કળશ ૭

વિશ્રામ ૬૭

પૂર્વછાયો

વર્ણિ કહે વરતાલમાં, ફુલદોલનો ઉત્સવ કાજ;

સંઘ આવ્યા દેશ દેશના, સહુ આવીયો સંતસમાજ. ૧

ચોપાઈ

નિષ્કુળાનંદે પ્રથમથી આવી, રાખ્યો હિંડોળો સરસ બનાવી;

જ્ઞાનબાગમાં બાંધિયો તેહ, આંબા બે વચ્ચે શોભિયો એહ. ૨

તેમાં ઝૂલાવ્યા નટવરનાથ, કર્યો ઉત્સવ વાજીંત્ર સાથ;

પૂર્વે મુગટ ધર્યો હતો જેમ, ધર્યો આ અવસર પણ એમ. ૩

સમૈયો શ્રેષ્ઠ તે સમે જેવો, થયો આ અવસર પણ એવો;

પડવેને દિવસ પણ પ્રીતે, કર્યો રંગઉત્સવ રુડી રીતે. ૪

અહો ભૂપતિ હિંડોળો એહ, નારાયણમોલ માંહિ છે તેહ;

હોજ પણ બાગ માંહી છે બેય, જેમાં રંગ ભર્યા હતા તેય. ૫

જનદર્શન આવી કરે છે, જોતાં એહ લીલા સાંભરે છે;

રમી રંગે સજી અસવારી, ગયા નાવાને ગિરિવરધારી. ૬

કૂપ મુળજી પટેલ કેરો, વાલે જૈને વખાણ્યો ઘણેરો;

નાયા થાળામાં શ્યામશરીર, નાખ્યું હરિજને કૂપમાં નીર. ૭

વાજતે ગાજતે વૃષનંદ, આવ્યા ઉતારે આનંદકંદ;

ભલો થાળ જમ્યા ભગવંત, પછી સ્નેહે જમીડિયા સંત. ૮

જ્ઞાનબાગમાં સાંઝને ટાણે, સભા સારી સજી તે ઠેકાણે;

બેઠા હરિજન સંત હજારો, દીપે તે વચ્ચે ધર્મદુલારો. ૯

ગામ શીણોરના પાટિદાર, નામે કેશવદાસ ઉદાર;

તેની નારી નામે રાજબાઈ, આવ્યાં દર્શને ચિત્ત ચહાઈ. ૧૦

વેગળે રહી કીધા પ્રણામ, બાઈને કહે શ્રીઘનશ્યામ;

અમે વનમાંથી આવિયા જ્યારે, તમે સાત દિવસ સુધી ત્યારે. ૧૧

કરાવ્યું પયનું પાન અમને, સાંભરે છે કે વીસર્યું તમને;

સુણી બાઈ કહે એહ આજ, સાંભરે છે મને મહારાજ. ૧૨

પ્રભુએ વળી પૂછિયું ત્યારે, કેટલા છે સુપુત્ર તમારે;

બોલ્યાં બાઈ કરીને વિચાર, પ્રભુજી મારે પુત્ર છે ચાર. ૧૩

એમ કહી સુત ચારે બોલાવ્યા, પ્રભુ પાયે પ્રણામ કરાવ્યા;

કહે કૃષ્ણ આપો બેય અમને, રાખો બે પુત્ર પાળવા તમને. ૧૪

કહે બાઈ અહો ભાગ્ય એહ, રાખો બે તમને ગમે તેહ;

ગિરધર ને વણારશી નામ, સોંપ્યા શ્રીહરિને તેહ ઠામ. ૧૫

જોરાભાઈ તથા બાપુભાઈ, રાખ્યા બે સુત તે રાજબાઈ;

પુત્ર બે મહારાજે જે લીધા, મહાદીક્ષા દઈ સાધુ કીધા. ૧૬

વણારશીનું તો તે ઠામ, પાડ્યું શ્રીનિવાસાનંદ નામ;

ગિરધરનું તો ઈશ્વરાનંદ, નામ બોલ્યા પ્રભુ જગવંદ. ૧૭

થોડાં વર્ષ વિતી ગયાં જ્યારે, પડ્યું કામ જરૂરનું ત્યારે;

