કળશ ૩

વિશ્રામ ૨૩

દોહા

કર જોડી નરપતિ કહે, અહો અચિંત્યાનંદ;

કહો કથા હરિકૃષ્ણની, સુણી ટળે દુઃખદ્વન્દ્વ. ૧

કહે અચિંત્યાનંદજી, ધન્ય ધન્ય ધરણીશ;

શ્રવણ ભક્તિ ભલિ ભાળીને, આપું શુભ આશીષ. ૨

આઠ ભુજા ને આઠ પદ, ખટ મુખ લોચન બાર;

તુજ મનમાં ત્રણ મૂર્તિ તે, સદા વસો કરી પ્યાર.1

એક સહસ્ર ને ઉભય મુખ, ષટ કર ને પદ ચાર;

તે તમારી રક્ષા કરે, પૂચ્છ એક ધરનાર.2

ચોપાઈ

સુણો ભૂપ અભેસિંહભાઈ, કહું કૃષ્ણકથા સુખદાઈ;

મહુવામાં ગયા મહારાજ, કૈક જીવનાં કલ્યાણ કાજ. ૫

તહાં લક્ષ્મીનારાયણ કેરું, એક મંદિર સારું ઘણેરું;

હનુમાનની દેરી છે જ્યાંય, દીઠું આંબલીનું ઝાડ ત્યાંય. ૬

કર્યું ઓટલે ત્યાં જ આસન, વસ્યા ત્રણ દિન પ્રાણજીવન;

બાવે એક દિવસ દીધું સીધું, બીજે દિન એક વાણિયે દીધું. ૭

બાવા ફુલવણ કેરી જગ્યાથી, ત્રીજે દિવસ મળ્યું સીધું ત્યાંથી;

નદી માળણને તટ સારો, તલગાજરડાનો છે આરો. ૮

કોઠો બાવાનો છે તેહ સ્થાન, નાહ્યા બે દિન ત્યાં ભગવાન;

નદી માળણ પાવન કરી, જોગસાધન ત્યાં કર્યું હરી. ૯

મવાબંદરને મહારાજે, તીર્થરૂપ કર્યું જન કાજે;

ગામ ડોળિયે જૈ હરિ ખમ્યા, વિપ્ર વિઠ્ઠલને ઘેર જમ્યા. ૧૦

ગામ પટવે ગયા ત્યાંથી માવ, ત્યાં છે પૂર્વમાં એક તળાવ;

તેને પૂર્વ તટે વિના વાડ્ય, રુડું એક રોહણનું છે ઝાડ. ૧૧

થોડીવાર બેસી તેહ ઠામ, ગયા ગુણનિધિ ચાંચવે ગામ;

ત્યાંથી પૂર્વે તળાવ છે ત્યાંનું, પૂર્વ તટ તરુ છે રુખડાનું. ૧૨

બેઠા બે ઘડી ત્યાં બળવંત, પછી ત્યાંથી ચાલ્યા ભગવંત;

ગામ ડુંગરે ત્યાં થકી આવ્યા, પિપાવાવ્યે તહાંથી સિધાવ્યા. ૧૩

પિપા ભક્ત તણી જ જગ્યાથી, લીધું શામે સદાવ્રત ત્યાંથી;

જમીને ગયા વાવેરે ગામ, શિવમંદિર દીઠું તે ઠામ. ૧૪

તેના ધાબા ઉપર બેય રાત, રહ્યા શામસુંદર સાક્ષાત;

ત્યાંથી રાજુલે થઈ વડગામ, એ જ ગામથી ઉત્તર ઠામ. ૧૫

એક મશીદ છે તેની પાસ, રાતવાસો રહ્યા અવિનાશ;

રામપર વિચર્યા વનમાળી, ગામથી પૂર્વ ખીજડો ભાળી. ૧૬

બેઠા બે ઘડી ત્યાં કરી દયા, પછી ગામથી પશ્ચિમે ગયા;

વેજાતો વારીનો વોકળો દીઠો, લાગ્યો મોહનને મન મીઠો. ૧૭

ઉંધમતિયો છે એહનું નામ, તેમાં સ્નાન કર્યું ઘનશામ;

ગયા ગામમાં થઈને લેરી, દૂર ચાંચુડા શિવની દેરી. ૧૮

નદી ધાતરવડી વહે છે, ઝાડ તમર તણું એક જે છે;

આત્માનંદ સ્વામીને તે ઠાર, કર્યો હતો ઉત્તરસંસ્કાર.3 ૧૯

સર્વ જાણે છે અંતરજામી, જગ્યા જોયામાં રાખી ન ખામી;

નદી ઊતરીને તેહ ઠામ, ગયા કૃષ્ણજી કોવૈયે ગામ. ૨૦

ત્યાં છે સાગરતટ રુચિર,4 આદિવરાહજીનું મંદિર;

ત્યાંના દેવનાં દર્શન કરી, રાતવાસો રહ્યા તહાં હરી. ૨૧

ગાંગડા ગામે વડ હેઠ જઈ, પાણી પીધું કુવામાંથી લઈ;

સામતેજ જઈ રહ્યા રાત, શામકુંડે નાહ્યા સાક્ષાત. ૨૨

ગયા શીમર ઊઠી સવારે, એ જ ગામને દક્ષિણ દ્વારે;

સૂર્યકુંડે નાહ્યા સાક્ષાત, ધર્મશાળા વિષે રહ્યા રાત. ૨૩

એક આવ્યો વણિક તે સ્થાન, દિસે લોભ તે મૂરતિમાન;

અંગે ફાટેલ વસ્ત્ર ધરેલાં, ઘણાં મેલાં ને જુવો ભરેલાં. ૨૪

ઉપજાતિવૃત્ત (લોભી વિષે)

લોભી પુરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય;

માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહી ઓસડનો5 અપાય. ૨૫

લોભી કને જો બહુ દ્રવ્ય હોય, ફરે જ થૈને અતિ રાંક તોય;

ચિંતા ધરે તે નિજમૃત્યુ કાળે, રખે ચિતામાં બહુ કાષ્ઠ બાળે. ૨૬

લોભી ન જાણે મન પુણ્ય પાપ, જાણે મહિમા ધનનો અમાપ;

માંખી તણો સંગ્રહ જેમ જાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય. ૨૭

લોભી ન રાખે દિલમાં દયાય, તે ક્રોધી કામી સરખો ગણાય;

છે પાપનું મૂળ સદૈવ લોભ, છે છાપરું ધારક જેમ મોભ.6 ૨૮

લોભી તણું દ્રવ્ય કુમાર્ગ જાય, ચૌરાગ્નિ7 કે ભૂપ કચેરી ખાય;

માતા પિતાને નહિ લોભી પાળે, લોભી પ્રજાનું પણ પેટ બાળે. ૨૯

જોગી જતીને જન લોભી સેવે, જાણે મને તે જડીબુટ્ટી દેવે;

જ્યાં લોભીયા લોક વસે ઘણાય, ત્યાં ધૂર્ત કેરું ગુજરાન થાય. ૩૦

ચોપાઈ

મહાલોભી તે એવો વણીક, તેણે જાણ્યું જે જોગી છે ઠીક;

સોળે ચિહ્ન નિહાળ્યાં છે પગમાં, તેથી જાણ્યું આવા નથી જગમાં. ૩૧

માટે સેવા કરું સારી રીતે, તો તે રીઝશે મુજ પર પ્રીતે;

સારું સારું કરાવું ભોજન, તો તે આપશે પુષ્કળ ધન. ૩૨

જોગીને જઈ વંદન કીધું, પછી જમવાનું નોતરું દીધું;

ઉર દ્રવ્યની ઇચ્છા છે એને, બીજો અર્થ કશો નથી તેને. ૩૩

સર્વ જાણે છે શામ સુજાણ, પણ કરવું છે તેનું કલ્યાણ;

માટે જમવાનું નોતરું માન્યું, મન રાજી થયું વાણિયાનું. ૩૪

વિપ્ર પાસે રસોઈ કરાવી, દૂધપાક ને પુરી બનાવી;

બહુ સ્વાદિષ્ટ શાક કરાવ્યાં, ભાતભાતનાં ભજીયાં તળાવ્યાં. ૩૫

બેઠા જમવાને શ્રીહરિ જ્યારે, બેઠો વાણિયો વેગળો ત્યારે;

જમી આસને જઈ રહ્યા રાત, પછી ઊઠીને ચાલ્યા પ્રભાત. ૩૬

ચાલ્યો વાણિયો સાથે વળાવા, ઇચ્છા અંતરે શ્રીમંત થાવા;

એક ગાઉ સુધી સાથે ગયો, ધાર્યો સ્વારથ સિદ્ધ ન થયો. ૩૭

વળો પાછા કહ્યું હરિ જ્યારે, બોલ્યો વાણિયો વાણી તે વારે;

કૃપાનાથ કૃપા ઊર ધરો, મને સર્વથી શ્રીમંત8 કરો. ૩૮

મુજને અગણિત ધન આપો, દયાળુ મુજ દારિદ્ર કાપો;

મોટા જાણી કરી છે મેં સેવા, નથી જોગી બીજા તમ જેવા. ૩૯

સુણી બોલિયા સુંદરશામ, તને આપું હું અવિચળ ધામ;

આપું વૈકુંઠ ગોલોકવાસ, સુખ આપું તને અવિનાશ. ૪૦

ધનમાં તો નથી કશો માલ, ધન લૈને શું થૈશ નિહાલ;

સુણી બોલિયો વાણીયો વાણી, મને દ્રવ્ય આપો દયા આણી. ૪૧

બીજી વાત કશી નવ જાણું, આપો નાથ મને ઘણું નાણું;

દ્રવ્ય તુલ્ય બીજું નવ્ય મળે, દ્રવ્યે મુનિવરનાં મન ચળે. ૪૨

ઉપજાતિવૃત્ત (દ્રવ્ય વિષે)

નાણાં થકી યજ્ઞ ઘણા કરાય, નાણાં વડે સ્વર્ગ વિષે જવાય;

નાણાં થકી સંકટ તો ટળે છે, નાણાં વડે વસ્તુ બધી મળે છે. ૪૩

મદત્વ કેવું કનકે રહે છે, જો ધંતુરાનું પણ નામ તે છે;

આશ્ચર્ય મોટું અતિ એક એ છે, નામ પ્રમાણે મદ તે કરે છે. ૪૪

ન કોઈનો કિંકર કોઈ જાણો, પૈસા તણા કિંકર સૌ પ્રમાણો;

ગરીબ શ્રીમંત જનો જણાય, એવી સ્થિતિ સૌ ધનથી ગણાય. ૪૫

જેને ઘણું દ્રવ્ય કુલીન9 એહ, ડાહ્યા તથા સર્વ ગુણજ્ઞ તેહ;

તેને જ સૌ કો10 નમવા ધસે છે, સર્વે ગુણો કાંચનમાં વસે છે. ૪૬

બનેવી કો નિર્ધનનો ન થાય, સાળો થવાને ધનિનો ચહાય;

જો ગાંડું ઘેલું ધનવંત બોલે, સર્વે વખાણે શ્રુતિવાક્ય11 તોલે. ૪૭

પુત્રો સખા પત્નિ તથા પિતા છે, આ લોકમાં સૌ ધનના સગાં છે;

પૈસા વડે છે જનની વડાઈ, ભાખે મુખે સૌ જન ભાઈભાઈ. ૪૮

વિદેશ જાશે જન દ્રવ્ય માટે, માથું કપાવે વળી વિત્ત માટે;

ઊંડે સમુદ્રે જઈને પડે છે, જાણે અહિં મોતિ મને જડે છે. ૪૯

પૈસો પ્રભુતા12 જગમાં ધરે છે, જૈ જંગલે મંગળ તે કરે છે;

પૈસા વસે પુષ્કળ જેની પાસ, દેખાય તેના જન સર્વ દાસ. ૫૦

વિદ્યા તણી તો ન રસોઈ થાય, ગુણો તણાં શું બચકાં ભરાય?

કીર્તિ સુણી ભૂખ કદી ન જાય, સર્વોપરી તો ધન છે સદાય. ૫૧

જો માનતા દેવ તણી કરે છે, રોગાદિ પીડા જનની હરે છે;

દેવો રીઝે છે બહુ દ્રવ્યદાને, છે દ્રવ્ય તો દુર્લભ દેવતાને. ૫૨

વિના પગે જે જગમધ્ય ચાલે, વિના કરે13 ઇચ્છિત લાવી આલે;

નિર્જીવ છે તોય બલિષ્ઠ જે છે, આ વિશ્વનું જીવન દ્રવ્ય એ છે. ૫૩

જો લક્ષ્મી દાતા કદી લાત મારે, લાગે નહીં દુઃખ દિલે લગારે;

મારી ભૃગુયે હરિને જ લાત, ન કોપ કીધો ગણી લક્ષ્મીતાત. ૫૪

વસંતતિલકાવૃત્ત

   લક્ષ્મી વિના જગતમાં જન હોય જ્યારે,

   બોલાવશે જન બધા મુખથી તુંકારે;

   જે કાનુડો વ્રજ વિષે મહી ચોરી ખાય,

   લક્ષ્મી મળ્યા થકી થયા રણછોડરાય. ૫૫

ઉપજાતિવૃત્ત (અથ ધનનિષેધ વિષે)

કહે હરિ દ્રવ્ય ઘણું નઠારું, કુબુદ્ધિ ને ક્લેશ વધારનારું;

જો દ્રવ્યનો કાંઈ રહ્યો ન પાર, તો ધર્મરાજા રમિયા જુગાર. ૫૬

લડાવી મારે ધન ભાઈભાઈ, લડાવી મારે સસરા જમાઈ;

અધર્મ અન્યાય અનેક થાય, જો દ્રવ્યમાં દોષ ઘણા જણાય. ૫૭

જ્યાં દ્રવ્ય છે ત્યાં રિપુ14 હોય ઝાઝા, જૂના મટે તો વળી થાય તાજા;

જે માનવીનો ન સરે જ અર્થ,15 નિંદા કરે મુકી કલંક વ્યર્થ. ૫૮

ઘણું શરીરે મધ ચોપડાય, મંકોડી માંખી કરડી જ ખાય;

શ્રીમંતને તેમ જ દુઃખ છેક, સ્વાર્થી મળીને કરડે અનેક. ૫૯

જો દ્રવ્ય મધ્યે સુખશાંતિ હોય, તો તુચ્છ જાણી ન તજે જ કોય;

ભર્તૃહરી આદિ નૃપો થયા છે, તે દ્રવ્ય ત્યાગી વનમાં ગયા છે. ૬૦

સંભાળ વિશ્વંભર સૌની લે છે, તે અન્ન વસ્ત્રો પરિપૂર્ણ દે છે;

કોઈ થકી ઝાઝું નહીં ખવાય, શ્રીમંત સ્વાદુ જમી રોગી થાય. ૬૧

પેદા કર્યામાં શ્રમ છે અપાર, તે સાચવ્યામાં ભય છે હજાર;

કદી મળેલું ધન નાશ થાય, મૃત્યુ સમું સંકટ તો જણાય. ૬૨

જે કોય અંતે ધન મૂકી જાય, જેને મળે તે જન રાજી થાય;

શ્રીમંત ચિંતા દિનરાત રાખે, રખે મને કોઈક મારી નાખે. ૬૩

જેને હશે વૈભવ જો વિશેષ, તેને દિલે થાય વિશેષ ક્લેશ;

શ્રીમંતને ઉંઘ સુખે ન આવે, તે દ્રવ્યઇચ્છા જન મૂર્ખ લાવે. ૬૪

જો પંથ ચાલે સવળે રમા16 છે, જો ઊલટે માર દિસે સદા છે;

તે માટ લક્ષ્મી તણી આશ છોડો, પ્રીતિ પ્રભુના પદ માંહિ જોડો. ૬૫

ચોપાઈ

સુણી બોલિયો વાણિયો વાણી, દ્રવ્ય આપો મને દયા આણી;

મોટા જાણી જમાડ્યા મેં તમને, કરો નાથ અનુગ્રહ અમને. ૬૬

બોલ્યા સુંદર શામ વચન, બહુ છે ધન માંહી બંધન;

તોય છે અતિ ઇચ્છા તમારી, માટે સાંભળો વાણી અમારી. ૬૭

દ્રવ્ય જેટલું જોગ્ય જણાશે, તેટલું તમને પ્રાપ્ત થાશે;

એવી આશીષ સાંભળી લઈને, ગયો વણિક તે રાજી થઈને. ૬૮

દોહરા

   વાટે જાતાં વાણિયો, કરી વિચાર વિશેષ;

   આપે લાગ્યો આપવા, નિજ મનને ઉપદેશ. ૬૯

   ભલો જ્ઞાનરસકુંભ છે, શ્રીપ્રભુપદતળ પાસ;

   તેહ વિષે તું માની લે, મનવા ભલો નિવાસ. ૭૦

કલશપ્રબંધ

લોભ ન કરવા નરજનમ,17 નિરધન વા ધન પાસ;

માની જ્ઞાનરસ કુંભમાં, મનવા ભલો નિવાસ. ૭૧

कलशप्रबंध

Image

પુષ્પિતાગ્રાવૃત્ત

અઘટિત18 ઘટિતાદિ19 પાત્ર જાણે, વિભવ20 કરે પ્રભુ પ્રાપ્ત તે પ્રમાણે;

નિજજન હિતકારી તે હરિ છે, સુખ કરવા જ સદૈવ આપ ઇચ્છે. ૭૨

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શીમરગ્રામ નિવાસી લોભિવણિજાખ્યાનકથનનામા ત્રયોવિંશતિતમો વિશ્રામઃ ॥૨૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે