૭. અક્ષરભાવે વર્તવાની વાતો
ઉપાસક, ઉપાસ્ય અને ધામ એ ત્રણની જે શુદ્ધિ તેને યથાર્થ જાણીને ભગવાનને ભજે તો તેને કોઈ વાતની કસર ન રહે.
(૧) ઉપાસક જે ભગવાનની ઉપાસનાનો કરનારો જીવાત્મા તેને વિષે અક્ષરભાવનાની દૃઢતા કરવી અને અક્ષર વિના જે પ્રકૃતિપુરુષાદિક ભાવ તે કોઈમાં એનું મન સ્થિરતાને પામે નહિ અને એક અક્ષરભાવને વિષે સ્થિરતા પામે એ ઉપાસકની શુદ્ધિ કહેવાય.
(૨) ઉપાસ્ય મૂર્તિ જે શ્રીહરિજી તેમનું જે સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વૈભવ અને ઐશ્વર્યાદિક છે તેવું અક્ષરાદિક કોઈને વિષે નથી અને ભગવાનના સ્વરૂપાદિક તો અપરિમિત છે અને અક્ષરાદિક સર્વથી વિલક્ષણ છે. એવી રીતે શ્રીહરિજી જે ઉપાસ્ય તેની શુદ્ધિ જાણવી.
(૩) શ્રીહરિજીનું ધામ તે અક્ષર છે. પોતે પોતાને અનુરૂપ તે અક્ષરધામ માન્યું છે અને બીજાં જે ધામ તેમાં પોતે દેખાય છે તે તો તે ધામના નિવાસી ભક્ત તેમને સુખ દેવાને અર્થે તે ભક્તની રુચિ અનુસારે દેખાય છે. જેમ પૃથ્વીને વિષે ભગવાન દેખાય છે તે મનુષ્યરૂપ ભક્તને સુખ દેવાને અર્થે તેને રુચિ અનુસારે દેખાય છે. એવી રીતે ધામની શુદ્ધિ જાણવી. ॥૧૦૯॥
ઉપાસક, ઉપાસ્ય અને ધામ એ ત્રણ પ્રકારને જાણતો જે ભક્ત તેણે કેવા ભક્તને વિષે પ્રીતિ રાખવી? તો જે ભક્ત પોતે અક્ષરભાવને પામીને અક્ષરધામને વિષે સદાય રહ્યા એવા જે પુરુષોત્તમ ભગવાન તેને વિષે આત્યંતિકપણે જોડાયો હોય અને તેથી જે ઓરા ભાવ છે તે કોઈને વિષે ન જોડાય અને બીજાં ધામોમાં જે ભગવાનની મૂર્તિઓ રહી છે તથા સુખ, ઐશ્વર્ય રહ્યાં છે તે કોઈને વિષે આનંદ ન માને એવી રીતનો જે હોય તેની સાથે જ ગુરુભાવ ને મિત્રભાવ રાખવો અને જે ભક્ત એવો ન હોય તેને વિષે શિષ્યભાવ રાખવો અને તેને તો એમ જાણવો જે, જે જે રીતે જે જે ભક્ત ભગવાનને ભજે છે તે રૂડા છે અને ધીરે ધીરે કાળે કરીને પ્રથમના જેવા સર્વોત્કૃષ્ટ ભાવને પામશે. માટે એ પણ ઠીક છે અને નમસ્કાર કરવા યોગ્ય છે એમ સમજવું. ॥૧૧૦॥