૮. ઊપશમની વાતો
ઉપશમ104 જ્યારે રહેવા માંડે ત્યારે વૈરાટાદિકની સામર્થી દેખાઈ આવે છે તેને ગ્રહણ કરે નહિ ને તેનો તિરસ્કાર કરીને ઉપશમને વિષે વર્તતા થકા શ્રીહરિજીનું ભજન કર્યા કરે તો એકાંતિક ભક્ત થાય છે. ॥૧૧૧॥
ઉપશમે કરીને ભક્તને ઐશ્વર્ય જણાય છે તે જેમ જેમ ઉપશમમાં અતિશય રહેવા માંડે તેમ તેમ અધિક અધિક ઐશ્વર્ય દેખાતાં જાય છે. તેની વિગત જે પ્રથમ તો ઇન્દ્રાદિકનાં ઐશ્વર્ય જણાય છે તે પછી બ્રહ્માદિકનાં ઐશ્વર્ય દેખાય છે તે પછી વૈરાજપુરુષનાં ઐશ્વર્ય જણાય છે તે પછી પ્રધાનપુરુષનાં ઐશ્વર્ય જણાય છે, તે પછી મૂળપુરુષનાં ઐશ્વર્ય જણાય છે પણ એ ઐશ્વર્યને વિઘ્નરૂપ ને નાશવંત જાણીને શ્રીજીમહારાજના મહિમાને સમજીને ઉપશમમાં રહ્યા થકા ભજન કર્યા કરે તો એકાંતિક ભક્ત થાય છે. ત્યારે કહેશો જે ઉપશમ શું તો કહીએ છીએ જે પોતાની ઇંદ્રિયો ને અંતઃકરણ એમની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપને વિષે અખંડ જોડી રાખવી પણ ક્યારેય પંચ વિષયને વિષે તણાવા દે નહિ એનું નામ તે ઉપશમ કહેવાય. ॥૧૧૨॥
અને ધર્મજ્ઞાનાદિકની પક્વતાએ કરીને પંચવિષયને વિષે બંધાય નહિ ત્યારે એકાંતિક થાય. ને પ્રેમી ભક્તને પતિવ્રતાનું અંગ હોય ને દાસને તો વચનમાં યથાર્થ વર્ત્યાનું અંગ હોય તેણે કરીને વિષયને વિષે અરુચિ હોય છે પણ જ્ઞાન વિના મૂળ ઊખડે નહિ. માટે ઉપશમે કરીને રાગ ઓછા કરવા. જેમ ઝાડને વારંવાર કાપ્યા કરે તો કોંટા105 નિર્બળ નિસરે. ॥૧૧૩॥