☰ kalash

કળશ ૭

વિશ્રામ ૪

પૂર્વછાયો

સંઘ સિધાવ્યા સ્વદેશમાં, કરી વંદન વારમવાર;

જેતલપુરથી જગપતી, કર્યો વિચરવાનો વિચાર. ૧

ચોપાઈ

એમ યજ્ઞ સમાપન કરી, ગયા ગામડી ગામમાં હરી;

પ્રભુનો સુણી પ્રૌઢ પ્રતાપ, થયો વેરાગિયોને સંતાપ. ૨

કહે જો ફરીથી કરે જજ્ઞ, ભેળા થૈ ભેખ કરિયે તે ભગ્ન;1

વળી જેતલપુરની સભામાં, વામમાર્ગીયો વિપ્ર ઘણામાં. ૩

વામમાર્ગ નિષેદ્ધ કરાવ્યો, તેથી વામીયોને ક્રોધ આવ્યો;

જેમ ખીજે ઘણા કાળાનાગ, એમ ખીજિયા વામી અથાગ.2

જાણે મારીયે ને કાં તો મરીયે, હવે વ્યર્થ જીવીને શું કરીયે;

સતસંગ પ્રવૃત્તિ ન થાય, એવો શોધવા લાગ્યા ઉપાય. ૫

હતા શ્રીપુરમાં એહ કાળ, વિઠુબા ભાઉ સુબા ભુપાળ;

કહ્યું વામીએ તેને દ્વેષથી, દ્વિજ સ્વામિનારાયણ નથી. ૬

તોય વેદોક્ત જજ્ઞ કરે છે, અતિ કર્મ અયોગ્ય તો એ છે;

દે છે બ્રાહ્મણને ઉપદેશ, નથી પૂછતા કોઈ નરેશ. ૭

ઉપજાતિ (રાજાના ધર્મ વિષે)

રાજા કરે રક્ષણ ધર્મ કેરું, એવું લખ્યું શાસ્ત્ર વિષે ઘણેરું;

પ્રજા તણાં ભૂપ જુવે ન કર્મ, ધરાતળે તો ન રહે જ ધર્મ. ૮

જે રાજ્યમાં ધર્મ અધર્મ થાય, તે ભૂપને ભાગ મળે સદાય;

તે માટે ભૂપે કરવો તપાસ, પામે કુકર્મી જન તેથી ત્રાસ. ૯

જે રાજ્ય માંહી અતિ અંધકાર, પાખંડીનું જોર વધે અપાર;

ધૂતે જનોને જન જે ધુતારા, ચોરી કરે જે જન ચોરનારા. ૧૦

જે દેશમાં હોય નરેશ નર્મ,3 પાળે નહિ કોઈ પ્રજા સ્વધર્મ;

સ્વચ્છંદિ તો સર્વ મનુષ્ય થાય, સુમાર્ગને મૂકિ કુમાર્ગ જાય. ૧૧

નૃપાળનું કારણ હોય કાળ, કે કાળનું કારણ છે નૃપાળ;

કરો ન તે સંશય કોઈ કાળ, છે કાળનું કારણ તો નૃપાળ. ૧૨

છે પેશવાનું શુભ ધર્મરાજ, તે માંહિ આ થાય અધર્મ આજ;

એ તો અતિશે જ અયોગ્ય વાત, ધોળે દિને કેમ રહે જ રાત્ય. ૧૩

સૂબા તમે છો વળી રાજ્ય કેરા, પ્રવીણ છો શાસ્ત્ર વિષે ઘણેરા;

પાખંડ જો તેમ છતાંય જાગે, તો આપને લાંછન ખૂબ લાગે. ૧૪

શુદ્રો ગુરુ બ્રાહ્મણના ગણાય, અપૂજ્ય શૂદ્રો પણ તે પુજાય;

તપાસ તેનો ન કરે ભૂપાળ, તે દેશમાં પ્રૌઢ પડે દુકાળ. ૧૫

ચોપાઈ

કર્મ ચાંડાળના સુણી બોલ, તેનો સૂબાયે નહિ કર્યો તોલ;

તેથી શ્રીજીને સુબે તેડાવ્યા, પછી શ્રીજી શ્રીપુરમાં સિધાવ્યા. ૧૬

વૈદ શ્રીમાળી અંબારામ, તેને મેડે કર્યો વિશ્રામ;

એક શુક્લ હતા પ્રાણનાથ, નમ્યા શ્રીહરિને જોડી હાથ. ૧૭

વેદપાઠી પવિત્ર પ્રમાણ્યા, પણ દીન દરિદ્રી તે જાણ્યા;

કોટમાંથી કનકઉતરી,4 કૃષ્ણે આપી તેને કૃપા કરી. ૧૮

વસ્યા બે દિન ત્યાં હરિ વાસ, કરિ જ્ઞાનની વાત પ્રકાશ;

વિઠુબાયે વિચાર્યું તે વાર, તેને તેડાવું ભદ્ર5 મોઝાર. ૧૯

કાંઈ યુક્તિ કરી કરું નાશ, કાં તો પગમાં નાખું લોહપાશ;6

બંધીખાનામાં બાંધીને રાખું, ભલે ભોગવે આયુષ્ય આખું. ૨૦

હતું તેલનું ટાંકું ભરેલું, નહિ ઢાંકણું માથે ધરેલું;

ખપાટો તેના ઉપર ધરી, ગાદી પાથરી જુક્તિયે કરી. ૨૧

જેવી રાજાની ગાદી રુપાળી, ઓપે ઉત્તમ ઓછાડવાળી;

તકીયો તેના ઉપર ધર્યો, કીનખાબનો શોભિત સારો. ૨૨

પછી કૃષ્ણને તેડવા કાજ, સામો મોકલ્યો રાજ સમાજ;

તેની સાથે ચાલ્યા ઘનરંગી,7 સાથે સંત તથા સતસંગી. ૨૩

ભદ્રમાં ગયા સુબાને દ્વારે, કહ્યું જાસુદે8 આવિને ત્યારે;

સુબો મળશે એકાંતે ઉમંગે, માટે કોઈ ન આવશો સંગે. ૨૪

એમ કહિ સર્વને અટકાવ્યા, એક શ્રીહરિને દીધા જાવા;

દેવાનંદ સંન્યાસી જે હતા, તેણે માની નહીં તેની સત્તા. ૨૫

તે તો સંચર્યા શ્રીજીની સાથે, કર્યું સન્માન શ્રીપુરનાથે;

કહ્યું ભાવ દેખાડીને ઝાઝો, એહ ગાદીયે આપ બિરાજો. ૨૬

સુણી ઉચ્ચર્યા પુરુષ અનાદી, આ તો દેખાય છે રાજગાદી;

એના ઉપર તો બેસે રાય, અને ત્યાગી થકી ન બેસાય. ૨૭

સુબે બેસવાની કરી તાણ, તોય બેઠા ન શ્યામ સુજાણ;

હતી હાથમાં સોટી જે લાંબી, ગાદી ઉપર જોરથી દાબી. ૨૮

તેથી ગાદી ને તકીયો તે વાર, પડ્યાં તરત તે ટાંકા મોઝાર;

પડ્યું ઝાંખું સુબા તણું મુખ, તોય બોલીયો તેહ વિમુખ. ૨૯

કહો કોણ તમારી છે નાત, કોણ માત અને કોણ તાત;

તમે દેહ ધર્યો કિયે દેશ, કહો એટલી વાત અશેષ.9 ૩૦

એવું સાંભળી શ્રીજી ઉચરિયા, અમે નાતે તો દ્વિજ સરવરિયા;

ધર્યો કૌશલ દેશમાં દેહ, ભક્તિ માત પિતા ધર્મ તેહ. ૩૧

કરિયે અમે વેદોક્ત કર્મ, સ્થાપીયે અમે વેદનો ધર્મ;

સુખ સંસારનું તુચ્છ ધારી, બાળપણથી રહ્યા બ્રહ્મચારી. ૩૨

એમ શ્રીજીયે ઉત્તર દીધો, પણ ક્રોધ લગારે ન કીધો;

બોલ્યા ધીમે વળી ધર્મલાલ, તમે સાંભળો સુજ્ઞ ભુપાળ. ૩૩

તમે મારવા ધાર્યું જે અમને, તેવું કામ ઘટે નહિ તમને;

અમે સહન કર્યું એહ વાર, પણ નહિ સહે જગ કરતાર. ૩૪

એમ ઉચ્ચર્યા શ્રીઅવિનાશ, સુબાને ઉર ઉપજ્યો ત્રાસ;

શાપ દેવા દેવાનંદ ધારે, પણ શ્રીહરિ તેહને વારે. ૩૫

ઉપજાતિ (રાજ્યમદ વિષે)

જો રાજ્ય કેરો મદ હોય જેને, સૂઝે નહીં ધર્મ અધર્મ એને;

કરે સદા તે ન કર્યાનું કામ, પ્રભુ તણો ત્રાસ તજે તમામ. ૩૬

જો ઉપજે દ્વેષ દિલે લગાર, તો જીવ લેતાં ન કરે જ વાર;

ગરીબ કે વિપ્ર સુસંત હોય, તે ઊપરે લેશ દયા ન તોય. ૩૭

ચિંતા તજી દૈહિક સુખ માણે, નહીં કદાપી મરવાનું જાણે;

આ લોકમાં જો અપકીર્તિ થાય, ન રાજ્ય કેરા મદમાં જણાય. ૩૮

મુવા ઘણા ભૂપતિ ભૂમિમાંય, કોઈ ચિરંજીવિ રહ્યા ન ક્યાંય;

સુણાવ વંશાવળિમાં સદાય, તે સાંભળીને નહિ ત્રાસ થાય. ૩૯

કોઈ કરે માણસ મદ્યપાન, રહે ન તેને તન કેરું ભાન;

છે રાજ્ય કેરી મદ એ જ જેવો, ભૂલાવિ દે ભાન સમસ્ત તેવો. ૪૦

મદાંધ દેખે નહિ રે લગાર, ચેતાવી દે છે નર ચોપદાર;

કહે નરાધીશ નિઘા10 કરો રે, નિહાળી સન્મારગ સંચરો રે. ૪૧

મદાંધ તેનો નહિ મર્મ જાણે, તે અર્થ તેનો ઉરમાં ન આણે;

સ્વચ્છંદિ થૈને વિચરે સદાય, મુવા પછી તે નરકે જ જાય. ૪૨

મનુષ્યનું જીવન અલ્પ માત્ર, કુકર્મ તે માંહિ કરે કુપાત્ર;

એનું અરે છે ફળ નેષ્ટ11 એવું, કલ્પાંત12 સૂધી નરકે રહેવું. ૪૩

ચોપાઈ

વિઠુબા પછી બોલિયો એવું, તમારે શહેરમાં ન રહેવું;

આંહીં આવવું નહિ કોઈ વાર, આવો તો અપમાન થનાર. ૪૪

કહે કૃષ્ણ અવધિ કહો કાંઈ, ક્યાં સુધી નહિ આવવું આંઈ;

કહે સુબો સુણો મહારાજ, જ્યાં સુધી પેશવાનું છે રાજ. ૪૫

ત્યાં સુધિ નહિ આવશો આંહીં, નકી રાખજો તે મન માંહી;

કહે શ્રીજી આ રાજ્ય ન હોય, પછે આવિયે કે નહીં તોય. ૪૬

કહે સુબો પછી ભલે આવો, તેમાં કોઈ નહીં કરે દાવો;

જાઓ ઇડરિયે દરવાજે, શહેરમાંથી નિકળવાને કાજે. ૪૭

પ્રભુ ભદરમાંથી13 નિકળિયા, ત્યાં તો સંતોને સતસંગી મળિયા;

તે તો જેતલપુર જવા કાજે, ચાલ્યા દક્ષણાદે દરવાજે. ૪૮

વાજાં વાજે ને ઉત્સવ થાય, સંત હરિજન કીર્તન ગાય;

દરવાને ત્યાં તો અટકાવ્યા, વળી સુબાના હુકમ સુણાવ્યા. ૪૯

ઉત્તરાદો છે દ્વાર ઇડરિયો, જવા તે જ તમારે તો ઠરિયો;

બીજે કોઈ દ્વારે ન જવાશે, જશો તો નકી અટકાવ થાશે. ૫૦

બીજે દરવાજે શ્યામ સિધાવ્યા, દરવાને14 ત્યાં તો અટકાવ્યા;

બાર દરવાજે દર્શન દઈ, ચાલ્યા ઇડરિયે દ્વારે થઈ. ૫૧

પ્રેમી એક હરિભક્તે આવી, માટલી બરફીની ધરાવી;

અશ્વ ઉપર લૈ હરિરાય, બરફી જમતા પંથે જાય. ૫૨

હરિભક્ત વળાવીને વળિયા, મોટેરાના જનો આવી મળિયા;

ગયા મોટેરે મોહનલાલ, ત્યાંના ભક્તનું ભાળી વહાલ. ૫૩

આપ્યો ઉત્તમ ઠામે ઉતારો, શ્યામ લાયક શોભિત સારો;

સતસંગીએ આપી રસોઈ, અતિ ઉત્તમ અવસર જોઈ. ૫૪

જમ્યા શ્રીજિ તથા જમ્યા સંત, ભરી બેઠા સભા ભગવંત;

બોલ્યા સંત સહુ જોડી હાથ, અતિ દ્વેષી શ્રીપુરનો છે નાથ. ૫૫

ઉપદ્રવ કરે છે અતિ અમને, તેણે કીધા તિરસ્કાર તમને;

દેવ સૂર્યાદિ દેખિ ખમે છે, કેમ દૈવને એવું ગમે છે. ૫૬

એવું સાંભળી શારંગપાણી, બોલ્યા સંતના સન્મુખ વાણી;

સંતો સમજીને ધીરજ ધારો, આવો સમય નથી રહેનારો. ૫૭

ઉપજાતિ (સમય બદલાયા વિષે)

વર્ષા પછી જેમ સદા શિયાળો, જતાં શિયાળો પ્રસરે ઉનાળો;

વારા પછી એમ જણાય વારો, સદા સમો એક રહે ન ધારો. ૫૮

પ્રભાત મધ્યાહ્ન પ્રદોષ થાય, ભાનૂ તણી સ્થીતિ જુદી ભળાય;

તે આગળે માણસ કોણ માત્ર, રાજ્યાદિનો ગર્વ કરે કુપાત્ર. ૫૯

સમુદ્રની જે ભરતી ચડે છે, ઘણો કરે તે ઘુઘવાટ એ છે;

તે અલ્પ વારે ઉતરી જ જાય, એવી જુવાની જનની જણાય. ૬૦

ગયા ઘણા ભૂપતિ મૃત્યુરાહ, ગયા જ દીલ્લીપતિ પાદશાહ;

રહ્યું નથી ને નથિ રે રહ્યાનું, ક્યાં કોઈનું રાજ સદા કહ્યાનું. ૬૧

આવે રુપૈયો કર માંહિ જ્યારે, માલિક હું એમ મનાય ત્યારે;

પછી રુપૈયો પર હાથ જાય, માલીક તે ત્યાર થકી મનાય. ૬૨

એવી રીતે રાજ્ય થયાં ગયાં છે, સદૈવ ક્યાં કોઈ તણાં રહ્યા છે;

જરૂર તે રાજ્ય ગણી જનારું, શાણા કરી લે નૃપ કામ સારું. ૬૩

ગ્રહ્યો ગરુડે પણ સર્પ જે છે, તે દેડકાને હણવા કુદે છે;

તેવી રીત્યે કાળમુખે પડેલો, પીડે બીજાને મદમાં ભરેલો. ૬૪

જેને સહાયી હરિ આપ હોય, તેને કરે શું દુઃખ દુષ્ટ કોય;

તે શીર પાપી પથરા ઉડાવે, તે સર્વ પુષ્પો થઈ પાસ આવે. ૬૫

ચોપાઈ

જ્યાં સુધી હશે એહનું રાજ, પુરમાં પેસવાનું શું કાજ?

આસપાસના ગામમાં રહેશું, હરિભક્તોને દર્શન દેશું. ૬૬

અનુકૂળ આવશે કાળ સારો, ત્યારે પુરમાંહિ કરશું પેસારો;

હરિજન સહુ ધીરજ ધરજો, ચિત્તમાં કાંઈ ચિંતા ન કરજો. ૬૭

ધાર્યું એક ધણીનું જ થાશે, ધારે માણસ તે વ્યર્થ જાશે;

એવાં વચન કહીને કૃપાળ, વાલો ત્યાંથી પધાર્યા વેલાલ. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

પુરપતિ તણું પુણ્ય ખૂટિ જાય, પુરપતિની પદવી જવાનિ થાય;

વિપરિત મતિ થાય તેનિ ત્યારે, શુભઅશુભાદિ ક્રિયા નહીં વિચારે. ૬૯

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીનગરે શ્રીહરિ-અપમાન સહનનામ ચતુર્થો વિશ્રામઃ ॥૪॥

×

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે