૯. આત્મસ્વરૂપે રહેવાની વાતો
મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રાપ્તિ થયા કેડે ભગવાનનો ભક્ત હોય તેને કોઈ રીતે કરીને કામ ક્રોધાદિક જે માયાના વિકાર તેણે કરીને ભગવાનના ભજનમાં વિક્ષેપ ન થાય અને કોઈ જાતનું દુઃખ અંતરમાં ન વ્યાપે એવી શી સમજણ છે?” પછી શ્રીજી બોલ્યા જે, “ભક્ત દેહરૂપે વર્તે છે કે આત્મારૂપે વર્તે છે?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “વર્તે છે તો દેહરૂપે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે એ ભક્ત દેહરૂપે વર્તે છે ત્યારે તો એ અખંડ ભગવાન પાસે રહે અને ચરણારવિંદ છાતીમાં રાખે અથવા રાધિકા જેવી પદવી પામે તો પણ એને અંતરમાં સુખ થાય નહિ. તો એવાને આ લોકમાં તો ક્યાંથી સુખ આવે અને તે વૈકુંઠલોકમાં જય વિજયની પેઠે, અથવા ગોલોકમાં જાય અથવા બ્રહ્મલોકમાં જાય પણ દેહાભિમાનીને ક્યાંય સુખ થાય નહિ.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! મૃત્યુલોકમાં દેહ છે તે તો પંચભૂતનું106 છે અને વૈકુંઠાદિકમાં તો ભગવાનના પાર્ષદ છે તે અતિ સમર્થ છે તે અહીંના દેહ ને ત્યાંના દેહ બરોબર કેમ હોય?” ત્યારે મહારાજ બોલ્યા જે, “અહીં અસમર્થ છે અને ત્યાં ઘણા સમર્થ છે માટે દેહાભિમાનીને ક્યાંય સુખ નથી અને જેને દેહાભિમાન નથી તે તો ગોલોક, વૈકુંઠમાં હોય તો ય સુખી છે ને પૃથ્વી ઉપર હોય તો પણ સુખી છે માટે જે આત્મારૂપે કરીને ભગવાનની ભક્તિ કરે છે તેની જ ભક્તિ સાચી છે અને તે ભક્ત આત્મારૂપે વર્તે છે અને દેહને પોતાનું રૂપ નથી માનતો તેને તો અહીં છે તો પણ બ્રહ્મમોહોલ તુલ્ય છે.” ॥૧૧૪॥
માન તથા કામ એ બે દોષ તો જીવમાં રહ્યા છે તે ટાળવા મહા કઠણ છે. એ બે દોષ તો ત્યારે ટળે જ્યારે દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ, દેવતા, પંચભૂત અને પંચવિષય એ સર્વેનો વારંવાર નિષેધ કરે ને નિરંતર આત્મસત્તારૂપે વર્તે ત્યારે ટળે. તે વિના બીજા કોટિ ઉપાય કરે તો ય માન અને કામ એ બે દોષ ટળે નહિ. ॥૧૧૫॥
અતિશય દીન થાય તો પણ દેહભાવ રહે ને અતિશય આકરાઈ કરે તો ય પણ દેહભાવ રહે છે. તે માટે એ બેયને મૂકીને કેવળ સત્તારૂપે વર્તે તો તેમાં કોઈ રીતે ખોટ ન રહે. ॥૧૧૬॥
દેહ તે સ્ત્રી છે અને સંકલ્પ થાય છે તે દીકરા થાય છે તે જ્યારે દેહને સાંખ્ય વિચારે કરીને ખોટો કરીને તેથી નોખો સત્તારૂપે વર્તે ત્યારે સ્ત્રીનો ત્યાગ કર્યો કહેવાય ને સંકલ્પને ખોટા કરે ને અખંડ ભગવાનની મૂર્તિને સંભારે ત્યારે દીકરાનો ત્યાગ કર્યો કહેવાય, નહિ તો સ્ત્રી ને દીકરા રૂપે કરીને દેહ ને સંકલ્પ છે એમ જાણવું. તે માટે દેહાભિમાનનો ને સંકલ્પનો ત્યાગ કરે ને કેવળ સત્તારૂપે નિરંતર વર્તે ત્યારે સ્ત્રીનો ને દીકરાનો ત્યાગ કર્યો કહેવાય. આ વાત અવશ્ય સમજવાની છે તે સમજીને એમ વર્તવું. ॥૧૧૭॥
આત્મનિષ્ઠાની એમ રીત છે જે આપણામાં જે ખરેખરા ત્યાગી છે તે આત્મનિષ્ઠાએ કરીને દેહ ને દેહ સંબંધી પદાર્થ તથા દેહના સંબંધી એ સર્વેને નાશવંત જાણીને એનો અતિશય નિષેધ કરીને તથા દોષ, દુઃખ ને નાશવંતપણું જાણીને મનને વિષે એનો અતિશય નિષેધ કરી નાખ્યો છે. તે માટે એ પૂર્વે દેહાદિક કહ્યા તેનો કોઈક અતિશય નિષેધ કરે તથા પોતાને વસમાં લાગે એવાં વચન કહે તથા પોતાના સંબંધીને કોઈ ખોદે તો પણ એને એનો અવગુણ ન આવે. શા માટે જે એણે તો આગળથી જ એવો નિર્ધાર કરી રાખ્યો છે જે આ દેહ ને દેહના સંબંધી તે તો જેવાં પૂર્વ જન્મનાં છે તેવાં આ પણ છે. માટે તેણે કરીને મનમાં હર્ષ-શોક ન કરે તથા મનમા પણ વસમું ન લાગે પણ દેહે કરીને ગૃહસ્થની પેઠે ટાઢ, તડકો, શ્રમ, ભૂખ, તરસ તે ખમાય નહિ. શા માટે તો એનો દેહે કરીને અભ્યાસ નથી કર્યો અને ગૃહસ્થ તો દેહે કરીને તેનો અભ્યાસ કરી રાખ્યો છે. માટે દેહના કષ્ટને ખમે છે પણ જો કોઈ દેહ ને દેહના સંબંધીને ખોદે તો મુવાથી પણ વસમું લાગે. ॥૧૧૮॥
સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તવું. એમ વર્તવે કરીને કારણ આદિક શરીરનો નાશ થઈ જાય છે ને એમ ન વર્તે તો વૃદ્ધપણામાં ઠા107 રહે નહિ. ॥૧૧૯॥
એક ભક્ત તો પરમેશ્વરને ને જીવસત્તાને દેખે છે ને એક તો તેને યથાર્થ જાણે છે એ બેમાં કયો સરસ છે? ઉત્તર: જે દેખવા કરતાં તો યથાર્થ જે જાણે છે તે બહુ શ્રેષ્ઠ છે. ને એ બે ગુણ જેમાં હોય તેને કોઈ વાતનો વાંધો જ રહે નહિ. ને જ્ઞાની ભક્ત હોય તે એમ સમજે જે આત્મા તો સૃષ્ટિને આદ્યે જન્મ્યો નથી ને અંતે નાશ પણ નહિ થાય ને મધ્યે વ્યભિચારને પણ પામતો નથી ને દેખે છે ને સાંભળે છે ઇત્યાદિક જે જે ક્રિયાઓ કરે છે તે જીવ જ કરે છે. એમ દૃષ્ટા રૂપે જે વર્તે છે તેને કોઈક ગધેડો કે મીનડો કહે તો પણ માન અપમાન ઇત્યાદિક પોતાને વિષે માને નહિ એ જ્ઞાની ભક્ત કહેવાય. ॥૧૨૦॥
શ્રીજીમહારાજને સર્વે ભજે છે પણ જેમ છે તેમ જાણવા બહુ કઠણ છે, ને આત્માને પણ સર્વે સંત જાણે છે પણ આત્મારૂપે વર્તવું કઠણ છે. ત્યારે કેમ કરે તો આત્મારૂપે વર્ત્યું કહેવાય? ઉત્તર: જે નિત્ય પ્રલયાદિકે કરીને સર્વે ક્રિયાઓને અસત્ય ને નાશવંત ને સ્વપ્ન તુલ્ય જાણીને ક્યાંય પ્રીતિ ન રાખે ને એમ ને એમ અખંડ ઠરાવ કર્યા કરે તો આત્મારૂપે સ્થિતિ થાય છે. ॥૧૨૧॥
અને સ્વામીએ એમ વાત કરી જે જીવ જો આ ઉપાય કરે તો તત્કાળ શુદ્ધ થાય. તે એમ વિચાર કરવો જે આપણે દેહ તો હજારો થઈ ગયા છે. જેમ કોઈ પુરુષ અંગરખું પહેરે છે ને તે ફાટી જાય ત્યારે તેને કાઢીને બીજું કરાવે છે, તેમ જે મા, બાપ, સગાં, સંબંધી સર્વે માનેલાં છે તે તો અજ્ઞાને કરીને માન્યાં છે ને દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ એ સર્વે થકી હું નોખો છું ને એ તો ઝાંઝવાનાં જળ જેવાં છે. એમ આત્મ વિચાર કરવો. ॥૧૨૨॥