પાદટીપો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરમ યોગીવર્ય સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો જે રીતે પ્રચલિત છે તે મૂળ પ્રતમાં કાંઈ પણ ફેરફાર કર્યા વિના તે વાતોને વધારે સારી રીતે સમજવામાં મદદ મળે તે હેતુથી શબ્દોના અર્થ, સિદ્ધાંત કે દૃષ્ટાંતની સમજ વગેરે આપી ટિપ્પણી બનાવી છે.

[←1]

યોગેશ્વર ગોપાળાનંદ સ્વામી, લેખક ડૉ. ગોવિંદભાઈ ડી. પટેલ (ઈ. સ. ૧૯૭૭)

[←2]

બીજા અવતાર: ચોવીસ અવતારો - બ્રહ્મા, વરાહ, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભ, પૃથુ, મત્સ્ય, કૂર્મ, ધન્વંતરિ, મોહિની, નૃસિંહ, વામન, પરશુરામ, વેદવ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ, હંસ, હયગ્રીવ.

એમાં દસ મુખ્ય અવતારો: મત્સ્ય, કચ્છ (કૂર્મ), વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ.

[←3]

મૂળપુરુષ તથા પ્રધાનપુરુષ તથા વિરાટપુરુષ તથા...: આ પૃથ્વીને મૃત્યુલોક કે મર્ત્યલોક કહે છે. મૃત્યુલોકથી નીચે અતળ, વિતળ, સુતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ - એવાં સાત લોક છે, જેમાં રાક્ષસો, અસુરો, નિશાચરો, નાગ વગેરે રહે છે. મૃત્યુલોકથી ઉપર (ઊર્ધ્વ) ભુવર્લોક છે, તેમાં નિમ્નકક્ષાના દેવ રહે છે. તેથી ઉપર સ્વર્ગલોક છે, તેમાં દેવ રહે છે. વરુણ (સમુદ્ર તથા પશ્ચિમ દિશાના દેવ), કુબેર (ધનના અધિપતિ દેવ), અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, યમરાજા (મૃત્યુના દેવ) વગેરે દેવ છે. એ દેવના રાજા તે ઇન્દ્ર સ્વર્ગથી ઉપર મહર્લોક છે, તેમાં પિત્રિદેવ રહે છે. તેથી ઉપર જનલોક ને તપલોક છે, તેમાં ભૃગુ આદિ ઋષિઓ રહે છે. તેથી ઉપર સત્યલોક છે, તેમાં બ્રહ્મા રહે છે. આમ પાતાળથી લઈને સત્યલોક સુધીનાં ચૌદ લોક છે. તેમનું બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, શિવ સંહાર કરે છે. બ્રહ્મા-વિષ્ણુ-શિવની ત્રિપુટીથી ઊર્ધ્વ વિરાટપુરુષ છે, જે ક્ષીરસાગરને વિષે ઉપર સૂતેલા છે, ને તેમની નાભિમાંથી પદ્મ (કમળ) થયું તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા ને તે પદ્મમાં બ્રહ્માએ ચૌદ લોકની રચના કરી છે, જેને પાદ્મકલ્પ કહે છે ને બ્રહ્માએ અંગથકી સૃષ્ટિ કરી તે બ્રાહ્મકલ્પ કહેવાય છે. (વચનામૃત: ગઢડા પ્રથમ ૧૩). જે વિરાટપુરુષ છે તે પ્રધાનપુરુષમાંથી ને પ્રધાનપુરુષ મૂળપુરુષમાંથી થયાં છે. મૂળપુરુષ જ્યારે મૂળમાયા સાથે જોડાય છે ત્યારે પ્રધાનપુરુષની ઉત્પત્તિ થાય છે. પ્રધાનપુરુષને ભૂમાપુરુષ કે મહાવિષ્ણુ પણ કહે છે. મૂળપુરુષને મહાપુરુષ પણ કહે છે. મૂળપુરુષ ગોલોકધામના અધિષ્ઠાતા છે. મૂળપુરુષે આ પૃથ્વીલોક ઉપર અવતાર લીધો ત્યારે દેવકી-વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ ભગવાન નામે ઓળખાયા, ને એ ચૈતન્ય ભૂમિકામાં રહેનારા છે.

સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીની આ વાતોમાં પાન ૩ ઉપર વાત ૩માં સ્વામીશ્રી સ્પષ્ટ જણાવે છે: “શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે ચોવીસ અવતારને પૃથક્ પૃથક્ દેખાડ્યા તે જોતાં એમ જણાય છે જે બીજા અવતારના અવતારી શ્રીકૃષ્ણ ભગવાન છે, અને મહારાજની અને શ્રીકૃષ્ણની સામર્થી જોઈએ ત્યારે શ્રીકૃષ્ણના અવતારી શ્રીજીમહારાજ છે એમ પોતાની બુદ્ધિમાં તપાસ કરીને તે સર્વે અવતારના અવતારી શ્રીજીમહારાજ છે એમ જાણવું.”

પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આ બ્રહ્માંડમાં પ્રાદુર્ભાવ થયા પછી મૂળપુરુષથી ઉચ્ચતર ચૈતન્ય ભૂમિકાઓની તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વશ્રેષ્ઠ ભૂમિકાની સુપાત્ર એવા મુમુક્ષુઓને અનુભૂતિ થઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથે અક્ષરધામથી આ પૃથ્વીલોક ઉપર પધારેલા સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીશ્રી જેવા સત્પુરુષોએ કૃપા કરીને અતિશય દાખડો કરી મુમુક્ષુઓને આ હકીકત સુસ્પષ્ટ રીતે જેમ છે તેમ સમજાવી છે. વળી, સ્વામીશ્રી એમ પણ સમજાવે છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્યતમ અને સર્વશ્રેષ્ઠ સ્વરૂપનો અનુભવ થતાં અન્ય ભૂમિકાઓ આપોઆપ ગૌણ થઈ જાય છે. આથી ઉચ્ચતમ પરમપદની પ્રાપ્તિ અર્થે મુમુક્ષુઓનું અંતિમ લક્ષ્ય અતિ સ્નેહે કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી દિવ્ય સ્વરૂપમાં જ જોડાવાનું રહેવું જોઈએ.

[←4]

ઐશ્વર્ય-ચમત્કાર-પ્રતાપ મેળવવાની ઇચ્છાવાળા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરતાં કરતાં ભક્તને ઐશ્વર્યપ્રતાપની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. શ્રીહરિજીના અદ્‌ભુત દિવ્ય સુખ તરફ આગળ વધવાને બદલે કેવળ ઐશ્વર્યમાં પ્રલોભન પામી કેવળ ઐશ્વર્યાર્થી બની રહે છે.

[←5]

તેમની મરજીને કે આજ્ઞાને અનુસરવું તે.

[←6]

ઈશ્વરીય સિદ્ધિ, દૈવી મોટાઈ.

[←7]

જુઓ વચનામૃત લોયા ૧૪.

[←8]

ત્યાગ, અનાસક્તિ.

[←9]

બ્રહ્મપુર = અક્ષરધામ.

[←10]

ખટરસના વર્તમાન: કડવો, ખાટો, ગળ્યો, ખારો, તીખો ને તૂરો એવા જીભના ષટ એટલે છ પ્રકારના રસાસ્વાદને નિયમમાં રાખવાનું વ્રત.

[←11]

લંગોટ.

[←12]

અઢી હાથ લંબાઈનું ટૂંકું વસ્ત્ર, રૂમાલ, અંગૂછો.

[←13]

સંવત ૧૮૬૯માં પડેલો ભયંકર દુકાળ.

[←14]

અષ્ટાવરણ પાર જે અક્ષરધામ: આ બ્રહ્માંડ છે તે આઠ આવરણમાં રહેલું છે. તે આઠ આવરણ - પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્ત્વ ને પ્રકૃતિ. આ આવરણોની બહાર ચૈતન્યભૂમિકાઓ છે, એ સર્વથી પર, શ્રેષ્ઠ ને સૌનાં કારણ એવા શ્રીજીમહારાજને રહેવાનું તે અક્ષરધામ છે.

[←15]

સંકર્ષણાદિકમાં પ્રવેશ: બ્રહ્માંડનું સર્જન, પોષણ ને વિનાશ કરનાર ત્રિપુટી જેમ બ્રહ્મા, વિષ્ણુ ને શિવ છે, તેમ વૈરાટપુરુષના સર્જન, પોષણ ને વિનાશ સાથે સંકળાયેલી ત્રિપુટીને અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, ને સંકર્ષણ કહે છે. (વચનામૃત લોયા ૭, ગઢડા મધ્ય ૩૧).

[←16]

જે જૂનેગઢ જાય તેને મળીએ: જૂનાગઢમાં મંદિરનું ચણતર વગેરે કામ ચાલતું ત્યારે પથ્થરનું ચણતર થતું. તેમાં શારીરિક શ્રમ ઘણો કરવો પડે. વળી જૂનાગઢ રાજના કારભારીઓ પણ ઘણાં વિઘ્નો ઊભાં કરતા. પરંતુ તે બધી તકલીફોની સામે શ્રીહરિજીના પરમ કૃપાપાત્ર સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સમાગમનો લાભ મળતો. આથી જે સાધુ-હરિભક્ત જૂનાગઢ કામ કરવા જાય તેના ઉપર શ્રીજીમહારાજ બહુ પ્રસન્નતા જણાવતા. પાંચ વાર ભેટતા. પણ ત્યાં જવા તૈયાર થયેલા સાધુ-હરિભક્તને તેમના ગુરુ કે બીજા અટકાવતા ને કહેતા કે ત્યાં તો કામ કરી કરીને મરી જવાય તેમ છે; પણ ત્યાં સિદ્ધમુક્તના સમાગમનો લાભ છે તે કોઈ જોતું નહિ.

[←17]

જામીન.

[←18]

અક્ષરધામ.

[←19]

અક્ષર + અતીત = અક્ષરથી પર.

[←20]

ૐ એવો અવાજ, નાદ, શબ્દ. પરબ્રહ્મના સ્વરૂપમાંથી નીકળતા તેજનો ધ્વનિ.

[←21]

અવાજ, ધ્વનિ.

[←22]

પડઘા.

[←23]

અમાપ.

[←24]

વિભૂતિ અવતાર: જેમનામાં શ્રીજીમહારાજની શક્તિ વ્યાપી છે તેવા અવતાર.

[←25]

ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજા: રાજાશાહીમાં વધુ સામર્થીવાળો રાજા બીજા રાજાને પોતાનો તાબેદાર બનાવી તેની પાસેથી દર વર્ષે રકમ (ખંડણી) વસૂલ કરે. તાબેદાર રાજા તે ખંડિયો રાજા. ઘણા ખંડિયા રાજાનો ઉપરી રાજા તે ચક્રવર્તી રાજા.

[←26]

મૂળપુરુષથી પર અક્ષરરૂપ: શ્રીજીમહારાજની મૂર્તિમાંથી નીકળતા તેજરૂપી - અક્ષરધામરૂપ.

[←27]

સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડે તે

[←28]

જુદાં ગણતાં.

[←29]

સાથે ગણતા. જગતની સાથે ગણો તો અવયપણે, જગતથી જુદાં ગણો તો વ્યતિરેકપણે ગણ્યા કહેવાય.

[←30]

બ્રહ્માંડાભિમાની ઈશ્વર: બ્રહ્માંડનું નિયમન કરનારા ઈશ્વરને તે બ્રહ્માંડનું સદાય સાતત્ય, અભિમાન રહે છે તેથી.

[←31]

પિંડાભિમાની જીવ: જીવ છે તે દેહને વિષે રહ્યો છે, તેને સદાય દેહનું અનુસંધાન, અભિમાન રહે છે તેથી.

[←32]

માયા સબલિત બ્રહ્મ: મૂળમાયા સાથે જોડાયેલ મૂળપુરુષ જે પ્રધાનપુરુષથી પર છે. (વચનામૃત સારંગપુર ૬)

[←33]

સત્સંગિજીવનમાં ઉપાસનાનો પ્રસંગ: ‘સત્સંગિજીવન’ ગ્રંથ બનાવવાનો હતો ત્યારે તેમાં શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ આદિક અવતારોથી પર કહેવા કે તેમના જેવા કહેવા તે અંગે બધાનો અભિપ્રાય જાણવા શ્રીજીમહારાજે સભા કરેલી. તે વખતે સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી, સર્વેના સ્વામી ને કારણ – એ રીતે લખવા આગ્રહ રાખેલો. શ્રીજીમહારાજે તે વખતે લીલા કરી. સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીને જંગલમાં કાઢી મુકાવેલા. વળી, “તેમના વિના જમશું નહિ,” એવું કહી પાછા બોલાવેલા. પછી બહુજનના સમાસ-સમજણ માટે એ ગ્રંથમાં બીજા અવતાર જેવા પોતાને કહેવા દેવાની હા પડાવેલી. આ રીતે લખાયેલા ગ્રંથથી ઘણાંને હત થાય, ખેંચાણ થાય, ને સાધુના સમાગમ માટે આવતા થાય, અને તેમના મુખેથી સર્વોપરીપણાની વાતો સાંભળી સાચી સમજણ કેળવે.

