ભક્તિનિધિ

ગ્રંથ મહિમા

સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીનો છેલ્લો ગ્રંથ ભક્તિનિધિ ગ્રંથ છે. વળી ભક્તિનો ભંડાર-ખજાનો હોવાથી તેનું નામ પણ અતિ અન્વર્થ છે. હરિબળગીતામાં દર્શાવેલ શરણાગતિ સ્વીકારી લીધા પછી શરણાગતનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય ભક્તિ છે. એટલે કે પુરુષોત્તમને પ્રસન્ન કરવાનું મુખ્ય સાધન આ ભક્તિ છે. તેથી આ ગ્રંથમાં ભક્તિનું સાંગોપાંગ વર્ણન કરવામાં આવ્યું છે. જીવનમાં ગમે તેટલા ગુણો હોય પણ જ્યાં સુધી ભક્તિ પ્રગટ ન થાય ત્યાં સુધી તે સર્વ નિષ્ફળ છે. પ્રભુભક્તિ જ જીવનનું સારરૂપ સાચું ફળ છે. શ્રીહરિએ શિક્ષાપત્રીમાં આ વાત લખી છે:

गुणिनां गुणवत्ताया ज्ञेयं ह्येतत् परं फलम् ।
कृष्णे भक्तिश्च सत्संगोऽन्यथा यान्ति विदोऽप्यधः ॥

જો જીવનમાં ભગવદ્‌ભક્તિ અને સંતોનો સંગ નથી તો બીજા અપાર સદ્‌ગુણોવાળા વિદ્વાનોની પણ અધોગતિ થાય છે. વળી, કાચના વાસણની જેમ બીજાં સાધનો ઉપર કાળ-માયાનો સદા ભય છે, જ્યારે ભક્તિ સોનાનો કળશ છે. આમ ભક્તિનું સર્વોત્કૃષ્ટ ગૌરવ છે. શાસ્ત્રોમાં ભક્તિને જ પ્રેમ, ઉપાસના, ધ્યાન, સેવા, વગેરે વિવિધ શબ્દોથી વર્ણવેલ છે. આવી ભક્તિ વિષે નિષ્કુળાનંદ સ્વામીએ આટલી બાબતો ઉપર પ્રકાશ કર્યો છે.

(૧) પ્રગટ પ્રભુની ભક્તિ (૨) નિષ્કામ ભક્તિ (૩) પતિવ્રતા જેવી અનન્ય ભક્તિ (૪) ધર્માદિ ત્રણ અંગો તથા મહિમા સહિત ભક્તિ (૫) પૂર્ણ પ્રેમ લક્ષણા ભક્તિ.

આટલા વિષયો નિષ્કુળાનંદ સ્વામી નીચેની પંક્તિમાં અદ્‌ભુત રીતે સમજાવે છે:

ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ ।
ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વદે છે ચારે વેદ ॥ (દોહો-૩)
બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું ।
પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું ॥ (૪૪-૭)

વળી પતિવ્રતાના દૃષ્ટાંતે તેવી પ્રભુમાં પ્રીતિ કરવાનું આ રીતે સૂચવ્યું છે:

જેમ પતિવ્રતા હોય અમદા, તે પતિ વિના પુરુષ પેખે નહિ ।
બીજા સો સો ગુણે કોઈ હોય સારા, તોય દોષિત જાણી દેખે નહિ ॥ (૩૭-૪)
તેમ ભક્ત ભગવાનના, હોય પતિવ્રતાનું પ્રમાણ ।
પ્રભુ વિના બીજું ન ભજે ભૂલ્યે, તે સાચા સંત સુજાણ ॥ (૩૭-૫)

સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામી કુલ ૮૨ વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા. તેમાં તેમની ૮૦ વર્ષની ઉંમરે, સંવત ૧૯૦૨માં રચાયેલા આ ગ્રંથ જીવનના પરિપાકરૂપ અતિ અદ્‌ભુત છે.

આ ગ્રંથમાં કુલ ૪૪ કડવાં, ૧૧ પદ, બે દોહા અને એક છેલ્લે ધોળ પદ છે. કુલ મળીને ૫૦૮ ચરણો છે. ધોલેરા ધામ આ ગ્રંથની જન્મભૂમિ છે.

કડવું 🏠 home