કળશ ૬

વિશ્રામ ૧૨

પૂર્વછાયો

શ્રીજી કહે શુકાનંદને, જન જન્મ પામીને જેહ;

ઉપાય ન કરે મોક્ષનો, મોટો મૂરખ ગણવો તેહ. ૧

ચોપાઈ

વ્યવહારિક કામમાં ડાહ્યો, ભલે લોકમાં ચતુર ગણાયો;

ધરે બુદ્ધિનું બહુ અભિમાન, પણ જો ન ભજે ભગવાન. ૨

સત્પુરુષ ને સરછાસ્ત્ર જે છે, તે તો તેવાને મુરખ ગણે છે;

ભલે હોય તે માણસ મોટો, પણ તરખલાથી છેક છોટો. ૩

સુખ વિષયનાં સ્વપ્ન સમાન, સ્વપ્ન જેવાં જ મોટપ માન;

ખોઈ આવરદા એવા માટે, જેમ રાખ કે સુવરણ સાટે. ૪

તેથિ મોટી તે શી મુરખાઈ, ધિક ધીક તેની ચતુરાઈ;

વલોવ્યું લેવા માખણ વારી, પીધું ઝેરને અમૃત ધારી. ૫

સત્ય પોતાનો અર્થ ન સાર્યો, તે તો જાણવો આત્મહત્યારો;

મોક્ષક્ષેત્રમાં જન અવતાર, ઘણે કાળે મળે બિજિવાર. ૬

એના અવધિનો જેહ પ્રકાર, કહું શાસ્ત્ર તણે અનુસાર;

આપણાં વર્ષ તો એક પાસ, છસેં છાસઠ ને આઠ માસ. ૭

બ્રહ્માના એક લવ સમ થાય, સાઠ લવનું તો નિમિષ ગણાય;

આપણાં વર્ષ ચાળી હજાર, બ્રહ્માનું તે નિમિષ નિરધાર. ૮

એક આંખ તણી મિચકારો, તેનું નામ નિમિષ તમે ધારો;

એનું નામ જ ક્ષણ પણ જાણો, એનું નામ જ વિપળ1 પ્રમાણો. ૯

સાઠ નિમિષ તણું પળ2 એક, હવે સાંભળો તેનો વિવેક;

આપણાં વર્ષ ચોવિશ લાખ, તે તો બ્રહ્માનું પળ એક દાખ્ય.3 ૧૦

સાઠ પળની ઘડી એક થાય, વર્ષ આપણાં તો બહુ જાય;

કોટિ ચૌદ ને લાખ ચાળીશ, ઘડી એક બ્રહ્માની કહીશ. ૧૧

ઘડી ત્રીશ તણું દિનમાન, સુણો વર્ષ તેમાં રાખી ધ્યાન;

ચાર અબજ ને બત્રી કરોડે, વર્ષ બ્રહ્માના દિવસમાં દોડે. ૧૨

જુગ ચારની ચોકડી એક, કહું સાંભળો તેનો વિવેક;

લાખ સતર અઠ્યાવિ હજાર, વર્ષ સતયુગનાં નિરધાર. ૧૩

ત્રેતાયુગનાં વરસનો સુમાર, બાર લાખ ને છનું હજાર;

જુગ દ્વાપરનો નિરધાર, આઠ લાખ ચોસઠ હજાર. ૧૪

ચાર લાખ હજાર બત્રીશ, કળિયુગનું પ્રમાણ કહીશ;

ચાર જુગનાં મળી વર્ષ જેહ, થાય લાખ ત્રેંતાળીશ તેહ. ૧૫

વળી ઉપર વીશ હજાર, નથિ સંશય એમાં લગાર;

એવી હજાર ચોકડી જાય, ત્યારે બ્રહ્માનો દિન એક થાય. ૧૬

ચૌદ ઇંદ્ર વીતે એટલામાં, મનુ ચૌદ વીતે તેટલામાં;

તેની આયુષ્ય કેરું પ્રમાણ,4 તમે સાંભળો સંત સુજાણ. ૧૭

આપણાં વર્ષ તો ત્રીશ ક્રોડ, પંચાશી લાખ તે સાથે જોડ;

ઉપરે એકોતેર હજાર, તેની ઉપર તો શત ચાર. ૧૮

અઠ્યાવીશ વરસ ખટ5 માસ, તેથી અધિક કહું તમ પાસ;

વળી વાર તો પંચવીશ, ઉપરાંત ઘડી બેંતાળીશ. ૧૯

એકાવન પળ વિપળ પચીસ, લવ તે પર તો બેંતાળીશ;

બાર લવ તણો ચૌદમો ભાગ, પછી ઇંદ્ર કરે તન ત્યાગ. ૨૦

મનુ પણ એક ઇંદ્રને સંગ, એટલું જિવિને તજે અંગ;

ચૌદ ઇંદ્ર મનુ થઈ જાય, ત્યારે બ્રહ્માનો એક દિન થાય. ૨૧

તેમાં બહુ ઉપજે બહુ જાય, તે તો નિત્ય પ્રલય કહેવાય;

થાય બ્રહ્માનો સાયંકાળ, નાસે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. ૨૨

તે તો નિમિત્ત પ્રલય કહેવાય, ગણતાં પ્રલે બીજો ગણાય;

રાતે બ્રહ્મા સુવે સાક્ષાત, જેવડો દિન તેવડી રાત. ૨૩

આઠ અબજ ને ચોસઠ કોટી, સંખ્યા આપણાં વર્ષની મોટી;

એટલો અવસર જ્યારે જાય, બ્રહ્માનું અહોરાત્ર6 ગણાય. ૨૪

વળિ થાય પ્રભાત તે જ્યારે, ત્રિલોકી ઉપજાવે તે ત્યારે;

અહોરાત્ર વિતી જાય ત્રીશ, બ્રહ્માનો માસ એક કહીશ. ૨૫

માસ બાર તણું વર્ષ થાય, શત વર્ષ જીવે તે બ્રહ્માય;

ચૌદ લોક સહીત બ્રહ્માંડ, નાસ થાય તજે બ્રહ્મા પંડ. ૨૬

અંડ પ્રકૃતિ માંહિથી થાય, પાછું પ્રકૃતિ માંહિ સમાય;

એ તો પ્રાકૃતપ્રલય લખાય, સંખ્યા ગણતાં તે ત્રીજો ગણાય. ૨૭

ચોથો પ્રલય આત્યંતિક જેહ, કેવિ રીતથી થાય છે તેહ;

મૂળપ્રકૃતિથી જે પ્રધાન, તથા પુરુષ થયેલા નિદાન. ૨૮

તેઓ સહિત બ્રહ્માંડ અનેક, થાય નાશ તેનો જ્યારે છેક;

પ્રકૃતીનું કારજ કહેવાય, પ્રકૃતીમાં પ્રતિલોમ7 થાય. ૨૯

પછી પ્રકૃતિ પૂરુષ જેહ, કહું તેનિ ગતી થાય તેહ;

મહાઅક્ષરપુરુષનું તેજ, લીન થાય તેમાં બેય એ જ. ૩૦

આત્યંતિક પ્રલય તેનું નામ, લખ્યું છે સતશાસ્ત્રમાં આમ;

જ્યારે ઉત્પત્તિકાળ આવે છે, અનુક્રમથી ત્યારે ઉપજે છે. ૩૧

થાય છે પ્રતિલોમ તે જેમ, અનુલોમથિ ઉપજે છે એમ;

એ તો પ્રલય કહ્યા અમે ચાર, હવે સાંભળો બીજો વિચાર. ૩૨

જ્યારે બ્રહ્માનો અંત જણાય, ત્રીજો પ્રાકૃત પ્રલય તે થાય;

સાડી ત્રણ કોટી થાય તેહ, ફરી આવે ત્યારે નરદેહ. ૩૩

કાં તો અસદગુરૂથી બંધાઈ, કાં તો વિષયના સુખમાં લોભાઈ;

વ્યર્થ કાઢે છે જન અવતાર, તે તો જાય છે નરક મોઝાર. ૩૪

ઘણા કાળ સુધી નર્ક કુંડે, મહા પીડા પામે છે તે પંડે;

પછી ભોગવે લક્ષ ચોરાશી, તેનાં દુઃખ જુવાને તપાશી. ૩૫

જાતિ ઉદ્‌ભિજ8 અને અંડજ,9 વળિ સ્વેદજ10 ને જરાયુજ;11

એકવીશ લક્ષ જાતિ જાણો, સંખ્યા પ્રત્યેકની તે પ્રમાણો. ૩૬

ભરતખંડમાં માનુષ્ય દેહ, છેલી વાર પામે જીવ તેહ;

સાડી ત્રણ કોટી બ્રહ્મા જાય, ફરી આવે ત્યારે નર કાય. ૩૭

ત્યારે પણ સંતસંગ જો કરે, પ્રભુ ભજિ ભવસાગર તરે;

નહિ તો પાછો નરકમાં જાય, વળી ગોથાં ચોરાશીમાં ખાય. ૩૮

માટે ચેતજો ચિત્તમાં ભાઈ, આવ્યો અવસર છે સુખદાઈ;

સતશાસ્ત્ર વિચારો વિશેષ, માનો સદગુરુનો ઉપદેશ. ૩૯

કરો સાધન મોક્ષ જવાનું, નહિ તો મહાકષ્ટ થવાનું;

આ છે શાસ્ત્રનો સત્ય સિદ્ધાંત, ભાઈ એમાં નથી કાંઈ ભ્રાંત. ૪૦

સમજુ જન સમજિ વિચારે, મૂર્ખ તો મનમાં નવ ધારે;

સદગુરુનો કે શાસ્ત્રોપદેશ, નહિ મૂર્ખને અંકુશ12 લેશ. ૪૧

પત્ર વાંચીને ધરજો આનંદ, કહો જય જય સચ્ચિદાનંદ;

એવા પત્ર અનેક લખાવ્યા, ગામોગામ વિષે મોકલાવ્યા. ૪૨

વાંચી કૈંક થયા સતસંગી, આવ્યા શ્રીપ્રભુ પાસ ઉમંગી;

અવિનાશીનો આશ્રય લીધો, અંગિકાર ઉદ્ધવમત કીધો. ૪૩

એવી રીતથિ શામ સુજાણ, કર્યાં કોટિક જનનાં કલ્યાણ;

કળિકાળમાં સતજુગ થાપ્યો, કષ્ટકારિ કુમારગ કાપ્યો. ૪૪

પ્રભુ પ્રગટને ઓળખ્યા નહીં, મોટા મૂરખ તે જન સહી;

અતિ પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, તોય જડને વિચાર ન આવ્યો. ૪૫

પુષ્પિતાગ્રાવૃત્ત

અગણિત જનકેરિ ભ્રાંતી ભાંગી, જડમતિ તોય જુવે ન કાંઈ જાગી;

દિનકર કૃત તેજ તો અલેખે,13 પણ દૃગ14 ખોલિ ઉલૂક15 તો ન દેખે. ૪૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર –અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે શ્રીહરિલવનિમેષાદિ-બ્રહ્મદેવઆયુષ્યમાનનિરૂપણનામા દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે