text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૪. દૃષ્ટામાં ધ્યાનની વાતો

લાધા ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! અસદ્ પદાર્થને વિષે વાસના બંધાણી છે તે કેમ ટળે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની મૂર્તિ મોઢા આગળ ધારીને ભજન કરે ત્યારે તેને વાસનાનું બળ મટે નહિ અને જ્યારે ભજનનો કરનારો જે દૃષ્ટા તેને વિષે મૂર્તિને ધારે ત્યારે વાસનાનું જોર નાશ થઈ જાય. જેમ પંખીનું કાચું ઈંડું હોય અને તે ફૂટે ત્યારે પાણી હોય પણ કંઈ આકાર રહે નહિ અને ઈંડું પાકું હોય અને ફૂટે ત્યારે તેમાંથી બચ્ચું નીસરે તેનો આકાર ટળે નહિ તેમ જે દૃષ્ટામાં98 મૂર્તિ ધારે તેનો ઘાટ તે કાચા ઈંડા સરખો તેનો આકાર રહે નહિ અને જો બાહેર મૂર્તિ ધારે ત્યારે તેનો ઘાટ તે પાકા ઈંડા સરખો તેનો આકાર મટે નહિ. માટે એમ સમજવું જે દૃષ્ટારૂપ જે અક્ષરધામ તેમાં ભગવાન સદાય રહે છે અને બાહ્ય જે દર્શન આપે છે તે તો ભક્તના ઉપદેશને અર્થે છે પણ ભગવાન રહ્યા તો દૃષ્ટાને વિષે જ છે એવી રીતે સમજે તેની વૃત્તિ અખંડ ભગવાનમાં રહે છે. જેમ વરકન્યા હોય તેનાં માવતર તો જુદા જુદા ગામમાં રહેતાં હોય પણ એ બે જણની સુરતી પરસ્પર હેતે કરીને પ્રોવાઈ99 રહે છે તે સર્વે ધંધો કરે પણ પુરુષને એમ સ્મૃતિ રહે જે મારી સ્ત્રી ફલાણે ગામ રહે છે અને સ્ત્રીને પણ એમ સ્મૃતિ રહે છે જે મારો પતિ ફલાણે ગામ રહે છે તેમ એ ભક્ત છે તે એમ જાણે જે મારા પતિ એવા જે ભગવાન તે દૃષ્ટાને વિષે રહ્યા છે તો તે ભક્તની વૃત્તિ અખંડ ભગવાનમાં રહે છે અને સર્વે વાસના નાશ થઈ જાય છે.” ॥૯૩॥

પછી શુકમુનિએ પૂછ્યું જે, “બાહ્ય મૂર્તિ ધારે તેના ઘાટનો આકાર બંધાય છે અને દૃષ્ટામાં મૂર્તિ ધારે તેના ઘાટનો આકાર નથી બંધાતો તેનું શું કારણ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બાહ્ય મૂર્તિ ધારે છે તે તો એ ભક્તને ભગવાનને વિષે મનુષ્યપણાનો ભાવ છે અને દૃષ્ટાને વિષે મૂર્તિ ધારે છે ત્યારે મનુષ્યપણાનો ભાવ નથી આવતો એ હેતુ છે.” પછી શુકમુનિએ પૂછ્યું જે, “જેને દૃષ્ટાને વિષે ને બાહ્યપણે મનુષ્યપણાનો ભાવ આવતો ન હોય તેને કેમ કરવું?” પછી શ્રીજી બોલ્યા જે, “જેને કોઈ રીતે ભગવાનમાં મનુષ્યભાવ ન આવતો હોય તે ભક્ત તો અતિશય બળિયો છે માટે તે તો બાહ્ય ધારે તથા દૃષ્ટામાં ધારે તે બેય બરાબર છે.” ॥૯૪॥

વિષયમાં રાગ છે તે ત્યારે ટળે જ્યારે ઇંદ્રિયો-અંતઃકરણ એ સર્વેનો નિષેધ કરીને આત્મસત્તારૂપે થઈને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે તો ધીરે ધીરે એ રાગ ટળી જાય પણ તે વિના ટળે નહિ. તે ઉપર વિજ્ઞાનદાસજીને વાત કરી જે તમે બહાર મૂર્તિનું ધ્યાન કરતા ત્યારે વિષયમાં રાગ હતો અને જ્યારે જીવમાં ધ્યાન કરવા માંડ્યું ત્યારે રાગ માત્ર ટળી ગયા. ॥૯૫॥

માવે ભક્તે પૂછ્યું જે, “કરી રહ્યા તે કેમ જણાય?” ત્યારે કહ્યું જે, “આત્મામાં પરમાત્માને અખંડ જોઈ રહે ત્યારે કાંઈ કરવું ન રહ્યું એમ જાણવું.” ॥૯૬॥