૩૦. શ્રી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપના જ્ઞાનનો નિર્ણય
ભગવાનનો જે દિવ્યભાવ અને મનુષ્યભાવ તેને અભેદપણે સમજવાની રીત દેખાડીએ છીએ જે અનંત કોટિ સૂર્ય ચંદ્રના પ્રકાશ જેવું તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિષે અનંત કોટિ અક્ષરરૂપ મુક્તે સેવ્યા અને દિવ્ય અને દ્વિભુજ મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન તે સદા બિરાજમાન છે. તે કેવા છે તો અનંત કોટિ જે તે મુક્તો તથા અક્ષર તથા પુરુષ, પ્રકૃતિ ને કાળ એ સર્વેના નિયંતા છે અને એ સર્વેના સ્વામી છે અને એ સર્વેને સુખના આપનારા છે. અને સ્વતંત્ર છે ને મહારાજાધિરાજ છે અને એવા સામર્થ્યે યુક્ત જે એના એ પોતે ભગવાન તે જીવોની ઉપર દયાએ કરીને તેમના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય પોતાનો આશ્રય કરે અને પોતાની ભક્તિ કરે તેને અર્થે મનુષ્યને અનુસરતાં ચરિત્ર કરે છે. અને તે મનુષ્ય સ્વરૂપને વિષે પોતાની જે અક્ષરધામમાં રહી જે તેજોમય દિવ્ય મૂર્તિ તે દેખાઈ આવે તથા પ્રકૃતિપુરુષના જેવું સામર્થ્ય જણાઈ આવે તથા વિરાટપુરુષના જેવું સામર્થ્ય જણાઈ આવે તથા એક થકા અનંતરૂપે જણાઈ આવે તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના જેવું સામર્થ્ય જણાઈ આવે તથા તે પોતાની મૂર્તિને દેખીને અનંત જીવના ચિત્તનો નિરોધ સમાધિએ કરીને થઈ જાય એ સર્વે મનુષ્યપણામાં દિવ્યભાવ જાણવો અને વળી એવો દિવ્યભાવ ન જણાવે અને મનુષ્યની રીતે વર્તે અને વળી પાછો દિવ્યભાવ જણાવે અને ક્યારેક તો એની એ મનુષ્યમૂર્તિને વિષે કેટલાકને દિવ્યભાવ જણાવે અને કેટલાકને મનુષ્યભાવ જણાવે તે માટે દિવ્યભાવ ને મનુષ્યભાવ તે એક જ છે. પણ એમાં કિંચિત્ પણ ભેદ નથી. એવી રીતે દિવ્યભાવ અને મનુષ્યભાવને અભેદપણે સમજવાની રીત કહી દેખાડી. ॥૧॥
ભગવાનના નિર્ગુણ સગુણપણાની રીત સમજવી જે એવી રીતે દિવ્યભાવ અને મનુષ્યભાવને જણાવતા એવા જે એ ભગવાન તેની જે મૂર્તિ તે તો માયાના જે સત્વ, રજ ને તમ ત્રણ ગુણ ને એ ત્રણ ગુણનાં કાર્ય તેણે રહિત છે અને દિવ્ય છે તે માટે એ ભગવાનને નિર્ગુણ જાણવા અને એવા જે એ નિર્ગુણ ભગવાન તેને વિષે સત્ય, શૌચ, દયા એ આદિક જે અમાયિક એવા દિવ્ય ગુણ તે રહ્યા છે. માટે એ ભગવાનને સગુણ જાણવા. અથવા માયાના ત્રણ ગુણે યુક્ત અને બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કારણ એવા જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, એ જે પોતાનાં રૂપ તેણે કરીને પણ એ ભગવાનને સગુણ જાણવા. ॥૨॥
ભગવાનના સાકાર-નિરાકારપણાની રીત સમજવી જે આત્યંતિક પ્રલયને અંતે પણ પોતાના અક્ષરધામને વિષે દિવ્ય અવયવવાન એવો નિત્ય સિદ્ધ એ ભગવાનનો આકાર તે રહ્યો છે તે માટે એ ભગવાનને સાકાર જાણવા અને એવો જે ભગવાનનો સદા દિવ્ય આકાર તેને એ ભગવાનના એકાંતિક ભક્ત દેખે છે. અને એ ભગવાનનો જે સદા દિવ્ય એવો આકાર તે માયામાંથી થયા જે ચોવીસ તત્ત્વ તેણે રહિત છે તે માટે એ ભગવાનને નિરાકાર જાણવા અથવા એ ભગવાનની અનન્ય ભક્તિએ રહિત ને આત્મજ્ઞાનાદિક સાધને સહિત એવા જે પુરુષ તે તો ભગવાનના અક્ષરધામના તેજને જ કેવળ દેખે છે, પણ તે ભગવાનના દિવ્ય આકારને નથી દેખતા. તે સારુ એ કૈવલ્યાર્થી છે તે એ ભગવાનને નિરાકાર કહે છે. ॥૩॥
ભગવાનના કર્તા-અકર્તાપણાની રીત જાણવી જે એવા એ ભગવાન પુરુષ, કાળ ને માયા તેના આદિ કર્તા છે અને પ્રેરક છે ને નિયંતા છે તે માટે એ ભગવાનને કર્તા જાણવા અને પુરુષ, કાળ ને માયા તે પાસે અનંત કોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરાવે છે પણ પોતે નથી કરતા અને પોતે તો પોતાના અક્ષરધામને વિષે પોતાના ભક્તે સેવ્યા થકા નિત્ય બિરાજમાન છે તે માટે એ ભગવાનને અકર્તા જાણવા અને એ પુરુષ, કાળ અને માયા તે જે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરે છે તે એ ભગવાનની અંતર્યામી શક્તિની પ્રેરણાએ કરીને કરે છે પણ તે વિના સ્વતંત્રપણે કરવાને સમર્થ નથી અને જે એમને સ્વતંત્ર કર્તા જાણે છે તે તો નાસ્તિક છે ને એ ભગવાનની પ્રેરણાએ કરીને જે એમને કર્તા જાણે છે તે તો આસ્તિક એવા ભગવાનના ભક્ત છે.
આ ચાર રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને જાણે છે તેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે ને એવી રીતે સમજ્યામાં જેને કસર છે તેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં સંશય થાય છે. માટે ભગવાનના જે ભક્ત હોય તેને આ વાર્તા અવશ્ય સમજવાની છે. ॥૪॥