☰ kalash

કળશ ૫

॥ શ્રીહરિલીલામૃતમ્ ॥

કળશ ૫

 

સૌરાષ્ટ્રનામ પંચમકલશપ્રારંભઃ

 

વિશ્રામ ૧

 

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

વંદૂં જે હરિયે પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો,

દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતા તણો;

ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડિયાં દૃષ્ટિયે,

લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધા કૃપા દૃષ્ટિયે. ૧

પૂર્વછાયો

દેહ તજ્યો રામાનંદજી, થઈ ત્યાર પછી જે વાત;

તેહ કથા તમને કહું, ભાવે સુણો અભેસિંહ ભ્રાત. ૨

ચોપાઈ

દશ દિવસ સુધી દિલ લાવી, કથા ગીતાની નિત્ય કરાવી;

દેશદેશના જનને તેડાવ્યા, કાર્ય ઉપર તે સહુ આવ્યા. ૩

દશાહાદિ1 એકાદશા જેહ, ભદ્રાતટ2 હરિયે કર્યા તેહ;

દ્વાદશાહ ને શ્રવણી3 શ્રાદ્ધ, કર્યાં શાસ્ત્ર પ્રમાણે અબાધ. ૪

દીધાં દ્વિજને નાનાવિધ દાન, દીધાં ભાવતાં ભોજનપાન;

ધર્મ સ્થાપવા તનુધરી હરિ, માટે વેદવિહિત4 ક્રિયા કરી. ૫

સર્વ જનને શિખવવાને કાજે, કરી સર્વ ક્રિયા મહારાજે;

એમ તેરમો દિવસ ગયો, દિન ચૌદમો તે જ્યારે થયો. ૬

સભા સજી બેઠા ઘનશામ, બેઠા હરિજન સંત તમામ;

સભા મધ્યે સિંહાસન એક, જેનું મૂલ છે મહોર અનેક. ૭

બેઠા તે પર શ્રીમહારાજ, બેઠો આગળ સંત સમાજ;

ધર્મ આદિક સદ્‌ગુણ ધારી, સતશાસ્ત્રના અભ્યાસકારી. ૮

મુક્તાનંદ આદિક મુનિ જેવા, બેઠા આગળ આગળ એવા;

ભલા બ્રાહ્મણ શાસ્ત્ર ભણેલા, સભા મોટીમાં માન પામેલા. ૯

એક પડખે સિંહાસન પાસે, બેઠા ઉત્તમ પદવીની આશે;

મોટા મોટા ગૃહસ્થ ને રાજા, યથાયોગ્ય સભામાં બિરાજ્યા. ૧૦

દેશદેશથી આવેલા જેહ, બેઠા સંઘના જન સઉ તેહ;

લાડકીબાઈ આદિક નારી, સજી તેણે સભા જુદી સારી. ૧૧

નરોથી એક ધનુષ5 પ્રમાણ, સજી દૂર સભા તે સુજાણ;

ક્ષત્રિમાં મુખ્ય તો રાજોભાઈ, જેની સમઝણ છે અધિકાઈ. ૧૨

તેણે હરિશિર છત્ર ધરેલું, દિસે સો સળિયોનું કરેલું;

છત્ર શ્વેત તે ચંદ્રમાં જેવું, ઇન્દ્રભુવનમાં નવ મળે એવું. ૧૩

ધર્યું ચામર ગોવિંદરામે, ધર્યું બીજું કુંવરજી નામે;

મોટા સંત રુડા રામદાસ, ઝાલી રૂમાલ ઉભા છે પાસ. ૧૪

ભલા ભક્ત વેરોભાઈ જેહ, ધરી વીંઝણો ઉભા છે તેહ;

હરિભક્તો ઘણા ઘણા આવે, વસ્ત્ર ભૂષણ હરિને ચડાવે. ૧૫

કરી પૂજા ઘણી ધરી પ્રીત, ચિત્ત રાખી ચકોરની રીત;

સર્વે બેઠા સભા માંહિ જઈ, હરિ મૂર્તિમાં એકાગ્ર થઈ. ૧૬

એવા હરિજન પ્રત્યે શ્રીહરિ, બોલ્યા કરુણા નિધિ કૃપા કરી;

રામાનંદના શિષ્ય છો સારા, તમે ધર્મ ભલો પાળનારા. ૧૭

પણ સ્વામીયે પોતાને ઠામ, મને બેસાર્યો કરવાને કામ;

ગુરુ તેથી તમારો હું છું, માટે હિતનાં સુવાક્ય કહું છું. ૧૮

ગુરુ શિષ્ય તણા જેહ ધર્મ, તેનો જાણે ગુણી જન મર્મ;

ગુરુયે હિતવચન કહેવાં, શિષ્યે તે મનમાં ધરી લેવાં. ૧૯

ઉપજાતિવૃત્ત

પાળો સુશ્રદ્ધા ધરી ધર્મ સારો, તેથી બધો અર્થ સરે તમારો;

તે ધર્મ સામાન્ય તથા વિશેષ, પ્રકાર તેનો કહું કાંઈ લેશ. ૨૦

પુરુષ કે જે પ્રમદા6 ગણાય, જે ધર્મ સૌના સરખા જણાય;

સામાન્ય ધર્મો શ્રુતિમાં કહ્યા છે, વિશેષ વર્ણાશ્રમ આદિના છે. ૨૧

સામાન્ય ધર્મો તમને સુણાવું, કહી ગયા નારદ તે બતાવું;

મુમુક્ષુ પ્રાણી જગ માંહી જે છે, સદ્ધર્મ તેના હિતકારી તે છે. ૨૨

સત્ય દયા ને તપ શૌચ જાણો, ઇક્ષા7 તિતીક્ષા8 શમતા પ્રમાણો;

તથા અહિંસા દમ9 બ્રહ્મચર્ય, સ્વાધ્યાય ને આર્જવ10 ત્યાગવર્ય. ૨૩

સંતોષ ને સત્પુરુષોની સેવા, ઇંદ્રિયના વિષય જીતી લેવા;

માનેલ દુઃખે સુખ તે વિચારે, આત્માતણું ચિંતન મૌન ધારે. ૨૪

ચોપાઈ

આપે અન્નાદિ દાન સુરીતે, કથા કૃષ્ણની સાંભળે નિત્યે;

વળી કૃષ્ણનાં કીર્તન કરે, ધ્યાન શ્રીહરિનું ઉર ધરે. ૨૫

પદસેવા સજે શુભ રીતે, કરે પૂજન વંદન પ્રીતે;

કરે દાસ્ય સખાપણું જેમ, તથા આત્માસમર્પણ તેમ. ૨૬

મદ્ય માંસનો ન કરે આહાર, આત્માઘાત નહી કરનાર;

પારકી ચીજ ચોરી ન લાવે, કોઈને ન કલંક ચડાવે. ૨૭

કોઈ દેવની નિંદા ન થાય, અણખપતું ન પિયે ન ખાય;

હરિવિમુખ મુખની કથાય, કદી સાંભળવા ન ચહાય. ૨૮

જાતિ સર્વ મનુષ્ય છે જેહ, સાધારણ ધર્મ સર્વનો તેહ;

વિપ્ર ક્ષત્રિને વૈશ્ય ગણાય, શુદ્ર સહિત વરણ ચાર થાય. ૨૯

બ્રહ્મચારી તથા જે ગૃહસ્થ, ત્રીજું આશ્રમ તો વાનપ્રસ્થ;

ચોથા સંન્યાસી સંસાર પાર, કહ્યાં આશ્રમ એ રીતે ચાર. ૩૦

ત્રણ વર્ણને છે સંસ્કાર, બીજો જન્મ એ તો નિરધાર;

તેથી ત્રણે દ્વિજાતિ ગણાય, શુદ્ર તો એક જાતિ જણાય. ૩૧

ચાર વર્ણ વિના બીજા જેહ, વર્ણસંકર જાતિના તેહ;

ઘટે વિપ્રને આશ્રમ ચાર, વૈશ્ય ક્ષત્રિને ત્રણ નિરધાર. ૩૨

તેણે ધરવો ન સંન્યાસ ધર્મ, એવો કોઈ મુનિ કહે મર્મ;

