text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૬. શ્રીજીના મહિમાની વાતો

સ્વામીશ્રીએ શ્રીહરિના મહિમાની વાત કરી જે જેમ સોનામહોર મૂકી હોય ને તેને બે પડખે બે કાંકરા મૂક્યા હોય તે એક ધોળા હોય ને એક કાળો હોય તેમાં સોનામહોરને મૂકીને બે કાંકરાને વિષે મન લોભાય નહિ. તેમ શ્રીહરિજીનો મહિમા સત્પુરુષને યોગે કરીને યથાર્થ સમજાણો હોય, તથા આત્મારૂપે વર્તતો હોય તો માયિકભાવને વિષે સુખબુદ્ધિએ કરીને બંધાય નહિ ને નાશવંત ને દુઃખરૂપ જ જણાયા કરે. ॥૧૦૧॥

ગોલોક, વૈકુંઠ ને બ્રહ્મપુર-વિષે જેવા ઐશ્વર્ય, પાર્ષદ ને શક્તિએ યુક્ત શ્રીજીમહારાજ છે, તેવા ને તેવા જ પૃથ્વીને વિષે છે. ને જેવા પૃથ્વીને વિષે છે તેવા ને તેવા જ બ્રહ્મપુરને વિષે છે,102 એવી રીતે મનુષ્યભાવનો ને દિવ્યભાવનો મહિમા વિશ્વાસે સહિત યથાર્થપણે સત્પુરુષને પ્રસંગે કરીને શીખવો. ને પોતાના જીવાત્માને અક્ષરબ્રહ્મ સંગાથે એકતા સમજવી કેમ કે, જો પાયો કાચો હોય તો તે ઉપર ઇમારત થાય નહિ ને જેટલી સમજવામાં કાચપ રહેશે તેટલી દેહ મૂક્યા પછી પણ નડશે તે વાત સત્ય છે. ॥૧૦૨॥

જેને શ્રીહરિજીનો મહિમા યથાર્થ સમજાય છે તેને તો આવી સ્થિતિ થાય છે જેમ વૈકુંઠનાથના માહાત્મ્યે કરીને સનકાદિકનું ચિત્ત ક્ષોભ પામી ગયું કે’તા અક્ષર સ્થિતિમાંથી બાહેર નીસરી ગયું એટલે ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થઈ ગયું ને ખબર રહી નહિ ને જેમ રાંકને ઇન્દ્ર પદવી આવે ને તેને જેમ આશ્ચર્ય થાય છે એમ વર્તાય ત્યારે જાણીએ જે શ્રીહરિજીનો મહિમા સમજાણો છે. ॥૧૦૩॥

માવા ભક્તે પ્રશ્ન પૂછ્યો જે, “રામચંદ્રજી ભગવાન જે તે રાવણને મારીને સીતાજીને લાવવા સારુ લંકામાં જ્યારે ગયા હતા ત્યારે ત્યાં રાક્ષસે નાગપાશે કરીને રામચંદ્રજી ભગવાનને બાંધ્યા ત્યારે ત્યાં ગરુડજી આવ્યા ત્યારે સર્વે નાગ જે તે રામચંદ્રજીનો ત્યાગ કરીને ભાગી ગયા ત્યારે ગરુડજીને સંશય થયો જે આ રામચંદ્રજી તો ભગવાન છે ને આમ કેમ હશે? એવી રીતે ગરુડજીને સંશય કેમ થયો?” ઉત્તર: “જે ગરુડજી તો ભગવાનના પાર્ષદ છે તો પણ એમણે ભગવાનના દિવ્યભાવને તથા મનુષ્યભાવને નક્કી સમજીને દૃઢ ઠરાવ કર્યો નહોતો માટે એમને સંશય થયો.” ત્યારે તે ભક્તે કહ્યું જે, “એ બે ભાવનો દૃઢ ઠરાવ કેમ કરવો?” ઉત્તર: “જે મનુષ્યભાવ છે તેને તો આપણે સર્વ દેખીએ છીએ તેને વિષે દિવ્યભાવ સમજવો જે એ મનુષ્યરૂપ મૂર્તિને વિષે કેટલાકને તો પ્રકાશ જણાય છે ને કેટલાકને તો મહારાજ કાઠીના અસ્વાર સોતા હરિભક્તને તેડવા આવે છે એમ જણાય છે. માટે કાઠીને દિવ્યરૂપ કરી દીધા ને કોઈક ભક્તને વિષે તો ચોવીસ અવતારને લીન કરાવી દે છે ને કોઈક ભક્ત એવી ઇચ્છા કરે જે એ ચોવીસ અવતાર કેવા હશે તો તેને તત્કાળ એમનાં દર્શન કરાવી દે છે ને જે અવતાર છે તે તો જે પોતાના દૃઢ ભક્ત હોય તેને પણ અક્ષરધામનાં દર્શન ક્યારેક કરાવે છે ને જે અવતારી શ્રીહરિજી મહારાજ છે તે તો જેવા તેવા હજારો પ્રાકૃત મનુષ્યોને અક્ષરધામનાં દર્શન વારંવાર કરાવે છે ને અંતકાળે પોતાના ભક્તને તેડવા આવે છે ને વળી યવન તથા જૈનાદિકને પણ એમના ઇષ્ટદેવનાં દર્શન કરાવી દે છે ને તેમના ઇષ્ટદેવ જે તે પોતપોતાના સેવકને એમ વાર્તા કરે છે જે પરમેશ્વર તો આ સ્વામિનારાયણ છે ને અમે સર્વે તો એમના સેવક છીએ એવી અનેક પ્રકારની અલૌકિક ને દિવ્ય સામર્થી સત્સંગને વિષે જોઈને મનુષ્યભાવ ને દિવ્યભાવ તે એક જ છે એવો ઠરાવ અતિશય નિશ્ચળ કરવો.” ॥૧૦૪॥

પરોક્ષ વાતને પ્રત્યક્ષ જેવી કેમ કરીએ તો થાય? ઉત્તર: જે જેમ દશ વીશ પ્રામાણિક મનુષ્ય હોય ને તે પણ સમીપ સંબંધી હોય તે સર્વે એમ કહે જે આ વાર્તા તો એમ જ છે ને પરમ સત્ય છે તો તે વાત સત્ય મનાઈ જાય પણ લગારે સંશય રહે નહિ તેમ મોટા પુરુષ કહે જે શ્રીજીમહારાજ જેવા બ્રહ્મપુરને વિષે ઐશ્વર્ય, પાર્ષદ ને સામર્થી સોતા બિરાજે છે તેવા ને તેવા જ આ પૃથ્વી પર વિચરે છે ને તે મનુષ્યરૂપને વિષે એવી ને એવી સામર્થી સો એ સો ને હજારો જીવને દેખાઈ આવે છે ને તે કહે છે પણ ખરા એટલે પ્રત્યક્ષ થયા ને પરોક્ષ રહ્યા નહિ એવું જે શ્રીહરિના સ્વરૂપ સંબંધી જ્ઞાન તે એકાંતિકની પરંપરાએ કરીને પમાય છે એમ જાણવું. તે ઉપર સર્પના દૃષ્ટાંતે103 કરીને વાત કરી. ॥૧૦૫॥

આત્મા ને ભગવાનના મહિમાને કેમ જાણવો? ઉત્તર: જે આત્માને એમ જાણવો જે ચોર્યાશી લાખ જાતના દેહ ધાર્યા પણ ક્યાંય મર્યો નથી ને જેવો છે તેવો જ રહ્યો છે માટે અજર, અમર છે ને અછેદ્ય, અભેદ્યાદિક જે લક્ષણે કરીને જીવસત્તાને જાણવો. ને પુરુષોત્તમ ભગવાનનો મહિમા તો એમ સમજવો જે જેની બીકે કરીને સમુદ્ર ચોસઠ ગાઉ ઊંચો જળને ધરી રહ્યો છે ને જેની બીકે કરીને વાયુ પણ નિરંતર વાય છે ને એ ભગવાન જળના બિંદુમાંથી આવી કાયા કરી આપે છે એવી જાતનો મહિમા અપાર રહ્યો છે એમ પુરુષોત્તમ ભગવાનને સમજવા. ॥૧૦૭॥

અને એ શ્રીજીમહારાજની નજરમાં આવે તો અનંતકોટી મુક્ત તથા અક્ષર સર્વેની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે અને એ શ્રીજીમહારાજની નજરમાં આવે તો એ અક્ષરને પોતાને વિષે લીન કરીને અનંતકોટિ મુક્તને પોતાના ઐશ્વર્યે કરીને ધારીને તે મુક્તની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે છે. અને તે શ્રીજીમહારાજની નજરમાં આવે તો મુક્તે સહિત અક્ષરને પણ પોતાને વિષે લીન કરીને પોતે એકલા જ સ્વરાટ થકા બિરાજમાન રહે છે. અને જો એ શ્રીજીમહારાજની નજરમાં આવે તો એ અક્ષરે સહિત મુક્તની સેવાને અંગીકાર કરતા થકા ને તેમને આનંદ ઉપજાવતા થકા તેમની ભક્તિને અંગીકાર કરે છે. આવી રીતે શ્રીજીમહારાજના સ્વરૂપનો દૃઢ નિશ્ચય કરવો. ॥૧૦૭॥

અને સ્વામીએ કૃપા કરીને વાત કરી જે ભગવાન પૃથ્વી ઉપર બિરાજતા હોય ત્યારે જો કોઈકને કાંઈક વર્તમાનમાં ફેર રહ્યો, પડ્યો હોય ને તે જો દીન થઈને સ્તુતિ કરીને ભગવાનને કહે તો તત્કાળ ભગવાન રાજી થાય ને તે જેમ કહે તેમ કરે તો અતિ શુદ્ધ થાય. ને ભગવાન અંતર્ધ્યાન થયા પછી તો શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે તો યે પૂર્વે કહ્યો તેવો શુદ્ધ ન થાય. તથા ભગવાન પ્રગટ બિરાજતા હોય ત્યારે તો સૂઝે તેવો પાપી હોય ને તે જો ભગવાનને ભાવે તથા અભાવે કાંઈ આલે તે દયા કરીને પોતે ગ્રહણ કરે. તથા ભગવાન લગારેક કોઈકને કામ બતાવે ને તે જો કરે તો તેટલામાં પોતે રાજી થાય તથા જે જે સેવા કરે તે અંગીકાર કરે તથા કોઈ અન્ન જળ આપે તથા વસ્ત્ર ઘરેણાં આપે તથા સજ્યા બિછાવી દિયે ઇત્યાદિક જે જે સેવા કરે તેને અંગીકાર કરે. અને જ્યારે ભગવાન અંતર્ધ્યાન થયા હોય ત્યારે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિએ સહિત જે ભક્ત હોય ને તે જો માનસી પૂજાએ કરીને અર્પણ કરે તો તેને ગ્રહણ કરે. વાસ્તે જો ભગવાન તથા એકાંતિક સંત તે અતિ માંદા હોય તેને એમ જાણે જે આ હવે તો બહુ દુઃખ પામે છે, માટે સ્વધામમાં જાય તો ઠીક છે, એવો જો મનમાં અતિ અલ્પ પણ સંકલ્પ થાય તો તેને બહુ પાપ લાગે છે. વાસ્તે આ વાતને અતિ દૃઢપણે કરીને જાણવાની છે. ॥૧૦૮॥