૨. મુક્તના ભેદની વાતો
જેમ સમુદ્રને વિષે જીવ રહે છે તે જે થકી મોટો હોય તે તે થકી બળે કરીને અધિક હોય, તેમ મુક્ત પણ જે જે થકી મોટા હોય તે તે થકી સામર્થ્ય, બળ તથા ઐશ્વર્યે કરીને અધિક હોય. ને દીવાથી મહાતેજ પર્યંત જે ભેદ કહ્યા છે તે સર્વે મુક્તના ભેદ કહ્યા છે તેમાં જે વીજળીના જેવા મુક્ત છે તે તો વિષયરૂપી મેઘમાં રહે તો પણ વિષય એને લોપી શકે નહિ પણ દેશકાળે કરીને ધન તથા સ્ત્રી તેને વિશે એને લોભ જેવું જણાય તથા અહંમમત્વ84 જેવું જણાય પણ મૂકે ત્યારે ન સાંભરે. ॥૬૨॥
ચંદ્રમા જેવા મુક્ત છે તે તો જેમ ચંદ્રમા ઊગે ત્યારે રાત્રિનું અંધારું ન રહે પણ વાદળાં આડાં આવે ત્યારે તેનો પ્રકાશ ઢંકાઈ જાય પણ સૂઝે ખરું. તેમ ચંદ્રમા જેવા મુક્ત છે તેને ગમે તેવા વિષય પ્રાપ્ત થાય તો પણ તેમાં લોભાય નહિ પણ દેશકાળે કરીને કોઈક સમે રાગ85 જેવું જણાય છે. પરંતુ પાછળથી તેની તેને તુચ્છતા જણાઈ જાય છે. ॥૬૩॥
સૂર્યના જેવા મુક્ત છે તે તો જેમ સૂર્ય ઊગે ત્યારે રાત્રિ ન રહે પણ વાદળાં આડાં આવે ત્યારે પ્રકાશ ઢંકાઈ જાય પણ રાત્રિ ન કહેવાય. તેમ જે સૂર્ય જેવા મુક્ત છે તેને તો સૂઝે તેવા વિષય પ્રાપ્ત થાય તથા ગમે તેટલી મોટપ મળે તો પણ તેમાં રાગ ન થાય તથા બંધાય નહિ પણ કોઈક દેશકાળે કરીને સારપ્ય જેવું જણાય ને પછી અસત્ય થઈ જાય. ॥૬૪॥
પ્રલયકાળના અગ્નિ જેવા મુક્ત છે તે તો જેમ પ્રલયકાળે પંચભૂત તથા દેહધારી માત્રનો નાશ કરી નાખે છે અને એક પોતે અગ્નિ તથા વાયુ તથા આકાશ એ ત્રણ રહે છે, પણ બીજું કાંઈ નથી રહેતું તેમ જે પ્રલયકાળના અગ્નિ જેવા મુક્ત છે તેને તો એક પોતાનો આત્મા તથા અક્ષર તથા પુરુષોત્તમ ત્રણ વિના બીજું કાંઈ પંચવિષય તથા લોક, ભોગ ને સુખ તે કાંઈ ટકી શકે નહિ. ॥૬૫॥
મહાતેજ જેવા જે મુક્ત છે તેને તો કાંઈ ટકી શકે નહિ કેમ જે પ્રલયકાળનો અગ્નિ છે તેને વિષે તો રાખ પણ રહે છે અને મહાતેજને વિષે તો કાંઈ ટકી શકે નહિ. તેમ પ્રલયકાળના અગ્નિ જેવા જે મુક્ત છે તેને તો કાંઈક વિષયમાં આભાસ જેવું જણાય છે પણ જે મહાતેજ જેવા મુક્ત છે તેને તો જેમ મહાતેજના પ્રકાશમાં જીવ, માયા ને ઐશ્વર્યાર્થી એ સર્વે લીન થઈ જાય છે તેમ તેની દૃષ્ટિમાં માયાનું આવરણ કાંઈ ન રહે અને પુરુષોત્તમ તથા અક્ષર ને અક્ષરના મુક્ત તે વિના બીજું કાંઈ તેની દૃષ્ટિમાં ન આવે. તેમાં સૂર્ય જેવા તો બદ્રિકાશ્રમના મુક્ત છે અને પ્રલયકાળના અગ્નિ જેવા તો શ્વેતદ્વીપના મુક્ત છે અને મહાતેજ જેવા તો અક્ષરના મુક્ત છે. એ જે ત્રણ પ્રકારના મુક્તના ભેદ કહ્યા તે આપણા સત્સંગમાં છે અને બીજા મુક્તના ભેદ કહ્યા તે પણ સત્સંગમાં છે એમ જાણવું. એવી રીતે મુક્તની તારતમ્યતા છે તે આ વાતને પોતે વિચારે તો પોતે જેવો હોય તેમ માલૂમ પડે. ॥૬૬॥
સાત પ્રકારના મુક્તનાં લક્ષણ તથા તેને ઓળખવાની રીત કહીએ છીએ.
