☰ kalash

કળશ ૩

વિશ્રામ ૭

પૂર્વછાયો

શ્રીહરિ રહી સિરપુર વિષે, મતવાદીનું હર્યું અભિમાન;

સિદ્ધવલ્લભ ભૂપાળને, તહાં આપ્યું પોતાનું જ્ઞાન. ૧

ચોપાઈ

નદીતટ કર્યું આસન જઈને, બેઠા ધ્યાન ધરી સ્વસ્થ થૈને;

નદીમાં આવ્યું પાણીનું પુર, તોય આસન નવ કર્યું દૂર. ૨

જન જાણે તે તો બુડી ગયા, પણ શ્રીહરિ અવિચળ રહ્યા;

હતો સેવક ગોપાળદાસ, ટાળ્યો તેહનો અભિચારત્રાસ. ૩

ગજ કાળપુરુષનું દાન, એક વિપ્રે લીધું તેહ સ્થાન;

હરિશરણે તે બ્રાહ્મણ આવ્યો, તેને પાપથી કૃષ્ણે મુકાવ્યો. ૪

રહ્યા ત્યાં હરિ ચાતુરમાસ, પછી ત્યાં થકી કીધો પ્રવાસ;

કેટલાએક સિદ્ધ ઉમંગે, ચાલ્યા શ્રીઘનશામને સંગે. ૫

આવી પર્વત વન તણી ઝાડી, રહે તેમાં અઘોરી1 અનાડી;

તે તો માણસને ખાઈ જાય, પણ કૃષ્ણને દેખી પળાય.2

પછી જૈ પરશુરામકુંડ, ના’યા નાથ ને સિદ્ધનું ઝુંડ;

ત્યાંથી પૂર્વના વનમાં સિધાવ્યા, દેવી કામાક્ષી છે તહાં આવ્યા. ૭

તેની પાસે વસે એક ગામ, તેના બાગમાં કીધો વિરામ;

ગામમાં એક વિપ્ર છે વામી,3 સર્વ જાદુગરોનો તે સ્વામી. ૮

કૈક જોગી જતીને હરાવ્યા, કૈક પંડિત દ્વિજને ડરાવ્યા;

તેનું નામ પ્રસિદ્ધ પિબેક, જેણે જીતેલા સિદ્ધ અનેક. ૯

તેને શ્રીહરિએ જીતી લીધો, પછી શિષ્ય પોતા તણો કીધો;

સર્વે સિદ્ધને વીદાય કરી, ત્યાંથી એકલા ચાલિયા હરી. ૧૦

નામે નવલખો પર્વત જેહ, હરિએ દીઠો દૂરથી તેહ;

જેમાં કળિયુગ ન કરે પ્રવેશ, એવો એ છે પવિત્ર પ્રદેશ. ૧૧

જેમાં જોગી વસે નવ લક્ષ, કરે ફળ જળ પત્રનો ભક્ષ;

તપ જ્ઞાન ને વૈરાગ્યવંત, સત્યવાદી સદાચારી સંત. ૧૨

સદા અષ્ટાંગજોગને સાધે, એક ઇષ્ટ શ્રીહરિને આરાધે;

જ્ઞાનયજ્ઞ કરે સદાકાળ, એમ વીતિયો કાળ વિશાળ. ૧૩

કદી દર્શન હરિનું ન પામ્યા, તોય તપથી ન તેહ વિરામ્યા;

ધૂણી4 સળગે ત્યાં નવ લાખ લેખે, દિવ્ય દૃષ્ટિવાળા જન દેખે. ૧૪

જોગી સર્વે એવું મન ધારે, મળશે પ્રભુ આવીને ક્યારે;

એવામાં થઈ આકાશવાણી, લેજો સર્વે સિદ્ધો તમે જાણી. ૧૫

પુરુષોત્તમ શ્રીપ્રભુ જે છે, સદા અક્ષરધામે વસે છે;

તેણે ધાર્યો ભૂતળ અવતાર, થયા ભક્તિધરમના કુમાર. ૧૬

તે તો વર્ણી તણો વેષ ધારી, અહિં આવે છે દેવ મુરારી;

એવું સાંભળી સૌ સિદ્ધ હરખ્યા, ત્યાં તો દૂરથી કૃષ્ણને નિરખ્યા. ૧૭

ઉર ઉપજ્યો પ્રેમ અપાર, થયા નવ લક્ષ મળવા તૈયાર;

સૌનો દેખીને પ્રેમ અનૂપ, ધાર્યાં હરિએ ત્યાં નવ લાખ રૂપ. ૧૮

એક કાળે તે સર્વને મળિયા, સિદ્ધ સૌના મનોરથ ફળિયા;

થઈ એકરૂપે મહારાજા, એક આસને આવી બિરાજ્યા. ૧૯

મનમોહન મૂર્તિ રૂપાળી, સિદ્ધ સર્વ રહ્યા સામું ભાળી;

દીઠું મૂર્તિમાં અદભૂત તેજ, કોટિ સૂર્યશશી સમ એ જ. ૨૦

તેજ વ્યાપિયું બ્રહ્માંડ પાર, ગયું અક્ષરધામ મોઝાર;

સિદ્ધ સર્વ સમાધિસ્થ થઈ, જુએ અક્ષરધામમાં જઈ. ૨૧

સિંહાસન ઉપરે એહ ઠામ, તેજોમય નિરખ્યા ઘનશામ;

સ્તુતિ મુક્ત અનંત ઉચારે, સેવે શક્તિ હજારો હજારે. ૨૨

કોટિ અજ હરિ હર5 થઈ દીન, સેવે શ્યામને થઈ આધીન;

ચારે વેદ ત્યાં મૂરતિમાન, કરે શ્રીહરિનાં ગુણગાન. ૨૩

સિદ્ધે જોયું સમાધિથી જાગી, દીઠા સન્મુખ શામ સુહાગી;

અતિ આનંદ અંતરે ધારી, સ્તુતિ બે કર જોડી ઉચારી. ૨૪

અષ્ટપદી (‘જલધરસુંદર મદનમનોહર’ એ રાગ)

જય જગકારણ ભવજળતારણ નરકનિવારણ પરમપતી,

મુનિગણનાયક જનસુખદાયક સ્વજનસહાયક અકળગતી;

શિરસિ જટાધર હરિણત્વચાધર6 સકળકળાધર અસુર અરી,

જય જગદીશ્વર મુક્તમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી. ૨૫

શ્રુતિપથમંડન કુપથવિખંડન દુર્જનદંડન દિવ્ય સદા,

જનસુખકારક દુરિતવિદારક7 ભવજળતારક પરમ મુદા;

જય કમળાયન8 સકળસુખાયન9 થાય પળાયન પાપ ડરી,

જય જગદીશ્વર મુક્તમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી. ૨૬

જય કરુણાકર વદનસુધાકર10 ભુવનપ્રભાકર11 ભીતિહરા,

નિજજન અંતર વાસ નિરંતર શ્યામ સ્વતંતર ધર્મધરા;

સદગુણમંદર12 મુક્તપુરંદર13 સુખનિધિ સુંદર મૂર્તિ ધરી,

જય જગદીશ્વર મુક્તમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી. ૨૭

જય વૃષબાળક પ્રિયજનપાળક પાપપ્રજાળક આપ પ્રભુ,

જય હરિનામક અવિચળ ધામક વિશ્વ નિયામક વરદ વિભુ;

જય જનવલ્લભ સ્વેચ્છિતસુર્લભ દર્શનદુર્લભ યજ્ઞ કરી,

જય જગદીશ્વર મુક્તમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી. ૨૮

તવ કરુણાધન14 શ્રેષ્ઠસુસાધન15 અચળ અબાધન16 શાંતિ તણું,

જય તપરક્ષક જળફળભક્ષક લે સુખ દક્ષક દેખી ઘણું;

મુનિમન ભાવન જનમનધાવન17 કૃતિમહિપાવન18 વન વિચરી,

જય જગદીશ્વર મુક્તમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી. ૨૯

શેષસુરેશ્વર ચંદ્ર દિનેશ્વર દેવમહેશ્વર નિત્ય ભજે,

દોષવિદારણ પ્રભુ તવ કારણ નૃપ હયવારણ19 રાજ્ય તજે;

વૃત્તિ અખંડિત તવ પદમંડિત20 એ જ સુપંડિત ભૂ ઉપરી,

જય જગદીશ્વર મુક્તમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી. ૩૦

હે ગરુડાસન કરી ખળશાસન કળિબળનાશન કાર્ય કરો,

પૂર્ણપ્રભાનિધિ વેદૠચાનિધિ હે કરુણાનિધિ કષ્ટ હરો;

પ્રભુ ધરણીધર અમિત મતિધર સંતત21 શ્રીધર સિદ્ધિ વરી,

જય જગદીશ્વર મુક્તમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી. ૩૧

શુભમતિ સર્જન કુમતિ વિસર્જન ખળજન તર્જનકારી22 તમે,

હે વૃષનંદન કષ્ટનિકંદન તવ પદવંદનકારી અમે;

જય જગકારક ગિરિવરધારક અધમઉધારક ખ્યાતિ23 ખરી,

જય જગદીશ્વર મુક્તમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી. ૩૨

દોહા

વાર વાર વર માગીએ, સ્તુતિ ઉચ્ચરી આ ઠામ;

અખંડ અંતરમાં રહો, આ છબિ સુંદરશામ. ૩૩

તે સુણતાં ત્યાં તો થયા, પ્રસન્ન શ્રીભગવાન;

સૌ સિદ્ધોને આપિયું, મનવાંછિત વરદાન. ૩૪

વળી તે પર્વત ઉપરે, દીઠા કુંડ અનેક;

પ્રભુએ સ્પર્શ કરી કર્યાં, પાવન તે પ્રત્યેક. ૩૫

ઉષ્ણોદક કે શીત જળ, કોઈ વિષે દેખાય;

કોઈ કુંડથી ઉછળતા, પાવક પવન જણાય. ૩૬

તે દેખી ત્યાંથી પછી, ચાલ્યા સુંદરશામ;

જોયો તેની તળેટીમાં, કુંડ બાલવા નામ. ૩૭

પાવક પાણી પવનનો, સમુહ દીઠો ત્યાંય;

તે તીર્થે ત્રણ દિન રહ્યા, થઈ રાજી મનમાંય. ૩૮

પ્રભુજી ત્યાંથી પરવર્યા, પવિત્ર પાવક દીશ;24

ગંગાસાગર સંગમે, જૈ પહોંચ્યા જગદીશ. ૩૯

વાલમ ત્યાં ત્રણ દિન વસી, વળતી કર્યો વિહાર;

કપિલ મુનીને જૈ મળ્યા, કપિલાશ્રમ મોઝાર. ૪૦

પ્રેમ સહિત પૂજા કરી, કપિલ મુનિએ ત્યાંય;

જોયું સ્થળ એકાંતનું, રીઝ્યા હરિ મનમાંય. ૪૧

પ્રભુ બેઠા પદ્માસને, સ્વાત્માનું25 ધરી ધ્યાન;

સમાધિમાં ગત26 સપ્ત દિન, ભૂલ્યા જગનું ભાન. ૪૨

દેવો દિલ ચિંતા કરે, બેઠા હરિ ધરી ધ્યાન;

ક્યારે કરશે નાશ તે, કળિયુગનું તોફાન. ૪૩

વામી ને કામી તણો, અધરમ વધ્યો અપાર;

અસુર તણા ઉતપાતનો, ભૂમિ સહે નહિ ભાર. ૪૪

ભાર સહે નહિ શેષ પણ, શ્વાસે નિસરે ઝાળ;

વારે વારે વિશ્વમાં, તેથી પડે દુકાળ. ૪૫

થાય પાપના ભારથી, વારવાર ભૂકંપ;

રાજા કે રૈયત તણા, જીવમાં ન મળે જંપ.27 ૪૬

અધર્મ દેખીને કરે, વૃષ્ટિ અલ્પ વરસાદ;

ગોરસમાંથી28 રસ ગયો, ગયો અન્નથી સ્વાદ. ૪૭

પાષંડી29 ગુરુ શિષ્ય સૌ, કરે વ્યસન વ્યભિચાર;

સત્ય ગયું સંતાઈને, વધ્યું અસત્ય અપાર. ૪૮

એ પાપે અકળાઈને, કરવાને પોકાર;

આવી અવની30 હરિ કને, ધારી ધેનુ31 આકાર. ૪૯

દીઠા હરિને ધ્યાનમાં, ત્યારે થઈ ઉદાસ;

કષ્ટ કહ્યું પોતાતણું, કપિલ મુનિની પાસ. ૫૦

સંકટ ભૂનું32 સાંભળ્યું, કપિલ મુનિએ કાન;

કરી સ્તુતિ કર જોડીને, જગાડવા ભગવાન. ૫૧

વસંતતિલકાવૃત્ત

હે ધર્મલાલ જનપાળ કૃપાળ જાગો,

ભૂમિ તણો વિષમ ભાર અપાર ભાંગો;

આચારભ્રષ્ટ કુળભ્રષ્ટ જનો થયા છે,

વૈરાગ્ય જ્ઞાન વસુધા33 તળથી ગયા છે. ૫૨

થાપો સુધર્મ અઘકર્મ અધર્મ ટાળી,

દ્યો જ્ઞાનદાન ભગવાન દયાથી ભાળી;

લીધો તમે જનમ છે પ્રભુ એ જ કાજ,

બેઠા સમાધિ કરી કેમ નચિંત આજ? ૫૩

મોટા કહે ઘડી પછી કૃત34 જે થવાનું,

તે કામને વરસ તો સહજે જવાનું;

આપ્યો અગસ્ત અવધિ હજી છે અધૂરો,35

મોટાની એક ઘડી તે જુગ થાય પૂરો. ૫૪

પીડાય સંત વળી સર્વ સુરો પિડાય,

પૃથ્વી પીડાય મુખથી અતિ દુઃખ ગાય;

પાષંડી પુજી નરકે જનજૂથ જાય,

ક્યારે પ્રભૂજી પછીથી કરશો સહાય. ૫૫

જો શેષનાગ અતિ ભાર થકી મુંઝાશે,

તો પૃથ્વી ત્યાગ કરશે જગ નાશ થાશે;

કેની સહાય કરશો કરુણાનિધાન?

બેઠા અહીં અચળ થૈ ધરી આપ ધ્યાન. ૫૬

સુકાય કર્ષણ36 પછી જળવૃષ્ટિ થાય,

પ્રાણાંત થાય પછી ઓસડના ઉપાય;

જેવે સમે જરુર તે સમયે ન આવે,

તે વસ્તુ વ્યર્થ ગત37 વિશ્વ વિષે કહાવે. ૫૭

ઇત્યાદિ વાક્ય સુણીને જગદીશ જાગ્યા,

વાણી મુખે ઉચરવા તતકાળ લાગ્યા;

હું તીર્થભૂમિ વિચરી મનમાં ધરીશ,

ભૂમિ તણો અધિક ભાર હવે હરીશ. ૫૮

હું જાણું છું જ પુરુષોત્તમપુરી જ્યાં છે,

પાષંડમંડન38 તણાં અતિ ઝૂંડ ત્યાં છે;

તેઓ વિષે કલહ39 પ્રેરિશ હું જ જ્યારે,

અન્યોન્ય એથી લડીને મરશે જ ત્યારે. ૫૯

ઇત્યાદિ વાક્ય કહી ધીરજ ખૂબ દીધી,

પૃથ્વી પ્રસન્ન કરી ત્યાંથી વિદાય કીધી;

રાજી થયા હૃદયમાં સુર નાગ સર્વ,

જાણ્યું દિવાળી સમ ઉત્તમ આજ પર્વ. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

કપિલમુનિ સમીપ એક માસ, નટવર નાથ રહ્યા કરી નિવાસ;

અતિ સુખ મુનિને પ્રભુજી આપ્યું, બહુ દિનકેરું વિજોગ કષ્ટ કાપ્યું. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ-કપિલાશ્રમગમનનામા સપ્તમો વિશ્રામઃ ॥।૭।

×

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે