text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૫. ઉપાસનાની વાતો

નિરંતર ભગવાનનો સંબંધ રાખવો પણ તેમાં જો કાંઈક અંતરાય આવે તો પણ જે અંતરાયનો રોક્યો રોકાય નહિ ને નિરંતર ભગવાનનું સમીપપણું રાખે તેને ઉપાસના કહીએ. ॥૯૭॥

દૃઢ ઉપાસનાનું શું રૂપ? (૧) સ્થાનકને ઓળખે. તે જે સ્થાનકને વિષે શ્રીજીમહારાજે પોતાનું કરીને ઘણાં વર્ષ સુધી નિવાસ કર્યો હોય તેનું કોઈ ઘસાતું બોલે તો ખમી શકે નહિ ને જેમ છે તેમ યથાર્થ ઉત્તર કરે ને આજ્ઞાએ કરીને બીજે ઠેકાણે રહેતો હોય તો પણ ત્યાં હેત વધુ રાખ્યા કરે ને તેનો યશ ગાયા કરે ને સંભાર્યા કરે. (૨) શ્રીજીમહારાજ છે તે તો સર્વના કર્તા છે ને સર્વેના નિયંતા છે ને સર્વેને સુખના આપનારા છે ને સર્વેના અંતર્યામી છે એવા એ જે શ્રીજી તે જે તે સત્સંગને વિષે કોઈક મોટો વિક્ષેપ જો આવી પડ્યો હોય તો તેને ટાળવાને અર્થે કોઈક હરિભક્ત દ્વારા વાર્તા કરીને તેને ટળાવી નાખે ને સંપ કરાવી દે તો તેને સત્ય જાણવું. જેમ શુકજી સર્વે વૃક્ષ રૂપે બોલ્યા100 તે સત્ય મનાય છે તેમ માનવું. (૩) શ્રીજીમહારાજ તો યોગેશ્વર છે ને સર્વે વિદ્યાના ને સર્વે કળાના નિધિ છે માટે એમના ઐશ્વર્યને વિષે શંકા જ નથી અને જે ઐશ્વર્યવાળા શુકજી આદિ યોગી છે તેમનું ધ્યાન થાય નહિ ને ધ્યાન તો એક પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનું જ થાય. એમ શ્રીજીમહારાજને મહિમા સોતા યથાર્થ સમજે ને તેમના એકાંતિક ભક્તને ઓળખે ને એમનો વિશ્વાસપૂર્વક મન, વચન, કર્મે કરીને સમાગમ કર્યા કરે એ ત્રણ પ્રકારની સમજણ ને અતિશય દૃઢતા તેણે કરીને ઉપાસના પક્વ થાય છે. ॥૯૮॥

ગમતું, દાસપણું, ઉપાસના એ ત્રણને વિષે કેટલો ફેર છે? ઉત્તર: ઉપાસના છે તે તો અંગી છે ને બીજાં બે તો અંગ છે માટે ઉપાસના જો દૃઢપણે ન હોય તો ગમતું ને દાસપણું તો બીજાનું કરવા માંડે માટે ઉપાસના તો અતિ શ્રેષ્ઠ જોઈએ ને શ્રીજીમહારાજનું ગમતું જો યથાર્થપણે જે કરે તે તો બહુ મોટ્યપને પામે છે. અને જાનકીજીને એ પ્રમાણે વર્તવાથી ભક્તપણામાં કોઈ જાતની કસર રહી નહિ. ॥૯૯॥

ઉપાસનાની પક્વ અપક્વપણાની વાર્તા હનુમાનજી ને સુદર્શન ચક્ર તથા ગરુડજીના દૃષ્ટાંતે101 કરીને વાર્તા કરી તેમાં ઉપાસના અપક્વ જાણવી. ॥૧૦૦॥