(૧) આ લોકનો મુક્ત હોય તેને એમ ઓળખવો જે તેને આ લોકમાં વિખ્યાતિ કરવી તથા આ લોકમાં માન વધે એવી ક્રિયા કરવી તથા તપ કરીને ધર્મ પાળવો તથા જ્ઞાન શીખવું તથા વૈરાગ્ય શીખવો તથા સત્સંગ કરાવવો તથા વાર્તા કરવી ઇત્યાદિક જે જે ક્રિયા કરે તે આ લોકમાં વિખ્યાતિ થાય તથા આ લોકમાં કીર્તિ થાય, તથા પોતાની મોટપ વધાર્યાને અર્થે કરે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ન કરે જે હું આવી રીતે ધર્માદિકને દૃઢપણે પાળીશ તો ભગવાનનો મારી ઉપર રાજીપો થાશે. ઇત્યાદિક ભગવત્પ્રસન્નતા વિના બીજાં જે જે સાધન કરે તે કેવળ આ લોકની વિખ્યાતિને અર્થે કરે, આવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય તે પ્રકટ ભગવાનનો ઉપાસક હોય તો પણ તેને એમ જાણવો જે એ આ લોકનો મુક્ત છે.
(૨) દેવલોકના મુક્તને એમ ઓળખવો જે દેવલોકનો મુક્ત હોય તેને એવી ક્રિયા ગમે જે સારાં સારાં રમણીક પદાર્થને ભોગવવાં તથા વાજિંત્ર વજાડીને ગાવણું શીખવું તથા ગાવવું તથા ગવરાવીને સાંભળવું, તથા ભારે ભારે કાવ્યો બાંધવાં તથા ભારે રાગવાળા શ્લોક બોલવા તથા સૂક્ષ્મ વસ્ત્ર રાખવાં તથા છોકરાની સોબત રાખવી તથા બરોબરિયાની સોબત રાખવી તથા રજોગુણી મનુષ્ય સાથે હેત કરવું તથા રજોગુણી મનુષ્યમાં માગ કરીને હેત કરવું ઇત્યાદિક જે જે ક્રિયા કહી તે ક્રિયાનું મુખ્યપણું હોય ને ભગવાનનું ગૌણપણું હોય એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ દેવલોકનો મુક્ત છે.
(૩) વૈકુંઠના મુક્તને એમ ઓળખવો જે વૈકુંઠના મુક્તને કેવળ ધર્મ પાળવો તે ઉપર જ તેની દૃષ્ટિ હોય અને એ ભક્તને જો ભગવાન એમ કહે જે તમે એ ધર્મને મોળો પાડીને અમે કહીએ છીએ એમ વર્તો ત્યારે જો પોતાના અંગમાં મળતું આવે એવું વચન હોય તો માને અને જો ધર્મથી વિરુદ્ધ વચન હોય તો તે વચનનો ત્યાગ કરે પણ ધર્મને મોળો પાડીને ભગવાનનું વચન મનાય નહિ. એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ વૈકુંઠનો મુક્ત છે.
(૪) બદ્રિકાશ્રમનો મુક્ત હોય તેને એમ ઓળખવો જે તેને કેવળ તપ કરવું તેને વિષે રુચિ હોય. પણ તે તપને ઘસારો આવે એવી કોઈક ક્રિયા હોય ને જો તે તપને મોળું પાડીને પંડે ભગવાન કહે જે આ પ્રવૃત્તિની ક્રિયા કરો ત્યારે તે ભગવાનનું વચન પણ પોતાના અંગમાં મળતું આવે એવું હોય તો માને, અને જો પોતાના અંગને ઘસારો આવે તો પોતાનું તપનું અંગ હોય તે રાખે પણ ભગવાનનું વચન મનાય નહિ. એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ બદ્રિકાશ્રમનો મુક્ત છે.
(૫) શ્વેતદ્વીપના મુક્તને એમ ઓળખવો જે શ્વેતદ્વીપના મુક્તને દેહ, ઇંદ્રિયો તથા અંતઃકરણ તે થકી પ્રતિલોમપણે વર્તવું, તથા મનમાં કોઈ વિષયનો ઘાટ તથા સંકલ્પ તથા કોઈક માયિક પદાર્થનો મનમાં ઘાટ થાય ઇત્યાદિકનો મનમાં સંકલ્પ થવા ન દેવો, તથા મનમાં સંકલ્પ થાય છે તે સંકલ્પને જીતવા સારુ નિરંતર જાણપણામાં વૃત્તિ રાખે ને જો તે પોતાનું અંગ મુકાવીને ભગવાન કહે જે આ પ્રવૃત્તિની ક્રિયા કરો ત્યારે તેમાં પોતાના અંગમાં મળતું આવે એવું વચન હોય તો માને અને જો પોતાના અંગને ઘસારો આવતો હોય તો તે વચન મૂકે પણ પોતાના અંગને મોળું ન પાડે, એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ શ્વેતદ્વીપનો મુક્ત છે.
(૬) ગોલોકના મુક્તને એમ ઓળખવો જે તેને એવી જાતની ઇચ્છા હોય જે ભગવાનની ભક્તિ કરવી તથા ભગવાનને થાળ ધરવા તથા ભગવાનને અર્થે ભારે ભારે વસ્ત્ર તથા ઘરેણાં તથા ભગવાનનાં મંદિર કરાવવાં તથા ભગવાનને અર્થે ભારે ભારે બાગ બગીચા કરાવવા તથા ફરીને ગાવવું, ઇત્યાદિક ક્રિયાએ કરીને ભગવાનની ભક્તિ કરે. અને જો તેનું ભગવાન ખંડન કરીને એમ કહે જે તમારે હવે એ ક્રિયા ન કરવી અને આ અમે કહીએ છીએ એમ કરો. ત્યારે તે ભગવાન વચન કહે તો પણ મનાય નહિ અને તે ભગવાનનાં વચનનો ત્યાગ કરે પણ પોતાના અંગને ઘસારો ન લગાડે, એવાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ ગોલોકનો મુક્ત છે.
(૭) અક્ષરના મુક્તને એમ ઓળખવો જે તેને સાધારણપણે તો પોતાને વિષે અતિ દૃઢ ધર્મ હોય તથા ભગવાનના માહાત્મ્યે સહિત અતિ પરિપક્વ જ્ઞાન હોય તથા અતિ વૈરાગ્ય હોય તથા ભગવાનના માહાત્મ્યે સહિત એકાંતિક ભક્તિ પોતે કરતો હોય અને જો પ્રકટ ભગવાન એમ આજ્ઞા કરે જે તમે ધર્મને તથા જ્ઞાનને તથા વૈરાગ્યને તથા ભક્તિ ઇત્યાદિક જે સાધન તેને મોળાં પાડીને આ અમે કહીએ છીએ એમ કરો, ત્યારે તે જેમ ભગવાન આજ્ઞા કરે તેમજ વર્તે. અને વળી એમ કહે જે હે મહારાજ! જેમ તમે કહેશો તેમ હું કરીશ. એમ કહીને તે ભગવાનના વચનને ઉત્સાહે સહિત થકો પાળે પણ તેમાં સંશય લેશ માત્ર પણ ન કરે. અને જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે તો ભગવાને જેમ આજ્ઞા કરી હોય તથા જેમ ભગવાને મર્યાદા બાંધી હોય તે ધર્મમર્યાદા પ્રમાણે પોતે વર્તે પણ તેને મૂકીને લગારે પણ આડોઅવળો ચાલે નહિ, તે નિયમ પ્રમાણે જ વર્તે. આવી રીતનાં લક્ષણ જણાય, ત્યારે એમ જાણવું જે આ અક્ષરધામનો મુક્ત છે.
આ જે સાત પ્રકારના મુક્તનાં લક્ષણ કહ્યાં તે પ્રકટ ભગવાનના મળેલા તેમાં એ સાતે પ્રકારના સાધુ હોય, તે માટે મુમુક્ષુ હોય તેને આ વાતને વિચારીને હેત કરવું. અને પૂર્વે કહ્યા જે છ પ્રકારના મુક્ત તેમાંથી જો કોઈકની સાથે હેત થાય, તો જેમ પોતે સંસારરૂપી સમુદ્રને તરે છે, તેમ જે પોતા સાથે જોડાણો તેને પણ સંસારને વિષે તારે છે. પણ પૃથ્વીને દૃષ્ટાંતે જે ભગવાનની મૂર્તિ તેને વિષે ચોંટવા દે નહિ. અને અક્ષરના મુક્ત સાથે હેત કર્યું હોય તે કેમ ભગવાનમાં ચોંટાડે તો જેમ હજાર મણનો પાણો હોય, તે ભેળો મણનો પાણો બાંધ્યો હોય તે તત્કાળ પૃથ્વીમાં ચોંટાડે તેમ અક્ષરના મુક્ત સાથે જોડાણો હોય તો ગમે તેવું આવરણ હોય તો પણ તેને તોડીને ભગવાનની મૂર્તિમાં જોડે છે. અને પૂર્વે કહ્યા જે છ પ્રકારના મુક્ત તેની સાથે જોડાણો હોય તો તે કેવી રીતે સંસારમાં તારે તો જેમ હજાર મણનું લાકડું તે ભેળો મણનો પાણો બાંધ્યો હોય તે પાણાને ઘણોય બુડવાનો સ્વભાવ છે તો પણ લાકડું પાણાને તારે છે. તેમ તેઓ પણ સંસારરૂપી સમુદ્રને વિષે તારે છે, પણ ભગવાનની મૂર્તિને વિષે ચોંટવા દે નહિ. તે માટે મુમુક્ષુએ આ વાતને વિચારીને હેત કરવું. ॥૬૭॥
ઇન્દ્રથી લઈને મહાપુરુષ પર્યંત અવતાર થાય છે તેના ભક્તના ઐશ્વર્યના ભેદ કહીએ છીએ જે ઇન્દ્રનો અવતાર પૃથ્વીને વિષે થયો હોય તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કરી હોય તો એ બહુ મોટો થાય તો દેવતા જેવો થાય. અને બ્રહ્માનો અવતાર થયો હોય તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કરી હોય તો પણ બહુ મોટો થાય તો ઇન્દ્ર જેવો થાય. અને વૈરાટનો અવતાર થયો હોય અને તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કરી હોય તો પણ તેનો ભક્ત બહુ મોટો થાય તો બ્રહ્મા જેવો થાય. અને મહાવિષ્ણુનો અવતાર થયો હોય ને તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કરી હોય તો પણ તેનો ભક્ત બહુ મોટો થાય તો વૈરાટ જેવો થાય, પણ એથી મોટો ન થાય. અને મહાપુરુષનો અવતાર થયો હોય અને તેના ભક્ત તેને પુરુષોત્તમ જાણીને જો ઉપાસના કરી હોય તો પણ તેનો ભક્ત બહુ મોટો થાય તો મહાવિષ્ણુ જેવો થાય છે અને પુરુષોત્તમ પંડે પધાર્યા હોય ત્યારે તે પુરુષોત્તમનો આશ્રય માત્ર કર્યો હોય અને તેને વિષયને વિષે રાગ હોય અને તે મરે ત્યારે મહાપુરુષ જેવો તો તે પણ થાય. અને એ પુરુષોત્તમ ભગવાનના ખરેખરા ભક્ત હોય તે તો દેહનો ત્યાગ કરીને અર્ચિ માર્ગે86 કરીને અક્ષરધામને પામે છે, અને અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, અને અખંડ ભગવાનની સેવામાં રહે છે. તે પુરુષોત્તમને કેમ ઓળખવા? તો મહાપુરુષાદિક અવતાર ધરીને આવ્યા હોય ત્યારે પોતાનું ઐશ્વર્ય હોય તેટલું જ દેખાડે પણ અધિક ન દેખાડે કેમ તો જેટલું પોતાનું ઐશ્વર્ય હોય તેટલું જ દેખાડે પણ તેઓ વધુ ક્યાંથી દેખાડે? અને પુરુષોત્તમ પધાર્યા હોય ત્યારે તો અક્ષરધામ, તથા અનંતકોટી બીજાં ધામો તથા અનંત જે પોતાના ઐશ્વર્ય છે તે સર્વે સત્સંગી તથા કુસંગી તથા જેને જેને પોતાની મૂર્તિનો સંબંધ થયો હોય તે સર્વેને દેખાડે છે પણ પાત્ર કુપાત્રને ગણે નહિ. ॥૬૮॥
હવે એ પુરુષોત્તમને મળેલા જે ભક્ત જેને ભજ્યાની રીત કહીએ છીએ જે એક ભક્ત ભગવાનને ભજે પણ ઐશ્વર્યને પામવાની ઇચ્છા હોય. અને બીજાને એમ જે પ્રથમ આત્માને જોઈએ, અને તે પછી આત્માને વિષે ભગવાનની મૂર્તિને જોવાની ઇચ્છા હોય અને ત્રીજાને એમ વર્તે જે ભગવાનની મૂર્તિને વિષે હેત કરવું, તથા ધ્યાન કરવું તથા સ્પર્શ કરવો તેને વિષે ત્વરા વર્તે. અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં આત્મા દેખાય તો ભલે પણ કેવળ આત્માને જોવાને ન ઇચ્છે. તેમાં જેને ઐશ્વર્યની ઇચ્છા હોય તે તો મહાપુરુષાદિકના ઐશ્વર્યમાં જોડાઈ જાય. અને જેને આત્માને જોવાની ઇચ્છા હોય તેને તો અક્ષર લીન કરી નાખે અને ભગવન્નિષ્ઠ તો અક્ષરનો લીન કર્યો પણ લીન થાય નહિ, તે તો ભગવાનની સેવામાં રહે છે. તેમાં કોઈક ભક્ત તો ઢોલિયો તથા તળાઈ તથા તકિયો, ચમર, ઝારી, વીંઝણો, ચાખડિયું તથા ઘોડો તથા પલાણ તથા છત્ર તે તે પદાર્થરૂપે પણ મુક્ત થાય છે. અને ભગવાન જ્યારે ચાલે છે ત્યારે મુક્ત તે આગળથી રસ્તાને બે કોરે વૃક્ષ થઈને પુષ્પ તથા ફળે સહિત ભગવાન ઉપર છાયા કરે છે. અને ભગવાન જ્યારે આગળ ચાલ્યા જાય ત્યારે પાછળથી ઊઠીને આગળ છાયા કરે છે. અને ત્યાં તપાદિક તો નથી પણ તે ભગવાનની જેવે જેવે રૂપે કરીને પોતાને સેવા થાય અને પ્રસન્નતા થાય તેવે તેવે રૂપે મુક્ત થઈને સેવે છે. ॥૬૯॥
હવે મુક્તના સુખનું તારતમ્યપણું કહીએ છીએ. તે ચાર પ્રકારના મુક્ત છે તેમાં એક તો ભગવાનનાં દર્શન કરે, અને બીજા મુક્ત છે તેનાં પણ દર્શન કરે, અને બીજા જે મુક્ત છે તે ભગવાનને મેષોન્મેષ87 જોઈ રહે અને સન્મુખ બેઠા જે મુક્ત તેને પણ દેખે. તેમાં પ્રથમ કહ્યા તેથી બીજાને અનંત ગણું સુખ આવે છે. અને ત્રીજા જે મુક્ત છે તે તો કેવળ ભગવાનને જ દેખે પણ બીજા કોઈ મુક્તને ન દેખે પણ પોતાના દેહની સ્મૃતિ રહે અને તેને ભગવાનનું સુખ બીજા મુક્તના કરતાં કોટીગણું અધિક આવે. અને ચોથા જે અતિ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મુક્ત છે તેને તો કેવળ ભગવાનની મૂર્તિ વિના કોઈ મુક્તની તથા પોતાના દેહની સ્મૃતિ ન રહે, અને તેને ભગવાનનું સુખ કેવું આવે તો જેમ ભગવાનને પોતાની મૂર્તિનું પોતાને સુખ આવે છે તેવું ભગવાનનું સુખ મુક્તને આવે છે. તે માટે તેના સુખનું વર્ણન કરવું જે આવું સુખ એને આવે છે તે તો શેષજી પર્યંત કોઈ કહેવા સમર્થ થાય એવો નથી. ॥૭૦॥
વળી અક્ષરધામનો મુક્ત હોય ને જો તે દેહ ધરીને અહીં આવ્યો હોય ને જો તે શહેરને સેવે તથા રજોગુણી મનુષ્યની ભાઈબંધી કરીને તેનો સંગ કરે તથા સારા સારા રસ જમે તો એણે કરીને એ વિષયને વિષે એ મુક્તને પણ આસક્તિ થાય તે મૂક્યા પણ ન મુકાય ને તે જો અતિ વિચાર કરીને તેનો નિષેધ કરીને મૂકે તો માંડ માંડ મુકાય પણ બીજો મુક્ત તો તે વિષયને ભોગવીને તે વિષયને મૂકવાને સમર્થ ન થાય તો બીજા જીવની વાત જ શી કહેવી? ॥૭૧॥
મચ્છર, ગરુડજી, પતંગિયા ને મહાતેજ પર્યંત મુક્તોના ભેદ કહ્યા88 છે તે વાલખિલ્ય ઋષિ89 જેવા મુક્ત તો પૃથ્વ્યાદિક90 અનેક સ્થાનકને વિષે બંધાઈ રહ્યા છે એ પણ મુક્તના ભેદ છે. ॥૭૨॥
જીવનમુક્ત, વિદેહીમુક્ત ને કૈવલ્યમુક્ત એ સર્વે મુક્તના ભેદ કહ્યા છે તે મધ્યે એક કૈવલ્યમુક્તની સ્થિતિને કહીએ છીએ જે જેમ પૃથ્વી જળમાં રહી છે ને બાહેર જણાય છે તો પણ જળમાં જ છે તેમ કૈવલ્યમુક્ત તો સદા પરમેશ્વરમાં જ વર્તે છે. તે શ્રુતિમાં કહ્યું છે જે अक्षरमस्य शरीरं91 ॥૭૩॥
જે આધુનિક મુક્ત છે તે અનાદિ મુક્ત જેવા થાય છે કે નથી થાતા? ઉત્તર જે સત્પુરુષને સંગે કરીને જો ધર્મજ્ઞાનાદિક સાધનની અતિશય પક્વતા જે કરે તે અનાદિ મુક્ત જેવો જ થાય છે. ॥૭૪॥
કોઈકને તો ભજન કરવું ગમે ને કોઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવું ગમે ને કોઈકને નવધા ભક્તિ કરવી ગમે ઇત્યાદિક શ્રીજી સંબંધી ક્રિયા જુદી જુદી ગમે છે ને કોઈકને તો એ સર્વે ગમે છે તે કેમ હશે? ઉત્તર જે શ્રીજીમહારાજને વિષે એ ભક્ત જેવા જેવા ભાવે યુક્ત હમણાં અથવા મોરે વરત્યા હોય તેવા ગુણ એ ભક્તને વિષે આવે છે તે ઉપર ગુણાતીતાનંદ સ્વામીના ને મુક્તાનંદ સ્વામીના દૃષ્ટાંતે92 કરીને વાર્તા બહુ કરી. ॥૭૫॥
જીવનમુક્ત, વિદેહીમુક્ત ને કૈવલ્યમુક્ત તેમની સ્થિતિને કહે છે જે જીવનમુક્ત તો વિષયને વિષે બંધાઈ જાય ને વિદેહી મુક્ત છે તે પણ અસત્ દેશકાળાદિકે કરીને બંધાય ને કૈવલ્ય મુક્ત તો તેણે કરીને પણ બંધાય જ નહિ. ॥૭૬॥
સર્વે મનુષ્યમાં તથા હરિભક્તમાં તથા એકાંતિક ભક્તમાં શ્રીહરિજી કેમ રહ્યા છે? ઉત્તર જે, જેમ પૃથ્વીને વિષે ડહોળાયેલ જળ તથા શુદ્ધ નિર્મળ જળ એમને વિષે સૂર્યાદિક ભાસે છે તેવા પ્રકાશ મૂર્તિમાન ને અલૌકિક સામર્થ્ય સોતા પાત્રના તારતમ્યપણે રહ્યા છે. તે વાત વેદ સ્તુતિના ગદ્યમાં કહેલ છે જે “तरतमतश्चकास्यन लवत्स्वकृतानुकृतिः”93 એમ સર્વને વિષે રહ્યા છે. ॥૭૭॥
નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું જે સર્વનું કલ્યાણ સરખું થાય છે કે નહિ? ઉત્તર જે, જે સર્વે શ્રીજીમહારાજના નોરમાં94 ચાલ્યા જાય છે તેમાં પણ જે અધિક ભજન સ્મરણ કરતા હશે તે મુક્તાનંદ સ્વામી તથા પર્વતભાઈ જેવા થાય છે. ॥૭૮॥
સમાધિવાળાને શ્રીજીમહારાજની મરજી જણાય કે નહિ? ઉત્તર જે, શ્રીજીમહારાજની સાથે અતિશય એકત્વપણાને પામી જાય છે તેને ક્યારેક જણાય છે ને બીજાને તો ન જ જણાય ને જેને ધર્મજ્ઞાનાદિક અતિ પક્વ હોય એવો જે એકાંતિક ભક્ત છે તેને તો સદાય જણાયા કરે છે. ॥૭૯॥
બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપના મુક્ત કેમ વર્તે છે? ઉત્તર જે બદ્રિકાશ્રમના મુક્ત તો જાણપણા રૂપ થઈને ઇંદ્રિયો અંતઃકરણને જીતે છે ને શ્વેતદ્વીપના મુક્ત તો વાસુદેવ ભગવાનનું ધ્યાન કરે છે માટે એ તો નિરન્ન કહેવાય છે કેમ જે એ તો બે શરીરની ભાવનાએ રહિત વર્તે છે ને આત્મસત્તારૂપ થઈને શ્રીજીમહારાજનું ધ્યાન કરીને કારણ શરીરના રાગને ટાળે છે માટે નિરન્ન કહેવાય છે ને શ્રીજીમહારાજ દયાએ કરીને એક વાર તો સર્વે હરિભક્તને દેહનો ત્યાગ કરાવીને બ્રહ્મપુરમાં લઈ જાય છે ને પોતાને વિષે પ્રીતિ પણ અતિશય કરાવે છે ને પોતાનું અલૌકિક સુખ પણ અતિશય આપે છે તે પછી જેને જ્યાં મોકલવા ઘટે તેને ત્યાં મોકલે છે. પછી તે ભક્ત એ સુખને સંભારતો થકો બીજા રાગને ટાળીને પાછો શ્રીજી પાસે આવે છે. ॥૮૦॥
બ્રહ્મપુરાદિક ધામના મુક્ત શ્રીજીમહારાજ ભેળા પૃથ્વી ઉપર આવ્યા હોય તે કેમ ઓળખ્યામાં આવે ? ઉત્તર જે, બ્રહ્મપુરના જે મુક્ત હોય તે તો ધર્મજ્ઞાનાદિક જે એકાંતિક ભક્તનાં લક્ષણ તેણે યુક્ત હોય ને તેમ જ વર્તતા હોય ને વાર્તા પણ તેમ જ કરે ને જે વૈકુંઠના મુક્ત હોય તેને ધર્મ પ્રધાનપણે વર્તતો હોય ને બીજું ગૌણ હોય ને જે ગોલોકના મુક્ત હોય તેને તો ભક્તિ પ્રધાન હોય ને બીજાં ગૌણ હોય ને જે શ્વેતદ્વીપના મુક્ત હોય તે તો આત્મસત્તારૂપે વર્તતા થકા શ્રીજીનું ધ્યાન કરીને કારણ શરીરના ભાવને ટાળતા હોય ને જે બદ્રિકાશ્રમના મુક્ત હોય તે તો સ્થૂલ ને સૂક્ષ્મ એ બેય દેહના ભાવને ટાળતા થકી પ્રધાનપણે ત્યાગને વિષે વર્તતા હોય ને જે સ્વર્ગલોકના હોય તેને કીર્તિ પ્રધાનપણે વર્તતી હોય ને જે આધુનિક હોય તેને વિષયની આસક્તિ પ્રધાનપણે વર્તતી હોય. ॥૮૧॥
મંડળમાં જે બખેડો થાય છે તેનું કારણ એ છે જે સરખા રુચિવાળા ન હોય માટે માંહોમાંહી સંપ રહેતો નથી ને એક રુચિવાળા હોય છે તેમાં પણ વૈરાગ્યને ભેદે કરીને સરસ નરસ હોય છે. તે ઉપર કુટીચક, બહુદક, હંસ ને પરમહંસ તેની વિગત જે જ્ઞાન ગૌણ ને આશ્રમધર્મ મુખ્ય હોય તે કુટીચક કહેવાય. ને આશ્રમધર્મ તથા જ્ઞાન તે બે તુલ્ય હોય તે બહુદક કહેવાય. ને આશ્રમધર્મ ગૌણ ને જ્ઞાનાભ્યાસ મુખ્ય હોય તે હંસ કહેવાય. ને આત્મા પરમાત્માને સાક્ષાત્ પામ્યો હોય તે પરમહંસ કહેવાય. એમના દૃષ્ટાંતે કરીને વાત જે, કુટીચક ને જ્ઞાન ગૌણ ને આશ્રમધર્મ મુખ્ય હોય તે એમ જાણે જે બહુદક, હંસ ને પરમહંસ એ ત્રણ જે તે મારા જેવા કેમ વર્તતા નથી? એવી અવળી જે સમજણ છે તે ખોટી છે ને જે સરસ વર્તતા હોય તે એમ જાણે જે, જે ઊતરતા હોય તે પણ મારી પેઠે વર્તે તો ઠીક તે એની સમજણ તો શ્રેષ્ઠ છે. ॥૮૨॥
એક દિવસ મોટા સંતે સાંજને સમે પોતાની જાણે દયા કરીને એમ વાર્તા કરી જે ભક્તિએ કરીને જીવનું કલ્યાણ તો થાય છે પણ ત્રણ અંગ વિના યથાર્થ હરિભક્ત થાતો નથી તે અંગ કયા તો દાસપણું, પ્રીતિ ને આત્મનિષ્ઠા. એની વાર્તા વિસ્તારીને કરી. ને એ ત્રણ ગુણ જેને પરિપૂર્ણ હોય તે એકાંતિક ભક્ત કહેવાય છે અને એ ભક્તને ને શ્રીહરિજીને લેશ માત્ર અંતરાય રહેતો નથી ને અતિશય હેતે કરીને એક જેવું થઈ જાય છે તેથી એ ભક્તને શ્રીજીની મરજી પણ જાણ્યામાં આવે છે તે માટે તેમની મરજી પ્રમાણે જ વર્તે છે ને કોઈક વાત ન જણાય તો તેને શ્રીજીમહારાજ પોતે જણાવી દે છે. જેમ બે મિત્ર હોય તેમને કોઈ પ્રકારનો અંતરાય રહેતો નથી ને એક જેવા થઈ જાય છે, તેમ પરમેશ્વરને ને એકાંતિક ભક્તને પણ એક જેવું થઈ જાય છે ને તે પૂર્ણ ભક્ત કહેવાય છે. ॥૮૩॥
ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે એ મધ્યનું ૩૮મું વચનામૃત જ્યારે વંચાવ્યું ત્યારે સોમલા ખાચરે કહ્યું જે દેહ મૂકીને પ્રવેશ થાતો હશે? કે દેહ છતે પ્રવેશ થાતો હશે? ઉત્તર જે, દેહ છતે પણ પ્રવેશ થાય છે કેમ જે જેનો જેને વિષે અતિશય સ્નેહ હોય તેનો તેને વિષે પ્રવેશ કહેવાય છે. ॥૮૪॥
આજ વર્તમાન કાળે જે પરમ એકાંતિક ભક્ત હોય તેમને પુરુષોત્તમ ભગવાન બ્રહ્મપુરના ભક્તોની પેઠે દર્શન દેતા હશે? ત્યારે મોટા સંત કહે જે, આ પૃથ્વીને વિષે જે પરમ એકાંતિક ભક્ત હોય તેમને બ્રહ્મપુરના મુક્તોની પેઠે જ દર્શન આપે છે ને તે સાથે વાર્તા પણ કરે છે ને કોઈ ક્રિયા ભક્તને ન આવડે તો તે ભક્તને શીખવી પણ દે છે ને તે ભક્તને પણ કોઈક વાત પૂછવી હોય તો પૂછી લે છે. એમ તે ભક્તને અતિ સાધર્મ્યપણું વર્તે છે ને જેમ અતિ હેતવાળા બે મિત્ર હોય તેને જેમ કોઈ વાતનો અંતરાય રહેતો નથી તેમ એ ભક્ત પણ શ્રીજીમહારાજને વિષે અતિશય સ્નેહે કરીને જોડાઈ જાય છે માટે કોઈ રીતનો અંતરાય રહેતો નથી. ને આજના મુક્તોની સામર્થી તો જુઓ જે સંતદાસજી બદ્રિકાશ્રમમાં જઈને આવ્યા. ને સચ્ચિદાનંદ સ્વામીને બેડી તથા તાળાં તથા ભીંત તથા નદી ને ગઢ ને કિલ્લો આદિ કોઈ આવરણ જ થયાં નહિ. ને રતના ભક્તને પણ તાળાં ને ભીંત આડ કરી શક્યાં નહિ ને વિશ્રામ ભક્ત સુતારના સંકલ્પે કરીને લાખો કીડીઓના જીવ દેવતાના રૂપને ધરીને વિમાનમાં બેસીને દેવલોકને પામ્યા તે અવતાર અવતારીના સંકલ્પમાં પણ ન્યૂન-અધિકપણું અતિશય છે જે અવતારીના મુક્ત તો સંકલ્પ કરે તે માત્રમાં તે ક્રિયા સિદ્ધ થાય છે ને અવતાર છે તે તો સંકલ્પ કરીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે સિદ્ધ થાય. એવી અનેક પ્રકારની વાર્તા સત્સંગમાં છે. ॥૮૫॥
અક્ષર તો સર્વે ઠેકાણે છે તેમાં પુરુષોત્તમ ભગવાન ક્યાં રહેતા હશે? ઉત્તર જે, પુરુષોત્તમ ભગવાન પોતાના એકાંતિક ભક્તમાં રહે છે ને તે ભક્ત પણ અનંત છે માટે તેમને મધ્યે જે અતિ ઉત્તમ ભક્ત હોય તેમાં મૂળ સ્વરૂપે રહે છે જેમ રાસરમણમાં શ્રી શ્યામાજી95 પાસે મૂળ રૂપે રહેતા તેમ રહે છે. ॥૮૬॥
ભગવાનના ભક્ત કેવા હોય તે કેવા ધામને પામે છે? ઉત્તર જે, ભગવાનની દૃઢ ઉપાસના ને એકાંતિક ધર્મ એ બે જેમાં સંપૂર્ણ હોય તે તો દેહ મૂક્યા પછી અક્ષરધામને પામે છે. ને ધર્મને વિષે કસર હોય તો મૂળપુરુષને પામે છે ને એથી વધુ સવાસનિક હોય તો પ્રધાનપુરુષને તથા વૈરાજપુરુષાદિકને પામે છે ને જેને એ બેમાં કસર હોય તે બ્રહ્માદિક દેવ જેવો થાય ને ગુણબુદ્ધિવાળો હોય ને સાધુની સેવા ચાકરી કરતો હોય તે તો ઇન્દ્ર જેવો થાય કેમ જે સારંગપુરના ૧૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પાંચ સાધને કરીને સંપૂર્ણ હોય તે તો અક્ષરધામને પામે ને કોઈ અંગમાં ન્યૂનતા હોય તો એ વિના બીજા ભગવાનના ધામને પામે, ને અતિ સવાસનિક હોય તે દેવલોકાદિકને પામે. ॥૮૭॥
અને પૂછ્યું જે ઉપાસના ને ધર્મ બેય સરસ હોય, ધર્મ ન્યૂન ને ઉપાસના સરસ હોય, ઉપાસના ન્યૂન ને ધર્મ સરસ હોય ને બેય ન્યૂન હોય એ ચાર પ્રકારના ભક્તની પ્રાપ્તિ કહો. તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે ઉપાસના અને ધર્મ જો સંપૂર્ણ હોય તો તે અક્ષરધામને પામે; ને ધર્મ ન્યૂન હોય તો પ્રકૃતિપુરુષના ધામની પ્રાપ્તિ થાય; ને ધર્મનિષ્ઠા અધિક હોય તો ઋષિના લોકની પ્રાપ્તિ થાય; ને બેયમાં કસર હોય તો બ્રહ્માદિક ત્રણ દેવના ધામની પ્રાપ્તિ થાય. અને જો ઉપાસના તો હોય પણ અક્ષરનો મહિમા અધિક સમજતો હોય તો તે ભક્ત અક્ષરમાં લીન થાય છે. ॥૮૮॥
અને મુક્તની તારતમ્યતાના ભેદ કહ્યા છે જે અનંતકોટિ વૈરાજપુરુષનું તેજ ભેળું કરીએ ત્યારે મહાવિષ્ણુના એક રોમના કોટિમા ભાગની બરોબર થાય અને એવા અનંતકોટિ મહાવિષ્ણુનું તેજ ભેળું કરીએ તે મહાપુરુષના એક રોમના કોટિમા ભાગમાં લીન થાય છે. અને એવા અનંતકોટિ મહાપુરુષનું તેજ ભેળું કરીએ તે અક્ષરના જે સાધારણ મુક્ત તેના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે. અને એવા અનંતકોટિ મુક્તનું તેજ ભેળું કરીએ તે અક્ષરને વિષે રહ્યા જે મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત તેના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે. અને એવા અનંત કોટિ મુક્તનું તેજ ભેળું કરીએ તે અક્ષરના જે મહામુક્ત છે તેના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે. અને એ સર્વે જે અક્ષર મુક્ત તે સર્વેનું તેજ ભેળું કરીએ તે અક્ષરના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે અને એવા અનંત કોટિ અક્ષરનું તેજ ભેળું કરીએ તે પુરુષોત્તમનારાયણના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે, તે પુરુષોત્તમનારાયણ તે ભક્તિધર્મના પુત્ર શ્રી હરિકૃષ્ણજી મહારાજ આ પ્રગટ પ્રમાણ છે એમ જાણવું. ॥૮૯॥
અને પુરુષોત્તમ ભગવાન પોતે મળ્યા પછી પણ મુક્તમાં ભેદ કેમ રહે છે? તો તેનું કારણ એ છે જે જેને જેવા જ્ઞાનવાળો વક્તા મળે છે તે તેવા જ્ઞાનને પામે છે. અને જેને ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળ્યો હોય ને તે થકી જે જ્ઞાનને પામ્યા હોય તેને આવી રીતે જે પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણ્યામાં ફેર રહે છે તેનું કારણ એ છે જે તેના પૂર્વજન્મના બીજબળમાં ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ એવો ભેદ છે. માટે જે મંદ બીજવાળો હોય તે બીજા અવતારને પુરુષોત્તમ જાણે; ને મધ્યમ બીજબળ જેને હોય તે અવતાર-અવતારીને જાણે તો ખરો પણ યથાર્થ જેમ છે તેમ ન જણાય, કિંચિત ફેર રહે; ને ઉત્તમ બીજબળ જેને હોય તે તો ઉત્કૃષ્ટ વક્તાને પામીને જેવા પુરુષોત્તમ છે તેવા જાણે માટે ઉત્કૃષ્ટ જ્ઞાન જેને હોય એવા જે મોટા એકાંતિક સાધુ તેનો જેને સંગ છે તેને જે ફેર રહે છે તેને બીજબળમાં ફેર છે એમ જાણવું. ॥૯૦॥