[←34]

એક જ સમયે, એક સાથે.

[←35]

મૂળમાયા.

[←36]

કોઈ પણ બીજી ઇચ્છા વિના, અતિ હેતે કરીને ભગવત્સ્વરૂપમાં અતિશય સ્નેહથી રસબસપણે લીન થઈને રહેનારા મુક્તો.

[←37]

મોટપ-ઐશ્વર્યની ઇચ્છાવાળા ભગવત્સ્વરૂપના સંબંધવાળા મુક્તો.

[←38]

કુશળતા, નિપુણતા.

[←39]

હથેળીમાં રાખેલા આમળાને જેમ બરાબર જોઈ શકાય છે તેમ સુસ્પષ્ટ.

[←40]

સુખનું આધારસ્થાન.

[←41]

અનવધિકાતિશય: અન્ + અવધિક + અતિશય = અમાપ અને અતિશય.

[←42]

સમગ્રપણે.

[←43]

પાશંગ: ત્રાજવાનાં બંને પાસાં સરખાં રાખવા માટે એકબાજુ મુકાતું વજન, ધડોની સરખામણીમાં નહિવત્.

[←44]

સ્વયંપ્રકાશ.

[←45]

કરુણાવાળા.

[←46]

વિષયોમાંથી (ઇંદ્રિયોથી ભોગવવાના પદાર્થ, કામભોગ) મનની વૃત્તિઓને પાછી હઠાવીને ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરવી તે.

[←47]

રાત્રિના આગળ ને પાછળના ભાગ.

[←48]

તીડ.

[←49]

ચકવા, ચકવી ને બપૈયા: એ નામનાં પંખીઓ.

[←50]

સતત લક્ષ.

[←51]

અવળું, ઊલટું.

[←52]

યોગ્ય, ઘટિત આહારવિહાર.

[←53]

સંયમી.

[←54]

એકાગ્ર.

[←55]

કાગડાનું ચરક.

[←56]

ભગવાનના સંબંધ વિનાનું.

[←57]

ભગવાનના સંબંધવાળું.

[←58]

કપિલમુનિએ રચેલું શાસ્ત્ર.

[←59]

પતંજલિમુનિએ રચેલું શાસ્ત્ર.

[←60]

અવતાર.

[←61]

અલગ, જુદું.

[←62]

નિષ્કામધર્મ: મન, કર્મ, વચને કામવાસના રહિત વર્તન; બ્રહ્મચર્ય વ્રતનું પાલન.

[←63]

વૈરાટપુરુષ.

[←64]

અર્થ: કામથી, ભયથી તથા સ્નેહથી જે ભગવાનને વિષે જોડાયા તેનું કલ્યાણ કર્યું.

[←65]

દાસત્વભાવે સ્વરૂપ, સ્વભાવ અને ગુણધર્મની સમાનતા હોવાપણું.

[←66]

પ્રધાનપુરુષ. આ પૃથ્વીના ગોળાની અંદર અડતાલીશ કરોડ યોજન અવકાશ છે. તે અવકાશમાં સાત દ્વીપ ને સાત સમુદ્ર છે, તેનાં ફરતો લોકાલોક પર્વત છે. તે લોકાલોકને ફરતું અંધકાર છે. તે અંધકારના ફરતુ આ પૃથ્વીના ગોળાનું દળ એક કરોડ યોજન જાડું છે. તે દળની ને અંધકારની વચમાં ભૂમાપુરુષ પોતાના સાધનિક પાર્ષદો સહિત રહે છે, તે ધામને અવ્યાકૃત ધામ કહે છે. પૃથ્વીના દળના ફરતાં જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્ત્વનાં આવરણ છે, તેનાથી પર પ્રધાનપુરુષનું આવરણ છે ત્યાં ભૂમાપુરુષનું ધામ છે. ત્યાં રહ્યા થકા અવ્યાકૃત ધામમાં દર્શન દે છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૬૬).

[←67]

જાંબૂ (શોણભદ્ર) નદીમાંથી મળતું સોનું.

[←68]

તુચ્છ, મામૂલી.

[←69]

સમાગમનો આનંદ.

[←70]

ચઢતા-ઊતરતાપણું.

[←71]

અર્થ: વળી જે પરમાત્માની આગળ માયા પણ શરમાઈને દૂર નાસી જાય છે. – ભા.દ્વિ.અ. ૭-૪૭

[←72]

સોનાનું તથા અંગ્રેજના મહેતાનું દૃષ્ટાંત: વચનામૃત ગઢડા મધ્ય ૪માં ત્રીજા પ્રશ્નમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જેમ અન્ય ધાતુ છે ને સોનું છે તેને જમીનમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે લાંબા સમયે ધૂળ ભેગી ધૂળ થઈ જાય, પણ સોનું હોય તે તો જેમ વધુ સમય જમીનમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહિ. વળી, અંગ્રેજને ત્યાં સરકારી નોકરી કરતા મહેતાનો પગાર વર્ષે વર્ષે વધતો જ જાય છે. આ રીતે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલા એકાંતિક ભક્ત શ્રેષ્ઠ છે ને દિન-પ્રતિદિન વધારે શ્રેષ્ઠ થતાં જાય છે.

[←73]

મન્વંતર: એક મનુનો યુગ = (૪૩,૨૦,૦૦૦) તેંતાલીસ લાખ વીસ હજાર વર્ષ.

[←74]

અર્થ: જે ત્રણ લોકમાં દાખલ થઈને તેનું ભરણપોષણ કરે છે તે ઈશ્વર છે. તથા પોતાના આત્મીય પુરુષ દ્વારા વીર્ય આપનાર બન્યા.

[←75]

અર્થ હું એક છું તેમાંથી બહુ રૂપે થાઉં.

[←76]

કાષ્ઠમાં રહેલ અગ્નિ: મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે, ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે, ને વાંકા કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી સામર્થીએ યુક્ત થકા રહે છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૪૧).

[←77]

તિલક કરવામાં વપરાતી પીળી માટી; દ્વારકાની ગોપી તલાવડીની માટી.

[←78]

માટી.

[←79]

શિંગ (બીવાળી પાપડી) વાળું ઝેરી ઝાડ.

[←80]

મલય નામના પર્વત ઉપર થતું ચંદન.

[←81]

સ્પર્શમણિ. લોઢાને અડકાડવાથી લોઢાનું સોનું થાય તેવો મણિ.

[←82]

હાથમાં રાખી ચિંતવન કરો તેવું થાય, તે જાતનો મણિ.

[←83]

સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ-એવા ત્રણ દેહ. એ ત્રણ દેહમાં જનનેન્દ્રિયના અનુસંધાન સાથેનો દેહભાવ તે લિંગદેહ.

[←84]

અહં એટલે હુંપણું ને મમત્વ એટલે મારાપણું. હું ને મારું.

[←85]

મોહ, આસક્તિ.

[←86]

તેજદ્વારે (વચનામૃત ગઢડા પ્રથમ ૨૧)

[←87]

એકી નજરે.

[←88]

વચનામૃત સારંગપુર ૧૭

[←89]

અંગૂઠાના કદના ૬૦,૦૦૦ ઋષિઓ જે બ્રહ્માના શરીરમાંથી ઉત્પત્ર થયેલા તથા સૂર્યના રથણી આગળ જતા મનાય છે.

[←90]

પૃથ્વી + આદિક.

[←91]

અર્થ: અક્ષર આ પરમાત્માનું શરીર છે.

[←92]

ગુણાતીતાનંદ તથા મુક્તાનંદ સ્વામીનાં દૃષ્ટાંત: સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીહરિની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી, શ્રીહરિની મૂર્તિનું અખંડ અનુસંધાન રાખીને સેવા, ધ્યાન, ભક્તિ, ત્યાગ વગેરે દૃઢ કરાવી સત્સંગ કરાવ્યો. સદ્‌ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિનો મહિમા, સ્વરૂપનિષ્ઠા ને આજ્ઞાપાલન પ્રવર્તાવ્યા. ગઢડા અંત્ય ૨૪, ૩૩, સારંગપુર ૩ ને ગઢડા મધ્ય ૬૨ - આ વચનામૃતમાં સદ્‌ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના ગુણનું વર્ણન છે.

[←93]

અર્થ: પુરુષોત્તમ ભગવાને પોતે કરેલી નાના પ્રકારની યોનીઓને વિષે કારણપણે અંતર્યામીરૂપે પ્રવેશ કરીને અગ્નિની પેઠે ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. (ભા. અ. ૭-૧૯)

[←94]

ધોરણ, મર્યાદા.

[←95]

શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી ત્યારે શ્રીકૃષ્ણ મૂળરૂપે શ્રી રાધાજી પાસે રહેતા.

[←96]

પ્રતિલોમ ધ્યાન: કોઈ વ્યક્તિ ખુરશીમાં બેસવા જાય ત્યારે બેસનારનું ને ખુરશીનું મુખ સામસામા હોય છે. ખુરશી પાસે જઈને બેસનાર અવળો ફરે છે, જેથી ખુરશીનું ને બેસનારનું મુખ એકતરફ થઈ જાય છે, ત્યારે બેસનાર ખુરશીમાં બેસે છે. તે રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે ભગવાનનું મુખ ને ધ્યાન કરનારનું મુખ સામસામા હોય. પછી ધ્યાન કરનારે ભગવાનના સ્વરૂપને અવળું ફેરવીને પોતાના મુખેમુખ કરવું પડે. આમ કરે ત્યારે ભગવાન, ધ્યાન કરનારના હૃદય સિંહાસનમાં બિરાજે. આમ ભગવાનના સ્વરૂપને ઊલટાવીને એ સ્વરૂપનું ધ્યાન કરે તે પ્રતિલોમ ધ્યાન. સન્મુખ મૂર્તિ ધારે તે લોમ (કે અનુલોમ)ધ્યાન. (લોમ: સવળું, પ્રતિલોમ: અવળું)

[←97]

પાંચ જ્ઞાનેન્દ્રિયો: શ્રોત્ર (કાન), ત્વક (ચામડી, ત્વચા), ચક્ષુ (આંખ), રસના (જીભ), ઘ્રાણ (નાક). ચાર અંતઃકરણ: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર.

[←98]

જોનારા આત્મામાં (પ્રતિલોમપણે).

[←99]

પરોવાઈ, જોડાઈ.

[←100]

શુકદેવજી સર્વાત્માબ્રહ્મની સ્થિતિને પામેલા, તેથી વ્યાસજીએ એમને બોલાવ્યા ત્યારે દરેક વૃક્ષમાં વ્યાપીને રહેલા હોય તે રીતે સર્વે વૃક્ષમાંથી જવાબ આપેલો.

[←101]

ગરુડજીની ઉપાસનાનું દૃષ્ટાંત: હનુમાનજીને શ્રીરામચંદ્રજીમાં પૂર્ણ નિષ્ઠા હતી, રામચંદ્રજીનાં ચરિત્રોમાં સંશય થતો નહિ. રામ-રાવણનું યુદ્ધ થયું ત્યારે લંકામાં રાક્ષસે નાગપાશથી શ્રીરામચંદ્રજીને બાંધ્યા હતા. તે વખતે ગરુડજી આવ્યા, તેથી તેમનાથી ડરીને સર્વે નાગ ભાગી ગયા ને રામચંદ્રજીનો છુટકારો થયો. આ જોઈને ગરુડજીને રામચંદ્રજીના સામર્થ્યમાં સંશય થયો હતો. તે રીતે ગરુડજીની ઉપાસના અપક્વ હતી.

[←102]

આની સ્પષ્ટતા પાન: ૫૯, વાત: ૧૦૯ (૩)માં કરેલી છે.

[←103]

સર્પનું દૃષ્ટાંત: સર્પની કાંચળીનો આકાર સર્પ જેવો જ હોય છે. સર્પની ફેણ, પૂંછડી, શરીરના સાંધા, રેખા વગેરે પણ કાંચળીમાં હોય છે. એ જ રીતે દિવ્ય અક્ષરધામમાં સર્વે મુક્તોના સ્વરૂપ શ્રીહરિજીના સ્વરૂપ જેવા જ છે. વળી શ્રીહરિ મનુષ્યરૂપે આ બ્રહ્માંડમાં પધાર્યા ત્યારે પણ ધામની મૂર્તિ જેવું જ આ મનુષ્યરૂપ હતું. તેમાં એક રૂંવાડાનો પણ ફેર ન હતો. (વચનામૃત ગઢડા અંત્ય ૩૧)

[←104]

ઇંદ્રિયોની વૃત્તિઓ વિષયોમાંથી પાછી ખેંચી લઈ તે ભગવાનના સ્વરૂપમાં જોડાવું તે.

[←105]

ફણગા.

[←106]

પંચભૂત = પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ.

[←107]

ઠેકાણું, ઠામ.

[←108]

ઉષ્ણીકનું દૃષ્ટાંત: ઉષ્ણીક એટલે પાઘડી. ઝીણા-પાતળા કપડાની પાઘડી ખૂબ લાંબી ને પહોળી હોય, પણ જ્યારે તેને માથા ઉપર બાંધવામાં આવે છે ત્યારે તે સંકોચાઈને નાની લાગે છે. તેમ, જીવાત્મા સૂક્ષ્મ છતાં મોટો છે.

[←109]

એ નામે ગ્રંથ.

[←110]

અધ્યાય, પ્રકરણ, ઉત્પત્તિ.

[←111]

અર્થ: જ્યાં સુધી નિષ્પરિગ્રહ, મોટા સત્પુરુષોની ચરણરજને પોતાના મસ્તક પર નથી ચડાવતા, ત્યાં સુધી અનર્થને દૂર કરનારાં ભગવાનનાં ચરણને વિષે તેઓની મતિ નિશ્ચળ નથી થતી. (ભા. સ. અ. ૫-૩૨)

[←112]

અર્થ: ઉત્તમનો જ સમાગમ કરે, તે ન મળે તો મધ્યમનો કરે.

[←113]

વિવિધ પ્રકારના દૃઢ પૂર્વ સંસ્કારો.

[←114]

વિદ્યાર્થીના અભ્યાસનું દૃષ્ટાંત - વિદ્યાર્થી ભણવા બેસે ત્યારે તેને કાંઈ આવડતું હોતું નથી, પણ જેમ જેમ અભ્યાસ કરે છે તેમ તેમ જ્ઞાન સિદ્ધ થતું જાય છે. તે રીતે, જીવને ઇંદ્રિયસુખ-વિષયોનો અભ્યાસ થાય તો વાસના તેટલી વધી જાય છે. સત્પુરુષનો સંગ રાખે તો સદ્‌વાસના વધે.

[←115]

ડહોળાયેલો, ગૂંચવાઈ ગયેલો, હાલી જઈને અવ્યવસ્થિત થયેલો.

[←116]

અર્થ: પુરુષ, જેવા મનુષ્યોની સાથે બેસે છે, જેવાનો સંગ કરે છે, અને જેવો થવાને ઇચ્છે છે તેવો થાય છે. (વિદુરનીતિ અ. ૩૬ શ્લો. ૧૫)

[←117]

અર્થ: જે પરબ્રહ્મ પરમાત્માએ કૃપા કરીને આ અપાર જ્ઞાનના દીપકરૂપ શ્રીમદ્ ભાગવતને પ્રથમ બ્રહ્મા પાસે પ્રકટ કર્યું, પછી બ્રહ્મારૂપે નારદમુનિની આગળ દર્શાવ્યું, નારદરૂપે શ્રી વેદવ્યાસજીની આગળ પ્રકટ કર્યું. અને વ્યાસજીરૂપે યોગીઓમાં શ્રેષ્ઠ એવા શુકદેવજી પાસે પ્રકટ કર્યું. અને શુકદેવજીરૂપે પરિક્ષિત રાજાની પાસે પ્રકટ કર્યું તે શુદ્ધ-નિર્મલ, શોક રહિત, સત્યમૂર્તિ અને મોક્ષસ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન કરીએ. (ભા. દ્વા. અ. ૧૩-૧૯)

[←118]

જેના ચિત્તને વિષે સકામ કર્મોની વાસના ઉત્પન્ન નથી થતી તેને વિષે ભગવાન હંમેશાં રહે છે અને એક વાસુદેવ ભગવાનને વિષે જ નિમગ્ન રહેનારામાં પણ તેવી જ રહે છે.

[←119]

જડબેસલાક, નિશ્ચિત.

[←120]

ઠરાવેલી-નક્કી કરેલી વાત.

[←121]

અર્થ: આ જીવોની વાસનાઓને સત્પુરુષો જ ઉપદેશ વાક્યોથી નાશ કરે છે.

[←122]

અફીણિયાના ને જાર સ્ત્રીના દૃષ્ટાંત: અફીણના બંધાણીને (વચનામૃત ગઢડા અંત્ય ૩૩) પૈસા કરતાંય અફીણ વધારે વહાલું લાગે છે. અફીણનું વ્યસન તેના જીવ સંગાથે જડાઈ ગયું છે. તે રીતે, સત્પુરુષના સંગથી મુમુક્ષુનો જીવ ભગવાન સંગાથે જોડાય છે. વળી, વ્યભિચારિણી સ્ત્રીને પોતાના પતિ કરતાંય પરપુરુષમાં વધુ આસક્તિ રહે છે, તેમ સત્પુરુષના સંગથી મુમુક્ષુને ભગવાનને વિષે આસક્તિ થાય છે.

[←123]

ગોલક: ઇંદ્રિયોનું અધિષ્ઠાન (સ્થાન) જે દ્વારા તેનું કામ થાય તે જગ્યા.

[←124]

તાળાં સહિત.

[←125]

હિમાલય.

[←126]

ગોલોકની નદી.

[←127]

અર્થ: ત્રણ ગુણોનો નાશ થાય છે ત્યારે બ્રહ્મશરીર એટલે ભાગવતીતનુને પામે છે.

[←128]

અર્થ: કર્તા, શ્રદ્ધા, કર્મ, જ્ઞાન, સ્થાન અને દ્રવ્યાદિક સર્વગુણવાળા હોય છતાં પણ નિર્ગુણ ભગવાનના સાક્ષાત્ સંબંધથી નિર્ગુણ થઈ જાય છે.

[←129]

પોપૈયાના વૃક્ષનું દૃષ્ટાંત: પોપૈયાનાં ઘણાં ઝાડ હોય, તેમાં જો એક પણ નરજાતિનું પોપૈયાનું વૃક્ષ હોય તો બાકીનાં બધાં માંદા પોપૈયાનાં વૃક્ષને ફળ લાગે છે. એ રીતે, એક એકાંતિક ભક્તના સંગે કરીને અનેક એકાંતિક થાય છે.

[←130]

શાહી.

[←131]

અષ્ટાંગયોગનું એક અંગ. પૃથક્ પૃથક્ અંગ ધારવાં તે ધ્યાન ને સમગ્ર મૂર્તિ ધારવી તે ધારણા.

[←132]

બ્રહ્માનો એક દિવસ. ચાર અબજ બત્રીસ કરોડ વર્ષ.

[←133]

અહીં ભક્તનો અર્થ મુક્ત સમજવો.

[←134]

વિહ્‌વળ-વ્યાકુળ

[←135]

અનુસરણ

[←136]

ગાંઠ. ગ્રંથિઓ છ છે: મિથુન, હૃદય, કર્મ, અહમ્, મમતા, ભય. પોતે પુરુષ છે કે સ્ત્રી છે તે ભેદભાવ ભુલાઈ જાય તે મિથુન ગ્રંથિ ભેદાઈ કહેવાય. જીવાત્મા સામાન્ય રીતે હૃદયાકાશમાં રહે છે તે દેહમાં ગમે ત્યાં રહી-પ્રકાશી શકે તે હૃદયગ્રંથિ ભેદાઈ કહેવાય. કર્મનું કર્તાપણું મટી જાય, ને જેમ સીંદરી બળી જાય તો તેનો આકાર રહે પણ બાંધવાના કામમાં આવે નહિ તેમ કર્મગ્રંથિ ભેદાય ત્યારે થાય. હું ને મારું જિતાઈ જાય તે અહંમમતા ગ્રંથિઓ ભેદાઈ કહેવાય. ભય રહે નહિ, અભય થાય તે ભયગ્રંથિ ભેદાઈ કહેવાય.

[←137]

સરખાપણું, સમત્વ

[←138]

કઠોર

[←139]

ત્યજે.

[←140]

નિર્ણય, નિશ્ચય.

[←141]

વિઘ્ન.

[←142]

તલ્લીન, મશગૂલ.

[←143]

પાયો, તળિયું.

[←144]

અમદાવાદના બે ગરાસિયાનું દૃષ્ટાંત: અમદાવાદમાં ખોડોજી અને મોકોજી નામના બે ક્ષત્રિય હતા. તેઓ ખાખી સંપ્રદાયના આશ્રિત હતા. તેઓ શ્રીહરિના આશ્રિત થયા, પણ તેમને માનનું અંગ હતું. તેથી તેમના ખાખી ગુરુએ બહુ માન આપી પાછા બોલાવ્યા, તો પાછા તે સંપ્રદાયમાં જતા રહ્યા. આમ, તેમનો સત્સંગ ઉપરછલો હતો.

[←145]

ગરીબ વાણિયાને સસ્તા ઔષધ તરીકે અજમો આધાર રૂપ છે. પેટમાં દુઃખે તો અજમો ને સંચળ, માથું દુઃખે તો અજમાનો લેપ, શરદી થઈ હોય તો અજમાની પોટલી, તાવ આવ્યો હોય તો અજમાની ફકી વગેરે રીતે ગરીબ વાણિયો અજમાને ઔષધ તરીકે વાપરે છે.

[←146]

સ્વાયંભૂવંશના ઉત્તાનપાદકુળમાં જન્મેલા એક રાજર્ષિનું નામ. તેમણે ઘણા યજ્ઞો કર્યા હતા. તે વિમાનમાં બેસી ઊંચે જ ચાલતા-ફરતા. એક વખત એક યજ્ઞમાં પશુહિંસા વિહિત (શાસ્ત્રની આજ્ઞાવાળી) છે કે કેમ તે અંગે તકરાર થઈ. તેમાં ઉપરિચરવસુએ પશુહિંસા વિહિત છે તેમ મત આપ્યો તેથી સપ્તર્ષિ ક્રોધે ભરાયા ને કહ્યું કે તેં કામ્યપક્ષ (કર્મકાંડ) ઉપર નજર રાખી. મોક્ષપક્ષ પર નહિ, તેથી તું અધોલોકમાં પડીશ. તેથી તે રસાતળમાં પડ્યા.

[←147]

સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ રહિતપણે આત્મસત્તાએ વર્તવું.

[←148]

નિત્ય પ્રલય: કાળની ગતિએ કરીને દરેક વસ્તુનો ક્ષણે ક્ષણે નાશ થાય તે. એવી રીતે નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય ને આત્યંતિક પ્રલય મળીને ચાર પ્રકારના પ્રલય છે.

[←149]

ઉત્પત્તિ.

[←150]

અંધાધૂંધ, આંધળું ને ધૂંધળું.

[←151]

સ્થિતિ + આદિક

[←152]

ભીષ્મ, શંકર ને અક્રૂરનાં દૃષ્ટાંત: ભીષ્મ પિતામહ શ્રીકૃષ્ણને ભગવાન જાણતા હતા છતાં મહાભારતના યુદ્ધ વખતે કૌરવોના પક્ષમાં રહ્યા અને પ્રતિજ્ઞા કરી કે કાલે કાં તો પૃથ્વી ઉપર પાંડવવંશનો નાશ કરીશ કાં તો શ્રીકૃષ્ણને હથિયાર ધારણ કરાવીશ. ને જો તેમ નહિ કરી શકું તો દેહત્યાગ કરીશ. આ પ્રતિજ્ઞા જાણીને શ્રીકૃષ્ણએ દ્રૌપદીને દુર્યોધનની પત્ની જેવો વેષ પહેરાવી ભીષ્મપિતામહને પગે લાગવા મોકલ્યાં. દુર્યોધનની પત્ની જાણીને ભીષ્મપિતામહે દ્રૌપદીને ‘અખંડ સૌભાગ્યવતી થા’ એવા આશીર્વાદ આપ્યા. પછીથી શ્રીકૃષ્ણની આ લીલા જાણી, તેથી ભીષ્મપિતામહ તમોગુણના વેગમાં આવી શ્રીકૃષ્ણને ખૂબ બાણ મારવા લાગ્યા, શ્રીકૃષ્ણ લોહીલુહાણ થઈ ગયા, અર્જુન પણ એવા જ લોહીલુહાણ થયા. ત્યારે અર્જુનના રક્ષણાર્થે શ્રીકૃષ્ણે શસ્ત્ર ઉઠાવ્યાં. આમ, શ્રીકૃષ્ણને ભગવાન જાણવા છતાં તમોગુણના આવેગથી ભીષ્મપિતામહ અજાણ્યાની જેમ દુશ્મનની જેમ વર્ત્યા.

બાણાસુર હજાર હાથ સહિત અતિ બળવાન હતો. તેની પુત્રી ચિત્રલેખા (ઉષા = ઓખા)એ શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું ગુપ્ત રીતે અપહરણ કરાવી તેની સાથે લગ્ન કર્યું. અનિરુદ્ધને છોડાવવા શ્રીકૃષ્ણે બાણાસુર સાથે યુદ્ધ કર્યું. બાણાસુર શંકરના ઉપાસક હોવાથી, શ્રીકૃષ્ણને ભગવાન જાણવા છતાં શંકર બાણાસુરના પક્ષમાં રહીને શ્રીકૃષ્ણ સામે લડ્યા, તો બાણાસુર હાર્યો. આમ, શ્રીકૃષ્ણને ભગવાન જાણવા છતાં શંકર તેમની સામે લડ્યા.

અક્રૂર વંદનભક્તિવાળા હતા, તે છતાં તેમણે સુધન્વા પાસે સ્થમંતક મણિની ચોરી કરાવી. સુધન્વાએ મણિ અક્રૂરને દઈ દીધો ને પોતે ભાગી છૂટ્યો. શ્રીકૃષ્ણે તેનો પીછો કરીને તેને માર્યો પણ મણિ મળ્યો નહિ. અક્રૂરે કાશીએ જઈ ગંગાજી ઉપર મણિકર્ણિકા ઘાટ બનાવરાવ્યો. શ્રીકૃષ્ણે એ જાણ્યું ને અક્રૂર પાસેથી મણિ લઈ આવ્યા. આમ અક્રૂર ભક્ત હોવા છતાં ભગવાન પાસે કપટ કર્યું.

એ રીતે જે હરિભક્ત સત્ત્વગુણ પ્રધાન ન વર્તે તેનાથી અવળું કર્મ થઈ જાય.

[←153]

ચોંટી રહેવાનો ગુણ.

[←154]

ગફલત, બેદરકારી, ધાર્મિક ક્રિયામાં અપ્રવૃત્તિ.

[←155]

માત્ર દ્રવ્ય-ધનની પાછળ પડેલો.

[←156]

ઇંદ્રિયોના સુખમાં જ રચ્યાપચ્યા રહેનાર.

[←157]

ગુણોનું અનુસંધાન.

[←158]

દોષોનું અનુસંધાન.

[←159]

ખોટ.

[←160]

અસ્પષ્ટપણે, અપ્રગટપણે.

[←161]

બૃહસ્પતિ + આદિક: દેવોના ગુરુ, વગેરે.

[←162]

મત્સર + આદિક: અદેખાઈ, વગેરે

[←163]

અર્થ: આત્મસ્વરૂપમાં જ આરામ માનનારા, કામ ક્રોધાદિક દોષોથી રહિત મુનિઓ પણ, બહુ પરાક્રમવાળા પરમાત્મામાં નિષ્કામ ભક્તિ કરે છે. કારણ કે ભગવાનના ગુણો આત્મારામ મુનિઓને પણ આકર્ષણ કરે તેવા હોય છે. (ભા. પ્ર. અ. ૭-૧૦)

[←164]

અર્થ: બ્રહ્મરૂપ થયો એટલે જેને આત્મસ્વરૂપનો આવિર્ભાવ થયો છે અને પ્રસન્ન મન છે, એટલે ક્લેશ કર્માદિ દોષથી જેનું મન વ્યાપ્ત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ જ કોઈ પદાર્થને ઇચ્છતો પણ નથી અને સર્વ ભૂતમાં સમ છે એટલે કોઈ વસ્તુનો આદર નહિ કરનાર અર્થાત્ સર્વે વસ્તુને તૃણવત્ માને છે તે પુરુષ મારે વિષે પરા ભક્તિને પામે છે. (ગી. અ. ૧૮-૫૪)

[←165]

અર્થ: ધર્મ સ્થિતૈરૂપ-શબ્દાદિક વિષય રાગે રહિત, પોતાના વર્ણાશ્રમ ધર્મમાં સદા વર્તતા, અને અક્ષરબ્રહ્મ સાથે આત્મસ્વરૂપના સાધર્મ્યપણાને વિચારતા, અર્થાત્ હું અક્ષરબ્રહ્મ છું એવી ભાવના કરતા જનોએ અક્ષરબ્રહ્મના તેજ પૂંજ મધ્યે નિત્યે વિરાજમાન, દિવ્ય મૂર્તિ જેમની છે એવા ભગવાન સદા ઉપાસ્ય છે. આવા પોતાના સિદ્ધાંતને કહેનારા, ભક્તિ ધર્મના પુત્ર આપના શરણને પામું છું. (સ. જી. પ્ર. ૫, અ. ૬૬, શ્લો. ૨૧)

[←166]

ગઢડા પ્રથમ પ્રકરણ ૧૮

[←167]

સત્સંગિજીવન ગ્રંથના પ્રકરણ ૪ના અધ્યાય ૬૨ થી ૬૭માં કરેલો ઉપદેશ.

[←168]

સત્સંગિજીવન ગ્રંથના પ્રકરણ ૩ના અધ્યાય ૨૭માં કરેલો ઉપદેશ.

[←169]

લખવાનું કામ કરતો માણસ, લેખક.

[←170]

બગલમાં થતાં વાળના જેવા ક્ષુલ્લક.

[←171]

જડભરત અને અખંડાનંદ સ્વામીનાં દૃષ્ટાંત: ભરતજીને મૃગલામાં આસક્તિ રહી તેથી મૃગનો દેહ આવ્યો, ત્યાર બાદ ફરી મનુષ્ય જન્મ થયો ત્યારે કોઈ જગ્યાએ આસક્તિ ન થઈ જાય તે માટે જાણીને ગાંડાની જેમ વર્ત્યા, ને જડભરત કહેવાયા. તે વખતે તેમનું પુષ્ટ શરીર જોઈને દેવીભક્તો તેમનું બલિદાન-ભોગ આપવા માટે લઈ ગયા તો યે તેમની ડગી નહિ.

સદ્‌ગુરુ શ્રી અખંડાનંદ સ્વામી શ્રીજીમહારાજના આશ્રિત મોટા સંત હતા. તેમને જંગલમાં વાઘ મળ્યો ને તેમને મારવા આવ્યો, તો સ્વામીની ડગી નહિ. આ રીતે, આત્મનિષ્ઠા કરવી જોઈએ.

[←172]

સમાધિ.

[←173]

આત્મસત્તારૂપ.

[←174]

દેહ + ગેહ (ઘર) + આદિક.

[←175]

અનિશ્ચિત, હવામાં લટકેલા.

[←176]

વારંવાર કહીને, ઠપકો આપીને.

[←177]

અત્યારે

[←178]

જીવને શુદ્ધ કરવો.

[←179]

પરાજય, હાર.

[←180]

પસંદ

[←181]

દેખાવ, દંભ.

[←182]

નિરંતર રહેતું ચિંતવન.

[←183]

અર્થ: કામાર્ત પુરુષ, ચોર, નટ, વ્યસની અને શત્રુ એટલા જનો પોતાના સ્વાર્થની સિદ્ધિને જેમ નિત્ય ચિત્તમાં સંભારે છે તેમ પરમસ્નેહે કરીને નારાયણ ભગવાનને સંભારતા એવા ભક્તિ-ધર્મના પુત્ર અને ભક્તની રક્ષા કરનારા તેમને હું પામ્યો છું. (સ. જી. પ્ર. ૫, અ. ૬૬-૧૮)

[←184]

અર્થ: પતિવ્રતા સ્ત્રી, ચકોર પક્ષી, શલભ, મચ્છ, બપૈયો અને કોક પક્ષી - એટલા જેમ પોતાના પ્રિય વિષયોમાં જોડાય છે, તેમ જ ભગવાનની મૂર્તિને વિષે હર્ષે કરીને અત્યંત જોડાતા એવા ભક્તિ-ધર્મના પુત્ર અને ભક્તની રક્ષા કરનારા તમને હું પામ્યો છું. (સ. જી. પ્ર. ૫, અ. ૬૬-૧૯)

[←185]

રવાડે ચઢવું, રવડવું, રખડવું.

[←186]

તીવ્ર લાગણી, ચાનક.

[←187]

ખુલાસો, સમજણ, સમર્થન, પુષ્ટિ, વૃદ્ધિ, પ્રચાર.

[←188]

કુલડી, ડબ્બી, પડિયો.

[←189]

સંયમી.

[←190]

ઉપાસનાની દૃઢતા.

[←191]

અર્થ: વ્યવહારે કરી સાધુ જણાય.

[←192]

ઉંદરનું ને પાટીદારનું દૃષ્ટાંત: જે ઘરમાં ખાવાનું મળે તે ઘરમાં ઉંદર રહે છે. ખાવાનું મળતું બંધ થઈ જાય તો ઉંદર તે ઘરનો ત્યાગ કરી દઈ, જ્યાં ખાવાનું મળે તેમ હોય તેવા બીજા ઘરમાં રહેવા જાય છે. એ રીતે ખાવાપીવાની ટેવ પડી જાય, ને કદાચ તે સત્સંગમાં ન મળે તો સત્સંગમાંથી બહાર જતું રહેવાય.

ગુજરાતમાં ચરોતરમાં (ખેડા જિલ્લામાં) ગામના પાટીદારો પોતાને ઊંચા કહેવડાવે છે, ને તે સિવાયના ગામની કન્યા લેતા નથી, ને તેમ કરવામાં ઘણીવાર ખૂબ હેરાન ને દુઃખી થાય છે, તો પણ તે રિવાજને છોડી શકતા નથી.

એ રીતે ટેવ પડે તો તેમાંથી સુખિયા કે દુઃખિયા થવાય છે.

[←193]

જુઓ પરિશિષ્ટ.

[←194]

ઘડીમાં દેહરૂપ ને ઘડીમાં બ્રહ્મરૂપ વર્તવું તે.

[←195]

અર્થ: શબ્દાદિક વિષય રાગે રહિત, પોતાના વર્ણાશ્રમધર્મમાં સદા વર્તતા, અને અક્ષરબ્રહ્મ સાથે આત્મસ્વરૂપના સાધર્મ્યપણાને વિચારતા, અર્થાત્ હું અક્ષરબ્રહ્મરૂપ છું, એવી ભાવના કરતા જનોએ અક્ષરબ્રહ્મના તેજઃપુંજ મધ્યે નિત્ય વિરાજમાન, દિવ્યમૂર્તિ જેમની છે એવા ભગવાન સદા ઉપાસ્ય છે. આવા પોતાના સિદ્ધાંતને કહેનારા, ભક્તિધર્મના પુત્ર! આપના શરણને પામું છું. (સ.જી. પ્ર. ૫, અ. ૬૬-૨૧)

[←196]

અર્થ: નારદજી – હે શુકજી! ધર્મરૂપ તથા અધર્મરૂપ, સત્યરૂપ તથા અસત્યરૂપ સંકલ્પનો ત્યાગ કરો. (ભા. મોક્ષધર્મ અ. ૩૩૦, શ્લોક ૪૦)

[←197]

ઘોડાના તબેલા તથા જાતવંત ઘોડાનું દૃષ્ટાંત: ઘોડાના તબેલામાં જાતવંત ઘોડાની કિંમત જાણીને તેના માટે બાજરી, ચણા, ઘાસ, પાણી વગેરેની વ્યવસ્થા કરે છે, તબેલામાં ઘોડાને બાંધવાની જગ્યા સારી બનાવે છે, સ્વચ્છ રાખે છે. આમ કરવાથી ઘોડા સારી રીતે રહે છે. તે રીતે પોતાને જે ધન, બંગલા, ખેતીવાડી, પુત્રપરિવાર મળ્યો હોય તેને ભગવાનનું માહાત્મ્ય જાણી ભગવાનને વિષે જોડવો.

[←198]

ઠરાવવું, આરોપવું.

[←199]

અર્થ: જે ભગવાન હંમેશાં પોતાની મેળે જ એકકાળાવચ્છિન્ન પ્રત્યક્ષપણે સર્વેને જાણે છે.

[←200]

અર્થ: દેહ છો પડી જતો, પણ મોક્ષરૂપી અર્થને સિદ્ધ કરું.

[←201]

વિશ્વાસ, ભરોસો.

[←202]

તલતુંબડીનું દૃષ્ટાંત: સંસ્કૃત ભાષાના અભ્યાસ કરનારાને ઘણું ગોખવાનું હોય. તુંબડીમાં તલ ભરીને ગોખવાનું શરૂ કરે. એક વાક્ય એક વાર બોલે ને એક તલ બહાર કાઢે, તેમ કરતાં કરતાં જ્યારે આખી તુંબડી ખાલી થઈ જાય ત્યારે ગોખવાનું બંધ કરે. એ રીતે, ભગવાનનું શ્રવણ-મનન કરવું તો એ પુરુષાર્થ જોઈને ભગવાનની કૃપા ઊતરે ને સાક્ષાત્કાર થાય.

[←203]

આશરો, બહાનું.

[←204]

માયાનું ટોળું: ત્રણ દેહ (સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ), ત્રણ અવસ્થા (જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ), ત્રણ ગુણ (સત્ત્વગુણ, રજોગુણ ને તમોગુણ), પંચ પ્રાણ (પ્રાણ, અપાન, સમાન, વ્યાન ને ઉદાન), પંચભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ), પંચ વિષય (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ), ચાર અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર), દસ ઇંદ્રિયો (શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના ને ઘ્રાણ - એ જ્ઞાનેન્દ્રિયો; વાક્, પાણિ, પાદ, પાયુ ને ઉપસ્થ - એ કર્મેન્દ્રિયો), ચૌદ દેવતા (દિશા, પવન, સૂરજ, પ્રચેતા, અશ્વિનીકુમાર, અગ્નિ, વિષ્ણુ, ઇંદ્ર, મિત્ર, પ્રજાપતિ, ચંદ્રમા, બ્રહ્મા, અચ્યુત, શંકર). આ બધું મળીને માયાનું ટોળું કહેવાય છે.

[←205]

ટિટોડીનું દૃષ્ટાંત: એક ટિટોડીએ સમુદ્રને કાંઠે ઈંડાં મૂક્યાં. પાણીના મોજામાં સમુદ્ર તે ઈંડાંને તાણી ગયો. ટિટોડીએ સમગ્ર પક્ષીમંડળને બોલાવ્યું ને તેમની બધાંની ચાંચ ને પાંખથી માટી ને કાંકરા સમુદ્રમાં નાંખવા લાગ્યાં. આ વાત નારદજીએ જાણી. વૈકુંઠમાં જઈ ભગવાનને વાત કરી કે મૃત્યુલોકમાં બધાં કુશળ-સુખી છે, પણ ટિટોડી દુઃખી છે, તેનાં ઈંડાં સમુદ્ર લઈ ગયો છે, અને બધાં પક્ષીઓ મળીને સમુદ્ર પૂરવા માંડ્યા છે, પણ ગરુડની સહાય ન મળે ત્યાં સુધી તે બિચારા શું કરે? આથી ભગવાને ગરુડને મોકલ્યો. ગરુડે પોતાની ચાંચ ને પગ દ્વારા મોટા મોટા પર્વતો લઈને સમુદ્ર પૂરવા માંડ્યો. તેથી સમુદ્ર ગભરાયો ને તેણે ટિટોડીનાં ઈંડાં પાછાં આપ્યાં. આમ, ટિટોડીની જેમ જો કોઈ ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટેનો પુરુષ પ્રયત્ન કરવા માંડે તો ભગવાન ને સંત જરૂર સહાય કરે.

[←206]

અર્થ: સમગ્ર જગતને સુખ આપનાર વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય તપે છે, ઇન્દ્ર વર્ષે છે, અગ્નિ બાળે છે અને મૃત્યુ મારા ભયથી પ્રાણીઓમાં વિચરે છે. (ભા. તૃ. ૨૫-૪૨)

[←207]

અર્થ: હે ભગવન્! ક્યારેક પણ જે તમારા નામનું શ્રવણ, કીર્તન, પ્રણામ તથા સ્મરણાદિક કરવાથી શ્વપચ પણ તત્કાળ યજ્ઞ કરવાને માટે કલ્પાય છે એટલે પવિત્ર થાય છે તો તમારાં દર્શનથી પવિત્ર થાય તેમાં શું કહેવું? (ભા. તૃ. અ. ૩૩-૩૬)

[←208]

પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ભૂતથી આકાશરૂપી પાંચમું તત્ત્વ મેલું થતું નથી.

[←209]

ગુણના સમૂહથી યુક્ત.

[←210]

નુકસાન-ફાયદો.

[←211]

શમ (શાંતિ, ક્ષમા, અંતઃકરણને નિયમમાં રાખવું), દમ (ઇંદ્રિયોને વશ રાખવી, સંયમ), વગેરે સદ્‌ગુણ. શમ (શાંતિ, ક્ષમા, અંતઃકરણને નિયમમાં રાખવું), દમ (ઇંદ્રિયોને વશ રાખવી, સંયમ), વગેરે સદ્‌ગુણ.

[←212]

અર્થ: ભગવાનની આરાધનારૂપ કર્મને વિષે આત્મજ્ઞાન રહ્યું છે એમ જુવે અને આત્મજ્ઞાનને વિષે કર્મને જુવે. અર્થાત્ આત્મજ્ઞાન સાક્ષાત્કાર થયું હોય તો પણ ભગવદ્ ભજન સ્મરણરૂપ કર્મ અવશ્ય કરવું જોઈએ. એ પ્રમાણે જાણે તે બુદ્ધિમાન છે. (ગી. ૪-૧૮)

[←213]

અર્થ: દેહ છો પડી જતો. પણ મોક્ષરૂપી અર્થને સિદ્ધ કરું.

[←214]

સહિત.

[←215]

ત્વરા રાખે, પડાપડી કરે.

[←216]

છાદન: ઓઢવાનું હોય તે, આચ્છાદન.

[←217]

નિઃઆનંદ: આનંદ વગરનું, દિલગીર.

[←218]

અર્થ: જે પુરુષ આત્મસુખના અનુભવવાળો, ધ્યાન કરવા યોગ્ય આત્મસ્વરૂપમાં આરામ કરનાર. આત્મધ્યાને કરી પ્રકાશવાન તેમજ જ્ઞાનયોગમાં નિષ્ઠાવાળો છે તે બ્રહ્મરૂપ થકો અક્ષરબ્રહ્મ સંબંધી સુખને અનુભવે છે. (ગી. અ. ૫-૨૪)

[←219]

નટની રમત, જે સાચી ન હોય પણ સાચા જેવી જ લાગે.

[←220]

ભૂખ.

[←221]

તરસ.

[←222]

ખેતરને સમાર દેવું: ખેતરમાં ચાસમાં બી નાંખી તે ઢાંકવા, ઉપર લાંબું પાટિયું ફેરવવું.

[←223]

અવગતિયો જીવ, બારમાને દહાડે પિંડીકર્મ થાય ત્યાં સુધી મુએલાની સ્થિતિ.

[←224]

સ્થાવર + આદિક: ચલાયમાન ન થઈ શકે તેવું વગેરે.

[←225]

ધ્રો એટલે એક જાતનું ઘાસ, દુર્વા. વરસાદ ન પડે ને બધી વનસ્પતિ સુકાવા માંડે, ત્યારે પણ આ ઘાસનાં મૂળ ઊંડાં હોવાથી તે લીલું ને લીલું જ રહે છે. એ જ રીતે, બોરડીના વૃક્ષનાં મૂળ પણ જમીનમાં ઊંડે સુધી ગયેલાં હોય છે, તેથી ઉપરથી કાપી નાખો તો ફરી ઊગી નીકળે છે. આમ, સત્સંગમાં નક્કી-ઊંડો પાયો કરેલાનો સત્સંગ લીલો ને લીલો રહે છે.

[←226]

લાંપડા નામના ઘાસના મૂળ સાવ જમીન ઉપર-ઉપર હોય છે, ને તે સહેજમાં સુકાઈ જાય છે અને થોડા પવનમાં પણ ઊડી જાય છે. તે રીતે, જેને સત્સંગમાં પાકો પાયો નથી તેને દેશ-કાળનો સહેજ વિષમ પવન લાગતાં સત્સંગમાંથી પાછા પડી જાય છે.

[←227]

સાકરકોળાનું દૃષ્ટાંત: સાકર-કોળાના વેલામાં જ્યાં સુધી કોળાનાં ફળ બેઠાં હોતાં નથી, ત્યાં સુધી તેનાં પાંદડા, ડાળિયો વગેરે મોટાં લાગે છે, પણ કોળાં લાગે ને મોટા થતા જાય તેમ ડાળાં-પાંદડાં કમજોર થઈ જાય છે. તે રીતે, સાકરકોળા રૂપ મુખ્ય સંકલ્પ છે, ડાળાં-પાંદડાં રૂપ આડા-અવળા સંકલ્પ છે. મુખ્ય સંકલ્પ દૃઢ થાય તેમ બીજા સંકલ્પ ગૌણ થઈ જાય. શ્રીહરિને પામવાનો મુખ્ય સંકલ્પ હોય તો બીજા સંકલ્પ ગૌણ થાય.

[←228]

અર્થ: મને જે નિષ્કામ ભક્તિયોગે કરીને આરાધે છે, તે યોગી સત્વાદિક ગુણોને ઉલ્લંઘીને વર્તે છે અને પોતે અક્ષરબ્રહ્મરૂપ થાય છે. (ગી. આ. ૧૪-૨૬)

[←229]

ઊર્ધ્વ (ઊંચું) + રેતસ્ (વીર્ય): ઉત્તમ બ્રહ્મચારીનું વીર્ય જનનેન્દ્રિયમાં આવતું જ નથી. ઇંદ્રિયજીત.

[←230]

પરાકાષ્ઠા, મર્યાદા, સીમ.

[←231]

તાકીદ, ઉતાવળ, વેગ, તાલાવેલી.

[←232]

વાપરશે.

[←233]

ઘડાઈને રીઢો થયો, સિદ્ધ થયો.

[←234]

ઇંદ્રિયોને લાડ લડાવવા, ઇંદ્રિયસુખમાં રચ્યાપચ્યા રહેવું.

[←235]

અર્થ: મોક્ષોપયોગી નિષ્કામ ધર્મનું ફળ દ્રવ્ય પ્રાપ્તિ નથી, પણ મોક્ષ જ છે. તેમજ ધર્મોપયોગી અર્થનું ફળ ભોગવિલાસ નથી, પરંતુ ધર્મ જ છે. અને દેહનિર્વાહોપયોગી ખાનપાનાદિક ઇંદ્રિયોને તૃપ્તિ કરવા માટે નથી પરંતુ દેહનિર્વાહ માટે છે, ને જીવનનું ફળ કર્મો કરી મેળવેલાં દ્રવ્યથી ભોગવિલાસ ભોગવવા તે નથી, પરંતુ અદ્વિતીય જ્ઞાન જાણવા માટે જ છે. (ભા. પ્ર. અ. ૨, શ્લો. ૯-૧૦)

[←236]

અર્થ: જીવને સંબંધીઓમાં તથા વિષયોમાં કોઈ પણ રીતે ન છેદાય એવા પાશરૂપ દૃઢ પ્રસંગ છે તે જ પ્રસંગ જો એકાંતિક સાધુઓમાં કર્યો હોય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય છે. (ભા. તૃ. અ. ૨૫-૨૦)

[←237]

અર્થ: સકામ કર્મ શરીરના બંધનરૂપ છે.

[←238]

જુઓ વાત ૨૮૯.

[←239]

મોટા મનના.

[←240]

અભાવ, અનાદર, અવગણના, બેપરવાઈ.

[←241]

યુક્તિ, ઉપાય, રીત.

[←242]

કપાસના ક્ષેત્રનું દૃષ્ટાંત: કપાસના ખેતરમાં છોડ ઉપરથી રૂ ભેગું કરવામાં આવે છે, ને ડાળાં-પાંખડાં પડી રહેવા દેવામાં આવે છે. તેમ મનુષ્ય બધેથી ગુણ ગ્રહણ કરે, ને દોષ પડી રહેવા દે, તો ગુણનો ઢગલો થાય.

[←243]

ઉપર ને બાજુઓમાં કપડાં બાંધી બંધ કરેલો મંડપ.

[←244]

વિગત.

[←245]

તેલની ધાર જેવી અતૂટ વૃત્તિ, એકધારી વૃત્તિ.

[←246]

પ્રતિસ્પર્ધી, હરીફ, સમોવડિયા.

[←247]

ખૂંતવું-ખૂંચી જવું, અંદર જઈ સજ્જડ ચોંટવું.

[←248]

લેવાયો-ઝલાયો, ભળેલો.

[←249]

ઇન્દ્રનું દૃષ્ટાંત: એક વખત કામદેવ, વસંત, અપ્સરાઓ વગેરેને લઈને ઇન્દ્ર બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનની તપશ્ચર્યામાં ભંગ કરાવવા ગયો. ત્યારે શ્રી નરનારાયણના કહેવાથી નરે પોતાની ઉરુ (જાંઘ)માંથી ઉર્વશી નામની અપ્સરા ઉત્પન્ન કરી, જેને જોઈને પેલી અપ્સરાઓ નિસ્તેજ થઈ ગઈ ને ઇન્દ્રનો ગર્વ ઊતરી ગયો. આ રીતે શ્રી નારાયણમાં કામ કે ક્રોધ હતા જ નહિ.

[←250]

શાહુકારની શાહુકારીનું દૃષ્ટાંત: પૈસાવાળા દુકાનદારનું દિવાળુ નીકળે તો તેનું બધી જગ્યાએથી અપમાન થાય છે, તેમ ભગવાનની આજ્ઞા લોપે તેનું સર્વત્ર અપમાન થાય છે. મેમકાના એક હરિભક્તે શ્રીજીમહારાજની ના છતાં સાંખ્યયોગ સાથે બ્રહ્મચર્ય વ્રત લીધું, તે પછી દુકાનમાં છાનોમાનો પરસ્ત્રી રાખતો. તેમાંથી પકડાઈ ગયો ને વાત જાહેર થઈ ને ખૂબ અપમાનિત થયો. પછી તે ડભાણમાં શ્રીજીના દર્શને આવ્યો ત્યારે મહારાજ કહે, “સુતાર હરિભક્ત સાંખ્યયોગી બ્રહ્મચારી થઈને પધાર્યા છે ને મીઠો દંડપ્રસાદ ખાઈને આવ્યા છે તેમને આવવા દો.” આ રીતે ભરી સભામાં તેનું અપમાન થયું.

[←251]

આકરાપણું.

[←252]

મૂળમાંથી, બધી રીતે.

[←253]

અર્થ: દેહ, ઇંદ્રિય ને પ્રાણરહિત અને વૈકુંઠ ધામને વિષે રહેનારાને દેહનો સંબંધ કેવી રીતે થયો તેને કહેવાને યોગ્ય છો. (ભા. પં. અ. ૧-૩૪)

[←254]

તમે માયિક ઇંદ્રિયોથી રહિત, સ્વતંત્ર અને સમગ્ર ઇંદ્રિયોની શક્તિને ધારણ કરનારા છો. તમોએ જેને જે પ્રમાણે આજ્ઞા આપી છે તે પ્રમાણે સર્વ પ્રધાનપુરુષાદિક ઈશ્વરો તથા ઇન્દ્રાદિક દેવતાઓ તમારાથી પામતા થકા તે તે અધિકારને યથાર્થ રીતે પાલન કરે છે અને જેમ ખંડીઆ રાજાઓ પોતાની પ્રજાએ આપેલા કરને સ્વીકારીને ચક્રવર્તી રાજાને આપે છે, તેમ તે પ્રધાનપુરુષાદિકો પોતાના ભક્તોએ આપેલા બલિદાનને ગ્રહણ કરે છે અને તે તમોને બલિદાન આપે છે. (ભા. દ. અ. ૮૭-૮૮)

[←255]

ભરતીનું પાણી.

[←256]

સુગંધીદાર તેલ, જે તલ અને ફૂલને કેટલોક સમય સાથે રાખી, તેને પીલીને બનાવવામાં આવે છે.

[←257]

પાણિયારી તથા અસ્વારનાં દૃષ્ટાંત: વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ ૯: “જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે જે રખે કૂવામાં પડી જાઉં, અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે... જેમ કોઈ પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે, અને દોડતાં થકાં વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે, ત્યાં પણ સૂરત રાખે.” આ રીતે ભગવાનના ભક્તે ભક્તિ કરતાં કરતાં જ વ્યવહાર કરવો.

[←258]

ગોવિંદરામનું દૃષ્ટાંત: ગોવિંદરામ નામના વિપ્ર હરિભક્તને દેહ ને દેહના સંબંધીમાં બહુ હેત હોવાથી કાંઈ દોષમાં આવ્યા. શ્રીહરિએ તેમને વિમુખ કરીને કાઢી મૂક્યા. તે છતાં ગોવિંદરામ તો રોજ મંદિરમાં આવતા જ રહ્યા. એ આવે ત્યારે એમનો તિરસ્કાર કરવો એવી શ્રીહરિની આજ્ઞાથી એમનો ઘણો તિરસ્કાર થયો, તે છતાં તેમણે મંદિરમાં આવવાનું છોડ્યું જ નહિ. શ્રીજી ત્યાં પધાર્યા ત્યારે શ્રીજી કહે, “ગોવિંદરામ, તું દોષિત છે તેથી અમે મંદિરમાંથી તને કાઢી મૂકીએ છીએ.” ત્યારે ગોવિંદરામે કહ્યું, “મારામાં દોષ છે, તેવો તમારામાં પણ દોષ છે. તમે મારા હૃદયમાં પેસી ગયા છો તે નીકળતા જ નથી, જો તમે મારા હૃદયમાંથી નીકળી જાવ તો હું મંદિરમાંથી નીકળી જાઉં! જો તમે મારા હૃદયમાંથી ન નીકળો તો કૃપા કરીને મને પણ તમારી સાથે રહેવા દો!” આવી વાણી સાંભળી શ્રીજી પ્રસન્ન થયા અને પ્રાયશ્ચિત્ત કરાવી સત્સંગમાં રાખ્યા.

[←259]

નિરવદ્ય: નિઃ + અવદ્ય = અજ્ઞાન રહિત, નિર્દોષ.

[←260]

નિઃ + રંજન = માયા રહિત.

[←261]

સુકુમારતા, નાજુકતા

[←262]

સૌંદર્ય.

[←263]

ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિભાગ: ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્રજ્ઞ તે આત્મા. જીવથી માંડીને મૂળઅક્ષર પર્યંત ક્ષેત્ર ને શ્રીજીમહારાજ ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ જુદાં છે તેની સમજ.

[←264]

હનુમાનજીનું દૃષ્ટાંત: સીતાજીની શોધમાં હનુમાનજી લંકા ગયા ત્યારે કેટલીય સ્ત્રીઓને જોવી પડેલી, પણ હનુમાનજીની વૃત્તિઓમાં કોઈ ક્ષોભ કે વિકાર થયો ન હતો. (વચનામૃત જેતલપુર ૨).

[←265]

વર્ણન, વિવેચન.

[←266]

કીડીનું દૃષ્ટાંત: કીડી દેહભાવને લીધે ખાદ્ય પદાર્થના કણને જમીનમાં ભેગા કરે છે, પણ તે ખાદ્ય પદાર્થને તેતર જેવા પંખીઓ ચાંચ ને પગથી જમીન ખોદી કાઢીને ખાઈ જાય છે. તે રીતે મનુષ્ય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કરે છે, પણ તે દેહભાવમાં રહેલી અહંવૃત્તિ સહિત કરે છે, તેથી તે અહંવૃત્તિરૂપ તેતર તે સાધનનાં ફળને ખાઈ જાય છે, ને મનુષ્યને પુરુષોત્તમનું સ્વરૂપ પામવા રૂપી ફળ મળતું નથી. કીડી જેવા સૂક્ષ્મ દેહધારીથી માંડીને પુરુષોત્તમનારાયણથી નીચેની ભૂમિકા સુધી સર્વેમાં સૂક્ષ્મ અહંવૃત્તિ રહી છે, જે સર્વેને આવરણ રૂપ છે. આ રીતે અહંવૃત્તિ અતિ સૂક્ષ્મ છે.

[←267]

વિસ્તાર, લખાણ.

[←268]

ત્વરા, વેગ, તાકીદ.

[←269]

મહાભારતમાં.

[←270]

પરપોટા.

[←271]

રાંધવા જેટલું કાચું અનાજ વગેરે સામગ્રી.

[←272]

રાંધવા માટે ઈંધણ, બાળવાનાં લાકડાં.

[←273]

પુરુષને સ્ત્રી થકી ને સ્ત્રીને પુરુષ થકી વિષયવિકાર ઉત્પન્ન થવાનો સંભવ હોવાથી પરસ્પર સાવધાન રહેવા રૂપી બીક રાખવાનું સૂચવ્યું છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૩૪).

[←274]

શ્રીમદ્‌ભાગવતમાં પુરંજન નામના રાજાનું આખ્યાન છે. પુરંજન રાજાએ પોતાનું કુટુંબ એટલું વિસ્તારી દીધું કે પોતે પ્રભુભજન કરી શક્યો. આ રીતે, પુરંજન રાજા રૂપે શરીરના રાજા જીવાત્માએ પોતાની વૃત્તિઓ રૂપી કુટુંબનો અતિશય વિસ્તાર ન કરવો, તેને પાછી વાળવી.

[←275]

ડંખ, દંશ, ચટકો.

[←276]

ધાર, ધારા, પ્રવાહ.

[←277]

અક્ષરમાં.

[←278]

એશઆરામ, મજા.

[←279]

લાંપડુ સળગે ત્યારે તાપ લાગતો નથી, તે રીતે વિષયસુખ પણ નહિવત્ છે.

[←280]

ચટકો. દંશ.

[←281]

વચનામૃત ગઢડા અંત્ય ૩૯.

[←282]

“વેદશાસ્ત્રમાં કહેલા સદાચારરૂપી ધર્મનો (બ્રહ્માદિક દેવથી માંડીને મોટા પરમહંસ, બ્રહ્મવેત્તા, સંત, સંન્યાસી, સિદ્ધપુરુષ વગેરે) કોઈએ પણ ક્યારેય ત્યાગ કરવો નહીં. અને તેજોમય અક્ષરધામમાં વિરાજમાન એવા સદા એક દિવ્ય સાકાર મૂર્તિ શ્રીવાસુદેવ ભગવાનની ભક્તિ કરવી તથા પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન સિવાય બીજી વસ્તુમાંથી અલ્પ પણ પ્રીતિનો સંપૂર્ણ ત્યાગ કરી, પરમાત્મા પુરુષોત્તમનારાયણનું માહાત્મ્ય જાણવા માટે એકાંતિક સંતોની સેવા કરવી.” એમ શ્રી ધર્મદેવના પુત્ર શ્રી નીલકંઠવર્ણી પોતાના આશ્રિતોને ઉપદેશ કરે છે. (સ. જી. પ્ર. ૫, અં ૫૫-૨૮)

[←283]

તજો સાધનનો ઉર આમળો: સંગીત, શાસ્ત્રાર્થ વગેરે ભક્તિના સાધનનો મનમાં બહુ ભાર-મદાર રાખવો નહિ.

[←284]

રણમાં ટુક ટુક ઊડી જાય છે: રણમેદાન-લડાઈમાં ટુકડે ટુકડા થઈ જાય છે.

[←285]

એક ચોકડી એટલે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળિયુગ એમ ચારે મળીને થતો સમય – તેંતાલીસ લાખ અને વીસ હજાર વર્ષ. આવી એકોતેર ચોકડી જેટલા સમય માટે એક ઇન્દ્ર સ્વર્ગમાં રાજ્ય કરે છે.

[←286]

બિલાડીનું દૃષ્ટાંત: એક બિલાડીએ માટીના ઘડામાં રાખેલું દૂધ પીવા માટે જોર કરી માથું ઘડામાં નાખ્યું ને દૂધ પીધું, પણ પછી માથું બહાર કાઢી શકી નહિ; પ્રયત્ન કરતાં ઘડો ફૂટી ગયો. પણ ઘડાનો કાંઠો ગળામાં રહી ગયો. આથી બિલાડીનું હલનચલન મુશ્કેલ થયું. ગળામાં કાંઠલો પહેરેલી બિલાડીને જોઈ ઉંદર પૂછવા લાગ્યા, “આ શું થયું?” બિલાડી કહે, “હું કેદારેશ્વર તીર્થ કરવા ગઈ હતી, ત્યાંથી આ કંકણ પહેરીને આવી છું. હવે મેં અહિંસાનું વ્રત લીધું છે; હું પવિત્ર સાધ્વી થઈ ગઈ છું, કોઈને બિલકુલ મારતી નથી. આવો! તમે બધાં નિર્ભય થઈને મારા પગમાં પડો, હું તમને આશીર્વાદ આપીશ. વિશ્વાસ રાખો.” આથી ઉંદરને વિશ્વાસ થઈ ગયો ને પગમાં પડવા માંડ્યા. પણ ક્યારેક કોઈ એકલદોકલ ઉંદર પગમાં પડવા આવી ચડે તો તેને મારી ખાય. આમ બિલાડીનો સ્વભાવ ગયો નહિ. આ રીતે જીવનો અવળો સ્વભાવ મોટા પુરુષના સમાગમ વિના ટળતો નથી.

[←287]

ધીરે ધીરે ઘટતાં ક્ષય તિથિ થાય તેવી તિથિ.

[←288]

ધીરે વધતાં વૃદ્ધિ તિથિ થાય તેવી તિથિ.

[←289]

ગાયનો વાઘ કર્યો એ દૃષ્ટાંત: એક બ્રાહ્મણને ગાય દાનમાં મળી. દસ-વીસ ઠગ લોકોએ જુદી જુદી જગ્યાએ ઊભા રહી, “આ વાઘ ક્યાં લઈ જાવ છો, તમને ફાડી ખાશે,” વગેરે વારે વારે કહ્યું. તેથી બ્રાહ્મણને ભ્રમ થયો ને તે ગાયને વાઘ માનીને છોડીને ભાગી ગયો. દેહ-ગેહાદિક મિથ્યા છે તેનું વારંવાર શ્રવણ કરે તો તે મિથ્યા થાય.

[←290]

અર્થ: અધીર અને ગાફલ પુરુષોના ઉપર શૂરવીર થઈને નાહારની પેઠે વર્તતા, છતાં પુરુષોથી ભય પામનારા કળિયુગથી શું થવાનું છે? (ભા. સ્કં. ૧, અ. ૧૮-૮)

[←291]

ફિકર ન કરે તેવા.

[←292]

એક કલ્પ (ચાર અબજ ને બત્રીસ કરોડ વર્ષ) જીવે તેવું.

[←293]

અર્થ: પતિવ્રતા, ચકોર, પતંગ, મત્સ્ય, મયૂર અને ચક્રવાક વગેરે જેમ પતિ આદિક પોતપોતાના ઇષ્ટ વિષયોમાં સંલગ્ન થાય છે. (સ. જી. પં. અ. ૬૬-૧૯)

[←294]

વચનામૃત ગઢડા મધ્ય ૩૭.

[←295]

ખાલી કૂવો.

[←296]

અર્થ: નિર્માનીપણું, વિષયમાં અનાસક્તિ, અહિંસા, મમતાનો ત્યાગ અને આત્મનિષ્ઠા તે સર્વે ભક્તિનાં અલંકારો છે.

[←297]

જેમ આગળ નીકળેલો ઘોડો ને સ્વાર વધુ ભારવાળા હોય છે, તેમ બળવાન અહંવૃત્તિવાળાને તેની અહંવૃત્તિનો વિસ્તાર પણ વધુ હોય છે.

[←298]

પશ્ચાત્તાપ, પરસ્તાવો.

[←299]

શાસ્ત્રે ફરમાવેલું, માન્ય કરેલું.

[←300]

જાળમાં ન ફસાવું, યુક્તિ-પ્રપંચમાં ન આવવું.

[←301]

સ્વચ્છતા, પવિત્રતા.

[←302]

શાસ્ત્રે માન્ય કરેલા ભોગ પણ ઘટાડવા.

[←303]

સ્પૃહા વગરનું.

[←304]

તલવારથી લડી જાણનાર.

[←305]

બીક, ધ્રાસકો.

[←306]

ભગવાનના સ્વરૂપમાં માયિક આકૃતિ, અજ્ઞાનરૂપી અંધકાર અને અશુભ વાસના આદિ દુર્ગુણોનો સારી રીતે નિષેધ કરવા માટે જ નિર્બીજ એવા સાંખ્ય અને યોગના મતની યુક્તિઓનું પ્રતિપાદન કરનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું.

[←307]

ભગવાનના સ્વરૂપના અખંડ અનુસંધાને કરીને ભક્તનો શુદ્ધ સત્ત્વમય દેહ બંધાય છે જેને સ્વામીએ ભાગવતી તનુ કહેલ છે. આવા ભક્તોના ઉપર શ્રીજીમહારાજ કૃપા કરીને તેમને બ્રહ્મમય દેહને પમાડે છે, એટલે પોતાના જેવો દિવ્ય સાકાર બનાવી પોતાના ધામને વિષે રાખે છે.

[←308]

અર્થ: હે અર્જુન, અનવધિકાતિશયાનંદરૂપ પરમાત્માને વિષે જ અનન્યાશ્રયપણે નિમગ્ન રહ્યો થકો તે સિવાય બીજી વાસનાઓનો સર્વથા ત્યાગ કરે છે, ત્યારે તે સર્વોત્તમ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (ગીતા ૨/૫૫)

[←309]

અર્થ: દેહ, જીવાત્માઓ, પ્રધાનપુરુષ, માયા, કાળ, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપને જુદાં જુદાં લક્ષણોએ કરીને જાણવું તે જ્ઞાન કહેવાય છે. (વાસુ. અ. ૨૪-૭૪)

[←310]

અધર્મની ઉત્પત્તિ, અધર્મનું ટોળું.

[←311]

શુદ્ધ વર્તનવાળા દેવ.

[←312]

ગોપીઓ તથા બળિરાજાનું દૃષ્ટાંત: પ્રૌઢ સ્વભાવની ગોપીઓ ભગવાનનો મહિમા બહુ સમજતી હતી અને ભગવાનની બધી ક્રિયાઓ દિવ્ય સમજતી હતી. તેમણે ઉદ્ધવજીને કહ્યું કે જો અમારા હાડકાંની વાંસળી બનાવશો તો તેમાંથી પણ ‘કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ’ એવા શબ્દો નીકળશે. ગોપીઓ દહીં વેચવા ગઈ તો, “દહીં લો, દહીં લો,” કહેવાને બદલે, “કૃષ્ણ લો, કૃષ્ણ લો,” બોલવા લાગેલી. આ રીતે, તેમણે ભગવાનમાં તદાત્મપણું સિદ્ધ કરેલું.

વળી, શ્રી વામનજીએ બલિરાજાના માથા ઉપર પોતાનો પગ મૂકી બલિરાજાને પાતાળમાં પેસાડ્યા ત્યારે પણ બલિરાજાએ એમ જ કહ્યું કે ભગવાન, મારા વાળ ને રૂંવાડા લોઢાના શૂળ જેવા છે તેથી આપના કોમળ પગમાં ઘૂસીને વાગ્યા હશે, તેથી મોં ને આંખથી પગને પંપાળવા લાગ્યા. આ રીતે ભગવાનને તેમણે પ્રસન્ન કર્યા. હરિભક્તે ભગવાનને વિષે આવો દિવ્યભાવ રાખવો.

[←313]

માવા ભક્તનું દૃષ્ટાંત: માવાભાઈ નામના હરિભક્ત હતા, જેમને વ્યવહારમાં કાંઈ ખબર પડતી નહિ. તેમણે એક વાણિયાને પૈસા ઉધાર આપેલા. તે પૈસાની ઉઘરાણી કરવા તે વાણિયાના ગામ ગયા, તેમને જોઈને વાણિયો (ઢોંગ કરીને) રડવા લાગ્યો. માવાભક્તે પૂછ્યું કે, “કેમ રડે છે?” વાણિયો કહે, “મારી પાસે બિલકુલ પૈસા નથી, હું તમને કેવી રીતે પૈસા આપીશ? હું નિર્ધન ક્યાંથી ધન લાવીશ?” વગેરે કહીને તે તો ફરી રડવા લાગ્યો. માવાભક્ત કહે, “અત્યારે ન હોય તો પછી પૈસા આપજે.” તો પણ વાણિયો રડતો બંધ થયો નહિ. માવાભક્તે પૂછ્યું કે, “હજુ કેમ રડે છે?” વાણિયો કહે, “જ્યારે પણ પૈસા લેવા આવશો ત્યારે હું પૈસા ક્યાંથી કાઢીશ?” માવાભક્ત કહે, “જા, એ પૈસા તને કૃષ્ણાર્પણ કરી દીધા, હવે લેવા ય નહિ આવું, બસ.” એમ કહીને દસ્તાવેજમાં સહી કરી દીધી કે પૈસા મળી ગયા છે. આ રીતે માવાભક્તને ભોળવીને પૈસા ખોટા કરાવી ગયો.

માવાભક્ત પાસે ઘાસચારાનો મોટો ગંજ હતો. તે ઓછા પૈસે ખરીદી લેવા એક પટેલ આવ્યા. માવાભક્તે તેની કિંતમ ૧૫૦ રૂ. કહી, તો પટેલ કહે, “કાંઈક ઓછું કરો.” માવાભક્તે સીધા ૧૦૦ રૂ. કહ્યા. પટેલ કહે, “હજી વધારે પડે છે, માટે કાંઈક ઓછા કરો.” માવાભક્ત કહે, “તો પચાસ દઈ દો.” પટેલ એ ગંજી લઈ ગયા. પછીથી આવીને માવાભક્તને કહે કે એમાંથી તો ચાલીસ રૂપિયાનું જ ઘાસ નીકળ્યું એટલે લો ચાલીસ રૂપિયા રાખો. માવાભક્તે કહ્યું, “ઠીક, એમ હશે.” એમ કહી રૂ. ૪૦ લીધા. આમ, વ્યવહારની કાંઈ ખબર પડતી નહિ તેથી વ્યવહાર ચલાવવામાં તેમને ઘણી મુશ્કેલીઓ પડતી. આ રીતે ભગવાન સંબંધી જ્ઞાન યથાર્થ જાણ્યા વિના મૂંઝવણ થાય.

[←314]

જેનું જ્ઞાનમય તપ છે.

[←315]

(પોતે કાંઈક છે તેવા માન-અહંરૂપી) ગાંડપણ.

[←316]

વિવેકસારની વાર્તા: સદ્‌ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીએ ‘વિવેકસાર’ નામનો ગ્રંથ લખ્યો છે, તેમાં કેટલાય પ્રકારના વિવેક વિષે વાત લખી છે એની વાર્તા.

[←317]

અર્થ: રામ જતો નથી તેમ ઊભો પણ નથી રહેતો.

[←318]

ઝેર.

[←319]

કોઈ વસ્તુ મેળવવાની કામના સાથે કરેલો યજ્ઞ.

[←320]

અર્થ: મારાં જન્મ અને ચરિત્ર દિવ્ય છે. આ પ્રમાણે જે યથાર્થપણે જાણે છે તે પુરુષ દેહનો ત્યાગ કરીને ફરીથી જન્મને નથી પામતો, પરંતુ મને જ પામે છે. (ગીતા ૪/૯)

[←321]

અર્થ: કર્મો મને બંધનકારક થતાં નથી તેમ જ કર્મના ફળરૂપ ભોગમાં પણ મને ઇચ્છા નથી. આ પ્રમાણે મને જે યથાર્થપણે જાણે છે તે ફળની આસક્તિનાં કારણરૂપ શુભાશુભ કર્મોથી બંધાતો નથી. (ગીતા ૪/૧૪)

[←322]

અર્થ: સમર્થ યોગી દેહના અહંભાવે કરીને પ્રવર્તતું કર્તાપણું, આશ્રમના અભિમાન થકી મમતાએ કરીને પ્રવર્તતું કર્મ અને તે તે કર્મ થકી ઊપજતો દેવાદિક ફલનો સંયોગ તેને નથી ઉપજાવતો. પરંતુ પ્રાચીન શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલી દેહેન્દ્રિયાદિ રૂપ પ્રકૃતિ જ પ્રારબ્ધ કર્માનુસારે પ્રવર્તે છે. (ગીતા ૫/૧૪)

[←323]

અર્થ: જે જે મુમુક્ષુને દેહાભિમાનથી થતા કર્મના કર્તાપણાનો સંકલ્પ નથી ઊપજતો, અને કર્મ સંબંધી મમતા તથા ફલને વિષે જેની બુદ્ધિ બંધાતી નથી તે પુરુષ સમગ્ર લોકને યુદ્ધને વિષે મારીને પણ નથી મારતો અને તે કર્મે કરીને બંધાતો પણ નથી. (ગીતા ૧૮/૧૭)

[←324]

અર્થ: આ પ્રમાણે આત્મતત્ત્વને જાણનારો યોગી પુરુષ શ્રોતાદિક જ્ઞાનેન્દ્રિયો, વાક્ આદિક કર્મેન્દ્રિયો, અંતઃકરણ ને પ્રાણ તેથી તે તે ક્રિયાઓને કરતાં છતાં પણ હું કંઈ નથી કરતો પણ સર્વ ઇંદ્રિયો જ પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે એમ માને. (ગીતા પ. ૮/૯)

[←325]

અર્થ: હે ઉદ્ધવ! વિદ્યા અને અવિદ્યા મારી શરીરભૂત છે. અને મારી માયા (સંકલ્પ)થી નિર્માણ થયેલી ને આદિભૂત છે તે વિદ્યા અને અવિદ્યા શરીરીઓને બંધન અને મોક્ષ કરનારી છે. વિદ્યાશક્તિ મોક્ષ કરનારી છે અને અવિદ્યા શક્તિ બંધન કરનારી છે. (ભા. અ. ૧૧-૩)

[←326]

ધ્રુમાંકડી: ઉત્તર ધ્રુવના તારા પાસે આવેલું સપ્તર્ષિના આકારનું નાનું તારામંડળ, જેને જોઈને દિશા નક્કી કરી શકાય છે.

[←327]

અર્થ: નિત્ય ચૈતન્ય અને બહુ જીવાત્માઓના મધ્યે નિત્ય, ચૈતન્ય અને એક જ પરમાત્મા જીવાત્માઓના મનોરથોને પૂર્ણ કરે છે.

[←328]

તેણે જોયું.

[←329]

તેજોમય પુરુષાકાર શ્રી ભગવાનથી સર્વ દેવો ઉત્પન્ન થયા.

[←330]

જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે હું અવતરું છું.

[←331]

મારાં જન્મ અને કર્મ દિવ્ય છે.

[←332]

હે અર્જુન! મારે કંઈ પણ કરવા યોગ્ય નથી.

[←333]

લગ્ન વખતે સ્ત્રીઓ ગાણાં ગાય તેમાં સામેનો પક્ષ પોતાના પક્ષથી હલકો છે તેવી મશ્કરીરૂપે ગાણાં જોડે છે, તે સાંભળીને તેને ગાળ ગણવાને બદલે મીઠી મશ્કરી ગણે છે. આ રીતે જો સત્‌-અસત્‌ની સમજણ હોય તો આ લોકનાં સુખદુઃખ ખોટાં થઈ જાય.

[←334]

અર્થ: જે આ જગત છે તે આથી પહેલાં ન હતું.

[←335]

અર્થ: હે ભારત! આ દેવ મનુષ્યાદિક ભૂત પ્રાણીમાત્રના પૂર્વાવસ્થા, તેમ જ અંત અવસ્થા તે સ્પષ્ટ જણાય તેવી નથી. માત્ર મધ્ય અવસ્થા જ સ્પષ્ટ જણાય છે તો તે માટે દુઃખ નિમિત્ત શોક શા માટે કરવો. (ગી. અ. ૨/૨૮)

[←336]

તે સ્વયં શ્રીજી પોતે જ છે, પણ જ્ઞાન સમજવા માટે એકાંતિક સાધુને શ્રેષ્ઠ કહ્યા છે. એકાંતિક સાધુ પોતાની પાસે જ્ઞાન સમજવા આવેલા હરિભક્તને શ્રીજીમહારાજના સ્વરૂપમાં જ જોડે છે, પોતામાં જોડતા નથી. મૂર્તિઓ રૂપે પણ શ્રીજી પ્રત્યક્ષ જ છે.

[←337]

અર્થ: હે અર્જુન! પ્રવૃત્તિ જે વૈભવનાં સાધનરૂપ ધર્મ અને નિવૃત્તિ જે મોક્ષનાં સાધનરૂપ ધર્મ, તેમ જ તે બંને ધર્મોનું પાલન કરતા સર્વ વર્ણાશ્રમીઓને કરવા યોગ્ય તથા નહિ કરવા યોગ્ય કાર્ય, અને શાસ્ત્રની મર્યાદા નિવૃત્ત થવારૂપ ભયસ્થાન તેમ જ શાસ્ત્ર પ્રમાણે વર્તવા રૂપ અભયસ્થાન આદિકને જાણનારી બુદ્ધિ સાત્વિક કહેવાય છે. (ગી. અ. ૧૮-૩૦)

[←338]

માછલાનું દૃષ્ટાંત: નદીના પૂરમાં મોટા પથ્થરો-વૃક્ષો તણાઈ જાય, પણ નાની એવી માછલી સામા પૂરે જઈ શકે છે, કેમ કે તેને તેનો અભ્યાસ છે. તે રીતે સત્પુરુષની સહાયથી અભ્યાસ-પુરુષપ્રયત્ન કરે, તો હરિભક્ત માયા રૂપી સમુદ્ર તરી જાય છે.

[←339]

વેલાનું દૃષ્ટાંત: જેમ વેલો વૃક્ષને વીંટળાઈને ધીમે ધીમે પોષણ મેળવીને વૃક્ષના જેટલો વિશાળ થઈ જાય છે, તેમ જીવાત્મા સત્પુરુષના પ્રસંગથી વૃદ્ધિ પામે છે.

[←340]

સચ્ચિદાનંદ સ્વામી: શ્રીજીમહારાજ મનુષ્યલીલા સંકેલી અંતર્ધાન થયા ત્યારે સદ્‌ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી અતિ વિરહમાં પોતાના દેહની નાડીઓ તોડીને શ્રીજી ઇચ્છાની ઉપરવટ થઈને અક્ષરધામમાં ગયેલા. ત્યાંથી મહારાજે પાછા દેહમાં મોકલાવી થોડો વખત એ દેહમાં રાખેલા.

[←341]

અર્થ: સર્વ જીવ પ્રાણી માત્રને આત્મા પરમાત્માના વિષયવાળી બુદ્ધિ રાત્રિની પેઠે અપ્રકાશ કરનારી છે. અર્થાત્ વિષયી જીવોને તે માર્ગે નથી ચલાતું અને તે આત્મા પરમાત્માના વિષયવાળી બુદ્ધિમાં સંયમી પુરુષ જાગે છે અર્થાત્ આત્મા પરમાત્માના સ્વરૂપને જોતો થકો રહે છે. અને જે વિષયોમાં ભૂત પ્રાણીમાત્ર જાગે છે તે જ્ઞાનવાન મુનિની રાત્રી છે અર્થાત્ તે વિષયોમાં તેને અભાવ વર્તે છે. (ગીતા અ. ૨/૬૯)

[←342]

એ ચાર વિઘ્નો ધ્યાન માર્ગમાં છે. કષાય એટલે વાસના. રાગ.

[←343]

અન્નથી બંધાયેલું સ્થૂળ શરીર.

[←344]

પાંચ પ્રાણ યુક્ત શરીર, જેનાથી સુખદુઃખનું ભાન થાય છે.

[←345]

કર્મેન્દ્રિયો સહિત મન.

[←346]

જ્ઞાનને ગ્રહણ કરીને વિવેકથી ધારણ કરે છે તે સૂક્ષ્મ શરીર.

[←347]

કારણ શરીર, જે અવિદ્યા સ્વરૂપ છે. આત્માને આનંદમયકોશ, વિજ્ઞાનમયકોશ, મનોમયકોશ, પ્રાણમયકોશ ને અન્નમયકોશ - એમ એ અનુક્રમે વીંટાયેલા છે.

[←348]

ઇડા ને પિંગળા એ બે નાડીની વચ્ચે આવેલી નાડી. સિદ્ધપુરુષોનો આત્મા આ નાડીમાં રહે છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૬૫)

[←349]

પતંગિયાનું દૃષ્ટાંત: સારંગપુરના ૧૭મા વચનામૃતમાં શ્રીજી કહે છે: “જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત (જેનામાંથી તેજ નીકળે તેવું પતંગિયું-આગિયો) જેટલો પ્રકાશ હતો, પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો ને સામર્થી પણ વૃદ્ધિને પામીને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય, મધ્ય ને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે, તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું.”

[←350]

ગોઠવણ, વ્યવસ્થા.

[←351]

શૂરવીરનું દૃષ્ટાંત: અર્જુન એવા શૂરવીર અને નિશાનબાજ હતા કે એમણે છોડેલું બાણ કદી નિષ્ફળ જતું નહિ. તેમનું નામ સાંભળીને અન્ય યોદ્ધાઓને શૂરાતન ચડી જતું.

એક ગામમાં ઘણાં શૂરવીર લોકો હતાં. ધીરે ધીરે એ મૃત્યુ પામ્યા, ને એક વૃદ્ધ શૂરવીર જીવતા રહ્યા. એ ગામમાં હવે કોઈ શૂરવીર જીવતો રહ્યો નથી એમ માનીને લૂંટારાઓ એ ગામ લૂંટવા આવ્યા. એ વૃદ્ધ શૂરવીરને શૂરાતન ચડ્યું ને ‘મારું કે મરું’નો નિશ્ચય કરી નીકળ્યા. તેમને જોઈને ગામના અન્ય લોકોને પણ શૂરાતન ચડ્યું. ને બધાં હથિયારો લઈને નીકળ્યા. ઘણાં માણસોને આવતા જોઈને લૂંટારા ભાગી ગયા.

એક વાર હરિભક્ત મૂળજી ક્ષત્રિયની આંગળી કપાઈ ગઈ તો ય તે હસતા હતા. સંતોએ પૂછ્યું કે, “પીડા થતી નથી?” મૂળજી કહે, “હું ક્ષત્રિય છું, મારાથી પીડાનું બોલાય પણ નહિ.”

ખબડ-મતારા સાથે ભગુજીને યુદ્ધ થયું ત્યારે ખબડે ભગુજીને ઘા કરવા કહ્યું ત્યારે ભગુજી કહે, “ક્ષત્રિય પહેલો ઘા કરે નહિ, તું ઘા કર.” એ ઘાથી ઘવાયેલા ભગુજીએ ખબડને મારેલો.

લોયાના બીજા વચનામૃતમાં શ્રીજી કહે છે કે શૂરવીરના ઇંદ્રિયો-અંતઃકરણ એનાથી થર થર કંપતા રહે છે.

એ રીતે સત્પુરુષના હાથ તળે વર્તે તેનો મોક્ષ થાય.

[←352]

પુંડરીક (ધોળું કમળ) + અક્ષ (આંખ) = સફેદ કમળ જેવી આંખવાળા ભગવાન.

[←353]

સફેદ કમળ જેવા મુખવાળા ભગવાન.

[←354]

દશોંદ-વીશોંદ: પોતાની આવકનો દસમો કે વીસમો ભાગ ધર્માદા તરીકે કાઢવો તે.

[←355]

વચનામૃત ગઢડા અંત્ય ૭.

[←356]

અર્થ: પરમાત્માએ સર્વે દેહધારીઓને બુદ્ધિ, ઇંદ્રિય, મન, પ્રાણ વગેરે આપ્યું છે, જેનાથી તેઓ ભૌતિક સુખ, જન્મમરણ કે મોક્ષ પ્રાપ્ત કરી શકે.

[←357]

દેવનું દૃષ્ટાંત: દેવ ઘણા પ્રકારના છે. એમની પાત્રતા પ્રમાણે એમની નિર્ગુણતા પણ અનેક પ્રકારની છે. બ્રહ્મા કરતાં ભૂમાપુરુષ વધુ નિર્ગુણ છે.

[←358]

મનુષ્ય અને પશુનું દૃષ્ટાંત: મનુષ્ય પાસે પશુ અસમર્થ છે ને તેને આધીન છે, તેવી રીતે માયા, કાળ, કર્મ વગેરે શ્રીહરિની પાસે અસમર્થ ને પરતંત્ર છે, ને તેઓ શ્રીહરિને આધીન છે.

[←359]

શ્રીહરિજીની મૂર્તિમાંથી નીકળતો પ્રકાશ-અક્ષરબ્રહ્મ, અક્ષરઃ જુઓ વાત ૫૧૫.

[←360]

૫ થી ૧૬ વર્ષની ઉંમર સુધીની કિશોર અવસ્થા.

[←361]

આઠ અબજ ને ચોસઠ કરોડ વર્ષ બરાબર બ્રહ્માના એક રાત્રિ-દિવસ થાય છે, તેને નિમિત્ત પ્રલય કહે છે. એવા અઢાર હજાર નિમિત્ત પ્રલય થાય ત્યારે એક પરાર્ધ થાય. (સમયનું માપ.)

[←362]

અચળપણે.

[←363]

બ્રહ્માંડની ફરતું જે આવરણ (કોચલું, પડ) છે તે.

[←364]

જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ પછીની ચોથી અવસ્થા તે તુર્યા અવસ્થા. તુર્યા અવસ્થાને પસાર કરી ગયેલા.

[←365]

વિરક્તિ, વૈરાગ્ય.

[←366]

સહનશીલતા, ધૈર્ય.

[←367]

ગોમેધ, વગેરે નામના યજ્ઞો.

[←368]

સોનાના વાટકાને જમીનમાં દાટી રાખો તો તેનું સોનું ઓછું થાય નહિ, તેમ સિદ્ધ મુક્તોને વિમુખ માણસોના સંગથી પણ ઘસારો લાગતો નથી, તેથી તેઓ સોનાના વાટકા જેવા છે. કાચનો વાટકો દાટી રાખવાથી ધૂળ થઈ જાય છે તેમ જે વિમુખના સંગે સત્સંગમાંથી નીકળી જઈ મોક્ષ માર્ગમાંથી પડી જાય છે તે કાચના વાટકા જેવા છે.

[←369]

જુઓ પરિશિષ્ટ.

[←370]

માપ.

[←371]

ભવાયાનું દૃષ્ટાંત: ભવાયા વેષ કાઢે છે, તેમાં સ્ત્રીનો વેષ પણ કાઢે, પણ એ વેષ કાઢેલા પુરુષ) ભવાયાથી સાચી સ્ત્રીની જેમ સંસાર માંડી વ્યવહાર કરી શકાતો નથી. તેવી રીતે હરિભક્તે સંસાર વ્યવહારમાં રહેવું તે વેષ કાઢીને રહેવું, સંસારના વિષયોમાં આસક્તિથી ન રહેવું.

[←372]

અર્થ: હે અર્જુન! યોગાભ્યાસથી પડી ગયેલા યોગીનો આ લોક પરલોકમાં (સ્વર્ગાદિક તથા બ્રહ્માનુભવ સુખમાં) વિનાશ નથી કારણ કે કલ્યાણને માર્ગે ચાલનાર કોઈ પણ યોગી ક્યારેય દુર્ગતિને નથી પામતો! (ગી. અ. ૬-૪૦)

[←373]

અર્થ: ભોગની ઇચ્છાએ યોગમાર્ગથી પડેલો યોગી અતિશય પુણ્યશાળીના લોકને પામી ત્યાંના અતિસુખરૂપ ભોગને ભોગવીને ભોગ તૃષ્ણા પૂર્ણ થતાં યોગાભ્યાસના આરંભને યોગ્ય, પવિત્ર, સદ્‌ગૃહસ્થને ઘેર જન્મ પામે છે.

[←374]

દીપકનું દૃષ્ટાંત: દીવાના પ્રકાશથી અંધારામાં રહેલી વસ્તુ દેખાવા લાગે છે, તેવી રીતે મનથી વિષયોમાં પ્રકાશ થાય છે, અને જેવા ગુણવાળા વિષયો હોય તેવી વૃત્તિથી મન તેનું ગ્રહણ કરે છે, પણ મન પોતે વિકારવાન નથી.

[←375]

દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્ર, ધ્યાન – એ આઠ.

[←376]

શ્રેષ્ઠતા.