વળી કોઈ લખી ગયા આવું, વૈશ્ય ક્ષત્રિયે સંન્યાસી થાવું. ૩૩

એવો બેય પક્ષનો છે ધર્મ, શુદ્રને તો ગૃહસ્થ આશ્રમ;

બીજા સંકરજાતિ છે જેહ, ગૃહસ્થાશ્રમમાં રહે તેહ. ૩૪

સધવા વિધવા સ્ત્રી જાત, ભજે ભગવાનને દિન રાત;

નર જે અતિ હોય વૈરાગી, પ્રભુને ભજે સંસાર ત્યાગી. ૩૫

તે તો સાધુજનો કહેવાય, નિજ પરનું સદા હિત ચહાય;

જે જે વર્ણ ને આશ્રમ કહ્યા, તેના પૃથક પૃથક ધર્મ રહ્યા. ૩૬

તેનું ધર્મ વિશેષ છે નામ, તેની વિગતી સુણાવું આ ઠામ;

વેદ શાસ્ત્ર તણું મત લૈને, કહું છું તે સુણો ચિત્ત દૈને. ૩૭

શમ દમ તપ શૌચ સંતોષ, શાંતિ આર્જવ યજ્ઞ અદોષ;

હિંસા રહિત જે યજ્ઞ કરાય, યજ્ઞ તે નિરદોષ ગણાય. ૩૮

કોઈ સાથે ન મત્સર રાખે, મનમાં મિત્રતા અભિલાખે;11

પાળે ધર્મ તજે અદેખાઈ, દાન અન્નાદિ દે સુખદાઈ. ૩૯

કરે કૃષ્ણની પૂજા હમેશ, મન કોમળ રાખે વિશેષ;

લજ્જા જ્ઞાન વિજ્ઞાન ગણાય, રાખે આસ્તિકતા સ્વાધ્યાય. ૪૦

સમદૃષ્ટિપણું સર્વમાંય, ધર્મ વિપ્રના તે કહેવાય;

હવે ક્ષત્રિના ધર્મ વિશેષ, કહું સાંભળો તે ઉપદેશ. ૪૧

વીર્ય12 તેજ13 તથા શૌર્ય14 ધૈર્ય,15 ધરે ઉદ્યમ ઔદાર્ય16 સ્થૈર્ય;17

આત્માજય અને ઉત્સાહ આણે, વિપ્રને પાળવા જોગ્ય જાણે. ૪૨

ધરી ઐશ્વર્ય રક્ષણ કરે, જીતે શત્રુને દિલ નવ ડરે;

રાખે ડહાપણ ને મોજ દેય, યુદ્ધમાં નહિ પાછો હઠેય. ૪૩

શસ્ત્ર વાહન પર ઘણો સ્નેહ, દાન દેવામાં વખણાય જેહ;

જેમાં દ્રવ્ય ઘણું ખરચાય, એવા યજ્ઞ કર્યાની ઇચ્છાય. ૪૪

પૂજે વિપ્રને પૂજે પ્રભુને, સુત સમ પાળે વસ્તી સહુને;

શરણાગત રક્ષણ કરે, ક્ષત્રિધર્મ તે મુનિ ઉચ્ચરે. ૪૫

હવે વૈશ્ય તણા જેહ ધર્મ, કહું સાંભળો તેહનો મર્મ;

રાખે આસ્તિકતા અતિ ઊર, કરે ઊદ્યમ નિત્ય જરૂર. ૪૬

દિલે દંભ કદાપિ ન દિસે, સેવે વિપ્રને સ્નેહે અતીશે;

ત્રણ વર્ણનું પોષણ કરે, ગુરુદેવની ભક્તિ આદરે. ૪૭

ખેડ કરવા ઉરે અભિલાખે, ગાયો પાળવાની રુચિ રાખે;

દાનનિષ્ઠા ને ડહાપણ જાણું, એ તો વૈશ્યનો ધર્મ વખાણું. ૪૮

હવે શુદ્રના ધર્મ છે જેહ, તમને સંભળાવું છું તેહ;

દેવતાની દ્વિજાતિની18 સેવા, સેવે સાધુને પણ સુખ લેવા. ૪૯

સેવા ગાયોની સજવાનું ધારે, સદા સર્વથા કપટ વિસારે;

એવું કામ કરી ધન લાવે, તે વડે નિરવાહ ચલાવે. ૫૦

રાખે તેથી સંતોષ હંમેશ, એ તો શુદ્રનો ધર્મ વિશેષ;

એ રીતે ચારે વર્ણના ધર્મ, કહ્યા સર્વ સહિત સુકર્મ. ૫૧

પૂર્વછાયો

સુણો સહુ જન સ્નેહથી, ગર્ભાધાન આદિક સંસ્કાર;

સોળ પ્રકારે શાસ્ત્રમાં, કહ્યા છે તે કરું ઉચ્ચાર. ૫૨

પ્રથમ ગરભાધાન છે, પછી પુંસવન સંસ્કાર;

પુત્ર થવાની આશીષ છે, પછી ઈશ્વર પર આધાર. ૫૩

ત્રીજો સીમંત સંસ્કાર છે, જેમાં સેંથો સાફ કરાય;

ગર્ભવતીને આનંદ ઊપજે, ગર્ભ પ્રફુલ્લિત થાય. ૫૪

જાતકરમ સંસ્કાર છે, બાળજન્મ સમે કરે જેહ;

બાળકની શુદ્ધિ તથા, દાન દેવા આદિક છે તેહ. ૫૫

નામકરણ સંસ્કાર તે, પાડે બાળક કેરું નામ;

નિષ્ક્રમણ તે ચંદ્રદર્શન, એ છે ક્રિયા અભિરામ. ૫૬

અન્ન જમાડવું પ્રથમ તે, અન્નપ્રાશન છે સંસ્કાર;

પ્રથમ વાળ ઉતારવા, ચૌળકર્મ તણો તે વિચાર. ૫૭

કાન વિંધે બાળક તણા, કર્ણવેધ તે તો કહેવાય;

જનોઈ દઈ વ્રત ગુરુ કહે, તે ૧૦વ્રતાદેશ ગણાય. ૫૮

વેદ ભણે બ્રહ્મચારી થઈ, ૧૧વેદારંભ કહે ગુણવાન;

નાય જટા ઉતારીને, તેને કહે ૧૨કેશાંતસ્નાન. ૫૯

ભણી ગણી વળે ઘરભણી, ૧૩સમાવર્તન તેહનું નામ;

તે સંસ્કાર છે તેરમો, શ્રુતિ સ્મૃતિ કહે છે આમ. ૬૦

ચૌદમો જે સંસ્કાર છે, વદે તેનું નામ ૧૪વિવાહ;

વરે કન્યા નિજ જાતિની, જેમ વેદ બતાવે રાહ.19 ૬૧

આખી ઉંમર સુધી પૂજવા, અગ્નિ ચોરીમાંથી લે જેહ;

૧૫વિવાહાગ્નીસંગ્રહ નામે, છે શુભ સંસ્કાર તેહ. ૬૨

ગારહપત્ય20 આહવનીય,21 દક્ષિણાગ્નિ ત્રીજો કહેવાય;

અગ્નિ રાખે ત્રણ વેદના, તે ૧૬ત્રેતાગ્નિગ્રહણ ગણાય. ૬૩

સોળ કહ્યા સંસ્કાર તે, ત્રણે વર્ણ કરે ધરી પ્રીત;

વેદે કહ્યા છે તે ભણી ભણીને, વેદના મંત્ર સહિત. ૬૪

કન્યાને સંસ્કાર નવ, કર્ણવેધ સુધી જ કરાય;

વિવાહ પણ ત્રણ વર્ણને, વેદમંત્ર ભણીને થાય. ૬૫

શુદ્રને પણ સંસ્કાર નવ, પછી છે દસમો ઉદ્વાહ;22

વેદના મંત્ર વિના કરે, એવો છે શ્રુતિ સ્મૃતિનો રાહ. ૬૬

પુષ્પિતાગ્રાવૃત્ત

વરણધરમ મેં કહ્યા વિચારી, શ્રુતિ વળી શાસ્ત્ર તણા મતાનુસારી;

ધરમ પૃથક આશ્રમો તણા છે, અલપ કહીશ વિશેષ તો ઘણા છે. ૬૭

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ-ચતુર્વણધર્મકથનનામા પ્રથમો વિશ્રામઃ ॥૧॥

×

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે