૩. પ્રિતલોમપણે ધ્યાનની વાતો
જીવમાં પંચવિષયરૂપી રાગ રહ્યા છે તે ક્યારે ટળે તો જ્યારે આત્મસત્તારૂપ થઈને વારંવાર પ્રતિલોમ96 દૃષ્ટિ કરે તથા ભગવાનની મૂર્તિને વારંવાર ધારે. તે કેમ ધારે તો જાણીએ ભગવાન આગળ ચાલ્યા આવે છે તે ભગવાનની મૂર્તિને ત્વચાએ કરીને સ્પર્શ કરતે કરતે દેહને સાંખ્ય વિચારે કરીને ખોટો કરતો જાય અને ભગવાનની મૂર્તિને જીવમાં ધારે. પછી એમને એમ ધારતે ધારતે જ્યારે દેહના ભાવ ખોટા થઈને કેવળ જીવમાં ભગવાનની મૂર્તિ રહે ત્યારે વળી તે મૂર્તિને બહાર લાવે. પછી જાણીએ ભગવાન ભારે ભારે શણગાર પહેરીને આગળ સામા ચાલ્યા આવે છે. પછી તે ભગવાનને નેત્રે કરીને દર્શન કરતે કરતે મૂર્તિને પ્રતિલોમપણે કરીને જીવમાં ઉતારતે જાવું. અને દેહના તથા ઇંદ્રિયોના ભાવને ખોટા કરતે જાવું. પછી જ્યારે કેવળ જીવમાં ભગવાનની મૂર્તિ જ રહે પણ બીજો કોઈ આકાર ન રહે, ત્યારે વળી તે મૂર્તિને બહારે લાવે. પછી જાણીએ ભગવાન ગાતા ગાતા ચાલ્યા આવે છે. પછી શ્રવણ ઇંદ્રિયની વૃત્તિદ્વારે મૂર્તિ જીવમાં ઉતારતા જાવું અને દેહ ઇંદ્રિયોના ભાવને ખોટા કરતે કરતે જ્યારે જીવમાં ભગવાનની મૂર્તિ જ રહે છે ત્યારે વળી તે મૂર્તિને બાહેર લાવે. પછી જાણીએ ભારે અત્તર, ચંદનાદિકની સુગંધીએ યુક્ત થકા ચાલ્યા આવે છે. પછી નાસિક ઇંદ્રિય દ્વારા એ ભગવાનનો સુગંધ લેતે જાવું ને દેહ ઇંદ્રિયોના ભાવને ખોટા કરતે જાવું. પછી જ્યારે માયાના ભાવમાત્ર ટળી જાય અને સત્તામાત્ર જે જીવ તેમાં ભગવાનની મૂર્તિ રહે ત્યારે ઇંદ્રિયોને ખોટા કરતે કરતે કેવળ સત્તામાત્ર જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિ જ રહે પણ બીજો કોઈ પંચવિષય સંબંધી ઘાટ ન થાય, પણ બીજો કોઈ એવો ઉપાય નથી, ત્યારે તે જે કેવળ જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિને જોઈ રહેવું. પછી એમ માનવું જે મારો જીવાત્મા છે તે જ અક્ષરબ્રહ્મ છે. કેમ જે અક્ષરમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેના તે જ મારા જીવાત્માને વિષે રહ્યા છે. એમને એમ પંચ ઇંદ્રિયો તથા ચાર અંતઃકરણ97 સંબંધી જે ભાવ તેને ખોટા કરતા જાવું. એમ વારંવાર લોમ પ્રતિલોમપણે કરીને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે ત્યારે જીવમાં રાગ રહ્યા છે તે ટળે પણ તે વિના બીજા કોટિ ઉપાય કરે તો પણ જીવમાં રાગ છે તે ન ટળે. તે સમાધિનિષ્ઠ હોય તથા જ્ઞાની હોય તથા વિચારવાન હોય તો પણ જીવમાંથી રાગ ન ટળે. જીવમાંથી તો જ્યારે પૂર્વે કહ્યું તેવી રીતે વારંવાર લોમ પ્રતિલોમપણે કરીને જીવમાં ભગવાનની મૂર્તિને જોઈ રહે તો જીવમાં પંચવિષયની વાસના છે તે ટળે ને જો ધ્યાનનો ઉપાય કહ્યો એમ ન કરે તો જીવમાંથી રાગ ન ટળે. માટે લિંગ દેહને ટાળવાનો એ જ ઉપાય છે. ॥૯૧॥
શ્રીજીમહારાજની મૂર્તિને દૃષ્ટિ આગળ ધારીને ઇંદ્રિયો દ્વારે કરીને અંતરમાં ઉતારવી ને આત્મસત્તારૂપે રહીને મૂર્તિ સામું જોઈ રહેવું એમ કર્યા કરે તો ઇંદ્રિયોમાંથી રાગ ઓછા થઈ જાય છે ને એમ વર્ત્યા વિના તો ધર્મને વિષે રહીને વિષયને ભોગવતો હોય પણ વિષયને મૂકી શકે નહિ ને જે શ્રીજીમહારાજની મૂર્તિને દૃષ્ટિ આગળ ધ્યાને કરીને ધારીને ઇંદ્રિયોમાંથી વિષયના રાગને ટાળતો હોય તે તો મૂકી દે કમ જે તેની ઇંદ્રિયોની વૃત્તિ કોમળ હોય છે તેને જેમ ફેરવે તેમ ફરે છે. જેમ નાનો વડનો વૃક્ષ હોય તેને જેમ મરડે તેમ મરડાઈ જાય છે પણ બહુ મૂળ ઘાલેલ ને અતિ વિસ્તારવાન જે વડ હોય તે મરડ્યો મરડાય નહિ. માટે પુરુષ પ્રયત્ને કરીને પ્રતિલોમપણે વર્ત્યાનો આગ્રહ રાખવો. ॥૯૨॥