કળશ ૮

॥ શ્રીહરિલીલામૃતમ્ ॥

કળશ ૮

 

महामन्दिरनिर्माणनाम अष्टमकलशप्रारम्भः

 

 

વિશ્રામ ૧

શાર્દૂલવિક્રીડિત

જેણે સુંદર શ્રેષ્ઠ ધામ રચિયાં આચારજો સ્થાપિયા,

શિક્ષાપત્રિ રચી સ્વધર્મ સહુના જૂદા કહી આપિયા;

કીધો સૂરતમાં વિજૈ વળિ કર્યો વીવાહ રાજા1 તણો,

વંદૂં તે પ્રભુને અખંડ ઉરમાં ઉત્સાહ આણી ઘણો. ૧

પૂર્વછાયો

નરનારાયણ સ્થાપિયા, જઈ શ્રીપુરમાં2 ઘનશ્યામ;

એક કથા અભેસિંહજી, સુણો નેહ સહિત આ ઠામ. ૨

સમૈયો શ્રીહરિનવમિનો, જુનાગઢે કરી જગદીશ;

ત્યાંથી પછી ગઢપુર વિષે, ગયા ઈશ્વરના પણ ઈશ. ૩

પછી જઈ વરતાલમાં, રુડું મંદિર કરવા કામ;

આજ્ઞા કરી હરિભક્તને, ગઢપુર ગયા ઘનશ્યામ. ૪

જેઠી પુનમે જળજાતરા, કર્યો ઉત્સવ શુભ એહ ઠાર;

સતસંગી ગુજરાતના, આવ્યા દરશન કરવા અપાર. ૫

શ્રીપુરના સતસંગીયો, હેતે જોડિને બોલ્યા હાથ;

શ્રીપુરમાં મંદિર ભલું, કરો શિખરબંધ મુનિનાથ. ૬

દુલાપ સાહેબ છે ભલો, હૈયે રાખે છે તમ પર હેત;

કહે છે મંદિર શુભ કરો, માટે પધારો સંત સમેત. ૭

પછી શ્રીહરિએ પુછિયો, સભાસદ તણો અભિપ્રાય;

નામ કહું હવે તેહનાં, સ્નેહે સુણો અભેસિંહરાય. ૮

મુક્તાનંદ ને બ્રહ્મમુનિ, ગોપાળાનંદ નિત્યાનંદ;

એહ આદિક બહુ સંતનાં, તથા વર્ણિજનોનાં વૃંદ. ૯

ખાચર દાદો ને જીવો, સોમલો ને સુરો સુજાણ;

ખાચર વસ્તો ને અલૈયો, પરમ ભક્ત પ્રમાણ. ૧૦

ઠકર લાધો ભક્ત શુભ, વળી પુજો ને હરજી નામ;

એહ આદિક હરિજન ઘણા, ઠરી બેઠા હતા તે ઠામ. ૧૧

બાઇયોમાં લલિતા જયા, બાઈ અમર ને ખીમબાઈ;

ઇત્યાદિક બહુ બાઇયો, બેઠી હતી મળી ડાઇ ડાઇ. ૧૨

શ્રીહરિ બોલ્યા તે સમે, સુણો સૌ મુજ ભક્ત સમાજ;

અંતરમાં અમે ધારિયું, કરવા એક ઉત્તમ કાજ. ૧૩

ગઢપુરમાં પધરાવિયા, વાસુદેવનારાયણ જેમ;

વળી જઈ વરતાલમાં, થાપ્યા નરનારાયણ તેમ. ૧૪

શ્રીપુરના સતસંગીનો, અતિ આગ્રહ છે એહ રીત;

નરનારાયણ થાપવા, પ્રૌઢ3 મંદિર કરી ધરી પ્રીત. ૧૫

નારાયણ હરિકૃષ્ણ હું, અરજુન તણું નર નામ;

નરનારાયણ રૂપ તે, જઈ સ્થાપીશ હું તે ઠામ. ૧૬

તે મુરતીમાં હું રહી, દૈશ દાસને દર્શનદાન;

તે થકિ મારા વિજોગનું, નહિ દુઃખ રહે તેહ સ્થાન. ૧૭

રાય રુડા અંગ્રેજની, તહાં આણ4 ફરે છે આજ;

કૃષ્ણાર્પણ જગ્યા કરી, તેણે મંદિર કરવા કાજ. ૧૮

તે સુણિને સહુ જન કહે, રુડું ધાર્યું તમે મહારાજ;

નરનારાયણ સ્થાપવા, એ તો અતિ ઉત્તમ છે કાજ. ૧૯

પછી આનંદાનંદને, કહે સ્નેહથી શ્રીઘનશ્યામ;

શિખરબંધ સોહામણું, કરો શ્રીપુરમાં જઇ ધામ. ૨૦

નારાયણજી સુતારને, કહી ચારુ રચાવીયું ચિત્ર;

આપ્યું આનંદાનંદને, કહ્યું આવું જ કરજો વિચિત્ર. ૨૧

આનંદાનંદ બોલિયા, ઘણું ખર્ચ થશે ઘનશ્યામ;

કહોજી ક્યાં થકી લાવવા, દીનબંધુ એટલા દામ. ૨૨

એવું સુણિ અવિનાશિએ, એક ટીપ5 કરાવી તે ઠાર;

ભક્તજનોએ ત્યાં ભર્યા, થયા રુપૈયા આઠ હજાર. ૨૩

હુંડી6 કરાવીને હાથમાં, આપી આનંદાનંદને એહ;

કૃષ્ણ કહે ધન અધિકની, તમે ચિંતા ન ધરશો તેહ. ૨૪

હરિજન અમદાવાદના, લાલદાસ ને હીરાચંદ;

કુબેરસિંહ ને ભટ નથુ, દામોદર આદિક જનવૃંદ. ૨૫

તે સહુ કરશે સહાયતા, માટે તમે સિધાવો તત્ર;

એમ કહી હરિજન પ્રત્યે, પ્રભુ આપ્યો લખાવીને પત્ર. ૨૬

આનંદાનંદે ઉઠીને, પ્રભુ પદે નમાવ્યું શીશ;

કર જોડી પ્રભુને કહ્યું, આપ આજ્ઞા પ્રમાણે કરીશ. ૨૭

આશીષ દૈને દયાનિધિ, ગયા ભોજન કરવા કાજ;

પોતે જમી મુનિને કહ્યું, તમે આવો જમો મુનિરાજ. ૨૮

જમ્યા આનંદાનંદજી, પ્રભુ તણી પ્રસાદી તેહ;

પ્રભુએ ભટ મયારામને, કહ્યું અંતરે ધરિ અતિ નેહ. ૨૯

જવાનું મુહુરત જોઈ દ્યો, સુણી બોલિયા નિષ્કુળાનંદ;

આપની આજ્ઞા એ જ છે, શુભ મુહૂર્ત અતિ સુખકંદ. ૩૦

મંડળ લૈ મુનિવર ગયા, આનંદાનંદ અમદાવાદ;

પત્ર આપ્યો પ્રભુજી તણો, વાંચી ઉર વધ્યો આહ્લાદ.7 ૩૧

આદર મંદિરનો કર્યો, જોઈ શુભ નક્ષત્ર તિથિ વાર;

મંદિર એક શિખર તણું, થોડા માસે કર્યું તૈયાર. ૩૨

જોડ ચતુર્ભુજ મૂર્તિયો, નર અને નારાયણ નામ;

મગાવી ડુંગરપુર થકી, પધરાવવા શ્રીપુર ધામ. ૩૩

મુહૂર્ત શુભ પ્રતિષ્ઠા તણું, જોવરાવ્યું તે આવ્યું શ્રીકાર;8

અઢારસેં અઠ્યોતેરે, શુદી ફાગણ ત્રીજ રવીવાર. ૩૪

સત્સંગી સૌ શ્રીપુર તણા, મળી મહાપ્રભુના દાસ;

કંકુ છાંટી કંકોતરી, લખી મોકલવા પ્રભુ પાસ. ૩૫

તેમાં લખી ઘણી નમ્રતા, અતિ પ્રેમ જણાવી અપાર;

કંકોતરી તે લઈ જવા, બેય સંત થયા તૈયાર. ૩૬

(‘આદિતવારે ઉદે થયા’ એ રાગ છે)

કંકુ છાંટી કંકોતરી, મોકલવા પ્રભુ પાસ;

લાયક લેખ થકી લખે, દીનદયાળના દાસ;

        પ્રભુજી વેલા પધારજો. ૩૭

સ્વસ્તિશ્રી ગઢપુર વિષે, જેનો નિત્ય નિવાસ;

  ધામી અક્ષરધામના, અકળિત અજ અવિનાશ. પ્રભુજી꠶ ૩૮

શુભ ઉપમા સર્વ સંભવે, પ્રીતમ પૂરણકામ;

  પુત્ર ભલા ભક્તિધર્મના, સુંદર શ્રીઘનશ્યામ. પ્રભુજી꠶ ૩૯

શ્રીપુરના સતસંગીયો, કંકોતરી લખનાર;

  હેતે જોડી બે હાથને, વંદે વારમવાર. પ્રભુજી꠶ ૪૦

કારણ લખવાનું તે હવે, કહિયે કરુણાનિધાન;

  શીખરબંધ સરસ થયું, દિપતું દેવનું સ્થાન. પ્રભુજી꠶ ૪૧

આનંદસ્વામીએ આવીને, કીધું ઉત્તમ કામ;

  પારસમણિ જેવા પથ્થરે, ધીંગું9 બંધાવ્યું ધામ. પ્રભુજી꠶ ૪૨

પ્રતિમા પધરાવાનું અમે, મુહુરત શોધાવ્યું સાર;

  ફાગણ સુદ ત્રીજે આવીયું, ઉત્તમ આદિતવાર. પ્રભુજી꠶ ૪૩

સાથે સરવેને લાવજો, ધર્મવંશી નરનાર;

  એમ જ અભય નરેશનો, પાવન સૌ પરિવાર. પ્રભુજી꠶ ૪૪

બ્રહ્મવેત્તા બ્રહ્મચારીયો, સદગુરુ સંતસમાજ;

  સૌ સતસંગિને લાવજો, ગિરિધર ગરિબનિવાજ. પ્રભુજી꠶ ૪૫

કંકોતરિયો છે મોકલી, લખિને દેશવિદેશ;

  સંઘ ઘણા એથી આવશે, માણસ મળશે વિશેષ. પ્રભુજી꠶ ૪૬

વાર ન કરશો રે વીઠલા, જોઇયે આપની વાટ;

  અવિનાશી ક્યારે આવશે, એવા રહે છે ઉચાટ. પ્રભુજી꠶ ૪૭

શ્રીહરિ શ્રીપુરમાં આવશો, દુધે વરસશે મેહ,

  સૂરજ સોનાના ઉગશે, એવું ભાસશે એહ. પ્રભુજી꠶ ૪૯

દહન થશે દિલ દુષ્ટનાં, ખળજન પામશે ખેદ;

  હરખ થશે હરિભક્તને, અધરમ થાશે ઉછેદ. પ્રભુજી꠶ ૪૯

નેણ ભરી ક્યારે નિરખશું, નેહે નટવરનાથ;

  એવા દિન ક્યારે દેખશું, એમ કહે છે સૌ સાથ. પ્રભુજી꠶ ૫૦

વાટ જુવે વરસાદની, વનમાં બપૈયો જેમ;

  આતુર અંતર અમ તણાં, તમને મળવાને તેમ. પ્રભુજી꠶ ૫૧

સત્ય સગા તમે એક છો, જગની જુઠી જંજાળ;

  માટે મળવા મન ટળવળે, વિશ્વવિહારીલાલ. પ્રભુજી꠶ ૫૨

ચોપાઈ

સંત બે પત્ર લૈને સિધાવ્યા, ગઢપુર પ્રભુની પાસે આવ્યા;

પત્ર આપ્યો કરીને પ્રણામ, વાંચી હરખ્યા ઘણું ઘનશ્યામ. ૫૩

સંત હરિજન સૌને બોલાવ્યા, પત્રના સમાચાર સુણાવ્યા;

કહે હરજી ઠક્કરને શ્રીહરિ, ગામોગામ લખો કંકોતરી. ૫૪

સમૈયા પર સૌ તહાં આવે, સ્નેહી સંબંધીને તેડી લાવે;

એવી આજ્ઞા સુણી હરિ તણી, તેણે કંકોતરી લખી ઘણી. ૫૫

મુનિ બ્રહ્મ પ્રત્યે કહે માવો, તમે આગળથી ત્યાં સિધાવો;

કરી સામાન સર્વે તૈયાર, અમે આવશું ત્યાં નિરધાર. ૫૬

સુણી બ્રહ્મમુનિ તો સિધાવ્યા, અમદાવાદ શહેરમાં આવ્યા;

સર્વે સામાન સારો મગાવ્યો, મોટા કોઠાર માંહિ મુકાવ્યો. ૫૭

માઘ કૃષ્ણની સપ્તમી સાર, ચાલ્યા શ્રીપુર ધર્મકુમાર;

સંતમંડળ સૌ લીધાં સંગે, કાઠી અસ્વાર આવ્યા ઉમંગે. ૫૮

ધર્મવંશી સરવ નરનારી, ચાલ્યા શ્રીપુર હરિ ઉર ધારી;

નૃપ અભયનો વંશ અપાર, ચાલ્યા સર્વે મળી નરનાર. ૫૯

ચાલ્યા શ્રીજી સજી અસવારી, ગયા સારંગપુર સુખકારી;

ગયા રોઝકે શ્રીમહારાજ, સાથે લૈને તે સર્વે સમાજ. ૬૦

તેહ ગામથી ઉત્તર માંય, એક સારુ તળાવ છે ત્યાંય;

તેની પાળે છે છત્રી જ્યાં આજ, તહાં ઊતર્યા રાજાધિરાજ. ૬૧

ગજો ગઢવી વસે ગામમાંય, પધાર્યા પ્રભુ જમવાને ત્યાંય;

સાંખ્યયોગિ તે ગઢવિનિ ભગની, લાગી તેની પ્રભુપદ લગની. ૬૨

ગગાભટને તેણે ત્યાં બોલાવી, રુડી રીતે રસોઈ કરાવી;

હેતે આરોગિયા હરિ થાળ, જમ્યા સંત સરોવર પાળ. ૬૩

જમીને ગયા નાથ ઉતારે, સભા ત્યાં સજી ધર્મદુલારે;

પરમેશ્વર બેઠા પલંગ, બેઠા હરિજન સંત ઉમંગે. ૬૪

બેઠી બાઇયો ત્યાં થકી દૂર, ધરી શ્રીહરિની છબી ઉર;

દેવબા અને માવલબાએ, ગાયાં કૃષ્ણનાં કીર્તન ત્યાંયે. ૬૫

બીજે દિવસ હરિ ત્યાંથી ગયા, જવારદ જઇને રાત રહ્યા;

ત્યાંના વિપ્રોયે પૂછિયા પ્રશ્ન, આપ્યા ઉત્તર શ્રીહરિકૃષ્ણ. ૬૬

પામ્યા આશ્ચર્ય બ્રાહ્મણો સર્વ, કૈક ભક્ત થયા તજી ગર્વ;

ગયા ધોળકે ધર્મકુમાર, ત્યાંથી ગામ ચિત્રાસા મોઝાર. ૬૭

ગયા જેતલપુર જગતાત, રહ્યા દશમીનો દિવસ ને રાત;

માઘી કૃષ્ણએકાદશી જ્યારે, ગયા શ્રીપુર શ્રીહરિ ત્યારે. ૬૮

રાખ્યો સંઘ જેતલપુર ગામ, છડીઅસવારીયે ગયા શ્યામ;

જોયું મંદિર જૈ મહારાજે, જોઈ મૂર્તિયો સ્થાપન કાજે. ૬૯

પુષ્પિતાગ્રાવૃત્ત

સકળ ભુવનનાધિનાથ સર્વ, પદરજ જેનિ ચહે વિસારિ ગર્વ;

પ્રિયજન હિત શ્રીપુરે પધાર્યા, દરશન દૈ દિલ હર્ષ તો વધાર્યા. ૭૦

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

નરનારાયણસ્થાપનાર્થે શ્રીહરિશ્રીનગરાગમનનામ પ્રથમ વિશ્રામઃ ॥૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે