☰ kalash

કળશ ૮

વિશ્રામ ૪૯

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો અભયસિંહ ભૂપાળ;

વસંતપંચમી બ્યાશિયે, હરિવરે કરી વરતાલ. ૧

ચોપાઈ

સમૈયો પણ સારો ભરાયો, રંગખેલ રુડો વખણાયો;

બાપુભા મછિયાવના રાય, તથા શ્રીપુર જન સમુદાય. ૨

આવેલા હતા દરશન કરવા, શ્રીજિ પાસે તે લાગ્યા ઉચરવા;

ફુલદોળનો ઉત્સવ આવે, કહે રાય કરો મછિયાવે. ૩

બોલ્યા શ્રીપુરના હરિજન, કરો શ્રીપુરમાં ભગવન;

હઠ બેય જણે બહુ લીધો, કૃષ્ણે તે બેયને કોલ દીધો. ૪

ફુલદોળનો ઉત્સવ એહ, કરશું તમારે ગામ તેહ;

એમ કહિ કર્યા તેને વિદાય, બેય ઠેકાણે સામાન થાય. ૫

હોળી તો આવી ઢુંકડિ જ્યારે, કહ્યું ગોપાળજીને તે વારે;

તમે સકુટુંબ ગઢપુર જાઓ, મારું વચન માની રાજિ થાઓ. ૬

ગયા ગોપાળજી તે સુજાણ, દીનબંધુ પધાર્યા ડભાણ;

ગયા ત્યાં થકિ મેમદાવાદ, દેવા દાસને દર્શન સ્વાદ. ૭

પ્રભુએ પછિ બે રૂપ ધર્યાં, સખા સંતનાં પણ તેમ કર્યાં;

એક રૂપે શ્રીપુર ગયા માવ, બીજે રૂપે ગયા મછિયાવ. ૮

આખે પીપળાણે ગામે જેમ, બે રૂપે વિચર્યા હતા તેમ;

કર્યા ઉત્સવ બેય ઠેકાણે, અકળિત કળા કોણ જાણે. ૯

અમદાવાદમાં ગયા જ્યારે, કર્યાં દેવનાં દર્શન ત્યારે;

ઉતર્યા હરિ મંદિર માંય, દ્વાર ઊપર મેડો છે ત્યાંય. ૧૦

ફુલદોળનો ઉત્સવ આવ્યો, માવે રંગનો ખેલ મચાવ્યો;

આવ્યા હરિજન સંઘ હજારો, સમૈયો થયો તે પણ સારો. ૧૧

ભલી સ્વારી સજી ભગવાન, કર્યું સાભ્રમતી જઈ સ્નાન;

ત્યાંથી આવિ જમ્યા મહારાજ, જમાડ્યા પછિ સંત સમાજ. ૧૨

સાંઝે બેઠા પ્રભુ સભા ભરી, પ્રેમે હરિજને પુજાઓ કરી;

એમ લીલા કરે નિત્ય નવી, કરે ગાન મહામુનિ કવી. ૧૩

આવી ચૈત્ર શુદી દ્વિતીયાય, ત્યારે સંઘને કીધા વિદાય;

શ્યામ સંચરિયા સંત સાથ, કમિયાળે ગયા કૃપાનાથ. ૧૪

સામાં આવ્યા હરિજન જેહ, તેનાં નામ કહું સુણો તેહ;

સારા ભક્ત જે સેંસો વણાર, હઠિભાઇનો પૂરણ પ્યાર. ૧૫

ગઢવી નથુ ને ખિમરાજ, મોડભાઈ ભક્ત શિરતાજ;

ગાજતે વાજતે પધરાવ્યા, સૌને ઉતારા સારા અપાવ્યા. ૧૬

વિનતી સહુએ મળિ કરી, હરિનૌમી કરો આંહિ હરી;

માનિ વિનતિ કે શ્રીઘનશ્યામે, વાત વ્યાપી ગઈ ઠામઠામે. ૧૭

ભાલ દેશના ભક્ત હજારો, આવ્યા જાણી સમૈયો થનારો;

મનુભા ગાંફના દરબાર, સજિ આવ્યા તે અસ્વારિ સાર. ૧૮

સાથે પુત્ર હતા ત્રણ જેહ, એક તો બાપજીરાજ તેહ;

બીજા અર્જુનસિંહજી જાણો, રૂપસિંહજી ત્રીજા પ્રમાણો. ૧૯

પીપળીના આવ્યા દાદાભાઈ, બીજા પણ બહુ ભાઇ ને બાઈ;

પુજોભાઈ આવ્યા ધોલેરાથી, આવ્યા અદ્‌ભુતાનંદ તહાંથી. ૨૦

થયો ઉત્સવ નવમીનો સારો, હરિજનને હરખ આપનારો;

હરિભક્તે રસોઇયો દીધી, પૂજા પ્રેમે પ્રભુ તણી કીધી. ૨૧

સભા નિત્ય સજે ઘનશ્યામ, જ્ઞાન વાત કરે તે ઠામ;

ઘણિ લીલા કરી કમિયાળે, ધર્મરક્ષક ધર્મને લાલે. ૨૨

ધન્ય ધન્ય ત્યાંના હરિજન, વળિ ત્યાંનિ ધરા ધન્ય ધન્ય;

તે તો તીરથભૂમિ ગણાય, વ્રજ તુલ્ય સદા વખણાય. ૨૩

વિશ્વમાં જેની લીલા વંચાશે, મોટા મોટા મુનિવર ગાશે;

ચૈત્રી પૂનમનો દિન આવ્યો, વાલે ત્યાં સુધિ વાસ ઠરાવ્યો. ૨૪

અદ્‌ભુતાનંદ ને પુજોભાઈ, કહે સાંભળો જન સુખદાઈ;

ધોલેરામાં જે થાય છે ધામ, થયું તૈયાર ઘણું ખરું કામ. ૨૫

માટે આપ તહાં હવે આવો, પ્રતિમાઓ રુડી પધરાવો;

હશે મંદિર કાંઈ અધુરું, ધીમે ધીમે કરાવશું પુરું. ૨૬

એવી વિનતિ સુણી તેહ વાર, ગયા ધોલેરે ધર્મકુમાર;

સામૈયું લઈ સત્સંગિ આવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. ૨૭

પુજાભાઇ તણે દરબાર, ઉતર્યા જઇ વિશ્વઆધાર;

જોવા મંદિર શ્રીમહારાજ, ગયા લૈ સાથે મિત્રસમાજ. ૨૮

ઝાલી અદ્‌ભુતાનંદનો હાથ, ફર્યા મંદિરમાં મુનિનાથ;

અદ્‌ભુતાનંદ નિષ્કુળાનંદ, તેહ પ્રત્યે બોલ્યા જગવંદ. ૨૯

થયું મંદિર તો બહુ સારું, જોઈ રાજિ થયું મન મારું;

ઉતારે પછી શ્રીહરિ આવ્યા, નારાયણ જોશીને ત્યાં બોલાવ્યા. ૩૦

પ્રતિષ્ઠાનું મુરત જોવરાવ્યું, શુદિ તેરશ વૈશાખે આવ્યું;

સારો તે દિવસે શુક્રવાર, સુણિ રાજિ થયાં નરનાર. ૩૧

પણ મુહુરત વેગળું જાણી, બોલ્યા સૌ પ્રત્યે સારંગપાણી;

અમે એટલા દિન ન ટકાય, માટે હમણાં તો થાશું વિદાય. ૩૨

ત્યારે બોલ્યા કરીને પ્રણામ, કહું તેહ તણાં સુણો નામ;

પુજોભાઈ તથા ભોજભાઈ, બાપજીભાઈ વરહાભાઈ. ૩૩

બાપુજી ને કાયાભાઈ નામ, હતા તે પણ ક્ષત્રિ તે ઠામ;

અજુબા ફુલજીબા છે કેવાં, લક્ષમી અને રાધિકા જેવાં. ૩૪

ખીમોભાઈ તથા વનમાળી, ભક્તિ જીવણની ભલિ ભાળી;

ગગો ત્રિકમ ભક્ત કલ્યાણ, ડોસા આદિક શેઠ સુજાણ. ૩૫

ગગજી રત્નજી અને દામો, કાનજી માનજી રુડાં નામો;

એહ આદિ ઘણા પાટિદાર, સ્નેહથી હરિને સેવનાર. ૩૬

આત્માનંદ ને અદ્‌ભુતાનંદ, ત્રીજા નિષ્કુળાનંદ સ્વછંદ;

બોલ્યા સૌ હેતે જોડિને હાથ, અહો કૃષ્ણ સુણો કૃપાનાથ. ૩૭

પ્રતિષ્ઠા સુધિ રહેવાનું ધારો, પછિ ગઢપુર આપ પધારો;

ભક્તવત્સલ છો ભગવાન, માટે દ્યો એટલું સુખદાન. ૩૮

એવિ વિનતિ સુણી એહ ઠામ, રહ્યા ધવળપુરે સુખધામ;

વળતી કહ્યું વૃષકુળરાજે, ધોલેરાના જ મંદિર કાજે. ૩૯

રાધાકૃષ્ણનિ મૂર્તિયો જેહ, ગઢપુર માંહિ રાખી છે તેહ;

લેવા મોકલો બે અસવાર, સુણિ અસ્વાર કીધા તૈયાર. ૪૦

કહ્યું મૂર્તિયો લૈ ઝટ આવો, ધર્મવંશિયોને તેડિ લાવો;

દાદા ખાચરને રુડી રીતે, તેડિ લાવો કુટુંબ સહિતે. ૪૧

થયા અસ્વાર ત્યાંથિ વિદાય, પહોંચ્યા જઈ ગઢપુરમાંય;

થોડા દિવસમાં મૂર્તિયો લૈને, આવ્યા ધોલેરે હર્ષિત થૈને. ૪૨

પુષ્પિતાગ્રાવૃત્ત

ગુરુ લઘુ હરિના જ બેય ભાઈ, સહપરિવાર પધારિયા ચહાઈ;

અભય તનુજ આદિ ભક્ત જેહ, ગઢપુરથી સહુ આવિયા જ તેહ. ૪૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિમૂર્તિપ્રતિષ્ઠાર્થે-ધવળપુરવિચરણનામૈકોનપંચાશત્તમો વિશ્રામઃ ॥૪૯॥

×

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે