 

લિખાવીત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ જત સર્વે સત્સંગી નારાયણ વાંચજો. બીજું લખવા કારણ એમ છે જે, જે મનુષ્યને જેવું પોતાનું પ્રારબ્ધ હોય તેને અનુસારે તેના દેહને સુખદુઃખ થાય છે તથા જન્મ મરણ થાય છે. જીવનાં પ્રારબ્ધ કર્મને ઉલ્લંઘન કરીને તો રુદ્ર, ભૈરવ, ભવાની આદિક જે દેવ ને દેવીઓ છે તે કોઈપણ જીવને સુખદુઃખ દેવાને અર્થે ને મારવા જીવાડવાને અર્થે સમર્થ થાતાં નથી અને પ્રારબ્ધ કર્મ ને કાળ તેને ખોટું કરી નાખવું તથા મુવાને જીવતો કરવો ને જીવતાને મારી નાખવો તેને વિષે તો એક પરમેશ્વર નારાયણ માત્ર સમર્થ છે. પણ બીજા કોઈ દેવી દેવતા સમર્થ નથી. માટે એક પરમેશ્વરનો દૃઢ આશ્રય રાખીને નિત્ય ભજન સ્મરણ કર્યા કરવું. ને કોઈ દેવ દેવીનો ભય રાખવો નહિ અને આપણે તો સર્વે ભગવાનના ભક્ત છીએ અને શૂરવીર છીએ માટે હરિભક્તને તો કોઈ રીતનો મનમાં ભય રાખવો ઘટે નહિ. અને મંત્ર, જંત્ર, ઔષધિએ કરીને કોઈ માણસ જીવતો રહેતો હોય તો પૃથ્વીમાં કોઈક તો દીઠામાં આવત પણ કોઈએ દીઠામાં તો આવ્યો નહિ. અને જે બહુ મંત્ર, જંત્રને જાણે છે તે પણ મરી જાય છે અને મંત્ર, જંત્ર કોઈ ઉપર કોઈનાં ચાલતાં હોય તો ઘણાક શત્રુ જેની ઉપર હોય એવા મોટા જે રાજા તે જીવતા શા સારુ રહે? ને જંત્ર, મંત્રે કરીને જ સિદ્ધિ થાતી હોય તો લાખો રૂપિયા ખર્ચીને રાજાઓ લશ્કર ભેળું કરે છે, તથા આયુધ સામગ્રી રાખે છે તે શા સારુ કરે? એક ભારે મંત્રશાસ્ત્રી રાખે અને જંત્ર, મંત્રની સિદ્ધિએ સર્વે પ્રતિપક્ષીને મારી નખાવે. પણ તેમ તો કોઈ ઠેકાણે દેખાતું નથી. માટે નિર્ભય થકા નારાયણનું ભજન કરજો અને ભગવાનનો જ દૃઢ વિશ્વાસ રાખજો. જેમ ભગવાને ધાર્યું હશે તે સત્ય થાશે પણ આપણું ધાર્યું તથા બીજા કોઈનું ધાર્યું નહિ થાય અને જો કોઈ જીવનું ધાર્યું થાતું હોય તો કોઈએ જીવ રંક તો રહે નહિ. સર્વેને રાજા થયાનો ઉમેદ છે પણ તેમ થાય નહિ.