પાછા ગિરધરને ઘનશ્યામે, ઘેર મોકલ્યા સત્સંગ કામે. ૧૮

જેવી આજ્ઞા મહાપ્રભુ કરે, ભલા ભક્ત તો તે શિર ધરે;

હાથીયે કે ખરે1 જો બેસારે, તોય આનંદ અંતરે ધારે. ૧૯

ઘેર જૈને તે ગિરધર દાસે, સતસંગ વધાર્યો ચોપાસે;2

એના મુખનો સુણે ઉપદેશ, તેને સંશય નવ રહે લેશ. ૨૦

ઘેર જૈને કર્યું કામ એવું, સાધુથી ન બની શકે તેવું;

બ્રહ્મચારી કહે સુણો ભૂપ, સભામાં બોલ્યા શ્યામસ્વરૂપ. ૨૧

સમૈયો તો થયો ભલી ભાતે, સંઘ ચાલજો સર્વે પ્રભાતે;

સંતમંડળ સૌ જજો ફરવા, દેશમાં ગામોગામ વિચરવા. ૨૨

એમ આજ્ઞા કરી એહ વારે, પ્રભુ પોઢિયા જૈને ઉતારે;

નાજો જોગિયો ભક્ત હમીર, બેઠા બે ચોકી કરવાને વીર. ૨૩

ચોકી કરતાં ઉંઘે નહીં જેહ, હરિઇચ્છાએ ઉંઘીયા તેહ;

ખોડોભાઈ બુધેજના વાસી, જેને વાલા બહુ અવિનાશી. ૨૪

બાકી પોર નિશા રહી જ્યારે, ઘેર જાવાને નીકળ્યા ત્યારે;

મહારાજની આગળ આવી, રજા માગી સ્વશીશ નમાવી. ૨૫

પુછ્યું શ્રીજીએ વાહન શું છે, ખોડોભક્ત કહે ગાડલું છે;

મહારાજે વિચારિયું ઉર, મારે ઝટ જવું છે ગઢપુર. ૨૬

વરતાલના હરિજન જેહ, કરીને તાણ રોકશે તેહ;

સિધાવું ખોડાભાઈની સાથે, એવું ધારી કહ્યું તેને નાથે. ૨૭

ચાલો આવીશ હું તમ સંગે, ઉઠ્યા એમ કહીને ઉમંગે;

ગાડામાં બેસીને ગિરધારી, ચાલ્યા બુધેજ ભવભયહારી. ૨૮

ગાડાનો ઘઘડાટ થવાથી, નાજો ભક્ત જાગ્યા ઉંઘમાંથી;

ઘાંટો કાઢી પુછ્યું તેણે ત્યાંય, કોણ બેઠું છે ગાડલામાંય. ૨૯

સુણી બોલ્યા શ્રીજી સુખદાઈ, ગાડામાં બેઠા છે ખોડોભાઈ;

ઉંઘમાં સાદ ઓળખ્યો નહીં, તેથી સુઈ રહ્યા તે તો તહીં. ૩૦

વીતી રાત થયું જ્યાં સવાર, ભક્ત વરતાલના તેહ વાર;

આવ્યા દર્શન કરવાને કાજ, પુછ્યું નાજાને ક્યાં મહારાજ. ૩૧

કહ્યું કે પ્રભુ પોઢી રહ્યા છે, કાલના બહુ થાકી ગયા છે;

પછી પેખીયો જઈને પલંગ, તેમાં સૂતા ન દીઠા શ્રીરંગ. ૩૨

નાજો જોગીયો બીજો હમીર, કોપ્યા સૌ જન બેયને શીર;

કહો ચોકી કરી તમે કેવી, રાખી શ્રીજીની સંભાળ એવી. ૩૩

ત્યાં તો આવી કહ્યું કોઈ ભ્રાતે, ખોડાભાઈ આવ્યા હતા રાતે;

રખે તેહ તેડી ગયા હોય, તેને ઉતારે જૈ જુઓ કોય. ૩૪

પછી જૈ જોયું તેને ઉતારે, ગયા તે તો ખબર પડી ત્યારે;

જાણ્યું સર્વ હરિજને ઉર, ગયા તેની જ સાથે જરૂર. ૩૫

થયા સૌ જન દિલમાં ઉદાસ, નાખે સંભારીને તે નિશ્વાસ;

કહે અક્રૂરના જેવું કામ, ખોડાભાઈએ કીધું આ ઠામ. ૩૬

ભલો અક્રૂર તો અક્રૂર, ખોડોભાઈ ખરેખરા ક્રૂર;

રાતે ચોરીને લઈ ગયા એમ, એવો અક્રૂરને કહું કેમ. ૩૭

હવે શ્રીહરિ આવશે ક્યારે, વળી દર્શન કરશું કેવારે;

પછી સર્વે મળીને સમાજ, ગયા બુધેજ દર્શન કાજ. ૩૮

નયણે નિરખ્યા અવિનાશ, મટ્યાં અંતર સૌનાં ઉદાસ;

મંદ મંદ હસીને મુરારી, દીધી ધીરજ સર્વને સારી. ૩૯

કહ્યું ગઢપુર જૈ થોડે કાળે, આવશું વહેલા વરતાલે;

ચાલ્યા એમ કહી ઘનશ્યામ, દેતા દર્શન જૈ ગામોગામ. ૪૦

કારિયાણીએ કૃષ્ણ સિધાવ્યા, ત્યાંના હરિજનને હરખાવ્યા;

ચાલ્યા સારંગપુર મન લાવી, સીમ ગામ સજેલીની આવી. ૪૧

બાઇયો વીણતી હતી બોર, કોઈ વૃદ્ધ કે બાળ કિશોર;

નિરખ્યા હરિના અસવાર, જાણ્યું આવ્યા આ તો લૂંટનાર. ૪૨

પુત્રી મેઘા કુંભારની એક, સાત વર્ષની ઉંમરે છેક;

રહી તે ઉર હીમત આણી, મહારાજે કહી તેને વાણી. ૪૩

અહો શું છે તારી પાસે બાઈ, આપ્ય તે અમને હરખાઈ;

તેણે દેખાડ્યાં ખોળામાં બોર, ચાર મુઠી લીધાં ચિત્તચોર. ૪૪

પ્રભુજીએ પ્રસન્નતા લાવી, પતાસાંની પ્રસાદી અપાવી;

તેજબાઈ ડોશી હતાં ત્યાંય, પામ્યાં અચરજ તે ઉરમાંય. ૪૫

પામ્યા આશ્ચર્ય સૌ અસવાર, જાણ્યો પૂર્વ તણો તે સંસ્કાર;

ફળે જપ તપ કે વ્રત જ્યારે, પ્રભુ થાય પ્રસન્ન તો ત્યારે. ૪૬

ફળ્યાં બાળકીનાં પુણ્ય ભારે, ચિત્તમાં એમ સર્વ વિચારે;

ગયા સારંગપુર ઘનશ્યામ, ગયા ત્યાં થકી ગઢપુર ગામ. ૪૭

નિરખ્યા નયણે અવિનાશી, હૈડે હરખિયાં ગઢપુરવાસી;

નિત્ય આનંદ ઉત્સવ થાય, સુખ તે વર્ણવ્યું નવ જાય. ૪૮

સુખ અક્ષરધામમાં જેવું, ભાસે ગઢપુરમાં પણ તેવું;

વસે જ્યાં અક્ષરાધીશ સ્વામી, સુખમાં તહાં શી હોય ખામી. ૪૯

ભવ બ્રહ્મા અને અમરેશ, ગણે ગઢપુર સુખ વિશેષ;

નિજધામથી થૈને ઉદાસ, ઇચ્છે ગઢપુર માંહી નિવાસ. ૫૦

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજમન મહિમા વિચારી જેહ, ગઢપુર ધામનું નામ લે જ તેહ;

બહુ ભવ કૃત પાપ નાશિ જાય, દવ3 લવથી વન જેમ દગ્ધ4 થાય. ૫૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયપુરાત્ ગઢપુરઆગમનનામ સપ્તષષ્ટિતમો વિશ્રામઃ ॥૬૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે