૩૧. શ્રી હરિકૃષ્ણ મહિમાષ્ટકમ્
श्री धर्मसद्मन्यवतीर्य विष्णुर्यो वासुदेवो हरिकृष्ण ईशः ।
श्रीनीलकण्ठोऽत्र पुनाति मर्त्यान् ध्याये हरितं हृदि धर्मपुत्रम् ॥१॥
અર્થ: સર્વમાં વ્યાપક અને સર્વના નિયંતા એવા જે શ્રીહરિકૃષ્ણ વાસુદેવ ભગવાન તે ધર્મદેવના ઘરને વિષે અવતરીને અનેક મનુષ્યોને પવિત્ર કરે છે તે ધર્મના પુત્ર શ્રીહરિનું હું મારા હૃદયને વિષે ધ્યાન કરું છું. ॥૧॥
यस्य स्वरूपे तिललक्षणानि स्वभक्तचेतांसि हरंति यद्वत् ।
अयांसि चाकर्षमणिप्रवेका ध्याये हरितं हृदि धर्मपुत्रम् ॥२॥
અર્થ: જે શ્રીહરિની મૂર્તિને વિષે રહેલા તલ વગેરે ચિહ્નો છે તે, ઉત્તમ ચુંબક મણિ જેમ લોહને ખેંચી લે તેમ, પોતાના ભક્તોના ચિત્તને ખેંચી લે છે. એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયને વિષે ધ્યાન કરું છું. ॥૨॥
यस्याक्षरे धामनि यत्प्रसक्ता क्रीडन्ति दिव्येऽक्षरसंज्ञमुक्ताः ।
सामन्तपुत्रा इव सर्वमान्या ध्याये हरितं हृदि धर्मपुत्रम् ॥३॥
અર્થ: જે શ્રીહરિના દિવ્ય અક્ષરધામને વિષે કેવળ શ્રીહરિની મૂર્તિને વિષે પ્રીતિવાળા એવા અક્ષરધામના અનંત મુક્તો શ્રીહરિની સેવારૂપ ક્રીડા કરે છે, અને જે મુક્તો ચક્રવર્તિ રાજાના પુત્રોની પેઠે સર્વ દેવ ઈશ્વરોએ પણ માન આપવા યોગ્ય છે. તે ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયને વિષે ધ્યાન કરું છું. ॥૩॥
यस्यास्यपद्मेऽद्भताभूरिशोभे वसंति नेत्र भ्रमरा जनानाम् ।
हंसा यथा मानसपद्मवृन्दे ध्याये हरितं हृदि धर्मपुत्रम् ॥४॥
અર્થ: અદ્ભુત અને ઘણીક શોભાવાળા જે શ્રીહરિના મુખરૂપી કમળને વિષે ભક્તજનોની આંખ્યોરૂપી ભમરાઓ, માનસ સરોવરમાં કમળોના સમૂહને વિષે જેમ હંસો રહે છે તેમ નિવાસ કરી રહે છે, એવા મુખારવિંદવાળા ધર્મપુત્ર શ્રીહરિનું હું હૃદયને વિષે ધ્યાન કરું છું. ॥૪॥
यः पोषयत्यत्र निजान्स्वकीयज्ञानोपदेशेन सुधोत्तमेन ।
वत्सान्सुशीला पयसा यथा गौः ध्याये हरितं हृदि धर्मपुत्रम् ॥५॥
અર્થ: જે શ્રીહરિ આ લોકને વિષે અમૃત થકી પણ ઉત્તમ એવા પોતાના માહાત્મ્ય જ્ઞાનના ઉપદેશ વડે, જેમ સારા સ્વભાવવાળી ગાય દૂધ વડે પોતાનાં વાછડાંઓનું પોષણ કરે તેમ પોતાના ભક્તોનું પોષણ કરે છે, તે ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયને વિષે ધ્યાન કરું છું. ॥૫॥
पाषंडधर्माहृदयेन यस्य शाक्ता व्यलीयन्त यथोदितेऽर्के ।
धूका वृषद्वेषिण एव चान्ये ध्याये हरितं हृदि धर्मपुत्रम् ॥६॥
અર્થ: જે શ્રીહરિના પ્રગટ થવાથી પાખંડ ધર્મવાળાઓ તથા શક્તિ માર્ગવાળાઓ અને બીજા જે ધર્મના દ્વેષીઓ તે, સૂર્યના ઊગવાથી જેમ સંતાઈ જાય તેમ સંતાઈ ગયા, તેવા પ્રતાપવાળા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયને વિષે ધ્યાન કરું છું. ॥૬॥
यत्पादपद्मेऽक्षरमुक्तचेतोभृङ्गा रमन्ते सरसीव मीनाः ।
आसेव्यमाने भुविं भूरि भक्तैः ध्याये हरितं हृदि धर्मपुत्रम् ॥७॥
અર્થ: પૃથ્વીને વિષે ઘણા ભક્તોએ અતિ પ્રેમથી સેવેલા જે શ્રીહરિના ચરણકમળને વિષે, અક્ષરમુક્તોના ચિત્તરૂપી ભમરાઓ, તળાવને વિષે પોતાના જીવનરૂપ જળમાં માછલાં રમે તેમ રમે છે-શ્રીહરિના ચરણને પોતાનું જીવન જાણી તેને તજી શકતા નથી તે ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયને વિષે ધ્યાન કરું છું. ॥૭॥
यदीयसौन्दर्य गुणादिपारं शेषादयो यान्ति न यस्य भक्ताः ।
वाच्छन्ति नैवाक्षर सौख्यगन्तः ध्याये हरितं हृदि धर्मपुत्रम् ॥८॥
અર્થ: જે શ્રીહરિના સુંદરપણા આદિક ગુણોનો પાર શેષનારાયણ વગેરે પણ પામતા નથી, અને જે શ્રીહરિના ભક્તો ભગવાનની મૂર્તિ સિવાય અક્ષરધામના સુખને પણ અંતઃકરણમાં ઇચ્છતા નથી, તે ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયને વિષે ધ્યાન કરું છું. ॥૮॥
गोपालानन्दनाम्ना रचितमतिशुभं त्वष्टकं सन्मयेदं
प्रीत्यै श्रीधर्मसूनोः प्रकट भगवतः स्वामिनारायणस्य ॥
तन्माहात्म्यावबोधं य इदमिह जनः श्रावयेत्कीर्तयेद्वा
स स्याद्वै ब्रह्मरूपो हरिरतुलमुदं प्राप्नुयात्तत्र धार्मि ॥९॥
અર્થ: ગોપાળાનંદ મુનિ છે નામ જેનું એવા અમે, શ્રી ધર્મદેવના પુત્ર પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા માટે, તેમના મહિમાને જણાવનારું માટે સર્વથી ઉત્તમ આ અષ્ટક રચેલું છે તેને જે મનુષ્ય આ લોકને વિષે કહેશે અથવા સાંભળશે તે પોતે બ્રહ્મરૂપ થાશે ને શ્રીહરિની અતિ પ્રસન્નતાને નિશ્ચે પામશે. ॥૯॥