કળશ ૪

વિશ્રામ ૬

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ આપ;

રામાનંદને હરિ તણો, હવે વર્ણવી કહું છું મેળાપ. ૧

ચોપાઇ

કરી લોજનગરમાં વિરામ, ઘણી લીલા કરી ઘનશ્યામ;

કર્યા દિવ્ય ચરિત્ર અનેક, નવ આવે ઉચરતાં છેક.1

જળઝીલણી દસરા દિવાળી, એ જ રીતે પ્રબોધિની ભાળી;

વળી વસંતની જે પંચમી, ફુલદોળ ને રામનવમી. ૩

ભીમ એકાદશી કહેવાય, કર્યા એટલા ઉત્સવ ત્યાંય;

રામાનંદ સ્વામી નવ આવ્યા, ભુજમાં હરિભક્તે રોકાવ્યા. ૪

થયા શ્રીહરિ તેથી ઉદાસ, બોલ્યા મુક્તાનંદ મુનિ પાસ;

વઇશાખનો વાયદો ગયો, સ્વામી કેરો મેળાપ ન થયો. ૫

રામાનંદજી આવશે ક્યારે? ક્યારે મેળાપ થાશે અમારે?

સુણી બોલિયા મુક્તાનંદ, રહો ઉરમાં ધરી આનંદ. ૬

સ્વામી આવશે આજ કે કાલ, ધરો ધીરજ દિલમાં દયાળ;

પછી સંવત શતક અઢારે, સાલ છપ્પનમી2 હતી ત્યારે. ૭

જેઠ કૃષ્ણ3 દશમ દિન ટાણે, રામાનંદ આવ્યા પીપલાણે;

જ્યારે આકાશે ઉગ્યો દિનેશ, ત્યારે ગામમાં કીધો પ્રવેશ. ૮

મેતા નરસિંહ દ્વિજ ઉનેવાળ, ઉતર્યા તેને ઘેર દયાળ;

એક વિપ્ર કુંવરજી નામ, તેને મોકલિયો લોજ ગામ. ૯

કહ્યું સંતનો સર્વ સમાજ, મળી આવજો દર્શન કાજ;

જૈને વિપ્રે સમાચાર કહ્યા, સુણી સંત સરવ રાજી થયા. ૧૦

ઉગ્યો ચંદ્રમા પાછલી રાતે,4 ચાલ્યા સંત સરવ ભલી ભાતે;

મળવાની આતુરતા ધરી, સૌએ ઉતાવળી ગતિ કરી. ૧૧

વર્ણીંદ્રનો દુર્બળ દેહ, તેથી થાકી ગયા અતિ તેહ;

કહે સંત દ્યો આજ્ઞા અમને, અમે તેડીને ચાલિયે તમને. ૧૨

સુણી બોલિયા સુંદરશામ, તેડી ચાલવાનું નથી કામ;

હરિ ચાલિયા ધરીને ધ્યાન, વેગે ચાલતા તીર સમાન. ૧૩

વળી વાયુ તણો વેગ જેવો, કર્યો શ્રીહરિયે વેગ તેવો;

સર્વે સંત તો પાછળ રહ્યા, હરિ ઓઝતને તટ ગયા. ૧૪

તેમાં આવિયું પાણીનું પૂર, દેખી હાથિયો પણ ડરે ઉર;

ઘણી વારીની વૃષ્ટિ થયેલી, સરિતા થઈ તે થકી ઘેલી. ૧૫

જળ જોરે કરે ઘુઘવાટ, જવા ક્યાંઈ જડે નહિ વાટ;5

પ્રભુયે કર્યો જળમાં પ્રવેશ, અંગે આંચ આવી નહી લેશ. ૧૬

જળ ઉપર કમળ રહે જેમ, ચાલે શ્રીહરિ જળ પર તેમ;

સિધા તીરની પેઠે ઉતરિયા, સામે કાંઠે જઈ હરિ ઠરિયા. ૧૭

થયો તે સમે પ્રાતસકાળ, દિન એકાદશીનો વિશાળ;

સાધુ સર્વે તે પાછળ આવ્યા, તટે આવીને ત્રાપા6 મંગાવ્યા. ૧૮

મહા કષ્ટે સામે પાર ગયા, હરિને જોઈ વિસ્મિત થયા;

કરી નિત્યક્રિયા સંતે ત્યાંય, પછી સર્વે ગયા ગામમાંય. ૧૯

રામાનંદ પાસે ઘનશ્યામ, દંડવત થઈ કીધો પ્રણામ;

રામાનંદે તરત ઉભા થઈ, ચાંપ્યા છાતિયે ઉપાડી લઈ. ૨૦

વાણી ગદ્‌ગદ કંઠે ઉચારી, વહ્યાં બેયના નેત્રથી વારી;

આવે મળવા ગમે તેવો હોય, ચાંપી છાતિયે મળતા7 ન તોય. ૨૧

તેણે એવું મોટું માન દીધું, મન સર્વેનું વિસ્મિત કીધું;

સર્વ સંત નમ્યા પુરી પ્રીતે, બેઠા જેમ ઘટે તેવી રીતે. ૨૨

પાટ ઉપર તો ગુરુ બેઠા, હરિ બેઠા આસન પર હેઠા;

અન્યોઅન્ય જોડી દૃષ્ટિ પ્રીતે, તે તો ચંદ્ર ચકોરની રીતે. ૨૩

રામાનંદે પછી રુડી રીતે, પૂછી સૌની કુશળતા સુપ્રીતે;

મુક્તાનંદને પૂછીયું ત્યારે, બ્રહ્મચારી આ આવ્યા છે ક્યારે? ૨૪

મુક્તાનંદ બોલ્યા તેહ વારે, આવ્યા શ્રાવણ વદ છઠ જ્યારે;

વળી સ્વામી બોલ્યા તેહ ઠામ, સદાવ્રત આપણે ઘણે ગામ. ૨૫

કરી રાખ્યાં હતાં જેને કાજ, એ તો આવિયા આ મહારાજ;

થયા એમ કહીને પ્રસન્ન, મોદ માય નહી નિજ મન. ૨૬

પછી પૂછ્યું પ્રભુ પ્રત્યે ધારી, કહો ક્યાંથી આવ્યા બ્રહ્મચારી?

જગન્નાથ આદિ તીર્થ કરતા, અહીં આવ્યા છૈયે અમે ફરતા. ૨૭

રામાનંદ કહે જશો ક્યાંય? ત્યારે બોલિયા શ્રીહરિ ત્યાંય;

આપના સતસંગમાં રહેશું, બીજે ક્યાંઈ જવાનું ન કહેશું. ૨૮

રામાનંદ કહે સુણો વાત, જે જે છે જગમાં જનજાત;8

વસે છે સારું જાણી ઠેકાણું, સારું તે જેને જ્યાં સમજાણું. ૨૯

કેને શહેર કે ગામડું ગમે, વનમાં મન કોઈનું ભમે;

જન જનની છે સમજણ ન્યારી, સમજીને વસે નરનારી. ૩૦

તમે શું સમજી આંહી રહેશો? સાધુને સંગે શું સુખ લેશો?

તપ કરવું પડે સાધુ સંગે, સુખ અલ્પે ન ઇચ્છાય અંગે. ૩૧

વરતાય ન સ્વેચ્છા પ્રમાણે, મિતાહાર9 મળે કોઈ ટાણે;

વળી કરવી પડે નીચી ટેલ, સંતમાં વસવું નથી સેલ.10 ૩૨

માન અપમાન સાંખવું પડે, મન નાશી જવા ઘાટ ઘડે;

રહેવું સર્વના શિષ્ય થૈને, પ્રકૃતિ તનની તજી દૈને. ૩૩

તમે શું સમજી મુનિરાજ? અહીં રહેવાને ઇચ્છો છો આજ;

સુણી બોલિયા શ્રીઘનશામ, દિસે કલ્યાણ તો આજ ઠામ. ૩૪

બહુ હું ફર્યો દેશ વિદેશ, ક્યાંઈ કલ્યાણ દીઠું ન લેશ;

નથી દૈહિક સુખ જોતું મારે, નથી માનને ઇચ્છતો ક્યારે. ૩૫

કહેશો તમે તેમ કરીશ, રાખશો આપ તેમ રહીશ;

મોટા શહેરના ચૌટા મોઝાર, કહો તો બેસું જૈ વર્ષ બાર. ૩૬

કહો તો વસુ જૈ ઘોર વનમાં, સુખ આજ્ઞામાં માનીશ મનમાં;

નથી અંતરમાં અન્ય આશ, ઇચ્છું કલ્યાણ આપની પાસ. ૩૭

બોલ્યા શ્રીહરિ એવાં વચનને, તે તો સમજાવાને દૈવી જનને;

પોતે છે સઉના પરમેશ, નથી સાધન સાધવું લેશ. ૩૮

રામાનંદ કહે મુનિરાજ, નકી કલ્યાણનું હોય કાજ;

કરો તીરથ દ્વારિકા કેરું, તેથી પામશો પુણ્ય ઘણેરું. ૩૯

સુણી બોલ્યા શ્રીજી વેણ સારાં, થયાં દર્શન આજ તમારાં;

તીર્થજાત્રાઓ સૌ થઈ પૂરી, નથી એ વિષે એકે અધૂરી. ૪૦

ઉપજાતિવૃત્ત (તીર્થયાત્રા વિષે)

તીર્થે જવું તે સતસંગ કામ, જ્યારે મળે સદ્‌ગુરુ જેહ ઠામ;

ત્યારે થયાં તીરથ સર્વ પૂરાં, જ્ઞાની જનો તો ન ગણે અધૂરાં. ૪૧

ચિંતામણીની થઈ પ્રાપ્તિ જેને, બદામની11 ગર્જ રહે ન તેને;

જેને મળે સદ્‌ગુરુજી સમર્થ, કલ્યાણનાં સાધન સર્વ વ્યર્થ. ૪૨

ગંગા તણા જ્યાં જળના તરંગ, પામે જ તેનો જન જે પ્રસંગ;

કૂવો તટે ત્યાં ખણવા12 ચહાય, ગમાર13 પૂરો જન તે ગણાય. ૪૩

સત્સંગથી જો નહિ શાંતિ થાય, કલ્યાણમાં સંશય જો જણાય;

કાં તો નહીં સદ્‌ગુરુ તેહ સાચો, કાં શિષ્ય જ્ઞાની કહિયે જ કાચો. ૪૪

કાઢી લીધા તાંદુળ14 શાળમાંથી,15 શરીર પામે સુખ જે જમ્યાથી;

ખાંડે પછી ફોગટ ફોતરાંને, તેને મહા મૂરખ સર્વ માને. ૪૫

જો સદ્‌ગુરુ ઈશ્વર આપ હોય, જે જે કહે તે કરવું જ તોય;

અધર્મ કે ધર્મ ગણે ન છેક, આજ્ઞા ગુરુની શુભ ધર્મ એક. ૪૬

દહીં વલોવી નવનીત16 લીધું, હતું કર્યાનું કૃત તેહ કીધું;

વલોવશે છાશ વિશેષ તોય, જાણું મહા મૂરખ તેહ હોય. ૪૭

સત્સંગી થૈ ભાવ ભલો જ ભાખે, જે અન્ય આસ્તા ઉર માંહી રાખે;

તો મર્મ તે તો સમજ્યો ન કાંઈ, ભલે પડ્યો તે સતસંગમાંઈ. ૪૮

ચોપાઇ

આજ્ઞા આપની શીશ ધરીશ, કહેશો આપ તેમ કરીશ;

એવાં સાંભળી વચન રસાળ, રામાનંદ રીઝ્યા તતકાળ. ૪૯

રામાનંદ બોલ્યા વળી વાણી, મુક્તાનંદ સુણો મુદ આણી;

બીજા જુગમાં પ્રભુ એમ કરતા, ભક્તરક્ષણ ચક્રને ધરતા. ૫૦

કળીજુગ માંહી ચક્ર તે આજ, નથી મુક્તા કેમ મહારાજ?

આજ ભક્ત નહીં હોય એવા, બીજા જુગમાં હતા ભલા જેવા. ૫૧

કે શું કૃષ્ણે કૃપા ઓછી કરી, ચિંતા ભક્તની નહિ આજ ધરી;

એનો ઉત્તર સમજીને આપો, કેમ કોઈનો સંશય કાપો. ૫૨

મુક્તાનંદ કહે ગુરુરાય, નહિ મુજથી તે ઉત્તર થાય;

આજ આવ્યા છે આ બ્રહ્મચારી, આપે ઉત્તર એહ વિચારી. ૫૩

પછી પૂછીયું વર્ણીને જ્યારે, બોલ્યા તે બ્રહ્મચારીજી ત્યારે;

બીજા જુગમાં હતા ભક્ત જેહ, અંબરીષ આદિક નૃપ તેહ. ૫૪

એથી ઉત્તમ આજના જન, રક્ષા દૈહિક ઇચ્છે ન મન;

કામ ક્રોધ લોભાદિક દુષ્ટ, તેથી રક્ષા થકી રહે તુષ્ટ.17 ૫૫

હોય હથિયારબંધ હજાર, તોય રક્ષા ન તેથી થનાર;

ચક્ર જ્ઞાનરૂપી બળવાન, તેજ આદિત્ય18 અયુત19 સમાન. ૫૬

તેને મૂકે છે શ્રીમહારાજ, નિજ ભક્તના રક્ષણ કાજ;

મોટો અજ્ઞાનનો અંધકાર, જ્ઞાનચક્ર થકી જ જનાર. ૫૭

એવું ચક્ર પ્રભુ જો ન મૂકે, કોઈ ધર્મ પાળી નવ શકે;

કામ ક્રોધ થકી ન ઉગાર્યા, હર બ્રહ્મા ને નારદ હાર્યા. ૫૮

બીજા જુગ કરતાં પણ આજ, દયા અધિક ધરે મહારાજ;

ભક્તો માગે છે રક્ષણ જેવું, કરે છે પ્રભુ તરત જ તેવું. ૫૯

એવી વાતો વિવિધ પ્રકાર, રામાનંદે કરી એહ વાર;

જેમ ચંદ્ર ઉદય જ્યારે થાય, અતિ સાગર જળ ઉભરાય. ૬૦

સ્નેહસાગર ત્યાં ઉભરાયો, મર્મ કોઈ થકી ન કળાયો;

પછી વરણીને પૂછી વાત, કોણ માત તાત કોણ જાત? ૬૧

કયા દેશમાં ધર્યો છે દેહ? વર્ણિરાજ કહો સર્વ તેહ;

સુણી બોલિયા સુંદર શામ, ધર્યો દેહ તો છપૈયા ગામ. ૬૨

ધર્મ ભક્તિ પિતા અને માત, વિપ્ર સરવરિયા વિખ્યાત;

રામાનંદ કહે તે તમારાં, માત તાત છે શિષ્ય અમારાં. ૬૩

મોટું તીર્થ પ્રયાગ છે જ્યાંય, અમે આપ્યો છે ઉપદેશ ત્યાંય;

તેના પુત્ર તમે છો પાવન, દિસો સદ્‌ગુણ કેરા સદન.20 ૬૪

તપ તીવ્ર કરો છોજી તમે, સાધ્યો અષ્ટાંગયોગ આ સમે;

ભલે આવ્યા તમે મહારાજ, અતિ રાજી થયા અમે આજ. ૬૫

કહે વર્ણી21 સુણો હે રાય, હરિ સમરથ સૌથી ગણાય;

ગણે સ્વામીને નિજથી વિશેષ, શિષ્ય ભાવે રહ્યા પરમેશ. ૬૬

જે જે પ્રશ્ન તે વર્ણી પૂછે છે, રામાનંદજી ઉત્તર દે છે;

એ જ અવસરે શ્રીઅવિનાશ, પૂછ્યું પ્રશ્ન રામાનંદ પાસ. ૬૭

તમે ઈશ્વર છો સનાતન, કે શું આજ્ઞાકારી ભગવન?

સુણી સ્વામી બેઠા મુખ ફરી, બીજા ભક્ત સાથે વાત કરી. ૬૮

વળી વર્ણી સામું જોયું જ્યારે, ફરી પૂછિયું તે પ્રશ્ન ત્યારે;

નવ ઉત્તર દીધો લગાર, ત્યારે પૂછિયું ત્યાં ત્રીજી વાર. ૬૯

કાંઈ મીષ લઈ ઉઠી ગયા, ફરી આવી વિરાજિત થયા;

બેઠો એક જમાદાર આવી, સ્વામીયે ત્યાં સમાધિ કરાવી. ૭૦

એને દેખાડ્યું અક્ષરધામ, અલ્લારૂપે દીઠા ઘનશામ;

ઘણા ઉભા છે અલ્લાના દાસ, રામાનંદ ઉભા એક પાસ. ૭૧

આવ્યો તે પછી દેહમાં જ્યારે, ઉંચે સ્વર થકી ઉચ્ચર્યો ત્યારે;

આ શી હિંદુની ઉલટ રીત? ઘણી લાગે છે તે અઘટીત. ૭૨

મુરશદ22 ઉંચે આસને બેઠા, અને અલ્લા તો બેઠા છે હેઠા;

રામાનંદે ત્યાં વાણી ઉચ્ચારી, એ છે રીત અસલની અમારી. ૭૩

ઉંચા બેસતા વિપ્ર વસિષ્ઠ, નીચે બેસતા રામ વરિષ્ઠ;

એવાં વચન સુણી વૃષલાલ, મંદ મંદ હસ્યા તતકાળ. ૭૪

પગે લાગી ગયો જમાદાર, થયું અચરજ સૌને અપાર;

રામાનંદજી બોલ્યા વચન, સુણો સૌ સંત ને હરિજન. ૭૫

આજ આવ્યા રુડા યોગીરાજ, યોગિની છે એકાદશી આજ;

કરી ઉત્સવ હરખિત થઇયે, નદી ઓઝતે ન્હાવાને જઇયે. ૭૬

વાજાં વિધ વિધ કેરાં મંગાવો, સંતો તાલ મૃદંગ બજાવો;

પગે ચાલતાં ચાલતાં જૈયે, ઘણા જજ્ઞ તણું ફળ લૈયે. ૭૭

આજ ઉત્તમ દિવસ છે એવો, મહા તપફળ પામિયે તેવો;

આજ સૂર્ય આ કેવો પ્રકાશે, નહીં તીવ્ર ને નિર્મળ ભાસે. ૭૮

વાયુ ત્રિવિધ પ્રકારનો વાય, મંદ શીતલ સુગંધ જણાય;

હર્ષ ઉભરાય છે આજ ટાણે, તેનું કારણ તો હરિ જાણે. ૭૯

ન્હાવા જાવાને તત્પર થયા, વાજતે ગાજતે સહુ ગયા;

જેમ યજ્ઞ પુરો થાય જ્યારે, કરે સ્નાન અવભ્રથ23 ત્યારે. ૮૦

મળ્યા પ્રત્યક્ષ સારંગપાણી, જોગયજ્ઞ પૂરો થયો જાણી;

નદી ઓઝતમાં રામાનંદે, સ્નાન અવભ્રથ કીધું આનંદે. ૮૧

હરિ સામું જુએ વારે વારે, મૂરતિ મન માંહી ઉતારે;

જાણે આજ સુકૃત ફળ ફળિયું, કોટિ જજ્ઞ તણું ફળ મળિયું. ૮૨

આવે પૂર્વથી જળનો પ્રવાહ, રામાનંદ બેઠા એહ રાહ;24

બેઠા પશ્ચિમ દિશ તેની પાસ, મુક્તાનંદ ને શ્રીઅવિનાશ. ૮૩

કરે સ્નાન ને કીર્તન ગાય, જળ છાતી સમાણું જણાય;

થયું કીર્તન તે પુરું જ્યારે, ઘનશામે પૂછ્યું પ્રશ્ન ત્યારે. ૮૪

કહો ઈશ્વર છો તમે કેવા? જદુનાથ25 કે રામજી જેવા;

રામજીયે તો રાવણ માર્યો, ગાદીયે વિભીષણને બેસાર્યો. ૮૫

રામે કામ કર્યાં એવાં એવાં, તમે શાં કામ કીધાં છે તેવાં?

ત્યારે બોલ્યા રામાનંદ તેહ, કહું કામ કર્યાં અમે જેહ. ૮૬

રાજા જનક તે મનને જ જાણો, મનવૃત્તિ તે સીતા પ્રમાણો;

વાસના જે વિષયની સજોર,26 કહું ધનુષ તે શિવનું કઠોર. ૮૭

અન્ય તોડી શકે નહીં એને, અમે તરત તોડી નાંખ્યું તેને;

જાણો આત્મા અમારો તે રામ, તેને સીતા વરાવી તે ઠામ. ૮૮

કહું રાવણ તે અહંકાર, થયો સીતાને હરવા તૈયાર;

દેહરૂપી લંકાનો તે રાય, જેને કોઈ થકી ન જીતાય. ૮૯

મહાપાપી તે પોતાના પુરમાં, ઇચ્છે સીતાને રાખવા ઉરમાં;

અમે જ્ઞાનાગ્નિ પ્રગટ કરીને, બાળી નાખી લંકા નગરીને. ૯૦

વિભીષણ તે તો જાણો વૈરાગ, તેને વૈર રાવણશું અથાગ;

અમે રાવણ રાક્ષસ માર્યો, વિભીષણ રાજપાટે બેસાર્યો. ૯૧

વાત એહ જે જે જન જાણે, એ તો ઈશ્વર અમને પ્રમાણે;

સ્વામીનાં એવાં સુણીને વચન, હરખ્યા સંત અને હરિજન. ૯૨

પછી નીરથી નીસરી બહાર, કોરાં વસ્ત્ર ધર્યાં તેહ વાર;

દિધાં વિપ્ર સુપાત્રને દાન, ગણી દિન મહાપર્વ સમાન. ૯૩

દીઠો વડ એક ગેરગંભીર,27 બેઠા ત્યાં જઈને થઈ સ્થીર;

વડ સંઘાઈનો તેનું નામ, ઠંડી છાયા ભલી તેહ ઠામ. ૯૪

સભા સંતને સત્સંગી કેરી, સજી ત્યાં તે તો શોભે ઘણેરી;

જાણે એ અવસર એહ ઠામ, આવીને વસ્યું અક્ષરધામ. ૯૫

સ્વામી બોલ્યા વળી શુભ વાણી, સુણો સૌ ઉર ઉત્સાહ આણી;

આજ આ જોગી આવ્યા છે જેવા, નથી બ્રહ્માંડમાં અન્ય એવા. ૯૬

માટે આજનો દિન28 ગણો એવો, જન્માષ્ટમીનો દિન જેવો;

જ્યારે વર્ષમાં આ દિન આવે, મહા પાવન પર્વ કહાવે. ૯૭

થયો યોગીનો યોગ આ ઠામ, યોગીની આ એકાદશી નામ;

આવી સત્સંગી સૌએ આ સ્થાન, કરવું નદી ઓઝતે સ્નાન. ૯૮

દાન વિપ્ર સુપાત્રને દેવું, હોય જે જનને ધન જેવું;

વળી સંતોને પૂજવા પ્રીતે, તેથી રીઝે પ્રભુ રુડી રીતે. ૯૯

પછી આવ્યા સહુ પુરમાંય, વાજાં વાજે ને કીર્તન ગાય;

એવી રીતે ઉતારામાં આવ્યા, કરી ઉત્સવ મુદ ઉપજાવ્યા. ૧૦૦

બીજે દિન પારણું કર્યું પ્રીતે, વાસ ત્યાં જ વશા રુડી રીતે;

સતાવનમી પછી સાલ આવી, દેવપોઢણી જનમન ભાવી. ૧૦૧

પૂર્વછાયો

આવી હરિજન્માષ્ટમી, કર્યો ઉત્સવ રૂડી રીત;

આવી ગણેશ ચતુર્થિકા, પૂજ્યા ગણપતિ ધરી પ્રીત. ૧૦૨

ચોપાઇ

જળઝીલણી તો આવી જ્યારે, થયો સારો સમૈયો તે વારે;

દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગ્રિયો લાવ્યા. ૧૦૩

રામાનંદે પૂજ્યા ગણપતિ, થયું અચરજ એ સમે અતિ;

સૌએ દીઠા ગણેશને ઠામ, ધર્મપુત્ર પ્રભુ ઘનશામ. ૧૦૪

કોટિ સૂર્ય શશી સમ તેજ, દીઠું શીતલ સુંદર એ જ;

ઘણી વાર તે તેજ જણાયું, પછી વર્ણીના તનમાં સમાયું. ૧૦૫

સૌને અચરજ લાગ્યું અતીશે, વરણીનો પ્રતાપ તે દિસે;

ગયા ઠાકોર જળ ઝીલવાને, ગણનાથને29 પધરાવવાને. ૧૦૬

વરઘોડો ચડ્યો ઘણો સારો, મળ્યા જોવાને લોક હજારો;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, તેથી અવની ને આકાશ ગાજે. ૧૦૭

વાજે ત્રાંસા ને તાલ મૃદંગ, શરણાઈ ઉપંગ ને ચંગ;

કોઈ ગાય બજાવીને તાળી, રચના થઈ રૂડી રુપાળી. ૧૦૮

બહુ ઉડે અબીર ગુલાલ, થયો આકાશ એ થકી લાલ;

વળી ત્યાં બહુ બંદૂકો છૂટે, જેમ ધાણી કડાઈમાં ફૂટે. ૧૦૯

નદી ઓઝત તીર વિચરી, જળ ઝીલવાની ક્રિયા કરી;

ગણનાથને ત્યાં પધરાવ્યા, પછી સૌ મળી પુરમાં આવ્યા. ૧૧૦

સમૈયો કરીને શુભ પેર, જન સર્વ ગયા નિજ ઘેર;

દસરાનો દિવસ પછી આવ્યો, ત્યારે ઉત્સવ સારો કરાવ્યો. ૧૧૧

એ જ રીતે શોભાવી દિવાળી, અન્નકૂટ દિને હદ વાળી;

એમ કરતાં પ્રબોધિની આવી, હરિભક્તના મનમાં તે ભાવી. ૧૧૨

દેશ દેશ થકી સંઘ આવ્યા, ઘણી ભેટ ભલી વિધ લાવ્યાં;

એ જ દિવસે રામાનંદ પાસ, કર જોડી કહે અવિનાશ. ૧૧૩

તમે વિજ્ઞાનવાન30 વિભૂ31 છો, મારા માતાપિતાના ગુરૂ છો;

મહાદીક્ષા મને આજ આપો, મારે માથે તમે હાથ થાપો. ૧૧૪

સારી સાંભળીને તેવી વાત, રામાનંદ થયા રળીયાત;

બોલ્યા દીક્ષા તે દેવાનું ધારી, ધન્ય ધન્ય તમે બ્રહ્મચારી. ૧૧૫

તીવ્ર વૈરાગ્ય ધન્ય તમારો, તમે સંસાર જાણ્યો છે ખારો;

તમે જન્મથી છો ઊર્ધ્વરેતા,32 તમ તુલ્ય નથી બ્રહ્મવેત્તા.33 ૧૧૬

તમે દીક્ષા લીધા વિના આપ, કોટિ જનને કરો નિષ્પાપ;

એવા સમરથ છો શ્રીહરિ, કરો ઉદ્ધાર સકંલ્પે કરી. ૧૧૭

તમે સ્થાપ્યો છે વેદનો ધર્મ, તેનો મૂળ વિચારીને મર્મ;

સૌને શિખવવાને જ કાજ, દીક્ષા લેવા ઇચ્છો મહારાજ. ૧૧૮

એમ કિધી પ્રશંસા તે સારી, દીક્ષા દેવા સમય નિરધારી;

હરિજન મળી ઉત્સવ કર્યો, ઉરમાં અતિ આનંદ ભર્યો. ૧૧૯

પછી શાસ્ત્ર તણો કરી વિધિ, મહામંત્રની દીક્ષા તે દીધી;

ધાર્યું નામ શ્રીસહજાનંદ, નારાયણમુનિ નામ સ્વછંદ. ૧૨૦

આપી વેદોક્ત વૈષ્ણવી દીક્ષા, આપી સદ્‌ગુરુ થૈ વળી શિક્ષા;34

ધર્મ પાળજો રહી નિષ્કામી, વળી સૌને પળાવજો સ્વામી. ૧૨૧

જેમ હીરાને ઓપ ચડાવ્યો, એમ ધર્મીને ધર્મ બતાવ્યો;

જે જે ધર્મ ને નિયમ બતાવ્યા, મહારાજે તે મનમાં ઠરાવ્યા. ૧૨૨

દોહરો

હતું સરોવર તે થયું, સાગરનું સરદાર;

મેરુને મસ્તક જુઓ, મુક્યો હાથ ગિરનાર. ૧૨૩

પીપલાણાના મહિમાની ગરબી

(‘નારાયણ નામ લે ને તું પ્રાણી રે’ એ રાગ)

પદ – ૧

પરમ શુભ ધામ છે પીપલાણું રે, મોટો મહિમા મુખે શું વખાણું.

   પરમ શુભ ધામ છે પીપલાણું રે;

રામાનંદ ને શ્રીહરિ આપ રે, તેનો પ્રથમ થયો ત્યાં મેળાપ રે;

   પૂરો દેખાડ્યો પ્રગટ પ્રતાપ, પરમ꠶ ૧૨૪

જેમાં ભક્તિતનુજ ભગવાને રે, દેહે ધારી મહાદીક્ષાને રે;

   તેથી તીર્થ થયું તેહ સ્થાને, પરમ꠶ ૧૨૫

આપ અક્ષરધામના ધામી રે, પીપલાણામાં દીક્ષા પામી રે;

   થયા શ્રીસહજાનંદ સ્વામી, પરમ꠶ ૧૨૬

ધર્યો જન્મ છપૈયામાં જેમ રે, પીપલાણે દીક્ષા ધરી તેમ રે;

   બેમાં ઓછું અધિક કહું કેમ, પરમ꠶ ૧૨૭

દિસે સોરઠ દેશમાં સારું રે, પુરું પ્રગટ પ્રભુને છે પ્યારું રે;

   બડાં તીર્થ તેના પર વારું, પરમ꠶ ૧૨૮

મે’તા નરસિંહને ધન્ય ધન્ય રે, એ તો ભક્ત પ્રભુના અનન્ય રે;

   એના જેવા જોયા નહિ અન્ય, પરમ꠶ ૧૨૯

જેને ઘેર રહ્યા ઘનશામ રે, કર્યાં કોટિક જીવનાં કામ રે;

   ધારો તે જેવું ધર્મનું ધામ, પરમ꠶ ૧૩૦

દયાસાગરે દિલ દયા લાવી રે, કૈંક જનને સમાધિ કરાવી રે;

   દીધા બહુ નિજ ધામ બતાવી, પરમ꠶ ૧૩૧

નદી ઓઝત છે એહ ઠામ રે, ઘણી વાર નાહ્યા ઘનશામ રે;

   તેથી ત્યાં વસે તીર્થ તમામ, પરમ꠶ ૧૩૨

દ્વારિકા મથુરા હરદ્વાર રે, એવાં તીર્થ તો ત્યાં છે અપાર રે;

   કોણ માત્ર કાશી ને કેદાર, પરમ꠶ ૧૩૩

જન જનમીને જગત મોઝાર રે, ત્યાં ન તીર્થે ગયો એક વાર રે;

   એનો એળે ગયો અવતાર, પરમ꠶ ૧૩૪

તીર્થ શ્રાદ્ધ ત્યાં જૈ જન કરશે રે, એના પૂર્વજ નિશ્ચે ઉદ્ધરશે રે;

   સ્થિર અક્ષરમાં જઈ ઠરશે, પરમ꠶ ૧૩૫

કરે ત્યાં જપ તપ વ્રત દાનરે, સંતાનાર્થી પામે સંતાન રે;

   ધનઅર્થી પામે ધન ધાન, પરમ꠶ ૧૩૬

પામે જેવું જે ચિત્તે ચહે છે રે, મોક્ષઅર્થી તો મોક્ષ લહે છે રે;

   રઘુવીરસુતસુત35 કહે છે, પરમ꠶ ૧૩૭

પુષ્પિતાગ્રાવૃત્ત

અતિ મતિ ગતવંત36 નાથ જે છે, સકળ ગુરૂ સકળેશ આપ એ છે;

નરતનું ધરિને ચરિત્ર કેવાં, અકળ કરે વળી તીર્થથાન તેવાં. ૧૩૮

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે

પિપ્પલગ્રામે શ્રીહરિ-વૈષ્ણવીમહાદીક્ષાગ્રહણનામા ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે