કળશ ૮

વિશ્રામ ૯

પૂર્વછાયો

શ્રીગિરધર ગઢપુર વિષે, વસ્યા કરિ સુખે નિજવાસ;

એ અવસરમાં આવિયું, વરષાઋતુ ચાતુર માસ. ૧

કથા મહાભારત તણી, વૃષસુતે વંચાવી ત્યાંય;

વર્ણાશ્રમના ધર્મ છે, ઇતિહાસ સહિત જેમાંય. ૨

શ્રીહરિ તો સર્વજ્ઞ છે, નથી એનું અજાણું કાંઈ;

સત્સંગીને સંભળાવવા, માવે રુચિ ધરિ મનમાંઈ. ૩

ઉપજાતિવૃત્ત (શાસ્ત્રશ્રવણ વિષે)

શાસ્ત્ર સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે;

આત્મા તથા શ્રીપરમાત્મજ્ઞાન, શાસ્ત્રો સુણ્યાથી જ મળે નિદાન. ૪

સચ્છાસ્ત્રમાં છે શુભ રાજનીતી, સચ્છાસ્ત્રમાં છે વ્યવહાર રીતી;

આ લોકનો ને પરલોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર થકી ઘણેરો. ૫

તથાપિ જેવા જન વાંચનાર, તેવી મતિ સાંભળતાં થનાર;

છે ચાળણી તુલ્ય સ્વભાવ જેને, શાસ્ત્રો વિષે દોષ જડે જ તેને. ૬

દુષ્ટો થયા રાવણ કંસ જેવા, અદ્યાપિ નિંદાય વિશેષ એવા;

એવા અધર્મી કદિયે ન થાવું, શાસ્ત્રો સુણ્યાથી સમજાય આવું. ૭

શાસ્ત્રોતણું સદ્‌ગુરુ તત્વ જાણે, વૃથા ભણેલા અભિમાન આણે;

ભક્તિ વડે ભાગ વતાર્થ સૂઝે, બુદ્ધિબળે કોઈ કદી ન બૂઝે.1

સચ્છાસ્ત્ર છે દૂધ સમાન ભાઈ, સત્સંગ તો સાકર તેહ માંઈ;

કુસંગરૂપી વિષ જો ભળાય, સચ્છાસ્ત્ર તે ઝેર સમાન થાય. ૯

ગીતા ભલી શ્રીભગવાન ભાખી, હું એક છું ઈશ્વર એમ દાખી;

તથાપિ જો કોઈ કુસંગિ ગાવે, તો જીવને ઈશ્વર તે ઠરાવે. ૧૦

જ્યારે પ્રભુના અવતાર થાય, શાસ્ત્રો જ જાણ્યે નહિ ઓળખાય;

કાલિંદિ2 કાંઠે વસતા ભણેલા, તેણે નહીં શ્રીહરિ ઓળખેલા. ૧૧

સંસ્કારથી શ્રીહરિ ઓળખાય, ભણ્યા હશે કે નહિ તે ભણ્યાય;

ગોવાળ ગોપીજન કૃષ્ણ જાણ્યા, રહ્યા ભણેલા ઋષિયો અજાણ્યા. ૧૨

સુજ્ઞાન તો સદ્‌ગુરુથી પમાય, શાસ્ત્રો સુણ્યાથી પછી પુષ્ટિ થાય;

તે માટે શાસ્ત્રો સુણવાં સનેહે, શ્રદ્ધા ધરીને મન વાણિ દેહે. ૧૩

પૂર્વછાયો

ભારત સુણિ ભગવાનનો, મહિમા સમજ્યા હરિજન;

અર્જુનસમ પ્રભુ પ્રગટનો, કર્યો આશ્રય એક અનન્ય. ૧૪

શ્રીહરિ ગઢપુરમાં વસી, જન્મઅષ્ટમિ આદિક જેહ;

ઉત્સવ અતિ ઉત્તમ કર્યા, તેડિ સંત હરિજન તેહ. ૧૫

પ્રબોધની વીત્યા પછી, શુભ આવી મકરસંક્રાંત;

ત્યારે દ્વિજોને દાન દેવા, ખુબ ધરી હરિ ખાંત. ૧૬

લાડુ કરાવ્યા તિલ તણા, તેમાં ગુપ્ત ધરાવી મહોર;

દ્વિજ ઘણાને દાન દીધાં, કોટિ ભુવનઠાકોર. ૧૭

જે કોઈ દ્વિજ આવી કહે, થયો મકરનો દિન આજ;

મકરને ઉલટાવિને,3 આપે એ દ્વિજને મહારાજ. ૧૮

સંતમંડળ સાથે લઈ, પછી વિચરિયા વૃષલાલ;

ફરતાં ફરતાં આવિયા, થોડા વાસરમાં વરતાલ. ૧૯

ત્યાં તો તૈયાર થયો હતો, મોટા મંદિરનો પરથાર;

જોઈ હૃદય રાજી થયા, ધર્મરક્ષક ધર્મકુમાર. ૨૦

ચોપાઈ

ચાલતું હતું ત્યાં કારખાનું, મોટું મંદિર તે કરવાનું;

સંત હરિજન પાળા અપાર, કરતા હતા કામ તે ઠાર. ૨૧

જોયા ત્યાં કેટલાએક કડિયા, ચણવા સારુ પાલખે ચડિયા;

લાવો લાવો ઇંટો એમ ભાખે, કોઈને પણ ઉભા ન રાખે. ૨૨

કોઇ માથે ઇંટો લેઇ આવે, કોઇ તો તગારાં ભરી લાવે;

એક એક સાથે કરે હોડ,4 દેવા વસ્તુ કરે દોડાદોડ. ૨૩

કોઈ ઠેકાણે ચૂનો પિલાય, કોઈ ઠામ ઇંટો ખડકાય;

હેડો5 ગાડાં તણી ઘણી આવે, માટી ચૂનો ઇંટો ભરી લાવે. ૨૪

થઇ એ થકી ભીડ અથાગ, રસ્તે ચાલવા નવ મળે માગ;

કરે કામ જનો ટોળે ટોળે, જય સ્વામિનારાયણ બોલે. ૨૫

ઘડે છે પથરા કોઈ ઠામ, તેના શબ્દે ગાજી રહ્યું ગામ;

ક્યાંઇ લૂહાર લોઢાં ઘડે છે, ક્યાંઇ સૂતાર કામે અડે છે. ૨૬

રસ્તે જનારા જન એહ ઠામે, જોઈ જોઈને અચરજ પામે;

જોઈ કોઈ કહે એહ ઠામ, રામે સેતુ રચી હશે આમ. ૨૭

એવું ચાલતું દેખીને કાજ, રુદે રાજી થયા મહારાજ;

અક્ષરાનંદને એહ ઠાર, આપ્યો ઉરથી પ્રસાદીનો હાર. ૨૮

માવો બોલિયા વાણી મધુરી, ઇંટો પાયામાં કેટલી પૂરી;

અક્ષરાનંદ ત્યાં એમ ભાખે, પૂરી પાયામાં તો નવ લાખે. ૨૯

ઉંડો પાયો નખાવ્યો છે એવો, મેરુ ડગતાં ડગે નહિ તેવો;

સુણી શ્રીજીએ આપી સાબાશી, ઉતર્યા મોલમાં અવિનાશી. ૩૦

પંચમી ત્યાં વસંતની આવી, સમૈયો કર્યો સૌને તેડાવી;

બામણોલી થકી તેહ ટાણે, પગી આવ્યા તખો આ ઠેકાણે. ૩૧

ઘણા હેતે કહ્યું જોડી હાથ, બામણોલિયે ચાલો હે નાથ;

કરો ખાંતે6 રુડો રંગ ખેલ, આશા પૂર્ણ કરી અલબેલ. ૩૨

મારે ગામ લીલા ભલી થાય, સતશાસ્ત્રમાં તેહ લખાય;

સુણી સંઘ સહિત જગસ્વામી, બામણોલી ગયા બહુનામી ૩૩

રુડી રીતે ત્યાં રાયણ પાસે, રંગખેલ કર્યો અવિનાશે;

જોઈ ત્યાંથિ ઈશાનમાં કૂપ, નાહ્યા ત્યાં કોટિબ્રહ્માંડ ભૂપ. ૩૪

નાથ નાહ્યા તણું નીર રાખ્યું, તખા પગિએ તે કૂપમાં નાખ્યું;

કહે કૃષ્ણ તમારો આ કૂપ, ગંગા તુલ્ય થયો તીર્થરૂપ. ૩૫

થઈ ત્યાં તો રસોઈ તૈયાર, જમ્યા સંત ને જગસૃજનાર;

પગી તખો ને બાદર નામ, બેયે પૂજ્યા પ્રભૂ સુખધામ. ૩૬

પછી પરવર્યા મહુડીયે પરે, પગી જાલમજી તણે ઘરે;

તહાં ફળિયામાં લીંબડા તળે, એક ઓટો હતો એહ સ્થળે. ૩૭

પ્રભુને તે ઉપર પધરાવ્યા, ચર્ચિ ચંદન હાર ચડાવ્યા;

રુડી રીતે દિધી ત્યાં રસોઈ, જમ્યા સૌ તેમનો સ્નેહ જોઈ. ૩૮

જ્ઞાનવાત કરી ઘણિ રાતે, વિચર્યા વરતાલ પ્રભાતે;

થોડા દિવસ વસી અહિં વાસ, ગઢપુર ગયા શ્રીઅવિનાશ. ૩૯

કથા ભારતની જે અધૂરી, હતી તે પછિ સાંભળિ પૂરી;

પુષ્પદોળ ને રામજયંતી, કરી ગઢપુરમાં ગુણવંતી. ૪૦

ત્યાંના વાસીને જે સુખ આપ્યું, તે તો કોઇથિ જાય ન માપ્યું;

જેમ અક્ષરધામના વાસી, રહે શ્રીહરિ સંગ હુલાસી. ૪૧

પુષ્પિતાગ્રાવૃત્ત

ગઢપુર જન ભાગ્યશાળિ ભાસે, પ્રગટ પ્રભૂ સમિપે વસે નિવાસે;

અવનિ ઉપર અક્ષરાખ્ય ધામ, ગઢપુર રૂપ ધરી ઠર્યું સુઠામ. ૪૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયે ગઢપુરવિચરણનામ નવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે