કળશ ૮

વિશ્રામ ૩૭

પૂર્વછાયો

દ્વારામતીમાં જૈ સહૂ, એક ધર્મશાળા મોઝાર;

કર્યો ઉતારો કોડથી, અહો સાંભળ ભૂપ ઉદાર. ૧

ચોપાઈ

ધર્મશાળાનો સંભાળનાર, એક વિપ્ર હતો તેહ ઠાર;

તેણે જાણ્યા મેમાન શ્રીમંત, જાણું દક્ષિણા દેશે અત્યંત. ૨

તેણે બરદાસ તો બહુ કીધી, વસ્તુ જોઈએ તે લાવિ દીધી;

સચ્ચિદાનંદ આકળા થયા, નાવા ગોમતીમાં તે તો ગયા. ૩

તહાં વિપ્રમંડળ આવી લાગ્યું, તેણે સાધુ પાસે ધન માગ્યું;

કહ્યું નાવાનો કર જ્યારે લેશું, ત્યારે ગોમતીમાં નાવા દેશું. ૪

કર્યું સંતનું બહુ અપમાન, ધર્યું ત્યારે તેણે હરિધ્યાન;

ત્યારે થઈ સમાધી તેહ ઠાર, નાડી પ્રાણ ન ચાલે લગાર. ૫

વિપ્રે જાણ્યું નથી જિવ જરિયે, રખે સર્વે ગુનેગાર ઠરિયે;

એવું જાણિને ભયભિત થયા, તેથિ તેના થકી દૂર ગયા. ૬

ધર્મવંશિ પરસ્પર પૂછે, આંહીં સ્વામી નથી તેહ શું છે;

કહે કોઇ ઉતાવળા થયા, તેથી તે એકલા નાવા ગયા. ૭

પછિ ધર્મવંશીનો સમાજ, ગયો ગોમતિયે નાવા કાજ;

સમાધીમાં દિઠા મુનિરાય, બીજું કોઈ પાસે ન જણાય. ૮

કર આપી કર્યું સૌયે સ્નાન, દીધાં વિપ્રોને દક્ષિણા દાન;

એક ઝોળીમાં સંતને ધરી, ધર્મશાળામાં લઈ ગયા ફરી. ૯

સુવાર્યા આસને સવિવેક, સારું વસ્ત્ર ઓઢાડિયું એક;

તહાં વિપ્ર જમાડ્યા અથાક, પછિ પોતે જમ્યા કરી પાક. ૧૦

ધર્મશાળાનો સંભાળનાર, તેને દક્ષિણા દીધી અપાર;

પછિ સૌ મળિ વિચારે એમ, કરવું મુનિનું હવે કેમ. ૧૧

સમાધી એને થાય છે જ્યારે, જાગે છે કદિ દિન દશ બારે;

કોઇ વખતે તો પક્ષે કે માસે, સમાધીમાંથી જાગતા ભાસે. ૧૨

એને મૂકિને કેમ જવાય, કેમ માસ સુધી રહેવાય;

એમ ચિંતામાં સૌ પડ્યા બહુ, ધર્મશાળાના રક્ષકે કહ્યું. ૧૩

તેનિ ચિંતા તજો તમે હાલ, અમે રાખશું એનિ સંભાળ;

તમે જાત્રા કરી આવો આંહીં, રાખશું તેને આ સ્થળ માંહી. ૧૪

અમે સાચવશું જિવ માટે, તમે ચિંતા તજો તેહ માટે;

જાગશે તો જમાડીને જમશું, સાધુને માટે સંકટ ખમશું. ૧૫

વૃષવંશી રાજી થયા મન, વળિ આપ્યું તેને ઘણું ધન;

પછિ સૌ ત્યાંથી વિદાય થઈ, લીધી છાપો આરામડે1 જઈ. ૧૬

છાપો લીધાનો કર દિધો જ્યારે, છાપો દીધી દેનારાયે ત્યારે;

ધર્મવંશી વિદાય તે થયા, નાવમાં બેસી બેટમાં ગયા. ૧૭

કર આપીને દર્શન કીધાં, જાણ્યું જે સહુ કારજ સીધ્યાં;

તહાં પાંચ દિવસ કરિ વાસ, ચાલ્યા સચ્ચિદાનંદની પાસ. ૧૮

હવે સચ્ચિદાનંદની વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;

ધર્મવંશિ થયાથિ વિદાય, ચોથે દિવસ જાગ્યા મુનિરાય. ૧૯

જાગિને ત્યાં જોયું આસપાસ, કોઇ માણસ દીઠું ન પાસ;

ધર્મશાળા તણો રખવાળ, ક્યાંઇ કામે ગયેલો તે કાળ. ૨૦

ત્યાંથિ ચાલિયા તે મુનિરાજ, ગયા ગોમતિયે નાવા કાજ;

કર લેનારે ત્યાં અટકાવ્યા, તેથિ નાહ્યા વિના તે સિધાવ્યા. ૨૧

ગયા આરામડે છાપો લેવા, પણ પાસે નહીં ધન દેવા;

છાપો દીધિ નહીં લાંચખોરે, બેઠા ત્યાં મુનિ લાંઘણચોરે. ૨૨

ધર્મશાળાનો રક્ષક જ્યારે, ધર્મશાળાયે આવિયો ત્યારે;

મુનિને નવ દીઠા તે ઠાર, ચિંતા કરવાને લાગ્યો તે વાર. ૨૩

જાણ્યું કે તે મુની જતા રહેશે, ધર્મવંશી તો ધન નહિ દેશે;

વળિ ઠપકો દેશે મને ઘણો, ઓશિયાળો થઈશ તે તણો. ૨૪

તેથી જોઈ વળ્યો આસપાસ, પણ ક્યાંઇ ન લાગ્યો તપાસ;

ઘણા જાત્રાળુ સેવવા એને, તેથિ નવરાશ પણ નહીં તેને. ૨૫

એમ ચિંતવે તે દ્વિજરાજા, હોઠ સાજા તો ઉત્તર ઝાઝા;

એવિ રીતે તેણે મન વાળ્યું, ચિતે ચિંતા તણું દુખ ટાળ્યું. ૨૬

મુનિયે ચાર લાંઘણો2 કીધી, છાપ દેનારે છાપ ન દીધી;

છાપ વગર તે થૈને નિરાશ, બેઠા નાવમાં થૈને ઉદાસ. ૨૭

ગયા બેટમાં દર્શન કરવા, આવ્યા ગૂગળી ત્યાં ધન હરવા;

દરવાજે તેણે અટકાવ્યા, કહ્યું છાપો વગર કેમ આવ્યા? ૨૮

કર દર્શન કેરો અપાશે, ત્યારે દેવનાં દર્શન થાશે;

એક હાટે તે દ્વારથી બહાર, બેસિને કરિ લાંઘણ ચાર. ૨૯

એમ લાંઘણો કીધી અગ્યાર, વળિ ચિતમાં કીધો વિચાર;

મને શ્રીજિની આજ્ઞા છે એવી, કરવાં દરશન છાપો લેવી. ૩૦

વિના દર્શન પાછું જવાય, તો મેં આજ્ઞા ઉલંઘી ગણાય;

એવું ધારિ બેઠા એહ સ્થાન, દ્વારિકાધીશનું ધરિ ધ્યાન. ૩૧

માઘ કૃષ્ણ એકાદશી હતી, દીઠા સ્વપ્નમાં દ્વારિકાપતી;

શંખ ચક્રાદિ ધાર્યાં છે હાથે, શોભે રુક્મિણીજિ પણ સાથે. ૩૨

કૃષ્ણ દર્શને પામિયા હર્ષ, દેવ તરત થયા ત્યાં અદર્શ;

તેના વિરહ થકી મુનિરાય, અતિ અંતરમાં અકળાય. ૩૩

જોગિરાજ તે સ્વપ્નથી જાગ્યા, સ્તુતિ કૃષ્ણની કરવાને લાગ્યા;

આવ્યાં નેહથી નેણમાં નીર, ઉચ્ચરે સ્તુતિ દૈને અધીર. ૩૪

શાર્દૂલવિક્રીડિત

વંદૂં વંસિધરા સદા સુખકરા ભીતીહરા ભૂધરા,

સેવે સિદ્ધવરા સુરાનરવરા સૌ ભૂચરા3 ખેચરા;4

છો આપે અજરામરા નિરડરા વિશ્વેશ્વરા શ્રીશ્વરા,5

જે જે શ્રીકરુણાકરા ગિરિધરા હે દ્વારિકાધીશ્વરા. ૩૫

ઉપજાતિવૃત્ત

એવી રિતે જે સ્તુતિ ઝાઝિ કીધી, શ્રીદ્વારિકેશે દિલ ધારિ લીધી;

સ્વપ્નાંતરે દર્શિત રૂપ જેવું, દેખાડ્યું પ્રત્યક્ષ પ્રમાણ તેવું. ૩૬

પ્રેમે કર્યો ત્યાં મુનિયે પ્રણામ, જીભે કહીને જય મેઘશ્યામ;

કહે કૃપાળુ વરદાન માગો, ચિંતા તમે હે મુનિરાજ ત્યાગો. ૩૭

કહે મુની જે ગુરુ છે અમારા, સર્વોપરી પૂરણબ્રહ્મ પ્યારા;

તેણે કહ્યું વૈષ્ણવ જેહ થાય, તે દ્વારિકાતીર્થ જરૂર જાય. ૩૮

નહાય જૈ ગોમતિમાં ઉમંગે, છાપો ધરે શંખ ગદાદિ અંગે;

નિર્ખે પછી જૈ પ્રભુ દ્વારિકેશ, ગણાય તે વૈષ્ણવ તો વિશેષ. ૩૯

ગૃહસ્થ ત્યાગી જનજાતિ જેવી, આજ્ઞા કરી છે સહુ શીશ એવી;

તે કારણે હું હરિ આંહિ આવ્યો, વિના ધને અર્થ કશી ન ફાવ્યો. ૪૦

શ્રીગોમતીસ્નાન નહીં કરાયું, છાપો વડે અંગ નહીં છપાયું;

ને દેવનાં દર્શ થવા ન દીધાં, અગ્યાર મેં તો ઉપવાસ કીધા. ૪૧

જો ત્યાગીથી દ્રવ્ય કદી રખાય, તો ત્યાગીનો ધર્મ જરૂર જાય;

વિના ધને તીર્થ અહીં ન થાય, કહો પ્રભુ શો કરિયે ઉપાય? ૪૨

કરી કૃપાના નિધિ કાંઇ એમ, સુખે કરે દર્શન સર્વ જેમ;

એ માગું છું હું વર આપ પાસ, નથી બિજી અંતર કાંઇ આશ. ૪૩

તથાસ્તુ બોલ્યા તહિં દ્વારિકેશ, વળિ મુખેથી ઉચર્યા વિશેષ;

જે ધર્મના રક્ષક ધર્મલાલ, આવ્યા હતા આ સ્થળ જેહ કાળ. ૪૪

ત્યારે કહ્યું મેં પણ તેહ પાસ, રહું છું હું આ સ્થળમાં ઉદાસ;

અધર્મિ લોભી વ્યસની વિકારી, સેવા કરે છે જન તે અમારી. ૪૫

એવા તણો સ્પર્શ હમેશ થાય, તે સ્થાનમાં કેમ રહી શકાય;

માટે રહે જ્યાં શુચિ સંતવૃંદ, ઇચ્છું સદા વાસ તહાં સ્વછંદ. ૪૬

એવે સ્થળે મંદિર જો કરાવો, ત્યાં મૂર્તિયો મારી તમે સ્થપાવો;

તો ગોમતી આદિક તીર્થ લૈને, વસું સદા તે સ્થળ રાજિ થૈને. ૪૭

ત્યારે હરીયે પણ વેણ દીધું, તે માટે વૃત્તાલય ધામ કીધું;

સ્થાપી તહાં બે પ્રતિમા અમારી, ત્યાં હું રહું છું દૃઢ ચિત્ત ધારી. ૪૮

તથાપિ તે વાત પ્રસિદ્ધ થાવા, ઘણા જનોને વળી તે જણાવા;

જાત્રા નિમિત્તે તમને દયાળે, છે મોકલ્યા આ સ્થળ એહ કાળે. ૪૯

આવીશ હું ત્યાં તમ સંગ આજ, લૈ ગોમતી આદિક સૌ સમાજ;

માટે સિધાવો તજિને ઉચાટ, જુવે તમારી વૃષવંશી વાટ. ૫૦

એવું કહી દેવ થયા અદર્શ, વધ્યો મુનીના મન માંહિ હર્ષ;

પછી મુની ત્યાંથી વિદા થઈને, બેઠા ભલા નાવ વિષે જઈને. ૫૧

ચોપાઈ

ધર્મવંશી ત્યાંથી ફરિ જ્યારે, ગયા ધર્મશાળા માંહિ ત્યારે;

ન દિઠા સચ્ચિદાનંદસ્વામી, દ્વિજને પુછ્યું દિલગિરિ પામી. ૫૨

કહે વિપ્ર ચોથા દિનમાંઈ, ઉઠિ ગુપ્ત ગયા એ તો ક્યાંઈ;

અમે શોધવા બહુ થળ ગયા, પણ ક્યાંઈ ભેળા નવ થયા. ૫૩

ધર્મવંશી થયા તે ઉદાસ, પછિ તેહનો કરવા તપાસ;

કર્યો બે ત્રણ દિન ત્યાં મુકામ, ઘણો શોધ કર્યો ઠામઠામ. ૫૪

દ્વાદશી દિન પારણું કરવા, તહાં માંડી રસોઈ આદરવા;

થયો કાંઇક મધ્યાહ્ન કાળ, ધર્યો ઠાકોરજી પાસે થાળ. ૫૫

સચ્ચિદાનંદસ્વામિ તે ટાણે, આવિ ઉભા રહ્યા એ ઠેકાણે;

મુનિને કર્યો સૌયે પ્રણામ, અતિ આનંદ વાધ્યો એ ઠામ. ૫૬

મુનિને ભલું ભોજન દીધું, પછિ પાંડેયે પારણું કીધું;

પછિ દ્વારામતી તણિ વાત, મુનિયે કરિ સર્વ વિખ્યાત. ૫૭

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણિ મુનિ તણિ કષ્ટની કહાણી, દિલગિરિ સૌ જનને દિલે ભરાણી;

પણ વિચરણ દ્વારિકેશ કેરું, સુણિ ઉપજ્યું સુખ સર્વને ઘણેરું. ૫૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ધર્મવંશીયાત્રા-કરણનામસપ્તત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે