text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

અનાદિ મુક્તરાજ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર

 

સત્પુરુષોનાં જીવનચરિત્રોનું વાચન આપણને એ પ્રેરણા આપે છે જેના દ્વારા આપણે પોતાનો દેહભાવ ભૂલીને પરમ દિવ્યતાને પામી શકીએ. અહીં પ્રસ્તુત કરેલ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું આછું રેખાચિત્ર પ્રેરણાના તેજોમય ઝબકારે આપણા પથને ઉજ્જવળ કરે એવી સચોટ ભૂમિકા ધરાવે છે.

“અમે સ્વામિનારાયણને જોયા નથી, પણ તેમના સાધુ ગોપાળાનંદ સ્વામીને જોયેલા છે; તે, અમે કહીએ છીએ કે, જરૂર ભગવાન હતા, તો પછી એવા જેમના શિષ્યો હોય તે ભગવાન હોય તેમાં શું આશ્ચર્ય છે?” વડોદરાના રાજ્યપંડિત શાસ્ત્રી બદરીનાથજીના પંડિતવર્ય ને વયોવૃદ્ધ પિતાશ્રી ત્ર્યંબકનાથ શાસ્ત્રીજીનાં આ વચનો ઉપરથી સમજાય છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી પ્રગટ થયેલા અનાદિ મુક્તોનો ઐશ્વર્ય-પ્રતાપ પણ એવો અદ્‌ભુત જ હોય ને!

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે આ બ્રહ્માંડના અનંત જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી સુખિયા કરવા માટે કૃપા કરીને મનુષ્યરૂપ ધારણ કરી આ ધરતીના પટે પધાર્યા. અનંત જીવોને પોતાના સ્વરૂપની ઓળખ કરાવવા તથા પોતાના દિવ્ય સ્વરૂપને વિષે જોડવા, શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના અક્ષરધામને વિષે રહેલા મુક્તોને પણ મનુષ્યરૂપ ધારણ કરાવી પોતાની સાથે લાવ્યા. સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી આ મુક્તોના અગ્રગણ્ય સમા મહાન સમર્થ અનાદિ મુક્ત હતા.

સાબરકાંઠા જિલ્લાના ભિલોડા ગામની નજીક ટાકાટુકા ગામ પાસે આવેલા ટોરડા (ટોડલા) નામના નાનકડા ગામમાં તેઓશ્રીનો જન્મ થયો હતો. તેઓશ્રીનું પૂર્વાશ્રમનું નામ ખુશાલભાઈ હતું. સંપ્રદાયમાં સ્વામીશ્રીની જન્મતિથિ સંવત ૧૮૩૭ના મહા સુદ ૮ ને સોમવારની પ્રચલિત છે, પરંતુ ખુશાલભાઈના કાકાના દીકરા ઈશ્વરભાઈ દત્તરામ ઠાકરના હસ્તલિખિત ચોપડાની નોંધ પ્રમાણે જન્મતિથિ સંવત ૧૮૩૩ના શ્રાવણ શુદ ૧૫ની હતી.1 ખુશાલભાઈના પિતાશ્રી મોતીરામ રાજેશ્વર ઠાકર તથા માતુશ્રી જીવીબા ભગવાનના તપઃપ્રિય અનન્ય ભક્ત હતાં. તેમના અતિ ઉત્કટ પુણ્યબળને લીધે આ મહાસમર્થ મુક્તનો તેમના ઘરમાં જન્મ થયો. ખુશાલભાઈને બે બહેનો હતી.

આઠમે વર્ષે બાળક ખુશાલભાઈને યજ્ઞોપવીત સંસ્કાર આપી મુડેટી ગામે ભોળાનાથ શુક્લને ત્યાં ભણવા મોકલવામાં આવ્યા. ત્યાં તેઓશ્રીએ બાર વર્ષ રહી વેદવેદાંત, ન્યાયશાસ્ત્ર, મિમાંસા, તર્કશાસ્ત્ર, વ્યાકરણ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. વળી, ટોરડા ગામથી પૂર્વ દિશામાં ૫-૬ કિલોમીટર દૂર આવેલા રામપુરી ગામ પાસેના ડુંગરમાં આવેલા ધારેશ્વર મહાદેવની જગ્યામાં રહીને તેમણે અષ્ટાંગ યોગ પણ સિદ્ધ કર્યો હતો.

વિધાભ્યાસ કર્યા પછી ખુશાલભાઈએ ટોરડામાં પોતાના પિતાશ્રી જે શાળા ચલાવતા હતા તેમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ પોતાના માથે લીધું. ટોરડામાં હાલ જ્યાં શ્રી સ્વામિનારાયણ મંદિર (ગોપાળલાલજીનું મંદિર) છે તે જગ્યાએ જ ખુશાલભાઈ શાળા ચલાવતા. વિદ્યાર્થીઓને આલોક અને પરલોકની વિદ્યા શીખવતા. વિદ્યાર્થીઓને સમાધિ કરાવતા, કોઈ શુભ હેતુસર કે કોઈનાં દુઃખ જોઈને અનુકંપાથી અવારનવાર અલૌકિક ચમત્કાર બતાવતા. ક્યારેક વરસાદની ખેંચ હોય તો માનવ હિત ખાતર સંકલ્પથી વરસાદ વરસાવતા. રોગીઓને રોગમુક્ત કરતા, દટાઈ ગયેલા કૂવા કે દાટેલા પૈસા દેખાડતા.

“ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો ભગવાનના અનાદિ મુક્તનો પણ પ્રતાપ છે.” (વચનામૃત ગઢડા મધ્ય ૨૨) એ રીતે ખુશાલભાઈ તો શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના સંકલ્પથી પ્રાગટ્ય પામેલા મુક્ત હોવાથી તેમનામાં ઐશ્વર્ય પ્રતાપ સ્વતઃસિદ્ધ હતાં. બાલ્યાવસ્થાથી જ કુટુંબમાં, આડોશ-પાડોશમાં ને ગામમાં ઘણી અલૌકિક ઘટનાઓ ખુશાલભાઈના દિવ્ય પ્રભાવ દ્વારા બનતી હતી. તેમાંની થોડીક અત્રે સંક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ.

એક વખત ખુશાલભાઈના પારણાં પર ચડીને એક સર્પ તેમના ઉપર ફેણથી છત્રછાયા કરેલી. કોઈ કોઈ વાર ખુશાલભાઈના શરીરમાંથી જાજ્વલ્યમાન તેજ નીકળતું. કોઈ વાર રમત રમતમાં પોતાના ઘરની મોટી કોઠીમાંથી ગોળ કાઢી બધાં બાળમિત્રોને પ્રસાદી આપતા. છતાં કોઠીમાં ગોળ તેટલો ને તેટલો જ રહેતો. એક વાર ઘોડિયાથી છ-આઠ ફૂટ દૂર બાંધેલી કપિલા ગાય ઉપર ઘોડિયામાં સૂતેલા ખુશાલભાઈએ હાથ લાંબો કરી ફેરવતાં જ તે ગાય સદેહે સૂર્યનારાયણના રથમાં બેસીને પરલોકમાં જતી આખા ગામે નિહાળી હતી.

એક વાર ખુશાલભાઈનાં માતુશ્રી જીવીબા ઘરની બાજુની નવેરી વાળતાં હતાં ત્યારે ત્યાં સોનાનાં ઝાંઝર, કાનનાં કુંડળ ને રૂપાની એક ગેડી (લાકડી) મળી આવ્યાં. જીવીબા તો અતિ આશ્ચર્ય પામ્યાં. પોતાના ઘરની આર્થિક સ્થિતિ તો અતિ સામાન્ય હતી. ત્રણ-ચાર વર્ષના ખુશાલભાઈને આ વિષે પૂછ્યું તો તેમણે કહ્યું કે, “એ તો મારા મિત્ર શામળાજી ભૂલી ગયા લાગે છે.” ટોરડા ગામથી શામળાજીનું સુપ્રસિદ્ધ મંદિર આશરે ૧૫-૨૦ કિલોમીટરે આવેલું છે. તે મંદિરના ભગવાન શામળાજી બાળ ખુશાલભાઈ જોડે રમવા આવતા! તે દિવસે પોતાનાં ઘરેણાં ભૂલી ગયેલા તે માતુશ્રીની નજરે પડેલાં. પાડોશી ખાતરા સોનીને દાગીના બતાવી ખાતરી કરી જોતાં એ દાગીના શામળાજી ભગવાનના જ હતા. દરમ્યાન શામળાજીના મંદિરમાં બૂમાબૂમ થઈ કે મંદિરમાંથી ઘરેણાંની ચોરી થઈ છે. સ્વાભાવિક રીતે જ સહુને પૂજારી ઉપર સંદેહ આવ્યો. ત્યાં તો મંદિરમાંથી અલૌકિક અવાજ આવ્યો કે, “ટોરડા ગામમાં મોતીરામ ઠાકરના પુત્ર ખુશાલભાઈ મારા મિત્ર છે. તેમની જોડે હું રમવા ગયો હતો, ત્યારે પૂજારીએ મંગળા આરતી માટે શંખ તથા ઘંટારવ કરી ઝટ કમાડ ઉઘાડ્યાં એટલે મારે દોડતાં દોડતાં ટોરડાથી આવવું પડ્યું, તેમાં મારા ઘરેણાં હું ટોરડા ભૂલી ગયો; મારી ઉપરણી તથા શાલ વચ્ચે રસ્તામાં ઝાડની ડાળે ભરાઈ ગઈ, ચાખડી પડી ગઈ, તે લઈ આવો.” મંદિરના પૂજારી, બારોટ વગેરે ખુશાલભાઈને ત્યાં ગયા ને એ દિવ્ય બાળકની અદ્‌ભુત પ્રતિભાથી આશ્ચર્ય પામી, તેમનાં દર્શન કરી, અહોભાગ્ય માની, ઘરેણાં લઈ શામળાજી પાછા આવ્યા.

એક વાર વખંભર સર્પના દંશથી મૃત્યુ પામેલાને જીવતો કરી તે સર્પને એક વર્ષ સુધી પોતાનું તથા બ્રાહ્મણોનું ઉચ્છિષ્ટ અન્નજળ જમાડી, પાપ રહિત કરી, મોક્ષ કરેલો. એક વખત પાદરમાં આવી ચડેલા વાઘે એક બાળકને મારી નાખ્યો. તેને જીવતો કરી વાઘને લપડાક મારી પાળેલા કૂતરા જેવો નિરુપદ્રવી કરી ત્રણ વર્ષ ગામમાં રાખ્યો હતો. એક વખત ગામમાં કોઈના ઘરમાં આગ લાગતાં પંદર વર્ષનો એક છોકરો આગમાં ઘેરાઈ ગયો, તેને ખુશાલભાઈએ પોતાની નિશાળમાં બેઠાં બેઠાં હાથ લાંબા કરીને બચાવી લઈ નિશાળમાં લઈ આવેલા. એક વાર પોતાના ખેતરમાં આવેલા કડવા મહુડાને મીઠો સાકર જેવો કરી દીધો હતો. વળી એક વખત ગામમાં આવેલી ખાખી બાવાની મોટી જમાતના દરેક સાધુને ખુશાલભાઈએ ઠાકોરજીની પૂજાનું ચરણામૃત પીવરાવી ક્ષુધાની નિવૃત્તિ કરાવી દીધી હતી.

ઈડર પાસેના બડોલી ગામનો, જન્મથી મૂંગો ને પડી જવાથી બંને પગ ભાંગેલો બ્રાહ્મણનો એક અનાથ છોકરો હતો, તેને તે ગામના લોકો ગાડામાં નાખી ટોરડે ખુશાલભાઈ પાસે લાવ્યા. તેમણે તેના ઉપર દયા લાવીને તેનો હાથ ઝાલી ઊભો કર્યો અને પોતાના ઘરની સામે પીપળો ને તુલસીક્યારો હતો તેની પ્રદક્ષિણા કરાવી. પોતાની જોડે વેદમંત્ર બોલતો કર્યો ને આશીર્વાદ આપ્યા કે આ છોકરો દેવની પંક્તિમાં ગણાશે. એ આશીર્વાદથી તે છોકરો વેદપંડિત થયો ને યજ્ઞયાગાદિકમાં પ્રવીણ થયો ને ગૌરીશંકર ધનપાઠી તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આગળ જતાં ગૌરીશંકર સારા સત્સંગી થયા, ને અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા વખતે વરૂણીમાં હતો. તેમની ઓળખાણ શ્રીજીમહારાજે પોતે આપી અને કહ્યું કે, “મોટા પુરુષ તો જડને ચેતન કરે અને પશુને દેવ કરે, તે જુઓ, આ બેઠા.” ત્યારે ગૌરીશંકર ઊભા થઈ હાથ જોડી નમસ્કાર કરી બોલ્યા કે, “મને ગોપાળાનંદ સ્વામીએ શારીરિક યાતના અને પીડામાંથી મુક્ત કરી વિદ્યાનું દાન કર્યું છે. હું તો તેમને ભગવાન જેવા સમર્થ સમજુ છું.” આમ, મૂઢ અને મૂંગાને ખુશાલભાઈએ વેદપંડિત કરી પોતાનું અલૌકિક સામર્થ્ય બતાવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરમ આનંદઘન સ્વરૂપમાં તન્મય થઈને સ્વતંત્રપણે સુખ ભોગવતા અનાદિ મહામુક્તોને કોઈની પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી. તેમનું વિચરણ તો કેવળ અનંત જીવોના કલ્યાણ માટે જ હોય છે. તેમણે બતાવેલા ચમત્કારો પણ કોઈને આંજી દેવા માટે નહિ, પણ તેના આધ્યાત્મિક ઊર્ધ્વીકરણ માટે જ હોય છે. તે છતાં, કોઈ સામાન્ય સિદ્ધિ મેળવીને લોકોને આંજી દઈને દંભ કરીને ઠગતો હોય તો તેવાની સાન પણ તેઓ ઠેકાણે લાવે છે. એક વાર ગોપાળદાસ નામના રામાનુજી સાધુ ટોરડામાં ચાતુર્માસ માટે આવ્યા. તેઓ જ્યાં જમવા જાય ત્યાં પોતાની પૂજાનું સિંહાસન મૂકી વિદાય થઈ જાય અને સાંજ વખતે સિંહાસન આપોઆપ મંદિરમાં તેમની પાસે ચાલ્યું જાય. લોકોને આંજી દેવા માટેનો જ આ ચમત્કાર હતો. મોતીરામ ઠાકરનો જમાડવાનો વારો આવ્યો ત્યારે તેમને ત્યાં પણ સાધુએ એમ જ કર્યું, પણ સાંજ પડ્યે પોતે સાધેલા ભૂતને સિંહાસન લેવા મોકલ્યું તો તે ઘરમાં તેનાથી જવાયું જ નહિ. આમ આ મહાન સત્પુરુષના પ્રભાવ આગળ તેનું મલીન મંત્રબળ નિષ્ફળ નીવડ્યું. સાધુ ખસિયાણો પડીને સિંહાસન મૂકી બીજે ગામ ચાલ્યો ગયો.

ટોરડા ગામ ઈડર રાજ્યમાં હતું. ઈડરના રાજા ગંભીરસિંહે લોટ ઉઘરાવતા બ્રાહ્મણ ઉપર ‘વટલોઈ વેરો’ નાખ્યો હતો. બ્રાહ્મણો ત્રાસી ગયા ને આજીજી કરી પણ રાજાએ વેરો કાઢ્યો નહિ. બ્રાહ્મણોએ મળીને ટોરડા જઈ ‘પ્રતાપી’ ખુશાલભાઈને આ બાબત મદદ કરવા વિનંતી કરી. ખુશાલભાઈએ ઈડર જઈ રાજાને વેરો કાઢી નાખવા વિનંતી કરી પણ રાજા માન્યા નહિ. ખુશાલભાઈ અને બ્રાહ્મણોએ ઈડર ગામમાં મુકામ કર્યો. ભગવાનના નામની ધૂન શરૂ કરી; ત્યાં રાજમંડળ સહિત પ્રજા સર્વનાં મળમૂત્ર તત્કાળ બંધ થઈ ગયાં. સૌએ અપરાધની ક્ષમા માગી, રાજાએ વેરો રદ કર્યો. તે વખતે તે રાજાને ૧૬ રાણીએ પણ પુત્ર ન હતો. તેથી ખુશાલભાઈને મહાપ્રતાપી જાણી પુત્રની યાચના કરી. ખુશાલભાઈએ આશીર્વાદ આપી માણસાની કુંવરી પરણવાની સૂચના કરી, તે આશીર્વાદથી જુવાનસિંહ નામના પુત્ર થયા. પાછળથી રાજારાણીએ ઈડરમાં રાજમહેલની સામે જ ત્રણ શિખરનું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બંધાવ્યું. આ પરચો ઈડર રાજ્યના અધિકૃત ઇતિહાસમાં પણ નોંધાયેલો છે.

પોતાની અનિચ્છા છતાં માતાપિતાના એક માત્ર પુત્ર હોવાથી ખુશાલભાઈનાં લગ્ન ચિત્રોડા ગામમાં કરેલાં. તેમને અનુપબા નામનાં એક પુત્રી થયેલાં. પરંતુ તેમનું ચિત્ત તો પ્રભુમાં જ લાગેલું રહેતું. વાડાશિનોરના કાશીરામ અને મુરલીધર નામના બે સત્સંગી હરિભક્તો પાસેથી ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા છે એ જાણ્યું ત્યારથી તેમના દર્શન-મેળાપ માટે તેમનું અંતર આતુર રહેતું.

એવામાં આ અરસામાં શ્રીહરિએ ખુશાલભાઈને તેડવા, ટોરડા ગામે શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય રામદાસજીભાઈ આદિ સંતોને મોકલ્યા. ત્યારે ખુશાલભાઈ તેમની સાથે ડભાણ આવ્યા ને શ્રીહરિજીનાં દર્શન કરી મહાઆનંદ પામ્યા અને શ્રીહરિની આજ્ઞાથી પાછા ઘેર ગયા. પછી જ્યારે શ્રીહરિ જેતલપુર પધાર્યા ત્યારે પોતે બ્રાહ્મણના વેશમાં ખુશાલભાઈને તેડવા ટોડલા ગયા. તેમની સાથે તેઓ જેતલપુર આવ્યા, ત્યાં શ્રીહરિનાં દર્શન થતાં જ તેમની વૃત્તિ પ્રભુમાં જોડાઈ ગઈ ને સદાને માટે ગૃહત્યાગ કરી શ્રીહરિની સેવામાં રહ્યા. સં. ૧૮૬૪માં કાર્તિક વદ ૮ને દિવસે ગઢડામાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીમાં શ્રીહરિજીએ ખુશાલભાઈને ભાગવતી દીક્ષા આપી ગોપાળાનંદ સ્વામી નામ પાડ્યું. અનંત જીવોના આત્યંતિક કલ્યાણને કાજે જાણે રવિ-ચંદ્રની સુભગ જોડલી ગુંથાઈ ગઈ!

અતિ સમર્થ હોવા છતાં આ સદ્‌ગુરુશ્રી પોતે પોતાનું ઐશ્વર્ય ઢાંકીને હંમેશાં વર્તતા. પોતે સત્સંગમાં દાસત્વપણે જ સદાય વર્ત્યા છે. ગઢડા મધ્ય પ્રકરણના ૬૨મા વચનામૃતમાં શ્રીજીએ સ્વમુખે શ્રી ગોપાળાનંદ સ્વામીની દાસત્વભક્તિને વખાણી છે. ગઢડા અંત્ય પ્રકરણના ૨૧મા વચનામૃતમાં શ્રીહરિજીએ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને વિષે કહ્યું છે: “અમે તો જેવા સર્વથી પર જે દિવ્યધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે, તે થકી અધિક જે આ સત્સંગીને (ગોપાળાનંદ સ્વામીને) ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.” ‘ભક્તચિંતામણિ’ ગ્રંથ લખાતો હતો ત્યારે પણ શ્રીજીમહારાજે પોતે સદ્‌ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીને ખાસ સૂચના આપી, સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વિષેનું પ્રકરણ (પ્ર. ૧૪૨) ઉમેરાવ્યું હતું.

શ્રીજીમહારાજની આજ્ઞાથી પરમહંસ દીક્ષા અગાઉ અને ત્યાર બાદ, પોતે ઘણીવાર વડોદરા રહેતા. એ જમાનામાં ગુજરાતમાં મોટામાં મોટું રાજ્ય વડોદરાનું હતું, અને મોટા વિદ્વાનો-પંડિતો ત્યાં રાજ્યાશ્રય મેળવીને રહેતા, તેથી તે ગુજરાતનું કાશીક્ષેત્ર કહેવાતું. નવા સ્થપાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રતાપ સહન ન થવાથી, કોઈ પોતાના મંત્ર-તંત્રની સિદ્ધિના મદથી કે પંડિતાઈના ગર્વથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરી, સંપ્રદાયના અનુયાયીઓને પજવતા કે પોતાની મોટપ સાબિત કરવા આવતા, તે સર્વેને સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવી જીતી લઈ સન્માર્ગે વાળ્યા હતા. દિન-પ્રતિદિન સ્વામીશ્રીનો પ્રતાપ એટલો વધ્યો કે વડોદરાના મહારાજા સયાજીરાવ (બીજા) ગાયકવાડ પોતે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયેલા, ને શ્રીહરિજીની વડોદરામાં પધરામણી કરી ચતુરંગી સેના સાથે સવારી કઢાવી અતિ ધામધૂમ કરી શ્રીહરિજીની પ્રસન્નતાને પામ્યા હતા. વડોદરામાં સ્વામીશ્રીએ બતાવેલું ઐશ્વર્ય સુપ્રસિદ્ધ છે ને અનેક જગ્યાએ નોંધાયેલું છે.

તે જ રીતે આણંદ પાસેના ઉમરેઠ ગામમાં ખેડાવાળ બ્રાહ્મણો શાસ્ત્રજ્ઞ અને જ્ઞાનપિપાસુ હતા, તેથી ઉમરેઠ ‘છોટી કાશી’ તરીકે ગુજરાતમાં પંકાતું. સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાના અલૌકિક પ્રતાપ, વિદ્વત્તા અને પ્રાગલ્ભ્યથી ઘણા પંડિતોને શ્રીહરિના આશ્રિત કરેલા.

એક વાર શ્રીહરિની આજ્ઞાથી સ્વામીશ્રી ધંધુકા પાસેના સુંદરિયાણા ગામે પધાર્યા. ત્યાંના અગ્રગણ્ય શેઠ હેમરાજશા ચુસ્ત વૈષ્ણવ અને નિપુણ નાડીવૈદ્ય હતા. હાથની નાડી પકડીને તેની ગતિ ઉપરથી રોગ પારખી જઈ, અકસીર દવા કરી જાણતા. તેમના બે દીકરાઓ વિનાશા-પૂંજાશા શ્રી સ્વામિનારાયણના આશ્રિત થયેલા, પણ હેમરાજશા તો વૈષ્ણવી નિષ્ઠામાં અચળ હતા. સ્વામીશ્રીના કહેવાથી વનાશા-પૂજાશાએ હેમરાજશાને સ્વામીની તબિયત જોવા મોકલ્યા. હેમરાજશા સ્વામીના હાથની નાડી જોવા ગયા ત્યારે સ્વામીશ્રીએ સંકલ્પપૂર્વક નાડી ખેંચી લીધી, પોતે વાતો કરતા જાય. હેમરાજશા તો પારખુ હતા, નિષ્ણાત હતા. તરત ઊઠીને સ્વામીશ્રીને દંડવત્-પ્રણામ કર્યા ને કહ્યું, “શ્રીકૃષ્ણ પરમાત્મા સિવાય કોઈ પોતાની ઇચ્છાએ આવી રીતે નાડી-પ્રાણ ખેંચી ન શકે, માટે આપ સાક્ષાત્ શ્રીકૃષ્ણ જ છો. મને હવે કૃપા કરી ‘બ્રહ્મસંબંધ’ આપો.” સ્વામી કહે, “ભગવાન તો હાલ ગઢડામાં બિરાજે છે, ને અમે તો એમના સેવક છીએ.” એ રીતે હેમરાજશા સત્સંગી થયા ને જ્ઞાતિની અતિશય કનડગતને પણ ન ગણકારી સ્વામીશ્રીના પ્રતાપે શ્રીહરિના આશ્રિત થઈ રહ્યા.

ધોળકામાં હાલ જ્યાં શ્રી સ્વામિનારાયણ મંદિર છે ત્યાં બ્રહ્મરાક્ષસની જગ્યા હતી, તે બ્રહ્મરાક્ષસનો સ્વામીશ્રીએ મોક્ષ કર્યો, તથા ભૂત-પ્રેત-ભૈરવ-ભૈરવીનાં દુઃખો દૂર કરવા સારંગપુરમાં સં. ૧૯૦૬માં હનુમાનજી પધરાવી તે મૂર્તિમાં અદ્‌ભુત દૈવત મૂક્યું, જે હાલ પણ ચાલુ છે. સ્વામીશ્રીનો અતિ દયાળુ સ્વભાવ હોવાથી દુખિયાનાં દુઃખ જોઈ તેમનું હૃદય દ્રવી જતું અને પોતાની દિવ્ય શક્તિ દ્વારા ઘણીવાર તે તત્કાળ દૂર કરી દેતા.

એક વખત સદ્‌ગુરુ સ્વામીશ્રી ઉમરેઠમાં બિરાજેલા હતા. ધોળકાના હરિભક્તો દર્શને આવ્યા. સ્વામીશ્રી બે કેરી જમ્યા તે પ્રસાદીના ગોટલા એ હરિભક્તો લઈ જવા ધારતા હતા. સ્વામીશ્રીના સાધુ કહે તે ગોટલા ઊગશે નહિ! સ્વામીશ્રીના ઉપયોગમાં આવ્યા તેથી બીજરૂપે રહેલા જીવની પણ ઊર્ધ્વગતિ થઈ ગઈ! તેની ખાતરી કરવા તે ગોટલા તે હરિભક્તોએ વાવ્યા અને ખાતર-પાણી સારી રીતે આપવા છતાં તે બિલકુલ ઊગ્યા જ નહિ. આમ, સ્વામીશ્રીની મોટપ વર્ણવી જ અશક્ય છે.

સદ્‌ગુરુ સ્વામીશ્રી પોતે યોગીવર્ય હતા, સમગ્ર બ્રહ્માંડ તેમને વશ વર્તે તેવું તેમનામાં અદ્‌ભુત સામર્થ્ય હતું. એક સમયે વડોદરાની રાજ્યસભામાં સત્સંગી પંડિત શાસ્ત્રી કૃષ્ણારામભાઈએ ગણતરી-ભૂલથી, આ પૂનમે ચંદ્રગ્રહણ નહિ જ થાય, ને થશે તો પોતાનું માથું ડૂલ કરશે, તેવું જાહેર કરી દીધેલું. સ્વામીશ્રીએ જોયું કે તે દિવસે ગ્રહણ થવાનો યોગ તો હતો જ, પણ જો ગ્રહણ થશે તો શાસ્ત્રીજીની લાજ જશે ને સત્સંગને ઝાંખપ લાગશે. આથી સ્વામીશ્રીએ સત્સંગની તેમજ શાસ્ત્રીજીની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે હેતુથી પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા સત્સંગી શાસ્ત્રીજીના બોલ પ્રમાણે ગ્રહણ થવા દીધું નહિ.

એક વખત સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી શ્રીહરિની આજ્ઞાથી પોતાના મંડળ સહિત ઝાડી દેશમાં સત્સંગ કરાવવા ફરતા હતા, ત્યારે એક પર્વતની ગુફામાં સર્વે સંતોને ધ્યાનમાં બેસાડી દઈ, પોતાના સંકલ્પથી તેમના જેવા બીજા સંતો તથા પોતે જે જે ગામમાં જવું હતું ત્યાં દેખાયા. છ માસ સુધી આ રીતે ગામો ગામ ફરી શ્રીજીમહારાજના ઐશ્વર્ય પ્રતાપની ઘણી વાતો કરી, સત્સંગનો ખૂબ પ્રચાર કરી અનેકને સત્સંગી બનાવ્યા. ત્યાર બાદ પાછા ફરતા ગુફામાં બેસાડેલા સંતોને જગાડી નવા હરિભક્તો સાથે શ્રીજીના દર્શને વડતાલ પધાર્યા. શ્રીહરિજીએ વડતાલમાં સદ્‌ગુરુ સ્વામીશ્રીના આ અદ્‌ભુત પ્રતાપની વાતો સભામાં કરી ત્યારે સૌ આશ્ચર્ય પામ્યા.

સં. ૧૮૮૩ની સાલમાં શ્રીજીમહારાજે સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ મંદિરની મહંતાઈ આપવા માંડી, ત્યારે તેમણે શરત કરી કે જો સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પ્રતિ વર્ષ એક માસ મને ભગવદ્‌વાર્તા કહેવા જૂનાગઢ આવે તો જ હું મહંતાઈ સ્વીકારું. આથી, સં. ૧૯૦૮ સુધી સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દર વર્ષે જૂનાગઢ એક માસ ભગવદ્‌વાર્તા કરવા પધારતા. જો કોઈ સાલ ન જવાયું હોય તો બીજી સાલ એકને બદલે બે માસ જૂનાગઢ રહેતા. જ્યારે શ્રી ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધારતા ત્યારે શ્રી ગુણાતીતાનંદ સ્વામી પોતે સ્વામીશ્રીની સેવામાં રહેતા.

એક વખત સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે, “તમે જ્યારે મહારાજની મૂર્તિ ધારીને ધ્યાન કરો છો ત્યારે કોઈ માન-અપમાન કરે, કોઈ સુખ-દુઃખ કરે, કોઈ સારા-નરસા શબ્દ કહે, ઇત્યાદિકના વિક્ષેપ પરાભવ કરે છે?” ગુણાતીતાનંદ સ્વામી કહે, “હા...” એટલે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, “તમે બાહ્ય વૃત્તિએ કરીને મૂર્તિ સિદ્ધ કરી છે, તેથી વિક્ષેપ પરાભવ કરે છે. જ્યારે દેહાદિક જે માયાનું કાર્ય તેને ચાર પ્રકારના પ્રલયે કરીને નિષેધ કરીને, પોતાના જીવાત્માને શુદ્ધ સત્તારૂપ માનીને, અક્ષરબ્રહ્મ સાથે એકતા કરીને તેને વિષે અક્ષરાતીત શ્રી પુરુષોત્તમ હરિકૃષ્ણ મહારાજને ધારો એટલે સર્વે વિક્ષેપ શાંત થશે.” સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ એવી રીતે મહારાજનું ધ્યાન કરવા માંડ્યું. એથી દેહાદિકના ભાવ ટળી ગયા અને આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થયો. પછી તો વડતાલમાં હજારો માણસોની સભામાં તેમનું અતિશય અપમાન થવા છતાં તેમને લેશમાત્ર ક્ષોભ થયો નહિ (સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો, વાત ૬૨, પાન ૮૧).

સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને સદ્‌ગુરુ શ્રી શુકાનંદ સ્વામી જેવા જે વચનામૃતના આચાર્ય કહેવાય છે તેઓ પણ ઘણી વખત ભરી સભામાં કહેતા કે અમે શ્રીજી પાસેથી વચનામૃતો સાંભળ્યાં ને લખ્યાં પણ અમને પૂરાં સમજાયાં નહોતાં તે શ્રી ગોપાળાનંદ સ્વામીના સમાગમથી બરોબર સમજાયાં ને હવે તેનો નવો ને નવો જ સ્વાદ આવે છે અને સુખ-શાંતિ વર્તે છે.

સદ્‌ગુરુ શ્રી સિદ્ધાનંદ સ્વામીએ શ્રીહરિનાં દર્શન કરી સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી હતી. સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ગઢડા પધારે ત્યારે સદ્‌ગુરુ શ્રી સિદ્ધાનંદ સ્વામી, સ્વામીશ્રીની વાતો સાંભળવા-સમાગમ કરવા ન આવે. એમને એમ કે મોટેરા છે તે કોઈ પ્રવૃત્તિમાં જોડી દે તો મૂર્તિ ભૂલી જવાય. તે સિદ્ધાનંદ સ્વામીએ અન્યના આગ્રહથી શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળી ત્યારે તેમને યથાર્થ સમજણ થઈ અને શ્રીહરિને વિષે સિદ્ધ સ્થિતિને પામ્યા. ત્યાર બાદ તો તેમણે અનેક ગામોમાં મંદિરો કરાવ્યાં ને અનેક જીવોને શ્રીહરિને વિષે જોડ્યા.

શ્રીજીમહારાજે સં. ૧૮૮૧ની સાલમાં આદરેજમાં અન્નકૂટોત્સવ કર્યો ત્યારે સત્સંગનો વ્યવહાર ચલાવવા માટે પ્રથમ ચાર સદ્‌ગુરુઓ નીમીને આરતી ઉતારી હતી. તેમાં શામળિયા ચૈતન્યાનંદ સ્વામી પણ હતા. જેમનું શ્રીજીમહારાજ ઢોલિયા વગેરેથી સન્માન રખાવતા. તેમને પાછળથી સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ થયો ને શ્રીહરિજીના સર્વોપરી મહિમાની જાણ થઈ અને અનુભવસિદ્ધિ થઈ ત્યાર પછી તેઓ કહેતા કે જો સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ ન થયો હોત તો સત્સંગની પરિપક્વ સમજણ વિના કાચા ને કાચા મરી જાત! તેમણે સદ્‌ગુરુ સ્વામીશ્રીની વાતો નોંધી છે જે આ પુસ્તકમાં છે.

તે જ પ્રકારે અમદાવાદ મંદિરના મહંત સદ્‌ગુરુ શ્રી સર્વનિવાસાનંદ સ્વામી પોતાનું મંડળ, પૂજામાંની શ્રીહરિના ચરણાર્વિંદની જોડ, પ્રસાદીની વસ્તુઓ વગેરે ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને સોંપી દઈ બે શિષ્ય લઈ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા તેમની સાથે રહ્યા હતા. તે વખતે ગોપાળાનંદ સ્વામી કોઈને પોતાના મંડળમાં સાધુ તરીકે લેતા ન હતા, તેથી સર્વનિવાસાનંદ સ્વામીએ નિર્માની થઈને સ્વામીશ્રીના શિષ્ય પુરુષાનંદ સ્વામીના મંડળમાં તેમની આજ્ઞામાં રહી, શ્રી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી શ્રીહરિના સર્વોપરી સ્વરૂપનો અનુભવ કર્યો હતો.

ભાદરાના રતના ભક્ત જે પાછળથી વિજ્ઞાનદાસજી નામે સાધુ થઈ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે રહ્યા. તેમને પણ સ્વામીશ્રીએ સાક્ષાત્કારની સ્થિતિ કરાવી હતી. વિજ્ઞાનદાસજીને સમાધિ થતી ને અક્ષરધામની દિવ્યસભાનાં દર્શન થતાં.

એક વાર સદ્‌ગુરુ સ્વામીશ્રી ભાલના ગામડામાં ચોમાસામાં પગે ચાલીને એક ગામે પધાર્યા. સ્વામીશ્રી પોતે કોમળ શરીરવાળા હતા. એક સાધુને સેવાનો ઉમંગ થયો ને તે સ્વામીશ્રીના પગ દાબવા લાગ્યા. સ્વામીશ્રી થાકેલા હતા, પોઢી ગયા. સાધુને થયું કે સ્વામીશ્રીની આજ્ઞા વિના પગ દાબવાનું બંધ કેમ રખાય? તે તો પગ દાબતા જ રહ્યા. વહેલી પરોઢે સ્વામીશ્રી યોગનિદ્રામાંથી જાગ્યા. પેલા સાધુ પગ દાબતા જ હતા. સ્વામીશ્રી બેઠા થઈ ગયા, અતિશય રાજી થઈ ગયા. સાધુને નિર્વાસનિક કરી શ્રીજીની મૂર્તિ વિષે જોડી દીધા!

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એટલે જાણે અમૃતનો દરિયો! જેમણે જેમણે એ અમૃત પીધું તે તો પરમ સુખિયા થઈ ગયા! ઉત્તમ પારસના સ્પર્શથી અનેક પારસ બની જાય તેમ અનાદિ મહામુક્ત સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના યોગથી અનેક મુમુક્ષુઓ શ્રીહરિજીના દિવ્ય સ્વરૂપને વિષે જોડાઈ અનાદિ મુક્તની સ્થિતિને પામ્યા હતા.

સર્વકારણના કારણ, પરાત્પર, પૂર્ણબ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે મનુષ્યરૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે તેમને જેવા છે તેવા ઓળખવાનું આ જગતના જીવોને માટે ઘણું મુશ્કેલ હતું, પરંતુ શ્રીહરિજીની અપાર કૃપાથી જીવો પાત્ર થતા ગયા તેમ તેમ સર્વોપરી અવતારી શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનો મહિમા સમજવા લાગ્યા. એક સમયે શ્રીહરિ કારિયાણીમાં બિરાજતા હતા ત્યારે સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ત્યાં પધાર્યા. સ્વામીને શ્રીહરિએ એકાંતમાં બેસાડી, જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે પોતાનું સર્વોપરીપણું અને પોતાને પૃથ્વી ઉપર પધારવાના હેતુઓ પ્રવર્તાવવા ભલામણ કરી. તે વાત સદ્‌ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ પણ જાણી ને શ્રીહરિજીનો અદ્‌ભુત મહિમા આલેખતો ‘પુરુષોત્તમપ્રકાશ’ ગ્રંથ તૈયાર કર્યો.

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સં. ૧૮૬૪માં પરમહંસ દીક્ષા લઈ સં. ૧૮૮૬માં શ્રીહરિજી અંતર્ધાન થયા ત્યાં સુધી, એટલે ૨૨ વર્ષ, આ લોકમાં શ્રીહરિ સાથે રહ્યા. ત્યાર બાદ પોતે સં. ૧૯૦૮ સુધી આ પૃથ્વી પર વિચર્યા, એટલે સ્વામીશ્રીએ બીજાં ૨૨ વર્ષ (શ્રીહરિજી અંતર્ધાન થયા બાદ) દર્શન દીધાં, અને શ્રીહરિજીની ભલામણ અનુસાર અનેક મુમુક્ષુઓને શ્રીજીમહારાજના સર્વોપરી સ્વરૂપની દૃઢતા કરાવવાનું....