કળશ ૮

વિશ્રામ ૪૨

પૂર્વછાયો

સભા વિષે સુખના નિધી, દૈને સર્વને દર્શનદાન;

જામનીમાં પુરમાં જઈ, પછિ પોઢિ રહ્યા ભગવાન. ૧

ચોપાઈ

પછિ પોઢિ ઉઠીને પ્રભાતે, જવા માંગી રજા જગતાતે;

નાગપાળ વરૂ જેનું નામ, તેણે કીધા પ્રભુને પ્રણામ. ૨

ઉપજ્યો ઉર પ્રેમ ઘણેરો, કર્યો આશ્રય શ્રીહરિ કેરો;

પછિ જાનને કીધિ વિદાય, વળાવિ વળિ કન્યાને ત્યાંય. ૩

હતા જે જન દર્શને આવ્યા, કરિ દર્શન સર્વ સિધાવ્યા;

રથ હાંકવા શ્રીહરિ બેઠા, ચાલે હરિજન કૈક તો હેઠા. ૪

પ્રભુ બારપટોળિયે આવ્યા, ત્યાંના હરિજનને હરખાવ્યા;

કાળુ વાવડિયો આવ્યા દોડી, પરણામ કર્યા કર જોડી. ૫

તેને શ્યામે પુછ્યા સમાચાર, કેવું છે સુખ તમને આ ઠાર?

કાળુ ઉચ્ચર્યા સાંભળિ એવું, મને લાગે છે કુગ્રામ જેવું. ૬

અહિથી હું ઉચાળો ભરીશ, બિજે ગામ નિવાસ કરીશ;

સુણી બોલિયા સુંદરશ્યામ, તમે જાશો નહીં બીજે ગામ. ૭

સુખ પામશો આ સ્થળે સારું, માટે માનજો વચન અમારું;

કહે કાળુ હું એમ કરીશ, વેણ આપનું માથે ધરીશ. ૮

ત્યારે બોલિયા ધર્મદુલારો, રસ્તો રાજુલાનો કિયો સારી?

કાળુ વાવડિયે ત્યારે કહ્યું, સીધો મારગ વસમો છે બહુ. ૯

ગામ હિંડોરડે પધારો, તો તે મારગ છે બહુ સારો;

રસ્તો એમ કહીને બતાવ્યો, રથ શ્રીહરિયે ત્યાં ચલાવ્યો. ૧૦

આવ્યા ગામને સીમાડે જ્યાંય, રાઘો વાઘ આવી મળ્યા ત્યાંય;

રથ રાખી ઉભો એહ ઠામ, પૂછે રાઘાને શ્રીઘનશ્યામ. ૧૧

શિવ ચાંચુડિયો જે કહે છે, તેનું સ્થાનક આ શું દિસે છે;

રૂપ વારાહનું કહેવાય, હશે તે પણ આ જે દેખાય. ૧૨

રાઘો વાઘ કહે ભગવાન, કહો છો આપ એ જ એ સ્થાન;

વળિ બોલિયા શ્રીઘનશ્યામ, અમે આવ્યા હતા વડગામ. ૧૩

નદિ કાંઠે મશીદ છે જ્યાંય, અમે પોઢ્યા હતા વળિ ત્યાંય;

વડગામ થકી રામપરે, અમે સંચર્યા એ અવસરે. ૧૪

ગામથી દિશા પૂરવમાંય, હતો ખીજડો બેઠા’તા ત્યાંય;

એવી વાતો કરી રાજી થયા, રથ હાંકી હિંડોરડે ગયા. ૧૫

શિષ્ય ત્યાં આતમાનંદ કેરો, હતો એક તે જૂનો ઘણેરો;

તેને રાત્રિ વિષે સ્વપ્ન થયું, સ્વપ્નમાં આતમાનંદે કહ્યું. ૧૬

રથ હાંકિને આવે છે જેહ, તમે જાણજો છે પ્રભુ તેહ;

તેથિ તે હરિસન્મુખ ગયો, પ્રણમી પ્રભુઆશ્રિત થયો. ૧૭

ગયા રાજુલે શ્રીમહારાજ, આવ્યો દર્શને ભક્તસમાજ;

કર જોડી કહે નાગદાન, આંહીં રાત રહો ભગવાન. ૧૮

સીધું કીધું છે સર્વ તૈયાર, ન જમો તો બગાડ થનાર;

સુણિ બોલિયા સુંદરશ્યામ, ઉતાવળથિ જવાનું છે કામ. ૧૯

ભલે લાવો સિધું તમે ભ્રાત, જમશું રહેશું જહાં રાત;

સુણિ ગામમાં તેહ સિધાવ્યા, હતું તૈયાર તે સીધું લાવ્યા. ૨૦

ભારખાનામાં હરિયે ભરાવ્યું, ગાડું ચાંપથી1 તે તો ચલાવ્યું;

વિચર્યા તહાંથી જગવંદ, આવ્યા વાવેરે વૃષકુળચંદ. ૨૧

શિવનું એક દેવળ ભાળી, ઉતર્યા તહાં જૈ વનમાળી;

ગાડાં પાછળ બહુ રહિ ગયાં, પાછું જોતાં તે નજરે ન થયાં. ૨૨

ત્યારે તે ગાડાં જોવાને કાજ, ચડ્યા દેરા ઉપર મહારાજ;

ભૂધરે ગાડાં આવતાં ભાળ્યાં, કહ્યું ચોંપથી આવે છે ચાલ્યાં. ૨૩

ગાડાં આવ્યાં તહાં થોડિ વારે, કરાવી ત્યાં રસોઈ તે ત્યારે;

જમીને રહ્યા સૌ તહાં રાત, પછી પરવર્યા ઊઠિ પ્રભાત. ૨૪

ગયા ઘાણલે શ્રીઘનશ્યામ, ત્યાંના હરિજન આવ્યા તે ઠામ;

હીરે જાદવે ને ભગે આવી, પ્રણમી ભલી ભેટ ધરાવી. ૨૫

પ્રભુયે બબે પોશ સોપારી, તેને આપી પ્રસાદિની ધારી;

ગામ ભમર ગયા ભગવાન, જાંબવાળી2 વિષે કર્યું સ્નાન. ૨૬

તહાં ટીમણ સર્વને દીધું, પ્રભુયે પણ તે જમિ લીધું;

સજિ ઘોડી ઉપર અસવારી, મેરિયાણે ગયા ગિરધારી. ૨૭

ગયા ત્યાં થકી શ્રી ઘનશ્યામ, નામે ગોરડકું જહાં ગામ;

વસે ત્યાં મિસરી કુંભકાર, ઉતર્યા તેની વાડી મોઝાર. ૨૮

ડોશિ પુનમતી એક નામ, તેણે શ્રી ઘનશ્યામને કામ;

થાળ વિપ્રની પાસે કરાવ્યો, વિપ્રે શ્રીહરિને તે ધરાવ્યો. ૨૯

જમવા બેઠા જીવન જ્યારે, સખા દર્શને આવિયા ત્યારે;

દાદો ખાચર ને મુક્તાનંદ, એહ આદિ આવ્યું જનવૃંદ. ૩૦

જમ્યા જુગતીયે વિશ્વનિવાસ, લીધો શ્રીમુખમાં મુખવાસ;

બેઠા આસન ઉપર જ્યારે, આવી પુનમતી ડોશી ત્યારે. ૩૧

પાંચ કોરિ મુકી શિર નામી, ત્યારે ઉચર્યા અંતરજામી;

મુક્તાનંદ સુણો મર્મ એ છે, ડોશી આ પ્રભુનેય ઠગે છે. ૩૨

જ્યારે બાળને બળિયા નિકળિયા, ઘણા દિવસ લગી નહિ ટળિયા;

ત્યારે તે સમે અમને સંભારી, કરિ માનતા તેણે અમારી. ૩૩

જીવશે બાળ જો જગદીશ, કોરી સાત હું ભેટ ધરીશ;

એવી માનતા એ સમે કીધી, તેમાં પાંચ આ રોકડી દીધી. ૩૪

કોરિ બે ગણિ આ થાળ તણી, એમ સાત કોરી પુરિ ગણી;

પણ એવો વિચાર ન પામી, ઠગાશે કેમ અંતરજામી. ૩૫

ઉપજાતિવૃત્ત (પ્રભુને ન ઠગવા વિષે)

જે વાત તો અંતર કેરિ જાણે, ઠગાય તે તો નહિ કોઇ ટાણે;

તેને જ જો છેતરવાનું ધારે, તો તેહને પાતક થાય ભારે. ૩૬

જે માનતા રોકડની કરાય, તેમાંથિ બીજું નહિ ખર્ચ થાય;

જો માનતા શ્રીફળ કેરિ હોય, તે સાટ પૈસા ધરિયે ન તોય. ૩૭

દશાંશ વીશાંશ શ્રીકૃષ્ણ અર્થે, જે આપવાનું ગરિબે સમર્થે;

તે વાવરે સંત જમાડવાને, તો તે પ્રભુ તેનિ ઠગાઈ માને. ૩૮

મોટાં અમે મંદિર જે કર્યાં છે, તેને નિભાવા ધન ક્યાં ધર્યાં છે;

દશાંશ વીશાંશ જનો ન આવે, તો કેમ તેનો વ્યવહાર ચાલે. ૩૯

આચાર્યને ખર્ચ નિભાવવાનો, ઠરાવશું અર્ધક3 આપવાનો;

તે ભેટ મુકી મનમાં ફુલાય, તો નામનો તેહ નહીં ગણાય. ૪૦

જો ઇષ્ટ સાચા અમને જ જાણે, આજ્ઞા અમારી નિજ ઊર આણે;

માયા કહે કાંઈ કરી પ્રવેશ, માને નહીં તે મુજ ભક્ત લેશ. ૪૧

સત્સંગ જ્યારે જન કોઇ ધારે, સર્વે સમર્પે તન દ્રવ્ય ત્યારે;

પછી કરીને કદિ લોભ તેનો, આજ્ઞા તજે તે સતસંગિ શેનો. ૪૨

અનેક જન્મે કૃત પાપ જેહ, તે તો સમર્પે અમને જ તેહ;

આજ્ઞા અમારી પછિ જો ન પાળે, તો પાપ તેનાં પણ કોણ ટાળે? ૪૩

દશાંશ વીશાંશથિ કોઇ કાળ, શ્રીકૃષ્ણ કાજે કરવો ન થાળ;

આજ્ઞા અમારી સુણિ એહ લેવી, સત્સંગિ સૌયે ન વિસારિ દેવી. ૪૪

જે માનતા રોકડ કેરિ માની, એમાંથિ ઓછી કરવી ન આની;

જો થાળ કે કાંઇ બિજું કરે છે, તો તે પ્રભૂને ઠગવા કરે છે. ૪૫

ચોપાઈ

વાત તે ડોશિયે સુણિ લીધી, કોરિ બે લાવિને ભેટ કીધી;

જમિ જાન રસોઇ કરાવી, પછિ ત્યાં થકિ જાન ચલાવી. ૪૬

ગયા ગાધકડે ગિરધારી, ગામ સોંસરિ ચાલિ સવારી;

ગયા પીઠવડીયે કૃપાળ, દેવા દર્શન દીનદયાળ. ૪૭

આજ મંદિર દીસે છે છતું, ભગા મૂળાનું ત્યાં ઘર હતું;

તહાં ઊતર્યા શ્રીઅવિનાશ, બીજા જૈ ઉતર્યા આસપાસ. ૪૮

આજ બેઠક છે જેહ ઠામ, તહાં થાળ જમ્યા સુખધામ;

હરિભક્તોયે દીધિ રસોઈ, જમ્યા જાનમાં જે હતા કોઈ. ૪૯

સભા ત્યાં તો સજી ભલિ ભાત, કરિ વાલાયે જ્ઞાનનિ વાત;

સુણિ સૌયે ધાર્યું એહ ઠામ, પાંચ દિન રાખવા પૂર્ણકામ. ૫૦

કરિ સૌ મળિ વિનતિ વિશેષ, પાંચ દિવસ રહો પરમેશ;

કહ્યું હતું અહિંથી નિકળતાં, લેશું સૌનિ રસોઇયો વળતાં. ૫૧

ઝાઝા દિવસ રહો નહિ જોય, પાંચ દિવસ રહો પ્રભુ તોય;

કહે કૃષ્ણ ક્યાં સૂધિ રહેશું, તે તો તમને વિચારીને કહેશું. ૫૨

સભા તે તો વિસર્જન થઈ, વિચાર્યું વાલે એકાંતે જઈ;

પ્રેમિ છે આંહિના હરિજન, બહુ ખર્ચશે આ સમે ધન. ૫૩

વળિ જોશિને પૂછિયું ત્યાંય, કિયે દિન ગઢપુરમાં જવાય;

ત્યારે જોશિ કહે જોડિ હાથ, શુભ પરમ દહાડો છે નાથ. ૫૪

તે દિવસે નહીં જો જવાય, પછિ પાંચ દિવસ ન પેસાય;

વરમાતા જે સુરબાઈ નામે, વાત તેને કહી ઘનશ્યામે. ૫૫

ત્યારે તે બોલિયાં તેહ સ્થાન, ઝાઝા દિવસ રોકાય ન જાન;

માટે ચાલવું ઊઠી પ્રભાતે, અહીં રહેવું નહિ કોઇ વાતે. પદ

શ્યામે સૌ હરિજનને બોલાવ્યાં, આજ્ઞા સાંભળિને સહુ આવ્યા;

કહિ વાલાયે તેહને વાત, અમે ચાલશું ઉઠિને પ્રભાત. ૫૭

કહે હરિજન જોડિને હાથ, એવું તમને ઘટે નહિ નાથ;

કહ્યું સૌનિ રસોઇયો લેશું, વાલા વચન તે વ્યર્થ થશે શું? ૫૮

સુણિ શ્રીહરિ ઉચર્યા આવું, ગઢપુરમાં પરમ દિન જાવું;

નથિ આવતું મુહુરત અન્ય, માટે માનો તમે મુજ જન. ૫૯

બોલ્યા ભક્તો વચન શિર ધરશું, આપ રાજિ થશો તેમ કરશું;

પ્રભુને કરવા છે પ્રસન્ન, નથિ રીઝવવું નિજમન. ૬૦

ચાલવાનું જો ધારો પરભાત, માનો એક અમારિ તો વાત;

જેને જેને દેવી છે રસોઈ, દૈયે કીમત તે સહુ કોઈ. ૬૧

ગઢપુર જઇને ભગવાન, સંત સહિત જમાડજો જાન;

કહે શ્રીહરિ શક્ત્યનુસાર, મુલ દેવું ન દેવું વધારે. ૬ર

એમ આપશો તો અમે લેશું, નહીં તો તમને પાછું દેશું;

સુણિ હરિજન ઘેર સિધાવ્યા, જૈને કોરિયો રોકડિ લાવ્યા. ૬૩

થઈ સંખ્યા સહસ્ર તે ચાર, હરિયે લીધિ બે જ હજાર;

પછિ પોઢિ રહ્યા પ્રભુ રાતે, પંથે પરવર્યા ઊઠિ પ્રભાતે. ૬૪

ગયા ધારે થઈને કેરાળે, જોયું સાવર ગામ કૃપાળે;

સામાં આવિયા ઊગો ખુમાણ, સાથે જીવણો ભક્ત સુજાણ. ૬૫

મારુ હરજિ રુડા રજપૂત, જેનો ભાવ ભલો અદભૂત;

ભાણોજી લખમણજી હદોજી, જેણે પ્રભુપદ પ્રેમ કર્યોજી. ૬૬

નારાયણજિ સાકરિયો પટેલ, હતા તે પણ સામા આવેલ;

વળિ આવ્યા સુવાગિયો વેલો, અતિ આનંદ ઉરમાં ભરેલો. ૬૭

એહ આદિક હરિજન આવી, પ્રણમી ભલિ ભેટ ધરાવી;

જમવાની કરી ઘણિ તાણ, ન રહ્યા તહાં શ્યામ સુજાણ. ૬૮

લીલિયે ને લુવારિયે થઈ, જોયું ગામ અકાળુ તે જઈ;

તહાં સત્સંગિ ગોવો વહોયો, જેણે મોક્ષનો મારગ જોયો. ૬૯

બીજો સત્સંગિ જીવો શિંગાળો, પ્રભુપદમાં અતિ પ્રેમવાળો;

હરિને નમ્યા જોડિને હાથ, પછિ સંચર્યા શ્રીહરિ સાથ. ૭૦

આસોંદર ગયા શ્રીઅવિનાશ, રહે જ્યાં કણબી નિજ દાસ;

રુડો ગોલવિયો ગુણવાન, જીવો ડાવરો તેહ સમાન. ૭૧

નમ્યા બેય તે પ્રભુપદ આવી, જમવાને રસોઈ કરાવી;

કરુણા કરિ કરુણાનિધાન, જમ્યા જાન સહિત ભગવાન. ૭૨

ભક્તે શેલડિનો વાઢ કાપ્યો, ચારો લાવિ તે બળદોને આપ્યો;

જાણે સેવા સજુ કેવિ પેર, ધન્ય ભાગ્ય પ્રભુ આવ્યા ઘેર. ૭૩

ભલા ગોળે ગાડું એક ભર્યું, બેય બળદ સુધાં ભેટ કર્યું;

ચાલ્યા દૈ હરિદર્શન દાન, ગયા ભૂરખિયે ભગવાન. ૭૪

ત્યાંથિ આંબરડી ગામ ગયા, ત્યાંના હરિજન હરખિત થયા;

દેવજી તળાવીયો તે ઠામ, સુત પાંચો ને બેચર નામ. ૭૫

વેલાના સુત માંડણ ગીગો, પાતો ધર્મશિનો સુત ધીંગો;

દેવજી ગજેરા ખિમો વીરો, હરિભક્ત તે પ્રત્યેક હીરો. ૭૬

ગામપાદર છે વડ જ્યાંય, પ્રણમ્યા પ્રભુને આવિ ત્યાંય;

ગાડાં અગ્યાર શેલડિ ભરી, કૃપાનાથને અર્પણ કરી. ૭૭

લૈને ત્યાંથિ પ્રભુ પરવરે, ઢસે થૈને ગયા માલપરે;

વિપ્ર મોનજિને ઘેર રાતે, જમિ ગઢડે ગયા પરભાતે. ૭૮

વિવાને મિષે શ્રીમહારાજ, સતસંગ વધારવા કાજ;

ભટવદરમાં જઈ આવ્યા, ઘણા જનને ધરમ સમજાવ્યા. ૭૯

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરમતનુજ ધર્મ થાપવાને, બહુ વિચર્યા નૃપના વિવાહ બાને;

પુનિત ચરિત તે સુણે સુણાવે, સકળ અઘો હરિ તેહનાં શમાવે. ૮૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ઉત્તમરાજવિવાહ-વર્ણનનામ દ્વિચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે